film, music, sanjog news, vichar valonun

મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૨/૧૨/૧૮)

‘હર કરમ અપના કરેંગે’… દરેક ૧૫ અૉગસ્ટ, ૨૬ જાન્યુઆરીએ વાગતું એ ગીત હોય કે પછી ‘નટખટ બંસીવાલે ગોકુલ કે રાજા’ જેવું જન્માષ્ટમીનું ગીત હોય, ‘એક અંધેરા લાખ સિતારે’ કે ‘દુનિયા મેં કિતના ગ઼મ હૈ’, જેવું પ્રેરણાત્મક ગીત હોય કે ‘અમીરોં કી શામ ગરીબોં કે નામ’ જેવું નટબજાણિયાનું માનીતું ગીત, થોડા મહિનાઓ પહેલાં જે ગીતથી પેલા પ્રાધ્યાપક સંજીવ શ્રીવાસ્તવને આધેડ વયે પ્રસિદ્ધિ મળી ગઈ તે ‘મય સે મીના સે ના સાકી સે’ જેવું ડાન્સ ગીત, બદમાશો સામે બદમાશીની વાત કરતું ‘વન ટુ કા ફૉર’ હોય કે પછી ‘પતઝડ સાવન બસંત બહાર’ જેવું અર્ધશાસ્ત્રીય ગીત, ‘પ્યાર હમારા અમર રહેગા’ જેવું સદાબહાર પ્રેમનું ગીત હોય કે ‘રબ કો યાદ કરું, એક ફરિયાદ કરું’ જેવું વિરહનું ગીત, મોહમ્મદ અઝીઝે કયા મૂડનાં ગીતો નથી ગાયા? મંદ સપ્તકથી લઈ તાર સપ્તક સુધીનાં તમામ પ્રકારનાં ગીતોમાં એમનો અવાજ બંધ બેસતો.

મોહમ્મદ રફીના અવસાન પછી તેમના જેવા અવાજવાળા અનેક ગાયકો આવ્યા. અનવર તો અદ્દલ તેમના જેવો જ અવાજ. શબ્બીરકુમાર, વિપિન સચદેવ (કેટલાક બુદ્ધુજીવી તો નામ પણ નહીં જાણતા હોય), દેબાશીષ ગુપ્ત હોય, પરંતુ તેમાં મોહમ્મદ અઝીઝે સહેજ નાકવાળા અવાજ સાથે અનોખી અને અમીટ છાપ છોડી. એ જમાનો લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને બપ્પી લહેરી વચ્ચે મુખ્યત્વે વહેંચાયેલો હતો. પરંતુ મુન્નાભાઈ તરીકે જાણીતા ગાયક અનેક સંગીતકારો સાથે કામ કરી નામ પ્રમાણે સાચે જ હર દિલ અઝીઝ બની ગયા.

એ અઝીઝ બનવાની યાત્રા શરૂ થઈ કોલકાતાની હૉટલોથી. પોતે રફીને આરાધ્ય માનતા અને ૧૯૭૭માં આરાધ્ય અને ભક્તની મુલાકાત થઈ. બન્યું એવું કે મુન્નાએ પોતે જ પોતાનું એક આલબમ બહાર પાડ્યું અને તે વખતે રફી ત્યાં શૉ કરવા આવેલા. શૉના આયોજક ભગવતીજીએ અઝીઝનાં ગીતો રફીને સંભળાવ્યાં. રફીએ કહ્યું, “અરે, યે તો મેરે જૈસા ગાતા હૈ.” ભગવતીએ મુન્નાને વાત કરી અને કહ્યું, “આજે રફીનો કાર્યક્રમ છે અને તેમાં તને તેમણે બોલાવ્યો છે.” સ્વયં ભગવાન ભક્તને તેની પાસે બોલાવતા હોય તો પછી ભક્ત ઝાલ્યો રહે?

એ રાત્રે રફીએ ત્રણ ગુરુ મંત્રો અઝીઝને આપ્યા: એક, અભ્યાસ બહુ કરવો, બીજો, દારૂ ન પીવો અને ત્રણ, વડીલોને માન આપવું. મુન્નાએ આ ત્રણેય મંત્રો જીવનભર પાળ્યા. એટલે જ અાજના કેટલાક ઉછાંછળા ગાયકો-સંગીતકારોની જેમ તેમણે ક્યારેય જૂના ગાયકોનું અપમાન કરી વિવાદ સર્જી નેગેટિવ પબ્લિસિટી ન મેળવી. ઉર્દૂ શાયરો ને ફિલ્મી હસ્તીઓ સહિત કેટલાક લોકો દારૂનો મહિમા બહુ ગાતા હોય છે. કેટલાક માટે તો કહેવાય કે તે દારૂ પીને જ કલાપ્રદર્શન સારું કરી શકે. આ વાતને મુન્નાએ ખોટી પાડી. આગળ જતાં એ જ શિષ્યને પોતાના ગુરુ માટે શ્રદ્ધાંજલી ‘ક્રોધ’ ફિલ્મના એક ગીત દ્વારા આપવા મળી, ‘ન ફનકાર તુજસા તેરે બાદ આયા, મહંમદ રફી તૂ બહોત યાદ આયા’.

કોલકાતાથી તેઓ મુંબઈ આવ્યા, ઘરે એમ કહીને કે બે વર્ષનો સમય મને આપો. જો મેળ પડશે તો ઠીક, નહીંતર પાછા. સંઘર્ષ બહુ કરવો પડ્યો. બધાં સાંભળે, વખાણે પણ ખરા પરંતુ કામ ન આપે. સલીમ અખ્તર જેમણે ઈઝ્ઝત, દૂધ કા કર્ઝ જેવી ફિલ્મો બનાવેલી તેમના ભાઈ જાવેદે (પેલા કથાલેખક સલીમ-જાવેદ તો જુદા) કાગળ લખી આપેલો જેના આધારે સલીમને મળ્યા. સલીમે અનુ મલિક સાથે તેમની મુલાકાત કરાવી ભારપૂર્વક કહ્યું કે આની પાસે તારે ગવડાવવાનું જ છે. અનુ પણ પગ જમાવવા સંઘર્ષરત હતા. એટલે તરત તો કામ ન આપી શક્યા.

દરમિયાનમાં, પહેલી ફિલ્મ મળી ‘અંબર’ જેમાં સપન જગમોહનનું સંગીત હતું. તેના કોઈ વાદકની ભલામણથી ઉષા ખન્નાની ‘માનમર્યાદા’ મળી. અનેક નવા ગાયકોને તક આપનાર ઉષાજીએ મોહમ્મદ અઝીઝની ભલામણ પ્યારેલાલને કરી. પ્યારેલાલે લક્ષ્મીકાંતને વાત કરી પણ હજુ મેળ નહોતો પડ્યો.

એક દિવસ સવારે તેમને એવું તેડું આવ્યું જે તેમની જિંદગી બદલી દેનાર હતું, “ચાલો, અનુએ તમને બોલાવ્યા છે. ‘મર્દ’ ફિલ્મમાં તમારે અમિતાભ બચ્ચન માટે ગાવાનું છે.” કેવી ખુશી થઈ હશે તે વખતે મોહમ્મદ અઝીઝને? અમિતાભ જેવા સુપરસ્ટાર માટે અને તેમાં પણ મનમોહન દેસાઈ, જેમનો સૂર્ય હજુ તપતો હતો, તેમની ફિલ્મ માટે ગાવા મળી રહ્યું હતું! અને એ ફિલ્મ તેમજ ગીત સફળ રહ્યાં, ને મુન્નાભાઈની ગાડી ચાલી પડી.

પણ મોહમ્મદ અઝીઝ જેમણે શરૂઆતમાં મુન્ના નામથી પણ ગીતો ગાયાં તેમને તો લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતમાં ગાવું હતું, કારણકે એલપીનું સંગીત મોહમ્મદ અઝીઝને ગમતી ભારતીય શૈલીનું વધુ હતું. ‘મર્દ’ પછી બપ્પી લહેરીએ ‘ગિરફ્તાર’માં ગવડાવ્યું તે પછી એલપી પણ તેમના તરફ વળ્યા.

