politics, sanjog news, vichar valonun

સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીઃ કૉંગ્રેસના ઇતિહાસનું એક કડવું પ્રકરણ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૧/૧૦/૧૮)

ઇતિહાસમાં ઘણાં ‘ઇફ્સ એન્ડ બટ્સ’ હોય છે. જો આમ થયું હોત તો…પરંતુ કેટલીક વાર સમય સાથ નથી દેતો. તે સારા માટે કે ખરાબ માટે તે નક્કી કરવાનું કામ વિશ્લેષકો પર છોડી જાય છે અને જે-તે સમયે જે કંઈ થયું તે સારા માટે થયું કે ખરાબ માટે તેની ચર્ચા ચાલતી જ રહે છે. ભારતની સાથે સમયે અને ઇતિહાસે સર્જેલા વિવાદનો આવો એક મુદ્દો એટલે સુભાષચંદ્ર બોઝની સાથે ઘટેલી ઘટનાઓ…

તેમના વિશે ‘જો અને તો’ ઘણા છે. આજે સુભાષબાબુએ દેશની બહાર રચેલી આઝાદ હિન્દ સરકારને ૭૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે ભૂતકાળને ઉખેળવો જોઈએ, કારણકે આપણે ત્યાં ઘણો ઇતિહાસ મારીમચડીને રજૂ થયો છે.

સુભાષબાબુની આઝાદ હિન્દ સરકારને નવ દેશોએ માન્યતા આપી હતી. આ નાનીસૂની વાત નથી. વિકિપિડિયા ફંફોળશો તો તેમાં ‘માત્ર’ નવ દેશોની વાત આવશે અને તે નવ દેશોનાં નામ ‘નાઝી જર્મની’, ‘ઇમ્પિરિયલ જાપાન’ એ રીતે લખ્યાં છે. આમ કહીને વિકિપિડિયા કહે છે કે સુભાષબાબુની સરકારને તો માત્ર નવ દેશોની સરકારોએ જ માન્યતા આપી હતી અને તેમાંય જે હતા તે તો નાઝી જર્મની, ઇમ્પિરિયલ જાપાન અને તેના પીઠ્ઠુ દેશો હતા. ઇતિહાસ વિજેતાની દૃષ્ટિએ લખાતો હોય છે, બાકી અમેરિકા અને બ્રિટને કરેલા અત્યાચાર હિટલરના શાસનમાં જર્મનીએ કરેલા અત્યાચાર કે ઇમ્પિરિયલ જાપાન તરીકે વિકિપિડિયા જેને ઓળખાવે છે તેના અત્યાચાર કરતાં ઓછા નથી.

અને જે સમયે બ્રિટનનો સૂર્ય ક્યારેય આથમતો નથી તેમ કહેવાતું હોય તે સમયે નવ કે અગિયાર દેશોની માન્યતા મળવી તે પણ મોટી વાત છે. સુભાષચંદ્ર બોઝના અનુયાયીઓ અને સમર્થકોએ આ ૨૧ ઑક્ટોબરે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી. જો તેઓ ન આવે તો પોતે પોતાની રીતે આ પ્રસંગ મનાવશે તેમ પણ કહ્યું હતું. મિશન નેતાજી સુભાષના સ્થાપક પ્રસનજીત ચક્રવર્તીએ વડા પ્રધાન મોદીને પત્ર લખી આ માટે વિનંતી કરતા લખ્યું છે,

“…સ્વતંત્રતા પછી આવેલી સરકારોએ ઈરાદાપૂર્વક આઈએનએ (આઝાદ હિંદ સેના) અને નેતાજી સુભાષચંદ્ર બોઝની મહાન નાયક જેવી સેવાને સંભવિત તમામ રીતે અવગણી છે. ક્રાંતિકારી નાયકોના અગણિત પ્રદાનને ભૂંસી નાખવા અને સ્વતંત્રતાથી જેમને લાભ મળ્યો છે માત્ર તેવા સ્વતંત્રતાની ચળવળના એક ચોક્કસ વર્ગને જ મહાન ચિતરવાના તમામ પ્રયાસો થયા છે…સાહેબ, જેમના ત્યાગ અને બલિદાનથી સ્વતંત્રતા મળી છે તેવા સાચા નાયકો પ્રત્યે જે અમાનવીય બેદરકારી બતાવાઈ તેનાથી ભારતની જનતા ભારે દુઃખી છે.”

તો, નેતાજીના પ્ર-ભત્રીજા (ગ્રાન્ડ નૅફ્યૂ) ચંદ્રકુમાર બોઝ જે ભાજપના પશ્ચિમ બંગાળના ઉપપ્રમુખ છે, તેમણે વડા પ્રધાન મોદી અને મમતા બેનર્જી સહિત તમામ મુખ્યપ્રધાનોને ૨૧મીના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે. તેઓ સ્પષ્ટ કહે છે, “૨૧ ઑક્ટોબર ૨૦૧૮ના રોજ આઝાદ હિન્દ સરકારની સ્થાપનાનાં ૭૫ વર્ષ પૂરાં થયા તે નિમિત્તે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવા આપણે કોઈની અનુમતિની જરૂર નથી…મહાત્મા ગાંધી અને પં. નહેરુ સહિતના કૉંગ્રેસના નેતાઓએ તે સમયે આઝાદ હિંદ સરકારનો વિરોધ કર્યો હતો. જો તેમણે આને સમર્થન આપ્યું હોત, આઝાદ હિન્દ ફૌજે દિલ્લી તરફ કૂચ કરી હોત તો આપણે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ કરતાં ઘણા વહેલાં આઝાદ થઈ ગયા હોત. નહેરુ તો વિભાજીત ભારતના વડા પ્રધાન બન્યા, પરંતુ નેતાજી (સુભાષબાબુ) અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત.”

અહીં જો અને તોની વાત આવી. અગાઉ કહ્યું તેમ સુભાષબાબુ વિશે ઘણાં જો અને તો છે. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસના સભ્ય હતા. તેમના ગુરુ ચિત્તરંજન દાસ હતા. ગરમ લોહી અને તેવો જ મિજાજ સુભાષબાબુને યુવાનોમાં લોકપ્રિય ન બનાવે તો જ નવાઈ હતી! કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં ભારતની વિરુદ્ધ બોલનાર અંગ્રેજ પ્રાધ્યાપક ઇ. એફ. ઑટન પર તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. આમ, સુભાષબાબુ આજના નેતાઓ જેવા નહોતા જે ઉશ્કેરીને તોફાનો-રમખાણો-હિંસા કરાવે અને કાર્યકર્તા જેલમાં જાય અને પોતે ગાદી મેળવે. સુભાષને તેની સજા મળી. તેમને કૉલેજમાંથી કાઢી મૂકાયા હતા.

કૉંગ્રેસમાં સુભાષની નહેરુ સાથે શરૂઆતમાં જોડી જામી હતી. બંને સફળ વકીલોના પુત્રો, ઇંગ્લેન્ડથી ભણીને આવેલા અને રાષ્ટ્રવાદી વિચારોના (તે સમયે રાષ્ટ્રવાદી કહેવામાં ગૌરવ અનુભવાતો, આજે જેમ કેટલાક લોકો તેને ટીકાત્મક શબ્દની જેમ લે છે તેવું નહોતું) હતા. તેથી જોડી જામવી સ્વાભાવિક હતી. કૉંગ્રેસમાં ‘ઇન્ડિપેન્ડન્સ ઑફ ઇન્ડિયા લીગ’ રચાયેલી જેના અધ્યક્ષ એસ. શ્રીનિવાસન અયંગર હતા અને મંત્રીઓ તરીકે સુભાષ અને નહેરુ હતા. ૧૯૨૮ના કોલકાતા અધિવેશનમાં ગાંધીજી અને મોતીલાલ નહેરુ ‘ડૉમિનિયન સ્ટેટસ’ની માગણી કરતો ઠરાવ લાવેલા. આનો અર્થ થાય કે મુખ્ય સત્તા બ્રિટનની જ રહે, તેના તાબા હેઠળ ખંડણિયા રાજાની જેમ આપણી સત્તા આવે. જે રીતે પાકિસ્તાનના તાબા હેઠળ કાશ્મીરનો એક ભાગ છે તેના જેવું. કહેવાતી સ્વાયત્તતા આપવાની. પરંતુ સુભાષબાબુ આના વિરોધી હતા. તેમણે આ ઠરાવમાં સુધારો સૂચવ્યો કે “જ્યાં સુધી બ્રિટનનો સંબંધ (ભારત સાથે) રહે ત્યાં સુધી સ્વતંત્રતા મળી તેમ ન કહી શકાય અને કૉંગ્રેસનો ઉદ્દેશ્ય સંપૂર્ણ સ્વતંત્રતાનો જ હોવો જોઈએ.” (નેતાજી કલેક્ટેડ વર્ક્સ, પૃષ્ઠ ૨૭૫-૨૭૮).

નહેરુએ પહેલાં તો આ સુધારાનું સમર્થન કર્યું પરંતુ પછી પિતા મોતીલાલ અને ગાંધીજીના સમર્થનમાં આવી ગયા. સુભાષબાબુનો સુધારો પસાર ન થયો. કૉંગ્રેસે એવું નક્કી કર્યું કે જો બ્રિટિશ સરકાર આપણો ઠરાવ માનીને બે વર્ષમાં ડૉમિનિયન સ્ટેટસ આપી દે તો કોઈ વાંધો નથી! પણ જો ન આપે તો (જ) સંપૂર્ણ સ્વરાજ માગવું. જોકે કૉંગ્રેસની અંદર જ પ્રચંડ વિરોધને જોઈને ગાંધીજીએ અંગ્રેજોને બે વર્ષના બદલે એક વર્ષનો સમય આપ્યો! તે પછીના વર્ષે નહેરુ કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ૧૯ ડિસેમ્બર ૧૯૨૯ના રોજ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો. આમ, પૂર્ણ સ્વરાજનો ઠરાવ હતો સુભાષબાબુનો પણ જશ મળ્યો નહેરુને. આમાં કોણ-કોણ જવાબદાર હતા તે કહેવાની જરૂર નથી.

આ જ રીતે કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે સુભાષબાબુએ ૧૯૩૮માં ભારત સ્વતંત્ર થાય પછીનું વિચારીને આર્થિક યોજના માટે પ્લાનિંગ કમિટી બનાવી હતી. તેમની ઉદારતા એ હતી કે તેના અધ્યક્ષ તરીકે તેમણે નહેરુને નિમ્યા હતા! (અને તેમને ફાસિસ્ટ કહેવાય છે!) આ સિવાય તેમણે વૈજ્ઞાનિક મેઘનાદ સહા, રાહુલ ગાંધીને જે નામ બોલતા જીભના લોચા વળી જાય છે તે નામ (પરંતુ વ્યક્તિ તે નહીં, તેઓ તો એમ. વિશ્વૈશ્વરયા હતા) આર્કિટેક્ટ વિશ્વૈશ્વરયા, વાણિજ્ય અને ઉદ્યોગના કે. ટી. શાહને આ સમિતિમાં નિમ્યા હતા. પરંતુ નહેરુ વડા પ્રધાન બન્યા પછી તેમને જ પંચવર્ષીય યોજના માટે શ્રેય અપાયો અને સુભાષબાબુને વિસરાવી દેવાયા.

સુભાષબાબુ જ એક એવા વ્યક્તિ હતા જે ગાંધીજીને તાબે ન થતા. ગાંધીજી માટે માન પૂરતું હતું પરંતુ વિચારોનો વિરોધ હતો. આથી ૧૯૩૯માં કૉંગ્રેસના પ્રમુખ પદ માટે ચૂંટણી થઈ! ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભી સીતારમૈયા હારી ગયા! ગાંધીજીએ ત્રાગું કર્યું, ઇમૉશનલી બ્લેકમેઇલિંગ, કહ્યું કે પટ્ટાભીની હાર એ તેમની હાર છે. કૉંગ્રેસની કારોબારીમાં ગાંધીજી સમર્થકો વધુ હતા. સુભાષબાબુ માંદા હતા. તે વખતે કારોબારી બોલાવવામાં આવી. સુભાષબાબુએ તે બેઠક મોકૂફ રાખવા વિનંતી કરી. પરંતુ કારોબારીએ તેને સરમુખત્યાર પ્રકારનું પગલું ગણ્યું. પરિણામે તેઓ માંદગીમાં પણ આવ્યા હતા. તેમણે કૉંગ્રેસને સ્પષ્ટ ચેતવેલી કે આગામી સમયમાં વિશ્વયુદ્ધ ફાટી નીકળશે તેનો લાભ લઈને પૂર્ણ સ્વરાજ માટે પૂરી શક્તિથી મેદાનમાં કૂદી પડવું જોઈએ. કૉંગ્રેસ કારોબારીમાંથી ટપોટપ રાજીનામાં પડ્યાં.

તેમને કૉંગ્રેસમાંથી નીકળી જવું પડે તેવું વાતાવરણ બનાવાયું. એપ્રિલ ૧૯૩૯માં તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. જો તેઓ કૉંગ્રેસ પ્રમુખ તરીકે રહ્યા હોત તો? સરદાર પટેલને વડા પ્રધાન ન બનાવવા માટે કૉંગ્રેસ સમર્થકો દલીલ કરે છે કે તેઓ યુવાન નહોતા અને સ્વતંત્રતા પછી ત્રણ વર્ષમાં જ તેમનું નિધન થયું તેને ટાંકીને તેઓ પોતાની વાતનું સમર્થન પણ કરે છે. પરંતુ સુભાષબાબુ તો નહેરુ કરતાં આઠ વર્ષ નાના હતા! કૉંગ્રેસમાં રહ્યા હોત તો તેમને કૉંગ્રેસની અંદરના સમર્થનને જોતાં તેઓ દેશના પહેલા વડા પ્રધાન બને તેવી સંભાવના પ્રબળ હતી. વળી, જેમ સરદાર પટેલ પોતે ચૂંટાઈને આવ્યા તેમ છતાં ગાંધીજીની વાત માનીને નહેરુ માટે ખસી ગયા તેમ સુભાષબાબુ કદાચ ન ખસ્યા હોત.

