સબ હેડિંગ: ૨૦૦૪ વખતે અટલજી અસ્વસ્થ, નબળા અને નિરાશ જણાતા હતા. ઇન્ટરવ્યૂમાં પણ તેમની નિરાશા દેખાતી હતી. મોદીએ ૨૦૦૪ની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી કાળજી રાખી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૧૯)

રાયબરેલીમાંથી પોતાનો નામાંકનપત્ર ભરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૨૦૦૪ને ભૂલો નહીં, નરેન્દ્ર મોદી અજેય નથી. આ વખતે ભાજપ જીતે તેમાં લોકોને શંકા ઉપજે તેવા કોઈ વર્તારા સ્પષ્ટ રીતે દેખાતા નથી પરંતુ રાજકીય વિશ્લેષકો ચોક્કસપણે કોઈ સ્પષ્ટ લહેર ન દેખાતી હોય તેમ કહીને પોતે મૂંઝાયેલા છે તેવું જાહેર કરી રહ્યા છે.

કેટલાક કહી રહ્યા છે કે ૨૦૦૪માં પણ ભાજપ તરફી જબરજસ્ત પ્રચાર હતો અને ઇન્ડિયા શાઇનિંગ અને ફીલગુડ સૂત્રોના કારણે અટલબિહારી વાજપેયીની એનડીએ સરકાર સ્પષ્ટ  બહુમતી સાથે ફરીથી જીતશે જ તેમ લોકોને લાગી રહ્યું હતું પરંતુ કૉંગ્રેસ ચૂપચાપ પોતાના યુપીએ મોરચા સાથે જીતી ગઈ. ભલભલા રાજકીય પંડિતો તે વખતે ગોથું ખાઈ ગયા હતા.

શું આ વખતે ફરીથી રાજકીય પંડિતો ગોથું ખાઈ જશે? કારણ કે કોઈ લહેરના અભાવમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે. તેનો રથ ૨૦૦ની આસપાસ અટકી જશે અને તેથી મોરચા સરકાર માટે નરેન્દ્ર મોદી સર્વસ્વીકૃત નેતા નહીં હોય અને તેવા સંજોગોમાં નીતિન ગડકરીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની શકે છે.

જોકે ૨૦૦૪ના સંજોગો અને ૨૦૧૯ની સરખામણી કરીએ તો બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. પહેલાં તો સામ્યતાની વાત કરીએ. ૨૦૦૪માં ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોના લીધે રામવિલાસ પાસવાન અને ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડી ગયા હતા. આ વખતે ચંદ્રાબાબુ નાયડુએ તો એનડીએ છોડી દીધો છે પરંતુ રાજકીય હવામાનશાસ્ત્રી તરીકે ખ્યાત રામવિલાસ પાસવાન એનડીએ સાથે જ છે અને તેથી એમ કહી શકાય કે ૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થવાનું નથી. ઉલટું ખેડૂતો, મધ્યમ વર્ગ અને શ્રમિકોને ખુશ કરનારા કેન્દ્રીય અંદાજપત્ર પછી આ રાજકીય હવામાનશાસ્ત્રીએ આગાહી કરી હતી કે એનડીએને ૪૦૦ ઉપરાંત બેઠકો મળશે. અને એ વાત સાચી છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા ૨૦૦૦ની રકમ, શ્રમિકોને પેન્શન તથા મધ્યમ વર્ગને રૂપિયા પાંચ લાખ સુધી આવકવેરામાં છૂટ, આર્થિક રીતે નબળા એવા સવર્ણોને ૧૦ ટકા અનામત વગેરે જાહેરાત દ્વારા મતદારના દરેક વર્ગને ખુશ કરવાના પ્રયાસ મોદી સરકારે કર્યા હતા અને આ પહેલાં ૨૦૧૮ના બજેટમાં આયુષ્માન ભારત નામની વિશ્વની સૌથી મોટી આરોગ્યસંભાળ યોજનામાં પચાસ  કરોડ ગરીબોને આવરી લેવાયા છે અને અનેક ગરીબ દર્દીઓએ તેનો લાભ ઉઠાવ્યો છે. તેમાંના કેટલાક નરેન્દ્ર મોદીને આ માટે આશીર્વાદ આપતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. દીનદયાળ જન ઔષધિ કેન્દ્રો દ્વારા જેનેરિક દવા પણ સસ્તી ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘૂંટણની સર્જરી અને હૃદય માટે સ્ટેન્ટ મુકાવું પણ સસ્તુ બન્યું છે. આ ઉપરાંત મોંઘવારી પણ ઠીકઠીક અંશે કાબૂમાં રખાઈ છે. જીએસટી તાર્કિક બનાવીને વેપારી વર્ગની ફરિયાદ દૂર કરવાનો પ્રયાસ પણ મોદી સરકારે કર્યો છે.

