સબ હેડિંગ: રામમંદિર અંગે હવે ચુકાદો કે સમાધાન આવવાની તૈયારી છે ત્યારે સુન્ની વકફ બૉર્ડે સમાધાનની તૈયારી બતાવી છે. પરંતુ એમ કહી શકાય કે બહોત દેર કર દી મહેરબાં આતે આતે. આ કેસમાં અંગ્રેજો, વિવાદિત ઢાંચા પક્ષે રહેલા લોકો, વિવિધ સરકારો, તમામ રાજકીય પક્ષો- સર્વેએ અત્યાર સુધી વિલંબકારી, કેટલીક વાર વિરોધી નીતિ અપનાવીને હિન્દુઓની સદ્ભાવના જીતવાની તકો ગુમાવી દીધી છે…

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૦/૧૦/૧૯)

એવા અહેવાલો છે કે રામમંદિર જન્મસ્થાન અંગે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં સુન્ની વકફ બૉર્ડે મધ્યસ્થી સમિતિને પોતાનો દાવો જતો કરવા તૈયારી બતાવ્યાનું સૂચન કર્યું છે. આ માટે તેણે કેટલીક શરતો પણ મૂકી છે. એએસઆઈ દ્વારા સંરક્ષિત મસ્જિદોમાં નમાઝ પઢવા દેવામાં આવે, ઉત્તર પ્રદેશ સરકાર ખરાબ સ્થિતિમાં રહેલી ૨૨ મસ્જિદોનો જીર્ણોદ્ધાર કરાવે, પંથ ઉપાસનાનાં સ્થળોનો ૧૯૯૧નો કાયદો ચુસ્ત રીતે લાગુ કરવામાં આવે. ચોથી શરત એ છે કે પહેલાં અયોધ્યામાં રામજન્મભૂમિ પર જે મસ્જિદ હતી તેને અનુકૂળ સ્થળે બનાવવા દેવામાં આવે.

કહેવાય છે કે હારેલા રાજા કે અપરાધી પાસે પોતાની વાત મનાવવાનો કોઈ અધિકાર નથી હોતો. અને એવા કેટલાય પુરાવા છે કે રામ જન્મભૂમિ સ્થળે મંદિર તોડીને જ મસ્જિદ બનાવાઈ હતી અને તે પણ કોના નામે? ભારત પર ચડાઈ કરનાર બાબરના નામે!

ઔરંગઝેબની પૌત્રી અને બહાદુરશાહ-પહેલાની પુત્રીના પુસ્તક ‘સફીયાઈ ચહલ નસાઈ બહાદુરશાહી’ (ચહલ નસાઇહ એટલે ચાલીસ સલાહ)માં રામમંદિરને તોડીને મસ્જિદ બનાવ્યાનો ઉલ્લેખ છે. ‘હદીકાએ શહદા’ (૧૮૫૬) પુસ્તકના રચયિતા મિર્ઝા જાને પોતાના પુસ્તકમાં તેને ઉદ્ધૃત કર્યું છે…”મથુરા, બનારસ, અવધ આદિ સ્થાનોં પર સ્થિત હિન્દુઓં કે દેવાલયોં તથા કન્હૈયા કે જન્મ કા સ્થાન, સીતા રસોઈ સ્થાન, હનુમાન કા સ્થાન જો હિન્દુઓં કે અનુસાર લંકા કી વિજય પશ્ચાત વહાં રામચંદ્ર કે સમીપ બૈઠે થે- પર હિન્દુઓ (કાફીર) કો બહુત શ્રદ્ધા હૈ. ઇન સભી કો ઇસ્લામ કી શક્તિ (પ્રદર્શન) કે લિયે ધ્વસ્ત કર કે ઇન સભી સ્થાનોં પર મસ્જિદોં કા નિર્માણ કર દિયા ગયા થા…તથાપિ યહ અનિવાર્ય કિયા ગયા હૈ કિ કોઈ મૂર્તિ પૂજા નહીં કી જાયે ઔર મુસલમાનોં કે કાનોં મેં શંખ કી આવાઝ ન પડે.”

