computer, sarvottam karkirdee margadarshan, technology

૧૫૦ દેશો પર વૉન્નાક્રાય રેન્સમ વેરનો હુમલો: પાશેરામાં પહેલી પૂણી?

(આ લેખ સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના જૂન ૨૦૧૭ના અંકમાં સાંપ્રત કૉલમમાં પ્રસિદ્ધ થયો.)

ભારતમાં અને વિશ્વભરમાં ટૅક્નૉલૉજી ઝડપથી આગળ વધી રહી છે. દિવસે ને દિવસે કંઈ ને કંઈ નવી ટૅક્નૉલૉજી આવતી જાય છે. પહેલાં કલ્પના નહોતી થઈ શકતી કે ઘરમાં કે રસ્તા પર, અને ઘરમાં પણ ગમે ત્યાં ફોન પર વાત કરી શકાશે કેમ કે લેન્ડલાઇન ફોન હતો. ઘરના એક ઓરડામાં એક ખૂણામાં ફોન દોરડાથી પડ્યો રહેતો. ફોનની રિંગ વાગે એટલે ત્યાં જવું પડતું અને વાત કરવી પડતી. તે પછી વચ્ચે જે લોકોને પોસાતું તેમણે કૉડલેસ ફોન પણ વસાવ્યા. લેન્ડલાઇન પર ફોન આવે તો કૉડલેસ ફોન બીજા રૂમમાં હોય તો તેના પર વાત કરી શકાતી.

પરંતુ ૯૦ના દાયકામાં ક્રાંતિ થઈ. પહેલાં પેજર આવ્યું. જેમાં તમે મેસેજ કરી શકતા કે જ્યાં પણ હો ત્યાંથી મને આ નંબર પર ફોન કરો. તે પછી ‘હસીના માન જાયેગી’ ફિલ્મમાં ગીત આવ્યું, ‘વૉટ ઇઝ મોબાઇલ નંબર?’. મોબાઇલ એ વખતે સાધનસંપન્ન લોકો પાસે આવી ગયા. પરંતુ નવી સદીમાં પ્રવેશ થયો અને તે સાથે ક્રાંતિ રંગ લાવવા લાગી. મોબાઇલ જરૂરિયાત બનવા લાગ્યો કારણકે રસ્તા પર, ઘરમાં, સૂતા કે જાગતા, મુસાફરી કરતા કે રેસ્ટૉરન્ટમાં જમતા, થિયેટરમાં ફિલ્મ જોતાં કે કોઈ બિઝનેસ મીટિંગમાં ફોન થઈ શકતો. તેમાં પેજરનું કામ પણ સરતું એટલે કે એસએમએસ પણ થતા. દરમિયાનમાં હવે ઇ-મેઇલ પર પણ નોકરી અને વેપારના ઘણાં કામો થવાં લાગ્યાં હતાં. પરંતુ ઇ-મેઇલ ત્યારે જ જોઈ શકાતા જ્યારે તમારી બાજુમાં પીસી હોય. (લેપટોપ પણ ઓછા હતા.)

એમાં નોકિયાના ઇ શ્રેણીના ફોન પર ઇ-મેઇલ જોઈ શકવાની સગવડ આવી. કામ સરળ થયું. પરંતુ ફોનમાં હજુ ટાઇપિંગની સુવિધા કાચી હતી. કેમ કે કીબૉર્ડ પર ટાઇપ કરવું પડતું. એટલે ફૉનનો વપરાશ ઓછો હતો.

અને પછી આવ્યા સ્માર્ટ ફૉન. સેન્સરના કારણે સ્પર્શથી બધું કામ થવા લાગ્યું. ઇન્ટરનેટ પણ પ્રમાણમાં સસ્તું થયું. ટેબલેટ પણ આવ્યાં. આથી કમ્પ્યૂટર, કેલ્ક્યુલેટર, ઘડિયાળ, ટોર્ચ, કેલેન્ડર, હવામાન, નોંધ રાખવા માટેની કાગળની ડાયરી, કેમેરા, સમાચારથી માંડીને મનોરંજન વગેરે બધું જ ફોનમાં સ્પર્શના સહારે થવા લાગ્યું. એવામાં પાછું ફેસબુક અને વૉટ્સએપ આવ્યું. શરૂઆતમાં આ બંને ચીજો ખાલી હળવામળવા પૂરતી હતી, પરંતુ પછી વૉટ્સએપ એ સૂચનાનું માધ્યમ બન્યું. શાળાની સૂચના હોય કે કૉર્પોરેટની સૂચના, આ બધું વૉટ્સએપ પર થવા લાગ્યું.

