national, politics, sanjog news, vichar valonun

૨૩મી મે: આયેંગે તો મોદી હી!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૯/૦૫/૧૯)

આ લેખ તમે વાંચતા હશો ત્યારે મતદાનનો છેલ્લો તબક્કો હશે. સાંજે મતદાન પૂરું થયા પછી ઍક્ઝિટ પૉલના વર્તારા આવવા લાગશે. કોની સરકાર બનશે તેનો પ્રાથમિક અંદાજ મળી જશે. ઍક્ઝિટ પૉલ કેટલા સાચા પડે છે તેનો હંમેશાં વિવાદ રહ્યો છે. જેમની તરફેણમાં પૉલનો વર્તારો આવે તેમનો દાવો હોય છે કે પૉલ સાચા પડે છે. બીજી તરફ, જેમની વિરુદ્ધમાં પૉલનો વર્તારો આવે તેમનો દાવો હોય છે કે પૉલ હંમેશાં સાચા હોતા નથી.

૨૦૧૪માં ચાણક્ય સિવાય કોઈ પૉલ મહદંશે સાચા પડ્યા નહોતા. ન્યૂઝ ૨૪ ચેનલ સાથે માત્ર ચાણક્યએ જ આગાહી કરી હતી કે ભાજપને ૨૯૧ બેઠકો મળશે. સીએનએન-આઈબીએન અને સીએસડીસી લોકનીતિએ આગાહી કરી હતી કે એનડીએને ૨૭૦-૨૮૨ બેઠકો મળશે તો ટાઇમ્સ નાવ-ઓઆરજીએ આગાહી કરી હતી કે એનડીએને ૨૪૯ બેઠકો મળશે. ઇન્ડિયા ટીવી અને સી વૉટરે આગાહી કરી હતી કે એનડીએને ૨૮૯ બેઠકો મળશે. એબીપી ન્યૂઝ અને નેલ્સને આગાહી કરી હતી કે એનડીએને એનડીએને ૨૮૧ બેઠકો મળશે.

જોકે ૨૦૦૯થી એવું જોવા મળ્યું છે કે ૭૨માંથી માત્ર ત્રણ જ ઍક્ઝિટ પૉલ કયો પક્ષ સૌથી મોટો રહેશે તે કહેવામાં ખોટા પડ્યા હતા. એટલે એક કાચો અંદાજ મળી રહે છે. આ વખતે પણ કાચો અંદાજ તો સહુ કોઈ એ જ માંડી રહ્યા છે કે આવશે તો મોદી જ. ઇવન, કૉંગ્રેસના નેતાઓ પણ અંદર ખાને કહી રહ્યા છે કે મોદી સરકાર જ બનશે. કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા જેમને પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી આપવામાં આવી હતી તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં એકલા હાથે ચૂટણી લડવાનો નિર્ણય લાંબા ગાળાનાં હિતોને ધ્યાનમાં રાખીને કરાયો છે. અર્થાત્ જો ટૂંકા ગાળાનાં હિતો ધ્યાનમાં રખાયાં હોત તો ભાજપને હરાવવા માટે નાના ભાઈ તરીકે સપ-બસપના ગઠબંધનમાં ગમે તેમ જોડાઈ ગયા હોત. જોકે અગાઉ અનેક વાર કૉંગ્રેસ સરકારમાં સીબીઆઈની કનડગતનો ભોગ બનીને હેરાન થનાર અને વળી, કૉંગ્રેસ વિરોધી રાજકારણમાંથી જન્મ લેનાર અને તે રાજકારણના પ્રતાપે જ સત્તા મેળવનાર સપ અને બસપ બંનેએ આ વખતે કૉંગ્રેસને બહુ ભાવ ન આપ્યો તે પણ હકીકત છે.

અર્થાત્ પ્રિયંકા ગાંધીને મેદાનમાં મોડેમોડે ઉતારવાં, તેમને વારાણસીથી ચૂંટણી ન લડાવવી આ બધું કૉંગ્રેસની લાંબા ગાળાની રણનીતિ છે. જો ભાજપને હરાવવા એટલા બધા કટિબદ્ધ હોત અને નિશ્ચિત પણ હોત તો તો કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને વહેલાં મેદાનમાં ઉતાર્યાં હોત અને તેમને ચૂંટણી પણ લડાવી હોત (અર્થાત્ પ્રિયંકાએ પોતાને જ ટિકિટ આપી હોત).

બીજી તરફ, ટાઇમ્સ મેગેઝિનમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ડિવાઇડર ઇન ચીફ કહીને લેખ લખીને વિવાદ જન્માવનાર પાકિસ્તાની નેતાના પુત્ર આતીશ તાસીર પણ કહે છે કે આવશે તો મોદી જ.

તો આ સંજોગોમાં ૨૩મી પછી શું થશે અને શું થવું જોઈએ તેની ચર્ચા મહત્ત્વની બની જાય છે. ૨૩મીએ આ વખતે પરિણામો સરળતાથી ઉપલબ્ધ નહીં બને. વિપક્ષોની માગણી એવી હતી કે ૫૦ ટકા ઇવીએમ અને વીવીપેટને મેળવવામાં આવે. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે આ માગણી ફગાવી દીધી છે. આના લીધે દરેક વિધાનસભા મત વિસ્તારમાં પાંચ મતદાન કેન્દ્રો યાદેચ્છિક રીતે પસંદ કરી તેનાં ઇવીએમને વીવીપેટ સ્લિપ સાથે સરખાવવામાં આવશે. એટલે મધ્ય પ્રદેશમાં જેમ પરિણામો આવવામાં વિલંબ થયો તેવું આ વખતે પણ બની શકે છે. બીજું, કેટલાક અહેવાલોએ સૂત્રોને ટાંકીને એવું કહ્યું છે કે જો ભાજપ સૌથી મોટો પક્ષ બને તો પણ તેને સરકાર રચવા આમંત્રણ આપવામાં ન આવે તે માટે તેઓ રાષ્ટ્રપતિને મળી શકે છે કારણકે તેમની પાસે વૈકલ્પિક સરકાર રચવા આંકડા હશે.

જેમને હિન્દુ વિરોધી ગણવામાં આવે છે અને જેમના એનજીઓને વિદેશી ભંડોળ અંગે સુપ્રીમ કૉર્ટની નૉટિસ મળી છે તેવાં સુપ્રીમનાં વકીલ ઈન્દિરા જયસિંહે એક ટ્વીટ કર્યું છે તે એવો અંદેશો આપે છે કે ૨૩ મે પછી કૉંગ્રેસ અને વિપક્ષોની લડાઈ સુપ્રીમ કૉર્ટમાં હશે. ઈન્દિરા જયસિંહે ૨૫ એપ્રિલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે વેકેશન દરમિયાન ૨૩ મે પછી સુપ્રીમમાં જજ કોણ હશે? આ ન્યાયાધીશો સામે સરકારની રચના અંગે સંભવિત પડકાર હશે. આનો અર્થ સ્પષ્ટ છે કે પરિણામો સામે અથવા મોદી સરકાર રચી ન શકે તે માટે વિપક્ષોના હાથા તરીકે ઈન્દિરા જયસિંહ, કપિલ સિબલ, પ્રશાંત ભૂષણ આણિ મંડળી ક્યારનીય તૈયારી કરી રહી હશે અને જે રીતે તેઓ કર્ણાટકની ચૂંટણી પછી યેદીયુરપ્પાને બહુમતી પુરવાર કરવા માટે સમય આપવા અંગે અડધી રાત્રે સુપ્રીમ કૉર્ટને બેસાડવા ફરજ પાડી શક્યા હતા કે યાકૂબ મેમણની ફાંસી રોકાવા માટે અડધી રાત્રે સુપ્રીમ કૉર્ટને બેસાડી શક્યા હતા તેમ આ વખતે પણ સુપ્રીમ કૉર્ટના ન્યાયાધીશો પર દબાણ લેવા આ પ્રકારનું ટ્વીટ કરી રહ્યા છે.

બીજી તરફ, જો મોદી સત્તામાં પાછા ફરશે તો આ વખતનો શપથ સમારોહ ૨૦૧૪ કરતાં પણ વધુ ભવ્ય હશે. ગયા વખતે માત્ર સાર્ક દેશોના વડાઓને આમંત્રણ હતું. બની શકે કે આ વખતે મોદી તેમના મિત્ર-વડાઓ- નેતાનયાહુ, શિન્ઝો અબે, શી જિનપિંગ વગેરેને પણ આમંત્રણ આપે. છેલ્લા તબક્કાના ઇન્ટરવ્યૂ પરથી સ્પષ્ટ છે કે નરેન્દ્ર મોદીએ અધિકારીઓને ૧૦૦ દિવસનો એજન્ડા તૈયાર કરવા સૂચના આપી દીધી છે. વડા પ્રધાને પીએમઓ, નીતિ આયોગ અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારને પ્રથમ સો દિવસનો એજન્ડા તૈયાર કરવા કહીને પોતાની નવી ઇનિંગમાં પહેલેથી ફટકાબાજી કરીને શરૂ કરવા સંદેશો આપ્યો છે. અત્યારે વડા પ્રધાન પોતાની નવી સરકાર માટે બેટિંગ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે ઇન્ટરવ્યૂમાં કહે કે ૨૦૧૪માં હું નવો હતો એટલે થોડા દિવસ મેં શીખવામાં ગાળ્યા હતા. એટલે હવે પછીની સરકારમાં પહેલા દિવસથી જ ધમધોકાર કામ ચાલુ થઈ જશે. પરંતુ હકીકત એ છે કે ગયા વખતે પહેલી જ કેબિનટ બેઠકમાં કૉંગ્રેસે જે બાબત સુપ્રીમ કૉર્ટના આદેશ છતાં અટકાવીને રાખી હતી તે કાળાં નાણાં અંગે ‘સિટ’ રચવાનો નિર્ણય લેવાયો હતો. ૩૭૦ કલમ દૂર કરવા પણ હિલચાલ શરૂ કરાઈ હતી. પરંતુ આ બધી બાબતોમાં જેટલું આગળ વધવું જોઈએ તેટલું વધી શકાયું નહોતું.

સામાન્યત; કડક નિર્ણય કરવામાં આવે તો તેના આકરા પડઘા આજે જે પ્રકારનો ભ્રષ્ટાચારનો માહોલ છે તે જોતાં પડવાની શક્યતા હોય છે. કેશુભાઈ પટેલની પહેલી સરકાર વખતે શંકરસિંહ વાઘેલાનો બળવો સફળ ગયો તેનું કારણ પણ એ જ હતું કે તે વખતે તેલિયા રાજાઓથી માંડીને ઘણા ભ્રષ્ટાચારીઓ સરકારના શરૂઆતમાં આકરાં પગલાંથી એક થઈને શંકરસિંહને ટેકો આપ્યો હોવાનું કહેવાતું હતું. આ જ રીતે વી. પી. સિંહની પણ રિલાયન્સ સામેની કાર્યવાહીથી ધીરુભાઈ અંબાણીએ સરકાર ગબડાવવામાં મદદ કરી હોવાનું જે-તે સમયના મિડિયા અહેવાલોમાં આવતું હતું.

નરેન્દ્ર મોદીએ કાળાં નાણાંને નાથવામાં અસરકારક પ્રયાસો કર્યા છે. જનધન યોજના, નોટબંધી, જીએસટી, બેનામી સંપત્તિ અંગેના કડક પગલાં, આર્થિક ભાગેડુઓની સામેના પગલાં…આ બધાના કારણે હવે કાળાં નાણાં સામેની કાર્યવાહીમાં મોદી બિન્દાસ્ત રીતે આગળ વધી શકે છે. નોટબંધી પછી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભવ્ય વિજય અને હવે લોકસભામાં વિજય મળે તો મોદીને કાળાં નાણાં સામે વધુ કડક કાર્યવાહી કરતા કોઈ રોકી શકે તેમ નથી. જોકે ઉદ્યોગપતિ સહિતનો કાળાં નાણાં ધરાવનાર વર્ગ ગરીબોને-ખેડૂતોને-દલિતોને-સ્ત્રીઓ અથવા લઘુમતીને આગળ કરીને દેશમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરી નરેન્દ્ર મોદી પણ ઈન્દિરા ગાંધીની જેમ કટોકટી લાદવા પ્રેરાય તેવું કરે તો નવાઈ નહીં. આ માટે આ વખતના વિજય પછી નરેન્દ્ર મોદીએ સંયમ રાખવો પડશે.