દિલીપકુમાર (ઈમલી કા બૂટા, બૈરી કા પૈડ), અમિતાભ બચ્ચન (તૂ મુઝે કુબૂલ મૈં તુઝે કુબૂલ), ઋષિ કપૂર (આજ કલ યાદ કુછ ઔર રહેતા નહીં), ધર્મેન્દ્ર (તુમસે બના મેરા જીવન, સુંદર સપન સલૌના), રાજેશ ખન્ના (ઐ મેરે દોસ્ત લૌટ કે આજા), જિતેન્દ્ર (આજ સુબહ જબ મૈં જગા), સન્ની દેઓલ (તેરા બીમાર મેરા દિલ), વિનોદ ખન્ના (તૂ મસીહા, તૂ મહોબ્બત તૂ ખુદા હૈ), કુમાર ગૌરવ (તૂ કલ ચલા જાયેગા તો મૈં ક્યા કરુંગા), નાના પાટેકર (પી લે પી લે ઓ મોરે જાની), ગોવિંદા (બાલી ઉંમર ને મેરા હાલ વો કિયા), અનિલ કપૂર (ખત લિખના હૈ પર કૈસે લિખું-પાકિસ્તાની ગાયકોના ભક્ત આરજેઓ આવાં ગીતો ક્યારેય નહીં વગાડે-જૂનાં ગીતો એટલે તેમને મન ફાસ્ટ રિધમવાળા આરડી ને કાં તો ગુલઝાર બ્રાન્ડ ગીતો!), જેકી શ્રોફ (ક્યા હૈ તુમ્હારા નામ, અલાદ્દિન) મિથુન ચક્રવર્તી (પ્યાર સે ભી જ્યાદા તુજે પ્યાર કરતા હૂં-નદીમશ્રવણનું લક્ષ્મી-પ્યારે સ્ટાઇલનું ગીત), આદિત્ય પંચોલી (મિતવા ભૂલ ન જાના), સાહિલ ચઢ્ઢા (અબ દવા કી ઝરૂરત નહીં-આનંદ મિલિન્દનું લક્ષ્મી-પ્યારે સ્ટાઇલનું ગીત), આશીષ ચનાના (એક લડકી જિસકા નામ મહોબ્બત-મંદાકિનીનું રૂપ-માદકતા જોવાં હોય તો આ ગીત જોવું), અવિનાશ વધાવાન (કિતને દિનોં કે બાદ હૈ આઈ સજના રાત મિલન કી, રાગ-પૂરિયા ધનશ્રી. આવાં ગીતો સંગીતના રિયાલિટી શૉમાં સાંભળવાં નહીં મળે), ફારૂખ શૈખ (ફૂલ ગુલાબ કા લાખો મેં હઝારો મેં), શાહરૂખ ખાન (ભંગડા પા લે આજા આજા), અક્ષયકુમાર (જબ દો દ઼લ મિલતે હૈ-મિ. બૉન્ડનું આ અદ્ભુત ગીત ફિલ્મમાં કેમ ન સમાવાયું તે રહસ્ય છે અને ઉદિત નારાયણના અવાજમાં દૂરદર્શન પર તે સમયે ૩૧ ડિસેમ્બરે ત્રણ કે ચાર અલગ-અલગ ડ્યુએટ લાઇવ બતાવાયેલાં તે પૈકીનું એક અને મોહમ્મદ અઝીઝ જેટલું જ મીઠું ઉદિતના અવાજમાં પણ લાગે છે), સુનીલ શેટ્ટી (મૈંને પી યા તૂને પી), અજય દેવગન (તેરા ગ઼મ અગર ના હોતા), નસીરુદ્દિન શાહ (આપ કા ચહેરા આપ કા જલવા), પ્રાણ (કૈસા કુદરત કા કાનૂન)… આમ ત્રણ પેઢીના હીરો અને ચરિત્ર પાત્રો માટે ગીતો ગાયાં. નૌશાદથી લઈ લક્ષ્મી-પ્યારે અને આનંદ-મિલિન્દ સુધી એમ ત્રણ પેઢીના સંગીતકારો માટે ગાયું. તેઓ વિવાદમાં ઓછા રહેતા અને પ્રસિદ્ધિમાં પણ. આથી કોઈ વિવાદ થાય તો ટીવીવાળા તેમની પાસે બાઇટ લેવા દોડી ન જતા. તેમનું હંમેશાં કામ જ બોલ્યું. તેમનાં પત્નીનું નામ શું છે તે પણ બહુ ઓછા જાણે છે. તેમની દીકરી સના પણ ગાયિકા છે અને બંગાળી ફિલ્મોમાં ગાય છે આ વાત પણ તેમના મરણના સમાચારમાં જ જાણવા મળી.

એક ઇન્ટરવ્યૂમાં તેમણે આજે દરેક ફિલ્મમાં ‘ઘૂસાડાતા’ કહેવાતા સૂફી ગીતો વિશે સ્પષ્ટ કહેલું, “ગીતોમાં અલ્લાહ, મૌલા, સુભાનઅલ્લાહ, વગેરે શબ્દો ઘૂસાડી દેવાથી કે હાઇ પિચમાં ગાવાથી તે ગીત સૂફી નથી બની જતું. સૂફી ગીત કે ભજન તો હૃદયથી ગાવું જોઈએ.”

આજના ગાયકો વિશે તેમણે કહેલું, “આજે સૉશિયલ મિડિયાના કારણે પ્રમૉશન થવાથી એકાદ ગીતથી જ ગાયક હિટ થઈ જાય છે અને તેને ફિલ્મફેર પણ મળી જાય છે. અમારી વખતે લાઇવ રેકૉર્ડિંગ હતું, તેથી પં. શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચૌરસિયા, મનોહરીસિંહ, લૂઈ બેન્કસ જેવાં નિપુણ સંગીતજ્ઞો વગાડવામાં હોય ત્યારે એક ભૂલ થાય તો શરમ આવતી. તેથી ફાઇનલ એક્ઝામ હોય તેમ તૈયારી કરીને જતા. આજે તેવું એક સાથે રેકૉર્ડિંગ નથી થતું. આજે તો ગળું ખરાબ હોય ને તમે ગાવ તો પણ સૉફ્ટવેરથી સુધરી શકે છે. આજે તો હનીસિંહ અને મિકાસિંહ આવી ગયા છે.”

પોતાને ન મળતાં ગીતો વિશે તેમણે “હવે મને ફાવતું નથી” તેવાં બહાનાંના બદલે શબ્દ ચોર્યા વગર કહેલું, “આજે નવી પેઢી આવી ગઈ છે. તેમને કાં તો હું પસંદ નથી કાં તો મારી સાથે કામ કરવું નથી. એક જનરેશન ગેપ આવી ગયો છે.” તેઓ તેમની સાથે આ સ્વાર્થી ફિલ્મોદ્યોગે કરેલા વર્તનથી પણ દુ:ખી હતા. જે લોકો તેમના ઘરે આવજા કરતા હતા તેમણે તેમના ફૉન ઉપાડવાનું પણ બંધ કરી દીધેલું.

આજે તો પાતળા પણ ભંગાર અવાજવાળા રોજ નિતનવા ગાયકોનાં ગીતો આવી રહ્યાં છે. તેઓ તો ભૂલાઈ જવાના, પણ મોહમ્મદ અઝીઝ હંમેશાં સંગીતપ્રેમીઓના અઝીઝ રહેશે. સંયોગ તો જુઓ! અંતિમ સમય જન્મભૂમિ કોલકાતામાં શૉ કરીને ગાળ્યો (શૉ મસ્ટ ગો અૉન) અને કર્મભૂમિ મુંબઈ આવતી વખતે રસ્તામાં જ હૃદયરોગનો હુમલો થયો. અંતિમવિધિ મુંબઈમાં થઈ. અઝીઝના આત્માને પ્રભુ શાંતિ અર્પે!

બૉક્સ
મોહમ્મદ અઝીઝનાં આ ગીતો ખાસ સાંભળજો:
મૈં પ્યાર કા પૂજારી (હત્યા)
મૈને તુઝસે પ્યાર કિયા (સૂર્યા)
હમ તુમ્હેં ઈતના પ્યાર કરેંગે (બીસ સાલ બાદ)
કુછ હો ગયા, હાં, હો ગયા (કિશન કન્હૈયા)
પ્યાર હમારા અમર રહેગા (મુદ્દત)
બહેકે બહેકે યે જઝબાત (આપ કે સાથ)
તૂ ભી બેકરાર, મૈં ભી બેકરાર (વક્ત કી આવાઝ)
તેરી પાયલ બજી જહાં (બડે ઘર કી બેટી)
મહેકે હુએ તેરે લબ કે ગુલાબ (જૈસી કરની વૈસી ભરની)
મૈં તેરી મહોબ્બત મેં પાગલ હો જાઉંગા (ત્રિદેવ)
ના ઝુલ્મ ના ઝાલીમ કા અધિકાર રહેગા (હુકૂમત)
નય્યો જીના તેરે બિના (મુજરિમ)
કહેના ના તુમ યે કિસી સે (પતિ પત્ની ઔર તવાયફ)
શુરૂ હો રહી હૈ પ્રેમ કહાની (દૂધ કા કર્ઝ)
કાગઝ કલમ દવાત લા (હમ)
મૈં માટી કા ગુડ્ડા (અજૂબા)
કાલી ઝુલ્ફેં મસ્તાની ચાલ (પ્રતિકાર)
આજા ના ઝરા હાથ બટાના (ભાભી)
સારી દુનિયા પ્યારી (મીરા કા મોહન)
તુજે રબ ને બનાયા કિસ લિયે (યાદ રખેગી દુનિયા)
એક રાજા હૈ (એક રિશ્તા)

Advertisements
film, music

આદેશ શ્રીવાસ્તવનાં યાદગાર ટોપ ટેન ગીતો

chali chali phir chali

ગત રાત્રે ૧૨.૩૦ વાગે કેન્સરના કારણે મુંબઈમાં નિધન પામેલા આદેશ શ્રીવાસ્તવે ૧૦૦ કરતાં વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. તેમણે છેલ્લી ફિલ્મ ગઈ કાલે રજૂ થયેલી ‘વેલકમ બેક’ બની રહેશે.

