સબ હેડિંગ: શિવ સેનાના કાર્યકર રમેશ સોલંકી નેટફ્લિક્સ સામે ફરિયાદ કરી છે. તેમની ફરિયાદમાં તથ્ય છે. વર્ષોથી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં આ ચાલ્યું આવે છે પરંતુ તાજેતરનાં કેટલાંક વર્ષોમાં હિન્દુ-હિન્દી- હિન્દુ રીતરિવાજો આ બધાને ખરાબ બતાવવા અથવા તેની મજાક ઉડાવવાની બાબતે હદ વટાવી દીધી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૮/૦૯/૧૯)

શિવ સેનાના એક કાર્યકરે નેટફ્લિક્સ સામે પોલીસમાં ફરિયાદ કરી કે તેની વેબસીરિઝ જેવી કે સેક્રેડ ગેમ્સ, લૈલા અને ઘૂલ હિન્દુ વિરોધી છે. એટલું જ નહીં, તેણે કહ્યું કે કૉમેડિયન હસન મિનાજનું ‘પેટ્રિયટ ઍક્ટ’ પણ હિન્દુ વિરોધી છે. હિન્દુથી ડર (હિન્દુફૉબિયા) એટલો બધો ઊંડો પેસી ગયો છે કે આ મંચ (નેટફ્લિકસ) દેશને ખરાબ રીતે દર્શાવી રહ્યો છે.

રમેશ સોલંકીની વાત સાચી છે. દાદાસાહેબ ફાળકે જેને સમગ્ર ફિલ્મ ઉદ્યોગ ખૂબ જ માનથી જુએ છે તેમણે લંડન જઈને ફિલ્મ ટૅક્નૉલૉજીનો અભ્યાસ કરેલો. ‘લાઇફ ઑફ ક્રિસ્ટ’ ફિલ્મ જોયા પછી તેમને વિચાર આવેલો કે હિન્દુ ધર્મ અને તેની કથાઓ પર કેમ ફિલ્મ ન બનાવી શકાય? તેમણે આ દેશની સર્વ પ્રથમ મનાતી પૂર્ણ કક્ષાની ફિચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવેલી.

હિન્દી કે અન્ય ફિલ્મોનો ઇતિહાસ જોશો તો તેમાં જણાશે કે મોટા ભાગની ફિલ્મોની કથા યા તો રામાયણ અથવા તો મહાભારત પર આધારિત રહી છે. પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં સામાજિક દૃષ્ટિકોણ પણ મહત્ત્વનો મનાયો. ‘અછુત કન્યા’ હોય કે ‘દુનિયા ના માને’, કે પછી ‘પ્રેમ રોગ’ અથવા તાજેતરની વાત કરીએ તો ‘તારે ઝમીં પર’ જેવી ફિલ્મો પણ આવી. પરંતુ આ સાથે અમુક ફિલ્મોમાં હિન્દુ ધર્મને ખરાબ રીતે ચિતરવાનો ક્રમ પણ ચાલ્યો. મુગ્ધાવસ્થામાં કોઈ ફિલ્મ આપણે જોઈએ પરંતુ તેને ફરી ફરીને જોઈએ ત્યારે ઘણી વાર આપણને તેમાંથી જુદા અર્થ સમજાતા હોય છે.

આવું જ ‘દીવાર’ બાબતે આપણે જોઈ શકીએ. ‘મેરા બાપ ચોર હૈ’ આવું તેના પિતાના હાથે લખવાની ફરજ પાડનાર સમાજ અને સિસ્ટમ સામે લડવાના એંગ્રી યંગ મેન અમિતાભની સાથે આજે પણ ઘણા માનસિક રીતે જોડાશે. પરંતુ આ ફિલ્મમાં પોતાને નાસ્તિક ગણાવતા જાવેદ અખ્તરે સલમાન ખાનના પિતા સલીમ સાથે મળીને લખેલી કથાનો હિન્દુ હીરો પોતે નાસ્તિક છે. તેને ભગવાન સામે ફરિયાદ હોવાથી મંદિરનાં પગથિયાં (ફિલ્મના અંત સિવાય) તે ચડતો નથી. પરંતુ તે ૭૮૬નો બિલ્લો હંમેશાં પોતાની પાસે રાખે છે. એ ઉલ્લેખનીય છે કે ઇસ્લામમાં માનનારાઓ માટે ૭૮૬ પવિત્ર નંબર છે. શું આ આડકતરી રીતે હિન્દુ ધર્મનો વિરોધ અને ઇસ્લામનો પ્રચાર નહોતો?