તેમાં પાછું નોટબંધી વગેરે આવતા હવે ફોન બૅંક વ્યવહાર માટેનું પણ માધ્યમ બન્યો. ફોન બૅંક ખાતા સાથે જોડાઈ ગયો એટલે બૅંકમાં કંઈ લેવડદેવડ કરો કે તરત જ એસએમએસ આવી જાય. કોઈ પણ માહિતી જોઈતી હોય તો ફોનમાં જ ગૂગલમાં કે યાહૂમાં સર્ચ કરો. ક્યાંક બહારગામ ગયા હો અને કોઈ સ્થળ પર પહોંચવું હોય તો ગૂગલ મેપમાં મૂકી દો એટલે બોલીને દિશા બતાવતું રહેશે. પરિવાર સાથે ફરવા ગયા હો અને ફોટો ખેંચી જીપીએસ લૉકેશન ઓન કરી ફેસબુક પર સગર્વ અન્ય કુટુંબીજનો અને શેષ વિશ્વને કહો કે અમે કુલુ-મનાલી ફરવા આવ્યા છીએ. જન્મદિવસની ઉજવણી હોય કે લગ્નતિથિ, ફોટા મૂકીને પ્રેમની અભિવ્યક્તિ કરવાનું માધ્યમ ફેસબુક બન્યું છે. મોબાઇલમાં ત્રણ કલાકની ફિલ્મ પેન ડ્રાઇવથી ટ્રાન્સ્ફર કરી મુંબઈ કે અન્યત્ર ટ્રેનમાં લાંબી મુસાફરીને ટૂંકી બનાવવું સરળ બન્યું.

આટલી લાંબી લચક વાત કરવાનું કારણ એ છે કે આજના સમયમાં પી.સી., લેપટોપ, મોબાઇલ અને ટેબલેટ વગેરે જીવનના અનિવાર્ય ભાગ બન્યા છે. ઘણી બધી રીતે સરકારે પણ તેને ભાગ બનાવવા આપણને ફરજ પાડી છે. જેમ કે શિક્ષણને લગતું કોઈ ફૉર્મ ભરવા માટે વેબસાઇટ પર જવું પડે. સ્પર્ધાત્મક પરીક્ષાને લગતુ ફૉર્મ ભરવું હોય તોય વેબસાઇટ પર જવું પડે. ટ્વિટર પણ અત્યંત જરૂરી છે. ઘણાં કામો ટ્વિટર પર જ ટ્વીટના આધારે થઈ રહ્યાં છે અને ફરિયાદોનું નિવારણ પણ ટ્વિટર પર આવી રહ્યું છે. ટ્રેનમાં ગુંડા હેરાન કરતા હોય અને છોકરીએ ટ્વીટર પર ટ્વીટ કર્યું અને રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તેની નોંધ લઈ તરત જ રેલવે પોલીસને જાણ કરી તેને મોકલી આપી અને ગુંડાથી બચાવી. વિદેશમાં ફસાયેલા નાગરિકો ટ્વીટ કરે અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ તેમને ઉગારવા માટે કાર્યવાહી કરી તેમને ભારત સલામત લાવે તેવા બનાવો પણ બન્યા છે. ક્યાંક જવું હોય તો ટૅક્સી/કેબની ઍપ પર બુક કરાવી નાખો એટલે ટૅક્સી તમારા ઘરે આવીને ઊભી રહે.