આવાં તો અનેક લેખિત અને સામગ્રીગત પુરાવાઓ છે. છતાં ૧૫૨૮માં મંદિરને તોડી પડાયું હતું તે પછી ૪૯૧ વર્ષના ઇતિહાસમાં અનેક લોહિયાળ સંઘર્ષો થયા- અનેક સમજૂતીની પહેલો થઈ તો પણ મુસ્લિમ પક્ષે સદ્ભાવના ન પ્રવર્તી! અનેક મુસ્લિમો વ્યક્તિગત રીતે મંદિરોની દેખરેખ રાખે છે, સદ્ભાવના રાખે છે પરંતુ એક સમુદાય તરીકે તેના નેતાઓની ઉશ્કેરણીમાં આવીને તે હિન્દુઓ પ્રત્યે સદ્ભાવનાની અનેક તકો ચૂકી ગયો. બહાદુરશાહ ઝફરના શાસન વખતે અંગ્રેજોની સામે ક્રાંતિ થઈ ત્યારે અયોધ્યાના રાજ દેવી બખ્સસિંહ, ગૌન્ડ નરેશ અને ક્રાંતિકારી મહંત રામચરણ દાસ સહિત પૂર્ણ હિન્દુ સમાજે બહાદુરશાહ ઝફરને પોતાના સમ્રાટ માની લીધા અને લડાઈ લડી. તે વખતે ક્રાંતિકારી મુસ્લિમ નેતા અમીર અલીએ પોતાના મુસલમાન સમર્થકોને કહેલું, “વિરાહરાને વતન! મુલ્ક કી આઝાદી કો કાયમ રખને, બેગમોં કે જેવરાત તથા હમારી જાન-માલ કી હિફાઝત કરને મેં હિન્દુ ભાઈયોં ને અંગ્રેજો સે લડકર જિસ પ્રકાર કી બહાદુરી દિખાઈ ઉસે હમ ભૂલ નહીં સકતે. ઇસલિયે ફર્જે ઇલાહી હમેં મજબૂર કરતા હૈ કિ હિન્દુઓં કે ખુદા રામચંદ્ર કી પૈદાઇશી જગહ પર જો બાબરી મસ્જિદ બની હૈ વહ હમ હિન્દુઓં કો બાખુશી સુપુર્દ કર દે ક્યોંકિ હિન્દુ મુસ્લિમ નાઇત્તફાકી કી સબ સે બડી જડ યહી હૈ ઔર એસા કરકે હમ હિન્દુઓં કે દિલ પર ફતહ પા જાયેંગે.”

પરંતુ દુર્ભાગ્યે એ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ (જેને સ્વતંત્ર ભારતના ઇતિહાસકારો વિપ્લવ એટલે કે વિદ્રોહમાં ખપાવે છે, વિદ્રોહ તો પોતાની સરકાર સામે કરે તેને કહેવાય, આ તો સ્વતંત્રતા સંગ્રામ હતો) નિષ્ફળ ગયો અને અંગ્રેજોએ કુટિલ ચાલ ચાલી મહંત રામચરણ દાસ અને અમીર અલીને ૧૮ માર્ચ ૧૮૫૮ના રોજ કુબેર ટીલામાં આંબલીના ઝાડ પર લટકાવીને સુરક્ષાની વચ્ચે ફાંસી આપી દીધી. વર્ષો સુધી હિન્દુ સમાજ આ ઝાડની પૂજા અને પરિક્રમા કરતો રહ્યો!

આ પછી તમામ સરકારો, તમામ રાજકીય પક્ષો અને ખાસ કરીને મુસ્લિમ નેતાઓ હિન્દુઓ પ્રત્યે સદ્ભાવ દર્શાવવાની અમૂલ્ય તકો ચૂકતા ગયા. ન્યાયાલયોમાં નિર્ણય ગયો તો ત્યાં પણ સંતુલનનો ખેલ ભજવાયો! ૧૯૪૯માં તથાકથિત વિવાદિત ઢાંચામાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રગટ થઈ એ પછી જ મંદિર બની જવું જોઈતું હતું પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડા પ્રધાન તરીકે એ તક ચૂકી ગયા. ઉત્તર પ્રદેશના કૉંગ્રેસના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંત પણ તક ચૂકી ગયા. ઉલટું ત્યાં તાળું લગાવીને પૂજારી નિયુક્ત કરી દેવાયો!

