ahmedabad

…તો અમદાવાદ મનપા ભાજપના હાથમાંથી જશે

તસવીર સૌજન્ય: ટાઇમ્સ ઑફ ઇન્ડિયા

જયવંતની જે બ્બાત

અમદાવાદમાં જે રીતે મેટ્રો ટ્રેનનું કામ ગોકળગાયની ગતિએ થવાથી રસ્તાના બૂરા હાલ છે તેમાં પાછા ખોદકામ થઈ રહ્યાં છે. મોટા ભાગના રસ્તા પેચવર્કવાળા છે, સમતળ નથી. પરિણામે લોકોને પેટના દુ:ખાવા થઈ જતા હોય તો નવાઈ નહીં. કારમાં ફરતા ભાજપના નેતાઓને આ પ્રશ્ન ગંભીર ન લાગે, પણ રિક્ષા, સ્કૂટર કે સાઇકલ પર ફરતા લોકોને પૂછો. માત્ર આનંદનગરથી રામદેવનગરનો રસ્તો જ પકડો તો ખબર પડશે. ચોમાસાનું પ્લાનિંગ હોય તો તો વાંધો નથી પણ જો તેમ નહીં હોય તો…પાણીના પોકાર પણ હચમચાવી દે તેવા છે.

નર્મદા મૈયા તો ઉપકારક જ છે પણ આયોજન અણઘડ જણાય છે. ગયા એપ્રિલથી આ હાલત છે. ટ્રાફિક ડ્રાઇવ ને દબાણ હટાવો ડ્રાઇવ સારી ચાલી પણ ત્યાર બાદ ક્રેઇન દ્વારા માત્ર સ્કૂટર જ ઉઠાવાય છે. પાર્કિંગની જગ્યા એક તો ઓછી ન તેમાં બે મિનિટના કામ માટે ગયા હોય ત્યાં ક્રેઇનવાળા સ્કૂટર ઉઠાવવા આવી જાય. પ્રહલાદનગર બગીચા આગળ મ્યુનિ. પાર્કિંગ પ્લૉટ બંધ કરી દેવાયો છે. માતાપિતા બાળકોને રમાડવા લઈ જાય તો પાર્કિંગની મોટી તકલીફ ઊભી થાય છે.

ટ્રાફિક સિગ્નલો પર કાઉન્ટિંગ સિગ્નલો ઘણી જગ્યાએ બંધ હોય છે જેથી સ્કૂટર કે કાર ફરજિયાત ચાલુ રાખવા પડે. ઈંધણ બળે, વિદેશી હુંડિયામણ ઓછું થાય ને પ્રદૂષણ વધે તે અલગ. દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકતી હિન્દુવાદી સરકાર આ બાબતે વિચારતી નથી. વળી, સિગ્નલ બંધ થયા પછી પણ કારો ને અન્ય વાહનો પૂરપાટ નીકળે તેને અટકાવાતાં નથી જેથી જેનું સિગ્નલ ખુલ્યું હોય તે લોકોની પાંચેક સેકન્ડ તો ચાલી જ જાય.

વળી, દર ચાર રસ્તે ગ્રીન સિગ્નલના સમય અલગઅલગ છે. ક્યાંક ૩૦ સેકન્ડ તો ક્યાંક માત્ર ૧૬ સેકન્ડ છે. આજથી સાત-આઠ વર્ષ પહેલાં સેપ્ટના વિદ્યાર્થીઓ કે બીજા કોઈએ એવી ડિઝાઇન આપ્યાનું યાદ છે કે તમે એક સિગ્નલ પર જો નીકળો તો બધાં સિગ્નલ ગ્રીન જ મળે. આ રીતનું આયોજન અશક્ય નથી.

દિવ્ય ભાસ્કર, દિ. ૩/૫/૧૯

પીરાણા પાસે કચરાના ડુંગરની સમસ્યા ઉકેલવા માત્ર વાતો થાય છે. હમણાં ત્યાં ઉનાળાની સાંજે છ વાગે અંધારું થઈ ગયું હતું ને વાહનોમાં લાઇટ ચાલુ કરવી પડી હતી.

જો આ બધા પ્રશ્નો ન ઉકેલાય તો જનતા આવતી મનપા ચૂંટણીમાં ભાજપને જિતાડે તેમ માનવું ભૂલભરેલું છે કારણકે મનપા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી આવવાના નથી.

Advertisements
ahmedabad

અમદાવાદનું નામ કર્ણાવતી શા માટે થવું જ જોઈએ?

 

IMG_20181125_150714.JPG

(વિચારવલોણું કૉલમ, દિ. ૨૫/૧૧/૧૮)

અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ તે વિશે કોઈ શંકા નથી. આજે કેટલાક કહેવાતા બુદ્ધુજીવીઓ આ વિશે ભ્રમ ઊભો કરી રહ્યા છે. આ અંગે આંખ ઉઘાડનારા તથ્યો વાંચશો તો ખબર પડી જશે કે શા માટે અમદાવાદનું નામ કર્ણાવતી થવું જ જોઈએ. અહીં ઈ. સ. ૧૯૨૯માં રત્નમણિરાવ ભીમરાવ દ્વારા લખાયેલા ‘ગૂજરાતનું પાટનગર અમદાવાદ’નો આધાર લેવામાં આવ્યું છે. આ પુસ્તક પાછું આધારવિહોણું નથી. તેમાં પણ અનેક ઐતિહાસિક અને અન્ય ગ્રંથોનો સહારો લેવામાં આવ્યો છે.
➡ “આશાવલ અને કર્ણાવતી એક જ શહેર છે. આ માટે વિદ્વાનોમાં મતભેદ ચાલે છે. કર્ણાવતી નગરી ક્યાં હતી તે માટે પણ મતભેદ તો છે. પરંતુ એ બંને શહેરો એક જ છે એવા ઉલ્લેખો મળે છે. કેટલાક વિદ્વાનો કર્ણાવતીને આશાવલ્લીની પાસે અગર તો સાબરમતીને સામે પશ્ચિમ કિનારે મૂકે છે, પરંતુ એમ માનવાને ખાસ આધાર નથી.” (ઈ. સ. ૧૯૨૯માં પ્રકાશિત થયેલું પુસ્તક, ગૂજરાતનું પાટનગર અમદાવાદ, લેખક રત્નમણિરાવ ભીમરાવ, પૃષ્ઠ ૩૭,). સિદ્ધરાજના પિતા કર્ણદેવે આશાભીલને હરાવી કર્ણાવતી વસાવ્યું, ત્યાં જયંતીદેવી અને કર્ણેશ્વર મહાદેવનાં મંદિરો બંધાવ્યાં, એમ કહેવાય છે, અને સારા શુકન થવાથી કોચરવા દેવીનું સ્થાપન કર્યું.
➡ કર્ણદેવે કર્ણાવતી વસાવ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ મેરૂતુંગાચાર્યે સદીની શરૂઆતમાં લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’ નામના ગ્રંથમાં છે. ઈ. સ. ૧૮૮૦માં ડૉ. હરિલાલ હ. ધ્રુવને જમાલપુર દરવાજા બહારના સપ્તર્ષિના આરા પાસેથી એક પથરો જડ્યો હતો, તેમાં ૧૫ લીટીની એક ખંડિત પ્રશસ્તિ છે. છેલ્લી રેલ (ઈ. સ. ૧૮૭૫માં સાબરમતીમાં મોટી રેલ, એટલે કે પૂર, આવી હતી અને ઘણું નુકસાન થયું હતું- Ahmedabad Gazet p.12) ડૉ. ધ્રુવે ‘બુદ્ધિપ્રકાશ’ના ઈ.સ. ૧૮૮૦ના ઑગસ્ટ અંકમાં પૃષ્ઠ ૧૭૪ પર આ વિશે લખ્યું હતું. કર્ણાવતી પણ સાબરમતીના કિનારે હતું એવો ઉલ્લેખ હમ્મીર મદમર્દન નામના નાટકમાં છે. ‘પ્રભાવક ચરિત્ર’માં પૃષ્ઠ ૨૮૩ પર પણ કર્ણાવતીનો ઉલ્લેખ આવે છે. આમ, કર્ણાવતીનો ઉલ્લેખ માત્ર પ્રબંધ ચિંતામણિમાં જ મળે છે તેમ કહેવું ખોટું છે.
➡ “અહમદશાહ ધાર્મિક મુસલમાન હોવા છતાં તેના વડવાઓ ટાંક રજપૂત હતા. (એટલે એના સમયમાં હિંદુઓને કોઈ તકલીફ ન પડી તેમ દલીલ થાય તો એમાં એના આ મૂળ-કુળને ધ્યાને લેવો જોઈએ.) અણહિલવાડ પાટણ જેવું તે વખતના હિંદુસ્તાનનું એક મોટામાં મોટું નગર નમૂના માટે હતું. (મીરાતે અહમદી) અને બાંધનારા મોટા ભાગે હિંદુ અથવા હિંદુમાંથી તાજા વટલાયેલા હતા. એટલે અમદાવાદની નગરરચના પ્રાચીન હિંદુ શહેરની રચનાને અનુસરીને થાય તેમાં કોઈ નવાઈ નથી.”
➡ “મીરાતે અહમદી પૃ.૩. મીરાતે અહમદીમાં જ આગળ પુરાંઓના વર્ણનમાં લખેલું છે કે શહેરની શરૂઆતમાં બહુ વસ્તી આબાદ નહોતી…કાળુપુર, સારંગપુર, દરિયાપુર, તાજપુરનાં પરાં તથા લત્તા સ્થાપ્યાં. આ નામ મહેમૂદ બેગડાના સમયનાં છે, અહમદશાહના સમયના નહીં. એટલે કોટની અંદર ગણાતો કેટલોક ભાગ પણ મહેમૂદ બેગડાના સમયમાં વસીને વધ્યો જણાય છે. તવારીખે ફિરિશ્તામાં સ્પષ્ટ લખ્યું છે કે હી.સં.૮૯૨, ઈ.સ. ૧૪૮૬માં બાદશાહ મહેમૂદ બેગડાએ શહેરનો કોટ બાંધ્યો.”
તો પછી અહમદ-આબાદ એવું શા માટે બોલવાનું?
➡ મીરાતે સિકંદરી અને અહમદીમાં બાદશાહે આશા ભીલને હરાવી ત્યાં શહેર વસાવ્યું. ત્રણસો વર્ષ ઉપર આશા ભીલને હરાવી કર્ણદેવે કર્ણાવતી નામ એ જ સ્થળનું પાડ્યું હતું. (તેથી આશાવલ ->કર્ણાવતી-> અમદાવાદ એક જ તે પુરવાર થાય છે. કાળક્રમે તેમાં નવા વિસ્તારો ઉમેરાયા હોઈ શકે.) એ આશો ભીલ ઈ.સ. ૧૪૧૧માં ક્યાંથી આવ્યો એ પ્રશ્ન છે. મુસલમાન તવારીખકારોએ જૂની આખ્યાયિકાઓને અમદાવાદની સ્થાપના સાથે ભેળવી દીધી છે.
➡ કર્ણદેવે કર્ણાવતી વસાવી તે પછી કર્ણાવતી તરફ ધ્યાન ન આપ્યું તેવી દલીલ બાદશાહો પ્રિય લોકો કરે છે. “સિદ્ધરાજના સમયમાં શાંતુપ્રધાને શાંતુવસહિ અને ઉદા પ્રધાને ૭૨ જિનાલયવાળું ઉદયવરાહ નામનું મંદિર કર્ણાવતીમાં બંધાવ્યાના ઉલ્લેખો પણ છે. (બોમ્બે ગેઝેટિયર vol I, p.1, p.170) વસ્તુપાળ તેજપાળે પણ આવા શહેરમાં મંદિરો બંધાવ્યા હશે એમ જણાય છે. એટલે કર્ણાવતી પ્રાસાદો અને મંદિરોથી સમૃદ્ધ હશે એમાં શંકા છે જ નહીં અને અમદાવાદ વસતી વખતે તેના પથ્થરોનો છુટથી ઉપયોગ થયો હોય એમ માની શકાય. (અર્થાત્ પ્રાસાદો-મંદિરો તોડી પડાયાં હશે.) કર્ણાવતી જેવા શહેરમાંથી અમદાવાદના કિલ્લાનો એકએક માથોડું કોટ પથ્થરનો કરવા જેટલા અને શરૂઆતની મસીદો બાંધવા જેટલા પથ્થરો ન મળે એમ સંભવ છે. કર્ણાવતીની વસ્તી અને મકાનોનો પૂરેપૂરો નાશ તો નહીં થયો હોય એમ કર્ણાવતી અઢારમી સદી સુધી કાયમ રહ્યું તેના પરથી જણાય છે. અમદાવાદમાં સર્વથી પ્રથમ બંધાયેલી ભદ્રની અહમદશાહની મસ્જિદ અને જમાલપુરની હૈબતખાંની મસ્જિદ કેવળ હિંદુ મંદિરોના પથ્થરોની બનેલી છે. ભદ્રની મસ્જિદમાં તેરમી સદીના મહારાજા  વિસલદેવના સમયનો એક ખંડિત લેખ છે.”
“તેરમી સદીમાં બનેલા ‘પ્રભાવકચરિત્ર’ નામના ગ્રંથમાં આશાપલ્લીના સ્થાને કર્ણાવતી નામ લખેલું છે. આ બંને ગ્રંથો પ્રબંધચિંતામણિ કરતાં જૂના છે. ‘પ્રભાવક ચરિત્ર’માં પૃષ્ઠ ૨૮૩ પર કર્ણાવતીનો ઉલ્લેખ આ પ્રમાણે છે: अथ कर्णावती संघोऽन्येद्युसत्कण्ठितः प्रभोः अव्हाययन्महाभक्त्या चातुर्मासिकहेतवे। આ ઉલ્લેખ પરથી આશાપલ્લી એ જ કર્ણાવતી એ સ્પષ્ટ થાય છે. મહેમૂદ બેગડાએ રાજ્યધાની ચાંપાનેર વિકસાવી. તે અમદાવાદ માત્ર હવાફેર માટે જ આવતો હતો.” તેથી કર્ણદેવે કર્ણાવતી વસાવી અને તે પછી ધ્યાન ન આપ્યું તેમ ખોટું છે અને અહમદશાહ અને તે પછીના બાદશાહોએ અહમદ-આબાદ વસાવી તે પછી બહુ સારું ધ્યાન આપ્યું તેમ કહેવું પણ એટલું જ ખોટું છે.
શું અમદાવાદ બન્યા પછી જ અમદાવાદ સમૃદ્ધ થયું? ના. અલઇદ્રીસી ઇલિયટ હિસ્ટરી ઑફ ઇન્ડિયા, ભાગ-૧, પૃષ્ઠ ૮૭ પર લખ્યું છે- “….A town populous commercial rich, industrious and productive of useful articles.” આ સંદર્ભ સાથે રત્નમણિરાવે લખ્યું છે કે “અગિયારમી સદીના અંતમાં અલઇદ્રીસી ધોળકા સાથે સરખાવતાં આશાવલ સારી વસ્તિવાળું, ઉદ્યોગી અને સારી પેદાશવાળું હતું એમ લખે છે.” ઈ. સ. દસમી સદીથી અમદાવાદ વસતા સુધી ગુજરાતનાં સ્થળોમાં પાટણ અને ખંભાતથી બીજી પંક્તિમાં આશાવલનું નામ જ જણાય છે. ઉદ્યોગી અને ધનવાન વેપારીઓની વસ્તી મોટી હોવાના લીધે અને ખંભાત બંદરથી અને ભરૂચથી આશાવલ હંમેશાં ગુજરાતમાં જાણીતું શહેર ગણાયું છે. હેમચંદ્રસૂરિ, ઉદયનમંત્રી વગેરે નામાંકિત વ્યક્તિઓએ ત્યાં નિવાસ કરેલો છે. તેથી અન્ય હિન્દુ કોમો અને વિશેષ કરીને જૈન કોમે મંદિરાદિથી એ શહેરને શણગાર્યું હતું. સિંધથી મુંબાઈ (ચેવલ બંદર) સુધીના કિનારાના બંદરોનાં નામ બાદ કરીએ તો પરદેશી મુસાફરોએ અમદાવાદ વસ્યા પહેલાં ગુજરાતની અંદરનાં શહેરોમાં જે ત્રણચાર ગણાવ્યાં છે તેમાં આશાવલ ખાસ આવે છે. વસ્તુપાળ, તેજપાળે પણ પાટણ અને ખંભાત એ મુખ્ય નગરો સાથે આશાવલનું નામ મંદિરો બાંધવાના વ્યવસાયમાં ગણાવ્યું છે.
➡ મુસ્લિમ બાદશાહોના સમયમાં કર્ણાવતી (અમદાવાદ)માં મંદિરો તોડી પડાયાં નથી તેમ કેટલાક બાદશાહ પ્રેમીઓ કહે છે. ડૉ. બર્જેસે આર્કિઑલૉજિકલ સર્વે ઑફ વેસ્ટર્ન ઇન્ડિયાના અમદાવાદના વૉલ્યૂમ બીજામાં આપેલી છે. તેમાં શિવની, પાર્વતીની, વિષ્ણુની, મહિષાસુરમર્દિનીની ગણેશની એવી હિંદુમૂર્તિઓ પણ જડેલી (મળી આવી) છે. ડૉ. બર્જેસ આ મૂર્તિઓ અને જૂની મસ્જિદો (ભદ્રની હૈબતખાની વિગેરે) જૂના આશાવલનાં મંદિરોના અવશેષોની જ હોય તેમ માને છે.
ડિસ્ટ્રિક્ટ કૉર્ટનું મકાન વધારતાં કોટ તોડેલો તે વખતે ઘણી મૂર્તિઓ નીકળી હતી. એ બધા પથ્થરો કૉન્ટ્રાક્ટરોને વેચી દેવામાં આવ્યા હતા (એટલે કે એ પુરાવાઓ નષ્ટ કરી દેવાયા હતા). આમાંની કેટલીક મૂર્તિઓનો ફૉટોગ્રાફ લેવાનો યત્ન મેં (એટલે કે રત્નમણિરાવે) કરેલો છે તેમ રત્નમણિરાવ પુસ્તકમાં ફૂટનૉટ રૂપે (પૃષ્ઠ ૪૬ પર) લખે છે.
➡ અહમદ-આબાદની સ્થાપના ક્યારે થયેલી તે અંગે પણ કોઈ ચોક્કસ વર્ષ મળતું નથી. ફિરિશ્તા (ભાગ-ચાર)માં અહમદશાહ ઈ. સ. ૧૪૧૦માં ગાદીએ આવ્યો તેમ લખાયેલું છે. તેનો અર્થ અમદાવાદ તે પછી વસ્યું. અમદાવાદની વંશાવળીમાં સંવત ૧૪૫૮નું વર્ષ લખ્યું છે. બર્ડની અહમદીના તરજુમામાં હી.સં. ૮૩૧ લખી છે. જેમ્સ ફૉર્બ્સ ઈ. સ. ૧૪૨૬ લખે છે. કોઈ ૧૪૫૨ની સંવત પણ લખે છે. શહેર વસ્યા પછી ત્રણ વર્ષે જુમામસ્જ્દિ બંધાઈ તે ૮૨૭માં બંધાઈ એ ઉપરથી (અમદાવાદ વસ્યાની) ૮૨૪ની હી. સં. ધારીએ તો પણ સંવત સાથે મેળ નથી આવતો. મીરાતે સિકંદરી અને અહમદીમાં અમદાવાદ વસ્યાની સાલ ૧૪૧૧ આવે છે પરંતુ સંવત અને શક ઈ. સ. સાથે મેળ બેસતો નથી. તારીખે ફિરિશ્તામાં હી. સ. ૮૧૫ એટલે ઈ. સ. ૧૪૧૩, અને આઈને અકબરીના બ્લૉકમેનના તરજુમામાં સંવત ૮૧૩ આપેલી છે. અમદાવાદ ગેઝેટિયર તા. ૪થી માર્ચ ૧૪૧૧ અને ગુજરાત ગેઝેટિયર ઈ. સ. ૧૪૧૩-૧૪ લખે છે.
➡ “જબ કુત્તા પર સસ્સા આયા તબ બાદશાહને શહેર બસાયા એ દંતકથા પણ અર્થ વગરની છે. કેટલાંક મોટાં શહેરોને માટે એવી વાત કરવામાં આવે છે.” એક બીજી દંતકથા એ છે કે અહમદશાહ આશા ભીલની પુત્રી શિપ્રા અથવા અસનીના પ્રેમમાં હતો અને તે માટે કર્ણાવતીને પોતાની રાજધાની બનાવી. પરંતુ આ દંતકથા પણ ખોટી છે. રત્નમણિરાવ લખે છે, “સસલાએ શિકારી કૂતરા પર હુમલો કર્યો અગર અહમદશાહ ભીલકુમારીના મોહમાં હતો એ એકે વાત કોઈ તવારીખકારે નોંધી નથી.” અર્થાત્ આ બંનેના ઐતિહાસિક પુરાવા નથી.
➡”માણેકનાથ બાવાની દંતકથા પણ કોઈ મુસલમાન તવારીખમાં નથી. માણેકનાથ જાદુ કરનાર બાવો હોય એમ માનવા કરતાં કોઈ તપસ્વી કે સંત હોય એમ માનવું વધારે સારું છે. વળી, માણેક નામ ત્રણ જુદાં-જુદાં સ્થળોમાં આજે પણ દેખાય છે.”
➡”અમદાવાદના દરવાજા પણ હાલ અસલના જેટલા નથી. દિલ્હી દરવાજાની આસપાસ બે બારીઓ તોડી પાડી ત્રણ દ્વાર કરવામાં આવ્યાં છે તે પણ પાછળથી. પાંચકુઆ દરવાજો પણ અવરજવરની સગવડ માટે ત્રણ દ્વારવાળો કરવામાં આવ્યો છે. બધા દરવાજા દેખાવમાં લગભગ સરખા જ છે.” આમ, હેરિટેજવાળી વાત પણ ખોટી છે કારણકે અહમદશાહ વખતનું યથાતથ કેટલું સચવાયું છે?
➡રહી વાત અહમદાબાદ નામની વાત. રત્નમણિરાવ સંદર્ભ સાથે લખે છે, “અહમ્મદવાદ, અહિમ્મદાવાદ, અહમદાવાદ, અહમદપુર, અકમિપુર અને અહમદનગર વગેરે નામો પણ પ્રાચીન જૈન અને ગુજરાતી ગ્રંથો અને લેખોમાં આવે છે. પરદેશી મુસાફરો પણ કોઈ ખરું નામ અહમદાબાદ લખતા નથી. યુરોપીય મુસાફરોમાં બારબોસા અમદાવાત (Amdavat) લખે છે. સર ટૉમસ રૉ અમદાવાઝ (Amdavaz) લખે છે. વિલિયમ હૉકિન્સ વગેરે કેટલાક અમદાવાર (Amdawar) અને વિલિયમ ફીન્ચ અમદાવાર (Amdaver) લખે છે. ભાટનાં ગીતોમાં ‘અમદા’ એટલું જ નામ દેખાય છે.” રાજનગરનો ઉલ્લેખ આવે છે તે રાજ્યધાનીના સંદર્ભમાં આવતો હોય તેમ કેટલાકનું માનવું છે. તેથી રાજનગર એ અમદાવાદનું નામ હતું તેમ કહેવું ખોટું છે. શ્રીનગર પણ આ શહેર સમૃદ્ધ હતું તેથી તેનું ઉપનામ હતું, મુખ્ય નામ નહીં. વચ્ચે કેટલાક સમયમાં અમદાવાદને ગુજરાતનું માન્ચેસ્ટર કહેવાતું, તેથી કંઈ આ શહેરનું નામ ‘ગુજરાતનું માન્ચેસ્ટર’ કહી શકાય?
➡ બાદશાહોના સમયમાં બિનમુસ્લિમો પર જજિયાવેરો નખાયો હતો. ઉપરાંત “મુસલમાન લશ્કરીઓ હિન્દુઓની દુકાન લૂટી લેતા હતા.” સુબા તરીકે હિન્દુ મહારાજા અજિતસિંહ હતા ત્યારે “એક સિપાઈએ સુન્ની વહોરાઓને અટકાવી કુર્બાની માટેની ગાય લઈ લીધી. આ કામ એ સિપાઈએ હિંદુ સુબાને ખુશ કરવા કર્યું હતું એમ તવારીખકાર લખે છે, પરંતુ મુસલમાનોની લાગણી ઉશ્કેરાઈ અને તેમણે કાજીને ફરિયાદ કરી. કાજીનું સુબા પાસે કંઈ વળ્યું નહીં. તેથી લોકોને શાંત પાડવા માટે ઈદ પછી એણે જાહેરમાં ગાય મારવા દીધી હતી.” આમ મુસલમાન બાદશાહના સમયમાં સુબા તરીકે હિંદુ હોય તો પણ હિંદુઓની લાગણી સાથે આ રીતે ચેડા થતા હતા અને તેમને સહન કરવાનું આવતું હતું.
➡અમદાવાદની સમૃદ્ધિનો જ શ્રેય બાદશાહોને આપવાનો હોય તો તેમાં અહમદશાહ કરતાં મહેમૂદ બેગડાને વધુ આપવો પડે. રત્નમણિરાવ લખે છે, “કુતુબુદ્દીન પછી એનો ભાઈ મહેમૂદ બેગડો ગાદીએ આવ્યો. હવે અમદાવાદની ખરી ચઢતી હતી. એના સમયમાં અમદાવાદની જે શોભા વધી તેવી બીજા કોઈ બાદશાહના સમયમાં વધી નથી.” તો પછી અમદાવાદનું નામ અહમદ-આબાદ તેવી પ્રાર્થના, તેનું નામ લેતી વખતે સતત થતી રહે તેવો વિચાર ક્યાંથી અને કોને આવ્યો?

ahmedabad, national

“શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો”

અમદાવાદનું કર્ણાવતી થવું જોઈએ કે નહીં? આ મુદ્દે ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે અને અમદાવાદતરફી લોકોનો હાથ પહેલા રાઉન્ડમાં ઉપર જણાઈ રહ્યો છે. આ મુદ્દો હિન્દુ-મુસ્લિમ કે હિન્દુ-આદિવાસીનો નથી, પરંતુ સોલંકી કાળ જે ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે તેની સ્મૃતિ પુનર્જીવિત અને પુનઃસ્થાપિત કરવાનો છે. અહમદશાહ અત્યાચારી હતો તેમાં કોઈ શંકા નથી. બાકી, મરાઠાઓએ પણ આક્રમણ કર્યું હતું વગેરે મુદ્દા ગૌણ બની જાય છે અને કર્ણાવતી ન થાય તે માટે ભટકાવવાના પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.

વિખ્યાત લેખક ચંદ્રકાંત બક્ષી ઇતિહાસના જાણકાર હતા અને તેમના લેખો માહિતીસભર રહેતા હતા. તેમણે એક લેખમાં લખેલું તે અક્ષરશ: આ મુજબ છે:

“ચીને એના નેતાઓનાં નામો, શહેરોનાં નામો, નદીઓનાં નામો, પૂરી લિપિ બદલી નાખ્યાં છે, અને આપણે હજી અલાહાબાદને પ્રયાગરાજ કે અમદાવાદને કર્ણાવતી કરતાં ફફડીએ છીએ. જ્યાં સુધી જાતિગર્વ નથી આવતો, જ્યાં સુધી જાતિ માટે ફના થવાની કુરબાની ભાવના નથી આવતી ત્યાં સુધી શક્તિમાન દુનિયા જ નહીં, પણ ફાલતુ મેધા પાટકરો પણ લાતો મારતી રહે છે. ગુજરાતની અસ્મિતા આપણે કનૈયાલાલ મુનશીની મુઠ્ઠીમાંથી લઈને મુંબઈના હોલસેલ વેપારીઓની બંડીના અંદરના ખિસ્સાઓમાં સરકાવી દીધી છે.”