બધું જ ઑનલાઇન થઈ રહ્યું છે. સરકારનું કામકાજ પણ મોટા ભાગનું ઑનલાઇન થઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’નો મંત્ર આપ્યો છે. તાજેતરમાં તેમણે સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ ઇન્ટિગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું. નોટબંધી દરમિયાન એટીએમ બંધ હતા અને ૫૦૦-૧૦૦૦ની નોટ પણ બંધ થઈ હતી તેમજ ચેકથી પૈસા ઉપાડવામાં પણ મર્યાદા હતી ત્યારે ફોનમાં ભીમ ઍપ કે પેટીએમ ઍપ દ્વારા પૈસાની લેવડદેવડ થઈ શકતી હતી.

પરંતુ ક્યારેય કોઈએ વિચાર્યું નહોતું કે બધું જ ઓનલાઇન અને પીસી/મોબાઇલ આધારિત કરવા જવામાં મોટું જોખમ રહેલું છે. જો ફાઇલો હોય તો અલગ-અલગ બ્રાંચમાં માહિતી અલગ-અલગ વહેંચાયેલી હોય પરંતુ ડેટા તો સર્વરમાં જ હોય. અને તેના પર દુશ્મન ત્રાટકે તો આખા દેશનો આર્થિક વ્યવહાર બંધ થઈ જાય. એ તો ઠીક પરંતુ સંવેદનશીલ ડેટા ચોરાઈ જાય તો મોટી ઉપાધિ આવી પડે.

ભગવાને સૃષ્ટિના નિર્માણની સાથે સૃષ્ટિના વિનાશનાં તમામ પરિબળો પણ બનાવી દીધા. જે ચીજથી સર્જન થાય છે તે જ વિનાશ પણ લાવે છે. સૂર્ય, પવન, જળ, પૃથ્વી, આકાશ, આ પંચ મહાભૂતનું વિશ્વ બનેલું છે અને આપણું શરીર પણ. અને આ પાંચેય તત્ત્વો વિનાશનાં કારણો પણ બને છે. લૂ (સનસ્ટ્રૉક), વાવાઝોડું, સુનામી, પૂર, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી વગેરે કુદરતી હોનારતો છે જે આ પંચમહાભૂતોના કારણે આવે છે.

આ જ રીતે ચપટીમાં કામ કરી આપતી પીસી, મોબાઇલ અને ઓનલાઇન દુનિયાના સર્જન પછી થોડા જ સમયમાં વાઇરસના ખતરા ઝળુંબવા તો લાગ્યા જ હતા. તેના માટે એન્ટી વાયરસ સૉફ્ટવેર જરૂરી બન્યા પરંતુ તેમ છતાં તેને ભેદીને પણ વાઇરસ આવવા લાગ્યા. વળી, અસલ ઓએસ, અસલ સૉફ્ટવેરની ઊંચી કિંમતના કારણે ભારત જેવા દેશોમાં તો પાઇરેટેડ સૉફ્ટવેરની વધુ બોલબાલા હોય. તેમાં એન્ટી વાઇરસ સૉફ્ટવેર પણ કાં તો ફ્રી હોય અથવા તો પાઇરેટેડ. એટલે સુરક્ષા પ્રત્યે જોખમ વધુ ઊભું થયું.

પરંતુ ૧૨ મે ૨૦૧૭. આ દિવસ કદાચ સાઇબર જગતના વિશ્વવ્યાપી ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ ગણાશે, કારણકે આ દિવસે ભારત, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયા, જાપાન, સ્પેન,  સહિત વિશ્વના ૧૫૦ દેશોમાં એક સાથે સાઇબર હુમલો થયો! હેકરોએ એક સાથે ૨.૩૦ લાખ કમ્પ્યૂટરોને માંદા પાડી દીધા! વૉન્નાક્રાય રેન્સમવૅર નામના વાઇરસ ક્મ્પ્યૂટરમાં ઘૂસવા લાગ્યા. તેની શરૂઆત યુકેની હૉસ્પિટલથી થઈ. યુકેની અનેક હૉસ્પિટલમાં કમ્પ્યૂટર અને ફૉન બંધ થઈ ગયાં. એમઆરઆઈ સ્કૅનર, બ્લડ સ્ટૉરેજ રેફ્રિજરેટર, થિયેટર ઇક્વિપમેન્ટ વગેરે પર ભારે અસર થઈ. હૉસ્પિટલોમાં નાજુક તબિયતના દર્દી ન હોય તેવા દર્દીઓને પાછા વાળવા પડ્યા. કેટલીક એમ્બ્યુલન્સોને પણ બીજે મોકલવી પડી. તે પછી અનેક દેશોમાં હૉસ્પિટલો, મોટી-મોટી કંપનીઓ અને સરકારી કાર્યાલયોની વેબસાઇટ પર હુમલાઓ થયા.