કેટલાક લોકો કહે છે કે ભાજપે આ મુદ્દે રાજનીતિ કરી, પરંતુ ભાજપે ૧૯૮૯માં આ મુદ્દે સમર્થન કર્યું અને રથયાત્રા કરી તે પહેલાં ૪૬૧ વર્ષ સુધી અનેક લોહિયાળ સંઘર્ષો અને ન્યાયાલયોમાં અરજીઓ થઈ હતી તે વખતે અંગ્રેજોએ પોતાની કુટિલ ચાલ રમ્યા રાખી, સ્વતંત્રતા પછી કૉંગ્રેસે! નહીં તો કૉંગ્રેસને જ રામમંદિરનો યશ મળત ને? શાસનમાં આવ્યા પછી ભાજપે પણ ખુલીને તેનું સમર્થન ન કર્યું. ઉલટાનું અડવાણીજી રાષ્ટ્રપતિ ન બને તે માટે તથાકથિત રીતે તેમની સામે નરેન્દ્ર મોદી સરકારે વિવાદિત ઢાંચાને ધ્વંસ કરવાનો કેસ ફરીથી ખોલ્યો! આ કેસના નાયક ગણી શકાય તેવા કલ્યાણસિંહને રાજ્યપાલ પદેથી ઉતર્યા પછી સીબીઆઈએ સમન્સ માટે ન્યાયાલયમાં અરજી કરી! સામે પક્ષે કૉંગ્રેસ પોતાના ગમે તેવા ગુનેગારો (શીખ વિરોધી રમખાણોમાં) જગદીશ ટાઇટલર વગેરેનો સાથ છોડતી નથી.

એટલે રાજનીતિ રમાઈ છે તેમાં શંકા નથી. પરંતુ એમાં અનેક નિર્દોષ હિન્દુ-મુસ્લિમો માર્યા ગયા! તેની ભરપાઈ કોણ કરશે? રામજન્મભૂમિને પુન: પ્રાપ્ત કરવા માટે સ્વતંત્રતા પછી જ સંઘર્ષ થયો છે તેવું નથી. બાબરની સામે ભીટી નરેશ મહતાબસિંહ, હંસબરના રાજગુરુ દેવીદીન પાન્ડેય, હંસવરના રાજા રણવિજય લડેલા. હુમાયુંની સામે સ્વામી મહેશાનંદજીએ સાધુઓની સેના લઈને અને હંસવરનાં રાણી જયરાજકુમારીએ સ્ત્રીઓની સેના લઈને લડાઈ લડેલી. અકબરના સમયમાં સ્વામી બલરામાચાર્ય નિરંતર લડતા રહ્યા. ઔરંગઝેબના સમયમાં બાબા વૈષ્ણવદાસ, ગુરુ ગોવિન્દસિંહ, કુંવર ગોપાલસિંહ, ઠાકુર જગદમ્બાસિંહ, ઠાકુર ગજરાજસિંહે લડાઈ લડેલી. નવાબ સઆદત અલીના સમયમાં અમેઠીના રાજા ગુરુદત્તસિંહ, પિપરાના રાજા રાજકુમારસિંહ લડેલા. નસીરુદ્દીન હૈદરના સમયમાં મકરહીના રાજા લડેલા. વાજિદ અલી શાહના સમયમાં બાબા ઉદ્ધવદાસ અને શ્રીરામચરણ દાસ ગોન્ડા નરેશ દેવી બખ્શસિંહ લડેલા.

અંગ્રેજોના સમયમાં ૧૮૮૫માં (યોગાનુયોગ એ જ વર્ષે કૉંગ્રેસની સ્થાપના થયેલી. મહાત્મા ગાંધીજીએ મુસ્લિમોનો વિશ્વાસ જીતવા તુર્કીના ખલીફાના ટેકામાં ખિલાફત આંદોલન આરંભ્યું પરંતુ અંતિમ પળોમાં ‘હે રામ!’ બોલનારા અને રામરાજ્યની કલ્પના કરનારા ગાંધીજીને પણ રામજન્મભૂમિ પર મંદિર બનાવવાની ચળવળને ટેકો આપવાનું સૂજ્યું નહીં.) મહંત રઘુવરદાસે જાબાદના ન્યાયાલયમાં કેસ કરેલો. જિલ્લા જજ કર્નલ જે. ઇ. એ. ચેમિયારે એવું નિરીક્ષણ આ કેસમાં કરેલું: “એ દુર્ભાગ્યપૂર્ણ છે કે મસ્જિદનું નિર્માણ હિન્દુઓના એક પવિત્ર સ્થાન પર બનેલા ભવનને તોડીને કરવામાં આવ્યું છે. આ ઘટના ૩૫૬ વર્ષ જૂની છે, તેથી તેમાં કંઈ કરવું ઉચિત નહીં હોય.” સ્વાભાવિક છે કે ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામમાં હિન્દુ-મુસ્લિમો ખભેખભા મેળવીને લડ્યા તેથી અંગ્રેજોને આ બંને મોટા સમુદાય એક થાય તેમાં રસ ન હોય.

