સબ હેડિંગ: કેટલાક દુર્ગુણો આપણને વ્યક્તિગત નુકસાન કરતા હોય છે જેમ કે અહંકાર, ક્રોધ, ઈર્ષા, કામ, લોભ, મોહ…પરંતુ કેટલાક દુર્ગુણોનું વ્યક્તિગત કે સામૂહિક રીતે પ્રદર્શન/અમલ થાય ત્યારે દેશને નુકસાન થતું હોય છે. દેશવિરોધી આ દસ દુર્ગુણોનું દહન કરવા આ દશેરાએ સંકલ્પબદ્ધ થઈએ.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૬/૧૦/૧૯)

(આ સાથે આ કૉલમને બે વર્ષ પૂરાં થઈ રહ્યા છે. આભાર સંજોગ ન્યૂઝ ટીમ.)

આપણા તહેવારો એ માત્ર ઉજવણી લઈને નથી આવતા પરંતુ એક સંદેશ લઈને આવે છે. દશેરા અથવા વિજયાદશમી એ માત્ર શ્રી રામનો રાવણ પર વિજય નથી, પરંતુ નમ્રતાનો અહંકાર પર વિજય છે. દુર્ગુણ પર સદ્ગુણનો વિજય છે. પરસ્ત્રી પર ખરાબ નજર અને પોતાની સ્ત્રીની ઉપેક્ષા સામે સદ્ચારિત્ર્યનો વિજય છે. પોતાના સ્વાર્થ માટે પરિવારને ભૂલી જનાર સામે પરિવાર માટે બધું જતું કરનારનો વિજય છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસિ એમ કહીને સુવર્ણમયી લંકા જતી કરનાર શ્રી રામનો વિજય છે.

આપણે પ્રભુ શ્રી રામના બધા ગુણો કદાચ ન અપનાવી શકીએ તો પણ રાષ્ટ્ર પ્રથમ અને પરિવાર બીજા ક્રમે આનો વિચાર કરી શકીએ? આ દશેરાએ સંકલ્પબદ્ધ થવા જેવું છે અને દેશ માટે થઈને નીચેના દસ અવગુણોને ત્યજવા જેવા છે.

અસ્વચ્છતા: મહાત્મા ગાંધીજી મંદિરોમાં અને કુંભમાં ગયા ત્યારે તેમને ગંદકી દેખાઈ હતી. નરેન્દ્ર મોદીએ ગત અવધિથી સ્વચ્છતાની ઝુંબેશ ચાલુ કરી છે. કેટલોક ફરક દેખાય પણ છે. આમ છતાં આજે પણ આપણાં પોતપોતાનાં શહેરોમાં શું ચાર રસ્તાએ, ફૂટપાથ પર માવા/ફાકીના કાગળ, નાસ્તાના ખાલી પડીકાં, પાનમસાલાના રેપર વગેરે પડેલા નથી હોતા? ટ્રેનોમાં નાસ્તા કરી કરીને તેના પ્લાસ્ટિકના પડીકાં, સિંગના ફોતરાં નથી ફેંકતા? ગઝલના કાર્યક્રમમાં કેવો વર્ગ આવ્યો હોય? ભદ્ર જ ને? તો પણ ત્યાંય લોકો સિંગનાં ફોતરાં, વેફરનાં પડીકાં ફેંકીને આવતા હોય છે. જરા પણ શરમ વગર.

મંદિરોમાં પણ અસ્વચ્છતા જોવા મળે છે. અમદાવાદમાં જોધપુરમાં એક સ્કૂલની સામે ડિવાઇડર પર એંઠું ફેંકેલું જોવા મળે છે. આમાં બાળકો કયો પાઠ શીખવાના? આપણાં જાહેર માર્ગો પર આવેલાં જાહેર શૌચાલયો પણ કેવા ગંદા હોય છે. ફ્લશ કરવાની સૂચના આપવી પડે તે કેટલું શરમજનક?

