સબ હેડિંગ: જેમ જેમ દેશ અને વિદેશમાં હિન્દુવાદી વાતાવરણ બની રહ્યું છે તેમ તેમ વામપંથીઓ-રેશનાલિસ્ટો-લિબરલો હવે છદ્મહિન્દુવાદી, છદ્મ યોગગુરુ અને છદ્મ મૉટિવેટરનો સ્વાંગ સજી રહ્યા છે. આવા લોકોથી સાવધાન રહેવું જોઈએ. પરંતુ આવા લોકોને ઓળખવા કેવી રીતે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૩/૧૧/૧૯)

દેશમાં એક વાતાવરણ બનતું જાય છે. ગયાં પાંચ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી વામપંથીઓએ પોતાનો એજન્ડા ચલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમ છતાં ૨૦૧૯માં મોદી સરકાર પહેલાં કરતાં પણ વધુ બહુમતી સાથે આવી ગઈ. એટલે હવે હિન્દુવાદીઓ વધતા જશે.

અને અહીં જ ખતરાની ઘંટડી વાગવી જોઈએ.

આ હિન્દુવાદીઓ શું બધા ખરા મનથી હિન્દુવાદી હશે?

સ્વાભાવિક છે, નહીં. તેઓ સત્તાનાં બદલાયેલાં સમીકરણોના કારણે સત્તાને રિઝવવા અધૂરા મનથી હિન્દુવાદી બનશે. આથી તેમની માન્યતા પણ ભૂલ ભરેલી હશે. અથવા તેઓ જાણી જોઈને ભૂલ ભરેલી માન્યતા વ્યક્ત કરશે.

જાણતાંઅજાણતાં એક વિવાદ તો તાજેતરમાં જ આપણે ગુજરાતમાં જોયો. બધાને પોતપોતાની રીતે પંથ ઉપાસના કરવાની છૂટ છે. અભિષેક કરવાની કોઈ શાસ્ત્રએ મનાઈ નથી કરી. પરંતુ અતિ પ્રસિદ્ધ એક કથાકાર જેને સંતનું બિરુદ અપાયું હોય તેમણે જાહેરમાં આવી ટીપ્પણી કરવાથી બચવું જોઈતું હતું, પરંતુ મંથરા દરેક યુગમાં હોય છે. જીભ આડી ફાટી, વિવાદ થયો. સામે પક્ષે પણ જૂના-નવા વિડિયો નીકળ્યા અને વિવાદ ઓર વકર્યો. નુકસાન કોનું થયું? હિન્દુ ધર્મનું. બંને વિચારો ક્યાંય એકબીજાને નડતા હતા? નહોતા નડતા? તો પછી આ વિવાદ જન્માવાનું કારણ શું?

આવો વિવાદ અજાણતા થયો હોય તો પણ હવે સાવધ રહેવું પડે. પાકિસ્તાન અને બીજા શત્રુ દેશો ભારતની ફૉલ્ટ લાઇન પર પ્રહાર કરવા દર વખતે નવાનવા નુસખા અપનાવે છે. કમલેશ તિવારીની હત્યાના કેસમાં મુસ્લિમ આરોપી અશફાક હિન્દુના નામે ચેટ કરતો હતો. એટલે જેમ લવ જિહાદમાં ઘણી વાર સત્ય બહાર આવે છે કે હિન્દુ નામ સાથે મુસ્લિમ યુવક યુવતીને છેતરીને પરણી ગયો, તેમ સૉશિયલ મિડિયામાં પણ થઈ શકે છે.

અને બની શકે કે ભારતને તોડવાના ષડયંત્રમાં હવે હિન્દુવાદી બનીને વિવાદ ઊભા કરવાનું હોઈ શકે છે. આવા એક છદ્મ હિન્દુવાદી દેવદત્ત પટનાયક છે. તેઓ હિન્દુ માઇથૉલૉજીના નામે જ પોતાની વાત મૂકે છે. અંગ્રેજી શબ્દ Mythનો અર્થ થાય છે ભ્રમણા. અથવા દંત કથા. શું હિન્દુ ધર્મની બધી જ કથાઓ ઉપજાવી કઢાયેલી છે?

