environment, sadhana, Uncategorized

અર્થ ડે-પર્યાવરણ રક્ષતિ રક્ષિત:

(સાધના સાપ્તાહિક, કવર સ્ટોરી, ૨૨/૦૪/૧૭)

આજે ૨૨ એપ્રિલે પાશ્ચાત્ય જગતે શરૂ કરેલી પરંપરા મુજબ, અર્થ ડે અથવા પૃથ્વી દિવસ મનાવાય છે. ૧૯૬૯માં યુનેસ્કોમાં જૉન મેકકૉનેલ નામના એક કાર્યકરે પૃથ્વીના માનમાં ૨૧ માર્ચ ૧૯૭૦થી આ દિવસ ઉજવવા પ્રસ્તાવ મૂકેલો કેમ કે ૨૧ માર્ચે વસંત ઋતુની શરૂઆત થતી હતી. (વસંત ઋતુનું મહત્ત્વ ફરી એક વાર સાબિત થયું. એટલે જ આપણા સહિત અનેક દેશોમાં વસંત ઋતુમાં જ નવ વર્ષ આવે છે.) જોકે અમેરિકાના ઉપલા ગૃહ સેનેટના વિસ્કૉન્સિનના એક સાંસદ ગૅલૉર્ડ નેલ્સને ૨૨ એપ્રિલ ૧૯૭૦ના રોજ આ દિવસ મનાવાયો. અમેરિકામાં આ બધાની જરૂર પડે તે સ્વાભાવિક છે કારણકે તે ઉપભોગનો દિવસ છે. પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા દેશો પૈકીનો એક. પૃથ્વી પર જીવન માટે સન્માન અને પ્રદૂષણ અંગે વધતી જતી ચિંતાના સંદર્ભમાં આ દિવસને ઉજવવો જોઈએ તેવો વિચાર નેલ્સનને આ દિવસે આવ્યો હતો. તેથી ૨૨ એપ્રિલે અર્થ ડે મનાવાય છે.

નવાઈની વાત એ છે કે હવે આપણા પત્રકારો અને મિડિયા પાશ્ચાત્ય રંગે રંગાઈને હિન્દુ તહેવારો પર મેઇનસ્ટ્રીમ મિડિયામાં અને સોશિયલ મિડિયામાં સંદેશાઓનો ધોધ પાડે છે કે દિવાળી પર ફટાકડા ન ફોડો, તેનાથી પ્રદૂષણ થાય છે, હોળી પર લાકડાં ન બાળો, તેનાથી વૃક્ષો કપાય છે, ધૂળેટીએ તિલક હોળી રમો અને પાણી બચાવો. મકર સંક્રાંતિએ પતંગ ન ચગાવવાની સલાહ અપાય છે. આ જ પત્રકારો અને મિડિયાને એ.સી.થી ઓઝોન પડને નુકસાન અને તેનાથી વધતી ગરમીની કોઈ ચિંતા નથી. મોબાઇલ બબ્બે રાખશે. ઘણી વાર તો ત્રણ-ત્રણ પરંતુ મોબાઇલ ઉત્પાદનથી પર્યાવરણને બેહદ નુકસાન પહોંચે છે. ચીનના બાઓતાઉ અને આસપાસના વિસ્તારની હાલત વિશે છાપાંઓમાં લખાતું નથી કારણકે જાણે તો બધા મોબાઇલ લેવાનું બંધ કરે! ફ્રીજ, માઇક્રોવેવ, ઑવન, કમ્પ્યૂટર, ગીઝર, વૉશિંગ મશીન..આ બધું વાપરવાનું બંધ કરવું પડે. કહેવાનો અર્થ એ છે કે આ પત્રકારો અને મિડિયાએ પહેલાં પોતે પર્યાવરણને બચાવવા ગંભીર થવું જોઈએ. કાર-એ.સી., મોબાઇલ, હવાઈ મુસાફરી, આ બધું બંધ કરવું જોઈએ.

પર્યાવરણની સૌથી વધુ ચિંતા કરાઈ હોય તો તે હિન્દુ ધર્મમાં કરાઈ છે. આખો ધર્મ જ પર્યાવરણની આસપાસ ફરે છે. એટલું જ નહીં, હિન્દુ શાસ્ત્રો ખરેખર જે રીતે બીજા પંથનાં શાસ્ત્રો છે તેમ માત્ર આદેશો કે નિયમો કે પછી દંતકથાઓના ગ્રંથ નથી પરંતુ તેમાં એક-એક વાતમાં વિજ્ઞાન વણાયેલું છે. પર્યાવરણ વણાયેલું છે. કેવી રીતે? જુઓ.

