સબ હેડિંગ: આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૨-૦૫-૧૯)

કુદરતી ઘટનાઓ ચૂંટણીનો સમય જોઈને નથી આવતી! સાપની ફેણ પરથી જેનું નામ બાંગ્લાદેશે પાડ્યું તે વાવાઝોડા ‘ફણી’એ બરાબર ચૂંટણી સમય જ પસંદ કર્યો. સારું છે કે વિપક્ષોની બુદ્ધિ હજુ બરાબર સાબૂત છે, નહીંતર આક્ષેપ કરત કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ બિનભાજપી રાજ્યોમાં આ વાવાઝોડું લાવ્યું.

આ વાવાઝોડાએ બે સારી વાત ઉજાગર કરી અને એક અત્યંત નિમ્ન કક્ષાનું રાજકારણ દેખાડ્યું. બે સારી વાત પૈકી એક સારી વાત એ કે ભારતે આપત્તિ પ્રબંધન એટલું સારું કર્યું કે સંયુક્ત રાષ્ટ્રોએ તેની પ્રશંસા કરી. આપણે ત્યાં મિડિયામાં સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકા કે અંગ્રેજોના પ્રભુત્વવાળા કોઈ પણ દેશની સાવ ફાલતુ કક્ષાની સમિતિ પણ જો ભારતની કોઈ બાબતે ટીકા કરે તો અખબારોમાં તેનું સ્થાન પહેલું પાનું અને ટીવીમાં પ્રાઇમ ટાઇમ બને છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો કે અમેરિકા ભારતની સરકારની સારી વાતની પ્રશંસા કરે તો તેને અંદરના પાને કે નોન સ્ટોપ ન્યૂઝમાં સ્થાન આપી દેવાય છે.

અત્યાર સુધી કોઈ પણ સરકારમાં આવું બનવાના કારણે ભારત અને સરકાર પ્રત્યે સામાન્ય નાગરિકની માનસિકતા નકારાત્મક બની ગઈ છે. ભારતમાં કશું સારું થતું જ નથી તેવું ચિત્ર મિડિયાના આ વલણના કારણે બને છે.

ઠીક છે. આપણે ફરી વાવાઝોડાની વાત પર પાછા ફરીએ. સંયુક્ત રાષ્ટ્રો અને બીજા નિષ્ણાતોએ ભારતની વહેલાસર ચેતવણી આપવાની પ્રણાલિની અને દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘર ખાલી કરાવવા માટે પ્રશંસા કરી. તેના લીધે પૂર્વીય કાંઠે આવેલા આ વાવાઝોડાથી જાનહાનિ લઘુતમ થઈ.

અત્યાર સુધી શું સમાચાર આપણે જોતા હતા?

એ જ કે ફલાણા વાવાઝોડાની જાણ હતી તો પણ સરકારે પગલાં ન લીધાં અને આટલા લોકો માર્યા ગયા. કોના પાપે? આવું આવું કહીને સરકાર પર માછલાં ધોવાતાં અને આવું ક્યારે થતું? ચૂંટણી ન હોય તેવા સમયે. હવામાન ખાતું પણ સારું એવું બદનામ થતું. તેનાં કાર્ટૂનો બનતાં જેમ કે કાર્ટૂનમાં અખબારમાં લખ્યું હોય, “આજે વરસાદ પડવાની સંભાવના નથી.” અને પત્ની પતિને કહી રહી હોય કે “છત્રી લઈને જાવ. આજે ચોક્કસ વરસાદ આવશે જ, કારણકે હવામાન ખાતાને તેની ના પાડી છે.”

પરંતુ આ વાવાઝોડા સમયે ચૂંટણી ધમધોકાર ચાલી રહી હતી એવા સમયે જ ૩ મેએ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં. આ આપત્તિને પહોંચી વળવા ૭,૦૦૦ રસોડાં અને ૯,૦૦૦ આશ્રયગૃહો ઊભાં કરાયાં હતાં. ૧૯૯૯માં આવેલા વાવાઝોડામાં દસ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે આ વખતે આ આંકડો અંદાજે ૩૮ આસપાસ રાખી શકાયો! ક્યાં દસ હજાર અને ક્યાં ૩૮!

