celebrity

હસ્તી કા સામાન : મેહદી હસન

લતા મંગેશકરે જેમને ‘ઇશ્વરનો અવાજ’ એવું બિરુદ આપ્યું હતું તેવા જાણીતા ગઝલ ગાયક મેહદી હસન જન્નતનશીન થઈ ગયા. કલાકારોને માટે કોઈ સીમાડા નડતા નથી તેમ મેહદી હસન પાકિસ્તાનમાં જેટલા લોકપ્રિય હતા, તેટલા જ ભારતમાં પણ હતા.

રાજસ્થાનમાં સંગીતકારોના પરિવારમાં જન્મેલા હોવાથી સંગીત તેમને વારસામાં મળ્યું હતું તેમ કહી શકાય. તેમનો પરિવાર દ્રુપદ ગાયિકી સાથે સંબંધ ધરાવતો હતો. અને એમ કહેવાય છે કે તેઓ સંગીત જાણકાર તરીકેની ૧૬મી પેઢી હતા.

ભારતના ભાગલા થયા અને ૨૦ વર્ષે હસન પાકિસ્તાન ચાલ્યા ગયા. ત્યાં તેમને આર્થિક રીતે અગવડ પડી એટલે તેઓ સાઇકલની દુકાનમાં કામે લાગ્યા. પછીથી કાર મિકેનિક તરીકે પણ કામ કર્યું. પરંતુ સંગીતનો જીવડો ઊંચો નીચો થતો હતો. એવામાં રેડિયો પાકિસ્તાન પર કામ મળ્યું અને રેસ્ટ ઇઝ હિસ્ટરી.

તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અખબારી અહેવાલો મુજબ, માર્ચ ૨૦૧૨માં તેમને ભારતમાં સારવાર માટે વિઝા મળી ગયા હતા. પરંતુ તેઓ આવી શક્યા નહીં. તેમનું ગુજરાત કનેક્શન સીધી રીતે તો જાણમાં નથી, પરંતુ જ્યારે તેઓ બીમાર પડ્યા અને તેમની પાસે પૂરતી આર્થિક સગવડ નથી તેવા સમાચાર અખબારોમાં આવતા ગઝલ ગાયક જગજિતસિંહે તો તેમને રૂપિયા ત્રણ લાખની મદદ કરી જ હતી, પરંતુ સુરતના ગઝલપ્રેમી ડો. વિવેક ટેલરે તેમને મદદ માટે બ્લોગ જગત અને ગઝલ પ્રેમીઓ સમક્ષ ટહેલ નાખ્યાનું સ્મરણ છે અને પછી આર્થિક સગવડતાનું જાણ્યા પછી એ ટહેલ પાછી પણ ખેંચી લીધી હતી.

છેલ્લે ૨૦૧૦માં તેમણે લતા મંગેશકર સાથે ‘તેરા મેરા મિલના’ આલબમ કર્યું હતું. આ બંને મહાન હસ્તીઓ એક સ્થળ પર તો રેકર્ડિંગ કરી શકે તેમ નહોતાં, પરંતુ ટૅક્નૉલૉજીની સગવડના કારણે અલગ-અલગ દેશમાં હોવા છતાં પણ રેકર્ડિંગ થઈ શક્યું હતું. બીજી બધી રીતે હિન્દી ફિલ્મોદ્યોગની સામે પાકિસ્તાની ફિલ્મોદ્યોગ વામણો સાબિત થયો છે, પરંતુ ત્યાંના કલાકારોની કૃતિ હિન્દી ફિલ્મોમાં ગીતો રૂપે ઘણી નકલબદ્ધ થઈ છે. એમાં મેહદી હસનની બે ગઝલનું અત્યારે સ્મરણ છે. એક તો, ‘તૂ મેરી ઝિદંગી હૈ’. આ રચનાને સંગીતકાર નદીમ-શ્રવણે જેમની તેમ ‘આશિકી’માં વાપરી હતી, તો ‘રફ્તા રફ્તા વો મેરી હસ્તી કા સામાન હો ગયે’ એમાં ‘રફ્તા રફ્તા’ના બદલે ‘ધીરે ધીરે’, ‘વો’ની જગ્યાએ ‘આપ’ ત થા ‘હસ્તી’ના બદલે ‘દિલ’ અને ‘સામાન’ના બદલે ‘મહેમાં’ મૂકી દો તો ‘બાઝી’નું આમિર ખાન-મમતા કુલકર્ણી પર ફિલ્માવાયેલું ‘ધીરે ધીરે આપ મેરે દિલ કે મહેમાં હો ગયે’ ગીત બને.