અટલબિહારી વાજપેયી સરકારનો પરાજય થયો તેમાં એક કારણ હિન્દુઓની નારાજગી હતી. રામ મંદિર માટે મહંત રામચંદ્ર જ્યારે ધરણા પર બેઠા ત્યારે સેનાને મોકલીને અટલ બિહારી વાજપેયી સરકારે જે પગલાં લીધાં તેના કારણે હિન્દુ નારાજ થયા હતા. આ ઉપરાંત ૨૦૦૨નાં રમખાણો વખતે અટલબિહારી વાજપેયીનો વિડિયો જેમાં તેઓ નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન તરીકે રાજધર્મનું પાલન કરવાની સલાહ આપે છે તે પ્રચલિત થયો હતો તેના કારણે પણ હિન્દુ નારાજ હતા. આ ઓછું હોય તેમ અટલબિહારી વાજપેયી માથે મુસ્લિમ ટોપી અને ગળામાં મુસ્લિમ પ્રકારનો ખેસ પહેરી મુસ્લિમ તુષ્ટીકરણ કરતા જોવા મળ્યા હતા. આ જ કારણ હતું કે ૨૦૦૪માં ગુજરાતમાં ભાજપને ફક્ત ૧૪ બેઠકો જ મળી હતી જે તેના પરાજયનું એક મુખ્ય કારણ હતું.  માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓ પણ આ પ્રકારના મુસ્લિમ તુષ્ટિકરણ અને નરેન્દ્ર મોદીને કહેવાતા ઠપકાથી નારાજ હતા. બીજી તરફ સેક્યુલર મીડિયા દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશમાં ચર્ચ ને મુસ્લિમો પર હુમલાના પ્રશ્ને કાગારોળ મચાવી લઘુમતી ભયમાં હોવાનાં ગાણાં ગયા હતા તેથી તે વર્ગ પણ સાથે ન હતો. આમ અટલજી માટે પેલી ઉર્દૂ પંક્તિ જેવું થયું હતું-ન ખુદા મિલા, ન વિસાલ-એ-સનમ, ન ઈધર કે રહે, ન ઉધર કે હમ.

અટલબિહારી વાજપેયી સામે સંઘ પરિવારની સંસ્થાઓ પણ બોલકો વિરોધ વ્યક્ત કરવામાં કોઈ મોકો છોડતી ન હતી ચાહે તે વિશ્વ હિન્દુ પરિષદ હોય, સ્વદેશી જાગરણ મંચ હોય કે ઇવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય. મિડિયાનું માઇક દેખાયું નથી ને નિવેદન આપ્યું નથી. આના કારણે અટલબિહારી વાજપેયી પણ પત્રકારો દ્વારા સંઘ પરિવારના પ્રશ્ને જ વધુ ઘેરાયેલા રહેતા હતા. લેફ્ટ-લિબરલ મીડિયાએ અટલબિહારી વાજપેયીની સંઘ પરિવારમાં અટુલા પાડી દેવાયેલા નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. સામે પક્ષે અટલજીની પણ વેદના કવિતાના માધ્યમથી ક્યારેકક્યારેક છલકાઈ આવતી હતી. સંઘ પરિવારના સમર્થકોમાં અટલબિહારી વાજપેયીની સરકાર સામે મૂંઝવણ હતી. સેેક્યુલર મિડિયાની ખંધાઈ સંઘ પરિવાર સમજી ગયો હોય તેમ આ વખતે પ્રવીણ તોગડિયાના પ્રકરણને બાદ કરીએ તો સંઘ પરિવારે પોતાના મતભેદ બંધબારણે ઉકેલવાનું વધારે પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.

