legal, national, Uncategorized

કાયદા પંચની વાહિયાત ભલામણ કચરા ટોપલીમાં પધરાવવી જોઈએ

કાયદા પંચે વાહિયાત ભલામણ કરી છે. તેણે કહ્યું છે કે જુગાર અને સટ્ટાને અટકાવી શકાય તેમ નથી તેથી તેને કાયદા દ્વારા નિયંત્રિત કરવાનું શ્રેષ્ઠ રહેશે! કાયદાપંચે આ માટે ૧૮ વર્ષની ઉંમર અથવા તેનાથી વધુ ઉંમર ને યોગ્ય જણાવી છે. તેણે વધુમાં કહ્યું છે કે જુગાર અને સટ્ટાના તમામ વ્યવહારો ને સંચાલક અને ખેલાડીના આધાર પાન કાર્ડ સાથે જોડી દેવા જોઈએ.

કાયદા પંચનો અહેવાલ તો એમ પણ કહે છે કે કેસિનો અથવા ઓનલાઇન રમત ઉદ્યોગમાં વિદેશી સીધું રોકાણ મેળવવા માટે એફડીઆઈ પૉલિસી હોવી જોઈએ! જોકે તેણે એમ પણ કહ્યું છે કે મેચ ફિક્સિંગ અને રમતોમાં થતી છેતરપિંડી ને ખૂબ આકરી સજા સાથેના ફોજદારી ગુનાઓ ગણવા જોઈએ.

કાયદા પંચના એક સભ્યે બહુમતી સભ્યો વિરુદ્ધ પોતાની અસંમતિ વ્યક્ત કરતી નોંધ આપી છે. પ્રાધ્યાપક શિવ કુમારે કહ્યું છે કે રમતોમાં સટ્ટો સામાન્ય છે તે મુદ્દો સુપ્રીમ કૉર્ટે ક્યારેય કાયદા પંચને આપ્યો નથી અને કાયદા પંચનો અહેવાલ સર્વગ્રાહી નથી. તેમણે એમ પણ કહ્યું છે કે “આ દેશમાં કોઈ પણ પ્રકારના જુગારને અનુમતિ આપી શકાય નહીં. સરકારની નીતિ સામાન્ય રીતે જુગાર અને સટ્ટાને મંજૂરી નહીં આપવાની છે અને મને શંકા છે કે કાયદા પંચને ભલામણ થી બિનતંદુરસ્ત અને અનિચ્છનીય ચર્ચા સર્જાશે.”

પોતાની ભલામણોમાં કાયદા પંચે કહ્યું છે કે સટ્ટાના તમામ પ્રકારો અને સર્વગ્રાહી કાયદામાં સમાવી લેવા જોઈએ ચાહે તે ઑનલાઈન હોય કે પછી અલગ-અલગ મીડિયા પર ઓફર કરાતા હોય.

ભારતમાં અંદાજે ૩૬૦૦ અબજ રૂપિયાનું જુગાર અને માર્કેટ છે તેમ ૨૦૧૦ના કેપીએમજી રિપોર્ટમાં કહેવાયું છે. ૨૦૧૮માં આ આંકડો ઘણો વધ્યો હોઈ શકે.

અહીં લોટરીને પણ યાદ કરી લઈએ. ૧૩ રાજ્યો સિવાય સમગ્ર ભારતમાં લોટરી પર પ્રતિબંધ છે. સુપ્રીમ કૉર્ટે કહ્યું છે કે લોટરી વેચવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણી શકાય નહીં. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, મધ્યપ્રદેશ, ગોવા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર અને નાગાલેન્ડમાં લોટરી વેચવાની છૂટ છે જ્યારે કેરળમાં તો રાજ્ય સરકાર પોતે જ લોટરી બહાર પાડે છે!

જો આ રીતે જ જેના પર અંકુશ લાવી ન શકાતો હોય તેને કાયદા દ્વારા માન્ય કરવાનું હોય તો તો પછી ડ્રગ્સ, દારૂ, વેશ્યાવૃત્તિ, ચોરી, લૂંટફાટ, હત્યા, એક કા દો એવી પૉન્ઝી સ્કીમ બધાને કાયદા દ્વારા માન્ય કરવાની વાત આવતી કાલે આવશે.

આ બધાને કારણે સરકારને આવક તો થશે પરંતુ દરેક બાબતમાં આવક ન જોવાની હોય તેની સામાજિક અસરો પણ વિચારવી પડે.

કાયદા પંચે એવી પણ વાહિયાત દલીલ કરી છે કે જો સટ્ટો અને જુગાર કાયદેસર હોત તો મહાભારતનું યુદ્ધ થયું જ ન હોત. આ રીતે તો એમ પણ કહી શકાય કે જો વ્યભિચાર કાયદેસર હોત તો રામાયણનું યુદ્ધ થયું જ ન હોત.

સરકારે કાયદા પંચના આ અહેવાલને અને ભલામણોને કચરા ટોપલીમાં જ પધરાવવા જોઈએ.

