Posted in media, national, sanjog news, vichar valonun

આત્મમંથનની જરૂર સત્તા અને મિડિયા-બંને પક્ષે છે

(વિચારવલોણુ કૉલમ, સંજોગ ન્યૂઝ, ૧૪/૧/૧૮)

સત્તા અને પત્રકારો મોટા ભાગે સામસામા જ રહેતા આવ્યા છે. સત્તાને સાચા પત્રકારો ક્યારેય ગમ્યા નથી. આધાર કાર્ડનો ડેટા ગુપ્ત નથી, માત્ર રૂ. ૫૦૦ (જે આજના જમાનામાં ક્ષુલ્લક રકમ ગણાય છે)  આપો તો કેટલાક લોકો આધાર નંબર આપે છે તેવો પીઠ થાબડવા જેવો રિપૉર્ટ ટ્રિબ્યૂનની પત્રકાર રચના ખૈરાએ બહાર પાડ્યો. પગલાં ડેટા લીક કરનારા લોકો સામે લેવા જોઈતા હતા, પરંતુ આધાર કાર્ડની બાબત જેની સત્તા હેઠળ આવે છે તે યુનિક આઇડેન્ટિફિકેશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (યુઆઈડીએઆઈ)એ ‘ટ્રિબ્યૂન’ સમાચારપત્ર અને પત્રકાર રચના સામે એફઆઈઆર કરી દીધી! પરિણામ એ આવ્યું કે મિડિયા જગતે બૂમરાણ મચાવી દીધી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતરામાં છે.

દરમિયાનમાં, સર્વોચ્ચ ન્યાયાલયે એક બીજા કેસમાં કહ્યું કે પત્રકારોને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પ્રયોગ કરવા દેવો જોઈએ. એટલે મિડિયાને દોડવું હતું અને ઢાળ મળ્યો. કેસ બીજો હતો. બિહારની એક મહિલાએ સર્વોચ્ચમાં કેસ કર્યો હતો કે એક હિન્દી ટીવી સમાચાર ચેનલે તેણી અને તેના પરિવાર સામે નીંદનીય અને બદનામી થાય તેવી ટીપ્પણીઓ કરી હતી. આ મહિલા એક વરિષ્ઠ અધિકારી પિતા અને બિહારમાં મંત્રી એવી માતાની પુત્રી છે. સમાચાર ચેનલે એપ્રિલ ૨૦૧૦માં દર્શાવ્યું હતું કે ખાદ્ય સંસ્કરણ એકમ સ્થાપવા માટે તેણીને બિહાર ઇન્ડસ્ટ્રિયલ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટીએ ગેરકાયદે જમીન ફાળવી છે. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રએ કહ્યું કે આમ તો બંધારણીય રીતે બદનક્ષી થાય છે પરંતુ કથિત કૌભાંડ વિશેના સમાચારથી બદનક્ષી નથી થતી. આરોપીઓએ પોતાનો બચાવ કરવા માટે ઘણો સમય અને નાણાં વેડફ્યાં છે. લોકશાહીમાં તમારે સહન કરતા શીખવું જોઈએ.

હવે પ્રશ્ન એ થાય છે કે જો પત્રકારોને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરવા જ દેવો હોય તો સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોના માનનીય ન્યાયમૂર્તિઓના કેટલાક ચુકાદાઓ સામે કરી શકે કે કેમ? શું પત્રકારો માનનીય ન્યાયમૂર્તિઓની નહીં, પરંતુ તેમના ચુકાદાઓની ટીકા કરી શકે? જેમ કે ઉપરોક્ત કેસમાં જે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રએ પેલી મહિલાને લોકશાહીમાં સહન કરવાની સૂફિયાણી સલાહ આપી તે મિશ્રજીએ ૩૦ નવેમ્બર ૨૦૧૬ના રોજ અન્ય ન્યાયમૂર્તિ અમિતાવ રોય સાથે મળીને ચુકાદો આપેલો કે દેશભરમાં ફિલ્મ થિયેટરોમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં રાષ્ટ્રગીત વગાડવું જ પડશે. તેનાથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રવાદ જાગશે. આ જ મિશ્રજીએ ૨૪ ઑક્ટોબર ૨૦૧૭એ ચુકાદો આપતાં કહ્યું કે લોકોએ પોતાની દેશભક્તિ સાબિત કરવા સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થવાની જરૂર નથી. તેમણે એવું અવલોકન કર્યું હતું કે સમાજને નૈતિક રક્ષકોની જરૂર નથી.

આ મુ્દ્દે રાષ્ટ્રવાદી હોવાનું ગૌરવ અનુભવતી મોદી સરકારે પણ યૂ ટર્ન લીધો. પોતાના પ્રતિભાવમાં સર્વોચ્ચ ન્યાયાલયને કહ્યું કે થિયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત ન બનાવવું જોઈએ. હવે સરકાર અને ન્યાયતંત્ર એ દેશના ત્રણ પાયા પૈકીના બે છે. આ બાબતે આ બંનેની ટીકા, તેમના યૂ ટર્ન બાબતે થઈ શકે કે નહીં? જ્યારે રાષ્ટ્રગીત ફરજિયાત બનાવ્યું ત્યારે આખા દેશમાં જબરદસ્ત ચર્ચા છેડાઈ ગઈ હતી અને ત્યારે ભાજપે આ પગલાંનો બચાવ કર્યો હતો. ભાજપના સમર્થકોએ પણ તેની તરફેણ કરી હતી. ભાજપ સમર્થક અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે લોકો રેસ્ટૉરન્ટમાં રાહ જોવા ઊભા રહી શકે છે, પાર્ટીમાં લાઇનમાં ઊભા રહી શકે છે, ટિકિટ ખરીદવા લાઇનમાં ઊભા રહી શકે છે તો માત્ર બાવન સેકન્ડ વાગતા રાષ્ટ્રગીત માટે કેમ ન ઊભા રહી શકે? અને વાત સાચી પણ હતી. આ લેખકે પણ આ નિર્ણયને આવકાર્યો હતો અને તેના સમર્થનમાં એક લેખ લખ્યો હતો. પરંતુ અસાઉદ્દીન ઓવૈસી જેવા કોમવાદીઓ, લિબરલો અને સેક્યુલરોના પ્રભાવમાં આવીને હવે સરકારે યૂ ટર્ન લીધો છે તે આઘાતજનક છે. અને માનનીય મુખ્ય ન્યાયમૂર્તિ જે રાષ્ટ્રગીત વગાડવાનો ચુકાદો આપતી વખતે માત્ર ન્યાયમૂર્તિ હતા તેમણે પણ આવું વલણ કેમ દાખવ્યું? કાનૂની અને ટૅક્નિકલ વિગતો અનેક હોઈ શકે. પરંતુ સામાન્ય માનવીને કલમો અને ટૅક્નિકલ વિગતોમાં રસ હોતો નથી. તેને કાનૂની દાવપેચો સમજાતા પણ નથી. તેને તો માત્ર બે હેડિંગ જ વાંચવા મળ્યાં-અગાઉ જ્યારે ચુકાદો રાષ્ટ્રગીત વગાડવાની તરફેણમાં અપાયો ત્યારે એક હેડિંગ હશે- થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત: સુપ્રીમ કૉર્ટ. અને હાલમાં જ્યારે ચુકાદો રાષ્ટ્રગીત વખતે ઊભા ન રહેવા અંગે અપાયો ત્યારે આ હેડિંગ વાંચવા મળ્યું હશે- રાષ્ટ્રગીત વખતે ઊભા રહેવાની જરૂર નથી: સુપ્રીમ કૉર્ટ.

આવાં જ બે અલગ-અલગ હેડિંગ લોકોને અનેક કેસના ચુકાદાઓમાં વાંચવા મળ્યાં છે. આવો એક કેસ સલમાન ખાનના હિટ એન્ડ રન અકસ્માતનો હતો. ત્યારે લોકોને બે હેડિંગ વાંચવા મળેલાં. પહેલું લાઇન હતું- હિટ એન્ડ રન કેસમાં સલમાનને પાંચ વર્ષની જેલની સજા આપતી ટ્રાયલ કૉર્ટ. બીજું હેડિંગ હતું- હિટ એન્ડ રન કેસમાં સલમાનને નિર્દોષ છોડતી સુપ્રીમ કૉર્ટ. વિચાર કરો! એક જ કેસમાં આવા અલગ-અલગ નિર્ણય કઈ રીતે હોઈ શકે? આવો એક કેસ ૨-જી સ્પેક્ટ્રેમનો છે. વર્ષ ૨૦૧૨માં એક હેડલાઇન આવી જોવા મળી હતી: ૨-જી કેસમાં કૉંગ્રેસ સરકાર દ્વારા સ્પેક્ટ્રમની ફાળવણી ગેરકાયદે જાહેર કરતી સુપ્રીમ કૉર્ટ. અને હવે ૨૦૧૭માં આવી હેડલાઇન જોવા મળી. ૨-જી કેસમાં રાજા, કનીમોઝી સહિતના આરોપીઓને નિર્દોષ છોડતી સીબીઆઈ કૉર્ટ. આવું કેવી રીતે બને? પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારના પુરાવા ધોવાઈ ગયા?

જોકે આપણે અહીં ચર્ચવાનો મુખ્ય મુદ્દો ન્યાયતંત્રની વિશ્વસનીયતા નથી. મુખ્ય મુદ્દો પત્રકારોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પણ છે. સત્તાની ટીકા થવી જ જોઈએ. માત્ર સત્તા શું કામ, વિપક્ષ, આઈએએસ અધિકારીઓ, ન્યાયતંત્ર, ફિલ્મ કલાકારો, ખેલાડીઓ, એમ દરેક ક્ષેત્રમાં જે કંઈ ખોટું થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય, અનીતિઓ આચરાતી હોય તેનો કાન આમળવાની ફરજ પત્રકારોની છે. પરંતુ પત્રકારોએ અને મિડિયાએ પોતાના વિશે પણ આત્મમંથન કરવાની જરૂર છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ દુરુપયોગ ન બની જવો જોઈએ.

