Jaywant nee je bbat, personal

ઈસ કે સિવા જાના કહાં

જયવંતની જે બ્બાત
ભાવનગરની પ્રણવ બક્ષી વિનય મંદિર જે શિશુવિહાર તરીકે વધુ જાણીતી છે તેમાં દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા હતી. હું તે વખતે કદાચ નવમા ધોરણમાં (ઈ.સ. ૧૯૮૮) હોઈશ. મેં ભાગ લીધો. ‘મેરે દેશ કી ધરતી’ કે ‘કર ચલેં હમ ફિદા’ જેવાં વધુ જાણીતાં ગીતો ગાવા કરતાં કંઈક હટકે ગાવાનું વિચાર્યું. મેં ‘જીના યહાં મરના યહાં ઈસ કે સિવા જાના કહાં’ ગીત પસંદ કર્યું. આ ગીત પ્રચલિત અર્થમાં દેશભક્તિનું નથી, પણ દેશભક્તિના અર્થમાં જુઓ તો મારા મનને તો એ દેશભક્તિનું જ લાગ્યું. આપણને નસીરુદ્દીન કે આમીર ખાન જેવું નહીં કે સમસ્યાઓ હોય એટલે દેશ છોડી ભાગી જવાનું મન થાય. ઈસ કે સિવા જાના કહાં…

સૌરાષ્ટ્ર સમાચાર હોય કે દિવ્ય ભાસ્કર, કે ગુજરાત સમાચાર, શ્રી ઉમેશ શાહ, મિત્ર ગૌરાંગ વૈદ્ય કે શ્રી મુકુંદ પંડ્યા જેવા સાથીઓ સાથે ગીત ગાતાં કામ કરવાની મજા પડતી.

કટ ટુ ૨૦૦૯. મારા સસરા પૂ.કનૈયાલાલ દવેએ સુરેન્દ્રનગરમાં ભાગવત કથા યોજેલી. તેમાં રાત્રે આધ્યાત્મિક અર્થ સમજાવીને દર્દ-એ-દિલ અૉરકેસ્ટ્રા સાથે ગાયેલું.

કટ ટૂ ૨૦૧૯. કરાઓકેના વિડિયો યૂટ્યૂબ પર આવવા લાગ્યા અને સ્ટારમેકરથી લઈ અનેક એપ પણ આવી તે પછીથી એક ઈચ્છા હતી કે સ્ટેજ પર કરાઓકે કે અૉરકેસ્ટ્રા સાથે ગીત ગાવું છે. હમણાં ગયા શનિવારે (૧૯ જાન્યુઆરીએ) અપંગ માનવ મંડળમાં પ્રકાશ જાડાવાલા ‘પ્રજા’ સહિત મિત્રોના જન્મદિનની ઉજવણી દિવ્યાંગ બાળકો વચ્ચે હતી. ‘સંદેશ’ ચેનલની ડિબેટ પતાવી સીધો ત્યાં ગયો. કાર્યક્રમમાં મિત્ર Nilesh Dholakia એન્કર. તેમને વિનંતી કરી ને એ પૂરી થઈ. કોઈ રિહર્સલ વગર ‘પડોશન’નું ‘કહના હૈ’ ગીત જેવું આવડ્યું એવું ગાયું.

Advertisements
personal

પહેલી મેનું મારા જીવનમાં ખાસ મહત્ત્વ

(સૌથી ઉપર અને સૌથી ઉપરથી બીજી તસવીર-બીજી મે ૧૯૯૯, જ્યારે મારી કૉલમ ‘સિનેવિઝન’ને એક વર્ષ પૂરું થયેલું. એ સિવાયની તસવીરો એ જ કૉલમનાં કતરણો છે.)

(મારી પત્રકાર-કૉલમિસ્ટ કારકિર્દી લેખાંક ભાગ-૧)

આજે ૧લી મે. ગુજરાત સ્થાપના દિન. આજે મારી વચલી બહેન શીલાબેનનો જન્મદિન છે. મારા જીવનને ટકાવી રાખનાર નારી શક્તિ પૈકીની એક. આજના દિવસનું કારકિર્દીની રીતે ખૂબ જ મહત્ત્વ છે. આજે મારી પત્રકાર તરીકેની કારકિર્દીનાં ૨૦ વર્ષ સફળતાપૂર્વક પૂરાં થયાં છે!

કૉલમિસ્ટ તરીકે તો હું ૧૯૯૬થી વિકાસ વર્તુળના ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’માં વિદેશ શિક્ષણની કૉલમ લખતો. તે પછી ‘પેનમેન’ નામના નવા સમાચારપત્રમાં શુક્રવારની એક  પાનાની આખી ફિલ્મ પૂર્તિ હું સંપાદિત કરતો, તેમજ તેેેેમાં મારી ફિલ્મ અને ટીવીની કૉલમ અનુક્રમે દર રવિ અને બુધવારે આવતી.
‘સૌરાષ્ટ્ર સમાચાર’માં પહેલાં રવિવારે મારી ફિલ્મની કૉલમ ‘સિનેવિઝન’ તો શરૂ કરવાની હતી, પણ આગવી સૂઝવાળા પત્રકાર-લેખકપારખુ શ્રી ઉમેશ શાહે  પૂર્તિમાં ઉપ સંપાદકની નોકરીની અૉફર કરી. તે વખતે મારું એમ.સી.એ. ચાલુ હતું પણ ભાઈ (પિતાજી) નિવૃત્ત થઈ ગયેલા અને તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. એટલે ઘરે પૂછ્યા વગર જ સ્વીકારી લીધી કારણકે માત્ર ચાર કલાકની જ નોકરી હતી.

બાદમાં શ્રી ઉમેશભાઈએ એવો પ્રસ્તાવ પણ કર્યો કે એમ.સી.એ. કરો છો તો બીજા ચાર કલાક પેજિનેશન વિભાગમાં પણ કામ કરો. મેં હા પાડી, અલબત્ત, એમ.સી.એ.ના ભણતર બાદ પ્રૉગ્રામર તરીકે ઘણી ઊંચી નોકરી મળે તેમ હતી, પણ ભણતર દરમિયાન જરૂરિયાત હતી એટલે સ્વીકારી. પણ હજુ નોકરી પાકી કરવા તે સમયના ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના મેનેજિંગ અેડિટર અને ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના તંત્રી શ્રી પ્રતાપ શાહના સુપુત્ર શ્રી દીપક શાહની સાથે મુલાકાત બાકી હતી.

તેમની સમક્ષ શ્રી ઉમેશભાઈએ મારી વાત કરી, “જયવંતભાઈ એમસીએ કરે છે, વિકાસ વર્તુળના મેગેઝિનમાં અને પેનમેનમાં કૉલમ લખે છે, સેન્સ અૉફ હ્યુમર અને ‘પન’ (શ્લેષ અલંકાર) પર સારી હથોટી છે…વગેરે વગેરે.” અાત્મશ્લાઘા લાગશે પણ શ્રી દીપકભાઈની પારખુ નજરે મને તરત જ માપી લીધો હતો. તેમણે શ્રી ઉમેશભાઈને કહ્યું, ‘પીટીઆઈમાં આપણે માણસોની અછત હંમેશાં રહે છે. આ ભાઈ વિદેશ શિક્ષણની કૉલમ લખે છે એટલે તેમનું અંગ્રેજી સારું જ હશે. તો પેજિનેશન કરતાં તેમનો લાભ પી.ટી.આઈ. વિભાગમાં લ્યો.’ સૌરાષ્ટ્ર સમાચાર’માં પહેલા અને અંદરના પાને દેશવિદેશના સમાચાર તૈયાર કરનાર વિભાગને પી.ટી.આઈ. કહેવાતો,  કારણકે બધા સમાચાર પી.ટી.આઈ.ના ટેલિપ્રિન્ટર પર સતત ઉતરતા રહેતા, તેનો અનુવાદ કરવાનો રહેતો.

હવે જોવાની વાત એ છે કે મારું નસીબ કે ગ્રહ, જે કહો તે મને લેખન અને પત્રકારત્વ તરફ ખેંચતા હતા. એક-બે વર્ષ પહેલાં હું એમ.સી.એ. કરતો હતો ત્યારે ‘સૌરાષ્ટ્ર સમાચાર’ના આ પીટીઆઈ વિભાગ માટે પાર્ટટાઇમ અનુવાદકોની જગ્યા માટે અરજી માગતી જાહેરખબર આવી હતી અને તેમાં બી.એ. વિથ ઇંગ્લિશની લાયકાત જરૂરી હતી ત્યારે  અરજી કરી હતી પણ ત્યારે મેળ પડ્યો નહોતો પણ હવે દીપકભાઈ સામેથી આ જ જગ્યાની અૉફર કરી રહ્યા હતા…
(ક્રમશ:)

bhavnagar, city, personal, society

કેવડા ત્રીજે બાપુજીની યાદ : આધુનિકતા અને પરંપરાનો સંગમ

મારા પૂ. બાપુજી મુકુંદરાય બી. પંડ્યા

આજે કેવડા ત્રીજ. આજથી ૩૨ વર્ષ પહેલાં મારા બાપુજીનું આ જ દિવસે અવસાન થયું હતું. બાપુજી એટલે મારા દાદાજી. તેમનું નામ મુકુંદરાય બળવંતરાય પંડ્યા. ટૂંકમાં એમ. બી. પંડ્યા.

રેલવેમાં ગાર્ડ તરીકે તેમની નોકરી. તેમનું અંગ્રેજી એ સમયમાં ખૂબ જ પ્રભાવશાળી.  અંગ્રેજી તથા ગુજરાતીમાં તેમના અક્ષર…આ હા હા…અમારા ઘરમાં તેમના, મારા ભાઈ (મારા પિતાજી સ્વ. ગજેન્દ્રભાઈ ), મારાં ફઈ બકુફઈ(દીપ્તિબહેન), અને મારાં મોટાં બહેન સોનલબહેન…આ બધાના અક્ષરો મોતીના દાણા જેવા. ભાઈને સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્રમાં નોકરીના લીધે પહેલાં પોરબંદર,  પછી માણાવદર,  રાણાવાવ, વડોદરા એમ જવાનું થતાં મારે બાપુજી સાથે રહેવાનું માંડ બહું ઓછું આવ્યું. અમે વડોદરા હતા ત્યારે તેમનો કાગળ આવ્યો કે હવે બેમાંથી એક ભાઈ મારી સાથે આવો તો સારું.

મારા કાકા ભરતભાઈ મુંબઈમાં નવો નવો ધંધો હતો. તે છોડીને આવી શકાય તેમ નહોતું. આથી મારા ભાઈએ ભાવનગરમાં કાળા નાળામાં જગ્યા ખાલી પડતાં બદલી માગી લીધી. હું છઠ્ઠા ધોરણમાં આવેલો.

બાપુજીનો પહેરવેશ કેવો? ઘરમાં હોય ત્યારે મોટા ભાગે લુંગી અને ઉપર ઉઘાડું ડીલ અથવા ગંજી પહેર્યું હોય. તેમની જનોઈમાં તેમના કબાટની ચાવી લટકતી હોય. કબાટમાં અનેક જાતનાં બિસ્કિટ અને ચોકલેટ વગેરે જાત-જાતના નાસ્તા ભરેલા હોય. તેઓ કોઈ બાળક આવે ત્યારે કબાટ ખોલી તેમાંથી નાસ્તો આપે. આ કબાટ ખોલવાનો બાપુજી સિવાય એક માત્ર મને અધિકાર હતો. જોકે મને આમેય બિસ્કિટ, ચોકલેટ વગેરે ઓછાં ભાવે. બાપુજી ખૂબ જ શોખીન સ્વભાવના હતા. બહાર જાય ત્યારે તેમના કપડાં, કોટ બધું તે સમય કરતાં આધુનિક હોય. તેમના કપડાં, અનેક જાતના ચશ્મા જેમાં આંખ પર તો કાચ હતા જ પરંતુ સાઇડમાં પણ કાચ રહેતા તેવા ચશ્માનો પણ સમાવેશ થાય, ઘડિયાળો તેનાથી લઈને દરેક ચીજવસ્તુમાં તેમનો શોખ જોવા મળે. તેમની પાસે દરેક ચીજ હોય. અનેક જાતના રેડિયો, અનેક જાતની પેનો. કળા એટલી હસ્તગત કે તેઓ એ સમયે પડતા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફમાં જાતે રંગ પૂરતા અને આબેહૂબ રંગીન ફોટો લાગે. આ સાથે જે તસવીર અહીં મૂકી છે તે તેમના ફોટામાં તેમણે જાતે રંગ પૂર્યો છે. ૯૫૭માં તેમનો એક અલાયદો રૂમ હતો.

સંગીતનું કોઈ પદ્ધતિસર જ્ઞાન નહીં પણ હાર્મોનિયમ વગાડતા ખૂબ જ સરસ આવડે. હાર્મોનિયમ વસાવેલું પણ ખરું. તેમનો એ વારસો મારા ભાઈમાં અને  મારામાં આવ્યો છે. મને હાર્મોનિયમ, વાંસળી, માઉથ ઑર્ગન વગાડતા આવડે. આધુનિકતા સાથે તેમને ભજનોમાં પણ ખૂબ રૂચિ. એક નોટબુકમાં તેઓ પોતાના હસ્તાક્ષરમાં ‘રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે’ સહિતનાં ભજનો ટપકાવતા અને પછી મધુર સ્વરે ગાઈને મને સંભળાવતા. મારી એક ખાસિયત અથવા વિશેષતા છે કે કેટલાંક ગીત મને કોઈ વ્યક્તિ ગાતી હોય તો તે સંદર્ભે યાદ રહી જાય છે અને પછી ગીત જ્યારે પણ આવે ત્યારે એ વ્યક્તિ યાદ આવે. આ રીતે જ્યારે પણ હું ‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો’ સાંભળું ત્યારે મારા બાપુજી મને યાદ આવ્યા વિના ન રહે કેમ કે સંભવત: આ ભજન મેં સૌ પ્રથમ તેમના મોઢે સાંભળ્યું હતું.