દેવદત્ત પટનાયક ૭૪ વર્ષીય વેન્ડી ડૉનિગરને પોતાના ગુરુ માને છે. વેન્ડી ડૉનિગર અમેરિકી લેખિકા છે. પોતાને સંસ્કૃતના વિદ્વાન માને છે, પરંતુ જેમ અંગ્રેજોના કહેવા પર જર્મન મેક્સમૂલરે વેદોનો વિકૃત અનુવાદ કર્યો (

‘મેક્સમૂલર દ્વારા વેદોં કા વિકૃતિકરણ ક્યા, ક્યોં ઔર કૈસ’-ડૉ. કે. વી. પાલીવાલ) અને અનેક આક્રમણો છતાં હિન્દુઓ પોતાના ધર્મ વિશે સ્વાભિમાન ધરાવતા રહ્યા, તેમાં અતૂટ વિશ્વાસ ધરાવતા રહ્યા તેને શંકાના દાયરામાં મૂકવાનું કામ કર્યું અને તેમાં તેઓ સફળ પણ રહ્યા, તેમ વેન્ડી ડૉનિગર પણ આ જ કાર્ય કરે છે.

વેન્ડી ડૉનિગર મુજબ હોળીના તહેવાર પર લાલ રંગનું પાણી એકબીજા પર નાખવું તે લોહીનો સંકેત છે જેનો ઉપયોગ સંભવત: વિતેલી સદીઓમાં કરાતો હશે. આ જ રીતે સ્ત્રીઓના કપાળે ચાંદલો એ રજસ્વલાવાળા લોહીનું પ્રતીક છે! શ્રીકૃષ્ણની ત્રિભંગી મુદ્રા સમલૈંગિક આકર્ષણનું સંકેત છે. વેન્ડીએ અનેક પ્રસંગોમાં સંસ્કૃત શબ્દોના અર્થ પણ વિકૃત રીતે રજૂ કર્યા છે.

આવાં વેન્ડીને દેવદત્ત પટનાયક પોતાનાં ગુરુ માને છે!

ગત ૪ જૂન ૨૦૧૮ના રોજ, બાગપતમાં પુરાતત્ત્વ વિભાગ દ્વારા ખોદકામમાં કાંસ્ય યુગ પહેલાંનો રથ મળી આવ્યો. તાજેતરમાં એટલે કે ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ દેવદત્ત પટનાયકે ટ્વીટ કર્યું કે “હડપ્પા સભ્યતા વૈદિક નથી, પરંતુ વેદો હડપ્પા સભ્યતાના હતા કારણકે હડપ્પા સભ્યતા (વેદો કરતાં) વધુ જૂની હતી. વેદો પછી આવ્યા. હડપ્પા સભ્યતામાં (માણસને મૃત્યુ પછી) દાટવાનું પસંદ કરતા હતા. વેદોએ અગ્નિસંસ્કાર દાખલ કર્યા. હડપ્પા સભ્યતા સિંધુ અને સરસ્વતી કિનારે પાંગરી જ્યારે વેદ ગંગા-યમુના કિનારે પાંગર્યા. બંનેએ પોતાનું પ્રદાન હિન્દુત્વમાં કર્યું છે! એટલું જ.”

મિસ્ટર મોહન્તી નામના એક સુજ્ઞ ભાઈએ તેમને જવાબમાં એટલું જ લખ્યું, “બાગપત ખોદકામ વિશે તમારું શું માનવું છે? તે વૈદિક હતું કે હડપ્પા સભ્યતાનું?”

આના જવાબમાં આ સભ્ય દેવદત્ત પટનાયક ગાળાગાળી પર ઉતરી આવ્યા. તેમણે લખ્યું, “I will check with your mother”.