તાજેતરમાં ક્વિન્ટ નામની એક વેબસાઇટે કુલભૂષણ જાધવ રૉનો જાસૂસ હોવાનો રિપૉર્ટ રૉના સૂત્રોને ટાંકીને છાપ્યો. ઉહાપોહ થયો એટલે આ રિપૉર્ટ પાછો ખેંચી લીધો. પરંતુ આનાથી તો જાધવને ફાંસી મળી શકતી હતી તેમ ક્વિન્ટના તંત્રીએ અને પત્રકારે વિચાર્યું નહીં? જ્યારે મુંબઈમાં ત્રાસવાદીઓ કેર વર્તાવી રહ્યા હોય ત્યારે એનડીટીવી પર બરખા દત્ત ત્રાસવાદીઓને સીધી રીતે ન મળે તેવી માહિતી જાહેરમાં આપી રહી હોય તો તે શું રાષ્ટ્રવિરોધી કૃત્ય ન ગણાય? અને બરખા દત્ત દ્વારા આ કૃત્ય પહેલી વાર પાછું નહોતું. અગાઉ કારગિલ યુદ્ધ વખતે તેણે સૈન્યની ક્લાસિફાઇડ (એટલે કે ગુપ્ત) કહેવાય તેવી માહિતી તેણે લાઇવ પ્રસારણ (તે વખતે સ્ટાર ન્યૂઝ સાથે એનડીટીવી જોડાયેલું હતું) પર આપી દીધી હતી તેમ સેનાના લેફ્ટ. જન. મહિન્દર પુરીએ પોતાના પુસ્તક ‘કારગિલ: ટર્નિંગ ધ ટાઇડ’માં લખ્યું છે. એ વખતે માની લઈએ કે યુદ્ધ અને તેવી ઘટનાઓનું લાઇવ પ્રસારણ નવુંનવું હતું. બરખા દત્ત વર્ષોથી રિપૉર્ટિંગ કરતી હતી પરંતુ શું રિપૉર્ટિંગ કરવું જોઈએ અને શું નહીં તેનું (અને તેમાંય જ્યારે સૈન્યને લગતું રિપૉર્ટિંગ હોય) તેને ભાન નહોતું (આમ તો, આ પત્રકારત્વનું પાયાનું શિક્ષણ છે) પરંતુ શું મુંબઈ હુમલા વખતે પણ તે આ પાઠો ભૂલી ગઈ?

માત્ર બરખા દત્તની વાત નથી. માત્ર રાષ્ટ્ર વિરોધી કૃત્યોની પણ વાત નથી. પત્રકારોનાં પોતાનાં હિતો પણ સંકળાયેલાં હોય છે. પત્રકારો કે મિડિયા હાઉસના માલિકોના ભ્રષ્ટાચાર, તેમના દ્વારા અનીતિ કોઈનાથી છૂપું નથી. પત્રકારત્વએ હવે તો એટલી વિશ્વસનીયતા ગુમાવી છે કે દરેક રાજકીય પક્ષ હવે પેઇડ મિડિયાના આક્ષેપો કરતા થઈ ગયો છે. સામાન્ય માનવીની પણ આ જ લાગણી છે. કોઈના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય ત્યારે નામ છાપવું કે ન છાપવું, તેના પણ પૈસા લેવાતા હોવાના આક્ષેપો થતા હોય છે અને તેમાં સચ્ચાઈ પણ હોય છે. અને જેટલો મોટો ચર્ચિત કેસ તેટલાં વધુ નાણાં. મિડિયાના દબાણ હેઠળ ક્યારેક ન્યાયતંત્ર પણ આવી જતું હોવાનું લાગે. આરુષિ તલવારનો કેસ આનું મોટું ઉદાહરણ છે. છાપામાં કોઈ ખોટા સમાચાર ત્રણ કૉલમમાં છપાઈ જાય પછી તેનો વિરોધ થાય (એ પણ મોટા પાયે બળુકી રીતે કે કાનૂની રીતે થાય તો જ) ત્યારે તેની માફી અંદરના પાને ખૂણામાં સિંગલ કૉલમમાં છાપવાનો રિવાજ છે. બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી. જે બદનામી મોટા પાયે થઈ ગઈ હોય તે સિંગલ કૉલમમાં સ્પષ્ટતા છાપવાથી આવી શકે?

આજકાલ મિડિયા મેટ્રો સેન્ટ્રિક એટલે કે મહાનગર કેન્દ્રિત થઈ ગયું છે. દિલ્લી કે નોઇડામાં વરસાદના છાંટા પડે તો પણ આખો દિવસ સમાચાર ચેનલો પર ચલાવાતા હોય છે અને આસામ કે ઇવન ગયા વર્ષે ગુજરાતમાં પૂર આવે તો તેની એટલી નોંધ ન લેવાય. આવું જ ગુજરાતમાં છે. અમદાવાદમાં વટવામાં ગંદુ પાણી મળે એ એટલા મોટા સમાચાર નથી, પરંતુ સેટેલાઇટમાં પાણી ભરાઈ જાય તો મોટા સમાચાર છે. આનો અર્થ એ નથી કે હંમેશાં ગરીબોને પડતી તકલીફો જ દર્શાવ્યા કરવી. વાત સંતુલનની છે. પત્રકારત્વમાં કહેવાય છે કે કૂતરો માણસને કરડે એ સમાચાર નથી, માણસ કૂતરાને કરડે એ સમાચાર છે. આ વ્યાખ્યા બદલવાની જરૂર છે. સરકાર હોય કે વિપક્ષ, કોઈની માત્ર ટીકા કર્યા કરવું એ પત્રકારત્વ નથી. ન હોય ત્યાં વાંક દેખવો એ પત્રકારત્વ નથી.

હરિયાણામાં કૉંગ્રેસ સરકાર વખતે દલિત પરિવારને સળગાવી દેવાની ઘટનામાં કેન્દ્ર સરકાર સામે આંગળી ચીંધાતી વખતે કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન અને સેનાના પૂર્વ અધ્યક્ષ વી. કે. સિંહના (પત્રકાર દ્વારા વારંવાર એક ને એક સવાલ પૂછાતાં આવેલા) નિવેદનમાંથી સંદર્ભ વગર દલિતોને કૂતરા કહ્યા તેવું ચલાવવું એ ઠીક નથી અને તે જ રીતે રાહુલ ગાંધીના હાથમાંથી સરદાર પટેલની મૂર્તિ એક-બે સેકન્ડ પૂરતી સહેજ ડગી જાય તેમાં સરદાર પટેલનું અપમાન કર્યું હોવાનું ચલાવવું એ ઠીક નથી. બંને કિસ્સામાં સામેના પક્ષો તો આક્ષેપ કરવાના પરંતુ એમાં મિડિયા શા માટે હાથો બને? શિયાળામાં વહેલી સવારે કસરત કરવી (એલોપેથી, આયુર્વેદ સહિતની) તમામ પેથી હિતાવહ માને છે, પરંતુ સરકાર પતંગોત્સવની તૈયારી રૂપે બાળકો પાસે વહેલી સવારે સૂર્યનમસ્કાર કરાવે તેને વેઠ કરાવી તેવું કોઈ છાપું કહે ત્યારે પત્રકારત્વ શરમમાં મૂકાય છે.

આમ, આત્મમંથનની જરૂર બંને પક્ષે છે.

Advertisements
Posted in media

પ્રિન્ટ મિડિયા સમયબાહ્ય બને તે પહેલાં…

ઇલેક્ટ્રોનિક મિડિયામાં ભાષા અશુદ્ધિ વિશે મેં કેટલીક વાર લખ્યું છે અને તે એક શુભાશયથી. પણ તેના ઘણાં જમાં પાસાં છે તેનો સ્વીકાર કરવો પડે. પ્રિન્ટ મિડિયા વિશ્લેષણની રીતે અગાઉ અને હજુ પણ ઉણું ઉતરતું રહ્યું છે. મોટા ભાગે સમાચાર ચૂકી ન જવાય તેની જ મથામણ હોય છે કારણકે બીજા દિવસે આપણા છાપામાં આ સમાચાર નથી તેમ કહી ચોંટિયા ભરનારા અને ચાગલી કરનારા આપણા સાથીઓ જ હોય છે. આમ છતાં હું ચાર વર્ષ ગુજરાત સમાચાર અને સંદેશમાં ન્યૂઝ એડિટર (નેશનલ-ઇન્ટરનેશનલ-સ્પૉર્ટ્સ) રહ્યો ત્યારે વિશ્લેષણ અને વિશેષ વાંચન (દા.ત હિગ્ઝ બૉઝોન જેવા પ્રમાણમાં શુષ્ક ગણાય તેવા વિજ્ઞાનના વિષય પર પણ માત્ર એકાદ કલાકના સમયમાં આખું પાનું વિશેષ માહિતી સાથે કરેલું) આપવા હંમેશાં પ્રયાસ કરેલો. વન મિનિટ જેવી સમય કરતાં આગળ (૧૦૦ સમાચાર ટીવી પર પછી આવ્યા) અને ઉઘડતા સપ્તાહે જેવી ન ભૂતો ન વર્તમાન જેવી કૉલમ છાપાની મુખ્ય આવૃત્તિમાં શરૂ કરેલી. ‘ઉઘડતા સપ્તાહે’ કૉલમમાં દર સોમવારે આખા અઠવાડિયામાં બનનારી ઘટનાઓનો ચિતાર રસાળ શૈલીમાં આપતો. આ બંને કૉલમો શ્રી શ્રેયાંશભાઈ શાહને ખૂબ જ પસંદ હતી.

પહેલાં (૨૦મી સદી એટલે કે ૨૦૦૧ પહેલા) તો એટલાં પાનાં પણ નહોતાં અને એટલે જગ્યા પણ નહોતી. ઇન્ટરનેટ જેવો માહિતીનો અખૂટ અને ઇસી સેકન્ડે હાથવગો સૉર્સ પણ નહોતો. જે સૉર્સ હતાં તે હતાં દેશવિદેશના અંગ્રેજી-હિન્દી છાપાં, સામયિકો અને પુસ્તકો. દેશવિદેશનાં અંગ્રેજી અને હિન્દી સામયિકો માત્ર સમાચારપત્રોની ઑફિસો અને કેટલાક સંપન્ન લોકોનાં ઘર શોભાવતાં. મારા જેવા વાચન રસિકો ભાવનગરની બાર્ટન કે ડ્રિસ્ટ્રિક્ટ કે ગાધીસ્મૃતિનાં પુસ્તકાલયો જઈ વાંચનક્ષુધા તૃપ્ત કરતા. એટલે પૂર્તિની કોલમોમાં મોટા ભાગે સામાન્યજનોને દુલભ એવા મેગેઝિનોના ઉતારા જોવા મળતા. પરિણામે જે જાણકારી (માહિતી) મળવી જોઈએ એ નહોતી મળતી. વિકિપીડિયા પણ નહોતું. તાત્કાલિક ફેરફારો કરવા હોય તો પણ કમ્પ્યૂટરની ઝડપ, ગેલી સિસ્ટમના કારણે, પ્રિન્ટિંગ પ્રેસની છાપવાની (અત્યાર કરતાં) ઓછી ક્ષમતાના કારણે ઝડપી ફેરફારો પણ શક્ય નહોતા.

