disaster, gujarat guardian

ભૂકંપ એ ઈશ્વરે આપેલી સજા છે?

વિજ્ઞાન અને શ્રદ્ધા બંને ઘણી વાર સાથે ચાલે છે, તો ક્યારેક એકબીજાથી વિરુદ્ધ દિશામાં. બંને વચ્ચે ટક્કર પણ ચાલતી રહે છે, ઘણી વાર શ્રદ્ધા જીતે છે તો ક્યારેક વિજ્ઞાન. નેપાળમાં આવેલો ભૂકંપ હોય કે કચ્છમાં આવેલો ભૂકંપ…સાત દિવસ પછી જ્યારે બાળક જીવતું નીકળે કે પાંચ-છ માળેથી પડ્યા પછી પણ જીવ બચે ત્યારે શ્રદ્ધાને માનવાનું મન થાય તો ક્યારેક વિજ્ઞાને શોધેલી ટૅક્નૉલૉજીના કારણે વૃદ્ધ માણસ પણ નવા રૂપરંગ ધારણ કરી યુવાન બની જાય છે. ઇતિહાસ સાક્ષી છે કે કોઈ પણ કુદરતી આપત્તિ આવી છે ત્યારે શ્રદ્ધા પ્રગટે છે અને ક્યારેક તે અંધશ્રદ્ધાનું રૂપ પણ લઈ લે છે. વિક્રમ રાજાની વાર્તામાં ઘણી વાર આપણે વાંચ્યું હશે કે કોઈ બત્રીસલક્ષણો ઉકળતા તેલમાં પડે તો પ્રલય નહીં આવે, વગેરે વગેરે.

નેપાળમાં આવેલા ભૂકંપ પછી, આવી ઘણી લોકવાયકા, શ્રદ્ધા કે અંધશ્રદ્ધા ચાલી. કોઈકે કહ્યું કે નેપાળમાં પશુબલિ બહુ જ અપાય છે તેથી શિવજી (પશુપતિનાથ) કોપાયમાન થયા. વિહિપનાં નેતા સાધ્વી પ્રાચી, પણ તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કાઠમંડુ ગયા તેથી નેપાળ પર કુદરતી આપત્તિ આવી પડી. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે રાહુલ ગાંધી માંસ ખાય છે અને તે શુદ્ધિકરણ વગર કેદારનાથની મુલાકાતે ગયા તેથી આ આપત્તિ આવી પડી. હવે સાધ્વી પ્રાચીની વાત તો હજુ સમજાય કે રાહુલ કાઠમંડુ ગયા અને નેપાળમાં ભૂકંપ આવ્યો તેવો તેમણે તર્ક આપ્યો, પણ સાક્ષી મહારાજની વાતમાં કોઈ તર્ક ખરો? રાહુલ કેદારનાથ જાય એમાં નેપાળમાં ભૂકંપ શા માટે આવે? પહેલી વાત તો એ કે આવા લોકોનાં આવાં નિવેદનો જ હિન્દુ ધર્મથી લોકોને દૂર કરે છે. હા, એ વાત સાચી કે કોઈ ધર્મસ્થાને જવાનું હોય ત્યારે તેના નીતિનિયમો જરૂર પળાવા જોઈએ, પરંતુ કોઈ ચાર ધામની યાત્રા કરે કે કોઈ મંદિરના દર્શન કરે તેમાં વિરોધ ન હોવો જોઈએ. રાહુલ જેવા યુવાન કેદારનાથની યાત્રા કરે તો અન્ય યુવાનોને પણ પ્રેરણા મળી શકે. રાહુલ તો પાછા પગપાળા ગયા. ધારત તો ડોળી કે ઘોડા પર બેસીને જઈ શકત.