આ જ રીતે કાશ્મીર મુદ્દે હવે મક્કમ રીતે આગળ વધવું જરૂરી છે. ખરેખર તો આ પાંચ વર્ષ બીજા બધા વિષયો છોડી માત્ર કાશ્મીર મુદ્દે જ ધ્યાન આપી તેનો કાયમી ઉકેલ લાવી દેવામાં આવે તો દેશના ઘણા રૂપિયા બચી જાય તેમ છે. કાશ્મીરમાં અલગાવવાદીઓને જેલમાં પૂરેલા છે. તેમની સામે સંપત્તિ જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરાયેલી છે. મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં ભારતને સફળતા મળી છે. એક તરફ, હવે કાશ્મીરમાં અલગાવવાદીઓ અને ત્રાસવાદીઓને રાજકીય પીઠબળ પૂરું પાડતા ફારુક અબ્દુલ્લા-ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જેવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. બીજી તરફ, પાકિસ્તાનમાં બલુચિસ્તાનથી માંડીને પાકિસ્તાને બથાવી પાડેલા કાશ્મીર, સિંધ વગેરેમાં ઑલરેડી જે અસંતોષની આગ ભભૂકી રહી છે તેને ભારતે કોઈ પણ સંકોચ વગર ખુલ્લું સમર્થન આપીને પાકિસ્તાનના જેટલા પણ વધુ ત્રણ ટુકડા કરી દેવાની જરૂર છે.

ત્રાસવાદનો કાયમી ઉકેલ લાવવા આગામી પાંચ વર્ષ ભારતે વૈકલ્પિક ઈંધણ પર જોર દેવાની સાથે ભારતની ઈંધણની જરૂરિયાત ઘટાડવા પર પણ ધ્યાન દેવું પડશે. આનું કારણ એ છે કે આપણે ઈંધણ પર મધ્ય-પશ્ચિમના ઇસ્લામિક દેશો પર આધારિત રહીએ છીએ. તેનાથી વિદેશી હુંડિયામણ તો ખર્ચાય જ છે પરંતુ સાથે આપણે મજબૂત રીતે દેશમાં સાઉદી અરેબિયામાંથી આવતા ફંડ દ્વારા આપણે ત્યાં ફેલાતા કટ્ટરવાદને અટકાવવા પૂરતાં પગલાં લઈ શકતાં નથી.

જો નરેન્દ્ર મોદી સત્તામાં આવશે (જેની પૂરી સંભાવના અત્યારે દેખાય છે) તો તેનો અર્થ એ પણ હશે કે ચાહે તે ત્રાસવાદ સામે કડક પગલાં હોય કે બાલાકોટ ઍરસ્ટ્રાઇક હોય, તેને જનતાએ સમર્થન આપ્યું છે. અર્થાત્ મોદી ચીન અને શ્રીલંકાની જેમ વધુ કડકાઈથી દેશમાં ત્રાસવાદ ભણી લઈ જતાં કટ્ટરવાદને નાબૂદ કરવા પગલાં લઈ શકે છે. મોદી જો કાશીના વિકાસ માટે મંદિરો તોડાવી શકતાં હોય તો ગેરકાયદે રહેલી મસ્જિદો-મદરેસાઓ કે પછી મસ્જિદો-મદરેસાઓમાં ફેલાવાતા કટ્ટરવાદને કેમ અટકાવી ન શકાય?

હા, એટલી સાવચેતી જરૂર રાખવી પડે કે ૧૯૭૧માં વિજય પછી ૧૯૭૪માં ઈન્દિરા છકી ગયાં હતાં અને કટોકટી લાદી દીધી હતી. તો ૨૦૦૯માં બીજી મુદ્દત માટે ચૂંટાયા પછી કૉંગ્રેસના લોકો પણ અહંકારી બનીને વર્તી રહ્યા હતા. તેવું મોદી સરકાર માટે ન થવું જોઈએ.

Advertisements
national, politics, sanjog news, vichar valonun

ફણી તથા કેન્દ્ર- રાજ્યો વચ્ચેના સંબંધો

સબ હેડિંગ: આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૨-૦૫-૧૯)

કુદરતી ઘટનાઓ ચૂંટણીનો સમય જોઈને નથી આવતી! સાપની ફેણ પરથી જેનું નામ બાંગ્લાદેશે પાડ્યું તે વાવાઝોડા ‘ફણી’એ બરાબર ચૂંટણી સમય જ પસંદ કર્યો. સારું છે કે વિપક્ષોની બુદ્ધિ હજુ બરાબર સાબૂત છે, નહીંતર આક્ષેપ કરત કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ બિનભાજપી રાજ્યોમાં આ વાવાઝોડું લાવ્યું.

આ વાવાઝોડાએ બે સારી વાત ઉજાગર કરી અને એક અત્યંત નિમ્ન કક્ષાનું રાજકારણ દેખાડ્યું. બે સારી વાત પૈકી એક સારી વાત એ કે ભારતે આપત્તિ પ્રબંધન એટલું સારું કર્યું કે સંયુક્ત રાષ્ટ્રોએ તેની પ્રશંસા કરી. આપણે ત્યાં મિડિયામાં સંયુક્ત રાષ્ટ્રો, અમેરિકા કે અંગ્રેજોના પ્રભુત્વવાળા કોઈ પણ દેશની સાવ ફાલતુ કક્ષાની સમિતિ પણ જો ભારતની કોઈ બાબતે ટીકા કરે તો અખબારોમાં તેનું સ્થાન પહેલું પાનું અને ટીવીમાં પ્રાઇમ ટાઇમ બને છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રો કે અમેરિકા ભારતની સરકારની સારી વાતની પ્રશંસા કરે તો તેને અંદરના પાને કે નોન સ્ટોપ ન્યૂઝમાં સ્થાન આપી દેવાય છે.

અત્યાર સુધી કોઈ પણ સરકારમાં આવું બનવાના કારણે ભારત અને સરકાર પ્રત્યે સામાન્ય નાગરિકની માનસિકતા નકારાત્મક બની ગઈ છે. ભારતમાં કશું સારું થતું જ નથી તેવું ચિત્ર મિડિયાના આ વલણના કારણે બને છે.

ઠીક છે. આપણે ફરી વાવાઝોડાની વાત પર પાછા ફરીએ. સંયુક્ત રાષ્ટ્રો અને બીજા નિષ્ણાતોએ ભારતની વહેલાસર ચેતવણી આપવાની પ્રણાલિની અને દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘર ખાલી કરાવવા માટે પ્રશંસા કરી. તેના લીધે પૂર્વીય કાંઠે આવેલા આ વાવાઝોડાથી જાનહાનિ લઘુતમ થઈ.

અત્યાર સુધી શું સમાચાર આપણે જોતા હતા?

એ જ કે ફલાણા વાવાઝોડાની જાણ હતી તો પણ સરકારે પગલાં ન લીધાં અને આટલા લોકો માર્યા ગયા. કોના પાપે? આવું આવું કહીને સરકાર પર માછલાં ધોવાતાં અને આવું ક્યારે થતું? ચૂંટણી ન હોય તેવા સમયે. હવામાન ખાતું પણ સારું એવું બદનામ થતું. તેનાં કાર્ટૂનો બનતાં જેમ કે કાર્ટૂનમાં અખબારમાં લખ્યું હોય, “આજે વરસાદ પડવાની સંભાવના નથી.” અને પત્ની પતિને કહી રહી હોય કે “છત્રી લઈને જાવ. આજે ચોક્કસ વરસાદ આવશે જ, કારણકે હવામાન ખાતાને તેની ના પાડી છે.”

પરંતુ આ વાવાઝોડા સમયે ચૂંટણી ધમધોકાર ચાલી રહી હતી એવા સમયે જ ૩ મેએ વાવાઝોડું ત્રાટક્યું. આ વાવાઝોડું છેલ્લાં ૪૩ વર્ષમાં ઉનાળામાં આવેલું સૌથી વિનાશક વાવાઝોડું હતું. ૪૫ હજારથી વધુ સ્વયંસેવકો, ૨,૦૦૦ આપાતકાલીન કાર્યકરો, એક લાખ સરકારી અધિકારીઓ, યૂથ ક્લબો અને નેશનલ ડિઝાસ્ટર રીસ્પૉન્સ ફૉર્સ (એનડીઆરએફ), ઓડિશા ડિઝાસ્ટર રેપિડ ઍક્શન ફૉર્સ (ઓડીઆરએફ), પંચાયતી રાજની સંસ્થાઓ વગેરેએ મળીને માત્ર ૨૪ કલાકમાં જ દસ લાખથી વધુ લોકોને તેમનાં ઘરોમાંથી કાઢ્યાં. આ આપત્તિને પહોંચી વળવા ૭,૦૦૦ રસોડાં અને ૯,૦૦૦ આશ્રયગૃહો ઊભાં કરાયાં હતાં. ૧૯૯૯માં આવેલા વાવાઝોડામાં દસ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે આ વખતે આ આંકડો અંદાજે ૩૮ આસપાસ રાખી શકાયો! ક્યાં દસ હજાર અને ક્યાં ૩૮!

બીજી વાત એ સારી જોવા મળી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય હુંસાતુંસી બાજુમાં મૂકીને નવીનબાબુની પ્રશંસા કરી. વડા પ્રધાન પોતે ચૂંટણી પ્રચારમાંથી સમય કાઢીને ઓડિશાને થયેલું નુકસાન જોવા ગયા ત્યારે તેમણે તેમણે આપત્તિ પ્રબંધનમાં સંકળાયેલી રાજ્ય સરકાર, અધિકારીઓ, કર્મચારીઓ, અને લોકોના વિસ્થાપનમાં લાગેલા સહુ કોઈની પ્રશંસા કરી. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સારું સંકલન રહ્યું તેમ પણ તેમણે કહ્યું. ઉલ્લેખનીય છે કે ઓડિશા વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા સાથે જ હતી. સદનસીબે તેનું મતદાન ૨૯ એપ્રિલે સંપન્ન થઈ ગયું હતું. પરંતુ આમ છતાં પ્રચારમાં કડવાશ અને ખટાશ તે પછી પણ રહી જતી હોય છે. કેટલાકે આમાંથી એવો દૃષ્ટિકોણ કાઢ્યો કે એ તો ૨૩ મે પછી નવીનબાબુના ટેકાની જરૂર વડા પ્રધાનને પડવાની છે એટલે સંબંધ આગોતરા સારા કર્યા.

ખરાબ વાત એ બની કે આ વાવાઝોડાની આપત્તિ વખતે પણ મમતા બેનર્જી વડા પ્રધાન મોદી પ્રત્યેની કડવાશ ભૂલી શક્યાં નહીં. ચૂંટણીના એક પછી એક તબક્કા જેમ જતા જાય છે તેમ મમતાદીદી વધુ ને વધુ આકરાં થતાં જોવાં મળ્યાં. છેલ્લે તો તેમણે (૭ મેએ) “મને મોદીને લોકશાહીની થપ્પડ મારવાનું મન થાય છે” તેમ કહી દીધું, પરંતુ તે પહેલાં આ વાવાઝોડા વખતે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં થનારી બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કરી દીધો. એક તરફ મોદી અક્ષયકુમાર સાથેના ઇન્ટરવ્યૂમાં એમ કહે છે કે મમતાદીદી તો તેમને કુર્તા અને બંગાળી મીઠાઈ પણ મોકલાવે છે પરંતુ ચૂંટણી પ્રચારમાં પોતાને મોદી વિરોધી દેખાડવા કુદરતી આફત અંગેની બેઠકમાં તેઓ ન ગયાં. તેમણે કહ્યું, “હું તેમને દેશના વડા પ્રધાન નથી માનતી તેથી હું બેઠકમાં જોડાઈ નહીં. હું તેમની સાથે એક મંચ પર જોવા માગતી નથી અને હવે આના પર હું આગામી વડા પ્રધાન સાથે જ વાત કરીશ. અમે વાવાઝોડાનો સામનો કરવા પોતે જ સક્ષમ છીએ. અમારે કેન્દ્ર સરકારની મદદની જરૂર નથી.”

