તુમ જિસ સ્કૂલ મેં પઢે હો ઉસકે હેડમાસ્ટટર રહ ચૂકે હૈં


તુમ જિસ સ્કૂલ મેં પઢે હો ઉસ સ્કૂલ કે હમ હેડમાસ્ટર રહ ચૂકે હૈં…

આ ડાયલોગ જ્યારે જ્યારે બોલાશે ત્યારે આપણી આંખમાં અને મગજમાં એ તાદૃશ થશે. ડાયલોગના જમાનામાં, હાથ અને આંખોથી એક્સ્પ્રેશન કરવાના જમાનામાં શારીરિક અને અભિનય બંને રીતે અમિતાભની બરાબરીની ઊંચાઈના અદાકાર એટલે વિનોદ ખન્ના.

એ બધાના મન કા મીત બની ગયા એમાં એમની એક્ટિંગ જવાબદાર તો હતી જ પરંતુ સાથે નસીબ પણ હતું જ. બાકી ઇતિહાસ સાક્ષી છે કે શત્રુઘ્ન અને વિનોદ સિવાય બહુ ઓછા લોકો છે જે ટાઇપકાસ્ટ થયા વગર રહ્યા.

જી હા, વિનોદજીએ શત્રુઘ્નની જેમ શરૂઆત કરી હતી ખલનાયક તરીકે પણ પછી તેમને નાયક તરીકે ફિલ્મો મળવા લાગી. પણ બંને પ્રકારની ભૂમિકાઓ એટલી બખૂબી ભજવી કે વિલન તરીકે દેખાય તો ધૃણા ઉપજે અને નાયક તરીકે જેવા દેખાય કે તરત થિયેટરમાં સીટીઓ વાગી ઊઠે. રાજેશ ખન્ના સામે ‘આન મિલો સજના’ અને ‘સચ્ચા ઝૂઠા’ તો ધર્મેન્દ્ર સામે ‘મેરા ગાંવ મેરા દેશ’ કરી. જી હા, ધર્મેન્દ્ર-અમિતાભની ‘શોલે’ પહેલાં એવી જ કથાવસ્તુ ધરાવતો ‘મેરા ગાંવ મેરા દેશ’ આવેલી જેમાં વિનોદ ખન્નાએ ખૂંખાર ડાકુ જબ્બરસિંહની ભૂમિકા ભજવેલી. ગુલઝારની ‘મેરે અપને’ પણ વિનોદની કારકિર્દીની યાદગાર ફિલ્મોમાં સ્થાન પામી.

સાયરા બાનો (હેરાફેરી), શબાના આઝમી (અમર અકબર એન્થની, પરવરિશ, લહુ કે દો રંગ), ડિમ્પલ કાપડિયા (ઇન્સાફ, લેકિન, લીલા, દબંગ, દબંગ ૨), શ્રીદેવી (ચાંદની, પથ્થર કા ઇન્સાન, ફરિશ્તે) , મીનાક્ષી શેષાદ્રી (જુર્મ, મહાદેવ, પોલીસ ઔર મુજરિમ), વિદ્યા સિંહા (ઇનકાર), ભાનુપ્રિયા (સૂર્યા), ઝિન્નત અમાન (કુર્બાની), પરવીન બાબી (ધ બર્નિંગ ટ્રેન), હેમા માલિની (કુદરત, મીરા, રિહાઈ), અમૃતા સિંહ (બટવારા, સીઆઈડી), રેખા (આપ કી ખાતિર), તનુજા (ઇમ્તીહાન), રાખી (મુકદ્દર કા સિકંદર), સીમી ગરેવાલ (હાથ કી સફાઈ), રીના રોય (ઇન્સાન)…અનેક એવી સુંદર અભિનેત્રી છે જેમની સાથે વિનોદે જોડી જમાવેલી.

અમિતાભ સાથે એ જમાનામાં સીધી સ્પર્ધા હતી વિનોદની. પણ કેટલીક બાબતમાં અમિતાભ આગળ રહ્યા છે તો કેટલીકમાં વિનોદ. વિનોદે ઘણી ફિલ્મો ખરાબ પસંદ કરી પણ એ વાત તો સ્વીકારવી પડશે કે એમણે ખલનાયક અને નાયક બંને પ્રકારના રોલ બખૂબી ભજવ્યા. તેમણે અલગ અલગ નિર્દેશકો સાથે કામ કરવાનું અને અલગ અલગ ભૂમિકાઓ કરવાનું જોખમ લીધેલું. અમિતાભ રાજકારણમાં નિષ્ફળ રહ્યા પરંતુ વિનોદે સફળતા મેળવી. ૧૯૯૮, ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૧૪ એમ ચાર વાર ગુરદાસપુરમાંથી ચૂંટાયા. ઘણા કલાકારો રાજકારણી બન્યા, સંસદમાં ચૂંટાયા પણ બહુ ઓછા આવા સફળ રહ્યા. પોતાના મતવિસ્તારને ચૂંટાયા પછી ભૂલી જાય, જેમ કે ગોવિંદા. નરગીસ, જાવેદ અખ્તર, લતા મંગેશકર, રેખા વગેરે રાજ્યસભામાં નિમાયાં પણ તેમાંથી બહુ ઓછાએ રાજ્યસભાને ગંભીરતાથી લીધી. વિનોદ ગુરુદાસપુર મતવિસ્તારમાં ઘણા લોકપ્રિય હતા. વિનોદ તો પહેલી એનડીએ સરકારમાં સાંસ્કૃતિક બાબતોના અને પર્યટન પ્રધાન બન્યા અને બાદમાં વિદેશ રાજ્ય પ્રધાન જેવું મહત્ત્વનું ખાતું મળ્યું. અમિતાભે ૧૯૯૨માં કામચલાઉ નિવૃત્તિ લીધેલી જે ચાર કે પાંચ વર્ષ ચાલેલી. વિનોદે ૧૯૮૨ની આસપાસ નિવૃત્તિ લીધી.

