hindu, Jaywant nee je bbat

આઠ સવાલોની અષ્ટમી થકી જન્મ સુધારીએ એ જ સાચી જન્માષ્ટમી!

જયવંતની જે બ્બાત

શું આપણે હેપ્પી જન્માષ્ટમી કહેવાને લાયક છીએ?

શ્રી કૃષ્ણની રાસ લીલા, નિયમો તોડવાની વાતને વધુ કહીને કેટલાક બુદ્ધુજીવીઓ હિન્દુઓને ગેરમાર્ગે દોરવાનું અર્બન નક્સલી કામ કરે છે ત્યારે આપણે આજે પોતાની જાતને અને આવા બુદ્ધુજીવીઓને કેટલાક પ્રશ્નો પૂછીએ.

૧. આપણે શ્રી કૃષ્ણની જેમ સુદામા જેવા આપણા મિત્રોને સાથ આપીએ છીએ? આર્થિક મદદની વાત નથી, પણ માનસિક સધિયારો પણ આપીએ છીએ? શ્રી કૃષ્ણ રાજા હતા, દુનિયાભરનાં કામો હતાં, તોય બાળપણનો ગોઠિયો મળવા આવ્યો એટલે પગ ધોઈ આદરથી આવકાર આપ્યો, વિશેષ સમય કાઢી તેની સાથે બાળપણનાં સંભારણાં તાજાં કર્યાં, પત્નીઓ સમક્ષ પણ તેનો પરિચય આદર સાથે કરાવ્યો. આપણે સફળ થયા પછી બાળપણના કે કૉલેજના મિત્રોને ભૂલી નથી જતા ને? કોઈ મિત્રને વિપરીત ઘડી આવે તો તેના ફૉન ઉપાડવા કે તેના વૉટ્સએપ સંદેશાનો જવાબ આપવાનું બંધ નથી કરી દેતા ને? આ પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ. અને સાથે જ જ્યારે આપણો મિત્ર વિષાદમાં ફસાયો હોય, કિંકર્તવ્યમૂઢ હોય ત્યારે તેનો સાથ છોડી દેવાના બદલે તેને સમજાવીએ છીએ? અને સમજાવીએ છીએ તો પણ તેને પસંદ પડે તેવો જવાબ આપીએ છીએ કે પછી તેને હિતકારી હોય તેવો જવાબ આપીએ છીએ? અને હિતકારી જવાબ આપીએ તો પછી એવો હઠાગ્રહ રાખીએ છીએ કે ના, મેં કહ્યું તેમ તારે કરવું જ પડે, નહીંતર તારો ને મારો સંબંધ પૂરો? કે પછી શ્રી કૃષ્ણની જેમ ‘યથેચ્છસિ તથા કુરુ’ કહીને ઉદ્દીપક જેવું પોતાનું કામ પૂરું કર્યું તેવું આપણે કરીએ છીએ?

૨. પોતાના ગામ પર, રાષ્ટ્ર પર સંકટ આવે ત્યારે, “હું એકલો શું કરી શકું?” તેવી ભાવના આપણા મનમાં નથી જન્મતી ને? શ્રી કૃષ્ણએ તો નાનપણથી જ રાક્ષસોનો સંહાર કરવાનું શરૂ કરી દીધું હતું. નાનપણથી જ આવતાં સંકટો વખતે માથે હાથ દઈને કે હાથ ખંખેરીને બેસી નહોતા ગયા કે હું તો નાનો છું, એકલો શું કરી શકું? કંસ હોય કે જરાસંધ કે દુર્યોધન, અત્યાચારીઓ સામે કળ, બળ અને છળથી પણ લડવાનું તેમણે જ શીખવાડ્યું.

૩. કોઈ અબળા પર આફત હોય ત્યારે આપણે વિડિયો નથી ઉતારતા ને? કોઈ સ્ત્રીની છેડતી થતી હોય ત્યારે મૂંગા મોઢે જોતા નથી ને કે પછી ‘આવી માથાકૂટમાં કોણ પડે?’ તેમ કહી ચાલતી પકડતા નથી ને? પોતાની વાતો દ્વારા, પોતાની કલા દ્વારા, પોતાના લેખન દ્વારા, સૉશિયલ મિડિયા પર સૉફ્ટ પૉર્ન પ્રકારની પૉસ્ટ દ્વારા સ્ત્રી પર અત્યાચાર થાય, સ્ત્રીને ફટાકડી તરીકે જોવામાં આવે, તેને ચીજ તરીકે-વસ્તુ તરીકે જોવામાં આવે તેવું વાતાવરણ નિર્માણ નથી કરતા ને? રાધા સાથેના પ્રેમને વ્યભિચારનું નામ આપીને શ્રી કૃષ્ણના ઉદાહરણ દ્વારા અનૈતિકતાને પોષતા નથી ને? શ્રી કૃષ્ણ એક માત્ર વ્યક્તિ હતા જેણે દ્રૌપદીની લાજ બચાવી હતી. ગોપીઓનાં વસ્ત્રો હર્યાં તેની પાછળ કોઈ કામ લીલા નહોતી, પરંતુ ગોપીઓને સંદેશો હતો કે જાહેરમાં તમારે તમારી ગરીમા જાળવવી જોઈએ.

૪. આપણા સગાવહાલાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો મોડા પહોંચી, જમીને, શુભેચ્છા આપીને નીકળી જતા નથી ને? કામ તો એ લોકો કરશે તેમ નથી વિચારતા ને? મારે તો મારા દીકરાની પરીક્ષા છે, ઘરનાં કેટલાં કામ હોય તેમ બહાના બનાવીને ઘરે ટીવી જોવા બેસી નથી રહેતા ને? અને પછી આપણા ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે લોકોને દોષ દેતા હોઈએ કે કોઈ મદદ કરવા નથી આવ્યું. આવું જો કરતા હોય તો પહેલાં આપણે કેટલા બીજાના પ્રસંગોમાં દોડીને કામ કરવા ગયા તે આપણી જાતને પૂછવું જોઈએ. શ્રી કૃષ્ણએ તો રાજસૂય યજ્ઞમાં પતરાળાં ઊંચકવાનું કામ કર્યું હતું.