ચીન તિબેટને, આપણા અરુણાચલ પ્રદેશને પોતાનો પ્રદેશ ગણાવી અલગ નામથી ઓળખે છે. તો પછી તેણે પોતાનાં સ્થળોનાં નામો તો ઉપર ચંદ્રકાંત બક્ષીજીએ ઘણાં વર્ષો પહેલાં લખ્યું તે મુજબ, બદલી જ નાખ્યાં છે. એટલું જ નહીં, ચીને ગૂગલ, પશ્ચિમી જગત દ્વારા નિયંત્રિત સૉશિયલ મિડિયા અને ઇ-મેઇલ પર પ્રતિબંધ મૂક્યાં છે અને પોતાના સર્ચ એન્જિન, સૉશિયલ મિડિયા અને ઇ-મેઇલ વિકસાવ્યાં છે. ચીન, રશિયા, જર્મની, ફ્રાન્સ, જાપાન સહિતના અનેક પોતાની જ ભાષામાં વહીવટથી લઈને શિક્ષણ આપે છે. આ બધાં માટે હજુ આપણે માનસિક રીતે તૈયાર નથી.

વર્તમાન સરકારોના વહીવટ અને બોલચાલમાં અંગ્રેજી શબ્દોનો પ્રવેશ વધુ ને વધુ વધી રહ્યો છે. કદાચ વર્તમાન સમયમાં ગાંધીનગરના માર્ગોનાં નામો રાખવાનાં થયા હોત તો ગુજરાતી કક્કા પરથી પડ્યાં હોત? પાડ્યાં હોત તો પણ બુદ્ધુજીવીઓએ કકળાટ મચાવી દીધો હોત. અંગ્રેજી જાણકારીની ભાષા છે. પરંતુ હજુ પણ અનેક લોકોને અંગ્રેજીમાં સમજ નથી પડતી. બૅન્કનાં કે બીજાં કોઈ ફૉર્મ ભરવાનાં હોય તો બીજાની મદદ લેવી પડે છે. સામે પક્ષે એક વાત એ પણ છે કે અંગ્રેજીના અનુવાદમાં કાં તો બેઠ્ઠેબેઠ્ઠા અંગ્રેજી શબ્દો મૂકી દેવાય છે અથવા એટલા જટિલ અનુવાદ કરાય છે કે સમજ ન પડે. યહૂદીઓએ પોતાનો પ્રદેશ પાછો મેળવ્યો તે પછી હિબ્રૂ ભાષાને પુનજીર્વિત કરી. આપણે સંસ્કૃત સાવ ભૂલી જ ગયા છીએ. જોકે તેને પુનર્જીવિત કરવાના પ્રયાસો કેટલાંક ઠેકાણેથી ચાલુ છે જ પરંતુ જ્યાં સુધી લોકોમાં સ્વાભિમાન નહીં આવે ત્યાં સુધી સંસ્કૃત હોય કે સ્થળોનાં નામો, તેના વિશે ચર્ચાઓ ચાલવાની જ છે.

બૉમ્બેનું મુંબઈ થઈ ગયું તો પણ ગુજરાતના લોકો ગર્વથી બૉમ્બે જ બોલે છે. વડોદરાના બદલે બરોડા બોલવામાં એક પ્રકારનો ગર્વ અનુભવાય છે! પરંતુ મરાઠીઓનો ભાષા અને સંસ્કૃતિ પ્રેમ જોવા જેવો છે. તેઓ ક્યારેય બૉમ્બે નથી બોલતા. તેમનાં છાપાંઓ અને સમાચાર વેબસાઇટોમાં અંગ્રેજી શબ્દો બહુ ઓછા હોય છે. તેમનાં દુકાનોનાં પાટિયાં પણ મરાઠીમાં જોવા મળી શકે છે. આપણે ત્યાં હવે નવાં ઉદ્યોગો, દુકાનો હોય કે ઘર હોય, તેમનાં નામો પણ વિદેશનાં દેવીદેવતા કે સ્થળોનાં નામ પરથી રાખવામાં આવે છે. વચ્ચે અમદાવાદમાં એક જળની અંદર હૉટલ ખૂલી હતી. તેનું નામ પૉસેઇડન રાખવામાં આવ્યું હતું. પૉસેઇડન ગ્રીક દેવતા છે જે ભગવાન વિષ્ણુ જેવા જ છે. આપણે ત્યાં માત્ર વિષ્ણના જ હજારથી વધુ નામો છે! પરંતુ તેમાંથી કોઈ નામ પસંદ નથી પડતું અને ગ્રીક દેવતાનું નામ પસંદ કરાય છે. કેટલીક બિલ્ડિંગ સ્કીમનાં નામ તો વળી, ન્યૂ યૉર્ક કે વૉશિંગ્ટન જેવાં નામો પરથી હોય છે.

યાદ રાખવા-રખાવવાની વાત એ છે કે આ દેશમાં એક સમયે હિન્દુ શાસકો પણ હતા. તેમના કાળમાં દેશ સોને કી ચિડિયા કહેવાતો હતો. શું તેમના દરેક અંશ મિટાવી દેવા છે? માત્ર અંગ્રેજો, મોગલો, તુર્કો, ખિલજીઓ, તુઘલખો વગેરેએ જ આ દેશને સમૃદ્ધ બનાવી દીધો તેવું પ્રસ્થાપિત કરાયું છે તેને જાળવી રાખવું છે? હિન્દુઓ પ્રત્યે આટલી નફરત કેમ? હિન્દુ વારસા પ્રત્યે આટલી સૂગ અથવા આટલું અજ્ઞાન કેમ?

ભાવનગરમાં આજે પણ વાઘાવાડી રૉડ પર જે બાગ છે તે વિક્ટૉરિયા પાર્ક તરીકે ઓળખાય છે. બ્રિટનમાં રહેલા ગુજરાતી મહાનુભાવો સગર્વ બ્રિટનની ઉપાધિ લૉર્ડથી ઓળખાવાનું પસંદ કરે છે. આજે પણ આપણા દેશની માનસિક ગુલામ પ્રજાતિ કૉટ-પેન્ટ અને ટાઇ જોઈને કે સ્કર્ટ-મીડી જોઈને અંજાઈ જાય છે. તેમાંય ગોરી ચામડી જોઈને તો વિશેષ પ્રભાવિત થઈ જાય છે. જોકે આ ગોરી ચામડીમાં પણ કેટલાક ભેદ કરી શકે છે. ઈઝરાયેલના વડા પ્રધાન આવે ત્યારે હિન્દી ફિલ્મ જગતના ખાન અભિનેતાઓ આવવાનું ટાળે છે કારણકે ઈઝરાયેલ તેની આસપાસના મુસ્લિમ પડોશી દેશોને જડબાતોડ જવાબ આપવાનું જાણે છે. આ જ ખાનો કેનેડાના પ્રમુખ આવે ત્યારે ફોટા પડાવવા પડાપડી કરે છે.

એટલે જ ગોરી ચામડીવાળા દેશની વાત કરીએ તો વધુ સમજાશે. જેણે ભારત માનીને અમેરિકા શોધ્યું તે કૉલંબસના દેશ સ્પેનમાં બે વર્ષ પહેલાં સરકારે નિર્ણય કર્યો કે તે ૨૦૦૭નો કાયદો અમલમાં મૂકશે. આ કાયદા મુજબ, દેશમાં જે સરમુખત્યાર પ્રકારના-ફાસીવાદી પ્રકારના નેતાઓ થઈ ગયા તેમનાં નામો પરથી શેરીઓનાં નામો હશે તો તે બદલી નાખવામાં આવશે. જો ભારતમાં આવો નિર્ણય લેવાય તો અસંખ્ય નામો બદલવા પડે! કારણકે ઈન્દિરા ગાંધીના નામ પરથી કેટલા વિસ્તારો-રહેણાંકો-વિસ્તારો-રૉડ વગેરેનાં નામો હશે? સ્પેનના ન્યૂ યૉર્ક શહેરના પૂર્વ પરિવહન કમિશનર જેનેટ સાદિક ખાનનું કહેવું છે, “જો તમે શેરીને બદલી શકો તો તમે વિશ્વને બદલી શકો.” સ્પેને બહુ સ્તુત્ય નિર્ણય કર્યો કે આ નામો બદલીને એ મહિલાઓનાં નામો પરથી કરવામાં આવ્યાં જેમને ફાસીવાદી નેતાઓના શાસનમાં પ્રતાડિત કરાઈ હતી.

અહમદશાહના પ્રેમીઓને કદાચ જૉર્ડનનું ઉદાહરણ ગમે. જૉર્ડન સપ્ટેમ્બર ૧૯૨૨માં ટ્રાન્સજૉર્ડન તરીકે ઓળખાતું હતું. ૧૯૪૬માં સ્વતંત્રતા મળ્યા પછી તેણે પોતાના દેશનું નામ તરત જ ‘હશેમિત કિંગ્ડમ ઑફ ટ્રાન્સજૉર્ડન’ કરી નાખ્યું. ૧૯૪૯માં તેણે પોતાના દેશનું નામ વળી બદલ્યું અને ‘હશેમિત કિંગ્ડમ ઑફ જૉર્ડન’ કરી નાખ્યું. કારણ? જૉર્ડન પહેલાં હશેમિત વંશના શાસનના લીધે હશેમિત રાજ્ય તરીકે ઓળખાતું હતું. આપણે ત્યાં સ્વતંત્રતા પછી ઊંધું થયું. બંધારણ ઘડાયું તેમાં વિદેશી નામ અપનાવી લખાયું: ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. અંગ્રેજો તેમની ચાલમાં સફળ થઈ ગયા હતા…

શ્રીલંકા જેવા નાના દેશે બ્રિટિશરોએ પાડેલા સિલૉન નામથી છૂટકારો મેળવી ૧૯૭૨ના વર્ષમાં પોતાના દેશનું નામ શ્રીલંકા કરી નાખ્યું. જેમ અત્યારે અમદાવાદ માટે સેક્યુલરો-લિબરલો રાજનગર, શ્રીનગર, આશાવલ, આશાપલ્લી જેવાં નામો શોધી પ્રશ્ન ગૂંચવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોતાં આવી પ્રજાતિ શ્રીલંકામાં હોત તો તેનું નામ પણ શ્રીલંકા ન થવા દીધું હોત કારણકે શ્રીલંકાનાં પણ અનેક નામો ઇતિહાસમાં મળી આવે છે. ‘મહાવંશ’ મુજબ, તેનું નામ ‘તાંબાપાન્ની’ (તાંબાયુક્ત હાથ) હતું. ગ્રીક ભૂગોળવેત્તાઓએ તેના પરથી તેનું નામ તપ્રોબન રાખ્યું હતું. પર્શિયનો અને આરબો તેને સરનદીબ તરીકે ઓળખતા હતા. પૉર્ટુગીઝ શાસકોએ તેનું નામ સૈલાઓ રાખ્યું હતું અને પછી બ્રિટિશરોએ તેનું નામ સિલૉન કર્યું. પરંતુ શ્રીલંકાના શાસકોએ શ્રી એટલે માનવાચક અને લંકા રામાયણ કાળથી ચાલ્યું આવતું નામ છે, તે પરથી શ્રીલંકા રાખ્યું.

ભારત જેવા દેશના શાસકો અને પ્રજા માટે શરમની વાત એ છે આવો ખોબા જેવડો દેશ પોતાના સ્વાભિમાન માટે કટિબદ્ધ છે. વર્ષ ૨૦૧૧માં તેણે નિર્ણય કરેલો કે દેશની તમામ સંસ્થાઓમાં જ્યાં પણ સિલૉન નામ હશે તેને દૂર કરાશે. આપણે ત્યાં બજેટનો સમય બદલતાં જ સ્વતંત્રતા પછી બાવન વર્ષ નીકળી ગયાં! અને ફેબ્રુઆરીના અંતિમ દિવસે જ બજેટ રજૂ થાય એ પ્રથાને તો સિત્તેર વર્ષ થયાં! જો એ જ પ્રથા ચાલુ રાખવાની હતી, એ જ કાયદાઓ, એ જ નામો રાખવાનાં હતાં, તો પછી સ્વતંત્રતા કઈ રીતે મળી તેમ કહી શકાય?

અને જો આ બધી દલીલ ગળે ઉતરે તેમ ન હોય તો એક કડવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે. દરેક શાસક પોતાના પુરોગામીઓના શાસનની ઓળખ મિટાવવા પ્રયાસ કરતા જ હોય છે, સિવાય કે પુરોગામી જો ખૂબ લોકપ્રિય કે બળુકા હોય. પાકિસ્તાને તેના અખંડ ભારતના હિસ્સા તરીકેની ઓળખ મિટાવવાના ભાગરૂપે તેનાં અનેક શહેરોનાં નામો બદલી નાખ્યાં છે! ભારતમાં કૉંગ્રેસે ભલે જૈનોને લઘુમતી જાહેર કરી હિન્દુઓથી અલગ પાડવા પ્રયાસ કર્યો હોય (લિંગાયતને પણ કર્યા, પરંતુ ૨૦૧૭માં બનાસકાંઠાના પૂર વખતે જેમના રિસૉર્ટમાં ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો જલસો કરવા ગયા હતા તે કૉંગ્રેસના નેતા અને પ્રધાન ડી. કે. શિવકુમારે થોડા દિવસો પહેલાં જાહેરમાં સ્વીકાર્યું કે લિંગાયતોને લઘુમતીનો દરજ્જો આપવો તે કૉંગ્રેસની બહુ મોટી ભૂલ હતી. જોકે એ અલગ વાત છે કે તેમના આ નિવેદનને મિડિયામાં જોઈએ તેવું સ્થાન મળ્યું નહીં.), પરંતુ પાકિસ્તાનમાં આવું નથી.

