જુલાઈ ૨૦૦૮થી શરૂ કરેલા આ બ્લૉગમાં ૭૬૭ પૉસ્ટ મારા દ્વારા લખાઈ છે. મેં ક્યારેય મારા લેખો બાબતે કે મારી કારકિર્દી વિશે લખીને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયાસ નથી કર્યો. પરંતુ જ્યારે હવે આ વર્ડપ્રેસ બ્લૉગ નવી વેબસાઇટ પર ખસ્યો છે ત્યારે આ બ્લૉગ યાત્રા પર વિહંગાવલોકન કરવાનું થયું. એક આંકડો સામે આવ્યો અને માત્ર તે જ મૂક્યો. છેલ્લાં અગિયાર વર્ષમાં આ બ્લૉગ પર વાચકોનો અઢળક પ્રેમ મળ્યો. ભારત જ નહીં, અમેરિકા અને અન્ય દેશોમાંથી વાચકો આ બ્લૉગ પર આવતા રહ્યા. કોઈ લિંક દ્વારા તો કોઈ ગૂગલ સર્ચ દ્વારા તો કોઈ વૉટ્સએપ કે ફેસબુક પર લિંક શૅર થાય તેના દ્વારા. અને પછી આ બ્લૉગના કાયમી મુલાકાતી બની ગયા. વાચકોએ પોતાની ટીપ્પણીઓ દ્વારા કે બ્લૉગ પૉસ્ટને રેન્કિંગ આપવામાં પણ પ્રતિભાવ આપવામાં કોઈ કચાશ નથી રાખી.

આ અગિયાર વર્ષમાં સમયનો પ્રવાહ ઘણો બદલાયો છે પરંતુ આ નવી વેબસાઇટને અંતિમ ઓપ આપતી વખતે મેં જ્યારે પાછળ નજર કરી ત્યારે જણાયું કે ૨૦૦૮માં જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે પણ મારી જે વિચારસરણી હતી તે જ વિચારસરણી આજે પણ છે. આજે હિન્દુત્વવાદી વિચારધારકો વધી રહ્યા છે ત્યારે કેટલાક બુદ્ધુજીવી જે સમય પ્રમાણે હિન્દુત્વવાદી-લિબરલ +વામપંથીનો સ્વાંગ રચતા રહ્યા છે અને છેલ્લાં પંદરેક વર્ષથી ભગવી સેના કહીને, વાનર સેના કહીને હિન્દુઓને ઉતારી પાડતા રહ્યા તેઓ હવે પોતે વામપંથીમાં ન ગણાય જાય તે માટે ક્યારેક ક્યારેક વામપંથીને નિશાના પર લઈ લે છે. પરંતુ મારે આવું કરવું નથી પડ્યું.

આ અગિયાર વર્ષ દરમિયાન મારી કારકિર્દીમાં ઘણા ચડાવ અને ઉતાર મેં જોયા છે. ‘અભિયાન’ સામયિકમાં કોપી એડિટરમાંથી પ્રમૉશન મેળવી ડેપ્યુટી એડિટર થયો, ‘ગુજરાત સમાચાર’ જેવા પ્રથમ ક્રમના વર્તમાનપત્રમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારના હેડ (ન્યૂઝ એડિટર) થવાનું મને સૌભાગ્ય મળ્યું અને સાડા ત્રણ વર્ષ આ જવાબદારી નિભાવી, તે પછી સંદેશમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારના હેડ ઉપરાંત તંત્રી (એડિટ) પાના અને રમતગમતના પાનાના હેડની ત્રણ જવાબદારી મળી. ‘News Buzzar’ નામની પાંચ ભાષાની સમાચારની મોબાઇલ ઍપમાં ગુજરાતી ભાષાના વડા તરીકે એક વર્ષ કામ કર્યું. ‘મુંબઈ સમાચાર’ જેવા ૧૮૨૨માં શરૂ થયેલા એશિયાના સૌથી જૂના-સતત ચાલુ રહેલા સમાચારપત્રમાં ‘સિક્કાની બીજી બાજુ’ અને ‘નાયક ખલનાયક’ આ બે કૉલમો એક વર્ષ લખવા મળી. ‘ગુજરાત ગાર્ડિયન’માં સાંપ્રત પ્રવાહો પર ‘વિશેષ’, ફિલ્મ/ટીવી કલાકારોના જન્મદિને તેમની કારકિર્દી પર ‘બર્થ ડે બેશ’, હિન્દી ટીવી ધારાવાહિકોના પ્રવાહો પર ‘ટીવી ટૉક’ અને સાયન્સ પૂર્તિમાં વિજ્ઞાન પર લેખો લખ્યા.