૫. આપણે હંમેશાં કમ્ફર્ટ ઝૉનમાં જ રહેવાનું પસંદ નથી કરતા ને? શ્રી કૃષ્ણએ તો નાનપણમાં જ ગોકુળ છોડી દીધું અને તે પછી જરૂર પડી તો મથુરા પણ છોડી.

૬. આપણે ખોટું કામ કરતા આપણા લોકોને સાથ નથી આપતા ને? શ્રી કૃષ્ણએ મદમાં છકીને સદાચારી ઋષિઓની મજાક કરવા ગયેલા પોતાના જ વંશજોને બચાવ્યા નહીં. અત્યારે તો સદાચારીઓની મજાક કરવી એ ફેશન છે. આપણે આવા લોકોમાં નથી આવતા ને?

૭. કોઈ આપણી ટીકા કરે ત્યારે તેનાથી નીચલી સ્તરે ઉતરીને આપણે ગાળો ભાંડવા નથી માંડતા ને? અને પછી પાછા હું તો શ્રી કૃષ્ણ જેવો, સુદર્શન ચક્ર ચલાવું તેમ કહીને પોતાની જાતને શ્રી કૃષ્ણ સાથે નથી સરખાવતા ને? કારણકે શ્રી કૃષ્ણની જેમ શિશુપાલ પર સુદર્શન ચક્ર ચલાવવા સો ગાળો ખાવાની-સાંભળવાની હિંમત જોઈએ.

૮. શ્રી કૃષ્ણએ નરકાસુરને ત્યાં કેદ રહેલી સ્ત્રીઓને સમાજમાં માનભર્યું સ્થાન મળે તે માટે સોળ હજાર સ્ત્રીઓને પત્ની બનાવી. આ આંકડો કદાચ વધુ હોઈ શકે કે પછી સમ્સ્કૃત (સંસ્કૃતનો સાચો ઉચ્ચાર સમજાય તે માટે આ રીતે લખ્યું છે. તેનો ઉચ્ચાર સન્સ્કૃત નથી.) શ્લોકનું અર્થઘટન ખોટું હોઈ શકે, પરંતુ તેમણે આ કામ સ્ત્રીઓની ગરીમા માટે કર્યું હતું. પરંતુ આ સિવાય તેઓ ધારત તો કુબજાથી લઈને દ્રૌપદી સહિતની ઘણી સ્ત્રીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી શકત. તેઓ મનમોહન હતા. મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. પરંતુ તેમણે તેમ કર્યું નથી. આપણે કોઈ સ્ત્રીને ફસાવતા નથી ને? મુગ્ધ છોકરીઓને, પરિણિત કે અપરિણીત સ્ત્રીઓને પ્રેમજાળમાં ફસાવી અને પછી પાછા શ્રી કૃષ્ણની સાથે આપણી જાતને સરખાવી તેને રાસલીલાનું રૂપાળું નામ આપવું તેવું નથી કરતા ને?

આ આઠ સવાલોની અષ્ટમી પર ચિંતન કરી જન્મને સુધારીએ તો જ જન્માષ્ટમી સાર્થક ગણાય.

 

Advertisements
hindu, Jaywant nee je bbat

શીતળા, બ્રાહ્મણવાદ અને રસીની ભારતમાં શોધ

જયવંતની જે બ્બાત

શું શીતળા સાતમ કે ટાઢી સાતમ અંધશ્રદ્ધા છે?

આજે શીતળા સાતમ છે. ગુજરાતમાં શ્રાવણ કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે શીતળા સાતમ મનાવાય છે પરંતુ ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધી તે ચૈત્ર કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે મનાવાય છે. ઉત્તર ભારતીયો એવો તર્ક આપે છે કે ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ ચાલુ થતી હોઈ હવે ટાઢું ખાવાનું નથી. સંક્રામક (ચેપી) રોગની સામે બચવા માટે આ શીતળા સાતમ ઉજવાય છે.

ગુજરાતમાં, બની શકે, જોકે તેના કોઈ ઐતિહાસિક આધાર-પુરાવા મારા ધ્યાનમાં નથી, કે શ્રી કૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા હોવાથી જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની ઉજવણી દિવાળી કે બીજા કોઈ પણ તહેવાર કરતાં વધુ મોટા પાયે થાય છે. વળી, હજુ હમણાં સુધી મનોરંજનનાં સાધનો અને માધ્યમો સીમિત હતા. હવે તો ચકડોળથી લઈને ચકરડી સુધીના મેળાનાં સાધનો બારમાસી જેવાં થઈ ગયાં છે. પરંતુ પહેલાં માત્ર સાતમ-આઠમની આસપાસ મેળા લાગતા. બાળકોને ફરવા લઈ જવાનો આ મોકો રહેતો. આ સમયે પણ સ્ત્રીને રસોડામાં પૂરાઈ રહેવું પડે તો સ્ત્રીને આનંદ ન મળી શકે. અને આજે પણ સ્ત્રીને ક્યારેય ગરમાગરમ રસોઈ જમવા નથી મળતી. આ દુઃખની વાત છે. એટલે રાંધણ છઠ્ઠના દિવસે એકસામટું રાંધી લઈ શીતળા સાતમના દિવસે સ્ત્રીને રસોડામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. સાતમના દિવસે ટાઢું ખાધું હોઈ જન્માષ્ટમીના દિવસે સાચા અર્થમાં ફળાહાર સાથેનો અથવા માત્ર પાણી સાથેનો ઉપવાસ કરવાનો હોય છે અને ભગવાનની ભક્તિમાં લીન થવાનું હોય છે.

