health, sanjog news, Uncategorized, vichar valonun

તબીબી વ્યવસાયિકોની સંવેદનહીનતા: કાગડા બધે કાળા

(સંજોગ ન્યૂઝની વિચાર વલોણું કૉલમમાં તા. 05/11/17ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

તાજેતરમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત એ બે રાજ્યો હૉસ્પિટલોમાં બાળકોનાં મૃત્યુના કારણે ચર્ચામાં રહ્યાં. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઑક્સિજન બાટલાના અભાવના કારણે મૃત્યુ થયાં. ડૉક્ટરો અને સરકારોની સંવેદનહીનતા બહાર આવી. જોકે સરકાર હોય કે સરકારી હૉસ્પિટલ કે ખાનગી હૉસ્પિટલો, મૂળ પ્રશ્ન માનવતાનો છે, સંવેદનાનો છે, જેનો અભાવ સર્વત્ર મહદંશે દેખાય છે.

તમે સરકારી કે ખાનગી બૅન્કોમાં જાવ અને વૃદ્ધ હો તો, અંગ્રેજીમાં ફૉર્મ (હવે તો વિદેશોમાં પણ ફૉર્મ ગુજરાતી, પંજાબી વગેરે ભારતીય ભાષાઓમાં ત્યાંની એશિયન વસતિના કારણે બહાર પડાય છે તો ભારતમાં કેમ નહીં તે એક પ્રશ્ન છે) હોય, અંગ્રેજી સમજાતું ન હોય કે ફૉર્મના પેજ બચાવવા કન્ડેન્સ કરાયેલા ફૉન્ટ વંચાતા ન હોય તો બૅન્ક કર્મચારીઓ ફૉર્મ ભરાવવામાં પણ મદદ ન કરે તેવું બનતું હોય છે. હૉટલોમાં રૂમની લેટ સર્વિસ, રૂમમાં અપાતી ટુવાલ, શેવિંગ ક્રીમ, ટૂથબ્રશ, સ્લિપર જેવી સુવિધાઓ ન અપાય-માગવી પડે, પૂરતું ગરમ પાણી ન આવતું હોય, તેવું પ્રતિ દિવસના હજાર-બે હજાર ચૂકવવા છતાં પણ થાય. ફ્લાઇટમાં જતા હો ત્યાં તમને ફ્લાઇટ મોડી ઉપડે તો પોણી કલાક સુધી કારણ જણાવવામાં ન આવે તેવું બને. તમે કેબલ સર્વિસ પ્રૉવાઇડર પાસેથી હવે ફરજિયાત બનેલા સેટ ટૉપ બૉક્સ લીધું હોય પરંતુ ફ્રી કેટલીક ચેનલો પણ તમને ન જોવા મળે તેવું બને છે.
તમે બૅન્ક કે મોબાઇલ કસ્ટમર કેરમાં ફૉન કરો તો ફૉન એન્ગેજ્ડ આવે, ઇ-મેઇલ કરો તો ટૂંકમાં જવાબ આવી જાય કે વધુ વિગત મોકલો અથવા તો અમે ૨૪ કલાકમાં તમારો પ્રશ્ન ઉકેલી આપીશું, પરંતુ પ્રશ્ન ઉકેલાય નહીં, છેવટે કંટાળીને તમે ટ્વિટર પર ગામના ચોતરામાં બધાની વચ્ચે આ કંપનીઓને ટેગ કરીને લખો ત્યારે તમને કંઈક જવાબ મળે. મફતનું મેળવવાની આશા ઘણા લોકોને ઘણી હોય છે. બૉનસની પ્રથા એવી છે કે તમે જે કંપનીમાં કામ કરતા હો તેના તરફથી ખુશ થઈને દિવાળી નિમિત્તે સદ્ભાવના પ્રસરાવવા માટે બૉનસ આપે. પરંતુ તમે સિક્યોરિટી ગાર્ડ તરીકે કોઈ ફ્લેટમાં કામ કરતા હો ત્યારે તમે ઘરે ઘરે બોણી લેવા નીકળી પડો અને તેમાંય લોકો પોતાની મરજી અને યથાશક્તિ મુજબ આપે ત્યારે હકથી કહો કે પેલાએ તો આટલા આપ્યા છે તો તમારે પણ આટલા આપવા જ જોઈએ તે કેટલું વાજબી? પેટ્રોલ પંપમાં હવા પૂરતી વ્યક્તિ પણ દરેક સ્કૂટર કે કારવાળા જે ત્યાં હવા પૂરાવે છે તેની પાસે દિવાળીએ બોણી માગે તે ઉચિત ગણાય?

ખાનગી કંપનીમાં કામ કરતા હો અને તમારા હકના પીએફ માટે બીજું કંઈ ન કરવાનું હોય પરંતુ એક સહી જ કરવાની હોય તો પણ તમે તેમની કંપની કેમ છોડી તેવા કે કોઈ બીજા કારણસર દ્વેષભાવ રાખીને માલિક સહી ન કરી આપે અને વર્ષ ઉપરાંત સમયથી ટટળાવે, ધક્કા ખવડાવે તે કેટલું ન્યાયી ગણાય?

મૂળ વાત હૉસ્પિટલની હતી. હૉસ્પિટલમાં દાખલ થતી વખતે અને ડિસ્ચાર્જ વખતે કેટલી માથાકૂટ કરવી પડતી હોય છે તે કોઈનાથી અજાણ્યું નથી. દિવાળી અને ૩૧ ડિસેમ્બર જેવા સમયે ડૉક્ટરો બહારગામ જતા રહે કે સ્થાનિક સંગીત-ડાન્સના કાર્યક્રમોમાં ગયા હોય તેના કારણે દર્દીઓને હાલાકી પડતી હોય છે. ડૉક્ટરોનો આવા સમયે વાંક નથી, પરંતુ તેમના જવાથી દર્દીઓને પડતી મુશ્કેલીઓનો હલ શું? ડૉક્ટરો બે મિનિટમાં રોજ રાઉન્ડ મારીને જતા રહે પછી હૉસ્પિટલ જુનિયર ડૉક્ટરો અને સિસ્ટર તથા વૉર્ડબોયના ભરોસે જ હોય છે અને ઘણી વાર તેઓ ગપ્પા મારતા હોય, ટીવી પર પોતાના મનપસંદ કાર્યક્રમો-ફિલ્મો જોવામાં વ્યસ્ત હોય, મોબાઇલ જોવામાં વ્યસ્ત હોય તેવું ઘણા બધાનો અનુભવ હશે. મોટા ભાગની હૉસ્પિટલમાં દર્દીની સાથે એક જ સગાને રાખવાની છૂટ હોય છે. આવા સમયે દર્દીને કોઈ મુશ્કેલી પડે- ચાહે તે મળ કે મૂત્ર વિસર્જનની હોય કે કપડાં બદલાવવાની ત્યારે હૉસ્પિટલનો સ્ટાફ જોઈએ તેવી મદદ ન કરે અને તોય ડિસ્ચાર્જ વખતે બક્ષિસની આશા રાખે તે કેવું! ડિસ્ચાર્જ સવારના ૧૧ વાગ્યાનો મળી ગયો હોય તોય કોણ જાણે હૉસ્પિટલની પ્રૉસિજર એવી તે કેવી હોય છે કે તમે દર્દીને ઘરે લઈ જવા હૉસ્પિટલના ગેટની બહાર નીકળો ત્યારે સાંજના પાંચ વાગી ગયા હોય! બિનજરૂરી ટેસ્ટ, બિનજરૂરી દવાઓ કરાવે તે તો વાત જૂની થઈ ગઈ. સરકારે જનતાના લાભ માટે સ્ટેન્ટ સસ્તા કર્યા તો હૉસ્પિટલોએ બીજા ખર્ચમાં વધારો કરી દીધો! ઘૂંટણની સર્જરી માટે ‘ની ઇમ્પ્લાન્ટ’ સસ્તા કર્યા પરંતુ હૉસ્પિટલોએ બીજા ખર્ચને વધારી દીધા. સરવાળે દર્દીઓને તો નુકસાન ગયું. મેડિક્લેઇમ ચૂકવનારી કંપનીઓને ફાયદા થયા.

તમે હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેતા હો પરંતુ તમારે કંપનીમાં રજા માટે તેનું સર્ટિફિકટ જોઈતું હોય તો તમે તમારી ટ્રીટમેન્ટ કરતો ડૉક્ટર તેમજ સીએમઓ ચલકચલાણું રમે અને પછી સર્ટિફિકેટ ન આપે તે કેવું! પરંતુ તબીબી ક્ષેત્રનો આવો અનુભવ માત્ર ભારતનો જ છે તેવું નથી. અમેરિકા અને બ્રિટનની જનતાને તેમના દેશોમાં પણ કડવા અનુભવો થાય છે…

૨૦૧૧ના અમેરિકન કૉલેજ ઑફ ફિઝિશિયન એક્ઝિક્યુટિવ (એસીપીઇ) સર્વેમાં જાણવા મળ્યું હતું કે ત્રણ ચતુર્થાંશ ડૉક્ટરોને આ પ્રકારના અક્કડ અને કઠોર વલણની ચિંતા છે. તમામ પ્રતિસાદીઓએ કહ્યું કે તેનાથી દર્દીઓની ટ્રીટમેન્ટ પર અસર પડે છે. એસીપીઇના સીઇઓ બેરી સિલબૉએ અહેવાલમાં કહ્યું હતું કે અનેકો દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં અમારા વ્યવસાયમાં અનેક ડૉક્ટરો ખરાબ રીતે વર્તે છે.

ન્યૂ યૉર્ક શહેરની સિવિલ હૉસ્પિટલોમાં ઇન્સેન્સિટિવ સ્કીમ દાખલ કરાઈ જેમાં ફિઝિશિયનોનો પગાર દર્દીઓના અનુભવો સાથે સીધા જોડી દેવામાં આવ્યા. મતલબ કે જેટલા વધુ દર્દી જણાવે કે તેમને તેમની ટ્રીટમેન્ટથી સંતોષ છે તેના આધારે પગાર વધારાની વાત રહે.