તેમણે અમિતાભ બચ્ચન, શાહરુખ, અભિષેક બચ્ચન, રણબીર કપૂર, સૈફ અલી ખાન, સુનીલ શેટ્ટી વગેરે સુપરસ્ટારોની ફિલ્મોને પોતાના સંગીતથી કર્ણપ્રિય બનાવી હતી. તેમનાં કેટલાંક લોકપ્રિય ગીતો આ મુજબ છે:

૧. ચલી ચલી ફિર ચલી: અમિતાભની બીજી ઇનિંગ્સમાંની સુપરહિટ ફિલ્મો પૈકીની એક ‘બાગબાં’નું આ ગીત બે રિધમમાં ગવાય છે. એક અમિતાભે ગાયું છે અને બીજું આદેશે પોતે. વેલેન્ટાઇન્સ ડેના દિવસ માટે ફેવરિટ ગીત.

૨. હોલી ખેલે રઘુબીરા: હોળીના યાદગાર ફિલ્મી ગીતોમાંનું આ એક છે. ‘બાગબાં’નું આ ગીત સાંભળવા લાયક તો છે જ પણ સાથે અમિતાભ બચ્ચનના વૃદ્ધાવસ્થામાં પણ યુવાનને શરમાવે તેવી ઊર્જા-ઉત્સાહથી કરાયેલા ડાન્સના કારણે જોવાલાયક પણ છે.

૩. મોરા પિયા મો સે: ‘રાજનીતિ’ ફિલ્મનું આ અર્ધશાસ્ત્રીય ગીત ખૂબ જ લોકપ્રિય થયું છે. જ્યારે શાસ્ત્રીય ફિલ્મોને હિન્દી ફિલ્મોમાંથી વિદાય મળી ગઈ છે ત્યારે આદેશે આ ગીત થકી તે ટ્રેન્ડને પાછો લાવવા પ્રયાસ કર્યો હતો. આ ગીત આદેશે પોતે ગાયું હતું.

૪. કિસકા ચહેરા: આમ તો ‘તરકીબ’ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ગઈ તે પણ કોઈને યાદ નહીં હોય, પરંતુ આ ગીતને જગજિતસિંહે અને અલકા યાજ્ઞિકે ગાયું હતું અને આ બંને ગાયકોને પણ મ્યૂઝિક વિડિયોમાં દેખાડાયેલાં. જગજિતસિંહના યાદગાર ફિલ્મી ગીતો પૈકીનું એક.

૫. સોણા સોણા: ‘મેજરસાબ’ ફિલ્મ ચાલી નહોતી, પરંતુ ફિલ્મનું ગીત યાદગાર બની ગયું હતું. અમિતાભ બચ્ચનના જેવો જ અવાજ ધરાવનારા અને અમિતાભના માનીતા ગાયક સુદેશ ભોસલેએ તે ગાયું હતું.

૬. શાવા શાવા: ‘કભી ખુશી કભી ગમ’માં જતિન-લલિત, સંદેશ શાંડિલ્ય ઉપરાંત આદેશ શ્રીવાસ્તવે પણ સંગીત આપ્યું હતું. આ ગીત યાદગાર એટલા માટે બની રહ્યું છે કે ગીત તો સારું છે જ પરંતુ ઘણાં વર્ષે જયા બચ્ચને અમિતાભ સાથે ગીતમાં ડાન્સ કર્યો હતો.

૭. સુનો ના સુનો ના: ‘ચલતે ચલતે’ ફિલ્મમાં સાળા-બનેવી જતિન-લલિત અને આદેશ શ્રીવાસ્તવે અલગ-અલગ સંગીત આપ્યું હતું. તેનું ‘સૂનો ના સૂનો ના સૂન લો ના’ ગીત નવાં રોમેન્ટિક ગીતોમાં યાદગાર બની રહ્યું છે અને બની રહેશે.

૮. યે હવાયેં ઝુલ્ફોં સે તેરી: આમ તો અભિષેક બચ્ચનની શરૂઆતની ફિલ્મો પીટાઈ ગઈ હતી, તેમાં ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’ ફિલ્મના પણ આવા જ હાલ થયેલા, પરંતુ તેનાં ગીતો યાદગાર બન્યાં છે. ખાસ કરીને ‘યે હવાયેં ઝુલ્ફોં મેં તેરી’ ખૂબ જ સુમધૂર બન્યું છે. તેને ગાયું છે તે વખતે નવા ગાયક શાન અને અલકા યાજ્ઞિકે.

૯. ક્યા અદા ક્યા જલવે તેરે પારો: ‘તરકીબ’ ફિલ્મની જેમ જ ‘શસ્ત્ર’ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ગઈ તે લોકો ભૂલી ગયા છે, પરંતુ આ ગીત ‘ક્યા અદા ક્યા જલવે તેરે પારો’ તે વખતે ચેનલો પર આવતા ટોપ ટેન ગીતમાં બહુ ચાલ્યું હતું.

૧૦. ધન્નો કી આંખ ગુલાબી: અમિતાભ બચ્ચનને પણ પોતાની આ ફિલ્મ યાદ કરવી નહીં ગમે. ‘લાલ બાદશાહ’ ફિલ્મની વાત છે. જોકે સુદેશ ભોસલે અને અનુરાધા પૌડવાલે ગાયેલું આ ગીત ખૂબ જ યાદગાર બન્યું છે. સુદેશ ભોસલે હોય એટલે અમિતાભનો જ અવાજ લાગે. એમાં પાછી ‘હંય’ વાળી સ્ટાઇલ પણ આવે.

film, gujarat guardian, music

મિકાસિંહ : પાર્ટી તો બનતી હૈ…

સૂના જો તુજે યાર દિલ મેં બજી ગિટાર…

મિકાસિંહનાં ગીતો સાંભળતા આવી જ ભાવના થાય. મસ્તી, થોડી અશ્લીલતા અને ભરપૂર ડાન્સ…આ ત્રણેય ચીજથી ભરપૂર એટલે મિકાસિંહનાં ગીતો. દલેર મહેંદીનો ભાઈ હોય એટલે કંઈ કહેવું જ ન પડે કેમ કે મોટા ભાઈએ મસ્તીભર્યાં અનેક ગીતો સાથે સડે નાલ રહેનારા શ્રોતાઓને એશ કરતા કરી દીધા હોય. એવામાં મિકાનો પ્રવેશ થાય એટલે તેને માટે સવાલ થાય કે તે શું કરશે? પણ મિકાએ તેના બહુ હાઇ રેન્જના નહીં એવા અવાજ સાથે પણ અનેક ચાહકો ઊભા કર્યા છે.

૧૦ જૂને ૩૮ વર્ષના થનારા મિકાને દલેર સહિત છ ભાઈઓ છે. મિકાનો જન્મ દુર્ગાપુરમાં થયો હતો. પરંતુ ઉછેર પતિયાલામાં થયો. છ ભાઈઓ પૈકી મિકા સૌથી નાનો છે. મિકાને ખરેખર તો બનવું હતું સંગીતકાર અને બની ગયો ગાયક. સંગીતકાર બનવા માટે તેણે ગિટાર, તબલા અને ડ્રમ શીખ્યાં. દરમિયાનમાં સૌથી મોટા ભાઈ અમેરિકા ગયા હતા. ત્યાં તેઓ ટેક્સી ચલાવતા. દલેર મહેંદી મિકાથી નવ વર્ષ મોટા. તે પણ અમેરિકા જ ચાલ્યા ગયા હતા. તેમને ત્યાં ગોઠ્યું નહીં એટલે ૧૯૯૧માં ગાયક બનવા દિલ્હી પાછા આવી ગયા.

તેમની સાથે મિકા પણ પાછો આવી ગયો. ૧૫ વર્ષની ઉંમરે દલેરના બેન્ડમાં જોડાયો. બેન્ડમાં લોકોને વાદ્યો વગાડતા શીખવાડ્યા. ૧૯૯૫માં દલેર મહેંદીનું સુપરહિટ ગીત ‘બોલો તારા રા’ આવ્યું હતું. તે પછી મિકાએ ‘દરદી રબ રબ કર દી’ની ધૂન રચી. મિકાસિંહ આમ પડદા પાછળ ધૂન રચતો જ રહી જાત જો દલેરના મેનેજરો પૈકી એકે મિકાને પણ મોટા સ્ટાર બની શકવાનું સપનું ન દેખાડ્યું હોત. મિકાએ ત્યારે તો ના પાડી દીધી કે મારે ગાયક નથી બનવું. મારે તો માત્ર સંગીતકાર બનવું છે. તેણે કહ્યું કે તું માત્ર સંગીત રચીશ તો કોઈ તને નહીં સાંભળે. તારે ગાવું પણ જરૂરી છે.

