(૦૮-૦૬-૧૯ના ‘સાધના’ સાપ્તાહિકમાં પ્રકાશિત લેખ)

જ્યારે આ લેખક પત્રકારત્વના વ્યવસાયમાં પ્રવેશ્યો ત્યારે પત્રકારત્વના અભ્યાસની ડિગ્રી માગવામાં આવતી નહોતી. લખતા આવડવું જોઈએ. સમાચારની સૂજ હોવી જોઈએ તેમ મનાતું હતું. તે પછીનાં કેટલાંક વર્ષોમાં જ પરિવર્તન આવ્યું અને હવે કૉર્પોરેટ બની ગયેલા મિડિયા હાઉસમાં પત્રકારત્વમાં ડિગ્રી જરૂરી બની ગઈ છે. આવું જ બીજા અનેક વ્યવસાયોમાં જોવા મળે છે.

પરંતુ હવે પ્રશ્ન ઊઠી રહ્યો છે કે શું ડિગ્રી જ મહત્ત્વની છે? ડિગ્રી એ આવડત અને શિક્ષણનું ખરું પ્રમાણપત્ર છે? ઘણા એવા લોકો આજે મિડિયામાં છે જેમને સરખું લખતા કે સાચું ગુજરાતી/હિન્દી/અંગ્રેજી બોલતા નથી આવડતું, અને તેમણે પત્રકારત્વની ડિગ્રી પૈસા ખર્ચીને લીધી હોય છે! ઘણા એવા તબીબો હોય છે જેમને સારવારનું પૂરતું જ્ઞાન નથી હોતું. તેમણે મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની જેમ ડિગ્રી લીધી નથી હોતી. તેમણે પરીક્ષા મહેનત કરીને જ ઉત્તીર્ણ કરી હોય છે, પરંતુ પરીક્ષા પાસ કરવાથી નિપુણતા નથી આવતી. ‘થ્રી ઇડિયટ્સ’માં રેન્ચો કહે છે તેમ, વિદ્યાર્થીઓ અને કારકિર્દીવાંચ્છુકોએ નિપુણતા પાછળ ભાગવું જોઈએ, સફળતા આપોઆપ પાછળ આવશે.

કાયદાનું ભણનાર ઘણા વકીલો બેરોજગાર અથવા તો વધુ આકરા શબ્દોમાં કહીએ તો માખી મારતા હોય છે. તેનું કારણ એ હોય છે કે તેમણે કાયદાનું ભણી તો લીધું છે, પરંતુ તેમાં જોઈએ તેવી નિપુણતા મેળવી નથી. તેમને કેટલી કલમો મોઢે હશે?

આપણા સમાજની તકલીફ એ છે કે માતાપિતા અને વિદ્યાર્થીઓ ગાડરિયા પ્રવાહની જેમ ચાલે છે. લાંબું વિચારતા નથી. અત્યારે બધા વિદ્યાર્થીઓ ડૉક્ટર અને એન્જિનિયરિંગ તરફ ધસારો કરે તો તેમની સાથે પોતે પણ ધસારો કરશે. માતાપિતા પણ તેમના સંતાનની કઈ વિદ્યાશાખામાં રૂચિ છે તે જાણ્યા વગર અથવા તો જાણતા હોય તો ‘સંગીત/નૃત્ય/લેખન તો ડૉક્ટર બનીને કે એન્જિનિયર બનીને પણ તેની સાથે કરી શકાશે.’ તેમ કહીને પોતાના સંતાનને મન ન હોય તો પણ વિજ્ઞાન પ્રવાહ લેવાની ફરજ પાડે છે. આવા વિદ્યાર્થી ડૉક્ટર તો થઈ જાય છે પણ તેમાં રૂચિ અને નિપુણતા ન હોવાના કારણે પછી માતાપિતાના લાખો રૂપિયાના ખર્ચે ક્લિનિક ખોલી માખી મારતા બેસે છે. એન્જિનિયર બની ગયેલા સંતાનને પાંચ-સાત હજારની નોકરી મળે ત્યારે પછી માતાપિતા કે આવા વિદ્યાર્થીઓ તંત્ર અને સરકારને દોષ આપે છે.