બ્રિટનમાં પણ ડૉક્ટરોના ખરાબ વર્તનની નવાઈ નથી. એકાદ ઉદાહરણની વાત કરીએ તો જ્યૉર્જ એજન્ટ હસમુખા વ્યક્તિ હતા. ૮૧ વર્ષના પૂર્વ સેઇલર તેમના મિત્રોને પબમાં મળતા અને આનંદથી જીવતા. પરંતુ સુપરબગ સી. ડિફિસાઇલથી પીડિત આ વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેની સાથે નર્સોએ ખરાબ વર્તન કર્યું. તેમની પથારી બગડી જતી તો તે માટે તેમને ઠપકો અપાતો. જ્યારે તેઓ પોતાની પથારી સાફ કરવા કહેતા તો નર્સો તેમની મજાક ઉડાડતી. તેમની ૪૮ વર્ષીય દીકરી મારીયા એજન્ટે પણ કહ્યું કે ખુશમિજાજની વ્યક્તિ એવા તેઓ હૉસ્પિટલમાં ખૂબ જ હતાશ થઈ ગયા. થોડાં સપ્તાહોમાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. આવા તો અનેક કેસો યુકેમાં જોવા મળે છે, જેમાં દર્દીઓ અને તેમનાં સગાઓ સાથે નર્સોએ કે ડૉક્ટરોએ અપમાનજનક કે ખરાબ ભાષામાં વર્તન-વાતચીત કર્યાં હોય. ૨૦૧૧માં જનરલ મેડિકલ કાઉન્સિલના આંકડાઓમાં જાહેર થયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ડૉક્ટરો સામેની ફરિયાદમાં ૪૦ ટકા જેટલો જબ્બર ઊછાળો થયો છે.
યુકેનું ક્ષેત્રફળ ૨.૪૩ હજાર ચો. કિમી છે અને ભારતનું ૩.૨૮ ચો. કિમી. છે. યુકેમાં દર વર્ષે ૬,૦૦૦ બાળકો અને યુવાનો મરે છે. તેમાંથી બે તૃત્તીયાંશ જેટલા બાળકો પાંચ વર્ષથી નીચેના છે અને તેમાંય બહુમતી એક વર્ષથી નીચેના છે.

આમ, મૂળ પ્રશ્ન માણસોની સંવેદનશીલતાનો છે. બાકી કાગડા બધે કાળા જ છે.
(નોંધ: આ લેખની વાત પરથી કોઈએ એવું ન માનવું કે તબીબી ક્ષેત્રે બધા જ ડૉક્ટરો કે અન્ય મેડિકલ સ્ટાફ સંવેદનહીન છે ઘણા ડૉક્ટર ઓછી ફી લેતા હોય છે, ફી માફ કરતા હોય છે, ઘણી વાર ગરીબ દર્દી પાસે જવાનું ભાડું ન હોય તો પણ આપતા હોય છે તો નર્સો-વૉર્ડબોય વગેરે પણ સેવા કરવામાં પાછી પડતા નથી હોતા.)

Advertisements
gujarat guardian, health, hindu

યોગે બધાને જોડવાનું કામ કર્યું

celebration of first international yog day
celebration of first international yog day

ગુજરાતીમાં કહેવત છે કે જેનો અંત ભલો તેનું બધું ભલું. પણ જે રીતે ભારત સહિત વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાયો તે જોતાં કહેવું પડે જેની શરૂઆત સારી તેનું બધું સારું. અનેક વાદ-વિવાદની વચ્ચે પણ ભારતમાં યોગદિવસ હેમખેમ જ નહીં, પરંતુ પૂરા ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાયો. એવું લાગ્યું કે રવિવાર ૨૧ જૂને આખું ભારત યોગમય બની ગયું હતું. મોટા કરે તો પછી નાના પણ તેમાં જોડાય જ એ ઉક્તિને ચરિતાર્થ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યોગાસન કરીને દાખલો બેસાડ્યો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિદેશ ચાલ્યા ગયા, ઉપરાષ્ટ્રપતિ હમીદ અન્સારી માંદા પડી ગયા, પરંતુ રાજકીય મતભેદો-કડવાશ ભૂલીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના નાયબ મનીષ સિસોદિયા પણ રાજપથ, સોરી, યોગપથમાં યોગાસનો કરવામાં જોડાયા. મોદીના કારણે અનેક મંત્રીઓએ પણ આસનો કરવા પડ્યાં, થાય કે ન થાય, પણ છૂટકો નહોતો. રાજ્યોમાં પણ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત અનેકોએ યોગાસનો કર્યાં. નવાઈ તો એ વાતની હતી કે ભારતમાં વિરોધ થવાથી ઓમ્ નું ઉચ્ચારણ પડતું મૂકાયું, પરંતુ અમેરિકામાં ધર્મથી પર ઉઠીને ઘણા અહિન્દુઓએ પણ ટાઇમ્સ સ્ક્વેર પર ઓમ્ સાથે યોગાસનો કર્યા. ભારતમાં સૂર્ય નમસ્કાર પડતા મૂકાયા (જોકે અજ્ઞાનીઓ જાણતા નથી કે સૂર્ય નમસ્કારમાં પણ અંતે તો છથી સાત યોગાસનોનો સમૂહ જ છે, અને ૨૧ જૂને રાજપથ પર જે આસનો કરવામાં આવ્યાં તેમાં ઘણાં યોગાસનો સૂર્યનમસ્કારમાં આવતાં આસનો જ હતાં) પરંતુ બૌદ્ધ દેશ તાઈવાનના તાઈપેઈમાં સૂર્યનમસ્કાર પણ થયા. અમેરિકાના અખબાર યુએસએટૂડેના અહેવાલ અનુસાર તાઈપેઈમાં સૂર્યનમસ્કાર કરનારામાં એક ભારતીય મુસ્લિમ પાઇલોટ જે મિડલ ઇસ્ટ એરલાઇન્સ માટે કામ કરે છે તે ફઝેલ શાહ પણ હતો.

જોકે સૂર્યનમસ્કારની વાત આવે ત્યારે એ નોંધવું જોઈએ કે અકબરના સમયના મુલ્લા અબ્દુલ કાદિર બદાયૂની નામના ભારતીય ઈતિહાસકારે નોંધ્યું છે કે અકબર પર બિરબલનો સારો પ્રભાવ હતો અને બિરબલે તેમને સૂર્યનો મહિમા સમજાવ્યો હતો કે સૂર્ય પ્રકાશ આપે છે. તેના કારણે વાદળો બંધાય છે અને વરસાદ વરસે છે. વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે. તેથી સૂર્યની પૂજા કરવી જોઈએ. બિરબલે અકબરને અગ્નિ, પાણી, પથ્થરો અને વૃક્ષોની પણ પૂજા કરવા સમજાવ્યું હતું. અને આ પ્રમાણે અકબરે રોજ સવારે સૂર્યના દર્શન કરવાનું ચાલુ થયું હતું અને આ સૂર્યદર્શનના પ્રતાપે તો તેઓ આગ્રાના કિલ્લાના ઝરોખામાં પણ (જનતાને) દર્શન આપવા લાગ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રોમાં યોગ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ થયો અને તે મંજૂર થયો તેમાં સિરિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા જેવા અનેક ઈસ્લામી દેશોનું સમર્થન પણ જવાબદાર ગણાય, પણ સૌથી પહેલાં અને સૌથી ઝડપી ટેકો ચીને આપ્યો હતો. મોદીએ પ્રસ્તાવ કર્યો તેના એક અઠવાડિયા પછી ભારતના સંયુક્ત રાષ્ટ્રોમાંના મિશને ચીનનો ૨ ઑક્ટોબર ને ગુરુવારે સંપર્ક કર્યો અને ચીને ૬ ઑક્ટોબર ને સોમવારે તો સમર્થન આપતો જવાબ પણ આપી દીધો. યોગનો અર્થ એટલે જોડવું થાય છે અને યોગ દિવસની ઉજવણીમાં દુશ્મનો ભારત-ચીન સાથે આવ્યા; યુએઈ, તુર્કી, અનેક મુસ્લિમ દેશો (પાકિસ્તાન સિવાય)માં યોગાસનો થયાં; ભારતમાં પણ મુસ્લિમોએ, રમજાનના રોઝા હોવા છતાં મોટા પાયે ઉજવણીમાં ભાગ લીધો; કાશ્મીર જેવા આતંકવાદગ્રસ્ત રાજ્યમાં પણ અનેક મુસ્લિમોએ યોગાસનો કર્યા; રાજકીય દુશ્મની ભૂલીને અરવિંદ કેજરીવાલે રાજપથ પર મોદીના નેતૃત્વ હેઠળ યોગાસનો કર્યા; આ સમગ્ર ચિત્ર જુઓ તો યોગે ખરેખર બધાને જોડવાનું કામ કર્યું  છે.

જોકે પશ્ચિમી મિડિયા જે ભારત વિરોધી માનસિકતા ધરાવે છે તે જ્યારે ભારતમાં ચર્ચ પર પથ્થર પણ પડે છે ત્યારે એટલો હોબાળો કરે છે તેણે ભારતમાં યોગ દિવસ સાથે જોડાયેલા વિવાદને મહત્ત્વ આપ્યું, પરંતુ તેની ઉજવણીને નહીં. અને પોતાના દેશોમાં થયેલી ઉજવણીની તો કોઈ વાત જ કરી નથી. જેમ કે, ડેઇલી મેઇલ એવું છાપું અને વેબસાઇટ છે જેના પર આવા મોટી સંખ્યામાં કોઈ કાર્યક્રમો થયા હોય તો તેના અઢળક ફોટા સાથે તેની વિગતો અપાય છે, પરંતુ તે ત્યારે કે જ્યારે અમેરિકા કે બ્રિટન જેવા પશ્ચિમી દેશમાં થયા હોય, પરંતુ યોગ દિવસનો એક પણ ફોટો તેના મુખ્ય પાના પર જોવા ન મળ્યો. અહેવાલની તો વાત જ દૂર છે. તેનું એક સેક્શન છે – ઇન્ડિયા, જેમાં ભારતના સમાચાર હોય છે, પણ તેના પર પણ સંઘે રામમંદિરનો મુદ્દો ફરી છેડ્યો તે મુખ્ય સમાચાર છે અને તેની નીચે રાજપથ યોગપથ બન્યું તે સમાચાર છે. આ જ રીતે બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, પરંતુ નકારાત્મક રીતે સમાચાર લીધા છે કે ‘નોટ ઓલ ઇન્ડિયન્સ વોન્ટ ટૂ જોઇન મિ. મોદી ઓન અ યોગ મેટ’ (બધા ભારતીયો યોગ દિવસની ઉજવણીમાં જોડાવા માગતા નથી). તેમજ બીબીસી પર યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી, હા, બીબીસી પર ભારતીયોએ કઈ રીતે અંગ્રેજી ભાષાને બદલી નાખી તે સમાચાર જરૂર છે. અમેરિકાના ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિતના અખબારોએ પણ યોગ દિવસની (બે વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છતાં) કોઈ મહત્ત્વ આપવાનું પસંદ નથી કર્યું. આ જ રીતે પાકિસ્તાનના અખબાર ડોનમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર સિંગલ કોલમમાં પણ નથી છપાયા. પાકિસ્તાનના એક્સ્પ્રેસ ટ્રિબ્યુન અખબારમાં પણ યોગ દિવસની ઉજવણીના સમાચાર નથી.