બસ. મિકાએ ૧૯૯૮માં ‘સાવન મેં લગ ગઈ આગ’ બનાવ્યું (જોકે પંજાબ સિવાય અન્યત્ર આ ગીત ૨૦૦૫ કે તે પછી રિલીઝ કરાયું હતું) અને સંગીતક્ષેત્રે આગ લાગી ગઈ! મિકાએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે ગીત આટલું બધું હિટ નિવડશે. દલેરના બેન્ડમાં માત્ર ૧,૦૦૦ રૂપિયા મળતા હતા હવે ૫૦,૦૦૦ મળવા લાગ્યા. વાઘે લોહી ચાખી લીધું. હવે દલેરના બેન્ડમાં કામ કરવામાં રસ રહ્યો નહીં. ત્યારે અવાજ એટલો સારો નહોતો. ત્રણ વર્ષ માત્ર ગાયકી પર ધ્યાન આપ્યું. ઘણો બધો રિયાઝ કર્યો. ઈ. સ. ૨૦૦૧માં ‘ગબરુ’ આલબમ બહાર પાડ્યું. પંજાબમાં આ આલબમ બહુ ચાલ્યું અને મિકાની ગાડી ચાલવા માંડી.

જોકે, ‘સાઝ’ ફિલ્મમાં બતાવાય છે તેમ બે ભાઈ કે બહેન ગાયક કે ગાયિકા  હોય ત્યારે તેમના વચ્ચે થોડા તણખા ઝરવા સ્વાભાવિક છે. દલેર ઘણી મહેનતે સ્ટાર ગાયક બન્યા હતા. તેમણે તેમના પરિવારને ઘણી મદદ કરી હતી. તેમણે તેમના બધા ભાઈઓને ફ્લેટ લઈ દીધા હતા. પરંતુ મિકાને નહીં. મિકાએ દલેરનું બેન્ડ છોડ્યું એટલે દલેરનું દુઃખી થવું સ્વાભાવિક હતું. દલેરનું કહેવું હતું કે મિકાને ગાતા આવડતું નથી. બીજું મિકા તેનો લાડલો પણ હતો. જ્યારે મિકા તેનાથી છૂટો પડ્યો ત્યારે દલેર ખૂબ રોયા. તેમણે મિકાને ઘણી આજીજી કરી કે તે બેન્ડ છોડીને ન જાય. મિકાએ કહ્યું: “પાજી, મને માત્ર છ મહિના આપો. જો હું કંઈક બની ગયો તો વાંધો નહીં, નહીંતર હું તમારી પાસે પાછો આવી જઈશ.” જ્યારે દલેર ટોપ પર હતા ત્યાર મિકાએ તેમને છોડી દીધા. તમે દલેર મહેંદીનાં આલબમોનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવી જશે કે ૧૯૯૮ પછી તેમનાં આલબમો તો આવ્યાં છે પરંતુ તે પહેલાં જેટલાં હિટ રહ્યાં નથી.

જોકે મિકા માટે દલેરથી જુદા પડવાનું કારકિર્દીના અર્થમાં હતું, મનથી નહીં. દર રવિવારે મોટા પાજીને મળવા જવાનો નિયમ હતો. સાથે જમતા. મિકાના કહેવા પ્રમાણે, ત્યારે દલેર તેનું ખૂબ અપમાન કરતા. ઘણી વાર માર પણ મારતા. આજની તારીખે પણ ક્યારેક લાફો મારી દે. પણ મિકા ચલાવી લે કેમ કે આખરે તો મોટા ભાઈ હતા અને પિતાની જેમ રાખ્યા હતા. જોકે મિકાએ પણ દલેરના ખરાબ સમયમાં સાથ આપ્યો હતો અને પડખે ઊભો રહ્યો હતો. બધા જાણે છે તેમ, ઈ. સ. ૨૦૦૩માં દલેર મહેંદી અને તેના ભાઈ શમશેર સામે કબૂતરબાજીનો એટલે કે પોતાના ટ્રૂપમાં લોકોને જોડી અમેરિકા લઈ જવાનો આરોપ લાગ્યો હતો.

પરિવારમાં બધા માને કે દલેર ભોળા અને સદગૃહસ્થ પ્રકારના, જ્યારે મિકા ચાલાક છે, પોતાનો રસ્તો ગમે તેમ કરીને કરી લે. આજે તો એવું થયું છે કે દલેરે પણ સ્વીકારી લીધું છે કે મિકા મોટો ગાયક છે. તેનું ગીત સાંભળીને દલેર અચૂક ફોન કરીને પોતે તેના પર ગર્વ અનુભવતા હોવાનું કહે.

મિકાએ પંજાબમાં તો નામ મેળવી લીધું, હવે હિન્દી ફિલ્મો તરફ નિશાન હતું. બધાએ કહ્યું કે હિન્દી ફિલ્મોમાં સ્થાન મેળવવું અઘરું છે. મિકાને ભરોસો હતો કે તેને સંઘર્ષ નહીં કરવો પડે. ખૂબ જ શાનદાર શરૂઆત થશે. કોઈએ તેને કહ્યું હતું કે શાહરુખ ખાન પાસે પ્રાડો કાર છે. મિકાએ હમર કાર લઈ લીધી! મિકાના મિત્ર અને ગાયક શાને ચેતવ્યો કે આવી મોંઘી કારમાં સંગીતકાર આગળ કામ  માગવા જઈશ તો કોઈ નહીં આપે. કાં તો સેન્ટ્રોમાં જા અથવા રિક્ષામાં જા. તારા પર દયા ખાઈને તને કામ આપી દેશે. પણ હમર મિકાની ઓળખ બની ગઈ. હમર આવે એટલે બધાને ખબર પડે કે મિકા આવ્યો છે. આવામાં નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તાને મિકા થોડો પસંદ પડી ગયો અને તેમણે તેને તક આપવાનું નક્કી કર્યું. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું કે આ ગીત સાંભળ તો. આખાબોલા મિકાએ તેને સાંભળ્યું પણ તેને તે પસંદ ન પડ્યું. તેણે કહ્યું કે આને આ રીતે ગાવું જોઈએ. હવે એક તો કોઈ વ્યક્તિ તક આપતી હોય ત્યારે પહેલા જ ધડાકે આવું કહી દે તો કેમ ચાલે? પણ છ મહિના પછી સંજય ગુપ્તાએ તેને પાછો બોલાવ્યો અને આમ મિકાનું ગીત આવ્યું ‘એ ગણપત ચલ દારૂ લા.’

જોકે એ પહેલાં અમિતકુમાર, બાબુલ સુપ્રિયો સાથે તેનું ગીત ‘દેખા તુઝે યાર’ (ફિલ્મ અપના સપના મની મની) ગીત આવી ગયું હતું. અનુપમ ખેર પાછળ મિકાનો અવાજ હતો. ૨૦૦૭માં ‘ગણપત’ ઉપરાંત ‘મૌજા હી મૌજા’ પણ હિટ ગયું. એ વખતે મિકાના વાળ અને તેનો વેશ, તેનું વર્તન (જોકે આજે પણ સાવ નથી બદલાયું, પણ થોડો નમ્ર તે જરૂર બન્યો છે) એવું હતું કે તેને જોઈને ચીડ ચડે. ઈ. સ. ૨૦૦૬માં મિકાના જન્મદિવસે તેણે પાર્ટી રાખી હતી. તેમાં તેણે આઇટમ ગર્લ તરીકે ત્યારે જાણીતી (હવે તો વિવાદાસ્પદ છોકરી તરીકે જ જાણીતી છે) રાખી સાવંતને બોલાવી હતી. પાર્ટીમાં મિકાએ રાખીને પકડી જબરદસ્તી ચુંબન ચોડી દીધું. એ વિડિયો જોતાં લાગે કે પહેલાં તો રાખીને સુખદ આશ્ચર્ય થયું હોય તેમ લાગ્યું, પરંતુ પબ્લિસિટીની એક પણ તક ન છોડનાર રાખીએ તો પોલીસ ફરિયાદ કરી દીધી કે તેની છેડતી થઈ છે. પછી તો મામલો ઉકેલાયો અને થોડા સમય સુધી બંને એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હવે પહેલાં જેવી દુશ્મનાવટ નથી.

મિકાએ આ પ્રકરણ અંગે કહ્યું હતું કે હું રાખીનો સ્વભાવ જાણતો હોવાથી મેં તેને દૂર જ રાખી હતી, પરંતુ તે તેના બોયફ્રેન્ડ આશીષ શેરવૂડ સાથે આવી અને વધુ પડતી મિત્રતા દેખાડવા લાગી. મેં તેને બહુ ભાવ ન આપ્યો. જ્યારે કેક કાપી ત્યારે મેં બધાને ના પાડેલી કે મારા મોઢાં પર કોઈએ કેક ન લગાડવી, કારણ મને સ્કિન એલર્જી છે. પરંતુ રાખીએ જબરદસ્તી કેક લગાડી, હું પણ ગુસ્સે થઈ ગયો અને તેને પાઠ ભણાવવા મેં જાહેરમાં તેને ચસચસતું ચુંબન ચોડી દીધું. આ પ્રકરણ ટીવી પર ખૂબ જ ગાજ્યું હતું. તે પછી રિયાલિટી શોમાં પણ મિકા અને રાખી ભેગાં થઈ જાય તો ચર્ચા ચાલતી.

