સબ હેડિંગ: કવિ મુહમ્મદ ઈકબાલે પ્રભુ શ્રી રામને ‘ઈમામ-એ-હિન્દ’ કહેલા. તેઓ સ્વતંત્રતા માટેની લડતમાં શ્રી રામ આદર્શ હોવાનું માનતા હતા. કવિ મઝહર જાન-એ-જાનાં કહેતા કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ પણ પયગંબર છે. પરંતુ આવા લોકોને સરકાર, યુનિવર્સિટીઓ, બૌદ્ધિક મંચો, મિડિયા વગેરેમાં સ્થાન ન મળ્યું અને રામમંદિર મુદ્દે સતત ખોટો વિવાદ થતો રહ્યો…

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૧૧/૧૯)

જે દિવસે શ્રી રામ મંદિરનો ચુકાદો આવ્યો તે દિવસે યોગાનુયોગ કવિ મુહમ્મદ ઈકબાલનો જન્મદિન હતો! એ જ મુહમ્મદ ઈકબાલ જેમનું દેશભક્તિનું ગીત આપણે ગાઈએ છીએ. ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’. એ ઈકબાલે લખેલું, ‘કુછ બાત હૈ કિ હસ્તિ મીટતી નહીં હમારી.’ આ ઈકબાલનું સાચું નામ અલ્લામા ઈકબાલ. તેમના દાદા સહજ સપ્રૂ કાશ્મીરી પંડિત હતા જે પછી સિયાલકોટ ગયેલા.

જોકે પછી તો એ પાકિસ્તાનના રાષ્ટ્રીય શાયર બન્યા. પાકિસ્તાન બન્યું ત્યારે તેઓ જીવિત નહોતા, પરંતુ ૧૯૩૦માં ઈકબાલ પાકિસ્તાનના વિચારના પુરસ્કર્તા બની ગયેલા. તેમણે મુસ્લિમ લીગ સમક્ષ આનો વિચાર રાખેલો. એ વખતની વિચાર આંધીએ ઈકબાલના વિચાર બદલી નાખ્યા ઝીણાની જેમ જ.

ઈકબાલ પ્રભુ શ્રી રામને ‘ઈમામ-એ-હિંદ’ કહેતા. ઈમામ એટલે મુસ્લિમ ધર્મગુરુ. તેઓ શ્રી રામ સ્વતંત્રતાની લડત માટેના આદર્શ હોવાનું પણ માનતા. ઈકબાલે લખેલું કે પશ્ચિમે પણ હિન્દ (હિન્દુ) તત્ત્વચિંતન સ્વીકારવું જ પડશે. તેમના શબ્દોમાં:

લબરૈઝ હૈ શરાબ-એ-હકીકત સે જામ-એ-હિન્દ

સબ ફલસફી હૈ ખિતા એ મગરિબ કે રામ-એ-હિન્દ

અર્થાત્ જે સત્યનો જામ છલકાઈ રહ્યો છે તે ભારતનો છે, પશ્ચિમ પણ હિન્દ (હિન્દુઓ)ના ફલસફી (તત્ત્વચિંતન)ને સ્વીકારે છે.

તેમણે આ જ કવિતામાં કહેલું:

હૈ રામ કે વજૂદ પે હિન્દોસ્તાં કો નાઝ

અહલ-એ-નઝર સમજતે હૈં ઉસ કો ઈમામ-એ-હિન્દ

શ્રી રામ પર સમગ્ર હિન્દુસ્થાન (સ્થાનનું ઉર્દૂમાં સ્તાન થઈ ગયું)ને ગર્વ છે, વિઝનવાળા લોકો તેમને ઈમામ-એ-હિન્દ માને છે.

મઝહર જાન-એ-જાનાં નામના એક નક્શબંદી સૂફી કવિ દિલ્લીમાં થઈ ગયા. તેમના મત પ્રમાણે, શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને પણ પયગંબર જ હતા.