આ બધામાં એક રસપ્રદ લેખ સ્ટીફન મોસનો છે. સ્ટીફન મોસ બ્રિટનના ઇન્ડિપેન્ડન્ટ અખબારના ફીચર રાઇટર છે તેમજ ક્રિકેટની ગીતા ગણાતા વિઝડનના તંત્રી પણ રહી ચૂક્યા છે. તેમણે ‘માય ફર્સ્ટ એડ્વેન્ચર ઇન યોગ: લેસ કોબ્રા, મોર કોર્પ્સ’ શીર્ષકથી પોતાના યોગના અનુભવ લખ્યા છે. ૨૧ જૂનના રોજ પ્રસિદ્ધ આ લેખમાં, તેમણે લંડનમાં શિવાનંદ યોગ વેદાંત સેન્ટરમાં યોગ શિખવા ગયા તેનો અનુભવ લખ્યો છે. તેઓ શરૂઆતમાં જ લખે છે કે પહેલું આશ્ચર્ય તો મને એ જાણીને થયું કે સ્વામી જ્યોતિર્મયાનંદ (સાધ્વી) ડચ છે. મૂળ નેધરલેન્ડના સામાજિક કાર્યકર એવાં સ્વામી જ્યોતિર્મયાનંદે યોગ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેમના સહિત ૩૦ સ્વામીઓ વિશ્વભરનાં શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રો ચલાવે છે. મૂળ તો આ કેન્દ્રો તમિલનાડુના જાણીતા સંત સ્વામી શિવાનંદ સરસ્વતી, જે બહુ મોટા યોગી પણ હતા, તેમના નામે ચાલે છે. સ્વામી શિવાનંદના શિષ્ય ગણાતા સ્વામી વિષ્ણુદેવનંદને આ કેન્દ્રો સ્થાપ્યાં હતાં. વિષ્ણુદેવનંદન ૧૯૫૭માં સ્વામી શિવાનંદની સૂચનાને અનુસરી પશ્ચિમમાં આવ્યા અને સૌથી પહેલું કેન્દ્ર કેનેડાના મોન્ટ્રીયલમાં સ્થાપ્યું. www.sivananda.org વેબસાઇટ મુજબ અત્યારે વિશ્વભરમાં ૬૦ જગ્યાએ આ કેન્દ્રો, આશ્રમ, અને સંલગ્ન કેન્દ્રો છે.

જ્યોતિર્મયાનંદ તેમજ પોર્ટુગલના એક શિક્ષક જેમણે અર્જુન નામ રાખ્યું છે તેમણે સ્ટીફન મોસને યોગના પાઠ ભણાવવા કોશિશ કરી તેનું વર્ણન લખતાં સ્ટીફન મોસ કહે છે કે “તેઓ મને હઠયોગ શિખવી રહ્યા છે. યોગ એ ભારતની ૫,૦૦૦ વર્ષ કરતાં પણ જૂની પરંપરા છે, જે મક્કમતા, મૌન અને ધ્યાન પર ભાર મૂકે છે.” લંડનના શિવાનંદ યોગ વેદાંત કેન્દ્રમાં ૪૦ યોગ શિક્ષકો છે જે યોગ શિખવે છે. સ્ટીફન મોસ લખે છે કે સ્વામી એકદમ શાંત ચિત્તવાળા છે અને તેમનું આ શાંત ચિત્ત ત્રણ કલાકના વર્ગ દરમિયાન અકબંધ રહે છે.

સ્ટીફન મોસ એ સ્વામી આગળ દલીલ કરે છે કે યોગ તો ધર્મ છે, પરંતુ સ્વામી કહે છે, “આ તો તંદુરસ્ત રીતે જીવવાની એક શૈલી છે, જેમાં જીવવાનાં તમામ પાસાંઓને એકબીજા સાથે જોડવાનાં છે.”  શિવાનંદ સરસ્વતીએ છ શબ્દોમાં પોતાનો ઉપદેશ આપ્યો હતો : સેવા કરો, પ્રેમ કરો, આપો, શુદ્ધ બનો, ધ્યાન કરો અને અનુભૂતિ કરો. આ બધું વ્યાયામ, પ્રાણાયામ, હળવા થવું, આરોગ્યપ્રદ આહાર, હકારાત્મક વિચારસરણી અને ધ્યાન દ્વારા સાકાર કરવામાં આવે છે. આ કેન્દ્રોના જે ચુસ્ત અનુયાયીઓ હોય છે તે ચા, કોફી, આલ્કોહોલ, માંસ અને ડુંગળી-લસણ ત્યજી દે છે. સ્વામી જ્યોતિર્મયાનંદજીએ પણ લગ્ન કર્યાં નથી. સ્ટીફન મોસ કહે છે, “જોકે મને યોગ વર્ગ પછી નિઃશુલ્ક શાકાહારી ભોજન મળ્યું, જે ખૂબ જ સ્વાદિષ્ટ હતું.”

એ તો જાણીતી વાત છે કે (અને આ પૂર્તિમાં ગયા બુધવારે તેના પર લેખ પણ હતો) યોગના અનેક ફાંટા પડ્યા છે અને પશ્ચિમમાં તો યોગના નામે સાચાખોટાં તૂત ચાલે છે. પરંતુ સ્વામી જ્યોતિર્મયાનંદ તેમના પ્રત્યે સહાનુભૂતિથી જુએ છે અને કહે છે કે આટલા બધાં પ્રકાર અને આધુનિક સંસ્કરણો બતાવે છે કે તમામ પ્રકારના લોકો તેમને માફક આવે તેવી યોગ પદ્ધતિ શોધી શકે છે. કોઈની વચ્ચે ઝઘડો નથી. લોકો અલગ-અલગ પરંપરાને માન આપે છે.

સ્ટીફન મોસને જે શીખવાડવામાં આવે છે તે હઠ યોગમાં નહીં નહીં તો ૩૬,૦૦૦ આસનો છે. પરંતુ શિવાનંદ આશ્રમમાં માત્ર ૧૨ જ શીખવાડાય છે. અનેક પ્રાણીઓ પરથી આસનો બન્યાં છે, પરંતુ સ્ટીફન મોસને વીંછી, કાગડા, મોર પરથી બનેલાં આસનો કરાવાતાં નથી. સ્ટીફન મોસ રમૂજમાં કહે છે કે બધાં આસનો કરી શકાય તેવાં નથી.  કેટલાંકમાં તો એમ્બ્યુલન્સ બોલાવીને રાખવી પડે તેમ છે. જો મેં બધાં આસનો કર્યાં હોત તો, (આસન પછી જે શવાસન એટલે કે શબની જેમ પડ્યા રહીને હળવા થવું, ધ્યાન કરવું) શબની જેમ મારે પડવું ન પડત, હું પોતે જ શબ બની ગયો હોત.

આ આસનો મનનું નિયંત્રણ કરવા માટે છે તેમ સમજાવી સ્વામી અને અર્જુન સ્ટીફન મોસને ‘ઓમ્’ના જાપ કરાવે છે. સ્ટીફન મોસ લખે છે કે તે ખૂબ જ શાંતિદાયક છે. મારું માથું ફરી હળવું થવા લાગ્યું છે. ઊંડા શ્વાસ લેવાથી વધુ ઑક્સિજન મળે છે. અંતમાં મને ચાદર ઓઢાડીને સૂવાડવામાં આવે છે. મને ઊંઘ આવવા લાગી છે. મને વિચારવિહીન અવસ્થામાં જવા કહેવાયું છે. પરંતુ મને તો આ અવસ્થા પ્રાપ્ત કરવી અશક્ય છે તેવા વિચાર આવવા લાગ્યા છે. અને બપોરના બે વાગ્યા છે અને મને ભૂખ લાગી છે તેથી મને તેના સિવાય બીજા કોઈ વિચાર આવતા નથી.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા. ૨૪/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

health, hindu, sikka nee beejee baaju

યોગા કે યોગાસન એ યોગ નથી, નથી ને નથી જ

આજે (૨૧ જૂન,) પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગદિવસ છે. વિશ્વભરમાં ધામધૂમથી મનાવાશે. આનો શ્રેય એક માત્ર નરેન્દ્ર મોદીને જાય છે જેમણે આવતાંવેંત સંયુક્ત રાષ્ટ્રોમાં જઈને રજૂઆત કરી કે વિશ્વ યોગ દિવસ મનાવો. યુએન માની ગયું. અમુક વિવાદોની વચ્ચે આજે આખું વિશ્વ યોગાસનો કરશે. પણ મને એ નથી સમજાતું કે મુસ્લિમોને યોગ કરવા આટલું ભાઈબાપા શા માટે કરાયા?

કોઈ પણ સારી બાબત કરવી ન કરવી તે જેતે વ્યક્તિની આંતરિક મનેચ્છા છે. સરકારે મુસ્લિમ બંધુઓને કહ્યું કે તમે ઓમ્ ન બોલતા, તમારી ઈબાદત કરજો. (આ જ ભાજપ અને તેના સાથી આરએસએસ વગેરે સંઘપરિવારનાં સંગઠનો જ ગાંધીજી અને અન્ય કૉંગ્રેસી નેતાઓ પર આક્ષેપ તુષ્ટિકરણના આક્ષેપો મૂકતા આવ્યા છે કે ગાંધીજીએ મુસ્લિમોને રાજી રાખવા વંદેમાતરમ્ ટૂંકાવી નાખ્યું. રઘુપતિ રાઘવ રાજા રામ ભજનમાં ઈશ્વર અલ્લાહ તેરો નામ ઘૂસાડ્યું વગેરે વગેરે, તો અત્યારે પોતે શું કરે છે?) સંઘ પરિવારની મુસ્લિમ સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)એ તો પુસ્તક ‘યોગ એન્ડ ઈસ્લામ’ બહાર પાડ્યું. તેમાં સમજાવવાના ભરપૂર પ્રયાસો કરાયા કે યોગ બિનઈસ્લામી નથી.