આટલી સિદ્ધિ મેળવનારી વ્યક્તિએ જ્યારે સફળતાની ટોચે હતી ત્યારે જ સંન્યાસરૂપી નિવૃત્તિ લઈ તે અરસામાં વમળ સર્જી દીધાં હતાં. એમને ઓશો તરફ વાળવાની બાબતને પુણ્ય કહો તો પુણ્ય અને પાપ કહો તો પાપ (કેમ કે એનાથી આપણા પ્રિય અભિનેતા આપણાથી દૂર થઈ ગયા), એ પૂર્વ નિર્દેશક મહેશ ભટ્ટના શિરે જાય છે. ઓશો રજનીશ એ સમયમાં નવી હવા લઈને આવેલા. એમના આશ્રમમાં વિનોદને લઈ જવામાં મહેશની મહત્ત્વની ભૂમિકા રહી હતી. માતાનાં મૃત્યુ પછી વિનોદ હતાશ હતા. ફિલ્મોદ્યોગની ચમકદમક પાછળ રહેલા અંધકારને એ જોઈ શકેલા એટલે કોઈકને એ બહારી ચમકદમક આપઘાત તરફ દોરી જાય તો વિનોદ જેવાને સંન્યાસ તરફ દોરી ગયો. ઓશોના નવા પ્રકારના સંન્યાસ આશ્રમમાં પણ તેમને શાંતિ ન મળી જેની અપેક્ષા સાથે અમેરિકા ગયેલા. ત્યાં તેમણે માળી તરીકે કામ કર્યું, પાયખાનાં સાફ કર્યાં, વાસણ ઉટક્યાં હતાં! જરા પણ સુપરસ્ટારનો ગર્વ ન નડ્યો તેમને! મહેશ તો પહેલાં જ પાછા ફરી ગયેલા. રજનીશ વિનોદ પૂણે આશ્રમ સંભાળે તેમ ઈચ્છતા હતા પણ વિનોદ પાછા ફરી ગયા. આ અગાઉ મુંબઈમાં ફિલ્મો કરતા ત્યારે રજનીશ તરફ (આધ્યાત્મિક) આકર્ષણ જાગતાં તેઓ સોમથી શુક્ર ફિલ્મો કરતા અને શનિ રવિ પૂણે રજનીશ પાસે જતા. આના લીધે તેમની ફિલ્મો પર અસર પડી હતી. તેમણે અનેક ફિલ્મોનાં નાણાં પાછા આપી દીધેલા. બાકી એ સમયે તેમને ‘ઇન્સાન’માં જિતેન્દ્ર કરતાં વધુ મહેનતાણું મળેલું એ તો ઠીક, પણ ‘અમર અકબર એન્થની’, ‘પરવરિશ’, ‘હેરાફેરી’ અને ‘ખૂનપસીના’માં અમિતાભ કરતાં વધુ રૂપિયા તેમને મળેલા! એટલે તેમના ચાહકો માને છે કે વિનોદે જો ફિલ્મો છોડી ન હોત તો અમિતાભ કરતાં અગ્રેસર હોત!

અમિતાભ અને વિનોદ બંને એંગ્રી યંગ મેનની છબી ધરાવતા પણ કોમિક ટાઇમ સેન્સ બંનેની જોરદાર હતી. ‘હેરાફેરી’નાં અસરાની સાથે જુગાર અને સાયરાબાનો સાથે શરૂઆતનાં બંને દૃશ્યો જોઈ લો! બંને અભિનેતાઓ બરાબરીના લાગશે. અમિતાભ અને વિનોદના દીકરાનાં નામ ‘અ’ પરથી. એકના દીકરાનું નામ અભિષેક તો બીજાનું નામ અક્ષય! બંને સારા અભિનેતા છતાં પિતાની તુલનામાં સફળતા મેળવી ન શક્યા. વિનોદના બીજા દીકરા રાહુલને તો અક્ષય જેટલીય સફળતા ન મળી. બીજી સામ્યતા એ પણ કે બંનેએ વરદરાજન નામના ગુંડા પરથી મણિરત્નમ્ ની નાયકનની હિન્દી રિમેક ‘દયાવાન’ અને ‘અગ્નિપથ’માં કામ કરેલું.

એક તફાવત એ કે વિનોદને પુનરાગમન પછી સફળતા મળેલી પણ એ ચાલુ ન રહી. વિનોદનાં પુનરાગમન પછી પરિવાર વિખાઈ ગયેલો કારણકે કોલેજકાળમાં પ્રેમિકા પછી પત્ની બનેલી ગીતાંજલી વિનોદના સંન્યાસને સાંખી ન શક્યાં અને બંનેએ છૂટાછેડા લઈ લીધેલા. તે પછી કવિતા સાથે લગ્ન કર્યાં. કવિતા એટલે ઉદ્યોગપતિ સરયુ દફ્તરીની દીકરી. એ વખતે વિનોદ ૪૩ના હતા અને કવિતા ૩૦નાં! કવિતા સાથે લગ્ન પહેલાં વિનોદનું નામ સોનુ વાલિયા અને અમૃતા સિંહ સાથે સંકળાઈ ચૂકેલું.  (અમૃતાએ ક્રિકેટર રવિ શાસ્ત્રીને દેખાડી દેવા વિનોદને ‘બટવારા’ના આઉટડોર શૂટિંગ દરમિયાન કેવી રીતે પટાવેલા તેની એ વખતે બહુ ગોસિપ થતી.) પણ વિનોદનો રાશિ સ્વામી શુક્ર પાવરફૂલ હશે. એટલે જ, એમણે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યા પ્રમાણે, એમને કૉલેજકાળમાં ઘણી ગર્લફ્રેન્ડ હતી. તેમણે ઓશો સાથે જોડાઈને સંન્યાસ લીધો તો તેમને સેક્સી સંન્યાસીનું બિરુદ મળેલું!

કોલેજ સમયે વિનોદ સાયન્સના વિદ્યાર્થી હતા પણ એ વખતે પિતા હોવા જોઈએ તેવા જ હતા. વેપારી પિતા વિનોદને શું કરવું છે તે પૂછવાના બદલે તેણે શું કરવાનું છે તેનો આદેશ જ આપતા. પિતા સાથે આકરા મતભેદ થતા જેનું સમાધાન દરેક પરિવારની જેમ મા જ લાવતાં. આથી વિનોદને એન્જિનિયરના બદલે કોમર્સ ભણી સંતોષ માનવો પડેલો. ‘મુગલ એ આઝમ’ જોઈ તેમને ફિલ્લમ લાઈનમાં આવવાના ધખારા થયા અને એક પાર્ટીમાં સુનીલ દત્ત સાથે ભેટો પણ થયો. એ વખતે દત્તસાહબ પોતાના ભાઈ સાથે બે હીરોવાળી ફિલ્મનું વિચારતા હતા, પરંતુ પિતાએ સ્પષ્ટ ના પાડી દીધી. જોકે તેમના નસીબમાં એક્ટિંગ લખાયેલી હતી તેથી બે વર્ષ પછી એ જ દત્તસાહબની ફિલ્મ મન કા મીતમાં એમને તક મળી ગઈ. પણ પિતાની ના આડે ઊભી હતી. આ વખતે માતા મનાવવામાં સફળ રહ્યાં. પતિને સમજાવ્યાં કે એક તક આપો, ચાલે તો ઠીક છે, નહિ તો પાછો આવી જશે. જોકે વિનોદને પાછા ફરવાનું ન થયું.