સવારમાં તેઓ પૂજા કરતાં પહેલાં ભાવનગરમાં ડૉન વિસ્તારમાં અમારા સુપ્રસિદ્ધ બી. કે. વિલા અથવા ૯૫૭ (એ નંબરના પ્લૉટના બંગલા- અમે બધા ટૂંકમાં ૯૫૭થી ઓળખીએ)માં આવેલા વિવિધ ફૂલોનાં ઝાડ- કરેણ, જાસૂદ, પારિજાત વગેરે પરથી એક લાકડી લઈ તે લાકડીની મદદથી ડાળી ઝુકાવી તેના પરથી પુષ્પ તોડે અને સાથે એક નાનકડી જાળીવાળી ટોપલી કમ થેલી હોય તેમાં ભરે. પછી પૂજા કરે. જમતી વખતે થાળી પાટલા પર રાખે. અને તેમને બધું પીરસી દેવાનું. જમતી વખતે તેઓ બોલે નહીં. મૂંગા મોઢે જમી લે. કેવું બન્યું છે, કેવું નહીં તેની કોઈ ફરિયાદ નહીં. તેમને બિલાડી અને કૂતરા પ્રિય. એક કાળા રંગનો કૂતરો હેવાયો હતો. તો એક બિલાડી પણ ઘરમાં આંટા મારતી હોય.

તેમનાં પત્ની કમળા બાનું અવસાન મારા ભાઈ સાવ નાની વયના (લગભગ એકાદ વર્ષના) હતા ત્યારે જ થયું હતું. તે પછી તેમણે મોટા બા દુર્ગાબહેન સાથે લગ્ન કરેલાં.

લગભગ પંચોત્તેર વર્ષ  જીવ્યા ત્યાં સુધી તબિયત એકદમ સારી હતી. તેમને દાંત નહોતા પડ્યા કે નંબરના ચશ્મા પણ નહોતા આવ્યા. તે વખતે તો વાહનની રીતે સાઇકલ જ સ્ટેટસની નિશાની હતી જેમાં બાપુજીએ ડાયનેમો લગાવ્યો હોય. એ હર્ક્યુલસની સાઇકલ લઈને તેઓ ગધેડિયા ફિલ્ડ (જવાહર મેદાનનું નામ ગધેડિયા ફિલ્ડ પડી ગયું હતું, આજે પણ ગધેડિયા ફિલ્ડ તરીકે જ ઓળખાય છે)માંથી થઈને પરિમલ વિસ્તારમાં આવેલા તેમના ફઇ – ઈચ્છાફઈને મળવા જાય. ઈચ્છાફઈનાં દીકરી શારદાબહેન બહેરાં હતા. તેમના પતિ ચંદુલાલ ત્રિવેદી એસબીએસના પ્રથમ જનરલ મેનેજર હતા અને તેમનું નોકરીમાં જ અવસાન થયેલું. આ બંને માતા-દીકરી પ્રત્યે બાપુજીને, મારા ભાઈને અને મારા ફઈ બકુફઈ (દીપ્તિબહેન)ને ભારે લાગણી.

તે વખતની વાતો હવે ક્યારેક દૂરદૂરનાં સગાંઓ તરફથી સાંભળવા મળે છે ત્યારે એ તાજી થાય છે અને એમ થાય છે કે એ વખતે કેટલા વિશાળ પરિવારને મારા મોટા બાપુજી (બળવંતરાય કરુણાશંકર પંડ્યા), મારા ભાઈનાં મોટા બા- કાશી બા, બાપુજી, મોટા બા, મારા ભાઈ અને મારી બા (મારાં મમ્મી) વગેરે સાચવતાં! કેમ કે અમારે ત્યાં ભાઈના  બે કાકા, તેમાંથી મોટા કાકા પતુકાકા (પ્રતાપરાય બળવંતરાય પંડ્યા) ને ચાર દીકરા-પંકજકાકા, હેમંતકાકા, હરેશકાકા, સંજુકાકા અને એક દીકરી- ચારુ ફઈ, નાના કાકુ કાકા (નરેન્દ્રભાઈ બળવંતરાય પંડ્યા)ને એક દીકરી જલ્પા અને એક દીકરો- વિશાલ.  ભાઈની ચાર ફઈ, તેમનાં નવ સંતાનો, તેમાંથી પણ કેટલાંકના સંતાનો આ બધા ભેગા થાય તે તો ખરા જ, પણ સાથે મારાં મોટા બા દુર્ગાબહેનનાં પાંચ બહેનો પૈકી ભાવનગર રહેતાં ત્રણ બહેનો-તનુમાસી, કોકિલા માસી અને કમળા માસી. તે પૈકી કમળા માસીના બે દીકરા અને ત્રણ દીકરીઓ તેમનાં સંતાનો, અમદાવાદ રહેતાં મોટા બાના બહેન- દિવ્યા માસીનાં ચાર સંતાનો-કમલેશભાઈ, કેતનભાઈ, સોનલબહેન અને પારુલબહેન, આ ઉપરાંત ક્યારેક આવતા મોટા બાના ભાઈ ગુણુમામા (ગુણવંતરાય)…આ ઉપરાંત એ ૯૫૭ના બંગલામાં રહેતા બે પગી તથા બે ભાડુઆતનાં આઠેક સંતાનો, આ ઉપરાંત સામે રહેતાં દેવકુંવરબાનાં દીકરા, અમારી પડોશમાં ભાવેશ વિલા, તેની બાજુના ઘરમાં રહેતા ઘનશ્યામભાઈ, છનાભાઈ (નિરંજનભાઈ)….કેટલી વસતિ એ એક ઘરમાં ક્યારેક સાથે જોવા મળતી હશે, કલ્પી શકો છો?

અને હા, આ બધામાં મારા ભાઈનાં ભાંડરડાં તો ભૂલાઈ જ ગયાં. તેમાં કાકા, ત્રણ ફઈ, તેમનાં ત્રણ સંતાનો- પિન્ટુ (પરાશર), સ્વીટુ (કરિશ્મા) અને મિકી (મૃગેશ). અને અમે ત્રણ ભાઈ-બહેનો- સોનલબહેન, શીલાબહેન અને હું!  હોળી હોય, દિવાળી હોય કે શ્રાવણ મહિનો હોય. ઘરમાં ધૂમ મચેલી જ હોય. ચા-પાણી-નાસ્તાના દૌર ચાલતા હોય. ઘરમાં હિંચકા પર કે આંગણામાં ખુરશી નાખીને બધા બેઠા અલકમલકની વાતો કરતા હોય. એમાં બાપુજી આરામખુરશી (જેમાં પાછળ ઢળીને અર્ધા સૂતેલા હોય તેમ)માં બેસે.

બાપુજી ડાયમંડ ચોક પાસે ભીખાભાઈ (ભીખાભાઈ ઠક્કર, જે ખરેખર તો ગુજરી ગયા હતા. તેમના દીકરા જનુભાઈ દુકાન ચલાવતા, પણ તેમની દુકાન ભીખાાભાઈની દુકાન તરીકે જ ઓળખાતી)ને ત્યાં કોઈ ચીજ ખરીદવાની હોય તો મને સાથે લેતા જાય. ત્યારે જનુભાઈ  હસતાંહસતાં બાપુજીને મારા સંદર્ભમાં કહેતા, “વ્યાજનું વ્યાજ કોને ન વહાલું હોય? આ તો તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ છે.” ગુરુવાર હોય એટલે બાપુજી સાથે ડોન ચોકથી મેઘાણી સર્કલ તરફ જતાં રસ્તામાં આવતા સાઈ બાબાના મંદિરે તેમનો હાથ પકડીને હું જતો.

અમારા ઘરમાં દીકરીઓ-બહેનોને પહેલેથી માન મળતું. તે રીતે બધા ખૂબ જ આધુનિક વિચારોના હતા. એટલે મારા ફઈઓ ફ્રૉક પહેરે, સાઇકલ ચલાવે, નોકરી કરવા જાય, મારા એક ફઈએ વાણિયામાં લગ્ન કર્યા…આ તમામ રીતે છૂટ અપાયેલી. દીકરા-દીકરીમાં કોઈ ભેદ નહીં. પણ હા, તેના લીધે શિસ્ત કે પરંપરામાં કોઈ બાંધછોડ નહીં. એ બધી બાબતોનું જ્ઞાન પણ એટલુ ંજ અપાતું. વળી મારા બાપુજીએ મારાં બા એટલે તેમનાં પુત્રવધૂને માથે ઓઢવાનું બંધ કરાવેલું અને મારાં બાનું પિયર પણ ભાવનગર હોઈ, તેઓ રાણાવાવ આવે ત્યારે વળતી વખતે પોતાની સાથે બાને લેતા આવે. કોઈ દિવસ મારાં બા સાથે ઊંચા અવાજે વાત કરી નહીં. એ સમયમાં આ બધી બહુ મોટી વાત હતી.

સાતમા ધોરણમાં હતો ત્યારે ૧૯૮૫માં કેવડા ત્રીજના દિવસે શિશુવિહારની દિવાળીબહેન છગનલાલ નવજીવન પ્રાથમિક શાળા (તેનું માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક માટે નામ પ્રણવ બક્ષી વિનય મંદિર)માં હતો ત્યારે સાંજે ચાર કે પાંચ વાગ્યાના સુમારે મને અને મારી ફઈ જલ્પા (જે મારા ભાઈના કાકુ કાકાની દીકરી છે પણ મારાથી એક વર્ષ નાની છે)ને લેવા કાકુ કાકાની એમ્બેસેડર કાર આવી, કહેવામાં આવ્યું, “ચાલો. ઘરે.” અમને નવાઈ લાગી. ઘરે આવીને જોયું તો સમાચાર જાણવા મળ્યા કે બાપુજી હવે નથી રહ્યા. થોડા વખતથી તેમને તકલીફના કારણે પહેલાં બજરંગદાસ બાપા હૉસ્પિટલ (પાનવાડી) ખાતે દાખલ કરાયા હતા અને પછી પરિમલ ઈચ્છા ફઈને ત્યાં લઈ જવાયા હતા. ત્યાં જ તેમનું અવસાન થયેલું.

બાપુજી સાથે સળંગ રહેવાનું સવા વર્ષ જેવું માંડ બન્યું, પણ એ સવા વર્ષ મારા સ્મરણની હાર્ડ ડિસ્કમાં ક્યારેય ડિલીટ ન કરી શકાય તેવા પાસવર્ડ સાથે સ્ટૉર થઈ ગયા છે.

આમ તો દસમા ધોરણ સુધી મારી ઊંચાઈ ખાસ નહોતી. પણ તે પછી સાઇકલિંગ વધતા મારી ઊંચાઈ વધી અને દુબળો હતો, ત્યારે ભાઈ કહેતાં, “ભાઈ (એટલે કે તેમના પિતા)  જેવો જ લાગે છે.”  દેખાવમાં તેમના જેવો છું કે નહીં તે તો ખબર નથી, પણ જીવન જીવવામાં ભાઈ અને બાપુજી જેવા બનવાનો પ્રયત્ન સદા કરતો રહું છું.

 

media, personal

Journey of news

I completed two years successfully as News Editor in Gujarat Samachar on this 16th August. It was like dream came true as working in newspaper which I have been reading since teenage. It was 16th august when I joined Gujarat Samachar. Though I had short experience as incharge of front page in Saurastra Samachar it was really big responsibility given by Shree Sreyansh Shah as looking after front page and other national-international news pages of Numero Uno newspaper. From day one my test begun and test paper was hard as Anna Hazare movement was beginning on that day.
Two years were full of events such as -withdrawing support by Trinamool congress, Ramdev’s agitation in Ramlila maidan, sensational exposures by Kejriwal, president election of Bharat/USA, bomb blasts in Delhi/hyderabad, voting on FDI, Gujarat/UP/Himachal/Karnataka election, scams such as coal gate/telecom/railway bribery/alleged army revolt after Makar Sankranti, conflict between army head V K Singh and defence minister A K Antony, Mumbai blasts 1993 case order by supreme court, execution of death penalty to Kasab/Afzal Guru, China incursion, Pakistan army aggression, autonomy of CBI (famous observation of supreme court- caged parrot), conflict between supreme and parliament on disqualification of convicted legislators, fight between Gujarat govt and governor on appointment of lokayukta, emergence of Narendra Modi/Rahul Gandhi as superior leader in BJP/Congress, fall of indian rupee, Europe economic crisis (Greece,  Cyprus, Britain), Higgs Boson particle confirmation, Rover Mars mission, disasters such as Sandy in US, Uttarakhand floods, earthquake in Sikkim…and so on.
Witnessed demises of Steve Jobs, Dev Anand (I got byline for article on Dev which is rare in Gujarat Samachar) , Yash Chopra, Rajesh Khanna, Jagjit Singh, Dara Singh, Pt. Ravishankar, Pran.
It was most momerable movement for me when I got pet on back by Shree Sreyansh Shah for special pages sp. for Higgs Boson page and Pran.
I feel very much happy when Gujarat Samachar exclusively made lead story of Pranav Mukherjee declaring as president candidate (even when Congress was thinking over Hamid Ansari) and decision of announcement of Telangana as separate state.
There were ofcourse underestimates by me. At first instance,  I could not imagine Kingfisher airlines crisis and Uttarakhand flood would blow out of proportion.
Journey of great learning and  satisfaction is still on. Very much happy for contributing like squirrel in Gujarat Samachar’s success.

personal, society

નીતીશ- મોદી : ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે…

ભાજપ અને જનતા દળ (યૂ) વચ્ચે સત્તર- સત્તર વર્ષોથી મિત્રતાના સંબંધ હતા. જનતા દળ (યૂ) અથવા એમ કહો કે નીતીશકુમારને નરેન્દ્ર મોદીના હાથમાં ભાજપની સત્તા આવે અને તે કરતાંય ભવિષ્યમાં મોદી વડા પ્રધાનના ઉમેદવાર થાય તો તેમને એનડીએના ઉમેદવાર બતાવીને પ્રચાર કરવો પડે અને સત્તા આવે તો તેમની હકુમત નીચે રહેવું પડે તે મંજૂર નહોતું. જે નીતીશે કચ્છમાં આવીને નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને ભવિષ્ય ભાખ્યું હતું કે મોદી ભવિષ્યમાં રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવશે એ જ નીતીશને મોદી આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા.