જોકે હવે આધુનિક સમયમાં શીતળા સાતમના દિવસે લોકો રેસ્ટોરન્ટ-હોટલમાં ઉમટી પડે છે. જન્માષ્ટમીના દિવસે ફળાહારના બદલે રાજગરાની પુરી, સૂકી ભાજી, સામો, મોરૈયો, તળેલાં મરચાં, બટેટાંની પતરી, તળેલી સિંગ, વગેરે સહિત અનેક વાનગીઓ ઝાપટતા હોય છે. અને ભગવાનની ભક્તિમાં લીન થવાના બદલે જુગાર રમવામાં ઔચિત્ય માને છે.

પરંતુ આજના દિવસે એક વૉટ્સએપ સંદેશો બહુ ફરે છે. શીતળા રોગની સામે શીતળા સાતમ મનાવાય છે. હકીકતે તો એડવર્ડ જેનરને યાદ કરવો જોઈએ જેણે શીતળા રોગની એટલે કે ઓરી-ઓછબડાની રસી શોધી હતી. આવું માનતા હોય તેમની માન્યતાનો સ્વીકાર પરંતુ સત્યના મૂળ સુધી પહોંચવાની તસદી કોઈ લેતું નથી.

રવિશંકર નામના પત્રકારે ‘ભારત મેં યુરોપીય યાત્રી’ નામનું પુસ્તક લખ્યું છે. રવિશંકર ‘ભારતીય ધરોહર’ મેગેઝિનના કાર્યકારી સંપાદક અને નવી દિલ્લીના સભ્યતા અધ્યયન કેન્દ્ર (રિસર્ચ સ્ટડી સેન્ટર)ના સંશોધન નિર્દેશક છે. રાજનીતિ અને સમાજશાસ્ત્ર ઉપરાંત વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, દર્શન, યોગ અને અધ્યાત્મમાં તેમને સારી રૂચિ અને પકડ છે. તેમણે ‘પાંચજન્ય’, ‘હિન્દુસ્થાન સમાચાર’, ‘ભારતીય પક્ષ’, ‘એકતા ચક્ર’, ‘ધ કમ્પ્લીટ વિઝન’, ‘ઉદય ઇન્ડિયા’, ‘ડાયલૉગ ઇન્ડિયા’ જેવા અનેક સમાચારપત્રો અને સામયિકોમાં કામ કર્યું છે.

રવિશંકર લખે છે,

“ચેચક એટલે કે શીતળા/ઓરી/અછબડાથી બચવાના બે ઉપાય હતા- એક તો સાફસફાઈ. પરંતુ બંગાળ, બિહાર વગેરે જ્યાં અંગ્રેજોએ પહેલાં સત્તા મેળવી અને સૌથી વધુ લૂટ્યા ત્યાં દુષ્કાળ પડવાના શરૂ થયા. અંગ્રેજો પહેલાં અનાવૃષ્ટિ થતી હતી તો ખેડૂતો પાસે અનાજ સુરક્ષિત રહેતું હતું પરંતુ યુરોપીય લોકોએ ખેડૂતોની તે બચતને લૂટી લીધી. કરોડોની સંખ્યામાં લોકોના ભૂખમરાના કારણે મૃત્યુ થવા લાગ્યા. સ્વાભાવિક જ સાફસફાઈ રાખવું કઠિન હતું. આવામાં શીતળા રોગ ફેલાય જ. માલાબાર અને ટ્રાંક્વીબાર એટલે કે કેરળ અને તમિલનાડુના ચિકિત્સા સંબંધી યુરોપીય વિવરણો (યુરોપીય લોકોએ લખેલા પુસ્તકો)માં ક્યાંય શીતળાનું વર્ણન નથી મળતું કારણકે તે વિસ્તારોમાં આવી લૂટ અને તેના પરિણામે ભૂખમરો ફેલાયો નહોતો.

આ વિષમ અવસ્થામાં ભારતીય વૈદ્યોએ ઉપાય શોધ્યો હતો- જેના વિશે યુરોપીય લોકોને જાણકારી નહોતી. ભારતીય વૈદ્યોએ શીતળાની રસી મૂકવાની શરૂ કરી. આ વાત એ સમયની છે જ્યારે યુરોપમાં શીતળાના કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમને આ રસીની ખબર જ નહોતી. ભારતીયોને ખબર હતી કે શીતળાનો ઈલાજ કરી શકાતો નથી, અને આથી તેને એક દેવી સાથે જોડીને બીમારી દરમિયાન રોગીને પૂર્ણ સુરક્ષા પ્રદાન કરવાની વ્યવસ્થા કરી હતી પરંતુ તેને યુરોપીય મિશનરીઓ સમજી ન શકી કે પછી તેને ઈરાદાપૂર્વક અંધવિશ્વાસ દેવાનો તેમણે પ્રયત્ન કર્યો. ‘કૉલૉનાઇઝિંગ બૉડી’ પુસ્તક (જયવંતની નોંધ: આ પુસ્તક બ્રિટિશ આધિપત્યવાળા ભારતમાં દવાઓ અને રોગનું વિશ્લેષણ કરતું પુસ્તક છે.)માં ડેવિડ આર્નૉલ્ડ લખે છે, “પશ્ચિમમાં સિંધ અને ગુજરાતથી લઈને ઉત્તર અને મધ્ય ભારતથી લઈને બંગાળ, આસામ અને ઉડીસા સુધીમાં ચેચકને શીતળાના નામથી વિખ્યાત એક દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે માતાના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં રોગ અને દેવી, બંનેને જ શીતળાના નામથી ઓળખવામાં આવે છે. બંગાળમાં તેને ઘણી વાર બસંત ચંડીના નામથી જ ઓળખવામાં આવે છે અને રોગને બસંત રોગ કહેવામાં આવે છે, જે (વસંત) ઋતુ પછી તેનો સર્વાધિક પ્રકોપ થાય છે અને જ્યારે આ દેવીની સર્વાધિક પૂજા કરવામાં આવે છે. વર્ષ ૧૮૯૦માં વિલિયમ ક્રુકે તેને હિન્દુત્વની ઉતરતી કક્ષાની અને ગામડાની દેવીઓમાં સામેલ કરી. આવું કરીને ક્રુક એ પૂર્વવર્તી મિશનરી કૉલૉનાઇઝિંગ (સામ્રાજ્યવાદ)ના ભાવને પ્રદર્શિત કરી રહ્યો હતો, જેમાં શીતળતા અને અન્યાન્ય રોગોની દેવીઓને શેતાન અને દાનવના રૂપમાં ચિત્રિત કરવામાં આવતા હતા…