હિન્દી ફિલ્મોના પ્રચંડ આશિક હોય તેને ‘તાઝિરાતે હિન્દ’, ‘આશિકી’, ‘મૌશિકી’, ‘નઝ્મ’, ‘તરાના’ ‘રૂહ’, ‘જન્નત’ આ બધા શબ્દોના અર્થ ખબર હશે. આજે પણ કેટલીક પ્રાદેશિક ભાષાની ચેનલો પર કોઈ એ પ્રકારના સમાચાર હોય તો ‘સજા એ મૌત’ શબ્દ વપરાય છે. પરંતુ સંસ્કૃત કે શુદ્ધ હિન્દી ભાષાના શબ્દોના અર્થ ખબર નહીં હોય. હદ તો ત્યારે થઈ ગઈ કે વર્ષોથી સ્વતંત્રતા પર્વ, સ્વાતંત્ર્ય દિન, આઝાદી દિવસ આવા શબ્દો ૧૫ ઑગસ્ટના કાર્યક્રમો માટે વપરાતા હતા. આ વખતે ‘જશ્ન-એ-આઝાદી’ આવો શબ્દ વપરાયો.

રાજા, મહારાજા શબ્દો હમણાં સુધીના છે. આજે પણ અનેક લોકો વાપરે છે, પરંતુ હવે દેશના શાસકો માટે ‘શહેનશાહ’ શબ્દ વપરાઈ રહ્યા છે. અને આ બધાનું એક કારણ હિન્દી ફિલ્મો દ્વારા જે રીતે આપણું માનસ પરિવર્તન કરવા પ્રયાસ કરાયો તે પણ છે.

હિન્દી ફિલ્મોમાં પાત્રો હિન્દુ હોય અને તેમના મોઢે ઉર્દૂ શબ્દો, ‘અલ્લાહ’ અને ‘મૌલા’ અનુચિત રીતે આવે તેનો જો ઇતિહાસ લખવા બેસીએ તો વર્ષો સુધી એ શ્રેણી ચાલે. પરંતુ કેટલાંક ગીતોની વાત કરીએ. ‘હરિયાલી ઔર રાસ્તા’માં શંકર (મનોજકુમાર) અને શોભના (માલા સિંહા)ના મોઢે ગવાયેલું ગીત છે: ઇફ્તદાયે ઈશ્ક મેં હમ, સારી રાત જાગે, અલ્લાહ જાને ક્યા હોગા આગે. હવે આજે પણ આ ગીત ગાવું ગમે તેવું સદાબહાર છે પરંતુ મોટા ભાગનાને ઇફ્તદાયે ઈશ્કનો અર્થ નહીં ખબર હોય.

આ જ રીતે રમતિયાળ અને ગંભીર ગીતો માટે મારા માનીતા ગીતકારો પૈકીના એક મજરૂહ સુલ્તાનપુરી (જેઓ આજીવન યુવાન રહ્યા અને આજ મૈં ઉપર આસમાં નીચે જેવું મસ્ત ગીત છેલ્લે છેલ્લે પણ લખ્યું) તેમણે એક ગીત લખ્યું જેને પડદા પર અનિલ કુમાર (શમ્મી કપૂર) અને સુનીતા નામનાં હિન્દુ પાત્રો ગાય છે: ‘આજા આજા મૈં હૂં પ્યાર તેરા, અલ્લાહ અલ્લાહ ઈનકાર તેરા’. હવે આમાં અલ્લાહ ક્યાંથી આવે? હિન્દુ હોવાથી સર્વ પંથ સમભાવ ધરાવતા હોઈએ અને આ ગીત ખૂબ જ ગમે પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં એક-એક શબ્દનો વિચાર કરીને ગીત, સંવાદ, કથા, પટકથા, તેની વેશભૂષા, સેટ, પાત્ર ઊભું હોય-બેઠું હોય તો તેની પાછળ શું દેખાય છે (જેમ કે ‘સાંવરિયા’માં પડદા પર મોનાલિસાનું ચિત્ર) તેનો વિચાર કરાતો હોય છે. ક્યારે વ્યક્તિને ધોતી પહેરાવવી, માથામાં ચોટી રાખવી (ગોવિંદાવાળી આંખે), ક્યારે કૉટ-પેન્ટ પહેરાવવા, આ બધું બારીકાઈથી નક્કી થતું હોય છે, ત્યારે પ્રશ્ન એ થાય કે ઉપરોક્ત ગીતમાં ‘અલ્લાહ’ શબ્દ મૂકાયો ત્યારે કેવો વિચાર વિજય આનંદે અને ગીતકાર-સંગીતકારે કર્યો હશે?