કદાચ મમતાને બીક હશે કે વડા પ્રધાન મોદી આ મદદનો રાજકીય લાભ ઉઠાવી લેશે તો? પરંતુ તેઓ જો તેમ કરવા જાય તો તેઓ જ ભોંઠા પડવાના હતા તે મમતાદીદીએ વિચાર્યું નહીં. અને બીજું કે તેઓ મોદીને દેશના વડા પ્રધાન જ નથી માનતાં તે જાહેરમાં કહેવું કેટલું યોગ્ય? વિચારો કે, ન કરે નારાયણ ને આવાં મમતા બેનર્જી આવતીકાલે વડાં પ્રધાન થાય અને તેમને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાન વડાં પ્રધાન માનવા ઈનકાર કરી પોતાની રીતે જ રાજ્યનો વહીવટ ચલાવે તો? આ રીતે તો તો સમવાયતંત્ર (ફેડરલિઝમ) તૂટી પડે. કેન્દ્રમાં સત્તામાં હોય તે પક્ષથી વિરુદ્ધ પક્ષના શાસક મુખ્યપ્રધાનો પોતાની રીતે રાજ્ય ચલાવવા જાય તો દેશ ભાંગી પડે. મોદી પણ મુખ્યપ્રધાન હતા ત્યારે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેવા જતા હતા અને પોતાની વાત રજૂ કરતા હતા.

પોતાના રાજ્યમાં સીબીઆઈના અધિકારીઓને ન આવવા દેવા, આવે તો તેમની કોઈ ગલીના ગુંડાઓની જેમ ઘસડીને ધરપકડ કરવી, વિરોધી પક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારમાં હેલિકૉપ્ટર ઉતરવા મંજૂરી ન આપવી, રથયાત્રા કાઢવા માટે મંજૂરી ન આપવી, ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવારોને ફૉર્મ ભરવા પક્ષના ગુંડા જેવા કાર્યકર્તાઓ દ્વારા હુમલા કરાવવા…શું આ બધું લોકશાહીને શોભે? પરંતુ દુઃખની વાત એ છે કે ગુજરાતમાં ૨૩ એપ્રિલે મતદાનના દિવસે જૂનાગઢના કેટલાક બદમાશો (જેમના રાજકીય ગોત્રની ખબર નથી) દ્વારા મતદાનને રોકવાનો વિડિયો વાઇરલ થયો એટલે મિડિયા પર શોરબકોર ચાલુ થઈ ગયો જ્યારે પશ્ચિમ બંગાળમાં તો લગભગ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જ પડી ભાંગી છે. મતદાનના દરેક તબક્કામાં, માત્ર ભાજપ જ નહીં, ડાબેરી, કોંગ્રેસ વગેરે પક્ષના નેતાઓ-કાર્યકર્તાઓ પર હુમલા થયા છે. બુથ કેપ્ચર કરવાના પ્રયાસો થયા છે. પરંતુ સેક્યુલર-લિબરલ મિડિયા મૌન તમાશો જુએ છે.

 ઠીક છે. પરંતુ વાવાઝોડા ઉપરાંત બીજી એક બાબતે પણ ભારતે ખુશ થવા જેવું છે અને તે એ કે સંયુક્ત રાષ્ટ્રોએ ત્રાસવાદ વિરોધી કામમાં ભારતના ચાલુ રહેલા સમર્થનની પ્રશંસા કરી છે. ત્રાસવાદનો સૌથી વધુ ભોગ જો કોઈ બન્યું હોય તો તે ભારત અને નાઈજીરિયા જેવા દેશો છે. એટલે ભારત ત્રાસવાદ વિરોધી કામમાં સંપૂર્ણ રીતે સહાય આપે જ, તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ સમાચારનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે કે તાજેતરમાં મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં સફળતા ભારતે મેળવી (જેને પણ લિબરલ-સેક્યુલર મિડિયાએ ડાઉનપ્લે કર્યું) અને શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની આવડી મોટી ઘટના બની જેમાં ૨૦૦ કરતાં વધુ મૌલવીઓને દેશમાંથી હાંકી કઢાયા તે પછી આ ત્રીજા મોટા સમાચાર છે. સંયુક્ત રાષ્ટ્રોએ ભારતની પ્રશંસા કરી તે ઘટનાને પણ આ સેક્યુલર-લિબરલ મિડિયા દ્વારા ડાઉનપ્લે કરાયું.

કહેવાનો અર્થ એ છે કે ભારતમાં ટૅક્નૉલૉજી અને સાચી દિશામાં કામ કરવાની પદ્ધતિ વિકસે, કેન્દ્ર-રાજ્ય સંયુક્ત રીતે મળીને કામ કરે તો ચોક્કસ ફણીને ઉગારી શકાય છે, વળી, ગુપ્તચર તંત્રની સૂચના માનવામાં આવે તો કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં ત્રાસવાદી ઘટનાઓ બનતી રોકીને નાગરિકોની જાનહાનિ ટાળી શકાય છે.

politics, Uncategorized

રાજીવ ગાંધીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ, વાંસ અને શેરડીનો ભેદ ખબર નહોતી!

વિખ્યાત તેજાબી લેખક ચંદ્રકાંત બક્ષીના ‘રાજકારણ’ નામના પુસ્તકમાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી વિશે વિશેષ લેખો છે, તો કેટલાક લેખોમાં તેમનો સંદર્ભ છે.

એક લેખકનું શીર્ષક છે- ‘આપણો બૌદ્ધિક રાજીવ ગાંધીની બુદ્ધિને વફાદાર છે.’ આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધી પર પ્રહાર કર્યો તેનાથી આ બૌદ્ધિકો રાજીવજીના બચાવમાં આવી ગયા છે. તેનાથી બક્ષીબાબુનું ઉપરોક્ત કથન સાચું સાબિત થાય છે.

બીજા લેખનું શીર્ષક છે-રાજીવરત્ન ગાંધીના સત્યના પ્રયોગો.

તમને થશે કે બક્ષીબાબુ રાજીવરત્ન કેમ લખતા? “રાજીવનો જન્મ થયો ત્યારે નહેરુ અને ફિરોઝ બંને જેલમાં હતા…નહેરુના મિત્ર અને કૉંગ્રેસના તત્કાલીન મંત્રી શંકરદાવ દેવે નામ શોધ્યું: રાજીવરત્ન (રાજીવ એટલે કમલા અને રત્ન એટલે જવાહર! દાદાદાદી બંનેનું નામ આવી જાય એવું આ નામ હતું.) કાળક્રમે રાજીવ નામ રહ્યું.

ઉપરોક્ત લેખમાં બક્ષીબાબુ લખે છે:
* દરેક ભસતા કૂતરાને હું ઉત્તર આપવા બેસતો નથી.- રામ જેઠમલાણીને ઉત્તર આપતાં.

તમને યાદ છે કે આ રીતે વિરોધીને કૂતરા કહેવા માટે તે વખતે મિડિયાએ ગામ ગજવ્યું હોય? વિચારો, અત્યારે મોદી તો ઠીક, ભાજપના મામૂલી નેતા પણ આવું બોલે તો મિડિયામાં તે કેટલું ગાજે?

હમણાં જવાહર ચાવડાના નિવેદન પર મિડિયાએ ભાજપને ટાર્ગેટ બનાવ્યું. બરાબર છે, પણ બક્ષીબાબુએ જ લખ્યું છે:
“રોજ ષડયંત્રો બનાવવામાં આવે છે અને એમના બાપ પરદેશોમાં છે. હમ ઉનકો નાની યાદ દિલા દેંગે.- બૉટક્લબ પાસે કૉંગ્રેસની ભીડમાં.”

વિચારો, આજના સમયમાં મોદીજી ‘બાપ’, ‘નાની’નો ઉલ્લેખ આ રીતે કરે તો?

“પ્રધાનમંત્રીને પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસના ભેદની ખબર નથી. એમને ખો-ખો નામની કોઈ રમત છે એ ખબર નથી. ઉત્તરપ્રદેશમાં વાંસના ઝાડ જોઈને ખુશ થઈને બોલ્યા: “આ વર્ષે શેરડીનો પાક બહુ સારો થયો છે.” એ કહેતા ગયા કે વિરોધ પક્ષો વિદેશી શક્તિઓ સાથે મળેલા છે…”

“આસામના ગૃહમંત્રી ભૃગુકુમાર કૂકનને પ્રધાનમંત્રીએ મળવા બોલાવ્યા અને એમના સંત્રીઓએ આસામના ગૃહમંત્રીને નિર્વસ્ત્ર કરી નાખ્યા. પછી પ્રધાનમંત્રીએ માફી માગી. આંદામાન ટાપુઓમાં પ્રધાનમંત્રી અને મિત્રમંડળ ક્રિસમસમાં જલસો ઉડાવવા ગયા ત્યારે આઈ. એન. એસ. વિરાટની નૌકાદળની કસરતોની રાજીવપુત્ર રાહુલે વિડીયો ફિલમ ઉતારી. આ મેક્સીમમ સિક્યુરિટી વિસ્તાર છે.

વિદેશ પ્રવાસ સમયે વહેમી રાજીવ ગાંધી જમણા બાવડા પર મુસ્લિમોની જેમ ‘ઈમામ ઝમીન’નું તાવીજ બાંધી જાય છે-સલામત પ્રવાસ માટે! કંઈક નવું શરૂ કરતી વખતે ‘બિસ્મિલ્લાહ’ કહે છે કે નહીં એ વિશે સમાચારપત્રો શાંત છે. એમને વિદાય આપવા પૂરી કેબિનેટ લાઇનમાં ઊભી હોય છે.”

દુકાળ વખતે ખર્ચ બચાવવા રાજીવે નવવર્ષ અભિનંદન પત્ર નહીં લખવા અને અભિનંદનપત્રના ઉત્તરો આપશે નહીં તેવો નિર્ણય કર્યો હતો. જોકે ૩૧ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી ૧૯૮૮ સુધી એમણે, એમના પરિવારે અને મિત્રમંડળે લક્ષદ્વીપમાં વેકેશન જરૂર ગાળ્યું હતું.

“રાજીવ ગાંધી વેનકુવર ગયા ત્યારે જે ઐશ્વર્ય છલકી ગયું એ પત્રોમાં આવી ચૂક્યું છે. એર ઇન્ડિયાના જહાજ પર એમની સાથે હતા એ દરેકને એક બેગ, બ્લેક લેબલ અડધી ઇમ્પૉર્ટેડ વ્હિસ્કી, એક કાર્ટન એક્સ્પ્રેસ સિગારેટો, એક લોહચુંબકીય શતરંજની રમત, એક બૉક્સ ચોકલેટ, છ વિભિન્ન મિની ડ્રેસ, એક વિશ્વપ્રસિદ્ધ ગિવાન્ચી જેન્ટલમેનનો શેવિંગ સેટ, એક ગિવાન્ચીનો લેડીઝનો મેકઅપ સેટ આપવામાં આવ્યો હતો.” આ પ્રવાસમાં પત્રકારો પણ હશે જ. તેમને પણ આવા અનેક લાભ મળ્યા હશે. એટલે તેમાંના હયાત કેટલાક આજે ‘નમકહલાલી’ દાખવે તે સ્વાભાવિક છે.

‘રાજીવરત્ન ગાંધી : ગ્રાફ અસ્થિર થઈ રહ્યો છે?’ લેખમાં બક્ષીબાબુ લખે છે:

“અૉક્ટોબર ૧૯૮૨માં દિલ્હીના ડેપ્યૂટી કમિશનરે કહ્યુ઼ં કે સોનિયા ગાંધીનું નામ મતદાન સૂચિમાંથી બાતલ કરવામાં આવ્યું છે. વિરોધીઓ શોર મચાવી મૂકે એમ હતું કારણકે સોનિયાજી હજી ઇટાલિયન હતાં! અમેઠીમાં ૧૯૮૩માં સોનિયા ગાંધીએ સ્વયં કહ્યું હતું કે એમના પાસપૉર્ટનો નંબર યુ-૧૨૧૫૭૮ હતો અને રાહુલ-પ્રિયંકાને એમના નાબાલિગ સંતાનો તરીકે બતાવવામાં આવ્યાં હતાં. સોનિયા ગાંધી પતિ જીવ્યા પછી ચૂપચાપ ઇટાલિયનમાંથી ભારતીય નાગરિક બની ગયાં હતાં. ૧૯૮૦ના રાષ્ટ્રીય નિર્વાચનમાં રાજીવ ગાંધીએ કોઈ જ ભાગ લીધો ન હતો.”