દરેક સમયમાં આવી અંધશ્રદ્ધા પ્રચલિત હોય છે. ભારતની સામાન્ય રીતે અંધશ્રદ્ધાળુઓના દેશની છાપ પડી ગઈ છે. એનું કારણ એ છે કે પશ્ચિમી માધ્યમોએ ભારત વિશે આવું ઠોકી બેસાડ્યું છે અને હિન્દુ ધર્મને પણ અંધશ્રદ્ધાના ચોકઠામાં બેસાડી દીધો છે, જ્યારે કે હિન્દુ ધર્મ સૌથી વધુ તર્ક પર આધારિત છે અને તેનાં શાસ્ત્રો તો પ્રશ્ન-જવાબની રીતે રચાયાં છે. ૨૦૧૧માં હૈતીમાં જબરદસ્ત ભૂકંપ આવ્યો હતો. તેમાં લાખો લોકો માર્યા ગયા હતા. તે વખતે પેટ રોબર્ટસન નામના ખ્રિસ્તી ધર્મ પ્રચારકે શું કહ્યું જાણો છો? તેમણે કહ્યું કે “આ ભૂકંપ તો આપત્તિમાં આશીર્વાદ સમાન છે. તેનાથી પુનર્નિમાણ થશે.” આ તો બરાબર. એમાં કોઈ નકારી ન શકે કે આપત્તિ આશીર્વાદ સમાન લેવી જોઈએ તેમ હકારાત્મક વિચારધારા કહે છે. અને આપણે કચ્છનું ઉદાહરણ જોયું જ છે. પરંતુ આ રોબર્ટસને આગળ કહ્યું : “હૈતીના લોકો જ્યારે ફ્રાન્સના અત્યાચારો સામે લડી રહ્યા હતા ત્યારે તેમણે શેતાન સાથે સમજૂતી કરી કે  જો તમે અમને ફ્રાન્સની ચંગુલમાંથી છોડાવશો તો અમે તમારી સેવા કરીશું. આથી શેતાન માની ગયો. તેમણે ફ્રાન્સને હાંકી કાઢ્યું. હૈતીના લોકોને સ્વતંત્રતા મળી ગઈ પરંતુ ત્યારથી તેમને એક પછી બીજો શાપ મળતો જ રહ્યો છે.”

અત્રે એ ઉલ્લેખનીય છે કે હૈતી એક સમયે ફ્રાન્સના સામ્રાજ્યનો ભાગ હતું પરંતુ ૧૮૦૪માં હૈતીએ ક્રાંતિ કરી અને ફ્રાન્સને હાંકી કાઢ્યું. હૈતીના ૨૦૧૦ના ભૂકંપ પછી ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સરકોઝી હૈતી આવ્યા હતા. તેઓ હૈતીની મુલાકાત લેનારા પહેલા ફ્રાન્સ પ્રમુખ હતા.

બોલો! રોબિન્સનભાઈ તો સાક્ષી મહારાજ કરતાં પણ ચાર ચાસણી ચડ્યા ને. તેમણે તો કપોળકલ્પિત વાત કરી. ફ્રાન્સના અત્યાચારોમાંથી બચવા હૈતીના લોકો ક્રાંતિ કરે તેને આ ભાઈ શેતાન સાથે સમજૂતી તરીકે ગણાવે છે અને હૈતીમાં આવેલી ધરતીકંપની આપદા આ શેતાન સાથે સમજૂતીના કારણે આવી હોવાનું કહે છે. એટલું જ નહીં, તેઓ આગળ વધીને એમ કહેવાનું ચૂકતા નથી કે આ સમજૂતીના લીધે જ હૈતી પર એક પછી એક કઠણાઈ આવતી રહી છે. આ પેટ રોબર્ટસન પાછા અમેરિકન મિડિયા મોગલ છે. તેઓ રૂઢિચુસ્ત ખ્રિસ્તી વિચારોને સમર્થન આપતા રહ્યા છે. તેમણે અનેક મોટી સંસ્થાઓ અને કૉર્પોરેશન અને યુનિવર્સિટી સ્થાપી છે. તેમની યુનિવર્સિટીમાં કેવું શિક્ષણ અપાતું હશે તે વિચાર આવે છે?