૧૯૫૦માં હિન્દુ મહાસભાના ગોપાલસિંહ વિશારદે ત્યાં પૂજા કરવાની અનુમતિ માગતો દીવાની દાવો કર્યો. ૧૯૫૯માં નિર્મોહી અખાડાએ આ સમગ્ર ઢાંચાનો અધિકાર તેને સોંપવા માગણી કરતો દાવો કર્યો. ૧૯૬૧માં સુન્ની વકફ બૉર્ડે આ ઢાંચો તેને સોંપી દેવામાં આવે તેવી માગણી કરતો દાવો કર્યો. ૧૯૮૭માં અયોધ્યા (તત્સમયે ફૈઝાબાદ)માંથી કેસો અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ બૅન્ચને સોંપવામાં આવ્યા. પરમહંસ રામચન્દ્ર દાસે એક દાવો કરેલો જે તેમણે બાદમાં પાછો ખેંચ્યો. ત્રીજો દાવો નિર્મોહી અખાડાનો અને ચોથો સુન્ની વકફ બૉર્ડનો હતો. ૧૯૮૯માં દેવકીનંદન અગરવાલે રામલલ્લાને પોતાને પક્ષકાર બનાવી પાંચમો દાવો કર્યો.

૧૯૯૦માં કારસેવામાં અનેક નિર્દોષ અને શસ્ત્રવિહોણા કારસેવકો પર મુસ્લિમોના મસીહા થવા માગતા મુલાયમસિંહે લાઠી-ગોળીઓનો વરસાદ કર્યો જેમાં હજારો લોકો માર્યા ગયા. તે પછી ચંદ્રશેખરની સરકારે આને ગંભીરતા અને અગ્રીમતાથી લઈ બંને પક્ષોને મંત્રણા માટે ભેગા કરેલા પરંતુ ત્યારે બાબરી મસ્જિદ એક્શન કમિટી હાજર ન રહી! ચંદ્રશેખરે ચાર નિષ્ણાતોની સમિતિ પણ ઐતિહાસિક, પુરાતત્ત્વકીય, કાનૂની અને મહેસૂલના રેકૉર્ડ તપાસવા માટે બનાવેલી પરંતુ રાજીવ ગાંધીએ ટેકો પાછો ખેંચી લેતાં સરકાર પડી ગઈ અને…

ન્યાયાલયમાં પણ આવા વિવાદાસ્પદ કેસને, જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો એ રીતે રગશિયા ગતિથી ચલાવાયો તેવું દેખીતી રીતે લાગે કારણકે વિવાદિત ઢાંચાનો ધ્વંસ થયો અને મુદ્દો ગરમાયો પછી અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં આ કેસમાં ગતિ ૧૯૯૩માં આવી. પરંતુ એ.એસ.આઈ.ને ખોદકામનો આદેશ આપવાનો સમય છેક વર્ષ ૨૦૦૨માં પાક્યો! અને અલ્હાબાદનો જાણીતો ચુકાદો છેક વર્ષ ૨૦૧૦માં આવ્યો જેમાં વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડી દેવામાં આવ્યા.

૨૦૧૧માં સર્વોચ્ચ ન્યાયાલયમાં આ ઉચ્ચ ન્યાયાલયના આદેશ સામે અપીલો થઈ. ૨૦૧૧થી ૨૦૧૬ સુધી કેસ ઠંડો પડી ગયો (કે પાડી દેવામાં આવ્યો). વર્ષ ૨૦૧૭માં દીપક મિશ્ર આ કેસની દૈનંદિન સુનાવણી ચલાવવા માગતા હતા પરંતુ વર્ષ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને તેનો લાભ ન મળી જાય તે માટે કૉંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબલે તેને લોકસભાની ચૂંટણી સુધી મોકૂફ રાખવા અપીલ કરી. તે ફગાવી દેવાઈ પરંતુ પછી કૉંગ્રેસે મહાભિયોગની દરખાસ્તની વાત કરી જે પછી ન્યાયતંત્રના ચુકાદાઓ (સબરીમાલા, રાષ્ટ્રગીત) જુદા પ્રકારના આવવા લાગ્યા. મિશ્રજી નિવૃત્ત થયા અને આસામના કૉંગ્રેસના મુખ્ય પ્રધાન કેશબચંદ્ર ગોગોઈના પુત્ર રંજન ગોગોઈ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા.

તેમણે પણ આ કેસ હાથમાં લીધો અને આઠ માર્ચે પૂર્વ ન્યાયમૂર્તિ એફએમઆઈ કલીફુલ્લાના નેતૃત્વમાં શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુની મધ્યસ્થી સમિતિ બનાવી. આ સમિતિએ આઠ જ સપ્તાહમાં પોતાનો રિપૉર્ટ આપવાનો હતો, પરંતુ ફરી ચલકચલાણું થયું અને ૧૦ માર્ચે તેને ૧૫ ઑગસ્ટ સુધીની મુદ્દત વધારી દેવાઈ!