વિનોદ ૧૯૮૭માં ફિલ્મોમાં પાછા ફર્યા, સફળ રહ્યા, પોતાનાથી ૧૩ વર્ષ નાની કવિતા સાથે લગ્ન કર્યા જેમાંથી સાક્ષી નામનો પુત્ર અને શ્રદ્ધા નામની દીકરી થયાં. સાક્ષી સંજય લીલા ભણશાળીની ફિલ્મથી પદાર્પણ કરવાના સારા સમાચાર હતા તો એ રેવ પાર્ટીમાં પકડાયાના ખરાબ સમાચાર પણ હતા. શ્રદ્ધાના વિશે ખાસ કોઈ સમાચાર નથી. વિનોદે અક્ષય માટે ‘હિમાલયપુત્ર’ બનાવેલી પણ એ હિમાલય જેવી જ ફ્લોપ રહી. એક રસપ્રદ વાત એ છે કે માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયાએ પિતા વિનોદ અને પુત્ર અક્ષય બંને સાથે પ્રેમિકા તરીકે કામ કરેલું! બીજી રસપ્રદ વાત એ છે કે પિતા વિનોદ અને પુત્ર અક્ષય બંનેએ ‘આપ કી ખાતિર’ નામની ફિલ્મોમાં કામ કર્યું. જોકે બંને ખાસ સફળ ન રહી તેમ છતાં વિનોદવાળી ફિલ્મ ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત’ ગીત માટે જાણીતી બની ગઈ. શરૂઆતમાં આ ગીત માત્ર ચાર લાઇનનું જ હતું પરંતુ ફિલ્મના સંગીતકાર બપ્પી લહરીના કહેવા મુજબ, લોંગ પ્લે રેકોર્ડમાં એ ફિટ નહોતું આવતું તેથી ગીત મોટું બનાવાયું અને વિનોદે આગ્રહ રાખ્યો કે તેમના પર જ એ પિક્ચરાઇઝ થાય. તેમ થયું પણ ખરું. બપ્પીદા અનેક કાર્યક્રમોમાં ગા ગા કરે છે એ ગીત ‘દિલ મેં હો તુમ’ (સત્યમેવ જયતે) પણ વિનોદ પર જ ફિલ્માવાયેલું.

વિનોદ ફિલ્મોદ્યોગમાં છેક સુધી ‘વોન્ટેડ’ રહ્યા. તેમણે ખુમારીવાળા પિતાની ભૂમિકા ‘વોન્ટેડ’માં આબાદ ભજવી. સલમાન ખાન કોઈ ટપોરી નહિ પણ ગુંડાઓનો સફાયો કરવા નીકળેલો અંડર કવર પોલીસ છે એ રહસ્યનું વિનોદ ઉદ્ઘાટન કરે છે અને સાથે તેમની હત્યા પણ થાય છે. એ દૃશ્ય અમીટ બની ગયું છે.

પણ એમની કેન્સગ્રસ્ત દર્દી તરીકેની તસવીરનું વાઇરલ દૃશ્ય એમના ચાહકોમાં અરેરાટી ફેલાવી ગયું. એ વખતે કંઈ બહાર ન આવ્યું પણ આજે ૨૭મી એપ્રિલે રિલાયન્સ હૉસ્પિટલમાંથી એ ગોઝારા સમાચાર આવ્યા. યોગાનુયોગ તો જુઓ કે ‘કુર્બાની’ અને ‘દયાવાન’ જેવી ફિલ્મો સાથે કરનાર અને સારા મિત્ર એવા ફિરોઝ ખાનની પુણ્યતિથિએ જ મિત્ર વિનોદે વિદાય લીધી! વિનોદ ‘અમર’ હતા અને રહેશે.

ગુજરાતી પત્રકારોને થિયેટરનાં અંધારા બોલાવે

કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ જરા જુદા અર્થમાં-મુને અંધારાં (થિયેટરનું) બોલાવે, મુને અજવાળાં (લાઇમલાઇટ) બોલાવે
સામાન્ય રીતે ફિલ્મ ઉદ્યોગમાં કોમન થ્રેડ પકડીને અમે સ્ટોરી કરતા હોય છે જેમ કે એમબીએ કરનારા ફિલ્મ ઉદ્યોગ ભણી દોટ લગાવી રહ્યા છે. પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં આભડછેટ બહુ નડે. ફલાણા છાપામાં કામ કરતા હો કે ત્યાં લખતા હો તો અમુકનાં નામ છપાય નહીં. આથી હકીકત હોવા છતાં ગુજરાતીમાં એક સ્ટોરી છપાયા વગર રહી જશે.

આ સ્ટોરી એટલે ગુજરાતી પત્રકારો-કોલમિસ્ટોનું ગુજરાતી અથવા હિન્દી સિનેમા તરફ પ્રયાણ (સાઇડ ટ્રેક અથવા મેઇન ટ્રેક). જેમ કે હરિત મહેતા (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા) અને આશીષ વશી (સંદેશ અથવા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા) એ શાહરુખ ખાનની નવી ‘રઇશ’ લખી છે. આશીષે ‘પાસપૉર્ટ’માં, ગુજરાતી ફિલ્મની જૂની ભાષામાં કહીએ તો, અભિનયનાં અજવાળાં પણ પાથર્યાં છે. તો કૉલમિસ્ટ દીપક સોલિયાએ ‘મિશન મમ્મી’ નામની ગુજરાતી ફિલ્મની પટકથા અને સંવાદો લખ્યા છે.

દિવ્ય ભાસ્કરમાં બિઝનેસ ડેસ્ક પર કામ કરતા અંશુ જોશી પણ કોમેડી પાઘડીમાં અભિનય કર્યો છે. તો સમભાવ મિડિયામાં બિઝનેસ-પોલિટિક્સની રિપૉર્ટર સોનલ અનડકટે ગુજરાતી ‘કમિટમેન્ટ’માં પત્રકારની સાચુકલી ભૂમિકા કરી છે.

આ પત્રકાર મિત્રોને અભિનંદન સાથે શુભેચ્છા.

 

અન્યાયની લાગણી: દલિત-સવર્ણ, સ્ત્રી-પુરુષ, મધ્યમ-શ્રીમંત, શ્વેત-અશ્વેત….

