સબ હેડિંગ: શેખ અબ્દુલ્લાની તાકાત એવી હતી કે સરદાર પટેલને માહિતી આપનાર ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીની કાશ્મીરમાંથી બદલી કરાવી નાખેલી…કાશ્મીર કૉન્સ્પીરસી કેસ વખતે એવા પુરાવા હતા કે કાં શેખ અબ્દુલ્લાને ફાંસી થાય, કાં આજીવન કેદ. પરંતુ અચાનક તેમને છોડી મૂકવા નિર્ણય લેવાયો…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૮/૦૮/૨૯)

જમ્મુ-કાશ્મીરની ચર્ચા રોકાવાનું નામ લેતી નથી. કલમ ૩૭૦ દૂર કરવા સરકારે અત્યાચાર કર્યા છે તેવો નેરેટિવ ઊભો કરવાનો પ્રયાસ કૉંગ્રેસ કરી રહી છે તે શરમજનક બાબત છે. સ્વતંત્રતા પછી કૉંગ્રેસમાં કલમ ૩૭૦ મુદ્દે હંમેશાં વિરોધ રહ્યો છે (સરદાર પટેલે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને કાશ્મીરની સ્થિતિને આગળ કરીને કૉંગ્રેસીઓને સમજાવી લીધા. ૧૯૬૪માં પણ સંસદની અંદર કલમ ૩૭૦ને સમાપ્ત કરવા ખાનગી સભ્યનો ખરડો લાવવામાં આવ્યો ત્યારે પણ સંસદની અંદર કૉંગ્રેસના સભ્યો સમાપ્ત કરવાની તરફેણમાં હતા.

૨૪ એપ્રિલ ૧૯૬૪ રોજ બિજનોરના અપક્ષ સાંસદ પ્રકાશવીર શાસ્ત્રી આ કલમ સમાપ્ત કરવા માટે ખાનગી સભ્યનો ખરડો લાવ્યા હતા. તે વખતે ચાર કલાક ચર્ચા ચાલી હતી. ૧૨ સભ્યોએ તેમાં વક્તવ્ય આપ્યું હતું જેમાંથી સાત તો કૉંગ્રેસના હતા. અને આ સાતેસાત કૉંગ્રેસી સાંસદોએ કલમ ૩૭૦ને સમાપ્ત કરવા માટે ખરડાનું સમર્થન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના નિયુક્ત બે કૉંગ્રેસી સાંસદોએ પણ ખરડાની તરફેણ કરી હતી.

તે વખતે કૉંગ્રેસના બેંગ્લુરુ (તે વખતે બેંગ્લોર)ના સાંસદ કે. હનુમંથૈયાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું: “માત્ર કાશ્મીરના સાંસદો જ નહીં, પરંતુ પક્ષથી ઉપર ઊઠીને આત્યંતિક ડાબેરીથી લઈને આત્યંતિક જમણેરી સુધીના ગૃહના આપણે તમામ લોકો એવા મતના છીએ કે આ ખરડો કાયદો બનવો જોઈએ. આની વિરુદ્ધ જવું કે ગૃહના એક મત અભિપ્રાયની સામે બોલવું એ સગવડભરી રીતે બંધારણીય જવાબદારીને ખંખેરી નાખવા જેવું ગણાશે.” તે વખતે કૉંગ્રેસના ભાગલપુરના સાંસદ ભગવત ઝા આઝાદ (જે બિહારના મુખ્ય પ્રધાન પણ એક સમયે હતા, અને ભાજપના બળવાખોર તથા હવે કૉંગ્રેસના નેતા -ક્રિકેટર કીર્તિ આઝાદના પિતા થાય), ગુરદાસપુરના સાંસદ ડી. સી. શર્મા, ગુનાના સાંસદ રામસહાય પાંડે પણ કલમ ૩૭૦ને સમાપ્ત કરવા માટે બોલ્યા હતા. આ ઉપરાંત કૉંગ્રેસના સરોજિની મહિષી તથા કાશ્મીરના અબ્દુલ ઘની ગોની અને એન. એચ. સમનાણી પણ કલમને સમાપ્ત કરવાના પક્ષમાં હતા.