ગુજરાતમાં રમખાણો થયા તે પછી બિહારમાં ચૂંટણી પ્રચારમાં મોદીના આવવા પર નીતીશે પ્રતિબંધ મૂક્યો તો સામે મોદીએ એનડીએની રેલીમાં અચાનક સ્ટેજ પર નીતીશને ભેટી પડ્યા ને તસવીરો ખેંચાવી લીધી કે પછી પોતે જાય ત્યારે બિહારના પૂરની આફત માટે ગુજરાતે પાંચ કરોડની સહાય કરવી અને નીતીશ સાથે ભેટી પડતો ફોટા સાથે એ સહાયની જાહેરખબરો છપાવી.

આમ, ભાજપ-જનતા દળ (યૂ)ની મિત્રતા ચાલુ હતી, પરંતુ તેના બે નેતાઓ વચ્ચે મિત્રતા દુશ્મનાવટમાં પરિણમતી જતી હતી. છેવટે આ રવિવારે (૧૬ જૂને) એ મિત્રતા કે પછી પતિ-પત્નીના સંબંધોની જેમ આ સંબંધને જુઓ તો તે છૂટાછેડામાં પરિણમી. ભાજપ તરફથી જનતા દળ (યૂ) પર વિશ્વાસઘાતના આક્ષેપો થયા. તો જનતા દળ (યૂ) વાળાઓએ કહ્યું કે ભાજપના મંત્રીઓએ મંત્રીમંડળની બેઠકમાં આવવાનું જ બંધ કરી દીધું હતું. કંઈ રસ્તો જ નહોતો. નોબત તો એ આવી કે છેવટે આના વિરોધમાં ભાજપે બિહાર બંધનું એલાન આપ્યું અને જે અત્યાર સુધી ખભેખભા મેળવીને લડતા હતા તે બંને પક્ષના કાર્યકરો બાથંબાથી પર આવી ગયા.

વાત રાજકીય ભલે હોય, પણ બધાં ક્ષેત્રોમાં અને અંગત સંબંધોમાં લાગુ પડે છે. રાજકીય વાત એટલા માટે લીધી કે પ્રાસંગિક છે. બાકી, આવું તો વર્ષોથી થતું આવ્યું છે. મિત્રતા કે પતિ-પત્નીના સંબંધો નથી પોસાતા? ભાઈ-ભાઈ વચ્ચે નથી બનતું ને છૂટા પડવું છે? ભાઈ-બહેન કે બહેન-બહેન વચ્ચે કટુતા આવી ગઈ છે? ધંધામાં ભાગીદાર સાથે નથી બનતું? વિચારભેદ મનભેદની કક્ષાએ પહોંચી ગયા છે? તો વાંધો નહીં છૂટા પડી જાવ. પરંતુ છૂટા પડ્યા પછી વાતને એ કક્ષાએ ન લઈ જાવ કે પછી દુશ્મનાવટનો તબક્કો શરૂ થઈ જાય. પણ કેટલાક લોકો એવા હોય જ છે કે પછી વાતને વણસાવે જ છૂટકો કરે. છૂટા પડવા માટે સામેવાળાને જવાબદાર ગણાવીને તેના વિરુદ્ધ વાતો ફેલાવવાનું શરૂ કરે. બંનેના જે સામાન્ય સંબંધીઓ કે સગાવહાલા કે પછી મિત્રો હોય તે ખોટી સહાનુભૂતિ બતાવે કે પેલો/પેલી તારા વિરુદ્ધ આવું કહેતો/કહેતી હતો/હતી. આવામાં જો બીજો જણ કંઈ ન બોલે તો તેને ઉશ્કેરે કે તું મૂંગો રહીશ તો પેલો તને વધુ ને વધુ બદનામ કરશે. પરિણામે બીજો જણ પણ પોતાનો બચાવ કરવા લાગે અને પહેલી વ્યક્તિની વિરુદ્ધ બોલવા લાગે. આમાં પછી સાચીખોટી વાતો ફેલાવા લાગે. થાય એવું કે એ કડવાશભર્યા સંબંધો ઝેરીલા બની જાય.

આ વાતને જો વ્યાપક સ્વરૂપે જોઈએ તો હિન્દુ – મુસ્લિમોના સંબંધો કે સૌરાષ્ટ્રમાં કે પંજાબમાં જે કૌટુંબિક ઝઘડા જોવા મળે છે તેમાં આવું જ હતું. હિન્દુ અને મુસ્લિમ બંને પ્રજા મૂળ તો લાગણીશીલ છે. મિત્રતામાં જાન આપી દેતાંય વિચાર ન કરે. હજુ ગઈકાલે-૧૮ જૂને જ સમાચાર આવ્યા કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો માટે પૂજાની વ્યવસ્થા મુસ્લિમ બંધુઓએ કરી. હવે પંડિતોને કાશ્મીરમાંથી વિસ્થાપિત કરાયા તે જ પંડિતો માટે મુસ્લિમો આવી લાગણી બતાવે, મતલબ કે વિસ્થાપિત કરનારા મુસ્લિમો બીજા હતા, લાગણી બતાવનારા મુસ્લિમો એમાં નહોતા. મિત્રતા ઝેરીલી દુશ્મનાવટમાં પરિણમે તેનો દાખલો કાશ્મીરનો જ છે.

કાશ્મીર વિશે એક કથા એવી છે કે ત્યાં એક રૂપાળો ને કદ કાઠીએ મજબૂત, ઊંચો એવો બ્રાહ્મણ (પંડિત કહો તોય વાંધો નહીં) યુવાન હતો. ત્યાંના બાદશાહના મહેલ પાસેથી પસાર થતો હતો. ઝરૂખામાંથી શહેજાદીએ તેને જોયો. શહેજાદી તેના પર મોહી પડી. તેણે પેલા બ્રાહ્મણ યુવાન સાથે લગ્નની જિદ પકડી. પણ બાદશાહ ચુસ્ત મુસ્લિમ હતો. તેણે યુવાનને બોલાવીને કહ્યું, “મારી દીકરી તારી સાથે લગ્ન કરવાની જિદ કરે છે. મને કોઈ વાંધો પણ નથી પરંતુ મારી શરત એ છે કે તારે ઈસ્લામ કબૂલ કરવો પડશે. અને હા, એમાં ના પાડવાની કોઈ ગૂંજાયશ નથી. ના પાડીશ તો તારું અને તારા કુટુંબનું ધનોતપનોત નીકળી જશે.”

બાદશાહનો હુકમ કેમ ટાળી શકાય? યુવાને કંઈક વિચારીને પછી આગેવાન બ્રાહ્મણોને પૂછ્યું, “મારે લગ્ન કર્યા વગર કોઈ છૂટકો જ નથી, પરંતુ એક શરતે આપણો ધરમ બચે. હું લગ્ન કરી લઉં ને બાદશાહ બની જઉં પછી મને તમે પાછા હિન્દુ બનાવી દેજો.” આંધળી રૂઢિચુસ્તતાના શિકાર પેલા બ્રાહ્મણોએ ચોખ્ખી ના પાડી દીધી કે વટલાયેલાને અમે પાછા ધર્મમાં નથી લેતા. યુવાનને તો કોઈ છૂટકો જ નહોતો. તેણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરીને શહેજાદી સાથે લગ્ન કરી લીધા. થોડા સમય પછી બાદશાહ પણ બન્યો. ફરીથી પેલા બ્રાહ્મણોને વિનવ્યા કે મને હિન્દુ ધર્મમાં પાછો લો. પરંતુ જડ બ્રાહ્મણોએ કોઈ વાત ન સાંભળી ને ટસના મસ ન થયા. કહે છે કે પછી એ યુવાન એટલો ધર્માંધ અને કટ્ટર મુસ્લિમ બન્યો કે તેણે હિન્દુઓની ભારે ખાનાખરાબી કરી.

કહેવાનો અર્થ એ કે પોતાના જ કટ્ટર વેરી બને તેવું ન કરવું. હકીકતે હિન્દુ- મુસ્લિમ હોય કે બીજા કોઈ સંબંધોની વાત હોય પરંતુ બે જણા વચ્ચે સારા સંબંધ ન રહે તે માટે હંમેશાં ત્રીજો જણ જ પ્રયત્નશીલ હોય છે. અને ક્યારેક સંબંધ તોડવો જ પડે તો એ રીતે તોડો કે પાછા ફરવાનો અવકાશ રહે. કેટલાક ફિલ્મ કલાકારોની એક વાત માનવી પડે કે તેઓ છૂટા પડે છે પછી એકબીજા સામે કડવાશ નથી રાખતા. આમિર ખાન અને રીના છૂટા પડ્યાં પછી એકબીજા સામે તેમણે ક્યારેય કોઈ વાત નથી કરી. નહોતું બનતું ને છૂટા પડ્યા છીએ, બસ. સૈફ અલી અને અમૃતા સિંહ વચ્ચે પણ આવું જ છે. આમિર ખાન તો તેના કાર્યક્રમોમાં રીનાને બોલાવે પણ છે અને રીના આવે પણ છે. આમ વર્ષો સાથે લાગણીથી જોડાઈને રહ્યાં હોય તેને કેમ ભૂલી શકાય? આજની યુવાન પેઢી, જેને વાતવાતમાં બ્રેક અપ થઈ જાય છે તેણે આમિર ખાનના દાખલામાંથી શીખવા જેવું છે. ‘તૂ નહીં તો ઔર સહી’નો વિચાર ભલે અપનાવો પણ એ જે ‘તૂ’ છે તેને તમારો કે તમારી દુશ્મન બનાવવા પ્રયાસ ન કરો.

ઘણા પ્રેમીઓ એવા ગાંડા અને એ કરતાંય વિકૃત હોય છે કે જો તેની પ્રેમિકા તેને નકારી દે તો તેના વિરુદ્ધ ફેસબુક પર વિકૃત પ્રોફાઇલ બનાવશે, ક્યાં તો એસિડના હુમલા કરશે કે પછી તેની હત્યા પણ કરી નાખશે?! આવા લોકોને ખરેખર પ્રેમી કહી શકાય? ખરો પ્રેમ હોય તો જેને ચાહતા હો તેને કુરૂપ કરવાનો કે તેની હત્યા કરવાનો કે તેને બદનામ કરવાનો વિચાર જ કેવી રીતે આવે? એનું ભલું વિચારવાનું હોય. એ સુખી થાય તેવી કામના કરવાની હોય. એવું જરૂરી નથી જ કે તમે જેને ચાહો તે તમને ચાહે. તો પછી આ ગાંડપણ શા માટે? સામે પક્ષે યુવતીએ કે યુવકે એ ધ્યાન પણ રાખવાની જરૂર છે કે તમારી મિત્રતા કે તમારી ચેષ્ટાઓ (ભેટી પડવું કે અન્ય કોઈ ચેષ્ટા)ના કારણે તમને કોઈ તમારો પ્રેમી કે પ્રેમિકા સમજી ન લે. વિજાતીય મિત્રતામાં પણ અમુક મર્યાદા તો હોવી જ જોઈએ. જોકે એનો અર્થ કોઈ એકતરફી પ્રેમીને કે પ્રેમિકાને વિકૃતિની હદે જવાની છૂટ નથી આપતો.

ખેર, મિત્રતા હોય કે રાજકીય સંબંધ, જ્યારે સંબંધ તૂટવાની અણીએ હોય ત્યારે વર્ષો જૂની ‘ગુમરાહ’ ફિલ્મના ગીતના શબ્દોને ધ્યાનમાં રાખવા:

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનો

 ના મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખૂં દિલનવાઝી કી (કોઈ અપેક્ષા ન રાખવી)

ના તુમ મેરી તરફ દેખો ગલત અંદાઝ નઝરો સે (જેનો ખોટો અર્થ નીકળે તે રીતે ન જોવું, ચેષ્ટા ન કરવી)

ન મેરે દિલ કી ધડકન લડખડાયે મેરી બાતોં સે (હૃદયને કાબૂમાં રાખવું)

ના જાહિર હો તુમ્હારી કશ્મકશ કા રાઝ નઝરોં સે

 તારુફ રોગ હો જાયે તો ઉસકો ભૂલના બહેતર (સંબંધોને ભૂલી જાવ, ગઈ ગુજરી વિસરી જાવ)

તાલ્લુક બોજ બન જાયે તો ઉસકો તોડના અચ્છા (સંબંધ બોજ લાગતો હોય તો તોડી નાખો, પણ….)

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન (સંબંધ કે કાર્ય જે લાંબો સમય ન થઈ શકે તેમ હોય તે)

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા (એને હસતા હસતા, ભવિષ્યમાં મળો તો પાછા સારી રીતે મળી શકાય તેમ છોડી દો)

 રાજકીય મુદ્દા પર પાછા ફરીએ તો, જો ભાજપે  જનતા દળ (યૂ) સાથે કોઈ સંઘર્ષ વગર સંબંધ છોડી દીધો હોત તો વાંધો ન આવત. ભવિષ્યમાં સાથે આવવાના દરવાજા પણ ખુલ્લા રહેત. પરંતુ હવે એવું લાગે છે કે આ બંને પક્ષો ક્યારેય સાથે નહીં આવી શકે. જોકે આ રાજકારણ છે. અહીં કઈ પણ થઈ શકે.

ભાજપે આ બાબતે કોંગ્રેસ પાસેથી શીખવા જેવું છે. (આમ તો કોંગ્રેસનો વિરોધ કરતાં કરતાં તે કોંગ્રેસ જેવો જ થઈ ગયો છે.) કોંગ્રેસમાંથી અનેક લોકો છૂટા પડ્યા. પણ કોંગ્રેસે કોઈના પ્રત્યે કડવાશ નથી રાખી. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલા શરદ પવારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી) વચ્ચે આટલા વર્ષોથી જોડાણ અને તેના કારણે સત્તા ન રહી હોત. જો એવું હોત તો કોંગ્રેસ અને તેમાંથી છૂટા પડેલાં મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે જોડાણ થઈને આટલા વર્ષો સત્તા ન રહી હોત અને કદાચ એ હદે પણ કહી શકાય કે તો મમતા પશ્ચિમ બંગાળમાં સત્તામાં પણ ન આવી શક્યાં હોત. જનતા દળ પણ બન્યું છે તો કોંગ્રેસમાંથી જ. વીપી સિંહ મૂળ તો કોંગ્રેસી જ હતા ને. પણ લાલુ-મુલાયમ, અજિતસિંહ વગેરે કોંગ્રેસ સાથે જઈ શકે છે, કારણ કડવાશ નથી.

