education, film, international, media, sanjog news, vichar valonun

અમેરિકામાં લિબરલોની અસહિષ્ણુતા અને દાદાગીરી!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૮/૭/૧૮)
ભારતમાં તમે જો અક્ષયકુમાર, નાના પાટેકર, અનુપમ ખેર, મધુર ભાંડારકર, અભિજિતની જેમ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હો તો તમારી કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગી શકે અથવા તે માટેના પ્રયાસો થઈ શકે. ફિલ્મોમાં તમે ગમે તેટલું સારું કામ કર્યું હોય, પણ કહેવાતા રાષ્ટ્રવાદીઓ સત્તામાં હોય તો પણ તેઓ તેમના સમર્થકોની પડખે ઊભા નથી રહેતા જેટલા લિબરલ વિચારવાળા લોકો સત્તામાં હોય ત્યારે ઊભા રહે છે. હૉલિવૂડમાં પણ આવું જ છે. સ્ટેસી ડેશ નામની હૉલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રીએ ૨૦૧૨માં ત્યાંના રાષ્ટ્રવાદી ગણાતા રિપબ્લિકન પક્ષના રાષ્ટ્રપ્રમુખના ઉમેદવાર મીટ રૉમ્નીને ટેકો જાહેર કર્યો તો તે બ્લેકલિસ્ટ થઈ ગઈ! (આ સ્ટેસીએ ૨૦૦૮માં બરાક ઓબામાને મત આપ્યો હતો પરંતુ ઓબામાનું ચાર વર્ષનું શાસન તેને પસંદ ન પડ્યું એટલે તેણે પોતાનો અભિપ્રાય બદલ્યો અને તે જનતાને જણાવ્યો એનું તેણે ભોગવવું પડ્યું.)

સ્ટેસી ડેશે પોતાના પુસ્તક ‘ધૅર ગૉઝ માય સૉશિયલ લાઇફ: ફ્રૉમ ક્લુલેસ ટૂ કન્ઝર્વેટિવ’માં લખ્યું છે, “મેં ટ્વીટ કર્યું કે રૉમ્નીને મત આપો. અને બીજા દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ! મને લોકો કહેવા લાગ્યા કે હું અશ્વેત લોકોને પસંદ નથી કરતી.” સ્ટેશીએ સીએનએસન્યૂઝ ડૉટ કૉમને આપેલા ઇન્ટરવ્યૂમાં બેધડક કહ્યું કે “મારી રાજકીય માન્યતાઓના કારણે મને કામ મળતું બંધ થઈ ગયું. મને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. મારા ઍજન્ટોએ મને પડતી મૂકી દીધી.”

આવું જ ટીમ એલન સામે થયું. લિબરલો ગમે તેની, ગમે તેવી નીચલી કક્ષાની મજાક ઉડાવી શકે (તન્મય ભટ્ટ વગેરેની એઆઈબી તેનું મોટું ઉદાહરણ છે) પરંતુ જો રૂઢિચુસ્તો તેમ કરે તો કલાજગતમાંથી ફેંકાઈ જાય. ટીમ એલન અમેરિકાની એબીસી ચેનલ માટે ‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ નામનો કૉમેડી શૉ કરતા હતા. તેમાં રિપબ્લિકનોની અને રૂઢિચુસ્તોના હીરો જેમ કે રૉનાલ્ડ રૅગન, બેરી ગૉલ્ડવૉટરની પ્રશંસા થતી હતી. ડેમોક્રેટ પર જૉક થતા હતા.

એક જૉકનું ઉદાહરણ જોઈએ. અંગ્રેજીમાં જ તેની મજા આવશે.

Hillary Clinton’s therapist
Kyle (Christoph Sanders): So, you’re upset because you feel like you lost?
Ryan (Jordan Masterson): Yeah, losing sucks.
Kyle: We lose all the time, but we still enjoy ourselves. You have to learn to look at losing as a win.
Ryan: You sound like Hillary Clinton’s therapist.

વારંવાર હારવા છતાં હિલેરી ક્લિન્ટન કે રાહુલ ગાંધીની જેમ આનંદ કરતા રહેવાનું. બીજી જૉક ઓબામા પર હતી.

Mike: “If you’re a young person who’s not exactly sure where life is taking you, that’s okay. You know, we can’t all be Barack Obama and have our first job be president.”

માઇક કહે છે, “જો તમે યુવાન હો જેને ખબર નથી પડતી કે તેણે શું કરવાનું છે તો તેમાં કંઈ ખોટું નથી. આપણે બધા બરાક ઓબામા ન હોઈ શકીએ અને આપણી પહેલી નોકરી રાષ્ટ્રપ્રમુખ તરીકે ન હોઈ શકે.”

આ જૉક પણ રાહુલ ગાંધી પ્રકારનો જ કહી શકાય કે કોઈ મહેનત વગર સીધા ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બની ગયા.

જોકે ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આ શૉને અકારણ, અચાનક બંધ કરી દેવાયો!

આવાં તો કેટલાંય ઉદાહરણો છે. જ્યારે ઓબામાનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે મેલ ફ્લિન નામના હૉલિવૂડ કૉંગ્રેસ ઑફ રિપબ્લિકન્સના પ્રમુખે કહેલું કે “હૉલિવૂડમાં રિપબ્લિકનો પ્રત્યે ખૂબ જ ભેદભાવ થાય છે. હું એવા ઘણા લોકોને જાણું છું જેમણે પોતાનો રાજકીય વિચાર (મતલબ કે ડેમોક્રેટિકથી વિરોધી વિચાર) જાહેર કર્યો અને તેમને કામ ગુમાવવું પડ્યું હોય.” આવું જો અત્યારે ટ્રમ્પ કે મોદીના કાળમાં થાય તો તો હોહા મચી ગઈ હોય.

‘એલ્મર ગાન્ટ્રી’ નામની ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કાર જીતી ચૂકેલી અભિનેત્રી શર્લી જૉન્સે વર્ષ ૨૦૧૩માં શું કહેલું? “અહીં (એટલે કે હૉલિવૂડમાં) ખૂબ જ ખરાબ (સ્થિતિ) છે કારણકે તેઓ બધા જ ડેમોક્રેટ છે.” ડેમોક્રેટના લીધે તેમની કારકિર્દીને ખૂબ જ ફટકો પડ્યો છે.

જો તમે બોલકા હો (ડેમોક્રેટિક પાર્ટી વિરુદ્ધ) તો તમારી કારકિર્દીનું ભવિષ્ય ધૂંધળું છે આવું નિર્માતા ગ્રે માઇકલ વૉલ્ટર્સે કહ્યું હતું! કારણકે મનોરંજનનું જગત લિબરલોના વર્ચસ્વવાળું છે.

કેલ્સી ગ્રામર અભિનેતા, કૉમેડિયન, નિર્માતા, નિર્દેશક, લેખક અને ગાયક એમ બહિર્મુખી પ્રતિભા છે. તેમને ‘બૉસ’ નામની સિરિઝમાં પર્ફૉર્મન્સ માટે ગૉલ્ડન ગ્લૉબ મળ્યો હતો પરંતુ તે એવૉર્ડ પછી પાર્ટીમાં તેમણે પોતે રિપબ્લિકન હોવાનું જાહેર કર્યું અને તે પછી તેમને એમ્મી એવોર્ડમાં નામાંકન પણ ન મળ્યું! જય લીનો નામના પ્રસિદ્ધ ટેલિવિઝન હૉસ્ટને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “શું એ શક્ય છે કે એમ્મીનો કોઈ પણ સભ્ય કહેશે કે હા, તમારું પર્ફૉર્મન્સ તો સારું છે પણ તમારા વિચારોને હું ધિક્કારું છું (તેથી તમને એવૉર્ડ નહીં આપી શકાય)?”

ઓબામા પહેલી વાર અમેરિકા પ્રમુખ બન્યા તે પછી થોડા જ સમયમાં ‘બેવૉચ’ ફેમ અભિનેત્રી એન્જી હાર્મને ઓબામાની ટીકા કરી એમાં તો તેને રેસિસ્ટ ગણાવી દેવાઈ! આપણે ત્યાં કેટલાક વ્યક્તિની ટીકા કરવામાં આવા ટીકાકારને તેમની ટીકાના મુદ્દાને ધ્યાનમાં લીધા વગર જાતિ વિરોધી કે મઝહબવિરોધી ગણાવી દેવાય છે તેવું જ એન્જી હાર્મન સાથે થયું! એન્જી હાર્મનને ઓબામા જે રીતે સરકાર ચલાવતા હતા તે પસંદ ન પડ્યું અને તેમની ટીકા કરી તેમાં તેના પર આ રીતનાં માછલાં ધોવાયાં!

એન્જી મેયર ઑશેવ્સ્કી રાજકારણીઓ તેમજ મનોરંજન જગતના લોકો માટે પબ્લિક રિલેશન (પી.આર.)નું કામ કરે છે, તેમણે જે કહ્યું છે તે લિબરલોએ કાન ખોલીને સાંભળવા જેવું છે. તેમણે કહ્યું છે કે “હૉલિવૂડના જે લોકો સ્વીકૃતિની (એટલે કે સહિષ્ણુતાની-ઉદાર વિચારોની) વાતો કરે છે તેઓ રૂઢિચુસ્તો (કન્ઝર્વેટિવ) લોકો માટે દરવાજો બંધ કરનારા પહેલા હોય છે.” આમ, પોતાની જાતને સહિષ્ણુ અને ઉદાર ગણાવતા લિબરલો વિરોધી વિચારધારા પ્રત્યે જરાય સહિષ્ણુ કે ઉદાર હોતા નથી!

જોકે તેઓ માને છે કે રિપબ્લિકનો માટે સ્થિતિ એટલી બધી ખરાબ નથી. તેઓ તેમનો રસ્તો કાઢી જ લે છે. એ તો રહેવાનું જ. હિન્દી ફિલ્મોમાં સંજય દત્ત, શાહરુખ ખાન વગેરેએ ઋત્વિક રોશન, રાકેશ રોશનને પાડી દેવા કેટલી કોશિશ કરી! અક્ષયકુમાર-અજય દેવગનની સામે કેટલા પ્રપંચો કર્યા! અજય દેવગને તો આક્ષેપ કર્યા હતા કે ‘સન ઑફ સરદાર’ને શાહરુખ ખાન-યશરાજ ફિલ્મ્સે તેમની ‘જબ તક હૈ જાન’ વધુ સફળ રહે તે માટે પોતાનો રૂઆબ વાપરીને ઓછા થિયટેર મળે તેવો પ્રપંચ કર્યો છે અને આ માટે અજય દેવગન કમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયામાં પણ ગયો હતો. આવાં પ્રપંચો છતાં આ કલાકારો પોતાની મહેનતથી ટકી ગયા છે.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે જેમ ડાબેરીઓ-સેક્યુલરો-લિબરલો પગદંડો જમાવી બેસી ગયા છે અને પોતાના વિચારો યુવાનોમાં થોપી કન્હૈયાકુમારો, શેહલા રશીદ જેવાં ભારત તેરે ટુકડે હોંગે ગેંગના સમર્થકો તૈયાર કરે છે તેવું અમેરિકામાં પણ છે!

પશ્ચિમાંધ લોકો અમેરિકાની બજારવાદ, મૂડીવાદ, ફ્રી સેક્સ, ફિલ્મોમાં અશ્લીલતા વગેરેનો બચાવ કરતી વાતો જ કરશે પરંતુ તેનો સાચો ચિતાર ક્યારેય નહીં આપે. ભારત જેવું જ અમેરિકામાં છે. ત્યાં ગયા વર્ષે શિક્ષણ પ્રધાન બેટ્સી ડેવૉસે કન્ઝર્વેટિવ પૉલિટિકલ ઍક્શન કૉન્ફરન્સમાં ફૅકલ્ટી મેમ્બરોની તીખી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેઓ તેમના વિચારો વિદ્યાર્થીઓમાં થોપે છે.