મુસ્લિમોએ સૂર્યનમસ્કારનો વિરોધ કર્યો તો સરકાર સંમત થઈ ગઈ કે તમે સૂર્ય નમસ્કાર ન કરતા. સારી વાત છે, ચાલો. પરંતુ એક મુદ્દો લોકોના ધ્યાનબહાર રહી જાય છે કે ગયા વર્ષે ભાજપના એક ધારાસભ્યે મુસ્લિમોને નવરાત્રિના ગરબામાં આવવાની મનાઈ માટે સૂચન કર્યું ત્યારે હોહા થઈ ગઈ હતી. જો મુસ્લિમો સૂર્યનમસ્કારનો વિરોધ કરતા હોય તો તેમણે ગરબામાં પણ શા માટે આવવું જોઈએ? ગરબા પણ આદ્ય શક્તિની ઉપાસના જ છે. નવરાત્રિમાં અનેક સુંદર યુવતીઓ આવે છે માટે તેમની સાથે રમવા ગરબામાં આવવામાં કોઈ વાંધો નથી તો સૂર્યનમસ્કાર સામે શા માટે? હકીકતે કેટલાક મુસ્લિમો વિરોધ કરે છે તે કરતાં સવાયા મુસ્લિમો જેવા સેક્યુલર હિન્દુઓ વધુ હોહા કરે છે. સોમનાથ મંદિરમાં વ્યવસ્થાના ભાગરૂપે બિનહિન્દુઓએ મેનેજમેન્ટની પરવાનગી પછી જ દર્શન કરવા અંદર જવું તેવું પાટિયું મૂકાયું તેમાં પણ હોબાળો થઈ ગયો. જે મુસ્લિમોને વંદેમાતરમ્ બોલવામાં-ગાવામાં વિરોધ છે, જેમને ભારતમાતા કી જય કહેવામાં વાંધો છે, જેમને યોગ નથી કરવા કે સૂર્યનમસ્કાર નથી કરવા તેમને મંદિરમાં દર્શન પણ ન જ કરવા હોય. તેઓ ક્યાં મૂર્તિપૂજામાં માને છે? તો પછી સેક્યુલર હિન્દુઓ કેમ આટલો દેકારો કરી મૂકે છે? ગરબામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાય તેમાં કેમ સેક્યુલર હિન્દુઓના પેટમાં ચૂંક આવે છે? હકીકતે તમામ પંથ – ઉપાસના પદ્ધતિમાં ચોક્કસ નિયમો ઘડાયા છે. ગુરુદ્વારામાં કે દરગાહમાં તમે માથું ખુલ્લુ રાખીને જઈ શકતા નથી. ચર્ચમાં પણ ટૂંકા કપડાં પહેરવા સામે મનાઈ છે, તો મંદિરમાં પણ હોય જ. તમામ પંથ-ઉપાસનામાં ઘણી સામ્યતાઓ છે અને તે એ કે સભ્ય બનો, સભ્યતા રાખો. ચર્ચમાં તમે અસભ્ય વર્તન કરો તે ન ચાલે તેમ મંદિરમાં પણ ન જ ચાલે. પરંતુ ભારતમાં બધી શીખામણો માત્ર હિન્દુઓ માટે જ છે. હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી ખરાબ ધર્મ હોય તે રીતે સેક્યુલર હિન્દુઓ તડાપીટ બોલાવે છે. અને જે અપપ્રચાર થાય છે તેની જાળમાં હિન્દુવાદી સરકાર અને સંગઠનો પણ આવી જાય છે. પરિણામે ઉપર કહ્યું તેમ યોગદિવસની ઉજવણી માટે મુસ્લિમોને ભાઈબાપા કરવા માંડે છે. ઘરના એકાદ સભ્ય જે દરેક વાતે વાંધો પાડતા હોય તેમ મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને કોઈ ને કોઈ વાતે વાંધો પડ્યા જ રાખે છે. શું આ દેશમાં લઘુમતી માત્ર મુસ્લિમ સમુદાય જ છે? પારસી, ખ્રિસ્તી, યહુદીઓ વગેરે લઘુમતી નથી? ઘરના આ વાંધાપાડુ સભ્યની એક વાત તમે માનો એટલે પછી બીજી વાતે વાંધો પાડે અને તે વાત પણ મનાવે, તેમ ગાંધીજીના વખતથી મુસ્લિમ સમુદાયના કેટલાક નેતાઓ વાંધો પાડીને પોતાની વાતો  મનાવતા આવ્યા છે, તે હિન્દુવાદી નરેન્દ્ર મોદીના શાસનમાં પણ ચાલુ છે. તેમને યોગ ન કરવા હોય તો ન કરે, ફરજ શા માટે?

પરંતુ યોગને સમજે છે પણ કોણ? હિન્દુઓની મૂળ તકલીફ એ છે કે તેમના ધર્મ- સંસ્કૃતિમાં ઘણી અદ્ભુત તર્કસંગત ચીજો પડેલી છે. આખો ધર્મ વૈજ્ઞાનિક ઢબે ઘડાયેલો છે, પરંતુ વચ્ચેના એક સમયગાળામાં કર્મકાંડીઓએ તેના પ્રત્યે અરુચિ કરી દીધી એમ આજે પોતાને બુદ્ધિજીવી માનતા લોકો હવે હિન્દુ શબ્દથી જ નાક ચડાવે છે. યોગથી માંડીને તુલસી, હળદર સહિતની અનેક બાબતો જે હિન્દુ ધર્મની અનિવાર્ય બાબત હતી તેનું મહત્ત્વ પશ્ચિમી દેશોએ સમજ્યું અને પેટન્ટ કરાવવા માંડી તે પછી આપણે જાગ્યા અને આપણને થયું કે લે, આ તો આપણી જ વસ્તુઓ હતી. પશ્ચિમી દેશોની રીતરસમ છે કે જે કોઈ દેશની સારી બાબત હોય તેને કાં તો વિકૃત બનાવી દેવી. એટલે રામનું રામા કરી નાખ્યું, પાંડવનું પાંડવા કરી નાખ્યું, યોગનું યોગા કરી નાખ્યું. અને એટલે પોતાને સ્ટાઇલિશ અને હાઇફાઇ ગણતા ગુજરાતી સહિતના લોકો કહેતા હોય છે, “અમે તો રોજ યોગા કરીએ”. શું ધૂળ યોગા કરો છો? યોગનો અર્થ તો સમજો.

યોગનો અર્થ છે જોડવું. કોની સાથે જોડવું? બ્રહ્મ સાથે. બ્રહ્મ કોણ? એ સર્વોચ્ચ શક્તિ જે આખું બ્રહ્માંડ સર્જે છે, ચલાવે છે અને તેનું વિસર્જન કરે છે. એ બ્રહ્મ દેખાતા નથી. એ અદૃશ્ય શક્તિ છે, બિલકુલ વીજળીની જેમ જ. જેમ વીજળી પ્રકાશ પણ ફેલાવે છે અને તેનો શોક લાગે તો તમને અંધારા પણ આવે. યોગને હિન્દુ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી તેવું કહેનારા લેખકો ને નેતાઓ બેવકૂફો છે અને તેમણે કંઈ અભ્યાસ કર્યો નથી. એ વાત સાચી કે મહર્ષિ પતંજલિએ તેને ગ્રંથરૂપે સૂત્રબદ્ધ કર્યું, પરંતુ હિન્દુ ધર્મમાં તો પરંપરા રહી છે કે બધી વિદ્યા કર્ણોપકર્ણ , ગુરુ-શિષ્યની પરંપરાથી- શ્રુતિ અને સ્મૃતિથી આગળ વધારવી. યોગનો સૌ પહેલો ઉપદેશ બ્રહ્માએ પહેલા ચાર માનસપુત્રો સનતકુમાર નામના ચાર ઋષિઓને આપ્યો હતો. આ ચારેય ઋષિ સનત, સનક, સનાતન, સનાંદન યોગમાં નિપુણ હોવાનું મનાય છે. બ્રહ્માના એક માનસપુત્ર મરીચિ પરથી મરીચ્યાસન આવ્યું. પૃથ્વી પર પ્રથમ મનુષ્ય- મનુ અને તેમની પત્ની શતરૂપા થઈ. તેમની દીકરી દેવહૂતિના દીકરા કપિલ મુનિએ સાંખ્ય યોગ અથવા સાંખ્ય દર્શન રચ્યું. આ જ સાંખ્યદર્શન પતંજલિના યોગસૂત્રનો આધાર છે, મોહેંજોદડોના હડપ્પા નગરમાંથી યોગાસનની મુદ્રામાં હોય તેવા અવશેષો મળી આવ્યા છે તે શું સૂચવે છે? અને બેવકૂફ લેખકો કહે છે કે યોગ એ પતંજલિ પહેલાં હતું જ નહીં.

યોગ એ માત્ર યોગાસન (અથવા આજે  ચિબાવલી ભાષામાં યોગા કહેવાય છે તે) નથી, નથી ને નથી જ. ‘હાદસા’ ફિલ્મમાં યુવતીઓના સૌંદર્યદર્શન માટે અકબરખાન લેડિઝ હેલ્થ ક્લબમાં ઘૂસીને જે ગીત ગાય છે તે ‘વાય ઓ જી એ યોગા યોગા યોગા’માં જે શબ્દો છે તે તો માત્ર યોગાસનની થોડીક વિધિ જ છે. પરંતુ યોગ એ આપણા જીવનમાં રોજબરોજ એટલો વણાઈ ગયો છે કે આપણને ખબર જ નથી. આપણે નીચે બેસીને પલાઠીવાળીને જે જમીએ છીએ કે માળા કરીએ છીએ તે પણ યોગનું એક આસન- યોગાસન જ છે. આ જ રીતે ચત્તા (પીઠના આધારે) એકદમ રિલેક્સ થઈને સૂવું તે સવાસન છે. પૂજા કરવામાં આપણે પ્રાણાયામ કરીએ જ છીએ, તે પ્રાણાયામ પણ યોગનો એક ભાગ છે. શંકર ભગવાન તો આદિકાળથી છે, તેઓ ધ્યાન કરતા આવ્યા છે. સમાધિ પણ તેમને સહજ હતી. તે ધ્યાન અને સમાધિ પણ યોગના આઠ અંગો પૈકીનું એક છે. આ બધાં કર્મકાંડ-તેની પદ્ધતિઓ વેદમાંથી તો આવી અને તેમાં જો યોગ વણાયેલો હોય તો તેનો અર્થ યોગ સૃષ્ટિના પ્રારંભથી જ હતો કારણકે વેદો તો બ્રહ્માએ સર્જેલા છે અને તે આ દુનિયાનું સૌથી પ્રાચીન સાહિત્ય મનાય છે. યોગનાં આઠ અંગોને આપણે દિનપ્રતિદિનની જીવનશૈલીમાં અપનાવીએ તો આપણને કોઈ દુઃખ-દર્દ રહે જ નહીં. પરંતુ આપણે તે ક્યાં અપનાવવું છે? પશ્ચિમી-ભોગવાદી, જેમાં ભાવે તે ખાવ અને ભોગો ભોગવો, તે જીવનશૈલી અપનાવવી છે, પરંતુ ‘યોગા’ને યોગ માનીને, તે કરીને ફિટ પણ રહેવું છે. આવા લોકો યોગને ખોટો સમજે છે. હકીકતે તો પતંજલિએ પણ કહ્યું છે: योगश्चित्तवृत्तिनिरोधः અર્થાત્ યોગ ચિત્તવૃદ્ધિનો નિરોધ (રોકવું) છે.