મોદીના વિદેશપ્રવાસોની ફળશ્રુતિ તો હવે લોકોને સમજાવા લાગી છે, ઈન્દિરાજી-પોતાની માતાની હત્યા પછી તમામ નિયમોને નેવે મૂકીને સત્તા પર આરૂઢ થયેલા રાજીવ ૧૯૮૪ની ચૂંટણીમાં જીત્યા પછી તરત જ વિદેશયાત્રાઓ પર નીકળી ગયેલા. તેની તારીખવાર વિગતો બક્ષીબાબુએ ઉપરોક્ત લેખમાં આપી છે:

“…શરૂનાં વર્ષો એમનો સ્વર્ણકાળ છે. એ કાળનો અંદાજ માત્ર રાજીવજીની વિદેશ યાત્રાઓ પરથી આવી જાય છે. રાજીવ ગાંધી, ભારતની જનતાના પ્રિન્સ ચાર્મિંગ મે ૨૧થી ૨૬, ૧૯૮૫ મૉસ્કોની યાત્રા કરે છે. પાંચમી જૂનથી ૧૮મી જૂન સુધી ઇજિપ્ત, પેરિસ, અલ્જીરિયા, વોશિંગ્ટન, જીનીવા જાય છે. યાત્રાઓમાં સર્વત્ર સોનિયા ગાંધી અને ક્યાંક ક્યાંક સંતાનો સાથે જ છે. નવેમ્બર ૨૭થી ડિસેમ્બર ૧: વિયેતનામ, જાપાન! ૧૯૮૬ની ૧૪મે થી ૧૮ મે: ઝામ્બિય, ઝિમ્બાબ્વ, અંગોલા તાન્ઝાનિયા. જુલાઈ ચારથી પાંચ: મોરેશિયસ, ઓગસ્ટ ૨ થી ૧૧: લંડન, મેક્સિકો પ્રાગ-ઝેકોસ્લોવેકિયા. ઓક્ટોબર 13 થી ૨૧: ઇન્ડોનેશિયા, ઑસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, થાઇલેન્ડ!

“… સિંહાસન પાસે ફુદડી ફરતા ગોઠિયાઓને રાજીવજીએ કહ્યું ભારતના વિરોધ પક્ષો દેશદ્રોહીઓ છે… કૉંગ્રેસની શતવાર્ષિકીમાં રાજીવજી બોલતા ગયા: કૉંગ્રેસનો જન્મ મોતીલાલ નહેરુની અૉફિસમાં થયો હતો! ગાંધીજી અને નહેરુ-પરિવાર સિવાય બધા જ દેશનેતાઓ કેન્સલ થઈ ગયા…” નરેન્દ્ર મોદીએ વિપક્ષોને પાકિસ્તાનની ભાષા બોલતા હોવાનું જરૂર કહ્યું છે પણ દેશદ્રોહીઓ કહ્યા નથી. આમ, સ્પષ્ટ હતું કે રાજીવજી કૉંગ્રેસને બાપીકી મિલકત સમજતા હતા.

“… રાજીવજી મુસ્લિમ વિમેન બિલ વખતે સંસદમાં બોલ્યા હતા કે સ્ત્રીની સ્વતંત્રતા એ પશ્ચિમી વિચાર છે અને ભારતમાં સ્વીકાર્ય નથી… રાજીવજીએ કટોકટીનો બચાવ કર્યો હતો.”

“… રાજીવ ગાંધીને જૉર્ડનના રાજાએ આપેલી મર્સિડીઝ કાર એ રસ્તાના કાયદા તોડીને ભયંકર તેજ દોડાવી રહ્યા હતા- રાજ્ય કક્ષાએ આપેલી ભેટો ખાનગી સંપત્તિ નહીં પણ રાજીવની ‘એસ્ટેટ પ્રૉપર્ટી’ ગણાય છે. દેશની પણ એવી જ હાલત થઇ રહી નથી?

મોદી પોતાને મળતી ભેટો સરકારી તોષાખાનામાં કે સરકારી કર્મચારીઓને આપી દે છે ત્યારે બંને મહાનુભાવો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે-એક, દેશ કરતાં અંગત મોજશોખને પ્રાધાન્ય આપતા, બીજા અંગત કરતાં દેશને હંમેશાં કેન્દ્રમાં રાખે છે.

national, politics

૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થાય તેવા અણસાર નથી

સબ હેડિંગ: ૨૦૦૪ વખતે અટલજી અસ્વસ્થ, નબળા અને નિરાશ જણાતા હતા. ઇન્ટરવ્યૂમાં પણ તેમની નિરાશા દેખાતી હતી. મોદીએ ૨૦૦૪ની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી કાળજી રાખી છે.

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૦૫/૦૫/૧૯)

રાયબરેલીમાંથી પોતાનો નામાંકનપત્ર ભરતી વખતે સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ૨૦૦૪ને ભૂલો નહીં, નરેન્દ્ર મોદી અજેય નથી. આ વખતે ભાજપ જીતે તેમાં લોકોને શંકા ઉપજે તેવા કોઈ વર્તારા સ્પષ્ટ રીતે દેખાતા નથી પરંતુ રાજકીય વિશ્લેષકો ચોક્કસપણે કોઈ સ્પષ્ટ લહેર ન દેખાતી હોય તેમ કહીને પોતે મૂંઝાયેલા છે તેવું જાહેર કરી રહ્યા છે.

કેટલાક કહી રહ્યા છે કે ૨૦૦૪માં પણ ભાજપ તરફી જબરજસ્ત પ્રચાર હતો અને ઇન્ડિયા શાઇનિંગ અને ફીલગુડ સૂત્રોના કારણે અટલબિહારી વાજપેયીની એનડીએ સરકાર સ્પષ્ટ  બહુમતી સાથે ફરીથી જીતશે જ તેમ લોકોને લાગી રહ્યું હતું પરંતુ કૉંગ્રેસ ચૂપચાપ પોતાના યુપીએ મોરચા સાથે જીતી ગઈ. ભલભલા રાજકીય પંડિતો તે વખતે ગોથું ખાઈ ગયા હતા.

શું આ વખતે ફરીથી રાજકીય પંડિતો ગોથું ખાઈ જશે? કારણ કે કોઈ લહેરના અભાવમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે ભાજપને સ્પષ્ટ બહુમતી નહીં મળે. તેનો રથ ૨૦૦ની આસપાસ અટકી જશે અને તેથી મોરચા સરકાર માટે નરેન્દ્ર મોદી સર્વસ્વીકૃત નેતા નહીં હોય અને તેવા સંજોગોમાં નીતિન ગડકરીના નેતૃત્વમાં એનડીએ સરકાર બની શકે છે.

જોકે ૨૦૦૪ના સંજોગો અને ૨૦૧૯ની સરખામણી કરીએ તો બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. પહેલાં તો સામ્યતાની વાત કરીએ. ૨૦૦૪માં ગુજરાતમાં ૨૦૦૨નાં રમખાણોના લીધે રામવિલાસ પાસવાન અને ચંદ્રાબાબુ નાયડુ એનડીએ છોડી ગયા હતા. આ વખતે ચંદ્રાબાબુ નાયડુએ તો એનડીએ છોડી દીધો છે પરંતુ રાજકીય હવામાનશાસ્ત્રી તરીકે ખ્યાત રામવિલાસ પાસવાન એનડીએ સાથે જ છે અને તેથી એમ કહી શકાય કે ૨૦૦૪નું પુનરાવર્તન ૨૦૧૯માં થવાનું નથી. ઉલટું ખેડૂતો, મધ્યમ વર્ગ અને શ્રમિકોને ખુશ કરનારા કેન્દ્રીય અંદાજપત્ર પછી આ રાજકીય હવામાનશાસ્ત્રીએ આગાહી કરી હતી કે એનડીએને ૪૦૦ ઉપરાંત બેઠકો મળશે. અને એ વાત સાચી છે કે કેન્દ્રીય અંદાજપત્રમાં ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા ૨૦૦૦ની રકમ, શ્રમિકોને પેન્શન તથા મધ્યમ વર્ગને રૂપિયા પાંચ લાખ સુધી આવકવેરામાં છૂટ, આર્થિક રીતે નબળા એવા સવર્ણોને ૧૦ ટકા અનામત વગેરે જાહેરાત દ્વારા મતદારના દરેક વર્ગને ખુશ કરવાના પ્રયાસ મોદી સરકારે કર્યા હતા અને આ પહેલાં ૨૦૧૮ના બજેટમાં આયુષ્માન ભારત નામની વિશ્વની સૌથી મોટી આરોગ્યસંભાળ યોજનામાં પચાસ  કરોડ ગરીબોને આવરી લેવાયા છે અને અનેક ગરીબ દર્દીઓએ તેનો લાભ ઉઠાવ્યો છે. તેમાંના કેટલાક નરેન્દ્ર મોદીને આ માટે આશીર્વાદ આપતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યા છે. દીનદયાળ જન ઔષધિ કેન્દ્રો દ્વારા જેનેરિક દવા પણ સસ્તી ઉપલબ્ધ કરવામાં આવી છે. ઘૂંટણની સર્જરી અને હૃદય માટે સ્ટેન્ટ મુકાવું પણ સસ્તુ બન્યું છે. આ ઉપરાંત મોંઘવારી પણ ઠીકઠીક અંશે કાબૂમાં રખાઈ છે. જીએસટી તાર્કિક બનાવીને વેપારી વર્ગની ફરિયાદ દૂર કરવાનો પ્રયાસ પણ મોદી સરકારે કર્યો છે.

અટલબિહારી વાજપેયી સરકારનો પરાજય થયો તેમાં એક કારણ હિન્દુઓની નારાજગી હતી. રામ મંદિર માટે મહંત રામચંદ્ર જ્યારે ધરણા પર બેઠા ત્યારે સેનાને મોકલીને અટલ બિહારી વાજપેયી સરકારે જે પગલાં લીધાં તેના કારણે હિન્દુ નારાજ થયા હતા. આ ઉપરાંત ૨૦૦૨નાં રમખાણો વખતે અટલબિહારી વાજપેયીનો વિડિયો જેમાં તેઓ નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાન તરીકે રાજધર્મનું પાલન કરવાની સલાહ આપે છે તે પ્રચલિત થયો હતો તેના કારણે પણ હિન્દુ નારાજ હતા. આ ઓછું હોય તેમ અટલબિહારી વાજપેયી માથે મુસ્લિમ ટોપી અને ગળામાં મુસ્લિમ પ્રકારનો ખેસ પહેરી મુસ્લિમ તુષ્ટીકરણ કરતા જોવા મળ્યા હતા. આ જ કારણ હતું કે ૨૦૦૪માં ગુજરાતમાં ભાજપને ફક્ત ૧૪ બેઠકો જ મળી હતી જે તેના પરાજયનું એક મુખ્ય કારણ હતું.  માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશના હિન્દુઓ પણ આ પ્રકારના મુસ્લિમ તુષ્ટિકરણ અને નરેન્દ્ર મોદીને કહેવાતા ઠપકાથી નારાજ હતા. બીજી તરફ સેક્યુલર મીડિયા દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દેશમાં ચર્ચ ને મુસ્લિમો પર હુમલાના પ્રશ્ને કાગારોળ મચાવી લઘુમતી ભયમાં હોવાનાં ગાણાં ગયા હતા તેથી તે વર્ગ પણ સાથે ન હતો. આમ અટલજી માટે પેલી ઉર્દૂ પંક્તિ જેવું થયું હતું-ન ખુદા મિલા, ન વિસાલ-એ-સનમ, ન ઈધર કે રહે, ન ઉધર કે હમ.

અટલબિહારી વાજપેયી સામે સંઘ પરિવારની સંસ્થાઓ પણ બોલકો વિરોધ વ્યક્ત કરવામાં કોઈ મોકો છોડતી ન હતી ચાહે તે વિશ્વ હિન્દુ પરિષદ હોય, સ્વદેશી જાગરણ મંચ હોય કે ઇવન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય. મિડિયાનું માઇક દેખાયું નથી ને નિવેદન આપ્યું નથી. આના કારણે અટલબિહારી વાજપેયી પણ પત્રકારો દ્વારા સંઘ પરિવારના પ્રશ્ને જ વધુ ઘેરાયેલા રહેતા હતા. લેફ્ટ-લિબરલ મીડિયાએ અટલબિહારી વાજપેયીની સંઘ પરિવારમાં અટુલા પાડી દેવાયેલા નેતા તરીકેની છાપ ઊભી કરી હતી. સામે પક્ષે અટલજીની પણ વેદના કવિતાના માધ્યમથી ક્યારેકક્યારેક છલકાઈ આવતી હતી. સંઘ પરિવારના સમર્થકોમાં અટલબિહારી વાજપેયીની સરકાર સામે મૂંઝવણ હતી. સેેક્યુલર મિડિયાની ખંધાઈ સંઘ પરિવાર સમજી ગયો હોય તેમ આ વખતે પ્રવીણ તોગડિયાના પ્રકરણને બાદ કરીએ તો સંઘ પરિવારે પોતાના મતભેદ બંધબારણે ઉકેલવાનું વધારે પસંદ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.

