સબ હેડિંગ: આપણે ત્યાં ઑફિસમાં આવીને પણ લોકો ઑફિસમાં નથી હોતા. લેન્ડલાઇન કે કંપની/સરકારે આપેલા ફૉનમાંથી પોતાનાં સગા-મિત્રો કે હરીફ કંપનીવાળા કે પછી પોતાની કંપનીના જ મળતિયાની સાથે ફૉન પર વાર્તાલાપ કરશે. ઇવન, હૉસ્પિટલોમાં પણ આવું જોવા મળશે. ઘણી વાર તો દર્દીની તબિયત ખરાબ હોય તો પણ વૉર્ડ બૉય, નર્સ નિશ્ચિંત બનીને વાતો કરતા જોવા મળશે.

 (વાંચો લેખાંક-૧ ભારતમાં અર્થતંત્રને કોણ ખાડે નાખે છે?)

(લેખાંક-૨ ઉદ્યોગ-ધંધાની ખરાબ પ્રૅક્ટિસ અર્થતંત્ર માટે વિષચક્ર સમાન!)

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૮/૭/૧૯)

દેશનું અર્થતંત્ર કેમ ખાડે જાય છે તેનાં કારણોમાં આપણે સરકારની આત્યંતિક નીતિ (કાં તો એકદમ સામ્યવાદી, કાં તો એકદમ મૂડીવાદી), કંપનીમાં સીઇઓ અને કર્મચારીઓનું વલણ, કંપની દ્વારા પારકે પૈસે થતા ધંધા, ચૂકવણીમાં થતો વિલંબ, ગુણવત્તાના બદલે ઍડ્વર્ટાઇઝિંગ પર વધુ જોર, આફ્ટર સેલ્સ સર્વિસનો અભાવ વગેરે મુદ્દાઓ જોયા. હવે આજે આ શ્રૃંખલામાં અંતિમ કડી વાંચો.

કંપનીઓ અને સરકારી તંત્ર વચ્ચેનો સંબંધ, કંપનીઓ અને રાજકીય પક્ષ વચ્ચેનો સંબંધ…આ સંબંધ પણ અર્થતંત્ર માટે તંદુરસ્ત નથી. બધા અપ્રમાણિક નહીં તોય, ઘણા સરકારી અધિકારીઓને પણ મોજશોખ પોતાને મળતા જંગી પગારને બચાવીને કરવા છે. તેથી લાંચ લેવાનું બંધ થતું નથી. કોઈએ પાસપૉર્ટ માટે બધી વિધિ પૂરી કરી હોય અને તેના ઘરે પાસપૉર્ટ સત્તાવાર રીતે આવે ત્યારે તેની ડિલિવરી કરવા ટપાલી આવે અને તેના માટે બક્ષિસ માગે તે કેવું! આમ તો ટપાલી પોતાનું કામ જ કરે છે જેના માટે સરકાર તરફથી સારો પગાર તેને મળે છે. જો ટપાલીને આ પગાર સારો ન લાગતો હોય તો તે માટે તેણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ. પરંતુ તે પાસપૉર્ટની ડિલિવરી માટે બક્ષિસ માગે તે કેટલું નૈતિક અને વાજબી?

અને રાજકીય પક્ષોને પણ ચૂંટણી લડવા ફંડ તો જોઈએ ને. જનસંઘ જેવા પક્ષો પહેલાં સામાન્ય વ્યક્તિ પાસેથી રૂપિયો-રૂપિયો ભેગો કરીને ફંડ ભેગું કરતા હતા, પરંતુ હવે તો તમામ પક્ષો કંપનીઓ પર વધુ આધાર રાખે છે. કંપનીએ ફૅવર મેળવવી હોય, પોતાને ટેન્ડર મળે, કૉન્ટ્રાક્ટ મળે તેમ કરવું હોય તો માત્ર સરકારી અધિકારી જ નહીં, જે તે પ્રધાન સુધી હપ્તા પહોંચાડવા પડે છે. અથવા તો પક્ષને ચૂંટણી માટે ફંડ આપવું પડે છે. રાજકીય પક્ષો પણ ચૂંટણીમાં જીતવા માટે સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરે છે. કૉંગ્રેસ કે ભાજપમાં ધારાસભ્યો કે સાંસદો જોડાય છે તે એમ ને એમ જોડાતા હશે? કરોડોમાં સોદા થાય છે. અરે! ચૂંટણી લડવી હોય તો પણ હવે કોઈ ગરીબ કે મધ્યમ વર્ગીય વ્યક્તિનું કામ જ નથી.