સૃષ્ટિના જન્મ વખતે જ સનકાદિથી માંડીને ઋષિ-મુનિઓએ જોઈ લીધું કે સૃષ્ટિ પર જ દુઃખ રહેવાના છે તે માત્ર શારીરિક (ઈજા, પેટની તકલીફ કે અન્ય રોગો) જ નથી, માનસિક દુઃખો પણ એટલા જ રહેવાના છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સરને અમસ્તાં જ ષડરિપુ (રિપુ એટલે શત્રુઓ) નથી કીધા. આ છયે છ માનસિક લાગણીઓ અંતે તો આપણા શરીરમાં રોગો જ જન્માવે છે. એટલે માનસિક રીતે સુખી થવું પણ અત્યંત આવશ્યક છે. એટલે જ યોગનો આવિષ્કાર કરાયો. અને તે યોગનાં આઠ અંગ છે – યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આમ, આસન એટલે કે યોગાસન એટલે કે આજે જે યોગા કહેવાય છે તે તો યોગનું એક અંગ જ છે. તેને અપનાવી લેવાથી તમે આટલા સાજાસારા રહી શકતા હો તો વિચાર કરો કે આઠેય અંગને અપનાવી લો તો? કોઈ તકલીફ જ ન રહે. પહેલું અંગ યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય (ચોરવું નહીં), બ્રહ્મચર્ય, અપરિગ્રહ (બિનજરૂરી સંગ્રહ ન કરવો). એમાં બ્રહ્મચર્યની વાત આવશે એટલે ઘણા નાકનું ટેરવું ચડાવશે. કેટલાક કૉલમિસ્ટો, ફિલ્મકારો અને રજનીશ જેવાએ બ્રહ્મચર્યની વાતથી લોકોને સૂગ કરતા કરી દીધા છે. આપણી આજુબાજુ છાપાં, ટીવી, ફિલ્મ, ઇન્ટરનેટ તમામ દિશાથી સેક્સની વાતોનો એટલો રાફડો ફાટ્યો છે કે વાત ન પૂછો. અને તેમાં બ્રહ્મચર્ય એટલે તો મહાપાપ ગણાવી દેવાયું!

ઉદાહરણ તો એવા અપાય કે આવેગ એ સ્પ્રિંગ જેવું છે. દબાવો એટલે વધુ ઉછળે. વળી, મહાભારત જેવા ગ્રંથથી લઈને શાસ્ત્રોમાં આવતા જૂજ સ્ખલનના આધારે બ્રહ્મચર્યની મજાક ઉડાવાય. પણ બ્રહ્મચર્ય એટલે માત્ર સેક્સ ન કરવું તેવું નથી. તેમાં માનસિક રીતે પણ સેક્સના વિચારો ન કરવા અને અન્ય લાગણીઓ પર પણ સંયમ રાખવો તેવું કહેવાયું છે. બ્રહ્મચર્ય એટલે પરમ શક્તિ બ્રહ્મ તરફ જવું. ઋષિમુનિઓએ પહેલા જ જોઈ લીધું કે માનવ માત્ર સ્ખલનને પાત્ર. અને એક સાંસારિક વ્યવસ્થા રચાય, અતિ ઉપભોગમાં માનવી પડી ન જાય, પોતાની તંદુરસ્તી બગાડી ન દે (આમાં વીર્ય સ્ખલન થાય એટલે તંદુરસ્તી બગડે તેવી વાત નથી, પરંતુ અતિ ઉપભોગથી એઇડ્સથી લઈને શ્વેત પ્રદર/વ્હાઇટ ડિસચાર્જ જેવી અનેક બીમારીઓ થઈ શકે તેની વાત છે) તે માટે બ્રહ્મચર્યનો કોન્સેપ્ટ લવાયો છે. બ્રહ્મચર્યના વિરોધી બેવકૂફોની દલીલ હોય છે કે ઋષિ-મુનિઓ પણ ગૃહસ્થ જીવન જીવતા હતા. વાત સાચી, ઋષિ-મુનિઓ કામસુખ માણતા હતા પરંતુ સંયમ સાથે. હોમહવન, અનુષ્ઠાન, વ્રત હોય ત્યારે બ્રહ્મચર્ય પાળવું અનિવાર્ય છે.

યોગના બીજા અંગ નિયમમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે- શૌચ (આંતરિક અને બાહ્ય બંને રીતે શુદ્ધિ, મન પણ સાફ રાખવું), સંતોષ (જે પણ ધન મળે, પત્ની કે પતિ મળે, સંતાનો મળે, પદ-પ્રતિષ્ઠા મળે કે ન મળે તેનાથી સંતોષ માનવો), તપ કરવું, સ્વાધ્યાય (આત્મચિંતન) કરવું, ઈશ્વરને સમર્પિત થવું. યોગનું ત્રીજું અંગ આસન એટલે યોગાસન. યોગાસન એ કસરતો છે, જે શરીરને ચુસ્ત રાખવા માટે ઘડાયાં છે. તેમાં પ્રાણીઓ પરથી પણ પ્રેરણા લેવામાં આવી છે. જેમ કે સાપને જોઈને ભુજંગાસન, ગરુડ પરથી ગરુડાસન, બિલાડી પરથી માર્જર્યાસન, ગાય પરથી ગોમુખાસન, માછલી પરથી મત્સ્યાસન, મોર પરથી મયૂરાસન, મરઘા પરથી કુકુટાસન વગેરે. યોગનું ચોથું અંગ પ્રાણાયામ છે, જેમાં શ્વાસની ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. યોગનું પાંચમું અંગ પ્રત્યાહાર છે. તેમાં ઈન્દ્રિયોને વિષયસુખના સાગરમાંથી બહાર કાઢવાની છે. અર્થાત ખાણીપીણી, સેક્સ, જેવા વિષયોમાં અતિ ડૂબ્યા રહેવાનું નથી. યોગના છઠ્ઠા અંગ ધારણામાં મનને એકાગ્ર કરવાનું છે અને સાતમા અંગમાં ધ્યાનમાં ભગવાનનું ધ્યાન કરવાનું છે અને આ બધા અંગોમાંથી સાંગોપાંગ સફળ રીતે પસાર થયા તો આઠમું અંગ આપોઆપ સિદ્ધ થવાનું જેને સમાધિ કહે છે.

તો આજથી તમારે બે વાત કરવાની છે. યોગા શબ્દ વાપરવાનો બંધ કરી દેજો. યોગ જ બોલવું ને લખવું. (તમારું નામ કોઈ  વિકૃત રીતે લખે તો કેવું લાગે) અને બીજું, યોગનાં આઠેય અંગોને સમજીને અપનાવજો તો જ યોગ ખરેખર કર્યો કહેવાશે.

(મુંબઈ સમાચારની રવિવારની  યોગ વિશેષ પૂર્તિમાં તા. ૨૧/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

gujarat guardian, health

કૉસ્મેટિક સર્જરી: સૌંદર્ય પામવા માટે જાન જોખમમાં ન મૂકો

aarthi-agarwal-who died due to liposuction
આરતી અગરવાલ જેનું લિપોસક્શન બાદ મૃત્યુ થયું

ઘણી હિરોઇનો, મોડલો કે અન્ય ક્ષેત્રની સેલિબ્રિટી યુવતીઓને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ કે ભગવાને શું સૌંદર્ય આપ્યું છે! એક-એક અંગ જાણે ભગવાને માપ લઈને વ્યવસ્થિત બનાવ્યું છે! તે વ્યક્તિને જોઈને આપણને થાય કે જોતાં જ રહી જઈએ. સુનંદા પુષ્કરનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેમની ઉંમર ૫૨ વર્ષની હતી. પરંતુ તેમની દેહાકૃતિ જોઈને લાગે જ નહીં કે આટલી ઉંમર હશે. હેમામાલિની, રેખા, શોભા ડે જેવી ૫૦ વર્ષ ઉપરની ઉંમરની હિરોઇનો, લેખિકા કે અન્ય સેલિબ્રિટીને જોતાં એમ થાય કે તેમણે પોતાના સૌંદર્યની શું જાળવણી કરી છે! એક ખૂબ મોટા રાજકીય નેતા જ્યારે યુવાન હતા ત્યારે ટકલુ જેવા હતા. પરંતુ અત્યારે તેમને જુઓ તો ઠીક-ઠીક વાળ છે. તેમનું મોઢું પણ પહેલાં કરતાં અદ્ભુત ચમકે છે.

પરંતુ આ બધી ચમક ઈશ્વરદત્ત સૌંદર્યની નથી હોતી, માનવસર્જિત સર્જરીની હોય છે. એ તો બધાં હવે જાણે જ છે કે કોઈ પણ અંગની હવે સર્જરી કરીને તેને રૂપાળું બનાવી શકાય છે. દાંત, સ્તન, પેટ, નિતંબ, મોઢું આ બધાં અંગો. તાજેતરમાં તો દક્ષિણ આફ્રિકામાં શિષ્નનું સફળ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) થયું. અંગોને માત્ર રૂપાળા જ નથી બનાવી શકાતા, પરંતુ તેમનાં કદ વધારી-ઘટાડી પણ શકાય છે. શેરલીન ચોપરા નામની અભિનેત્રીએ પોતાનાં સ્તન વધારવા માટે સર્જરી કરાવી હતી. આવી તો ઘણી હિરોઇનો છે જે સ્વીકારતી નથી કે તેમણે સર્જરી કરાવી છે, પરંતુ તેમના શરીરમાં ફેરફાર સ્પષ્ટ ચાડી ખાઈ જ જાય કે આ બધો સર્જરીનો પ્રતાપ છે.