અત્યારે સંસદમાં કલમ ૩૭૦ સમાપ્ત કરવાનો વિરોધ કરી રહેલા ડાબેરી પક્ષો તે વખતે તેની તરફેણમાં હતા. સીપીઆઈના રસરાના સાંસદ સરજૂ પાંડેએ પણ કલમ ૩૭૦ને દૂર કરવાને સમર્થન આપ્યું હતું. અત્યારે સંસદમાં વિરોધ કરી રહેલ સમાજવાદી પક્ષના આદર્શ ગણાતા રામમનોહર લોહિયા પણ તે સમયે સમર્થનમાં હતા. તેઓ ભારત અને પાકિસ્તાનનો સંયુક્ત સંઘ રચવાની તરફેણમાં પણ હતા.

પરંતુ….તે વખતે કૉંગ્રેસ સરકારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર રાજ્ય ભારતનો ભાગ નથી તેવી કલમ ૩૭૦ના કારણે જે છાપ ઊભી થાય છે તે વાત સાથે તે સંમત નથી.

બંધારણીય પુસ્તકોના લેખક આર. સી. ભારદ્વાજે ‘લેજિસ્લેશન બાય મેમ્બર્સ ઇન ધ ઇન્ડિયન પાર્લામેન્ટ’માં પૃષ્ઠ ૧૬૩ પર નોંધ્યું છે કે તે વખતે જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી બંધારણ (સુધારા) ખરડો લાવ્યા હતા જે ૧૯ નવેમ્બર અને ૩ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ચર્ચામાં આવ્યો હતો. તે વખતે પણ કૉંગ્રેસ સરકારે એવું બહાનું કાઢ્યું કે સંસદ આ ખરડો પસાર કરી દે તો પણ જમ્મુ-કાશ્મીર સરકાર તેને અનુમતિ ન આપે ત્યાં સુધી તે દૂર ન થઈ શકે.

આજે પણ કૉંગ્રેસ કલમ ૩૭૦ મુદ્દે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. કૉંગ્રેસના વફાદાર યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા, મુંબઈના કૉંગ્રેસના એવા જ વફાદાર નેતા મિલિન્દ દેવડા, હરિયાણામાં જમાઈ બાબુ રૉબર્ વાડ્રાને કથિત જમીન કૌભાંડમાં કથિત મદદ કરનાર તત્કાલીન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર હુડ્ડાના પુત્ર દીપેન્દર હુડ્ડા, કૉંગ્રેસના ગાંધી પરિવારના ગઢ રાયબરેલીનાં ધારાસભ્ય અદિતિસિંહ, અરે! કૉંગ્રેસના મુખ્ય દંડક ભુવનેશ્વર કલિતાએ મોદી સરકારને કલમ ૩૭૦ હટાવવા અંગે સમર્થન આપ્યું. ભુવનેશ્વરે તો કૉંગ્રેસના વલણના વિરુદ્ધમાં રાજીનામું પણ આપી દીધું!

પ્રશ્ન એ છે કે તો પછી કલમ ૩૭૦ને દૂર થતી અટકાવી કોણે? તેનો જવાબ એ જ છે – જે કલમ ૩૭૦ને ધરાર બંધારણમાં લાવેલો- નહેરુ-ગાંધી પરિવાર. નહેરુ-ગાંધી પરિવારે શેખ અબ્દુલ્લા-ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લાને જબરદસ્ત મનમાની કરવા દીધી. અનેક તબક્કા એવા હતા જ્યારે આ પરિવાર પોતાની અમાપ સત્તાનો ઉપયોગ કરીને કલમ ૩૭૦ લાવવાની મહા-ભૂલને સુધારી શકતો હતો. પરંતુ તેણે તેમ ન કર્યું.

મુસ્લિમોને સત્તા મળે તે માટે કાશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સ નામનું સંગઠન ચલાવતા શેખ અબ્દુલ્લાને હવાલે જમ્મુ-કાશ્મીર કરવા તેમને પોતાના બ્લડ બ્રધર માનતા જવાહરલાલ નહેરુ જિદે ભરાયા હતા. તે બધી વાત તો આપણે ગયા અંકે જોઈ ગયા.