તેમણે કૉલેજના વિદ્યાર્થીઓને કહ્યું, “શિક્ષણનાં સ્થાપિત હિતો સામેની લડાઈ તમારે પણ લડવાની છે. પ્રૉફેસરોથી માંડીને ડીન સુધીના લોકો તમને કહે છે કે તમારે શું કરવું, શું કહેવું અને ચિંતાની વાત તો એ છે કે તેઓ શું વિચારવું તે પણ કહે છે.” ૬ ઑક્ટોબર ૨૦૧૬ના ‘વૉશિંગ્ટન ટાઇમ્સ’માં એક સમાચાર છપાયા હતા તેના પર ધ્યાન દેવા જેવું છે. સમાચાર કહે છે કે ‘ઇકૉન જર્નલ વૉચ’માં અભ્યાસ મુજબ, અમેરિકાની ૪૦ અગ્રણી યુનિવર્સિટીઓમાં ૭૨૪૩ પ્રૉફેસરોમાંથી ૩,૬૨૩ ડેમોક્રેટ છે! માત્ર ૩૧૪ જ રિપબ્લિકન છે!

આવું જ (ભારતની જેમ) અમેરિકી મિડિયામાં પણ છે. અમેરિકાનું પ્યૂ રિસર્ચ સેન્ટર વિવિધ વિષયો પર સર્વેક્ષણ કરવા માટે સમગ્ર દુનિયામાં જાણીતું છે. ૨૦૦૪માં પ્યૂ રિસર્ચ સેન્ટરે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ કર્યો હતો. તે મુજબ નેશનલ પ્રૅસના ૩૪ ટકાએ પોતાની જાતને લિબરલ ગણાવ્યા હતા. માત્ર સાત ટકાએ જ પોતાને કન્ઝર્વેટિવ ગણાવ્યા હતા. ૨૦૧૪માં ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રૉફેસરો લાર્સ વિલ્નટ અને ડેવિડ એચ. વીવરે કરેલા સર્વેક્ષણમાં ૧,૦૮૦ અમેરિકી પત્રકારો પૈકી ૨૮ ટકાએ પોતાને ડેમોક્રેટ ગણાવ્યા હતા. માત્ર સાત ટકાએ જ પોતાને રિપબ્લિકન ગણાવ્યા હતા! ૧૯૭૧માં ૩૫ ટકા ડેમોક્રેટ હતા. ૧૯૮૨માં ૩૮.૫ ટકા અને ૧૯૯૨માં ૪૪.૧ ટકા ડેમોક્રેટ હતા. તે પછી ઘટાડાનો ટ્રેન્ડ ચાલ્યો. ૨૦૦૨માં ૩૫.૯ ટકા થયો.

જોકે કેટલાકનું એમ પણ માનવું છે કે ડેમોક્રેટની સંખ્યા વધુ હશે કારણકે તેમણે પોતાની ઓળખ છુપાવવા પોતાને અપક્ષ ગણાવ્યા હોઈ શકે. આમ, ડાબેરી-સેક્યુલર-લિબરલ એવા પત્રકારોની બદમાશી અમેરિકામાં પણ છે. તમે માર્ક કર્યું હોય તો જ્યૉર્જ બુશ, ડૉનાલ્ડ ટ્રમ્પ વગેરે વિશે હંમેશાં તેમના ચિત્રવિચિત્ર ફોટા સાથે અમેરિકાના મિડિયા (અને આપણું મિડિયા પણ) ટીકાત્મક અહેવાલો જ વધુ છાપશે. આથી ત્યાં પણ મિડિયા પરથી કન્ઝર્વેટિવોનો ભરોસો ઉઠી ગયો છે. ટ્રમ્પને પ્રાઇમરીમાં મળેલા મતોથી હવા કઈ બાજુની છે તે માપી જઈ સીએનએને ટ્રમ્પ તરફી પત્રકારોને રાખ્યા હતા પરંતુ સીએનએનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ જેફ ઝુકરે કહ્યું કે “મને ખબર છે કે (અમારી ચેનલના ઘણા પત્રકારોને) કૉરી લેવાન્ડોવસકી કે બીજા ટ્રમ્પ તરફી પત્રકારોથી વાંધો છે. તેનું કારણ એ છે કે તેમને ટ્રમ્પે ચૂંટણીમાં ઝૂકાવ્યું તે ગમ્યું નથી. અને આથી તેમને અણગમો છે કે ‘આવા’ લોકો સેટ પર કઈ રીતે હોઈ શકે?”

‘ન્યૂઝ બસ્ટર’ નામની વેબસાઇટ લિબરલોના મિડિયા બાયસ સામે લડે છે. તેના એક્ઝિક્યુટિવ એડિટર ટિમ ગ્રેહામે કહ્યું કે ઘણા યુવાન કન્ઝર્વેટિવ પત્રકારો મિડિયામાં કામ કરવા માગે છે, પરંતુ તેમને નોકરીએ લેવા તો જોઈએ ને!

બસ, આ જ સ્થિતિ ભારતમાં મિડિયા, હિન્દી ફિલ્મો અને શિક્ષણ ક્ષેત્રે છે.

Advertisements
education, hindu, language, national, sanjog news, vichar valonun

બ્રિટિશ અને મોગલ ગુલામીમાંથી હવે તો બહાર આવીએ!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૮/૧/૧૮)

પરમ દિવસે આપણે ૬૯મો પ્રજાસત્તાક દિવસ મનાવ્યો. પરંતુ શું આપણે ખરેખર પ્રજાસત્તાક થયા છીએ? શું આ દેશમાં હજુ પણ બ્રિટિશ કાળની પરંપરાઓ ચાલી નથી આવતી? શું હજુ પણ આપણે મોગલ શાસકોના સમયની માનસિકતાના ગુલામ નથી?

ગયા વર્ષે બજેટની તારીખ ૨૮ (જો ૨૯નો મહિનો હોય તો ૨૯) ફેબ્રુઆરીના બદલે ૧ ફેબ્રુઆરી કરી નખાઈ. બાકી આટલાં વર્ષોથી અંગ્રેજોના સમયની પરંપરાને આંધળી રીતે અનુસરતા આવ્યા હતા. એ પહેલાં બજેટનું ભાષણ સાંજના પાંચ વાગ્યાથી શરૂ થતું. તે વખતે સમાચારપત્રોમાં કામ કરનારા પત્રકારોને ખબર હશે કે કેટલી મુશ્કેલી પડતી પાનાં તૈયાર કરવામાં? બ્રિટિશરોના સમયમાં આ પ્રથા એટલા માટે હતી કે ભારતમાં સાંજના પાંચ વાગ્યા હોય ત્યારે બ્રિટનમાં સવારના ૧૧ વાગ્યા હોય. ઑફિસના કલાકો શરૂ જ થયા હોય. પરંતુ બ્રિટિશરો ભારત છોડી ગયા ત્યારથી ૨૦૦૧ સુધી કોઈ સરકાર મક્કમ રીતે આ પ્રથા બદલવાનો નિર્ણય ન કરી શકી.

આવી જ એક પ્રથા રેલવે બજેટની હતી. રેલવે અને નાણાં બજેટનાં ભાષણો મોટાંમોટાં અને તેમાં હાહાહીહી, શેરોશાયરી વધુ થતી. લાલુપ્રસાદે તેને કોમેડી શૉ બનાવી નાખેલો અને મોટા ભાગના રેલવે પ્રધાનો બિહારના રહેતા. તેમાં કયા રાજ્યને કેટલી ટ્રેન મળી તે વધુ જોવાતું અને પરિણામે પ્રદેશવાદ વધતો. કોઈને એ બુદ્ધિ ન સૂજી કે માત્ર રેલવે બજેટ જ અલગ રીતે કેમ? વિમાન બજેટ કેમ નહીં? સડક બજેટ કેમ નહીં? મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનું અલગ બજેટ કેમ નહીં? માનવ સંસાધન વિભાગનું અલગ બજેટ કેમ નહીં? પણ ૧૯૨૦ના દાયકાથી આંધળી રીતે આ પ્રથા ચાલી આવતી હતી અને આપણે ૨૦૧૭ સુધી તેને અનુસરતા રહ્યા. આ બંને નિર્ણયો મોદી સરકારના શાસનમાં આવ્યા છે તે ઉલ્લેખનીય છે.

આ જ રીતે વિશ્વવિદ્યાલયો (યુનિવર્સિટી)ના પદવીદાન સમારંભોમાં મોટા ભાગે કાળું ગાઉન અને માથે ટોપી પહેરી પદવી આપનાર અને લેનાર આવે તે બ્રિટિશના સમયની પ્રથા વર્ષોથી ચાલુ રહી છે. ઉત્તર પ્રદેશમાં રાજ્યપાલ, જે હોદ્દાની રૂએ વિશ્વ વિદ્યાલયના કુલપતિ હોય છે, તેમણે (રામ નાઈકે) આ પ્રથા બંધ કરવાનો આદેશ આપ્યો. તો ટીકાકારોએ આને ભગવાકરણ ગણાવ્યું! એપ્રિલ ૨૦૧૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટીએ આ આદેશના અમલની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ કુર્તામાં કેટલા સુંદર દેખાતા હતા! જોકે આ પ્રથાનો વિચાર, શાસનમાં હોય તેવી કોઈ વ્યક્તિએ પહેલાં મૂક્યો હતો તો તે કૉંગ્રેસની યુપીએ સરકારના પ્રધાન જયરામ રમેશ હતા. જયરામ રમેશે વર્ષ ૨૦૧૦માં આ ગાઉન પહેરવાની પ્રથાને જંગલી અને બ્રિટિશ શાસનના કાળની ગણાવી હતી. મધ્ય પ્રદેશમાં ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ રમેશજીનો વિચાર વધાવી લીધો. જોકે આ નિર્ણય હજુ પણ અમલમાં નથી મૂકાયો, રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં! ગયા વર્ષની જ વાત કરો. ગુજરાત અને મધ્ય પ્રદેશના સંયુક્ત રાજ્યપાલ ઓ. પી. કોહલીજી સહિત તમામ લોકો ગાઉનમાં ઉપસ્થિત હતા. માત્ર ઉચ્ચ શિક્ષણ પ્રધાન જયભાનસિંહ પવૈયાએ ગાઉન નહોતું પહેર્યું. યુજીસીની ગાઇડલાઇન કોણ અનુસરે છે?

આ ગાઇડલાઇન મુજબ, હૈદરાબાદ યુનિવર્સિટીએ ૨૦૧૫માં ગાઉનના બદલે ભારતીય પોશાક પહેરવા નિર્દેશ આપ્યો તો કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. આ વિદ્યાર્થીઓ ડાબેરી સ્ટુડન્ટ ફૅડરેશન ઑફ ઇન્ડિયાના હતા! તેમણે આને ભગવાકરણનો પ્રયાસ ગણાવ્યો હતો!

હજુ ન્યાયાલયમાં પણ આપણે જજોને મિ લૉર્ડ કહીએ છીએ. પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે ૨૦૧૪માં એક ચુકાદામાં કહ્યું હતું કે કૉલૉનિયલ એરાના સમયની આ પ્રથા હવે જરૂરી નથી. જજોને ‘મિ લૉર્ડ’, ‘યૉર ઑનર’, ‘યૉર લૉર્ડશિપ’ કહેવાની જરૂર નથી. હા, જજોને માનપૂર્વક જરૂર બોલાવવા. જોકે ન્યાયાલયોમાં હજુ પણ વકીલોને કાળો કોટ પહેરવો પડે છે. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્વિતીયનું ૧૬૮૫માં અવસાન થયું. તેના શોકમાં કાળું ગાઉન પહેરવાનું શરૂ કર્યું હતું. આપણે ૩૩૩ વર્ષ પછી પણ આ કાળી પ્રથાને વળગી રહ્યા છીએ! જોકે વકીલોએ સમયેસમયે આનો વિરોધ કર્યો છે. ઉનાળાની ધોમધખતી ગરમીમાં તો ઘણા વકીલોને ચામડીની તકલીફ થઈ જતી હોય છે. જોકે વર્ષ ૨૦૧૪માં એવા સમાચાર હતા ખરા કે તે પછીના વર્ષથી ઉનાળા પૂરતું વકીલોને કાળા કોટથી છૂટકારો મળશે.