આ બધું આપણા મિડિયામાં નથી આવતું. આપણું મિડિયા હિન્દુ દ્વેષથી પીડાય છે. તે સાક્ષી મહારાજના બફાટને બતાવે તેમાં કોઈ વાંધો નથી, પણ રોબિન્સનની વિવાદાસ્પદ ટીપ્પણીને ૨૦૧૦માં બતાવી હતી?

જો રોબિન્સનની થિયરીને માની પણ લઈએ તો અમેરિકામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી દુષ્કાળ, કેટરીના ચક્રાવાત, હિમ તોફાન, સેન્ડી તોફાન, મિસિસીપીમાં પૂર જેવી કેટલીય પ્રાકૃતિક આપદાઓ ત્રાટકતી રહી છે તો તેને શું માનવું? શું અમેરિકાએ પણ શેતાન સાથે સમજૂતી કરી છે? શું અમેરિકા પર પણ કોઈ શાપ લાગ્યા છે? અમેરિકાના પ્રમુખ ઓબામાએ પણ હૈતીના ભૂકપં વખતે સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું: આપણે આપણા દક્ષિણના પડોશી સાથે એક થઈને ઊભા છીએ, એ જાણતા હોવા છતાં કે તેના પર ઈશ્વરની કૃપા નથી, આપણે ત્યાં જઈએ છીએ. ઓબામાનો ઈરાદો રોબિન્સન જેવો હશે કે નહીં તે ખબર નહીં, પણ એ વાત પણ સત્ય છે કે કોઈ પણ માણસ બચી જાય છે તો પહેલું વાક્ય તેના મોઢામાંથી નીકળે છે કે ભગવાનની કૃપાથી હું બચ્યો. ઓબામાના મોઢામાંથી પણ આ જ રીતે ઈશ્વરનો ઉલ્લેખ નીકળ્યો હશે.

હૈતીના ભૂકંપ વખતે જ નહીં, ઈ.સ. ૧૭૫૦માં લંડનમાં બે નાના આંચકા આવ્યા હતા ત્યારે પણ લંડનના બિશપે આ માટે લંડનવાસીઓના વ્યભિચારને જવાબદાર ગણાવ્યો હતો. ઑક્સફર્ડના બિશપે કહ્યું હતું કે ઈશ્વરે આપણને ચેતવવા અને આપણને આપણા પાપમાંથી બહાર કાઢવા માટે આવું કર્યું છે. લંડનના બ્લુમ્સબરીમાં ખ્રિસ્તી ક્લર્જી ડૉ. વિલિયમ સ્ટુકીલીએ કહ્યું હતું કે ઈશ્વર જ્યારે ક્રોધે ભરાય છે ત્યારે તે ધરતીકંપ લાવે છે.

ઈ.સ. ૧૭૫૫માં લિસ્બનમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો અને તે તેમાં શૂન્યવત્ થઈ ગયું હતું ત્યારે એક ખ્રિસ્તી ધર્મોપદેશકે કહ્યું હતું કે જે લોકો જીવતા રહ્યા છે તેઓ પ્રમાણમાં નસીબદાર છે કેમ કે ભગવાને જેટલા લોકોને માર્યા છે તેના કરતાં વધુ લોકોને બચાવ્યા છે. ચર્ચની અંદર સુધારાઓ કરવા જોન વેસ્લી નામના એક ભાઈએ ચળવળ ચલાવી હતી તેમણે લખ્યું હતું કે પાપીઓ પર પ્રભાવ પાડવા ધરતીકંપ સિવાય બીજી કોઈ દિવ્ય અનુગ્રહ ન હોઈ શકે.