સ્વિડન, ફ્રાન્સ અને બ્રિટનમાં પણ આ હુમલાઓ થયા હતા. ૨૪ કલાકમાં એક લાખથી વધુ કમ્પ્યૂટરો હૅક થઈ ગયા. ભારતમાં સાઇબર નિષ્ણાતો મુજબ, અનેક કૉર્પોરેટ, સંસ્થાઓ અને વ્યક્તિઓને આ વાઇરસથી અસર થઈ. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના રિપોર્ટ મુજબ, બૅન્કો, સરકારી કાર્યાલયો અને કૉર્પોરેટ ગૃહોએ સાવચેતીના સંદેશાઓ આપ્યા અને ઑનલાઇન સિક્યૉરિટીનો ચુસ્ત અમલ કર્યો. જોકે કામકાજ-વેપારને બહુ અસર નહોતી થઈ. આંધ્રપ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં થોડી અસર વર્તાઈ હતી. ગુજરાતમાં કલેક્ટર કચેરીઓ, પોલીસ મથકો અને આરટીઓ જેવાં સરકારી કાર્યાલયોમાં તેને અસર થતાં કામકાજ ઠપ થઈ ગયું હતું. ગુજરાતના જી-સ્વાન અને ઇ-ગુજકૉક નેટવર્કને પણ અસર થઈ હતી.

પણ આ વૉન્નાક્રાય રેન્સમવૅર છે શું? એ એક ટાઇપનો માલવૅર (એટલે કે ખરાબ સૉફ્ટવેર) છે જે કમ્પ્યૂટરમાં ઘૂસીને તેની ફાઇલોનું એક્સ્ટેન્શન બદલી નાખે છે અને તેને ખોલવી અશક્ય બનાવે છે. રેન્સમ એ અંગ્રેજી નામ છે જેનો અર્થ થાય છે ખંડણી. એટલે આ માલવૅરનો હેતુ ખંડણી (રેન્સમ) ઉઘરાવવાનો છે. જે હૅકરો છે તેમને તેમણે માગેલી બીટકૉઇન (ડિજિટલ ચલણ)માં ખંડણી (૩૦૦ ડૉલર) ન ચુકવાય ત્યાં સુધી ફરી કમ્પ્યૂટર ચાલુ ન થાય કે તેની અંદરનો ડેટા તમે ઍક્સેસ ન કરી શકો. તેમાં ડેડલાઇન પણ આપવામાં આવે છે જેની અંદર તમારે ખંડણી ચુકવી દેવી પડે. જો ડેડલાઇનમાં ન ચુકવો તો તેમાં મૂકેલા ટાઇમરના કારણે ખંડણી બમણી થઈ જાય.

આ હુમલા પાછળ કઈ કઈ વ્યક્તિઓ હતી કે કયો દેશ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ શંકાની સોઈ ઉત્તર કોરિયા તરફ તકાઈ રહી છે. જોકે આનું કોઈ પુષ્ટિ નથી થઈ શકી. વૉન્નાક્રાય અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થા (એનએસએ)એ બનાવેલા ઇટર્નલબ્લ્યુ ઍક્સ્પ્લૉઇટનો ઉપયોગ કરે છે જે શૅડૉ બ્રૉકર નામના હૅકર ગ્રૂપે બે મહિના પહેલાં જ રિલીઝ કર્યું હતું.