અમેરિકામાં મોટા વૈજ્ઞાનિક કાર્લ એડવર્ડ સેગન ખગોળશાસ્ત્રી, કૉસ્મોલૉજિસ્ટ, એસ્ટ્રોફિઝિસિસ્ટ, ઍસ્ટ્રૉબાયૉલૉજિસ્ટ અને લેખક એમ બહુમુખી પ્રતિભા હતા. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. વિજ્ઞાનને લોકપ્રિય બનાવવામાં તેમણે મોટો ફાળો આપ્યો હતો. તેમને પુલિત્ઝર એવોર્ડ સહિત ઢગલાબંધ એવોર્ડ મળેલા. તેમના પુસ્તક ‘કૉસ્મોસ’માં ‘ધ એજ ઑફ ફૉરએવર’ નામના પ્રકરણની શરૂઆતમાં ભગવાન નટરાજની તસવીર છે. ૧૯૯૬ના વર્ષમાં (કાર્લ સેગનનું મૃત્યુ પણ આ જ વર્ષની ૨૦ ડિસેમ્બરે થયેલું) તેમણે એક મુલાકાતમાં આ તસવીર પાછળનો તર્ક સમજાવતાં કહેલું, “નટરાજની પરંપરાગત સમજૂતી એવી છે કે તેમનો એક હાથ બ્રહ્માંડનું સર્જનનું પ્રતીક છે. બીજો હાથ બ્રહ્માંડના વિસર્જનનું પ્રતીક છે.- ડમરુ અને જ્વાળા. આ જ તો કૉસ્મૉલૉજી (બ્રહ્માંડ વિજ્ઞાન) છે.” તેમના પુસ્તકમાં છપાયેલી આ તસવીર કેલિફૉર્નિયાના પાસાડેનાના મ્યુઝિયમમાં નટરાજની મૂર્તિ પરથી લેવાયેલી હતી. કાર્લ સેગને આશા વ્યક્ત કરેલી કે આગામી એક દાયકામાં (એટલે કે વર્ષ ૨૦૦૬ સુધીમાં) આ મૂર્તિ ભારતને પાછી આપી દેવાશે. (નટરાજની મૂર્તિ ત્રણેક વર્ષ પહેલાં ઈશ્વરના કણ અથવા ગૉડ્સ પાર્ટિકલ અથવા હિગ્ઝ બૉઝોન કણ જ્યાં શોધાયો તે જીનિવા સ્થિત સીઇઆરએનની પ્રયોગશાળામાં પણ નટરાજની બે મીટર ઊંચી પ્રતિમા છે. આપણે ત્યાં ઈસરોના વડા કે. રાધાકૃષ્ણન માર્સ મિશન અગાઉ પૂજા કરે તો તેનો વિવાદ થાય છે.)

કાર્લ સેગને ટીવી પર બ્રહ્માંડ વિજ્ઞાનને સરળ રીતે સમજાવવા ‘કૉસ્મોસ: અ પર્સનલ વૉયેજ’ નામની શ્રેણી પણ કરેલી. આ શ્રેણી અમેરિકામાં ઘણી બધી લોકપ્રિય થઈ હતી. તે રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોમાં પણ બતાવાયેલી. પરંતુ ભારતમાં નહીં! ૧૯૯૬માં આપેલી એ મુલાકાતમાં કાર્લ સેગને આશા વ્યક્ત કરેલી કે આ શ્રેણી ક્યારેક ભારતમાં પણ દર્શાવવામાં આવશે તેવી તેમને આશા છે.

આ શ્રેણીના દસમા એપિસોડમાં તેમણે હિન્દુ ગ્રંથોનો આધાર લઈને બ્રહ્માંડ વિજ્ઞાનને સમજાવવા પ્રયાસ કર્યો હતો. મુલાકાતમાં તેમણે કહ્યું હતું, “અમે તમિલનાડુમાં પોંગલ તહેવાર માટે ગયા હતા. વિશ્વભરના તહેવારોની જેમ આ તહેવાર પણ બદલાતી ઋતુને મનાવે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજો ખગોળશાસ્ત્રીઓ (એસ્ટ્રૉનોમર) હતા. તેઓ પંચાંગ રાખતા અને આકાશનું અવલોકન કરતા. અને આ બધું વ્યવહારિક બાબતો માટે હતું: ક્યારે બી વાવવાં અને ક્યારે પાક લણવો. ખગોળશાસ્ત્રી માટે આ જીવન-મરણનો પ્રશ્ન હતો.”

સેગને કહ્યું હતું, “પરંતુ આ એપિસોડ ભારતલક્ષી બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનનું અદ્ભુત પાસુ છે. તેણે આ વિશ્વમાં સૌ પ્રથમ પૃથ્વી અને બ્રહ્માંડનો ટાઇમ સ્કેલ આપ્યો છે. આ ટાઇમ સ્કેલ આધુનિક વૈજ્ઞાનિક કૉસ્મૉલોજી સાથે સાતત્યસભર છે. આપણે જાણીએ છીએકે પૃથ્વી ૪.૬ અબજ વર્ષ જૂની છે અને બ્રહ્માંડ તેના વર્તમાન રૂપમાં લગભગ ૧૦ કે ૨૦ અબજ વર્ષ જૂનું છે. હિન્દુ ધર્મ મુજબ, બ્રહ્માના દિવસ અને રાત (એક દિવસ ૪.૨ અબજ વર્ષનો અને રાત ૪.૨ અબજ વર્ષની- તે રીતે) ૮.૪ અબજ વર્ષના હોય છે. જ્યાં સુધી હું જાણું છું, માત્ર પ્રાચીન ધર્મ પરંપરા જ સાચા સમય પરિમાણ વિશે વાત કરે છે….પશ્ચિમમાં લોકો એમ માને છે કે આ બ્રહ્માંડ થોડા હજાર વર્ષ જ જૂનું છે. તેને કોઈ સમજી શકતું નથી. જ્યારે કે હિન્દુ અવધારણા (કન્સેપ્ટ) એકદમ સ્પષ્ટ છે. તેમાં અબજો વર્ષની વાત કરવામાં આવી છે.”

‘ગૉડ પાર્ટિકલ: ઇફ ધ યુનિવર્સ ઇઝ ધ આન્સર, વૉટ ઇઝ ધ ક્વેશ્ચન’ પુસ્તકના સહ લેખક અને અમેરિકી નાગરિક ડિક ટેરેસી કહે છે કે “આ પૃથ્વીનું આયુષ્ય ૪ અબજ વર્ષ કરતાં વધુ છે તેવો અંદાજ કાઢનારા પ્રથમ ભારતીય કૉસ્મૉલૉજિસ્ટ (બ્રહ્માંડ વૈજ્ઞાનિકો) હતા. તેઓ એટોમિઝમ, ક્વૉન્ટમ ફિઝિક્સ, અને અન્ય વર્તમાન થિયરીઓની એકદમ નજીક હતા. ભારતે સૌ પહેલાં અને બહુ શરૂઆતમાં, મેટર (દ્રવ્ય)ની એટમિસ્ટ થિયરી વિકસાવી હતી. સંભવત: ગ્રીક એટમિસ્ટ વિચાર ભારતના પ્રભાવ હેઠળ પર્શિયન સભ્યતા મારફતે આવેલો.”