૧૯૯૨માં વિવાદિત ઢાંચાના ધ્વંસ પછી પાકિસ્તાનમાં તેની આકરી પ્રતિક્રિયા થઈ હતી અને જૈન દહેરાસરને ત્યાંના લોકોએ પાડી નાખ્યું! અને તે પછી વિસ્તારનું જૈન મંદિર ચોક નામ બદલી બાબરી નામ આપી દેવાયું કારણકે પાકિસ્તાનના મુસ્લિમો માટે જૈન હિન્દુથી અલગ નથી! પાકિસ્તાને તેની ભાષા પણ અરબી છાંટવાળી કરી નાખી જેથી તે હિન્દીથી વધુ અલગ પડે. બૈસાખી, લોહરી અને બસંત જેવા તહેવારોની ઉજવણી બંધ કરી દેવાઈ.

આપણે પાકિસ્તાનનું અનુસરણ કરવાની વાત નથી, પરંતુ શ્રીલંકાની જેમ જે સારું પ્રાચીન તત્ત્વ હતું તેને પુનઃસ્વીકારી તેમાંથી પ્રેરણા લેવાની વાત છે. અને માટે જ અમદાવાદનું કર્ણાવતી થવું જ જોઈએ.

ahmedabad, gujarat, media, politics

૭૦ ટકા જીતને વ્હાઇટવોશમાં બતાવવાની કળા

anandiben patel-hardik patel
ફોટો સૌજન્ય: પીટીઆઈ

 

 

સચીન તેંડુલકર દર વખતે મેદાનમાં ઉતરતો ત્યારે તેની પાસે તોફાની બેટિંગ, ચોગ્ગા અને છગ્ગાની અપેક્ષા રાખવામાં આવતી. તેમાંય તે મોટો સ્કોર ખડકે અને દર વખતે તે ભારતીય ટીમને જીતાડે જ એવી પણ અપેક્ષા રાખવામાં આવતી. અને સચીને ઘણી-ઘણી મેચોમાં ભારતને વિજય અપાવ્યો અને પોતાની સદીની પરવા કર્યા વગર ઘણી વાર ૭૦થી ૯૦ રન કરીને પણ તે આઉટ થયો હોય તેવું બન્યું, પરંતુ માધ્યમોમાં તેની ઇમેજ કેવી બની?

સચીન તો પોતાના માટે જ રમે છે. સચીનની ઉંમર થઈ એટલે કાઢી મૂકો. સચીન સારું રમે છે ત્યારે ભારતને વિજય મળતો નથી.

હશે. થાય આવું. બધાના પોતપોતાના વિચાર હોય, તેને અભિવ્યક્ત કરવાની છૂટ હોય અને ભલે કરતા.

તાજેતરમાં ગુજરાતમાં ૨ ડિસેમ્બરે પરિણામો આવ્યા એમાં તો આનંદીબહેન પટેલ અને ભાજપના માથે એટલાં માછલાં ધોવાયાં જાણે તેમણે ભૂંડોભખ પરાજય મેળવ્યો હોય. આ પરિણામોના કારણો અને તારણો પહેલાં ચૂંટણી પહેલાંની સ્થિતિને સમજવાની જરૂર છે.

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનીને ગુજરાતમાંથી ગયા એટલે ઘણાને હાશ થઈ હતી. ઘણા એટલે દરેક ક્ષેત્રના ઘણા. ઉદ્યોગ-વેપાર-મનોરંજન-રમતગમત- અને ખાસ તો મિડિયાના ચોક્કસ વર્ગને. માધવસિંહ સોલંકીની સત્તા ગઈ એમાં મિડિયાનો ચોક્કસ વર્ગ અને કેટલાક પત્રકારો પોતાને કિંગમેકર અને કિંગડિસ્ટ્રોયર માનવા લાગ્યા હતા. આ જ વર્ગને ત્યારે પણ તકલીફ પડી હતી જ્યારે કેશુભાઈ પટેલની પહેલી સરકાર હતી કેમ કે એ વખતે પણ નરેન્દ્ર મોદી જ પડદા પાછળ હતા. આથી તેમને શંકરસિંહ વાઘેલા બળવો પોકારે તેમાં રસ હતો. રોજેરોજ સમાચારમાં આવતું ‘નમોને નમો તો બહુ ગમે’, ‘નેતાઓ ચૂંટાયા પછી અહંકારી થઈ ગયા છે’, ‘કાર્યકરોને ભૂલી જવાયા છે’ વગેરે વગેરે. આવી વાતો પાછળ કાર્યકરોના નામે પોતાની વેદના વ્યક્ત થતી હતી. એટલે જ જ્યારે મોદીને ગુજરાત બહાર તગેડાયા ત્યારે ઘણાએ મીઠાઈ વહેંચી હતી. પરંતુ એમની એ ખુશી બહુ ઝાઝી ચાલી નહીં.

૨૦૦૧માં મોદી પાછા ગુજરાત આવ્યા. કમનસીબે પહેલાં સાબરમતી એક્સ્પ્રેસમાં એસ-૬ ડબ્બો સળગાવાનો નૃશંસ હત્યાકાંડ બન્યો અને પછી ગુજરાતનાં અનુગોધરા રમખાણો થયાં. સેક્યુલર મિડિયાએ આ સાબરમતી કાંડ જો એકલો થયો હોત તો તેને દેશમાં અન્યત્ર થયેલી ત્રાસવાદી ઘટનાઓની જેમ તત્પૂરતો ચગાવીને ભૂલી ગયા હોત, પરંતુ રમખાણો થયાં જેમાં મુસ્લિમો સાથે હિન્દુઓ પણ મર્યા અને પોલીસ કાર્યવાહીમાં હિન્દુઓ મર્યા હતા, અનેક હિન્દુઓ જેલમાં ગયા, બાકાયદા તપાસપંચ થયું, પહેલી વાર કોઈ મુખ્યમંત્રી તપાસ પંચ સમક્ષ કલાકો સુધી ઉલટતપાસ કરાવતા રહ્યા, કોર્ટ કેસ ચાલ્યા. ફેક એન્કાઉન્ટરના કેસો બન્યા.પહેલી વાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટે કોઈ રાજ્યની કોર્ટના જજો પર ન્યાય માટે શંકા વ્યક્ત કરી હોય (જે જજો તેમની અંડરમાં અને કોંગ્રેસની સરકારે જ નિમેલા હતા) અને રાજ્ય બહાર કેસ ચલાવવા ગયા હોય.

૨૦૦૨માં મોદી જીત્યા. તે પછી ૨૦૦૭ આવ્યું. તે વખતે પણ મિડિયાનો આ જ વર્ગ… કેશુભાઈ પટેલ અને પટેલ ફેક્ટર મોદીને હરાવશે તેવી ચર્ચા… સોનિયા-રાહુલને તોતિંગ પબ્લિસિટી…મોદી અને અડવાણી વચ્ચે મતભેદો…૨૦૦૯માં મોદીએ સદ્ભાવના ઉપવાસ કર્યા તો તેની પણ ટીકા… ટૂંકમાં હિન્દુવાદી વલણ અપનાવે તોય ટીકા અને સદ્ભાવના રાખે તોય ટીકા. આ જ મિડિયાના એક વર્ગે ૨૦૧૨માં પણ કેશુભાઈ પટેલ અને પટેલ ફેક્ટરને અતિશય  ચગાવ્યું. લપોડશંખ અને હિટલર વગેરે વગેરે કંઈક ઉપનામો મળ્યા મોદીને. તોય મોદી જીત્યા. ૨૦૧૪માં પણ આ જ પરિસ્થિતિ.

પરંતુ તે પછી મોદી દિલ્લી ગયા અને હાશકારો થયો. કોઈ માર્ક કરે તો આ ચૂંટણી સપ્ટેમ્બર કે ઑક્ટોબરમાં યોજાવાની હતી. તેના ત્રણેક મહિના પહેલાથી અચાનક પટેલ અનામત આંદોલનની રેલીઓ શરૂ થઈ. મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ હતાં. અનેક પટેલો પણ મંત્રીઓ તરીકે હતા. ધારાસભ્યો તરીકે પણ અનેક પટેલ હતા. સરકારે મંત્રણા માટે બોલાવ્યા પરંતુ કોઈ આવવા તૈયાર નહીં. અને વાતે વાતે વાંધા પાડે. રીતસર એક જ એજન્ડા. સરકારની સામે લોકો, ખાસ તો પટેલો કેમ ઉશ્કેરાય? મિડિયાના આ એક વર્ગે ચગાવ્યું કે આંદોલન પાછળ નરેન્દ્ર મોદી છે- ઇબીસી લાવવા માગે છે. તો સંઘના મોહન ભાગવતના નિવેદનને પણ તોડીમરોડીને રજૂ કરાયું. હકીકતે ભાગવતે કહ્યું હતું કે અનામત નીતિની સમીક્ષા કરો કે જેને લાભ મળવો જોઈએ તેમને કેમ નથી મળતો? આમાં અનામત કાઢવાની વાત જ નહોતી.

ખેર, હવે તો એ જાણીતું છે કે આંદોલન પાછળ કોણ હતું. આ આંદોલન પાછળ શંકરસિંહ વાઘેલા હોવાનું તેઓ પોતે સ્વયં સ્વીકારી ચુક્યા છે. આ આંદોલનના બે હેતુ હતા. એક તો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હરાવવો અને સામે બિહારમાં પ્રચાર કરતા મોદીનું ધ્યાન ગુજરાતમાં કેન્દ્રિત રાખવું. જો કોંગ્રેસના નેતાઓ ગુજરાત મોડલની હવા કાઢવા જાય તો કોઈ વાતને માને નહીં, કેમ કે બધા જાણતા હતા. અરવિંદ કેજરીવાલ જેવાએ પણ પ્રયત્ન કરી જોયો પણ તેનેય કોઈએ સ્વીકાર્યા નહીં. તો એવો કોઈ ચહેરો જોઈએ જે એકદમ નવો હોય, યુવાન હોય, તેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા ન હોય, અને એંગ્રી યંગમેન બની શકે તેમ હોય. આવો ચહેરો મળ્યો હાર્દિક પટેલના રૂપમાં.

૨૫ ઑગસ્ટની રેલી માટે જીએમડીસી ગ્રાઉન્ડ મફત આપ્યું, રિવરફ્રન્ટ પર પાર્કિંગની સુવિધા આપી. એ રેલી દરમિયાન હાર્દિકે પોતાના ભાષણને અનામત કરતા ઝાઝું, ફોઈ અને મોદી વિરોધી વાતો કરવામાં ઝાઝું કેન્દ્રિત કર્યું. નીતીશ અને કેજરીવાલના વખાણ કર્યા. એજન્ડા સ્પષ્ટ હતો. હવે તો બહાર આવેલી લાલજી પટેલની ટેપની વાતના લીધે એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે તોફાનો થાય અને બેચાર મરે તો વાંધો નહોતો પણ ઉશ્કેરાટ ફેલાવવો જોઈએ તેવું વાતાવરણ બનાવવું હતું. થયું. તોફાનો થયાં. એ પછીનો ઇતિહાસ બધા જાણે છે કે હાર્દિક કેટલી હદ સુધી ગયો હતો.

આ બધા દરમિયાન નેટ પર વારંવાર પ્રતિબંધ આવ્યો. એ યાદ રહે કે નેટ પર પ્રતિબંધ માત્ર મોબાઇલ પૂરતો હતો, વાઇફાઇ, બ્રોડબેન્ડ પર નહોતો. એનાથી કોઈ ધંધારોજગાર ઠપ થવાના નહોતા. કોઈ મુશ્કેલી પડવાની નહોતી, પરંતુ વાતાવરણ એવું સર્જવાનો પ્રયાસ કરાયો કે જાણે મિની કટોકટી લાદી દેવામાં આવી છે. કેટલાકે પોતાના નેટ પેકના પૈસા વસૂલ ન થવાની ફરિયાદો પણ કરી. ટૂંકમાં ૨૦૦-૩૦૦ રૂનું નેટ પેક સમાજની શાંતિ કરતાં મહત્ત્વનું બની ગયું હતું. મિડિયાનો આ જ વર્ગ રોજેરોજ….પહેલાથી છેલ્લા પાના સુધી…દરેક સમાચારમાં પાટીદાર, પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ…અને બદમાશી જુઓ સાહેબ…જ્યારે હાર્દિક પટેલ ચગેલો હોય અને તેને લાલજી પટેલ સાથે વાંધો હોય ત્યારે લાલજી પટેલને મહત્ત્વ નહીં આપવાનું અને જ્યારે હાર્દિક પટેલ જેલમાં હોય ત્યારે એ જ લાલજી પટેલના સમાચાર આઠ-આઠ કોલમના હેડિંગ બનાવીને છાપવાના. ટૂંકમાં, ભાજપ-સરકાર વિરોધી વાતાવરણ બનાવવાનો પ્રયત્ન મિડિયાના આ વર્ગે કર્યો.