‘ઍક્સિડેન્ટલ હીરો’ નામના એક સુરક્ષા સંશોધકે તેને નિયંત્રણમાં લાવી દીધું છે. તેણે એક ડોમેઇન નેમ ૧૦.૬૯ ડૉલરમાં લીધું અને તેનાથી હજારો પિંગ અસરગ્રસ્ત ડિવાઇસોમાં ગઈ. તેનાથી રેન્સમવૅરનો અને તેના ફેલાવાનો નાશ થયો. જો આ કામ ન થયું હોત તો લાખો કમ્પ્યૂટરો અઠવાડિયાઓ સુધી ઠપ રહ્યાં હોત.

આ પહેલો હુમલો નથી. આ અગાઉ વર્ષ ૨૦૧૩માં યાહૂનાં લગભગ ૧ અબજ ખાતાંનો ડેટા ચોરાયો હતો. પરંતુ આ સૌથી મોટો હુમલો છે કારણકે તેણે વિશ્વનાં ૧૫૦ દેશોને નિશાન બનાવ્યો છે અને લાખો કમ્પ્યૂટરને અસર કરી છે.

ભવિષ્યમાં આ હુમલા અંગે ઘણી માહિતી બહાર આવશે કે આ કાર્ય કોઈ બદમાશોએ કર્યું હતું કે ચીન કે અમેરિકા જેવી મહાસત્તાની તેની હરીફ સત્તાઓને નબળી પાડવાની ચાલ હતી કારણકે અમેરિકા અને ચીન આ હુમલાથી બાકાત રહ્યા છે. અને ડિજિટલ ઇન્ડિયા બનવા માગતા ભારતે પણ આ હુમલામાંથી ઘણો બોધપાઠ લેવાનો છે કારણકે આ હુમલો તો એટલો ભયંકર નથી નિવડ્યો. આનાથી મોટા હુમલાઓ પણ થઈ શકે છે. બધું જ ઑનલાઇન કરવું એ જોખમી છે અને તે કરતાંય વધુ જોખમી એ છે કે તેના રક્ષણ માટેના પૂરતા ઉપાયો ન કરવા.

Advertisements
blog, technology

ગૂગલ પ્લે સ્ટોરમાં પણ આ બ્લોગ એપ પ્રાપ્ય છે

હવે મારી બ્લોગ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં પણ ઉપલબ્ધ છે. એપના ઢગલામાંથી સરળતાથી શોધવા jaywant pandya અથવા gujarati reading દ્વારા શોધો અને મોબાઇલમાં વાંચવાનો આનંદ મેળવો.

computer, internet

mystart.incredibarની લપમાંથી છૂટકારો

કમ્પ્યૂટરમાં ક્યારેક જાણતા કે અજાણતા એવી નકામી વસ્તુઓ આવી જતી હોય છે જે શી વાતેય નીકળતી નથી. મારે હમણાં આવું જ થયેલું. mystart.incredibar.com કરીને એક લપણી વેબસાઇટ હોમપેજ તરીકે ગૂગલ ક્રોમમાં ગોઠવાઈ ગયેલી. પહેલી વાર ગૂગલ ક્રોમ ખોલીએ તો ન આવે, પણ નવું ટેબ ખોલો તો જ આવે.

અનેક પ્રયાસો કર્યા નીકળે જ નહીં, આખરે આ કામમાં સફળતા મળી. કોઈને આવી ઉપાધિ આવી જાય તો કઈ રીતે બહાર નીકળવું તેનું સરળ ગુજરાતીમાં સમજાવવાનું અહીં પ્રયોજન છે. બાકી ઇન્ટરનેટ પર અંગ્રેજીમાં તો મળી જ જશે.

પહેલાં તો searchમાં જઈને incredibar શોધ્યું. જેટલા ફોલ્ડર અને ફાઇલ હતી તેટલી ડિલિટ કરી. પરંતુ તે પછીય આ ઉપાધિ ચાલુ જ રહી. ત્યાર પછી કમ્પ્યૂટર પણ રિસ્ટાર્ટ કરી જોયું તોય જૈસે થે. એ પછી ઇન્ટરનેટ પર ખાંખાખોળા કર્યા અને એન્ટિ માલવેર (malware) સોફ્ટવેર ડાઉનલોડ કર્યું અને સ્કેનિંગ કર્યું. તોય નિષ્ફળતા મળી. એ પછી રજિસ્ટ્રીમાં જઈને કાઢવા પ્રયાસ કર્યો, તોય નિષ્ફળતા.