બીજી તરફ હિન્દુત્વના મુદ્દે નરેન્દ્ર મોદીએ હંમેશાં પોતાની હિન્દુ સમ્રાટ તરીકે છબી યથાવત જાળવી રાખવા પ્રયાસ કર્યો છે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે સાથે કાશીમાં ગંગા માતાની આરતી દ્વારા, નેપાળમાં પશુપતિનાથ મંદિરમાં પૂજા દ્વારા, બાંગ્લાદેશમાં ઢાકેશ્વરી મંદિરની મુલાકાત દ્વારા, કુંભમાં સ્નાન દ્વારા તેમણે પોતાની હિન્દુની છબી યથાવત જાળવી રાખી છે. તેમણે ઇફતાર પાર્ટીઓ તો બંધ કરી જ, વિપક્ષોને પણ મંદિર તરફ દોડતા કરી દીધા છે. અયોધ્યામાં ભવ્ય દિવાળીની ઉજવણી અને ભવ્ય મહાકુંભનું આયોજન કરીને મોદી અને યોગીની જોડીએ હિન્દુવાદીઓનાં હૃદય જીતી લીધાં છે. યુ. એ. ઇ. જેવા ઇસ્લામિક દેશમાં પણ સ્વામિનારાયણ મંદિર માટે જગ્યા મેળવવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા તે વાત પણ તેમની હિન્દુવાદીની છબી પુષ્ટ કરે છે. તેમણે મુસ્લિમોના તુષ્ટિકરણનો દેખીતો કોઈ પ્રયાસ કર્યો નથી. ઉલટું, ટ્રિપલ તલાકના મુદ્દે વારંવાર વટહુકમ લાવી અને મુસ્લિમ મહિલાઓને પોતાના પક્ષે તો કરી જ છે પરંતુ સાથે હિન્દુવાદીઓને પણ આ મુદ્દા દ્વારા ખુશ કર્યા છે, કારણકે આ માર્ગ યુનિફોર્મ સિવિલ કૉડ તરફ જાય છે. યમન કે સિરિયા જેવા ગૃહયુદ્ધ ગ્રસ્ત દેશોમાંથી ખ્રિસ્તી કે અન્ય પંથીઓને ઉગારવામાં મોદી સરકારની સફળતા તેમની સબ કા સાથ સબ કા વિકાસની છબી દૃઢ બનાવે છે.

૨૦૦૧માં સંસદ પર હુમલા પછી અટલબિહારી વાજપેયીએ ‘આરપાર કી લડાઈ હોગી’ એવી જાહેરાત કરી હતી અને તે પછી સરહદે સૈનિકોને તૈના પણ કરાયા હતા પરંતુ તે વખતે દેશમાં પાંચમી કતારીયા લોકો અત્યાર કરતાં ઘણી મોટી સંખ્યામાં હતા જેથી સેના જે રસ્તે જતી તે રસ્તે સુરંગ વિસ્ફોટ થતા અને સેનાના શસ્ત્રાગારના ડેપોમાં આગના બનાવો બનતા હતા. સરહદે સેનાની તૈનાતીનો ખર્ચ ખૂબ જ થતો હોય છે. આ ખર્ચ ભારતને તો પોસાય પરંતુ પાકિસ્તાનને મોંઘો પડી ગયો હતો. તદુપરાંત પાકિસ્તાનના વિમાન અને ભારતીય વાયુ સીમા પરથી ઉડવા પ્રતિબંધ મૂકી દેવાયો હતો. આ બધાં પગલાંના કારણે પાકિસ્તાનને આર્થિક રીતે ખૂબ મોટો ફટકો પડ્યો હતો પરંતુ તે સીધો ધ્યાનમાં આવે તેમ નહોતો. તે વખતે સોશિયલ મીડિયા ટીમ પણ નહોતી કે જે સરકારી વાત જનતા સુધી પહોંચાડે. મેઇન સ્ટ્રીમ મિડિયાના મોટાભાગના લોકો લેફ્ટિસ્ટ હોવાના કારણે સરકારની વાત મીડિયા દ્વારા પણ જનતા સુધી પહોંચતી ન હતી. આની સામે નરેન્દ્ર મોદી સરકારે સર્જિકલ સ્ટ્રાઇક અને ઍરસ્ટ્રાઇક કરી અને જનતાને પોતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હોવાનો સ્પષ્ટ સંદેશો પાઠવવામાં સફળતા મેળવી છે.

પરંતુ ઘણી બધી બાબતો તમારા પક્ષમાં હોય એમ છતાં તમે જો જનતા સુધી પહોંચાડી ન શકો તો ચૂંટણીમાં તમને એનો ફાયદો થતો નથી. આ વાત નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી બરાબર જાણે છે. આથી જ તેમણે એક વર્ષ પહેલાંથી ચૂંટણીની તૈયારીઓ પ્રચાર અને સંગઠન એમ બંને સ્તરે શરૂ કરી દીધી હતી. એક તરફ નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિડીયો કોન્ફરન્સથી મળી રહ્યા હતા તો બીજી તરફ અમિત શાહ ‘સંપર્ક ફોર સમર્થન’, ‘મારો પરિવાર ભાજપ પરિવાર’ વગેરે અભિયાનો દ્વારા સંગઠનને સતત ચેતનવંતુ રાખી રહ્યા હતા. તેમની સૂચના મુજબ વિરોધી પક્ષમાંથી કેટલાક નેતાઓને ભાજપમાં લવાઈ રહ્યા હતા. અટલબિહારી વાજપેયી સરકાર વખતે એવું થયું હતું કે સંગઠનના માસ્ટર લાલકૃષ્ણ અડવાણી ભારત ઉદય યાત્રા કાઢી રહ્યા હતા જેના કારણે પક્ષ તેમાં વ્યસ્ત હતો. આ રીતે બન્ને મોટા નેતાઓ માત્ર પ્રચારમાં જ જોડાયેલા હતા. વળી પક્ષમાં જૂથવાદ પણ મોટાપાયે હતો તેમ પ્રમોદ મહાજને ચૂંટણી પછી રજત શર્માને આપ કી અદાલતના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. પ્રમોદ મહાજને એ પણ સ્વીકાર્યું હતું કે હાઇ ટૅક પ્રચારના કારણે ગામડાંનો સીધો સંપર્ક છૂટી ગયો હતો. નરેન્દ્ર મોદી-અમિતભાઈએ આ બાબતે ધડો લીધો લાગે છે, કારણકે આ વખતે ૨૦૧૪ની જેમ હૉલૉગ્રામ દ્વારા થ્રીડી સભા કરાઈ નથી. નેતાની તંદુરસ્તી અને સ્ફૂર્તિ પણ મહત્ત્વની ગણાય. અટલજીની ઉંમર તે વખતે ૮૦ વર્ષ હતી. ઘૂંટણની સર્જરીના કારણે ડગુમગુ ચાલતા. પોતાની વાતમાં લાંબો વિરામ લેતા. ૨૦૦૪ના એનડીટીવીના રાજદીપના ઇન્ટરવ્યૂમાં (તબિયતના લીધે) અસ્વસ્થ, નિરાશ જણાતા હતા. આની સામે મોદીની ઉંમર ૬૮ વર્ષની જ છે. ખૂબ જ સ્ફૂર્તિ દેખાય છે. ઇન્ટરવ્યૂઓમાં પણ ક્યાંય પ્રશ્નોની જાળમાં ફસાતા નથી. રાજદીપ જેવાને ઇન્ટરવ્યૂ જ આપ્યા નથી.

 ૨૦૦૪માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીતના લીધે ભાજપે વહેલી ચૂંટણી આપી દીધી, પરંતુ ચૂંટણી પંચે પ્રચારમાં ત્રણ મહિનાનો લાંબો સમયગાળો રાખ્યો. તેમાં ઇન્ડિયા શાઇનિંગનો એકનો એક મુદ્દો ચાલ્યો નથી. ગયા વખતે ભાજપનો મોરચો વિખેરાયેલો અને યુપીએ મજબૂત જણાતો હતો. સોનિયા ગાંધી પણ ભાજપના વિદેશી કુળની મહિલાના પ્રચારમાં સહાનુભૂતિ મેળવવામાં સફળ રહ્યાં હતાં. આ વખતે તેમ નથી. રાહુલ તો ઠીક, પ્રિયંકા પણ ખાસ દમ નથી દેખાડી શક્યાં. ઉલટું, ચાલુ ચૂંટણીમાં રાફેલ મુદ્દે સુપ્રીમ કૉર્ટના નિર્દેશના ખોટા અર્થઘટન બદલ રાહુલને ઠપકો અને અવમાનનાની નૉટિસ મળતાં તેમને બે વાર દુ:ખ વ્યક્ત કરવું પડ્યું છે. કૉંગ્રેસ ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં એકલી ચૂંટણી લડી રહી છે. વળી, છેલ્લાં બે વર્ષમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળમાં ભાજપે મજબૂત ટક્કર આપીને ત્યાંનું ચિત્ર બદલવા પ્રયાસ કર્યો છે, જેના લીધે આ રાજ્યોમાં લોકસભા ચૂંટણીમાં ભાજપને સારો ફાયદો થતો જણાઈ રહ્યો છે. વળી, ભાજપ સમર્થકોમાં એ પ્રચાર પણ છે કે ૨૦૦૪માં મતદાનમાં નિરસતા દાખવી દસ વર્ષ સહન કરવું પડ્યું તેવું આ વખતે થવા દેવું નથી.

ટૂંકમાં, આ તબક્કે, મોદી સરકાર સત્તામાં ફરીથી વધુ સારી રીતે પુનરાગમન કરે તેવાં સ્પષ્ટ લક્ષણો દેખાઈ રહ્યાં છે.

ahmedabad

…તો અમદાવાદ મનપા ભાજપના હાથમાંથી જશે

તસવીર સૌજન્ય: ટાઇમ્સ ઑફ ઇન્ડિયા

જયવંતની જે બ્બાત

અમદાવાદમાં જે રીતે મેટ્રો ટ્રેનનું કામ ગોકળગાયની ગતિએ થવાથી રસ્તાના બૂરા હાલ છે તેમાં પાછા ખોદકામ થઈ રહ્યાં છે. મોટા ભાગના રસ્તા પેચવર્કવાળા છે, સમતળ નથી. પરિણામે લોકોને પેટના દુ:ખાવા થઈ જતા હોય તો નવાઈ નહીં. કારમાં ફરતા ભાજપના નેતાઓને આ પ્રશ્ન ગંભીર ન લાગે, પણ રિક્ષા, સ્કૂટર કે સાઇકલ પર ફરતા લોકોને પૂછો. માત્ર આનંદનગરથી રામદેવનગરનો રસ્તો જ પકડો તો ખબર પડશે. ચોમાસાનું પ્લાનિંગ હોય તો તો વાંધો નથી પણ જો તેમ નહીં હોય તો…પાણીના પોકાર પણ હચમચાવી દે તેવા છે.

નર્મદા મૈયા તો ઉપકારક જ છે પણ આયોજન અણઘડ જણાય છે. ગયા એપ્રિલથી આ હાલત છે. ટ્રાફિક ડ્રાઇવ ને દબાણ હટાવો ડ્રાઇવ સારી ચાલી પણ ત્યાર બાદ ક્રેઇન દ્વારા માત્ર સ્કૂટર જ ઉઠાવાય છે. પાર્કિંગની જગ્યા એક તો ઓછી ન તેમાં બે મિનિટના કામ માટે ગયા હોય ત્યાં ક્રેઇનવાળા સ્કૂટર ઉઠાવવા આવી જાય. પ્રહલાદનગર બગીચા આગળ મ્યુનિ. પાર્કિંગ પ્લૉટ બંધ કરી દેવાયો છે. માતાપિતા બાળકોને રમાડવા લઈ જાય તો પાર્કિંગની મોટી તકલીફ ઊભી થાય છે.

ટ્રાફિક સિગ્નલો પર કાઉન્ટિંગ સિગ્નલો ઘણી જગ્યાએ બંધ હોય છે જેથી સ્કૂટર કે કાર ફરજિયાત ચાલુ રાખવા પડે. ઈંધણ બળે, વિદેશી હુંડિયામણ ઓછું થાય ને પ્રદૂષણ વધે તે અલગ. દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતી હિન્દુવાદી સરકાર આ બાબતે વિચારતી નથી. વળી, સિગ્નલ બંધ થયા પછી પણ કારો ને અન્ય વાહનો પૂરપાટ નીકળે તેને અટકાવાતાં નથી જેથી જેનું સિગ્નલ ખુલ્યું હોય તે લોકોની પાંચેક સેકન્ડ તો ચાલી જ જાય.