તો ઑસ્ટ્રિયામાં જન્મેલા અને અમેરિકી ભૌતિકશાસ્ત્રી ફ્રિત્ઝોફ કાપ્રાએ ‘ધ ડાન્સ ઑફ શિવ: ધ હિન્દુ વ્યૂ ઑફ મેટર ઇન ધ લાઇટ ઑફ મૉડર્ન ફિઝિક્સ’ શીર્ષકવાળા લેખમાં નટરાજ અથવા શિવના નૃત્ય અને સબ એટોમિક પાર્ટિકલ્સના ડાન્સ વચ્ચે સરખામણી પર ચર્ચા કરી હતી. આ લેખ ૧૯૭૨માં ‘મેઇન કરન્ટ્સ ઇન મોડર્ન ફિઝિક્સ’માં પ્રકાશિત થયો હતો. ત્યાર બાદ કાપ્રાએ ‘તાઓ ઑફ ફિઝિક્સ’ નામના (૧૯૭૫માં પ્રકાશિત) ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર પુસ્તકમાં શિવજીના નૃત્યને કેન્દ્રીય રૂપક બનાવ્યું હતું. આ પુસ્તકની ૨૩ ભાષામાં ૪૩ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.

તુલસીદાસજીએ હનુમાનચાલીસા લખ્યા તેમાં એક ચોપાઈ છે: જુગ સહસ્ર જોજન પર ભાનુ, લિલ્યો તાહિ મધુર ફલ જાનુ. ઉત્તર પ્રદેશમાં યના બદલે જ બોલાય છે જેમ કે યજ્ઞના બદલે જગ્ન. યજમાનને જજમાન કહે છે. આ રીતે જ યુગનું જુગ થયું. યોજનનું જોજન થયું. હિન્દુ કાલ ગણના મુજબ એક યુગ બરાબર ૧૨ હજાર વર્ષ. એક સહસ્ર એટલે હજાર. આમ, જુગ સહસ્ર એટલે ૧૨ હજાર ગુણ્યા ૧,૦૦૦ અને એક યોજન એટલે આઠ માઇલનું અંતર થયું એટલે કુલ ગુણાકારનો જવાબ આવે ૯,૬૦,૦૦,૦૦૦. ૯ કરોડ સાઇઠ લાખ માઇલ. માઇલને કિમીમાં ફેરવો તો ૧૫ કરોડ ૩૬ લાખ કિમી અંતર થાય. નાસાની વેબસાઇટ પર ૧૪,૯૬,૦૦,૦૦૦ કિમી આપેલો છે. અલબત્ત, વિજ્ઞાન ચોકસાઈમાં માને અને ૦.૦૦૦૧નો ફેર પણ ન જ ચાલે પરંતુ કોણ વધુ સાચું એ કહેવું મુશ્કેલ કારણકે વિજ્ઞાનમાં આજે કોઈ નવી થિયરી આવે તો તે જૂની થિયરીને ખોટી ઠેરવી શકે છે. એટલે કાલે સવારે સંશોધન થાય કે અંતર ૧૪.૯૬ કરોડ નહીં પરંતુ ૧૫.૩૬ લાખ કિમી છે તેવું બની શકે. અથવા બીજું એ પણ છે કે તુલસીદાસ કોઈ વિજ્ઞાનના સાધન વડે માપવા નહોતા ગયા. તેમણે શ્રી રામ અને હનુમાનજીએ જે સૂજાડ્યું તે લખ્યું છે. તોય તેમણે એક ચોપાઈમાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર આપી દીધું! પરંતુ કેટલાક હિન્દુ વિરોધી બુદ્ધુજીવીઓને આ વાત ગપ્પું લાગે છે કે સમય અને અંતરનો ગુણાકાર ન થઈ શકે. એક મિનિટ, તો પછી પાશ્ચાત્ય વિજ્ઞાનમાં પ્રકાશ વર્ષ એ અંતરનું એકમ કેમ છે? લાઇટ યર! એક વર્ષમાં પ્રકાશ જેટલું અંતર કાપે તેના બરાબર એસ્ટ્રોનૉમિકલ (ખગોળીય) અંતર. હિન્દુ ધર્મનો માત્ર પશ્ચિમી નજરે – તર્કવાદથી અધૂરો અભ્યાસ કરવા જાવ તો આવું જ થાય. હિન્દુ શાસ્ત્રો ગપ્પાં લાગે. બાકી, વિષ્ણુ પુરાણ સહિત અનેક શાસ્ત્રોનો જો નેગેટિવિટી મનમાં રાખ્યા વગર અભ્યાસ કરો અને તેને બરાબર સમજો તો તે શુદ્ધ વિજ્ઞાન સિવાય બીજું કંઈ નથી, જેમ કે વિષ્ણુ પુરાણ!

વિષ્ણુ પુરાણના દ્વિતીય અંશના સાતમા અધ્યાયમાં સાત ઉર્ધ્વ લોકનું વર્ણન છે. અહીં લોક એટલે પબ્લિક એ અર્થ નથી. લોક એટલે ભુવન અથવા તો સ્તર. તેનાં નામ છે- ભુર્લોક (એટલે પૃથ્વી), ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક. વિજ્ઞાનમાં તેને વાતાવરણનાં સ્તરો કહ્યા છે. વિજ્ઞાનમાં તેને વાતાવરણનાં સ્તરો કહ્યાં છે. તે છ છે: ટ્રોપોસ્ફીયર (ક્ષોભમંડળ), સ્ટ્રેટોસ્ફીયર (સમતાપમંડળ), મેસોસ્ફીયર (મધ્યમંડળ), થર્મોસ્ફીયર (તાપમંડળ), આયોનોસ્ફીયર (આયનમંડળ), એક્ઝોસ્ફીયર (બાહ્યમંડળ).