બીજી વાત એ સારી જોવા મળી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય હુંસાતુંસી બાજુમાં મૂકીને નવીનબાબુની પ્રશંસા કરી. વડા પ્રધાન પોતે ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને ઓડિશાને થયેલું નુકસાન જોવા ગયા ત્યારે તેમણે તેમણે આપત્તિ પ્રબંધનમાં સંકળાયેલી રાજ્ય સરકાર, અધિકારીઓ, કર્મચારીઓ, અને લોકોના વિસ્થાપનમાં લાગેલા સહુ કોઈની પ્રશંસા કરી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારું સંકલન રહ્યું તેમ પણ તેમણે કહ્યું. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા સાથે જ હતી. સદનસીબે તેનું મતદાન ૨૯ એપ્રિલે સંપન્ન થઈ ગયું હતું. પરંતુ આમ છતાં પ્રચારમાં કડવાશ અને ખટાશ તે પછી પણ રહી જતી હોય છે. કેટલાકે આમાંથી એવો દૃષ્ટિકોણ કાઢ્યો કે એ તો ૨૩ મે પછી નવીનબાબુના ટેકાની જરૂર વડા પ્રધાનને પડવાની છે એટલે સંબંધ આગોતરા સારા કર્યા.

ખરાબ વાત એ બની કે આ વાવાઝોડાની આપત્તિ વખતે પણ મમતા બેનર્જી વડા પ્રધાન મોદી પ્રત્યેની કડવાશ ભૂલી શક્યાં નહીં. ચૂંટણીના એક પછી એક તબક્કા જેમ જતા જાય છે તેમ મમતાદીદી વધુ ને વધુ આકરાં થતાં જોવાં મળ્યાં. છેલ્લે તો તેમણે (૭ મેએ) “મને મોદીને લોકશાહીની થપ્પડ મારવાનું મન થાય છે” તેમ કહી દીધું, પરંતુ તે પહેલાં આ વાવાઝોડા વખતે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો. એક તરફ મોદી અક્ષયકુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં એમ કહે છે કે મમતાદીદી તો તેમને કુર્તા અને બંગાળી મીઠાઈ પણ મોકલાવે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં પોતાને મોદી વિરોધી દેખાડવા કુદરતી આફત અંગેની બેઠકમાં તેઓ ન ગયાં. તેમણે કહ્યું, “હું તેમને દેશના વડા પ્રધાન નથી માનતી તેથી હું બેઠકમાં જોડાઈ નહીં. હું તેમની સાથે એક મંચ પર જોવા માગતી નથી અને હવે આના પર હું આગામી વડા પ્રધાન સાથે જ વાત કરીશ. અમે વાવાઝોડાનો સામનો કરવા પોતે જ સક્ષમ છીએ. અમારે કેન્દ્ર સરકારની મદદની જરૂર નથી.”

કદાચ મમતાને બીક હશે કે વડા પ્રધાન મોદી આ મદદનો રાજકીય લાભ ઉઠાવી લેશે તો? પરંતુ તેઓ જો તેમ કરવા જાય તો તેઓ જ ભોંઠા પડવાના હતા તે મમતાદીદીએ વિચાર્યું નહીં. અને બીજું કે તેઓ મોદીને દેશના વડા પ્રધાન જ નથી માનતાં તે જાહેરમાં કહેવું કેટલું યોગ્ય? વિચારો કે, ન કરે નારાયણ ને આવાં મમતા બેનર્જી આવતીકાલે વડાં પ્રધાન થાય અને તેમને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન વડાં પ્રધાન માનવા ઈનકાર કરી પોતાની રીતે જ રાજ્યનો વહીવટ ચલાવે તો? આ રીતે તો તો સમવાયતંત્ર (ફેડરલિઝમ) તૂટી પડે. કેન્દ્રમાં સત્તામાં હોય તે પક્ષથી વિરુદ્ધ પક્ષના શાસક મુખ્યપ્રધાનો પોતાની રીતે રાજ્ય ચલાવવા જાય તો દેશ ભાંગી પડે. મોદી પણ મુખ્યપ્રધાન હતા ત્યારે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા જતા હતા અને પોતાની વાત રજૂ કરતા હતા.