નરેન્દ્ર મોદી-અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, હરિયાણા અને કાશ્મીરની ચૂંટણી જીતી- ત્યાં સરકાર બનાવી, વસુંધરા રાજેના લલિત મોદી સંદર્ભે ઉછાળાયેલા ભ્રષ્ટાચાર કેસ છતાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વ્યાપમના હોબાળા છતાં સ્થાનિક ચૂંટણીઓમાં જીત મેળવી, કેરળ જેવા સામ્યવાદી અને કોગ્રેસી શાસનના ઇતિહાસવાળા રાજ્યમાં ભાજપની પહેલી વાર નોંધપાત્ર આગેકૂચ, લેહલદ્દાખની સ્થાનિક ચૂંટણીઓમાં ઝળહળતી સફળતા આ બધું ઈરાદાપૂર્વક દબાવી દેવાયું પણ. દિલ્હીમાં હારી ગયા અને તે પછી બિહારમાં રાજકીય પક્ષો, મિડિયાના આ વર્ગ અને અસહિષ્ણુ સેક્યુલર બુદ્ધિજીવીઓના કારણે હાર થઈ. તેના પરિણામે મોદી પર છાજિયા એટલા લેવાયા કે વાત ન પૂછો. એ જ વાતો. અહંકાર…વિદેશ પ્રવાસ…સૂટ બૂટ…પરંતુ મોદીએ લોકસભામાં તેમના વિદેશ પ્રવાસની એકએક મિનિટનો હિસાબ આપેલો તે ભૂલી જવાયો. વિદેશમાં તેમણે કેટકેટલી મહત્ત્વની સમજૂતી કરી તે ભૂલી જવાઈ. યુએને યોગ દિવસ મનાવવા મંજૂરી આપી, કેનેડા યુરેનિયમ આપવા તૈયાર થયું, યુએઇ જેવા કટ્ટર ઈસ્લામી દેશના અબુધાબીમાં મંદિર બનાવવા માટે જમીન આપવા સરકાર તૈયાર થઈ, દાઉદ મુદ્દે સહકાર કરાયો, જીડીપીમાં સતત વધારો, મેક ઇન ઇન્ડિયામાં સતત પ્રગતિ…ચીન કરતાં વધી રહેલું એફડીઆઈ…જાપાને અમદાવાદ-મુંબઈની બુલેટ ટ્રેન માટે કરેલી સમજૂતી…યુકેએ શ્યામજી કૃષ્ણ વર્માને આપેલી સનદ…અમદાવાદ-લંડન વચ્ચે યુપીએ સરકારે બંધ કરી દીધેલી સીધી ફ્લાઇટ ફરી શરૂ કરવી…બધા જ પ્રવાસોમાં યુનોની સુરક્ષા પરિષદમાં ભારતને સ્થાન આપવા મોદીનો હકપૂર્વકનો (મનમોહનની જેમ મીંદડી અવાજે નહીં, ખુમારી સાથે) દાવો…શું આ સુરક્ષા પરિષદને કાયમી સ્થાન મળશે તો તે મોદીને અંગત ફાયદો છે? કાલે સવારે મોદીની જગ્યાએ કોઈ પણ વડા પ્રધાન બનશે તો ભારત પોતાની વાત હકપૂર્વક રજૂ નહીં કરી શકે?

તો અહીં આનંદીબહેન પહેલાં મુખ્યપ્રધાન બન્યા એટલે મિડિયાના આ વર્ગને તો જે નારાજગી હતી તે રહી જ, પણ ભાજપના કેટલાક અસંતુષ્ટ મંત્રીઓ, જેમને મુખ્યપ્રધાન બનવાના અભરખા હતા તે પણ સહન ન કરી શક્યા. ઘણા હિન્દુવાદીઓનો પણ આનંદીબહેન સામે પહેલેથી જ વિરોધ હતો. ભલે સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરીએ, પણ સ્ત્રીને બોસ તરીકે સ્વીકારવી અઘરી જ છે,  ઈન્દિરા ગાંધી સામે પણ કૉંગ્રેસમાં ખુલ્લેઆમ વિરોધ થયો હતો અને કૉંગ્રેસના બે ભાગલા પડી ગયા હતા…આનંદીબહેને પહેલી વાર સ્ત્રી તરફી બજેટ આપ્યું, ૫૦ ટકા અનામત લાગુ કરી, શૌચાલય હોય તો જ ચૂંટણી લડી શકાય તેવો નિયમ લાવ્યા, જમીનનો રેકોર્ડ બાબતે મહત્ત્વનાં કાર્યો કર્યા…ગરીબોને ઘર આપવા માટે યોજના આગળ વધારી,આવી તો અનેક વાતો હતી. મોદીકાળમાં જે ભપકાવાળા કાર્યક્રમો થતા હતા તે બંધ કર્યા. સૌથી મોટી વાત એ હતી કે પોતે પટેલ છે તેથી પટેલ અનામત આંદોલન જ્યાં સુધી શાંતિથી ચાલ્યું ત્યાં સુધી જીએમડીસી ગ્રાઉન્ડ મફત આપવા સહિતની સુવિધાઓ આપી, પરંતુ જ્યારે તોફાને ચડ્યા ત્યારે રાજધર્મ નિભાવી કડક પગલાં લીધાં. અનામત આપવાની ચોખ્ખી ના પાડી. આના કારણે જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાવ સફાયો થયો હોત તો ખુરશી જવાની શક્યતા હોત. (હજુ પણ આ ૩૦ ટકા પરાજયને વ્હાઇટ વોશ બતાવી તેમને કાઢવાની પેરવીઓ થઈ જ રહી છે) પરંતુ તેમણે એ જોખમ લઈને પણ છેક ચૂંટણી સુધી અનામત આપવાની માગણી ફગાવતા જ રહ્યા. બીજી તરફ, જરૂરિયાતાર્થી સવર્ણો માટે અભૂતપૂર્વ એવું પેકેજ જાહેર કર્યું. માત્ર પટેલને જ શા માટે પેકેજ મળે? બધા જરૂરિયાતવાળા સવર્ણોને કેમ ન મળે?

અને મિડિયાના જે વર્ગને નારાજગી હતી તે રોજેરોજ કોઈને કોઈ રીતે, ક્યારેક લાલજી પટેલના નામે (કારણ હાર્દિક પટેલ તો જેલમાં હતો), ક્યારેક ચૂંટણી  પંચ પર પ્રહારો કરીને આનંદીબહેન પટેલ સરકારને નિશાન બનાવતો હતો. ચૂંટણી પંચની ભૂલો દર વખતે થતી હોય છે. મતદાર યાદીમાંથી નામ દર વખતે દૂર થતા હોય છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા અને ચૂંટણી પંચ કેન્દ્નની કૉંગ્રેસ સરકારના હાથમાં હતું ત્યારે પણ આમ થતું જ હતું. પરંતુ આ વખતે જે નામો દૂર થયા તેમાં કેટલાક પટેલ નામો હતાં, અને કેટલાક તો સરનામા બદલાવાના કારણે ભૂલી ગયા હતા. મંત્રી રમણલાલ વોરાના કેસમાં જ આવું થયું તો પછી સામાન્ય નાગરિકના કેસમાં આવું ન થાય? આથી મિડિયાએ ‘અમે પાટીદાર છીએ કે પાકિસ્તાની’ કહીને તેમને ભડકાવ્યા. ચૂંટણી પંચ જાણે રાજ્ય સરકાર કહે તેમ કરતું હોય તેવી છાપ ઉપસાવી. આ જ મિડિયા જ્યારે નરેન્દ્ર મોદી ચૂંટણી પંચના કમિશનર લિંગદોહ સામે બોલતા હતા ત્યારે શાંતિથી તમાશો જોતું હતું.

આ પરિસ્થિતિમાં પણ છ મહાનગરોમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપે જીત મેળવી છે. પરંતુ તેને કઈ રીતે અંડરમાઇન (નબળી અંકાય) કરાય છે? ભાજપની જીત પરંતુ બેઠકો ઘટી… રાજકોટમાં ભાજપ માંડમાંડ જીત્યું… અરે ભાઈ! તમે જ ઉછળી ઉછળીને રોજ લખતા હતા કે પટેલ ફેક્ટર કામ કરશે. ભાજપ અત્ર-તત્ર-સર્વત્ર હારશે. એકેય સમાચાર એવા નહોતા કે તમે પટેલનો પ ન લખ્યો હોય. અને પરિણામ બુધવારે (૨ ડિસેમ્બરે) આવી ગયું. ગુરુવારના છાપામાં વિશ્લેષણ પણ આપી દીધું, પરંતુ સતત બીજા દિવસે- શુક્રવારે (આજે, ૪ ડિસેમ્બર ૨૦૧૫)ના રોજ પણ વિશ્લેષણ! તેમાં સતત એક જ વાત- આનંદીબહેન અને ભાજપના નેતાઓનો અહંકાર નડ્યો, પટેલ પાવર ચાલી ગયો…જે ન કરવા જેવાં કામો હોય તે ન કરે તો આનંદીબહેન અહંકારી? મિડિયાને ઇન્ટરવ્યૂ ન આપે તો અહંકાર? સચિવાલયમાં મિડિયા પરનો બાન ન ઉઠાવે એટલે અહંકાર? અને જો ગામડામાં પટેલ ફેક્ટર ચાલ્યું તો શહેરમાં કેમ ન ચાલ્યું? અમદાવાદ, સુરત, ભાવનગર અને રાજકોટ…એમાંય અમદાવાદ સુરત અને રાજકોટમાં તો કેટલાક પટેલોએ સૌથી વધુ તોફાનો કર્યાં હતાં. બોપલ ઘૂમા જેવા પટેલ પ્રભુત્વવાળા વિસ્તારોમાં તો કોંગ્રેસ અને બોપલ-ઘૂમા વિકાસ પરિષદના નામે ચૂંટણીમાં ઊભા રહેલા પાટીદારો ભાજપના કાર્યકરો-ઉમેદવારોને કેટલાક વિસ્તારોમાં આવવા પણ નહોતા દેતા. અનેક જિલ્લાઓમાં તો પટેલોએ બોર્ડ માર્યા હતા- અમે મત નહીં આપીએ, અહીં રાજકારણીઓએ આવવું નહીં. આવું વલણ હોય તો પછી મતદાર યાદીમાં નામ નથીની બૂમરાણ શા માટે? એક બાજુ કહેવું કે મત નહીં આપીએ અને બીજી બાજુ મતદાર યાદીમાં નામ દૂર થવાની વાત ચગાવીને રાજ્ય સરકારને અને તે રીતે કેન્દ્રમાં મોદીને ભાજપને દુનિયાભરમાં બદનામ કરવી આ જ ઉદ્દેશ હતો કે બીજો કોઈ?  અને એ વાતેય સિફતપૂર્વક ભૂલી જવાઈ કે મિડિયાનો આ વર્ગ પટેલ પાવર, પટેલ ફેક્ટર, પાટીદાર શક્તિ…કહીને ચગાવતો હતો તે હાર્દિક પટેલના ત્રણ ગઢ- વિરમગામ, બોપલ-ઘૂમા અને સુરત ત્રણેયમાં ભાજપ મોટા પાયે સારો દેખાવ કરી શક્યો.

હકીકતે બધા પટેલો હાર્દિક પટેલની સાથે હતા તે વાત જ મૂર્ખામીભરી હતી જે મિડિયાના વર્ગે વાચકોના મનમાં ઠસાવવા પ્રયાસ કર્યો હતો. આંદોલન દરમિયાન પણ અનેક સમજદાર પટેલોએ વિડિયો સાથે, સમાજના બહિષ્કારની સાડાબારી રાખ્યા વગર વૉટ્સએપ અને ફેસબુક પર મેસેજ વહેતા કર્યા હતા કે હાર્દિક જે કરે છે તે ખોટું છે. પણ એને આ મિડિયાના વર્ગે કોઈ જગ્યાએ સ્થાન ન આપ્યું. આ બધા છતાં છ એ છ મહાનગરપાલિકામાં ભાજપ જીત્યો. નગરપાલિકાઓમાં પણ તેણે ખૂબ જ સારો દેખાવ કર્યો છે. હા, ગામડાઓમાં ફટકો જરૂર પડ્યો છે, પરંતુ તેને પાટીદાર ઇફેક્ટ કહીને ગજવી મૂકવી તે જે કેટલાક જ્ઞાતિવાદી પટેલો છે તેના અહંકારને-જ્ઞાતિવાદને પોષવા જેવું કામ છે. કેમ કે, છેલ્લા કેટલાક વખતથી આંદોલનના કારણે કેટલાક જ્ઞાતિવાદી પટેલોમાં એવી ‘હવા’ ભરાઈ ગઈ હતી, કે સરકાર તો અમે જ બનાવીએ. અમે ધારીએ તે જ સરકાર ચૂંટાય. છએ છ મહાનગરોમાં આવા અહંકારી અને ઘોર જ્ઞાતિવાદી ‘પટેલો’ની હવા મતદારોએ ફુસ્સ કરતી કાઢી નાખી છે.

તો ગામડાઓમાં ભાજપ હાર્યો તેનું કારણ શું? કારણ ૧. મોંઘવારી. કારણ ૨. સરકાર વિરોધી લાગણી જે દર વખતે સરકારને નડતી હોય છે (એન્ટી ઇન્કમબન્સી ઇફેક્ટ). કારણ ૩. અમરેલી, ઉત્તર ગુજરાતમાં પુષ્કળ વરસાદ-પૂર અને તેમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલી ગુજરાતની ઉપેક્ષા. કારણ ૪. જે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કપાસના ભાવો માટે કોંગ્રેસની સરકારની સામે ઉછળી ઉછળીને બોલતા હતા તે જ જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે કપાસનો પૂરતો ભાવ ન અપાવી શક્યા. અને સામે પક્ષે આનંદીબહેન પટેલ પણ ભાવ લાવી ન શક્યા. ચૂપચાપ જે આપ્યું તે સ્વીકારી લીધું. ૪. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુ્ખ્યપ્રધાન હતા ત્યારે તેમના તરફી વોટ્સએપ-એફબી સંદેશાઓ ફરતા, તેમનો સીધો સંપર્ક જનતા સાથે રહેતો, પરંતુ આનંદીબહેનની પોતાની વેબસાઇટ પર પણ પૂરતી પ્રચાર સામગ્રી મૂકાતી નથી. ગુજરાત સરકારના કાર્યક્રમો રોજેરોજ કેમ એફબી પર ન મૂકાય? (ટીવી ચેનલોનો એક વર્ગ અને પ્રિન્ટ મિડિયાનો એક વર્ગ તો તે નથી જ બતાવો તેમ માનીને)આનંદીબહેનના ભાષણો કેમ યૂટ્યૂબ પર ન મૂકાય?