બીજી તરફ હિન્દુત્વના મુદ્દે નરેન્દ્ર મોદીએ હંમેશાં પોતાની હિન્દુ સમ્રાટ તરીકે છબી યથાવત જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે સાથે કાશીમાં ગંગા માતાની આરતી દ્વારા, નેપાળમાં પશુપતિનાથ મંદિરમાં પૂજા દ્વારા, બાંગ્લાદેશમાં ઢાકેશ્વરી મંદિરની મુલાકાત દ્વારા, કુંભમાં સ્નાન દ્વારા તેમણે પોતાની હિન્દુની છબી યથાવત જાળવી રાખી છે. તેમણે ઇફતાર પાર્ટીઓ તો બંધ કરી જ, વિપક્ષોને પણ મંદિર તરફ દોડતા કરી દીધા છે. અયોધ્યામાં ભવ્ય દિવાળીની ઉજવણી અને ભવ્ય મહાકુંભનું આયોજન કરીને મોદી અને યોગીની જોડીએ હિન્દુવાદીઓનાં હૃદય જીતી લીધાં છે. યુ. એ. ઇ. જેવા ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ મંદિર માટે જગ્યા મેળવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા તે વાત પણ તેમની હિન્દુવાદીની છબી પુષ્ટ કરે છે. તેમણે મુસ્લિમોના તુષ્ટિકરણનો દેખીતો કોઈ પ્રયાસ કર્યો નથી. ઉલટું, ટ્રિપલ તલાકના મુદ્દે વારંવાર વટહુકમ લાવી અને મુસ્લિમ મહિલાઓને પોતાના પક્ષે તો કરી જ છે પરંતુ સાથે હિન્દુવાદીઓને પણ આ મુદ્દા દ્વારા ખુશ કર્યા છે, કારણકે આ માર્ગ યુનિફોર્મ સિવિલ કૉડ તરફ જાય છે. યમન કે સિરિયા જેવા ગૃહયુદ્ધ ગ્રસ્ત દેશોમાંથી ખ્રિસ્તી કે અન્ય પંથીઓને ઉગારવામાં મોદી સરકારની સફળતા તેમની સબ કા સાથ સબ કા વિકાસની છબી દૃઢ બનાવે છે.

૨૦૦૧માં સંસદ પર હુમલા પછી અટલબિહારી વાજપેયીએ ‘આરપાર કી લડાઈ હોગી’ એવી જાહેરાત કરી હતી અને તે પછી સરહદે સૈનિકોને તૈના પણ કરાયા હતા પરંતુ તે વખતે દેશમાં પાંચમી કતારીયા લોકો અત્યાર કરતાં ઘણી મોટી સંખ્યામાં હતા જેથી સેના જે રસ્તે જતી તે રસ્તે સુરંગ વિસ્ફોટ થતા અને સેનાના શસ્ત્રાગારના ડેપોમાં આગના બનાવો બનતા હતા. સરહદે સેનાની તૈનાતીનો ખર્ચ ખૂબ જ થતો હોય છે. આ ખર્ચ ભારતને તો પોસાય પરંતુ પાકિસ્તાનને મોંઘો પડી ગયો હતો. તદુપરાંત પાકિસ્તાનના વિમાન અને ભારતીય વાયુ સીમા પરથી ઉડવા પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ બધાં પગલાંના કારણે પાકિસ્તાનને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો હતો પરંતુ તે સીધો ધ્યાનમાં આવે તેમ નહોતો. તે વખતે સોશિયલ મીડિયા ટીમ પણ નહોતી કે જે સરકારી વાત જનતા સુધી પહોંચાડે. મેઇન સ્ટ્રીમ મિડિયાના મોટાભાગના લોકો લેફ્ટિસ્ટ હોવાના કારણે સરકારની વાત મીડિયા દ્વારા પણ જનતા સુધી પહોંચતી ન હતી. આની સામે નરેન્દ્ર મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક અને ઍરસ્ટ્રાઇક કરી અને જનતાને પોતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોવાનો સ્પષ્ટ સંદેશો પાઠવવામાં સફળતા મેળવી છે.