૨૦૧૪ પછી આપણને ઘણાં પરિવર્તનો જોવા મળી રહ્યા છે. તેનું કારણ ભાજપ સરકાર છે તેમ પણ સ્વીકારવું રહ્યું. ૧૮ મે ૨૦૧૪ના રોજ બ્રિટનના પ્રસિદ્ધ સમાચારપત્ર ‘ધ ગાર્ડિયન’એ ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય પર એક તંત્રી લેખ લખ્યો હતો. તેનું મથાળું હતું: India: another tryst with destiny. ઉલ્લેખનીય છે કે ‘ટ્રીસ્ટ વિથ ડેસ્ટિની’ ભાષણ પ્રથમ જવાહરલાલ નહેરુએ સ્વતંત્રતાની પૂર્વ સંધ્યાએ આપ્યું હતું. ‘ગાર્ડિયન’ના મથાળાનો અર્થ શું થયો તે કહેવાની જરૂર નથી. તંત્રી લેખમાં પહેલું જે વાક્ય હતું તે જ ઘણું બધું કહી જાય છે:

Today, 18 May 2014, may well go down in history as the day when Britain finally left India. ૧૮ મે ૨૦૧૪નો દિવસ ઇતિહાસમાં એ દિવસ ગણાશે જ્યારે છેવટે બ્રિટિશરોએ ભારત છોડ્યું. આનો અર્થ એ જ થાય કે મોદી સરકાર પહેલાં જે કોઈ સરકારો હતી તે બ્રિટિશ સરકારોના પગલે જ ચાલતી હતી.

હું તો ત્યાં સુધી કહીશ કે માત્ર બ્રિટિશ જ નહીં, પરંતુ મોગલ ગુલામી પણ આપણા મોટા ભાગના ભારતીયોના માનસમાં ઘૂસી ગઈ છે. એટલે માત્ર સરકારી આદેશથી કંઈ નહીં થાય. આપણે પોતે જ આ ગુલામીમાંથી બહાર આવવું પડશે. આપણે બ્રિટિશ/અમેરિકન/કેનેડિયન/ઑસ્ટ્રેલિયન આવા બધા કૉમનવેલ્થવાળા દેશોના લોકોથી પ્રભાવિત થઈ જઈએ છીએ. એટલે લંડનના મેયર જેવા નાના પદ પરની વ્યક્તિ સાદિક ખાન પણ મુંબઈ આવે તો હિન્દી સિનેમાના કથિત સુપરસ્ટાર ખાનો ઉમટી પડે છે  પરંતુ હવે મહાસત્તા બનવા થનગનતા ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહુ મુંબઈ આવે તો તેનાથી દૂર ભાગે છે. મુસ્લિમો શું માનશે? પાકિસ્તાન શું માનશે? આરબ દેશો શું માનશે? આપણા લોકોને પૂર્વ ભારતના આપણા જ નાગરિકો પ્રત્યે કોઈ સંવેદના નથી કે નથી જાપાનના લોકો, ચીનના લોકો કે કૉરિયાના લોકો પ્રત્યે કોઈ એવો ખાસ આદરભાવ. આ દેશો પણ આપણી આસપાસ જ સ્વતંત્ર થઈ અત્યારે આર્થિક સુપર પાવર છે. પરંતુ આપણું મિડિયા, આપણા લોકો બ્રિટનના યુવરાજો કે યુવરાણીઓ (જેમની માત્ર નામ પૂરતી સત્તા છે) અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખો બરાક ઓબામા કે બિલ ક્લિન્ટન આવે તો પણ અછોઅછોવાનાં કરતાં હોય છે.

આપણાં ફિલ્મો ગીતોમાં અને સંવાદોમાં, સિરિયલોના સંવાદોમાં અંગ્રેજી અને ઉર્દૂ શબ્દો ઘૂસાડી દેવાય છે. પાત્રો હિન્દુ હોય તો પણ. ઉદાહરણ આપવા બેસીએ તો એક અલગ લેખ થાય, પરંતુ એકાદ પૂરતું છે. ‘હરિયાલી ઔર રાસ્તા’માં મનોજકુમાર અને માલાસિંહા જે અનુક્રમે શંકર અને શોભનાનાં હિન્દુ પાત્રો ભજવે છે તે ગાય છે- ઇબ્તિદા એ ઇશ્ક મેં હમ સારી રાત જાગેં, અલ્લા જાને ક્યા હોગા આગે, મૌલા જાને ક્યા હોગા આગે. આ ગીત મને પણ ગમે છે, ખૂબ ગમે છે. શબ્દો સામે કોઈ વાંધો નથી. ઈશ્વર અને અલ્લાહ એક જ છે તેવું હિન્દુઓ તો માને જ છે, પરંતુ ફિલ્મોમાં આવું ઘણું બધું ચીવટપૂર્વક ધ્યાન રખાતું હોય છે, ત્યારે આ વાજબી ન લાગે. જ્યારે સંસ્કૃતને હિન્દી ફિલ્મોમાં મજાક બનાવી દેવાઈ છે. શુદ્ધ હિન્દી પણ મજાકનો વિષય બની ગઈ છે. વાંધો તેનો છે.

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગત ડિસેમ્બરમાં રાજ્યસભામાં પ્રધાનોને ટોક્યા કે “તમારે હવે “I beg to” બોલવાની જરૂર નથી. આ બધા બ્રિટિશ કાળના શબ્દો છે. ઉલ્લેખનીય છે કે ‘બેગ’નો એક અર્થ ભીખ માગવી પણ થાય છે. આ ઉપરાંત વેંકૈયાજીએ બીજી એક પ્રથા પણ બદલી. અગાઉ હમીદ અન્સારી ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે રાજ્યસભામાં કોઈ સાંસદ કે પૂર્વ સાંસદને શ્રદ્ધાંજલી વાંચતા તો પોતાની ખુરશી પર બેસીને જ વાંચતા. વેંકૈયાજીએ પોતાની જગ્યાએ ઊભા થઈને શ્રદ્ધાંજલી વાંચી મૃત સાંસદો પ્રત્યે આદર વ્યક્ત કર્યો.

આપણા સેક્યુલર દેશમાં શાળાઓમાં પ્રાર્થનાથી શરૂઆત થાય તો સુપ્રીમ કૉર્ટમાં અપીલ થાય છે કે તે ધાર્મિક પ્રાર્થના છે, પરંતુ ખ્રિસ્તીઓના પ્રતીક એવા ક્રોસને તબીબી ક્ષેત્રનું ચિહ્ન તરીકે સ્વીકાર્યો છે, તેની સામે કોઈને વાંધો નથી. ઘણા ઘણા દેશોએ તેને સ્વીકાર્યો નથી. આ દેશોમાં આરબ દેશો અને ઈઝરાયેલ જેવા દેશો પણ આવી જાય છે. આપણને લેખોથી માંડીને પ્રવચનોમાં વિદેશીઓના ક્વૉટ ટાંકવા બહુ ગમે છે. આપણા મહાપુરુષોને આપણે વિસારી દીધા છે. ચાલો, આપણે તેમને ફરી યાદ કરીએ. શું આપણે શાળાઓમાં, કાર્યાલયોમાં બહાર પગરખાં કાઢીને કામ કરવાની પ્રથા શરૂ કરી શકીએ? શું આપણે પોતપોતાના ઈષ્ટનું ધ્યાન કરીને કામની શરૂઆત કરી શકીએ? શું ટ્રાફિકની સમસ્યા અને ભારતની ઉષ્ણતાને ધ્યાનમાં રાખીને આપણા ઑફિસનું કામકાજ વહેલી સવારથી શરૂ થઈ શકે? હિન્દી સામે માનો કે દક્ષિણમાં વાંધો છે. (એ પણ રાજકીય વાંધો જ છે, બાકી, હિન્દી રિયાલિટી શૉમાં દક્ષિણના લોકો પણ ઉત્સાહથી ભાગ લે જ છે અને હિન્દી ગીતો ગાય છે – હિન્દીમાં વાત પણ કરે છે.) તો સંસ્કૃતને અપનાવી શકાય. દક્ષિણની ભાષાઓ જુદી લાગે પરંતુ સંસ્કૃતના શબ્દો ઘણા બધા તેમાં છે. અને સંસ્કૃતને બોલચાલની ભાષા તરીકે શીખવાડવામાં આવે તો તે આરામથી સમજી અને શીખી શકાય છે. આપણી લગ્ન પ્રથાઓમાં પણ સંપૂર્ણપણે નહીં તો મહત્તમ શક્ય તેટલી ભારતીયતા લાવીએ. કંકોત્રી, કથાની પત્રિકા વગેરે તો સંસ્કૃત/હિન્દી/ગુજરાતી જેવી સ્થાનિક ભાષાઓમાં જ છપાવીએ. યાદ રહે, ચીનની ભાષા બધી રીતે જટિલ છે. લખવાની રીતે તો ખાસ. પરંતુ ત્યાં મેડિકલ અભ્યાસ કરવા મેન્ડેરિન ભાષા જરૂરી છે. આપણા લોકો વાહિયાત અને બાલિશ દલીલ કરતા હોય છે કે ટૅક્નિકલ બાબતો તો અંગ્રેજીમાં જ ભણવી પડે- ભણાવવી પડે. બ્રિટિશ અને તેના એક સમયના પીઠ્ઠુ દેશો સિવાય ક્યાંય અંગ્રેજીનું આટલું બધું ચલણ નથી. ઉલટાનું હવે ત્યાં પણ સ્થાનિકીકરણ થાય છે. ત્યાંના સરકારી પરિપત્રોનું ગુજરાતી સહિતની ભારતીય, એશિયન ભાષાઓમાં ભાષાંતર કરાવવામાં આવતું હોય છે.

હવે તો કેટલાક લોકો સીમંતની પત્રિકા પણ અંગ્રેજીમાં છપાવી તેમાં ‘બેબી શાવર’ ઇવેન્ટ લખે છે. લગ્નોમાં ફિલ્મી ગીતો ભલે વાગે, પણ અર્થસભર અને સુરૂચિવાળાં વગાડી શકાય? બાળકોનાં નામ અર્થસભર અને ભારતીય મહાપુરુષો પરથી શા માટે ન રાખી શકાય? ફ્લેટ, સોસાયટી, રેસ્ટૉરન્ટ, દુકાનો, શૉપિંગ મૉલ, હૉટલો, વગેરેનાં નામો વિદેશી રાખવામાં ગૌરવની અનુભૂતિ કેમ? એક જગ્યાએ પાણીની નીચે રેસ્ટૉરન્ટ શરૂ થઈ. તેનું નામ પૉઝેડન રખાયેલું. પૉઝેડન એ આપણા વિષ્ણુ જેવા ગ્રીક દેવ છે જે સમુદ્રમાં રહે છે, તેમ મનાય છે.

આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આ વિચારો પર પણ ચર્ચા-ચિંતનરૂપી વિચારવલોણું કરીએ.

education, Mumbai Samachar

સ્કૂલ ફી: લૂટ પર નિયંત્રણથી સંચાલકો છંછેડાયા છે

(મુંબઈ સમાચારની તા. ૭-૬-૧૭ની ઇન્ટરવલ પૂર્તિની કવરસ્ટોરી)

કોઈ પણ યુવાન પિતા બનવાનો હોય એટલે તેની ચિંતા શરૂ થઈ જાય કારણકે બે વર્ષની અંદર જ સંતાનને પ્લે સ્કૂલથી માંડીને તે પછી નર્સરી, કેજી વગેરેમાં મૂકવું. અને આ માટે કહેવાતી સારી શાળા મળવી તે ચિંતાનો વિષય હોય છે. શાળા અને હૉસ્પિટલ બે જગ્યાએ ભવિષ્યની ચિંતા કરીને વ્યક્તિ ગમે તેટલા રૂપિયા ખર્ચ કરવા તૈયાર થઈ જાય છે. તેનો લાભ ઉઠાવીને મોટા ભાગની શાળાઓ અને હૉસ્પિટલોમાં સફેદ કપડામાં લૂંટ ચલાવાય છે. આ બધી સંસ્થાને લાગુ પડતું જનરલ સ્ટેટમેન્ટ નથી પરંતુ શિક્ષણ અને તબીબી જગતના લોકો પણ સ્વીકારશે કે હા, આવી લૂટ અમારા ક્ષેત્રમાં ચાલે છે ખરી.