આજે બધું છે અને પાનાઓની સંખ્યા પણ સારી વધી છે તો પણ પૂર્તિ હોય કે મુખ્ય આવૃત્તિ, તેમાં વિશ્લેષણ અને ઇતિહાસનો અભાવ જોવા મળે છે. પરંતુ આ બધી ખોટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા સારી રીતે પૂરી રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય, કોઈ ચર્ચાસ્પદ રાજકીય/સામાજિક/આર્થિક/અપરાધિક ઘટના હોય, તે આ બધું ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયાના આધારે લોકો સમક્ષ આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કર આવ્યું ત્યારે અયાઝ દારૂવાલા જેવા ગ્રાફિક્સ ડિઝાઇનર અને સતપાલસિંહ છાબડા જેવા ચિત્રકારોના લીધે સારી રજૂઆત થતી. અત્યારે ગુજરાતી છાપાઓમાં ગ્રાફિક્સ અને સારા ચિત્રકાર બંનેની જબર ખોટ છે. અત્યારે જે રસ્સાકસી રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળી છે તેવી ૧૯૯૪માં પણ જોવા મળી હતી પણ મને સ્મરણમાં નથી આવતું કે એ વખતે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય, કેટલા મત જરૂરી છે, કોણે કેમ પલ્ટી મારી વગેરે છપાયું હોય. ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા આ બધી ખણખોદમાં પડે છે. રોજેરોજ ડિબેટ અને ટૉક શૉ દ્વારા બધી તરફનાં મંતવ્યો મૂકવાં પ્રયાસ થાય છે. મારા સહિત અનેક નિષ્ણાતોને બોલાવી વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જોકે તેમાં ઘણીવાર કૉંગ્રેસ-ભાજપની ચડસાચડસી અને એક બોલે ત્યારે બીજો સતત બોલબોલ કરે તેવી ચર્ચામાં અમારા જેવાને બોલવા ઓછો સમય પણ મળે તોય ઇલેક્ટ્રોનિક મિડિયા અને ડિજિટલ મિડિયા સતત આગળ વધે છે તેનાં અનેક કારણોમાં આ પણ છે. પ્રિન્ટમાં દિવ્ય ભાસ્કર આવ્યા પછી એક માન્યતા ઘર કરી ગઈ કે ટૂંકું જ વંચાય. આ વાત સાથે અંશતઃ સંમત પણ એ ટૂંકું સચોટ હોવું જોઈએ અને આવી પૂર્તિઓ મેં પણ કરી છે અને ફિલ્મ રિવ્યૂ કરતો ત્યારે ‘શોલે’ રિ-રિલીઝ થઈ ત્યારે તેની સમીક્ષા માત્ર ૨૦૦ શબ્દો કે કદાચ તેથી પણ ઓછા,માં મેં લખી છે. પણ અત્યારે ટૂંકું કરવામાં વાક્યરચનાનાં ઠેકાણાં ન હોય અથવા કામ પૂરું કરવા ‘છે’, ‘હતું’ આવે ત્યાં ડિલીટની સ્વિચ દબાવી દેવી, તેના કારણે માહિતી અધૂરી રહી જાય છે. કૉપી એડિટરનો મોટો રોલ છે પણ છાપામાં તેનું મહત્ત્વ છે જ નહિ. કૉપી એડિટરોને સૌથી ઓછું મહત્ત્વ મળે છે. ડિઝાઇનરનું વર્ચસ્વ ખોટી રીતે વધુ રહે છે. લખાણ કરતાં ફોટાની મગજમારી વધુ હોય છે. વિઝ્યુઅલ પણ અગત્યનું છે જ પણ કન્ટેન્ટના ભોગે નહિ. આના લીધે જે માહિતી અને વિશ્લેષણ આવવું જોઈએ તે પ્રિન્ટ થકી મળતું નથી. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ એક મુદ્દાને પકડી ‘એક્સ્પ્લેઇન્ડ’ આપે છે તેવું ગુજરાતી સમાચારપત્રો કેમ ન આપી શકે? હિન્દી ફિલ્મો પર ત્રણ-ત્રણ પાનાં કે કૉલેજની પાર્ટીઓના ફોટા ટૂંકાવી (તે પણ અગત્યનું છે-નવી પેઢીને આકર્ષવા અને ગુજરાતી વાંચતા રાખવા) એક પાનું વિશુદ્ધ માહિતી અને વિશ્લેષણનું કેમ ન હોય? કૉલમોમાં પણ પૈસા ઓછા આપવા પડે એટલે છાપાની અંદર કામ કરતા તેમજ બોસ પર પ્રભાવ ધરાવતા પત્રકારો, મફતિયા પ્રોફેસરો કે નામાંકિત ચાલુ કે પૂર્વ આઈએએસ અધિકારીઓ, સાધુઓ, ડૉક્ટરો જેમને પૈસા ન મળે તો ચાલે પણ છાપા થકી તેમની દુકાન ચાલે તેમાં રસ હોય છે, તેમના બદલે જે ખરેખર અભ્યાસુ છે, જે ખરેખર સારું લખે છે તેવાને તક કેમ ન મળે? કેટલાક લેખકોએ તો વર્ષોથી લખવાનો રેકોર્ડ બનાવ્યો છે જે સારી વાત છે પણ તેમાંના કેટલાક રવિ શાસ્ત્રી જેવું લખે છે. શાસ્ત્રી વર્ષમાં એક વાર સદી મારી દેતો તેમ આ કેટલાક લેખકો વર્ષમાં એકાદ વાર ચમકારા મારતું લખી નાખે. તો કેટલાક વર્ષો જૂના લેખોનું રિસાઇકલિંગ કર્યા કરે. પણ નવાને તક ન મળે. આની સામે સતત પ્રયોગો પણ ઠીક નથી. બંને વચ્ચે સંતુલન જરૂરી છે. આ બધાના કારણે પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયાની ભાષામાં કહીએ તો, ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું છે. બાકી, વાંચવાની સૌથી વધુ સુવિધા અને મછા તો આજે પણ પ્રિન્ટ મિડિયામાં જ છે.

આ જ વાત સામયિકોને લાગુ પડે છે. પૂર્તિની જેમ સામયિકોની પાસે સમય પૂરતો હોવા છતાં, પ્રતિનિધિને ઘટનાસ્થળે મોકલી જાતે જોયેલો અહેવાલ મેળવવામાં કચાશ રહે છે. ઇલે. મિડિયામાં તો ટીવી પર સીધું દેખાય અને જો પ્રતિનિધિ (સઈદ અન્સારીની સ્ટાઇલમાં, સમ્વ્વાદદાતા) જો બરાબર ન બતાવે તો ચાલુ પ્રસારણે જ સૂચના મળે, સીધી પ્રશ્નોત્તરીના લીધે સંવાદદાતાએ જવાબની તૈયારી રાખવી પડે પણ સામયિકોમાં કેટલાક પોતાના કાર્યસ્થળેથી ઘટનાસ્થળનો ‘પ્રવાસ’ કરે છે ખરા પણ પછી કામમાં વેઠ ઉતારી આવે. અહેવાલ ઉપલકિયો લખી નાખે. વળી એક્સક્લુઝિવ અને રહસ્યસ્ફોટ કરનારા અહેવાલો કેટલા જેની નોંધ સમાચારપત્રોમાં લેવી પડે કે જેના વિધાનસભામાં પડઘા પડે? બાકી તો મુખ્યપ્રધાન હોય કે શાહરુખ જેવો અભિનેતા, તેના ઇન્ટરવ્યૂ બધી ચેનલો અને સામયિકોમાં એક સરખો હોય અને કોઈ આંટાળો-કાંટાળો પ્રશ્ન ન હોય, છતાં બધી ચેનલો-સામયિકો પાછા તેના પર એક્સક્લુઝિવનો થપ્પો લગાવે!

આ ઉપર લખ્યાં તે બધાં માધ્યમો વત્તા રેડિયો અને ન્યૂઝબજાર જેવી પહેલી એક્સક્લુઝિવ મોબાઇલ ન્યૂઝ એપમાં મેં કામ કર્યું છે અને કરી રહ્યો છું. એટલે આ પ્રશ્નો વખતોવખત સહસંવેદી મિત્રો સાથે ચર્ચતો રહ્યો છું. પહેલી વાર એમ લાગ્યું કે પ્રિન્ટ મિડિયા પાસે સુધરવા હજુ અવકાશ છે. તેથી લખ્યું. બાકી સમયબાહ્ય બનતાં વાર નહિ લાગે. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે.

Posted in international, media, sarvottam karkirdee margadarshan, terrorism

ટ્રમ્પનો મુસ્લિમ દેશો પર વિઝા પ્રતિબંધ: પાડાના વાંકે પખાલીને ડામ કેમ?

(સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શનના માર્ચ ૨૦૧૭ના અંકમાં ‘સાંપ્રત’ કૉલમમાં આ લેખ છપાયો.)

કોઈ દેશમાં કોને આવવા દેવા અને કોને નહીં તે નક્કી કરવાની સત્તા કોને? જે તે દેશના વડાને. કોઈ દેશમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદે અથવા કાયદે આવીને પછી ત્રાસવાદી પ્રવૃત્તિ કરે તો તેમને રોકવા જોઈએ કે નહીં? બિલકુલ રોકવા જોઈએ. કોઈ વ્યક્તિ ચૂંટણીમાં વચન આપે કે તે ચૂંટણી જીતશે તો ત્રાસવાદી પ્રવૃત્તિને ઉત્તેજન આપતા દેશોના લોકોને આવતા રોકશે તો તે ખોટું છે? જરા પણ નહીં. અને જો આવી વ્યક્તિ ચૂંટણી જીતી જાય તો તેણે વચન પાળવું જોઈએ કે નહીં? પાળવું જ જોઈએ ને. ન પાળે તો? તો તેની પાછળ વિરોધીઓ પડી જાય, દેશનું અને વિદેશનું મિડિયા પડી જાય.

હવે તમે જ કહો, અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા વેંત પોતાનું વચન નિભાવ્યું અને સાત ઇસ્લામિક દેશના લોકોને પોતાના દેશમાં આવતા રોક્યા તેમાં તો આખી દુનિયામાં તેમના પર થૂ-થૂ થઈ ગયું. અમેરિકા તો સ્થળાંતરિતો (ઇમિગ્રન્ટો)નો જ દેશ છે અને અમેરિકાની જે કંઈ પ્રગતિ થઈ છે તે સ્થળાંતરિતોને જ આભારી છે તેવો પ્રચાર શરૂ થઈ ગયો. ટ્વિટરની નવી એપ આવી છે –  પેરિસ્કોપ. આ એપ પર જે કોઈ વપરાશકારો હોય તે પોતાનો વિડિયો લાઇવ બતાવે છે, વાતચીત કરે છે. માત્ર ગમ્મત માટેની આ એપ નથી. તેના પર ટ્રમ્પ અને અમેરિકાની મુલાકાતે આવેલાં બ્રિટનનાં વડાં પ્રધાન થેરેસા મેની સંયુક્ત પત્રકાર પરિષદને જીવંત બતાવાય. આ એપ ખોલો એટલે સીધું વંચાય- ‘પ્રાઉડલી મેડ ઇન અમેરિકા બાય ઇમિગ્રન્ટ્સ’

હવે આ એવી વાત થઈ કે ઘરમાં કોઈ છોકરું તોફાન કરે અને તેને વઢો તો ઘરના અન્ય તમામ લોકો પોતાના માથે લઈ લે કે તમે અમને તોફાની કહ્યા. ટ્રમ્પનો વિરોધ ઇમિગ્રન્ટ સામે નથી. પરંતુ જે લોકો અમેરિકામાં ગેરકાયદે કે કાયદે ઘૂસી અમેરિકામાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ કરે કે ગુંડાગર્દી કરે છે તેની સામે છે.