Advertisements
legal, sanjog news, society, vichar valonun

કેરળ હાઇકૉર્ટે ૨૦૧૩માં એટ્રૉસિટી ઍક્ટ અંગે શું ચુકાદો આપ્યો હતો?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૮/૪/૧૮)

દલિતો અને આદિવાસીઓ રોષે ભરાયા છે કેમ કે, એસસી-એસટી (અત્યાચાર અટકાયત) અધિનિયમ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પહેલાં તપાસ થાય પછી આરોપીની ધરપકડ કરવા આદેશ આપ્યો હતો. ૩૦ માર્ચે જ મોદી સરકારે તેની સામે રિવ્યૂ પિટિશન કરવા નિર્ણય લઈ લીધો હતો. પરંતુ તેમ છતાં કૉર્ટના નિયમ પ્રમાણે ૨ એપ્રિલે જ સમીક્ષા પિટિશન દાખલ થવાની હતી, તો પણ દલિત સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું તે ચાલુ રાખ્યું અને અંતે તે હિંસક બન્યું. આ બંધને કૉંગ્રેસ અને લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)એ ટેકો આપ્યો હતો. એટલે એ આક્ષેપ થાય તે સ્વાભાવિક છે કે આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે.

તોફાનો ભાજપ શાસિત રાજ્યોમાં થયાં છે તેથી ભાજપનો આક્ષેપ એ પણ છે કે હારેલા વિપક્ષો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી તેમજ આવનારા મહિનાઓમાં યોજાનારી મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન વગેરેની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવા ઉશ્કેરણીજનક મુદ્દાઓને વેગ આપી રહ્યા છે. દરમિયાનમાં, ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુક વપરાશકારોનો ડેટા લીક કર્યો હોવાના વિશ્વભરમાં આરોપો લાગી રહ્યા છે અને તેને ફેસબુકના માર્ક ઝુકરબર્ગે સ્વીકાર્યા પણ છે. આ કૌભાંડ ઉઘાડું પાડનાર કેમ્બ્રિજ એનાલિટિકામાં પૂર્વ ડિરેક્ટર ક્રિસ્ટૉફર વાઇલીએ કહ્યું છે કે આ કંપનીની એક ગ્રાહક કૉંગ્રેસ પક્ષ પણ હતી. ગત ઑક્ટોબર ૨૦૧૭માં સમાચાર હતા કે ડૉનાલ્ડ ટ્રમ્પને જિતાડનાર કેમ્બ્રિજ એનાલિટિકાની મદદ કૉંગ્રેસ લઈ રહી છે.

હવે ફેસબુક-કેમ્બ્રિજ એનાલિટિકા અને રશિયાની અમેરિકામાં વર્ગવિગ્રહ ફેલાવનારી જાહેરાતો જે અંતે ટ્રમ્પને વિજયી બનાવવામાં મદદરૂપ સાબિત થઈ તેના પરથી એક શંકા એવી સેવાઈ રહી છે કે ભારતમાં પણ આ પ્રકારની વર્ગવિગ્રહ ફેલાવનારી ગતિવિધિઓ થઈ રહી છે કે કેમ? આની પાછળ કેમ્બ્રિજ એનાલિટિકાનો હાથ છે કે કેમ? કેમ્બ્રિજ એનાલિટિકાના અધિકારીઓએ તો પોતાના ગ્રાહકોને ચૂંટણી જિતાડવા લાંચથી લઈને વેશ્યાઓ પૂરી પાડવા સુધી તમામ રસ્તાઓ પોતે અપનાવતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. આ વાત બહુ જ ચોંકાવનારી છે અને કેમ્બ્રિજ એનાલિટિકાના (હવે પૂર્વ) સીઇઓ એલેક્ઝાન્ડર નિક્સની ઑફિસમાં તેમની કોઈ ભારતીય જેવા વ્યક્તિ સાથે હાથ મિલાવતી વખતે પાછળ કૉંગ્રેસના ચૂંટણી પ્રતીક અને સાથે કૉંગ્રેસના સૂત્રવાળી તસવીરે ખળભળાટ મચાવી દીધો છે.

આથી જ વર્ષ ૨૦૧૫થી જે કંઈ આંદોલનો થઈ રહ્યાં છે તે આંદોલનોને આ બધી પશ્ચાદ ભૂમિકા સાથે પણ જોવા જરૂરી છે. પાટીદાર આંદોલન હોય કે ઓબીસી આંદોલન, કે પછી દલિત આંદોલન (ઊના કાંડ પછી), મરાઠા આંદોલન હોય કે જાટ આંદોલન, કર્ણાટકમાં કૉંગ્રેસ સરકાર દ્વારા લિંગાયત સમુદાયને હિન્દુથી અલગ ગણી તેમને લઘુમતી જાહેર કરવી…આ બધી જ કડી જોડીને કૉંગ્રેસ પર ‘બ્રેકિંગ ઇન્ડિયા’નો આક્ષેપ થાય તે સ્વાભાવિક છે, પરંતુ કૉંગ્રેસ તેનો ઈનકાર કરે છે. કૉંગ્રેસ એક વિપક્ષ તરીકે તેની સમક્ષ કોઈ પણ મુદ્દો આવે તો તેનો સરકાર વિરોધી ઉપયોગ કરવાની જ છે તે માનીને સરકારે ચાલવું જોઈએ. આથી સરકારે ધ્યાન રાખવું ઘટે કે તે કોઈ મુદ્દો કૉંગ્રેસને તાસક પર હાથ ન ધરે.