આ જ રીતે સુભાષબાબુની આઝાદ હિંદ ફૌજનો રકાસ ન થયો હોત તો? જાપાન-જર્મનીનો વિજય થયો હોત તો? તો કદાચ ભારત અખંડ હોત. હિન્દુ-મુસ્લિમોના ઝઘડા ન હોત. મતબૅન્કનું રાજકારણ પણ ન હોત કારણકે સિંગાપોરમાં આપેલા એક ભાષણમાં તેમણે કહેલું કે ભારતને સ્વતંત્રતા પછી ઓછામાં ઓછાં ૨૦ વર્ષ કડક સરમુખત્યારની જરૂર છે. (જોકે સરમુખત્યારશાહીના ગેરલાભો પણ બહુ છે.)

સુભાષબાબુ ૧૯૪૫માં તાઇવાનમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. જો તેમ ન બન્યું હોત તો? તો કદાચ, ભારતમાં તેમણે બહુ પહેલેથી મજબૂત વિપક્ષ અથવા તો કદાચ શાસક પક્ષ આપ્યો હોત! તો કદાચ કૉંગ્રેસનું વિભાજન પણ બહુ વહેલાં થઈ ગયું હોત. તો કદાચ…નહેરુના અને સરદારના આટલા મતભેદ ન થયા હોત, કારણકે સરદાર પણ સુભાષબાબુના વિચારોના ઘણા અંશે વિરોધી હતા!

સુભાષબાબુ ફાસિસ્ટ, સામ્યવાદી અને નાસ્તિક હતા? આવી ભ્રમણાઓ સ્વતંત્રતા પછી એટલી ફેલાવાઈ કે લગભગ એ જ મનમાં ઠસી જાય. દુશ્મનના દુશ્મનના સંબંધે તેમણે જર્મની અને જાપાનનો સહકાર માગ્યો હતો, તે એક કૂટનીતિ હતી જે નિષ્ફળ ગઈ (ચર્ચિલે પણ વિરોધી સ્ટાલિનનો ટેકો લીધેલો), સફળ ગઈ હોત તો તેમની ભરપૂર પ્રશંસા થઈ હોત. તેમણે કોલકાતાના મેયર તરીકે માત્ર ૩૩ વર્ષની વયે કહેલું કે આપણે ત્યાં તો સમાજવાદ (સૉશિયલિઝમ)નો પાયો એવો ન્યાય, સમાનતા અને પ્રેમ છે તેમજ યુરોપ જેને ફાસિઝમ કહે છે તેના તત્ત્વો એટલે કાર્યક્ષમતા અને શિસ્ત પણ છે. તેઓ સામ્યવાદી પણ નહોતા. હા, તેઓ સામ્રાજ્યવાદના વિરોધી હતા. તેમણે પોતાને સમાજવાદી ગણાવ્યા છે, સામ્યવાદી નહીં. તેઓ શિવ, શક્તિ અને દુર્ગા એમ ત્રણેય દેવીદેવતામાં માનતા હતા. તેથી તેઓ નાસ્તિક પણ નહોતા.

Advertisements
politics, sanjog news, vichar valonun

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: એનઆરસી, ફેશન અને ફિલ્મો

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૩/૯/૧૮)

(ગતાંકથી ચાલુ)

રાજીવ ગાંધી ભ્રષ્ટાચાર માટે બોલી ગયા કે દિલ્લીથી એક રૂપિયો મોકલીએ છીએ પણ નીચે માત્ર ૧૫ પૈસા જ પહોંચે છે. આ વાક્ય આજે પણ કૉંગ્રેસ વિરુદ્ધ મોદી વાપરી રહ્યા છે. રાજીવજીની બીજી એક ભૂલ એ હતી કે તેઓ ચંડાળ ચોકડી તરીકે જાણીતા કેપ્ટન સતીશ શર્મા, માખનલાલ ફોતેદાર, અરુણસિંહ, અરુણ નહેરુ વગેરેથી ખૂબ જ પ્રભાવિત હતા. તેના કારણે તેમને નુકસાન પણ થયું. કાશ્મીરમાં ત્રાસવાદની શરૂઆત રાજીવ ગાંધીના સમયમાં જ થયેલી અને ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્લીમાં શીખોને જે રીતે કૉંગ્રેસના ગુંડાઓએ મારી નાખ્યા અને રાજીવે તેને એમ કહીને વાજબી ઠરાવ્યું કે મોટું ઝાડ પડે ત્યારે પૃથ્વી ધ્રૂજી જ ઊઠે છે.

તે પછી પંજાબમાં ખાલિસ્તાની સમર્થક આતંકવાદ પણ બહુ જ ચગ્યો. રાજીવ ગાંધીએ આર્થિક ઉદારીકરણની વાત તો કરી પરંતુ પછી રાજકીય અંકુશ જળવાઈ રહે તે માટે આ નીતિ પડતી મૂકી. મોદીએ આર્થિક સુધારા મજબૂતાઈથી આગળ ધપાવ્યા. રાજીવ ગાંધીએ પણ ગંગાની સફાઈનું કામ હાથમાં લીધેલું અને મોદીએ પણ લીધું છે. જોકે ગંગા એકેય શાસનમાં સાફ નથી થઈ તે હકીકત છે.

રાજીવ ગાંધી દલિતો માટે એટ્રોસિટી કાયદો લાવેલા. વર્તમાનમાં સુપ્રીમના ચુકાદા પછી નરેન્દ્ર મોદીએ આ કાયદો પુનઃસ્થાપિત કર્યો. રાજીવ ગાંધીએ બાંગ્લાદેશી ઘૂસણખોરોને આસામમાંથી કાઢવા માટે આંદોલન ચાલ્યું અને તેના પરિણામે કેન્દ્રની રાજીવ ગાંધી સરકાર, આસામ સરકાર અને આસામ સ્ટુડન્ટ્સ યુનિયન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા. તેના પરિણામે નાગરિકોનું રાષ્ટ્રીય રજિસ્ટર (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન-એનઆરસી) તાજું કરવાની વાત આવી જેને હવે મોદી સરકારે કડક રીતે અમલમાં મૂકી છે.

રાજીવ ગાંધીને વિપક્ષમાં કોઈ નેતા સાથે વિશ્વાસ અને સન્માનના સંબંધ નહોતા. મોદી વિશે પણ આવું જ કહેવાય છે. રાજીવ ગાંધીએ રાજ્યમાં કે કેન્દ્રમાં કોઈ નેતાને મોટા ન થવા દીધા. મોદી વિશે પણ આવું જ કહેવાય છે. રાજીવ ગાંધી મનમોહનસિંહની જેમ મૌની બાબા નહોતા. તેઓ ઘણું બોલતા. તેમનું બોલેલું ક્યારેક વિવાદ પણ સર્જતું. ઈન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્લીમાં શીખોની ક્રૂર હત્યા કૉંગ્રેસના ગુંડાઓએ કરેલી ત્યારે તેમણે કહેલું- જબ બડા પૈડ ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ.

રાજીવ ગાંધીએ ૧૯૮૬ના સ્વાતંત્ર્ય દિનના પ્રવચનમાં સ્વાતંત્ર્ય દિનના બદલે પ્રજાસત્તાક દિન તરીકે ઉલ્લેખ કરતાં ભારે મજાકનું પાત્ર બનેલા. ત્યારે તો આજના જેવું સૉશિયલ મિડિયા નહોતું પરંતુ લોકો કહેતા કે આપણા વડા પ્રધાનને સ્વતંત્રતા દિન અને પ્રજાસત્તાક દિન વચ્ચેનો ભેદ પણ ખબર નથી. (ત્યારથી કોઈ વડા પ્રધાન લાલ કિલ્લા પર મોઢે ભાષણ નથી કરતા. અટલજી વાંચ્યા વગર ભાષણ કરવા માગતા હતા પરંતુ અધિકારીઓએ તેમને તેમ કરતા અટકાવેલા. માત્ર મોદી જ અપવાદ છે.) ‘રાજકારણ’ નામના પુસ્તકમાં ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે, “રાજીવ ગાંધીને ખો-ખો નામની કોઈક રમત છે તે ખબર નથી. ઉત્તર પ્રદેશમાં એક વાંસનાં ઝાડ જોઈને ખુશ થઈને બોલ્યા: આ વર્ષે શેરડીનો પાક સરસ થયો છે!
આંદામાન ટાપુઓમાં પ્રધાનમંત્રી અને મિત્રમંડળ ક્રિસમસમાં જલસો ઉડાવવા ગયા ત્યારે આઈએનએસ વિરાટની નૌકા દળની કસરતોની રાજીવપુત્ર રાહુલે વિડિયો ફિલ્મ ઉતારી. આ મેક્સિમમ સિક્યોરિટી વિસ્તાર છે…વિદેશ પ્રવાસ સમયે વહેમી રાજીવ ગાંધી જમણા બાવડા પર મુસ્લિમોની જેમ ‘ઇમામ ઝમીન’નું તાવીજ બાંધી જાય છે- સલામત પ્રવાસ માટે! કંઈક નવું શરૂ કરતી વખતે ‘બિસ્મિલ્લાહ’ કહે છે કે નહીં એ વિશે સમાચારપત્રો શાંત છે. એમને વિદાય આપવા માટે પૂરી કેબિનેટ લાઇનમાં ઊભી હોય છે…ભૂતપૂર્વ કૉંગ્રેસી મુખ્યમંત્રી ગુન્ડુરાવ કહે છે કે રાજીવ ગાંધીનાં સંતાનો રોમન કેથલિક શિક્ષા-દીક્ષા પ્રમાણે ઊછરી રહ્યાં છે. રાજીવ સ્વયં કેથલિક બની ગયા છે અને ઇટલીમાં કેથલિક લગ્નવિધિ કરી ચૂક્યા છે…

…રાજીવ ગાંધી વેનકુવર ગયા ત્યારે જે ઐશ્વર્ય છલકી ગયું એ પત્રોમાં આવી ચૂક્યું છે. એર-ઇન્ડિયાના જહાજ પર એમની સાથે હતા એ દરેકને એક બેગ, બ્લેક લેબલ, અડધી ઇમ્પૉર્ટેડ વ્હિસ્કી, એક કાર્ટન સ્ટેટ ઍક્સ્પ્રેસ સિગારેટો, એક લોહચુંબકીય શતરંજની રમત, એક બૉક્સ ચૉકલેટ, છ વિભિન્ન મિની ડ્રેસ, એક વિશ્વપ્રસિદ્ધ ગિવાન્ચી, જેન્ટલમેનનો શેવિંગ સેટ, એક ગિવાન્ચીનો લેડિઝનો મેક-અપ સેટ આપવામાં આવ્યો હતો…
…દરમિયાનમાં ભૂલો થવી શરૂ થઈ ચૂકી હતી…અમેરિકામાં જઈને રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિ રેગનને કહીને અમેરિન જેલમાં સબડતા આદિલ શહરિયાર વલ્દ મોહમ્મદ યુનુસને છોડાવ્યો. પાંત્રીસ વર્ષીય શહરિયાર અવૈધ કેફી દ્રવ્યોના કૌભાંડ માટે અમેરિકામાં ૩૫ વર્ષની સખત કેદની સજા ભોગવી રહ્યો હતો.” (આદિલ, સંજય ગાંધી અને અમિતાભના ભાઈ અજિતાભ બચ્ચનનો ખાસ મિત્ર હતો.)
રાજીવ ગાંધી સાથે ૧૯૮૪ના શીખ નરસંહાર અને નરેન્દ્ર મોદી સાથે ૨૦૦૨નાં રમખાણો જોડાઈ ગયાં છે. રાજીવ ગાંધીએ મુસ્લિમો અને હિન્દુઓ બંનેમાં કટ્ટરપંથ જન્મવા દીધો. પહેલાં શાહબાનો કેસ દ્વારા, પછી સલમાન રશદીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ પર પ્રતિબંધ દ્વારા અને ત્યાર બાદ રામજન્મભૂમિના તાળા ખોલાવીને. નરેન્દ્ર મોદીના કાળમાં લગભગ એકાંતરે ટીવી પર હિન્દુ-મુસ્લિમ જેવા કોઈ ને કોઈ વિષયની ડિબેટ હોય છે અને સૉશિયલ મિડિયા પર પણ આ જ પ્રકારની ચર્ચા વધુ થઈ રહી છે. જોકે મોદીએ વિપક્ષોને નરમ હિન્દુ બનવા માટે વિવશ કરી દીધા છે.

રાજીવ ગાંધીની આપખુદશાહી કેવી હતી? તેમણે આંધ્રના દલિત મુખ્ય પ્રધાન અંજય્યાને બેગમપેટ ઍરપૉર્ટ પર ખખડાવી નાખ્યા હતા. કારણ? તેમના સ્વાગત માટે ઍરપૉર્ટ પર બેન્ડબાજા વગાડવામાં આવ્યા હતા. આ વાત પસંદ ન આવી એટલે રાજીવે તતડાવી નાખ્યા. એક વાર એક પત્રકાર પરિષદમાં એક પાકિસ્તાની પત્રકારે પૂછ્યું કે તમારા અને તમારા વિદેશ સચિવ વચ્ચે પાકિસ્તાનની તમારી ભવિષ્યની યાત્રા અંગે વિચારોમાં આટલો ફરક કેમ છે? તો રાજીવ ગાંધીએ કહી દીધું, “ટૂંક જ સમયમાં, તમે નવા વિદેશ સચિવ સાથે વાત કરશો.”

પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ સી. જી. સોમૈયાએ પોતાના પુસ્તક ‘ધ ઑનેસ્ટ ઑલવેઝ સ્ટેન્ડ અલૉન’માં લખ્યું છે કે રાજીવ ગાંધીએ મનમોહનસિંહને જૉકર કહ્યા હતા! (રાજીવના પુત્ર રાહુલે પણ મનમોહનનું જાહેરમાં અપમાન કરેલું તોય મનમોહન ગાંધી પરિવારને વફાદારીથી વળગી રહ્યા છે!) વાત એમ હતી કે તે વખતે રાજીવ ગાંધી હોદ્દાના લીધે આયોજન પંચના અધ્યક્ષ હતા અને મનમોહન ઉપાધ્યક્ષ. રાજીવ ગાંધીના વિચારો શહેરી કેન્દ્રિત વિકાસના હતા. ૧૯૮૫-૧૯૯૦ માટેની પંચવર્ષીય યોજના બની રહી હતી. રાજીવ ગાંધી શૉપિંગ મૉલ, ઍરફિલ્ડ, ઝડપી ટ્રેનો, મોટા હાઉસિંગ કૉમ્પ્લેક્સ વગેરે ઈચ્છતા હતા. પરંતુ મનમોહને નબળી આર્થિક સ્થિતિનું વર્ણન કર્યું. પરંતુ રાજીવને મનમોહનના વિચારો પસંદ ન પડ્યા. તેમણે પત્રકારો સમક્ષ આયોજન પંચના સભ્યોને ‘બંચ ઑફ જૉકર્સ’ કહ્યા! દુઃખી મનમોહન રાજીનામું આપી દેવાના હતા પરંતુ સોમૈયાએ તેમને સમજાવી લીધા.
રાજ્યોમાં મુખ્યપ્રધાન પોતાના મંત્રીમંડળમાં કોને સમાવે તે પણ રાજીવ નક્કી કરતા. આમ ન કરે તો પોતાની જ સરકારને ઉથલાવી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાતું. વીરેન્દ્ર પાટીલ રાજીવની આવી જ આપખુદશાહીનો ભોગ બનેલા. તો વિપક્ષો તો બન્યા જ હોય. એસ. આર. બોમ્માઈની સરકારને પણ ઉથલાવીને રાષ્ટ્રપતિશાસન લાદી દેવાયું હતું. બોમ્માઈ કેસમાં સુપ્રીમે રાજીવ ગાંધીની સરકારે ઉથલાવી દીધી હતી. નરેન્દ્ર મોદીના સમયમાં શરૂઆતમાં અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકારો ઉથલાવવા માટે પ્રયાસો થયા હતા જેને સુપ્રીમ કૉર્ટમાંથી સ્વીકૃતિ મળી નહીં.

રાજીવ ગાંધીના સમયમાં ‘ઉપર’ના આદેશથી ભોપાલ ગેસ ટ્રેજેડી કાંડના મુખ્ય આરોપી વૉરન એન્ડરસનને ભાગી જવા દેવાયો હતો. નરેન્દ્ર મોદીના શાસનમાં વિજય માલ્યા અને નીરવ મોદી-મેહુલ ચોકસી ભાગી ગયા છે. રાજીવ ગાંધીએ કહેલું: વિરોધ પક્ષો દેશદ્રોહીઓ છે. મોદી આવું નથી કહેતા, પણ મોદી સમર્થકો જરૂર કહે છે. રાજીવ ગાંધીએ કહેલું: બંગાળમાં ફક્ત માર્ક્સવાદનું શિક્ષણ જ અપાય છે. વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિથી અજાણ છે. રાજીવ મુસ્લિમ વીમેન બિલ વખતે સંસદમાં બોલેલા, “સ્ત્રીની સ્વતંત્રતા એ પશ્ચિમી વિચાર છે અને ભારતમાં સ્વીકાર્ય નથી.” નરેન્દ્ર મોદી હંમેશાં સ્ત્રી સ્વતંત્રતાના તરફદાર રહ્યા છે.

રાજીવ ગાંધી સંસદમાં બોલેલા કે વિરોધ પક્ષો જૂઠું જ બોલે છે. સ્પીકરે આ વાત કાઢી નાખી હતી. નરેન્દ્ર મોદી પણ રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી વખતે કૉંગ્રેસના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદ વિશે કરેલી ટીપ્પણી “ઉનકે નામ કે આગે બીકે થા, કોઈ ન બીકે” કોઈ સાંસદો વેચાયા નહીં તેવા આશયની કરેલી ટીપ્પણી રાજ્યસભાના રેકૉર્ડમાંથી દૂર કરાઈ.

રાજીવ ગાંધી જોધપુરી સૂટની ફેશન લાવેલા. કુર્તા-પાયજામા પર શાલ ડાબા ખભેથી જનોઈની જેમ પહેરવાની સ્ટાઇલ લાવ્યા જે તે સમયના સાંસદ અમિતાભ બચ્ચને પણ અનુસરી. નરેન્દ્ર મોદી, મોદી કુર્તાની ફેશન લાવ્યા. જોકે સૂટ પહેરવો તેમને ‘મોંઘો’ પડી ગયો. રાજીવ ગાંધીના સમયમાં સૌથી સકારાત્મક પાસુ હોય તો તે મનોરંજનનું હતું. આ મનોરંજન ભારતીય સંસ્કૃતિથી ભરપૂર રહ્યું. દૂરદર્શન પર હમલોગ, બુનિયાદ, ભારત એક ખોજ, ફૌજી, કરમચંદ, મિ. યોગી, રામાયણ, મહાભારત, વિક્રમ વૈતાલ જેવી એકથી એક ચડિયાતી સિરિયલો આવી. એટલું જ નહીં, ઇતિહાસનો બોધ થાય તેવી સિરિયલો ‘કહાં ગયે વો લોગ’, ‘રાજ સે સ્વરાજ તક’ વગેરે આવતી. મોદીએ દૂરદર્શન પર હિન્દુત્વની આ પ્રકારની વાતો કરતા ધારાવાહિક લાવીને તેનો સકારાત્મક ઉપયોગ કરવાનું વિચાર્યું જ નહીં. ઉલટાનું અત્યારે સાવ ભંગાર ગુણવત્તાનાં ધારાવાહિકો પ્રસ્તુત થાય છે. રાજીવ ગાંધીના સમયે ફિલ્મો કેવી આવતી હતી? આજ કા એમ.એલ.એ., ઘર એક મંદિર, ઇન્સાફ કૌન કરેગા, કાનૂન ક્યા કરેગા, સારાંશ, ઉત્સવ, ગુલામી, મેરી જંગ, મર્દ, ઇન્સાફ મૈં કરુંગા, માસ્ટરજી, રામ તેરી ગંગા મૈલી, એક રુકા હુઆ ફૈસલા, મિ. ઇન્ડિયા, ઇન્સાફ કી પુકાર, આખરી અદાલત, તેઝાબ, ઝખ્મી ઔરત, પરિન્દા વગેરે ફિલ્મો આવી. આ બતાવે છે કે તે વખતે કાળાબજારી, ધારાસભ્યો-સાંસદોનો ભ્રષ્ટાચાર વગેરે ચરમસીમાએ હતો. વહુઓ પર દહેજના કારણે થતા અત્યાચાર સહિતની સામાજિક સમસ્યાઓ પણ હતી. કાયદો કાયદાનું કામ કરતો નહોતો.

મોદીના શાસનમાં હિન્દુત્વ પર ચોટ કરનારી અને સંસ્કારોનો ફજેતો કરનારી ફિલ્મો-સિરિયલો અને વેબસિરિઝનું પ્રમાણ ચરમસીમાએ છે. પીકે, સિંહમ રિટર્ન્સ, હૉલિ ડે, રાગિણી એમએમએસ ૨, મસ્તરામ, હેટ સ્ટોરી ૨, બજરંગી ભાઈ જાન, પ્રેમ રતન ધન પાયો, દિલવાલે, પીકુ, બેબી, ડર્ટી પૉલિટિક્સ, બાજીરાવ મસ્તાની, દંગલ, સુલતાન, ઍરલિફ્ટ, ક્યા કૂલ હૈ હમ ૩, વન નાઇટ સ્ટેન્ડ, ઉડતા પંજાબ, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, ટોઇલેટ એક પ્રેમ કથા, ગૉલ્ડ, રાઝી, પદ્માવત, પરમાણુ જેવી ફિલ્મો આવી, જેમાં કેટલીક બાયોપિક હતી તો ઘણી બધી ફિલ્મોમાં સેક્સ અને હિંસાનો પ્રચૂર ઉપયોગ કરાયો.

રાજીવ ગાંધીના સમયમાં ૧૯૮૮ના સ્વતંત્રતા દિવસે રાજીવ ગાંધીના પ્રવચન પછી કૈલાસ સુરેન્દ્રનાથ, વિનોદ શર્મા, પીયૂષ પાંડેની ટીમે મળીને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ જેવું આજે પણ યાદગાર એવું એક ગીત રાષ્ટ્રીય એકતા માટે આપ્યું. આ જ રીતે ૧૯૮૯ના સ્વતંત્રતા દિને રાજીવ ગાંધીએ આવું જ એક બીજું અદ્ભુત ગીત રાજીવ ગાંધીએ દેશને આપ્યું…‘બજે સરગમ હર તરફ સે’. જોકે રાજીવ ગાંધી ટીવી પર પૉપ કલ્ચર એટલે કે પૉપ મ્યૂઝિક પણ લાવેલા. તેમણે ‘મેરા ભારત મહાન’ જેવું સૂત્ર આપી ભારતની મહાનતાની વાત કરી તો મોદીએ પણ ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘મેરા દેશ બદલ રહા હૈ’ સૂત્ર સાથે દેશવિદેશમાં ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું.
(સમાપ્ત)

politics, sanjog news, vichar valonun

રાજીવની શાહબાનો અને મોદીની એટ્રૉસિટી મૉમેન્ટ

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૮/૧૮)

(ગત અંકથી ચાલુ)
ચૂંટણી જીતવા માટે મોદીએ કોઈ કસર બાકી ન રાખી. એક તરફ પ્રશાંત કિશોરનો ટૅક્નૉક્રેટ તરીકે સહારો લીધો, તો બીજી તરફ, ગૂગલ પર જાહેરખબરો (કોઈ પણ વેબસાઇટ ખોલો તેમાં મોદીની જાહેરખબર જોવા મળતી)નું નવું પરિમાણ ઉમેર્યું. સૉશિયલ મિડિયાની ટીમને કામે લગાડી. સપ્ટેમ્બર ૨૦૧૩થી ફેબ્રુઆરી ૨૦૧૪ સુધી પાંચ મહિનામાં મોદીએ અરુણાચલ પ્રદેશથી લઈને આંધ્ર પ્રદેશ અને મુંબઈથી લઈને મેરઠ સુધી અનેક મોટી મોટી જનસભાઓ કરી. જ્યાં જાય ત્યાં પોતાનો સંબંધ જોડે, ત્યાંના સમાજસેવકો, ક્રાંતિકારીઓને યાદ કરે, સ્થાનિક ભાષામાં શરૂઆત કરી પોતાની વાત મૂકે.

નરેન્દ્ર મોદી માટે પક્ષના અને બહારના વિરોધીઓનો સહુથી મોટો સવાલ હતો કે તેમને વિદેશનીતિમાં શું ખબર પડે? અમેરિકાએ તો ૨૦૦૨નાં રમખાણોના કારણે વિઝા આપવા ઈનકાર કર્યો છે. વળી, તે સમયે કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે ચૂંટણીમાં ભાજપને બહુમતી મળશે. આથી મોટો પ્રશ્ન એ પણ હતો કે મોદીના લીધે ભાજપ સાથે ગઠબંધન કરવા કોણ તૈયાર થશે? કારણકે રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, રવીશકુમાર જેવા રાષ્ટ્રીય સ્તરે પત્રકારો, તો હિન્દી ફિલ્મોના મહેશ ભટ્ટ, જાવેદ અખ્તર, શબાના આઝમી, નંદિતા દાસ જેવા કલાકારો અને ઘણા બધા બુદ્ધિજીવીઓ, મોદીને સુપ્રીમ કૉર્ટમાંથી રમખાણો બાબતે ક્લીન ચિટ મળી હોવા છતાં આ જ મુદ્દાને ઊછાળી રહ્યા હતા. નીતીશકુમારને મોદીનાં રમખાણો કરતાં મોદીના વર્તન સામે વાંધો હતો કારણકે બિહારમાં પૂર આવ્યું ત્યારે ત્યાં ભાજપની બેઠક હતી તે વખતે ત્યાંના છાપાંઓમાં ગુજરાતે કરેલી સહાય માટે મોદીનો આભાર માનતી જાહેરખબરો છપાઈ હતી. તે પછી બિહારની ચૂંટણી વખતે નીતીશકુમારે ભાજપને સ્પષ્ટ ના પાડી હતી કે મોદીને બિહારમાં પ્રચાર કરવા ન મોકલવા. અને આથી જ ૨૦૧૩માં મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા એટલે નીતીશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. જોકે ભવિષ્યમાં તેમને મોદીનું નેતૃત્વ સ્વીકારવાની ફરજ લાલુપ્રસાદ યાદવનાં ઘાસચારા કૌભાંડો અને તેમના પુત્રોના સરકારમાં વ્યવહારના લીધે પડવાની જ હતી…

પવન જોઈને સઢ બદલતા રામવિલાસ પાસવાન અને ચંદ્રાબાબુ નાયડુના પક્ષોએ ભાજપ સાથે પાછું ગઠબંધન કરી લીધું. ઉત્તર પ્રદેશ અને બીજે ઘણી બધી જગ્યાએ ભાજપે અપના દલ- અનુપ્રિયા પટેલ જેવા નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું.

મોદીએ પ્રચારમાં કોઈ મુદ્દો બાકી ન રાખ્યો. પોતે પછાત જ્ઞાતિના હોવાનો રાગ આલાપ્યો. ચા વેચી હોવાની વાત કરી. વો નામદાર હૈ, ઔર હમ આમદાર. રાહુલ ગાંધીને શહઝાદા કહ્યા અને સોનિયા-રાહુલને મા-બેટે કી સરકાર જેવાં તીખાં વિશેષણોથી નવાજ્યાં. ૨૦૦૪ અને ૨૦૦૯ની ચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણીમાં સૌથી મોટો ફરક એ પણ હતો કે એક તરફ, કૉંગ્રેસ ભાજપને ઘેરવામાં કોઈ કસર બાકી નહોતી રાખતી. અને મતદારોમાં એવો સંદેશો પણ જવા લાગ્યો હતો કે સુષમા-જેટલી જેમને અડવાણીએ લોકસભા-રાજ્યસભામાં વિપક્ષનાં નેતા બનાવ્યાં હતાં તેમની કૉંગ્રેસ સરકાર સાથે ગોઠવણ છે. ૨૦૦૯માં પણ અડવાણીએ કાળાં નાણાંનો મુદ્દો ઉપાડ્યો હતો. સુશાસનનો મુદ્દો તો અડવાણી ઘણાં વર્ષોથી ઉઠાવતા આવ્યા હતા. પરંતુ તેને લોકો સમક્ષ યોગ્ય રીતે મૂકવાનું કામ ૨૦૧૪માં મોદીએ કર્યું. તેમણે રૉબર્ટ વાડ્રાનાં કૌભાંડો જે તે સમયે બહાર આવ્યાં હતાં તેનો મુદ્દો ઉપાડવાની પણ કોઈ કસર બાકી ન રાખી. દામાદ કહીને તેમણે તીખાં કટાક્ષ કર્યા.