હવે એ વાત સ્પષ્ટ છે કે ત્રાસવાદી પ્રવૃત્તિ કોણ કરે છે? ત્રાસવાદી સંગઠનો કયા પંથના છે? અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ), લશ્કર-એ-તોઇબા, જમાત ઉદ દાવા, હમાસ, ઇન્ડિયન મુજાહિદ્દીન…આ બધાં સંગઠનોનો હેતુ શું છે? પશ્ચિમી દેશો અને ભારત સહિત તમામ દુનિયામાં ઇસ્લામિક શાસન સ્થાપવું. શરિયાનો કાયદો લાગુ કરવો. માની લઈએ કે આ ત્રાસવાદીઓને એવું ભરમાવવામાં આવ્યું છે કે ભારતમાં તેમના મુસ્લિમ ભાઈઓ અને બહેનો પર બહુ અત્યાચારો થાય છે. માનો કે તેમના મનમાં ઠસાવવામાં આવ્યું છે કે પશ્ચિમી દેશો મુસ્લિમો પર જુલ્મ કરે છે. તેમની સંસ્કૃતિ વિકૃતિ ફેલાવનારી છે. પરંતુ રશિયાના ચેચન્યામાં ત્રાસવાદી પ્રવૃત્તિ થવાનું કારણ? રશિયા તો સામ્યવાદી દેશ છે. સામ્યવાદ કોઈ ધર્મ- કોઈ પંથમાં માનતો નથી. ચીન સામ્યવાદી દેશ છે. તો પછી ચીનમાં પણ ઇસ્લામિક ત્રાસવાદ કેમ પ્રવેશ્યો? ચીનમાં શિનજિયાંગ પ્રાંતને અલગ દેશ કરવાની ચળવળ ત્યાંના મુસ્લિમો કેમ ચલાવે છે? ત્યાં ઉઇઘુર મુસ્લિમોએ તુર્કીસ્તાન ઇસ્લામિક પાર્ટી કેમ સ્થાપી છે? ચીને ત્યાં રમઝાન દરમિયાન રોજા રાખવા પર કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો?

ટ્રમ્પ સાત ઇસ્લામિક દેશોના લોકો અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મૂકે તો કહેવાતા ઉદારવાદીઓ દેકારો મચાવે છે પરંતુ ચીન તેના દેશમાં ગેરકાયદે ત્રાસવાદીઓ આવી જાય કે ત્રાસવાદી કૃત્ય કરીને દેશ છોડીને ભાગી ન જાય તે માટે પાકિસ્તાન તેનું ખાસ મિત્ર (ભારતને દબાવવા માટે) હોવા છતાં તેની સાથેની સરહદે સુરક્ષા ચુસ્ત બનાવવા નિર્ણય કરે તો વિદેશના તો છોડો, ભારતનું મિડિયા તેની વ્યવસ્થિત નોંધ પણ ન લે. દરેક લેખમાં રાષ્ટ્રવાદી-હિન્દુવાદીઓને ગાળો ભાંડતા બુદ્ધુજીવી કૉલમિસ્ટો તેના પર લખે પણ નહીં! એ બતાવે છે કે ભારતના મિડિયામાં કહેવાતા ઉદારવાદીના નામે  ત્રાસવાદને પોષક અને સમર્થક પત્રકારો-કૉલમિસ્ટો ઘૂસી ગયા છે.

અરે ભાઈ! સેક્યુલરિઝમ ખરા અર્થમાં તો એ કહેવાય કે ગમે તે પંથમાં ખોટું ચાલતું હોય તો તેને તમે વખોડો. તેને બહાર લાવો. જયશ્રીગીરી સાધ્વીના વેશમાં ગોરખધંધા કરતી હોય તો તેના વિશે લખવાની સાથે કેરળમાં ખ્રિસ્તી સાધવીઓના ફાધર દ્વારા શોષણની વાતો પણ લખો. કેથોલિક ચર્ચે વર્ષ ૨૦૧૫માં પોતાના શોષણ સામે અવાજ ઉઠાવનાર એક નનને રૂ. ૧૨ લાખ તેને ‘સેટલ થવા’ (ખરેખર તો મોઢું બંધ કરવા) માટે આપ્યા તે સમાચાર કયા અખબારમાં તમે વાંચ્યા? કઈ ટીવી ચેનલે તેના પર આસારામની જેમ રોજેરોજ ચર્ચાઓ ચલાવી? બીજનોરની જામા મસ્જિદનો ઈમામ એક મહિલાને શેતાનમાંથી છૂટકારો અપાવવાના બહાને તેના પર બળાત્કાર કરે તે ઘટના ગયા વર્ષના ઑગસ્ટની છે. સુરતમાં ૩૨ વર્ષના મૌલવીએ ૧૫ વર્ષની બાળા પર બળાત્કાર કર્યો તે ઘટના બે વર્ષ પહેલાંની છે. આ ઘટનાઓ કયા છાપામાં તમે વાંચી? ચાલો, આ ઘટનાઓ તો જૂની છે, પરંતુ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બાયતની મદરેસામાં રહેતો એક મૌલવી બકરી પર બળાત્કાર કરતા પકડાયો! આ ઘટનાઓ  છાપામાં આવી? તેના પર રોજેરોજ કઈ ચેનલ પર ચર્ચાઓ થઈ?

રશિયા-ચીનની વાત પછી જર્મનીની કરીએ. જર્મની સહિત યુરોપના દેશોએ સિરિયા, અફઘાનિસ્તાનના લોકોને દયા ખાઈને શરણ આપ્યું છે. પરંતુ ત્યાં શું સ્થિતિ છે? યુકેના ઇન્ડિપેન્ડન્ટ સમાચારપત્રના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૫ની ૩૧ ડિસેમ્બરે જર્મનીના કૉલોન (Cologne)માં ૧,૨૦૦ સ્ત્રીઓ પર ૨,૦૦૦ પુરુષો, જેમાંના મોટા ભાગના શરણાર્થી હતા, તેમણે બળાત્કાર કરવા કોશિશ કરી. ૫૦૦ જણાના ટોળા પર ફટાકડા ફેંકવામાં આવ્યા. એક મહિલા અંડરકવર પોલીસ અધિકારીના પેન્ટમાં હાથ નાખીને તેની છેડતી કરવામાં આવી. મહિલાઓના કપડાં ફાડી નખાયાં. એક મહિલાના જેકેટમાં ફટાકડો નખાયો. બેંગ્લુરુમાં આ ૩૧ ડિસેમ્બરે છેડતી થઈ તેના સમાચાર આપણા મિડિયાએ ગાઈવગાડીને બતાવ્યા પરંતુ જર્મનીના આ સમાચારની નોંધ પણ લીધી?

સિરિયામાં પ્રમુખને પદચ્યુત કરવા માટે અમેરિકાની પૂર્વેની ઓબામા સરકારના ટેકાથી આઈએસઆઈએસ અને ત્યાંના બળવાખોરો યુદ્ધ કરે અને તેના કારણે ઘણા નિર્દોષ મરાય તેનાથી કોઈ પણ સંવેદનશીન વ્યક્તિને નિર્દોષો પ્રત્યે અનુકંપા જાગે તે સ્વાભાવિક છે. તેમાં ઐલાન કુર્દી નામનું એક નિર્દોષ બાળક યુરોપમાં શરણ લેવાના પ્રયાસમાં દરિયાની લહેરોમાં મરીને તેનો દેહ તણાઈને તુર્કીના રિસોર્ટના બીચ પર આવે અને તે ફોટો આખા દેશમાં અનુકંપા જગાવી જાય તે તાર્કિક છે પરંતુ સાથે જે લોકો ત્રાસવાદી વિચારધારાનો બચાવ કરે છે તેમણે એ સમજવું રહ્યું કે સિરિયામાં મુસ્લિમો જ મુસ્લિમો સામે લડે છે. આવું યમનમાં પણ છે, તુર્કીમાં પણ છે, ઈરાકમાં પણ છે, અફઘાનિસ્તાનમાં પણ છે અને ઈસ્લામનાં મક્કા-મદીના જેવાં પવિત્ર સ્થાનો જ્યાં છે તે સાઉદી અરેબિયામાં પણ છે. તો શું શરિયાનું શાસન સ્થપાવાથી શાંતિ સ્થપાઈ જવાની? મુસ્લિમો પર અત્યાચારો બંધ થઈ જવાના? જો તેમ જ હોત તો શરિયાના કાયદા જ્યાં ચુસ્ત રીતે લાગુ છે તેવા ઇસ્લામિક દેશોમાં આ ત્રાસવાદી સંગઠનો કેમ હુમલા કરે છે? પાકિસ્તાન તો મુસ્લિમોને ભારતમાં અન્યાય થશે તેમ માનીને જ ઝીણા અને તેના મુસ્લિમ સમર્થકોએ સ્થાપ્યો હતો ને? તો ત્યાં પણ સિંધમાં સૂફી દરગાહ અને તે અગાઉ અનેક મસ્જિદો પર કેમ બૉમ્બ ધડાકા થાય છે?

ઉદારવાદીઓએ આંખ-કાન ખુલ્લાં રાખીને એ પણ સ્વીકારવું રહ્યું કે આ શરણાર્થીઓ યુરોપના દેશો માટે સમસ્યા બની રહ્યા છે. બધા નહીં તોય ઘણા બધા શરણાર્થીઓએ ત્યાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી છે. પેલી કહેવતની જેમ તેઓ ‘પેટમાં ગરીને પગ પહોળા કરી રહ્યા છે’. એકલા જર્મનીમાં જ ૧૭ હજાર શરણાર્થીઓએ પોતાને પૂર્ણ કદનો શરણાર્થીનો દરજ્જો મળે તે માટે જર્મન સરકાર સામે દાવો કર્યો હતો અને તેમાં જીત મેળવી છે. જે જર્મની આ શરણાર્થીઓને શરણ આપે છે ત્યાં બર્લિનમાં ગત ૧૯ ડિસેમ્બરે ટ્રક ડ્રાઇવરે બરાબર ખ્રિસ્તી તહેવાર ક્રિસમસ પહેલાં ટ્રક ચલાવીને ૧૨ લોકોને મારી નાખ્યા અને ૫૬ લોકોને ઘાયલ કર્યા. પેલા બાળકની તસવીર પરથી અનુકંપા થતી હોય તો આ ૧૨ લોકોને મારી નાખ્યા તેના પર ઉદારવાદીઓને અનુકંપા નથી થતી? હુમલાખોર શરણ માગનાર ટ્યુનિશિયાનો રહેવાસી જ હતો.

અને માત્ર ટ્રમ્પની વાત શું કામ કરો છો? રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ એફેર્સના એક સર્વેક્ષણ મુજબ, પૉલેન્ડ, ઑસ્ટ્રિયા, હંગેરી, ફ્રાન્સ અને બેલ્જિયમ સહિત દસ દેશોમાં હવે મુસ્લિમોને પ્રવેશ આપવા સામે વિરોધ વધી રહ્યો છે. આ તો માનો કે ખ્રિસ્તી પ્રભાવી દેશો છે, પરંતુ તાજેતરમાં સાઉદી અરેબિયા જેવા કટ્ટર ઇસ્લામિક દેશોએ પાકિસ્તાનના ૩૯ હજાર નાગરિકોને કાઢી મૂક્યા તેની નોંધ ભલે મિડિયાએ બહુ સારી રીતે નહીં લીધી હોય, પરંતુ તેના સૂચિતાર્થ સમજવા જેવા છે. વિઝા નિયમોના ઉલ્લંઘન કરતાંય આ નાગરિકો આઈએસઆઈએસ નામના ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલા હોવાની આશંકા પર આ પગલું ભરવામાં આવ્યું છે.