વર્તમાનમાં દલિતો અને આદિવાસીઓમાં ભારે રોષ છે. તેનું કારણ એટ્રોસિટી ઍક્ટ અંગે સુપ્રીમ કૉર્ટનો ચુકાદો છે. એમ કહેવાય છે કે સુપ્રીમ કૉર્ટ પણ મોદી સરકારના ઈશારે ચાલે છે. સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર બ્રાહ્મણ છે. આ બધાના કારણે આવો ચુકાદો આવ્યો. આવો ઘણો અપપ્રચાર ચાલે છે. આમ, પણ ચાર ન્યાયમૂર્તિઓએ દીપક મિશ્ર સામે જાહેરમાં પત્રકાર પરિષદ કરીને ન્યાયતંત્રની વિશ્વસનીયતા ખોરવી નાખવા પ્રયાસ કર્યો જ હતો. તે પછી આ એટ્રોસિટી અંગેનો ચુકાદો કે જે કોઈ ચુકાદો આવે તેને ન્યાયતંત્ર અને મોદી સરકારની મિલીભગત સાથે જોડીને જોવામાં આવે તે સ્વાભાવિક છે.

પરંતુ અહીં કેટલાંક બીજાં ન્યાયાલયોના ચુકાદા કે અવલોકન પર નજર કરવાની જરૂર છે જે ભાજપ ઇત્તર પક્ષની સરકારોના શાસનકાળ વખતે અપાયા છે. ૧૨ માર્ચ ૨૦૧૩ના રોજ કેરળ ઉચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે કોઈ પણ વ્યક્તિને અનુસૂચિત જાતિ (એસસી) કે અનુસૂચિત જનજાતિ (એસટી)ના સભ્યો સામે અત્યાચારો માટે દોષી ઠેરવી ન શકાય, સિવાય કે ગુનો વંશીય પૂર્વગ્રહ સાથે આચરવામાં આવ્યો હોવાનું પુરવાર થાય. આ સમયે કેન્દ્રમાં અને કેરળમાં કોની સરકાર હતી? બંને જગ્યાએ કૉંગ્રેસની સરકાર હતી! શું આને એમ ગણીશું કે કૉંગ્રેસ અને ન્યાયતંત્રની મિલીભગત હોવાથી કેરળના ઉચ્ચ ન્યાયાલયે આવો ચુકાદો આપ્યો?

હવે આવી જાવ તમિલનાડુમાં. તમિલનાડુમાં જયલલિતાએ આ વર્ષ ૨૦૧૩ના વર્ષમાં પીએમકે નામના એક પક્ષ પર દલિતોને ઉશ્કેરવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે પીએમકેના કાર્યકરોએ દારૂ પી એક ગામમાં ઘૂસી ત્યાં ઝૂંપડાં સળગાવ્યાં હતાં અને સરકારી વાહનોને પણ આગ લગાડી હતી. પીએમકેના નેતા એસ. રામદોસ સામે મહાબલીપુરમ્ માં એક કેસ પણ નોંધવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું. આ પશ્ચાદ ભૂમિકા એટલા માટે આપી કારણકે રામદોસ દલિત વિરોધી નથી તે વાત સ્પષ્ટ થાય. આ જ રામદોસે આ ઘટનાના ચાર વર્ષ પહેલાં ૨૦૦૯માં શું કહ્યું હતું?

તેમણે કહ્યું હતું કે ઍટ્રૉસિટી ઍક્ટના દુરુપયોગના વધતા જતા કિસ્સાઓ ચિંતાજનક છે. રાજકીય વિરોધીઓને મૂંગા કરવા માટે આ કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો છે. તેમણે આ માટે આધાર પણ આપ્યો હતો.

હવે વર્ષ ૨૦૧૦માં આવી જાવ. આંધ્ર પ્રદેશની પોલીસે અંગત વેર વાળવા એટ્રૉસિટી ઍક્ટનો દુરુપયોગ થતો હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. શ્રીકકુલમના ડીએસપી ટી. પનાસા રેડ્ડીએ તમામ પોલીસ અધિકારીઓને જે લોકો એટ્રૉસિટી ઍક્ટની ખોટી ફરિયાદ કરે તેમની સામે આઈપીસીની કલમ ૧૭૭ હેઠળ કેસ નોંધવા સૂચના આપી હતી. ૨૦૧૦માં કેન્દ્રમાં અને આંધ્ર પ્રદેશમાં કોની સરકાર હતી? કૉંગ્રેસની. ન્યાયતંત્ર તો સીધું સરકારના હાથ નીચે હોવાનો આક્ષેપ ન કરી શકાય પણ પોલીસ તંત્ર તો સીધું સરકાર હેઠળ આવે ને. ત્યારે કેમ આ કથિત દલિત હિતેચ્છુઓએ આવું ભારતબંધનું એલાન ન આપ્યું? કેમ ત્યારે કોઈ હિંસા ન થઈ?