એટલે આ ચૂંટણીઓના કારણે આનંદીબહેન કે ભાજપના કોઈ સમર્થકે હતાશ થવા જેવું નથી. હજુ ૨૦૧૭ને બે વર્ષની વાર છે. એટલા સમયમાં ગામડાઓ ફેંદી વળો. જે મંત્રીઓ સહકાર ન આપતા હોય તેમને વટથી પડતા મૂકો. વડા પ્રધાન મોદી પાસે પણ ગુજરાતના હક માટે લડત આપો. એવું ન લાગવું જોઈએ કે તમે નબળા મુખ્યપ્રધાન છો. જો આવી સ્થિતિમાં પણ ૬૦-૭૦ ટકા જીત મળી શકતી હોય તો બે વર્ષમાં તો પરિસ્થિતિ ઘણી સુધારી શકાય છે. જય જય ગરવી ગુજરાત.

ahmedabad, gujarat

ફાધર વાલેસ, ગુજરાતી અને સદ્ગુણીઓનો પૂજક ભારત દેશ

ગઈ કાલે ગુજરાત સાહિત્ય પરિષદમાં ફાધર વાલેસને મળવાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. તેમણે એક સરસ વાત કહી કે ગુજરાતી ભાષા હું પણાને છોડે છે જ્યારે અંગ્રેજી ભાષા પકડે છે. દા.ત. ગુજરાતીમાં આપણે કહીએ છીએ, મને ગમે છે. જ્યારે અંગ્રેજીમાં કહેવાય છે કે આઈ લાઇક ઈટ. અંગ્રેજીમાં ‘હું’ પણું આવી જાય છે.

મૂળ સ્પેનના પરંતુ ગુજરાતમાં વસેલા ફાધર વાલેસે ગુજરાતી પર એવું પ્રભુત્વ મેળવ્યું છે કે ઘણા ગુજરાતીઓએ પણ નથી મેળવ્યું. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે દેશ સુધી પોતાની વાત પહોંચાડવા હિન્દીમાં પ્રવચન કરતા. તેઓ ધારત તો ગુજરાતીમાં કહીને પણ પોતાની વાત પહોંચાડી શકત. ઘણા ગુજરાતીઓ પણ એકબીજાને મળે છે કે પછી આવા કાર્યક્રમ હોય છે ત્યારે યા તો હિન્દી અથવા અંગ્રેજીમાં વાત કરે છે. ઘણા ગુજરાતી લેખકો પણ પોતાને આધુનિક ગણાવવા પોતાના લેખોમાં અંગ્રેજી શબ્દો બિનજરૂરી અને વધુ પડતા ઘૂસાડે છે, ત્યારે બીજી બાજુ ફાધર વાલેસે પોતાનું ઉદ્ભોધન શુદ્ધ ગુજરાતીમાં કર્યું. શુદ્ધ એ રીતે હતું કે તેમાં લગભગ એકેય શબ્દ અંગ્રેજીનો નહોતો. તદુપરાંત તેમના ઉચ્ચારો પણ બિલકુલ શુદ્ધ હતા.

ગણિત અને ગુજરાતી આ બંનેને સામાન્ય રીતે કોઈ મેળ ખાતો નથી. જે વિદ્યાર્થીઓ ગણિતમાં માહેર હોય છે તેમનું ગુજરાતી સારું નથી હોતું અને આનાથી ઉલટું પણ છે. (જોકે સદ્નસીબે મારી બાબતમાં આવું કહી શકાય તેવું નમ્ર નિવેદન હું કરી શકું તેમ છું) ફાધર વાલેસે તો આ બંને પર પોતાનું પ્રભુત્વ સિદ્ધ કર્યું છે. તેમની પ્રેક્ટિસ બુક હું ૧૨મા ધોરણમાં ભણ્યો છું.

ફાધરે પોતાના ઉદ્ભોધનમાં પોતાને ભારતીય ગણાવ્યા, પરંતુ ત્યાં એવું કહેવાયું કે રણજીતરામ સુવર્ણચંદ્રક એક વિદેશીને મળ્યો ત્યારે એક ઇકબાલ મિર્ઝા નામના ભાઈએ મને કહ્યું કે આપણે કેવા છીએ. ફાધર પોતાને ભારતીય ગણાવે છે ત્યારે આ ભાઈ તેમને વિદેશી કહે છે! મેં કહ્યું, આપણી ગુજરાતીઓની આ જ તકલીફ છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત દર્શક અથવા સાહિત્યની ભાષામાં ભાવકો પૈકી બે જણા સારું બોલ્યા. એક દાદા (કદાચ તેમનું નામ ધીરુભાઈ હતું)એ ફાધરને તુલનાત્મક માત્રા (કમ્પેરિઝન ડિગ્રી)માં વ્હાલા, વ્હાલેર, વ્હાલેશ – વાલેસ એમ કહીને સંબોધ્યા. તો બીજા એક ભાઈ જેઓ ફાધર વાલેસ પાસે ભણ્યા હતા તેમણે સરસ વાત કહી:

આપણો દેશ સદ્ઘુણીઓનો પૂજક છે, ચાહે તે અેપીજે અબ્દુલ કલામ જેવા મુસ્લિમ હોય કે ફાધર વાલેસ જેવા ખ્રિસ્તી!

સાચી વાત છે. ઓબામા, સાંભળો છો ને!

(તાજેતરમાં અમેરિકા પ્રમુખ ઓબામાએ ભારતમાં સહિષ્ણુતા ઘટતી જાય છે અને ધર્મના નામે હિંસા વધતી જાય છે તે કહ્યું તેના સંદર્ભમાં)

ahmedabad, gujarat guardian, society, sports

ફિલીપ હ્યુજીસનું કમોત : બોધપાઠ માત્ર ક્રિકેટરોએ જ નહીં, વાહનચાલકોએ પણ લેવાનો છે

પૂર્વ ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટર બ્રાઇસ મેકગેઇને કેટલાંક વર્ષો પહેલાં એક વન-ડે શ્રેણી માટે સુરક્ષા વધારતી હેલ્મેટ પહેરી હતી અને ત્યારે તે કોમેન્ટેટર અને ખેલાડીઓની ટીકા અને મજાકને પાત્ર બન્યો હતો. મેકગેઇન મુજબ, તેણે આ હેલ્મેટની ટૅક્નૉલૉજી સમજી અને તેને ગમી, તેથી તેણે એ પહેરી. જો ટોચના ક્રિકેટરો ન પહેરે તો તેના ઉત્પાદકો તેને વેચે નહીં.

અને બન્યું એવું જ. જોકે, અલ્બિયન સ્પૉર્ટ્સ પ્રા. લિ. એ હેલ્મેટ વેચાણમાંથી પાછી ખેંચી લીધી, તેની ડિઝાઇન વધુ કવરેજ આપતી હોવા છતાં. કારણ કે તેનું વેચાણ ઓછું હતું.

કાશ! જે વાત મેકગેઇન સમજ્યો તે વાત ફિલિપ હ્યુજીસ જેવા યુવાન ક્રિકેટરે સમજી હોત! ૨૫મી નવેમ્બરે ન્યૂ સાઉથ વેલ્સ વિરુદ્ધ સાઉથ ઑસ્ટ્રેલિયાની એક મેચમાં સીન એબ્બોટ્ટના એક બાઉન્સરનો સામનો કરવા જતાં હ્યુજીસના માથા પર, તેણે હેલ્મેટ પહેરી હોવા છતાં, ભારે ઈજા થઈ જે ૨૭મી નવેમ્બરે, તેના ૨૬મા જન્મદિનના માત્ર ત્રણ દિવસ પહેલાં જ, કમોતનું કારણ બની. કાર અકસ્માત થાય અને જેવી પીડા-ઈજા થાય તેની સાથે હ્યુજીસની પીડા-ઈજાને સરખાવવામાં આવે છે. હ્યુજીસના કમોતના કારણે હેલ્મેટ પહેરવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવી ગયો છે. ક્રિકેટર દ્વારા પહેરવાનો અને બાઇક-સ્કૂટર-સ્કૂટી ચલાવનારાઓ માટે પણ.

હ્યુજીસે જે હેલ્મેટ પહેરી હતી તે જૂના મોડલની હતી. આધુનિક હેલ્મેટમાં હ્યુજીસને માથા પર જે જગ્યાએ વાગ્યું તેનું રક્ષણ થાય છે. કાશ! હ્યુજીસ કે તેના માટે, હ્યુજીસ જેવા ક્રિકેટરોના કારણે જંગી આવક રળતા ક્રિકેટ બૉર્ડએ ગયા વર્ષે પ્રકાશિત થયેલો એક અભ્યાસ વાંચ્યો હોત!  યુકેની લફબોરો અને કાર્ડિફ મેટ્રોપોલિટન યુનિવર્સિટીએ પ્રથમ શ્રેણીના ક્રિકેટરોના ૩૫ વિડિયોનું વિશ્લેષણ કર્યું હતું જેમાં તેમણે હેલ્મેટ પહેરી હોવા છતાં તેમને ઈજા થઈ હતી. મોટા ભાગે દડો ફેસગાર્ડ પર અથવા ટોચે વાગ્યો હતો અથવા દડો બંને વચ્ચેના ગેપમાં વાગ્યો હતો.  તેના કારણે મોટા ભાગે કાપા, ફ્રેક્ચર અથવા સોળ જેવી ઈજા થઈ હતી. પરંતુ હેલ્મેટના કવચની પાછળ જ્યારે દડો વાગ્યો તેમાંથી છ જણાને ઈજા થઈ હતી અને બે જણાને અરક્ષિત ડોક પર અથવા માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી. અભ્યાસ મુજબ, આ વિસ્તારોમાં ઈજા થાય તો તેનાથી સખત આઘાત લાગે છે.

માથાની ઈજા હંમેશાં ચિંતાનો વિષય રહી છે. પરંતુ બોલરો માટે તે મજા અથવા તો મજબૂરી છે. મજા એ રીતે કે બાઉન્સર નાખીને બૅટ્સમેનને બીવડાવવા અથવા તો ભૂલ કરવા મજબૂર કરી શકાય છે. મજબૂરી એ છે કે સારું રમતા ક્રિકેટરને ડરાવવાની આ એક રીત છે. જ્યારે સામે સચીન તેંડુલકર જેવા બેટ્સમેન હોય ત્યારે ૧૪૫ પ્રતિ કિમી જેવી ઊંચી ગતિએ ૧૫૫.૯ ગ્રામથી ૧૬૩ ગ્રામ વચ્ચેનું વજન ધરાવતો બોલ પડે અને તે બાઉન્સર હોય તો તેને ડરાવવામાં મદદરૂપ બને છે. જોકે તેંડુલકર જેવા બૅટ્સમેન તો બીજા જ દડે તેનો વળતો જવાબ આપી દે, પરંતુ તેની જગ્યાએ કાચા પોચા બૅટ્સમેનના તો હાંજા જ ગગડી જાય.

ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઇક ગેટિંગ જેનું નાક એક વખત વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર માલ્કમ માર્શલના બોલનો સામનો કરતી વખતે ભાંગી ગયું હતું તેના મુજબ, જ્યારે તેણે રમવાનું શરૂ કર્યું ત્યારે હેલ્મેટનું ચલણ નહોતું.

યાદ છે ને, દૂરદર્શન પર આવેલી અંગ્રેજી શ્રેણી બોડીલાઇન? તે સાચી ઘટનાઓ પર આધારિત હતી. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ૧૯૩૨માં રમાયેલી શ્રેણીમાં ઑસ્ટ્રિલયાના બર્ટ ઑલ્ડફિલ્ડની ખોપડીમાં એક બાઉન્સરથી ફ્રેક્ચર થયેલું. આવા બનાવો બન્યા બાદ શોર્ટ પિચવાળી બૉલિંગ જે બૅટ્સમેનના શરીરને તાકીને (આ શબ્દ હવે આજકાલના જર્નાલિઝમમાં ઓછો વપરાય છે, હવે તો ટાર્ગેટ બનાવવું એવા અંગ્રેજી શબ્દોની ભરમાર, આવા સારા ગુજરાતી શબ્દો હોવા છતાં વધી ગઈ છે.) કરવામાં આવી તેના વિશે ભારે હોબાળો થયો. જોકે એ પછી મિડલસેક્સ અને વૅસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાતી મેચમાં ઇંગ્લેન્ડના પેટ્સી હેન્ડ્રેને તેની પત્નીએ બનાવેલી સુરક્ષાત્મક ટોપી પહેરવાનું ચાલુ કર્યું. (જોયું? પત્નીઓ કાયમ માથામાં ફટકારે તેવું જ નથી હોતું, ઘણી વાર જીવની પરવા પણ કરે, હોં!)