છેવટે આ ઉપાય કારગત રહ્યો.

searchમાં જઈને incredibarની શોધ ઉપરાંત coolyou’, ‘conduit’ અને  ‘perion’ શોધી તેનાં ફોલ્ડર-ફાઇલો ડિલિટ કરી.

અત્યારે તો આ લપથી છૂટકારો મળી ગયો છે.

(નોંધ : મનમાંથી પણ આવી નકામી વાતો કાઢવાનું સોફ્ટવેર શોધાય તો કેવું!)

 

computer, internet, trend

વેબસાઇટ પરની જાહેરખબરો : અતિથિ તુમ કબ જાઓગે?

જાહેરખબરો કોઈ પણ માધ્યમ માટે જરૂરી છે. એમ કહેવાય કે જાહેરખબરો આવે તો કર્મચારીઓના પગાર નીકળે. એક વખતે દૂરદર્શન પર જાહેરખબરો એટલી આવતી કે તેનાથી ત્રાસી જવાતું. ખાસ તો રવિવારે. રવિવારે ૭.૩૦ વાગ્યે ફિલ્મ આવતી. વીસેક મિનિટ સુધી જાહેરખબરો આવે તે પછી જ ફિલ્મ ચાલુ થતી. પણ ફિલ્મ ક્યારે ચાલુ થઈ જાય ને શરૂઆત ચુકી ન જવાય (કારણકે તે વખતે મનોરંજનના, અત્યારે છે તેટલાં અઢળક માધ્યમો નહોતાં) એટલે લોકો આપેલા સમયે ટીવી ચાલુ કરી દેતાં અને જાહેરખબરો પરાણે જોવી પડતી. જોકે કેટલીક જાહેરખબરો જોવી ગમતી પણ ખરી.

એ પછી વચ્ચે જાહેરખબરો આવવાનું શરૂ થયું. ’૯૫ પછી તો દૂરદર્શન પર એટલી જાહેરખબરો (શુક્રવારે) ફિલ્મની વચ્ચે આવતી કે એમ કહેવાતું કે જાહેરખબરોની વચ્ચે ફિલ્મ આવે છે. ખાનગી ચેનલો આવી ત્યારે શરૂઆતમાં આવું નહોતું, પણ ધીરે ધીરે આ દૂષણ એમાંય આવ્યું. અદ્દલ છાપાની જેવું!

કોઈ પણ છાપું કે સામયિક નવું નીકળે એટલે શરૂઆતમાં જાહેરખબરોના ફાંફા હોય. પરિણામે વાંચનસામગ્રીથી ભરપૂર છાપું કે સામયિક લાગે. પછી જેમ જેમ તે જામતું જાય એટલે ઘણી વાર જાહેરખબરોની વચ્ચે વાંચનસામગ્રી આવે. આમાં વાચકદ્રોહ થતો હોય છે. પણ હવે લગભગ બધાએ સ્વીકારી લીધું છે કે છાપા, સામયિક કે માધ્યમમાં જાહેરખબરોને પહેલું પ્રાધાન્ય આપવું જ જોઈએ. છાપામાં કે સામયિકમાં જાહેરખબરોને સમાચારની જેમ લેવામાં આવવા લાગ્યા છે અને આ જ ચાલ (ટ્રેન્ડ) ટીવીની ન્યૂઝ ચેનલો પર પણ છે. સમાચારની વચ્ચો વચ્ચ જાહેરખબરોને મૂકી દેવાનો પણ ચાલ છે. તો બીજી તરફ, જાહેરખબર આપે તેનો ઇન્ટરવ્યૂ કે સમાચાર લેવાનો પણ ચાલ થતો જાય છે, જેનો અંગત રીતે હું વિરોધી છું.