હમણાં ઉનાનું સમઢિયાળા દેશભરમાં જાણીતું થઈ ગયું. ત્યાં નિર્દોષ લોકો પર જે અત્યાચાર થયો તે કોઈ રીતે ક્ષમાને પાત્ર નથી. અહીં મેં જાણી જોઈને દલિત શબ્દ નથી વાપર્યો કારણકે આવી ઘટના કોઈની પણ સાથે બને ચાહે તે દલિત હોય કે મુસ્લિમ, તે ટીકાને પાત્ર જ છે. મેં આ ઘટના બની તેના થોડા જ દિવસોમાં આ વિષય પર ‘ગુજરાત કેમ સળગી રહ્યું છે’ તેના પર બ્લૉગપૉસ્ટ લખી હતી. (http://bit.ly/2asQSjj) તેમાં આ વિષય આવરી લીધો હતો. એટલે તેની વાત નથી કરવી પણ અહીં વાત કરવી છે અન્યાયની. અન્યાયની ભાવના વધતા-ઓછા અંશે અનેક વિવિધ વર્ગમાં છે. કથિત દલિત-કથિત સવર્ણ, સ્ત્રી-પુરુષ, મુસ્લિમ-હિન્દુ, મધ્યમ-ધનવાન વર્ગ, કર્મચારી-બોસ, ગ્રાહક-વેપારી, પોલીસ, વહીવટી કર્મચારી (બ્યુરોક્રેટ)-રાજકારણી, શ્વેત-અશ્વેત.

આ ૧૫મીએ સ્વતંત્રતા મળ્યાને આ ૬૯ વર્ષ પૂરાં થશે. ૬૯ વર્ષેય દલિતોની સ્થિતિ ખૂબ ખરાબ છે, તેમાં કોઈ બેમત નથી જ. આજેય તેમને ઘણી જગ્યાએ કૂવાથી માંડીને સ્મશાન સુધી અનેક રીતે સામાજિક અન્યાય સહન કરવો પડી રહ્યો છે. તેમની સામાજિક-શૈક્ષણિક સ્થિતિમાં પણ હજુ ખાસ ફેર પડ્યો નથી. આર્થિક સ્થિતિ પણ સારી નથી જ. ઉત્તર પ્રદેશ, બિહારમાં તેમને અન્ય જગ્યાએ પેશાબ કરવા માટે પેશાબ પીવડાવવામાં આવે છે.

સાથે એ પણ વાત એટલી જ મહત્ત્વની છે કે દલિતોને થતા અન્યાયની લાગણી માત્ર દલિતોમાં જ નથી પ્રવર્તતી, કથિત સવર્ણ ગણાતી જ્ઞાતિઓમાં ઘણા લોકો પણ સમાન સંવેદના ધરાવે છે-દલિતો જેટલી જ પીડા અનુભવે છે. ઇતિહાસ જોવામાં આવે તો દલિતો માટે લડત આપનારાઓમાં નરસિંહ મહેતા, મહાત્મા ગાંધી સહિત અનેક આગેવાનો આ કથિત સવર્ણ જ્ઞાતિના હતા અને છે. આ માટે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દલિતો માટે એટ્રોસિટીનો કાયદો છે. હજુ ૨૩ એપ્રિલ ૨૦૧૬ના રોજ મોદી સરકારે ઝડપી ન્યાય માટે શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યૂલ્ડ ટ્રાઇબ્સ (પ્રીવેન્શન્સ ઑફ ઍટ્રોસિટીઝ) ઍક્ટ કાયદો સુધાર્યો છે. આ કાયદા અન્વયે, દલિતો અને આદિવાસીઓને અત્યાચારોમાંથી બચાવવા મજબૂત જોગવાઈઓ કરાઈ છે. કાયદાની વધુ વિગતોમાં નથી પડતા. આ જ રીતે દલિતો અને આદિવાસીઓને શિક્ષણમાં અને સરકારી નોકરીમાં અનામતની જોગવાઈ છે. અનામતની જોગવાઈ મૂળ દાખલ કરી હતી બ્રિટનના વડા પ્રધાન રામસે મેકડોનાલ્ડે. જૂન ૧૯૩૨માં. આની સામે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો હતો. તે પછી ભારત સ્વતંત્ર થયું અને તે પછી અનામતની જોગવાઈ ચાલુ જ રહી છે અને તેમાં બીજી જ્ઞાતિઓનો ઉમેરો પણ થતો ગયો છે. દલિતોની આર્થિક સ્થિતિ ઘણી સુધરી છે. પરંતુ સામાજિક રીતે હજુ પણ દલિતો સામે ઘૃણાની માનસિકતા પ્રવર્તી રહી છે. ગાંધીજી માનતા હતા કે શિક્ષણ અને મંદિર વગેરેમાં પ્રવેશ દ્વારા તેમજ લોકસંસ્કાર, લોકશિક્ષણ, લોકજાગૃતિ દ્વારા જ આ સામાજિક અન્યાય દૂર કરી શકાશે.

પરંતુ એ વાત પણ સ્વીકારવી પડશે કે પહેલાંની સ્થિતિની સરખામણીએ ઘણી હદે દલિતોની સ્થિતિ સુધરી છે. જોકે કેટલીક કહેવાતી દલિત તરફી સંસ્થાઓ દ્વારા સતત વિષવમન કરીને આ ઘાને રુઝવવાના બદલે તેને સતત ખોતરવામાં આવે છે તેના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. હમણાં એક સમાચારપત્રમાં લખાયું કે દારૂના અડ્ડા પર પોલીસની રેડમાં એક દલિતનું મૃત્યુ. કારગિલનું યુદ્ધ લડનાર સૈનિકને જમીન મેળવવા સરકારી તંત્ર ધક્કા ખવડાવે છે. આમાં કોઈ જાતિ વિશેષ હોવાથી આવું થતું નથી. દરેક જાતિના લોકોને અનુભવ છે કે સરકારી તંત્રમાં ધક્કા ખાવા પડે છે, પણ સૈનિકની જાતિ ગણાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું થશે તો તે દલિતો માટે જ નુકસાનકારક બની રહેશે. પણ ગુજરાત અને રાષ્ટ્રમાં ઉના મુદ્દે વ્યાપક સાચા આક્રોશની આગમાં ઘી હોમવાના પ્રયાસ થઈ રહ્યા છે તે ચોક્કસ દેખાઈ આવે છે.