સર્જરીનો પ્રતાપ ઘણી વાર તાપ પણ આપી જાય. ૬ જૂનના રોજ ‘પાગલપન’ નામની હિન્દી તેમજ તમિલ-તેલુગુ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી આરતી અગરવાલનાં મૃત્યુએ કૉસ્મેટિક સર્જરીનાં ભયસ્થાનોને ફરી વાર ઉજાગર કરી દીધાં. આરતી અગરવાલે લિપોસક્શન કરાવ્યું પછી તેનું મૃત્યુ થયું હતું. તેને હૃદયરોગનો હુમલો આવી ગયો. આરતી અગરવાલ એક માત્ર કિસ્સો નથી. આવા તો ઘણા કિસ્સા બનતા રહે છે પરંતુ મિડિયામાં ઓછા હાઇલાઇટ થાય છે. ઘણા ડૉક્ટર સર્જરી માટે જાહેરખબર પાછળ (જેને મિડિયાની ભાષામાં શુદ્ધ જાહેરખબર કહેવાતી નથી, પણ એડવર્ટોરિયલ કહેવાય છે, સામાન્ય રીતે તે કોઈ સમાચાર કે લેખ જેવું જ લાગે, પણ હોય જાહેરખબર) લાખો-કરોડો રૂપિયા ખર્ચતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આવા સમાચારને બહુ મહત્ત્વ ન અપાય તે માટે તેઓ થોડાક વધુ રૂપિયા ખર્ચી શકે. કાશ! આરતી અગરવાલે તેનાં સૌંદર્યને જાળવી રાખવા, વધુ પાતળી દેખાવા લિપોસક્શન કરાવ્યું તે પહેલાં તેનાં જોખમો જાણી લીધાં હોત!

દક્ષિણની ફિલ્મોમાં કામ કરવા માટે સામાન્ય રીતે સ્ત્રીઓ સ્થૂળ હોય તે પસંદ કરાય છે. પરંતુ પોતે વધુ મેદસ્વી હોય તે સ્ત્રીને સામાન્ય રીતે પસંદ હોતું નથી. કદાચ આ કારણોસર પાતળા થવા માટે આરતી અગરવાલે પોતાની ચરબી ઘટાડવા માટે લિપોસક્શન કરાવવાનું પસંદ કર્યું. તે અમેરિકાના ન્યૂ જર્સીના એટલાન્ટિક શહેરમાં એટલાન્ટીકેર રિજનલ મેડિકલ સેન્ટરમાં લિપોસક્શન કરાવવા ગઈ. તેને સર્જરી પછી તેને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી. અંતે હૃદય બંધ પડી જવાથી તેનું મૃત્યુ થયું.

લિપોસક્શનથી આ અને આવી ઘણી સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. આ સર્જરીને લિપોપ્લાસ્ટી, લિપોસ્કલ્પચર સક્શન, લિપેક્ટોમી અથવા લિપો જેવાં નામે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહેવું હોય તો આ સર્જરીમાં તમારા સ્થૂળ દેખાતાં અંગો પરથી વધારાની ચરબી કાઢી લેવાની પ્રક્રિયા કરાય છે. સામાન્ય રીતે, સ્ત્રીઓમાં હાથ, પેટ, સાથળો, નિતંબ, ગળું, વગેરે અંગો પર, તો પુરુષોમાં છાતી, પેટ આ સર્જરી કરાતી હોય છે. ૧૯૬૦ના દાયકામાં આ સર્જરીનો વિચાર થયો હતો. યુરોપમાં સર્જનો ક્યોરટેજ ટૅક્નિકથી ચરબી દૂર કરતા હતા પરંતુ તેનાથી સારાં પરિણામો મળતાં નહોતા. ૧૯૭૪માં બે ઇટાલિયન ગાયનેકોલોજિસ્ટ અર્પાડ અને જ્યોર્જિયો ફિશ્ચરે આધુનિક લિપોસક્શન ટૅક્નિક શોધી હતી. અમેરિકા અને યુકેમાં તો મોટા પાયે આ સર્જરી કરાય છે. એક અંદાજ પ્રમાણે, અમેરિકામાં દર વર્ષે ૪ લાખ લોકો પર આ સર્જરી થાય છે.

લિપોસક્શનનાં જોખમો ઘણાં છે. તે કાયમી રીતે સ્થૂળતા દૂર કરતું નથી. તેના માટે દર્દીએ સર્જરી પછી પણ આરોગ્યપ્રદ જીવનશૈલી વિતાવવી પડે  (જે આવા મનોરંજન ક્ષેત્રની વ્યક્તિઓ માટે ઘણી વાર શક્ય નથી હોતું). જો તેમ ન કરો તો ચરબીના કોષો પહેલાં કરતાં પણ મોટા બને અને તમે ફરી સ્થૂળ બની જાવ તેવી શક્યતા રહે. ઉપરાંત આ સર્જરી હેઠળ કેટલી માત્રામાં ચરબી દૂર કરવી તે પણ નિશ્ચિત છે. સામાન્ય રીતે તે પુખ્ત ઉંમરની વ્યક્તિ પર જ કરવામાં આવે છે. આ સર્જરી એકથી ચાર કલાક ચાલે છે.

જો દર્દી બળતરા દૂર કરવાની દવા કે એસ્પિરિન લેતો હોય તો તેને શરીરે ઉઝરડા પડવાની સંભાવના છે. જો એક સરખા સ્તરમાં ચરબી દૂર ન કરાઈ હોય તો તમારી ચામડી ઉબડખાબડ, તરંગો જેવી દેખાઈ શકે. આ ફેરફાર કાયમી રીતે રહેવાની શક્યતા છે. ત્વચાની નીચે પ્રવાહી જમા થઈ શકે. જેને એડીમા કહે છે. આપણે તેને ગુજરાતીમાં સોજા કહીએ છીએ. લિપોસક્શનથી તમને કેટલાક ભાગોમાં ખાલીપણું પણ લાગી શકે. આ સ્થિતિ કાયમી હોઈ શકે અને કામચલાઉ પણ. સ્કિન ઇન્ફેક્શન પણ થાય. તે જો મોટી માત્રામાં હોય તો જીવન પર જોખમ પણ ખરું. લિપોસક્શનમાં ઘૂસાડાતી કેન્ન્યુલાથી આંતરિક અવયવમાં કાણું પડવાની શક્યતા રહે છે. આવું થાય તો તાત્કાલિક તેની સર્જરી કરાવવી પડે. ફેટ ઇમ્બોલિઝમ પણ થઈ શકે. સામાન્ય રીતે, આ સ્થિતિ હાડકામાં ફ્રૅક્ચર, દાઝી જવાના કારણે થતી હોય છે. ઢીલી પડેલી ચરબીના ટુકડાઓ તૂટી જઈને રક્તશિરાઓમાં ફસાઈ જઈ શકે. તબીબી ભાષામાં આને મેડિકલ ઇમર્જન્સી ગણવામાં આવે છે. આનાથી તરત જ મૃત્યુ થઈ શકે. હેમરેજ પણ થઈ શકે. આ ઉપરાંત દર્દીની કિડની અને હૃદયને પણ જોખમ રહેલું છે. આરતી અગરવાલના કેસમાં પણ આવું જ થયું હોવાની સંભાવના છે.

પહેલી વાત તો એ છે કે લિપોસક્શન માત્ર તંદુરસ્ત વ્યક્તિ પર જ થવું જોઈએ, પરંતુ પૈસા કમાવવાની લ્હાયમાં કેટલાક ડૉક્ટરો આવું જોતા નથી હોતા. બીજું, ખર્ચ બચાવવા, કેટલાક ડૉક્ટરો લોકલ એન્સ્થેશિયાથી કામ ચલાવે છે. એનેસ્થેશિયાનો કેટલો ડોઝ રાખવો તે માટે તબીબી ટીમમાં એનેસ્થેટિસ્ટ હોવો જરૂરી છે. એનેસ્થેટિક ડ્રગ તરીકે લિડોકેઇન અપાય છે. તેની આડઅસર પણ હૃદયને બંધ પાડી શકે છે. ઉપરાંત તેનાથી માથું ખાલી લાગવું, સુસ્તી, તંદ્રા, કાનમાં સતત અવાજ સંભળાવો, બોલવામાં લોચા વળવા, જીભ અને મોઢામાં ખાલી લાગવી, સ્નાયુ ખેંચાઈ જવા, જકડાઈ જવા આવી આડઅસરો પણ થઈ શકે છે.

ઉપરાંત લિપોસક્શનમાં ચરબી પાંચ લિટરથી વધુ કાઢવી ન જોઈએ, પરંતુ કેટલાક ડૉક્ટરો પૈસા મેળવવા માટે આ કામ કરવા પણ તૈયાર થઈ જાય છે અને પાંચ લિટરથી વધુ ચરબી દૂર કરી આપે છે. આ પણ જીવને જોખમમાં મૂકનારું છે. માનો કે પાંચ લિટરથી વધુ ચરબી કાઢી લીધી તો તે પછી દર્દીને હૉસ્પિટલમાં ૨૪ કલાક ઑબ્ઝર્વેશન હેઠળ રાખવો જોઈએ જેથી તેને કોઈ કૉમ્પ્લેક્શન નથી થતાં ને તે ધ્યાનમાં આવે. પરંતુ કેટલીક વાર દર્દી તૈયાર નથી હોતા (કારણકે બિલ વધુ આવે) તો કેટલીક વાર ડૉક્ટરો દર્દીને એડ્મિટ નથી રાખતા. પરિણામે ઘરે જઈને દર્દીને કોમ્પ્લેક્શન થાય તો ખબર પડતી નથી. લિપોસક્શનમાં ડૉક્ટર પ્રવાહીને ઇન્જેક્ટ કરી શકે છે, તેનાથી હૃદયની સમસ્યા, ફેફસામાં પ્રવાહી ભરાવાની સમસ્યા અથવા કિડનીની તકલીફો થઈ શકે છે.