આ જ ગીતકાર મજરૂહસાહેબના ઉપરોક્ત ઉલ્લેખિત ગીત ‘આજ મૈં ઉપર આસમાં નીચે’માં ‘ટેલ મી’ જેવા અંગ્રેજી શબ્દો આવે છે જે ગુલઝારના મારાં ગમતાં ગીતો પૈકીના એક ‘કજરારે કજરારે કજરારે તેરે નૈના’માં ‘પર્સનલ સે સવાલ’ની જેમ બિનજરૂરી અંગ્રેજી લાગે છે. હવે તેની સાથે ‘ટેલ મી ઓ ખુદા’ કેમ આવી ગયું? ફરી વાર કહું છું, વિરોધ ખુદા કે અલ્લાહનો નથી. આ રીતે એક પંથની વિચારધારા ઘૂસાડવાનો પ્રયાસ છે તેની સામે છે.

 ‘દિલ’ ફિલ્મ મારી મનગમતી ફિલ્મોમાંની એક. પરંતુ ‘દિલ’થી લઈને ‘લુકાછુપી’માં હિન્દુ વિધિથી લગ્ન એટલે ગમે ત્યારે ગમે તે રીતે થઈ જાય. લાકડા મૂકીને અગ્નિ પ્રગટાવી દો અને તેની આસપાસ ફેરા ફરી લો એટલે થઈ ગયાં લગ્ન. અલબત્ત, હિન્દુમાં ગાંધર્વ લગ્ન પણ છે જ પરંતુ લગ્નના રિવાજની જે રીતે મજાક ઉડાવવામાં આવે છે તેની સામે વાંધો છે. વિધિ કરાવનાર પંડિત પર પણ દાદાગીરી કરી જલદી જલદી મંત્રો ભણવા માંડો તેમ આદેશ કરવામાં આવે તેની સામે વાંધો છે. આનંદ બક્ષી સાહેબના એકથી વધુ (ખાસ કરીને સુભાષ ઘઈની ફિલ્મોમાં) ગીતોમાં શબ્દો આવે છે – ચુટકીભર સિંદૂર મંગા દે, માંગ મૈં તેરી ભર દૂં. ચુટકીભર સિંદૂર પૂરી દેવાથી લગ્ન થઈ જાય? દુષ્યંત અને શકુંતલાનાં લગ્ન પણ થયાં હતાં, પાંડવો પણ દ્રૌપદીને પરણ્યાં હતાં, તે વાત બરાબર છે પરંતુ જ્યારે રિવાજ બતાવવાના હોય ત્યારે તેની મજાક ઉડાવો તે વાજબી નથી. ‘લુકાછુપી’માં તો હિરોઇન કહે છે કે આપણે લગ્ન જ બતાવવાના છે ને? તો હું સેંથો પૂરી લઈશ અને મંગળસૂત્ર પહેરી લઈશ, બસ?

હમણાં એક સંદેશો મળ્યો અને તે વાંચીને થયું કે ‘શોલે’માં આ વાત તો નોંધી જ નહોતી. ઠાકુરના પરિવારના લોકોને ગબ્બરસિંહ મારી દે છે ત્યારે ગામના લોકોને રોવું આવતું નથી. પરંતુ ઈમામના પુત્રને ગબ્બર મારી દે છે ત્યારે આખું ગામ હિબકે ચડે છે અને ગામના લોકો વીરુ-જય-ઠાકુરનો વિરોધ કરે છે કે આપણે આ મુસીબતનો બોજો ઉઠાવી શકીએ તેમ નથી. આવું આ સલીમ-જાવેદની કથા-પટકથાના લીધે જોવા મળ્યું હશે કે આ દૃશ્ય દિગ્દર્શક રમેશ સિપ્પીના ભેજાની ઉપજ હશે? કે પછી ધર્મેન્દ્ર/અમિતાભે સૂચવ્યું હશે?