ખેર, આપણે વાત કરતા હતા, જાહેરખબરોની નડતરની. જાહેરખબરો એવા સમયે ટીવી પર આવે કે આપણને સિરિયલ કે ફિલ્મમાં રસભંગ થાય. હવે વેબસાઇટો પર પણ આવું જ થવા લાગ્યું છે, તેમાં જોકે મને તો વધુ દોષ વેબસાઇટની ડિઝાઇન કરનારાનો લાગે છે.

પહેલાં શું થાય છે તે સમજીએ. ઘણી વેબસાઇટ ખોલો કે ટપ્પ દઈને તમારી સ્ક્રીન પર જાહેરખબરનું, જેમ હોરર ફિલ્મમાં કોઈ પાત્ર કે ચીજ અચાનક ટપકી પડે તેમ ઉપરથી કે નીચેથી, જમણેથી કે ડાબેથી ટપકી પડે. અલબત્ત, દરેક જાહેરખબરમાં (x) નિશાની સાથે ક્લોઝ લખેલું હોય છે. પણ બદમાશી એવી કરે કે એ ક્લોઝ સફેદ અક્ષરમાં હોય એટલે તમને દેખાય જ નહીં! ઘણી જાહેરખબરો એવી ચોટડૂંક હોય કે તમે ક્લોઝ પર ક્લિક કરો તોય બંધ થવાનું નામ ન લે. અચ્છા માન્યું કે એ જાહેરખબરનો હેતુ એ છે કે તમે તેના પર એક વાર ક્લિક કરો અને એ બીજી વિન્ડો કે ટેબમાં ખુલે અને તમે તેની મુલાકાત લો એટલે તે પછી જે મુખ્ય વેબસાઇટ પર તમે જોતા હો ત્યાં બંધ થઈ જવી જોઈએ. પણ ના. આને તો પૂછવું પડે, ‘અતિથિ તુમ કબ જાઓગે?’ ઘણી વાર તો એ ડાબી બાજુ કે ઉપર પટ્ટામાં પથરાયેલી હોય અને વાંચન સામગ્રીના ભાગ પર આવરાયેલી હોય છે. પરિણામે વાંચનસામગ્રી પૂરેપૂરી તમે વાચી શકતા નથી.

(આવી વેબસાઇટો તમારા ધ્યાનમાં આવે તો તેની લિંક કોમેન્ટમાં આપી શકો છો.)

blog, computer, internet

વર્ડપ્રેસની થીમની મૂંઝવણ

વર્ડપ્રેસ અવારનવાર નવા થીમ દાખલ કરતું રહે છે. હવે તેણે સધન (નાણાં ચૂકવીને) મેળવાતી થીમ પણ દાખલ કરવા લાગી છે, પરંતુ મને મૂંઝવણ એ છે કે આજકાલ ચારપાંચ સારી થીમો છે. તેમાંથી કઈ થીમ રાખવી?

મેં Automattic થીમ રાખી હતી. આજે બીજી બે થીમ પર ધ્યાન ગયું છે. એક છે under influence અને બીજી છે DePo Masthead. આ ત્રણેત્રણ સારી છે. ચાલો, વારાફરતી અજમાવી જોઈએ. તમને કીબોર્ડ પર હાથ ચલાવીને કોમેન્ટ કરવાનું મન થાય તો કહેજો, કઈ થીમ તમને ગમે છે? મારો બ્લોગ કઈ થીમ પર સારો લાગે છે?

internet, mobile phones, technology

મોબાઇલ નંબરનું સ્થળ જાણવું છે?

ટેક્નોલોજી
તમારા જો સંપર્કો વ્યાપક હોય તો ઘણી વાર એવું બને કે નંબર ક્યાંનો છે તે તમને જાણવામાં રસ હોય. મારા પર રાજ્ય બહારના નંબર પરથી એસએમએસ આવ્યો. હવે તે ક્યા શહેરથી હશે તે ખબર નહીં. તેવામાં વેટુએસએમએસમાં નવી ઉમેરાયેલી સુવિધા પર ધ્યાન ગયું. ફાઇન્ડ લોકેશનમાં નંબર દાખલ કરો એટલે બીજી વિન્ડો ખુલે અને ગૂગલના નકશામાં સ્થળ બતાવી દે.