શેખ અબ્દુલ્લા સરદારની ઉપરવટ પણ કેવી રીતે જઈ શકતા તેનો દાખલો છે. ભારતીય બંધારણ સભાના સભ્ય એમ. એલ. ચટ્ટોપાધ્યાય અને તેમના મિત્ર ડૉ. રઘુવીર કાશ્મીર ગયા હતા. તેમણે ત્યાંના સામાજિક-ધાર્મિક નેતાઓ અને પ્રતિનિધિઓને મળીને એક અહેવાલ તૈયાર કર્યો હતો. તેમાં ઉલ્લેખ હતો કે શેખ અબ્દુલ્લા કાશ્મીરને સ્વતંત્ર કરાવવા માગતા હતા. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રોમાં હાજરી આપીને આવેલા શેખ અબ્દુલ્લાએ બ્રિટિશ પત્રકારો માઇકલ ડેવિડસન અને વોર્ડ પ્રાઇસને ઇન્ટરવ્યૂમાં કાશ્મીરને આઝાદ કરાવવાની વિગતવાર યોજના આપી. આ મુલાકાત સમાચારપત્રોમાં છપાઈ ત્યારે સ્વાભાવિક જ સરદાર પટેલે ફૉન કરીને શેખ અબ્દુલ્લાને ખખડાવી નાખેલા. પરંતુ નફ્ફટ શેખ અબ્દુલ્લાને તેની કોઈ અસર ન થઈ. અસર થઈ તો એ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીને જેણે ભારત સરકારને શેખ અબ્દુલ્લાના ઇન્ટરવ્યૂ વિશે માહિતી આપી હતી. તેણે કાશ્મીર છોડીને જવું પડ્યું! નહેરુના ઈશારે જ એ કામ થયું હશે તે કહેવાની જરૂર ખરી?

 ધીરેધીરે દેશમાં જે વિરોધ થવા લાગ્યો તેના કારણે નહેરુને લાગ્યું કે શેખ અબ્દુલ્લાને નિયંત્રણમાં લેવા જ પડશે. નહેરુ ૧૯૫૩માં કાશ્મીરની મુલાકાતે ગયા ત્યારે તેમની સમક્ષ શેખ અબ્દુલ્લા સામે ગુપ્તચર સંસ્થાએ એવા એવા પુરાવા રજૂ કર્યા કે જેથી નહેરુ ચોંકી ગયા. ત્યારે નહેરુએ શેખને કહ્યું: “શેખસાહેબ, અત્યાર સુધી હું તમારી સાથે જવાહરલાલ નહેરુ તરીકે વર્તતો હતો. પણ હવે મારે તમારી સાથે ભારતના વડા પ્રધાન તરીકે વર્તવું પડશે.” બોલો! જ્યારે તમે બંધારણીય હોદ્દા પર હો ત્યારે તમારે સંબંધ, મિત્રતા બધું ભૂલી જવું જોઈએ તેના બદલે અત્યાર સુધી નહેરુ શેખ સાથે મિત્ર તરીકે જ વર્તી મનફાવે તેમ કાશ્મીરને ઉજાડવાની અને તેનું ઇસ્લામીકરણ કરવાની છૂટ આપતા રહ્યા.

નહેરુના કહેવાથી મહારાજા હરિસિંહના પુત્ર અને તે વખતે કાશ્મીરના રાષ્ટ્રપતિ ગણાતા હતા તે ડૉ. કરણસિંહે (જે અત્યારે કૉંગ્રેસના નેતા છે) શેખ અબ્દુલ્લાને બરતરફ કરી દીધા. જ્યારે નહેરુ-ગાંધી પરિવારને કોઈ મુખ્ય પ્રધાનને કાઢી મૂકવા હોય તો તે ગમે તે કારણ આપી શકતા. એ વખતે કારણ અપાયું કે શેખ અબ્દુલ્લાએ મંત્રીમંડળનો વિશ્વાસ ગુમાવી દીધો છે. તેમને વિધાનસભામાં બહુમતી પણ પુરવાર ન કરવા દીધી. થોડા સમયમાં તેમની ધરપકડ પણ કરી દેવાઈ.

વરિષ્ઠ પત્રકાર ઈન્દર મલ્હોત્રાએ ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’માં લખ્યા (૫ માર્ચ ૨૦૧૨)માં લખ્યા પ્રમાણે તેમને ટૂંક સમયમાં છોડી પણ દેવાયા. એ પછી શેખ સામે કાશ્મીર કૉન્સ્પીરસી કેસ ચાલુ કરાયો. કેસમાં દલીલ હતી કે શેખ અબ્દુલ્લા જેલમાં હતા ત્યારે તેમનાં પત્ની અને અન્ય સાથીઓને પાકિસ્તાનમાં કાશ્મીર ભેળવી દેવાના ષડયંત્ર માટે પાકિસ્તાન તરફથી મોટી માત્રામાં નાણાં મળ્યાં હતાં. પૂલો, ફૅક્ટરીઓ, સેનાની ઈમારતો, મસ્જિદો, મંદિરો અને ગુરુદ્વારાઓ ફૂંકી મારવા માટે વિસ્ફોટકો પણ પકડાયા હતા. ૧૯૫૯થી શરૂ થયેલો ખટલો ૧૯૬૨ સુધી ચાલ્યો. તે વખતે તેમની સામે આઈપીસીની જે કલમો લગાડાઈ હતી તે અનુસાર કાં તો શેખને ફાંસીની સજા મળી હોત અથવા આજીવન કેદ.