એક તથાકથિત એવી વાત પણ ચર્ચામાં હતી કે ‘સરફરોશ’માં જે પાકિસ્તાની ગઝલ ગાયક, જે ભારતમાં ભારત વિરોધી કામ કરે છે, તે નસીરુદ્દીન શાહે ભજવેલી ગુલફામ હસનની ભૂમિકા ગઝલ ગાયક મહેદી હસન કે ગુલામ અલી પર આધારિત હતી. જોકે એવું નહીં જ હોય તેવી આશા રાખીએ.

જેમનો કંઠ આપણી હસ્તીનો સામાન બની ગયો તેવા મેહદી હસનને  ખુદાતાલા જન્નત અને સુકૂન બક્ષે તેવી દુઆ!

Advertisements
celebrity, humor

દિલ મેં મેરે હૈ દર્દે ડિસ્કો, સલમાન રણબીર કહે મુઝ કો ખિસકો!

શાહરુખ ખાન છેલ્લા કેટલાય સમયથી નિષ્ફળ (અને કદાચ એટલે જ ) અને લાઇમલાઇટથી દૂર છે. શાહરુખ બીજાની ફિરકી અત્યંત નિમ્ન સ્તરે ઉતારવા માટે જાણીતો છે. ચાલો, આજે તેની ફિરકી ઉતારીએ.
ડાન્સ ડાયરેક્ટર ફરાહ ખાન સાથે સંબંધો વણસ્યા પછી શાહરુખ તે બંનેની ફિલ્મનું ગીત આવી રીતે ગાય છે :
વો મોટી વો ફરાહ કુડી
છોડ કે હૈ મુઝ કો ગઈ
દિલ મૈં મેરે ચોટ કર ગઈ
મૈં આવારા હૂં બેચારા સમજાઉં મૈં યે અબ કિસ કિસ કો
દિલ મૈં મેરે હૈ દર્દે ડિસ્કો, સલમાન રણબીર કહે મુઝ કો ખિસકો
———————–
શાહરુખ કહે છે કે તેનું વજન ઘટી રહ્યું છે. તેના કારણે તેની આંગળીમાંથી તેની લગ્નની વિંટી સરકી (sleep) જાય છે.
ભાઈ, સુપરસ્ટારની ગાદી સરકવા લાગી હોય ત્યાં બધું જ સરકવા લાગે!
——————
ઘણા સમયથી ફિલ્મોની રીતે અદૃશ્ય અને ઘટતી જતી સફળતાથી ચિંતિત શાહરુખ તેના દર્શકો સમક્ષ તેની ફિલ્મનો કયો સંવાદ બોલે છે?
– શાહરુખ! નામ તો યાદ હોગા!
———————
યશ ચોપરાની નવી ફિલ્મમાં શાહરુખ- એક સમાચાર
બંને ડૂબતા એકબીજાનું તરણું શોધે છે
celebrity, society

વિવેકા : અંગત પળોની જાહેર તસવીરોના કેટલાક પ્રશ્નો

વિવેકા બાબાજી. મિસ મોરેશિયસ ૧૯૯૪. ભારતમાં કામસૂત્ર કોન્ડોમની જાહેરખબરમાં ચમકીને ખ્યાત થઈ ગઈ. (પ્રખ્યાત કે કુખ્યાત તે વાચકોએ સમજી લેવાનું). તેના વિશે તાજેતરના (૩ જુલાઈ, ૨૦૧૦)ના ‘અભિયાન’માં લખ્યું છે. હવે તાજા સમાચાર એ છે કે વિવેકાના પરિવારે વિવેકાના અને તેના છેલ્લા (આવો શબ્દ વાપરવો પડે છે!) પ્રેમી ગૌતમ વોરા સાથેની અંગત પળોની તસવીરો જાહેર કરી છે. તેના પરથી કેટલાક સવાલો ઉદ્ભવે છે :

-શું વિવેકાને ખબર હશે કે તેને આવી તસવીરોની પુરાવા તરીકે જરૂર પડવાની છે એટલે પડાવી હશે?