તે પછી તો મિકા તેનાં પબ્લિસિટી સ્ટંટના કારણે નહીં, પણ તેનાં ગીતોના કારણે ચાલવા લાગ્યો. ‘સિંહ ઇઝ કિંગ’માં શીર્ષક ગીત ગાયું જે ખૂબ જ ચાલ્યું. તેમાં તેના મોટા ભાઈ દલેર મહેંદીનું ગીત પણ હતું ‘તુઝે દુલ્હા કિને બનાયા ભૂતની કે’. ‘દે ધનાધન’માં ‘બામુલાયઝા’, ‘હાઉસફૂલ’માં ‘લાવારિસ’નું ‘અપની તો જૈસે તૈસે’નું રિમિક્સ, ‘ફાલતુ’નું ‘આલતુ જાલતુ’, ‘ઇશ્કિયાં’નું ‘ઇબને બતુતા’, ‘રેડી’નું ‘ઢિંક ચિકા’, ‘લૂટ’નું ‘સારી દુનિયા મેરે ઇસ પે’, ‘થેંકયૂ’નું (‘જાંબાઝ’નું રિમિક્સ) ‘પ્યાર દો પ્યાર લો’, ‘મૌસમ’નું ‘સજ ધજ કે ટશન મેં’, ‘એજન્ટ વિનોદ’નું ‘પ્યાર કી પૂંગી’, ‘રાવડી રાઠોડ’નું ‘ચિંટા તા ચિતા ચિતા’, ‘સન ઑફ સરદાર’નું ‘મિલન સ્વયંવર’, ‘હિમ્મતવાલા’માં (આ જ નામની અસલ ફિલ્મના ગીતનું રિમિક્સ) ‘તાકી ઓ તાકી’, ‘શૂટઆઉટ એટ વડાલા’નું  ‘લૈલા લે લેગી’, ‘દેશી બોય્ઝ’નું ‘મૈં તેરા હીરો’, ‘ભૂતનાથ રિટર્ન્સ’નું ‘પાર્ટી તો બનતી હૈ’ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’નું ‘તૂ મેરે અગલ બગલ હૈ’, એવા કેટલાંય ગીતો મિકાના જ્યુક બૉક્સમાં છે.

મિકાને તેનાં માતાપિતા સાથે ખૂબ જ લગાવ હતો. તેની માતા ૧૯૯૭માં જ મૃત્યુ પામી હતી. તેના પિતા ખૂબ જ સાદા છે. મિકા તો શરૂઆતથી હમરમાં ફરતો હતો પરંતુ તેના પિતા સાઈકલ પર ફરે છે. તેમના પિતા પહેલાં ગુરુદ્વારામાં કિર્તન કરતાં. તેઓ આજે સંગીત શિખવાડે છે અને મહિને ૪૦૦૦ રૂપિયા કમાય છે. મિકાએ પોતાની એનજીઓ ડિવાઇન ટચ શરૂ કરી છે, કારણકે તેની માતા હંમેશાં કહેતાં કે બીજાને મદદ કરવી જોઈએ. દલેર મહેંદીએ દિલ્હીમાં ખરીદેલા ફાર્મ હાઉસમાં તેમના પિતા રહેતા હતા. જોકે આજે તો તે ફાર્મહાઉસમાંથી ગુરુદ્વારા બની ગયું છે. માતાના મૃત્યુ વખતે મિકા ખૂબ રોયો હતો. જોકે પિતાના મૃત્યુ વખતે તે મજબૂત હતો. મિકાના કહેવા પ્રમાણે, તેણે પિતાની બહુ સેવા કરી હતી અને તેમને રાજાની જેમ રાખ્યા હતા.  મિકાએ હજુ લગ્ન કર્યાં નથી. તે ત્રણ વાર પ્રેમમાં પડ્યો છે, પરંતુ સફળતા મળી નથી. આગામી બેએક વર્ષમાં લગ્ન કરવાનો તેનો ઈરાદો છે. મિકાએ ‘બલવંતસિંહ ફેમસ હો ગયા’ ફિલ્મથી અભિનેતા બનવાનો નિષ્ફળ અખતરો પણ કરી જોયો છે.

ગમે તેમ પણ મિકાની ગાયક તરીકેની સફળતા જોઈને તેને કહેવાનું મન થાય, ‘પાર્ટી તો બનતી હૈ’.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થડે બેશ’ કૉલમમાં તા. ૫/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

film, gujarat guardian, music

રહેમાન : યૂં હી ચલા ચલ રાહી

એ.આર. રહેમાનનું નામ યાદ આવે એટલે ‘દિલ સે’, ‘ચલ છૈયાં છૈયાં’, ‘દિલ હૈ છોટા સા’, ‘આવારા ભંવરે’ જેવાં અનેક મધૂર અથવા પગ થનગનાવી દે તેવાં ગીતો યાદ આવે. રહેમાન અત્યારે તેની ટોચ પર છે. ભારતમાં ફિલ્મફેર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્કાર જીતીને રહેમાને અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી છે.

રહેમાનની સફર શરૂ થઈ હતી એ.એસ. દિલીપકુમાર તરીકે! જી હા, રહેમાન જન્મે હિન્દુ છે. તેના પિતા આર. કે. શેખર હિન્દુ હતા જ્યારે માતા કરીમા મુસ્લિમ. તો પછી રહેમાન કેવી રીતે નામ પડ્યું? તેની પાછળની વાત એવી છે કે રહેમાનની નાની બહેન ખૂબ જ માંદી પડી હતી. એવા વખતે તેને કાદરી ઇસ્લામ પાસે લઈ જવાયો. તે વખતે તેણે તેના પરિવાર સાથે મુસ્લિમ ઉપાસના પદ્ધતિ સ્વીકારી. પોતાનું નામ બદલીને અલ્લાહ રખ્ખા રહેમાન કરી નાખ્યું.

રહેમાનનો જન્મ ૬ જાન્યુઆરી, ૧૯૬૭ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેના પિતા શેખર કમ્પોઝર અને મ્યુઝિક કંડક્ટર હતા. તેઓ તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરતા. આથી રહેમાન ઘણી વાર તેના પિતા સાથે સંગીત સ્ટુડિયોમાં જતો. તેના પિતાનું અવસાન થયું ત્યારે રહેમાન માત્ર ૯ વર્ષનો હતો. રહેમાન કી બૉર્ડ સારું વગાડતો હતો. અત્યારના તેના કાર્યક્રમોમાં ઘણી વાર પર્કશનિસ્ટ તરીકે શિવમણિ હોય છે, તેની સાથે તેનો ઘણો જૂનો સંબંધ છે. આ શિવમણિ સાથે તે બેન્ડમાં કામ કરતો. ધીમે ધીમે તેણે કીબૉર્ડ ઉપરાંત, પિયાનો, સિન્થેસાઇઝર, હાર્મોનિયમ અને ગિટાર બધામાં નિપુણતા પ્રાપ્ત કરી લીધી.

રહેમાન તમિલ ફિલ્મોમાં જાણીતા સંગીતકાર ઇલયા રાજા (જેમણે દક્ષિણ ભારતીય નિર્દેશકની હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે) સાથે કામ કરતો. આ સિવાય પણ તેણે ઘણા સંગીતકાર સાથે સહાયક તરીકે કામ કર્યું. ચેન્નાઈમાં ભણતા ભણતા તેણે કર્ણાટકી સંગીતમાં સ્નાતક ડિગ્રી મેળવી.

રહેમાને ૧૯૯૨માં રેકોર્ડિંગ અને મિક્સિંગ સ્ટુડિયો શરૂ કર્યો. તે ભારતનો સૌથી આધુનિક સ્ટુડિયો હતો. શરૂઆતમાં તેણે જિંગલ (ટીવી કે રેડિયો જાહેરખબરમાં ગવાતાં જોડકણાં જેવાં ગીત) કમ્પોઝ કરવાના શરૂ કર્યા. ૧૯૯૨માં મણિરત્નમ જેવા મોટા ગજાના દિગ્દર્શકે તમિલ ફિલ્મ રોજા (જે બાદમાં હિન્દીમાં ડબ થઈને આ જ નામે રિલીઝ થઈ)નું સંગીત બનાવવાનું રહેમાનને સોંપ્યું. પહેલી જ ફિલ્મથી રહેમાન છવાઈ ગયો. તેનું ‘દિલ હૈ છોટા સા’ આજે પણ લોકપ્રિય છે. આ ફિલ્મ માટે રહેમાનને શ્રેષ્ઠ સંગીતકાર તરીકે રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડ પણ મળી ગયો. આ પછી રહેમાને દક્ષિણ ભાષાની ફિલ્મોમાં કામ ચાલુ રાખ્યું જેમાંની કેટલીક હિન્દીમાં ડબ થઈને રિલીઝ થઈ. જેમ કે મણિરત્નમની ‘બોમ્બે ‘, એસ. શંકરની પહેલી ફિલ્મ ‘જેન્ટલમેન’. ‘બોમ્બે’માં ‘હમ્મા હમ્મા’ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ઉપરાંત ‘તૂ હી રે’ સંગીત રસિયાઓને આજે પણ સાંભળવું ગમે છે. ‘બોમ્બે’નું સંગીત એટલું ચાલ્યું કે તેનાં ગીતોની ૧.૨ કરોડ કોપી આખા વિશ્વભરમાં વેચાઈ.