‘લુકાછુપી’માં ગુડ્ડુ શુક્લ અને રશ્મિ ત્રિવેદી તેમનાં માતાપિતાથી છાની રીતે સમૂહ લગ્નમાં લગ્ન કરવા બેઠાં હોય છે ત્યારે રશ્મિના પિતા (વિનય પાઠક) જે સંસ્કૃતિ રક્ષક મંચ ચલાવતા રાજકારણી છે, તે આવે છે. તેઓ ગુડ્ડુના મિત્ર અબ્બાસને પૂછે છે “તૂ મુસલમાન હૈ, ફિર અપની બહેન કી શાદી યહાં કૈસે કરા રહા હૈ તૂ?” આવું તો ગમે તેવો કટ્ટર હિન્દુ પણ ન પૂછે. તો પછી આ પ્રશ્ન કેમ મૂકાયો? તે પણ સંસ્કૃતિ રક્ષક મંચના રાજકારણીના મોઢે? વળી, લગ્ન વિધિ કરાવનાર પંડિત, જેને ખબર નથી હોતી કે પેલા વ્યક્તિનું નામ અબ્બાસ છે, તે તેને તાકીને જોઈ રહે છે ત્યારે અબ્બાસ કહે છે, “ઘૂર ક્યોં રહે હો, કિસી ઓર ગ્રહ સે આયા ન હૂં, સિર્ફ મુસલમાન હૂં’. શું આ હિન્દુ-મુસલમાન વચ્ચે વેરઝેર વધારવાનો પ્રયાસ નથી? આ રીતે કોઈ પંડિત કોઈ વ્યક્તિ માત્ર મુસલમાન છે તેથી તેને ઘૂરી રહે તેવું ક્યાંય જોવા નથી મળતું.

‘ગોલમાલ ૩’ની સમીક્ષા મેં મારા બ્લૉગ પર લખેલી. મને આ ફિલ્મ બહુ ગમેલી. પરંતુ તાજેતરમાં તે ફરી વાર જોઈ ત્યારે વિચાર આવ્યો કે પ્રીતમ (મિથુન) અને ગીતા (રત્ના પાઠક) બંને હિન્દુ છે. તો પછી ગીતા કેમ રવિવારે ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે? જ્યાં તેની પાછળ પાછળ પ્રીતમ અને ડબૂ (કરીના કપૂર) પણ પહોંચી જાય છે. પ્રીતમ અને ગીતા વાતો કરતા હોય છે ત્યાં બંને વચ્ચેથી ક્રૉસ દેખાય તેનું એ દૃશ્યમાં ખાસ ધ્યાન રખાયું છે. ફિલ્મોમાં કેમેરાનો એંગલ બહુ મહત્ત્વનો હોય છે- જે રીતે કેજરીવાલના ઇન્ટરવ્યૂમાં પુણ્ય પ્રસૂન વાજપેયીએ પાછળ ભગતસિંહ દેખાય તેની તકેદારી રાખી હતી તે બધી વાતોનું ધ્યાન ફિલ્મ અને ટીવી સિરિયલોમાં પણ રખાતું હોય છે.