-કે પછી આવી અંગત પળોની તસવીરો આવી મોડલો, અભિનેત્રીઓ, અભિનેતાઓ પડાવતા જ હશે?

-શું આવી તસવીરો ‘બનાવટી’ તો નહીં હોય?

– ગૌતમે પણ તેની આવી તસવીરો પડાવવા દીધી હશે?

– વિવેકાના પરિવારને પણ આવી તસવીરો જાહેર કરવામાં કોઈ છોછ નહીં નડ્યો હોય? (આમ, તો કામસૂત્રની જાહેરખબર કે મોડલિંગ વ્યવસાય વખતે જ છોછ ન નડ્યો હોય તો પછી…)

celebrity, society

વિવેકા બાબાજી : સફળ મોડલ, નિષ્ફળ પ્રેમિકા

‘ડસ્ટ ધો આર્ટ ટૂ ડસ્ટ રિટર્નેસ્ટ’.

ઇવેન્ટ ઓર્ગેનાઇઝર રમેશ મેનન સાથે ઇન્ટરનેટ ચેટ પર કહેલા આ શબ્દો વિવેકા બાબાજીના છે. તેનો અર્થ થાય છે માટીનો આ દેહ માટીમાં જ ભળી જવાનો છે. આ શબ્દો છેલ્લા શબ્દો પૈકીના હતા, તે પછી વિવેકાએ આત્મહત્યા કરી લીધી!

આત્મહત્યા કરતાં પહેલાં તેણે ઘરની વસ્તુઓ તોડીફોડી નાખી. ગૌતમ વોરાનો ફોટો ફાડી નાખ્યો. તેના પર સળગતી સિગારેટ મૂકી દીધી. તેના ઘરમાંથી સિગારેટનાં ૩૦ ઠૂંઠાં એશટ્રેમાંથી મળી આવ્યાં. વોડકાનો ગ્લાસ મળી આવ્યો. એમ માની શકાય કે ધૂમ્રપાનની અત્યંત વ્યસની વિવેકાએ ટેન્શનમાં આ સિગારેટો ફૂંકી હશે. મગજને શાંત કરવા મદ્યપાન પણ કર્યું હશે. જેને સ્યૂસાઇડ નોટ મનાય છે તે ડાયરીમાં મરતાં પહેલાં વિવેકાએ લખ્યું હતું યૂ કિલ્ડ મી ગૌતમ! ઘરમાં ગેસ પણ ખુલ્લો મૂકી દીધો હતો. એમ મનાય છે કે આત્મહત્યા કરતાં પહેલાં વિવેકાએ મોરેશિયસમાં રહેતી તેની માતા સાથે ફોન પર વાત કરતાં કહ્યું હતું ઃ ‘આઇ એમ ગોઈંગ ફાર અવે!’ આમ, ભલે છત સાથે લટકીને વિવેકાએ આત્મહત્યા કરી, પરંતુ મરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી. જોકે એક અહેવાલ મુજબ વિવેકાના શરીરમાં ઝેર મળી આવ્યું છે જે આખી વાતને નવો વળાંક આપે છે.

૩૭ વર્ષીય વિવેકાને આત્મહત્યા કરવાની નોબત કેમ આવી એ પ્રશ્નનો જવાબ જાણતાં પહેલાં આપણે વિવેકા બાબાજી કોણ છે તે જાણીએ. નવમા દાયકામાં કામસૂત્ર કોન્ડોમની જાહેરખબરે વિવાદ પેદા કર્યો હતો. આવી બિન્ધાસ્ત જાહેરખબરમાં ચમકનાર મોડલ કોણ છે તેવો પ્રશ્ન પાનના ગલ્લાથી લઈને ઓફિસમાં પુછાતો થઈ ગયો હતો. એ જાહેરખબરમાં પુરુષ મોડલ ઇન્દર મોહન સુદાન સાથે ચમકેલી સ્ત્રી મોડલ હતી આ વિવેકા બાબાજી. મોરેશિયસમાં જ જન્મેલી અને ઊછરેલી વિવેકા ૧૯૯૪માં મિસ મોરેશિયસ બની હતી. વિવેકાનું ફેમિલી બેકગ્રાઉન્ડ તો બહુ જાણવા મળતું નથી, પરંતુ ભારતમાં આવતાં પહેલાં જ તે નામ કમાઈ ગયેલી, બદનામ થઈને.