લિપોસક્શનના કારણે મૃત્યુ પામનાર આરતી અગરવાલ એકલદોકલ કિસ્સો નથી. ૧૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કેથરીન કેન્ડો કોર્નેજો નામની માત્ર ૧૯ વર્ષની યુવતીનું પ્લાસ્ટિક સર્જરીના કારણે અવસાન થઈ ગયું. કેથરીને ક્વીન ઑફ ડુરાનનો ખિતાબ એક્વાડોરમાં જીત્યો હતો. તેની કમર પાતળી હતી, પરંતુ તેને એક ઈંચ વધુ પાતળી કરવી હતી. તે એક્વાડોરના ગાયાક્વિલમાં એક ક્લિનિકમાં લિપોસક્શન કરાવવા ગઈ હતી. ૧૦ કલાક પછી તેના પરિવારને જાણ કરાઈ કે કેથરીન હવે આ દુનિયામાં નથી રહી. પરિવારનો દાવો છે કે ડૉક્ટરોની અનૈતિક પ્રૅક્ટિસના કારણે કેથરીનનું મૃત્યુ થયું છે. ડૉક્ટરો તેને સર્જરી કરાવવા સલાહ આપ્યે રાખતા હતા. ક્લિનિકના વકીલનું કહેવું છે કે તેનું મૃત્યુ હૃદય બંધ પડવાથી થયું હતું પણ પરિવાર પાસે રહેલા ઑટોપ્સીના રિપોર્ટમાં સેરેબ્રલ એડીમાના કારણે મૃત્યુ થયું હોવાનું કારણ આવ્યું છે. દુઃખદ વાત તો એ છે કે કેથરીન જે સ્પર્ધા જીતી તે સ્પર્ધામાં ઈનામ તરીકે આ સર્જરી મળી હતી! એનો અર્થ એ પણ હોઈ શકે કે આવી સૌંદર્ય સ્પર્ધાના આયોજકો અને ડૉક્ટરો વચ્ચે સાંઠગાંઠ હશે.

આમાં સર્જરીની વૈજ્ઞાનિકતા વિશે સવાલ ઉઠાવવાનો ઈરાદો નથી, સર્જરી જો નિયમસર કરવામાં આવે તો પરિણામદાયક હશે જ અને ઘણા બધાએ તેનો લાભ ઉઠાવ્યો હોવાથી જ લોકો તેની પાછળ દોટ મૂકતા હશે, પરંતુ વાંધો કેટલાક ડૉક્ટરોની અનૈતિક અને પૈસા કમાઈ લેવાની દાનત સામે છે. જેમ કે ૨૪ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ યુકેના ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ નામના અખબારના અહેવાલ પ્રમાણે, ૨૪ વર્ષની એક બ્રિટીશ યુવતી, જેનું નામ જાહેર કરાયું નથી, તેનું મૃત્યુ થાઈલેન્ડમાં કૉસ્મેટિક સર્જરી કરાવતી વખતે થયું હતું. આનાથી ‘સર્જિકલ ટુરિઝમ’ સામે પ્રશ્નાર્થો ખડા થયા છે. બેંગકોકમાં આ યુવતીની પીઠમાં ત્રણ ઈંચનો ઘા જોવા મળ્યો હતો. તેણે અગાઉ અહીં જ સર્જરી કરાવી જ હતી અને બીજી વાર ઓપરેશન કરાવવા આવી હતી. ઓપરેશન દરમિયાન એન્સ્થેટિક ડ્રગ અપાયા પછી તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. ઉપરાંત જે ડૉક્ટર સોમ્પોબ સાએનસિરીએ તેની સર્જરી કરી તે આવી સર્જરી માટે સર્ટિફાઇડ નહોતો.

આ કિસ્સો એવી સેલિબ્રિટીઓ માટે આંખ ઉઘાડનારો છે જે પોતાની સર્જરી છુપાવવા વિદેશમાં સર્જરી કરાવવા જાય છે. ભારતમાં સર્જરી કરાવે તો ઓળખ જાહેર થઈ જવાની શક્યતા રહે. તેથી મોડલો, હીરો, હિરોઇનો, રાજકારણીઓ, લેખકો વિદેશમાં સર્જરી કરાવતા હોય છે. પરંતુ જો આવા લેભાગુ ડૉક્ટર પાસે સર્જરી કરાવી લે તો જીવન મુશ્કેલીમાં મૂકાઈ જાય. અમેરિકાની જાણીતી નવલકથાકાર ઓલિવિયા ગોલ્ડસ્મિથનું મૃત્યુ પણ કોસ્મેટિક સર્જરીના કારણે થયેલાં કોમ્પ્લિકેશનના લીધે થયું હતું. તે ઇલેક્ટિવ ફેશિયલ સર્જરી કરાવવા ગઈ હતી અને સર્જરીના અમુક કલાકોની અંદર જ તે ઇરિવર્સિબલ કોમામાં સરી પડી. ઓલિવિયાનું મૃત્યુ ૧૫ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ થયું. તે પછી ફેબ્રુઆરીમાં કનેક્ટિકટના યુરોલોજિસ્ટ એલન જે. મલિત્ઝની ૫૪ વર્ષીય પત્ની ફેસલિફ્ટ દરમિયાન ગુજરી ગઈ. મલિત્ઝને પણ ઉપર જણાવ્યું તે લિડોકેઇનનું ઇન્જેક્શન એનેસ્થેટિક ડ્રગ તરીકે આપવામાં આવ્યું હતું. આ બંને મૃત્યુ જ્યાં થયા હતા તે મેનહટ્ટન આય, કેર એન્ડ થ્રોટ હૉસ્પિટલમાં ભારે હોહા મચી ગઈ હતી. સરકારે પણ તપાસ આદરી હતી. આ બંને હૉસ્પિટલો તો સારવાર માટે ઘણી ખ્યાતિપ્રાપ્ત હતી. ત્યાં ઘણાં સંશોધનો પણ થતાં હતાં, પરંતુ આ બંને કેસોએ આ હૉસ્પિટલો પર કાળો ધબ્બો લગાવી દીધો. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકામાં પણ સંવેદનાહીન ડૉક્ટરો જોવા મળે છે તેનો આ શુદ્ધ કેસ છે જેમાં આ બંને કેસ પછી ડૉક્ટરોએ, હૉસ્પિટલે કે સરકારી સંસ્થાએ કોઈ કારણ આપ્યું નહીં કે દર્દીઓનાં મૃત્યુ શા માટે થયાં.

મેડિકલ નિગ્લીજન્સી અથવા તબીબી બેદરકારી એ અલગ લેખનો વિષય છે, અહીં કહેવાનો અર્થ એ જ છે કે સૌંદર્ય કુદરતે જે આપેલું છે તેનાથી જ સંતોષ માનવો. સૌંદર્ય જાળવી રાખવા માટે જે પણ ઉપાયો કરો તેના વિશે પહેલાં પૂરી માહિતી મેળવી લેવી. નહીં તો ઉપર જણાવ્યાં તેવાં પરિણામો આવી શકે છે. હિન્દીમાં કહે છે ને કે જાન હૈ તો જહાં હૈ.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

gujarat guardian, health

તમાકુ કેન્સલ કરવી છે કે કેન્સર કરવું છે?

તાજેતરમાં ભાજપના એહમદનગરના સાંસદ દિલીપ ગાંધીએ એવું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધો કે તમાકુથી કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. આની સામે એનસીપીના વડા શરદ પવારે પોતાનો દાખલો આપી કહ્યું કે એ વાત ખોટી છે અને તમાકુના ઉપયોગથી કેન્સર થાય છે તેનું હું પ્રત્યક્ષ ઉદાહરણ છું. હકીકતે તમાકુના વપરાશકારો, ચાહે તેઓ પાન-માવામાં તમાકુ તરીકે લેતા હોય, સિગારેટ કે બીડી ફૂંકવાની રીતે લેતા હોય તેમનો દાવો હોય છે કે જે લોકો સિગારેટ કે તમાકુવાળા પાન-માવા નથી ખાતા તેમને પણ કેન્સર થાય છે. તેઓ લાંબું જીવતા નથી. જ્યારે એવા ઘણા લોકો છે જે તમાકુ ખાતા હોવા છતાં, કે, સિગારેટ પીતા હોવા છતાં લાંબું જીવે છે. જોકે આવા દાવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી હોતો.

આ ઉપરાંત તમાકુ તરફીઓની એવી દલીલ પણ હોય છે કે તમાકુ ભોજન પચાવી દે છે. તેઓ દાખલા આપે છે કે લાડુ ખાનારા લોકો તમાકુ ખાતા જેથી તેમણે ઘણા બધા લાડુ ખાધા હોવા છતાં તેનું પાચન થઈ જતું. તો એક વર્ગ એવું પણ કહે છે કે તમાકુના કારણે તમારી વિચારસરણી ખીલે છે અને યુરોપમાં પહેલાં સામંતશાહી હતી પરંતુ સિગારેટ પીનારા, તમાકુ લેનારા લોકોએ ક્રાંતિ કરી અને લોકશાહી આવી, આથી યુરોપ અને અમેરિકા એવું ઈચ્છે છે કે કોઈની મુક્ત અને શાસનવિરોધી વિચારસરણી ન રહે. તેથી તેઓ તમાકુ પર પ્રતિબંધ મૂકવા માગે છે. તમાકુનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરનારા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને એ પણ હકીકત છે કે સરકારે તમાકુના ઉત્પાદન પર પ્રતિબંધ નથી મૂક્યો. અર્થાત્ જેનાથી મોત આવી શકે, કેન્સર જેવી જીવલેણ બીમારી થઈ શકે તેનું સેવન વિદેશના લોકો કરે તો સરકારને વાંધો નથી!  તમાકુ તરફીઓની એક દલીલ એવી પણ છે કે ખાંડથી ડાયાબિટીસ થઈ શકે છે તો શું ખાંડ પર પણ પ્રતિબંધ મૂકી દેશો? દારૂથી લીવર બગડે છે, કિડની પર અસર થાય છે તો દારૂ પર કેમ પ્રતિબંધ મૂકતા નથી? એવી ઘણી બધી દવાઓ છે જે વિદેશમાં પ્રતિબંધિત છે પરંતુ ભારતમાં ખુલ્લેઆમ વેચાય છે. આવી હાનિકારક દવાઓ પર કેમ ભારતમાં પ્રતિબંધ મૂકાતો નથી.

એક વાત એ પણ સત્ય છે કે તમાકુ અને સિગારેટના વપરાશને હતોત્સાહ કરવા માટે સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, દર વખતે અંદાજપત્રમાં તમાકુ અને સિગારેટના ભાવો વધારતી જ આવે છે, પરંતુ ગમે તેટલા ભાવ વધે તો પણ વ્યસનીઓ આ ખરાબ વ્યસન મૂકતા નથી, તેના કારણે તેમના ઘરના બજેટને ફેર પડે તો પણ.