આમ તો આ વેટુએસએમએસ અને ઇન્ડિયા રોક્સ જેવી વેબસાઇટ મોબાઇલ ધારકો માટે આશીર્વાદરૂપ છે. તેમાં નંબર અને નામ દાખલ કરી દો અને ગ્રૂપ બનાવી દો એટલે એક સાથે અનેકને એસએમએસ વિના મૂલ્યે કરી શકો. મોબાઇલમાં કોઈ કારણસર બધા સંપર્કો ઊડી જાય તો ચિંતા નહીં. આ પ્રકારની વેબસાઇટ પરથી મળી જાય. વેટુએસએમએસમાં તો જીમેઇલ અને યાહૂ મેઇલ પણ જોઈ શકો. ઇન્ડિયા રોક્સ તો વળી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પણ છે.

ઇન્ટરનેટની જાળ વ્યાપક બની રહી છે તે નક્કી!

blog, computer, internet

આવું ચ્યમ થાય છ?

નેટ મૂંઝવણ

મથાળું વાંચીને ભરમાઈ ન જતાં. મેહાણવી (મહેસાણી ભાષા)ને લગતી કોઈ વાત નથી. આ તો, સૌરાષ્ટ્રની બોલીમાં ઘણી વાર લખાતું હોય એટલે થયું કે મેહાણવીમાં મથાળું આપું.

મૂળ વાત એ છે કે વર્ડપ્રેસમાં પેરેગ્રાફ પાડો તો જે ઇન્ડેન્ટ (એટલે કે ખાંચો પડવો- થોડી જગ્યા છૂટવી) છૂટવો જોઈએ તે છૂટતો નથી. એટલે હું એક લાઇનની જગ્યા છોડતો હોઉં છું. હવે થાય છે એવું કે બ્લોગમાં ન્યૂ પોસ્ટમાં જઈને લખતી વખતે અથવા તો વર્ડ કે નોટ પેડમાંથી કમ્પોઝ થયેલું ચોંટાડતી (પેસ્ટ) વખતે તો બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા (જેને કમ્પ્યૂટરની ભાષામાં લાઇન બ્રેક કહે છે) દેખાય પણ જ્યારે એ પોસ્ટ પબ્લિશ કરું તો નહીં! તેને એડિટ કરીને ફરી બે પેરેગ્રાફ વચ્ચે એક લાઇનની જગ્યા છોડી જોઈ અને તેને અપડેટ કરી જોયું તો એનું એ જ. છેલ્લી બે પોસ્ટમાં આવું થયું. જોકે તેની અગાઉની પોસ્ટમાં પેરેગ્રાફ વચ્ચે લાઇન જોવા મળે છે.

આવું ચ્યમ થાય છ?

પાછું અલગ-અલગ થીમ અજમાવતો હતો તો કેટલીક થીમમાં છેલ્લી (લેટેસ્ટ) બે પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચેની લાઇન દેખાય!

ટેક્નોલોજી સેવી કોઈ કહેશે કે આવું ચ્યમ થાય છ?

(આ પોસ્ટમાં બે પેરેગ્રાફ વચ્ચે લાઇન દેખાય છે તેના માટે મેં એચટીએમએલ કોડનો સહારો લીધો છે, પણ તેના માટે તમારે લાઇનની આગળ <p> ટાઇપ કરવું પડે. પછી જે તે વાક્ય અને અંતમાં
< br / > ટાઇપ કરવું પડે અને તે પણ પોસ્ટના કંપોઝ બોક્સની ઉપર વિઝ્યુઅલમાંથી એચટીએમલનો વિકલ્પ બદલીને, નહીંતર એવું છપાઈ જાય; જેમ કે મેં અહીં એચટીએમએલમાં આ લાઇનને બ્રેક કરી છે અને પછી વિઝ્યુઅલમાં જઈને <p> ટાઇપ કર્યું છે જેના લીધે તમે આ અંગ્રેજી મૂળાક્ષર પીને આગળપાછળ બ્રેકેટમાં જોઈ શકો છો.)