મેકોલેની શિક્ષણ પદ્ધતિના કારણે ભણીને કારકૂનો વધુ બહાર પડે છે. લોકોને વ્હાઇટ કૉલર જૉબ વધુ જોઈએ છે. સાહસિકતા દાખવીને ઉદ્યોગ-ધંધા શરૂ કરવું ઓછાને ગમે છે. જૂના સમાજમાં તો કુદરતી રીતે જ અનામતની વ્યવસ્થા હતી. લુહાર પોતાના દીકરાને લુહારી કામ શીખવતો. સોની પોતાના સંતાનને સોની કામ શીખવતો. આવું સુથારી, દરજી વગેરે કામમાં હતું. પ્લમ્બર, ડ્રાઇવર, ઑટો મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, કમ્પ્યૂટર હાર્ડવેર, સૉફ્ટવેર (ઘરે કમ્પ્યૂટર હોય તેમાં સૉફ્ટવેરની સમ્સ્યા આવે- હાર્ડવેરની સમસ્યા આવે ત્યારે ઘણા લોકો માત્ર ફૉર્મેટ કરવાનો ઉપાય જ સૂચવે છે, તેમને સંશોધન કરીને સમસ્યા ઉકેલવામાં રસ નથી) વગેરે કૌશલ્ય આધારિત અનેક કામોમાં માણસોનો તૂટો છે.

હવે આપણે જોઈએ કે અમેરિકા જે ઉત્પાદન અને અર્થતંત્ર બંનેમાં હજુ પણ દ્વિતીય ક્રમે છે ત્યાં કેવી કાર્યસંસ્કૃતિ છે? ચીનનો ઉલ્લેખ એટલા માટે નથી કરતા કે ત્યાં ભલે સામ્યવાદી સરકાર હોય, પણ માનવ અધિકારો-શ્રમિકોના હકોનો ભંગ કરીને ઉત્પાદન વધારે કરાય છે. એટલા માટે અમેરિકાની વાત કરીએ. અમેરિકામાં બૉસિઝમ બહુ નથી હોતું. ત્યાં તમે બૉસ કે તમારા ઉપરીને તેના નામે બોલાવી શકો છો. આપણે ત્યાં સાહેબ, સર, જી વગેરે કહેવાની પ્રથા છે. આનાથી ઉપરી પ્રત્યેનું માન ઓછું નથી થઈ જતું. જોકે આપણે ત્યાં આ પ્રથા ચલણી થઈ ન શકે. પરંતુ માન હોવું અને ચમચાગીરી કરવી તેમાં ફેર છે. કર્મચારી ખચકાટ વગર કંપની દ્વારા કે બૉસ દ્વારા લેવાયેલો ખોટો નિર્ણય કહી શકવો જોઈએ. જાસૂસી માટે ભલે બૉસ પોતાના માણસો રાખે, પરંતુ જે કર્મચારી નકારાત્મક વાત કહે તેની વાત પણ સાંભળે.

આ જ રીતે આપણે ત્યાં કંપનીઓમાં, સરકારી તંત્રમાં મીટિંગનું બહુ મહત્ત્વ છે, પરંતુ મીટિંગમાં બૉસ કે ઉપરીની હા-હા અને વાહ-વાહ કરવા સિવાય કંઈ થતું નથી. મીટિંગમાં ઇટિંગ અને ચીટિંગ વધુ થાય છે. કમ્પ્યૂટરના લીધે પેપરવર્ક ઓછું થયું છે, પરંતુ કેટલાંક કામો માટે ઇ-મેઇલ કરો તો જ કામ થાય તેવી સરકારી બ્યુરોક્રસી પ્રકારની સિસ્ટમ ખાનગી કંપનીઓમાં કામની ગતિ રોકે છે. અમેરિકામાં મીટિંગ માત્ર મોટા નિર્ણય માટે જ નહીં, નાના નિર્ણયો અને યોજનાઓ માટે પણ થાય છે. દરેક સંબંધિત વ્યક્તિનો દૃષ્ટિકોણ ધ્યાનમાં લેવાય છે. પછી જ અંતિમ નિર્ણય લેવાય છે.

આપણે ત્યાં તો ડિબેટ હોય કે બે સામાન્ય વ્યક્તિ વચ્ચેની વાતચીત, બધાને વક્તા બનવું છે. સારા શ્રોતા નથી બનવું. કોઈ બોલતું હોય તો તેની વાત કાપીને પોતાની વાત કહેવાની આપણે ત્યાં ઘણાને ટેવ છે. અમેરિકામાં મીટિંગોમાં તમારે સારા શ્રોતા બનવું પડે છે. વક્તાને વચ્ચે અટકાવાતા નથી. આનું પ્રતિબિંબ તમે ત્યાંની સમાચાર ચેનલો પર પણ જોઈ શકો છો. ત્યાં મીટિંગમાં દરેકને બોલવાની તક અપાય છે. તમને કંઈ ન સમજાય તો તમે બેધડક પૂછી શકો છો. જો તમારો જવાબ હા હોય તો તમે હા અને ના હોય તો ના પણ સંકોચ વગર કહી શકો છો.