ભાજપ સાથે એવું નથી બનતું. શંકરસિંહે બળવો કર્યો તો આત્મારામનું ધોતિયું ખેંચીને એ હદે પરિસ્થિતિ લાવી દીધી કે શંકરસિંહ ભાજપમાં પાછા જ ન ફરે. સુરેશ મહેતા કે કેશુભાઈ પટેલ સાથેય એવું જ થયું. ભૂતકાળમાં બલરાજ મધોક કે ગોવિંદાચાર્યના આવા જ હાલ કરાયેલા. આ એક કડવું સત્ય છે. હવે જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા છે તો તેની સાથે એવું વર્તન કરાઈ રહ્યું છે કે બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની જશે. કોઈ ભાજપ પ્રેમી કદાચ દલીલ કરી શકે કે કોંગ્રેસ અને શરદ પવાર કે કોંગ્રેસ ને મમતા તો સત્તા માટે સમાધાન કરે છે તો તેનો જવાબ એમ છે કે ભાજપને પણ સત્તા તો જોઈએ જ છે. સત્તાની સાઠમારી તો આ પક્ષમાં પણ છે જ. તો પછી સત્તા મળે તે માટે સંબંધોને સારા રાખીને જનતા દળ (યૂ)થી છૂટા પડ્યા હોત તો?

ફરી ફરીને એક જ વાત કરવી છે. રાજકારણ હોય કે મિત્રતા, પ્રેમ હોય કે દાંપત્યજીવન કે પછી વ્યવસાયમાં ભાગીદારી…ન બનતું હોય તો પહેલાં સમાધાન કરીને સંબંધ ટકાવવા પ્રયાસ કરવો. અને હા સમાધાન બંને પક્ષે હોય તે પણ જરૂરી છે. એક જ પક્ષે સમાધાન થતું આવશે તેવો સંબંધ લાંબો નહીં ટકે. આપણો સમાજ સહજીવનનો છે. અહીં પરોપજીવી (બીજા પર જીવતા હોય) પ્રકારનો સંબંધ બહુ લાંબો નહીં ચાલે. બે જણમાંથી એક જણ જતું કરે તો બીજાએ પણ જતું કરવું જોઈએ. જો લાંબો સમય સમાધાનથી પણ સંબંધ ટકે તેમ ન લાગતું હોય તો હસીખુશીથી છૂટા પડો પરંતુ બંને જણની લડાઈમાં ત્રીજો ફાવી જાય તેવો અવકાશ ન રાખો. ફરીને આ શબ્દો યાદ અપાવું :

વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન

ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા

personal, society

બાનો એક જ મંત્ર હતો : સૌ સારાં વાનાં થઈ જશે.

બા. માતા માટે આનાથી કોઈ રૂડો શબ્દ ન હોઈ શકે તેવું મારું દૃઢ માનવું છે. મા, માવડી અને માડી પણ વહાલા લાગે. આજે ‘મધર્સ ડે’ નિમિત્તે બધા ‘મધર્સ’ને યાદ કરશે, પણ મારે મારી બાને યાદ કરવી છે.

યાદ કરવી છે? કે કરવા છે? ના કરવી છે. બાને અમે તુંકારે જ બોલાવતા. અમારો પરિવાર એ પરિવાર હતો જેમાં પુરુષ અથવા પતિ અને પિતાનું ધાર્યું થતું. મારા પિતા જેમને અમે ‘ભાઈ’ કહેતા તેમના વિશે તો હું લખી ગયો છું, આજે મારી બા વિશે.

નામ એનું તરલાબહેન. હિંમતલાલ વેણીશંકર જાની અને લલિતાબાની ચાર દીકરીઓ અને એક દીકરામાં ચોથા ક્રમની દીકરી હતી મારી બા. સંયુક્ત કુટુંબમાં ઉછરેલી. લલિતાબા (મારા નાની)એ પણ ઘણો સંઘર્ષ કરેલો તે જોયેલો અને લલિતાબા પ્રેમની મૂર્તિ. સગાવ્હાલાથી લઈને મહેમાનો સુધી બધાની આગતાસ્વાગતા કરે. બધાને સારી રીતે રાખે. આ બધું તેણે જોયું હતું. લલિતાબા જેને મરજાદી કહેવાય તેવા હતા. હકીકતે તો આ ‘મરજાદી’ હોવું એ સારું છે, એમ ક્યારેક મને લાગે છે. તેનાથી બીમારી ન આવે. અમેરિકીઓ કે અન્ય વિદેશીઓ પણ મરજાદી છે જ. તેમના કોફી પીવાના કપરકાબી અલગ. જાજરૂ જાય તોય સાડલો બદલીને જ જાય. છેક છેલ્લી ઉંમર સુધી લલિતાબા, ઘસડાઈને ચાલવું પડતું ત્યારે પણ આ રીતે સાડલો બદલાવીને જતાં. વ્યવહાર પણ મોટો હતો. (ચાર દીકરીઓ, એક દીકરો, ત્રણ દિયર-દેરાણી, ભાઈ-ભાભી અને તેમનાં ત્રણેક સંતાનો, લલિતાબાની બહેનો –  આ બધાંનો વ્યવહાર અને તે વખતે તો એ સિવાય પણ ઘણે લાંબે સુધી વ્યવહાર કરવો પડતો – સાચવવો પડતો, એટલે એ વ્યવહાર તો મોટો જ કહેવાય.) ઘણા બધો વ્યવહાર સાચવતાં. મારા નાના હિંમતલાલને જોયાનું યાદ નથી, પણ લલિતાબા જેમને અપભ્રંશમાં અમે ‘લલતાબા’ કહેતા, તેમની સ્મૃતિઓ ઘણી તાજી છે. ગીતા મોઢે. પૂજાપાઠ છેક છેલ્લે સુધી કરતાં. મામાને ગરમ રોટલી પીરસવા જાય. અમે મામાના ઘરે ગયા હોઈએ તો પણ પીરસવા આવી જાય. અને પીરસવાનું એવું કે પૂછવાનું નહીં, રોટલી થાળીમાં મૂકી જ દેવાની. (કાઠિયાવાડમાં કહેવત છે, પીરસવામાં પૂછવાનું શું? પીરસી જ દેવાનું હોય.)

લલતાબાને ઘણાં વર્ષોથી પેટની તકલીફ હતી. તેઓ ઘઉં તો ખાઈ શકતાં જ નહોતાં. બટેટાપૌંઆ જેવું જ ખાય. હા, ઈચ્છા થાય તો એકાદ કણી ચાખી લે ખરાં. એમના માટે જ બટેટાપૌંઆ બનાવ્યા હોય તો એમની સાથે જમવા બેસીએ તો એમાંથી પણ આગ્રહ કરી લે. તેમના માટે તેમનો દીકરો, અમારા મામા, ‘બાબો’ જ હતો. તે જમવા બેઠા હોય તોય પીરસવા પહોંચી જાય…

જોયું? લખતો હતો મારી બા વિશે, પણ વાત થઈ ગઈ તેની બા વિશે. લલતાબા આવાં હોય તો મારી બા તેમની જ દીકરી હતી ને. હમણાં ગયા વર્ષે મારી બા જેવા જ મોટાં માસી જ્યોતિબાળા (જેને અમે મોટાં માસી જ કહેતાં) ગુજરી ગયાં. એ પણ મારી બા ગયાં પછી મારી બા જેવા જ હતા. તેમના ઘરે આરએમએસ સોસાયટી, મેમનગરમાં જઈએ ત્યારે ખૂબ જ પ્રેમભર્યો આવકારો (લલતાબા જેવો જ અને મારી બા જેવો જ) મળતો. તેમને ઘણા સમયથી હૃદયની બીમારી હતી. ચાલવા માટે સ્ટેન્ડ લેવું પડે. હું અને મારી પત્ની ગયાં હોઈએ તોય પાણી દેવા જાતે ઊભાં થવા જાય. તેમની અને તેમના ઘરે બનતી રસોઈ પણ બા જેવો જ સ્વાદ. મારે લગ્ન માટે કન્યા જોવા જવાનું હોય તો અમદાવાદમાં તેઓ મારી સાથે આવતાં. મારાં જેની સાથે લગ્ન થયાં તે ક્રિષ્નાને જોવા, તેના વાસણાના ફ્લેટે, સ્ટેન્ડની મદદથી ત્રણ દાદર ચડી ગયાં હતાં! ‘

અમદાવાદ ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો ત્યારે એકલો રહેતો હતો. તે વખતે એક તો, મારી બહુ જ ચિંતા કરતી મારી બહેન શીલા (જેને ઘરમાં શીલુ કહીએ છીએ) તે દોડીદોડીને મારી પાસે આવતી. તે અને મોટી બહેન સોનલ (જેને મારા ભાઈ અને બા શોભન કહેતાં, હું અને શીલુ બેની કહીએ) પણ મારી બાની સમાન જ. એટલે આજે મારી બા વિશે લખવું હતું પણ ભેગાભેગ મારા જીવનમાં બા સમાન ભૂમિકા ભજવનાર બધાં યાદ આવી રહ્યાં છે. હા, તો ‘દિવ્ય ભાસ્કર’માં જોડાયો ત્યારે એકલો રહેતો હતો. તે વખતે શીલુ મહેસાણાથી દોડીને આવી જતી. બનેવી મનીષભાઈ પણ અવારનવાર આવતા. અને બીજી તરફ, મોટાં માસીનો ફોન અચુક આવતો. હું વેકેશનમાં કોઈના ઘરે રોકાવા ગયો હોઉં અને લગભગ એકાદ મહિનો જેવું રોકાયું હોઉં તો તે મારા મામાના ઘરે નહીં, મારાં મોટા માસીના ઘરે.

અમદાવાદમાં ‘દિવ્ય ભાસ્કર’માં નોકરી મળી તે પછી તેમના ઘરે અઠવાડિયે – પંદર દિવસે અચૂક જવાનું થતું. ‘દિવ્ય ભાસ્કર’માં મુખ્ય સમાચારપત્ર કે ‘નવરંગ’ અને અન્ય પૂર્તિ – ટૂંકમાં ક્યાંય પણ મારા લેખ આવ્યાં હોય તે મોટાં માસીને નજરે પડી જ જતું. તેમને બધી ચીજોનું જ્ઞાન, ઘરમાં બેઠાંબેઠાં જ. એટલે તેમને ત્યાં ગયા હોઈએ તો આ બધી ચર્ચા પણ થાય. સગાવ્હાલાના ખબર પણ તેમને ત્યાં મળી જાય. અને માત્ર હું જ નહીં, અમારાં મોસાળપક્ષે જેટલા સગાવ્હાલાં રહે તેમના ક્ષેમકુશળની તેઓ ચિંતા કરે. દરેકના વ્યવહાર સચવાય તેનું તેઓ ધ્યાન રાખે. મારી બાનું ૨૦૦૬માં અવસાન થયું તે પછી મારી અને મારી પત્ની ક્રિષ્નાની ખબર પૂછવા અઠવાડિયે – પંદર દિવસે તેમનો ફોન અચુક આવે જ. અને તેમના પગ ઓછા ચાલતા હતા પણ તેમનો મીઠો અવાજ તો ફોન મારફતે, માત્ર મારા સુધી જ નહીં, અમદાવાદમાં રહેતાં અને ભાવનગર- પાલિતાણા – વાપી રહેતા અમારા દરેક સગાસંબધી સુધી પહોંચતો.

છેલ્લે ગયા વર્ષે માર્ચ મહિનામાં મેં ભાગવતકથા ભાવનગરમાં કરી હતી તો ત્યાંય તેઓ આવ્યાં હતાં. અને તે પછીના બે મહિનામાં બીમારી એવી વધી ગઈ કે ઊભાં જ ન થઈ શક્યાં. પણ એ બીમારીમાં પણ હું મળવા જાઉં ત્યારે ભાગવતકથાની વાતો કાઢે. એ મોટાં માસી ગુજરી ગયા તો પણ ક્યારે? ૧૯ જૂને! જે દિવસે મેં અને મારી બાએ મારા અમદાવાદના ઘરમાં પ્રવેશ કર્યો અને મેં મારો પહેલો મોબાઇલ ફોન લીધો હતો તે દિવસે? અને મારી સગાઈ થઈ હતી એ જ તારીખે – ૨૦ જૂને તેમને અગ્નિદાહ દેવાયો!

મોટાં માસી ગુજરી ગયા પછી બીજા માસી – નલિની માસી (પાલિતાણા) પાસેથી મારી બાની નાનપણની વાતો સાંભળવા મળી હતી. હા, મારી બા પણ નાનપણમાં રિસાઈ જતી. તે પણ અન્ય બાળકો જેવી જ હતી. પણ મેં તો તેને ક્યારે રિસાયેલી જોઈ? ના. અણગમો તેના ચહેરા પર જોવા મળતો. ભાઈ સાથે કોઈ વિવાદ થયો હોય કોઈ બાબતે તો અણગમો હોય, પણ તેના કારણે અમારી રસોઈ પર કે અન્ય કોઈ બાબતો પર અસર પડી હોય તેવું ક્યારેય નથી જોયું.

ભાવનગરમાં રહેતી મારી બા પરણીને પોરબંદર અને તે પછી માણાવદર અને રાણાવાવ બાવીસેક વર્ષ રહી. પોરબંદરમાં મારા કાકા અમારી સાથે રહેતા અને કોલેજમાં ભણતા. તેમને દીકરાની જેમ રાખ્યા (એ વખતે મારો જન્મ નહીં.) પણ રાણાવાવ તો સાવ ગામડું. ત્યાં પણ એડજસ્ટ કર્યું. ભાઈનો મહેમાનગતિવાળો સ્વભાવ હતો અને ગરમ સ્વભાવ પણ એવો જ. એટલે રોજ કોઈ ને કોઈ મહેમાન હોય જ. બા બધાને પ્રેમથી સાચવતી.