પરંતુ આવા લોકોને સરકાર, યુનિવર્સિટીઓ, મિડિયા વગેરેમાં સ્થાન ન મળ્યું અને જે વિવાદ સામસામે બેસીને ઉકેલાવો જોઈતો હતો તે રામમંદિરના મુદ્દે કટ્ટરવાદી મુસ્લિમો જ આવતા રહ્યા. તેમના તરફથી અને સેક્યુલર હિન્દુ બુદ્ધુજીવી તરફથી કેવીકેવી દલીલો થતી?

‘રામાયણ’ તો મહાકાવ્ય છે. શ્રી રામ તો કાલ્પનિક છે. આથી યુપીએ સરકારે પણ સર્વોચ્ચમાં સોગંદનામું કરી ‘રામસેતુ’ પણ કાલ્પનિક ગણાવેલો. પછી દલીલ થતી કે રામના નામે લોકોને લડાવાય છે. લોકોને રોજીરોટીમાં રસ છે. મંદિરથી કોનું ભલું થયું છે? ત્યાં હૉસ્પિટલ કે શૌચાલય બનાવો! કેટલાક બુદ્ધુજીવી તો સમય પ્રમાણે વામપંથી અને હિન્દુવાદી થાય, તેમણે કહ્યું કે દિલ્લી ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો સ્વીકારી લો. પછી હમણાં ચુકાદો આવ્યો એટલે પાછું વાજું બદલ્યું અને કહ્યું, મેં તો કીધું જ હતું!

એ તો ઠીક, પરંતુ જેઓ પોતાને હિન્દુ ધર્મના નથી માનતા તેવા એક જૈન લેખિકાએ પણ હૉસ્પિટલ બનાવવાની તરફેણ કરેલી. તમને બુદ્ધુજીવી દેખાવાનો આટલો જ શોખ હોય તો તમારે દહેરાસર વિશે બોલવું જોઈએ. નહીં લેવા નહીં દેવા, આવું સ્ટેટમેન્ટ આપીને બુદ્ધુજીવી સાબિત થઈને બુદ્ધુજીવી ઇકો સિસ્ટમમાં ઘૂસવાનો એ વાહિયાત પ્રયત્ન હતો.

આવી ઇકો સિસ્ટમ સ્વતંત્રતા પછી બહુ જ ચાલી. એટલે તો તમને યાદ હોય તો જ્યારે જર્જરિત ઢાંચો ૬ ડિસેમ્બરે તૂટી પડ્યો ત્યારે ‘ઇન્ડિયા ટૂડે’ મેગેઝિને કવર કાળું કરેલું અને હેડિંગ આપેલું, ‘નેશન્સ શૅમ’.

૬ ડિસેમ્બરની આ ઘટના પછી દેશભરમાં રમખાણો થયાં. કોઈએ એ વિચાર્યું કે જમ્મુ-કાશ્મીરમાં ૫૦૦ ઉપરાંત મંદિરો તૂટ્યાં અને દેશભરમાં અન્યત્ર પણ અનેક મંદિરો તૂટ્યાં પરંતુ તેનો બદલો વિપંથીઓ સાથે લેવાયો ખરો? અને હમણાં સુધી ૬ ડિસેમ્બરના દિવસે આખા દેશમાં એલર્ટ રાખવું પડે, તેને શોકના દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાય તે પણ કેવું વિચિત્ર? પરંતુ લોકો એ ભૂલી ગયા કે ઢાંચો તોડવાનો પ્રયાસ કંઈ સંઘ-વિહિપ-ભાજપના લીધે થયો તેવું નથી. ૧૮૫૫માં અયોધ્યામાં ભારે સંઘર્ષ થયો હતો જેમાં ૭૦ મુસ્લિમો માર્યા ગયા હતા. તે વખતે પણ ઢાંચાનો એક હિસ્સો તૂટી ગયો હતો. ૧૯૩૪માં હિન્દુઓની એક વિશાળ ભીડે આ ઢાંચાના ત્રણ ગુંબજ તોડી નાખ્યાં હતાં. પરંતુ અયોધ્યા (જૂનું ફૈઝાબાદ)ના અંગ્રેજ કલેક્ટરે તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