તમે માની શકો, ઈ. સ. ૧૯૩૪માં જ્યારે આજની જેમ જ નેપાળ અને બિહારમાં ભૂકંપ આવ્યો ત્યારે મહાત્મા ગાંધીજી, જેને મોટા સુધારક અને મહાન વિચારક પણ મનાય છે તેમણે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું: આપણે લોકોએ હરિજનો સામે જે પાપ આચર્યાં છે તેના કારણે ઈશ્વરીય સજા આપણને મળી છે. ઈશ્વરે બિહારીઓને સજા આપી છે કારણકે તેઓ દલિતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે.

આનો નોબલ પુરસ્કાર વિજેતા, આપણું રાષ્ટ્રગીત રચનાર, કવિવર રવીન્દ્રનાથ ટાગોરે સખત વિરોધ કર્યો હતો. તેમણે એક પત્ર લખ્યો અને વિનંતી કરી કે ગાંધીજીના સામયિક ‘હરિજન’માં તેને પ્રગટ કરવામાં આવે. ટાગોરે ગાંધીજીના મંતવ્ય પ્રત્યે દુઃખદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને તેને અવૈજ્ઞાનિક વિચાર ગણાવ્યો હતો. બ્રહ્માંડમાં જે થાય છે તેને નૈતિકતા સાથે જોડવું ખોટું છે તેમ ટાગોર માનતા હતા. તેમણે પોતે ગાંધીજીના આવા વિચારોથી ભારે દુઃખી થયા છે તેવું લખ્યું.

ગાંધીજીએ એ પત્રનું શું કર્યું? પોતાનાથી વિરુદ્ધ વિચારનો એ પત્ર હતો એટલે કચરા ટોપલીમાં નાખી દીધો? ના. તેમણે એ પત્ર છાપ્યો. સાથે પોતાનો જવાબ પણ છાપ્યો: “મારા માટે, દુષ્કાળ, પૂર, ભૂકંપ જેવી આફતો માણસની નૈતિકતા સાથે જોડાયેલી છે. આથી મને લાગે છે કે ધરતીકંપ એ અસ્પૃશ્યતાની સજા છે. સનાતનીઓ એવું માની શકે છે કે હું અસ્પૃશ્યતા સામે ઉપદેશ આપું છું તે ગુનાની આ સજા છે. હું પશ્ચાતાપ અને આત્મશુદ્ધિની વિનંતી કરું છું. પ્રકૃત્તિના સિદ્ધાંતો પ્રત્યે મારા અજ્ઞાનને હું સ્વીકારું છું પરંતુ હું નાસ્તિકો સમક્ષ ઈશ્વરનું અસ્તિત્વ પુરવાર કરી શકતો નથી, જે રીતે હું બિહારમાં આફત સાથે અસ્પૃશ્યતાના પાપનો સંબંધ પુરવાર કરી શકતો નથી. જોકે એ જોડાણ, એ સંબંધને હું અનુભવું છું.”

ગાંધીજી જેવા બેરિસ્ટરે આવું વિધાન કેમ કર્યું હશે? તેમણે ભૂકંપને અસ્પૃશ્યતા સાથે શા માટે જોડ્યો હશે? કદાચ એટલે કે એ વખતે ભારતીયોમાં અસ્પૃશ્યતાને દૂર કરવા તેમને ભૂકંપની ઘટના હાથવગી લાગી હશે. જેમ, હિન્દુ ધર્મમાં ઘણી વાતો નૈતિકતા સાથે જોડવામાં આવી છે અને માણસ ખોટું કામ, જેને ધર્મની ભાષામાં પાપ કહે છે, તે ન કરે તે માટે તેને નર્કનો ભય બતાવાયો છે, તેમ ગાંધીજીને લાગ્યું હશે કે જો અસ્પૃશ્યતાને પાપ ગણાવીને તેને ભૂકંપ સાથે જોડી દેવામાં આવે તો લોકો ભયથી અસ્પૃશ્યતા નહીં આચરે અને આ કલંક દૂર થશે.

(ગુજરાત ગાર્ડિયનની  બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૬/૫/૧૫ના રોજ આ લેખ છપાયો.)