હિન્દુ શાસ્ત્રોમાં જે સાત ઊર્ધ્વ લોક કહ્યા તેને મુખ્યત્વે બે લોકમાં વિભાજીત કરાયા છે: કૃતક લોક અને અકૃતક લોક. કૃતક લોકમાં પ્રલય અને ઉત્પત્તિનું ચક્ર ચાલતું રહે છે. અકૃતક લોકમાં સમય અને સ્થાન શૂન્ય છે. તો સાત લોકમાંથી કયા લોક કૃતક છે અને કયા અકૃતક? ભૂર્લોક (ધરતી), ભુવર્લોક (આકાશ) અને સ્વર્લોક (અંતરિક્ષ)માં જ પ્રલય થાય છે. જ્યારે જનલોક, તપલોક અને સત્યલોક આ ત્રણ લોક પ્રલયથી પર છે.

વિષ્ણુ પુરાણમાં પરાશર મુનિ આ કૃતક અને અકૃતક લોકને સમજાવતા કહે છે, “ભૂ, ભુવ:, સ્વ: એ કૃતક ત્રૈલોક્ય કહેવાય છે અને જન, તપ તેમજ સત્ય એ ત્રણ અકૃતક લોક છે. કૃતક ત્રૈલોક્ય અને અકૃતક ત્રૈલોક્ય વચ્ચે મહર્લોક કહેવાય છે જે કલ્પાંતમાં માત્ર જનશૂન્ય થઈ જાય છે પણ નષ્ટ નથી થતું. તેથી તે કૃતકાકૃત કહેવાય છે.

વિષ્ણુ પુરાણમાં પરાશર મુનિએ કહ્યું છે કે આપણું છે તેવા કરોડો બ્રહ્માંડ રહેલાં છે. આધુનિક વિજ્ઞાન હજુ આ રહસ્યના ઉકેલ સુધી પહોંચી નથી શક્યું. ૧૯૫૨માં પહેલી વાર એર્વિન સ્ક્રોડિન્જરે અમેરિકાના ડબલિન શહેરમાં આપેલા વ્યાખ્યાનને અનેક બ્રહ્માંડોના વાદ (મલ્ટિ યુનિવર્સ થિયરી)નો પહેલો સંકેત માનવામાં આવે છે. સ્ક્રોડિન્જર નોબેલ પારિતોષિક વિજેતા ઑસ્ટ્રિયન ફિઝિસિસ્ટ (ભૌતિકવિજ્ઞાની) હતા. એન્ડ્રુ ઝિમરમેન જૉન્સ જે પોતાને લેખક, ફિલોસોફર, એજ્યુકેટર, સાયન્સ ઍડ્વૉકેટ અને આંત્રપ્રિન્યોર ગણાવે છે તેમણે ડેનિયલ રોબિન્સ સાથે મળીને ફિઝિક્સની સ્ટ્રિંગ થિયરી સરળ ભાષામાં સમજાવી છે. તેઓ કહે છે, “એક કરતાં વધારે બ્રહ્માંડનો વિચાર ફિઝિક્સમાં તો બાદમાં આવ્યો, તે પહેલાં હિન્દુ ધર્મમાં તે આવી ગયો. હિન્દુ કૉસ્મોલોજી (બ્રહ્માંડ વિજ્ઞાન) પ્રમાણે, ચક્રીય અનંત વિશ્વોમાં એક કરતાં વધુ બ્રહ્માંડો આવેલાં છે. આપણું બ્રહ્માંડ અલગ-અલગ બ્રહ્માંડની અનંત સંખ્યા પૈકીનું એક છે.

આવાં તો ઘણાં ઉદાહરણ આપી શકાય જે સાબિત કરી શકે કે આપણા વેદ-પુરાણ એ બીજું કંઈ નથી પરંતુ વિજ્ઞાન જ છે. આથી જ આ વિજ્ઞાનને પામી ગયેલા આપણા ઋષિ-મુનિઓએ સામાન્ય માનવીને સમજાય તે માટે કથાઓનો આશરો લીધો. પર્યાવરણને પરંપરા સાથે જોડી દીધું. તુલસીનો છોડ દરેક હિન્દુના ઘરમાં હોવો જ જોઈએ અને તેની પૂજા થવી જ જોઈએ કારણ ઔષધિની રીતે તુલસી ખૂબ જ ઉપયોગી છે. શરદી-ઉધરસ, બ્રૉન્કાઇટિસ, સ્કિન ઇન્ફેક્શન, હૃદય રોગ સહિત અનેક બીમારી-રોગોમાં તે ઉપયોગી છે. આથી તુલસીને વિષ્ણુ ભગવાનની પત્નીનું સ્વરૂપ આપી દીધું. તુલસી ૨૦ કલાક સુધી ઑક્સિજન આપે છે અને આપણે એ.સી. દ્વારા જે ઑઝોન પડને નુકસાન પહોંચાડીએ છીએ તેની ભરપાઈ તુલસી કરી આપે છે. તુલસી ચાર કલાક સુધી ઑઝોન આપે છે. તે કાર્બન મોનૉક્સાઇડ જેવા ઝેરી વાયુને શોષી લે છે. અમેરિકાની ફૉક્સ ન્યૂઝ વેબસાઇટ કહે છે કે હોલી બેઝિલ (તુલસી- અંગ્રેજો આપણી જ ચીજોના નામ બદલી નાખે જેથી આપણી ચીજ ન લાગે જેમ કે રામનું રામા, યોગનું યોગા, સાડીનું સારી…ઇત્યાદિ અને આપણે પાછાં આપણાં જ નામો અંગ્રેજોએ જે બગાડ્યા હોય તે રીતે બોલવામાં ગર્વ અનુભવીએ. “હું યોગ કરું છું” તેમ બોલવાના બદલે “હું યોગા કરું છું” તેમ કોલર ઊંચા કરીને બોલીશું.) સ્ટ્રેસ બસ્ટર અર્થાત્ તણાવ દૂર કરનારી છે.

