સબ હેડિંગ: ઉદ્યોગ-ધંધા બૅન્કને આંબલીપીપળી બતાવી લૉન લે છે. તે લૉન ચુકવવા બીજી કોઈ આંબલીપીપળી બતાવી લૉન લેવામાં આવે. જ્યારે કંપની નુકસાન કરી ફડચામાં જાય ત્યારે અર્થતંત્રને પારાવાર નુકસાન કરે છે. આ જ રીતે જ્યારે કોઈ સેવા કે કામ બદલ પૈસા ચુકવવાનું આવે ત્યારે કંપનીથી લઈને નાના દુકાનદાર સુધી, ‘હમણાં મંદી ચાલે છે’ આવાં બહાનાં કાઢે છે.

(ગયા અંકથી ચાલુ)

(વાંચો લેખાંક-૧: ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?)

ગયા અંકે આપણે જોયું કે કર્મચારીઓ અને સીઇઓ કઈ રીતે કંપનીની ઉત્પાદકતાને ઘટાડે છે. હવે આગળ વાંચો.

આ ઉદ્યોગો પાછા બૅન્કની લૉન પર કે શૅરબજારની મૂડી પર જ ચાલતા હોય. લૉન માટે સીએફઓ વગેરેએ બૅન્કોને આંબલીપીપળી બતાવી હોય. સેબીમાં પણ અનરિયાલિસ્ટિક ચિત્ર બતાવ્યું હોય. બૅન્કો કે (બની શકે કે કેટલીક હદે) સેબીમાં ‘સાંઠગાંઠ’ હોય તો લૉન મળી જાય. તે લૉન ચુકવવા પાછી બીજી લૉન બીજા પ્રૉજેક્ટને બતાવીને લેવામાં આવે. આમ, પ્રમાણિક કરદાતાઓ અને મધ્યમ વર્ગના ખિસ્સે આ ઉદ્યોગો ચાલ્યા કરે. યુપીએ સરકાર જેવી સરકાર હોય તો પ્રધાનો બૅન્કમાં ફૉન કરીને લૉન અપાવી પણ દે. તે બૅડ લૉનમાં ન ખપે. ક્યાંક રાઇટ ઑફ થાય તો ક્યાંક સેટલમેન્ટ થાય. આમાં જ્યારે અનિલ અંબાણીની જેમ ધારણા ખોટી પડે કે વિજય માલ્યા જેવા લોકો પોતાના મોજશોખમાં વધુ ધ્યાન આપે ત્યારે કંપની માંદી પડે. માલ્યા જેવા લોકો પોતાની કંપનીને દેવાદાર જાહેર કરી દે. પણ તેમની પાસે કરોડોની પોતાની સંપત્તિ તો હોય જ. પરંતુ આવા લોકો રાજકીય પક્ષોને તોતિંગ ફંડ આપતા હોવાથી (અત્યાર સુધી) તેમને ઊની આંચ નહોતી આવતી. આ રીતે કંપની ફડચામાં જવાથી આવી લૉનની સાઇકલ તૂટે ત્યારે અર્થતંત્રને પારાવાર નુકસાન જાય છે કારણકે આ પૈસા મહેનતુ જનતાની બચતના હોય છે.