૧૯૯૪માં જ મનીલા ફિલ્મ ફેસ્ટિવલ યોજાયો હતો તેના એવોર્ડ સમારંભમાં વિવેકા પ્રેઝન્ટર હતી. પ્રેઝન્ટર તરીકે તેણે ગરબડ કરીને ચકચાર જગાવેલી. એવોર્ડવિજેતા અભિનેત્રીના નામનું કવર આપવાને બદલે તેણે બીજાનું નામ લખેલું કવર સાથી પ્રેઝન્ટરને આપી દીધું. વિવેકાએ જે અભિનેત્રીનું નામ હતું તેના બદલે આ રુફ્ફા ગુતિરેઝના નામવાળું કવર તેના સહઉદ્ઘાોષકને આપ્યું. ચાલુ કેમેરાએ તે મોટેથી બોલી ‘ટેક ઇટ, ટેક ઇટ!’ બીજા એક ઉદ્ઘોષકે જે ખરેખર વિજેતા અભિનેત્રી હતી તેનું નામ વાંચ્યું હતું. ત્યાર બાદ વિવેકાએ મોરેશિયસ છોડી દીધો. ભારતમાં તે વખતે ઐશ્વર્યા અને સુસ્મિતા સેન મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ બન્યા પછી ફેશનઉદ્યોગના ધમધમાટની શરૂઆત થઈ ગઈ હતી. વિવેકાને ભારતમાં જ કારકિર્દી બનાવવી હતી અને એવામાં કામસૂત્રની જાહેરખબર મળી ગઈ.

પછી તો વિવેકાને પાછું જોવાપણું જ ન રહ્યું. જાહેરખબરો અને ફેશનશોની ભરમાર ચાલુ થઈ ગઈ. ફેશનઉદ્યોગની માનીતી મોડલ બની ગઈ. વચ્ચે ‘યે કૈસી મોહબ્બત’ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી જોયું, પણ તેમાં તો નિષ્ફળતા જ મળી. તે પછી ક્યારેય તે તરફ જોયું નહીં. ફેશનઉદ્યોગમાં જ પૂરું ધ્યાન કેન્દ્રિત કર્યું. મોડલ તરીકેની કારકિર્દીમાં નામ અને દામ બંને તો ભરપૂર મળે છે, પરંતુ જો તમે લપસી જાવ તો પછી હતાશાની અંધારી દુનિયા તમારી રાહ જોતી હોય છે. નફીસા જોસેફ અને દિલ્હીની મોડલ જેવો જ કિસ્સો કંઈક અંશે વિવેકામાં જોવા મળ્યો. એક તરફ મોડલિંગ ઉદ્યોગની રીતે ઢળતી ઉંમર (વિવેકા ૩૭ વર્ષની હતી), બીજી તરફ પોતે શરૂ કરેલી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો મંદો ધંધો, ત્રીજી તરફ સતત બદલાતા સંબંધો…

જી હા, વિવેકાના સંબંધોપ્રણયના સંબંધો સતત બદલાતા રહેતા હતા, જે આજે ફેશન અને ફિલ્મ બંને દુનિયાની ફેશન બની ગઈ છે. ૧૯૯૪માં કામસૂત્રની જાહેરખબર માટે વિવેકાને મેન્ટર કરનાર અને મોડલ કોઓર્ડિનેટર રસના બહલ એક અખબારને મુલાકાતમાં કહે છે, ‘વિવેકા અત્યંત બુદ્ધિમાન, સુશિક્ષિત અને સારા ઘરની છોકરી હતી. તે બહુ મહત્ત્વાકાંક્ષી પણ નહોતી. જોકે તેના સંબંધો બહુ હતા. તે ખૂબ જ સંવેદનશીલ હતી. સામાજિક રીતે અમે જ્યારે મળતાં ત્યારે તેની સાથે કોઈ નવો જ પુરુષ જોવા મળતો.’