આ જ રીતે શિવજીને ચડાવાતાં બિલીપત્ર અથવા બિલ્વ પત્ર (અંગ્રેજોએ તેનું નામ વૂડ એપલ રાખી દીધું) પેટની તકલીફો, કોઢ, હરસમસા વગેરેમાં ઉપયોગી છે. આપણે ત્યાં સાપ, કીડી, ઉંદર, મોર, સિંહ, વૃષભ, મત્સ્ય, કુર્મ વગેરે ઘણા પ્રાણી જે સામાન્ય રીતે ઉપદ્રવી કે બિનઉપયોગી ગણાય તેને ભગવાનના વાહન સાથે અથવા ભગવાનના અવતાર સાથે જોડી દેવાયા. અરે! આપણે ત્યાં ડુક્કરને પણ વરાહ તરીકે ભગવાન વિષ્ણુનો એક અવતાર મનાયો છે કારણકે પર્યાવરણના ચક્ર (ઇકો સાઇકલ)માં દરેકે દરેક જીવનું આગવું મહત્ત્વ છે તો જ કુદરત અથવા ઈશ્વર તેને ટકાવી રાખે. બિનઉપયોગી જીવની પ્રજાતિનો નાશ કરી નાખે. પૃથ્વીને માતા માનીને સવારમાં ઊઠીને ‘સમુદ્ર વસને દેવી’ મંત્ર બોલી પગે લાગવાનું, પીપળે પાણી રેડવાનું, ગાયને માતાનું સ્વરૂપ માની તેની પૂજા જ નહીં, સારી રીતે ઉછેર કરવાનું, નદીઓને માતા માની તેને સ્વચ્છ રાખવાની.. આ બધી પરંપરાના નામે જેને અંગ્રેજીમાં રિલિજિયન કહે છે તે રીતે જોડી દેવાઈ છે જેથી મનુષ્યના મનમાં પર્યાવરણ અને પૃથ્વીનું સતત મહત્ત્વ રહે.

હિરણ્યાક્ષ રાક્ષસ અને વરાહ અવતારમાં દર્શાવાયું છે કે એ સમયે પૃથ્વી મહાસાગરમાં ડૂબી ગઈ હતી. વિજ્ઞાન આ બાબતે સંમતિનો સૂર પુરાવે છે. યુનાઇટેડ કિંગડમની બ્રિસ્ટૉલ યુનિવર્સિટીના બ્રુનો ધુઇમેના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ ૧૩,૦૦૦ ખડકોના નમૂના પરથી જે સંશોધન કર્યું હતું તે મુજબ, ત્રણ અબજ વર્ષ પૂર્વે ખંડો ખૂબ જ પાતળા હતા. ગત બે અબજ વર્ષ પૂર્વે પ્લેટ ઘર્ષણ જેવી ભૌગોલિક ક્રિયાઓના કારણે પડો મજબૂત થવાં લાગ્યાં અને હાલની સરેરાશ જાડાઈ ૩૫ કિલોમીટરે પહોંચ્યાં. જોકે ધૂમેઇ માને છે કે ધોવાણના કારણે પૃથ્વીનાં પડ પાછા પાતળા થવાં લાગ્યાં છે. જો આ ક્રિયા આગામી બે અબજ વર્ષ સુધી ચાલુ રહેશે તો પડ એવા તબક્કે પહોંચી જશે જ્યાં ખંડો મહાસાગરની અંદર ડૂબી જશે. અર્થાત્ વરાહ ભગવાનનો અવતાર ત્રણ અબજ વર્ષ પૂર્વે થયો હોવો જોઈએ! પૃથ્વી ૪.૬ અબજ વર્ષ જૂની છે તે વિજ્ઞાન પણ કહે છે અને આપણા વેદ-પુરાણો પરથી પણ તે વાત સિદ્ધ થાય છે.

આજે જેમ પર્યાવરણને નુકસાન અતિશય થઈ રહ્યું છે અને લોકો વિજ્ઞાન તેમજ આરોગ્ય વિજ્ઞાનની અદ્ભુત શોધોના પરિણામે ઈશ્વરને ભૂલીને ભોગવિલાસમાં પડેલા છે તે કરતાંય વધુ ભોગવિલાસમાં હિરણ્યાક્ષના સમયે પડેલા હશે. અને પર્યાવરણને અતિશય નુકસાન થવાથી પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ હશે. તેને વરાહ જેવા કોઈ પ્રાણીએ બચાવી હશે. વિજ્ઞાન કહે છે કે જો આપણે અતિશય ભોગવિલાસ નહીં અટકાવીએ અને પર્યાવરણની કાળજી નહીં લઈએ તો આજથી બે અબજ વર્ષ પછી ફરી જળપ્રલય થવાની શક્યતા છે. ક્લાઇમેટ ચૅન્જ અત્યારથી આના સંકેતો આપી રહ્યું છે. સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ વગેરે અનેક જગ્યાએ હજુ તો વૈશાખ શરૂ નથી થયો ત્યાં તાપમાન ૪૪-૪૫ ડિગ્રી સે. આસપાસ પહોંચી ગયું છે.