આ નકલી હિન્દુવાદીઓની તકલીફ આ જ છે. તેઓ ગાળાગાળી પર ઉતરી આવે છે. ઘણા બુદ્ધુજીવીઓ પણ આ જ કરે છે. તેઓ તર્ક સમાપ્ત થાય એટલે અનેક નવી ગાળોની શોધ કરી નાખે છે. આ બુદ્ધુજીવીઓ પણ હિન્દુ ધર્મમાં માત્ર કાલિદાસને માને છે. વાત્સાયન, કામસૂત્ર, ખજૂરાહો વગેરેને માને છે. પરંતુ તુલસીદાસે હનુમાનચાલીસામાં જુગ સહસ્ર્ જોજન પર ભાનુ એ પંક્તિ દ્વારા પૃથ્વીથી સૂર્ વચ્ચેનું અંતર કહી દીધું તેને ગપ્પાં ગણાવે છે. તેઓ શાસકોની તો આરતી ઉતારશે પરંતુ સાચા હિન્દુ ધર્મને ખોટી રીતે રજૂ કરશે.

આવા લોકોથી બચવાની તો જરૂર છે જ, તેમના અસત્યને ઉઘાડા પાડવાની પણ જરૂર છે. દેવદત્ત પટનાયક કેવાં કેવાં ટ્વીટ કરે છે તે જુઓ. તેમાં તેમની હિન્દુ વિરોધી માનસિકતા છતી થાય છે. તેમનું એક ટ્વીટ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯નું છે. તેમણે લખ્યું છે:

Hinduism = respect women as you respect Bharat Mata

Hindutva = respect those who troll women

 

હવે આ હિન્દુઇઝમ શબ્દ તો અંગ્રેજી ભાષામાં બનાવાયો છે. જેમ કમ્યૂનિઝમ, કેપિટલિઝમ છે તેમ હિન્દુઇઝમને એક રાજકીય વિચારધારાની જેમ શબ્દ બનાવી દેવાયો છે. દેવદત્ત પટનાયક કહે છે કે હિન્દુઇઝમમાં ભારત માતાની જેમ સ્ત્રીઓને સન્માન આપવું જોઈએ. હિન્દુત્વ (આ શબ્દ મુખ્યત્વે ભારતની ભાષા, સંસ્કૃતિ અને વારસાને ગૌરવ માનતા લોકો વાપરે છે, પરંતુ દેવદત્ત પટનાયક અહીં સંઘ-ભાજપ તરફ ઈશારો કરે છે) એટલે જે લોકો સ્ત્રીઓની પાછળ પડી જતા હોય તેમનું સન્માન કરવું. અહીં ટ્રૉલ શબ્દ વાપર્યો છે જે ટ્વિટર પર વિરોધી મત વ્યક્ત કરનારા જમણેરીઓ માટે ડાબેરીઓએ શોધી કાઢેલો શબ્દ છે. પરંતુ શું ટ્વિટર કે સૉશિયલ મિડિયા પર વિરોધી મત માત્ર જમણેરીઓ જ કરે છે? જરા ઊંડાણપૂર્વક તપાસ કરજો. શું માત્ર જમણેરીઓ જ વ્યક્તિગત અપમાનજનક ભાષામાં વિરી મત વ્યક્ત કરે છે? આ પણ સાચું નથી. ડાબેરીઓ-લિબરલો-નાસ્તિકો-તર્કવાદીઓ પણ આ ક્ષેત્રે પાછળ નથી.

જે લોકો દેવદત્ત પટનાયકને હિન્દુ ધર્મ વિશે સર્વેસર્વા જ્ઞાતા માનવા લાગ્યા હોય (ખાસ કરીને વિદેશમાં કે અહીં ભારતમાં) તેઓ આનાથી કેવી છાપ પામવાના?