કુવૈત જેવા ઇસ્લામિક દેશે તો વર્ષ ૨૦૧૧માં અને વર્ષ ૨૦૧૬માં અફઘાનિસ્તાન, સિરિયા, યમન, ઈરાક, ઈરાન અને હા, બુદ્ધુજીવી-ઉદારવાદીઓના માનીતા પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને આ વર્ષેય મૂક્યો છે. એ તો ઠીક, પણ આ ઉદારવાદીઓના માનીતા પાકિસ્તાને ગયા જુલાઈથી આ ફેબ્રુઆરી સુધીમાં છ લાખ અફઘાનીઓને અફઘાન પાછા મોકલ્યા. આ શરણાર્થીઓએ પોતાની વિતક કથામાં કહ્યું છે કે પાકિસ્તાની પોલીસે તેમના પર અનહદ અત્યાચારો ગુજાર્યા હતા અને ખંડણી ઉઘરાવી હતી. તેમનાં બાળકોને શાળામાંથી કાઢઈ મૂકવામાં આવતા. કેમ્પમાં શાળા ચાલતી તેને બંધ કરી દેવામાં આવતી. (કાશ્મીરના નિર્વાસિત પંડિતોની સાથે તો તેમના જ દેશની શિબિરોમાં આવું થતું) સામે પક્ષે પાકિસ્તાન પોલીસ આ અફઘાનીઓને પોતાના દેશની સુરક્ષા માટે ખતરો માનતી હતી. તેથી તેણે આ પગલું લીધું, પરંતુ બુરહાન વાનીને મારવામાં આવે તો માનવ અધિકાર ભંગના નામે ચિલ્લંચિલ્લી કરતા બરખા દત્તો, રાજદીપ સરદેસાઈઓ, શેખર ગુપ્તાઓનાં મોઢાં આવા મામલે સિવાઈ જાય છે!

ભારતમાં એક ચર્ચનું છાપરું ઉડી જાય તો પણ આપણું મિડિયા અને અમેરિકાની વિવિધ એજન્સીઓ, ત્યાંના ઉદારવાદી (તત્કાલીન) પ્રમુખ બરાક ઓબામા ભારતને સહિષ્ણુતાના પાઠ ભણાવવા લાગે છે પરંતુ ચીન દક્ષિણ કોરિયાના ૩૨ ખ્રિસ્તી મિશનરીઓને કાઢી મૂકે ત્યારે આ બધા મૂંગામંતર થઈને બેસી જાય છે. ચીને આ મિશનરીઓને કાયદાનું પાલન ન કરવા અને સ્થાનિક રીતરિવાજોને માન ન આપવા માટે આ પગલું ભર્યું હતું.

પણ આપણું મિડિયા અને અમેરિકા સહિત વિશ્વનું ઉદારવાદી મિડિયા ત્રાસવાદીઓ- સેવાના નામે વટાળ પ્રવૃત્તિ કરતા ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, તેથી જે તેનો વિરોધ કરે તેને રાઇટિસ્ટ (જમણેરી), ફેનેટિક (ધર્માંધ), ઑટોક્રેટિક અથવા ફાસિસ્ટ (સરમુખત્યાર), સ્ટબૉર્ન (હઠીલું), જડસુ વગેરે વિશેષણોથી બુદ્ધુજીવી કૉલમિસ્ટો નવાજશે પરંતુ આ સત્ય લખતાં તેમની કલમમાંથી શાહી સૂકાઈ જશે. દયાનંદ સરસ્વતી, રાજા રામમોહનરાયે જેમ હિન્દુ ધર્મની કુરીતિઓ સામે અવાજ ઉઠાવ્યો, જેમ અત્યારે પણ હિન્દુઓ ગોડસે વગેરે હિંસક પ્રવૃત્તિ કરનારને જાહેરમાં તિરસ્કૃત કરે છે તેમ હકીકતે તો મુસ્લિમોએ જ તેમના પંથને બદનામ કરનારા સંગઠનો સામે મેદાનમાં આવવું પડશે. નહીંતર પાડાના વાંકે પખાલીને ડામ ખમવા તૈયાર રહેવું પડશે.

Posted in media, politics, Uncategorized

મહારાષ્ટ્ર મનપા ચૂંટણીનો બોધપાઠ

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની મનપા ચૂંટણી થઈ. હિન્દુ વિરોધી મિડિયાએ આ ચૂંટણી જાણે આખા દેશની લોકસભા ચૂંટણી હોય તેવો માહોલ સર્જ્યો હતો. હિન્દુત્વવાદી બે પક્ષો શિવસેના અને ભાજપનું ગઠબંધન તૂટતાં હિન્દુ વિરોધી મિડિયાને જલસો પડી ગયો હતો. કોંગ્રેસ સરકાર વખતે કસાબ અને અફઝલ ગુરુ વિશે કોંગ્રેસની નબળી નીતિની આકરી ઝાટકણી કાઢતા બાલ ઠાકરેનાં નિવેદનો મિડિયામાં સેકન્ડ કે થર્ડ પ્રાયોરિટી ધરાવતા હતા. એમ સમજો ને કે ટીકા કરવા અને જગ્યા ભરવા તેનો ઉપયોગ થતો.

મોદી સરકાર આવ્યા પછી ભાજપે વાજબી રીતે મહારાષ્ટ્રમાં મજબૂત હોવાથી નાના ભાઈમાંથી મોટા ભાઈનો રોલ માગ્યો પણ વિચક્ષણ બાલ ઠાકરેની ગેરહાજરીમાં ઉદ્ધવ ઠાકરે થાપ ખાઈ ગયા. ચૂંટણી અલગ-અલગ લડવામાં આવી પરંતુ ભાજપ મોદીના મોજાના કારણે મોટો ભાઈ તરીકે જ ઉભર્યો. થોડી રકઝક પછી શિવસેનાને સરકારમાં જોડાવું પડ્યું પરંતુ જેમ કોંગ્રેસની બેગમો અને શહજાદા સ્વીકારી શકતા નથી કે તેઓ શાસનની બહાર છે તેમ એક સમયનો મોટા ભાઈનો રોલ શિવસેના ન ભૂલી શકી અને રોજેરોજ મોદી સરકારની ઝાટકણી કાઢવા લાગી. હિન્દુ વિરોધી મિડિયાને તો મજા પડી ગઈ. શિવસેના તેમનો માનીતો પક્ષ બની ગયો. બે બિલાડા ઝઘડે તો વાંદરાને જ ફાયદો થાય તેવું માની મિડિયામાં શિવસેનાને અભૂતપૂર્વ વેઇટેજ મળવા લાગ્યું.

બીજી તરફ રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં બે વર્ષ પહેલાં ચોક્કસ માથાંઓના ઈશારે હાર્દિક પટેલને મહોરું બનાવી પાટીદારોનું અનામત આંદોલન શરૂ થયું. કોંગ્રેસ તરફથી ભાજપ તરફ વળેલા પટેલ સમાજની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા રહેતી હોઈ, વિપક્ષ તો ઠીક, પણ મિડિયાને બગાસું ખાતાં પતાસાની અનુભૂતિ થઈ. જેમ કેજરીવાલને હીરો બનાવ્યો અને દિલ્લીની કોંગ્રેસ સરકાર ગઈ તેમ રાજ્યમાં મિડિયાના જે છૂપા હેતુઓ હોય તે બર ન કરતી (એમ કહો કે મિડિયાના ખોટા દબાણને વશ ન થતી) ભાજપ સરકારનું રર વર્ષનું શાસન તૂટવાની સંભાવના જણાઈ. એટલે હાર્દિકના સ્પેશિયલ ઇન્ટરવ્યૂ છપાયા-દેખાડાયા. તેના એક એક સમાચારને બરાબર પ્રોમિનન્સ મળ્યું. એમાં વળી શિવસેનાને કમતિ સૂજી તે તેણે હાર્દિક પટેલ પાસે મુંબઈમાં પ્રચાર કરાવ્યો, એમ માનીને કે ગુજરાતીઓ ભોળવાઈ જશે પણ ગુજરાતીઓને શિવસેના ક્યાં ઓળખે છે? મરાઠાવાદના પૂંછડાથી ફાયદો ન થયો એટલે તો બાલ ઠાકરેએ રામમંદિરની હવા વખતે હિન્દુવાદનું તણખું પકડેલું અને તરી પણ ગયેલા. ૧૯૯૫માં ગુજરાતમાં ભાજપ તો મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકાર આવેલી. પણ રાહુલ ગાંધીની જેમ જ રાજકીય રીતે બુદ્ધુ ઉદ્ધવ ઠાકરે પિતાના અવસાન બાદ વળી આમચા મરાઠા માનુષની રાજનીતિ પર આવી ગયેલા. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે પર્યૂષણ વખતે માંસાહાર પર પ્રતિબંધ મૂક્યો તેનો તો માંસ-મચ્છીની લારી દહેરાસરો સામે જ મૂકીને મલેચ્છવૃત્તિ દાખવી એ શાકાહારી ગુજરાતીઓ થોડા ભૂલ્યા હોય? મરાઠીઓ પણ સમજે છે કે મરાઠી બનીને રહેવા કરતાં હિન્દુ બનીને રહેવું વધુ સુરક્ષિત છે. ૧૯૯૩નાં રમખાણોમાં આ વાત મરાઠીએ પણ અનુભવી જ હોય ને. ગુજરાતીઓ સહિત હિન્દુઓએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં અહિંસક રીતે શિવસેનાની ગુંડાગીરીને તમાચો માર્યો છે. હજુ પણ તે નહીં સુધરે તો આનાથી બૂરી દશા થશે.