અમારાં ભણતર માટે થઈને ભાઈએ વડોદરા બદલી કરાવી, તો રાણાવાવથી સાવ અલગ જ સંસ્કૃતિ ધરાવતા વડોદરામાં પણ બા રહી. રાણાવાવમાં માયાળુ સ્વભાવ તો વડોદરામાં તો પાણી પણ પૂછીને આપવાનું (તેવી છાપ અમારા પર પડી છે. અને ચાપાણી કંઈ પણનો આગ્રહ હોય તો પૂછે અને ના પાડીએ કે હા પાડીએ, ‘સારું’ એવો જવાબ મળે જે અમારા જેવા પોરબંદર – રાણાવાવ કે ભાવનગરમાં રહેલા લોકોને જરા તોછડો લાગે.) ત્યાંથી એક જ વર્ષમાં, મારા દાદાની તબિયતના કારણે ભાવનગર જવાનું થયું તો પણ કોઈ વાંધો નહીં.

ભાવનગરમાં સંયુક્ત કુટુંબમાં રહેવાનું હતું. તેના પ્રશ્નો હતા, પણ દરેક રીતે તે એડજસ્ટ થતી. કોઈ વાર અલગ રહેવાની માગણી નહીં. અને ભાવનગરમાં પણ ભાઈ તો એના એ જ હતા. એટલે ઘરે કોઈ ને કોઈ મહેમાન – સગાંવ્હાલાં હોય. ભાઈની બહેનો હોય કે ભાઈને ભત્રીજાના બદલે તેમનો સગો ભાઈ ગણતાં ફઈઓ હોય (હા. તેમના દીકરા-દીકરીઓ સગપણમાં મારા ભાઈને ભાઈ-બહેનો થતાં પણ તેઓ ભાઈને મામા કહેતા અને ફઈઓ પણ ભાઈને રાખડી બાંધતાં! ન સમજાય તેવા અટપટા સંબંધો છે ને!). ભાઈની બહેનો જેવી ફઈમાં તો માત્ર એક સુશીલાફઈ જ છે અને બહેનોમાં માત્ર દીપ્તિફઈ (બકુફઈ) જ છે, પણ કોઈ એમ નહીં કહી શકે કે મારી બાએ કોઈને સાચવ્યા નથી.

ભાઈનો મેં કહ્યું તેમ ગરમ સ્વભાવ. જોકે હું જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેમનો સ્વભાવ શાંત થતો મેં જોયો. જોકે અમુક બાબતે તેઓ ક્યારેય બાંધછોડ ન કરી શકતા. માણાવદરમાં તેમની તબિયત સારી નહોતી રહેતી તે પછી તેઓ આયુર્વેદ શીખવા લાગ્યા હતા અને તેનું તેમણે સારું એવું જ્ઞાન મેળવી લીધું. એનું સૌથી મોટું ઉદાહરણ, મારો પોલિયો તેમણે મટાડેલો તે. આના કારણે અમુક શાક અમુક ઋતુમાં જ ખવાય તેવું માને. આ ચીજ આ રીતે જ કરાય તેવા દૃઢાગ્રહ. પણ મને કે મારી બહેનોને અમુક ચીજ ન ભાવે તો ભાઈ ઓફિસે જાય તે પછી બીજું શાક કરીને બા ખવરાવે. અને ઘણી વાર તો અમારી બધાની અલગ- અલગ પસંદગી અનુસાર બે શાક થતાં! બા રીંગણાંનો ઓળો – રોટલો સરસ બનાવતી. મને માત્ર રીંગણાનો ઓળો ન ભાવે તો મારા માટે બટેટા- રીંગણાનો ઓળો જુદો બનાવતી! અને જમવામાં ખરેખર જેને ફૂલ ડિશ કહેવાય તેવું અને તેટલું તે બનાવતી. બે શાક, દાળ કે કઢી, રોટલી, છાશ, ટીંડોરા કે ગાજરનો સંભારો હોય, તળેલાં મરચાં હોય, પાપડ હોય, અથાણાં તો હોય જ. ઉનાળામાં અથાણાં પણ બા ઘરે જ બનાવતી અને પતરી પણ ઘરે જ પાડતી. ચોખાના પાપડ પણ ઘરે જ બનતા અને આ સિવાય નોનસિઝનલ (બિનમૌસમી) નાસતા તો ઘરે તે બનાવતી જ બનાવતી. ચવાણુ, ચેવડો, ચક્રી, ગાઠિયા, ચોળાફળી…અને હા, એવું નહોતું કે ભાઈ નાસ્તા નહોતા લાવતા. ઘરમાં નાસ્તા તો ક્યારેય ખાલી જ ન હોય. ડબ્બા ભરેલા હોય, પણ છતાં. અમે મોટાં થતાં ગયાં તેમ અમારો ખોરાક વધતો હતો. બપોરે ચાની સાથે નાસ્તાની ઈચ્છા થાય તો ગરમાગરમ ખીચું બનાવી આપે. રોટલીનું શાક (છાશ વઘારીને લસણ નાખીને બનાવેલું ટેસ્ટી શાક.) બનાવી દે. ઢોસા, પાઉંભાજી, ઈડલી જેવું ફાસ્ટ ફૂડ પણ તે સરસ બનાવે. મારા ફુઆ શૈલેશભાઈને તો બાના હાથની તુર (તુવેર)ની દાળની ખીચડી બહુ જ ભાવે. વટાણા બટેટાનું શાક હોય કે ગુવાર બટેટાનું શાક, કે ચોળીનું શાક કે ટીંડોરાનું શાક કે પછી સરગવાનું શાક (એમાંય પાછું બટેટા સાથે લાલ રંગના રસાવાળું અને બીજું, ચણાના લોટવાળું) કે પછી કારેલાનું કે ભીંડાનું શાક કે મગ-મઠ કે ચણાં, દરેક શાક અને કઠોળ બાના હાથે સરસ બનતું. રોટલો અને ઓળો તો અફલાતૂન. અને માત્ર સવારની જ ડિશ ફૂલ હોય તેવું નહોતું. રાત્રે પણ જમવામાં ફૂલ ડિશ જ હોય! સવારનું શાક રાત્રે ન ચાલે. એટલે રાત્રે શાક અલગ બનાવવું પડે. સવારે રોટલી હોય તો રાત્રે ભાખરી અથવા થેપલા હોય. શિયાળો હોય તો બાજરાના રોટલા હોય. પણ બા? નાખી ન દેવું પડે એટલે સવારનું વધ્યું હોય તો ટાઢું ખાય. પણ એ ટાઢું ટેસ્ટી કેવી રીતે બનાવવું તે કોઈ બા આગળથી શીખે. માનો કે રોટલી ટાઢી પડી હોય તો ગરમ દાળમાં રોટલી નાખે. ઉપરથી તેલ અને મરચું નાખે. ક્યારેક લીંબુ પણ નીચોવે. દાળઢોકળી તૈયાર! ટાઢી ખીચડી હોય તો તેમાં તેલ, અથાણું, દહીં નાખીને ખાવાની. ટાઢા થેપલા કે ભાખરી હોય તો એક વાટકામાં તેલમાં મરચું, મીઠું અને ધાણાજીરું નાખીને તેની સાથે થેપલું કે ભાખરી ખાવાની. તેમાં દહીં પણ નાખી શકાય. (પ્રયોગ કરી જોજો! શું ટેસ્ટી લાગશે!) ભાત વધ્યો હોય તો ભાતને વઘારીને ખાવાનો.

અને ઘરમાં એકએક ચીજનું ઠેકાણું નક્કી હોય ત્યાં જ પડી હોય. લોટ ક્યાં હશે, ખાંડ કયા ડબ્બામાં હશે, અથાણાની બરણી ક્યાં પડી હશે, નાસ્તાના ડબ્બા ક્યાં હશે તે બધું જ ચોક્કસ સ્થાને જ. અંધારું હોય તોય મળી જાય.

ભાઈ એસબીએસ બેંકની નોકરીને પહેલું પ્રાધાન્ય આપતા. ફિલ્મો જોવા તો તેય લઈ જતા પણ તે રાજ કપૂરની. એટલે બા, ભાઈ ઓફિસે જાય પછી અમને ફિલ્મો જોવા લઈ જતી. આ રીતે અમે ‘શોર’ (મનોજકુમારવાળી), ‘ખૂન ભરી માંગ’ ‘ચાંદની’ વગેરે ફિલ્મો જોયેલી છે. એક અર્થમાં કહીએ તો બા જલસા કરાવતી. ગોળા (બરફના ગોળા) લઈ દે અથવા તો લેવાની છૂટ આપે. નાસ્તો કરવો હોય તો તે બનાવી દે. અરે! વડોદરામાં હું પાંચમું ધોરણ ભણતો હતો ત્યારે પતંગના શોખ માટે મારી સાથે મેદાનમાં પતંગ લૂટવા પણ તે આવી હતી!

ભાઈને લગ્નમાં ન જવાની બાધા હતી. એટલે ઘરના વ્યવહાર, બધા તે જ સાચવતી, ચાહે તે શ્વસુર પક્ષે હોય કે પિયર પક્ષે. કોણ કોનું સગું થાય, શું વિધિ થાય, શું અને કેટલો વ્યવહાર થાય તેનું તેને સુપેરે જ્ઞાન. ભાઈના ગયા (અવસાન) પછી પણ તેણે બધાં જ વ્યવહારો – બંને પક્ષે – સરસ રીતે સાચવ્યા.

હું બીએસસી પૂરું કરીને એમસીએ કરતો હતો અને પછી ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી કરતો હતો તે વખતે બહુ મુશ્કેલી આવી – આર્થિક, સામાજિક, કૌટુંબિક અને માંદગી…દરેક પ્રકારની. એક તરફ, બહેનોનાં લગ્નનો પ્રશ્ન હતો. હું હજુ એમસીએ કરતો હતો. એવામાં ભાઈને પ્રોસ્ટેટ, પ્રોસ્ટેટ પછી ન્યુમોનિયા અને પછી કિડની ફેઇલનું નિદાન થયું. ૧૯૯૬માં ભાઈનું અમદાવાદમાં પ્રોસ્ટેટનું લેસરથી ઓપરેશન. ૧૯૯૭માં બેનીની પ્રેગ્નન્સી અને પછી મિસડિલિવરી! ૧૯૯૮માં ભાઈને ન્યુમોનિયા. કંઈ ખાવાનું ભાવે નહીં, પણ રોજ તેમને ભાવે એટલે નવી નવી ટેસ્ટી ચીજો બનાવી દે. તાવ શે વાતેય ઉતરતો નહોતો. વચલી બહેન શીલાની સગાઈ કરવા પણ ભાઈની નબળી તબિયતના કારણે તેમને ઘરે મૂકીને મહેસાણા ગયાં હતાં. ૧૯૯૮ના મેમાં તો ભાઈને ન્યુમોનિયાના કારણે તેમને સૂઈ જ રહેવું પડે તેમ હતું અને ૧૨ મેએ શીલાનાં લગ્ન હતાં અને તેય પાછા ભાવનગરમાં નહીં , અમદાવાદમાં! અજાણ્યા શહેરમાં લગ્ન. વિચારી જુઓ! ચિંતા કેટલી હશે, એક તરફ પતિની બીમારી, બીજી તરફ, દીકરીનાં લગ્ન. એય પાછા આર્યસમાજથી – સાદાઈથી હતા કારણકે શીલાના ફુઆજીનું અવસાન થયું હતું. એટલે તેમાં પાછા કયા સગાંવ્હાલાંને લઈ જવા અને કયાને નહીં, આ બધું ટેન્શન. લગ્ન માંડ ઉકલ્યા અને તે પછી કેટલાક પ્રશ્નો આવ્યા ત્યાં ૮ જૂને ભાઈને, તાવ ઉતરતો નહોતો (ન્યુમોનિયા તો નડિયાદ કિડની હોસ્પિટલમાં દાખલ થયા પછી ખબર પડી હતી) તે બતાવવા ભાવનગરના ડાયમંડ ચોકની શાંતિલાલ શાહ હોસ્પિટલમાં ગયા ત્યારે ખબર પડી કે કિડની ફેઇલ છે, નડિયાદ જવું પડશે!

મને જો ભૂલાતું ન હોય તો બા દુ:ખી જરૂર હતી, ખૂબ દુ:ખી હતી પરંતુ તેણે હવે શું કરશું અને હે રામ,  આ શું થઈ ગયું આવું નબળું રિએક્શન નહોતું આપ્યું. આવું તે પછી પણ ક્યારેય નથી આપ્યું કેમ કે આ તો હજુ મુસીબતોની શરૂઆત હતી. એક તરફ તેના દીકરાની એટલે કે મારી પણ નવી નોકરી હતી. કેમ કે મને હજુ તો ૧ મે, ૧૯૯૮ના રોજ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી મળી હતી, બીજી તરફ મારું એમસીએનું ભણવાનું પણ ચાલુ જ હતું ને. કંઈ નહીં. હું, મારી બા, મારી માતા સમાન બેની અમે બધાં નડિયાદ ગયા. ત્યાં દોઢેક મહિનો રહેવું પડ્યું. મને તો બહુ પાછળથી ખબર પડી કે તે સમયે બેની પ્રેગ્નન્ટ હતી. પહેલી મિસડિલિવરી પછી પણ તે બીજી પ્રેગ્નન્સી, અને તે વખતે પણ તેની ઉંમર તો પ્રેગ્નન્સીની દૃષ્ટિએ મોટી કહેવાય તેવી, ૩૧ વર્ષની હતી, તોય નડિયાદ હોસ્પિટલમાં એકાદ મહિનો તો રહી જ. મને ભલે કદાચ તે વખતે નહીં ખબર પડવા દીધી હોય, પણ મારી બા તો આ વાત જાણતી જ હશે ને. તેની મન:સ્થિતિ શું હશે, કલ્પના કરી જુઓ.