એવું નથી કે આ બધા સામે કાયદો નથી. શિક્ષણ અધિકાર કાયદો (આરટીઇ) એવું કહે છે કે કોઈ પણ શાળા કે વ્યક્તિ બાળકને પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી લઈ શકે નહીં. પરંતુ બધા જ જાણે છે કે ડોનેશન લેવાય જ છે. આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ આપવો ફરજિયાત છે પરંતુ ગયા વર્ષના સમાચાર મુજબ, રાજકોટની આઠ શાળાઓએ ૨૬ બાળકોને પ્રવેશ આપવા નનૈયો ભણી દીધો હતો તેવી ફરિયાદ વાલીઓએ કરી હતી. આરટીઇ હેઠળ પ્રવેશ આપવામાં ઠાગા ઠૈયાનો એક બીજો રસ્તો એ છે કે ઘરથી છ કિમીની અંદર આવેલી શાળામાં પ્રવેશ અપાવો જોઈએ પરંતુ ૧૯ મેના સમાચાર મુજબ, અમદાવાદમાં કેટલાંક બાળકોને ઘરથી ૯ કિમીથી લઈને ૨૫ કિમી (!) દૂર સુધીની શાળાઓમાં પ્રવેશ ફાળવી દેવાતાં વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો. આમાં ગુસ્સો આવે તેવી વાત એ છે કે ગરીબ બાળકોના ફૉર્મ ઓનલાઇન ભરાય, તે પછી ગૂગલ મેપના આધારે છ કિમીની અંદરની શાળાઓમાં પ્રવેશ અપાય છે, પરંતુ સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને છ કિમી કરતાં દૂરની સ્કૂલોમાં અથવા તેમની પસંદગીની શાળા સિવાયની શાળામાં પ્રવેશ અપાયો હતો. અસારવામાં રહેતા એક વાલીના બાળકને ધોરણ ૧માં ૨૫ કિમી દૂર હાથીજણ વિસ્તારના વિવેકાનંદનગર ખાતે સંસ્કાર વિદ્યાલયમાં પ્રવેશ અપાયો હતો!

આરટીઇ કાયદો ગરીબ બાળકોને સારું શિક્ષણ મળી શકે તે માટે છે જેનો યશ કૉંગ્રેસની યુપીએ સરકારને મળવો જોઈએ પરંતુ ૧ જૂન ૨૦૧૭ના સમાચાર મુજબ, આરટીઇ હેઠળ શ્રીમંત પરિવારનાં બાળકોને પ્રવેશ મળ્યાના અનેક કિસ્સા નોંધાયા છે! બંગલો, કાર, સ્માર્ટ ફોન, બે બીએચકેનો ફ્લૅટ અને બીજી અનેક ભવ્ય સગવડો ધરાવતા હોવા છતાં શ્રીમંત પરિવારોએ વાર્ષિક આવક માત્ર ૬૦થી ૯૦ હજાર જેટલી દર્શાવીને આરટીઇ હેઠળ પ્રવેશ મેળવી લીધો હોવાના કિસ્સા નોંધાયા છે. આરટીઇ અંગે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં કરાયેલી એક જાહેર હિતની અરજીમાં કહેવાયું છે કે સરકાર દ્વારા વેબ પૉર્ટલ મારફતે આરટીઇ હેઠળ અરજી કરાઈ પ્રવેશ પ્રક્રિયા કરાય છે પરંતુ આ પૉર્ટલમાં એટલી બધી ખામીઓ છે કે વિદ્યાર્થીના વાલી હતાશ થઈ જાય. ઑનલાઇન પ્રક્રિયાનો વિરોધ નથી પરંતુ પૉર્ટલ સજ્જ હોવું જોઈએ જે નથી. વેબ પૉર્ટલ ગૂગલ મેપ આધારિત છે. પરંતુ અરજીમાં દાવો કરાયો છે કે અરજદારનું સાચું સ્થળ મેપમાં દર્શાવાતું નથી. તેના કારણે નજીકની શાળાનાં સ્થાન ખોટાં પડે છે.

નેશનલ સેમ્પલ સર્વે ઑફિસે ૨૦૧૫માં જણાવ્યા પ્રમાણે, વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે સામાન્ય શિક્ષણ એટલે કે પ્રાથમિકથી લઈને અનુસ્નાતક સુધીના શિક્ષણનો ખર્ચ વિદ્યાર્થી દીઠ ૧૭૫ ટકા વધ્યો છે. મુંબઈની વાત કરીએ તો અહીં બાળકની પ્રિસ્કૂલિંગની ફી એમબીએની ફી કરતાં વધુ છે! એક અહેવાલ પ્રમાણે, જૂહુની પૉશ સ્કૂલ ગણાતી એકોલ મોન્ડિઅલની ફી ગયા વર્ષે રૂ. ૪.૫૫ લાખ હતી જેમાં આ વર્ષે ૬૪ ટકા જેટલો તોતિંગ વધારો કરાયો છે. એટલે કે આ વર્ષે તેની ફી રૂ. ૭ લાખ થઈ છે. (સામેના પક્ષે વાલી નોકરિયાત હોય કે વેપારી, તેની આવકમાં દસ ટકાથી વધુ વધારો ભાગ્યે જ થાય છે.) ખાનગી કૉલેજમાં એમબીએ કરવાનો ખર્ચ પણ વર્ષે રૂ. ૫-૭ લાખ જ થાય છે. પોદારની નર્સરી સ્કૂલમાં વર્ષ ૨૦૦૯માં રૂ. ૪૫,૦૦૦ ફી હતી તે આ શૈક્ષણિક સત્રમાં વધીને રૂ. ૯૩,૦૦૦ થઈ છે. મુંબઈમાં વાલીઓના સંગઠને આ અંગે આઝાદ મેદાન ખાતે પ્રદર્શનો કર્યાં હતાં. મુંબઈના વાલીઓએ વધુ ટેકો મેળવવા મિસ કૉલ અને વૉટ્સએપ ઝુંબેશ પણ આદરી છે. તે માટેનો નંબર પણ અપાયો છે જે છે- ૦૨૨-૩૦૨૫૬૮૨૨.

મહારાષ્ટ્રનો કાયદો એવું કહે છે કે શૈક્ષણિક સત્ર શરૂ થાય તેના છ મહિના પહેલાં ખાનગી શાળા ફીમાં વધારાનો પ્રસ્તાવ કરી શકે છે અને તેણે વાલીઓ-શિક્ષકોની સંસ્થા (પેરન્ટ્સ ટીચર્સ એસોસિએશન-પીટીએ) પાસેથી સ્વીકૃતિ લેવી જરૂરી છે. જોકે વાલીઓનું કહેવું છે કે પીટીએની પસંદગી લૉટરી દ્વારા કરવામાં આવે છે અને તેમની પાસે પૂરતી જાણકારી ન હોય તેમ બની શકે. આવા કિસ્સામાં, શાળાઓ ફાયદો ઉઠાવીને ફી વધારો કરાવી લે તેવું બની શકે. મહારાષ્ટ્રમાં વાલીઓના વિરોધ પછી સરકારે નવ સભ્યોની એક સમિતિ બનાવી છે જે પંદર દિવસમાં ફી કાયદામાં સુધારા કે પરિવર્તન અંગે સૂચનો કરશે.

જોકે ગુજરાતમાં તો આ અંગે કાયદો બનાવાયો છે અને તેના કારણે, સ્વાભાવિક જ સ્કૂલ સંચાલકો દ્વારા ઘણો હોબાળો મચાવાયો છે. આ અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જણાવે છે, “વાલીઓના વાલી તરીકે તેમની મુશ્કેલી સમજીને અમે આ કાયદો લાવ્યા છીએ. મનમાની કરનારા સ્કૂલ સંચાલકો દર વર્ષે ફીમાં વધારો કરતા હતા, ડૉનેશન લેતા હતા, જોડાં વેચતા હતા, કપડાં વેચતા હતા. સેવાના બદલે તેમણે ધંધો કરતા હતા. તેમને અટકાવવા આ ખરડો લાવ્યો છું.”

ગુજરાત વિધાનસભાએ ૩૦ માર્ચે ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) વિધેયક, ૨૦૧૭ પસાર કર્યું છે. તદનુસાર, તમામ બૉર્ડની ખાનગી શાળાઓની ફીનું નિયમન થશે. અર્થાત્ ગુજરાત બૉર્ડની સ્કૂલ હોય કે સીબીએસઇની, ખાનગી શાળા મન ફાવે તેમ ફીમાં વધારો નહીં કરી શકે. કાયદામાં જોગવાઈ છે કે નિર્ધારિત ફી કરતાં જો વધુ ફી કોઈ શાળા વધારશે તો તેણે ફી નિયમનકારી સમિતિ સમક્ષ તેને ઉચિત ઠરાવવી પડશે. આ સમિતિના વડા નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ રહેશે. આ સમિતિ ગુજરાતના ચાર ઝોનમાં રચાશે. વાર્ષિક ફી પ્રાથમિક શાળા માટે રૂ. ૧૫,૦૦૦, માધ્યમિક માટે રૂ. ૨૫,૦૦૦ અને ઉચ્ચતર માધ્યમિક માટે રૂ. ૨૭,૦૦૦ નક્કી કરાઈ છે.

જો નક્કી કરાયેલી ફીથી વધુ ફી લેવાશે તો શાળાએ વાલીને ઉઘરાવેલી ફીની બમણી રકમ તો પાછી આપવી જ પડશે આ ઉપરાંત પહેલી વાર ભૂલ માટે રૂ. પાંચ લાખનો દંડ અને બીજી વારની ભૂલ માટે દસ લાખનો દંડ ભરવો પડશે જ્યારે ત્રીજી ભૂલ વખતે સીધી શાળાની માન્યતા જ રદ્દ કરાશે. એક અંદાજ મુજબ, અત્યારે અમદાવાદની વિવિધ ખાનગી શાળાઓમાં રૂ. ૫૦,૦૦૦થી લઈને રૂ.સાડા પાંચ લાખ જેટલી ફી લેવામાં આવે છે! અમદાવાદની જે.જી. ઇન્ટરનેશનલમાં સીબીએસઇ ઉપરાંત કેમ્બ્રિજ, આઈબી અને આઈબીડીપીનો અભ્યાસ કરાવાય છે અને આઈબીડીપીની વાર્ષિક ફી રૂ. ૫.૫૦ લાખ જેટલી અંદાજે છે. કેમ્બ્રિજની ફી અંદાજે રૂ.૩.૨૦ લાખ છે. (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) સરકારે જે ફી નક્કી કરી છે તે જોતાં શાળા સંચાલકોમાં રોષ જોવા મળે તે સ્વાભાવિક છે કારણ દેખીતું છે કે શિક્ષણ હવે ‘ધંધો’ બની ગયું છે. અમદાવાદની બોપલની એક હાઇ ફાઇ સ્કૂલ ડીપીએસના વિદ્યાર્થીઓના વાલીઓ મુજબ, સ્કૂલે તો વિદ્યાર્થીઓ માટે એવો ‘ફતવો’ બહાર પાડ્યો હતો કે એડિડાસના બૂટ જ પહેરવા. વિદ્યાર્થીઓ માટે બૂટ પહેરવા એ નિયમ હોઈ શકે પરંતુ કેટલી કિંમતના બૂટ પહેરવા એ નિયમ ન હોઈ શકે અને ચોક્કસ બ્રાન્ડના જ બૂટ પહેરવા એ નિયમ તો બિલકુલ ન હોઈ શકે! (આ અંગે શાળાના સંબંધિત પદાધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ઉપલબ્ધ નહોતા.) આનો અર્થ તો એ જ થયો કે શિક્ષણનો વેપલો ચાલે છે. આ અંગે વાલીઓએ ૧૮ માર્ચે સ્કૂલ પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

આ નવા કાયદા હેઠળ સ્વનિર્ભર શાળાઓ દ્વારા કોઈ પણ નામ હેઠળ કોઈ પણ પ્રકારના ડૉનેશન કે કેપિટેશન ફી લેવા પર પ્રતિબંધ મૂકાયો છે. જો કોઈ વાલી સ્વેચ્છાએ ચૂકવે તો તેણે ફી નિયમનકારી સમિતિને જાણ કરવાની રહેશે.