અમેઠીમાં સામાન્યતઃ અત્યાર સુધી ભાજપ કે કોઈ બીજો પક્ષ કોઈ મોટા ઉમેદવારને ગાંધી પરિવાર સામે ઊભો નહોતો રાખતો, પણ ભાજપે સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી ગાંધી પરિવારને અમેઠીની બેઠક બચાવવા દોડતા કરી બીજેથી તેમનું ધ્યાન હટાવી લીધું. સ્મૃતિ ઈરાનીએ પણ લેડી મોદી જેવું રૂપ દર્શાવ્યું. એકેએક ગામનાં નામ, ત્યાં નહીં થયેલાં કામોને ઉઘાડાં પાડ્યાં. (આ એ જ સ્મૃતિ ઈરાની છે જેમણે વાજપેયી સરકાર હતી ત્યારે ૨૦૦૨નાં રમખાણો માટે સુરતમાં મોદી રાજીનામું ન આપે તો પોતે ઉપવાસ કરશે તેવું કહેલું પરંતુ બાદમાં તેમને માફી માગવી પડેલી, પરંતુ મોદીની એ ઉદારતા જ કહેવાશે કે ચૂંટણી પછી સરકારમાં માનવ સંસાધન પ્રધાન જેવો મોટો હોદ્દો આપી દીધો. મિડિયા પણ મહદંશે મોદી વિરુદ્ધ હતું. તેમને ઇન્ટરવ્યૂ તો આપ્યા પરંતુ તેમને પણ ‘ન્યૂઝ ટ્રેડર્સ’ કહી રોકડું પારખવામાં તેમણે કોઈ કસર ન રાખી. ભાજપ અને મોદી સમર્થકોને મોદીની આ નિડર છબી આકર્ષી ગઈ. કારણકે સમર્થકો વર્ષોથી મિડિયાના ભાજપ વિરોધી રૉલને જોતા આવ્યા હતા. મોદીએ સૉશિયલ મિડિયા દ્વારા અને કેટલીક વેબસાઇટો દ્વારા મિડિયાની પૉલ ઉઘાડી પણ પાડવાનું શરૂ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે.

એ સમયે રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ વગેરે અનેક રાજ્યોમાં કૉંગ્રેસની સરકાર બદલાઈ હતી અથવા તો આવનારી ચૂંટણીમાં શાસન વિરોધી જુવાળના કારણે બદલાવાની સ્થિતિમાં હતી. આ બધાનો લાભ ભાજપને મળ્યો. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં ફરીથી ભાજપની સરકાર રચાઈ. રાજસ્થાન-ગુજરાતમાંથી લોકસભાની તમામ બેઠકો ભાજપને મળી. કલ્યાણસિંહ, યેદીયુરપ્પા સહિત અનેક જૂના નેતાઓને ભાજપમાં પાછા બોલાવાયા. કર્ણાટકમાં તેનો ફાયદો થયો. તમિલનાડુમાં રજનીકાંત સાથે મુલાકાત કરી. આનો ત્યાં ફાયદો ન થયો પરંતુ મોદી બ્રાન્ડ મજબૂત બની. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરપુરમાં હિન્દુ- મુસ્લિમોનાં રમખાણો અને તેના પગલે સૈફાઈમાં મુલાયમસિંહ આણિ કંપની દ્વારા સલમાન ખાન, માધુરી દીક્ષિત વગેરે કલાકારોના મહોત્સવનો અસંવેદનશીલ જલસો…આ બધાના કારણે ભાજપને ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૫ બેઠક મળી! સોનિયા ગાંધી- રાહુલ ગાંધી, મુલાયમસિંહ યાદવ અને તેમના પરિવાર આમ, ગણીને કુલ પાંચ જ બેઠકો જ કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષને મળી. પરિણામ બહુ સ્પષ્ટ હતું ભાજપનો પ્રચંડ વિજય.

આપણી આ લેખમાળા રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે સામ્યતા અને વિરોધાભાસને જોવાનાં હતાં. બંને પહેલી વાર સંસદમાં પ્રવેશ્યા હતા. રાજીવ ગાંધીને તો તેમની માતા, તેમના પિતા અને તેમના નાનાના કારણે હજુ પણ સરકારનો કક્કો ખબર હતો, નરેન્દ્ર મોદી તો સાવ બિનઅનુભવી હતા. તેમણે આ વાત સ્વીકારી પણ હતી. રાજીવ ગાંધી પાસે ગોરો રંગ અને ધારાપ્રવાહ અંગ્રેજી બોલવાની આવડત હતી. નરેન્દ્ર મોદી અંગ્રેજી બોલી શકે પરંતુ કૉન્વેન્ટ પ્રકારનું નહીં. આથી તેમણે સમગ્ર વિશ્વમાં જ્યાં ગયા ત્યાં મોટા ભાગે હિન્દીમાં જ બોલવાનું પસંદ કર્યું. ૨૦૧૪ની ચૂંટણીમાં પણ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં તેમણે અનુવાદકોની સેવા લીધી. રાજીવ ગાંધી મિ. ક્લીન તરીકે ગણાતા હતા પરંતુ ૧૯૮૯ સુધીમાં બૉફૉર્સ કૌભાંડે અને તેમના જ સાથી વી. પી. સિંહના આક્ષેપોના કારણે તેમની આ છબી ખરડાઈ ગઈ હતી. કૉંગ્રેસ નરેન્દ્ર મોદી સામે અંગત રીતે કોઈ આક્ષેપ કરી શકે તેમ નથી. રાફેલનો મુદ્દો ઉપાડે છે પરંતુ ફ્રાન્સના પ્રમુખે ના પાડી દીધી પછી એ મુદ્દો કારગત રહ્યો નથી. રાજીવે લાઇસન્સ રાજ, અધિકારીઓની અડચણ, વગેરે દૂર કરવા વાત કરેલી. નરેન્દ્ર મોદીએ પણ કરેલી અને તે કરી પણ બતાવ્યું. આવતાવેંત કર્મચારીઓ માટે બાયૉમેટ્રિક્સ લાગી ગયાં. ગુજરાતની જેમ દિલ્લીમાં પણ કર્મચારીઓને સમયસર આવતા કરી દીધા. ફટાફટ નિર્ણયો લેવાવા લાગ્યા. રાજીવ ગાંધી ટેલિકૉમ ક્રાંતિ લાવેલા. કમ્પ્યૂટર લાવેલા. તે વખતે ભાજપના નેતાઓએ કમ્પ્યૂટરોનો વિરોધ કરેલો. પરંતુ પછી બહુ ટૂંક સમયમાં ભાજપને અંદાજ આવી ગયેલો કે કમ્પ્યૂટર સહિતની ટૅક્નૉલૉજી તો હકીકતે તેમની રાજનીતિમાં ખૂબ જ ઉપયોગી છે. તેથી કૉંગ્રેસ કરતાં પહેલાં બ્લૉગ, સૉશિયલ મિડિયા વગેરેનો ઉપયોગ ભાજપે શરૂ કરી દીધો. અટલજીની સરકાર વખતે મોબાઇલ ક્રાંતિ થયેલી.

તો નરેન્દ્ર મોદીએ પૈસાની ડિજિટલ લેવડદેવડ, ભીમ એપ, નમો એપ વગેરે મોબાઇલ ટૅક્નૉલૉજીનો ખૂબ જ ઉપયોગ કરવા આહ્વાન કર્યું. તેના કારણે પૈસાની લેવડદેવડ ચોખ્ખી બની. જીએસટી કૉંગ્રેસ નહોતી લાવી શકી (કૉંગ્રેસનાં જ કેટલાંક રાજ્યો અને મોદીની ગુજરાત સરકારનો વિરોધ હતો) પરંતુ મોદી સરકારે આ કાયદો પસાર કરાવી દીધો.

સમયનું ચક્ર જુઓ. રાજીવ ગાંધી વખતે સર્વોચ્ચ ન્યાયાલયે શાહબાનો કેસમાં વૃદ્ધા શાહબાનોને ભરણપોષણ આપવાનો ચુકાદો આપેલો જેનો રાજીવ ગાંધીએ કટ્ટરવાદી મુસ્લિમોને મત બૅન્ક માટે ખુશ કરવા બહુમતીના જોરે કાયદો પલટાવી નાખ્યો. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં આ પ્રકારના કેસોમાં સરકારે મજબૂત વલણ દાખવ્યું. તેમાં મિડિયાએ પણ મુસ્લિમ મહિલાઓની વ્યથા અને ડિબેટ દેખાડી સકારાત્મક ભૂમિકા ભજવી. અને આથી લોકસભામાં ત્રણ તલાક રદ્દ કરતો કાયદો પસાર થયો. જોકે મોદી સરકારે રાજીવ ગાંધીનું શાહબાનો જેવું એક કૃત્ય એસ.સી.એસ.ટી. એટ્રૉસિટી એક્ટ બાબતે કર્યું. સર્વોચ્ચે ચુકાદો આપેલો કે કોઈ દલિત ફરિયાદ કરી દે, માત્ર તે જ કારણે કોઈની ધરપકડ ન કરી લેવી જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ. આ બાબતે જિજ્ઞેશ મેવાણી એન્ડ કંપની અને કૉંગ્રેસ દ્વારા બહુ જ વિરોધ થયો. તેથી મોદી સરકારે સુપ્રીમના ચુકાદાને ઉથલાવી મત બૅન્ક માટે ફરીથી જૂનો એટ્રૉસિટી ઍક્ટ લાવી દીધો. મોદીની આ રાજીવ ગાંધી મૉમેન્ટ હતી. રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદીની બાકીની તુલના આવતા અંકે કરીને આ શ્રેણી સમાપ્ત કરીશું.
(ક્રમશઃ)

politics, sanjog news, vichar valonun

મોદી: શ્રી રામ કૉલેજમાં પ્રવચનથી વડા પ્રધાનના ઉમેદવાર સુધી

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૯/૯/૧૮)

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી. બંનેને બહુમતીવાળી સરકાર મળી. વચ્ચે એક અંકનો વિરામ આવી ગયો એટલે થોડું તાજું કરી લઈએ. રાજીવ ગાંધી નવા અને શિખાઉ રાજકારણી હતા. તે સમયે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદનો ઉકળતો ચરુ હતો. પૂર્વોત્તર ભારત પણ અલગાવવાદથી ગ્રસિત હતું. વિપક્ષોએ ૧૯૭૭માં સત્તાનો સ્વાદ ચાખી લીધો હતો. આમ છતાં તેઓ ભારે બહુમતીથી કઈ રીતે જીત્યા તેની વાત ગયા અંકે આપણે કરી. અને તે પછી નરેન્દ્ર મોદીની વાત આપણે શરૂ કરી, જેમાં આપણે જોયું કે દિલ્લીની શ્રી રામ કૉલેજમાં વ્યાખ્યાન માટે કૉંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ હતું. તેમણે ન સ્વીકાર્યું પરંતુ મોદીજીએ તે તક ગુમાવી નહીં.

એ પ્રવચનમાં કૉલેજના વિદ્યાર્થીઓ અને તેના થઈ રહેલા જીવંત પ્રસારણ થકી સમગ્ર દેશના યુવાનોને સંબોધવાની તક મોદીને મળી રહી હતી. તે વખતે દેશમાં ભયંકર નિરાશાનું વાતાવરણ હતું. ભ્રષ્ટાચારે દેશને અજગર ભરડો લીધો હતો. ત્રાસવાદ અને બૉમ્બ ધડાકાથી હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં. આર્થિક સ્થિતિ કથળેલી હતી. આ સ્થિતિમાં શું મોદીએ માત્ર આક્ષેપો કરી વાતાવરણને વધુ નકારાત્મક અને નિરાશાજનક બનાવ્યું?

ના. તેમણે એવો મંત્ર આપ્યો જે આજ સુધી કદાચ કોઈએ નહોતો આપ્યો. આશાવાદી મુજબ, પાણીનો ગ્લાસ અડધો ભરેલો હોય અને નિરાશાવાદી અડધો ગ્લાસ ખાલી છે તેનું રોદણું રોવે છે. પરંતુ મોદીએ મૌલિક રીતે કહ્યું કે તે અડધો ખાલી નથી, અડધો હવાથી ભરેલો છે. આ નવી વાત હતી જેને કૉલેજના વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તેમણે ગુજરાતના વિકાસનું મૉડલ રજૂ કર્યું, કહ્યું કે દેશમાં વિદ્યાર્થી સહિત સહુ કોઈને થાય છે કે આપણી ભૂલ થઈ ગઈ કે અહીં જન્મ લીધો. ભારતનું કંઈ નહીં થઈ શકે. પરંતુ મારો અનુભવ કહે છે કે એ જ બંધારણ, એ જ નિયમો, એ જ કર્મચારીઓ, એ જ ફાઇલો છતાં ઘણું બધું કરી શકાય છે.