…આર્નૉલ્ડે એ નોંધ્યું છે કે શીતળા માતાના પૂજારી બ્રાહ્મણ નહીં પરંતુ માલાકાર નામના એક અબ્રાહ્મણ જાતિના લોકો રહેતા હતા. જેને આજની પરિભાષામાં નિમ્ન જાતિના ગણવામાં આવે છે. દિલ્લી, હરિયાણા, રાજસ્થાન, બંગાળ વગેરે વિસ્તારોમાં શીતળા માતાનાં મંદિરો આજે પણ મળી આવે છે. ખરેખર તો આ મંદિર શીતળાનાં રસીકરણનાં કેન્દ્રો હતાં. આર્નૉલ્ડ લખે છે, “જ્યાં સુધી શીતળાના પૂજારીની વાત છે, તેઓ ન તો બ્રાહ્મણ હતા, અને ન તો સ્ત્રીઓ, પરંતુ નીચી પરંતુ સ્વચ્છ શુદ્ર જાતિના લોકો રહેતા હતા. મલ્લ એ ઉત્તર ભારતની બાગાયત અને ખેતી કરનારી જાતિ છે જેને બંગાળમાં મલ્લ અથવા માલાકાર નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્યતઃ માળી કે માળા બનાવનારાઓ હોય છે. તેઓ જ શીતળા માતાની પૂજા સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે આ પૂજા ચૈત્ર મહિનામાં થતી હતી, પરંતુ (ગુજરાત જેવાં) કેટલાક સ્થાનો પર સાવન (શ્રાવણનું અપભ્રંશ)માં પણ ચેચક થવાની આશંકા રહેતી હશે.” (જયવંતની નોંધ: આમ, પૂજા કરવાનો માત્ર જન્મથી બ્રાહ્મણોનો જ ઠેકો હતો તેવું કેટલાક ખ્રિસ્તી કે ડાબેરી વિચારસરણીના આધારે દલિત તરફી સંગઠનો દલિતોને હિન્દુઓથી અલગ પાડવા પ્રયાસ કરે છે તે થિયરીનો અહીં છેદ ઉડી જાય છે.)

રવિશંકરજીની વાતને અહીં અટકાવીએ. અહીં સુધી વાંચો તો એવું લાગે કે આમાં રસીકરણની વાત ક્યાંથી આવી. પરંતુ તેઓ આનો જવાબ પણ આપે છે. તેઓ લખે છે,

“શીતળા માતાનાં મંદિરો અને ચેચકના રસીકરણના સંબંધનું વર્ણન કરતા આર્નૉલ્ડ લખે છે, “ચેચક થતા રોકવા અને તેના પ્રભાવને ન્યૂનતમ કરવાનો એક જ ઉપાય હતો- વેરિયોલેશન (Variolation- અર્થાત ઓરી/અછબડા સામે વ્યક્તિને રક્ષવાની સૌથી પહેલી પદ્ધતિ.) (જયવંતની નોંધ: વિકિપિડિયામાં વેરિયોલેશનનો લેખ છે. તે જોશો તો પણ ધ્યાનમાં આવશે કે પહેલાં ચીનમાંથી તે ઇંગ્લેન્ડમાં ગયું છે, સ્વાભાવિક છે કે ભારત અને ચીન સહિત એશિયાના દેશોનાં ઘણાં સંશોધનો કે તેની વૈજ્ઞાનિક વાતોને અમેરિકા-યુરોપના મિડિયા-પ્રકાશનો અને વૈજ્ઞાનિકોએ દબાવી પોતાના નામે કરી લીધી છે. આના પર હું ફરી ક્યારેક વિગતવાર લખીશ.) પૂર્વ અને ઉત્તર ભારતમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં વેરિયોલેશનનાં અનેક વિવરણ યુરોપીય ડૉક્ટરો અને સર્જનો દ્વારા નોંધવામાં આવ્યાં છે….વર્ષ ૧૮૦૦ પહેલાં તેમનાં મૂલ્યાંકનમાં ઘણી પ્રશંસા છે પરંતુ યુરોપમાં વેક્સિનેશન આવી ગયા પછી પરોક્ષ અને પ્રત્યક્ષ નિંદા કરાવા લાગી.

વેરિયોલેશન પદ્ધતિની વિસ્તૃત જાણકારી ઈ. સ. ૧૭૬૭માં લંડન કૉલેજ ઑફ ફિઝિશિયનમાં ડૉ. જે. ઝેડ હૉલવેલે આપી હતી, જે તેમણે પોતાના ભારતપ્રવાસના દિવસોમાં જાતે ભ્રમણ કરીકરીને જોઈ હતી. તેમના વિવરણ અનુસાર, કાશીના ગુરુકુળોમાંથી ગુરુઓના આશીર્વાદ લઈને શિષ્યો નીકળતા હતા અને પોતપોતાને સોંપવામાં આવેલાં ગામોમાં તે પૂજાવિધાન માટે જતા હતા. ચાર-પાંચ શિષ્યોની ટોળી બનાવીને તેમને ત્રીસ-ચાલીસ ગામો અપાતા હતા. ગુરુના આશીર્વાદની સાથોસાથ તેઓ કેટલીક વસ્તુઓ પણ લઈ જતા હતા- ચાંદી કે લોહીની ધારદાર બ્લેડ અને સોઈ તેમજ રૂમાં લપેટાયેલી કોઈ વસ્તુ. તેઓ ત્રણથી પંદર વર્ષની ઉંમરનાં બાળકો-બાળકીઓને એકઠા કરતા હતા. તેમના હાથમાં બ્લેડથી ધીમેધીમે ખોતરીને લોહીનું એકાદ ટીપું કાઢવા જેટલો જખમ કરતા હતા. પછી રૂ ખોલીને તેમાં લપેટાયેલી વસ્તુને જખમ પર ઘસતા હતા. થોડા જ સમયમાં દર્દ પૂરું થઈ જાય એટલે બાળક ફરી રમવા ઉપડી જતું. પછી એ બાળક પર નજર રખાતી. તેમનાં માતાપિતાને અલગથી સમજાવાતાં હતાં કે બાળકના શરીરમાં શીતળા માતા આવવાનાં છે. તેમના સત્કાર માટે શું ખવડાવવું જોઈએ. તે હકીકતમાં પથ્ય (આયુર્વેદમાં પથ્ય એટલે ડાયેટ) વિચારના આધાર પર નક્કી કરાતું હતું.