ગયા ઑગસ્ટમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન ચરમસીમાએ હતું ત્યારે પાટીદારો સહિત કથિત સવર્ણોમાં અન્યાયની લાગણી પૂરજોશમાં હતી. પહેલાંય હતી અને અત્યારેય વત્તા ઓછા અંશે છે. એ વખતે સંદેશાઓ વહેતા હતા કે દલિતોને ૪૫ ટકાએ અનામત પર મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી જાય છે. અનામતમાં દલિત અને આદિવાસીઓ ઉપરાંત ઓબીસીનો પણ સમાવેશ થયો છે. અને પાટીદારોના કથિત આગેવાનો અનામત માટે ઓબીસીમાં સમાવેશ થવા માટે આંદોલન કરી રહ્યા હતા. એટલે તે સમયે ઓબીસીના એક વર્ગનું પણ આંદોલન શરૂ થયું હતું. ૧૯૮૯ આસપાસ ઓબીસી માટે જ્યારે અનામત જાહેર કરાઈ (વી. પી. સિંહ વડા પ્રધાન હતા ત્યારે) એ સમયે પણ પટેલો સહિત કથિત સવર્ણોએ ઉગ્ર આંદોલન કર્યું હતું અને તેમાં ઘણાંનાં મૃત્યુ પણ થયાં હતાં. વળી, એટ્રોસિટીના દુરુપયોગના લીધે પણ કથિત સવર્ણોમાં અન્યાયની લાગણી મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. એટ્રોસિટીના કાયદાના લીધે જો અધિકારી કથિત સવર્ણ હોય તો તેની નીચેના કથિત દલિત કર્મચારી કામ ન કરે કે કામમાં ભૂલ કરે તો પણ તે કંઈ કહી શકતો નથી. પાટીદારોમાં પણ તેમની ‘પાસ’ જેવી સંસ્થાએ કોઈ ઉકેલ લાવવાના બદલે આગમાં ભડકો કરવાનું કામ વધુ કર્યું હતું. ગયા ઑગસ્ટ પછી કેટલાક બ્રાહ્મણોમાં પણ પોતાને અનામત મળવું જોઈએ તેવા સંદેશાઓની આપલે શરૂ થઈ હતી. એ સમયે આ લેખક અને હાસ્ય લેખક જગદીશ ત્રિવેદીએ આની વિરુદ્ધ સમજાવવા વ્યક્તિગત પ્રયાસ કરેલા. અનામત દલિતોને સામાજિક પછાતપણાના કારણોસર મળે છે તે કથિત સવર્ણોએ સમજવું રહ્યું.

સ્ત્રીઓમાં પણ લાલ ચાંદલાવાળી ફેમિનિસ્ટો અન્યાયની લાગણીઓ ભડકાવતી હોય છે. હમણાં ચોંકાવનારો સંદેશ વાંચવા મળ્યો. તેમાં લખાયું હતું કે “સ્ત્રી હોવું એટલે જીવનનાં અડધાં સપનાંઓને હૃદયના કોઈક ખૂણામાં કાયમ માટે દફનાવી દેવું.” અત્યારે સ્ત્રીઓની સ્થિતિ પહેલાંના સમય કરતાં ઘણી સારી છે. મોટા ભાગે હવે વિભક્ત કુટુંબ છે. સ્ત્રીનાં કામો પણ ઘટ્યાં છે. તે આર્થિક રીતે સ્વતંત્ર પણ થઈ છે. પોતાની ઈચ્છા મુજબ કપડાં પણ પહેરી શકે છે. મોટાં પદ પર પણ પહોંચે છે. સ્ત્રીઓ માટે કાયદા કડક બની રહ્યા છે. કોઈ પણ સ્ત્રી બળાત્કારનો કે છેડતીનો આક્ષેપ કરે તો તરત તેને સાચો જ માનીને આવી સ્ત્રી જો જાણીતી હસ્તી હોય અથવા દિલ્લી-મુંબઈ જેવાં શહેરની હોય તો તેની તરફેણમાં મિડિયા ટ્રાયલ પણ શરૂ થઈ જાય છે. પરંતુ એટ્રોસિટીના કાયદાની જેમ બળાત્કારના કાયદાના દુરુપયોગના મામલા પણ સામે આવી રહ્યા છે. હવે તો સલમાન ખાન જેવી હસ્તી પોતાના થાકનું વર્ણન કરવા બળાત્કાર પીડિતાની માનસિક સ્થિતિનું ઉદાહરણ આપે તો ય તેની સામે મિડિયા ટ્રાયલ થાય છે.

એ વાજબી જ હતું પણ તેના સહઉદ્યમી શાહરુખ ખાને તો એક પુસ્તક વિમોચનમાં એવું કહ્યું કે “જ્યારે હું કોઈ મહિલા સાથે વાત કરતો હોઉં ત્યારે તે નીચે પડેલી હોવી જોઈએ.”! (When I speak to a woman, I’d like her to be lying down.) પણ શાહરુખપ્રેમી મિડિયાએ આ વિધાનને ચગાવ્યું નહીં. શાહરુખનું આ વિધાન, પાછું જેનું પુસ્તક વિમોચન હતું તે લેખિકા ગુંજન જૈન સામે જ હતું! આ લેખિકાએ જો બીજા કોઈએ આવું વિધાન કર્યું હોત તો કેટલો ગોકીરો મચાવી દીધો હોત!

શાહરુખ પુરુષવાદી માનસિકતા ધરાવે છે, ભલે તેની સામે ‘ગે’ હોવાના આક્ષેપો-મજાક થતી હોય! તે અમિતાભ બચ્ચન સહિત અનેક મહાન હસ્તીઓની મજાક ઉડાવી શકે પરંતુ પ્રિયંકા ચોપરાએ જ્યારે ‘માય નેમ ઇઝ ખાન’ની મજાક ઉડાવી હતી ત્યારે તેના મોઢાના હાવભાવ જોવા જેવા હતા. પુરુષોમાંય સ્ત્રીઓ પ્રત્યે કચવાટ છે. આ કચવાટ પુરુષોના અનેક વર્ગમાં છે. રાજકારણીઓ આ કચવાટ ભારે ભદ્દા શબ્દોમાં વ્યક્ત કરે છે. સ્મૃતિ ઈરાની અંગે જનતા દળ (યૂ)ના અલી અનવરનું નિવેદન ભલે સમાચારપત્રોમાં ન છપાયું, પણ અત્યંત ખરાબ અને હલકી માનસિકતાનું આ પ્રતિબિંબ હતું. મહિલાઓ આગળ વધે તે પુરુષો પણ સાંખી નથી જ શકતા. પુરુષોની તો પતિ તરીકે માતા, બહેન અને પત્ની વચ્ચે સેન્ડવિચ બની ગયાની પણ ફરિયાદ હોય છે. સ્ત્રી તરફી કાયદાઓના કારણે, દહેજ કે માનસિક ત્રાસના કાયદાના દુરુપયોગની ફરિયાદો પતિઓને છે અને જેમાં ઘણા કિસ્સાઓમાં સચ્ચાઈ પણ જોવા મળે છે. ક્યાંક ક્યાંક પત્ની પીડિત સંઘો પણ જોવા મળે છે. તો નોકરી ક્ષેત્રે મહિલા પોતે મહિલા હોવાનો ફાયદો ઉઠાવીને આગળ વધી જતી હોય કે તેને ઓછું કામ કરવાનું આવતું હોય અથવા તેને વધુ સુવિધા મળતી હોય તેવી લાગણી નોકરિયાત પુરુષોમાં જોવા મળે છે. વ્યંઢળ-ગે-લેસ્બિયન વગેરેની પણ અન્યાયની ફરિયાદો છે!