આપણે ત્યાં કેટલાક લોકો મોડા આવે અને પછી સમય પૂરો થયા પછી મોડે સુધી બેસી રહી કામનો ડોળ કરે. અથવા સમયસર આવી જાય પરંતુ વચ્ચે ગાયબ થઈ જાય અને જ્યારે બૉસ હાજર રહેવાના હોય તેની પોતાના મળતિયાને પૂછી માહિતી લઈ લે અને ત્યારે હાજર થઈ જાય. આના કારણે બૉસને એવું લાગે કે આ ભાઈ કે બહેન બહુ કામગરા છે. જ્યારે હકીકત ઊંધી હોય છે. પરંતુ અમેરિકામાં સમય કરતાં વહેલા પહોંચી, સમય પૂરો થાય એટલે નીકળી જવાનું ચલણ છે.

આપણે ત્યાં ઑફિસમાં આવીને પણ લોકો ઑફિસમાં નથી હોતા. લેન્ડલાઇન કે કંપની/સરકારે આપેલા ફૉનમાંથી પોતાનાં સગા-મિત્રો કે હરીફ કંપનીવાળા કે પછી પોતાની કંપનીના જ મળતિયાની સાથે ફૉન પર વાર્તાલાપ કરશે. ઇવન, હૉસ્પિટલોમાં પણ આવું જોવા મળશે. ઘણી વાર તો દર્દીની તબિયત ખરાબ હોય તો પણ વૉર્ડ બૉય, નર્સ નિશ્ચિંત બનીને વાતો કરતા જોવા મળશે. ટીવી પર ફિલ્મ જોતા જોવા મળશે. મેં તો કેટલાક સમાચારપત્રોના કાર્યાલયમાં પણ જોયું છે કે જે દિવસે ભારતની ક્રિકેટ મેચ કે આઈપીએલની મેચ હોય ત્યારે જે ટીવી સમાચાર જોવા માટે અપાયેલું છે તેમાં સંખ્યાની તાકાત પર તમારી વાત અવગણીને મેચ ચાલુ કરી દેશે. તેના પર ટીકાટીપ્પણી કરતા રહેશે. તેઓ તેમનું તો કામ અટકાવશે જ પરંતુ તમારા કામમાં પણ બાધા ઉત્પન્ન કરશે.

કેટલાક લોકો ઑફિસમાં મનોરંજન મેળવવા આવતા હોય તેમ હવે જરૂરી બની ગયેલાં કમ્પ્યૂટરો પર ગીતો ચાલુ કરી દે છે. કેટલાક લોકો ટોળે વળીને ઊંચા અવાજે ટોળટપ્પાં કરતા હોય છે. હાહાહીહી કરતા હોય છે. ઑફિસમાં કામ બૉરિંગ ન બની જાય તેથી થોડી હસીમજાક, ગીત-સંગીત જરૂરી છે જ પરંતુ તમારા મનોરંજન માટે બીજાનું જરૂરી કામ અવરોધાય નહીં તે પણ તમારે જોવું જોઈએ. કોઈ મહત્ત્વનું કામ હોય, સમયઅવધિ (ડૅડલાઇન) પૂરી થવા આવી હોય ત્યારે જો કોઈ મહત્ત્વનો ફૉન ન હોય તો ફૉન કરનારને મેસેજ કરીને ફૉન પર વાત કરવાનું ટાળવું જોઈએ. વૉટ્સએપ-ફેસબુક વગેરે નવરાશની પળોનું કામ છે. હા, વૉટ્સએપ પર અગત્યના સંદેશા આવ્યા હોય તો તે જરૂર જોવા જોઈએ પરંતુ કામના ભોગે તમે વૉટ્સએપમાં જ સમય પસાર કરો તે યોગ્ય નથી.