ઇન્દર મોહન, રોહિત જુગરાજ, કાર્તિક જોબનપુત્રા અને છેલ્લે આ ગૌતમ વોરા… વિવેકાના પ્રેમીઓની યાદી બહુ મોટી છે. ઇન્દર મોહન પછી તેની જિંદગીમાં (માધ્યમોની જાણ મુજબ) આવેલો રોહિત જુગરાજ એટલે રામગોપાલ વર્માની ‘જેમ્સ’ અને કુણાલ ખેમુ અભિનીત ‘સુપરસ્ટાર’નો દિગ્દર્શક. સંબંધો એટલા તો ગાઢ બની ગયા કે બંનેએ લગ્નની જાહેરાત પણ કરી નાખેલી. ૨૦૦૬ની એ વાત. એ વખતે વિવેકા ૩૩ની હતી. એટલે સ્વાભાવિક જ હવે તેને ઠરીઠામ થવું હતું. સામે પક્ષે રોહિત પણ તૈયાર હતો. એ વખતે આપેલી મુલાકાતમાં વિવેકાએ લગ્ન સાદાઈથી કરવાનો ઇરાદો જાહેર કર્યો હતો અને હનીમૂન માટે પણ મોરેશિયસ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. માતાની ઇચ્છા હોવાથી પોતે લાલ સાડી પહેરશે અને પાર્ટી માટે કોટનનો સફેદ ડ્રેસ પહેરશે ત્યાં સુધીનું નક્કી હતું. જો અખબારી અહેવાલોને સાચા માનીએ તો રોહિત સલમાનની જેમ ભારે પઝેસિવ પ્રેમી હતો. તે વખતોવખત હિંસક પણ બની જતો. વિવેકા સાથે ગાળાગાળી પણ કરતો. આમ છતાં બંનેના સંબંધો લગ્ન વગર બે વર્ષ ચાલ્યા અને પછી એકાએક બંને જુદાં પડી ગયાં.

રોહિતનું સ્થાન હવે કાર્તિક જોબનપુત્રાએ લીધું. લાઇફસ્ટાઇલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની એપેક્સ એન્ટરટેઇન્મેન્ટના ડાયરેક્ટર કાર્તિક સાથે એક વર્ષ જ ચાલેલા સંબંધમાં વિવેકા કાર્તિકને ચાહવા લાગી હતી, પરંતુ સામે પક્ષે કાર્તિકની બાબતમાં કદાચ એવું નહોતું. એમ મનાય છે કે કાર્તિકને તો વિવેકાના સંબંધોનો ઉપયોગ કરીને ફેશન અને ઇવેન્ટના ઉદ્યોગમાં આગળ આવવું હતું. વિવેકા તેને મદદ પણ કરતી હતી, પરંતુ મિટિંગ થાય ત્યારે વિવેકાને એવું લાગતું કે કાર્તિક તેની અવગણના કરતો હતો.

લગભગ પાંચ મહિના પહેલાં કાર્તિક સાથેના સંબંધોનો પણ અંત આવ્યો હતો. વિવેકાએ હવે સ્ટોક એનાલિસ્ટ અને યુએલજેકે ગ્રૂપના ડાયરેક્ટર ગૌતમ વોરા પાસેથી પ્રેમ અને હૂંફ મેળવવા નજર દોડાવી. બંને ટૂંકા ગાળામાં ઘણા આગળ વધી ગયાં હતાં. વિવેકાના પડોશીઓના કહેવા પ્રમાણે વિવેકા અને ગૌતમ વચ્ચે આત્મહત્યાની પહેલાંની રાત્રે મતલબ કે ૨૪ જૂને ઝઘડાના અવાજો સાંભળ્યા હતા. ચર્ચાતી વાત મુજબ, ૨૬ જૂને ગૌતમનો જન્મદિવસ હતો અને વિવેકા તે દિવસે પાર્ટી આપી પોતાના સંબંધોને જાહેર કરવા માગતી હતી જે ગૌતમને મંજૂર નહોતું.

celebrity, politics

અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી : રિશ્તે મેં તો…

નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં ખડે હોતે હૈં લાઇન વહાં સે શુરૂ હોતી હૈ
નરેન્દ્ર મોદી અને અમિતાભ : હમ જહાં પે ખડે હો જાતે હૈં, લાઇન વહીં સે શુરુ હોતી હૈ

તાજેતરમાં અમિતાભ બચ્ચન પોતાની ફિલ્મ ‘પા’ના પ્રમોશન માટે ગાંધીનગરનો આંટો ખાઈ ગયા. તેમણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત પણ લીધી અને બંનેએ એકબીજાની પીઠ થાબડી સંતોષ મેળવ્યો. બંનેની તસવીરો સાથે જોઈને સામ્યતા કરવાનું મન થાય. આ રહી કેટલીક સામ્યતાઓ  :

(૧) એક તો બંને દાઢી રાખે છે. અમિતાભ ‘પા’ દાઢી રાખે છે, નરેન્દ્ર મોદી ‘આખી’ દાઢી રાખે છે.