રહી વાત મિડિયાની; તો સોશિયલ મિડિયાના લીધે રોજે રોજ હિન્દુ વિરોધી મિડિયા ઉઘાડું પડતું જાય છે. જુલમી અને લંપટ અલાઉદ્દીન ખિલજીથી પોતાની આબરૂ બચાવવા અગ્નિમાં કૂદી પડનાર રાણી પદ્માવતીના ખિલજી સાથે રોમાન્સ બતાવવા માગતા સંજય લીલા ભણશાળીને બેચાર ગડદાંપાટાં પડ્યાં એમાં જાણે હિન્દુ આતંકવાદ શરૂ થઈ ગયો એવું ચિત્રણ કરવાનું પણ જેને ઓલરેડી જેલમાં પૂરવામાં આવ્યો છે તે કમલેશ તિવારીના મોહમ્મદ સાહેબ સામેનાં નિવેદનો વિરુદ્ધ ફાંસીની સજાની માગણીસર પશ્ચિમ બંગાળના માલદા અને બિહારમાં મુસ્લિમોનાં હુલ્લડોના સમાચાર જ દબાવી દેવાયા. બંગાળના કેટલાંક ગામોમાં દુર્ગા પૂજા મુસ્લિમોના વિરોધના કારણે નથી થઈ શકતી તે સમાચાર પણ ગાયબ. કાશ્મીરમાં પંડિતોના પલાયન (૧૯૯૦)થી લઈને કૈરાના સુધી…મિડિયાને આવા સમાચાર દેખાતા જ નથી. રહી વાત રાજકીય વલણની, તો હિન્દુ વિરોધી મિડિયા ઝડપભેર વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે. હોલિયર ધેન ધાઉનો દેખાડો કરતા રવીશકુભારે પઠાણકોટ હુમલા વખતે સેન્સિટિવ માહિતી લીક કરવા બદલ કેટલાક દિવસો પૂરતો પ્રતિબંધ આવી પડ્યો તેમાં તો એનડીટીવી પર માઇમવાળાને બોલાવી પ્રાઇમ ટાઇમ ન્યૂઝને ફુવડ મનોરંજનમાં પરિવર્તિત કરવાની નિષ્ફળ કોશિશ કરી અને કહ્યું કે અમે તો સરકારને પ્રશ્નો પૂછીશું જ. ભારતવિરોધી નારા લગાવનાર વામપંથી કન્હૈયાકુમારને એનડીટીવી ન છાવરે તો કોણ છાવરે? સામ્યવાદી સાળી વૃંદા કરાતનું માન તો જીજ્જાજી પ્રણોય રોયે રાખવું પડે ને. એટલે ભાઈ રવીશકુમારે સ્ક્રીન બ્લેક કરી નાખ્યો. દલિત હોવાનો ખોટો દાવો કરનાર રોહિત વેમૂલાના મૃત્યુ સમયે પણ ખૂબ ટીવી ગજવ્યું પણ જ્યારે તેના કોંગ્રેસી સગા ભાઈ બ્રજેશ પાંડેનું નામ તેના જ દલિત સાથીની દીકરીના શારીરિક શોષણમાં આવ્યું અને તેણે બિહાર કોંગ્રેસ ઉપાધ્યક્ષનું પદ છોડવું પડ્યું તે મુદ્દે રવીશને કોઈ પ્રશ્નો પૂછવાનું મન ન થયું કે ન તો સ્ક્રીન કાળો કરવાનું મન થયું. રવીશ તો ભાઈને છાવરે પણ અન્ય મિડિયાએ પણ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ન્યાય તોળ્યો કારણકે કાલે સવારે રવીશના ભાઈની જગ્યાએ તરુણ તેજપાલની જેમ પોતે હોય તો?

મોદી હોય કે ટ્રમ્પ, મિડિયા ટ્રેન્ડ સેટ કરતું અને ચૂંટણી જિતાડવા કે હરાવવામાં કે સરકાર ઉથલાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતું તે દિવસો તો વર્ષ ૨૦૦૨થી જ ચાલ્યા ગયા. તકલીફ તો મિડિયાને જ વ્યવસાયિક રીતે થવાની છે કેમ કે પક્ષપાતી હોવાથી લોકોનો હવે પરંપરાગત મિડિયામાંથી ભરોસો ઉઠતો જઈ રહ્યો છે. હવે તો પેરિસ્કોપ અને ફેસબુક લાઇવના લીધે સમાચાર ચેનલો પર પણ ખતરો છે. હિન્દુસ્તાન ટાઇમ્સ તેનાં ચાર શહેરો-કોલકતા, ભોપાલ, રાંચી અને ઇન્દોર એડિશન બંધ કરી રહ્યું છે. એબીપી ન્યૂઝ ચેનલમાં પણ ભારે પ્રમાણમાં છટણી થઈ છે. તો ધ હિન્દુ (નામ જ હિન્દુ છે બાકી…) અને ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છટણી અથવા પગારકાપ તોળાઈ રહ્યા છે. કારણ નોટબંધીનું અપાઈ રહ્યું છે પણ હકીકતે મજેઠિયા પંચની સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપીને મંજૂર કરેલી ભલામણો અનુસાર પગાર ન આપવા પડે તેની પણ આ કવાયત છે. પરંતુ ગરીબોના શોષણના દયામણા ફોટા અને સ્ટોરી છાપતા અને બતાવતા આ મિડિયામાં થતા પત્રકારોના શારીરિક (ઊંધો અર્થ ન કાઢતા. આ તો ગદ્ધાવૈતરુના સંદર્ભમાં છે.) અને આર્થિક શોષણની વાત કોણ છાપવાનું કે બતાવવાનું? તંત્રી પદ પર બેઠેલા પત્રકાર અને તેના ચમચા પત્રકારોનાં હિત સચવાઈ જાય એટલે ભયોભયો.

વિપક્ષો અને મિડિયા માટે હજુ પણ જાગી જવાનો સમય છે. રચનાત્મક વિરોધ અને તટસ્થતા તરફ વળશો તો સ્થિતિ સુધરશે, બાકી રામ બોલો ભાઈ રામ. સોરી, ગોડ રેસ્ટ ધેમ ઇન પીસ.ન સમજ્યા? આરઆઈપી. 😊

Posted in film, gujarat, media

ગુજરાતી પત્રકારોને થિયેટરનાં અંધારા બોલાવે

કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ જરા જુદા અર્થમાં-મુને અંધારાં (થિયેટરનું) બોલાવે, મુને અજવાળાં (લાઇમલાઇટ) બોલાવે
સામાન્ય રીતે ફિલ્મ ઉદ્યોગમાં કોમન થ્રેડ પકડીને અમે સ્ટોરી કરતા હોય છે જેમ કે એમબીએ કરનારા ફિલ્મ ઉદ્યોગ ભણી દોટ લગાવી રહ્યા છે. પરંતુ ગુજરાતી પત્રકારત્વમાં આભડછેટ બહુ નડે. ફલાણા છાપામાં કામ કરતા હો કે ત્યાં લખતા હો તો અમુકનાં નામ છપાય નહીં. આથી હકીકત હોવા છતાં ગુજરાતીમાં એક સ્ટોરી છપાયા વગર રહી જશે.

આ સ્ટોરી એટલે ગુજરાતી પત્રકારો-કોલમિસ્ટોનું ગુજરાતી અથવા હિન્દી સિનેમા તરફ પ્રયાણ (સાઇડ ટ્રેક અથવા મેઇન ટ્રેક). જેમ કે હરિત મહેતા (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા) અને આશીષ વશી (સંદેશ અથવા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા) એ શાહરુખ ખાનની નવી ‘રઇશ’ લખી છે. આશીષે ‘પાસપૉર્ટ’માં, ગુજરાતી ફિલ્મની જૂની ભાષામાં કહીએ તો, અભિનયનાં અજવાળાં પણ પાથર્યાં છે. તો કૉલમિસ્ટ દીપક સોલિયાએ ‘મિશન મમ્મી’ નામની ગુજરાતી ફિલ્મની પટકથા અને સંવાદો લખ્યા છે.

દિવ્ય ભાસ્કરમાં બિઝનેસ ડેસ્ક પર કામ કરતા અંશુ જોશી પણ કોમેડી પાઘડીમાં અભિનય કર્યો છે. તો સમભાવ મિડિયામાં બિઝનેસ-પોલિટિક્સની રિપૉર્ટર સોનલ અનડકટે ગુજરાતી ‘કમિટમેન્ટ’માં પત્રકારની સાચુકલી ભૂમિકા કરી છે.

આ પત્રકાર મિત્રોને અભિનંદન સાથે શુભેચ્છા.

 

Posted in media, sikka nee beejee baaju

“કૉંગ્રેસ સરકારે સૂચના આપેલી કે તેલંગણા, અન્નાને ન દેખાડો”

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૦૪/૧૨/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

(ગતાંકથી ચાલુ)

કહેવાતા લિબરલો કેટલા ઉદાર છે તેનાં ત્રણ ઉદાહરણ આપણે ગયા અંકે જોયાં. વાતને આગળ ધપાવીએ. ‘ન્યૂઝ લૉન્ડ્રી’ વેબસાઇટના સ્થાપક તંત્રી મધુ ત્રેહાને પુણ્ય પ્રસૂન વાજપેયીના લીધેલા ઇન્ટરવ્યૂમાં કહેવાતા ઉદારતાવાદીઓની ઉદારતા વધુ ખુલ્લી પડે છે. પુણ્ય પ્રસૂન કહે છે કે “કૉંગ્રેસ સરકાર અમને એડવાઇઝરી આપે છે. કેટલીક ચીજો તમારા સ્ક્રીન પર ન દેખાડો. અત્યારે દરેક સંપાદક કાં તો ડરેલો છે અથવા તો સત્તાની સમીપ રહેવાનું સુખ મેળવવા માગે છે….તે સમયે તેલંગણાનો મુદ્દો (આંદોલન) ચાલી રહ્યો હતો. તો સરકારે કહેલું કે તેને ન દેખાડો….અત્યારે કહે છે કે અન્નાને ન દેખાડો…પહેલાં જે (ચેનલો) અન્નાને દેખાડતી હતી તે હવે નથી દેખાડતી.” મધુ કહે છે કે “અન્નાએ છેલ્લા જે ઉપવાસ કર્યા તે ટીવીમાં ઓછા દેખાડ્યા…તેનું કારણ તમે જે કહો છો તે (સરકારની સૂચના) છે.” પુણ્ય પ્રસૂન કહે છે, “ (મનમોહન સરકાર વખતે) પીએમઓમાં જ્યારે ટી. કે. નાયર પ્રિન્સિપાલ સેક્રેટરી હતા ત્યારે તેમણે એક પાર્ટી રાખી હતી. બધા જ એડિટરો હાજર હતા અને બધાના હાથમાં (દારૂના) જામ હતા.” હવે આ બધું બંધ થઈ ગયું છે અને એટલે જ દિલ્લીના પત્રકારોના પેટમાં દુઃખે છે!

આઈબીએન સેવન (અત્યારે ન્યૂઝ ૧૮)  હિન્દી ચેનલના પૂર્વ મેનેજિંગ એડિટર અને અત્યારે આમ આદમી પક્ષના નેતા આશુતોષનો પણ મધુએ ઇન્ટરવ્યૂ લીધો છે. (જોકે તે વખતે તેઓ ‘આપ’માં જોડાયા નહોતા.) આ ઇન્ટરવ્યૂમાં અંગ્રેજી પત્રકારત્વ સામે હિન્દી (આપણે તેની જગ્યાએ ગુજરાતી કે અન્ય સ્થાનિક ભાષાને પણ મૂકી શકીએ) પત્રકારત્વ વચ્ચેની સરખામણી આબાદ છતી થાય છે.