સિટી બસની સારી સુવિધા આપવામાં આવે, કાર-બાઇકનો ઉપયોગ ટાળવામાં આવે તો રસ્તા પહોળા કરવા માટે, વિકાસના નામે વૃક્ષો કપાતા જાય છે તે કપાય નહીં. ઉત્તરાખંડમાં પણ વિકાસનાં કામોના કારણે વર્ષ ૨૦૧૩માં ભયંકર પૂર આવ્યું હતું જેના કારણે હજારો લોકોનાં મૃત્યુ થયા હતા. વીજળીનો ઉપયોગ પણ ઓછો કરવો પડશે. રાત આખી દુકાન-શોરૂમ-મોલ વગેરે બંધ હોય તો પણ તેનાં પાટિયાં વીજળીથી ઝગમગતા રહે, સરકારી કે ખાનગી કંપનીઓમાં પોતે હાજર ન હોય તો પણ એ.સી., પંખા, લાઇટ, કમ્પ્યૂટર ચાલુ રહે, એ સારી ટેવ નથી. વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલ જેવાં કુદરતી સંસાધનોનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ કરવો જોઈએ. બેફામ કરવો યોગ્ય નથી. કોઈ દલીલ કરી શકે કે હજુ તો બે અબજ વર્ષ પછીની વાત છે ને. ત્યારે ક્યાં જીવતા હોઈશું? પરંતુ તમે તમારી પછીની પેઢીઓને શું આપી જશો તે અગત્યનું છે. હિન્દુ ધર્મમાં માનતા હો તો બની શકે કે એ વખતે તમારે પણ કોઈ માનવ કે પશુ-પંખીના અવતારમાં એ પ્રલયની પીડા ભોગવવી પડે. બીજું, બે અબજ વર્ષ પછીનું ન વિચારો તો કંઈ નહીં, અત્યારે ૪૪-૪૫ ડિગ્રી ગરમી, પૂર, માવઠાં, દુષ્કાળ, ગાત્રો થિજવતી ઠંડી વગેરે જે રીતે થઈ રહ્યા છે ત્યારે તેને પણ તમારે સહન કરવા જ પડે છે ને. તો પછી, અત્યારે નહીં ચેતો તો ક્યારે ચેતશો? ધર્મો રક્ષતિ રક્ષિત: અર્થાત્ ધર્મ એનું જ રક્ષણ કરે છે જે ધર્મનું રક્ષણ કરે છે. આપણે આમ કહી શકીએ- પર્યાવરણ રક્ષતિ રક્ષિત:. આ વાત પર્યાવરણ-કુદરતના સંદર્ભમાં પણ લાગુ પડે છે. જો તમે કુદરતને નહીં બચાવો તો કુદરત તમને નહીં બચાવે.

Advertisements
environment, national

નપાણિયા દેશ તરફ ધકેલાતું ભારત

(સંકલન શ્રેણી સામયિકના મે અંક માટે લખાયેલો લેખ)

એક તરફ ધોમધકતા સૂરજદાદા અને બીજી તરફ પાણીની સમસ્યા. ભારતમાં આ ઉનાળો આકરો ગુજરવાનો છે. ભારતનાં ૨૯ રાજ્યો છે. તેમાંથી ૧૩ રાજ્યો દુષ્કાળગ્રસ્ત છે. એટલે કે આ રાજ્યોમાં પૂરતો વરસાદ પડ્યો નથી. અને એમાં ક્લાયમેટ ચૅન્જના કારણે સતત વધતી જતી ગરમી. જેમ ક્રિકેટમાં હવે ૫૦ રનનું બહુ મહત્ત્વ નથી રહ્યું તેમ તાપમાનમાં સૂરજદાદાનો પારો ૪૦એ તો આરામથી પહોંચી જાય છે.

ભારતમાં ૨૫૬ જિલ્લા દુષ્કાળપ્રભાવિત છે. ઓડિશામાં તો શાળાઓ બંધ કરી દેવાઈ છે અને સમગ્ર ભારતમાં ગરમીના કારણે ૧૧૦થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડામાં પાણીનો કકળાટ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને જૂના દિવસોની યાદ અપાવી દે છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છ અને અમદાવાદ જેવા મહાનગરોના અમુક વિસ્તારોમાં પણ પાણીનો કકળાટ સાવ વિરમ્યો નથી. ગામડાઓની તરફ તો હવે કોણ જુએ છે? દિલ્લી, અમદાવાદ જેવા મહાનગરોમાંથી થતું પત્રકારત્વ અને નેતાગીરીના કારણે ગામડાઓની સ્થિતિ આમ પણ દયનીય હોય છે. એવામાં જળસંકટ પણ અપવાદ નથી.

ગુજરાતમાં ૨૦૨ ડેમોમાંથી માત્ર બે જ ડેમોમાં ૬૦થી ૮૦ ટકા જેટલું પાણી રહ્યું છે. ૧૬૩ ડેમોમાં ૨૦ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાના અહેવાલ છે. ગુજરાતના ઘણા ડેમોમાં તળિયાઝાટકની સ્થિતિ છે.

હૈદરાબાદ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, એનસીઆર, ઑડિશા અને કેરળ વગેરે રાજ્યો પાણીની કટોકટી સામે ઝઝૂમી રહ્યા છે. સતત બે વર્ષથી નબળા ચોમાસાના લીધે આમ થયું છે. જળાશયોમાં પાણી ખૂટી ગયાં છે. પંપ અને ટ્યૂબ વેલ વગેરેને સમારકામ કરવા કે તેને પુનર્જીવિત કરવાના કામો બ્યુરોક્રસીમાં અટવાઈ પડતા હોય છે. હૈદરાબાદમાં ચાર જળાશયો સૂકાઈ ગયા છે. શહેરના અનેક ભાગો- ખાસ કરીને વિજયનગર અને બેગમપેટમાં પીવાના પાણીની જબરદસ્ત તંગી છે. કુતુબુલ્લપુર નગરપાલિકાના વિસ્તારોમાં ગોદાવરીનું પાણી પૂરું પડાય છે, પરંતુ તે પી શકાય તેવું નથી હોતું તેમ કહેવાય છે.