(૨) અમિતાભની યુવાવસ્થામાં ફિલ્મોમાં જેવી છબિ હતી તેવી જ છબિ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની છે. એંગ્રી યંગ મેનની. ફિલ્મોમાં વિજય (અમિતાભનું પાત્ર) સંઘર્ષ કરીને આગળ આવતો  અને ગુંડાઓનો સફાયો કરતો, તેમ નરેન્દ્ર મોદીએ પણ સંઘર્ષ કરીને આગળ આવીને, ગુંડાઓ તો ન કહેવાય, પણ વિરોધીઓને પરાસ્ત કર્યા છે. ફિલ્મોમાં અમિતાભ જેમ ગુસ્સાવાળા દેખાતા, તેમ નરેન્દ્ર મોદીની છબિ પણ ગુસ્સાવાળા વ્યક્તિ તરીકેની જ છે. જોકે, તેમની રમૂજ વૃત્તિ પણ ઉમદા છે.

(૩) અમિતાભ બચ્ચન અને નરેન્દ્ર મોદી મિડિયાને એકસરખા ધિક્કારે છે. અમિતાભ મિડિયા વિરુદ્ધ તેમના બ્લોગમાં બળાપો કાઢતા રહે છે. નરેન્દ્ર મોદી પણ મિડિયામેનને મોંઢે જ સંભળાવી દેવા અથવા તો જાહેર પ્રવચનોમાં તેમની ‘ફિરકી’ લેવા માટે જાણીતા છે.

(૪) અમિતાભ અને નરેન્દ્રભાઈ બંને સરખા ‘વર્કોહોલિક’ (કામઢા) છે. વહેલી સવારે કસરત સાથે બંનેની દિનચર્યા શરૂ થઈ જાય છે, જે મોડી રાત સુધી ચાલે છે.

(૫) બંને પોતાની આગવી રીતે લોકોના સંપર્કમાં રહે છે. બંને બ્લોગ પણ લખે છે. જોકે, નરેન્દ્રભાઈ નિયમિત રીતે તેને અપડેટ નથી કરી શકતા એ અલગ વાત છે.

(૬) બંને સાહિત્યપ્રેમી ખરા.

(૭) બંનેના અવાજ સારા છે, બુલંદ અવાજ છે. બંને સારા વક્તા છે. બોલે ત્યારે શ્રોતાજનો મુગ્ધ બની જાય છે. બંનેની આંખો પ્રભાવશાળી છે.

ઠીક છે. સમાચાર એવા છે કે અમિતાભ બચ્ચન જે દિવસે ગાંધીનગર આવ્યા તે દિવસે અમરસિંહે સમાજવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ બંને બાબતોને જોડીને એવી ટેબલસ્ટોરી લખાઈ કે ફિલ્મી પડદાના ‘શહેનશાહ’ હવે ગુજરાતના ‘જાણતા રાજા’ તરફ ઢળી રહ્યા છે. જોકે આ ટેબલસ્ટોરી સાચી હોવાની પૂરી શક્યતા છે. અમિતાભ જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાં તેમને કોઈ ને કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાવું પડે. પહેલાં તેઓ કાઁગ્રેસ સાથે સંકળાયેલા હતા. સંકળાયેલા જ નહીં, તેમાંથી ચૂંટાયા પણ ખરા, પણ એ ક્ષેત્ર ફાવ્યું નહીં, એટલે છોડી દીધું, પણ પડદા પાછળ જોડાણ ચાલુ રાખ્યું. પરમ મિત્ર રાજીવ ગાંધી ગયા પછી સોનિયા સાથે બહુ ફાવ્યું નહીં (તેનાથી કદાચ વિરુદ્ધ પણ વાત હોઈ શકે.) અને અમરસિંહનો સાથ મળ્યો એટલે સમાજવાદી પક્ષના મહોરા (ગોવિંદાચાર્યની ભાષામાં કહીએ તો મુખૌટા) બની ગયા. સમાજવાદી પક્ષના રાજપાટમાં ફાયદો પણ મેળવ્યો. પત્ની જયાને સાંસદ બનાવીને રાજ્યસભામાં મોકલ્યાં. હવે અમરસિંહ ન રહેતા, મોદીની શાલનો પાલવ પકડ્યો હોય તેવું બની શકે.