એકબે દિવસમાં બાળકોને ચેચકના દાણા નીકળતા હતા અને થોડો તાવ પણ ચડતો હતો. તે સમયે બાળકને પ્રેમથી રાખવામાં આવતો અને ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હતી. બ્રાહ્મણ શિષ્યોની જવાબદારી હતી કે તેઓ પૂજાપાઠ કરતા રહે જેથી જે દેવી આશીર્વાદના રૂપમાં પધાર્યાં છે, તે પ્રકોપમાં ન બદલાઈ જાય. દાણા મોટા થઈને પાકતા હતા અને પછી સૂકાઈ જતા હતા. આ આખું ચક્ર આઠ-દસ દિવસમાં પૂરું થતું હતું. પછી દરેક બાળકને લીમડાનાં પાંદડાંમાં નવડાવીને તેની પૂજા કરવામાં આવતી હતી અને તેને મિષ્ટાન્ન આપવામાં આવતું. આર્નૉલ્ડે વિભિન્ન ઉદાહરણો દ્વારા બતાવ્યું છે કે વેરિયોલેશનના આ કામમાં બ્રાહ્મણ સિવાયની જાતિઓ પણ જોડાતી હતી.

એ એક ઇતિહાસ છે કે અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ લગાવીને આ દેશી રસીકરણની પ્રક્રિયાને બંધ કરાવી….ખ્રિસ્તી બનાવવા માટે અહીંના જ્ઞાનને અંધવિશ્વાસ અને અજ્ઞાન સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો.”

એટલે હવે કોઈ પણ હિન્દુ પરંપરા કે બાબતને અંધશ્રદ્ધા-અવિશ્વાસમાં ખપાવવાનો પ્રયાસ થાય તો તેને આંધળી રીતે માની લેતા પહેલાં દસ વાર વિચાર કરજો.

gujarat, Jaywant nee je bbat, media

છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

જયવંતની જે બ્બાત

ગુજરાતમાં ધો.૧૨ ના અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો વળ્યો છે. સીતાજીનું અપહરણ રાવણે નહીં પરંતુ શ્રી રામે કર્યું હતું તેવો જનમાનસમાં સંદેશો પહોંચ્યો છે, પણ આવી વાત નથી. બન્યું એવું કે સીતાજીના પરિત્યાગ વેળા સીતાજી લક્ષ્મણને પ્રભુ શ્રી રામ માટે સંદેશો આપે છે. કવિ કાલીદાસના રઘુવંશની વાત કરતી વખતે પાઠ્યપુસ્તકમાં લખાયું છે, “There is (a) very heart-touching description of the message conveyed by Laxman to Ram when Sita was abducted by Rama,”. અહીં હોવું જોઈતું હતું abandoned અર્થાત્ પ્રભુ શ્રી રામ દ્વારા ત્યજાયેલાં. પણ મુદ્રારાક્ષસ કે પ્રૂફ રીડર+ કૉપી એડિટર + એડિટરની ભૂલથી શબ્દ છપાયો – abducted અર્થાત્ અપહૃત-અપહરણ કરાયેલાં.

માત્ર સરકારની જ વાત નથી, મિડિયામાં પણ આ પ્રકારના છબરડા જોવા મળે છે, અન્ય ક્ષેત્રોમાં અલગ પ્રકારના છબરડા થાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ ગણીને ઘણી વાર જતું કરાય છે પણ જ્યારે તેનું પ્રમાણ વધી જાય ત્યારે કડક પગલાં અને તકેદારી અનિવાર્ય બને છે. બધાં ક્ષેત્રોમાં મિડિયોકર માણસો પસંદ કરાય છે, જે ચાપલુસી કરી શકે, ‘વહીવટ’ કરી શકે. ગુણવત્તાની કોઈને કદર નથી. સારા, અનુભવી અનુવાદકો, કૉપી રાઇટર, સારા સંપાદકો છે જ, પણ સરકાર/મિડિયામાં અધિકારીઓ/તંત્રીઓ ઓછી ગુણવત્તાના લોકોને નોકરી માટે પસંદ કરશે, પગાર મબલક અપાવશે, પછી ભલેને રોજેરોજ છબરડા જતા. શરત એ કે તેમના કેમ્પના હિસ્સા હોવા જોઈએ. તેમની ચાપલુસી કરતા હોવા જોઈએ. અનુવાદકો ગૂગલ ટ્રાન્સલેશનની મદદ લઈ અનુવાદ કરતા હોય છે જેથી આ પ્રકારના ગંભીર છબરડા જવાની પૂરેપૂરી સંભાવના હોય છે.