વળી, દર ચાર રસ્તે ગ્રીન સિગ્નલના સમય અલગઅલગ છે. ક્યાંક ૩૦ સેકન્ડ તો ક્યાંક માત્ર ૧૬ સેકન્ડ છે. આજથી સાત-આઠ વર્ષ પહેલાં સેપ્ટના વિદ્યાર્થીઓ કે બીજા કોઈએ એવી ડિઝાઇન આપ્યાનું યાદ છે કે તમે એક સિગ્નલ પર જો નીકળો તો બધાં સિગ્નલ ગ્રીન જ મળે. આ રીતનું આયોજન અશક્ય નથી.

દિવ્ય ભાસ્કર, દિ. ૩/૫/૧૯

પીરાણા પાસે કચરાના ડુંગરની સમસ્યા ઉકેલવા માત્ર વાતો થાય છે. હમણાં ત્યાં ઉનાળાની સાંજે છ વાગે અંધારું થઈ ગયું હતું ને વાહનોમાં લાઇટ ચાલુ કરવી પડી હતી.

જો આ બધા પ્રશ્નો ન ઉકેલાય તો જનતા આવતી મનપા ચૂંટણીમાં ભાજપને જિતાડે તેમ માનવું ભૂલભરેલું છે કારણકે મનપા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી આવવાના નથી.

international, sanjog news, terrorism, vichar valonun

શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદની ઘટનાઓ શું મુસ્લિમ-ખ્રિસ્તી યુદ્ધમાં પરિણમશે?

સબ હેડિંગ: જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. વિશ્વ કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદ ફેલાય છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. પરંતુ હવે શ્રીલંકામાં બે દિવસ થયેલા બૉમ્બ ધડાકા પછી ઇસ્લામિક ત્રાસવાદ સામે સમગ્ર વિશ્વએ એક થવું પડશે અને તેમાં શાંતિપ્રિય મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે.

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૮/૪/૧૯)

ભારતમાં ચૂંટણીની ગરમાગરમીમાં શ્રીલંકામાં ખ્રિસ્તીઓના તહેવાર ઇસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ હૉટલમાં તેમજ બીજા દિવસે પણ થયેલા વિસ્ફોટના સમાચારને ઓછું મહત્ત્વ મળ્યું. સામાન્યતઃ જશ ખાટવામાં સહેજ પણ પાછી ન પડતી મોદી સરકારે આ સમાચાર સંદર્ભે એક વાતે જશ ન ખાટ્યો પરંતુ તે જશ તેને મળવો જોઈએ. અને આ વાત એ છે કે ૧૯૯૦ના ખાડી યુદ્ધ પછી ભારતમાં ઘરેઘરે જાણીતા બનેલા સીએનએને સમાચાર આપ્યા છે કે હકીકતે ભારતે શ્રીલંકાને આ શ્રેણીબદ્ધ બૉમ્બધડાકાઓનાં બે સપ્તાહ પહેલાં તેના વિશે ચેતવ્યું હતું!

આ વાત જો ચૂંટણી વચાળે મોદી સરકાર કરત તો તો વિપક્ષો અને લુટિયન મિડિયા તૂટી પડત પરંતુ શ્રીલંકાએ પોતે આ વાત સ્વીકારી છે. બે સપ્તાહ પહેલાં તો ચેતવણી આપી જ હતી, પરંતુ હુમલાઓના બે દિવસ પહેલાં અને બે કલાક પહેલાં પણ ચેતવણી ભારતે આપી હતી. આ વાત ખરેખર ખૂબ જ મહત્ત્વની છે જેની કદાચ ભારતનું સેક્યુલર અને લિબરલ મિડિયા જોઈએ તેટલી નોંધ નહીં લે અને મોદી સરકારને તે માટે યશ પણ નહીં આપે.

૧૯૭૧માં શ્રીનગરથી જમ્મુ જવા ઉપડેલા ‘ગંગા’ નામના વિમાનના અપહરણ સાથે ભારતમાં ઈસ્લામિક ત્રાસવાદના પગરણ થયા ત્યારથી ભારતમાં કૉંગ્રેસ સરકાર ચેતી નહીં અને મત બૅન્કના થાબડભાણામાં પરિસ્થિતિ એ આવી કે વર્ષ ૨૦૦૮માં એક જ વર્ષમાં પહેલી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં લશ્કર-એ-તોઇબાના ત્રાસવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનો પર હુમલામાં આઠ જવાનો શહીદ થવાથી માંડીને ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં ૧૭ બૉમ્બધડાકામાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં અને ૨૬ નવેમ્બરના રોજ મુંબઈ હુમલામાં ૧૭૧ લોકો માર્યા ગયા. આ રીતે માત્ર ૨૦૦૮માં જ લગભગ ૧૧ ઘટનાઓ ત્રાસવાદી હુમલાની બની. તેમાં દિલ્લીમાં જ સપ્ટેમ્બરમાં પખવાડિયાની અંદર બે ઘટનાઓ બની હતી! તે ગુપ્તચર સંસ્થાઓની નિષ્ફળતા તો ગણાય જ, પરંતુ સરકારની નિષ્ફળતા પણ ગણાય. માન્યું કે હુમલાઓ અટકાવવામાં તો નિષ્ફળ રહ્યા, પરંતુ તે પછી પાકિસ્તાનને કોઈ જવાબ પણ કૉંગ્રેસ સરકારે ન આપ્યો. માત્ર પુરાવાઓ આપ્યા કર્યા જેને આજ સુધી પાકિસ્તાને ગણકાર્યા નથી.

આવી સ્થિતિમાં, વર્ષ ૨૦૧૪થી આ લખાય છે ત્યાં સુધીમાં, જમ્મુ-કાશ્મીરને બાદ કરો તો ભારતમાં ક્યાંય નાગરિકોની જાનહાનિ થાય તેવા બૉમ્બધડાકાની ત્રાસવાદી ઘટનાઓ બની નથી. પઠાણકોટના ત્રાસવાદી હુમલામાં પણ સૈન્ય થાણું લક્ષ્ય બનાવાયેલું. આ એમ ને એમ શક્ય ન જ બને. ગુપ્તચર તંત્રને મજબૂત બનાવાયું, બીએસએફથી લઈને વિવિધ સુરક્ષા દળોમાં પાકિસ્તાન માટે જાસૂસી કામ કરતા ભારતીયોને પકડવામાં આવ્યા, નોટબંધીના લીધે ત્રાસવાદીઓને મળતું ભંડોળ ઓછું થયું ત્યારે આ શક્ય બને. મિડિયાની અંદર ત્રાસવાદીઓ દ્વારા જવાનો શહીદ થાય તેને જેટલું મહત્ત્વ મળે તેટલું મહત્ત્વ બહાદુર જવાનો દ્વારા ત્રાસવાદીઓ ઠાર થાય તેને નથી મળતું અને દિલ્લીની અંદર જૈશ-એ-મોહમ્મદનો ત્રાસવાદી સજ્જાદ ખાન પકડાય કે ઉત્તર પ્રદેશમાંથી ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ દસ જણાની ધરપકડ કરીને આઈએસઆઈએસના મૉડ્યુલનો પર્દાફાશ થાય તેને તો સાવ મહત્ત્વ ન મળે.

ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવીને ભારતમાં હુમલાઓ કરી જાય છે તે શક્ય બને છે ભારતની અંદરના રહેલા ગદ્દારોના કારણે. શ્રીલંકામાં પણ આવું બન્યું હશે અંદરના ગદ્દારોના કારણે જ. પહેલાં જ્યારે ભારતની અંદર ત્રાસવાદ થતો ત્યારે અમેરિકાથી માંડીને સમગ્ર વિશ્વ તેને સ્થાનિક પ્રશ્ન માની ગણકારતા નહીં. સત્તા છોડ્યા પછી પણ ભારતને હમણાં સુધી પોતાની જાગીર માનતા બ્રિટન કાશ્મીરમાં સ્થાનિકો પર ભારતીય સેના દમન કરે છે તેથી ત્રાસવાદી ઘટના બને છે તેવા પાકિસ્તાનના પ્રચારને માની લેતું. આવા પ્રચારમાં ભારતની અંદર રહેલા બરખા દત્ત પ્રકારના સેક્યુલર પત્રકારો, વિદેશી સમાચારપત્રોમાં ભારતનું નબળું ચિત્ર જ રજૂ કરતા ભારતીય પત્રકારો, અરુંધતિ રોય જેવા માનવાધિકારવાદીઓ વગેરેનો ફાળો પણ ઓછો નહોતો. તેમાં કન્હૈયાકુમાર, ઉંમર ખાલીદ જેવાઓનો ઉમેરો થયો છે. અને હવે તો ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરા થકી ‘આફ્સ્પા’ કાયદામાં ‘સુધારો’ (નબળો એમ વાંચો) કરવા તેમજ દેશદ્રોહનો કાયદો રદ્દ કરવાનું વચન આપી કૉંગ્રેસે પણ આવાં તત્ત્વોને રાજકીય પીઠબળ પૂરું પાડ્યું છે.

કહેવાનો અર્થ એ છે કે ઇસ્લામિક ત્રાસવાદ એ સ્થાનિક મુદ્દો નથી. ઇસ્લામની મસ્જિદ-મદરેસાઓમાં મઝહબના નામે જે કટ્ટરતા આપતું શિક્ષણ અને ઉપદેશ અપાય છે તે જ્યાં સુધી ચાલુ રહેશે અને પહેલાં મઝહબ પછી દેશ તેવું માનીને જે-તે દેશની સંસ્કૃતિ અનુસાર ભળવાનું જ્યાં સુધી મુસ્લિમો બંધ રાખશે ત્યાં સુધી ઇસ્લામિક ત્રાસવાદ ચાલુ રહેશે. અત્યાર સુધી શ્રીલંકામાં ઇસ્લામિક ત્રાસવાદનો પગપેસારો નહોતો, પરંતુ હવે ત્યાં પણ આવી ગયો છે. આ બહુ ગંભીર બાબત છે. બ્રિટનથી માંડીને ઑસ્ટ્રેલિયા સુધીના યુરોપના દેશો બુરખા પર પ્રતિબંધ, જાહેર સ્થળો પર નમાઝ પઢવા સહિતના પ્રતિબંધો મૂકે છે. પરંતુ ચીન તો મુસ્લિમોને કટ્ટર થવા પર જે આકરાં પગલાં લે છે તે ખરેખર વધુ પડતાં લાગે તો પણ પ્રશંસનીય છે.

ચીનના શીનજિયાંગ પ્રાંતમાં જે રેસ્ટૉરન્ટ છે તેને રમઝાન દરમિયાન પણ ખુલ્લાં રાખવા આદેશ કરાયો હતો. રમઝાન દરમિયાન મસ્જિદમાં નમાઝ પઢવા આવતા દરેકનું ઓળખપત્ર ચકાસવા સરકારે કડક આદેશ આપ્યો હતો. ૨૪ જેટલા હિંસક ઈમામોને ત્યાં જેલ ભેગા કરાય છે કારણકે તેઓ પર ગેરકાયદે ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ હતો.

વર્ષ ૨૦૧૫માં ચીનમાં ઈમામોને જાહેરમાં ટાઉન સ્ક્વેરમાં ડાન્સ કરાવાયો હતો. આ સાથે જ તેઓ બાળકોને મઝહબથી દૂર રાખશે તેવા સોગંદ પણ લેવડાવાયા હતા. જે મુસ્લિમ સરકારી કર્મચારીઓ હતા તેમની પાસે સૂત્રોચ્ચાર કરાવાયો હતો કે તેમને પગાર સરકાર તરફથી મળે છે, અલ્લાહ તરફથી નહીં. તેમની પાસે એવો પણ સૂત્રોચ્ચાર કરાવાયો હતો કે ‘દેશની શાંતિ આત્માને પણ શાંતિ આપે છે’. ઘણા ઈમામોને બળજબરીથી ચીનના ધ્વજ અપાયા હતા.