સામે પક્ષે ટ્રેનનાં શૌચાલયો હોય કે આવાં જાહેર શૌચાલયો, તેમાં તેના કર્તાહર્તા-સંચાલનકર્તા વગેરેએ પણ પાણીની સુવિધા, ડબલાની સુવિધા, ફ્લશ ચાલુ હોય વગેરે તપાસ કરવી ઘટે. આનું સતત મૉનિટરિંગ કરવું જોઈએ. ઘણી વાર જનતાનો પણ વાંક ન હોય. ટ્રેનમાં પાણી પૂરતા ફૉર્સથી ન આવતું હોય કે ફ્લશ ન ચાલુ હોય તો ગંદકી કરીને ઉઠવું જ પડે. પ્રક્ષાલનનો પણ પ્રશ્ન આવે. જરૂરી બને તો શાળા-કૉલેજોમાં સ્વચ્છતા, ટ્રાફિક, સમયપાલન વગેરેનો ફરજિયાત અભ્યાસક્રમમાં ધોરણ બાર સુધી સમાવેશ કરવો જોઈએ. સફાઈ કર્મચારી પણ પોતે રસ્તો વાળે કે બીજી કોઈ પણ સ્થાનની સફાઈ કરે ત્યારે પૂરતી કાળજીથી બરાબર સફાઈ કરે. એવું જોયું છે કે રસ્તો વાળતી વખતે સફાઈ કર્મચારી ફૉન પર વાત કરતો/તી હોય, પછી રસ્તા પર જ એક જગ્યાએ કચરો ભેગો કરીને જતા રહે. થોડી જ વારમાં પવનથી એ કચરો ઊડીને પૂર્વવત્ સ્થિતિ થઈ જાય.

નાગરિક-પ્રશાસન અને શાસન ત્રણેયમાં આ બાબત ફરજિયાત હોવી જ જોઈએ. વિદેશમાં સ્વચ્છતા બહુ છે તેવો ગર્વ વિદેશથી આવતા બિનનિવાસી ભારતીયો કે ત્યાં પ્રવાસ કરીને આવેલા ભારતીયો લેતા હોય છે પરંતુ અહીં જ્યારે કચરાનો નિકાલ કરે ત્યારે પાછા હતા તેવા ને તેવા થઈ જાય. પોતાનું ઘર ચોખ્ખું રહેવું જોઈએ. સોસાયટી, શેરી ચોખ્ખી રહે કે ન રહે તેનાથી કોઈ ફરક નથી પડતો. સોસાયટીના પિલરો તો બરાબર, પણ લિફ્ટમાં પણ પાન/માવા/પાનમસાલાની પિચકારી મારનારા હોય છે. આવું ખાવાનો (અને કેન્સરને નોતરવાનો) બહુ શોખ હોય તો એક થૂંકદાની કે કોથળી સાથે રાખવી જોઈએ. નદી-નાળા-દરિયો વગેરેમાં પણ અસ્વચ્છતા ફેલાવનારાઓ ઓછા નથી. અસ્વચ્છતાથી બીમારી આવે છે, નેગેટિવિટી ફેલાય છે. અસ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજી આવતા નથી એ જાણીતી વાત છે. એટલે આ દુર્ગુણને બને તેટલો ઝડપથી પરાજિત કરીએ.

ધર્મના નામે ઉપાસનાનું જાહેર પ્રદર્શન: હકીકતે ધર્મને આપણે સમજતા જ નથી. ધર્મ એટલે કર્તવ્ય. ડ્યુટી. એટલે ફલાણા ધર્મના કાર્યક્રમ હોય એટલે તેનું સરઘસ આપણે વાજતેગાજતે કાઢીએ અને તે પણ ડીજેના કાન ફાડી નાખે તેવા અવાજ સાથે. મંદિરમાં હોય કે મસ્જિદમાં, લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને રાતદિવસ આપણે બીજાને ત્રાસ આપીએ, વૃદ્ધ-બીમાર-ગર્ભવતી-પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી આ બધાનો વિચાર જ ન કરીએ. તમે વહેલી સવારે ઊઠી જતા હો અને વહેલી સવારે બેન્ડવાજા સાથે ફિલ્મી ગીતોની ધૂન પર સામૈયા કાઢો પરંતુ કોઈ રાત પાળી કરીને આવ્યો હોય, કોઈ બીમાર હોય તો આવા કારણસર વહેલા ન ઊઠે, તેવામાં તેની ઊંઘની સાથે તેની સવાર પણ બગડે છે. ગણેશચતુર્થી-ગણેશ વિસર્જન-નવરાત્રિ- શું તહેવારોની ઉજવણી શાંત-સૌમ્ય રીતે ન થઈ શકે? આનંદની વાત છે કે મુંબઈમાં કોઈક જગ્યાએ હૅડફૉન ભરાવીને સાઇલન્ટ ગરબા પણ થાય છે.