કૉસ્ટ કટિંગના નામે પ્રૂફ રીડરની તો પૉસ્ટ હવે મોટા છાપાંઓમાં છે જ નહીં. ટીવીમાં પણ આવું જ છે. ડેસ્ક પર એડિટિંગનું કામ કરતા લોકોને જ પ્રૂફ રીડિંગ કરવાનું આવે છે. તેમને આ માટે ભાષા શાસ્ત્રીઓ પાસે કોઈ પ્રશિક્ષણ (૯૯ ટકા) અપાતું નથી. પરિણામે ખોટો શબ્દ નથી જતો ને તેની જ કાળજી લેવાય છે (અને ઘણી વાર એ પણ જતો રહે છે). હૃસ્વ, દીર્ઘ. અનુસ્વાર, ધ અને ઘ – ઢ અને ઠ વચ્ચેનું અંતર આ બધી લપ્પનછપ્પનમાં કોણ પડે? દૃષ્ટિના બદલે દ્રષ્ટિ, દૃશ્યના બદલે દ્રશ્ય, હૃદયના બદલે હ્યદય, માના બદલે માં, સાપના બદલે સાંપ… આ અને બીજા ઘણા શબ્દો ગઈ કાલે જે ચેનલોએ છબરડાના મુદ્દે ડિબેટ કરી તેમાં અને જે છાપાંઓએ સમાચાર છાપ્યા તેમાં મોટા ભાગે ખોટા જાય છે. છાપાં-ચેનલો દલીલ કરશે કે ઉતાવળમાં આવું થાય. પણ ઉતાવળ તો બધે જ હોય છે.

ખાનગી કે સરકારી કામોમાં, ઘણી વાર રિપૉર્ટર તરફથી કે લેખકો તરફથી લેખો કે મેટર મોડી મળે, તેમાંય ભાષાશુદ્ધિ હોય તો ઓછી ચિંતા પણ જો ન હોય તો ખૂબ જ તકલીફ. વળી આજે કમ્પ્યૂટર સહિત ટાઇપિંગની સારી સગવડ છતાં કેટલાક પોતે શીખે નહીં, ટાઇપ બહાર કરાવવાની તસદી લે નહીં. અક્ષર પણ ગાંધીજીના અક્ષર જેવા હોય. માથે ડેડલાઇન ઝળુંબતી હોય. વળી પ્રૂફ રીડર કે કોપી એડિટર પણ ભૂલો ચિતરીચિતરી થાકી જાય, અને કમ્પૉઝિટર/પેજમેકરના માથે કાં તો કામ ખૂબ જ હોય, કાં તો સહકર્મી/તંત્રી સાથે ગપ્પા મારી, ફૉન પર પ્રાઇવેટ કામો માટે ક્લાયન્ટ સાથે વાત કરી પછી સુધારા કરવા બેસે. ભાષાના જાણકાર કમ્પૉઝિટર/પેજમેકર તો ચકલીની જેમ વિલુપ્ત થતી પ્રજાતિ છે. એ ચિતરડાંમાંથી કંટાળાના ભાવ સાથે સુધારા કરવામાં આવે. તેમ કરવા જતાં પોતે પાછી નવી ભૂલો ઊભી કરે. કેટલાક દૈનિકોમાં તો આઠ પાના (૬૪ કૉલમની મેટર) સુધારવાનું કામ કરનાર એક જ જણ હોય! અને ડેડલાઇન માથે ઝળુંબતી હોય. એટલે જે રહી ગયું તે રહી ગયુંની ભાવના સાથે બધું હઈશોહઈશો ચાલે છે. તંત્રી પણ અપવાદોને બાદ કરતા પોતાનાં ‘કામો’માં અટવાયા હોય છે. એટલે ફાઇનલ કૉપી પર નજર નાખી, ન નાખી, ભૂલ પકડાય તો ઠીક, નહીંતર હરિ ૐ તત્સત. વળી, ઘણી વાર અંગત હરીફાઈ કે સારા સંબંધ ન હોય તો કમ્પૉઝિટર/પેજમેકર, પ્રૂફ રીડર કે કૉપી એડિટર જાણી જોઈને ભૂલ જવા દે તેવું પણ બને જેથી બીજા દિવસે પેલાને ઠપકો મળે.

એક કિસ્સો રસપ્રદ છે. બુધવારે સામાન્ય રીતે ગુજરાત મંત્રીમંડળની બેઠક હોય છે પણ બેઠકનો સમય સાવ નિશ્ચિત હોતો નથી. ગાંધીનગર રિપૉર્ટિંગ કરતા પત્રકાર સાથે ફૉન પર વાત ન થઈ. એક ચેનલમાં સમાચાર બનાવાયા કે મંત્રીમંડળની બેઠક મળી, તેમાં ફલાણો નિર્ણય (જેની સંભાવના હતી) લેવાયો. ડેસ્ક પરના તંત્રીને નીચેના પત્રકારે સમજાવ્યા કે આવું લોલંલોલ ન જવા દેવાય. ડેસ્ક પરના તંત્રીને મુખ્ય તંત્રી તરફથી દબાણ કે આ સમાચાર જવા જ જોઈએ પણ તેમાં અઘોષિત રાઇડર તો હોય જ ને કે જો બેઠક ખરેખર મળે તો જ સમાચાર લેવા. ડેસ્કવાળાનો આગ્રહ કે બેઠક તો મળે જ ને. એટલે સમાચાર જવા દઈશું તો ખોટા નહીં પડીએ. નીચેના પત્રકારે અપ્રિય થવાના જોખમ છતાં ઘણી રકઝક કરી, છેવટે ડેસ્ક એડિટરને ગળે વાત ઉતરી ને ડર પણ લાગ્યો કે જો બેઠક નહીં મળે તો ભોંઠા પડાશે ને ઠપકો મળશે તે અલગ.

એક જાણીતા સમાચારપત્રએ તો વર્ષો પહેલાં કોઈ મોટી અવકાશી ઘટનાના ખોટા સમાચાર છાપેલાં તે પણ પહેલે મેઇન/લીડ સ્ટૉરી તરીકે. એમાં એવું હતું કે એ ઘટના રાત્રે બાર કે તે પછી બનવાની હતી, ને પ્રિન્ટની ડેડલાઇન આવી ગઈ, એટલે ‘બહાદૂર’ મુખ્ય તંત્રીએ નિર્ણય લીધો કે આ ઘટના તો બનશે જ ને, એટલે બની ગઈ છે તેમ લખી વર્ણન કરી અૉલ એડિશન છાપી દીધી. પણ બીજા દિવસે ખબર પડી કે એ ઘટના બની જ નહોતી! અથવા જે રીતે છપાયું હતું તે પ્રમાણમાં નોંધ લેવી પડે તેમ નહોતી બની.