બીજી એક ખરાબ પ્રૅક્ટિસ આપણે ત્યાં ઉદ્યોગ-ધંધા-નોકરીમાં એવી પણ છે કે જ્યારે તેમને પોતે કરેલી ખરીદી કે બીજા કોઈની સેવા લીધી હોય તેનું મહેનતાણું કે ખરીદીના પૈસા ચુકવવાના આવે ત્યારે તેઓ ‘મંદી છે’, ‘પૈસા ફસાયેલા છે’ તેવાં બહાનાં બતાવી ઠાગાઠૈયા કરે. મહિનાના બદલે બે મહિના, ઘણી વાર ત્રણ-ત્રણ મહિના કાઢી નાખે. આ વિષચક્ર આમ જ ચાલતું રહે. પૈસા ચુકવે તો પણ તેમાંથી ‘તમે માલ બરાબર નથી આપ્યો’ અથવા તો ‘તમે આફ્ટર સેલ્સ સર્વિસ બરાબર નથી આપી’ અથવા ‘તમે તમારું કામ બરાબર નથી કર્યું’ આવા વિવિધ કારણો આપીને પૂરા પૈસા ન ચુકવે અથવા સાવ ન ચુકવે. આ પ્રકારની રીતરસમો એક દુકાનવાળો કે કંપની અપનાવે તેની આખી સાઇકલ ચાલે છે. લોકોને (પોતાની મહેનતના) પૈસા કઢાવતા નાકે દમ આવી જાય છે. બહુ ઓછા લોકો સાચી અને સારી ધંધાકીય પ્રૅક્ટિસ કરતા હોય છે.  જેને પૈસા ન મળે તેના ઘરે માંદગી હોય કે લગ્ન-મરણ પ્રસંગ આવે કે પછી દીકરા-દીકરીનો ભણતરનો ખર્ચ હોય, દીકરા-દીકરીને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય અથવા વિદેશ જવું હોય તો તેને એવી તકલીફ પડે છે કે તેમાં કાં તો આપઘાતનો વારો આવે અથવા હાર્ટ ઍટેક આવી જાય.

આપણે ત્યાં એ પણ ખોટી પ્રૅક્ટિસ છે કે ઉદ્યોગ-ધંધામાં ઘણી જગ્યાએ સેલ્સ પર્સન મીઠી વાતો કરીને માલ પધરાવી દે છે. માલ ઘણી વાર સારો હોય પણ છે, પરંતુ જ્યારે તેમાં આફ્ટર સેલ્સ સર્વિસની વાત આવે ત્યારે ઠાગાઠૈયા શરૂ થઈ જાય છે. અચ્છા! માલ જો ઓછી કિંમતનો ખરીદ્યો હોય તો ગ્રાહકની તેમને કોઈ પડી નથી હોતી. મોટો માલ ખરીદો તો તમને સર્વિસ આપે. રૂબરૂ-ફૉન વગેરેમાં તમને સર‘, ‘મેડમકહીને વાત કરશે પરંતુ તેમાં જરા પણ માન નહીં હોય. રીતસર કડકાઈ જ હશે. દા.ત. તમે કોઈ ટેલિકૉમ કંપનીનું સિમ કાર્ડ તેના પ્રચારમાં આવીને પૉર્ટેબિલિટી ચેન્જ કરાવીને લીધું તો તમારી પાસે મૂળ જે કંપનીનું સિમ કાર્ડ હશે તે પૉર્ટેબિલિટી ન થાય તે માટે કંઈ ને કંઈ વાંધા કાઢશે.