પરંતુ સીધીસાદી વાત એ છે કે જે નોકરી માટે વધુ ધસારો હોય ત્યાં પગાર ઓછા જ હોવાના. જે કૌશલ્ય બહુ ઓછા લોકોમાં હોય તેના માટે મોં માગ્યા પગાર આપનારા હશે. પરંતુ આવું કૌશલ્ય બહુ બધા લોકોમાં હોય તો ગરજના ભાવ થાય. તેથી નોકરી આપનારા જે પગાર આપે તે સ્વીકારી લેવો પડે. આથી બારમા ધોરણમાં આવ્યા પછી લાંબું વિચારીને આજથી દસ વર્ષ પછી કયા ક્ષેત્રની માગ વધુ હશે તે વિચારીને તે ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે તો ઉજળું ભવિષ્ય રહે. દા.ત. આજથી વીસ વર્ષ પહેલાં એમબીએ, એમસીએ વગેરે અભ્યાસની શરૂઆત ભારતમાં ઘણી જગ્યાએ થયેલી. તે વખતે હજુ આઈ.ટી. ક્ષેત્રનો સિતારો ઉભરતો હતો. પરંતુ જેમજેમ આ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ ભણીને બહાર પડતા ગયા તેમ તેમ આ ક્ષેત્રમાં પગાર ઓછા મળવા લાગ્યા. વળી, કેટલીક જગ્યાએ આઈ.ટી. કંપનીઓનો ફૂગ્ગો પણ ફૂટી ગયો.

ફરી પાછા મૂળ વાત પર આવીએ તો, ઘણા લોકો એવા છે જેમને લેખનની કે કવિતાની કોઠાસૂજ હોય છે. શું તમે કવિતા લખવાનો કોઈ કૉર્સ જોયો? કવિતા તો આત્મસ્ફૂરણા અને સંવેદનશીલ હૈયાથી જ સર્જાય. ચિત્રકળાના વર્ગો હોઈ શકે પરંતુ રંગ પૂરવાની આવડત અને કેવા રંગો પૂરવા તે સૂજ તો અંદરથી જ આવે. આજે ખેતી વિષયક જ્ઞાન આપતી કાર્યશાળા થાય છે અને તે જરૂરી જ છે પરંતુ કેટલુંક જ્ઞાન કોઠામાં પડેલું હોય છે.

અને એટલે જ જ્યારે ભારતમાં પ્રસાર માધ્યમોમાં કોઈ નેતા કોઈ ખાતાના પ્રધાન બને ત્યારે તેમના ભણતરનો ઉલ્લેખ થાય અને એવી ટીપ્પણી થાય કે આવા નેતા કઈ રીતે આ ખાતું સંભાળી શકશે ત્યારે મને લાગે છે કે તે યોગ્ય નથી. નેતા સામાજિક ક્ષેત્રમાંથી આવતા હોય છે. તેમના અનેક સંપર્કો પણ હોય છે. તેના વગર તે ચૂંટાઈ શકતા નથી. ભલે જે તે ખાતાનું તેઓ ભણ્યા ન હોય, પરંતુ તેના વિશે તેમની પાસે માહિતી હોઈ શકે છે. તેમનું વાંચન હોઈ શકે છે. તેમની પાસે ભણેલા સલાહકારો પણ સચિવ તરીકે હોય છે. તેના આધારે તેઓ યોગ્ય નિર્ણય લઈ શકે છે.