માત્ર ઘોંઘાટ જ નહીં, સરઘસ, સામૈયા, તાજિયા, નાતાલ, ૩૧ ડિસેમ્બરની ઉજવણી વગેરેના કારણે હવે તો વધી ગયેલા ટ્રાફિક, સાંકડા બનેલા રસ્તા, વચ્ચે ઢોર આ બધાના કારણે અંધાધૂંધી સર્જાય છે. વળી, આ બધું મોટી સંખ્યામાં થતું હોય એટલે રસ્તા પર શિસ્તથી ન ચાલે તો કંઈ કહી શકાય પણ નહીં. ટોળાને કહેવા જાવ તો ધર્મના નામે મારામારી કે રમખાણો થઈ જાય. આ બધા કાર્યક્રમો ઑફિસ કલાકો (આવવાના કે જવાના) દરમિયાન જ થતા હોય છે. ગણેશ/દુર્ગા/દશા મા મૂર્તિ વિસર્જન-તાજિયા ઠંડા પાડવા, બકરી ઈદ નિમિત્તે બકરી કાપી લોહી વહેવડાવવું, રસ્તા પર નમાઝ પઢવી વગેરેના કારણે તમારા મત (એટલે કે પંથના) નથી તેમને કેટલી તકલીફ પડે છે તે કોઈ જોતું નથી.

શું કોઈ પંથના ગ્રંથમાં બીજાને હેરાન કરી નુકસાન પહોંચાડી ઉપાસના કરવાનું લખ્યું છે? ઉલટાનું, દરેક પંથનો ઇતિહાસ જોશો તો પંથના પ્રારંભકે એકાંતમાં ઉપાસના કરી છે. તેમણે ગાઈ વગાડીને ઉપાસના નથી કરી. તે વખતે આવાં સાધન પણ નહોતાં. તેમણે બીજાની કાળજી રાખવાની વાત કરી છે. પહેલો સગો તે પાડોશી, લવ ધાય નેબર આવું કહેવાયું છે. પરંતુ આપણે ત્યાં તો ઘરે પણ પૂજા-હવન કે સત્સંગ રાખ્યા હોય તો ઘરે આવતા મહેમાનોના ચપ્પલ આડેધડ પડ્યા હોય, લિફ્ટનો ઉપયોગ આડેધડ કરતા હોય, વાહન પાર્ક આડેધડ કરે અને તે વખતે તેમને કહેવા જાવ તો ઉલટા ઝઘડવા આવે અને આપણે પણ બને ત્યાં સુધી વિચારીએ કે પ્રસંગ છે ને. એક દિવસ સહન કરી લો. પરંતુ સૉસાયટીમાં આવા તો કેટલા પ્રસંગ ચાલતા જ રહે. અને વાંક વગર સહન કરતા જ રહેવાનું થાય. ઉપાસના પોતાના ઘર પૂરતી સીમિત રાખવાની બદલાતા સમયની માગ છે. આ દુર્ગણને પણ નાથવો જ રહ્યો.

જાતિવાદ: જેમજેમ આપણે આધુનિક બનતા જઈએ છીએ તેમતેમ આપણે વધુ ને વધુ જાતિવાદી બનતા જઈએ છીએ. તેનો ફાયદો ઉઠાવે છે કેટલાક બનવા માગતા કે બની બેઠેલા નેતાઓ. તેઓ પોતે ન માત્ર જાતિવાદી કાર્યક્રમના આધારે નાણાં કમાઈ લે છે પરંતુ સાથે જ પદ, કહેવાતી પ્રતિષ્ઠા પણ મેળવી લે છે. સમાજ ત્યાંનો ત્યાં જ રહી જાય છે. જે કાલ સુધી તમારા મિત્ર હોય, પડોશી હોય તે જાતિવાદના કારણે તમારા દુશ્મન બની જાય તે અલગ.