જોકે આ નવો કાયદો ચાલુ વર્ષે શરૂ થનારા શૈક્ષણિક સત્રથી જ લાગુ કરાનારો હોવા છતાં કેટલાક સ્કૂલ સંચાલકો કાયદા-નિયમને ઘોળીને પી ગયા હોય તેમ તેમણે વિવિધ હૅડ હેઠળ ડૉનેશન કે કૅપિટેશન ફી લીધી છે તેમ વૉઇસ ઑફ પૅરન્ટ્સ ગ્રૂપનો આક્ષેપ છે. શાળા સંચાલકોએ આ કાયદાને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પડકાર્યો પણ છે. સંચાલકોએ દલીલ કરી છે કે સ્વનિર્ભર શાળાઓની ફી બહુ ઓછી નક્કી કરવામાં આવી છે! આવી શાળાઓ દ્વારા જે સુવિધા અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે, શિક્ષકો તથા સ્ટાફને પગાર ચુકવવા સહિતની બાબતોની અવગણના કરાઈ છે. જોકે શિક્ષણની અંદર રહેલા લોકો જાણે છે કે શિક્ષકોને કાગળ પર કંઈક પગાર અપાય છે અને વાસ્તવમાં કંઈક. કેટલાક સંચાલકોએ તો સ્કૂલો જૂનથી બંધ કરવા સુધીની ધમકી સુદ્ધાં ઉચ્ચારી છે! સ્વાભાવિક તેમનો પ્રયાસ એવો છે કે જૂનથી સત્ર શરૂ થતું હોવાથી વાલીઓનું આ રીતે નાક દબાવી ફી બાબતે ધાર્યું કરી શકાય.

ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રવક્તા ભાસ્કરભાઈ પટેલ મુજબ, “બહુ સ્પષ્ટ વાત છે. શિક્ષણ એ બંધારણમાં કૉન્કરન્ટ લિસ્ટનો વિષય છે. શિક્ષણ કેવું હોવું જોઈએ, શિક્ષકો અંગેના નિયમો, શાળાની ફી એ બધું રાજ્યને આધીન છે. પરંતુ ખાનગી શાળાઓ મર્યાદા વટાવી ચૂકી છે. શિક્ષણ સેવાના બદલે ધંધો બની ગયું. ક્યાંક તો નિયંત્રણ મૂકવાની જરૂર હતી જ.” ભાસ્કરભાઈના મત મુજબ, સીબીએસઇ બૉર્ડ હેઠળની શાળાઓને પણ રાજ્ય સરકારનો નિયમ લાગુ પડે છે, જોકે કેટલીક આવી શાળાઓ આ વાત માનવા તૈયાર નથી. આવી એક શાળાનો સંપર્ક કરાતા તેના ડિરેક્ટરે કહ્યું કે આ વાત અત્યારે ન્યાયાલયમાં હોવાથી અત્યારે આ મુદ્દે કોઈ ટીપ્પણી નહીં કરું. તો કેટલીક શાળાઓ લઘુમતી સમાજને મળતા લાભના કાયદા મારફતે છટકવા માગે છે. કેટલીક શાળા એવી પણ નીકળી જેની ફી રૂ. દસ હજાર કે તેથી ઓછી હતી પરંતુ કાયદો બન્યો એટલે રૂ. પંદર હજાર ઉઘરાવવા લાગી તેવો વાલીઓનો આક્ષેપ છે!

ભૂપેન્દ્રસિંહ કહે છે, “આ વિધેયક ખાનગી શાળાઓની વિરુદ્ધમાં નથી પરંતુ સમાજની કોઈ પણ વ્યવસ્થા નિરંકુશ ન ચાલી શકે. રૂ. પાંચથી દસ હજારની વાર્ષિક આવક ધરાવતા વાલીઓ રૂ. પાંચથી દસ લાખની ફી ક્યાંથી ભરી શકે? દેશનાં અન્ય રાજ્યો પણ ગુજરાતની આ કાયદાને અપનાવવા વિચારણા કરી રહ્યા છે.” કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન પ્રકાશ જાવડેકરે આ વિધેયકની વિગતો મગાવી છે અને કેન્દ્ર સરકાર પણ આ મોડલને અનુસરે તેવી શક્યતા છે.

ગુજરાત ટૅક્નિકલ યુનિવર્સિટી (જીટીયુ)ના પૂર્વ કુલપતિ ડૉ. અક્ષય અગ્રવાલ કેનેડાથી ખાસ વાત કરતા મહત્ત્વની વાત કરે છે અને તેમની વાત માત્ર સ્કૂલ ફી પૂરતી મર્યાદિત નથી. તેઓ કહે છે, “સમગ્ર દેશમાં શિક્ષણનું વ્યવસાયીકરણ થયું છે. ૯૦ ટકા શિક્ષણ ખાનગી સંચાલકો પાસે છે. તેથી દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે શિક્ષણ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનાં બાળકો માટે દોહ્યલું બન્યું છે. બહુ ઓછાં બાળકો સારી શાળાઓમાં ભણીને આગળ આવે છે અને વિદેશ ચાલ્યા જાય છે. જ્યારે ઘણાં બાળકોને સારા શિક્ષણ માટે સંઘર્ષ કરવો પડે છે. અત્યારે સરકારનું નિયંત્રણ જ એક ઉકેલ છે. આપણું કાપડ ફાટી ગયું છે તેને રફ્ફૂ મારીને ચલાવીએ છીએ. આમા કંઈ નવું નિર્માણ નહીં થઈ શકે. આ માટે ધરમૂળથી વિચારવું પડશે. જે નીતિ બનાવીએ તેમાં વિદેશોની નકલ કરવા કરતાં આપણા દેશના પ્રાચીન વારસા અને સંસ્કૃતિને અનુરૂપ નીતિ હોવી જરૂરી છે.”

education, gujarat guardian

૧૦મા, ૧૨માની પરીક્ષા: ચોરી મેરા કામ?

બિહારમાં સામૂહિક ચોરીના સમાચાર પરથી ચાર પ્રકારની લાગણીઓ થાય: (૧) આવી છડેચોક ચોરી અને પોલીસ મૂંગે મોઢે જોઈ રહે! અને (૨) એ વાલીઓ કેવા કહેવાય કે જેઓ પોતે જ સંતાનોને ચોરી કરવા પ્રેરે છે અને તેમાં મદદ કરે છે (૩) બીજી વાતો છોડો, વાલીઓ પોતાના સંતાન માટે શું શું ન કરે તેનું આ ઉદાહરણ છે. બહુમાળી ઈમારત પર આ રીતે સ્પાઇડરમેનની જેમ જીવના જોખમે, કાયદાનું ઉલ્લંઘન કરીને ચડવું તે નાની સૂની વાત ન કહેવાય. (૪) આપણે માર્ક આધારિત કેવી પ્રણાલિ બનાવી દીધી છે કે પાસ થવા કે સારા માર્ક મેળવવા આ રીતે ચોરી કરાવવી પડે છે.

બિહારના સમાચારની શાહી સૂકાઈ નહોતી (હવેની, ટીવીની ભાષામાં કહેવું હોય તો ટીઆરપી વેલ્યૂ પૂરી નહોતી થઈ) ત્યાં તો ઉત્તર પ્રદેશથી એક સમાચાર આવ્યા. જે નગરનું નામ ગૌરવથી લેવાતું હતું અને અંગ્રેજો સામે લડનાર રાણીના નામ સાથે આ નગરનું નામ કાયમ જોડાઈ ગયું તે ઝાંસીનો આ કિસ્સો છે. ત્યાંની એક સ્થાનિક કૉલેજમાં બીએસસીની પરીક્ષામાં પ્રાધ્યાપકે ચોરી કરવા ન દીધી એમાં તો વિદ્યાર્થીઓએ પ્રાધ્યાપકને ધોઈ નાખ્યો! …અને આ તરફ બિહારના શિક્ષણ મંત્રીએ શું કહ્યું? તેમણે ઉલટું એમ કહ્યું કે “લોકો પર ગોળીઓ થોડી છોડી શકાય?” અરે! મંત્રીજી! ગોળી ભલે ન છોડો, પરંતુ લાઠીચાર્જ તો કરાવી શક્યા હોત ને. પોલીસ ચૂપ રહી, શિક્ષણ મંત્રીનું આવું નિવેદન આપ્યું, એ બધા પછી મુખ્યપ્રધાન નીતીશકુમારની આંખ ઉઘડી ને કહ્યું કે આ કાંડથી બિહારની છાપ વધુ બગડી છે.

પરંતુ પરીક્ષામાં ચોરીના મામલે, બિહાર હોય કે ઉત્તર પ્રદેશ, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, ભારત હોય કે જાપાન કે પછી અમેરિકા- બ્રિટન જેવા દેશો વત્તા યા ઓછા અંશે એક સરખા જ છે, મતલબ કે પરીક્ષામાં નકલ, ચોરી કે છેતરપિંડી એ વૈશ્વિક દૂષણ છે. અમેરિકામાં હાર્વર્ડ જેવી ખ્યાતનામ યુનિવર્સિટીમાં ૨૦૧૨માં ‘ઇન્ટ્રોડક્શન ટૂ કૉંગ્રેસ’ કોર્સ, જે ખૂબ જ સરળ કોર્સ ગણાય છે, તેમાં ચોરીનું વ્યાપક કૌભાંડ ગાજ્યું હતું (પણ કમનસીબે આપણા, અમેરિકા પ્રત્યે અહોભાવ ધરાવતા મિડિયામાં આ સમાચાર બહુ ગાજ્યા જ નહીં. અમસ્તાંય તેમાં તો અમેરિકાને સુપરપાવર ચિતરતા સમાચાર જ વધુ આવે છે. મિડિયાની વાત નીકળી છે તો આપણા બિહારના સમાચાર વિદેશી મિડિયાએ કેટલા ગજવ્યા છે તે ઇન્ટરનેટ પર જોઈ લેજો. બાકી, આપણી સિદ્ધિઓના સમાચારને તેઓ ખાસ મહત્ત્વ નથી આપતાં) બ્રિટનમાં ત્રણ વર્ષમાં ૮૦ સંસ્થાઓમાં ૪૫,૦૦૦ વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા હતા. તેમાંના કેટલાકે મોબાઇલ ફોનથી ચોરી કરી હતી તો કેટલાકે તેમના માટે નિબંધો લખવા માટે ખાનગી પેઢીઓને રોકી હતી. (આથી બિહારમાં એવા સમાચાર બહાર આવે કે પરીક્ષામાં ચોરી કરાવવાનો કોન્ટ્રાક્ટ લેવાય છે તેમાં નવાઈ ન લાગવી જોઈએ.) અને આપણા બિહારના શિક્ષણમંત્રીની જેમ ત્યાંના અધિકારીઓ પણ એવું સ્વીકારે છે કે જેમ જેમ ટૅક્નૉલૉજીમાં પ્રગતિ થઈ રહી છે તેમ તેમ ચોરી રોકવી મુશ્કેલ બની રહી છે.

કઈ કઈ રીતે ચોરી થાય છે એ પણ જાણવું રસપ્રદ રહેશે. પરીક્ષામાં ચોરીના દેશીથી માંડીને વિદેશના ટૅક્નૉલૉજિકલ નુસ્ખા છે. યૂ ટ્યૂબ પર તો તે માટેના રીતસર અનેક વિડિયો છે. બેસ્ટ ચીટિંગ મેથડ ઇન એક્ઝામ્સ નામના વિડિયો, જે બનતા સુધી કોઈ ફિલ્મનો છે, તેમાં એક વિદ્યાર્થી તેના કોટના કોલરને ખેંચીને તેમાં લખેલું લખાણ વાંચી લે છે. બીજો વિદ્યાર્થી નકલી આંગળી પહેરી લે છે અને એ આંગળીની અંદર ગોળ ફરી શકે તેવી કાપલી પરથી લખાણ વાંચે છે. એક છોકરી હાથમાં બંગડી જેવી પટ્ટી (બેન્ડ) ખેંચીને તેમાંથી રહેલા લખાણને વાંચીને લખે છે. ચીનમાં ૨૦૧૪માં યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામ માટે ચોરી કરવા માટેના જેમ્સ બૉન્ડ સ્ટાઇલના ગેઝેટ પકડાયા હતા. તેમાંનો એક તો કલ્પનામાં પણ ન આવે તેવો કીમિયો છે. વિદ્યાર્થી પેન કે ઘડિયાળના બટનમાં છુપાયેલા કેમેરા દ્વારા પ્રશ્નપત્રનો ફોટો પાડે છે. પછી તેમના કપડામાં છુપાયેલા કોપર એન્ટેના લૂપ દ્વારા તેનું પ્રસારણ બહાર કરે છે. તેના સાથીઓ રિસીવર દ્વારા તે મેળવે છે. સાથી તેનો જવાબ શોધીને તે વિદ્યાર્થી પાસે છુપાયેલા મોબાઇલમાં મોકલે છે! ચીન જેવો જ ટૅક્નૉલોજીથી થતો ચોરીનો એક વિડિયો જાપાનનો પણ યૂ ટ્યૂબ પર છે. ઇબે નામની વેબસાઇટ પર આવું એક ન્યૂ યુનિવર્સલ સ્પાય ઇયરપીસ નામનું ઉપકરણ ૧૭.૯૯ ડોલરમાં મળી રહે છે. આ ઉપકરણ દેખાય તેવું નથી હોતું. તમે કાનમાં ઇયરપીસ પહેર્યું હોય તો ખબર પણ પડતી નથી.