આની સામે તમાકુથી મોટા પ્રમાણમાં આરોગ્યને હાનિ થાય છે તેમ કહેનારો વર્ગ પણ છે. તે અનેક સંશોધનો અને અનેક જીવિત, મૃત વ્યક્તિના દાખલા આપે છે. તાજેતરમાં સુનીતા તોમરનું નિધન થયું. કોણ હતી આ સુનીતા? મધ્યપ્રદેશના ભીંડના એક ટ્રક ડ્રાઇવરની પત્ની અને બે પુત્રોની માતા સુનીતા તોમર તમાકુ સામેની ઝુંબેશનો ચહેરો બની ગઈ હતી. એક વર્ષ પહેલાં કેન્દ્રીય મંત્રાલયના એક વિડિયો જેનું નામ સુનીતા હતું તે સુનીતા પર ફિલ્માવાયો હતો. ૩૦ સેકન્ડના આ વિડિયોમાં ધૂમ્ર વગરની તમાકુથી થતી હાનિ દર્શાવાઈ હતી. સુનીતાને પણ કેન્સર થયું હતું. મૃત્યુ પામતા પહેલાં તેણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દિલીપ ગાંધીના ઉક્ત નિવેદન સામે પત્ર લખ્યો હતો. તેણે લખ્યું હતું, “મારો ચહેરો જેવો હોવો જોઈએ તેવો નથી. લોકો મને મળતા કે મારી સાથે વાત કરતા ખચકાય છે.” તેણે લખ્યું કે દિલીપ ગાંધી જેવા ઉચ્ચ સ્થાને બિરાજમાન લોકો આવી બેજવાબદાર રીતે વર્ત્યા છે તેનાથી તે નિરાશ થઈ છે. આજે પણ આપણી ઘણી બધી પ્રજા તમાકુની આડ અસરથી અજાણ છે.

સુનીતાએ એક વર્ષ પહેલાં પણ વડા પ્રધાનને કાગળ લખ્યો હતો કે તમાકુ પર સમગ્ર દેશમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવે. સુનીતા એવા કેન્સર દર્દીઓ પૈકીની હતી જે તેમના નિદાનના એક કે બે વર્ષમાં જ મૃત્યુ પામે છે, કારણકે તેમનું નિદાન મોડું થાય છે. સુનીતાને તમાકુ ચાવવાનું વ્યસન હતું અને તેનું ગયા વર્ષે જ હજુ નિદાન થયું હતું, પરંતુ તેનું કેન્સર ચોથા તબક્કામાં હોવાનું પુરવાર થયું હતું. તેણીએ રેડિયોથેરેપી લીધી હતી અને ચહેરા પર પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી હતી. ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં બીજા દર્દીઓની દશા જોઈને તેણે ઉપરોક્ત વિડિયોમાં ભાગ લેવા તૈયારી બતાવી હતી. તેનું વજન ૧૨ કિલો ઘટી ગયું હતું.

સુનીતા તમાકુ વિરોધી અભિયાનનો ચહેરો બની તે અગાઉ મૂકેશ હરાણે ઓરલ કેન્સર સામેની ઝુંબેશનો ચહેરો બન્યો હતો. ૨૪ વર્ષનો આ યુવાન મહારાષ્ટ્રના ભૂસાવળનો વતની હતો. ગુટકાના વ્યસનના કારણે તે બોલી પણ શકતો નહોતો. તેણે સર્જરી કરાવતા પહેલાં પોતાની વાત રેકોર્ડ કરાવી હતી. જોકે તે પછી થોડા જ સમયમાં તેનું કરુણ મોત થયું હતું.

એક તરફ સરકાર વધુ મોટું ચિત્ર સિગારેટ અને તમાકુનાં ઉત્પાદનો પર મૂકવા વિચારી રહી છે તેવા જ સમયે સુનીતાના મોતે તમાકુના ઉત્પાદનોના વપરાશ સામે ગંભીર પ્રશ્નાર્થ સર્જી દીધો છે. ભારતની વાત કરીએ તો, ભારતમાં કેન્સરના જે દર્દીઓ છે તેમાંના ૪૦ ટકા દર્દીઓ તમાકુના કારણે કેન્સરગ્રસ્ત થયા હોય છે. તેમજ ભારતમાં જે ત્રણ કે પાંચ કેન્સરદર્દીઓનાં મૃત્યુ તમાકુના કારણે થાય છે. આમ છતાં ચોંકાવનારી વાત એ છે કે ૨૭.૫ કરોડ ભારતીયો તમાકુ લેનારા છે. તેઓ મુખ્યત્વે ધૂમ્ર વગરની તમાકુ લે છે. આમાં ૩૫ ટકા પુખ્ત વયના છે અને ૧૪.૧ ટકા લોકો બાળકો છે, જેમની સરેરાશ ઉંમર ૧૩-૧૫ વર્ષ છે.

આપણે ત્રણ રિપોર્ટના આધારે તમાકુથી થતા નુકસાનને દર્શાવી શકીએ. આ ત્રણ રિપોર્ટ છે: (૧) ભારતમાં તમાકુ નિયંત્રણનો અહેવાલ, ૨૦૦૪ (૨) બીડી ધૂમ્રપાન અને લોક આરોગ્ય, ૨૦૦૮ અને (૩) વૈશ્વિક પુખ્ત લોકોમાં તમાકુ અંગેનો સર્વે, ભારત, ૨૦૧૦. યાદ રહે, આ ત્રણેય રિપોર્ટ કોઈ એલ ફેલ કંપનીના કે એજન્સીના નથી, પરંતુ ભારત સરકારના પોતાના છે. આ ત્રણેય રિપોર્ટ તમાકુથી કેન્સર તેમજ તમાકુ સંબંધિત રોગો થાય છે તે વાતને અનુમોદન આપે છે.

દર રોજ ૫,૫૦૦ યુવાનો તમાકુ ખાવાનું અથવા ધૂમ્રપાન કરવાનું શરૂ કરે છે. ૨,૫૦૦ ભારતીયોના રોજ તમાકુ સંબંધિત રોગોથી મૃત્યુ થાય છે અને દર વર્ષે ૧૦ લાખ ભારતીયો તમાકુથી થતા રોગોથી મૃત્યુ પામે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ૨૦૧૪માં તમાકુ સંબંધિત રોગોના કારણે પડતા આર્થિક બોજા અંગે રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો જે મુજબ, વર્ષ ૨૦૧૧માં ૩૫થી ૬૯ વર્ષના લોકો માટે તમામ રોગોમાંથી તમાકુના વપરાશ સંબંધિત આર્થિક બોજો રૂ. ૧ લાખ કરોડથી વધુ હતો. એની સામે તમામ તમાકુ ઉત્પાદનોમાંથી મળતી આવક તમાકુની અંદાજિત કિંમતના ૧૭ ટકા હતી.

માત્ર ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે તમાકુનો ઉપયોગ ઘટાડવા વિચારણા અને ઝુંબેશો ચાલે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ની તમાકુ નિયંત્રણ પર કાર્યમાળખા સભા (હૂ એફસીટીસી)માં તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે મહત્ત્વની રણનીતિ ઘડાઈ હતી. ભારત સરકારે પણ આને માન્યતા આપી હતી. તેથી તમાકુ વિરોધીઓનું કહેવું છે કે સરકાર તમાકુની માગ અને પૂરવઠો ઘટાડવા માટે કાનૂની, પ્રશાસકીય અને નીતિગત પગલાં લેવા માટે કાનૂની રીતે બાધ્ય છે. આ હૂ એફસીટીસીએ તમાકુ ઉત્પાદનો પર મોટી ચિત્રાત્મક ચેતવણીઓ આપવા અનુરોધ કર્યો છે. ઉપરાંત ઉત્પાદનના પેકેટ પર આગળ અને પાછળ એમ બંને બાજુએ તે હોવાં જોઈએ તેમ પણ તે કહે છે.

હૂ એફસીટીસીની કલમ ૫.૩માં તમાકુથી લોક આરોગ્ય નીતિની સુરક્ષા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને ભલામણો આપવામાં આવી છે. તેઓ તમાકુ ઉદ્યોગ દ્વારા આવી નીતિમાં હસ્તક્ષેપથી સુરક્ષિત રહેવા સરકારને કહે છે. ભારત સરકારે પણ તમાકુ ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરખબર પર પ્રતિબંધ અને ધંધાકીય તેમજ વાણિજ્ય ઉત્પાદન, પૂરવઠા અને વિતરણ પર નિયંત્રણો) અધિનિયમ (કોટ્પા) ૨૦૦૩ લાવેલો છે. ભારતમાં જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો છે. આમ છતાં, ધૂમ્રપાન કરનારા બેધડક રીતે જાહેરમાં ધૂમ્રપાન કરતા હોય છે. આ રીતે જાહેરમાં ધૂમ્રપાન કરનારા કાયદા મુજબ તો દંડને પાત્ર  બને છે, પરંતુ લગભગ કોઈને દંડ કરાતો નથી. તમાકુ ખાનારા તો પોતાને જ નુકસાન કરે છે, પરંતુ ધૂમ્રપાન કરનારા તો આજુબાજુ રહેલા લોકોને પણ નુકસાન કરે છે. જોકે ધૂમ્રપાન નહીં કરનારા લોકોમાં પણ એટલી જાગૃતિ હજુ નથી આવી કે તેઓ તેમની આજુબાજુમાં ધૂમ્રપાન કરનારા લોકોને ધૂમ્રપાન કરતા બંધ કરે.

હવે તો હદ એ થઈ ગઈ છે કે ભારતમાં સ્ત્રીઓ, ખાસ કરીને કોલેજમાં ભણતી, નોકરી કરતી સ્ત્રીઓ ધૂમ્રપાન કરતી થઈ ગઈ છે. પોતે પુરુષ સમોવડી છે તેવું દેખાડવા કે કુછંદે ચડીને તે બિન્દાસ્ત ધૂમ્રપાન કરે છે, હુક્કા બારમાં જાય છે. પરંતુ આવી સ્ત્રીઓએ એ જાણી લેવું જોઈએ કે અમેરિકન અભ્યાસો પ્રમાણે, જે મહિલાઓ ધૂમ્રપાન કરે છે તેમને અન્ય મહિલાઓ કરતાં ફેફસાનું કેન્સર થવાની ૨૫.૭ ગણી વધુ શક્યતા રહેલી છે. જ્યારે પુરુષમાં જે લોકો ધૂમ્રપાન કરે છે તેમને અન્ય પુરુષો કરતાં ૨૫ ગણું જોખમ વધુ છે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની રવિવારની પૂર્તિમાં આ લેખ તા. ૧૨/૪/૧૫ના રોજ પ્રગટ થયો.)