નડિયાદમાં પણ એક એક દિવસ એક એક યુગની જેમ પસાર થતો હતો. ભાઈ આયુર્વેદમાં માનવા વાળા. એટલે આ એલોપેથિક ટ્રીટમેન્ટને ઝટ સ્વીકારી શકતા નહોતા. ડાયાલિસિસ થતા હતા. પણ ભાઈનું મન અને મોઢું બંને એક જ રટ પકડીને બેઠું હતું : અહીંથી ચાલ્યા જઈએ. અહીં તો ટ્રીટમેન્ટ લંબાતી જ જાય છે. અને એકાદ બે કેસ એવા જોયેલા પણ ખરા કે રાજસ્થાનથી આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે અને ખેતર વેચાઈ ગયા હોય. રોગ એવો હતો કે હોસ્પિટલની ટ્રીટમેન્ટ એવી હતી, કંઈ નક્કી થઈ શકતું નહોતું. છેવટે જુલાઈની મધ્યમાં પાછા આવ્યા. બેની પ્રેગ્નન્ટ હતી એવી સ્થિતિમાં ભાઈ માટે શિહોરી માના દર્શન કરવા ડુંગર ચડીને ગઈ હતી! મહામૃત્યુંજય મંત્રના જાપ માટે તેણે બ્રાહ્મણને કહ્યું.  પણ તબિયત સુધરવાની નામ નહોતી લેતી. ૧૪ ઓગસ્ટે રાત્રે ફરી જોરદાર તબિયત બગડી. બીજી તરફ, ઓફિસમાં, મારા સાહેબ, ઉમેશ શાહ, જન્માષ્ટમી કે ૧૫ ઓગસ્ટની રજામાં પોરબંદર ગયા હોવાથી, પૂર્તિની જવાબદારી મારા પર. છતાં ૧૫મીએ ભાઈની તબિયત બતાવવા જવું જ પડ્યું. (વિચાર કરો, ૧ મે, ૧૯૯૮એ હું જોઈન થયો હતો. જૂનમાં મારે દોઢ મહિનો નડિયાદ રહેવું પડ્યું ને ઓગસ્ટમાં ફરી જવાનું થયું અને એ પણ એવા સમયે, જ્યારે મારા પર પૂર્તિની જવાબદારી હતી. એ વખતે મેં સૌરાષ્ટ્ર સમાચારના દીપકભાઈ શાહને ફોન કર્યો અને કહ્યું તો તેમણે નિશ્ચિંત રીતે જવા કહી દીધું! એ ભલા માણસ એ ઓગસ્ટ પછીના સપ્ટેમ્બરમાં બીજી તારીખે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા!) અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં રહ્યા પણ ત્યાં હિપેટાઇટિસ ડિટેક્ટ થયો. આથી અલગ વોર્ડમાં રહેવાનું થયું. આ વોર્ડ, તેનો બાથરૂમ, તે સમયે અમને એવો ગંદો લાગ્યો હતો કે નરક જ ભાળી ગયા હોય તેવું લાગ્યું હતું. આ અલગ વોર્ડ અને સામે અલગ બિલ્ડિંગના વોર્ડ વચ્ચે એક જ મેટ્રન. તેનું કામ હોય તો ત્યાં બોલાવવા જવાનું. ભાઈને ફિશ્ચુલા (ડાયાલિસિસ માટે પરમેનન્ટ કાણું પાડે તે)નું ઓપરેશન કરવાનું હતું ત્યારે વોર્ડબોય નહીં. હું સ્ટ્રેચરમાં લઈ ગયો સામેની બિલ્ડિંગમાં. આવી પરિસ્થિતિમાં પણ બા હિંમત હારી નહીં.

એ પછીના ઓક્ટોબરની ૨૩મી તારીખે ભાઈનો દેહાંત થઈ ગયો. કારતક સુદ ત્રીજ! કારતક સુદ ચોથે તેમનો અગ્નિસંસ્કાર અને પાંચમે – લાભપાંચમે મારો જન્મદિન!

ભાઈ આખી જિંદગી ક્યારેય માંદા નહોતા પડ્યા. તેમના પગ પણ ક્યારેય નથી દુખ્યા અને તાવ તો બહુ ઓછી વાર આવ્યો. તેમનું બોડી એકદમ સ્ટાઉટ  છેક છેલ્લે સુધી હતું . પણ ૧૯૯૬ પછી બહુ જ માંદા પડ્યા અને બહેનોના લગ્નપ્રસંગો ઉકેલવાના આવ્યા…આ બધા સમય દરમ્યાન સગાવ્હાલા સાથે સંબંધોનાં સમીકરણો બદલાઈ રહ્યા હતા. કેટલાકે મોઢું ફેરવી લીધું હતું તો કેટલાકે આવા જ સમયે વાંકું પાડ્યું હતું. જેનો ભાઈને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. (તેમની બીમારી પાછળ આ પણ મોટું કારણ હતું જ. ખાસ તો ૧૯૯૮માં તાવ આવ્યો ત્યારે.) આવા બદલાયેલાં સમીકરણો  અને કુટુંબના મુખ્ય મોભી – આધાર  ભાઈ પણ હવે રહ્યા નહીં. બા પર કુટુંબના મોભી તરીકે જવાબદારી આવી ગઈ. બહેન શીલા – બનેવી મનીષભાઈને સંજોગોવશાત અમારી સાથે ભાવનગર રહેવા આવવું પડ્યું. એ વખતેય સમાજના સવાલો હતા. બીજી તરફ, મોટી બહેનની મિસડિલિવરી અને ભાઈના મૃત્યુ ઉપરાંત નોકરી અને આ સંજોગોના કારણે મારે એમસીએ અધૂરું છોડી દેવું પડ્યું તેનાથી આઘાત ત્રેવડાયો હતો. આ બધા સંજોગામાં બાનો એક જ જવાબ રહેતો : “સૌ સારાં વાનાં થઈ જશે.”  ભાઈ પૂજા પાઠમાં નહોતા માનતા એટલે તેઓ  હતા ત્યાં સુધી બા પૂજાપાઠ કરતી નહોતી, પણ તેઓ ગયા પછી બાએ જબરદસ્ત પૂજાપાઠ શરૂ કર્યા. તેના કારણે હોય કે ગમે તે કારણે, તેનામાં જબરદસ્ત હિંમતનો સંચાર થયો હતો. આ બધા સંજોગોમાં હવે બીજી એક મુશ્કેલી તેમાં ઉમેરાઈ હતી…મારાં લગ્નની ચિંતા.

કોઈક કારણે એ વખતે હું લગ્ન માટે તૈયાર નહોતો. પણ તેમ છતાં કન્યા જોવાનું મેં ચાલુ કર્યું, પણ મારી અનિચ્છાના કારણે કે ગમે તેમ, લગ્નનો મેળ પડતો નહોતો. ભાઈના ગયા પછી તેમના પૈસાથી લઈને બધી બાબતોમાં ઓફિસોના મેં અને બાએ સાથે ધક્કા ખાધા. કોઈ મદદે આવતું નહોતું. નોમિનેશન નહીં કરવાની ભૂલ થઈ ગઈ હતી. પણ એ બધું મુશ્કેલીથી પાર પાડ્યું. કોઈકે કહ્યું તો બે વાર નારાયણ બલિ કરાવ્યો, એક વાર ભાઈ હતા ત્યારે અને એક વાર ભાઈના ગયા પછી. જે જાણતા હશે તેમને ખબર હશે કે નારાયણ બલિમાં પણ કોઈ પ્રસંગની જેટલી જ ઉપાધિ-ભાગદોડ હોય છે. આ બધામાં મારી બા ઉપરાંત મારી બહેનોનો પણ સાથ સારો મળ્યો.

આ બધા કપરાસંજોગોની વચ્ચે બાને જો કોઈએ આનંદ આપ્યો હોય તો તે ઉદિતે. બેનીના દીકરાએ. ભાઈના અવસાનના માત્ર ચાર જ મહિનામાં તેનો જન્મ થયો. અને તે માત્ર બા માટે જ નહીં, અમારા બધા માટે આનંદને ઉદિત કરીને લાવ્યો. તેનું નટખટપણું, તેની સેન્સ ઓફ હ્યુમર, તેની ઇન્ટેલિજન્સી..આ બધું જ આનંદ પમાડે તેવું હતું. મારી બા તો ફરી વાર બા બની ગઈ હતી. મોટી બહેનને એલ.આઈ.સી.ની સર્વિસ. તે પણ શિહોરમાં. ભાવનગરથી અપડાઉન કરવું પડે. એટલે ઉદિત પહેલેથી અમારી સાથે રહ્યો. તેના નટખટપણાના કારણે તે દોડાદોડી કરે, તોફાન કરે તો બા પણ તેની પાછળ દોડાદોડી કરતી. સદનસીબે બાની તબિયત સારી હતી. કાઠિયાવાડી બોલીમાં કહીએ તો ‘કડેધડે’ હતી. બધું જ કામ કરી લેતી. ઉદિતને સાચવવાનું કામ પણ.મોટી બહેનને ત્યાં પણ, તેને સર્વિસ હોવાથી પતરી પાડવાની હોય કે અથાણાં બનાવવાનાં હોય કે તે માંદી હોય તો બા દોડીને જતી. ઉદિત બીમાર હોય તો ડોક્ટર પાસે તેને લઈ જતી. આમ ઉદિતના કારણે દિવસ સારી રીતે પસાર થઈ જતો. જોકે ઉદિત પણ સાંજે તો બેની સાથે પાછો ચાલ્યો જતો. મારે સાંજની જ નોકરી હતી. અને એકલપણું સાંજે કે રાત્રે જ વસમું લાગતું હોય છે. દિવસ તો પસાર થઈ જાય છે, રાત કાઢવી બહુ મુશ્કેલ હોય છે. એમાંય ખાસ તો પતિ વગર. સંતાન ન હોય તો ચાલે પણ પતિને પત્ની કે પત્નીને પતિ વગર ન ચાલે. પરંતુ રાત્રે હું આવું ત્યારે મેં ક્યારેય બાને રડતી જોઈ નથી. કદાચ હું નહીં હોઉં ત્યારે રડી લેતી હશે? ખબર નથી.

ધીમેધીમે સારો સમય શરૂ થવા લાગ્યો હતો. મારો પગાર પણ વધતો હતો. પણ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં હું કાયમી – પરમેનન્ટ નહોતો થયો. અને એ વખતના પત્રકારત્વમાં ‘કાયમી’ થવું મહત્ત્વનું હતું. એવામાં ૨૦૦૩માં ‘દિવ્ય ભાસ્કર’માં મને નોકરી મળી ગઈ! મારે અમદાવાદ રહેવું પડશે તેવું નક્કી થયું. હું ૧૯૯૧માં મુંબઈ ભણવા ગયો હતો ત્યારે મારી તબિયત બગડી ગઈ હતી અને તે વર્ષ બગડ્યું હતું. એનાં કડવાં સંસ્મરણોના કારણે અમદાવાદમાં પણ મારી તબિયત સારી રહેશે? મને ફાવશે કે નહીં ફાવે? આ બધી અનેક ચિંતા હતી, પણ બાએ મને હા પાડી. બા ફરી એકલી પડી જવાની હતી, કેમ કે શીલા તો ૨૦૦૧માં પાછી મહેસાણા ચાલી ગઈ હતી. મોટી બહેનને એલ.આઈ.સી.માં સર્વિસ હતી. એટલે બાને સાથ હતો તો માત્ર ઉદિતનો. પણ ઉદિતેય સાંજે તો મોટી બહેન સાથે તેના ઘરે પાછો ચાલ્યો જવાનો હતો. રાત્રે હું પણ ઘરે પાછો, મોડો તો મોડો, પણ આવીશ, તેવી કોઈ આશા નહોતી, કારણકે હું તો અમદાવાદ હતો. હા, શનિવારે વીક ઓફ હોય ત્યારે અચૂક ભાવનગર બા પાસે હોઉં. મહિનામાં એકાદ શનિવાર શીલાને ત્યાં મહેસાણા જાઉં.

૨૦૦૪માં મારી સગાઈ થઈ અને ૨૦૦૫માં મારાં લગ્ન. અગાઉ બહેનોના લગ્નમાં ખાસ ધામધૂમ નહોતી થઈ અને મારાં લગ્નમાં પણ મારી ઈચ્છા ધામધૂમની નહોતી, પણ ઘરમાં બધાનો મત ધામધૂમથી લગ્ન કરવાનો હતો. એટલે બધી રીતે સરસ રીતે લગ્ન થયાં. બેન્ડ બાજા બારાત કે સાથ. વ્યવહાર પણ સરસ રીતે ઉકેલાયો. લગ્ન પછી ઘરમાં અમે બા, માસી, મામા બધાં જ અંતાક્ષરી રમ્યા. બધાં કહે છે કે એ અંતાક્ષરી રમવાની જે મજા આવી હતી તે ફરી ક્યારેય આવી નથી. ‘દિવ્ય ભાસ્કર’માં મારો પગાર પણ સારો હતો. પોતાનો ફ્લેટ લેવાઈ ગયો હતો. કોઈ વાતે ચિંતા નહોતી, પણ બાને ઉદિતનો સાથ છૂટ્યો અને ઉદિતને બાનો. એ અણકહી, અપ્રગટ ચિંતા હતી. ઉદિતને પણ બા વગર એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ હતા. તે સરખી રીતે જમે નહીં. જોકે ઉદિતનાં દાદાદાદી બહુ જ સારા છે અને તેઓ તેમના બંને દીકરા સાથે રહેવા આવી ગયાં હતાં. વળી, અમદાવાદમાં નવું નવું અને ફ્લેટમાં ખાસ ઓળખાણ નહીં. વળી, ભાવનગર જેવી બોલચાલ અમદાવાદમાં રહે નહીં. એટલે ઘણી વાર જેલમાં પુરાઈ ગયા જેવું લાગતું. એવામાં પાછી લગ્ન પછી તરત જ ક્રિષ્નાને એસ.એલ.ઈ. નામના લુપસ રોગનો હુમલો થયો. (એ વાત પછી ક્યારેક). એક તરફ ક્રિષ્નાની ખરાબ તબિયત અને બીજી તરફ વહાલા ઉદિતને વધરાવળનું ઓપરેશન. બા ભાવનગર ગઈ. આ તરફ, ત્રણ ચાર મહિના તો ક્રિષ્નાને તેના ઘરે રહેવાનું થયું, પણ તબિયત એવી ખરાબ હતી કે ચિંતા તો હતી જ. એમાંથી પણ ધીમે ધીમે બહાર આવ્યા.