‘પદ્માવત’ (આમ તો પદ્માવતી હતું પરંતુ સંજય લીલા ભણશાળીએ વિવાદ થતાં તેનું નામ પદ્માવત કરી નાખ્યું) વિશે દેવદત્ત પટનાયકે ટ્વીટ કરીને લખ્યું, “સંજય લીલા ભણશાળીએ એક સ્ત્રી પોતાના પુરુષવાદી વંશના ‘સન્માન’ને બચાવવા પોતાની જાતને બાળી નાખી તે વિચારને આકર્ષક અને મૂલ્યવર્ધન કરતી ફિલ્મ બનાવી. પુરુષવાદી વંશ, જેનું સન્માન સ્ત્રીઓને પોતાની જાતને સ્વૈચ્છિક રીતે બાળી નાખવા માગણી કરે છે, તેણે ચેતવણીનો ઘંટ વગાડવાની જરૂર હતી. તેણે તેમ ન કર્યું. નિઃસાસો.”

શું જૌહર એ પુરુષવાદી વંશના સન્માનને બચાવવા માટે કરાતું હતું? કે પછી આતતાયી મુસ્લિમ બાદશાહો અને તેમના સેનાપતિઓના બળાત્કારથી બચવા માટે પોતાના સન્માન, પોતાના શીલને જાળવવા માટે હિન્દુ સ્ત્રીઓ દ્વારા કરાતું હતું? આમ કહીને દેવદત્ત પટનાયક મુસ્લિમ બાદશાહો અને તેમના સેનાપતિઓ દ્વારા અત્યાચારને ભૂલવાડી દેવા માગે છે અને જાણે કે માત્ર રાણી પદ્માવતીના પતિ-રાજા રાવલ રતનસિંહે તેમના કુટુંબના સન્માન માટે આ જૌહર થોપી બેસાડ્યું હોય તેવું ચિત્ર ઉપસાવે છે. આ બાબતે દેવદત્ત પટનાયક અને ડાબેરીઓ-નાસ્તિકો-રેશનાલિસ્ટો એક જ ધરાતલ પર છે.

ઉપર છેડેલી પુરાતત્ત્વ ખોદકામની વાત પર પાછા ફરીએ તો, બાગપતના સિનૌલી ગામમાં ખોદકામમાં રથ પણ મળ્યો છે. તે મહાભારતકાલીન સભ્યતાના સંકેત પણ હોઈ શકે છે. અત્યાર સુધી માત્ર મેસોપોટામિયા, રોમન અને જ્યૉર્જિયા સભ્યતામાં જ રથ મળવાના પ્રમાણ હતા. આ સિવાય તેમાં માટીનાં વાસણો, તાંબાની તલવાર, મશાલ અને ઢાલ પણ મળી છે. આ બધાં ચિહ્ન ૪૦૦૦ વર્ષથી જૂનાં કહેવાય છે.

પરંતુ આવા સમાચારને મિડિયા મહત્ત્વ આપતું નથી. આવા સમાચાર કેમ આઠ કૉલમની હેડલાઇન-પ્રાઇમ ટાઇમના પહેલા સમાચાર ન બને? આનાથી ફરી પ્રશ્ન ઊભો થાય છે કે શું મિડિયામાં હિન્દુ વિરોધી નેરેટિવ જ ચાલ્યા કરે છે? તાજેતરમાં એવા સમાચાર આવેલા કે કેરળની ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બ્રાંચે ડૉ. વી. કે. શ્રીનિવાસન સામે તપાસ શરૂ કરી છે. શ્રીનિવાસને જુબાની આપેલી કે મરિયમ થ્રેશિયા નામના ખ્રિસ્તી નનના ચમત્કારના કારણે એક્યુટ રેસ્પિરેટરીથી પીડાતું એક શિશુ બચી ગયેલું. આ થ્રેશિયાને ૧૩ ઑક્ટોબરે વેટિકને સંત જાહેર કર્યાં હતાં.