પછી અન્ના હજારેની વાત નીકળે છે. આશુતોષ કહે છે, “કહેવાતા બુદ્ધિજીવીઓ ભ્રષ્ટાચાર સામે જબરદસ્ત આંદોલન ખડું કરનાર અન્નાને નીચા દેખાડવા પ્રયાસ કરે છે કારણકે એ માણસ સાતમું ધોરણ પાસ છે, તેણે સેના છોડી છે, તેઓ અંગ્રેજી નથી બોલતા, કૉન્વેન્ટ ગ્રેજ્યુએટ નથી, તેમણે જેએનયુમાંથી ભણતર નથી મેળવ્યું.” હવેની વાત ધ્યાન દઈને વાંચજો. આશુતોષ કહેવાતા ઉદારતાવાદી-દંભી બુદ્ધુજીવીઓને કેવા ઉઘાડા પાડે છે. તેઓ કહે છે, “આ બુદ્ધિજીવીઓનો દંભ જુઓ. આ જ લોકો વિનાયક સેનનું મહિમા ગાન કરે છે કારણકે તે સારું અંગ્રેજી બોલે છે અને અંગ્રેજીમાં ભણાવે છે. અને વિનાયક સેન કોણ છે? એ જે ભારતીય બંધારણમાં માનતા નથી. તેઓ ભારતની લોકશાહીમાં માનતા નથી. તેઓ ભારતની સંસદમાં માનતા નથી. અને તેઓ હિંસામાં માને છે. “

અનેક પત્રકારોના આદર્શ, હિન્દુ વિરોધીઓના પ્રિય એવા રાજદીપ સરદેસાઈના ઇન્ટરવ્યૂમાં ટૅક ઑફ પોઇન્ટ રાજદીપના પુસ્તક ‘૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’ છે. આખા ઇન્ટરવ્યૂ પર બેથી ત્રણ લેખ થાય તેમ છે, પરંતુ આપણે તેમાંથી થોડી જ વાત લઈશું.

શરૂઆતમાં રાજદીપ નામ લીધા વગર મોદી વિરોધી વાત કરે છે કે “અત્યારના નેતાઓ કરતાં પહેલાંના નેતા સારા હતા. અત્યારે તો ટીકા કરો તો તમને દુશ્મન માનવા લાગે છે.” તો મધુ ત્રેહાન કહે છે, “ના રાજદીપ. હું તમને કહું. મોરારજી દેસાઈએ મને પ્રેસ કૉન્ફરન્સમાંથી તગેડી મૂકી હતી. ઈન્દિરા ગાંધીએ ‘ઇન્ડિયા ટૂડે’ના પત્રકારને કાઢી મૂક્યો હતો. જવાહરલાલ નહેરુને જ્યારે લાગ્યું કે તેમની ટીકા થઈ રહી છે ત્યારે તેમણે કલમ ૧૯માં સુધારો કર્યો હતો.”

રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત વગેરે સેક્યુલર પત્રકાર ટોળીએ ૨૦૦૨નાં રમખાણોનો મુદ્દો છેક સુધી ઉછાળ્યે રાખ્યો. વર્ષ ૨૦૧૨માં સુપ્રીમ કૉર્ટ તરફથી નરેન્દ્ર મોદીને રમખાણો અંગે ક્લીન ચિટ મળી અને વર્ષ ૨૦૧૩માં યુકેના સાંસદો તરફથી તેમને આમંત્રણ મળ્યું ત્યારે સીએનએન-આઈબીએન પર રાજદીપે બ્રિટનના લેબર પાર્ટીના સાસંદ બેરી ગાર્ડનર સાથે વાત કરી તે ઇન્ટરવ્યૂ યૂ ટ્યૂબ પર જોવા જેવો છે. બેરી ગાર્ડનર મોદીની ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સફળતાની વાત કરે છે, ગુજરાતમાં થયેલી આર્થિક ક્રાંતિની વાત કરે છે, તેઓ ભારતના ખૂબ જ મહત્ત્વના રાજકારણી અને વિપક્ષના નેતા હોવાની વાત કરે છે, પરંતુ રાજદીપની પિન ૨૦૦૨ પર ચોંટી જાય છે. બેરી કહે છે કે “સુપ્રીમ કોર્ટના ચુકાદાને અમે માન આપીએ છીએ.” પણ રાજદીપ પ્રશ્ન પૂછે છે કે શું મોદી મનમોહન કરતાં વધુ સારા વડા પ્રધાન પદના ઉમેદવાર છે? ગાર્ડનર કહે છે કે “ભારતના રાજકારણમાં અમારે માથું ન મારવાનું હોય. અમે તો બ્રિટનના ગુજરાત સાથેના સારા સંબંધોને ધ્યાનમાં લઈએ છીએ.”

અરે! રાજદીપે તો મોદી વડા પ્રધાન બન્યા અને અમેરિકા ગયા તો ત્યાં પણ મેડિસનમાં ૨૦૦૨નાં રમખાણોના મુદ્દે પ્રશ્ન પૂછી એનઆરઆઈઓને ઉશ્કેર્યા અને તેમના હાથે માર ખાધો. એટલે રાજદીપના પુસ્તકની વાતમાં રમખાણોનો મુદ્દો કેમ છૂટી જાય? મધુ વારંવાર પૂછે છે કે “તમે મોદીને જ કેમ નિશાન બનાવ્યા? અન્ય રમખાણો કેમ નહીં?” રાજદીપ હાસ્યાસ્પદ બચાવ કરે છે કે “૮૪નાં રમખાણો વખતે હું ૧૯ વર્ષનો જ હતો…તે વખતે પત્રકાર નહોતો. એટલે કેમ કહી શકું? ૯૨-૯૩ વખતે મેં કૉંગ્રેસ-એનસીપીની સરકારને ઘેરી હતી અને શિવસેના-ભાજપને પણ.” અહીં રાજદીપ ભૂલી જાય છે કે તે વખતે એનસીપીનો ઉદ્ભવ પણ નહોતો થયો. અને તેઓ શિવસેના-ભાજપનું નામ લેવાનું ભૂલતા નથી. માની લઈએ કે ‘૮૪ વખતે રાજદીપ નાના કીકલા હતા પરંતુ ૨૦૦૨ વખતે તો તેઓ ‘૮૪ની વાત કરી શકતા હતા. ૯૨-૯૩ વખતે શરદ પવારે તેમને પત્રકાર પરિષદમાંથી હાંકી કાઢેલા કારણ કે સેના મોકલવામાં વિલંબ અંગે રાજદીપે પ્રશ્ન પૂછેલો, પરંતુ ૯૨-૯૩નાં રમખાણો વખતે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન કોણ હતા તે યાદ છે? મધુ રાજદીપને છોડે તેમ નથી. તેઓ પૂછે છે કે “એ બધું જવા દ્યો. મુઝફ્ફરનગર…” તો રાજદીપ ફરી એ જ રેકર્ડ વગાડે છે કે “મેં ૯૨-૯૩નાં રમખાણો પણ ગુજરાતનાં રમખાણોની જેમ સઘન રીતે જ કવર કર્યા હતા.”

આ ઇન્ટરવ્યૂ જેમ અંત તરફ આગળ વધે છે તેમ રાજદીપ પોતે જ કહે છે, “જ્યારે અમે દૂરદર્શન માટે એનડીટીવીનો કાર્યક્રમ ન્યૂઝ ટુનાઇટ કરતા હતા ત્યારે અમારે એક માણસને વિડિયો ટેપ લઈને દૂરદર્શન પર મોકલવો પડતો. તે કાર્યક્રમ સેન્સર થાય પછી જ અમે તે પ્રસારિત કરી શકતા. એક વખત નરસિંહરાવના સચિવે અમને કહ્યું કે ન્યૂઝ તો સરકારની મોનોપોલી છે. તેને તમે વાપરી શકો નહીં. અને અમારે આખા કાર્યક્રમમાંથી એ શબ્દ દૂર કરવો પડ્યો હતો. અને એ રીતે એ કાર્યક્રમનું નામ ન્યૂઝ ટુનાઇટમાંથી ટુનાઇટ થયું.” વિચારો! જો અત્યારે આવું થયું હોય તો રાજદીપ, બરખા, રવીશકુમાર આણિ મંડળી એનડીટીવી પર, ફેસબુક-ટ્વિટર પર કેટલી મજાક ઉડાવે? માઇમવાળાઓને બોલાવી કેવાં નાટકો કરે! ઇન્ટરવ્યૂના અંતમાં રાજદીપ પોતે જ સ્વીકારે છે કે “દૂરદર્શનના જમાના કરતાં અત્યારનો જમાનો વધુ સારો છે. અત્યારે આપણે માનવું પડશે કે (અભિવ્યક્તિની) સ્વતંત્રતા શું છે અને તેનો વધુ સારો ઉપયોગ (મોદીને ગાળો દેવા માટે) કરવો પડશે.”

કહેવાતા ઉદારતાવાદી રાજદીપ સરદેસાઈની ઉદારતાનો વધુ એક દાખલો એટલે કેશ ફૉર વૉટ કૌભાંડ. ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતીના મુદ્દે ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો અને સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો. પૂરી શક્યતા હતી કે સોનિયા ગાંધી દ્વારા પડદા પાછળ ચલાવાતી કૉંગ્રેસ સરકાર તૂટી પડે. આ મુદ્દે ડાબેરી પક્ષના એ. બી. બર્ધને હૉર્સ ટ્રેડિંગ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં કહેલું કે એક સાંસદ માટે રૂ. ૨૫ કરોડની બોલી બોલાય છે. આ મુદ્દે કૉંગ્રેસના નેતાઓ પકડાય તેમ હતા. તેઓ ભાજપના ત્રણ સાંસદોને ખરીદવા માગતા હતા. ભાજપે સીએનએન-આઈબીએન પર આ સ્ટિંગ થાય તે માટે રાજદીપનો સંપર્ક કર્યો. ચેનલના યુવાન પત્રકાર સિદ્ધાર્થ ગૌતમે સ્ટિંગ કર્યું, પરંતુ રાજદીપ સરદેસાઈએ સ્ટિંગનું પ્રસારણ અટકાવી દીધું! તેમણે ચેનલ પર તે રાત્રે કારણ શું આપ્યું? ‘રાષ્ટ્રના હિતમાં અમે આમ  કર્યું છે.” આ સ્ટિંગમાં ચર્ચાતી વાતો મુજબ, સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ પણ સાંસદોને ખરીદવાના કૌભાંડમાં સામેલ હતા. ઇન્ટરવ્યૂમાં રાજદીપ ગોળગોળ શબ્દોમાં કહે છે, “અમે જર્નાલિસ્ટિક એક્સર્સાઇઝ કરવા માગતા હતા…તે દિવસે બીજા ઘણા મહત્ત્વના સમાચારો હતા…અમે વકીલોનો અભિપ્રાય માગ્યો હતો…” મધુ પોઇન્ટેડ સવાલ પૂછે છે, ““વ્હાય ડિડ યૂ કિલ ધ સ્ટોરી? તમારે એવા વકીલ પકડવા જોઈએ જે ગમે તેમ આ સ્ટોરી પ્રસારિત કરવા તમને કાનૂની રસ્તો શોધી આપે.” રાજદીપ પાસે કોઈ જવાબ નથી.

મધુ પૂછે છે, “સિદ્ધાર્થ ગૌતમે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ ટેપને બાદમાં એડિટ કરીને તપાસ સમિતિને અપાઈ હતી.” રાજદીપ ફરી પાંગળો બચાવ કરે છે, “મને નથી લાગતું, તેણે આવું કહ્યું હોય. અમે તો ટેપને હાથ પણ નહોતો લગાડ્યો.” પણ રાજદીપ સ્વીકારે છે કે કૉંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે અને અહેમદ પટેલને આ ટેપ અંગે તેમને ફોન કર્યો હતો. હકીકતે તો એ વખતે ભાજપનું નેતૃત્વ જ બેવકૂફ પુરવાર થયું. અડવાણીજીના સલાહકાર સુધીન્દ્ર કુલકર્ણી મૂર્ખ બનાવી ગયા કે બન્યા. તેમને ખબર હોવી જોઈએ કે આટલાં વર્ષોથી રાજદીપનો ઝોક હંમેશાં ભાજપવિરોધી જ રહ્યો છે. તેને આવી સ્ટોરી ન સોંપાય.