તે પછી હિન્દીમાં રામગોપાલ વર્મા સાથે ‘રંગીલા’ કરી. આ ફિલ્મનાં તમામ ગીતોએ ધૂમ મચાવી. ‘હો જા રંગીલા’, ‘હાયે રામા’, ક્યા કરે ક્યા ના કરે’, પ્યાર યે જાના કૈસા હૈ’, ‘તન્હા તન્હા યહાં પે જીના’, ‘યારોં સૂન લો ઝરાં’, ‘મંગતા હૈ ક્યા’ ગીતો આજે પણ શ્રોતાઓ યાદ કરે છે અને દર્શકો જોવાનું પસંદ કરે છે. ‘કધલન’ નામની તમિલ ફિલ્મ ‘હમ સે હૈ મુકાબલા’ નામે ડબ થઈ હતી. આ ફિલ્મમાં આજે દિગ્દર્શક બની ગયેલા પ્રભુદેવા અને નગમા હતા. તેમના ડાન્સ તો જોરદાર હતા, પરંતુ ગીતો પણ ખૂબ જ મજેદાર હતા. ‘મુકાબલા’ (જેના પરથી અક્ષયકુમાર અભિનિત ‘સબ સે બડા ખિલાડી’માં ‘મુંહ કાલા મુંહકાલા’ ગીત બન્યું હતું અને તે સિવાય જોલી મુખરજી, કવિતા કૃષ્ણમૂર્તિનું ‘મુકાબલા હૈ પ્યાર કા ઓ લૈલા’ ગીત આવેલું.). જોકે પ્રભુદેવાના ગીતમાં જે રીતે માથું અને ઘૂંટણનો ભાગ ગાયબ થઈ જાય છે અને છતાં તે ડાન્સ કરે છે તે કોરિયોગ્રાફી અને સિનેમેટોગ્રાફી પણ પ્રશંસાને પાત્ર બની હતી.

‘રંગીલા’ને સ્વતંત્ર રીતે રહેમાનનો બોલિવૂડ પ્રવેશ કહી શકાય, કેમ કે અત્યાર સુધી તેની તમિલ કે દક્ષિણ ભારતની અન્ય ભાષાની હિન્દીમાં ડબ ફિલ્મો આવતી હતી. તેના પછી રહેમાનનો જાદુ દેખાયો ‘દિલ સે’માં. આ ફિલ્મના પણ ગીતો ‘છૈયાં છૈયાં’, ‘જિયા જલે જાન જલે’, ‘સતરંગી’ ‘દિલ સે’, ‘એ અજનબી’ ગીતો ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. આ ફિલ્મથી કદાચ પહેલી વાર રહેમાન અને ગાયક સુખવિંદરસિંહની સાથે સફર શરૂ થઈ. રહેમાને દક્ષિણ ભારતીય ફિલ્મ ‘મિનસરા કનાવુ’ માં કામ કર્યું જેની હિન્દી આવૃત્તિ બોલી હતી. તેમાં ‘ઉલ્લા લા’, ‘આવારા ભંવરે’ , ‘ચંદા રે ચંદા રે’ ગીતો હતા. આ ફિલ્મમાં તેણે હેમા સરદેસાઈ નામની નવી ગાયિકા પાસે ‘આવારા ભંવરે’  ગવડાવ્યું હતું. હવે રહેમાનને મળવાની હતી બોલિવૂડના શો મેન કહેવાતા સુભાષ ઘઈની ‘તાલ’ ફિલ્મ…

સુભાષ ઘઈ પોતે સંગીતના સારા જાણકાર છે. તેમની ફિલ્મોમાં સંગીતકાર બદલાતા રહે, પરંતુ સંગીત તો સારું જ પીરસાય. કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલે તેમની ફિલ્મોમાં સંગીત આપ્યું. એલ.પી. નબળા પડ્યા પછી સુભાષ ઘઈ નદીમ-શ્રવણ તરફ વળ્યા. તે પછી ‘તાલ’ ફિલ્મમાં તેમણે રહેમાનને અજમાવ્યો.

જોકે અનેકોને ખબર નહીં હોય કે ‘તાલ’ પહેલાં સુભાષ ઘઈ ‘શિખર’ નામની ફિલ્મ બનાવી રહ્યા હતા જેના માટે તેમણે રહેમાનને સાઈન કર્યો હતો, પરંતુ એ ફિલ્મ પછી અભેરાઈમાં ચડી ગઈ. અને બંનેએ ‘તાલ’ માટે સાથે કામ શરૂ કર્યું.

રહેમાનની ખાસિયત એ છે કે તે દર વખતે નવા અને જુદા ગાયકોને અજમાવતો રહે છે. ‘દિલ સે’માં સુખવિંદરસિંહને મોટો બ્રેક મળ્યો (તે પહેલાં સુખવિંદરે લક્ષ્મી-પ્યારે સાથે ‘કર્મા’માં એકાદ બે પંક્તિ ગાઈ હતી, ‘સૌદાગર’માં પણ અનુપમ ખેર પાછળ શીર્ષક ગીતની પંક્તિ ગાઈ હતી, તો ચંકી પાંડે-માધુરી દીક્ષિતની ‘ખિલાફ’માં ‘આજા સનમ મેરી જાન ચલી’ ગાયું હતું) ‘તાલ’ ફિલ્મ માટે સુભાષ ઘઈને ચેન્નાઈ જવું પડ્યું હતું કેમ કે રહેમાનની શરત હતી. સુભાષ ઘઈએ કહેલું છે કે મારે અનેક રાત જાગવું પડ્યું હતું, પરંતુ તે વસૂલ છે કેમ કે રહેમાને અફલાતૂન સંગીત આપ્યું છે. અને સાચે જ, ‘તાલ’નું સંગીત આજે પણ લોકો યાદ કરે છે. ‘તાલ સે તાલ મિલા’, ‘ગૂડ સે મીઠા ઈશ્ક’, ‘કહીં આગ લગે લગ જાયે’, ‘નહીં સામને તૂ’, ‘મૈં રમતા જોગી’, ‘કરીયે ના’, ‘ની મૈં સમજ ગઈ’ જેવાં ગીતો ખૂબ લોકપ્રિય થયાં હતાં. ‘તાલ’થી ગાયિકા રીચા શર્માને પણ મોટી સફળતા મળી હતી.

૨૦૦૦ના દાયકામાં શરૂઆતમાં રહેમાને આશુતોષ ગોવારીકરની ‘સ્વદેશ’ ફિલ્મમાં સંગીત આપ્યું. આ ફિલ્મમાં ‘યે જો દેશ હૈ તેરા’, ‘યૂં હી ચલા ચલ રાહી’, ‘યે તારા વો તારા હર તારા’ ગીતો ખૂબ જાણીતા બન્યા હતા. રહેમાનનું સંગીત મોટા ભાગે પાશ્ચાત્ય અથવા દક્ષિણ ભારતીય સંગીત પર આધારિત હોય છે તે વાત સાચી, પરંતુ ‘યે જો દેશ હૈ તેરા’માં જે શરણાઈનો એક ટુકડો વાગે છે તે વિવિધભારતી રેડિયો સ્ટેશન પર ઘણી વાર સાંભળવા મળે છે. કાર્યક્રમોની જાહેરાત પહેલાં આ સંગીતનો ટુકડો વાગે છે તે સાંભળવું જોઈએ. તે ભારતીય શાસ્ત્રીય સંગીતનો અદ્ભુત નમૂનો છે.