મોદીનું તીર બરાબર નિશાન પર વાગ્યું. મોદીએ આ પ્રવચન આપ્યું તેની તારીખ હતી ૬ ફેબ્રુઆરી ૨૦૧૩. એટલે હજુ ચૂંટણીને એક વર્ષ અને બે મહિના બાકી હતા! તેમણે દિલ્લીમાં જઈને આ પ્રવચન આપીને પોતાની ઉમેદવારીનો શંખનાદ કરી દીધો હતો. રાજદીપ સરદેસાઈ પોતાના પુસ્તક ‘૨૦૧૪ કા ચુનાવ જિસને ભારત કો બદલ દિયા’માં લખે છે, “આ ભાષણના કેટલાક દિવસ પછી મેં તેમની સાથે વાત કરી (સામાન્ય રીતે રાજદીપ મોદી સાથે મોડી રાત્રે કે રવિવારે સવારે ફૉન પર વાત કરતા. આ ચોંકાવનારી વાત છે, કારણકે મોદી પર એક આક્ષેપ એ છે કે તેઓ મુખ્ય પ્રધાન બન્યા પછી પત્રકારોથી તેમણે મોઢું ફેરવી લીધું છે.). એક સારા રાજનીતિજ્ઞની જેમ તેમણે (મોદીએ) પૂછ્યું, “ક્યા ફીડ હૈ?” મેં (રાજદીપે) પ્રમાણિકતાથી સ્વીકાર્યું કે ભાષણ ઘણું જ પ્રભાવી હતું.” વિરોધી માનસિકતાવાળા પત્રકાર જે ૨૦૦૨ પછી સતત મોદી પાછળ જ પડેલા રહ્યા તેમની પાસેથી પણ પ્રતિભાવ મેળવવો એ બહુ મોટી વાત છે.

કૉંગ્રેસના નેતાઓને કોઈ સાચી વાત કહે તો તેઓ તેમને ભાજપવાળા કહીને બ્રાન્ડિંગ કહી તેમનાથી મોઢું ફેરવી લે છે. કેટલીક ચેનલો સાથે પણ તેઓ આવું કરે છે. હવે તો હિન્દી ચેનલો પર રીતસર એન્કરો સામે ચાલુ ડિબેટે આક્ષેપબાજી કરવા લાગ્યા છે. આ વાત કૉંગ્રેસે ભાજપ પાસેથી શીખવી જોઈએ.

બે મહિના પછી આઠ એપ્રિલે મોદીએ ઉદ્યોગ જગતના સંગઠન ફિક્કીની મહિલા પાંખ સમક્ષ પ્રવચન આપ્યું. એવું નહોતું કે આ દરમિયાન રાહુલ ગાંધી નિષ્ક્રિય રહ્યા હતા. મોદીના પ્રવચનના ચાર દિવસ પહેલાં તેમણે ઉદ્યોગોના અન્ય સંગઠન સીઆઈઆઈ સમક્ષ પ્રવચન આપી ચૂક્યા હતા. રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિઓ સમક્ષ પોતાનું સપનું રજૂ કર્યું હતું જ્યારે મોદી શ્રી રામ કૉલેજમાં યુવાનો પછી હવે બીજો મોટો મતદાર વર્ગ એવો મહિલાઓ અને તે પણ ઉદ્યોગજગત સાથે સંબંધિત,ને સંબોધી રહ્યા હતા. તે વખતે વિવેચકોએ રાહુલ ગાંધીના ભાષણને ફિક્કું અને અસ્પષ્ટ ગણાવ્યું હતું.

મોદી માટે મુશ્કેલી હતી કારણકે ઉદ્યોગજગતની મહિલાઓ હોય એટલે મોટા ભાગે અંગ્રેજી અને અંગ્રેજીયતની અસરવાળી જ હોય તેમ માની શકાય. પરંતુ મોદીએ ત્યાં જે વાત મૂકી તે હિન્દુ દર્શનમાં સ્ત્રીઓને દર્શાવતી હતી. અર્થાત્, તેમણે કહ્યું કે ભારતમાં સ્ત્રીનો ઊંચો દરજ્જો યુગોથી રહ્યો છે. ગાય-નદીને પણ માતા કહીને સંબોધાય છે. તેમણે સ્ત્રી ભ્રૂણ, ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે તેમની સરકારે કરેલાં મહિલાલક્ષી કામોની વાતો કરી. અમદાવાદના જશુબેનના પિઝાની વાત કરીને મહિલાઓનાં હૃદય જીતવા પ્રયાસ કર્યો. રાજદીપ સરદેસાઈ ઉપરોક્ત પુસ્તકમાં લખે છે, “મોદીના આ પ્રવચન પછી મહિલાઓનો એક જ સ્વર હતો, “આ જ પ્રકારના નેતા અમે ઈચ્છીએ છીએ.”

તે જ દિવસે મોદી બીજા એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. રાજદીપ સરદેસાઈની જ ચેનલના નેટવર્ક ૧૮ દ્વારા ‘થિંક ઇન્ડિયા’ પરિષદમાં ‘લઘુતમ સરકાર, મહત્તમ સરકાર’ વિષય પર બોલવાનું હતું જે મોદીનો પ્રિય વિષય હતો. યુપીએ-૨ સરકાર પર અનિર્ણાયકતા અને પૉલિસી પેરાલિસિસના માત્ર વિપક્ષો જ નહીં, પરંતુ બીજા પણ આક્ષેપો કરતા હતા. મોદીએ કહ્યું કે અમલદારોના અવરોધો દૂર કરવા પર ભાર મૂક્યો. આ સમય સુધીમાં મોદીનો સમાવેશ ભાજપના સંસદીય બૉર્ડમાં થઈ ચુક્યો હતો. આવું સ્થાન મેળવનારા તેઓ એક માત્ર મુખ્ય પ્રધાન હતા. આ બૉર્ડના હાથમાં જ ચૂંટણી સંબંધી મહત્ત્વના નિર્ણયો હોય છે. માર્ચ ૨૦૧૩માં મોદી માટે એક બીજો ફેરફાર મહત્ત્વનો હતો. દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં નીતિન ગડકરીએ તેમની કંપની સામે અરવિંદ કેજરીવાલે કરેલા આક્ષેપોના કારણે પક્ષના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું અને તેના સ્થાને અધ્યક્ષ બન્યા રાજનાથસિંહ.

આ બેઠકમાં મોદી સતત છવાયેલા રહ્યા. મિડિયાનું ધ્યાન પણ મોદી પર રહ્યું. ભાજપના કાર્યકર્તાઓ-નેતાઓ પણ મોદી સાથે ફોટો પડાવવા ઉત્સુક હતા. આ જોઈને ભાજપના નેતાઓને અંદાજો આવી ગયો હતો કે મોદીનું કદ હવે ભાજપ કરતાં મોટું થઈ ચૂક્યું છે. તે પછી જુલાઈમાં ગોવામાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી મળી જેમાં મોદીને લોકસભા માટેની પ્રચાર સમિતિના વડા બનાવવાની જાહેરાત થઈ હતી. ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પારીકરે તો મોદીને ચૂંટણીના છ મહિના પહેલાં વડા પ્રધાનના ઉમેદવાર જાહેર કરી દેવાની માગણી એ સમયે કરી દીધી હતી. પારીકરે ૬૫ વર્ષથી ઉપરના નેતાઓને નિવૃત્ત થવાની સલાહ પણ આપી દીધી હતી.

પરંતુ મોદીની આડે વિપક્ષ કરતાં પોતાના જ પક્ષના કેટલાક નેતાઓની, અને તેય તેમના ગુરુ અડવાણીજીની નારાજગીનું મોટું વિઘ્ન હતું. આ બેઠકમાં અડવાણીજી, રવિશંકર પ્રસાદ, ઉમા ભારતી, વરુણ ગાંધી વગેરે નેતાઓ માંદગી કે બીજું કોઈ બહાનું બતાવીને હાજર રહ્યા નહોતા. આ એ જ ગોવા હતું જ્યાં અગિયાર વર્ષ પહેલાં ભાજપની આવી જ બેઠક મળી હતી અને ત્યારે અડવાણીજીએ મોદીને ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી હટાવતા બચાવ્યા હતા! પરંતુ હવે સમયની માગ જુદી હતી. મોદીને અવગણવાનું ભાજપને પોસાય તેમ નહોતું. અડવાણીજીના નેતૃત્વમાં ૨૦૦૯ની ચૂંટણીમાં ભાજપ હારી ગયો હતો. અરુણ જેટલી, સુષમા સ્વરાજ કે રાજનાથસિંહ લોકપ્રિયતામાં મોદીની બરાબરી કરી શકે તેમ નહોતા. વળી તેમની પાસે મોદી જેવો ગુજરાત વિકાસનો ટ્રેક રેકૉર્ડ પણ નહોતો. અડવાણીજીએ ૧ જૂન ૨૦૧૩ના રોજ કાર્યકરોને સંબોધતા મોદી સામે શિવરાજસિંહનું નામ વહેતું મૂક્યું હતું પરંતુ શિવરાજ કોઈ રીતે મોદીની તોલે આવી શકે તેમ નહોતા. તેમણે પક્ષમાંથી તમામ પદો પરથી રાજીનામાં આપી દીધાં, પરંતુ તેમના આ પ્રયાસો વ્યર્થ ગયા. પક્ષના નેતાઓએ બાદમાં તેમને મનાવી લીધા.

૧૫ ઑગસ્ટ ૨૦૧૩ના રોજ મોદીએ એક તોફાની વિદ્યાર્થીનું રૂપ દેખાડ્યું. આગલા દિવસે જ કરી દીધેલી જાહેરાત મુજબ બીજા દિવસે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મનમોહનસિંહના ભાષણ પછી તરત જ મોદીએ ભુજની લલ્લન કૉલેજ પરથી ભાષણ કરી મનમોહનસિંહ અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા. સામાન્યત: ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરીએ રાજનીતિ ભૂલી જવાતી હોય છે પરંતુ મોદીએ રમતનો નિયમ તોડી દીધો. સમાચાર ચેનલોએ આ ભાષણ લાઇવ બતાવ્યું હતું.

આ પછી હવે ઔપચારિકતા જ બાકી રહી. તેમના જન્મદિવસના ચાર દિવસ પહેલાં મોદીને પક્ષ તરફથી ભેટ મળી ગઈ હતી. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩એ દિલ્લીમાં મોદીની વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે સત્તાવાર વરણી થઈ. પરંતુ અડવાણીજીએ પોતાની રીતે વિરોધ વ્યક્ત કરવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. તેમણે ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહને પત્ર લખી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. તે સમયે શિવસેના સુષમા સ્વરાજની તરફેણમાં હતી અને મોદી પક્ષને સંબોધી રહ્યા હતા ત્યારે ભાજપ વડું મથક છોડી જઈ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. (આમ છતાં સુષમાને વિદેશ પ્રધાન બનાવાય તે મોદીની મહાનતા બતાવે છે. પરંતુ સુષમાને બોલવા નથી દેવાતાં તેમ કોઈ કહે તો આ પૃષ્ઠભૂમિ પણ યાદ રાખવી જોઈએ. શિવસેના સાથે પણ મોદીને કેમ ત્યારથી નથી બન્યું તેમાં પણ આ પૃષ્ઠભૂમિ રહેલી છે.)

મોદી તસવીરોનો ઉપયોગ આજના જમાનામાં કઈ રીતે કરવો તે સારી રીતે જાણે છે. એટલે જ તેમની પૃષ્ઠભૂમિમાં કે તેમના કુર્તા પર પ્રતીકો રહેતા હોય છે. ૨૦૧૪ની ચૂંટણીમાં તેમણે મિશન ૨૭૨નું અને કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર વહેતું કર્યું. અમિત શાહને કૉર્ટ તરફથી ૨૦૧૦માં સોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતવટો મળ્યો હતો. તેનો તેમણે મોદીની જેમ જ આપત્તિને અવસરમાં પલટી નાખતો ઉપયોગ કર્યો. (મોદીને ૧૯૯૬ પછી ગુજરાતવટો ભાજપે આપ્યો ત્યારે તેમણે જમ્મુકાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઘણાં રાજ્યોમાં પોતાના સંપર્કો વિકસાવી લીધા હતા.) મોદીના કહેવાથી અમિત શાહને ઉત્તર પ્રદેશની જવાબદારી લોકસભા ચૂંટણીમાં મળી. મોદી-અમિત શાહની જોડી આ અને આવનારી અનેક ચૂંટણીઓમાં અનેક વિજયની પતાકા ફરકાવવાની હતી…

(ક્રમશઃ)

national, politics, sanjog news, vichar valonun

રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદી: ૧૯૮૪ની ચૂંટણી અને ૨૦૧૪ની ચૂંટણી…

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૨૫-૮-૧૮)

હું છઠ્ઠા ધોરણમાં હતો. એ સમયે સંયુક્ત પરિવાર અને ઘણા ભાડૂઆતોવાળા અમારા બંગલામાં કોઈએ સમાચાર આપ્યા- આપણાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીજીની હત્યા થઈ! બધે જ સ્તબ્ધતા અને આઘાતનું વાતાવરણ છવાઈ ગયું! થોડા સમય પછી ભાવનગરમાં ગધેડિયા ફિલ્ડ (જવાહર મેદાન)માં એક યુવાન નેતાની જાહેર સભા હતી.

તેમાં વડીલ સાથે હું પણ ગયો હતો. એ વખતે સુરક્ષાની ખાસ માથાકૂટ નહોતી. મેદાન પણ બહુ મોટું કહી શકાય તેવું નહીં. યુવાન નેતા સ્પષ્ટ દેખાતા હતા. આ નેતા એટલે રાજીવ ગાંધી. (મારા જીવનમાં હું માત્ર બે જ રાજનેતાની જાહેરસભામાં ગયેલો-રાજીવ ગાંધી અને તે પછી વી.પી.સિંહ. બંને ભાવનગરમાં જ. વી.પી.સિંહ ગંગાજળિયા તળાવમાં આવેલા.) તેમણે સુરક્ષાની બહુ ચિંતા કરી નહીં. એટલે શ્રીલંકામાં પણ તેમના પર હુમલો કરવા પ્રયાસ થયો અને બીજા હુમલામાં તો તેમનો જીવ પણ ગયો. આવા લોકલાડીલા નેતા અને પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી જીવિત હોત તો ગયા સોમવારે ૨૦ ઑગસ્ટે ૭૪ વર્ષ પૂરાં કરી અમૃત મહોત્સવમાં પ્રવેશ કરતા હોત…જીવનના સન્યાસાશ્રમમાં.