અને હવે તો સર્વોચ્ચ ન્યાયાલયે પણ સ્વીકાર્યું કે મંદિર પર જ મસ્જિદ બનાવાઈ હતી અને ઇસ્લામની રીતે પણ વર્ષોથી અપૂજ એટલે કે જ્યાં નમાઝ નહોતી પઢાતી તેથી માત્ર ઢાંચો જ હતો, તો પછી તેને તોડી પાડવાના કેસ આ આંદોલનના મુખ્ય પ્રેરક બળ પૈકીના એક એવા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણસિંહ, વિનય કટિયાર, ઉમા ભારતી, અશોક સિંહલ, ગિરીરાજ કિશોર, બાળાસાહેબ ઠાકરે વગેરે સામે પાછા ખેંચી લેવા જોઈએ.

નવાઈ લાગશે, પણ વર્તમાન રામજન્મભૂમિ, કાશી અને મથુરા આંદોલનના પ્રણેતા કોઈ આરએસએસ, વિહિપ કે ભાજપના નેતા નહોતા! કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને અને ઉત્તર પ્રદેશમાં અનેક વખત પ્રધાન રહી ચૂકેલા દાઊદયાલ ખન્ના વિહિપની નજીક આવી ગયા હતા. (એ વખતે કૉંગ્રેસ આજના જેવી સાવ હિન્દુવિરોધી નહોતી.) ૧૯૮૩માં તેમણે વિહિપના મંચ પરથી ભાષણ આપતા કહ્યું હતું કે મથુરા, કાશી અને અયોધ્યામાંથી મસ્જિદો જવી જ જોઈએ. (ઘણાને ખબર નહીં હોય પરંતુ વિશ્વ હિન્દુ પરિષદનો જન્મ મુસ્લિમો સામે નકારાત્મકતામાંથી નહોતો થયો.

રા.સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક મા.સ. ગોલવલકરને વિચાર આવેલો કે હિન્દુ ધર્મમાંથી અસ્પૃશ્યતા જેવાં અનેક દૂષણને દૂર કરવા, વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો વચ્ચે એકતા લાવવા અને વિશ્વ ભરના હિન્દુઓ વચ્ચે સંબંધ ટકી રહે, ભારતની બહાર રહેતા હિન્દુઓ તેમના ધર્મ અને જીવનદર્શન સાથે જોડાયેલા રહે તે માટે કંઈક કરવો જોઈએ. આ ઉદ્દેશ્યથી ૧૯૬૪માં વિ. હિ. પ.ની સ્થાપના કરાયેલી. ભારતીય બંધારણના ઘડવૈયા પૈકીના એક અને કૉંગ્રેસ નેતા તથા ગુજરાતીના પ્રખર સાહિત્યકાર કન્હૈયાલાલ મુન્શી વિહિપના સ્થાપકો પૈકીના એક હતા.

૧૯૬૬માં વિહિપના પ્રથમ વિશ્વ હિન્દુ સંમેલનને તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પણ શુભેચ્છા સંદેશ મળ્યો હતો. ૧૯૬૯માં પ્રથમ ક્ષેત્રીય સંમેલનમાં હજારો દલિતોની ઉપસ્થિતિમાં પૂજ્ય પેજાવર સ્વામીએ ‘હિન્દવ: સોદરા: સર્વે’ (બધા હિન્દુ ભાઈઓ છે)નો સંદેશ આપ્યો હતો. સ્વામી વિશ્વેશતીર્થ મહારાજે ‘ન હિન્દુ પતિતો ભવેત’નો ઉદ્ઘોષ કર્યો હતો.

એ વાત અલગ છે કે રામમંદિર આંદોલન, ભાજપમાં વિહિપના કહેવાથી કેટલાક સાધુઓને ટિકિટ મળવા લાગતા વિહિપના કેટલાક નેતાઓને સત્તાનો નશો થઈ ગયો હતો. તેઓ રિમૉટ કંટ્રૉલ બનવા માગતા હતા. એ પછી વિહિપના મૂળ કાર્યક્રમો બાજુએ રહી ગયા અને માત્ર મુસ્લિમોની ટીકા અને રામમંદિરના નામે પોતાના સહયોગી સંગઠનના શાસકોની ટીકા જ એક માત્ર ઉદ્દેશ રહી ગયો હોય તેમ લાગવા લાગ્યું હતું.