રાષ્ટ્રવાદી સામયિક ‘સાધના’માં વિવિધ લેખો લખ્યા. હિન્દીમાં ‘પાંચજન્ય’માં અને અંગ્રેજીમાં ‘ઑર્ગેનાઇઝર’ પર લેખો લખ્યા. અમરેલીથી નીકળતા ‘સંજોગ ન્યૂઝ’માં ‘વિચારવલોણું’ અને ‘સતસંશોધન’ કૉલમો લખી-લખી રહ્યો છું. ટીવી પર રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર તરીકે આમ તો ૨૦૦૯થી ટીવી નાઇન પર જવાનું થયું હતું પરંતુ પત્રકાર તરીકે જેમ જેમ જવાબદારી વધતી ગઈ તેમ એ બંધ થયું, પરંતુ ૨૦૧૫થી સ્વતંત્ર પત્રકાર (ફ્રીલાન્સ) તરીકે કામ શરૂ કર્યા પછી એ ફરીથી શરૂ થયું. ટીવી નાઇન, એબીપી અસ્મિતા, ઝી ૨૪ કલાક, ન્યૂઝ ૧૮ ગુજરાતી, સીએનબીસી બજાર, વી ટીવી ગુજરાતી, સંદેશ ન્યૂઝ, મંતવ્ય, જીટીપીએલ ગુજરાત ન્યૂઝ, જીટીપીએલની નિર્માણ ન્યૂઝ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, અને હિન્દીમાં ઝી ન્યૂઝ, તેમજ રાજ્યસભા ટીવી પર વિવિધ ડિબેટમાં ભાગ લેવાનું થયું. બે પુસ્તકો પણ મારાં દ્વારાં લખાયાં.

આ બધા વચ્ચે મારા લેખો તો હોય જ પરંતુ જ્યારે પણ કોઈ મુદ્દે લખવાનું મન થાય ત્યારે આખા દિવસના કામના થાક છતાં રાત્રે બે-ત્રણ વાગે પણ જાગીને આ બ્લૉગ પર લખ્યા છે કારણકે મારા માટે પત્રકારત્વ એક પૈસા કમાવવાનું સાધન નથી રહ્યું. જો તેમ હોત તો પહેલેથી જ મેં મારી ૧૯૯૮માં શરૂ થયેલી ‘સિનેવિઝન’ કૉલમ, ટેલિવિઝન પર ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં આવતી કૉલમ ‘ટીવી ટૉક’માં, ૨૦૦૩થી ૨૦૦૭ દરમિયાન ‘દિવ્ય ભાસ્કર’માં ફિલ્મની ‘નવરંગ પૂર્તિ’ સંપાદિત કરતી વખતે લોકોને ગલગલિયાં થાય તેવા લેખો, તેવી તસવીરો મૂકી હોત. પત્રકારત્વમાં બેલેન્સ્ડ આર્ટિકલ લખવાનું હંમેશાં શીખવાય છે પરંતુ મારું માનવું છે કે પત્રકારે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ દર્શાવવો જરૂરી છે. ક્યારેક લખો કે કલમ ૩૭૦ દૂર નહીં જ થાય અને પછી દૂર થાય એટલે લખો કે મેં તો લખ્યું જ હતું કે કલમ ૩૭૦ દૂર થશે જ તો એ ડબલ ઢોલકી કહેવાય. હા, એમાં ખોટા પડવાની પણ ભરપૂર શક્યતા રહે છે. પરંતુ રાજકારણ કે અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓ પર મેં હંમેશાં મારો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવ્યો છે.