કેટલાક લોકો કંપની દ્વારા અપાતી સુવિધાનો લાભ ઉઠાવી કેન્ટીનમાં વધુ સમય પસાર કરે તે પણ વાજબી નથી. આના કારણે કેટલીક કંપની અગાઉ કહ્યું તેમ જગ્યા પર ચા આપવા લાગી છે. એટલે કંપની દ્વારા અપાતી સુવિધાનો દુરુપયોગ ટાળવો જોઈએ. કેટલીક કંપનીઓમાં ઑવરટાઇમ અપાતો હોય તો તેના પૈસા મેળવવા જાણીજોઈને કામમાં વિલંબ કરીને ઑવરટાઇમ કરાતો હતો. આજે તે કંપનીઓની સ્થિતિ ખરાબ છે. આ જ રીતે ડ્રાઇવર હોય કે સેલ્સપર્સન, તે પોતાના ઑફિસના કામના બહાને પોતાનાં અંગત કામ પતાવે તે પણ યોગ્ય નથી.

પશ્ચિમની વાત નીકળે એટલે બુદ્ધુજીવી લેખકોએ આપણા મનમાં એવું ઠસાવી દીધું છે કે ત્યાં તો ‘બધા પ્રકારની છૂટ’ હોય. પરંતુ તેવું નથી. અમેરિકામાં કંપનીમાં તમે ફૉર્મલ ડ્રેસ પહેરીને જઈ શકો છો પરંતુ તે વધુ પડતો ફૉર્મલ ન હોય તેનું ધ્યાન રાખવામાં આવે છે.

અર્થતંત્ર ખાડે જવાનું કારણ એ પણ છે કે જે કોઈ સરકાર કે ખાનગી કંપનીનો સીઇઓ આવે છે તેમાંના મોટા ભાગના પોતાનું સ્થાન જાળવી રાખવા માટે ટૂંકા ગાળાનાં હિત સધાય તેવા નિર્ણય જ લે છે. ક્યારેક આખી સિસ્ટમ બદલવી જરૂરી હોય છે. દા.ત. કોઈ કંપનીમાં આઉટડેટેડ સૉફ્ટવેરથી આજે પણ કામ થતું હોય તો તેને બદલવા જરૂરી હોય છે. તેના માટે નવા સૉફ્ટવેર લાઇસન્સ લઈને વસાવવા પડે તો વસાવવા પડે. એ ખર્ચ એક પ્રકારનું રોકાણ છે. તેનાથી કામ ઝડપી અને સારું બનશે. પરંતુ સીઇઓ માલિકને ખુશ કરવા ખર્ચ બચાવવા કર્મચારીઓને આઉટડેટેડ સૉફ્ટવેરથી કામ કરવા ફરજ પાડે અને તેના કારણે કામ ગુણવત્તાવિહીન થાય કે તેમાં વિલંબ થાય તો પછી માલિક સીઇઓને અને સીઇઓ કર્મચારીઓને ઠપકો આપશે. તેની અસર સીઇઓ અને કર્મચારીઓ-એમ બધાંના મનોબળ પર પડશે.

કહેવાનો અર્થ એ છે કે સરકારી ઑફિસ હોય કે ખાનગી, માલિક-ઉપરી અધિકારીઓએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે કર્મચારી આનંદસભર વાતાવરણમાં મુક્તમને કામ કરી શકે, તેમને મોંઘવારીને અનુરૂપ સારા પગાર મળે, સમય-સમયે તેમના કામની કદર થઈને પ્રમૉશન મળતા રહે- પગારમાં વધારો થતો રહે. સ્વચ્છ અને પૂરતા પાણીની સુવિધાવાળાં શૌચાલય, સારી કેન્ટીન મળે. આ સિવાય તેમની પારિવારિક-સામાજિક જિંદગીની ચિંતા પણ કરીને સાજેમાંદે કંપનીના સીઇઓ-ઉપરીઓ જો આત્મીયતા દાખવે, તેમના ઘરે કે હૉસ્પિટલમાં મળવા જાય, તેમને જરૂરી હોય તો આર્થિક સહાય કરે તો કર્મચારી પણ ઉત્સાહ અને નિષ્ઠાથી કામ કરશે. બીજી તરફ, કર્મચારીએ પણ કંપની દ્વારા અપાતી સુવિધાનો દુરુપયોગ ન કરતાં પોતે (સરકારી કે ખાનગી) ઑફિસમાં જેટલું કામ કરે તે નિષ્ઠાપૂર્વક કરે, ઑફિસના રાજકારણથી દૂર રહે, કંપની અને બૉસ વિશે સતત નેગેટિવિટી જ ફેલાવતા હોય તેવા લોકો સાથે પોતે ન જોડાય. જો આવું સરકાર અને અર્થતંત્રનો હિસ્સો એવા તમામ લોકો કરે તો આ ભારતને દેશ આર્થિક મહાસત્તા બનતા કોઈ નહીં રોકી શકે. 

(સંપૂર્ણ)

 

One thought on “અર્થતંત્ર: અમેરિકાની કાર્યસંસ્કૃતિ કેવી છે?

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.