ચાલો, હવે વર્તમાનમાં આવી જાવ. સુપ્રીમ કૉર્ટનો ચુકાદો આવ્યો તે પછી એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં, ‘વ્હાય આઈ એમ નૉટ હિન્દુ’ પુસ્તક લખનાર દલિત અધિકારો માટે લડતા કાંચા ઇલૈયા (જેમણે હવે પોતાની અટક કે નામમાં શૅફર્ડ ઉમેર્યું છે)એ કહ્યું છે કે ભાજપે તેના એક દલિત સાંસદ પાસે તેમની સામે ઍટ્રૉસિટી ઍક્ટ હેઠળ ખોટો કેસ કરાવ્યો હતો. અર્થાત્ કાંચા ઈલૈયા પણ સ્વીકારે છે કે આ અધિનિયમનો દુરુપયોગ થાય છે.

એક અંગ્રેજી અખબારનો ૨૩ માર્ચ ૨૦૧૮નો અહેવાલ કહે છે કે સુપ્રીમ કૉર્ટનો એટ્રૉસિટી ઍક્ટ અંગે તાજેતરનો ચુકાદો સંસદીય સમિતિના એક અહેવાલ પર આધારિત છે. અને આ સંસદીય સમિતિનો અહેવાલ કયા મુદ્દા પર હતો અને આ સમિતિમાં કોણકોણ હતું? ૧૯ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ભાજપના સાંસદ રમેશ બૈસની અધ્યક્ષતામાં આ સમિતિએ અહેવાલ આપ્યો હતો જેમાં કહેવાયું હતું કે એટ્રૉસિટી ઍક્ટનો દુરુપયોગ કરાઈ રહ્યો છે અને તેની સામે અત્યારના કાયદા અપૂરતા છે. આ સમિતિમાં ભાજપના ૧૩ સાંસદો હતા. તેમાં આદિવાસી મંત્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર (ગુજરાતના દાહોદના આદિવાસી સાંસદ), અગ્રણી દલિત આગેવાન ઉદિત રાજ, પૂર્વ લોકસભા નાયબ અધ્યક્ષ કારિયા મુંડા (આદિવાસી) છે. ચાલો, આ તો બધા ભાજપના છે તેથી ભાજપ કહે તેમ કરે, પણ આ સમિતિમાં માત્ર ભાજપના સભ્યો ન ચાલે. સંસદની સમિતિમાં શાસક અને વિપક્ષના સભ્યો પણ હોય. તેમાં કૉંગ્રેસના પાંચ સભ્યો હતાં. દલિતો અને મુસ્લિમોનું સમીકરણ રચી ચૂંટણી જિતવા ઘણા સમયથી મથી રહેલા એઆઈએમઆઈએમના અસાઉદ્દીન ઓવૈસી પણ હતા. ઉપરાંત એનસીપી, મોદી સરકાર સામે કોઈ પણ મુદ્દે તાતા તીર છોડતી શિવસેના, એઆઈએડીએમકે, ટીઆરએસ, બીજેડી, અત્યારે માફી માગવામાં વ્યસ્ત કેજરીવાલના આમ આદમી પાર્ટી, દલિતો અને ખેડૂતોના મુદ્દે ફરીથી રાજકારણમાં ચમકવાના ધખારા સેવતા સીપીએમ, મમતા બેનર્જીના તૃણમૂલ કૉંગ્રેસ અને દલિતોના મસીહાનું બિરુદ મેળવનાર માયાવતીના પક્ષ બીએસપીના સાંસદ પણ હતા. કુલ ૩૦ સાંસદોની સમિતિમાં ભાજપના માત્ર ૧૩ સભ્યો જ હતા. એટલે કે બહુમતી ૧૭ સાંસદો તો વિપક્ષના હતા!

સુપ્રીમ કૉર્ટે ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ ચુકાદો આ સમિતિના અહેવાલના આધારે આપ્યો છે. તેણે એમ કહ્યું છે કે “સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખી કલમ ૨૧ હેઠળ બંધારણીય બાંયધરીનો અમલ કરવા સુરક્ષાત્મક પગલાં જરૂરી છે, જેથી આપખુદી રીતે ધરપકડ કે ખોટી સંડોવણી સામે લોકોની સુરક્ષા કરી શકાય.”