રાજીવ ગાંધી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અનેક સમાનતાઓ અને અનેક વિષમતાઓ છે. રાજીવ ગાંધીને રાજકારણમાં પ્રવેશવું નહોતું પરંતુ સંજય ગાંધીના અવસાને તેમને પ્રવેશવા વિવશ કર્યા. ૧૯૮૪ સુધી તેઓ સંગઠનમાં કામ કરતા હતા. ઈન્દિરાજીની હત્યા પછી સર્જાયેલા સંજોગોમાં તેઓ વડા પ્રધાન બન્યા. બીજી તરફ નરેન્દ્ર મોદી પણ સંઘ અને ભાજપમાં પડદા પાછળ કામ કરતા. પરંતુ ૨૦૦૧માં અટલજીના આદેશથી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા.

રાજીવ ગાંધીના વડા પ્રધાન બનવા સમયે પંજાબ ઉકળતો ચરૂ હતો. ખાલિસ્તાની ઉગ્રવાદીઓ જોર પકડી રહ્યા હતા. આસામમાં બાંગ્લાદેશીઓના મુદ્દે વિદ્યાર્થીઓનું આંદોલન હતું. મિઝોરમમાં પણ અલગતાવાદનું જોર હતું. અર્થતંત્ર કથળી રહ્યું હતું. બીજી તરફ, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે પાકિસ્તાન સમર્થિત ત્રાસવાદીઓ પૂરજોશમાં કાર્યરત હતા. ૨૦૦૮થી લઈને ૨૦૧૩ સુધી તેમણે સમગ્ર દેશમાં ત્રાસવાદી હુમલાઓ અને બૉમ્બ ધડાકા કરીને દેશને પારાવાર નુકસાન પહોંચાડ્યું હતું. મણિપુરમાં ૨૦૧૨માં વિદ્યાર્થીઓએ આંદોલન કરીને આર્થિક પ્રતિબંધ મૂકતાં પેટ્રોલ અને ગેસના સિલિન્ડરના ભાવ આસમાને પહોંચી ગયા હતા. નરસિંહરાવ સરકાર પછી મોરચા સરકારો આવતાં અને વિવિધ રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો બળવત્તર બનતાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ હતો.

રાજીવ ગાંધી નવાસવા રાજકારણી હતા. ઈન્દિરાજીના અવસાન પછી પ્રણવ મુખર્જી વડા પ્રધાન બનવા માગે છે તેવી કાનભંભેરણી રાજીવને થઈ. રાજીવ ગાંધીએ તેમનું ડિમૉશન કર્યું. પ્રણવદાને કેબિનેટમાંથી પડતા મૂકી પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપી. અંતે તેમણે પ્રણવદાની કૉંગ્રેસમાંથી હકાલપટ્ટી જ કરી. ઈન્દિરાજીની એકદમ નિકટ રહેલા પ્રણવદાને કૉંગ્રેસમાંથી ભારે મને વિદાય લેવી પડી. નરેન્દ્ર મોદીને ચૂંટણી વખતે એલ. કે. અડવાણી-સુષમા સ્વરાજના વિરોધનો સામનો કરવો પડ્યો. પરંતુ અડવાણીજી હજુ પણ પક્ષમાં છે. સુષમા સ્વરાજ વિદેશ પ્રધાન છે!

શરમાળ, અંતર્મુખી અને શિખાઉ રાજકારણી રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ કેવી રીતે ભારેખમ બહુમતીથી જીતી ગઈ? એ સમય એવો હતો કે અગાઉ જનતા મોરચાની સરકાર આવી ગઈ હતી. એટલે વિપક્ષ જોરમાં હતો. ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી તેમના જેવા કાબેલ રાજકારણીની ગેરહાજરીમાં વિપક્ષ ફરીથી સરકારમાં આવી જશે તેમ કેટલાકને લાગતું હતું. પરંતુ તેમ ન થયું.

એ વખતે મતદાનના એટલા બધા તબક્કા નહોતા. મતદાન પૂર્વે પ્રચાર માટે ત્રણ-ચાર મહિનાનો આટલો બધો સમયગાળો નહોતો રહેતો. ૨૪-૨૭ અને ૨૮ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ ચૂંટણી હતી. રાજીવજીએ ૧ ડિસેમ્બરે ઉત્તર પ્રદેશના બુલંદશહરથી પ્રચાર શરૂ કરેલો. રાજીવ પોતે ૨૩ દિવસમાં ૫૦,૦૦૦ કિમી વિમાન, હેલિકૉપ્ટર અને કાર દ્વારા ફરી વળેલા. તેમણે પોતે ૨૫૦ સભાઓ ૨૫૦ મતવિસ્તારોમાં સંબોધેલી. આ રીતે તેમણે પોતે બે કરોડ લોકોનો સંપર્ક સાધેલો. પરંતુ ચહેરા પર ક્યાંય થાક નહીં! હા, અવાજ જરૂર બેસી ગયેલો.

રાજીવજીએ પહેલાં તબક્કામાં પ્રચારમાં પોતાની માતાની હત્યા પર ધ્યાન કેન્દ્રિત કરેલું. પરંતુ બીજા તબક્કામાં તેમણે વિપક્ષો પર ભારે પ્રહારો કરવાના શરૂ કર્યા. તે વખતે પંજાબ ઉકળતો ચરૂ હતું. તેથી આનંદપુર સાહિબ ઠરાવ સામે તેમણે પ્રચાર શરૂ કર્યો. આ ઠરાવમાં અકાલી દળે પંજાબને વધુ સ્વાયત્તતા માગેલી. રાજીવે વિપક્ષો પર આક્ષેપો કર્યા કે તેઓ અસ્થિરતા સર્જવા માગે છે. વિપક્ષના ત્રણ સભ્યો ઑપરેશન બ્લુસ્ટાર પહેલાં સુવર્ણ મંદિર ગયેલા તે વાત ઉખાળીને તેમણે કહેલું કે આ સભ્યો બહાર આવ્યા પછી તેમણે કહેલું કે ત્યાં કોઈ ઉગ્રવાદી નથી કે ત્યાં કોઈ શસ્ત્રો પણ નથી.

વિપક્ષો પર વધુ પ્રહાર કરતાં રાજીવે કહેલું, “જે પક્ષો ટિકિટની વહેંચણી પર સંમત નથી થઈ શકતા, તેઓ ભેગા મળીને દેશ ચલાવવા માગે છે… જો તેઓ અસરકારક વિરોધ પક્ષ નથી બની શકતા તો તેઓ અસરકારક સરકાર કેવી રીતે ચલાવશે?”

તેમણે જ્યૉર્જ ફર્નાન્ડિઝ પર પશ્ચિમ જર્મની અને જાપાનથી તેમની મજદૂર સંઘની પ્રવૃત્તિઓ ચલાવવા માટે ભંડોળ મેળવતા હોવાનો આક્ષેપ પણ કર્યો. મુસ્લિમોના મત જીતવા જનતા મોરચાની સરકાર દરમિયાન ઈઝરાયેલના પૂર્વ સંરક્ષણ પ્રધાન મોશે ડયાનની ગુપચૂપ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.

આવા આક્ષેપોથી વિપક્ષો બાઘા બની ગયા. તેઓ મિડિયામાં પોતાના બચાવ અને આક્ષેપોને નકારવા જ જતા. આમ, રાજીવ ગાંધીએ એજન્ડા સેટ કર્યો અને વિપક્ષો ડિફેન્સ મૉડમાં આવી ગયા. કેટલાક વિપક્ષી નેતાઓ ડાહ્યા પૂરવાર થયા પરંતુ સામે પક્ષે ઈન્દિરા ગાંધીની હત્યાથી સર્જાયેલી સહાનુભૂતિ જબરદસ્ત હતી. રાજીવ ગાંધીએ ચૂંટણી જીતવા બધા જ પેંતરા અજમાવી લીધા. ચૂંટણીની રણનીતિ પોતાના ખાસ વિશ્વાસુ કૉંગ્રેસના મહામંત્રી અરુણ નહેરુ, પોતાના દૂન સ્કૂલના ખાસ મિત્ર વિશ્વજીતસિંહ અહલુવાલિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સના સાથી કેપ્ટન સતીશ શર્માને આપેલી. અરુણ નહેરુએ એ સુનિશ્ચિત કર્યું કે ઉમેદવારો ચૂંટણી ભંડોળથી વંચિત ન રહે. દરેક ઉમેદવાર માટે રૂ. ૨ લાખની લિમિટ નહેરુએ નક્કી કરેલી. એ વખતે જોકે કેટલાક ઉમેદવારોએ વિપક્ષના મહાનુભાવો સામે લડવા રૂ. ૫ લાખ માગેલા!

કેપ્ટન સતીશ શર્માએ બીજી પ્રચાર સામગ્રી સાથે રાજીવ ગાંધીના ભાષણોની ઑડિયો અને વિડિયો કેસેટ બનાવડાવવાની જવાબદારી સંભાળી, તો અહલુવાલિયાએ આ સામગ્રીના વિતરણની. તે વખતે જગદીશ ટાઇટલરે (જે પછીથી શીખ વિરોધી નરસંહારમાં આરોપી ઠર્યા) તે વખતે કહેલું કે તેમણે આ પૂર્વે આટલો સુનિયોજિત ચૂંટણી પ્રચાર ક્યારેય જોયો નહોતો.

શર્માએ દરેક ઉમેદવાર માટે ત્રણથી ચાર જીપોનું આયોજન પણ કરી દીધું. દરેક પ્રદેશ પ્રમુખો માટે ૨૦ હેલિકૉપ્ટરો અને છ વિમાનોની વ્યવસ્થા થઈ. તમામ કૉંગ્રેસી મુખ્ય પ્રધાનોને પણ કામે લગાડાયા.

રાજીવ ગાંધીએ વિપક્ષના હેમવંતીનંદન બહુગુણા જેવા નેતાને સંસદમાં આવતા રોકવા પોતાના ખાસ મિત્ર અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને મેદાનમાં ઉતારેલા. રામ જેઠમલાણી જેવા કાબા વકીલ સામે સુનીલ દત્ત અને તમિલનાડુનાં લેખિકા-રાજકારણી એરા સેઝિયાન સામે વૈજયંતિમાલાને ઉતારેલાં.

પ્રચારમાં પહેલા તબક્કામાં અગાઉ કહ્યું તેમ, ઈન્દિરાજીની હત્યાનો મુદ્દો ઍન્કેશ કરવા ભરપૂર પ્રયાસ થયો. સૂત્ર હતું: ઈન્દિરાજી કી અંતિમ ઈચ્છા, બુંદ બુંદ સે દેશ કી રક્ષા. આ સૂત્ર સાથે ૨૫ લાખ પૉસ્ટરો અને એક લાખ બૅનરો દેશભરમાં મૂકાયાં. બીજા તબક્કામાં રાજીવ ગાંધીના ચહેરાને ઉતારાયો. દિલ્લીમાં શીખ વિરોધી હિંસાને ૭૨ કલાકમાં જ કાબૂમાં કરી લેવાઈ તે મુદ્દો પ્રચારમાં મૂકાયો! (મોદીએ આ મુદ્દો મૂક્યો હોત તો? તેમણે પણ ૭૨ કલાકમાં રમખાણો કાબૂમાં કર્યા હતા. અહીં રમખાણો હતાં અને દિલ્લીવાળો એકતરફી નરસંહાર.) બીજો મુદ્દો હતો- ભ્રષ્ટ રાજકારણીઓને ટિકિટનો ઈનકાર. ૧૦૦ જેટલા ચાલુ સાંસદોને ટિકિટ અપાઈ નહોતી! (નરેન્દ્ર મોદીની નૉ રિપિટ થિયરી યાદ આવે છે?) આ ઉપરાંત રાજીવ ગાંધીને સ્વચ્છ રાજકારણી તરીકે પ્રૉજેક્ટ કરાયા જે અસરકારક અને કાર્યક્ષમ રીતે સરકાર ચલાવી શકે છે. આખી ચૂંટણી માત્ર રાજીવ ગાંધીને કેન્દ્રિત કરીને જ લડાઈ હતી. (નરેન્દ્ર મોદીએ પોતાના કેન્દ્રિત રાજકારણ અને ચૂંટણી બનાવી દીધા છે તેવા આક્ષેપો થાય છે ત્યારે આ પણ જોવા જેવું છે.)

પરંતુ ઈન્દિરા ગાંધીનો મૃત્યુ પછી પણ ઉપયોગ કરાયો. એક ૩૦ મિનિટની વિડિયો કેસેટ ખૂબ જ પ્રચારિત કરાઈ. તેમાં ઈન્દિરા ગાંધીનો ઇન્ટરવ્યૂ હતો, જેમાં તેઓ રાજીવ ગાંધી સાથે વાત કરતા હતા. આ કેસેટમાં રાજીવ ગાંધીએ કામચલાઉ વડા પ્રધાન તરીકે પોતાના કાર્યાલયમાં ગુજારેલા સમયની ઝલક પણ દર્શાવાઈ હતી. બીજા તબક્કાના પ્રચારમાં પૉસ્ટરોમાં અને ઑડિયો-વિડિયો કેસેટોમાં રાજીવ છવાઈ ગયેલા. ૧.૫ કરોડ પૉસ્ટરો અને ચોપાનિયાંઓમાં તેમની તસવીરો અને તેમનાં ભાષણોના અંશો હતા. સમાચારપત્રોમાં જાહેરખબર પાછળ તે સમયે રૂ. ૯ કરોડ ખર્ચાયેલા! ૨૫૦ સમાચારપત્રો અને સામયિકોમાં ૧૫ વિશાળ જાહેરખબરો છપાયેલી. પૉસ્ટરો, ચોપાનિયાંઓ, સ્ટિકરો અને અન્ય પ્રકારના ચૂંટણી ગિમિક્સ પાછળ રૂ. ૧૬ કરોડ ખર્ચાયેલા!

સ્વાભાવિક જ, ૧૯૮૪ની એ ચૂંટણી, ઇતિહાસની સૌથી મોંઘી ચૂંટણી તે સમયે સાબિત થઈ હતી.