આ તો થઈ હાઇ ફાઇ ટૅક્નિકો. આપણે ત્યાંની ભૂતકાળની અને વર્તમાનમાં પણ અપનાવાતી કેટલીક પ્યોર દેશી ટૅક્નિકોની વાત કરી લઈએ. વર્ગની દીવાલો, બેન્ચો પર પહેલેથી લખી રાખવામાં આવે. પેપર લખવા ઘરેથી લાકડાનું પેડ લઈ જવા દેતા. તેની આગળ કે પાછળ લખવામાં આવતું, યાદ છે? બૉર્ડની પરીક્ષામાં પાણી પીવડાવવા આવતાં ભાઈ કે બહેન સાથે કાપલી મોકલવામાં આવે. બૂટમાં કે બાંયમાં કાપલી સંતાડીને લઈ જવાતી હોય. સ્ત્રીઓ (એટલે કે વિદ્યાર્થિનીઓ) પરીક્ષામાં ચોરી કરવામાં પણ પુરુષ સમોવડી. અંબોડામાં, ચોટલામાં, અને ઘણી તો અંતઃવસ્ત્રોમાં કાપલીઓ લઈ જાય. હવે તો સ્ત્રીની જડતી લેવા માટે લેડિઝ સ્ટાફ હોય છે, પણ ભૂતકાળમાં આવું ક્યાં હતું? વિદ્યાર્થીઓ પેશાબ કે જાજરૂ જવાના બહાને બાથરૂમમાં જઈ ત્યાં કાપલી કાઢી ચોરી કરી લે.  જો શાળાકીય પરીક્ષા હોય તો જેણે પેપર કાઢ્યું હોય તે શિક્ષક પોતાને ત્યાં ખાનગી ટ્યૂશનમાં આવતા વિદ્યાર્થીઓને આઈએમપી પ્રશ્નો આપી દે. બૉર્ડની પરીક્ષા હોય તો મોડરેટરને સાધી લેવામાં આવ્યો હોય એટલે વિદ્યાર્થીઓ ઉત્તરવહી પર ઓમ્ કે ચાંદ તારા જેવી નિશાની કરે.

ગુજરાતમાં અનેક નાનાં-મોટાં સેન્ટરોમાં તો ભરપૂર ચોરી થતી/થાય છે. કેટલીક વિશેષ જ્ઞાતિઓના વર્ચસ્વવાળાં ગામો કે સેન્ટરોમાં તો તેમની ધાક સામે શિક્ષકોય કોઈ ન બોલે. આ લખનારના એક સગા એવા બહેને પોરબંદરમાં ચોરીનો દાખલો આપતા કહેલું કે ૧૦મા ધોરણમાં બૉર્ડની પરીક્ષા હતી ત્યારે ખુલ્લેઆમ ચોરી થતી હતી. શિક્ષકે આ બહેનને પણ પૂછેલું કે તમારે ચોરી નથી કરવી? બહેને ના પાડી.

પોતાની જગ્યાએ બીજા કોઈને પરીક્ષા દેવા મોકલી દેવો, મોબાઇલમાં જવાબ લખાવવા, હોશિયાર વિદ્યાર્થીના પિતાનું અપહરણ  કરવું, પ્રોફેસરનું અપહરણ કરવું, પેપર લીક કરવું આ બધા નુસખા ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘થ્રી ઇડિયટ્સ’ જેવી ફિલ્મોમાં આપણે જોયા છે. કેટલીક વાર ચોરીઓ શાળા પોતે જ કરાવતી હોય છે. અમદાવાદની કેટલીક ખ્યાતનામ શાળાઓ વિશે એવું મોટી માત્રામાં ચર્ચાય છે કે પોતાનું પરિણામ ઊંચું લાવવા તેઓ તેમના વિદ્યાર્થીઓને (જો તે જ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો) ચોરી કરાવે છે. તો, સમરથ કો નહીં દોષ ગુસાઈની જેમ ધનાઢ્યોના સંતાનોને પણ શાળાઓ ચોરી કરવામાં મદદ કરતી હોય છે. આવું એક કૌભાંડ અમદાવાદમાં બહાર આવ્યું જ છે ને.

ડમી રાઇટર કાંડ તરીકે જાણીતા આ કૌભાંડમાં સ્વસ્તિક શિશુવિહાર વિદ્યાલયનના સંચાલક રાજા પાઠકની કથિત સૂચનાથી એચ.બી. કાપડિયા શાળાના સંચાલક મુક્તક કાપડિયાએ બિલ્ડર પ્રવીણ કોટક અને સંજય પટેલના પુત્ર અને પુત્રીને ખોટું ફ્રેક્ચર બતાવી ડમી રાઇટર ફાળવવામાં મદદ કરી હોવાનો આરોપ છે. તેમણે બે વિદ્યાર્થીઓ ડમી રાઇટર તરીકે ફાળવ્યા હતા. આ કેસમાં મુક્તક કાપડિયા અને સુરતના અડાજણના ડૉ. જતીન સાણંદિયાની ધરપકડ પણ થઈ હતી. રાજા પાઠકની પણ ધરપકડ થઈ હતી પરંતુ છેવટે તેઓ નિર્દોષ છૂટ્યા હતા. તો, જે કાનૂન પાળવાનું કામ કરે તેવા પોલીસ અધિકારી રજનીશ રાય એલએલબીની પ્રથમ વર્ષની પરીક્ષામાં ફૂટપટ્ટી પરથી લખતા પકડાયા હતા. ફૂટપટ્ટી તોડીને ફેંકી દેનાર આચાર્યની સામે પણ પગલાં લેવા જાહેરાત થઈ હતી. જેમને સંસાર સાથે કોઈ લેવાદેવા નથી તેવા સાધુ અક્ષરતીર્થદાસ એમએ પાર્ટ -૧ની પરીક્ષામાં અભ્યાસ સામગ્રી સાથે પકડાઈ ગયા હતા અને યુનિવર્સિટીએ તેમની સામે કોપીકેસ કરી પરીક્ષામાંથી ઉઠાડી દીધા હતા.

જોકે ગુજરાતે પરીક્ષામાં ચોરી લેવા સીસીટીવી કેમેરા, ટેબલેટ દ્વારા નજર રાખવા જેવા પ્રશંસનીય પગલાં લીધા છે. એક બીજું સારું પગલું આ વર્ષે એ લેવાયું છે કે હવે બધાના પેપર એકસરખા નહીં હોય. દરેક પેપરનો અદ્વિતીય (યુનિક) નંબર હશે જે લખવો ફરજિયાત હશે. આથી કોઈ વિદ્યાર્થી તેની આગળ કે પાછળ બેઠેલા વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી ચોરી નહીં કરી શકે. ઉપરાંત પરીક્ષા હોય છે ત્યારે આસપાસ ઝેરોક્સ મશીનની દુકાનો બંધ રાખવી તેવા આદેશો પણ છૂટતા હોય છે. પરંતુ ચોરી કરનારા તો ટેબલેટ હોય તોય ચોરી કરવાના જ. અખબારી અહેવાલ પ્રમાણે, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ, વડોદરા, ડાકોર, નર્મદા અને આણંદ જેવા જિલ્લાઓમાં સામૂહિક ચોરીના કિસ્સાઓ બન્યા છે. તેમાં ટેબલેટમાં ઝડપાઈ ન જાય એ માટે વચ્ચે મોટી બેન્ચો મૂકી દેવામાં આવે છે.

વિદ્યાર્થીઓને ચોરી કરતા રોકવામાં પ્રિન્સિપાલ અને વાલીઓ મોટી ભૂમિકા ભજવી શકે. કેટલાક પ્રિન્સિપાલની સજાગતાથી આવું ભૂતકાળમાં અટક્યું છે. સુરેન્દ્રનગરની કેટલીક સ્કૂલોના એક સંચાલિકા બહેન વિશે કહેવાય છે કે તેઓ બેત્રણ શિક્ષકો પાસે એક જ વિષયનું પેપર કઢાવે. ત્રણમાંથી એકેયને ખબર ન હોય કે કોનું પેપર રખાશે. અને આખે આખું પેપર ન પણ રખાય. બેય કે ત્રણેય પેપરમાંથી સવાલો ઉઠાવીને એક જુદું જ પેપર કાઢવામાં આવે તેવું બને. આ જ રીતે એક સમયે ભાવનગર યુનિવર્સિટીમાં દરબારોની ધાકના કારણે બહુ ચોરી થતી, પરંતુ ડી. આર. કોરાટ સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં પ્રિન્સિપાલ બન્યા પછી ચોરી સાવ બંધ થઈ ગઈ. આ લખનાર આ જ કૉલેજમાં ભણ્યો હોઈ તેણે તેમની કડકાઈ જોયેલી છે. માત્ર પરીક્ષામાં જ નહીં, અમસ્તી પણ એટલી શિસ્ત રાખે કે કોઈ વિદ્યાર્થી ક્લાસ છોડીને કૉલેજમાં બહાર આંટા ન મારી શકે. કૉલેજિયન વિદ્યાર્થીઓ ઘણી વાર મજાકમાં કહેતા કે આપણે તો કૉલેજમાં આવ્યા છતાંય સ્કૂલ જેવું જ રહ્યું. વાલીઓએ તેમના સંતાનોને સમજાવવું જોઈએ કે “તું ઓછા માર્ક લાવીશ કે નાપાસ થઈશ તો ચાલશે પરંતુ ચોરી કરીને અમારું નામ ખરાબ ન કરતો/કરતી.” બીજું, અત્યારે વોટ્સ એપ પર પેલો આઈઆઈએનનો જોક ફરે છે કે મોબાઇલનું નેટવર્ક જતું રહેતાં ડૉક્ટર ઓપરેશન કરવાની રીત ભૂલી જાય છે તેમ વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી જોઈએ કે તમે પરીક્ષા તો પાસ કરી લેશો, પરંતુ તમારામાં નિપુણતા નહીં આવે અને નિપુણતા નહીં હોય તો તમને સફળતા પણ નહીં જ મળે. કર્ટસી, બાબા રણછોડદાસ ઑફ થ્રી ઇડિયટ્સ!

આ ઉપરાંત એક ઉપાય એ પણ અજમાવી શકાય કે જેમ પ્રાથમિક શાળામાં અમુક ધોરણ સુધી માત્ર મૌખિક પરીક્ષા લેવાય છે તેમ લેખિત પરીક્ષા કાઢી નાખવી જોઈએ અને તેની જગ્યાએ મૌખિક પરીક્ષા રાખવી જોઈએ. તેનું વિડિયો રેકોર્ડિંગ પણ થાય. તેના આધારે માર્ક અપાય.

વિદેશોમાં ઘણી જગ્યાએ હોય છે તેમ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખીને લેખિત પરીક્ષા આપવા દેવાનો વિકલ્પ પણ અજમાવી શકાય. જેણે સમગ્ર વર્ષ દરમિયાન પુસ્તક વાંચ્યું હશે તેને જ ખબર હશે કે કયા પાઠમાંથી કઈ જગ્યાએથી સવાલ પૂછાયો છે. વળી, સવાલ પણ થોડો ફેરવીને પૂછવાનો. આથી જે વિદ્યાર્થી પાઠ બરાબર સમજ્યો હશે તે જ જવાબ દઈ શકશે.

અંતે એક રમૂજી પણ સાચા કિસ્સા સાથે પેપર પૂરું કરીએ.