કહેવાય છે કે ‘તાલ’ વખતે રહેમાન અને સુભાષ ઘઈના અહંકાર ટકરાયા હતા. અને બંનેએ સાથે ક્યારેય કામ ન કરવાના સોગંદ લીધા હતા. જોકે આ વાત ખોટી પડી. રહેમાને સુભાષ ઘઈ સાથે ફરી ‘કિસના’માં અને ‘યુવરાજ’માં કામ કર્યું પરંતુ ‘તાલ’ જેવો જાદુ સર્જાયો નહીં. અલબત્ત, ‘કિસના’માં તો રહેમાન સાથે ઇસ્માઇલ દરબારનું પણ સંગીત હતું. ‘સ્વદેશ’ની જેમ ક્લાસિકલ સંગીતનો પરિચય રહેમાને આશુતોષ ગોવારીકરની ‘જોધા અકબર’માં પણ આપ્યો હતો. ‘કહેને કો જશ્ન-એ-બહારા હૈ’, ‘અઝીમ-ઓ-શાન શહેનશાહ’, ‘ખ્વાજા મેરે ખ્વાજા’, ‘ઇન લમ્હોં કે દામન મેં’ આ ગીતો ખૂબ જ કર્ણપ્રિય બન્યા હતા. મણિરત્નમની ‘યુવા’માં એકદમ આધુનિક જમાના પ્રમાણે રહેમાને સંગીત આપ્યું તો ‘ગુરુ’માં ભૂતકાળને અનુરૂપ ફરી કર્ણપ્રિય સંગીત હતું. તેનાં ગીતો ‘દમ દારા દમ દારા મસ્ત મસ્ત’, ‘ઐ હૈરત-એ-આશિકી’, ‘બરસો રે મેઘા’, ‘માહિયા માહિયા’ પર દર્શકો ઝૂમી ઉઠ્યાં. રહેમાન પોતે તો પોતાની ફિલ્મમાં ગાય જ છે, પરંતુ આ ફિલ્મમાં વિતેલા જમાનાના જાણીતા સંગીતકાર ભપ્પી લહિરી પાસે ગીત ગવડાવ્યું હતું ‘એક લો એક મુફ્ત’. જોકે છેલ્લા ઘણા સમયથી રહેમાન રિપિટેટિવ પ્રકારની ધૂનો બનાવે છે, તેમજ તેમના સંગીતમાં રિધમને સ્વર કરતાં વધુ મહત્ત્વ હોય છે જેના કારણે  (એ હૈરત એ આશિકી અને કહેને કો જશ્ને બહારા હૈ જેવા અપવાદોને બાદ કરતાં) તેમનાં ઘણાં ગીતો એવા હોય છે  કે ગાયકો શું ગાય છે, ગીતના શું શબ્દો છે તે સમજવામાં અને યાદ રાખવામાં મુશ્કેલી પડે.

રહેમાને વિદેશમાં અનેક નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું. તેનાં ઉલ્લેખનીય કામોમાં ‘બોમ્બે ડ્રીમ્સ’, ‘એલિઝાબેથ’ અને ભારત પર આધારિત વિદેશી દિગ્દર્શકની હિન્દી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ છે જેના માટે તેને ઓસ્કાર પણ મળ્યો હતો. આ ઉપરાંત ‘૧૨૭ અવર્સ’ માટે પણ તે ઓસ્કાર જીતી ચૂક્યો છે. ૨૦૧૫ના વર્ષમાં તેની ત્રણ ફિલ્મો ‘ધ હંડ્રેડ ફૂટ જર્ની’, ‘મિલિયન ડોલર આર્મી’ અને ‘કોચદૈયાં’ દ્વારા તે ઓસ્કાર માટે લાઇનમાં છે.

આશા રાખીએ કે તે ત્રીજી વાર ઓસ્કાર મેળવી હેટ્રિક સર્જે!

(ગુજરાત ગાર્ડિયન વર્તમાનપત્રની ફિલ્મ પૂર્તિમાં બર્થડે બેશ કૉલમમાં તા.૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ છપાયેલો લેખ)

film, music

તૂ ગીત કા સાગર હૈ

2013-10-24-08-06-18_deco

મન્ના ડે. મહાન ગાયક આપણી વચ્ચે પાર્થિવ દેહ રૂપે ન રહ્યા,બાકી તેમનો ઘૂંટાયેલો,શાસ્ત્રીય તાલીમ પામેલો અવાજ તો હંમેશાં આપણા મન-મસ્તિષૂકમાં રહેશે જ. કાકા કે.સી.ડે અભિનેતા,ગાયક હતા. તેમના પગલે મન્ના ડે હિન્દી ફિલ્મની દુનિયામાં આવ્યા. જો મૂકેશ રાજ કપૂરનો પ્રથમ અવાજ ગણો તો મન્ના ડેને બીજો અવાજ ગણવા પડે.
પણ રાજ કપૂરના માનીતા શંકર જયચિશન સાથે તો સારાં ગીતો આપ્યા જ, પણ એ સિવાય સચીનદેવ બર્મન, રાહુલદેવ બર્મન, સલીલ ચૌધરી, કલ્યાણજી-આણંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ સુમધૂર ગીતોની હારમાળા સર્જી દીધી. કેટલાં ગીતો યાદ કરવા ને કેટલાં નહીં?
– દિલ કી ગિરહ ખોલ દો
– પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ
-મૂડ મૂડ કે ના દેખ
-હમ ભી હૈ તુમ ભી હો, દોનો હૈ આમને સામને
-આજા સનમ મધુર ચાંદની મેં હમ
-યે રાત ભીગી ભીગી
– જહાં મૈં જાતી હૂં વહી ચલે આતે હો
-લાગા ચુનરી મેં દાગ
-એ ભાઈ ઝરા દેખ કે ચલો
-ના તો કારવાં કી તલાશ હૈ
– ના માંગૂ સોના ચાંદી
-તૂ પ્યાર કા સાગર હૈ
– એ મેરે પ્યારે વતન
-પૂછો ના કૈસે મૈને રૈન બિતાઈ
-કસ્મે વાદે પ્યાર વફા
– નદીયા ચલે ચલે રે ધારા
-ઝિંદગી કૈસી હૈ પહેલી હાય
-જીવન ચલને કા નામ
-યે દોસ્તી હમ નહીં તોડેંગે
-યારી હૈ ઈમાન મેરા
તેમણે ગુજરાતીમાં પણ અફલાતૂન ગીતો આપ્યાં:
– ચરર ચરર મારું ચકડોળ ચાલે (જે નવરાત્રિમાં અનિવાર્ય ગીત બની ગયું છે)
-મારો હેલો સાંભળો જી
– વૈષ્ણવજન તો તેને કહીએ (ભલે બંગાળી ઉચ્ચારોની છાંટ સાંભળવા મળે, પણ ભલભલા ગુજરાતી ગાયકો કરતાં તેમના અવાજમાં સાંભળવાની મજા પડે)
મન્ના ડે મોટા ભાગે સાઇડ હીરો – જેમ કે મહેમૂદ કે અન્ય ચરિત્ર અભિનેતાઓના ગાયક બની રહ્યાં, પરંતુ રાજ કપૂરની ફિલ્મોમાં અને અન્ય ફિલ્મોમાં મૂકેશ, મોહમ્મદ રફી કે કિશોરકુમારના કંઠે મોટાભાગનાં ગીતો ગવાયેલાં હોય અને મન્નાડેના ભાગે એક જ ગીત આવ્યું હોય, પરંતુ એ એક જ ગીત બીજાં ગાયકોનાં ગીતો બરાબર હોય, યાદ કરી જુઓ
‘આનંદ’માં મૂકેશનાં ગીતો અને સામે મન્ના ડેનું એક ગીત.
‘દિવ્ય ભાસ્કર’માં હતો ત્યારે અમદાવાદ એક કાર્યક્રમમાં મન્ના ડેને સાક્ષાત ગાતા જોયા-સાંભળ્યા. એ વખતે સદ્નસીબે મારી માતા તરલાબહેન હયાત હતા અને તેમને પણ સાથે લઈ જઈ શકેલો. (મારા પિતા હોત તો તેમને કેટલો આનંદ થયો હોત તે કલ્પી શકતો નથી.) એ પછી તેમનો ઇન્ટરવ્યૂ પણ કરેલો. આ બધા સહિત મન્ના ડે વિશે તો ઘણી વાત લખવાની છે, પરંતુ અત્યારે એટલું જ.

film, music

‘ઇમ્તિહાન’ અને ‘હમરાઝ’ : ચાહા તો બહોત ના ચાહે તુમ્હેં

કેવા સુંદર શબ્દો આ વિસરાયેલાં ગીતના છે : ચાહા તો બહોત ના ચાહે તુઝે, ચાહત પે મગર કોઈ ઝોર નહીં, દિલ હી તો હૈ, તુમ પે આ હી ગયા, દિલ કા સનમ યે કુસૂર નહીં,

પેશ -એ – ખિદમત હૈ દૂસરા ગાના. ‘દો બાતેં હો સકતી હૈ, સનમ તેરે ઇનકાર કી, યા દુનિયા સે તૂ ડરતી હૈ, યા કદર નહીં મેરે પ્યાર કી…’

એક અદ્ભુત શૃગાંરિક ગીત હતું – ‘ધીરે ધીરે ચોરી ચોરી હોલે હોલે દિલ યે બોલે હોને દે પ્યાર’,  રવીના લાલ ચટ્ટાક સાડીમાં અને સન્ની લીંબુ રંગના શર્ટમાં કેટલા સરસ લાગે છે!