ઘણા મુસ્લિમોને તેમના તરફી અનેક કાયદા-સુવિધા છતાં ભયંકર અસંતોષ છે. તેમને લાગે છે કે પાકિસ્તાન વધુ સારું છે. પરંતુ જાવેદ અખ્તર જેવા બહુ ઓછા લોકો સમજે છે કે ભારતમાં મુસ્લિમો જેટલા સુખી છે તેટલા બીજે ક્યાંય નથી. આની સામે વધતા જતા ત્રાસવાદના બનાવો, ભારતમાં રહેવા છતાં મંદિર પર નમાઝ સમયે લાઉડ સ્પીકર ન વગાડવા દેવાનો સરકારનો આદેશ વગેરે અનેક બાબતોના કારણે હિન્દુઓમાં અસંતોષની લાગણી એટલી જ ઉગ્ર બની રહી છે. તો વિદેશોમાં ખ્રિસ્તીઓને લઘુમતી એશિયનો સામે પૂર્વગ્રહ બંધાતો જાય છે. વર્ષ ૨૦૦૯માં તો મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ સામે ઑસ્ટ્રેલિયામાં હિંસા થઈ હતી. અમેરિકામાં તાજેતરમાં અકારણ બે અશ્વેતોની હત્યા પોલીસે કરી અને તે પછી અશ્વેતોના હિંસક પ્રદર્શનોમાં પાંચ પોલીસ મરાયા. આમ, શ્વેત-અશ્વેતોમાં પણ અન્યાયની લાગણી વ્યાપક છે.

તો મધ્યમ વર્ગને લાગે છે કે રાજકારણીઓ ગરીબોને અનેક છૂટ આપે છે, ધનવાન વર્ગને બધી સુવિધાઓ મળે છે. ટૅક્સ મધ્યમ વર્ગ જ ભરે છે પરંતુ તેમ છતાં તેની સુવિધાઓ કોઈ વિચારતું નથી. શ્રીમંત વર્ગને લાગે છે કે તે સાહસ કરે છે. અનેક લોકોને રોજી આપે છે તો તેને છૂટ મળવી જ જોઈએ પરંતુ સરકાર તેમના પર સુપર રિચ ટૅક્સ નાખે છે. તેમની પાસેથી રાજકારણીઓ ફંડ લે છે. તેમના સ્ટેટસ મુજબ, તેમના ખર્ચા પણ વધુ હોય છે, તો તેમને સુવિધાઓ મળવી જ જોઈએ. શ્રીમંતો જેવી જ લાગણી સત્તાધીશોમાં પણ પ્રવર્તતી હોય છે. આ જ રીતે ખાનગી-સરકારી ક્ષેત્રે કર્મચારીઓને થતું હોય છે- પોતે કામ કરે છે અને બોસને જલસા હોય છે. બોસને નકામા કર્મચારી ભટકાય ત્યારે થતું હોય છે કે આ જલસા કરે છે અને એનું કામ મારે કરવું પડે છે અથવા માલિકનો ઠપકો સાંભળવો પડે છે. ગ્રાહકોને લાગે છે કે વેપારી તેમને છેતરે છે અને વેપારીને લાગે છે કે તેમના પર ટૅક્સ અને કાગળિયાં કામથી સરકાર દ્વારા તેમની બહુ કનડગત થાય છે. ખાસ કરીને તહેવારોના સમયે પડતા આઈટી દરોડાના લીધે. (વેપારીઓ જેવી જ ફરિયાદો દર્દી-અસીલોને ડૉક્ટરો-વકીલો સામે હોય છે.) દલિતોને-મુસ્લિમોને પોલીસ પ્રત્યે ફરિયાદો હોય છે તો સામે પક્ષે પોલીસમાંય અસંતોષની લાગણી ભરપૂર હોય છે. વારેતહેવારે રજા ન મળવી, સતત ઓન ડ્યૂટી, રાજકારણીઓનું દબાણ, ઓછો પગાર વગેરે તેમની ફરિયાદો છે. શિક્ષકોમાં પણ અસંતોષ જોવા મળે છે. ઓછો પગાર, શિક્ષણ સિવાયનાં ચૂંટણી ફરજો જેવાં કામો સહિતની ફરિયાદો તેમની હોય છે. બ્યુરોક્રેટને સત્તાધીશ રાજકારણી સામે અને રાજકારણીને કામ ન કરતા બ્યુરોક્રેટ સામે ફરિયાદ રહેતી હોય છે. ચૂંટાયેલી સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે પણ ટકરાવ અજાણ્યો નથી. ભક્તોનેય ભગવાન પ્રત્યે ફરિયાદ હોય છે- ફલાણાને આટલું સુખ મળ્યું જ્યારે પોતાને નહીં. (અહીં ભક્તને ધાર્મિક અર્થમાં જ લેવો) પણ સામે પક્ષે ભગવાનની ફરિયાદ બોલકી નથી!

આ બધી સ્થિતિમાં ખરેખર તટસ્થતાથી કોઈ વિચારતું નથી. આ દરેક ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ એક તરફી જ પ્રચાર પ્રસાર કરતી હોવાથી, દરેક બાબતમાં અન્યાયનો વળ ચડી જાય છે. પરિણામે ખાઈ વધતી જાય છે. જે વર્ગનું સંગઠન મજબૂત અને હિંસક બની શકે , જેનો અવાજ બોલકો તેનો અવાજ વધુ સંભળાય છે. આમાં જ્યારે રાજકારણ ભળે ત્યારે પરિસ્થિતિ સુધરવાના બદલે વણસે છે. દુર્ભાગ્યે અત્યારે ગાંધીજી કે મોરારજી દેસાઈ જેવા સાચા અર્થમાં આગેવાનો કોઈ નથી. બધા રાજકારણી બની ગયા છે.