૧૯૮૧ના વર્ષનો આ કિસ્સો ઉત્તરપ્રદેશનો છે. કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતા એક વિદ્યાર્થીનું સગપણ નક્કી થવાનું હતું (એ જમાનામાં આટલી ઉંમરે સગપણ થઈ જતા). એ યુવાનનો સાળો પ્રોફેસર હતો. યુવાને તેને સીધેસીધું પૂછી લીધું, “પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરશો?” ત્યારે તો પેલા પ્રોફેસરે હકારમાં જવાબ આપી દીધો ને સગપણ પાકું થઈ ગયું. પરંતુ પરીક્ષા આવી ત્યારે ચેકિંગ સ્ક્વોડ ત્રાટકી. એટલે પ્રોફેસર સાળો તેના ભાવિ બનેવીને પરીક્ષામાં મદદ કરી શક્યો નહીં. ખલાસ! પેલા વિદ્યાર્થીએ સગપણ તોડી નાખ્યું ને કહ્યું, “જે સાળો પરીક્ષામાં ચોરીમાં મદદ ન કરી શકે તે ભવિષ્યમાં મુશ્કેલી આવે ત્યારે શું મદદ કરવાનો?”

હવે સમજાય છે કે ઉત્તર પ્રદેશ, બિહારમાં કેમ આટલી બધી ચોરીઓ થાય છે!

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં આ લેખ તા.૨૫/૩/૧૫ના રોજ છપાયો)

education, sikka nee beejee baaju

ભારતનું ભાવિ બગાડવાનું ષડયંત્ર અને વિષચક્ર

અત્યારે પરીક્ષાની મોસમ ચાલી રહી છે ત્યારે અમેરિકાના પ્રમુખ ઓબામાની એક વાત યાદ આવે છે. તેમણે એક વાર કહેલું કે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી અમેરિકી વિદ્યાર્થીઓએ શીખવું જોઈએ. ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં જઈને જે રીતે આગળ વધ્યા છે અને અમેરિકાના લગભગ દરેક ક્ષેત્રમાં ભારતીયો આગળ છે તેના પરથી ઓબામાએ આવું નિવેદન કર્યું હશે તેમ મારું માનવું છે, પરંતુ ભવિષ્યમાં ઓબામાની જગ્યાએ બીજા કોઈ પ્રમુખ આવું કહી શકશે ખરા?

જવાબ છે, કદાચ ના.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં, ખાસ તો ગુજરાતમાં જે શિક્ષણ પદ્ધતિ, જેવું શિક્ષણ અપાઈ રહ્યું છે તેનાથી એવું લાગે છે કે ભવિષ્યમાં ભારતના વિદ્યાર્થીઓ વિશ્વના બીજા દેશોના વિદ્યાર્થીઓ કરતાં કદાચ આગળ નહીં નીકળી શકે. બે જ ઉદાહરણ લઈએ તો વાત સમજાઈ જશે. આપણા વડીલો પાસે આપણે સાંભળ્યું હશે કે પહેલાં ભણવામાં પા, દોઢા સુધીના ઘડિયા આવતા. તે પછી અમે ભણ્યા ત્યારે ત્રીસા સુધીના ઘડિયા (ટેબલ) મોઢે કરાવાતા. આના લીધે સરવાળા, બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ફટાફટ કરી શકાતા. હવે ઘડિયા પર એટલો ભાર જ મૂકાતો નથી. ઘરે મોબાઇલમાં કેલ્ક્યુલેટર હોવાથી હવે મૌખિક ગુણાકાર કરાતા નથી. આના લીધે ગણિત કાચું ન પડે? બીજું, જે લોકો અગાઉના સમયમાં મેટ્રિક પાસ નહીં હોય તેમનું અંગ્રેજી જોઈ લો. કોન્વેન્ટમાંથી ભણીને નીકળતા વિદ્યાર્થીઓ કરતાંય વધુ સારું અંગ્રેજી હશે.

આવું કેમ થઈ રહ્યું છે?

કારણો અનેક છે. સૌથી પહેલું કારણ તો શિક્ષણનું વ્યવસાયીકરણ છે. સરકારે બીજી બધી બાબતોની જેમ શિક્ષણમાંથી પણ હાથ પાછા ખેંચી લીધા છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણ કથળ્યું જ છે, સાથેસાથે ખાનગી શાળાઓમાં પણ શિક્ષણની ભૂંડી દશા છે. પહેલાં શિક્ષકો માટે એવું કહેવાતું કે તેઓ વેદિયાવેડાં અથવા પંતુજી વેડા કરે છે. તેઓ બહુ ચીકણા હોય. આવું ભલે નકારાત્મક રીતે કહેવાતું, પરંતુ હકીકત એ હતી કે શિક્ષકો તેમના વિદ્યાર્થીઓ ભણવામાં પાવરધા થાય તેની એકએક બાબતમાં ચીકાશ રાખતા, જેમ કે ગણિતનો કોઈ દાખલો ગણવાનો હોય તો રકમ બરાબર લખી છે કે નહીં, સૂત્ર બરાબર લખ્યું છે કે નહીં, જવાબ સાચો છે કે નહીં. આ જ રીતે ગુજરાતી, અંગ્રેજી ભાષામાં પણ હૃસ્વ ઇ, દીર્ઘ ઈ, હૃસ્વ ઉ, દીર્ઘ ઊ, કાનો, માત્રા (માતર), રેફ, આ બધું બરાબર ચકાસાતું. હવેના શિક્ષકોને પોતાને જ ભાષા બરાબર ન આવડતી હોય ત્યાં તેઓ વિદ્યાર્થીઓને શું શીખવવાના?

અગાઉ શિક્ષક હોવું એ ગર્વની વાત હતી. મોભાનો દરજ્જો ગણાતો. ગામડા, શહેરમાં શિક્ષકને પૂરું માનસન્માન મળતું. આજે તો શિક્ષકને એવું કોઈ માનસન્માન નથી મળતું. જેને બિચારાને ક્યાંય નોકરી મળે તેમ ન હોય તે છેવટના  વિકલ્પ તરીકે શિક્ષક તરીકે નોકરી મેળવવા જાય છે. અનેક પીટીસી કૉલેજો બંધ કરી દેવાનો વારો આવ્યો છે. નરેન્દ્ર મોદીના શાસનકાળમાં શિક્ષકોની ભરતી વિદ્યા સહાયકો તરીકે કરી તેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે તેવું ચલણ સરકારમાં શરૂ થયું છે. સરકાર આવું કરે તો ખાનગી શાળાઓ તો કરવાની જ ને. હવે ખાનગી શાળાઓમાં આ જમાનામાં પણ રૂ.૪,૦૦૦ના પગાર સામે ચોપડે સહી કરાવી રૂ. ૨,૦૦૦ જ અપાતા હોય ત્યારે શિક્ષકો પણ સામે ભણાવવામાં વેઠ જ ઉતારે છે. સામે પક્ષે ખાનગી શાળાઓ ફીમાં ૪૦થી ૫૦ ટકા જેવો વધારો કરી નાખે છે. વાલીઓ બિચારા થાય એટલો વિરોધ કરીને ‘પછી પોતાનાં સંતાનોને ભણાવવાનું છે તેથી કોઈ છૂટકો નથી’ એવી દલીલ સાથે મન મનાવી ફી આપવા સંમત થઈ જાય છે. આમ, સરવાળે, શાળાઓમાં ગુણવત્તાવાળા, આવડતવાળા, વિદ્વાન અને વિદ્યાર્થીઓને ભણાવવાની હોંશવાળા શિક્ષકો મળતા જ નથી.

આજકાલ વોટ્સ એપ પર એવા વિડિયો બહુ ફરે છે જેમાં કોઈ ચેનલવાળા, ઉત્તર પ્રદેશ કે બિહારની જણાતી શાળામાં જઈ શિક્ષકોને સપ્તાહના વારના સ્પેલિંગ પૂછે છે તો તે પણ નથી આવડતા હોતા. સામાન્ય જ્ઞાનના સવાલો પૂછે છે જેમ કે ‘નરેન્દ્ર મોદી શું છે’ તો કહે છે, ‘દેશના રાષ્ટ્રપતિ!’ ‘દેશના વડા પ્રધાન કોણ છે’ તો ‘મનમોહનસિંહ, નીતીશ અને લાલુ’ ત્રણેયનાં નામ આપે છે. હવે જો શિક્ષકોને જ આવા સવાલોના જવાબ કે સ્પેલિંગ ન આવડતા હોય તો તેઓ વિદ્યાર્થીઓને શું શીખવવાના? ઉત્તરપ્રદેશ કે બિહારની આ હાલત છે. બિહારમાં એક સમયે નાલંદા વિશ્વવિદ્યાલયનો આખી દુનિયામાં ડંકો વાગતો હતો, પરંતુ સત્તાલાલચુ રાજકારણીઓએ તમામ ક્ષેત્રે આ રાજ્યને ગર્તામાં ધકેલી દીધું.

શિક્ષકોને વિદ્યાર્થીઓ આદર્શ માનવા લાગે છે, ખાસ કરીને પ્રાથમિક ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ. અનુભવ કરી જોજો. ઘણી વાર તમે સાચું ભણાવતા હશો પણ શાળાના શિક્ષકોથી તે રીત જુદી પડતી હશે કે શિક્ષકની રીત ખોટી હશે તો પણ તમારું બાળક હોવા છતાં તે વાત સ્વીકારશે નહીં. જો વિદ્યાર્થી શિક્ષકને આદર્શ માનતા હોય તો શિક્ષકોની પણ આદર્શ જેવો વ્યવહાર કરવાની કોઈ ફરજ ખરી કે નહીં? પરંતુ આજના ઘણા શિક્ષકો માત્ર શિક્ષણમાં જ નહીં, નૈતિકતામાં પણ નપાસ થઈ રહ્યા છે. આપણે એવા સમાચાર અવારનવાર સાંભળીએ છીએ કે પહેલા કે બીજા ધોરણમાં ભણતી બાળકી સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યા. અને આવો રોગ પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધી પ્રસર્યો છે. બળાત્કાર મામલે ભલે દિલ્હી કે ઉત્તર પ્રદેશ-બિહાર જેવાં રાજ્યો બદનામ હોય પણ તાજેતરમાં ગુજરાત પણ આવા મામલે વધુ છાપે ચડી રહ્યું છે.

અમદાવાદના સોલા વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડે તેના સાથીની પુત્રી છ વર્ષની પુત્રી પર કરેલી હેવાનિયતની વાત નથી કરતા, પણ શિક્ષણ જગત સાથે સંકળાયેલી વાત કરવી છે. પાટણની પીટીસી કૉલેજના શિક્ષકોએ એક વિદ્યાર્થિનીને ડરાવીને ધમકાવીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યાના કે ગુજરાત યુનિવર્સિટીમાં લંપટ પ્રોફેસરના સમાચાર બહુ જૂના નથી. આવા છાપે ચડેલા અને નહીં ચડેલા સમાચારોનું પ્રમાણ નોંધ ન લેવાય તેટલું નાનું તો નથી જ. શિક્ષકો વિદ્યાર્થીઓને માત્ર આઈએમપી (ઇમ્પોર્ટન્ટ) પ્રશ્નો કે દાખલાઓ જ કરવા આપે  તો વિદ્યાર્થી કેવું ભણે તે સમજી શકાય છે. આવા શિક્ષકોના કારણે પછી વિદ્યાર્થી દસમા, બારમા કે કોલેજમાં આવીને બહુ મૂંઝવણમાં મૂકાઈ જાય છે.