આપણે ત્યાં ભારતમાં ધીરુભાઈ અંબાણી કે સચીન તેંડુલકરથી મોટાં કયાં ઉદાહરણો આ બાબતે હોઈ શકે? ધીરુભાઈ અંબાણીએ કઈ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. કર્યું હતું? તેમ છતાં તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક બની શક્યા. તેમની કંપનીમાં અનેક એમ.બી.એ. ભણેલા યુવાનો-યુવતીઓને નોકરી પર રાખ્યા. સચીન તેંડુલકર માત્ર દસમું ધોરણ પાસ છે. આમ છતાં તેની ક્રિકેટની આવડત તો દુનિયામાં સૌથી વધુ સારી છે. એટલું જ નહીં, તેની વ્યાવસાયિક સૂજબૂજ વિશે પણ કોઈ શંકા કરી શકે તેમ નથી. તેમણે અનેક રમતગમતના કૉન્ટ્રાક્ટ કરીને કરોડો રૂપિયા કમાઈ લીધા. ઉપરાંત ભાગીદારીમાં બે રેસ્ટૉરન્ટ પણ ચલાવે છે. કદાચ પાકશાસ્ત્ર (કૂકિંગ ક્લાસ) કે હૉટલ મેનેજમેન્ટનું ભણેલા તો માત્ર નોકરી કરી શકે, પરંતુ સચીન તેંડુલકરની વ્યાવસાયિક સૂજબૂજે તેમને કરોડપતિ બનાવી દીધા. એટલું જ નહીં, તેમનું અંગ્રેજી પણ સારું છે, કદાચ અંગ્રેજી વિષયનું ભણનારાનું પણ એટલું સારું નહીં હોય.

આ વાત હવે કંપનીઓને પણ સમજાઈ હોય તેમ લાગે છે. ગૂગલ સહિતની મોટી કંપનીઓ હવે નોકરી માટે ડિગ્રી અનિવાર્ય નથી માનતી! જૉબ સર્ચની વેબસાઇટ ગ્લાસડૉરે એવી નોકરીપ્રદાતા કંપનીઓની યાદી બહાર પાડી છે જે નોકરીના ઉમેદવારોની કૉલેજ ડિગ્રી કરતાં તેમની આવડત, તેમની પ્રતિભાને વધુ મહત્ત્વ આપે છે. વર્ષ ૨૦૧૭માં આઈબીએમ (જે કમ્પ્યૂટર ક્ષેત્રની ટોચની કંપની ગણાય છે)ના ટેલન્ટના વાઇસ પ્રેસિડેન્ટ જૉઆના ડેલીએ કહ્યું હતું કે તેમની કંપની જે લોકોને નોકરી આપે છે તેમાંથી ૧૫ ટકાની પાસે ડિગ્રી હોતી નથી. આઈબીએમ કૉલેજ ડિગ્રી કરતાં ઉમેદવારોએ કૉડિંગ બૂટકૅમ્પ (એક પ્રકારનો પ્રશિક્ષણ કાર્યક્રમ) કર્યો હોય કે ઉદ્યોગ સંબંધિત વૉકેશનલ વર્ગ કર્યા હોય તે વધુ ઈચ્છે છે.

તાજેતરમાં ચીનની ઇ-કૉમર્સ, રિટેઇલ, ઇન્ટરનેટ અને ટૅક્નૉલૉજીની કંપની અલીબાબા બહુ જાણીતું નામ છે. તેના સ્થાપકો પૈકીના એક જેક મા દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ પૈકીના એક છે. તેઓ પોતાની કંપનીમાં કઈ રીતે નોકરી અપાય છે તેની વાત કરતા કહે છે કે તેઓ પોતાના કરતાં સ્માર્ટ ઉમેદવારોને નોકરી આપવાનું વધુ પસંદ કરે છે. તેમના શબ્દોમાં, “હું કોઈને ક્યારેય ડિગ્રી-ડિપ્લોમા કે એમ નથી પૂછતો કે તે કઈ યુનિવર્સિટીમાંથી છે. આ (અભ્યાસ) બિલકુલ જરૂરી નથી.”

જેક માની વાતમાંથી એક વાત યાદ આવી કે હમણાં સુધી અભ્યાસ તો છોડો, એ પણ મહત્ત્વનું હતું કે તમે કઈ યુનિવર્સિટીમાંથી પાસ થયા છો. કેટલાંક વર્ષો પહેલાં ગુજરાતની અમુક યુનિવર્સિટી જ્યાં ચોરી બહુ થતી, તે યુનિવર્સિટીમાંથી સાચે જ સારો અભ્યાસ કરીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ માટે બહુ જ કડાકૂટ થતી કારણકે તેમની યુનિવર્સિટીની છાપ ખરાબ હતી. ત્યાં ભણેલાઓ ચોરી કરીને જ પાસ થયા હોય તેમ માની લેવાતું!