ઠીક છે. ૧૯૮૪માં દિલ્લીના વિજ્ઞાન ભવનમાં આયોજિત પહેલી ધર્મ સંસદમાં અયોધ્યા, મથુરા અને કાશીનાં ધર્મસ્થળો હિન્દુઓને સોંપવા પ્રસ્તાવ પસાર થયો હતો. ૨૧ જુલાઈ ૧૯૮૪ના રોજ અયોધ્યાના વાલ્મીકિ ભવનમાં વિહિપે રામજન્મભૂમિ યજ્ઞ સમિતિનું ગઠન કર્યું. તેના અધ્યક્ષ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ગુરુ ગોરક્ષપીઠાધીશ્વર મહંત અવેધનાથ અને મહામંત્રી દાઊદયાલ ખન્નાને બનાવાયા હતા. મહંત રામચંદ્ર પરમહંસ અને નૃત્યગોપાલ દાસ ઉપાધ્યક્ષ હતા.

આ જ વર્ષે સાત ઑક્ટોબરે સરયૂના તટ પર વિહિપે રામજન્મભૂમિ મુક્તિનો સંકલ્પ લીધો હતો અને આઠ ઑક્ટોબરે આ મુદ્દે જનજાગરણના ઉદ્દેશ્યથી એક પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રાના આગલા દિવસે એટલે કે સાત ઑક્ટોબરે જ્યારે સંકલ્પ લેવામાં આવ્યો ત્યારે ૩૫ સભ્યોનું સંરક્ષક મંડળ રચવામાં આવ્યું. તેમાં હાજર મુખ્તાર અબ્બાસ નકવી જે અત્યારે કેન્દ્રમાં પ્રધાન છે તેમણે જાહેર કરેલું કે તેઓ મંદિર નિર્માણ માટે કારસેવા કરનારા પહેલા કારસેવક હશે. તેમની આ જાહેરાતથી સમગ્ર ભારતમાં ખળભળાટ મચી ગયો હતો. ૧૪ ઑક્ટોબરે આ યાત્રા લખનઉ પહોંચી. બેગમ હજરત મહલ પાર્કમાં વિશાળ જનસભા થઈ. મંદિર નિર્માણ માટે આ પહેલી જનસભા હતી.

અયોધ્યાથી નીકળેલી યાત્રા દિલ્લી સુધી જવાની હતી અને ત્યાં જનસભા કરીને તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને એક આવેદન આપવાની યોજના હતી, પરંતુ બધાં જાણે છે તેમ ૩૧ ઑક્ટોબરે ઈન્દિરાજીની હત્યા થઈ ગઈ! સ્વાભાવિક જ આની અસર આંદોલન પર પણ પડી.

ઈન્દિરાજી એ વખતે જીવિત રહ્યાં હોત તો આ આંદોલનને મળી રહેલા પ્રચંડ પ્રતિસાદને જોતાં તેમનામાં રહેલાં વિચક્ષણ રાજનેતાએ રામમંદિર નિર્માણ માટેનો માર્ગ કદાચ પ્રશસ્ત કરી દીધો હોત, પરંતુ કાળને અને વિધાતાને એ મંજૂર નહોતું.

૧૯૮૫માં રામજન્મભૂમિ મુક્તિનું આંદોલન ફરી તેજ બન્યું. રામજન્મભૂમિ ન્યાસ (ટ્રસ્ટ) રચાયું. તે વખતે વડા પ્રધાન રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને ફેરવી તોળતો કાયદો પસાર કર્યો હતો અને આ રીતે કટ્ટર મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું હતું. સલમાન રશદીના ‘સેતાનિક વર્સીસ’ પર પણ તે ભારતમાં વેચાણ માટે આવે તે પહેલાં જ કટ્ટર મુસ્લિમોના પ્રભાવમાં પ્રતિબંધ મૂકી દીધો હતો. આના હિન્દુઓમાં ઉગ્ર પડઘા હતા. હિન્દુઓને ખુશ કરવા માટે તેમને એક તક મળી ૧૯૮૯માં.