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

બબૂચક જેવા વિવેચકોએ વખાણેલી ‘ફેન’ને દર્શકોએ ફ્લોપ કરાવી!

shahrukh khan unhappy
શાહરૂખ ખાને આખા દેશને ખોટે ખોટો અસહિષ્ણુ ગણાવી દીધો. પરંતુ લાગે છે કે એમાં તેના ચાહકોની લાગણી દુભાઈ અને તેઓ સાચે જ અસહિષ્ણુ થઈ ગયા. તેના કારણે ‘દિલવાલે’ પછી તેની સતત બીજી ફિલ્મ (હેપ્પી ન્યૂ યર પછી ત્રીજી, પણ અસહિષ્ણુતાવાળા નિવેદન પછી બીજી) ફ્લૉપ ગઈ છે.
 
શાહરુખ ખાન, કરણ જોહર, યશરાજ ફિલ્મ્સ, અનુરાગ કશ્યપ, રાજકુમાર હિરાણી વગેરે કેટલાક એવા ફિલ્મકારો છે જેમની ફિલ્મોને વિવેચકો ચાર સ્ટાર આંખ મીંચીને આપી દેતા હોય છે. તેમાંના કેટલાક પેઇડ હોય તો કેટલાક આ ફિલ્મકારોના અંધ ‘ફેન’ હોય છે. પરંતુ દર્શકો કોઈના અંધભક્તો નથી હોતા.
 
શાહરૂખ ખાનની ‘ફેન’નું બોક્સ ઑફિસ પર કલેક્શન નબળું રહ્યું છે. પહેલા જ અઠવાડિયામાં ફિલ્મને દર્શકો મળ્યા નથી તે વાત સાબિત થઈ ગઈ છે. પહેલા પાંચ દિવસમાં ‘ફેન’ ફિલ્મને ફક્ત ૭૦ કરોડની જ આવક થઈ હતી.. આ આંકડો ફિલ્મને નિષ્ફળ સાબિત કરે છે. બીજા સપ્તાહમાં બીજા શુક્રવારે તેની કમાણી માત્ર રૂ. ૨.૨૫ કરોડ અને બીજા શનિવારે તેની કમાણી રૂ. ૨.૭૫ કરોડની રહી. આમ, વિવેચકો પાસેથી વખાણ સાંભળ્યા પછી પણ ખાસ મોટી સંખ્યા શાહરુખ ખાનની ફિલ્મ જોવા ગઈ નથી.
 
શાહરુખ એક તો ઘરડો લાગે છે. તેની ફિલ્મોમાં એક ને એક રાહુલ, બે હાથ ફેલાવવા વગેરે પુનરાવર્તન હોય છે. ‘ફેન’ ફિલ્મમાં ભલે આ વાતો નહોતી પણ ‘બાઝીગર’, ‘ડર’, ‘અંજામ’ જેવું કોઈની પાછળ પડી જવું તો હતું (જે જોકે ‘ડીડીએલજે’, ‘દિલ તો પાગલ હૈ’ સહિત તેની મોટા ભાગની ફિલ્મોમાં હોય છે.) અજય દેવગન, અક્ષયકુમાર, સલમાન ખાન, આમીર ખાન વગેરે પોતાના કન્ફર્મ ઝોનમાંથી બહાર આવીને દર વખતે કંઈક નવું કરવા મથે છે, પણ શાહરુખ સતત જેના પગલે ચાલ્યો છે તે અમિતાભના પગલે (અમિતાભ જ્યારે ૫૦એ નહોતા પહોંચ્યા ત્યાં સુધી) જ ચાલે છે અને કોઈ જોખમ લેવા માગતો નથી. અમિતાભે ૫૦એ પહોંચ્યા પછી ‘હમ’, ‘અગ્નિપથ’, ‘ખુદાગવાહ’ જેવી ફિલ્મો કરી હતી. શાહરુખ ‘હમ’ની નબળી નકલ કરવા ‘દિલવાલે’માં ગયો પણ ઊંધે કાંધ પડ્યો.
 
લાગે છે કે હવે શાહરુખે કેરેક્ટર રોલ કરવા માંડવા જોઈએ.
(તા.ક. મેં ફિલ્મ જોઈ નથી અને જોવાનો ઈરાદો પણ નથી.)

સાધના: અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં

 

sadahan2-a

‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં.’ ‘ચિત્રલેખા’ના તંત્રી અને વિખ્યાત નવલકથાકાર હરકિશન મહેતાએ જ્યારે તેમની અંતિમ નવલકથાઓ પૈકીની એક ‘લય પ્રલય’ લખી ત્યારે તેમાં આતંકવાદી કમલસિંહ સૂર્યવંશીના લાઇટરમાં જે ધૂન વાગતી હતી તે આ ગીતની હતી.

અને આ ગીતનું સ્મરણ થતાં સુંદરતમ અભિનેત્રીઓમાંની એક સાધનાનું આજે નિધન થયું છે ત્યારે તેમના વિશે પણ આ જ વાત કહેવાનું મન થાય છે- અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં. ભલે તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી નિવૃત્ત હોય પરંતુ રેમ્પ પર વૉકના બહાને કે મુંબઈમાં ભાડે રહેતા ઘર અંગે ઝઘડા નિમિત્તે ટીવી કેમેરા સામે તેઓ જોવા તો મળી જતાં હતાં. એ વખતે તેમની છબી પેલી જાણીતી ઉક્તિની યાદ અપાવતી હતી કે ખંડહર બતા રહા હૈ કિ ઈમારત બુલંદ થી.

૧૯૬૦ અને ૭૦ વખતે જે યુવાનો હશે તેમને તો સાધનાએ પોતાના સૌંદર્ય-અભિનયથી મુગ્ધ કર્યા જ હતાં, પરંતુ તે પછી જન્મેલી પેઢી જેમને એ વખતે દૂરદર્શનના કારણે જૂની ફિલ્મો જોવાનો લાભ મળતો (આજે તો ટીવી પર જૂની ફિલ્મોનો એકડો જ નીકળી ગયો છે.) ૧૯૬૨-૬૫માં તેઓ હિન્દી સિનેમાની સૌથી વધુ મહેનતાણું મેળવતા અભિનેત્રી હતાં અને ૧૯૭૦-૭૩માં તેઓ ત્રીજા ક્રમે સૌથી વધુ મહેનતાણુ મેળવતા અભિનેત્રી હતા.

અને કેમ ન હોય? તેમની એક પછી એક સુપરહિટ ફિલ્મો અને સુપરહિટ ગીતો સતત આવતા જ રહ્યાં. સાધનાની શરૂઆત રાજ કપૂરની ફિલ્મ ‘મૂડ મૂડ કે ના દેખ’ ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે તેમનો ઉદય થયો હોત. એક સિંધી ફિલ્મ ‘અબાના’માં તેમણે શીલા રામાણીની નાની બહેનની ભૂમિકા કરી જેના માટે તેમને ફી તરીકે રોકડો રૂપિયો ૧ મળ્યો હતો! એ વખતે સાધનાએ શીલા રામાણીનો ઑટોગ્રાફ માગ્યો તો શીલા રામાણીએ કહ્યું, “એક દિવસ આવશે જ્યારે હું તારો ઑટોગ્રાફ માગીશ.”