આ સમાચાર ત્રણ-ચારને બાદ કરતાં મોટા ભાગનાં મિડિયામાંથી ગાયબ હતા. જો આની જગ્યાએ કોઈ ડૉક્ટરે કહ્યું હોત કે આસારામ બાપુ, નિર્મલ બાબાના કારણે કે ઢબુડી માતાના કારણે બાળક ગંભીર બીમારીમાંથી ઉગરી ગયું અને આપણા અખાડાએ આવા બાબાને સંત જાહેર કર્યા હોત તો દિવસોના દિવસો સુધી મિડિયા આ મુદ્દાને માથે લેત. ડિબેટમાં એન્કરો પોતે જ ચુકાદો જાહેર કરી દેત. પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા જ ન થઈ.

માત્ર આપણા ગ્રંથો પર ટીપ્પણી કરનારાથી જ નહીં, હવે યોગગુરુઓથી પણ ચેતવા જેવું છે. આવાં જ એક યોગગુરુ ફૂટી નીકળ્યા છે, તેમનું નામ છે ઈરા ત્રિવેદી. આ બહેન પાછા દૂરદર્શન પર પણ આવે છે! (આ પણ જોવા જેવું છે કે કેવા કેવા લોકોને મોટા સરકારી પ્લેટફૉર્મ મળી જતા હોય છે). ઈરા ત્રિવેદી શીખવે છે યોગ પણ પાછા હિન્દુ ધર્મને ‘રિગ્રેસિવ રિલિજિયન’ ગણાવે છે. તેમની સામે ઉહાપોહ વધ્યો એટલે બધાં ટ્વીટ ડિલીટ કરી દીધા! યોગ શીખવતા આ બહેન પાછા ગોમાંસને પ્રૉટીનનો સૌથી સસ્તો સ્રોત પણ ગણાવે છે! આ બહેનને દૂરદર્શનનું પ્લેટફૉર્મ કેમ મળી જાય છે તેનું કારણ જાણવું અઘરું નથી. તેઓ કૉંગ્રેસના ઈન્દિરા ગાંધીના કટોકટી કાળના માહિતી અને પ્રસારણ પ્રધાન વી. સી. શુક્લ (હવે સ્વ.)નાં પૌત્રી કે દોહિત્રી છે.

આ જ રીતે કેટલાક નકલી મોટિવેટર પણ ફૂટી નીકળ્યા છે. તેઓ બહુ ડાહીડાહી વાતો કરે છે. પરંતુ સાથે જ તેની અંદર વામપંથી વિચારો ભેળવી દે છે. હિન્દુ સ્ત્રીઓને ફેમિનિઝમના નામે ઉશ્કેરવાનું કામ કરે છે. હિન્દુ યુવાનોને કાલિદાસ, વાત્સાયન, વાલ્મીકિ રામાયણના સંદર્ભોને ખોટી રીતે ટાંકીને માત્ર કામવાસના તરફ ખેંચી જવાનું કામ કરે છે.

આવા બધાંથી ચેતવું હોય તો? સીધો રસ્તો છે. પુસ્તકો વાંચો. કોઈનાથી પ્રભાવિત ન થાવ. આવા છદ્મ હિન્દુવાદી, છદ્મ યોગગુરુ અને છદ્મ મોટિવેટરના પોતાના જીવનનો અભ્યાસ કરો. તેમની ફેસબુક પૉસ્ટ અને ટ્વીટનો અભ્યાસ કરો. તેઓ પોતે કેવું જીવન જીવે છે? જેવું કહે છે તેવું જ જીવન જીવે છે? તેમના વિચારો બિટવીન ધ લાઇન્સ વાંચો. તમને બહુ જલદી સત્ય સમજાઈ જશે.

One thought on “છદ્મ હિન્દુવાદીઓ, છદ્મ યોગગુરુઓ અને છદ્મ મૉટિવેટરો

  1. बव साँची वात करी जयवंतभाई .
    हिन्दु प्रजा आपणा धार्मिक ग्रंथ नु वांचन नहीं करे त्या सुधी आवा देवदत्तो नी वातों मा आवि जसे .

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.