જોકે સાચી હેલ્મેટનો વપરાશ તો તેના ચાળીસ વર્ષ આસપાસ શરૂ થયો. વૅસ્ટ ઇન્ડિઝ જેવી કાતિલ ફાસ્ટ બૉલરોની ટીમ સામે રમતાંય આપણા ભડવીર લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર તો ગોળ ટોપી જ પહેરતા. તેમણે જોકે પોતાની રીતે ખોપડી રક્ષક બનાવ્યું હતું. તેમનું હેલ્મેટ ન પહેરવાનું કારણ એક ઇન્ટરવ્યૂમાં તેમણે છતું કરતાં કહેલું કે “મને સૂતા પહેલાં વાંચવાની ટેવ હતી અને ઘણી વાર તો હું વાંચતાં વાંચતાં જ સૂઈ જતો. આના કારણે મારી ડોકના સ્નાયુ નબળા પડી ગયા હતા અને મને ડર હતો કે જો હું હેલ્મેટ પહેરીશ તો બાઉન્સરનો સામનો કરતી વખતે નમવાની ક્રિયામાં અવરોધ આવશે.”

૧૯૭૦ના દાયકામાં ઑસ્ટ્રેલિયાના ડેવિડ હૂક્સનું જડબું વૅસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બૉલર એન્ડી રોબર્ટ્સે તોડી નાખ્યું તે પછી તો રાફડામાંથી કીડીઓ ઉમટી પડે તેમ ક્રિકેટરો હેલ્મેટ પહેરવા માંડેલા.

પરિવર્તનને જે-તે વખતનો સમાજ સહેલાઈથી સ્વીકાર કરતો નથી, ચાહે તે મેકગેઇન હોય કે ઑસ્ટ્રેલિયાનો વર્ષો પૂર્વેનો ડાબોડી બૅટ્સમેન ગ્રેહામ યેલોપ. યેલોપે ૧૯૭૮માં બાર્બાડોઝની ટેસ્ટમેચમાં મોટરસાઇકલની હેલ્મેટમાં સુધારા વધારા કરીને બનાવેલી ફૂલ હેલ્મેટ પહેરી ત્યારે તે હેલ્મેટ પહેરનારો પહેલો ક્રિકેટર બન્યો, પરંતુ તેનો હુરિયો બોલાવાયો હતો.

પરંતુ હેલ્મેટ કંઈ હવે માત્ર ક્રિકેટરોએ જ પહેરવી હિતાવહ નથી. હકીકતે તો તેની શોધ બાઇક, સ્કૂટર જેવાં વાહનો ચલાવવા માટે જ થઈ છે. સાઇકલસવારો માટે પણ હેલ્મેટ પહેરવી સલાહભરી છે. જોકે, ગુજરાતમાં છેલ્લાં પાંચેક વર્ષથી હેલ્મેટ પહેરવી ફરજિયાત બની છે, પરંતુ આપણે તો કાયદો તોડવામાં શૂરવીર! એટલે ટ્રાફિક પોલીસને કટકી આપીને કે પછી હેન્ડલ પર હેલ્મેટ લટકાવીને અથવા ડિકીમાં રાખીને અને પછી ડૉક્ટરે હેલ્મેટ પહેરવાની ના પાડી છે તેવું બહાનું આપીને છટકી જવામાં આપણને એક મજા અથવા આજની ભાષામાં કહીએ તો ‘કિક’ વાગે છે. પરંતુ જ્યારે કોઈ ધસમસતી કાર કે પૂરપાટ વેગે આવતી મોટરબાઇક અથડાય અને વ્યક્તિનું માથામાં વાગવાના કારણે મોત થાય ત્યારે હેલ્મેટનું મહત્ત્વ સમજાય છે. ગુજરાતમાં તો હમણાં હમણાં ટ્રક ને બાઇક, ટ્રક, ટ્રેલર ને બાઇક, બસ ને એક્ટિવાના અકસ્માતો કેટલા વધ્યા છે! આજની ભાગદોડભરી જિંદગીમાં બસની રાહ જોવી કોઈને પોસાય નહીં એટલે અમદાવાદથી કલોલ, ગાંધીનગરથી અમદાવાદ (નોંધ: અહીં સુરતનું આવું કોઈ ઉદાહરણ હોય તો મૂકી શકાય, જેમ કે, સુરતથી કાપોદ્રા …) હાઇવે પર બાઇક પર અપડાઉન કરવામાં આવે છે. આનાથી સરળતા એ રહે છે કે બસની રાહ જોવી ન પડે, બસના ટાઇમિંગ સાચવવા ન પડે, વળી, ઑફિસથી બસસ્ટેશનનું અંતર કાપવા માટે રિક્ષાનો સહારો ન લેવો પડે. હાઇવે પર પણ હેલ્મેટ ન પહેરનારા શૂરવીરો હોય છે. હકીકતમાં તો બનવું એવું જોઈએ કે હાઇવે પર નીકળો ત્યારે પાછળ બેસનારાએ પણ હેલ્મેટ પહેરવી હિતાવહ છે, પરંતુ આપણા રેસવીરો હાઇવે પર પત્ની અને નાના બાળક સાથે નીકળે અને ઘમઘમાવીને બાઇક ચલાવે. વિચારે નહીં કે જો ક્યાંક ચૂક થઈ તો આખો પરિવાર પીંખાઈ જશે.

આંકડાઓ એવું કહે છે કે, ૨૦૧૩ના વર્ષમાં જે કુલ ૨,૪૦૯ અકસ્માતો થયા તેમાં ૧,૦૮૪ કેસોમાં દ્વિચક્રીય કહેતાં ટુ વ્હીલરના હતા. આમ છતાં, હેલ્મેટ પહેરવાની ગતાગમ હજુ વાહનચાલકોમાં આવતી નથી. ક્યાંથી આવે? ગંગાજી હંમેશાં હિમાલયની ટોચેથી પશ્ચિમ બંગાળ તરફ વહે છે. આપણા કેન્દ્ર સરકારના પ્રધાનો પહેરે તો આવે ને. તાજેતરમાં પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુરમાં સ્કૂટર પર સવાર થઈને નીકળ્યા. તેમને એમ કે પ્રધાન થઈ ગયા પછી સ્કૂટર ચલાવવાથી લોકોમાં એવી છાપ ઊભી થશે કે તેઓ હજુ સીધા ને સરળ જ છે, પરંતુ તેમણે ભૂલ એ કરી કે હેલ્મેટ ન પહેરી અને મિડિયાએ બહુ સાચી રીતે તેનો મુદ્દો બનાવી દીધો. જો પ્રધાન જ હેલ્મેટ ન પહેરે તો બીજાની ક્યાં વાત રહી?

અને એટલે જ અમદાવાદના ઉમંગ શાહ જેવા લોકોને તો હેલ્મેટનો કાયદો તોડવામાં મજા આવે છે. આ ભાઈ ક્યારેય હેલ્મેટ પહેરતા નથી. જ્યારે તેમને પોલીસ પકડે ત્યારે તેઓ દંડ પરચૂરણમાં ભરે એટલે પોલીસને એવું લાગે કે આ તો ઉમંગભાઈને નહીં, પોતાને દંડ થયો. તેઓ તો પાછા પોલીસને ચોકલેટ દઈને પોતે ‘ગાંધીગીરી’ કરતાં હોય તેવું માને છે. આ ભાઈને લાગે છે કે હેલ્મેટ પહેરવી એ એક જાતની સતામણી પણ છે. કદાચ તેમને હેલ્મેટ (helmet) હેલ-મેટ (hell-mate) જેવી લાગતી હશે.

જ્યારે આ કાયદો અમલી બન્યો ત્યારે  સ્વયં આ લખનારને પણ આવું જ થતું હતું. ખાસ તો ક્યારેક નજીવા કામસર દુકાનમાં જવું હોય ત્યારે હેલ્મેટ ઉતારવી ને પાછી પહેરવી, વળી, બાઇકમાં તો હેલ્મેટ મૂકવાની એક્ટિવામાં આવે તેવી ડિકી પણ નહીં. પરંતુ પછી કાયદાનું પાલન કરતાં હેલ્મેટ પહેરવાનું ચાલુ રાખ્યું તો આજે ટેવ પડી ગઈ છે. બપોરે ૨થી ૪ના ગાળામાં કે રાતના ૯.૩૦ પછી ટ્રાફિક પોલીસ નથી હોતી, પરંતુ હેલ્મેટ પહેરીને જ નીકળવાનું. તેના વધારાના ફાયદા એ છે કે ગરમી અને ઠંડી બંનેમાં માથાનું રક્ષણ થાય છે. કાનમાં હવા જતી નથી.

જોકે કેટલાક લોકો હેલ્મેટ પહેરવાનો કાયદો તો પાળે છે, પરંતુ સારી ગુણવત્તાની હેલ્મેટ મોંઘી પડે છે એટલે ફૂટપાથ પર વેચાતી સસ્તી હેલ્મેટ લઈ લે છે, જેમાં કેટલીક હેલ્મેટ માત્ર માથાનો ઉપરનો ભાગ ઢંકાઈ તેવી જ હોય છે. હકીકતે હેલ્મેટ આખું માથું અને કાન સુધીનો ભાગ ઢંકાય તેવી હોવી જોઈએ.

ગુજરાત અને દેશમાં અન્યત્ર, ટ્રાફિક પોલીસ બિચારી વાહનચાલકો હેલ્મેટ પહેરે એટલે જાતજાતના નુસખા પણ કરે છે કેમ કે કાયદાનો ડંડો પછાડવાથી લોકો ન માને. ઉમંગભાઈ જેવા પુરુષો જ નહીં, અમદાવાદ સહિત ગુજરાતનાં શહેરોની યુવતીઓ-મહિલાઓ પણ સૂર્યથી પોતાની ત્વચાને રક્ષવા ચુંદડી-દુપટ્ટો તાલિબાની મહિલાઓની જેમ વીંટીને પહેરે છે, પણ પોતાના માથાની રક્ષા કરવા હેલ્મેટ પહેરતી નથી .એટલે તેમણે ‘લગે રહો મુન્નાભાઈ’ની જેમ ‘ગાંધીગીરી’નો માર્ગ અપનાવ્યો છે. ૨૦૧૧માં અને થોડા સમય પહેલાં પણ અમદાવાદ, રાજકોટ અને બિહારના પટણા વગેરે સ્થળોની પોલીસે ગાંધીગીરીની રાહે જે વાહનચાલકો નિયમનો ભંગ કરે તેમને રાખડી બાંધવી, ફૂલો આપવા, હેલ્મેટ આપવી, તેમને નિયમો સમજાવવા આવા ઉપાયો પણ કરી જોયા છે, પણ કાયદો તોડવામાં ‘હીરો’ અને ‘સિવિક સેન્સ’માં ‘ઝીરો’ આપણી પ્રજા સમજે તો ને! સિગ્નલ ખૂલે તે પહેલાં તો ઉભેલાં વાહનો આગળ ને આગળ ધપાવતાં જાય અને કેટલાક તો ટ્રાફિક પોલીસ બીજી બાજુ હોય કે તેનું ધ્યાન ન હોય તો સિગ્નલ ખુલે તે પહેલાં બાઇક-સ્કૂટર-રિક્ષા ભગાવી મૂકે! ચાર રસ્તે વાહન ધીમું પાડવું જોઈએ તેવો વણલખ્યો નિયમ છે કારણકે બીજી બાજુએથી પણ વાહન આવીને અથડાવાનો ભય રહે છે, પરંતુ આપણા શૂરા વાહનચાલકો આ નિયમની ઐસીતૈસી જ કરે છે. અકબર-બીરબલની પેલી દૂધની કથાની જેમ બધાં વાહનચાલકો એમ જ માને છે કે સામેવાળો જ બ્રેક મારશે, પોતે શું કામ બ્રેક મારે? રોંગસાઇડ ચલાવતા હોય તો પણ એટલી પૂરપાટ ઝડપે ચલાવતા હોય કે અંતે પોતેય એક્સિડેન્ટ કરે ને બીજાને પણ ઈજા પહોંચાડે. હોર્નના પ્રદૂષણની તો વાત કરવા જેવી નથી. એટલી સ્પીડે વાહન ચલાવે અને એમ્બ્યુલન્સની જેમ સતત હોર્ન મારમાર કરે અને એવું સમજે કે પોતે હોર્ન માર્યું છે એટલે આગળ ચાલતા બધાં વાહનો, જેમ યમુના નદીએ બાળ કૃષ્ણને ગોકૂળ મૂકવા જતાં વસુદેવને માર્ગ કરી આપ્યો હતો તેમ માર્ગ કરી આપશે, પણ પછી એવી વ્યક્તિને એમ્બ્યુલન્સમાં જ લઈ જવાનો વારો આવે! હોર્નના અવાજ પણ એટલા મોટા હોય કે સતત હોર્ન વાગવાથી ત્રાસ થઈ જાય. ઘણી વાર તો પાછળથી હોર્નનો અવાજ સાંભળીને એમ લાગે કે કાર આવી છે, પરંતુ નીકળે બાઇક ને ઘણી વાર બાઇકમાં હોય તેવું ધીમા,તરડાયેલા અવાજવાળું હોર્ન બસમાં હોય. અગાઉ જેવું નહીં, કે વાહન પ્રમાણે હોર્ન અલગ-અલગ પ્રકારના આવે.

મોબાઇલ સુવિધા માટે છે, પરંતુ મોબાઇલ આવ્યા પછી એટલી બધી તો કઈ વાતો હોય છે જે વાહન ચલાવતા પણ કરવી જ પડે. એવું હોય તો કાર કે બાઇક એકબાજુએ ઊભી રાખીને વાત કરી લો. અને મનોરંજન મેળવવાનો ધખારો એટલો બધો છે કે ચાલુ વાહને પણ કાનમાં હેડ્સ ફ્રી ભરાવીને ગીતો સાંભળવામાં આવતાં હોય છે.  યાદ રાખો કે આમાં તમે તમારા જીવને જ જોખમમાં નથી મૂકતા પરંતુ સામેવાળાને પણ મૂકો છો. પરંતુ આ બધું ગુટખા જેવું છે. ગુટખા પર સરકારે પ્રતિબંધ મૂક્યો, પરંતુ ગુટખાના ઉત્પાદન પર પ્રતિબંધ ન મૂક્યો એટલે ગુટખા બનાવનારાઓએ તેમના ગુટખા વેચવાની નવી યુક્તિ શોધી નાખી અને ખાનારાઓ બે મોઢે જ ખાય છે, પરંતુ ગુટખામાં એટલી રાહત છે કે તે ખાનારો જ કેન્સરનો ભોગ બને છે જ્યારે ટ્રાફિકમાં તો ભૂલ કરનાર સામે છેડેથી નિર્દોષ વ્યક્તિને પણ મોતને ઘાટ ઉતારે છે. પછી તો હિટ એન્ડ રનના કેસ વર્ષો સુધી ચાલ્યા કરે. સલમાન ખાન અને વિસ્મય શાહ જેવા પોતાના નાણાં ને વગના જોરે નિર્દોષ છૂટવા કેસને લંબાવ્યા કરે, સાક્ષીઓને ફોડ્યા કરે.

(‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકની  બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૩ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ છપાયો)

ahmedabad, gujarat, media

એક પાકિસ્તાની પત્રકારની નજરે ગુજરાત!

આમ તો વાત જૂની છે અને લેખ પણ જૂનો છે, પણ ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરતા પાકિસ્તાનના અખબાર ‘ડોન’ના તાહિર મેહદી નામના ચૂંટણી વિશેષજ્ઞ પત્રકારનો લેખ મળ્યો અને તેને મારા બ્લોગવાચકો સમક્ષ ગુજરાતીમાં પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્યો નહીં. વાત જૂની પણ મહત્ત્વની એટલે છે કે એક પાકિસ્તાની પત્રકારની નજરે અમદાવાદ અને ગુજરાત કેવું છે તે દર્શાવાયું છે. આપણને કોઈ વાત ત્યારે જ સાચી લાગે છે જ્યારે તેને અમેરિકા જેવા કોઈ વિદેશનું પ્રમાણપત્ર મળે છે અથવા તો આપણા દુશ્મન દેશનું પ્રમાણપત્ર મળે.

તાહિર મેહદી ભારતની લોકસભા ચૂંટણી વખતે ભારતનાં અલગ-અલગ શહેરોમાં ગયા હતા. તેમાં બીજા દિવસે તેઓ લુધિયાણાથી અમદાવાદ આવ્યા અને તેમને ગુજરાત- મોદીનું ગુજરાત કેવું લાગ્યું તે વાંચવું રસપ્રદ રહેશે. એ નોંધવું જોઈએ કે તેઓ મતદાનના આગલા દિવસે અને મતદાનના દિવસે એટલે કે ૩૦ એપ્રિલે અમદાવાદમાં ફર્યા હતા.

ઓવર ટુ તાહિર મેહદી.

ગુજરાતમાં વીજળી સંપૂર્ણપણે સતત મળે છે. લોડ શેડિંગ કોને કહેવાય તેની કોઈને ખબર નથી. એક પાકિસ્તાની માટે આ માનવું અશક્ય છે કેમ કે તેને માત્ર અઠવાડિયાના ૨૪ કલાક પિઝા હોમ ડિલિવરીની જ ખબર છે! લોકો ફરિયાદ કરે છે કે ગુજરાતની વીજળી અન્ય રાજ્યો કરતાં મોંઘી છે. પણ મેં તેને હું પાકિસ્તાનમાં વીજળી માટે જે કિંમત ચુકવું છું તેની સાથે સરખાવવા પ્રયાસ કરી જોયો, તો મને આશ્ચર્ય લાગ્યું કે અહીં લોકો જે કિંમત ચુકવે છે તે હું ચુકવું છું તેના કરતાં ઓછી નથી તો બહુ ઝાઝી પણ નથી. પણ સૌથી અગત્યની વાત એ છે કે (આ શબ્દો નોંધવા જેવા છે) બધા જ અહીં ચુકવે છે- પછી તે વડા પ્રધાનનું નિવાસસ્થાન હોય કે મુખ્યમંત્રીનું આવાસ.

(હવેના શબ્દો પણ ખાસ નોંધી લેવા જેવા છે) ગુજરાતમાં સ્ત્રીઓ સૌથી વધુ સલામત છે અને તે માનવા માટે તમારે કોઈ સાક્ષીઓની જરૂર નથી. તે દેખાઈ આવે છે. રસ્તા પર ચાલવા નીકળો અને તમને દેખાશે કે સ્ત્રીઓ અને યુવતીઓ બધે જ મુક્ત મને અને સ્વતંત્ર રીતે ફરી રહી છે. ભોજન પછી રાત્રે હું એક જૂથ સાથે ચા પીવા ગયો ત્યારે એક યુવતીને દિલ્હીથી તેની માતાનો ફોન આવ્યો. “મોમ કહે છે કે તું બહુ મોડે સધી બહાર છો. અમદાવાદ તને બગાડી રહ્યું છે.” યુવતીએ તેની બહેનપણીઓને કહ્યું અને પાર્ટી આગળ વધી.

જો વિકાસ એ એક (રાજકીય) પાર્ટી હોય તો તેમાં બધા જ આમંત્રિત નથી. અહીં કંઈ મફત મળતું નથી અને દરેક જણ કંઈ ચુકવી ન શકે તે હકીકત અનેક રીતે સમજાવાય છે. ગરીબ વંચિત રહે છે, પણ અમદાવાદમાં એક અન્ય ‘વર્ગ’ છે જે પણ બિનઅનામત રહે છે- મુસ્લિમો. અમદાવાદના જુહાપુરા મુસ્લિમોનો સૌથી મોટો વિસ્તાર છે. તેમાં લગભગ ૨ લાખ મુસ્લિમો રહે છે અને રાજ્ય તેને કોઈ નાગરિક સેવા પૂરું પાડતું નથઈ તો પણ તેઓ બે ટંકના રોટલા મેળવી લે છે.

અમદાવાદમાં જુહાપુરા હિન્દુ સોસાયટીઓથી દીવાલો દ્વારા જુદું પડે છે. લોકો કટાક્ષમાં તેને ‘મિની પાકિસ્તાનની સરહદ’ કહે છે. આ દીવાલો સરકારે નથી બનાવી પણ હિન્દુ સોસાયટીઓએ પોતે બનાવી છે અને તે આ રાજ્ય જેનાથી પીડાય છે તેવા ઊંડા વિભાજનની ‘કોંક્રિટ’ સાબિતી આપે છે.

અમદાવાદમાં દરેક હાઉસિંગ કોલોની એક ધાર્મિક નામ સાથે આવે છે. જૈનો પોતાની રહેવાની જગ્યામાં હિન્દુઓને આવવા દેતા નથી અને હિન્દુઓ તેમનાં ઘર બંગાળી હિન્દુઓને ભાડે આપતા ખચકાય છે કેમ કે ગુજરાતના હિન્દુઓ શાકાહારી હોય છે.

જુહાપુરામાં અમદાવાદની સૌથી વધુ મુસ્લિમ વસતિ છે. આમ તો તે ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર લાગે પણ તેમાં માત્ર ગરીબ મુસ્લિમો જ નથી રહેતા. દરેક શહેરમાં તમને પ્રભાવશાળી બંગલાઓ મળી આવશે. તેમાંના મોટા ભાગના ૨૦૦૨નાં મુસ્લિમ વિરોધી રમખાણો પછી અહીં આવ્યા કેમ કે તેમને બીજે ક્યાંય રહેવું સલામત નથી લાગતું. એમ તો મુસ્લિમો શહેરના અન્ય હિસ્સાઓમાં પણ રહે છે પરંતુ પાસેપાસે રહેવાનું વધેલું વલણ શહેરમાં બીજી કોઈ જગ્યા કરતાં અહીં વધુ દેખાય આવે છે.

ભારતમાં ચૂંટણી પંચ ખૂબ જ કડક છે અને દરેક નેતાએ પંચના શબ્દ ખૂબ જ ગંભીરતાથી લેવા પડે છે. હું ૩૦મી એપ્રિલે એટલે કે મતદાનના દિવસે અમદાવાદમાં ફર્યો. મતદાન મથકોએ સુરક્ષા સ્ટાફ ખૂબ જ સાવધ હતો અને તેમની ચૂંટણી ફરજો અંગે તેમની સમજ ખૂબ જ પ્રભાવશાળી હતી. એક સુરક્ષા કર્મીએ એક યુવાનને તેના હાથમાં પક્ષના ધ્વજ સાથે જતો દરવાજા પર જ અટકાવ્યો અને ધ્વજને છુપાવી દેવા કહ્યું કારણકે મતદાનના દિવસે પ્રચાર કરી શકાતો નથી.

ભારતના ચૂંટણી કાયદાઓ મુજબ, મતદાનના ૪૮ કલાક પહેલાં પ્રચાર થંભી જાય છે. હું મતદાન પહેલાના એક દિવસે અમદાવાદમાં રખડ્યો હતો. એવું કંઈ જોવા ન મળ્યું જેને કહી શકાય કે શહેરમાં પ્રચાર ચાલુ હતો. પ્રચારની મુદ્દત પૂરી થઈ ગઈ કે તરત પક્ષોના બિલબૉર્ડ ઉતારી લેવામાં આવ્યાં હતાં અને ચૂંટણીની જે દેખીતી યાદ હતી તે ચૂંટણી પંચની જાહેરખબર હતી જેમાં લોકોને મત આપવા અપીલ કરાઈ હતી.

અમદાવાદીઓ ખાણીપીણીના ભારે શોખીન છે. જોકે દરેક શ્રદ્ધાળુ કંઈક ન ખાતો હોય તેવું બને જ. કેટલાક એ ખાતરી કરશે કે તેમના મુફીનમાં કોઈ પ્રાણી આધારિત તત્ત્વ નથી ને. જોકે બધા જ આટલા ચુસ્ત ન હોય તેવું બને. જોકે ખાણીપીણીના શોખીનોમાં પણ સામાજિકરણ દેખાઈ આવે અને તે પણ રસપ્રદ રીતે. લોકો તેમના વિભાજનની પેલે પારના (મુસ્લિમ) મિત્રો માટે તેમની લાગણી બતાવવા ઘણી વાર પોતાના સમાજ ન ખાતા હોય તેવું ખાઈને પોતે બળવાખોર છે તેવું બતાવે. મારા સહિત ઘણાય લોકો ખાવાની બાબતે સાહસી હોય છે.

જૈનો શું ન ખાવું તે બાબતે ચુસ્ત હોય છે. જો તેમના ગ્રંથોના આધારે જોઈએ તો, તેમની ન ખાવાની યાદીમાં, પ્રાણી આધારિત તમામ ઉત્પાદનો અને  જમીનની નીચે ઉગતી દરેક ચીજ આવે છે, તે આવે છે. આમ, તેઓ કોઈ પણ પ્રકારનું માંસ, ઈંડાં, ડુંગણી, લસણ…વગેરે ખાતા નથી. તેમની પોતાની કરિયાણાની દુકાનો છે અને જ્યાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનું ભોજન કે ખાદ્ય ચીજો મળતી હોય ત્યાં તેઓ ખાશે નહીં. એક મિત્રે રમૂજ કરતાં કહ્યું કે જો તમે ડુંગળી અને લસણ વગરનું ચિકન બનાવશો તો તેને જૈન ચિકન કહેવાશે!

દક્ષિણ એશિયાના મોટા ભાગના અન્ય ભાગોની જેમ, અમદાવાદમાં પણ ક્રિકેટ પાછળ લોકો ગાંડા છે. પરંતુ અહીંના મુસ્લિમો માટે તે નાજુક વસ્તુ છે. ખાસ કરીને જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે તેમની પ્રતિક્રિયાઓને ભારે ધ્યાનથી જોવાય છે અને પાકિસ્તાન જીતે તો ઉજવણી કરવામાં આવે તેને રાષ્ટ્રદ્રોહ ગણવામાં આવે છે. એક મુસ્લિમ શિક્ષકે અમદાવાદમાં કહ્યું, “જો હું રિકી પોન્ટિંગને ટેકો આપું તો તેમને કોઈ સમસ્યા નથી, પરંતુ આફ્રિદીએ મારેલી સિક્સર માટે હું તેના વખાણ કરું તો ભારતીય તરીકેની મારી વિશ્વસનીયતા પ્રશ્નને પાત્ર બને છે.”

જૂના અમદાવાદ શહેરમાં ઘણી મુસ્લિમ લોકાલિટી છે જેમાં કેટલાંક પ્રભાવશાળી વારસાગત સ્થળો છે. મુસ્લિમ વિસ્તારોમાં લોકો તેમની તસવીર ખેંચાવતા ડરે છે અને તેમાં સ્ત્રીઓનો નહીં, યુવાનોનો સમાવેશ થાય છે. અહીં એકને છોડી દરેક બીજા પાસે પોતાની વાત છે કે કેવી રીતે પોલીસ હેરાન કરે છે.

ગુજરાત ભારતનું એકમાત્ર મોટું રાજ્ય છે જે ડ્રાય (દારૂનો પ્રતિબંધ) છે. અહીં દારૂનો વેપાર પ્રતિબંધિત છે. અન્ય રાજ્યોના લોકો જે અહીં રહે છે તેમને કેટલીક કાનૂની છૂટ છે પરંતુ જાહેરમાં દારૂ પીવાતો નથી. જોકે અન્ય રાજ્યોમાંથી દારૂ ચોરીછૂપીથી લવાય છે, ખાસ કરીને રાજસ્થાનમાંથી. જોકે અમદાવાદમાં ઠેરઠેર કાશ્મીરી સોડા સેન્ટર છે જ્યાં તમને ઠંડા પીણાં પીવા મળે છે.

મૂળ લેખ અંગ્રેજીમાં વાંચવા અહીં ક્લિક કરો:

Indian elections through Pakistani eyes : From Ludhiana to Ahmedabad