પરંતુ શેખે જેલમાં બેઠાંબેઠાં પણ ઉત્પાત મચાવ્યો. ડિસેમ્બર ૧૯૬૩માં કાશ્મીર અશાંત બની ગયું. હઝરત બાલ દરગાહમાંથી મોહમ્મદ પયગમ્બરની દાઢીનો ગણાતો વાળ ચોરાઈ ગયો (કે ગૂમ કરી દેવાયો). તમે એક વાત વિચારજો. દિલ્લીમાં ચાંદની ચોકમાં મંદિરમાં તોડફોડ કરાઈ. દેશભરમાં આટલાં મંદિરો તૂટ્યાં. ક્યાંય રમખાણો થયાં? ગુજરાતમાં ૨૦૦૨માં ગોધરા કાંડ થયો તો ગુજરાત સિવાય ક્યાંય રમખાણો થયાં? પરંતુ હઝરતનો વાળ ચોરાયો તેમાં પશ્ચિમ બંગાળમાં અને પૂર્વ પાકિસ્તાનમાં રમખાણો થયાં હતાં. આ સ્થિતિ જોઈને નહેરુએ શેખ અબ્દુલ્લા સામે કાશ્મીર કૉન્સ્પીરસી કેસ પાછો ખેંચી લીધો. તે વખતે નહેરુના વફાદાર અને સીબીઆઈના વડા બી. એન. મલિક આની વિરુદ્ધ હતા. તેમણે કહેલું કે તેઓ થોડાં જ સપ્તાહોમાં આરોપો સાબિત કરી બતાવશે. (બી. એન. મલિક, ‘માય યર્સ વિથ નહેરુ’) ૧૯૬૪માં જ્યારે આખો દેશ આ કેસના પરિણામની રાહ જોઈને બેઠો હતો ત્યારે અચાનક જ કેસ પાછો ખેંચી લેવાયો. શેખને છોડી મૂકાયા! 

જેલની બહાર છૂટેલા શેખને તરત જ નહેરુએ તેડું પાઠવ્યું. સામાન્ય રીતે કોઈ મુખ્ય પ્રધાનને સર્કિટ હાઉસ કે ગુજરાત ભવન પ્રકારના ભવનમાં ઉતારો અપાય, પણ આ તો શેખ. નહેરુના જિગરીજાન! તેમને પોતાના નિવાસ તીનમૂર્તિ હાઉસમાં ઉતારો આપ્યો! શેખ છૂટ્યા અને ચમત્કાર થયેલો. હઝરતનો વાળ મળી ગયો અને અચાનક તોફાનો શમી ગયાં! હવે વિચાર કરો કે જો ૩૭૦ કલમ દૂર કરતાં પહેલાં ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિને બહાર છૂટાં રહેવાં દીધાં હોત તો આ લોકો કેવો ઉત્પાત મચાવત?

શેખને જેલમાં પૂરી દેવાયા પછી એક કામ સારું થયેલું. મુખ્ય પ્રધાન બક્ષી ગુલામ મોહમ્મદ નેશનલ કૉન્ફરન્સ તોડી કૉંગ્રેસમાં ભળી ગયેલા. આમ, ત્યાં કૉંગ્રેસની સરકાર હતી. પરંતુ કામરાજ યોજનામાં તેમનું રાજીનામું લઈ લેવાયું.

નહેરુના કહેવાથી શેખ પાકિસ્તાન ગયેલા. પરંતુ દરમિયાનમાં નહેરુનું મૃત્યુ થયું. તે પછી લાલબહાદુર શાસ્ત્રી સત્તામાં આવ્યા. શેખ જ્યારે દિલ્લી ઍરપૉર્ટ પર ૯ મે ૧૯૬૫ના રોજ પરત ફર્યા ત્યારે તેમની ધરપકડ કરી દેવાઈ. શાસ્ત્રી કલમ ૩૭૦ દૂર કરવાના મિજાજના હતા. શેખ અબ્દુલ્લાએ તેમને જે પત્ર લખેલો તેમાં ૩૭૦ નાબૂદ કરવા સામે વિરોધ કર્યો હતો. શાસ્ત્રીના રહસ્યમય અને કસમયના મૃત્યુએ ઘણી બધી સારી સંભાવનાઓ દૂર કરી દીધી.