રાજસ્થાનમાં ૩૩ પૈકી ૧૯ જિલ્લા દુષ્કાળગ્રસ્ત છે. ૧૭,૦૦૦ ગામડાઓમાં ભૂગર્ભ જળ ઘટી જતાં તેઓ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે.

મહારાષ્ટ્રનો લાતુર જિલ્લો એક સમયે (૧૯૯૩માં) ભૂકંપના કારણે ચર્ચામાં આવ્યો હતો અને અત્યારે પાણીની સમસ્યાના કારણે બેડાં રમખાણોમાં અનેકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં છે. માત્ર લાતુરની જ વાત કરીએ તો, અહીં ચાર વર્ષથી ઓછો વરસાદ, પાણીની પાઇપલાઇનોમાં લિકેજ, નળની પૂરતી સંખ્યાનો અભાવ, માંજરા ડેમનું સૂકાઈ જવું વગેરે અનેક કારણો જળસંકટ માટે જવાબદાર છે. પરિણામે અહીં ટૅન્કરનો ધંધો કરનારાને મજા પડી ગઈ છે. અહીં પાંચ હજાર લિટરનું ટૅન્કર પહેલાં ૩૦૦-૪૦૦ રૂપિયામાં મળતું હતું તે હવે એક હજાર રૂપિયામાં મળે છે. જોકે તાજેતરમાં ટ્રેન દ્વારા લાતુરમાં પાણી પહોંચાડવામાં આવ્યું છે.

આવી સ્થિતિમાં માત્ર શુદ્ધ મનોરંજન, સટ્ટા અને કાળાં નાણાંને સફેદ કરવાના આડકતરા રસ્તા તરીકે યોજવામાં આવતી આઈપીએલ મેચોનો વિવાદ થયો. આમ તો સંવેદનશીલ નેતાઓ અને ક્રિકેટ બૉર્ડને જ ધ્યાનમાં આવવું જોઈતું હતું કે પિચ પર લાખો લિટર પાણી વેડફાય તે ઠીક નથી. પરંતુ એક સમાજસેવી સંસ્થાએ મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને હાઇ કોર્ટે કડક થઈને કહ્યું એટલે હવે ૧મેથી આઈપીએલની મેચો મહારાષ્ટ્રની બહાર રમાડાશે. આ બધી સ્થિતિમાં જે લોકો ખૂબ જ લોકપ્રિય છે અને જેમના આચરણથી પ્રજામાં દાખલો બેસે છે તેમના પાણીના વેડફાટના કિસ્સા બહાર આવ્યા જેનાથી આ ગણમાન્ય લોકો પ્રત્યે અનાદરની ભાવના ઉત્પન્ન થાય. કેટલાક નેતાઓના એવા કિસ્સા બહાર આવ્યા કે તેમના હેલિપેડ માટે લાખો લિટર પાણી વેડફી નાખવામાં આવ્યું. આમાં કોઈ એક પક્ષના નેતા નથી. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની જેવા લોકપ્રિય ક્રિકેટર અને કપ્તાનના ઘરે સ્વિમિંગ પૂલ માટે રોજ ૧૫ હજાર લિટર પાણી પહોંચાડવામાં આવતું હોવાની રાંચીના લોકોએ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે અમારી પાસે પીવાનું પણ પાણી નથી અને ધોનીના ઘરે તરવા માટે આટલું બધું પાણી પૂરું પડાય છે.

પંજાબ અને હરિયાણા નદીના પાણી માટે ઝઘડી રહ્યા છે.  તેમની વચ્ચે સતલજ-યમુના લિંક કેનાલના પાણીની વહેંચણીનો ઝઘડો છે. અલબત્ત, આ બંને રાજ્યોમાં વિરોધી પક્ષોની સરકાર હોવાથી ઝઘડો નથી. બલકે, એક જ ગઠબંધન એનડીએની સરકારો છે. અગાઉ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણીનો ઝઘડો પણ જાણીતો હતો. આ અંગે ૧૬-૧૭ વર્ષ કાનૂની લડાઈ ચાલેલી અને છેવટે કેન્દ્ર સરકારે ટ્રિબ્યુન રચવી પડી. ટ્રિબ્યુને ૨૦૦૭માં જળ વહેંચણીની વ્યવસ્થા કરી આપી, પરંતુ તમિલનાડુ, કર્ણાટક ઉપરાંત કેરળ અને પુડુચેરી એમ ચાર રાજ્યો જે કાવેરીના પાણી પર કરે છે તેમણે આ કિસ્સામાં રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય કર્યો છે, પરંતુ અત્યારે સ્થિતિ પ્રમાણમાં શાંત છે.

કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં તો ૧૫ એપ્રિલથી ૩૦ જૂન સુધી વહેલી સવારે ૫.૩૦થી ૯ વાગ્યા સુધીમાં જ્યારે પાણી પૂરું પડાતું હોય ત્યારે કાર ધોવા પર, બગીચાને પાણી પાવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને આ પ્રતિબંધનો ભંગ કરનારાને દંડ કરવાની જોગવાઈ પણ કરાઈ છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી આપણે સાંભળતા આવીએ છીએ કે ત્રીજું યુદ્ધ પાણીના મુદ્દે લડાશે. આવામાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વૉટર બૉર્ડનો એક રિપોર્ટ ચિંતા પેદા કરાવી દે તેવો છે. આ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં જે ઝડપથી પાણીનું સ્તર ઘટતું જઈ રહ્યું છે તે જોતાં વર્ષ ૨૦૫૦ સુધીમાં એવી સ્થિતિ આવશે કે ભારતે વિદેશથી પાણી મગાવવું પડશે! ૨૦૫૦ સુધીમાં વ્યક્તિ દીઠ પાણીની ઉપલબ્ધિ ૩૧૨૦ લિટર થઈ જશે.