અને એ દિવસોની શરૂઆત આ ‘અબાના’ ફિલ્મની જાહેરખબરના લીધે થવાની હતી! ‘અબાના’ ફિલ્મના સમાચારપત્રના મુખપૃષ્ઠ પર ચમકી અને તે વખતના મોટા નિર્માતા શશધર મુખર્જીએ તેમની નોંધ લીધી. તેમની એક્ટિંગ સ્કૂલમાં સાધના જોડાયાં. અને આ રીતે તેમને મળી પહેલી ફિલ્મ ‘લવ ઇન સિમલા’. તેમાં તેમની સામે હતા રોમેન્ટિક હીરો જોય મુખર્જી. એની વાર્તા કેવી હતી? આજના સમયમાં પણ ચાલે તેવી રોમકોમ! સાધનાજીએ ભજવેલું પાત્ર સોનિયા સાવ સીધી સાદી મણિબહેન ટાઇપની અનાથ યુવતી હતી. તેને લોકો ટોણા મારતા રહેતા. તેની પિતરાઈ બહેન શીલાને એક પ્રેમી છે – દેવકુમાર મલ્હોત્રા. ટોણાથી કંટાળીને સોનિયા શીલાને પડકાર કરે છે કે તે તેના પ્રેમીને પોતાના પ્રેમમાં પાડીને રહેશે! એમાં તેના કાકી બન્યાં હતાં તે કાજોલનાં નાની –શોભના સમર્થ! પહેલી ફિલ્મમાં સાધના શર્ટ-પેન્ટ અને ચશ્મામાં કેટલાં સુંદર લાગતાં હતાં! આ ફિલ્મની જો વ્યવસ્થિત રિમેક કરવામાં આવે તો હિટ જાય એવું મટિરિયલ તેમાં પડેલું છે.

લવ ઇન સિમલા પછી તો તેમની એક પછી એક ફિલ્મો આવતી ગઈ. ‘પરખ’, ‘હમ દોનો’, ‘મનમૌજી’, ‘એક મુસાફિર એક હસીના’, ‘અસલી નકલી’, ‘મેરે મહેબૂબ’, ‘વો કૌન થી’, ‘રાજકુમાર’, ‘દુલ્હા દુલ્હન’, ‘વક્ત’, ‘આરઝૂ’, ‘મેરા સાયા’, ‘ગબન’, ‘બદ્તમીઝ’, ‘અનિતા’, ‘ઇન્તકામ’, ‘એક ફૂલ દો માલી’, ‘આપ આયે બહાર આઈ’. તેમનાં પર ફિલ્માવાયેલાં ગીતો પણ એકથી એક ચડિયાતાં રહ્યાં.

કોન્વેન્ટ એજ્યુકેટેડ સાધના કહેતા કે તેઓ સુંદર નહોતા પણ આકર્ષક જરૂર હતા. જોકે એ વાત ખોટી છે. તેમના રૂપે શકીલ બદાયૂંનીને સુંદર ગઝલ લખવા પ્રેરી- મેરે મહેબૂબ તુઝે મેરી મુહબ્બત કી કસમ. હસરત જયપુરીએ ‘એ નરગીસે મસ્તાના’ અને ‘ઐ ફૂલો કી રાની બહારોં કી મલ્લિકા’ ગઝલો લખી. સાધનાનું નામ જાણીતી અભિનેત્રી સાધના બોઝના નામ પરથી લખવામાં આવ્યું હતું!  ‘મેરે મહેબૂબ’માં બુરખામાંથી તેમની માત્ર આંખો જ દેખાતી તેને વિલનનાં પાત્રો ભજવવા જાણીતા ડેનીએ વિસ્મરણીય ગણાવી હતી. ‘લવ ઇન સિમલા’ વખતે તેમના નિર્દેશક જે બાદમાં તેમના પતિ થયા, આર. કે. નય્યરે મોટું કપાળ ઢાંકવા સૂચવેલી હેરસ્ટાઇલ તેમણે અપનાવી અને તે ‘સાધના કટ’ તરીકે જાણીતી થઈ.

સાધનાનો પરિવાર પણ ફિલ્મી. તેમના પિતરાઈ હરિ શિવદાસાની ફિલ્મ અભિનેતા. હરિ શિવદાસાનીની દીકરી બબિતા. બબિતાની દીકરી કરિશ્મા અને કરીના! અભિનેતા આફતાબ શિવદાસાની તેમનો ભત્રીજો થાય. પહેલી ફિલ્મ ‘લવ ઇન સિમલા’થી નિર્દેશક આર. કે. નય્યર અને અભિનેત્રી સાધના પ્રેમમાં પડી ગયાં. માતાની ઈચ્છા હતી કે સાધના રાજેન્દ્રકુમાર જેવા કોઈ સાથે લગ્ન કરે પરંતુ સાધના મક્કમ હતાં. તેમણે લગ્ન કર્યાં. ધીમે ધીમે જેમ સમય વિતતો ગયો તેમ સ્ટારડમ ઘટવાના અણસાર આવ્યા. રાજ કપૂરે તેમને ‘બોબી’માં ઋષિ કપૂરની માની ભૂમિકાની દરખાસ્ત કરેલી, પરંતુ તેમને એ પસંદ નહોતું. હિરોઇન તરીકે જ તેમને નિવૃત્ત થવું હતું.

તેમણે પોતાની જાતને તેમના ઘર અને કેટલાંક મર્યાદિત વર્તુળો પૂરતી સીમિત કરી દીધી. પતિનું અસ્થમાના હુમલાના કારણે અવસાન થયું. બાળકો નહોતા. પરંતુ બંગલાના વિવાદને બાદ કરતાં મોટા ભાગે એકદમ ગરીમાથી તેઓ જીવ્યાં અને મુંબઈની કેન્સર હૉસ્પિટલમાં નિધન થયું ત્યારે પણ કોઈ ફિલ્મમાં હિરોઇનનું નિધન થાય તે રીતે આંચકો આપતા ગયા કેમ કે બીજા કેટલાક હીરો-હિરોઇનની જેમ તેઓ લાંબા સમય હૉસ્પિટલમાં દાખલ ન રહ્યા.

આપણે તો સાધનાજીને એ જ કહેવું છે કે:

બહોત શુક્રિયા બડી મહેરબાની, હમારી ઝિંદગી મેં હુઝૂર આપ આયેં! પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!