૧૯૮૬માં રામજન્મભૂમિ પર મંદિરના તાળા ખોલવાનો આદેશ અયોધ્યા (ત્યારનું ફૈઝાબાદ) જિલ્લા ન્યાયાધીશે આપ્યો. વર્તમાનમાં ૪૦ દિવસની સુનાવણી પછી ચુકાદો આવ્યો તો તે વખતે ચુકાદાનો અમલ ૪૦ મિનિટની અંદર થઈ ગયો હતો! ૧ ફેબ્રુઆરી ૧૯૮૬ના રોજ સાંજે ૪.૪૦ વાગે નિર્ણય આવ્યો અને સાંજે ૫.૨૦ કલાકે તો મંદિરનાં તાળાં ખુલી પણ ગયા હતા અને પૂજાપાઠ પણ શરૂ થઈ ગયા. તાળાં ખોલાવવા માટે આજકાલ લિબરલો-સેક્યુલરો તાળાં ખોલાવવા માટે રાજીવ ગાંધીને શ્રેય આપે છે તે ખોટો છે. વિહિપે ભગવદાચાર્ય સ્મારક સદનમાં બેઠક કરીને રામજન્મભૂમિનું સ્વામિત્વ રામજન્મભૂમિ ન્યાસને સોંપવા માગણી કરી. વિહિપે શિલાન્યાસ કરવા માટે પૂરા દેશમાં અભિયાન ચલાવ્યું. ઘરેઘરેથી એક રૂપિયો અને ઈંટ ઉઘરાવાયેલી. આનાથી ન માત્ર હિન્દુ જાગરણ થયું, પરંતુ વિહિપનો વિસ્તાર પણ ભારતભરનાં ગામડેગામડે પહોંચી ગયો.

૧૯૮૯માં સામાન્ય ચૂંટણી હતી. રાજીવ ગાંધીની છબી મુસ્લિમોને થાબડભાણા કરનારા વડા પ્રધાન તરીકે બની ગઈ હતી. વળી, બૉફોર્સ કાંડ પણ ગાજી રહ્યું હતું. દૂરદર્શન રાજીવ દર્શન બની ગયું હતું. પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ અને જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક ત્રાસવાદથી હાહાકાર હતો. વિપક્ષો એક થઈ રહ્યા હતા. વરિષ્ઠ પત્રકાર હેમંત શર્મા ‘યુદ્ધ કે અયોધ્યા’ પુસ્તકમાં લખે છે, “રાજીવ ગાંધીના અંગત સહાયક તરીકે રહેલા આર. કે. ધવને મને કહ્યું કે રાજીવ ગાંધીને સમજાવાયું હતું કે તમે સામાન્ય ચૂંટણીની બરાબર પહેલાં રામમંદિરનો શિલાન્યાસ કરાવી દો અને અયોધ્યાથી જ તમારા ચૂંટણી અભિયાનની શરૂઆત કરજો.”

રાજીવ ગાંધીએ તેમ જ કર્યું. પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત અયોધ્યાથી કરી. ‘રામરાજ્ય’ માટે કૉંગ્રેસ કટિબદ્ધ છે તેમ પણ કહ્યું. જોકે રાજીવ ગાંધીએ મિઝોરમમાં બાઇબલ અનુસાર રાજ્ય ચલાવવા પણ વચન આપેલું. એટલા માટે જ ૧૯૮૯માં તેમનું પુનરાગમન ન થઈ શક્યું.