પ્રવચનોમાં યુવાનોને અને બાળકોને મસ્જિદથી દૂર રહેવા કહેવાયું હતું. ઉલટું તેમને કહેવાયું હતું કે પ્રાર્થના આરોગ્ય માટે નુકસાનકારક છે. તેના બદલે નાચવું. મહિલા શિક્ષિકાઓને સૂચના અપાઈ હતી કે તેઓ બાળકોને મઝહબી તાલીમથી દૂર રાખશે.

ચીનમાં મુસ્લિમોને લાંબી દાઢી રાખવા પર કે બુરખા પહેરવા પર પણ મનાઈ છે. ત્યાં સદ્દામ હુસૈન કે ઓસામા બિન લાદેન જેવાં કટ્ટરવાદી અને ત્રાસવાદીઓનાં નામ પરથી નામ રાખી શકાતાં નથી.

ચીનમાં સામ્યવાદી સરકાર છે. ભારતમાં સામ્યવાદીઓ દલિતો અને મુસ્લિમોને પોતાની સાથે રાખવા પ્રયાસ કરે છે અને આથી મુસ્લિમોને કટ્ટરતા માટે અટકાવાતા નથી. ભારતમાં મસ્જિદો અને મદરેસાઓમાં જે કટ્ટર શિક્ષણ અપાય છે તેને રોકવા ઉત્તર પ્રદેશની યોગી સરકારે જે પ્રકારનાં પગલાં લીધાં છે તેવાં પગલાં તો અમદાવાદમાં દિવાળીની રાત્રે આઠથી દસ દરમિયાન જ ફટાકડા ફોડવા તેવો આદેશ આપતી ગુજરાતની વિજય રૂપાણીની ભાજપ સરકારે પણ નથી લીધાં. આજે પણ ભારતમાં નવરાત્રિમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મૂકાય છે, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયના આદેશ છતાં વહેલી સવારથી લઈને રાત સુધી મસ્જિદો પરથી અઝાન બેસૂરા અવાજે બોલાય છે તેના પર પ્રતિબંધ મૂકાતો નથી. કોઈ સારા અવાજે ગાતું હોય તો ચોક્કસ ગમે, પરંતુ જો એક સાથે બધા અલગ-અલગ સૂરમાં આગળપાછળ ગાય તો તે ચોક્કસ ઘોંઘાટ લાગે. નજીકનજીક એક કરતાં વધુ મસ્જિદો હોય ત્યારે આવો જ ઘોંઘાટ સર્જાતો હોય છે.

ગુજરાતમાં અમદાવાદમાં વર્ષા ફ્લેટ હોય કે વારાહી ગામ, કટ્ટર મુસ્લિમોનો આતંક પ્રવર્તે છે અને તેમને સ્થાનિક ભાજપી રાજકારણીઓના આશીર્વાદ હોવાનું પણ કેટલાક કિસ્સામાં ચર્ચાતું રહ્યું છે. આ બાબત એટલા માટે ચિંતાજનક છે કે ગુજરાતના રાજકોટ અને ભાવનગરમાંથી         આઈએસઆઈએસના એજન્ટ વર્ષ ૨૦૧૭માં પકડાયા છે. ગુજરાત એ સરહદી રાજ્ય છે.

ગુજરાત કરતાં જોકે વધુ ચિંતાજનક સ્થિતિ કેરળ અને પશ્ચિમ બંગાળમાં છે. સેક્યુલર મિડિયાનું ફૉકસ ભાજપી રાજ્યો પર વધુ રહે છે અને એટલે જૂનાગઢમાં મતદાનના દિવસે અસામાજિક તત્ત્વો દ્વારા મારપીટની ચર્ચા જેટલી થઈ (તે પણ થવી જ જોઈએ પરંતુ સાથે) પશ્ચિમ બંગાળમાં એ જ દિવસે ૨૩ એપ્રિલે મુર્શિદાબાદમાં ક્રુડ બૉમ્બ ફેંકાયા તેની ચર્ચા થતી નથી. ત્રાસવાદી ઘટનાઓના કારણે જેના પર પ્રતિબંધ મૂકાયો હોય તે ‘સિમી’ના સ્થાપકો પૈકીના એક તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે અહમદ હસન ઈમરાન પશ્ચિમ બંગાળમાંથી તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ હોય તેની ચર્ચા નથી થતી.

શ્રીલંકાના બૉમ્બધડાકાઓની વાત પર પાછા ફરીએ તો, આ ધડાકાઓ એ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં એક યુવાને મસ્જિદમાં કરેલા ગોળીબારની ઘટનાનો બદલો હોવાનું શ્રીલંકાના પ્રમુખે કહ્યું છે અને આ વાતમાં તથ્ય હોઈ શકે છે. આથી ચિંતાજનક પ્રશ્ન થાય છે કે વિશ્વમાં ફરીથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે જિહાદ અથવા તો ક્રુસેડ શરૂ થશે? અમેરિકાની સીએનએસ ન્યૂઝ વેબસાઇટ પ્રમાણે, પેરિસમાં ૧૨મીથી ૧૪મી સદી દરમિયાન બંધાયેલા ઐતિહાસિક ચર્ચ નૉટ્રે ડેમ કેથેડ્રલમાં આગ લાગી ત્યારે જિહાદી માનસિકતાવાળા મુસ્લિમોએ એ જ રીતે સૉશિયલ મિડિયા પર ઉજવણી કરી હતી જે રીતે ભારતના પુલવામામાં સીઆરપીએફ પર હુમલો થયો ત્યારે કેટલાકે ‘હાઉ ઇઝ ધ જૈશ’ કરીને ઉજવણી કરી હતી.

આ બધાના કારણે સ્વાભાવિક પ્રતિક્રિયા આવવાની જ. આગ લાગવા જેવી દુર્ઘટનાની આ રીતે ઉજવણી થતી હોય તો તે કોઈ રીતે સાંખી શકાય તેમ નથી. આની સામે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ પછી વિશ્વ ભરની મસ્જિદો બહાર ખ્રિસ્તી પંથ સહિતના લોકોએ લાઇનો લગાડી ફૂલો અર્પીને “અમે તમને પ્રેમ કરીએ છીએ’ તેવા સંદેશાઓ આપ્યા હતા. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે ચર્ચો પર હુમલા બાદ વિશ્વ ભરના મુસ્લિમોએ ચર્ચ બહાર લાઇન લગાડી આવા સંદેશા આપ્યા હોય તેવું ક્યાંય જાણવા નથી મળ્યું.

આ સમગ્ર વિશ્વ માટે તો ચિંતાનો વિષય છે જ પરંતુ શાંતિપ્રિય અને રાષ્ટ્રવાદી મુસ્લિમો માટે પણ ચિંતાકારક છે કારણકે ઇસ્લામિક ત્રાસવાદનાં અનેક સંગઠનો છે. તેઓ સંગઠિત થઈને યોજનાઓ બનાવી હુમલાઓ કરે છે. આની સામે ક્રાઇસ્ટ ચર્ચની ઘટના બતાવે છે કે આ એક પ્રતિક્રિયા રૂપે એકલદોકલ ખ્રિસ્તી યુવકનું કૃત્ય હતું. જ્યારે સંગઠિત થઈને કટ્ટર ખ્રિસ્તીઓ દ્વારા આવાં કૃત્યો થવાં લાગશે ત્યારે શું મુસ્લિમો સુરક્ષિત રહી શકશે? આથી જ શાંતિપ્રિય મુસ્લિમોએ જ હવે કટ્ટર મુસ્લિમો સામે તાકાતથી ખુલીને બહાર આવીને તેમને ઉઘાડા પાડવાની જરૂર છે.

national, politics, sanjog news, vichar valonun

ફિરોઝ ગાંધી અને રૉબર્ટ વાડ્રા: જમાઈ-જમાઈમાં ફરક છે

સબ હેડિંગ: શું તમને ખબર છે કે કેરળની સામ્યવાદી સરકારને ઉથલાવવા માટે ફિરોઝ ગાંધીએ નહેરુજીની હાજરીમાં ઈન્દિરાજીને ફાસિસ્ટ કહેલા? શું તમને ખબર છે કે ઈન્દિરાજીએ તેમના એક અમેરિકી મિત્રને પત્ર લખી જણાવેલું કે તેમના પિતા નહેરુજી નબળા નેતા છે? શું તમને ખબર છે કે ફિરોઝજી હયાત હોત તો તેમણે કૉંગ્રેસમાં પોતાના પરિવારનો વંશવાદ ન ચાલવા દીધો હોત?

 (વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૧/૦૪/૧૯)

તમે જો નોંધ્યું હોય તો ભારતમાં અનેકાનેક સંસ્થાઓ, યોજનાઓ અને રસ્તાઓ જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધીના નામે છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સત્તામાં પરત ફર્યા બાદ કૉંગ્રેસની સરકારોએ પહેલું કામ કાં તો ભાજપની યોજનાઓ બંધ કરવાનું કર્યું, કાં તો યોજનાઓનાં નામો નહેરુ-ગાંધી પરિવારના નામે કરવાનું કર્યું, જેમ કે રાજસ્થાનમાં કૉંગ્રેસ સરકારે વિજયારાજે સિંધિયા સ્વયં સહાયતા સમૂહ યોજનાનું નામ બદલીને પ્રિયદર્શની આદર્શ સ્વયં સહાયતા સમૂહ યોજના કરવાનો નિર્ણય કર્યો.

પરંતુ તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે આટલી બધી યોજનાઓ નહેરુ-ગાંધી પરિવારના લોકોના નામે છે, પરંતુ પત્રકાર, સાંસદ અને ભ્રષ્ટાચાર-સરમુખત્યારશાહીના સખત વિરોધી ફિરોઝ ગાંધીના નામે યોજના, રસ્તા કે સંસ્થા કેમ નથી? એ તો છોડો, પણ રાહુલ ગાંધી આટલી બધી વાર ઉત્તર પ્રદેશ જાય છે, પરંતુ ફિરોઝ ગાંધીની મજાર પર ક્યારેય ગયા હોય તેવું યાદ આવતું નથી.

તાજેતરમાં રાહુલ ગાંધી અમેઠીમાં નામાંકન પત્ર ભરવા ગયા ત્યારે તેમની સાથે તેમનો આખો પરિવાર હતો. તેમની માતા, તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા, બનેવી રૉબર્ટ વાડ્રા, તેમનાં ભાણિયાઓ…કહેવાનો અર્થ એ છે કે જમીન કૌભાંડોમાં આરોપી રૉબર્ટ વાડ્રાથી ગાંધી પરિવારને કોઈ અંતર નથી રાખવું. તેમનાથી તેને કોઈ છોછ નથી, પરંતુ પોતાના દાદા ફિરોઝ ગાંધીથી આ પરિવાર હંમેશાં અંતર રાખતો આવ્યો છે.

જ્યારે કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે ગુલઝારે ‘આંધી’ બનાવવાની હિંમત કરી તો તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. જોકે એ જ ગુલઝારની ‘અંગૂર’માં પોલીસ સ્ટેશનમાં દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર લટકતી જરૂર જોવા મળે છે. (નહેરુ-ઈન્દિરાનો ફોટો છેક હમણાં સુધી વિવિધ ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળતો. હવે પરિવર્તન એ આવ્યું છે કે વિવિધ સિરિયલોમાં લાલબહાદુર શાસ્ત્રી, સરદાર પટેલ અને ડૉ. બી. આર. આંબેડકરની તસવીર પોલીસ સ્ટેશનોમાં દેખાડાય છે.) ‘આંધી’એ ઈન્દિરા ગાંધીના જીવન પરથી બનેલી ફિલ્મ હોવાનું કહેવાય છે.

જે પરિવાર નહેરુ-ઈન્દિરા-રાજીવ અને સંજય (આ જ ક્રમમાં યોજનાઓ-રસ્તાઓ-સંસ્થાઓનાં નામો વધુ છે, એટલે કે સૌથી વધુ નહેરુના નામે, તે પછી ઈન્દિરાના નામે, તે પછી રાજીવ અને તે પછી સંજય)ના નામ જનમાનસમાં વર્ષોથી રહે તે માટે પ્રયત્નશીલ હોય, જેમણે પોતાના જીવતાજીવ ‘ભારતરત્ન’ પોતાને જ આપી દીધા હોય, ફિલ્મો-સિરિયલોમાં સતત તસવીરો દ્વારા હૃદયમાં કોતરાયેલા રહે તે માટે આગ્રહી હોય તે ફિરોઝને વિસારે પાડી દે તેવું કેમ બને?