તમારા સદ્નસીબે પૉર્ટેબિલિટી ચેન્જ થઈ ગઈ અને તમે નવી કંપનીના ગ્રાહક બન્યા અને તેમાં માનો કે ડીએનડી (ડુ નૉટ ડિસ્ટર્બ) એક્ટિવ કરાવ્યું હોય તેમ છતાં જો તમને માર્કેટિંગના કૉલ અને એસએમએસ આવતા હોય, તમે ઇ-મેઇલ, ટ્વિટર, કસ્ટમર કૅર પર ફૉન એમ દરેક માધ્યમથી ફરિયાદ કરો અને આવી અનેક ફરિયાદ કરો તો દર વખતે અમે તમારી ફરિયાદની નોંધ લીધી છે, અમને ખેદ છે, તમે અમને માહિતી આપો…વગેરે કહી પછી ફરિયાદ ઉકેલાય કે ન ઉકેલાય, ફરિયાદ બંધ કરી દેશે. (તે લોકો પર પણ ફરિયાદ ઉકેલી દેવાનું દબાણ ઉપરથી હોય છે.)  તમે ફરિયાદ ન કરો તે માટે જો તમે સૉશિયલ મિડિયા પર ફરિયાદ કરી તો તમારા પર પહેલાં તેમની સૉશિયલ મિડિયા ટીમનો કૉલ આવશે. તમે બધી વિગતો આપશો પછી તેની ડીએનડી ટીમનો કૉલ આવશે. અને પછી જો તમે કંટાળીને એમ કહેશો કે તમારી સૉશિયલ મિડિયાની ટીમને વિગતો આપેલી જ છે, ટ્વિટર પર પણ મેં વિગતો મૂકેલી છે તો કહેશે કે અમારી સિસ્ટમ છે કે અમે ટ્વિટર પરથી વિગત ન લઈ શકીએ. તમારે ફૉનમાં જ આપવી પડશે. તમે કહેશો કે સરકાર અને પોલીસ પણ હવે તો ટ્વિટર પર કરેલી ફરિયાદની નોંધ લઈ કાર્યવાહી કરે છે તો તમે કેમ ન કરી શકો? ટેલિકૉમ કંપનીની યુવતી (મોટા ભાગે યુવતી જ હોય છે), જેમને રીઢા ગુનેગારની જેમ ટ્રેનિંગ મળેલી હોય છે કે સામેવાળી વ્યક્તિ ગમે તેટલી દલીલ કરે, ગમે તેટલો ઉશ્કેરાય, તમારે ઉશ્કેરાયા વગર ઠંડા કલેજે ડામ આપવાના, તે તમને નમ્ર અને મીઠા સ્વરે કહે છે, સૉરી સર. અમને એ અનુમતિ નથી. કહેવાનો અર્થ એ છે કે આવી પ્રૅક્ટિસ શા માટે? આના કારણે જ ટેલિકૉમ કંપની બદનામ થાય છે. એક આઇડિયા આપ કી ઔર સાથ મેં અપની જિંદગી બરબાદ કર સકતા હૈ‘.

બીજી એક ખરાબ પ્રૅક્ટિસ, જેને કદાચ ઉદ્યોગ-ધંધાવાળા નહીં સ્વીકારે, એ છે  કે તેઓ ગુણવત્તા પાછળ, આર એન્ડ ડી (રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) પાછળ ખર્ચો કરવાના બદલે ઍડવર્ટાઇઝિંગ પાછળ (અને હવે તો તેમાં ટીવી, પ્રિન્ટ, એફએમ, વેબ, મોબાઇલ ઍપ કેટલાંય ભાગ પડ્યા અને આ દરેક ક્ષેત્રે પાછી અનેક કંપનીઓ છે- દસ ચેનલો, દસ છાપાં, દસ એફએમ, દસ વેબસાઇટ, દસ એપ ગણો તો પણ પચાસ જગ્યાએ ઍડ આપવાની અને ઍડ તૈયાર કરવાનો ખર્ચ અલગ!) ધૂમ ખર્ચો કરે છે. તેમાં અમિતાભ બચ્ચનથી લઈને દિલીપ જોશી (જેઠાલાલ) સહિતના અભિનેતા-અભિનેત્રીઓ કે ક્રિકેટરોને ચૂકવવાનો ખર્ચ પણ આવી ગયો. આની સામે બાબા રામદેવનું કે એમડીએચ મસાલાના ધર્મપાલ ગુલાટીનું બિઝનેસ મૉડલ જુઓ. પોતે જ બ્રાન્ડ ઍમ્બેસેડર! જાહેરખબરો પાછળ ખાસ ખર્ચ નહીં. બંનેની બ્રાન્ડ ભારતના ખૂણેખૂણે જાણીતી. જાહેરખબર આપવી જોઈએ – પ્રચાર કરવો જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જો તમારી પ્રૉડક્ટ સારી અને પોસાય તેવા ભાવવાળી હશે તો લોકો માઉથ ટૂ માઉથ પબ્લિસિટી કરવાના જ છે. ઑનેસ્ટ, સંકલ્પ રેસ્ટોરન્ટ કે ખેતલાઆપા ટી સ્ટૉલ તેનું ઉદાહરણ છે. કોઈ મોટી અને ઝાઝી જાહેરાત વગર તેઓ જાણીતાં બની ગયાં.