જેક માની કૉર ટીમના સભ્યોમાંથી કોઈની પાસે પણ કોઈ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાનની ડિગ્રી નથી. જેક મા કહે છે કે “લોકો અલીબાબાના સંસ્થાપકોની તરફ જુએ છે અને વિચારે છે કે અમે તો લિજેન્ડરી છીએ. પરંતુ સચ્ચાઈ એ છે કે અમારામાંથી મોટા ભાગના લોકો પાસે શરૂઆતમાં કોઈ કામ નહોતું. અમે કોઈ ભવ્ય કે મોટા નામવાળી યુનિવર્સિટીમાંથી ભણીને નહોતા આવ્યા પરંતુ અમે શીખવા માગતા હતા અને અમે શીખવા માટે તૈયાર છીએ.”

બીજી વાત નોકરી ક્ષેત્રે કેટલાક નોકરી પ્રદાતાઓ એ પણ કરતા હોય છે કે તેમની પાસે નોકરી માગવા આવનાર ઉમેદવારે અગાઉ કઈ કંપનીમાં કામ કર્યું છે. જો ટોચની કંપનીમાં કામ કર્યું હોય તો તે જરૂર હોંશિયાર હશે તેમ માની લેવામાં આવે છે. આ વાત પણ સત્ય નથી. નવા શરૂ થનારા એક અખબારે તે રાજ્યના ટોચના અખબારના મોટા પદોથી લઈને નાના પદો સુધીના લોકોને ટોચના પગારે રાખ્યા. પરંતુ નવું અખબાર ઘણાં વર્ષો સુધી તે ટોચના અખબારને હંફાવી શક્યું નહીં. એક વાર નવા અખબારના માલિક ટોચના અખબારના માલિકને મળ્યા. તેમણે પેલા માલિકને પૂછ્યું, “અમે તમારા અખબારના ટોચના તમામ લોકોને લઈ લીધા છે. તો પણ અમે કેમ તમને હંફાવી શકતા નથી?” પેલા માલિકે કહ્યું, “તમે જે લઈ ગયા છો તે તો બધાં ધડ છે, માથું તો અમારી પાસે છે.” અર્થાત્ પેલા ટોચના અખબારના માલિક પોતે જ એવું ભેજું હતાં જે તેમને ત્યાંથી ટોચના લોકોના ચાલ્યા જવા છતાં નવા પત્રકારોને ઘડીને પણ પોતાના અખબારને ટોચનું રાખી શક્યા.

આજથી વર્ષો પહેલાં કહેવાતું ભણતર નહોતું તો પણ ઘણા લોકો હોળીની ઝાળની દિશા જોઈને, ટિટોડીનાં ઈંડાં જોઈને વરસાદ વગેરેની આગાહી કરી શકતા. તેમણે કોઈ હવામાન અંગેનો અભ્યાસ કર્યો નહોતો. ઘણા વૈદ્યો માત્ર હાથની નાડી તપાસીને કોઈ મોટામોટા અનેક રિપૉર્ટ વગર દર્દીને તેની બીમારી કહી દેતા. આ વાત હવે ગૂગલ, એપલ, આઈબીએમ, બૅન્ક ઑફ અમેરિકા, પેંગ્વિન, કૉસ્ટકો, હૉલ ફૂડ્સ, હિલ્ટન, પબ્લિક્સ, સ્ટારબક્સ, નૉર્ડસ્ટૉર્મ, હૉમ ડેપો જેવી વિદેશી કંપનીઓને પણ સમજાઈ છે. તેઓ ડિગ્રીના સ્થાને આવડત અને પ્રતિભાને મહત્ત્વ આપવા લાગ્યા છે. વિદેશી કંપનીઓનું અનુકરણ આપણે ત્યાં અનેક કંપનીઓમાં થવા લાગ્યું હતું અને નોકરીમાં ડિગ્રી મહત્ત્વની મનાવા લાગી હતી. મને લાગે છે કે હવે આપણી કંપનીઓની પણ આંખ ઉઘડવી જોઈએ. તેમણે પણ નોકરીમાં ડિગ્રી કરતાં કૌશલ્ય અને આવડતને વધુ મહત્ત્વ આપવું જોઈએ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.