સંભાવના તો ઈન્દિરા ગાંધીજીના મક્કમ નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના બે ટુકડા ભારતની વીર સેનાએ કરી નાખ્યા ત્યારે પણ હતી કે ૩૭૦ દૂર થઈ જાય. તે સમયે જમ્મુ-કાશ્મીરમાં કૉંગ્રેસને ૭૫માંથી ૫૭ બેઠકો જેટલો જંગી વિજય મળેલો. ૧૯૭૧માં ઈન્દિરાજી યુદ્ધ જીત્યાં હોવાથી તેઓ સર્વોચ્ચ અને શક્તિશાળી નેતા હતાં. પરંતુ કોણ જાણે કેમ, તેઓ પાકિસ્તાન સામે તો મંત્રણાના મેજ પર હારી જ ગયાં સાથે તેમણે શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી કરી અને શેખ અબ્દુલ્લાની નેશનલ કૉન્ફરન્સે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાથી એક પણ બેઠક જીતી નહોતી તો પણ ઈન્દિરાજીના આદેશના કારણે સૈયદ મીર કાસીમે રાજીનામું આપી દેવું પડ્યું. ઈન્દિરાજી ઈચ્છતાં હતાં કે શેખનો પક્ષ કૉંગ્રેસમાં ભળી જાય. પણ ફરી સત્તામાં આવેલા શેખે તેમ ન કર્યું. ઈન્દિરાજીથી મોઢું ફેરવી લીધું.

એટલે ઈન્દિરાજીએ કૉંગ્રેસ પાસે ટેકો પાછો ખેંચવડાવી લીધો. પરિણામે ત્યાં રાજ્યપાલનું શાસન લદાયું. ૧૯૭૭માં જોકે શેખ અબ્દુલ્લા પોતાના બળે બહુમતી લાવીને રહ્યા. ૧૯૭૨ પછી ક્યારેય કૉંગ્રેસ કે ભાજપ જેવો કોઈ રાષ્ટ્રીય પક્ષ સત્તામાં ન આવી શક્યો. ૧૯૭૧થી જ કાશ્મીરમાં ‘ગંગા’ વિમાનના અપહરણ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિ શરૂ થયેલી.

તે પછી અભૂતપૂર્વ બહુમતી ધરાવતા વડા પ્રધાન રાજીવ ગાંધીએ પણ ૩૭૦ દૂર કરવાનું અને અબ્દુલ્લા પરિવારને સત્તાથી દૂર રાખવાનું સાહસ ન કર્યું. રાજ્યમાં વ્યાપી રહેલા કટ્ટરવાદ અંગે રાજ્યપાલ જગમોહનની સલાહની અવગણના કર્યે રાખી. ફારુક અબ્દુલ્લાના શાસનમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓ અને કટ્ટર મુસ્લિમોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. તેના પરિણામે ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુઓને યાતનાપૂર્વક ખદેડાયા. અનેક હિન્દુઓ ઇસ્લામ ત્રાસવાદનો ભોગ બન્યા. કુમળાં મુસ્લિમ બાળકો કટ્ટર મુસ્લિમોના પ્રચારનો ભોગ બની ત્રાસવાદના માર્ગે વળી મર્યાં. ભારતની જનતાના કરોડો કરદાતાઓના પૈસા કાશ્મીર પાછળ વેડફાતા રહ્યા અને અબ્દુલ્લા-મુફ્તિ પરિવાર પોતાનું ઘર ભરતા રહ્યા.

૭૦ વર્ષે આ ભૂલ સુધરી છે. આ તબક્કે દેશ મોદી સરકારને સાથ આપે તે ખૂબ જ જરૂરી છે. નહીંતર ભવિષ્યમાં આવું સાહસ કોઈ નહીં કરી શકે.

One thought on “નહેરુ-ગાંધી પરિવાર સતત અબ્દુલ્લા પરિવારને છાવરતો રહ્યો છે!

  1. સરસ લેખ. અને સુંદર સમાપન.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.