ચાહે તે બળાત્કારનો વિષય હોય કે લાંચનો, કે પછી હૅલ્થ કેરનો કે પછી અસહિષ્ણુતા, પશ્ચિમમાં બધું જ સારું અને ભારતમાં બધું જ ખરાબ, એમ કહીને ભારતને સતત ખરાબ ચિતરતા રહેતા બુદ્ધુજીવીઓના નેરેટિવની સામે એક કાઉન્ટર નેરેટિવ આપવાનો પ્રયાસ આંકડા-દાખલા અને દલીલો સાથે કર્યો છે. કોઈ વાર ઇન્ફૉર્મેટિવ લેખ સ્વરૂપે, તો કોઈ વાર હાસ્યલેખ સ્વરૂપે, તો કોઈ વાર કવિતા સ્વરૂપે મેં મારી વાત મૂકી છે. આમાં ખૂબ સમય લાગતો હોય છે. જ્યારે તમારા લેખ પર વિરોધીઓ ટાંપીને નજર માંડીને બેઠા હોય (ન બેઠા હોય તો પણ) ત્યારે પૂરતી ચોકસાઈથી લખવું જરૂરી છે. આ રાષ્ટ્રવાદી-હિન્દુત્વવાદી વલણથી લખવામાં મારે ઘણું ગુમાવવું પણ પડ્યું છે. કારણકે ગુજરાત હોય કે ભારતમાં, લિબરલ-સેક્યુલર ઇકો સિસ્ટમ તમને ટકવા દેતી નથી, ફગાવી દે છે.  રાષ્ટ્રવાદી-હિન્દુત્વવાદી ગણાતા કેટલાક લોકો તરફથી પણ નિરાશાનો અને તેના લીધે આઘાતનો અનુભવ થયો છે. પરંતુ તેમ છતાં તેના માટે મનને પૂરેપૂરું સંતુલિત રાખીને, અંગત નિરાશા પર કાબૂ મેળવીને, કૉલમ બંધ થાય કે અન્ય કામ બંધ થાય તો ઘર કેમ ચાલશે તેની પરવા કર્યા વગર પત્રકારત્વ કરતા રહેવું અને લખતા રહેવું તે બહુ કઠિન છે, પરંતુ ઈશ્વરે – દૈવી શક્તિએ હંમેશાં મને એક શક્તિ આપી છે. ઝઝૂમવાની શક્તિ. સંઘર્ષ કરતા રહેવાની શક્તિ.

અને આપ સહુ પણ પ્રાર્થના કરો કે મને મારા કાર્યમાં સફળતા મળે. ભારત દેશની પ્રગતિ થાય તેવી આપણે સહુ કામના કરીએ છીએ પરંતુ ભારત દેશમાં જ્યાં સુધી આ લિબરલ-સેક્યુલર ઇકો સિસ્ટમ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી, જ્યાં સુધી ભારત દેશની મૂળ-પ્રાચીન છતાં અર્વાચીન અને વૈજ્ઞાનિક (ઑલ્ડેસ્ટ બટ મૉસ્ટ ઍડવાન્સ્ડ એન્ડ સાયન્ટિફિક) વિચારધારા-કલા-સંસ્કૃતિ-વિજ્ઞાન-અધ્યાત્મ-ભાષાનો દબદબો સ્થાપિત નહીં થાય ત્યાં સુધીમાં ભારતમાં જે પ્રગતિ થશે તે બોદી હશે. તે ટકાઉ નહીં હોય.