આજે ફિલ્મ  ‘ઇમ્તિહાન’ની વાત કરવી છે.  તેનું એક બીજું ગીત હતું – ‘ઇસ તરહ આશિકી કા અસર છોડ જાઉંગા’. ખબર નહીં કેમ પણ આ ગીત ફિલ્મમાં બે અવાજમાં હતું – કુમાર શાનુ અને અમિત કુમાર. હવે કુમાર શાનુ અને અમિતકુમાર બંને વોઇસ ઓફ કિશોરકુમાર. પણ કુમાર શાનુ ભદ્દી નકલ કરે જ્યારે અમિતને તો કુદરતી જ કિશોરનો કંઠ મળ્યો હતો કારણ તે તેનો દીકરો. સ્વાભાવિક જ અમિતકુમારના અવાજમાં આ ગીત વધુ સારું લાગે છે. (ગીતકાર ફૈઝ અનવર છે.)

એ સમય કર્ણપ્રિય અને અર્થપૂર્ણ શાયરીવાળા ગીતનો હતો. ‘પૂનમ’ ફિલ્મ અને તે પછી ‘સોહિની મહિવાલ’માં સુમધૂર સંગીત આપ્યા બાદ અનુ મલિક ઢીંચક ઢીંચક ને ઘોંઘાટિયા સંગીતના રવાડે ચડી ગયા હતા, પણ તે પછી પછડાટ ખાધી અને મહેશ ભટ્ટે ‘આવારગી’માં ‘બાલી ઉંમરને મેરા હાલ વો કિયા’ જેવું સુમધૂર ગીત કઢાવ્યું. પછી અબ્બાસ મસ્તાનની ‘બાઝીગર’થી અનુ મલિક ફરી કર્ણપ્રિય સંગીત તરફ વળ્યા.

વળવું પડે તેમ પણ હતું કારણકે નદીમ શ્રવણ અને આનંદ મિલિન્દ જેવા સમકાલીન સંગીતકારો સુમધુર સંગીત પીરસી રહ્યા હતા જે જનતાને વધુ માફક આવી રહ્યું હતું. અને અનુએ ‘તહલકા’ (દિલ દિવાને કા ડોલા દિલદાર કે લિયે, આપ કી ટોપી, આપ કા ચશ્મા મૌલા હી મૌલા, અલ્લાહ હી અલ્લાહ), ‘ફિર તેરી કહાની યાદ આઈ’ (તેરે દર પર સનમ ચલે આયેં, આનેવાલા કલ એક સપના હૈ, શાયરાના સી હૈ મેરી ઝિંદગી, દિલ દેતા હૈ રો રો દુહાઈ’), ‘સર’ (સૂન સૂન બરસાત કી ધૂન- અલબત્ત એ ગીત ‘ઇન્સ્પાઇર્ડ’ છે, સર વી લવ યૂ), ‘ચમત્કાર’ (ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો, પ્યાર હો જાયેગા), ‘વિજયપથ’ (રાહ મેં ઉનસે મુલાકાત હો ગઈ, જિસ કા ડર થા વો હી બાત હો ગઈ, સાગર સંગ કિનારે હૈ, ફૂલો સંગ બહારે હૈ, આઈયે આપ કા ઇંતઝાર થા), ‘ખુદ્દાર’ (સેક્સી સેક્સી મુઝે લોગ બોલેને બાદ કરો તો તુમ સા કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં હૈ, ક્યા ચીઝ હો તુમ ખુદ તુમ્હે માલૂમ નહીં હૈ, વો સૂરત હી ક્યા તેરી સૂરત નહી જિસ મેં) વગેરે ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપેલું. આ સિલસિલો સુભાષ ઘઈની ‘યાદેં’ અને શાહરુખની ‘અશોક ધ ગ્રેટ’ સુધી જળવાયો પણ પછી અનુ ખોવાઈ ગયા…મતલબ કે સંગીત તો હજુય આપે છે, પર વો બાત નહીં….

‘ઇમ્તિહાન’ ફિલ્મ મૂળ તો રાજકુમાર, સુનીલ દત્ત અને વિમીની ‘હમરાઝ’ ફિલ્મની રિમેક હતી. જેમાં ‘કિસી પથ્થર કી મૂર્ત સે ઈબાદત કા ઈરાદા હૈ પરશતીશ કી તમન્ના હૈ, તુમ અગર સાથ દેને કા વાદા કરો, નીલે ગગન કે તલે, ના મુંહ છુપાકે જિયો જેવા સુંદર અર્થસભર ગીતો હતા. પણ એ વખતે રિમેકના નામે માર્કેટિંગ કરીને રસ ઊભો કરી ફદિયા ગણી લેવાનું આજના જેવું ચલણ નહોતું. ઉલટું એવું કોઈ કહે કે આ તો ફલાણી ફિલ્મની કોપી (રિમેક) છે એટલે નીચું જોવા જેવું થતું. અને એ વખતે એવું ચલણ પણ નહોતું કે જેની રિમેક કરી હોય તે ફિલ્મનું ગીત ભદ્દી રીતે નવી બીટ ઉમેરીને કર્કશ અવાજમાં રાગ બગાડીને ગવડાવી ટીવી અને રેડિયો પર તેનું સતત હેમરિંગ કરવું. એટલે ‘ઇમ્તિહાન’માં ‘હમરાઝ’ના કોઈ ગીતનું રિમિક્સ મૂકાયુ નહોતું.

આ ફિલ્મ વખતે સૈફ અલી ખાન નવો નવો હતો એટલે આજના જેવો મેચો નથી લાગતો. પણ રૂપાળી છોકરી જેવો ત્રાંસી આંખવાળો લાગે છે, જ્યારે સન્ની દેઓલ બૂમબરાડા જ નહોતો કરતો. યુવાન દેખાતો હતો અને આવી રોમેન્ટિક ફિલ્મ પણ કરતો હતો. રવીના પણ આ ફિલ્મમાં ખૂબ જ સુંદર લાગે છે.  ફિલ્મ ન જોઈ હોય તો જોવા જેવી ખરી.

film, music, spirituality

ના હો બસ મેં તેરે કુછ ભી માના

ગીતજ્ઞાન

આજે ગુરુવારે વીક ઓફ. ગીતો સાંભળવાનું મન થયું અને એમાં ‘ધરમ કરમ’નું ‘એક દિન બિક જાયેગા’નું એક વર્ઝન સાંભળ્યું. વારંવાર સાંભળ્યું. મન થોડું ઉદાસ હતું એટલે આ વર્ઝન સાંભળવું ગમ્યું. તેની પંક્તિઓ બહુ જ પ્રેરણાદાયક છે…

ના હો બસ મેં તેરે કુછ ભી માના
તેરા ધરમ હૈ, અપના કરમ નિભાના
તેરે પીછે મતવાલે, સબ સોચે જગવાલે
આયા થા દુનિયા મેં કોઈ તો મસ્તાના
તરમપમ હર દિલ કો તેરે બાદ, આયે તેરી યાદ
ઇતના તો કરતા જા, ફિર દુનિયા સે ગોલ

બહુ માર્મિક વાત મઝરુહસા’બ કહી ગયા છે આ ગીતમાં. સામાન્ય રીતે રાજ કપૂરની ફિલ્મોમાં ગીતકાર તરીકે શૈલેન્દ્ર અને હસરત જયપુરી અને સંગીતકાર તરીકે શંકર-જયકિશન રહેતા, પણ આ ફિલ્મ બની ત્યારે શૈલેન્દ્ર અને જયકિશન બંને રહ્યા નહોતા. વળી, ફિલ્મના સાચા-ખોટા નિર્દેશક તરીકે દીકરો રણધીર હતો. અલબત્ત, તેનામાં વારસો તો રાજનો જ હતો. વળી, રાજની હયાતિ હતી એટલે તેઓ કહે તેમ જ થયું હશે તેમ માનીએ.

પંક્તિમાં કહ્યું છે તેમ, ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતી, ત્યારે શું કરવું તેવો સવાલ થાય. તેનો જવાબ આપતા તેઓ કહે છે, તેરા ધરમ હૈ અપના કરમ નિભાના. આપણે જે કરમ કરવાનું હોય તે કરવાનું અને એવું જીવન જીવી જવાનું જે દુનિયાને આપણા ગયા પછી પણ સુખદ રીતે યાદ રહે.

રાજ કપૂર આવું જ જીવન જીવી ગયા છે. તેમની ફિલ્મોને એક મોટો વર્ગ તેમાં બતાવેલી ઉઘાડી હિરોઇનોને કારણે વધુ યાદ કરે છે, પણ તેમની ફિલ્મોમાંથી ઘણું શીખવા જેવું છે. માત્ર ગીતો જ સાંભળીએ તો પણ પ્રેરણા મળી રહે તેમ છે. રાજ પણ એવું કરમ કરતા ગયા છે કે તેમના ગયાનાં ૨૨ વર્ષ પછી પણ આપણે તેમને યાદ કરીએ છીએ.