બીજાને ઉદાર થવાની અને પોતાને પ્રશ્નો પૂછવાની સત્તા આપવા સલાહ આપતી ચેનલ એનડીટીવીની ફરી વાત કરીએ. બરખા દત્તે વર્ષ ૨૦૦૮માં મુંબઈ હુમલાના લાઇવ પ્રસારણ દરમિયાન કેવા ગંભીર ઇનપૂટ ત્રાસવાદીઓને પૂરા પાડી દીધા તે અંગે ચૈતન્ય કુંતે નામના બ્લૉગરે બ્લૉગ પૉસ્ટ લખેલી. (બ્લૉગ અને સોશિયલ મિડિયા જેવા અલ્ટરનેટિવ મિડિયાના કારણે કેટલાક સ્થાપિત હિત ધરાવતા પત્રકાર-કૉલમિસ્ટોને પેટમાં દુઃખી રહ્યું છે કારણકે તેમની પોલ ખુલ્લી પડી જાય છે.) બરખા દત્તે એનડીટીવી દ્વારા લિગલ નૉટિસ આપીને એ પૉસ્ટ દૂર કરાવડાવી! (જો મોદીએ આવું એનડીટીવીની વેબસાઇટ પર કરાવ્યું હોય તો એ જ બરખા દત્ત ગોકીરો મચાવી દે.) મધુ ત્રેહાનને આપેલા ઇન્ટરવ્યૂમાં બરખા દત્તે સ્વીકારવું પડ્યું કે ઓબેરોય હોટલમાં કેટલા લોકો છુપાયા છે તેની માહિતી તેણે આપી હતી. સુપ્રીમ કૉર્ટે ૨૦૦૮ના મુંબઈ હુમલા પર ચુકાદો આપતી વખતે કહેલું કે લાઇવ ટીવી કવરેજના કારણે રાષ્ટ્રની સુરક્ષા ખતરામાં મૂકાઈ ગઈ હતી!

Posted in humor, media, Uncategorized

(હાસ્યલેખ) રામનો યુદ્ધનો નિર્ણય સાચો પણ અપૂરતી તૈયારી સાથે ઝંપલાવ્યું

શ્રી રામ સમયે જો મેઇન સ્ટ્રીમ મિડિયા અને સોશિયલ મિડિયા હોત તો કેવું લખાતું હોત?

ડુગડુગીજય: રામે સુશ્રી તાડકાજીનો વધ કર્યો. એક નિર્દોષ સ્ત્રીની હત્યાની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

હસો નયા ગાંધી: રામ મોતના સોદાગર છે.

ખુજલીવાલ: રામે તાડકાનો વધ કર્યો તેનો પુરાવો શું છે?

ઇનજસ્ટિસ ચાકુર: રામ વનવાસ છોડી અયોધ્યા વાપસી નહીં કરે તો અયોધ્યામાં રમખાણો ફાટી નીકળશે.

શૂર્પણખા કમમતા માયામોટી બેનજી: હું જીવતી રહું કે મરી જઉં, રામની કારકિર્દી સમાપ્ત કરી દઈશ.

છાપું-૧: પોતાનાં પત્નીની રક્ષા નથી કરી શકતા તે રામ દેશની શું રક્ષા કરશે?

કોલમિસ્ટ -૧: રામ સીતાના વિલાપમાં રડી રહ્યા છે. સીતાની સુરક્ષામાં નિષ્ફળ રામનું સહાનુભૂતિ મેળવવાનું નાટક છે.

સોશિયલ મિડિયા: શૂર્પણખા સાથે લક્ષ્મણને અફેર હતું તેથી તેમણે રાવણને સીતાને ઉપાડી જવા દીધી.

દલિત અહિતકર સંસ્થા: રામે દલિત શબરીના બોર પણ ન છોડ્યાં. શબરી પાસે બોર તોડાવ્યાં. એમાં વિષના ષડયંત્રની શંકાથી તેની પાસે ચખાવડાવ્યાં અને પછી ખાધાં. મનુવાદી અને બ્રાહ્મણતરફી રામ ધિક્કારને પાત્ર છે.

કોલમિસ્ટ-૨: રામનો યુદ્ધનો નિર્ણય સાચો પણ અયોધ્યાથી તાલીમપ્રાપ્ત સેના મગાવવાના બદલે રામ વાનરોની અણઘડ સેના સાથે મહા પરાક્રમી, નવ ગ્રહ વિજેતા રાવણની મહાન અને વિશાળ સેના સામે કઈ રીતે જીતશે? રામ અહંકારી બની ગયા છે. કોઈની સલાહ માનતા નથી.

ટીવી એન્કર : આજ કા બડા સવાલ: ક્યા બંદરો કી સેના કે સાથ હોગી લંકા પર જીત?

અયોધ્યાનું એક છાપું- હું ચપટીમાં રામને રોળી નાખીશ: રાવણ

સોશિયલ મિડિયા: રામે સમુદ્રને સૂકવી નાખવા બાણ ચડાવ્યું. રાવણ સામેના યુદ્ધમાં સમુદ્રમાં રહેતા જીવોનો શું વાંક?

ટીવી એન્કર રબીશકુમાર: હનુમાને લંકા બાળી નિર્દોષોને મારી નાખ્યા. રાવણ સાથે વેર હતું તો એને મારવો હતો. લંકાના નિર્દોષ લોકોનો શું વાંક?

પપ્પુ: રામે નિર્દોષોના લોહીની દલાલી કરી.

યુદ્ધ સમયે ટીવી એન્કર બુરખા દત્ત: બગ સ્ટોપ્સ હિયર. રામેશ્વરમ્ માં આ જગ્યા વલ્નેરેબલ છે. રાવણના રાક્ષસો અહીં હુમલો કરે તો ગંભીર ખતરો છે.

છાપું-૨: રાવણ યુદ્ધ જીતવા તરફ. સર્વેનું તારણ. રામની તૈયારી અપૂરતી નિવડી. વૉર મેનેજમેન્ટમાં ખામી. અધૂરી તૈયારી સાથે અચાનક યુદ્ધમાં ઝંપલાવ્યું. લક્ષ્મણ મરણપથારીએ. બીજા અનેક સૈનિકોનાં પણ મોત.

સનકી ગાંધી: હનુમાને એક સંજીવની બુટ્ટી માટે સમગ્ર પહાડ લાવી પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.

છાપું-૩: રામે જીત પછી લંકા પાછી આપી ઉદારતા દાખવવાનું નાટક કર્યું, નોબેલ પુરસ્કારની આકાંક્ષા?

શોભા આડે પાટે: રામે સીતાનો ત્યાગ કરી સમગ્ર મહિલાઓનું અપમાન કર્યું છે. તેઓ માફી માગે.

ટીવી એન્કર: કૌન હે વો ધોબી જિસકે કહને પર રામ ને સીતા ત્યાગી. આજ રાત નવ બજે મિલિયે ધોબી સે. ઓન્લી ઓન…

મનોરંજન ન્યૂઝ: સંજય અભણ શાળી બનાવશે સીતા અને રાવણની પ્રેમકહાની પર એક ફિલ્મ- જેમાં તેર કરોડના ખર્ચે ફિલ્માવાયેલા એક ગીતમાં મંદોદરી અને સીતાને સાથે નૃત્ય કરતા દેખાડાશે.

છાપું-૩: રામે તો અયોધ્યાનું રાજ મેળવી લીધું પણ હનુમાનનો યુઝ એન્ડ થ્રો કર્યો. અમારાં સૂત્રો મુજબ, હનુમાનને માત્ર માળા આપતા હનુમાને ખીજાઈ તેને તોડી અને ફગાવી દીધી. જોકે હનુમાને આ વાતનો ઈનકાર કર્યો.

(સદા) અપ્રસન્ન ખુજ(લી)પાયી, દસ્ત તકમાં: તો લંકા વિજય કે બાદ રામ કો યે ગુમાન હો ચલા હૈ કિ વો બ્રહ્માંડ વિજેતા હૈ. ચૂં કિ અયોધ્યા ભી વૈભવશાલી હૈ ઔર લંકા તો ખૈર, સોને કી હી બની થી. ઈન દોનો સત્તાઓ કે ટકરાને સે ગરીબોં કો બડા ખામિયાજા ભુગતના પડા. લંકા વિજય કે બાદ રામ કો વિનમ્રતા કા પરિચય દેના ચાહિયે થા લેકિન જિસ તરહ સે રાવન કે પુષ્પક વિમાન મેં રામ અયોધ્યા લૌટે ઈસસે યે સાફ સંકેત હૈ કિ વૈભવ કો કોઈ ભી સત્તાધારી ઠુકરા નહીં સકતા હૈ. તો ક્યા અબ યે માન લિયા જાયે કિ અબ અયોધ્યા મેં સિર્ફ રામ કી હી ચલેગી ચૂં કિ બડી લંકા વિજય જો પાયી હૈ, યા યૂં પૂછિયે કિ કિ ક્યા સભી વિરોધીયોં કો રાવણ કા સાથી યાનિ રાક્ષસ માન લિયા જાયેંગા? ઔર ઇસ સમય ભરત કી ઇસ્થિતિ ક્યા હોગી? ચૂપચાપ શાસન કરનેવાલે ભરત કો ક્યા અબ હાંસિયે મેં ધકેલ દીયા જાયેગા? ઇંતઝાર કીજિયે ઔર તબ તક યે ગાના દેખિયે…(વો સુબહ કભી તો આયેગી ગીત વાગે છે)

કોલમિસ્ટ-૩: બંદરવેડા કરી યુદ્ધ જીતી જવાય પણ એમનો સાથ જોખમી હોય છે. લંકાનો વૈભવ, ત્યાંની સુંદર રાક્ષસીઓ સાથેનો ઉપભોગ છોડી રામે એક વાઇફ લોયલ હોવાનો દંભ કર્યો છે. અરે, લાઇફ ઇઝ નોટ જસ્ટ એબાઉટ વન વાઇફ. ઇટ ઇઝ એબાઉટ નાઇટ એન્ડ નાઇટ લાઇફ. ઇટ ઇઝ એબાઉટ ફૂલ ઓન મસ્તી ડ્યૂડ. હું લંકા ઘૂમેલો છું. તેથી આ કહી શકું છું. આદર્શ અલગ વાત છે પણ જીવન કંઈ આદર્શની વાત નથી. એ તો માણવાની ચીજ છે. છોડવાની નહીં. રાત કો ખાઓ પીઓ દિન કો આરામ કરોની ફિલોસોફી છે. પણ એ કંઠીબદ્ધ રામભક્તોને નહીં સમજાય.

(આ હાસ્યલેખ છે. કોઈએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)