હિન્દી ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં તમે બીજી એક વાત નોંધજો. કોઈ શુદ્ધ હિન્દી બોલતું હશે તો તેની મજાક ઉડાવાશે. (‘ગોલમાલ’માં હરિશ્ચંદ્ર રામચંદ્ર મિરચંદાની નામના પ્રૉફેસર વકતૃત્વ શબ્દ બોલવામાં ફાંફા પડે છે તેની મજાક ઉડાવાઈ છે.) પરંતુ ઉર્દૂ અને અંગ્રેજી ભાષા શીખવાડવાના ખાસ ક્લાસ દેખાડાશે અથવા કોઈ પાત્ર સતત તેની ભાષા સુધારતા દેખાડાશે. ‘બોલ રાધા બોલ’માં યાદ છે- મૈં હૂં ગાંવ કી ગોરી …એ બી સી ડી તુઝકો આજ સીખા દૂં’ ગીત? મને ગમેલી ‘લવ ઇન સિમલા’ ફિલ્મમાં તો રાજિન્દર કિશને આપણને ઉર્દૂ મૂળાક્ષર ગોખવવાનો પ્રયત્ન કર્યો હતો (ઉર્દૂ-અંગ્રેજી કે હિન્દુઓને હિન ચિતરવા માટે મુસ્લિમો કે બીજા વિધર્મીઓને દોષ દેવાની જરૂર નથી, સેક્યુલર લિબરલ હિન્દુ પણ એટલા જ જવાબદાર રહ્યા છે). ‘અલીફ ઝબર આ’ ગીત સાંભળજો.  

આ ફિલ્મ સાધનાના પછી પતિ થયેલા નિર્માતા આર. કે. નય્યરે નિર્દેશિત કરી છે. તેના નિર્માતા શશિધર મુખર્જી હતા. હીરો જોય મુખર્જી અને હિરોઇન સાધના. ફિલ્મનાં પાત્રો દેવકુમાર મહેરા અને સોનિયા પણ હિન્દુ હતાં. ૧૯૬૦માં આવેલી એ ફિલ્મમાં સાધનાએ સ્કર્ટ-મીડી અને ટોપ-પેન્ટ પહેરેલાં એટલે કે તેને મૉડર્ન બતાવાયેલી. તો તેમાં ઉર્દૂ મૂળાક્ષરવાળું ગીત કેવી રીતે આવી ગયું? ચાહે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હોય કે ‘ભાભીજી ઘર પર હૈ’, તેમાં અંગ્રેજી સાચું બોલવાનું શીખવાડાય છે. ભલે તે મજાકની રીતે હોય. આવું હિન્દી બાબતે થતું હોત તો? (‘ઝબાન સંભાલ કે’ જેવી સિરિયલ અપવાદ).

આ બધું આપણા માથે સતત મરાતું રહ્યું. હિન્દુ મોંઘી ટિકિટ દઈને આવી ફિલ્મોને સફળ બનાવતો રહ્યો કે ટીવી પર હુમા કુરૈશીની ‘બાબર કા હુમાયૂં, હુમાયૂં કા અકબર’ વગેરે આપણી પર રાજ કરનાર પરદેશી અત્યાચારી મોગલોનો ઇતિહાસ ગોખાવનાર જાહેરખબર જોતો રહ્યો પરંતુ હવે હદ વટાવી દીધી હોય તેવી લાગે છે.

મિડિયાથી લઈને ફિલ્મ-ટીવી સતત હિન્દુને જ શિખામણ અને હિન્દુ જ ખરાબ તેવું બતાવવાનું ક્યાં સુધી ચાલશે? મિડિયામાં દર ગણેશોત્સવ, નવરાત્રિ, શ્રાવણમાં હિન્દુને શિખામણ. તો ટીવી પર દર હિન્દુ તહેવારે (હોળી પર સર્ફની જાહેરાત અને ગણેશ ચતુર્થીએ રેડ લેબલની જાહેરાત) હિન્દુને ખરાબ ચિતરતી જાહેરાત કેમ? ફિલ્મોમાં, સિરિયલોમાં અને વેબસીરિઝોમાં હિન્દુવાદીને ભગવા ધ્વજ સાથે ખરાબ દર્શાવવાનું ક્યાં સુધી ચાલશે?

One thought on “ફિલ્મ-સિરિયલો અને વેબસીરિઝોમાં હિન્દુને ખરાબ કેમ દર્શાવાય છે?

  1. તદ્દન સાચું છે અને હદ તો ત્યાં સુધી કે હિંદુ પરિવાર અન્ય ધર્મ ની વ્યક્તિ ને સ્વતંત્રતા આપે પરંતુ જો બીજા બધા જ ધર્મ માં આ જવલ્લે જ જોવા મળશે.
    આવી જ રીતે જાગરૂકતા કેળવવી.
    આભાર એવં શુભાશિષ.

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.