પરંતુ ઘણી બધી બાબતો તમારા પક્ષમાં હોય એમ છતાં તમે જો જનતા સુધી પહોંચાડી ન શકો તો ચૂંટણીમાં તમને એનો ફાયદો થતો નથી. આ વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી બરાબર જાણે છે. આથી જ તેમણે એક વર્ષ પહેલાંથી ચૂંટણીની તૈયારીઓ પ્રચાર અને સંગઠન એમ બંને સ્તરે શરૂ કરી દીધી હતી. એક તરફ નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સથી મળી રહ્યા હતા તો બીજી તરફ અમિત શાહ ‘સંપર્ક ફોર સમર્થન’, ‘મારો પરિવાર ભાજપ પરિવાર’ વગેરે અભિયાનો દ્વારા સંગઠનને સતત ચેતનવંતુ રાખી રહ્યા હતા. તેમની સૂચના મુજબ વિરોધી પક્ષમાંથી કેટલાક નેતાઓને ભાજપમાં લવાઈ રહ્યા હતા. અટલબિહારી વાજપેયી સરકાર વખતે એવું થયું હતું કે સંગઠનના માસ્ટર લાલકૃષ્ણ અડવાણી ભારત ઉદય યાત્રા કાઢી રહ્યા હતા જેના કારણે પક્ષ તેમાં વ્યસ્ત હતો. આ રીતે બન્ને મોટા નેતાઓ માત્ર પ્રચારમાં જ જોડાયેલા હતા. વળી પક્ષમાં જૂથવાદ પણ મોટાપાયે હતો તેમ પ્રમોદ મહાજને ચૂંટણી પછી રજત શર્માને આપ કી અદાલતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. પ્રમોદ મહાજને એ પણ સ્વીકાર્યું હતું કે હાઇ ટૅક પ્રચારના કારણે ગામડાંનો સીધો સંપર્ક છૂટી ગયો હતો. નરેન્દ્ર મોદી-અમિતભાઈએ આ બાબતે ધડો લીધો લાગે છે, કારણકે આ વખતે ૨૦૧૪ની જેમ હૉલૉગ્રામ દ્વારા થ્રીડી સભા કરાઈ નથી. નેતાની તંદુરસ્તી અને સ્ફૂર્તિ પણ મહત્ત્વની ગણાય. અટલજીની ઉંમર તે વખતે ૮૦ વર્ષ હતી. ઘૂંટણની સર્જરીના કારણે ડગુમગુ ચાલતા. પોતાની વાતમાં લાંબો વિરામ લેતા. ૨૦૦૪ના એનડીટીવીના રાજદીપના ઇન્ટરવ્યૂમાં (તબિયતના લીધે) અસ્વસ્થ, નિરાશ જણાતા હતા. આની સામે મોદીની ઉંમર ૬૮ વર્ષની જ છે. ખૂબ જ સ્ફૂર્તિ દેખાય છે. ઇન્ટરવ્યૂઓમાં પણ ક્યાંય પ્રશ્નોની જાળમાં ફસાતા નથી. રાજદીપ જેવાને ઇન્ટરવ્યૂ જ આપ્યા નથી.

 ૨૦૦૪માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીતના લીધે ભાજપે વહેલી ચૂંટણી આપી દીધી, પરંતુ ચૂંટણી પંચે પ્રચારમાં ત્રણ મહિનાનો લાંબો સમયગાળો રાખ્યો. તેમાં ઇન્ડિયા શાઇનિંગનો એકનો એક મુદ્દો ચાલ્યો નથી. ગયા વખતે ભાજપનો મોરચો વિખેરાયેલો અને યુપીએ મજબૂત જણાતો હતો. સોનિયા ગાંધી પણ ભાજપના વિદેશી કુળની મહિલાના પ્રચારમાં સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યાં હતાં. આ વખતે તેમ નથી. રાહુલ તો ઠીક, પ્રિયંકા પણ ખાસ દમ નથી દેખાડી શક્યાં. ઉલટું, ચાલુ ચૂંટણીમાં રાફેલ મુદ્દે સુપ્રીમ કૉર્ટના નિર્દેશના ખોટા અર્થઘટન બદલ રાહુલને ઠપકો અને અવમાનનાની નૉટિસ મળતાં તેમને બે વાર દુ:ખ વ્યક્ત કરવું પડ્યું છે. કૉંગ્રેસ ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એકલી ચૂંટણી લડી રહી છે. વળી, છેલ્લાં બે વર્ષમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળમાં ભાજપે મજબૂત ટક્કર આપીને ત્યાંનું ચિત્ર બદલવા પ્રયાસ કર્યો છે, જેના લીધે આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સારો ફાયદો થતો જણાઈ રહ્યો છે. વળી, ભાજપ સમર્થકોમાં એ પ્રચાર પણ છે કે ૨૦૦૪માં મતદાનમાં નિરસતા દાખવી દસ વર્ષ સહન કરવું પડ્યું તેવું આ વખતે થવા દેવું નથી.

ટૂંકમાં, આ તબક્કે, મોદી સરકાર સત્તામાં ફરીથી વધુ સારી રીતે પુનરાગમન કરે તેવાં સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યાં છે.

Advertisements

One thought on “૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

  1. बहुत अभ्यास पूर्ण और उपयोगी जानकारी के साथ लिखा गया है.
    दिये गये तर्क बुध्धि गम्य और सराहनीय है.

    धन्यवाद और शुभकामनाएं

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.