આ તો થઈ શિક્ષકોની વાત. હવે ભણાવવાની પદ્ધતિની વાત. અને આમાં સરકારની ભૂમિકા આવે છે. સરકારે લગભગ સાતમા ધોરણથી સેમેસ્ટર પદ્ધતિ કરી નાખી છે. આના કારણે વિદ્યાર્થીના ભણવા પર બહુ મોટી અસર પડે છે. અગાઉ છ માસિક, નવ માસિક અને વાર્ષિક એમ ત્રણ પરીક્ષા રહેતી, પરંતુ વાર્ષિક પરીક્ષાના માર્ક જ ગણાતા. અને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો આખા કોર્સને લગતા પૂછાતા. તેથી સમગ્ર કોર્સને લગતું ભણવું પડતું, યાદ રાખવું પડતું. હવે સેમેસ્ટરમાં તો છ મહિના જેટલું જ ભણવાનું. તે પછી ભૂલી જવાનું. છ- છ મહિને પરીક્ષાના કારણે અને વચ્ચે વચ્ચે યૂનિટ ટેસ્ટના કારણે વિદ્યાર્થીઓ ભારે દબાણમાં રહે છે. વળી, ૧૧ અને ૧૨માના સળંગ ચાર સેમેસ્ટર ગણાતા હોવાથી જો એક સેમેસ્ટરમાં માંદા પડ્યા ને માર્ક ઓછા આવ્યા તો સરવાળે બે વર્ષના ભણતર પર પાણી ફરી વળે છે. આ ઉપરાંત સેમેસ્ટર પદ્ધતિના કારણે દર વખતે નવાં પાઠ્યપુસ્તકો ખરીદવા પડે છે. અને ઘણી વાર તો એવું બને છે કે સત્ર ચાલુ થઈ ગયું હોવા છતાં બજારમાં પાઠ્યપુસ્તકો મળતાં નથી હોતાં. આ ઉપરાંત કોર્સ પણ છાશવારે બદલાઈ જાય છે. તેથી અગાઉ ભણી ગયેલા મોટા ભાઈ કે બહેન કે પડોશીનાં સંતાનનાં પાઠ્યપુસ્તક કામમાં લાગતા નથી. અગાઉ દર ચાર વર્ષે કોર્સ બદલાતો હતો. તેથી એક ને એક પાઠ્યપુસ્તક, ગાઇડ, અપેક્ષિત ને સ્વાધ્યાયપોથીથી કામ ચાલી જતું.

આ ઉપરાંત અગાઉ દસમા ધોરણમાં સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ રાખવું તેનો નિર્ણય કરાતો હતો. હવે દસમા ધોરણમાં બધાને એક સરખું ભણવાનું. જેને ગણિત, વિજ્ઞાન નથી ફાવતું તેનેય ફરજિયાત એ ભણવું પડે. એ તો ઠીક, કોર્સ એટલો અઘરો બનાવી નાખ્યો કે અગાઉ જે ૧૨મા ધોરણમાં ત્રિકોણમિતિ કે આંકડાશાસ્ત્ર આવતું તે હવે ધોરણ ૯ કે ૧૦મામાં આવી જાય છે! ગુજરાતી, અંગ્રેજી ભાષાના માર્કનું મહત્ત્વ હવે રહ્યું નથી. તેથી ભાષા શીખવા પર કોઈ ધ્યાન જ નથી આપતું. સાયન્સ રાખવું, કોમર્સ કે આર્ટ્સ તેનો નિર્ણય હવે ૧૧મા ધોરણથી કરાય છે. તે તો સમજ્યા, પણ ૧૧મામાં જો સાયન્સ લો તો ગણિત સાથે આગળ વધવું (ગ્રૂપ એ રાખવું) કે જીવવિજ્ઞાન સાથે (ગ્રૂપ બી રાખવું) તેનો નિર્ણય પણ કરી લેવો પડે છે. આના લીધે જેમણે ગ્રૂપ એ લીધું છે તેવા લોકો માટે ૧૨મા પછી મેડિકલમાં જવાના રસ્તા બંધ થઈ જાય છે. જેમણે ગ્રૂપ બી લીધું છે તેવા લોકો એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચરમાં જઈ શકતા નથી.

થોડા સમય પહેલાં તો એન્જિનિયરિંગમાં જવા માટે પર્સન્ટાઇલ સિસ્ટમ દાખલ કરીને પણ સરકારે ગૂંચવાડો સર્જ્યો હતો. એ તો ભલું થજો ગુજરાત હાઇ કોર્ટનું જેણે આદેશ આપી તે ભૂલભરેલી પદ્ધતિ સુધારી. આ ઉપરાંત એન્જિનિયરિંગ, મેડિકલમાં જવા માટે ૧૨મા ધોરણમાં હો ત્યારે તેની પરીક્ષા ઉપરાંત કેટ અને જેઈઈ જેવી પ્રવેશપરીક્ષા તો દેવાની જ હોય છે, પરંતુ તેના માર્કના અમુક ટકા જ ગણતરીમાં લેવાય છે.

આ ઉપરાંત, હવે દસમા-બારમાનું પરિણામ પણ ભારે ઊંચું દેવાય છે. આનું કારણ રાજકારણીઓની સાથે સીધો કે આડો (અહીં શ્લેષ અલંકાર અભિપ્રેત નથી) સંબંધ ધરાવતા લોકોને કૉલેજો ખોલવા આડેધડ અનુમતિઓ આપી દેવાઈ છે. જો પરિણામ ઊંચું ન આપે તો આ કૉલેજોની બેઠકો ખાલી રહે ને. અગાઉ તો ફર્સ્ટ ક્લાસ (૬૦ ટકા કે તેથી ઉપર) કે ડિસ્ટિંક્શન (૭૦ ટકા કે તેથી ઉપર) બહુ જૂજ લોકોને આવતો. જ્યારે હવે તો ૮૫ – ૯૦ ટકા તો સામાન્ય થઈ ગયા છે.

એકાદ વર્ષ પહેલાં ગુજરાતમાં બી.એસસી. જેવા કોર્સમાં પણ એડ્મિશનની કેન્દ્રીય પદ્ધતિ દાખલ કરીને વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરી મૂકાયા હતા. સરવાળે કૉલેજોમાં બેઠકો ખાલી રહી અને વિદ્યાર્થીઓનું ભણવાનું બગડતું હતું. તેથી સરકારે જ નિર્ણય પાછો ખેંચ્યો.

આ બધા ઉપરાંત ભણવાનું મોંઘું કેટલું કરી નાખ્યું છે! પહેલાં ૧થી ૪ ધોરણ સુધી પાટી-પેનમાં લખાતા. તેથી નોટબુક બચતી અને પર્યાવરણને પણ ઓછું નુકસાન થતું. તે પછી પાંચથી સાતમા ધોરણ સુધી પેન્સિલથી લખવાનું રહેતું. તેથી પેનના ખર્ચા ન થતા. (જોકે આજે માનસિકતા એવી થઈ ગઈ છે કે પેનનો ખર્ચો પણ ખર્ચો નથી લાગતો). હમણાં અમદાવાદની એક શાળાનો કિસ્સો સાંભળ્યો તો નવાઈ લાગી. આ શાળામાં હવે સૂચનાઓ વોટ્સ એપથી અપાય છે. કોઈ આને આવકાર્ય માની શકે, પણ વિચાર કરો, બધાં માબાપને સ્માર્ટ ફોન કે તેમાં વોટ્સ એપ ચલાવવા ઇન્ટરનેટનો ખર્ચો ન પણ પોસાતો હોય. પ્રગતિ પત્રક કે રિપોર્ટ કાર્ડમાં સૂચના આપી શકાતી હોય તો વોટ્સ એપનો નિયમ ફરજિયાત શા માટે હોવો જોઈએ?

સરકાર, શાળાઓ, ટ્યૂશન ક્લાસ ચલાવનારાઓ, પાઠ્યપુસ્તક કે અન્ય શિક્ષણ સામગ્રી બનાવનારા, છાપનારાઓ આ બધાને તો શિક્ષણમાંથી ભારેખમ કમાણી થતી હોવાથી તેઓ આનો વિરોધ કરતા નથી. વાલીઓ તેમનાં સંતાનોને સારું શિક્ષણ આપવા કોઈ પણ ભોગ અને ગમે તેટલો ખર્ચ આપવા તૈયાર હોય છે. ક્યારેક ક્યારેક તેમને વિરોધ કરવાનું શૂરાતન જાગે છે, પણ તેમનામાં એકતા ન હોવાથી કંઈ વળતું નથી. સરવાળે ભોગ બને છે બિચારા વિદ્યાર્થીઓ. કોઈને ચિંતા નથી કે પોતાના ટૂંકા સ્વાર્થના કારણે ભારતનું ભાવિ બગાડી રહ્યા છે.

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૫/૩/૧૫ના રોજ આ લેખ છપાયો)

education

આમાં ઉત્તમ શિક્ષકો ક્યાંથી મળે?

આજના સમયમાં ઉત્તમ શિક્ષકો જ નથી, તેમ આપણે કહીએ છીએ, પરંતુ શિક્ષક દિને બિચારો શિક્ષક ‘દીન’ છે. અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રે પણ દૂષણ પ્રવ્રતે છે. ખાનગી હોય કે સરકારી, શાળામાં શિક્ષક તરીકે નોકરી મેળવવા રૂ. ૨ લાખથી શરૂ થતી લાંચ માગવામાં આવે છે. અપાય રૂ. ૨૦૦૦નો પગાર ને સહી કરાવાય રૂ.૪,૦૦૦ના પગાર પર. સરકારે પણ કોઈ કાયમી શિક્ષકને બદલે વિદ્યા સહાયક ને ‘ટેટ’ જેવી પરીક્ષાઓ ઘૂસાડીને લાંચનું દૂષણ વધુ પ્રસરે તેવી વ્યવસ્થા કરી છે.

મારા મતે તો, શિક્ષકને કોઈ પણ વ્યવસાય કરતાં શ્રેષ્ઠ પગાર મળવો જોઈએ જેથી તેને ટ્યૂશનની ફિકર જ ન રહે અને તો તે શાળામાં ઉત્તમ ભણાવી શકે. કેટલાક વાલીઓ પણ શિક્ષકોને બગાડવામાં ભાગ ભજવતા હોય છે. તેમના ‘હીરા’ કે ‘હીરી’એ કંઈ ઉકાળ્યું ન હોય એટલે તેને પાસ કરાવવા શિક્ષકોને લાંચ આપતા હોય છે. બોર્ડ સુધીના છેડા પણ શોધતા હોય છે. કેટલાક વાલીઓને તેમનું સંતાન સારા ગુણ લાવે તેમાં જ રસ હોય છે. તેઓ બસ, તેમના સંતાનના શિક્ષકોને ટ્યૂશન કે શાળાની ફીના પૈસા આપીને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માનતા હોય છે.

આજકાલ ઘણી વાર અખબારો કે ચેનલોમાં એવા સમાચાર પણ અવારનવાર જોવા મળે છે કે શિક્ષકે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીને માર્યા. આવા સમાચાર પણ મારી દૃષ્ટિએ ખોટા ચગાવાય છે. ઘણી વાર માબાપ પોતે ય તેમના એક કે બે સંતાનને સાચવી નથી શકતા ને ટીવીના કે વિડિયો ગેમ્સના વ્યસને વળગાડી દે છે અને (ક્યારેક નહીં) ઘણી વાર ધોલ મારી દે છે. તો શિક્ષકોને તો ૩૦થી માંડીને ૬૦ વિદ્યાર્થી સાચવવાના છે. શું વિદ્યાર્થીઓને સજા કરવાનો તેમને હક નથી? નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે કે અગાઉ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે સંબોધતા કહ્યું હતું કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને તેમના વિદ્યાર્થીઓએ બગીમાં બેસાડી ને બગી પોતે ખેંચેલી. મોદી કહે કે જો આજનું મિડિયા એ વખતે હોત તો રાધાકૃષ્ણને તેમના વિદ્યાર્થીઓ પાસે બગી ખેંચાવડાવી તેવું ચિતરી દીધું હોત. તેમણે શિક્ષકોને કહેલું કે છાપાવાળા ગમે તે લખે, તમે તેનાથી ડરશો નહીં.

જો શિક્ષકો વિદ્યાર્થી પ્રત્યે વધુ પડતા ક્રૂર બને તો વાલીઓએ જરૂર ફરિયાદ કરવી જોઈએ. પરંતુ વાલીઓ તેમના સંતાનનો દોષ જુએ જ નહીં તે કેવું? બધાં બાળકો જન્મે ત્યારથી નિર્દોષ અને સજ્જન નથી હોતા. ઘણામાં જન્મજાત જ અપલખણો હોય છે. શિક્ષકનું કામ ચારિત્ર્ય ઘડતરનું ને શિસ્ત પાલનનું પણ છે. તેણે એક જ બાળકને સાચવવાનું નથી. જો વાલી તેના સંતાનમાં શિક્ષકનો ડર નહીં રાખે તો કેમ ચાલશે? મોન્ટેસરી પદ્ધતિને એટલી બધી પણ ન અપનાવો કે સંતાનમાં શિક્ષકનો ડર જ ન રહે અને માન ન રહે. એટલે શિક્ષકે પોતાનું માન વિદ્યાર્થીઓમાં જળવાય તે માટે ઉત્તમ શિક્ષણ આપવાનું છે તેમ વાલીઓની પણ ફરજ છે કે તેમના સંતાન શિક્ષકનો આદર કરતા શીખે.