ધીમે ધીમે હવે બાને અમદાવાદ પણ ફાવવા લાગ્યું હતું. સવારે સવારે તે પ્રહલાદનગર ગાર્ડનમાં ચાલવા જતી થઈ. ત્યાં લાફિંગ ક્લબમાં જતી. ત્યાં તેની આ ઉંમરે (સિનિયર સિટિઝનની ઉંમરે) બહેનપણી પણ બની હતી. ૨૦૦૫ની દિવાળી વખતે એક બહેનપણી – બહેને કોડિયાં બનાવ્યાં હતા અને તેમને ઘરે ઘરે વેચવા જવા હતા, તો બા તેમને કંપની આપવા સાથે ગઈ હતી! એ દિવાળી પર મારે સારું બોનસ આવ્યું હતું. મારી ઈચ્છા બા ચાર ધામની જાત્રા પર જાય તેવી હતી. પણ સગવડ એવી નહોતી કે બધાં જઈ શકીએ. એટલે હું ઈચ્છતો હતો કે મારી બા એકલી જઈ આવે. પણ તેણે ના પાડી. તેણે કહ્યું કે તારે મને કંઈ આપવું જ હોય તો મને સોનાની બુટ્ટી લઈ દે. બા, હું અને ક્રિષ્ના એ જ દિવસે – ધનતેરસે જઈને બુટ્ટી લઈ આવ્યા. હું કમાવા લાગ્યો એ પછી બાને મારી એ પહેલી ભેટ હતી! બીજી ભેટ હતી ડિસેમ્બરમાં તેના જન્મદિવસે હું સાંઈબાબાની લાઇટિંગવાળી ફોટોફ્રેમ લઈ આવ્યો તે! તેના જન્મદિવસની પહેલી ઉજવણી અને મારા તરફથી પહેલી ભેટ! આટલાં વર્ષોમાં અમે કદાચ બાનો જન્મદિવસ જ નહોતો ઉજવ્યો! (ભાઈનો તો ઉજવ્યો જ નહોતો). ખબર નહીં કેમ, ભાઈઅને બાના જન્મદિવસની ઉજવણીનો વિચાર ક્યારેય ઝબુક્યો જ નહોતો. હા, મારા બંને જન્મદિવસ (લાભપાંચમ અને ૧૯ નવેમ્બર) અને બંને બહેનોના જન્મદિવસ (બેનીનો દેવદિવાળી અને શીલાનો ૧ મે)  ઘરમાં ઉજવાતા. પણ ભાઈ અને બાના જન્મદિવસ? આશ્ચર્ય થાય છે, પણ કદાચ એ બંને આવી બાબતોમાં માનતા જ નહીં. તેમની મેરેજ એનિવર્સરી પણ લગભગ રાજ કપૂરના જન્મદિન ૧૪ ડિસેમ્બરે જ હતી, પણ તેય ક્યારેય ઘરમાં ઉજવાતી નહોતી. પરણ્યા પછી મેરેજ એનિવર્સરીનું મહત્ત્વ મને બરાબર સમજાય છે.

પણ બાના એ પહેલા જન્મદિવસની ઉજવણી આખરી બની રહી! ૧૯૯૩માં જે સૂકી ઉધરસ થઈ હતી તે બાના શરીરમાં ઘર કરી ગઈ હતી તે વધી ગઈ હતી. ૨૦૦૫માં હૃદયની બીમારીનું નિદાન થયું. ૨૦૦૫ની આખરમાં અને ૨૦૦૬ની શરૂઆતમાં જે અતિ ઠંડી પડી તેમાં તકલીફ વધી ગઈ. ૩૧મી ડિસેમ્બર, ૨૦૦૫. દુનિયા આખી વર્ષને વિદાય કરવાની ઉજવણી કરી રહી હતી, ત્યારે બાની અંતિમ વિદાયના છેલ્લા દિવસો આવી ગયા હતા…

૩૧મીએ તબિયત બહુ બગડી. ૧લીએ મેડિલિન્કમાં દાખલ કરી. હોસ્પિટલમાં પણ ચિંતા કરતી હતી. પૈસાની સગવડ ક્યાંથી થશે? કોની પાસેથી પૈસા લીધા છે? ફલાણી વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય તો બેની પાસેથી પૈસા લઈ પહેલાં તેને ચુકવી દેજે નહીંતર તારે આખી જિંદગી સાંભળવું પડશે. આવી બધી ચિંતા. મારા કરતાંય વધુ ચિંતા વચલી બહેનની હતી. ૩જીએ આઈસીયુમાંથી નોર્મલ વોર્ડમાં તેને ખસેડવામાં આવી. ૧લી અને ૨જીએ તો મેં રજા પાડી હતી, પણ ૩જીએ મારે ‘નવરંગ’ પૂર્તિનું કામ શરૂ કરવાનું હતું. મંગળવારના એ ગોઝારા દિવસે સવારે ખૂબ તબિયત બગડી હતી. વેન્ટિલેટર પર હોવા છતાં શ્વાસ બરાબર નહોતા લેવાતા. ડોક્ટરો નોર્મલ છે નોર્મલ છે કહ્યા કરે. ડોક્ટરો પણ ટ્રેઇની જેવા લાગતા હતા. આખરે ખરેખર શ્વાસ બરાબર લેવાતો થયો. એટલે ઘરે જમીને એકબે કલાક ઓફિસે જઈને કામ પતાવી આવું અને પછી ચા લઈને પાછો હોસ્પિટલે જઈશ એવું નક્કી કરીને નીકળ્યો. ઓફિસે કામ કરતો હતો પણ ત્યારે ખબર નહોતી કે હોસ્પિટલે બાને નોર્મલ વોર્ડમાં શિફ્ટ કર્યા પછી હાર્ટ એટેક આવી ગયો હતો ને તે જીવલેણ સાબિત થવાનો હતો. હોસ્પિટલેથી ક્રિષ્નાનો ફોન આવ્યો અને પહોંચ્યો ત્યારે પમ્પિંગ ચાલુ હતું. એક તરફ રડવું આવતું હતું અને બીજી તરફ ડોક્ટરો પર ગુસ્સો. પણ કદાચ ભગવાનનું જ તેડું હશે તે ડોક્ટરો પણ લાચાર બની ગયા હશે. બાએ આ દુનિયા છોડી દીધી.

ભાઈ અને બા વગર જે ક્યારેય નહીં રહેલો , જ્યારે વડોદરાથી સામાન ભાવનગર લાવવાનો હતો ત્યારે ભાઈ અને બા બંને વગર જેને તકલીફ ખૂબ જ પડી હતી, તેવો હું ૧૯૯૮માં ભાઈ વગરનો અને ૨૦૦૬માં ભાઈ અને બા બંને વગરનો બની ગયો…મને નોકરી મળી જ હતી, ‘સિનેવિઝન’ નામની ફિલ્મની કોલમથી દીકરાની શરૂઆત પત્રકારત્વમાં થઈ હતી (કોઈ પત્રકારને પૂછજો, અખબારમાં કોલમ લખવાનું સરળતાથી નથી મળતું), એમસીએ થવાની પણ આશા તો એ વખતે હતી જ ત્યારે ભાઈ ચાલ્યા ગયા. અને જ્યારે દીકરાએ ઘરનું સરસ ઘર લઈ લીધું, જ્યાં ભાવનગરની જેમ, એકાંતરે પાણી કાપ નહોતો, મોટું ઘર હતું, હવે પુત્રવધૂ પણ હતી, પગાર-મોભો પણ સારો હતો, દીકરાને મોટામોટા ફિલ્મકલાકારો અને અન્ય હસ્તીઓને મળવાનું થતું હતું, પૈસાની પણ ખેંચ નહોતી, એવા સમયે જ બા પણ ચાલી ગઈ. કદાચ એ સંતોષ સાથે કે પોતાના જેવી જ, ક્રિષ્ના સાથે પરણાવીને તેની આખરી જવાબદારી પૂરી થઈ છે.

personal

ભાઈ! તમારી સરીખું કોઈ નહીં થાય!

એક સુંદર જાહેરખબર અમદાવાદના સેટેલાઇટ રોડ પર જોવા મળી.

પિતાજી, પપ્પા, પોપ… લવ રિમેઇન્સ સેમ!

વાત સાચી છે, પિતાનો પ્રેમ બદલાતો નથી, ચાહે તેમને સંબોધન ગમે તે નામે કરો.

હું મારા પિતાજીને ભાઈ કહીને બોલાવતો. હું કંઈ એટલી મોટી -૫૦-૬૦ વર્ષ વિતાવી ચૂકેલ પેઢીનો નથી. હું તો હજુ ત્રીસીમાં છું, પણ છતાં અમે- હું ને મારી બે બહેનો અમારા પિતાજીને ‘ભાઈ’ના સંબોધનથી બોલાવતા.

મારાં પ્રેમાળ માતાપિતા અને પ્રથમ ગુરુ- બા તરલાબહેન અને ભાઈ ગજેન્દ્રભાઈ પંડ્યા
મારાં પ્રેમાળ માતાપિતા અને પ્રથમ ગુરુ- બા તરલાબહેન અને ભાઈ ગજેન્દ્રભાઈ પંડ્યા

આજે હું જે કંઈ છું-ફિલ્મ, સંગીત (વાદન સહિત), ચિત્ર, ધર્મ-તત્ત્વજ્ઞાન વગેરે તમામ બાબતો મારા પિતાજીની (હવે હું ભાઈ જ લખીશ), મારા ભાઈ-શ્ની ગજેન્દ્રભાઈ પંડ્યાની જ  દેન છે.

અલબત્ત, આજે હું જીવતો છું, સંપૂર્ણ સ્વસ્થ રીતે તે પણ મારા માતા-પિતા અને બહેનોના કારણે! મને ખૂબ જ નાનપણમાં પોલિયો થઈ ગયો હતો ને તે વખતે આજના જેટલી અસરકારક દવા નહોતી. મારા ભાઈ એલોપેથિકમાં નહોતા માનતા. તેઓ માનતા કે જો મને ડોક્ટર પાસે લઈ જવામાં આવશે, ત્યારે અમે રાણાવાવમાં રહેતા હતા, તો જામનગરના ડોક્ટર (ત્યારે જામનગર જ નજીકનું સૌથી મોટું તબીબી દૃષ્ટિએ કેન્દ્ર હતું) કૂતરાને ગાંઠિયા નાખવાનું કહી દેશે અને જો જયુભાઈ (તેઓ મને આ નામે જ બોલાવતા, તેઓ કોઈને પણ નાનામાં નાનો છોકરો કે છોકરી કેમ ન હોય, બધાને માનવાચક બોલાવતા, મારામાં પણ એ ટેવ તેમની પાસેથી જ આવી છે) જીવતો રહેશે તો એવી હાલતમાં હશે કે આપણે તેને જોઈને દુ:ખી થ’શું.

પરંતુ બીજી બાજુ, આયુર્વેદમાં પણ તેમને ઇલાજ મળે નહીં. છેવટે, તેઓ વાત કરતા તેમ,તેઓ ઇશ્વરના શરણે ગયા. ઇશ્વરને કહ્યું, ‘જીવાડવા હોય તો અમને બંનેને તંદુરસ્ત રીતે જીવાડજે.’ અને ચમત્કાર થયો. આ શરણાગતિની મિનિટોમાં જ તેમને જે પુસ્તકમાંથી ઇલાજ કેમેય કરીને નહોતો મળતો તે જ પુસ્તકમાં એ જ પાનું ઉઘડી ગયું. મારો ઇલાજ મળી ગયો. અમે રાણાવાવમાં રહેતા હતા એટલે મારી દવા માટે જે કંઈ ઔષધિ જોઈએ તે આજુબાજુના લોકો પાસેથી સરળતાથી મળી રહેતી. મારી બહેનો-સોનલ (બેની) અને શીલાબહેન (શીલુ) મારી બાજુમાં સતત બેસી રહે. મારી હાલત એવી ઢીંગલા જેવી હતી. આંખોના ડોળા, ઢીંગલાને જેમ ફેરવો તે બાજુ ફરે, તેમ મારા ડોળા પણ મને જેમ ફેરવો તેમ ફરે. બોલું તો ગોટા વળે. મારી તાકાત પર બેસી શકું નહીં. બંને મોટી બહેનો મારી બાજુમાં બેસે તો જ બેલેન્સ રહે. ચાલી શકતો નહીં. પણ માતાજીની દયાથી ધીમેધીમે ફેરફાર થવા લાગ્યો. જોકે મારી બહેનો કહે છે તેમ, સાથે આ દયા રાણાવાવમાં પૂજાતા-સંતાન થાય એટલે તેને લઈને જેમને પગે લાગવા જવું પડે તે ખાખરિયા બાપાની પણ હતી. ખેર, એ જે કંઈ હોય તે ઇશ્વરની દયા થઈ અને હું બચી ગયો.

પણ, ભાઈનું આયુર્વેદનું ખૂબ જ જ્ઞાન હતું. અમારા ઘરમાં એલોપેથીની દવા આવી નથી, ભાઈ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી. હજુ આજની તારીખે પણ મોટા ભાગે હું આયુર્વેદિક દવા જ લઉં છું.

ભાઈ ચિત્રો બહુ સારા દોરતા. પોરબંદરમાં રહેતા ત્યારના પડોશી (તેઓ હજુ પણ ત્યાં જ રહે છે) નભુભાઈ પલાણ (જાણીતા સાહિત્યકાર અને ઇતિહાસવિદ-નરોત્તમભાઈ પલાણ) અમે વેકેશનમાં અમારા સ્નેહીસંબંધી દિવુબહેન (દિવ્યાબહેન ઓડેદરા- બાલુબામાં શિક્ષિકા છે) તેમના ઘરે જઈએ ત્યારે કહેતા તે તારા ભાઈ રંગોળી બહુ સરસ કરતા હતા.