Advertisements
disaster, international

૨૦૧૨ : વિહંગાવલોકનઃ દુનિયાના અંતની શરૂઆત?

મય સંસ્કૃતિ પ્રમાણે ૨૦૧૨ના ડિસેમ્બરમાં દુનિયાનો અંત થઈ જશે. આ વાતને સાચી માનીએ કે ન માનીએ, એક વાત માનવી પડે તેવી છે આ ૨૦૧૨ના વર્ષમાં અને તે એ કે આ વર્ષ કુદરતી આફતોનું રહ્યું.

આ વર્ષે અમેરિકામાં ‘સેન્ડી’ વાવાઝોડાએ હાહાકાર મચાવી દીધું અને અત્યાધુનિક ટેક્નોલોજી પર મુસ્તાક એવા આ સુપરપાવરને પણ પંગુતાની અનુભૂતિ કરાવી દીધી. ૮૦થી વધુ લોકો માર્યા ગયા અને લાખો લોકો બેઘર બનીને અસરગ્રસ્ત બન્યા. વીજળી વિનાની જિંદગી કેવી હોય તેનો અહેસાસ આ રોશનીથી ફાટફાટ નગરીઓના રાષ્ટ્રને થઈ ગયો. કમ્યૂનિકેશનના સાધનો સાથે પળેપળ વિતાવતા લોકોને સાધનો કામ ન કરે ત્યારે શું હાલત થાય તે અનુભવાઈ ગયું. દક્ષિણ ભારતમાં ‘નીલમ’ વાવાઝોડાએ પણ ત્રાસ ફેલાવ્યો. આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદના કારણે નોંધપાત્ર મૃત્યુ પણ થયાં.

અમેરિકા સાથે મહાસત્તાની હરીફાઈ કરી રહેલા ચીન અને તેની સાથે સાથે જાપાન અને ફિલિપાઇન્સમાં પણ ‘સન તિન્હ’ વાવાઝોડાએ ૩૫ લોકોને ભોગ બનાવ્યા.

ઈરાનમાં ભૂકંપમાં ૨૫૦ લોકો મોતને શરણ થયા અને ૧૬,૦૦૦ લોકો ઘરવિહોણા બન્યા. ગ્વાટેમાલામાં પૃથ્વીની ભયંકર ધ્રૂજારીથી ઓછામાં ઓછા ૭૫ લોકોનાં મોત થયા.

૨૦૧૨ના વર્ષે ઓછા વરસાદે પણ વિપત્તિ આણી. દુષ્કાળથી અમેરિકા અને ભારતના લોકો ત્રાહિમામ પોકારી ગયા. ભારતમાં તો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી એમ અનેક રાજ્યોમાં ૭૧ ટકા સુધી ઓછો વરસાદ પડ્યો. જોકે રાજકારણીઓએ દુષ્કાળની સ્થિતિ જાહેર ન થવા દીધી. અનેક પશુઓનાં મોત થયાં.

એક તરફ, ઓછા વરસાદથી આપદા, તો બીજી તરફ, વધુ વરસાદ અને પૂરથી આફત! એક સમયે અમેરિકાની સામેના ધ્રૂવના ગણાતા રશિયામાં આ વર્ષે આવેલા પૂરનો ૧૪૪ લોકો ભોગ બન્યા. તો આસામમાં  ૨ લાખ લોકો અસરગ્રસ્ત થયા. (વિચારો, આટલા લોકો અમેરિકામાં અસરગ્રસ્ત થયા હોત તો કેવડા મોટા સમાચાર બન્યા હોત? પણ આસામની બહુ ઓછા અખબારો/ચેનલોમાં નોંધ લેવાઈ હતી).

આ સિવાય વધતી ગરમી અને ઠંડીથી તો વણનોંધાયેલાં અનેક મોત થયા અને એન્સિફિલિટિસ (મગજના તાવ) ડેન્ગ્યુ જેવા રોગચાળાએ પણ અનેકોને મોતના ભરડામાં લીધા.