એ ચૂંટણીમાં, અટલ બિહારી વાજપેયીને નામાંકનપત્ર ભરવાના એક કલાક પહેલાં સુધી ખબર નહોતી કે તેમણે ગ્વાલિયરમાં માધવરાવ સિંધિયા સામે લડવાનું છે અને તેથી તેમને બીજે ક્યાંયથી નામાંકન પત્ર ભરવાનો સમય જ નહોતો મળ્યો. તે સમયે ભાજપના માત્ર બે જ સાંસદો ચૂંટાયેલા. એક મહેસાણાથી ડૉ. એ. કે. પટેલ અને બીજા આંધ્રપ્રદેશના હનમકોન્ડામાંથી ચંદદુપટલા જંગા રેડ્ડી. અટલજી પણ હારી ગયેલા.

નરેન્દ્ર મોદી પૈસાના જોરે અને માર્કેટિંગના જોરે ચૂંટણી જીતી ગયા તેઓ આક્ષેપ થાય છે ત્યારે ૧૯૮૪ની ચૂંટણી યાદ આવ્યા વગર ન રહે. નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીની જેમ પુષ્કળ મહેનત કરી. તેમણે ૪૩૭ રેલીઓ કરી અને તે પણ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં માત્ર લીંબુ પાણી સાથે, ભર ગરમીમાં. તેમણે ૨૫ રાજ્યોમાં ત્રણ લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.

આમ તો, ટાટા નેનોનો પ્લાન્ટ આવ્યો ત્યારથી નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર જવા માટે ટકોરા મારવા લાગેલા, પરંતુ ૨૦૧૨માં જીતની હેટટ્રિક પછી તેમના સમર્થનમાં સ્વર બુલંદ થયો. ૨૦૧૩માં દિલ્લીની શ્રી રામ કૉલેજમાં વિદ્યાર્થીઓને સંબોધવાના એક કાર્યક્રમનું તેમને નિમંત્રણ મળ્યું. મોદીના ઘોર વિરોધી ગણાતા પત્રકાર રાજદીપ સરદેસાઈએ ‘૨૦૧૪: ધ ઇલેક્શન ધેટ ચેન્જ્ડ ઇન્ડિયા’ પુસ્તકમાં લખ્યું છે કે આ કાર્યક્રમમાં આવવા માટે આ કૉલેજના વિદ્યાર્થીઓએ યુપીએ સરકારના અડધો ડઝન પ્રધાનોનો તેમજ સચીન પાઇલોટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા યુવાન નેતાઓનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ તેમણે આ નિમંત્રણ ફગાવી દીધું. આનંદ શર્માએ તો જવાબ આપવાની તસદી પણ ન લીધી. કૉંગ્રેસે તક ગુમાવી પરંતુ નરેન્દ્ર મોદીએ આ તક ઝડપી અને પહેલા બોલે જ સિક્સર મારી દીધી…
(ક્રમશ:)

national, politics, sanjog news, vichar valonun

અટલજી: રાજકારણી નહીં, રાષ્ટ્રકારણી

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ. ૧૯/૮/૧૮)

અટલજી આપણી વચ્ચે નથી. આ માનવું મુશ્કેલ છે. પરંતુ અટલજીની જે રાજનીતિ હતી તે તો વર્ષ ૨૦૦૪ પછીથી ગૂમ જ હતી! ૨૦૦૪થી ૨૦૧૪માં જે પ્રકારની રાજનીતિ શરૂ થઈ તે દેશહિત કરતાં પક્ષ હિત કેન્દ્રિત વધુ હતી અને આ જ રાજનીતિએ હિન્દુ આતંકવાદની બોગસ થિયરીને જન્મ આપ્યો. આ જ રાજનીતિએ અફઝલ ગુરુ, અજમલ કસાબ જેવા ત્રાસવાદીઓને ફાંસી આપવામાં ટાળમટોળ કરી.

આ જ રાજનીતિએ કહ્યું કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર લઘુમતીઓનો છે. જાણે કે દેશની બહુમતીની આ દસ વર્ષમાં તો બાદબાકી જ હતી! ૨૦૦૮માં અમેરિકા સાથે પરમાણુ સમજૂતી કરવાના મુદ્દે મનમોહનસિંહે તેમના સમગ્ર દસ વર્ષના કાર્યકાળમાં એક જ વાર મક્કમતા દાખવી. કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ કહી દીધું કે ડાબેરીઓ ટેકો પાછો ખેંચી લે તો સરકાર જતી હોય તો ભલે જાય પણ આ મુદ્દે સમાધાન તો નહીં જ. એ સિવાય તો પાકિસ્તાનના સૈનિકો ભારતની સરહદમાં આવીને જાય અને ભારતના સૈનિકોનાં માથાં વાઢી નાખે પછી પાકિસ્તાનના વડા પ્રધાન અજમેર શરીફની અંગત મુલાકાતે આવે ત્યારે તત્કાલીન વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ તેમની ભરપૂર સરભરા કરે!

અને આથી જ એ મહાપુરુષ અટલજીની રાજનીતિ નહીં, રાષ્ટ્રનીતિ સમક્ષ નતમસ્તક થઈ જવાય. કેટકેટલા પ્રસંગો આવ્યા જ્યારે ધાર્યું હોત તો તેમણે પોતાના માટે, પોતાના પક્ષ માટે તે પ્રસંગનો ફાયદો ઉઠાવી શક્યો હોત. પરંતુ તેમણે હંમેશાં દેશને પ્રથમ રાખ્યો. ઈન્દિરા ગાંધી અને માણેક શૉના નેતૃત્વમાં ભારતીય સેનાએ ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનની સેનાને ધૂળ ચાટતું કર્યું ત્યારે એમ કહેવાય છે કે અટલજીએ તેમની ‘દુર્ગા’ કહીને પ્રશંસા કરી હતી. જોકે બાદમાં અટલજીએ આ વાતનો ઈનકાર કર્યો હતો.

પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરાયું ત્યારે પણ ઈન્દિરાજીની સરકાર પડખે અટલજીના નેતૃત્વમાં ભારતીય જનસંઘ ઊભો રહ્યો હતો. પરંતુ એ જ અટલજી સત્તામાં આવ્યા ત્યારે ૧૯૯૮માં સત્તાના થોડા મહિનાઓમાં જ પોખરણમાં દ્વિતીય પરમાણુ પરીક્ષણ કરાયું ત્યારે કૉંગ્રેસ અને ડાબેરીઓએ પરીક્ષણોનો વિરોધ કર્યો! માનવાધિકાર સંસ્થાઓ અને એનજીઓએ હાય તોબા કરી દીધી હતી.
૧૯૭૪માં ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી તો તેનો ભરપૂર વિરોધ કર્યો. જેલમાં ગયા. સમયની માગ હતી કે કૉંગ્રેસ સામે તમામ વિપક્ષો એક થાય. અટલજીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું છે, “તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહમદના સેક્રેટરીએ એક પુસ્તકમાં લખ્યું છે કે તે સમયે દિલ્લીમાં જેલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-જનસંઘ અને જમાત-એ-ઇસ્લામી, બંને ઉત્તર-દક્ષિણ ધ્રૂવ જેવાં સંગઠનોના નેતાઓ એક સાથે હતા અને તે સમયે બંનેને એકબીજાનો પરિચય થયો. પરિચય દોસ્તીમાં પરિણમ્યો. સંઘ-જનસંઘના નેતાઓ જમાત-એ-ઇસ્લામીના લોકો માટે નમાઝની વ્યવસ્થા કરે અને જમાત-એ-ઇસ્લામીના નેતાઓ સંઘ-જનસંઘના નેતાઓ પૂજા કરતા હોય ત્યારે શાંતિ રહે, ઘોંઘાટ ન થાય તેની કાળજી લેવા લાગ્યા.” તે સમયે જરૂરિયાત ઊભી થઈ કે પક્ષને જનતા પક્ષમાં ભેળવી દેવો તો તેમ કર્યું.

પરંતુ જ્યારે એ જ જનતા પક્ષમાં કેટલાકે માગણી કરી કે જન સંઘના નેતાઓ રા. સ્વ. સંઘ સાથે પોતાનો સંબંધ તોડી નાખે. બેવડા સભ્યપદના આ મામલે અટલજી સહિતના જન સંઘના નેતાઓએ સરકાર ભલે તૂટી જાય, પરંતુ આરએસએસ સાથે સંબંધ નહીં તોડીએ તેમ કહી દીધું અને એ સરકાર થોડા સમયમાં તૂટી પડી.

આ જ રીતે ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા થઈ. દેશમાં અરાજકતા જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી સ્થિતિ હતી. પંજાબમાં ખાલિસ્તાન સમર્થક ત્રાસવાદીઓ પાકિસ્તાન અને કેનેડાના પીઠબળથી હિંસાચાર કરી રહ્યા હતા. ૧૯૮૭થી જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદ ભયંકર વિનાશ કરી રહ્યો હતો. હિન્દુઓને જમ્મુ અને દિલ્લી ભાગવા મજબૂર કર્યા હતા. હિન્દુઓની સંપત્તિ લૂટી લેવાઈ, હિન્દુ મા-બહેન-દીકરીઓ પર બળાત્કાર થયા હતા. મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ જેવાં ઈશાન ભારતનાં રાજ્યોમાં ખ્રિસ્તી અને ચીનની મદદથી અલગતાવાદ બેકાબૂ હતો. રાજીવજીની હત્યા તો એલટીટીઈએ જ કરી હતી અને એટલે એ પણ માથાનો દુઃખાવો હતું. આર્થિક સ્થિતિ એટલી હદે કથળી ગઈ હતી કે ચંદ્રશેખર વડા પ્રધાન હતા ત્યારથી જ સોનું ગિરવે મૂકવું પડે તેમ હતું. રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું હતું.

તે સમયે ચૂંટણી થઈ. જો રાજીવજીની હત્યા ન થઈ હોત તો રામજન્મભૂમિ આંદોલનના કારણે, કદાચ ભાજપને સ્પષ્ટ બહુમતી મળે અને તેમાં તમિલનાડુ જેવાં દક્ષિણનાં રાજ્યોમાં પણ તે જ વખતે ભાજપને સારી બેઠકો મળે તેવી સ્થિતિ હતી. પરંતુ તેમ ન થયું. ભાજપને ૧૨૦ બેઠકો મળી. કૉંગ્રેસને ૨૪૪. તે વખતે નરસિંહરાવની સરકાર બે વર્ષ સુધી લઘુમતીમાં ચાલી. અટલ-અડવાણી-જોશીના નેતૃત્વમાં ભાજપે કોઈ ગેરલાભ ઉઠાવી પોતાની સરકાર રચવા પ્રયાસ ન કર્યો. ઉલટું, સંયુક્ત રાષ્ટ્રોમાં જ્યારે ઇસ્લામિક દેશોનો કાશ્મીર સંદર્ભે ભારત વિરોધી ઠરાવ પસાર થાય તેમ હતો ત્યારે અટલજીના નેતૃત્વમાં ભારતનું પ્રતિનિધિમંડળ ગયું. અટલજીએ હિન્દીમાં પ્રવચન આપ્યું. એટલું જ નહીં, ઇસ્લામિક દેશોના રાજદૂતો સાથે વાત કરી. હિન્દુજા બંધુઓની મદદથી ઈરાનને સમજાવ્યું. પાકિસ્તાનને એકલું પાડી દીધું.

તે સમયે પાકિસ્તાનના લોકો ચોંકી ગયા કારણકે ત્યાં તો સત્તામાં હોય તે વિપક્ષના નેતાને હેરાન કરવા જ માગતા હોય છે. અને વિપક્ષમાં હોય તે સત્તાધારીને પાડી દેવાની ફિરાકમાં જ હોય. પરંતુ ભારતમાં આ રીતે રાવ અને અટલજી બંને દેશ હિત માટે સાથે આવ્યા તે વાત પાકિસ્તાન નહીં, સમગ્ર વિશ્વ માટે ચોંકાવનારી હતી. અટલજીએ એક ઇન્ટરવ્યૂમાં અને સંસદમાં પણ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં કહેલું: દેશની અંદર ભલે અમે નરસિંહ રાવની કાશ્મીર નીતિ સાથે સંમત ન હોઈએ પરંતુ જ્યારે દેશની વાત આવે ત્યારે વયં પંચાધિકં શતમ્ છીએ. જ્યારે ગંધર્વોએ કૌરવોને પકડી લીધા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, “વયં પંચાધિકં શતમ્” અને કૌરવોને બચાવવા બધા પાંડવો ગયા.
૧૯૯૬માં રાષ્ટ્રપતિ પંડિત શંકરદયાલ શર્માના આમંત્રણથી સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચવા આમંત્રણ મળ્યું ત્યારે સંખ્યાબળ નહોતું. તમામ પક્ષો ભાજપ સાંપ્રદાયિક પક્ષ છે તેમ કહી એક થઈ ગયા. ધાર્યું હોત તો ખરીદ-વેચાણ કરી શકત. પરંતુ તેમ ન કરતાં સંસદની જીવંત કાર્યવાહી શરૂ કરાવી, ઐતિહાસિક પ્રવચન કર્યું અને ત્યાંથી જ રાષ્ટ્રપતિને રાજીનામું આપવા ચાલતી પકડી. સત્તા છોડવા માટે પળભરનો વિચાર પણ નહીં! વર્તમાનમાં ભાજપને જે લાભ મળે છે તે આ શાખ-આ ગુડવિલ-સદ્ભાવનો મળે છે. પરંતુ ભાજપ અત્યારે કેટલીક જગ્યાએ જે રીતે સત્તા મેળવે છે તે જોતાં તેની આ સદભાવવાળી સ્લેટમાં ઉધાર બાજુ ઉમેરાતી જાય છે. અને સામે કૉંગ્રેસ નહીં હોય ત્યારે તેની આ ઉધારબાજુના કારણે તેને તકલીફ પડશે.