પોતાના રાજ્યમાં સીબીઆઈના અધિકારીઓને ન આવવા દેવા, આવે તો તેમની કોઈ ગલીના ગુંડાઓની જેમ ઘસડીને ધરપકડ કરવી, વિરોધી પક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારમાં હેલિકૉપ્ટર ઉતરવા મંજૂરી ન આપવી, રથયાત્રા કાઢવા માટે મંજૂરી ન આપવી, ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોને ફૉર્મ ભરવા પક્ષના ગુંડા જેવા કાર્યકર્તાઓ દ્વારા હુમલા કરાવવા…શું આ બધું લોકશાહીને શોભે? પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જૂનાગઢના કેટલાક બદમાશો (જેમના રાજકીય ગોત્રની ખબર નથી) દ્વારા મતદાનને રોકવાનો વિડિયો વાઇરલ થયો એટલે મિડિયા પર શોરબકોર ચાલુ થઈ ગયો જ્યારે પશ્ચિમ બંગાળમાં તો લગભગ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જ પડી ભાંગી છે. મતદાનના દરેક તબક્કામાં, માત્ર ભાજપ જ નહીં, ડાબેરી, કોંગ્રેસ વગેરે પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. બુથ કેપ્ચર કરવાના પ્રયાસો થયા છે. પરંતુ સેક્યુલર-લિબરલ મિડિયા મૌન તમાશો જુએ છે.

 ઠીક છે. પરંતુ વાવાઝોડા ઉપરાંત બીજી એક બાબતે પણ ભારતે ખુશ થવા જેવું છે અને તે એ કે સંયુક્ત રાષ્ટ્રોએ ત્રાસવાદ વિરોધી કામમાં ભારતના ચાલુ રહેલા સમર્થનની પ્રશંસા કરી છે. ત્રાસવાદનો સૌથી વધુ ભોગ જો કોઈ બન્યું હોય તો તે ભારત અને નાઈજીરિયા જેવા દેશો છે. એટલે ભારત ત્રાસવાદ વિરોધી કામમાં સંપૂર્ણ રીતે સહાય આપે જ, તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ સમાચારનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે તાજેતરમાં મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં સફળતા ભારતે મેળવી (જેને પણ લિબરલ-સેક્યુલર મિડિયાએ ડાઉનપ્લે કર્યું) અને શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની આવડી મોટી ઘટના બની જેમાં ૨૦૦ કરતાં વધુ મૌલવીઓને દેશમાંથી હાંકી કઢાયા તે પછી આ ત્રીજા મોટા સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્રોએ ભારતની પ્રશંસા કરી તે ઘટનાને પણ આ સેક્યુલર-લિબરલ મિડિયા દ્વારા ડાઉનપ્લે કરાયું.

કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ટૅક્નૉલૉજી અને સાચી દિશામાં કામ કરવાની પદ્ધતિ વિકસે, કેન્દ્ર-રાજ્ય સંયુક્ત રીતે મળીને કામ કરે તો ચોક્કસ ફણીને ઉગારી શકાય છે, વળી, ગુપ્તચર તંત્રની સૂચના માનવામાં આવે તો કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં ત્રાસવાદી ઘટનાઓ બનતી રોકીને નાગરિકોની જાનહાનિ ટાળી શકાય છે.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.