અમિતાભ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બને કે ન બને (આમ તો, મોદીને ગુજરાત માટે અમિતાભની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જરૂર જ નથી, પોતે જ એકે હજારા છે.) પણ હિન્દુત્વવાદી પક્ષ ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર જરૂર બની શકે. કેમ? કારણો આ રહ્યાં :  (નીચેના દરેક વાક્યમાં ‘છબિ’ શબ્દ પર ખાસ ભાર મૂક્યો છે.)

(૧) એક તો, તેમની છબિ પરિવારવાદી છે. રેખા સાથે તથાકથિત પ્રણય પ્રકરણને બાદ કરીએ તો મોટા ભાગે અમિતાભ એકપત્નીવ્રતા જેવી છબિ ઉપસાવી શક્યા છે. હંમેશાં પરિવાર સાથે જ હોય છે. પોતે બાબુજી (પિતા) હરિવંશરાય અને માતા તેજી સાથે જ રહ્યા. છેક સુધી તેમની સેવા કરી. દીકરા અભિષેક સાથે પણ મિત્રતા જેવા સંબંધો છે. સાધુનો ભૂતકાળ ન જોવાય તેમ ઐશ્વર્યા રાયનો ભૂતકાળ ન જોઈએ તો ઐશ્વર્યા બચ્ચન એક આદર્શ વહુની ભૂમિકામાં હાલ તો ફિટ દેખાય છે.

(૨) શિસ્તપ્રેમી છે. સંસ્કારી વ્યક્તિ તરીકેની છબિ છે. હંમેશાં શુદ્ધ હિન્દી બોલે છે. ‘બિગ બોસ’માં પણ તેમણે શુદ્ધ હિન્દીનો જ આગ્રહ રાખેલો. ભાજપ જેને યુસૂફખાન તરીકે ઓળખવાનું પસંદ કરશે તે દિલીપકુમાર, શાહરુખ ખાન, જાવેદ અખ્તર વગેરેની જેમ ઉર્દૂના ડોઝવાળું હિન્દી બોલતા નથી. શાહરુખ કરતાં વિરુદ્ધ, શિષ્ટાચારવાળી વ્યક્તિ છે. સુપરસ્ટાર તરીકેનું અભિમાન છલકાતું નથી.

(૩) પરિવાર સાથે અવારનવાર મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. આમ, ‘ધાર્મિક’ માણસ પણ છે.

(૪) ફિલ્મોદ્યોગમાં શાહરુખ, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન…વગેરે ખાનોને આટલી મોટી ઉંમરે પણ સબળ હરીફાઈ પૂરી પાડે છે.

આમ, ભાજપ અને અમિતાભ હાથ મેળવે તો ફાયદો પરસ્પર બંનેને છે.

(To read it in English, please click : http://jaywant-pandya.blogspot.com/ or

http://jaywantpandya.instablogs.com/entry/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/ or

http://blogs.bigadda.com/jaywantpandya/2010/01/14/amitabh-and-narendra-modi-rishtey-main-to-hum-sab-ke/)

celebrity, film, spirituality, television

ઈશ્વરની દુનિયા, ફિલ્મ, સિરિયલ, રિયાલિટી શો અને ક્રિકેટ : શું બધે હીરો, હિરોઇન અને વિલન હોય જ?

શ્રી રામ, સીતાજી અને રાવણ.