હવે પ્રશ્ન એ છે કે કાયદો યથાતથ રાખવાથી શું દલિતો પર અત્યાચાર બંધ થઈ જશે? ફેર તો પડશે. પરંતુ તેનાથી વૈમનસ્ય ઘટવાના બદલે વધશે નહીં? સામે પક્ષે કથિત સવર્ણોએ પણ હવે વિચારવા જેવું છે કે ક્યાં સુધી દલિતોને અસ્પૃશ્ય ગણી ધિક્કાર્યા કરીશું? તેમને કૂવા, સ્મશાન, મંદિરમાં પરવાનગી નહીં આપીએ? અલબત્ત, વધતા જતા શહેરીકરણે હવે સવર્ણ-દલિતની ખાઈ ઘટાડી છે. પરંતુ કેટલીક એનજીઓ જેમની દુકાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંધ કરી છે તે તેમજ (સંભવતઃ) કેમ્બ્રિજ એનાલિટિકા, (સંભવતઃ) વિદેશો ભારત મહાન ન બને, ભારત એક ન બને તે માટે દલિત વિરુદ્ધ સવર્ણો, આદિવાસી વિરુદ્ધ અન્યના ઝઘડા વધારવા વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે અને તાજેતરમાં તેમાં વધારો થયો હોય તેમ લાગે છે. આ પ્રયાસોના હાથા ન બનીએ તે દરેક નાગરિકે વિચારવા જેવું છે.

film, gujarat guardian, legal

સલમાન ગુડ કે બેડ? સવાલ પર્સેપ્શનનો છે

સલમાન ખાન દોષી જાહેર થયો. સજા જાહેર થઈ. જામીન મળી ગયા. આ ઘટનાક્રમ પર આખું ભારત અત્યારે વહેંચાયેલું છે. એના વિપક્ષમાં અને પક્ષમાં દલીલોથી સોશિયલ મિડિયા છલકાઈ રહ્યું છે. એને જે રીતે જામીન મળી ગયા એ તો કાયદાની મજાક જ છે, પણ કોઈ લાલુપ્રસાદ યાદવને યાદ કરતું નથી જેમને ચૂંટણી પહેલાં જામીન મળી ગયા છે અને તેઓ પોતે ચૂંટણી લડવા તો ગેરકાયદે ઠર્યા પરંતુ તેમણે પોતાની દીકરીને ચૂંટણી લડાવી, અને હવે બિહારમાં વિધાનસભાની ચૂંટણી પણ જનતા પરિવારના નામે લડાવશે. એમાં કોઈ બેમત નથી કે આપણે ત્યાં ગરીબ માટે કાયદો અલગ છે અને વગદાર, પૈસાદાર, ખેલાડી, અભિનેતા તેમજ નેતા માટે કાયદા અલગ છે. જોકે અભિનેતા-અભિનેતામાંય ફરક હોય છે.

રઘુવીર યાદવ, શાઈની આહુજા જેવા ઓછું રળી આપતા અભિનેતાઓ માટે કાયદો અલગ છે અને સલમાન, શાહરુખ અને આમીર માટે કાયદા અલગ છે. સલમાનની વાત કરતી વખતે આમીરને ચિંકારા કેસમાં ગુજરાત હાઇ કોર્ટ તરફથી છૂટ મળી ગઈ એ વાત દબાઈ ગઈ છે. આદિત્ય પંચોલી જેવા માથાભારે સ્ટાર વારંવાર મારામારી કરે છે અને તેમ છતાં તેની સામે નહીંવત્ જેવી કાર્યવાહી થાય છે.

એટલે એક રીતે, અભિનેતા હોય કે કોઈ બીજા ક્ષેત્રની વ્યક્તિ, તે ક્ષેત્રમાં ટોચે પહોંચવા માત્ર પ્રતિભાની જરૂર નથી. સંબંધો, ઓળખાણ તેમજ તે ક્ષેત્રમાં પ્રવર્તતા રાજકારણમાં પોતાનો પગ જમાવવાની કળા પણ આત્મસાત્ હોવી જોઈએ. અને તદુપરાંત મસલ્સ પાવર પણ હોવો જોઈએ. દા.ત. બોલિવૂડમાં અંદર રહેવા માટે અંડરવર્લ્ડ કનેક્શન મજબૂત હોવા જરૂરી છે.

સલમાન ખાનને સજા જાહેર થઈ (મળી તે શબ્દ ખોટો છે કેમ કે તેણે ભોગવવી શરૂ નથી કરી) તે વખતે ચેનલ પર અને સોશિયલ મિડિયા પર તેની વિરુદ્ધ અને તરફેણમાં અભિપ્રાયોનો મારો ચાલુ થઈ ગયો. અમુક ફાંકાબાજોએ તો લખી નાખ્યું કે જોયું અમે કહ્યું તે સાચું પડ્યું. સલમાનને ઝાઝી સજા ન થઈ. હકીકત એ છે કે સલમાન સામે અગાઉ કેસ મોળો જ હતો.