સ્વિડિશ લેખક બર્ટિલ ફૉકે ‘ફિરોઝ: ધ ફરગૉટન ગાંધી’ નામનું પુસ્તક ૪૦ વર્ષ સુધી અભ્યાસ કરીને લખ્યું છે. બર્ટિલ ફૉક કહે છે કે રાયબરેલી અને અમેઠીમાં ગાંધી પરિવાર જે જીતે છે તેનું કારણ ફિરોઝ ગાંધી છે. બર્ટિલ ત્રણ વાર ઈન્દિરા ગાંધીને મળેલા છે. તેમણે બીજા કોઈ નહીં ને ફિરોઝ ગાંધી પર જ લખવાનું કેમ પસંદ કર્યું? બર્ટિલ એક ઇન્ટરવ્યૂમાં કહે છે, “ત્રણ વાર હું ઈન્દિરાને મળ્યો, પરંતુ તેમના ઘરમાં ફિરોઝ ગાંધીની કોઈ નિશાની નહોતી. આ જ વાતે મને ફિરોઝ ગાંધી વિશે જાણવા ઉત્સુક બનાવ્યો.”

ફિરોઝ ગાંધીએ ઈન્દિરાને પ્રેમની દરખાસ્ત કરી હતી. નહેરુજી આ લગ્ન માટે રાજી નહોતા. (જેમના પોતાના સંબંધો ચર્ચામાં રહ્યા અને જે ઉદારવાદી કહેવાય છે તે નહેરુજી લગ્ન માટે કેમ રાજી નહીં હોય તેનું કારણ જાણવા મળ્યું નથી.) ઈન્દિરા માની ગયા. શરૂઆતમાં બંને વચ્ચે કોઈ મતભેદ નહોતા, પરંતુ સ્વતંત્રતા પછી ઈન્દિરા વડા પ્રધાન (એટલે કે નહેરુજી)ના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા ગયાં તેનાથી સમસ્યા થઈ અને આજે પણ જે લગ્નની પ્રથા છે તે મુજબ, પત્ની તેના પિયરમાં રહેવા ચાલી જાય તો પતિ-પત્ની વચ્ચે સમસ્યા થવાની જ. ફિરોઝ-ઈન્દિરા વચ્ચે પણ થઈ.

ફિરોઝજીએ મુંદ્રા કૌભાંડ સહિત અનેક કૌભાંડો બહાર પાડ્યા. આ રીતે તેઓ વ્હિસલ બ્લૉઅર હતા. એમાંય મુંદ્રા કૌભાંડમાં તો ફિરોઝના કારણે નહેરુ સરકારના નાણાં પ્રધાન ટી. ટી. કૃષ્ણામાચારીએ રાજીનામું આપવું પડેલું. પોતાના સસરા નહેરુજીની સરકારનાં જ કૌભાંડો જે જમાઈ બહાર પાડે તેને નહેરુ-ગાંધી પરિવાર કેવી રીતે સાંખી લે?

નહેરુજી પંજાબના મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈરોનને બનાવવા માગતા હતા જ્યારે ફિરોઝ કૈરોન ભ્રષ્ટ અને ખરાબ વર્તન કરતા હોવાથી તેમના વિરોધી હતા. બીજું કૌભાંડ દાલમિયાનું બહાર પાડેલું. સંસદમાં ફિરોઝ ગાંધીએ એક કલાક અને પચાસ મિનિટ જે ભાષણ કર્યું તે ખૂબ જ પ્રભાવશાળી હતું. તેના કારણે સરકારને લાઇફ ઇન્સ્યૉરન્સ અધિનિયમ ૧૯૫૬ પસાર કરવો પડ્યો અને જૂન ૧૯૫૬માં ૨૫૦ વીમા કંપનીઓને સરાકરી એલ.આઈ.સી.માં વિલીન કરવી દેવી પડેલી અને જેણે આ કૌભાંડ આચરેલું તે રામકૃષ્ણ દાલમિયાને બે વર્ષની જેલ થઈ.

બર્ટિન ફૉકના ઉપરોક્ત પુસ્તક મુજબ, ફિરોઝ ગાંધીએ ઈન્દિરા ગાંધીને ફાસીવાદી (ફાસિસ્ટ) કહેલા અને તે પણ તેમના પિતા અને વડા પ્રધાન નહેરુની હાજરીમાં! વાત એમ બની હતી કે નહેરુજીએ કેરળમાં નામ્બુદીરીપાદની સામ્યવાદી સરકારને બરતરફ કરેલી. (આવી તો અનેક વિપક્ષી સરકારોને નહેરુ-ઈન્દિરા-રાજીવ-નરસિંહરાવ અને કૉંગ્રેસના ટેકાથી ચાલેલી દેવેગોવડા સરકારે ઉથલાવી દીધી છે.) કેટલાકના મતે નહેરુ સરકારના આ નિર્ણય પાછળ ઈન્દિરા ગાંધી જવાબદાર હતાં!

ઈન્દિરા ગાંધી તે વખતે પક્ષપ્રમુખ. વંશવાદ મોતીલાલ નહેરુના સમયથી ચાલ્યો આવે છે જેમણે ૧૧ જુલાઈ ૧૯૨૮ના રોજ ગાંધીજીને પત્ર લખી સરદાર પટેલના સ્થાને પોતાના દીકરા જવાહરલાલ નહેરુને કૉંગ્રેસ પ્રમુખ બનાવવા ખુલ્લી માગણી કરી હતી! આ જ પ્રમાણે, નહેરુ વડા પ્રધાન થયા તો તેમણે દીકરી ઈન્દિરાને પક્ષપ્રમુખ બનાવી દીધાં હતાં! તો, નામ્બુદીરીપાદની સરકાર વખતે ઈન્દિરા પક્ષપ્રમુખ હતાં. અને તેઓ રહેતાં હતાં તીનમૂર્તિ ભવનમાં પોતાના પિતાજીની સાથે.

આ ઘટના પછી સવારનો સમય હતો. નાસ્તાપાણી ચાલી રહ્યાં હતાં. (ઈન્દિરા તીનમૂર્તિ ખાતે રહેવા ચાલ્યાં ગયાં અને ફિરોઝ તેમની સાથે એક સ્વાભિમાની પતિની જેમ ગયા નહોતા પરંતુ તેઓ નાસ્તો કરવા અવશ્ય જતા જેથી પરિવાર સાથે સંબંધનો તાંતણો તૂટે નહીં) તે વખતે રાયબરેલીના સાંસદ ફિરોઝ ગાંધીએ પત્ની ઈન્દિરાને કહ્યું, “આ બરાબર નથી. તું લોકોમાં રોષ પેદા કરી રહી છો. તું ફાસિસ્ટ છો.” આ સાંભળી નહેરુજીનું મોઢું પડી ગયું, તેઓ કંઈ ન બોલ્યા. પરંતુ ઈન્દિરાજીએ ગુસ્સામાં જવાબ આપ્યો, “તમે મને ફાસીવાદી કહો છો. આ બરાબર નથી.”

ફૉકનો દાવો છે કે ઈન્દિરાને તેમના પિતા નહેરુ નબળા અને અનિર્ણાયક લાગતા હતા. જ્યારે કેરળમાં સામ્યવાદી નામ્બુદીરીપાદ સામે લોકોનું આંદોલન વેગ પકડી રહ્યું હતું ત્યારે ઈન્દિરાજીએ તેમના અમેરિકી મિત્ર ડોરોથી નૉર્મનને પત્ર લખેલો. નામ્બુદીરીપાદના જમીન અને શિક્ષણને લગતા સુધારાઓના કારણે ચર્ચ, મુસ્લિમ લીગ અને નાયર સર્વિસ સૉસાયટી ખૂબ જ રોષે ભરાયા હતા.

ઈન્દિરાજીએ નહેરુજી વિશે-પોતાના પિતા અને વડા પ્રધાન વિશે શું લખેલું તે જો આજે જાણવા જેવું છે. તેમણે લખેલું, “તેઓ (નહેરુજી) શરૂઆતથી સારું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ તેઓ સરમુખત્યાર બનવા સક્ષમ નથી. તેઓ પોતાના વરિષ્ઠ સાથીઓના મતને તરત માની લે છે.” ઈન્દિરાજીને વાંધો એ હશે કે તેમના પિતા તેમનું માનવાના બદલે તેમના વરિષ્ઠ સાથીઓનું માનતા હશે. અત્યારે સામ્યવાદીઓ કન્હૈયાકુમાર સામે દેશદ્રોહનો આરોપ લાગવાથી આ આરોપનો વિરોધ કરી રહ્યા છે અને આથી જ રાહુલ ગાંધીએ કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે દેશદ્રોહનો કાયદો અમે રદ્દ કરીશું, પરંતુ આ જ સામ્યવાદીઓના પૂર્વજ નામ્બુદીરીપાદે કટોકટી લાદવા માટે ઈન્દિરા ગાંધી સામે દેશદ્રોહનો આરોપ લગાવી કાયદેસર કાર્યવાહી કરવા માગણી કરેલી. જોકે બાકીના સામ્યવાદીઓ કટોકટી વખતે ઈન્દિરા ગાંધીના સમર્થનમાં હતા.

ઈન્દિરાજીને નાસ્તો કરતી વખતે બરાબર સંભળાવ્યા પછી ફિરોઝ ચૂપ ન રહ્યા. તેમણે ઘરમાં જ આ મામલો ન રાખ્યો. તેમણે સંસદભવનની અંદર સાંસદોની બેઠકમાં ઈન્દિરાજીના આ પગલા સામે વિરોધ ઉઠાવ્યો. તેમણે કહ્યું, “કૉંગ્રેસ ક્યાં છે? કૉંગ્રેસના સિદ્ધાંતો ક્યાં ગયા? શું આપણે ઉત્પન્ન કરેલા જાતિવાદના રાક્ષસથી શાસિત થવાનું છે?”

“શું કૉંગ્રેસ એટલી બધી નીચે ઉતરી ગઈ છે કે તે હવે કોમવાદી તત્ત્વો, જ્ઞાતિના નેતાઓ અને જે લોકો લોકોમાં ધર્મના નામે લાગણીઓ ભડકાવે છે તેઓ નચાવે તેમ નાચશે? જો આ જ રીતે ચાલ્યું તો આવતી કાલે આપણું ગઠબંધન જનસંઘ સાથે પણ હશે.”

વર્ષોથી કૉંગ્રેસ કટ્ટર મુસ્લિમ નેતાઓ અને હાર્દિક પટેલ જેવા જાતિવાદી નેતાઓના ઈશારે જ નાચતી આવી છે. જો ફિરોઝ ગાંધી અત્યારે હયાત હોત તો તેમણે આ મામલે પ્રખર રીતે વિરોધ કર્યો હોત.

ફૉક લખે છે કે ઈન્દિરા તેમના નાના દીકરા સંજયને હંમેશાં છાવરતાં. જો સંજય ભણવામાં નાપાસ થાય અને ફિરોઝ ઠપકો આપે તો ઈન્દિરા તેનું ઉપરાણું લઈ કહે, “અરે ના, ના, તે નાપાસ નહીં થયો હોય. શાળાની કંઈક ભૂલ થઈ હશે. હું તેમના સાહેબ સાથે વાત કરીશ.” ફિરોઝ ઈચ્છતા કે તેમના પુત્રો સ્વાવલંબી બને અને અમીર પરિવારના નબીરાની જેમ બગડી ન જાય. એક વાર પત્રકાર નિખિલ ચક્રવર્તી ફિરોઝના ઘરે ભોજન પર ગયા તો તેમણે જોયું કે રાજીવ અને સંજય સુથારીકામ શીખી રહ્યા હતા. ફિરોઝે ચક્રવર્તીને કહ્યું, “સંજય હોંશિયાર છે, પરંતુ રાજીવ ‘ઢ’ છે.” ફૉકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે અને ઉપરોક્ત કિસ્સો જોતાં તે સાચું પણ લાગે છે કે જો ફિરોઝ હયાત હોત અને તેમનું ચાલ્યું હોત તો તેમણે કૉંગ્રેસમાં પોતાના પરિવારનો વંશવાદ ચાલવા દીધો ન હોત.

જોકે કૉંગ્રેસ તો નહેરુ-ગાંધી પરિવારના નામે ફિરોઝ ગાંધીની ઉપેક્ષા કરે તે સમજી શકાય, પરંતુ મેનકા ગાંધીનો પરિવાર અને ભાજપ, જેણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા કૉંગ્રેસના પરંતુ ઉપેક્ષિત નેતાઓને પોતાના પક્ષે કરી લીધા છે તે કેમ ફિરોઝ ગાંધીની ઉપેક્ષા કરે છે તે સમજાતું નથી.