શ્રી કૃષ્ણ, રૂક્મિણી અને સામે-કંસ, જરાસંધ, દુર્યોધન…

રામાયણ અને મહાભારત એ બે મહાકાવ્યોને આપણે ધર્મગ્રંથો તરીકે સ્વીકાર્યા છે. શ્રીરામ અને શ્રી કૃષ્ણ આપણા રિયલ હીરો છે.  આ બે ધર્મગ્રંથો ઉપરાંત જેટલી પણ ધર્મકથા સાંભળશો તો તેમાં દેવ અને દાનવની વાત આવશે જ. માતાજીના ચંડીપાઠમાં પણ માતાજી અને સામે પક્ષે શુંભ, નિશુંભ, મહિષાસુર, ચંડ, મુંડ વગેરેની વાત આવે છે.

સવાલ એ છે કે શું હીરો, હિરોઈન અને વિલનની વાત માત્ર ફિલ્મોમાં નહીં, બધે જ આવે?

નવલકથા, નવલિકા,વાર્તા (રાજા, રાણી અને એક દુષ્ટ પ્રધાન કે રાક્ષસની બાળપણમાં સંભળાવાતી વાર્તા)માંય નાયક, નાયિકા અને દુષ્ટ માનવીની વાત હોય છે જ.

હીરો-હિરોઇન અને વિલન વગર આપણી હિન્દી ફિલ્મોય અધૂરી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી, ખાસ તો મલ્ટિપ્લેક્સ સિનેમા અને રામગોપાલ વર્મા, સંજય ગુપ્તા, મહેશ માંજરેકર જેવા દિગ્દર્શકો આવ્યા પછી નાયક-નાયિકા ૨૪ કેરેટના સોના જેવા જ હોય  તેવું બતાવાતું નથી.

કોઈ પણ સિરિયલો લો, તેમાંય આ આ ત્રણ પ્રમુખ તત્ત્વો હશે જ.

રિયાલિટી શોમાં રિયાલિટી હોવાનું કહેવાય છે, પરંતુ ખરેખર તો તેય સ્ક્રિપ્ટેડ હોય તેવું લાગે છે. ‘બિગ બોસ’ની કોઈ પણ શ્રેણી લો, તેમાં એક પુરુષ એવો હશે જેને થોડો  સારો બતાવાયો હશે, એક રૂપાળી સ્ત્રી હશે અને એક વ્યક્તિ એવી હશે જેના પર લોકોને ધિક્કાર છૂટે. (ગઈ શ્રેણીમાં રાહુલ મહાજનને હીરો, મોનિકા બેદી-પાયલ રોહતગીને તેની હિરોઈન અને રાજા ચૌધરીને વિલન બતાવવા પ્રયાસ હતો, આ વખતે હીરો તરીકે પ્રવેશ, હિરોઇન તરીકે ક્લાઉડિયા અને વિલન તરીકે કમાલ ખાન છે. કમાલ આઉટ થઈ ગયો હોવા છતાં તેને વાઇલ્ડ કાર્ડ દ્વારા લઈ અવાયો. દેશનો આદેશ કોણ માને છે?)

કમનસીબે, ક્રિકેટમાંય આવું થવા લાગ્યું છે. શ્રીસંત અને હરભજનનું લાફા પ્રકરણ થયેલું તે શું હતું?

સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં દેખાડાય છે તેવા લોકો- તેવી દુનિયા ક્યાંય હશે ખરા? કે બધું જ સ્ક્રિપ્ટેડ જ હશે? ઈશ્વરને કહેવાનું મન થાય છે કે તું આવી સ્ક્રિપ્ટ કેમ લખે છે, જેમાં હીરો-હિરોઈન છેક સુધી વિલનના હાથે પીટાયા રાખે અને છેલ્લા સીનમાં હીરો વિલનને બેત્રણ મુક્કા મારે?

celebrity, society

વાહ ભાઈ વાહ! સુચિત્રા કૃષ્ણમૂર્તિ પણ આ જ કહે છે

જાણીતી અભિનેત્રી અને દિગદર્શક શેખર કપૂરની ભૂતપૂર્વ પત્ની સુચિત્રા કૃષ્ણમૂર્તિ  પણ ‘બહેરા કાન પર દયા જ ખવાય’ પોસ્ટમાં વ્યક્ત મારા વિચારો જેવા જ વિચારો ધરાવે છે તે જાણી-વાંચી આનંદ થયો. લો! તમે પણ વાંચો, સુચિત્રા પણ ઘોંઘાટથી કેવો ત્રાસ અનુભવે છે.

http://www.suchitra.com/2009/06/the-5-am-wake-up-call/