બીજી તરફ, ભાજપનો તો જન્મ જ હિન્દુવાદી રાજકારણ માટે થયો હતો. વળી તે વખતે વી. પી. સિંહે મંડલ કમિશનની ભલામણોનો અમલ કરતાં, તેમજ ગુજરાતમાં અનામત વિરોધી આંદોલનના કારણે દેશના હિન્દુઓ જાતિઓમાં વહેંચાયેલા હતા. આવા સમયે લાલજી તરીકે જાણીતા લાલકૃષ્ણ અડવાણીએ નિર્ણય લીધો રામજન્મભૂમિ માટે પદયાત્રા કાઢવાનો. આ અગાઉ ૧૯૮૯માં પાલમપુર અધિવેશનમાં ભાજપે રામમંદિર નિર્માણને પોતાના ચૂંટણી ઘોષણા પત્રમાં સામેલ કરવાની જાહેરાત કરી દીધી હતી. ત્રીસ વર્ષે ભાજપે આ વચન પૂરું કર્યું છે. શું ભાજપે વચન પૂરું કર્યું છે? કે વિહિપના પ્રયાસોથી આ થયું છે? કે પછી સર્વોચ્ચ ન્યાયાલયના રંજન ગોગોઈને બધો યશ મળવો જોઈએ? વર્તમાનમાં આવેલા ચુકાદાની પાછળ પૃષ્ઠભૂમિ, ચુકાદા પછી રહેલી શાંતિ, લિબરલો-સેક્યુલરો કહે છે તેમ માત્ર ૪૦ દિવસમાં તૈયાર નથી થઈ. એની પાછળ અનેક ઘટનાક્રમોવાળો ઇતિહાસ છે. તે આવતા અંકે જોઈશું.

(ક્રમશ:)

One thought on “વિહિપને અયોધ્યા, કાશી અને મથુરાનો મુદ્દો એક કૉંગ્રેસી નેતાએ આપ્યો હતો!

  1. બાબરી મસ્જિદ તોડવી પડી આવશ્યક દુષ્કુત્ય હતું અને તે મુસ્લીમ રાજકારણીઓ અને સેક્યુલર જમાતની આડાઈને કારણે કરવું પડ્યું. અટલ બિહારી બાજપેયીએ કહ્યું હતું કે મંદિર તોડીને તેના પર મસ્જિદ બાંધવામાં આવી હતી. આજે ટેકનોલોજીનો વિકાસ થયો છે તો બાબરીને તોડ્યા વગર એને ઉંચકીને અન્યત્ર ખસેડવામાં આવે, પણ જક્કી લોકોએ નનૈયો ભણ્યો. નાછુટકે વિવાદિત અને જરજરિત માળખું તોડવું પડ્યું. એના તૂટવાથી સાડી ચારસો વરસ જૂનો ભાર છાતી પરથી ઉતરી ગયો એટલી રાહત થઈ ગઈ!
    એ માળખું તૂટ્યું એટલે જ તો પુરાતત્વ ખાતું એની શોધ કરી શક્યું અને જે વાત લેખિત પ્રમાણોથી કહેવાતી હતી તેનો નક્કર પુરાવો મળ્યો. એ પુરાવાને આધારે જ તો આજનો ચુકાદો શક્ય બન્યો. એટલે બાબરી તોડવાના આરોપીઓના કેસ ખેંચી લેવા જોઈએ એટલું જ નહિ, પણ એમનું જાહેર સન્માન પણ થવું જોઈએ.એમના કૃત્યને કારણે જ અદાલતને સત્યની નજીક પહોંચવામાં સરળતા થઈ અને ન્યાય કરવાનું સુગમ થયું.
    તે સાથે જેમણે જેમણે ન્યાય મેળવવામાં વિઘ્નો નાંખીને વિલંબ કરાવ્યો તેમને ન્યાયમાં દખલ કરવા બદલ અપરાધી ઠેરવી સજા કરવી જોઈએ.
    રામમંદિર બને ત્યારે બાબરી તોડવામાં સામેંલ લોકોના નામ સુવર્ણાક્ષરે તકતી પર લખાવા જોઈએ. તો જ અદાલતી ચુકાદાનું સન્માન કરેલું ગણાશે..

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.