આ પ્રકારની માનસિકતા, ચાહે તે સરકાર હોય કે મિડિયા, શિક્ષણ હોય કે બેન્ક, દરેક ક્ષેત્રે પ્રવર્તે છે. ગુણવત્તાનો આગ્રહ અથવા લોક ભાષામાં ચીકાશ રાખનારનું સર્વોચ્ચ સ્થાન અને પગાર હોવો જોઈએ પણ કળિયુગમાં તે વેદિયામાં ખપે છે.

film, Jaywant nee je bbat

જયવંતની જે બ્બાત-૩

એક સમયે શાહરુખ ખાનની બહુ દાદાગીરી. ફિલ્મો ઠીકઠીક ચાલે પણ ભાડૂતી પ્રચારભૂંગળાં ફિલ્મને સુપરડુપર હિટ બનાવવામાં કોઈ કસર ન છોડે. એ સમયે શાહરુખ બધે જ છવાવા પ્રયત્ન કરતો અને એમાં ઠીકઠીક સફળ પણ રહ્યો. આ સમય દરમિયાન તેણે અહંકારમાં ઘણા ઝઘડા વહોરી લીધા. અમિતાભથી લઈને સલમાન સુધી. એ સમયે ઝઘડામાં શાહરુખનું ચમચામંડળ (ખાસ તો-કરણ જોહર, ફરાહ ખાન) શાહરુખના પક્ષમાં જડબેસલાક ઊભું રહેતું, કારણકે એમનાં વ્યાવસાયિક હિતો એની સાથે જોડાયેલાં હતાં. કેટલાંક તો પોતે અપમાન સહન કરીને પણ આમ કરતાં. યાદ હોય તો, ફરાહના નબળા નિર્દેશક પતિ શીરીષ કુંદર તો મજાક કરવા ગયો એમાં શાહરુખનો લાફો ખાવાનો વારો આવેલો…

ફિલ્મ એવૉર્ડ હોય કે કૌન બનેગા કરોડપતિ જેવો કોઈ શૉ, શાહરુખ ભલભલા સ્ટારની બેહુદી મજાક કરે તે ચાલે, બધાં ગમ ખાઈ જાય, પણ શાહરુખની ‘રા-વન’ ફિલ્મની મજાક શીરીષ કરે તે કેમ ચાલે? બેસ્ટ ફ્રેન્ડનો પતિ હોય તો શું થયું? દુશ્મન અને પોતાની મજાકને તો ઉડતી જ ડામવી જોઈએ. (શાહરુખ, ચમચામંડળ અને તેના ભાડૂતી પ્રચારભૂંગળાંએ ઋત્વિક રોશનની ‘કહો ના પ્યાર હૈ’ વખતે પણ આવું જ કરેલું.) એટલે શાહરુખે શીરીષને ઉગતો ડામવા એક અડબોથ ઝીંકી દીધી. એ વખતે તો મરદ જેવી ફરાહ પણ ઘા ખાઈ ગઈ. પણ સલમાન મરદનો બચ્ચો નીકળ્યો ને શાહરુખનાં પાપ હોય કે ફરી રહેલું ભાગ્યચક્ર, સલમાનની ફિલ્મો સુપરહિટ જવા લાગી. ફિલ્મ ઉદ્યોગમાં એનો દબદબો પણ વધવા લાગ્યો ને ધીમેધીમે ચમચામંડળે પણ હવે શાહરુખ સાથે ખાસ વ્યાવસાયિક હિતો ન રહેતાં મોઢું ફેરવવા માંડ્યું ને ખોલવા પણ માંડ્યું. કરણ જોહરની આત્મકથા ‘એન અનસ્યૂટેબલ બૉય’માં શાહરુખ વિશે લખ્યું તે તેનો પુરાવો છે.

રાજેશ ખન્નાને પણ અહંકારી વ્યક્તિત્વ નડી ગયેલું. પણ અમિતાભ બચ્ચન સાથે આવું નથી. અમિતાભની ઓછી મજાક નથી ઊડી! તેમની ટીકા (ક્યારેક વાજબી) કરનારા પણ ઓછા નથી રહ્યા. પણ તેમણે પોતાના પક્ષે હંમેશાં શાલીનતા રાખી. જવાબ આપ્યો તો પણ ગાળાગાળી કરીને નહીં. (શાહરુખ તો વાનખેડે સ્ટેડિયમના ગાર્ડ સાથે પણ ગાળાગાળી પર ઉતરી આવે. ગાર્ડને ઉતરતા દરજ્જાનો લેખી ખરેખર તો પોતાનું અસલી સ્તર બતાવી દે. એ વખતે કૉંગ્રેસની મહારાષ્ટ્ર અને કેન્દ્ર બંને જગ્યાએ સરકાર. શાહરુખની ગાંધી પરિવાર સાથેની નિકટતા જાણીતી પણ રાજકારણી પોતાના પર ડાઘ લાગવા ન દે. શાહરુખ પર વાનખેડેમાં પ્રવેશવા પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો.) અમિતાભને તો સોનિયા ગાંધીના ઈશારે હેરાન કરાયા તોય ખાલી એટલું જ કહ્યું, “વો રાજા હૈ ઔર હમ રંક.” ધાર્યું હોત તો એમણે સારો, લાંબો અને ચોટદાર ડાયલૉગ બોલીને પ્રશંસા જ નહીં, વિપક્ષની નિકટતા પણ મેળવી હોત. પૂર્વ રાજકારણી પણ ખરા. બદલો લેવા અન્ના આંદોલનમાં પણ જોડાઈ શક્યા હોત, પણ તેના બદલે ‘સત્યાગ્રહ’ દ્વારા પડદા પર અન્નાની ભૂમિકા ભજવી.