આપણે પશ્ચિમની બહુ આંધળી નકલ કરીએ છીએ પરંતુ ત્યાંની સારી પ્રૅક્ટિસનું અનુકરણ કરવું નથી. ભોગવાદી અને વિકૃતિવાળી ચીજો ઉઠાવી લેવી છે. ત્યાં કોઈ પ્રૉડ્કટનો એક પીસ પણ ખરાબ નીકળે તો માર્કેટમાંથી તમામ પીસ પાછા ખેંચી લેવાય છે. ત્યાં કૉર્ટમાં ગ્રાહક જાય તો તેને ન્યાય મળે છે. આપણે ત્યાં કૉર્ટના ચક્કર કાપતા નાકે દમ આવી જાય છે કારણકે સામે મોટી કંપનીને તોતિંગ ખર્ચ કરીને વકીલ રોકવો અને મુદ્દતો લેવી પોસાય છે.

અગાઉના લેખમાં કર્મચારીઓની વાત કરી તો અમેરિકાનું મૉડલ જાણી લો. નોકરી શોધી આપતી કંપની ‘મેન પાવર ગ્રૂપ’ના સર્વેક્ષણ મુજબ, દુનિયામાં સૌથી વધુ ઑફિસમાં કોઈ સમય આપતા હોય તો તે ભારતીયો છે. તેઓ સપ્તાહના સરેરાશ બાવન કલાક કામ કરે છે. જો વાર્ષિક આંકડા જોઈએ તો ચીનમાં એક કામદાર વર્ષમાં ૨,૩૯૨ કલાક કામ કરે છે. તે પછી સિંગાપોર, મેક્સિકો, દક્ષિણ કોરિયા, ગ્રીસ અને પછી છઠ્ઠા ક્રમે ભારત છે. વર્ષ ૨૦૧૬ના આ આંકડા છે. તે મુજબ, ભારતનો કામદાર વર્ષના ૧,૯૭૪ કલાક કામ કરે છે. અમેરિકાનો કામદાર વર્ષના ૧,૭૮૯ કલાક કામ કરે છે. જો ભારતનો કામદાર આટલું બધું કામ કરતો હોય તો ભારતનું ઉત્પાદન પણ એ પ્રમાણમાં હોવું જોઈએ ને.

જોકે નિષ્ણાતો એવું કહે છે કે કામના ઝાઝા કલાકોને ઉત્પાદકતા સાથે કોઈ સંબંધ દેખીતી રીતે નથી. ઉલટાનો તેનાથી તણાવ આવે છે. ચીડિયાપણું આવે છે કારણકે કર્મચારી પરિવારથી-મનોરંજનથી દૂર રહે છે. કેટલાક કર્મચારી ઑફિસમાં મોબાઇલના માધ્યમથી કે ટીવીના માધ્યમથી મનોરંજન શોધવા પ્રયત્ન કરે છે. આના કારણે, કેટલાક કિસ્સામાં, કર્મચારીનાં વિજાતીય સહકર્મચારી સાથે લફરાં પણ થઈ જાય છે. તેનાથી તેનું પારિવારિક જીવન ખોરવાય છે.