પ્રાંતવાદ/ભાષાવાદ: આવું જ પ્રાતંવાદનું છે. રાજ ઠાકરે, અરવિંદ કેજરીવાલ (તેમણે હમણાં નિવેદન આપેલું કે બિહારીઓ દિલ્લીમાં આવીને રૂ. ૫૦૦માં ઈલાજ કરાવી જાય છે), ડીએમકેના નેતાઓ વગેરે દેશના કેટલાક નાગરિકોને પ્રાંતવાદનું અફીણ પીવડાવી કામચલાઉ મતો તો મેળવી જાય છે પરંતુ સરવાળે નુકસાન દેશનું થાય છે. તો બીજી તરફ, કેટલાક આઈએએસ, આઈપીએસ, કે અન્ય સરકારી નોકરી કરનારા પણ પ્રાંતવાદ છૂપી રીતે ચલાવતા હોય છે. પોતાની હેઠળ કામ કરનારા પૈકી પોતાના પ્રાંતના લોકોને વધુ મહત્ત્વ આપે છે. તેનાથી ત્યાં રહેતા મૂળ પ્રાંતીયોના મનમાં અન્યાયની અને રોષની ભાવના જન્મે છે. વર્ષોથી અલગ પ્રાંતમાં રહેતા હોય તો પણ કેટલાક લોકો તે પ્રાંતને અપનાવી નથી શકતા. તેની ભાષા શીખતા નથી. આવડતી હોય તો પણ બોલતા નથી. ગુજરાતમાં કેટલાક હિન્દી ભાષીઓનું આવું જ છે. હવે ગુજરાતીઓ હિન્દી બોલતા થયા છે પરંતુ આ બરાબર નથી. આ દેશ આપણો છે. બધા જ પ્રાંત આપણા છે. ભાષાઓ એક જ ભાષા-સંસ્કૃતમાંથી ઉતરી છે. દરેકનું સન્માન કરવું જોઈએ.

જાહેર સંપત્તિને નુકસાન: જાહેર સંપત્તિ જેવી કે બસ, ટ્રેન, જાહેર સ્મારક, જાહેર શૌચાલય, પુસ્તકાલય વગેરેને આપણે આપણી નથી સમજતા. સરકારી સમજીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ચૂકવેલા કરમાંથી જ તે બનેલી છે, તેની જાળવણી થાય છે. આથી તોફાનોમાં પહેલું નુકસાન જાહેર સંપત્તિને કરવામાં આવે છે. તોફાનો ન હોય તો પણ મુસાફરી વખતે કે સંપત્તિનો લાભ લેતી વખતે કેટલાક લોકો ગાદી, લાઇટ, પંખા, અરે! રેલવેના શૌચાલયનો મગ, વગેરેને યા તો નુકસાન પહોંચાડે છે અથવા તો ચોરીને પોતાના ઘરે લઈ જાય છે. કેટલાક લોકો ટૂંકો લાભ લેવા વીજચોરી, પાણી ચોરી વગેરે કરે છે. આ બધું હવે બંધ થવું જોઈએ.

સમયપાલન: ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમ પ્રમાણે કાર્યક્રમ મોડો જ શરૂ થશે તેમ માની મોટા ભાગના લોકો મોડા જ આવે છે. ઘણી વાર તો આયોજકોને કાર્યક્રમ સમયસર શરૂ કરવો હોય તો પણ નથી કરી શકતા. જે વહેલા આવે છે તેમને હેરાન થવાનું થાય છે. જો કાર્યક્રમમાં મહેમાન બનીને સમયસર પહોંચો તો આયોજકો માનની નજરે ન જુએ તેમ બની શકે. આ મહેમાનને કોઈ કામ નહીં હોય, નવરો જ હશે તેમ માની લે છે. જે મોડા પહોંચે તે બહુ વ્યસ્ત હશે તેમ મનાય છે.

આ જ રીતે સરકારી કે ખાનગી નોકરીઓમાં કહ્યા વગર મોડા આવવું, વહેલા નીકળી જવું, કામ પતાવવા સમય આપ્યો હોય તે સમયમાં કામ પૂરું ન કરવું, કામને ટાળતા રહેવું તે પણ ઘણાની ટેવ બની ગઈ છે અને તે ચાલ્યા કરે છે. જો કોઈ કામ સમયસર કરી આપે તો સહકર્મચારી કહેતા હોય છે કે આવી ટેવ ન પાડ. તને વધુ કામ મળ્યા કરશે અને થાય છે પણ એવું કે જે કર્મચારી સમયસર કામ પૂરું કરી આપે તેને બૉસ વધુ ને વધુ કામ સોંપ્યા રાખે છે. કમ્પ્યૂટર નથી આવડતું, આ મળતું નથી વગેરે બહાનાં કાઢી કામને વિલંબમાં નાખ્યા રાખે તેને કોઈ શિક્ષા નથી થતી. પરિણામે પ્રમાણિક, દક્ષ અને સમયપાલનમાં માનનારા કર્મચારી પણ દાંડ બનવા પ્રેરાય છે. નિષ્ઠ કર્મચારીઓનું સન્માન થવા લાગશે, સમયપાલન કરનારાનું મહત્ત્વ વધશે ત્યારે આ દેશ ખરેખર ખૂબ પ્રગતિ કરશે.

(બીજા ચાર દુર્ગુણોની વાત આવતા અંકે.)

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.