સાર એ કે લોકપ્રિય બનતા પહેલાં અને લોકપ્રિય બન્યા પછી સારા, નમ્ર અને શાલીનભાષી વ્યક્તિ હોવું ખૂબ જ જરૂરી છે. તેમની એ શાલીનતા, બને ત્યાં સુધી જવાબ અને ડંખ ટાળવા તેવા સ્વભાવના કારણે, ૨૦૦૭ સુધી અમિતાભના ટીકાકાર અને ઘણીવાર તો ટીકા કરતાં મજાકસભર અપમાનમાં હદ વટાવી દેતા શત્રુઘ્ન સિંહા સાથે ફરી દોસ્તી થઈ શકી અને સાજિદ ખાન-રીતેશ દેશમુખના ‘યારોં કી બારાત’માં સાથે પણ આવ્યા. એ શૉમાં ક્યાંક શત્રુએ અમિતાભને ઝાંખા પણ પાડી દીધા. પણ શત્રુના આખાબોલા તથા વ્યવસાય પ્રત્યે બેપરવા વલણ અને ફિલ્મોની ભંગાર પસંદગીના કારણે એ અમિતાભ કરતાં ઘણા પાછળ રહી ગયા. અહીં પ્રશ્ન એ પણ છે કે અમિતાભ ટેલન્ટમાં શત્રુ કરતાં મિડિયોકર ગણાય પણ સફળતા અને લોકપ્રિયતા તેમને વધુ મળી કેમ કે એ સારા અને પ્રૉફેશનલ વ્યક્તિ વધુ હતા.

Jaywant nee je bbat, language

જયવંતની જે બ્બાત-૨

#માતૃભાષાદિવસ
-અઘરા અંગ્રેજી સ્પેલિંગ યાદ રાખતા લોકો, ઉર્દૂની અઘરી શાયરી ને ‘ખ’નો ગળામાંથી તલફ્ફૂઝ (ઉચ્ચાર) કેમ કરવો તે શીખતા ગુજરાતી લોકો આજથી હ્રસ્વ ઇ (સામાજિક) ને દીર્ઘ ઈ (ભારતીય), હ્રસ્વ ઉ (વસ્તુ) ને દીર્ઘ ઊ (નૂતન) ક્યાં આવે, શ, સ અને ષના ઉચ્ચાર કેવી રીતે થાય તે યાદ રાખવાનું ચાલુ કરે તો માતૃભાષા પર ઉપકાર થશે.
-કેટલીક સામાન્ય ભૂલો:
આપડે (ખોટું) આપણે (સાચું)
પાડે (જેમકે કૂતરો પાળ્યો) (ખોટું) પાળે (સાચું)
આંગણી (ખોટું) આંગળી (સાચું)
-ઊંઝા જોડણી તરફીઓ અને એસએમએસની ભાષાના પ્રભાવવાળા હ્રસ્વ ને દીર્ઘની માથાકૂટ મૂકવા કહે છે પણ એનું શબ્દ અને મંત્ર વિજ્ઞાન છે. જ્યાં દીર્ઘ ઈ અને ઊ આવતા હોય ત્યાં ઉચ્ચાર લંબાય. છંદ અને હિન્દુ મંત્રો એના પર જ રચાયેલા છે. સરળ રીતે સમજવું હોય તો લતા મંગેશકર કે એ પેઢીનાં ગાયકોનાં જૂનાં હિન્દી ગીત સાંભળજો જેમાં દૂરી, મજબૂરી, દીવાને શબ્દ આવતા હોય.

film, Jaywant nee je bbat

જયવંતની જે બ્બાત-૧

*જયવંતની જે બ્બાત*

જૂનું એટલું સારું આવી કેટલીક થિયરી હરહંમેશ ચાલતી હોય છે. એના લાભાલાભ વિશે ફરી ક્યારેક. પણ કિશોરાવસ્થામાં હાસ્ય કલાકારોના ઇન્ટરવ્યૂમાં એક વાત અવશ્ય વાંચવા મળતી કે સાંભળવા મળતી. તે એ કે- હવે તો અમિતાભ બચ્ચન વગેરે હીરો જ કોમેડી કરવા લાગ્યા છે એટલે કૉમેડિયનોનું કોઈ મહત્ત્વ રહ્યું જ નથી. પણ આજે એ વાતને ફરીથી સમયના ત્રાજવે તોળો તો? શું રાજ કપૂર, દિલીપકુમાર, દેવ આનંદ વગેરે કૉમેડી નહોતા કરતા? કિશોરકુમાર તો હીરો તરીકે સુવાંગ કૉમેડી ફિલ્મ જ કરતા. અમિતાભ વખતે પણ જગદીપ, મુકરી, બીરબલ, અસરાની, પેઇન્ટલ, જૉની વૉકર, મહેમૂદ, કે પછી રામ શેઠી જેવા કૉમેડિયનો હતા જ.

એ પછી પણ અનિલ કપૂર, ગોવિંદા, મિથુન ચક્રવર્તી, અક્ષયકુમાર, અજય દેવગન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન વગેરે વખતે જૉની લિવર, પરેશ રાવલ, સતીશ કૌશિક, દિનેશ હિંગૂ, લક્ષ્મીકાંત બેર્ડે, અશોક શરાફ વગેરેનો રોલ કમ નહોતો. અત્યારે પણ અરશદ વારસી, રીતેશ દેશમુખ, શ્રેયસ તળપડે, કુણાલ ખેમુ, વિવેક ઓબેરોય, આફતાબ શિવદાસાની, તુષાર કપૂર વગેરે મિમિક્રી સભર અને વગર કૉમેડી કરતાં હોવા છતાં રાજપાલ યાદવ, સંજય મિશ્ર (સાચું મિશ્ર છે પણ રામનું રામા અને શુક્લનું શુક્લા થયું તેમ મિશ્રનું ખોટા અંગ્રેજી ઉચ્ચારથી મિશ્રા થયું.), ક્રિશ્ના અભિષેક, સુદેશ લહેરી, સુરેશ મેનન, સુનીલ ગ્રોવર છે. કહેવાનું એ કે કેટલીક વાત તત્સમય પૂરતી સાચી વાગી શકે પણ એની શાશ્વતતા તો સમય જ નક્કી કરતો હોય છે.