સીઇઓ વગેરે કર્મચારીઓ બાર કલાક કામ કરે તેમ તો ઈચ્છે જ છે પરંતુ સાથે આ કર્મચારી ઘરે હોય ત્યારે પણ વૉટ્સએપ, એસએમએસ કે ઇ-મેઇલનો ત્વરિત જવાબ તે કર્મચારી આપે તેમ ઈચ્છે છે. અડધી રાત્રે ફૉન કરીને પણ તે કામ માગી-ચીંધી શકે છે. આના લીધે કર્મચારી લગભગ બંધુઆ મજદૂર જેવો થઈને જ રહી જાય છે. તેને સતત ચિંતા રહ્યા કરે છે કે ક્યાંક ઉપરી અધિકારીનો ફૉન, એસએમએસ કે વૉટ્સએપ ન આવી જાય. જોકે કેટલાક ચતુર કર્મચારી આના જવાબમાં નેટવર્ક નહોતું, ફૉન બગડી ગયો હતો, કૉન્ટેક્ટ ઉડી ગયા હતા, આવાં બહાનાં કાઢતા શીખી જાય છે. રજા મેળવવા માંદગી, કોઈ સગાવહાલાનું મરણ વગેરે ખોટાં બહાનાં કાઢતાં થઈ જાય છે. આનું કારણ એ પણ છે કે તે જુએ છે કે પોતાને ખેતરમાં બળદની જેમ જોતરતો ઉપરી અધિકારી પોતે તો શનિ-રવિમાં ક્લબ કે ફિલ્મ જોવા ઉપડી જાય છે. વળી, ચાલુ દિવસોમાં પણ કોઈ સેમિનાર, કોઈ સત્કાર સમારંભ કે તેમાં તે ચાલ્યો જાય છે. પોતાના જેવા કર્મચારીઓ જે નિષ્ઠાપૂર્વક કામ કરે તેનો યશ ઉપરી અધિકારી ખાટી જાય છે પરંતુ જો કોઈ ભૂલ આવે તો કર્મચારીને ઠપકો આપવા, પગાર કાપી લેવો, સસ્પેન્ડ કરવા કે કાઢી મૂકવા સુધીનાં પગલાં લેતા ઉપરી અધિકારી ખચકાતા નથી. આવો સંબંધ કંપનીમાં ઉત્પાદકતા અને સર્જનાત્મકતા માટે સારું વાતાવરણ બનાવતો નથી.

આથી લાંબો સમય કામ કરો તો જ કામ કર્યું કહેવાય તે બાબતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અસંમત! એ તેમની અદ્ભુત ક્ષમતા છે કે તેઓ સોળ-અઢાર કલાક આ ઉંમરે કામ કરી શકે છે અને વેકેશન પણ લેતા નથી. પરંતુ સરેરાશ વ્યક્તિ આવી નથી હોતી. તેમની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતા પણ આટલો લાંબો સમય કામ કરી શકે તેવી નથી હોતી અને તેમને પિતૃ-માતૃ તેમજ સાસરીયા, દોસ્ત તથા ઑફિસ આમ પાંચ પક્ષના સામાજિક સંબંધો સાચવવાના હોય છે. મોદીજી પણ છેક નીચેના કાર્યકર્તા સુધી સાચવે જ છે પરંતુ ફરીથી, તેમના જેવી ક્ષમતા બધામાં નથી હોતી. આથી જ માત્ર હું નહીં, અનેક નિષ્ણાતો માને છે કે કેટલા કલાક કામ કર્યું તેના કરતાં કેવી ગુણવત્તાનું અને કેટલું કામ કર્યું તે મહત્ત્વનું છે. અનેક વ્યક્તિઓમાં એવી કુશળતા પણ હોઈ શકે કે તેઓ આઠ કલાકનું કામ માત્ર ચાર કલાકમાં જ કરી નાખે અને કેટલીક વ્યક્તિઓ ધારે તો પણ આઠ કલાકનું કામ ચોવીસ કલાકમાં પણ પૂરું ન કરી શકે. આથી કામને પૂરું કરવાના આધારે વ્યક્તિના કામના કલાકો નક્કી કરવા જોઈએ. તેમ ન થાય તો પણ સરેરાશ છથી આઠ કલાક જ કામના કલાકો હોવા જોઈએ જેથી વ્યક્તિનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને સમાજનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય જળવાય.

દેશનું અર્થતંત્ર કેમ ઊંચું લાવી શકાય તેની ચર્ચા કરતી વખતે દેશની ઉત્પાદકતા વધે તેના માટે જરૂરી પાસાંની વાત કરી આ ચર્ચા આવતા અંકે આપણે પૂરી કરીશું.

(ક્રમશ:)

(વાંચો લેખાંક-૩: અર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે?)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.