કઈ બાબતમાં તેમનું જ્ઞાન નહોતું? એવું પૂછો તો થાય કે લગભગ દરેક વિષયમાં તેમનું જ્ઞાન સારું એવું હતું. જે કોઈ વિષયમાં પડે તે વિષયનું પૂરું જ્ઞાન મેળવી લે. મેટ્રિક ભણેલા તોય અંગ્રેજી ખૂબ જ સારું. ભાવનગર પોર્ટમાં નોકરી કરતા ત્યારે ડ્રાફ્ટિંગ કરવું પડતું તો એટલું સરસ ડ્રાફ્ટિંગ કરે. અક્ષરો – ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં ખૂબ જ સારા. પોર્ટ પછી બેન્કમાં નોકરી મળી ગયેલી. તેમને ચિત્ર ઉપરાંત સંગીતની પણ સારી જાણકારી. અમારા ઘરમાં હાર્મોનિયમ-વાંસળી અને માઉથ ઓર્ગન હતું. તે ત્રણેય વાદ્યો સારી રીતે વગાડી જાણતા. (મારા દાદા શ્રી મુકુંદરાયને પણ હાર્મોનિયમ સારું વગાડતા આવડતું એટલે એમ કહો કે એ વારસો જ હતો ને મને પણ એ વારસામાં મળ્યું છે.) કોઈ ગીત ગાતા હોય ને ક્યાંક એકાદ સૂરની પણ ચૂક થઈ હોય તો શીખવાડે. ઉચ્ચારો પણ શુદ્ધ જ કરવાના. ભાષા પણ શુદ્ધ જ હોવી જોઈએ. હું ગાળો બોલતા ન શીખું એટલે રાણાવાવમાં મારી બા (માતા) મને શાળાએ મૂકવા ને તેડવા આવે. ફિલ્મોનું પણ જબરદસ્ત જ્ઞાન. રાજ કપૂરના અને તેની ફિલ્મોના તો જબરદસ્ત ફેન. હું પણ તે જ કારણે ફેન છું. ‘દિવ્ય ભાસ્કર’માં પહેલાં હું પ્રિન્ટર ડેસ્ક (દેશવિદેશના સમાચારોના વિભાગ)માં હતો. છ મહિના પછી મને ફિલ્મની પૂર્તિ ‘નવરંગ’ સંભાળવાનું કહેવામાં આવ્યું ત્યારે ડિસેમ્બરમાં બકુલ ટેલર સાથે મેં રાજ કપૂર સ્પેશિયલ અંક બહાર પાડ્યો હતો. તેમાં રાજ કપૂર પર જે મેં લેખ લખેલો તે કોઈ પણ રેફરન્સ વગર- બિલકુલ મોઢે જ – મૌલિક રીતે જ લખ્યો હતો. અને તેના વખાણ મુંબઈના જાણીતા ફિલ્મ પત્રકાર અને તે વખતે ‘નવરંગ’માં મારા સહયોગી શ્રીકાંત ગૌતમે તેના વખાણ કરેલા. એટલે, ફિલ્મ-ટીવી-અખબારો વગેરે ‘બિટવિન ધ લાઇન્સ’ જોવાનું તેમણે મને શીખવાડ્યું. અમારા ઘરમાં સવારથી રાત રેડિયો ચાલે. તેમાં ‘૯૦ના દાયકાની શરૂઆતમાં ટી સીરિઝ અને અનુરાધા પૌડવાલનાં ગીતો વધુ આવવા લાગેલા. ભાઈ કહેતા કે પૈસા દઈને પોતાનાં ગીતો વગાડાવતા હશે. ત્યારે મને લાગતું કે આવું તો થોડું હોય. પણ આજે પત્રકારત્વમાં આવ્યા પછી લાગે છે કે એ શક્ય છે અને કદાચ એમ હતું પણ.

ભાઈ કેટલા દૂરંદેશી હતા તેનો એક દાખલો આપું. ૧૯૮૯માં તેમણે કોઈકની સમક્ષ આગાહી (તેઓ જ્યોતિષી નહોતા) કરેલી કે ભાજપ ધીમેધીમે પણ મકક્મ ગતિએ આગળ વધી રહ્યો છે. તમે જોજો! દસ વર્ષ પછી તે સત્તામાં હશે. તેમની વાત કેટલી સાચી પડેલી! બરાબર દસ વર્ષ પછી ૧૯૯૯માં ભાજપ કેન્દ્રમાં સત્તામાં હતો!

ભાઈ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં સર્વિસ કરે અને અમારા શિક્ષણ માટે (પોતે ઓછું ભણેલા તેનો રંજ તેમને હંમેશ રહેતો, તોય મેટ્રિક સુધી તો ભણેલા જ) તેઓ હંમેશાં ચિંતિત રહેતા. એટલે શિક્ષણ માટે થઈને પ્રમોશન જતાં કરેલાં. કારણ એ કે, પ્રમોશન લે તો વારેવારે બદલી થયા કરે, ગામડે પણ જવું પડે અને તેથી શિક્ષણને અસર થાય ને. અમારાં સારાં શિક્ષણ માટે થઈને ખાસ વડોદરા તેમણે બદલી કરાવેલી. જોકે મારા દાદાજીની તબિયત સારી ન રહેતી હોવાથી એક વર્ષ પછી અમારે બદલી કરીને ભાવનગર-વતને પાછું આવી જવું પડ્યું તે અલગ વાત છે.

મોટી ઉંમરે ઘર કરેલું એટલે ઘરની સ્થિતિ ઠીક-ઠીક કહી શકાય. લોન લીધેલી એટલે સંકડાશ રહેતી હતી, પણ ખાવાપીવાથી લઈને ભણવાની કોઈ બાબતમાં તેમણે કયારેય અછત અમારા સુધી અનુભવા દીધી નહોતી. પોતે કોઈ તકલીફમાં હોય તો પણ અમને તેની ક્યારેય જાણ થવા દીધી નહોતી. ભણવાને લગતી કોઈ પણ વસ્તુ જોઈતી હોય તો લાવી આપતા. અંગ્રેજી શીખવાના તેઓ ખૂબ જ આગ્રહી હતા. તેના માટે રેપિડેક્સ, મોર્ડન ઇંગ્લિશ ટીચર, પાઠમાળા, અંગ્રેજીના ક્લાસ જે કંઈ કરવું પડે-ખરીદવું પડે તે લાવી આપતા. હું સંસ્કૃતની પરીક્ષા, પ્રખરતા શોધ કસોટી, શિષ્યવૃત્તિ વગેરે ઇત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લઉં તો હંમેશાં પ્રોત્સાહન આપે. મેં અમારી શિશુવિહાર શાળામાં (પ્રણવ બક્ષી વિનય મંદિર) મારા જીવનની પહેલી વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેનું વક્તવ્ય –ભાઈએ લખી આપ્યું હતું. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પર હતું અને તેની શરૂઆત જ કેટલી સરસ હતી તે આજે પત્રકાર અને લેખક તરીકે મને સમજાય છે- ગુરુ ગોવિંદ દોનો ખડેં કિસ કો લગું પાય, બલિહારી ગુરુ આપ કી ગોવિંદ દીયો બતાય.

હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી મને શ્રીકૃષ્ણ ભક્તિ-ગીતાજ્ઞાન આપેલું. તેઓ હંમેશાં કોઈ એક ભગવાનના શરણે જઈ તેમને બધી ચિંતા સોંપી દેવામાં માનતા. પૂજાપાઠમાં માને નહીં, પણ દેવીસૂક્ત નાહીને જરૂર કરે. તેઓ કહેતા કે તમારું કર્મ સારું કરો. ગીતાજીની કર્મની થિયરીમાં તેઓ માનતા. ગમે તે કામ કરો તે સારું કરો. સંજવારી (કચરો) કાઢવાની હોય તો પણ સારી રીતે કરો તેમ તેઓ કહેતા. ખોટું બોલાય નહીં. તેમણે બહુ ઓછા મારેલા પણ તેમની ધાક-નૈતિક ધાક જબરદસ્ત હતી. સમરસતા તેમના જીવનમાં વણાયેલી હતી. કોઈ સમાજસેવકની જેમ તેમણે ક્યારેય છાપામાં તેની પ્રસિદ્ધિ કરાવી નથી. રાણાવાવમાં રહેતા ત્યારે તેમની સાથે બેન્કમાં રહેતા એક દલિત ભાઈને અમારે ત્યાં રોજે જમાડતા. એક આદિવાસી ભાઈ બદલી થઈને રાણાવાવ આવેલા. તેમની સાથે પણ સારો વ્યવહાર. મારી બાના પિયરમાં પડોશમાં રહેતા એક ભાઈ તેમના મિત્ર સાથે બદલી થઈને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રાણાવાવ આવેલા તો તેમને પણ ઘરની ખોટ સાલવા નથી દીધી.

ભાવનગર આવ્યા તો પડોશમાં એક યુગલ સર્વિસ કરે. તેમને તેમના દીકરાને રાખવાની સમસ્યા હતી. તે દીકરાને પણ મારી જેમ જ અમારે ત્યાં રાખ્યો. રાણાવાવમાં તેઓ બધાને મફત દવા આપતા. રાણાવાવથી બદલી થઈને વડોદરા જવાનું હતું તો અમે મોડી રાત્રે બસમાં ગયા કેમ કે ગામવાળા અમને જવા ન દે. તેઓ રાણાવાવ પહેલાં માણાવદર હતા તો તબિયત સારી નહોતી રહેતી એટલે રાણાવાવ બદલી કરાવી તો માણાવદરમાં બેન્ક વાળા તેમને છૂટ્ટા ન કરે તેવું તેમનું કામ બોલતું હતું. ‘તમને અહીં તકલીફ શું છે તે કહો’ એવું એ લોકો કહેતા. માણાવદરમાં કપાસ વગેરેના કારણે બેન્કમાં ખૂબ જ કામ રહે.

અમે ભાઈને કોઈ દિવસ ખોટી રજા તો દૂર રહી, બેન્કમાંથી વહેલા આવ્યા હોય તેવું પણ જોયું નથી! એટલી બધી સંનિષ્ઠાથી કામ કરતા. ક્યારેક મુંબઈથી ફઈ આવ્યા હોય તો પણ રજા કે વહેલા આવવાનું બન્યું નથી. તંદુરસ્તી પણ એવી કે તાવ તો બહુ ક્યારેક જ આવે. છેક સુધી ૧૯૯૮માં કિડની ડેમેજ થયાનું નિદાન થયું ત્યાં સુધી તબિયત એકદમ ફૂલગુલાબી. સ્ટાઉટ (તેમનો આ શબ્દ હતો) બોડી અને તાકાત એવી કે ગાય અમારા વસુંધરા ફ્લેટના પગથિયા ઉપર દરવાજા સુધી આવી જાય અને શેય વાતે જતી નહોય (રોટલી ખાધા પછી પણ) તો તેના બે શિંગડા પકડીને તેને નીચે ઉતારી દે.

સાચી વાત કહેવામાં કોઈની-તેમનાથી ઉંમરમાં મોટા હોય તેની પણ અને અધિકારીઓની પણ સાડી બારી ન રાખે. અને વિવેક એવો કે ઘરમાં કોઈ પણ આવ્યું હોય ચાપાણી પીને જ જવાના. પોરબંદર એસ.બી.એસ.માં એક ભાઈ હતા. તેઓ ભાઈ (મારા પિતાજી)ની નીચે કામ કરતા. ભાઈએ પ્રમોશન ન લીધું અને પેલા ભાઈએ લીધું અને તેઓ આગળ વધી ગયા. તો મારા ભાઈએ અમને ત્રણેય ભાઈ બહેનોને કહેલું કે પેલા ભાઈની અટક પાછળ સાહેબ લગાવીને જ તેમને બોલાવવાના.

મેં જ્યારે એમસીએમાં એડમિશન લીધું ત્યારે ૧૯૯૫ની સાલ હતી. બે વર્ષ પછી ભાઈ નિવૃત્ત થતા હતા અને એમ.સી.એ.નો કોર્સ ત્રણ વર્ષનો. એટલે મેં તેમને પૂછ્યું કે શું કરું. તો તેમણે કહ્યું કે તું તારે ભણી લે. જોકે એમસીએમાં ભણતા ભણતા હું ટ્યૂશન કરતો હતો-યુરેકા ફોર્બ્સમાં સેલ્સમેન તરીકે પણ ગયો હતો. અમે ત્રણેય ભાઈબહેનો ટ્યૂશન કરતા. પણ આવી તેમની ફિતરત.

૧૯૯૮ની ૧મેએ મારી વચલી બહેન શીલાબહેનના જન્મદિને મને ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં નોકરી મળી ગઈ- સબ એડિટર તરીકે. એટલું જ નહીં, રવિવારની પૂર્તિમાં ફિલ્મની કોલમ પણ ચાલુ થઈ  ‘સિનેવિઝન’ (ઘણા લેખકો-પત્રકારોને ખબર હશે કે કોલમ લખવાનું મળવું અને તેય રવિવારની પૂર્તિમાં અને તેય છેલ્લા પાને તે કેટલી મોટી વાત ગણાય) અને બસ, જૂનમાં તેમની કિડની ડેમેજ થઈ ગયાનું નિદાન થયું. મે માસમાં મારી બહેન શીલુનાં લગ્ન થઈ ગયા હતા. જૂનથી ઓક્ટોબર સુધી બીમાર રહ્યા અને ૨૩ ઓક્ટોબરની રાત્રે તેમનો દેહાંત થઈ ગયો.

વખાણ કરવાનું તેમના સ્વભાવમાં ક્યારેય નહોતું (તેઓ માનતા કે વખાણ કરવાથી પ્રગતિ અટકી જાય છે) પણ તેમની ટીકા પણ મને ન મળી આ મારી નવી નોકરી અને કોલમના સંદર્ભમાં.

હું માનું છું કે આજે તેઓ ભગવાનના ધામ-વૈકુંઠમાં છે અને ત્યાંથી અમારા ત્રણેય ભાઈબહેનો પર આશીર્વાદ વરસાવતા હશે. અમને ત્રણેયને જોઈને તેઓ આનંદ અનુભવતા હશે. અને હા, કાયમ મારા ભાઈ સાથે જ રહેતી મારી બા પણ ભાઈનો સાથ દેવા ઉપર પહોંચી ગઈ છે. તેના પણ આશીર્વાદ અમારા પર છે.

‘અકેલે હમ અકેલે તુમ’નું ગીત યાદ આવે છે, તૂ મેરા દિલ તૂ મેરી જાન, ઓહ આઈ લવ યૂ ડેડી!

(મારી દયામૂર્તિ બા વિશે ફરી ક્યારેક.)