વર્ષ ૨૦૦૧માં જમીનની અંદર પ્રતિ વ્યક્તિ ૫,૧૨૦ લિટર પાણી બચ્યું છે. ૧૯૫૧ના વર્ષમાં આ આંકડો ૧૪,૧૮૦ લિટરનો હતો. આનો અર્થ તો એ જ થયો ને કે ૧૯૫૧ની સરખામણીએ પચાસ વર્ષોમાં ભૂગર્ભ પાણીનો જથ્થો અડધો અડધ રહી ગયો. અનુમાન એવું છે કે ૨૦૫૦ સુધીમાં પાણીની ઉપલબ્ધિ ૨૫ ટકા જ રહી જશે.

પચાસ વર્ષોમાં ભૂગર્ભ પાણીનો જથ્થો અડધોઅડધ કેમ રહી ગયો? શું વરસાદ પડવાનો સાવ બંધ થઈ ગયો? ના. ઉલટાનું કેટલાંક વર્ષોમાં તો અતિવૃષ્ટિ થઈ હતી! ઑડિશાની જ વાત કરીએ તો ત્યાં સરેરાશ ૧,૫૦૨ મિમી વરસાદ પડે છે. આમ છતાં ત્યાં પણ ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર તંગી દર વર્ષે થવા લાગી છે. આ શું બતાવે છે?

આ જ રીતે સારો વરસાદ પડતો હોવા છતાં કેરળમાં પાણીની તંગી મુખ્યત્વે નબળા જળસંચય અને દૃષ્ટિવિહોણા આયોજનના લીધે છે.

આ બતાવે છે કે જળસંકટ માનવસર્જિત વધુ છે અને કુદરતનિર્મિત ઓછું છે. એક તરફ આપણે વૃક્ષો વગેરે કાપતા જઈ, એસી વગેરે યંત્રોના વપરાશ દ્વારા ઓઝોનનું સ્તર ઘટાડતાં જઈ ગરમીનું પ્રમાણ સતત વધારતા જઈએ અને વૃક્ષોના ઓછા પ્રમાણના કારણે વરસાદ ઓછો પડે. અને જ્યારે પડે ત્યારે તેમાંથી જળ સંચય ન કરીએ. પહેલાંના સમયમાં રાજા મહારાજા કૂવા ખોદાવતા, તળાવો નિર્માણ કરાવતા. હવે તો શાસકોને ભવ્ય ઈમારતો બનાવવામાં જ રસ રહી ગયો છે. સારા રસ્તા અલબત્ત જરૂરી છે. પરંતુ સાથે તળાવો, જળાશયો, ચેકડેમો પણ જરૂરી છે. ગુજરાતમાં થોડાં વર્ષો પહેલાં ચેકડેમો બાંધવાનું કામ સૌરાષ્ટ્ર બાજુ સારું થયું હતું જેના કારણે થોડી પરિસ્થિતિમાં ફરક આવ્યો પરંતુ વહીવટી કુશળતાના અભાવે પાણીની માથાકૂટ તો એટલી જ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ફ્લેટ-સોસાયટીમાં અત્યારે નવો બોર બનાવવાનો હોય તો વરસાદનું પાણી જમીનમાં ઉતારવું ફરજિયાત કરાયું છેજો ભૂગર્ભ જળને આ રીતે જમીનમાં ઉતારવાનું દરેક ફ્લેટ-સોસાયટી કરે તો બે ફાયદા છે: એક તો, ભૂગર્ભ જળનું સ્તર વધે અને બીજું, પાણી ભરાવાની સમસ્યા પણ ઘટે. પરંતુ ટૂંકી દૃષ્ટિના રહેવાસીઓને આ ખર્ચ પોસાતો નથી. અને એટલે આવી કોઈ સુવિધા કરતા નથી.

અમદાવાદમાં એકદંરે પાણીની ભરપૂર સુવિધા છે. ત્યાં પાણીનો વેડફાટ જે રીતે થાય છે તે જોતાં સૌરાષ્ટ્રમાંથી આવતા હોઈને પાણીની સમસ્યા જોઈ હોવાથી મન કચવાય. કામવાળાને નળ ચાલુ રાખીને જ વાસણ ધોવા અને કપડાં ધોવાની ટેવ! ના પાડીએ તો આવે નહીં. પરિણામે કામવાળાને જ ના પાડી દીધી!

પાણીના વેપારીકરણે પણ પાણીની સમસ્યા વધારવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ટૅન્કરમાફિયાની તો દિલ્લી જેવા પાટનગરમાં પણ જબરી રાડ હતી. અરવિંદ કેજરીવાલનું ચૂંટાવાનું એક કારણ આ પણ હતું.  ટૅન્કર ઉપરાંત ઠંડાં પીણાં, દારૂ, ક્લબોમાં થતા રેઇન ડાન્સ, હિન્દી ફિલ્મોમાં ફિલ્માવાતા વરસાદનાં દૃશ્યો, મિનરલ વૉટરની વેચાતી બૉટલો, પાઉચમાં વેચાતા પાણી આ બધાએ પણ પાણીની તંગીને તીવ્ર બનાવવામાં ઓછો ફાળો નથી આપ્યો.