હિન્દુઓના દેશમાં (હિન્દુઓ તેમના મૂળ સ્વભાવ પ્રમાણે સેક્યુલર હોવાથી તેઓ બીજા પંથના લોકોને સમાન અધિકાર આપે તે બરાબર છે પરંતુ જ્યારે પંથના આધારે ભાગલા પડ્યા ત્યારે અને તે પહેલાં સ્વાભાવિક જ આ દેશ હિન્દુ રાષ્ટ્ર જ હતો અને છે) પોતાની સર્વોચ્ચ આસ્થાના સ્થાન પર એક ભગવાન ન ગણો તો, રાષ્ટ્રપુરુષનું મંદિર બનાવવા આટલો સંઘર્ષ, આટલો વિલંબ અને આટલી બધી રાજનીતિ?

મુસ્લિમો પણ શ્રી રામને માને છે. ઇકબાલે તો તેમને ઈમામ-એ-હિન્દ કહ્યા હતા. ભારત-હિન્દુઓ તો એવા જ લોકોને પૂજે છે જેમણે રાષ્ટ્ર માટે, સમાજ માટે પોતાના અંગત સુખનો વિચાર કર્યા વગર સત્યની રાહે તપશ્ચર્યા કરી હોય, દુષ્ટો સામે લડાઈ લડી હોય. શ્રી રામ આવા જ હતા. તેમનું મંદિર બનાવવામાં શા માટે અડચણો ઊભી કરાવી જોઈએ?

આની વિરુદ્ધ કેસ લડનારા અને ટીવીમાં ડિબેટ કરનારા મુસ્લિમ નેતાઓની સમયે-સમયે દલીલો પણ કેવી ફરતી ગઈ? ત્યાં મંદિર કે બીજું કંઈ હતું જ નહીં. પછી કહ્યું, ઈદગાહ હતી. પછી કહ્યું, મંદિર હોય તો પુરાવા તો મળે ને. મસ્જિદની ઈમારત પર કોઈ ચિત્ર ન હોય. કમળના નિશાનવાળા સ્તંભ મળ્યા તો કહે કે એ તો રાજસ્થાનથી કારીગરો બોલાવ્યા હોય. કોઈએ તો ત્યાં સુધી કહ્યું કે શ્રી રામનું મંદિર બીજી કોઈ જગ્યાએ બની શકે. કેટલાક હિન્દુ સેક્યુલરો પણ કૂદ્યા અને કહ્યું કે ત્યાં હૉસ્પિટલ બનાવી નાખો. તો કોઈએ શૌચાલય બનાવવા સુધીની વાત પણ કરી! સર્વોચ્ચ ન્યાયાલયમાં શ્રી રામના વંશજોની માહિતી મિ. લૉર્ડે માગી! મારું મગજ એ વાત સમજી નથી શકતું કે શ્રી રામના વંશજોને આ વાત સાથે શું લેવા દેવા? પરંતુ તે પણ માહિતી મળી ગઈ. આ તો સારું થયું કે કૉંગ્રેસની યુપીએ સરકારે રામસેતુ વખતે શ્રી રામ કાલ્પનિક હતા તેવું દાખલ કરેલું સોગંદનામું ધ્યાને ન લેવાયું, નહિતર આ કેસમાં વિલંબ માટે વધુ એક પ્રશ્ન ઊભો થાત.

અને હવે જ્યારે આ કેસ પતવા આવ્યો છે, ચુકાદો કોની તરફેણમાં આવશે તે નિશ્ચિત મનાય છે (કારણકે એટલે જ તો મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને ગુસ્સામાં આવીને સુનાવણીના છેલ્લા દિવસે રામજન્મસ્થાનનો નકશો ફાડી નાખ્યો) ત્યારે પોતાનો હાથ ઉપર રહે, પોતે સદ્ભાવ દાખવ્યો છે તેવું બતાવવાના દેખીતા પ્રયાસમાં સુન્ની વકફ બૉર્ડ શરતો (!) સાથે આગળ આવ્યું છે ત્યારે પહેલી વાત તો એ કે જે અપરાધી હોય અથવા ખોટા પક્ષે હોય તેની કોઈ શરતો ન માની શકાય. અને બીજી વાત:

બહોત દેર કર દી, મહેરબાં આતે આતે!

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.