જે વખતે સલમાન ખાનનો હિટ એન્ડ રનનો કેસ બન્યો તે વખતે કૉંગ્રેસ-એનસીપીની સરકાર હતી. તે વખતે ૧૦ દિવસમાં સલમાન ખાનની જેલમાંથી મુક્તિ થઈ ગઈ હતી. તે જેલમાં ગયો ત્યારે મુસ્લિમ ટોપી પહેરીને ગયો હતો. કદાચ એટલે કે તેને મુસ્લિમ હોવાના કારણે સહાનુભૂતિ મળી જાય. એ વખતે શિવસેના અને ભાજપ બંને વિપક્ષમાં હતા અને તેમણે આ મુદ્દે ભારત ગજવી દીધું હતું. સલમાન ખાન તે વખતે તેમના માટે એક મુદ્દો હતો એ બતાવવાનો કે કૉંગ્રેસ-એનસીપી  સરકાર મુસ્લિમ તુષ્ટીકરણ કરે છે. આથી વિપક્ષના દબાણમાં આવીને એનસીપીના નેતા અને ગૃહ પ્રધાન છગન ભુજબળે કલમ ૩૦૪ ભાગ બે જેવી વધુ કઠોર કલમ હેઠળ સલમાનની ફરી ધરપકડ કરવાનો આદેશ આપી દીધો.

અગાઉ સલમાન સામે કલમ ૩૦૪ એ હેઠળ ગુનો નોંધાયો હતો જેના માટે તેને મહત્તમ બે વર્ષની જ સજા થઈ શકે તેમ હતી. હવે તેના પર સદોષ માનવવધ, પરંતુ હત્યા નહીંનો આરોપ મૂકાયો હતો જે હેઠળ તેને દસ વર્ષની જેલની સજા થઈ શકે તેમ હતી.

પરંતુ એ વખતે ભાજપ-શિવસેનાએ સલમાન ખાન સામે કઠોર કાર્યવાહી કરવા માગણી કરી અને અત્યારે જે પેઢીના લોકો સલમાન ખાનને સજા થવી યોગ્ય ગણાવી રહ્યા છે, તેમનો સલમાન વિરુદ્ધ મત કેમ બંધાયો? વાત અવધારણા અથવા પર્સેપ્શનની છે. જેમ કે, એક કુટુંબમાં પતિ-પત્ની, દીકરી અને દીકરો રહે છે. દીકરો મોટો છે. તેણે બાપ અને માના ઝઘડા જોયા છે. બાપને માને મારતો જોયો છે. માને રડતી જોઈ છે. આથી દીકરીના મગજમાં તેના પિતા વિશે કેવી અવધારણા (પર્સેપ્શન) બંધાવાનું? એ જ કે તેના પિતા ખૂબ જ ખરાબ છે. તેની માને બહુ જ હેરાન કરે છે. મારે છે. બની શકે કે આ ઝઘડાના કારણે પિતાએ દીકરી પર તેના તોફાનના કારણે કે અન્ય કોઈ કારણસર હાથ ઉપાડ્યો હોય. આથી દીકરીના મગજમાં આ છાપ જડબેસલાક ઘૂસી જવાની. હવે જ્યારે દીકરાનો જન્મ થાય છે ત્યાં સુધીમાં માબાપ વચ્ચે મનમેળ થઈ જાય છે. પિતા પણ ઠંડા પડે છે અને કંઈક અંશે મા પણ સમાધાનકારી વલણ અપનાવી લે છે. આથી માબાપના ઝઘડા બંધ થઈ જાય છે. દીકરો જે જુએ છે તેનાથી તેના મનમાં તેના પિતા પ્રત્યે સારી છાપ બંધાય છે. વ્યક્તિ એક જ છે. પિતા એક જ છે, પણ તેની દીકરી અને દીકરા બંને તેને અલગ-અલગ રીતે જુએ છે.

સલમાન ખાન વિશે તે વખતે ભાજપનું જે પર્સેપ્શન હતું તે અત્યારે બદલાઈ ગયું છે. એ કેમ બદલાઈ  ગયું તેની પછી વાત કરીશું, પણ તે વખતે આવું પર્સેપ્શન કેમ હતું અને ૩૦ની ઉપરની પેઢીના લોકો તેને કેમ ગુનેગાર માને છે તે પાછળની હકીકત વર્ણવીએ.

૧૯૯૯માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ વખતે રાજસ્થાનમાં સલમાન ખાન, સૈફ, તબુ, નીલમ વગેરે કાળિયારનો શિકાર કરવા ગયા. આ કેસમાં ફસાયા. એ જ અરસામાં એ વખતે યુવાન હોઈ ગરમ મગજના સલમાનનો પત્રકાર કે ફોટોગ્રાફર સાથે ઝઘડો થયો. એટલે મિડિયા પણ તેની પાછળ પડી ગયું. એ વખતે એવા સમાચાર પણ આવ્યા હતા કે ‘હમ દિલ દે ચૂકે સનમ’ વખતે સલમાને સેટ પર પૂજા થયા પછી આરતી લેવાનો ઈનકાર કરી દીધો હતો. આમ તેની હિન્દુ વિરોધી છબી બંધાઈ. સલમાન ખાન તેની પ્રેમિકાઓ પ્રત્યે વધુ અધિકારભાવના રાખતો હતો. એક વાર સોમી અલીના માથે જાહેરમાં તેણે એક ઠંડા પીણાની બોટલ ફોડી અથવા તો ઠંડું પીણું રેડ્યું હતું. જોકે બાદમાં એક મુલાકાતમાં સોમી અલીએ આ વાતનો ઈનકાર કર્યો હતો, પરંતુ એ ઈનકાર સલમાનના દબાણમાં હોવાનું લોકોએ માન્યું. અથવા તો એ ઈનકાર લોકોના ધ્યાનમાં એટલો ન આવ્યો જેટલા પીણું રેડવાના સમાચાર આવ્યા.