આ બ્લૉગના ઘણા મૌન વાચકો પણ હશે, ઘણા નવા ઉગતા લેખકો-પત્રકારો પણ હશે. હું ઈચ્છું કે નવી પેઢી પણ આ વિશે ખુલીને આગળ આવે. ખુલ્લું સમર્થન અને ખુલ્લું લેખન-વક્તવ્ય આજના સમયમાં જરૂરી છે. નવી પ્રણાલિ સ્થાપવા જૂની પ્રણાલિ તોડવી જરૂરી હોય છે.

આ વિદાય લેખ નથી, પણ જૂના ઘરને છોડીને નવા વધુ સુવિધાવાળા ઘરમાં રહેવા જતાં જે વેદના સાથે આનંદ થાય તે લેખ છે. નવા બ્લૉગનું સરનામું છે

https://www.jaywantpandya.com/

મેં છેલ્લાં ૧૧ વર્ષમાં લગભગ ચાર પાંચ બ્લૉગ બનાવ્યા હતા. તેમાં અત્યારે જે છે તે આ પ્રમુખ રહ્યો. આ ઉપરાંત

મારા અંગ્રેજી અને હિન્દી લેખોનો બ્લૉગ- http://jaywant-pandya.blogspot.com/

મારા ફિલ્મ-ટીવી પર અંગ્રેજીમાં લેખોનો બ્લૉગ- http://jaywantpandyasblog.blogspot.com/

અનિલ અંબાણીના બિગ અડ્ડા પર પણ બ્લૉગ રાખેલો- http://blogs.bigadda.com/jaywantpandya

હવે તો બિગઅડ્ડા પણ અનિલભાઈનાં કેટલાંક સાહસોની જેમ બંધ છે.

એક instablog નામની વેબસાઇટ પર પણ બ્લૉગ રાખેલો, તે મૂળ વેબસાઇટ જ ગૂમ છે.

તો હવે ઉપરોક્ત મુખ્ય ત્રણ બ્લૉગમાંથી jaywantpandya.wordpress.com નું તો નવું સરનામું તમે જાણી ગયા. આ ઉપરાંત મારા અંગ્રેજી-હિન્દી લેખોવાળો બ્લૉગ પણ નવી વેબસાઇટ પર જ મળી જશે. તેનું સરનામું છે-https://jaywantpandya.com/english-hindi/

અને મારા ફિલ્મ-ટીવી પર અંગ્રેજીમાં લેખોનો બ્લૉગ હવે https://jaywantpandya.com/cine-vision/ પર ઉપલબ્ધ છે.

ટૂંકમાં, ઉપરોક્ત ત્રણેય બ્લૉગનું એક જ સરનામું છે. યાદ રાખવું પણ સરળ છે. jaywantpandya.com પર જાવ એટલે ત્રણેય બ્લૉગ મળી જશે. તો આ બ્લૉગ જેમણે જેમણે સબસ્ક્રાઇબ કર્યો હોય અને મારા લેખો મેળવવા માગતા હો તેમને વિનંતી છે કે તેઓ ત્યાં પણ સબસ્ક્રાઇબ કરી લે.

અને હા, એક ટહેલ પણ છે. જેઓ આ બ્લૉગ નિયમિત વાંચે છે તેઓ જાણે છે કે માત્ર વર્તમાનપત્રો કે સામયિકોમાં છપાતા લેખોનો આ બ્લૉગ નથી. અનેકોનેક ઍક્સ્ક્લુઝિવ લેખો ખાસ બ્લૉગના વાચકો માટે લખાયેલા છે; જેમ કે  આ- ‘દીવાર’ સાથે માથું પછાડતો ‘અંધા કાનૂન’: સિદ્ધાંત મોટા કે લક્ષ્ય?