‘હમ દિલ દે ચૂકે સનમ’ ફિલ્મ પછી સલમાન અને ઐશ્વર્યા રાય નજીક આવી ગયા હતા. પરંતુ સલમાનની અધિકારભાવનાથી કંટાળીને કે પછી તેનો ઉપયોગ પૂરો થઈ ગયાનું લાગતા, ગમે તે કારણોસર, ઐશ્વર્યા તેનાથી અંતર રાખવા લાગી હતી. એક રાત્રે સલમાને ઐશ્વર્યાના ઘર બહાર તમાશો કર્યો હતો જેનાથી ઐશ્વર્યાના પડોશીઓ પણ ત્રાસી ગયા હતા. સલમાન ખાને કથિત રીતે ઐશ્વર્યાને મારી પણ હતી જેના મોઢા પર નિશાન હતા. આથી એ વખતે ઐશ્વર્યા રાય ફિલ્મફેર સમારંભમાં ચશ્મા પહેરીને આવી હતી. એવા સમયમાં ઐશ્વર્યા રાયને વિવેક ઓબેરોય નામનો નવોદિત અભિનેતા તરણોપાય લાગ્યો. તો વિવેકને સલમાને ધમકાવવાનું ચાલુ કર્યું હતું. સલમાને તેને ૪૩ કોલ કર્યા હતા, જે માટે વિવેકે એ વખતે પત્રકાર પરિષદ કરી હતી. એ પછી વિવેકની કારકિર્દીનું શું થયું તે બધા જાણે છે. વિવેકે એક કાર્યક્રમમાં સ્ટેજ પર જાહેરમાં કાનની બે બૂટ પકડીને સલમાનની માફી માગવી પડી હતી.

ઈ.સ. ૨૦૦૫માં અંગ્રેજી અખબાર ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની મુંબઈ આવૃત્તિ લોંચ થઈ રહી હતી તે વખતે તેણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેની કથિત વાતચીતની ટેપના સમાચાર પ્રકાશિત કર્યા. આ ટેપમાં થયેલી વાતચીત સાંભળો તો સલમાન વિશેની છબી વધુ ખરાબ બન્યા વગર ન રહે. તેમાં સલમાન ચોખ્ખું સ્વીકારે છે કે તે છોટા શકીલનો માણસ છે. તેને અંડર વર્લ્ડ સાથે સારા સંબંધ છે. તેને અબુ સાલેમ સાથે સારા સંબંધ છે. તે ઐશ્વર્યા રાયને કોઈ શોમાં ભાગ લેવા માટે દબાણ કરે છે. તે સ્વીકારે છે કે ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’માં અંડર વર્લ્ડના પૈસા લાગેલા છે તે તેને ખબર હતી. તે ઐશ્વર્યા રાય અને આમીર ખાન વિશે ખૂબ જ ગંદી વાત કરે છે.

આ ટેપ પછી ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, મહારાષ્ટ્રમાં સલમાન ખાનની ફિલ્મ ‘મૈંને  પ્યાર ક્યોં કિયા’નું થિયેટરમાં પ્રસારણ ભાજપ, વિહિપ, શિવસેનાના કહેવાતા કાર્યકર્તાઓએ અટકાવી દીધું હતું.

આ થયો સલમાન પ્રત્યે ‘બેડ બોય’ની ઇમેજ બનાવતો એક ભાગ.

હવે અત્યારે ભાજપ સલમાન ખાન વિરુદ્ધ એટલું નથી દેખાતું અથવા ઘણા લોકો તેની સજા ઓછી થાય તેવી તરફેણમાં છે. સલમાન ખાન વિશે સારું પર્સેપ્શન કેમ બન્યું?

જ્યારે શાહરુખ ખાન ‘માય નેમ ઇઝ ખાન’ની ફિલ્મની રજૂઆતના કેટલાક સમય પહેલાં અમેરિકા ગયો હતો ત્યારે તેણે વિવાદ જગાવેલો. તેણે એમ કહ્યું હતું કે તેની અટક ખાન હોવાથી (બિકોઝ માય નેમ ઇઝ ખાન) અમેરિકાના એરપોર્ટ પર મને અટકાવવામાં આવ્યો. સ્વાભાવિક જ આ ઘટનાની પ્રતિક્રિયા માગવા માટે પત્રકારો સલમાન ખાન પાસે ગયા. સલમાને કહ્યું કે મોટા ભાગના ત્રાસવાદીઓ મુસ્લિમો હોય છે તેથી સ્વાભાવિક છે કે મુસ્લિમો સામે તપાસ થાય. એમાં ખોટું શું છે?

સલમાન ખાન હવે મનથી નહીં મગજથી કામ લેવા લાગ્યો હતો, તે પત્રકારો સામે ઉશ્કેરાયા વગર જવાબ આપતો હતો. તે તેની પ્રેમિકા કેટરીના કૈફ સામે અધિકારભાવના રાખતો હોવાના સમાચાર એટલા નહોતા આવતા જેટલા ઐશ્વર્યાના આવતા હતા. તેણે બીઇંગ હ્યુમન નામની એનજીઓ ખોલીને બાળકો સહિત લોકોની મદદ કરવાની શરૂ કરી હતી. તેણે ગોવિંદા જેવા એક સમયના તેનાથી પણ ચડિયાતા અભિનેતાને ફરી લોંચ કરવામાં ભૂમિકા ભજવી. અનેક હિરોઇનોને લોંચિંગ પેડ આપ્યું. હિમેશ રેશમિયા, સાજિદ વાજિદ જેવા સંગીતકારો માટે અને બીજા અનેક કલાકારો માટે તે ગોડફાધર બન્યો. તે જાહેરમાં ગણેશપૂજા કરવા લાગ્યો. તેના પિતા સલીમ ખાન પણ અખબારોમાં ત્રાસવાદ અને મુસ્લિમ જોડાણ પર અખબારોમાં લેખ લખવા લાગ્યા.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણી સમયે સલમાન ખાને તત્કાલીન મુખ્ય પ્રધાન અને વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે પતંગ ચગાવ્યો. આમ, ગણેશ પૂજા અને મોદી સાથે નિકટતાના કારણે ઓવૈસી જેવા કટ્ટર મુસ્લિમોની નારાજગી મેળવી. તેની ફિલ્મો એક પછી એક હિટ જઈ રહી હતી. તેનો ટીવી શો ‘દસ કા દમ’ પણ હિટ ગયો. ‘બિગ બોસ’માં તેનું સંચાલન લોકોને ઘણું પસંદ પડ્યું.

ભાજપ જેવા પક્ષનું સલમાન ખાન પ્રત્યે આ કારણોસર પર્સેપ્શન બદલાઈ ગયું. ઈ.સ. ૨૦૧૦માં શિવસેનાએ જાહેર કરી દીધું હતું કે સલમાન ખાનનું કુટુંબ દેશભક્ત છે. તો જોધપુરમાં ચાલી રહેલા કાળિયાર કેસ બાબતે કૉર્ટમાં સલમાનને પૂછવામાં આવ્યું કે તે કયા ધર્મનો છે, ત્યારે સલમાને કહેલું – સૌથી પહેલાં તે ભારતીય છે. પછી તેણે આગળ કહ્યું કે તે હિન્દુ અને મુસ્લિમ બંને છે. શિવસેનાના ‘સામના’માં આ નિવેદનની પ્રશંસા કરવામાં આવી. સલમાનને દોષી જાહેર કરાયો ત્યારે એક સમયે જે શિવસેનામાં હતા તેવા રાજ ઠાકરે સલમાનને મળવા ગયા. એક સમયે શિવસેનામાં હતા તેવા નારાયણ રાણેના દીકરા નીતીશ રાણે સલમાનને મળવા ગયા. આ ઘટનાની કોણે નિંદા કરી? શરૂઆતમાં સલમાનને બચાવવા જે કૉંગ્રેસ-એનસીપીની સરકારે પ્રયાસ કર્યા હતા તે એનસીપીના વડા શરદ પવારે! આમ, સલમાનના ટેકેદાર રાજકીય પક્ષો બદલાઈ ગયા! ભાજપ-શિવસેનાને તાજા હિન્દુવાદી સલમાનનો ખપ છે જ્યારે હવે પવાર જેવાઓને તેનો ખપ નથી કારણ કે મુસ્લિમો સલમાન વિરુદ્ધમાં છે.

જે લોકોએ ૨૦૦૬ પછીના સલમાનને જોયો છે અથવા જેમના મનમાં સલમાનના તાજાં સંસ્મરણો છે તેમને સલમાન ‘ગુડ બોય’ લાગવાનો અને જેમણે ૨૦૦૬ પહેલાંનો સલમાન જોયો છે તેમને સલમાન ‘બેડ બોય’ લાગવાનો. મામલા પર્સેપ્શન કા હૈ ભાઈ! પણ એક વાત તો સ્પષ્ટ છે, કરેલા ગુનાની સજા તેને મળવી જ રહી, પછી તે ‘ગુડ બોય’ હોય કે ‘બેડબોય’.

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧૩/૫/૧૫ના રોજ આ લેખ છપાયો.)