લેખ લખવામાં ઇન્ફૉર્મેશન, તેની ખરાઈ, તેને લખવાની ઢબ, ભાષા/જોડણી શુદ્ધિ વગેરે અનેક તબક્કા હોય છે અને તે માટે કલાકોના કલાકો જતા હોય છે ત્યારે એક લેખ લખાતો હોય છે. આથી જ વાચકો માટે ટહેલ છે કે મારા હવે વેબસાઇટ બની ચૂકેલા બ્લૉગ પર આપ સહુને હું લખતો રહું અને માહિતી સાથે વિશ્લેષાત્મક વાતો આપતો રહું તથા તેના દ્વારા કંઈક અંશે પણ સમાજસેવા-રાષ્ટ્રસેવા થતી લાગતી હોય તો ફૂલ કે ફૂલની પાંખડી રૂપે રૂ. દસથી લઈને તમને જે પણ યોગ્ય લાગે તે રકમ મને મારા બૅન્ક ખાતામાં NEFT દ્વારા આપીને રાષ્ટ્રવાદી ઇકૉ સિસ્ટમ મજબૂત કરી શકો છો. આ ફરજિયાત નથી, પણ મારું ઘર સુપેરે ચાલે તે માટે એક ટહેલ છે, કારણકે હવે મારી આજીવિકા આના પર જ છે.

આ ભલાઈનું કામ કરવા અહીં મુલાકાત લો- https://www.jaywantpandya.com/support/

આ સિવાય જે લોકો ઉદ્યોગપતિ છે- ધંધાર્થી છે તેઓ આ વેબસાઇટ પર જાહેરાત પણ આપી શકે છે.

આ વેબસાઇટ પર એક નવી સુવિધા પણ મેં મૂકી છે. Express yourself. જે નવોદિતોને કે અન્ય સ્થાપિત લેખકોને એમ લાગતું હોય કે તેમને કંઈ લખવું છે અને યોગ્ય પ્લૅટફૉર્મ નથી મળી રહ્યું અથવા પૂરતો પ્રતિસાદ નથી મળતો, તો તેઓ મારા આ લોકપ્રિય બ્લૉગ પર પોતાના લેખો મને મોકલી શકે છે. મારા કડક માપદંડમાં જો તે લેખો યોગ્ય ઉતરશે તો હું જરૂર તેને મારી આ વેબસાઇટ પર મૂકીશ.

વેબસાઇટની એકદમ નીચે મારી ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન, વગેરે સૉશિયલ મિડિયાની સાથે વૉટ્સએપ લિંક છે, તેના પર ક્લિક કરવાથી એક નવું ટૅબ ખુલશે. તેમાં ક્લિક કરવાથી તમે મારી સાથે વૉટ્સએપમાં ચૅટ કરી શકશો, પણ મને ગુડ મૉર્નિંગ/ગુડ નાઇટ જેવા સંદેશાઓ પસંદ નથી. ચૅટ કરતા પહેલાં પોતાનું નામ, હોદ્દો, રહેણાંકનું શહેર/દેશ વગેરે પૂરતી વિગતો પછી જ મેસેજ કરવો તેવી વિનંતી છે. સીધી જ વાત કરવામાં અનુકૂળતા નથી રહેતી.

આ સિવાય અનેક સુવિધાઓ વખતોવખત ઉમેરાતી રહેશે. હજુ ઘણું કામ કરવાનું છે. કેટલીક શ્રેણીઓ અને કેટલાંક પુસ્તકોનું પણ આયોજન છે.  ઈશ્વરની કૃપા રહી તો વાચકોને ઘણો ખજાનો મળતો રહેશે. બસ, આપના આશીર્વાદ અને શુભેચ્છાઓની જરૂર છે.

અસ્તુ. વંદે માતરમ્. ભારત માતા કી જય.

 

4 thoughts on “હવે મળીએ નવા સરનામે- નવા રૂપરંગ અને નવી સુવિધાઓ સાથે

  1. ભાઈ જયવંત, ખુબ શુભેચ્છાઓ અને સદાય તારી સાથે

મારો બ્લોગ વાંચવા બદલ આભાર.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.