૧૯૯૮માં ટેકો આપનાર જયલલિતાએ તમિલનાડુમાં કટ્ટર વિરોધી ડીએમકે સરકારને બરખાસ્ત કરવા માગણી કરી. કૉંગ્રેસ હોત તો માની લેત. તેણે આ જ રીતરસમો અપનાવી હતી. પરંતુ અટલજી ન માન્યા. તેનું ફળ એ આવ્યું કે ૧૩ મહિનામાં જ જયલલિતાએ ટેકો પાછો ખેંચ્યો, સોનિયા ગાંધી સાથે મળીને અવિશ્વાસના પ્રસ્તાવમાં સરકારનો એક મતે પરાજય થયો. સરકાર જાય તે મંજૂર હતું પરંતુ અલોકતાંત્રિક ઢબે રાજ્ય સરકારોને ગબડાવી દેવાનું તેમને સ્વીકાર્ય નહોતું.

૧૯૯૮માં ૨૦ માર્ચે હજુ તો વડા પ્રધાન પદના શપથ લીધા અને ૧૧ મેના રોજ પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યાં. અમેરિકાના દબાણના કારણે અગાઉ નરસિંહરાવ સરકાર વખતે આ પરીક્ષણો મોકૂફ રાખવાની ફરજ પડી હતી. અને જો આ વખતે અમેરિકાને ખબર પડે તો, અમેરિકાનો ઇતિહાસ જાણીતો છે કે તે કોઈ પણ દેશમાં સરકાર ઉથલાવી શકે છે (તે પછી એક વર્ષની અંદર જ અટલ સરકાર એક મતથી ઉથલી ગઈ પણ ખરી). પરંતુ અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએને ગંધ પણ ન આવે તે રીતે પરીક્ષણો કરાયાં. તે માટે બહુ વિશાળ સંખ્યામાં ડુંગળીની જરૂર પડી કારણકે પરમાણુ વિસ્ફોટ પછી નીકળતાં ઘાતક ગામા કિરણો ડુંગળી શોષી લે. તે વર્ષે ઑક્ટોબરમાં જ પોખરણ જ્યાં આવેલું છે તે રાજસ્થાનમાં અને નજીક દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણી હતી. ડુંગળીની આટલી ખરીદીના કારણે તેના ભાવ આકાશે પહોંચ્યા હતા. મોંઘવારી ચૂંટણીમાં બહુ મોટો મુદ્દો બની ગઈ. ભાજપે બંને જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો.અટલજીને અને ભાજપને આ વાતનો અંદાજ ન હોય તેવું નથી, પરંતુ દેશહિત માટે આ બંને જગ્યાએ હાર ખમી લેવાનું તેમને પસંદ હતું.

પરીક્ષણો પછી અમેરિકા અને તેના સાથી દેશો દાઝે ભરાય તે સ્વાભાવિક હતું. આથી બધાએ ભેગા થઈને આર્થિક પ્રતિબંધો લાદ્યા. આ વાતનું પણ અટલજી અને મંત્રીમંડળને અનુમાન હોય જ. તેમ છતાં તેમણે ઝૂક્યા વગર તેમનો સામનો કર્યો અને એ રીતે કર્યો કે ૨૦૦૪માં સત્તા છોડી ત્યારે આઠ ટકાનો જીડીપી હતો! અમેરિકાનું દબાણ હતું કે ભારત કૉમ્પ્રિહેન્સિવ ટૅસ્ટ બાન ટ્રીટી પર હસ્તાક્ષર કરે. વિદેશ પ્રધાન જશવંતસિંહને અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રૉબ તાલબૉટ્ટ સાથે દુનિયાનાં સાત રાષ્ટ્રોમાં દસ સ્થળોએ ૧૪ રાઉન્ડ મંત્રણા કરવા મોકલ્યા. પરિણામ એ આવ્યું કે અમેરિકાને ઝૂકવું પડ્યું. ભારતે આજ સુધી સીટીબીટી પર હસ્તાક્ષર નથી કર્યા!

અને એ અટલજીની સરકારની જ સફળ વિદેશ નીતિ રહી જેના લીધે આટલી કડવાશ પછી વર્ષ ૨૦૦૦માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા. અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને થાબડભાણાં કરતું રહેલું (તે પછી પણ કર્યા, મોદી સરકાર આવ્યા પછી બંધ થયા) પરંતુ ક્લિન્ટનની એ યાત્રા માત્ર ભારત કેન્દ્રિત રહેલી. ભારતમાં પાંચ દિવસ રોકાયેલા ક્લિન્ટન પાકિસ્તાન ગયા તો ખરા પરંતુ માત્ર છ કલાક માટે! બાંગ્લાદેશની રચના થઈ તે પછી અમેરિકાના પ્રમુખની તે વખતે પહેલી મુલાકાત થઈ હતી અને ક્લિન્ટન એક દિવસ માટે બાંગ્લાદેશ ગયેલા! પાકિસ્તાનને મનમાં કેવી બળ્યું હશે? પરંતુ ક્લિન્ટનની એ યાત્રા કોઈ પણ અમેરિકા પ્રમુખની ૨૨ વર્ષ પછીની યાત્રા હતી. છેલ્લે જિમ્મી કાર્ટર ૧૯૭૮માં ભારત આવેલા અને સંયોગ કહો કે સફળ વિદેશ નીતિ, તે વખતે વિદેશ પ્રધાન અટલજી હતા!

કારગિલ યુદ્ધ વખતે ઘરઆંગણે સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ સહિત વિપક્ષો મોરચો ખોલીને બેઠા હતા અને બીજી તરફ, શરીફ ક્લિન્ટન પાસે ઓય બાપા કહીને દોડી ગયા. ક્લિન્ટને અટલજીને વૉશિંગ્ટન આવવા કહ્યું. ભારત-પાકિસ્તાનના યુદ્ધના ઇતિહાસમાં મેદાનમાં ભારતનો વિજય થયો હતો પરંતુ મંત્રણામાં શાસ્ત્રીજી કે ઈન્દિરાજી થાપ ખાઈ ગયેલા. અટલજીએ બોધપાઠ લઈ ક્લિન્ટનને ના પાડવાની હિંમત દાખવી. તેમણે કહેલું કે પહેલાં પાકિસ્તાન સેના પાછી ખેંચે પછી જ બીજી બધી વાત. આ ઘટસ્ફોટ તે વખતે બિલ ક્લિન્ટનના સાથી બ્રુસ રાએડેલે વર્ષ ૨૦૦૨માં કરેલો.

સંસદ પર ત્રાસવાદી હુમલા પછી અટલજી પર પાકિસ્તાન સામે યુદ્ધ કરવા દબાણ હતું. ભાજપનાં સાથી સંગઠનો તરફથી જ વધુ દબાણ હતું. અટલજીએ ‘આર પાર કી લડાઈ હોગી’ તેવું ભાષણમાં બોલી પણ નાખેલું. પરંતુ પાકિસ્તાન સામે યુદ્ધ ન થયું. પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત જશરાજને આ ત્રાસવાદી હુમલા પછી અટલજીને મળવાનું થયું હતું અને તેમણે પૂછેલું કે ભારત પાકિસ્તાન પર હુમલો શા માટે નથી કરતું? અટલજીએ જવાબ આપેલો, “હું ધારું તો પાકિસ્તાનને વિશ્વના નકશા પરથી માત્ર ત્રીસ મિનિટમાં નષ્ટ કરી શકું તેમ છું, પરંતુ તેમ કરતા જતાં મારો ભારત દેશ ત્રીસ વર્ષ પાછળ ધકેલાઈ જશે.” અટલજીને તેમના જ સાથીઓએ અને ભારતીય જનતાએ નબળા આંક્યા અને તે તેમને સ્વીકાર્ય હતું પરંતુ ભારત દેશ ત્રીસ વર્ષ પાછળ ધકેલાય તે મંજૂર નહોતું.

જોકે આનો અર્થ એ નથી કે ભારતે પાકિસ્તાન સામે કંઈ ન કર્યું. તે સમયે અટલજીની સરકારે પાકિસ્તાન સરહદે સેના ખડકી દીધેલી. સમગ્ર વિશ્વમાં તણાવ વધી ગયો કે યુદ્ધ થશે તો શું થશે? કારણકે બંને પરમાણુ સત્તા બની ગયા હતા. આજે પણ અફઝલ ગુરુના સમર્થકો દિલ્લીમાં જેએનયુમાં હોય, બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં હોય તો તે વખતે પાંચમા કતારિયા જેવા જયચંદો અને મીરજાફરો હતા. સેના જાય તે રસ્તા પર સુરંગ વિસ્ફોટો થતા. પંજાબ, રાજસ્થાનમાં સેનાનાં શસ્ત્રાગારોમાં આગ લગાડી દેવામાં આવતી જેના કારણે શસ્ત્રોને નુકસાન થતું. આવા સમયે યુદ્ધ થયું હોત તો ભારતની જિત નિશ્ચિત હોવા છતાં ભારતની સેનાની ખુવારી ભરપૂર થઈ હોત અને ભારતના લોકોને પણ નુકસાન થયું હોત. તેમ છતાં સૈનિકોની સરહદ પર તૈનાતીના કારણે ભારતને મોટો આર્થિક ફટકો પડ્યો. પરંતુ ભારતની સરખામણીએ સમૃદ્ધ શાસકોના કંગાળ પાકિસ્તાનને તો ખૂબ જ તોતિંગ ફટકો પડ્યો. અટલ સરકારે પાકિસ્તાનનાં વિમાનોને ભારતીય સરહદ પરથી ઉડવા પર, વેપારધંધા પર અને ક્રિકેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો તેના કારણે પણ પાકિસ્તાનની કમર તૂટી ગઈ હતી.

૨૦૦૨માં કાઠમંડુમાં દક્ષેશ (સાર્ક) દેશોની મંત્રણામાં અટલજીએ મક્કમતા દાખવી. મુશર્રફ સાથે હાથ ન મિલાવ્યો. મુશર્રફને સામે ચાલીને મળવા આવવું પડ્યું. કૂટનીતિમાં પણ અટલજી મેદાન મારી ગયા. અને છતાં મુશર્રફ અટલજીના તે પછી વખાણ કરે! ૨૦૦૧ની મુશર્રફ સાથેની આગરા શિખર મંત્રણામાં ભલે એવું બહાર આવ્યું કે ઉપ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન અડવાણીજીએ ત્રાસવાદનો મુદ્દો સામેલ કરવા આગ્રહ રાખ્યો તેના કારણે સંયુક્ત ઘોષણા પત્ર જાહેર ન થઈ શક્યું પરંતુ તે અટલજીની મંજૂરી વગર શક્ય ન હોત. આમેય તાશ્કદં હોય કે સીમલા, એવી સફળ મંત્રણાનો શું અર્થ જેના ઘોષણા પત્રમાં ભારતની દેખીતી ઝૂકવાની ભૂમિકા હોય અને જે તે પછીનાં કેટલાંક વર્ષોમાં પાકિસ્તાન દ્વારા જ તોડી પાડવાનું હોય?

૧૯૯૦ના દાયકામાં એક કેનેડિયન ચેનલને ઇન્ટરવ્યૂમાં તેમને પ્રશ્ન પૂછાયો કે તમે ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં છો. તમને મરવાનો ડર નથી? તેમણે કહ્યું હતું, “મરવાનો ડર કેવો? હું તો છેલ્લી ઘડીએ પરમાત્માને પ્રાર્થના કરીશ કે મને ફરીથી ભારતમાં જ જન્મ મળે જેથી આતંકવાદ પર વિજય પ્રાપ્ત કરી ભારતને હું અખંડ અને અજેય બનાવી શકું.”

આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેઓ અટલજીને ફરીથી ભારતમાં જ જન્મ આપે અને ભારત ફરીથી અખંડ અને અજેય બને.

politics, Uncategorized

લોકોના દિવસના ત્રણ આના, નહેરુના રૂ. ૨૫,૦૦૦

આજે અવિશ્વાસનો પ્રસ્તાવ છે. તેમાં રાહુલ ગાંધીએ જૂઠાણાંનો વરસાદ કરી દીધો. રાહુલને ખબર છે કે સંસદમાં કહેલી વાત સામે બદનક્ષીનો કેસ થઈ શકતો નથી. અવિશ્વાસનો પ્રસ્તાવ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસના ખર્ચની બહાર આવેલી વાતોના કારણે ઇતિહાસ યાદ આવી જાય છે.

૧૯૬૩માં પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની કોંગ્રેસ સરકાર સામે પણ અવિશ્વાસનો પ્રસ્તાવ આચાર્ય કૃપલાણી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા. તે સમયે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં હારવા લાગી હતી. સેના ન રાખવાની નહેરુની નીતિ અને વિશ્વ નેતા બનવાની મહેચ્છામાં ચીન પ્રત્યે આંધળો પ્રેમના કારણે ભારત ચીન સામે યુદ્ધ હારી ચૂક્યું હતું. આના કારણે નહેરુને પોતાની ખુરશી ડગમગાતી દેખાઈ હતી. નહેરુએ પોતાના પછી કોણ એવી ચર્ચા શરૂ કરાવી લોકોને ભાવુક બનાવી પોતાના તરફ વાળવાનો પ્રયાસ કર્યો હતો તેમ તે વખતના મેગેઝિનના અહેવાલો કહે છે. તે સમયે સંસદમાં તેજતર્રાર નેતા રામમનોહર લોહિયા (મુલાયમસિંહ યાદવ, લાલુપ્રસાદ યાદવના ગુરુ)એ એક પુસ્તિકા છપાવી હતી જેનું નામ હતું – *૨૫,૦૦૦ રૂ. પ્રતિ દિન.* લોહિયાનો આક્ષેપ હતો કે જે સમયે લોકોનો એક દિવસનો ખર્ચ ત્રણ આના (ચાર આના બરાબર એક રૂપિયો થતો) હતો તેવા સમયે નહેરુનો એકલાનો એક દિવસનો ખર્ચ હતો – રૂ. ૨૫,૦૦૦ પ્રતિ દિવસ! (આજના સમય મુજબ ખર્વો રૂપિયા થાય).

હવે વાત કરીએ મોદીના વિદેશ પ્રવાસની. આજે જ્યારે કોઈ એક વ્યક્તિને યુરોપ કે થાઇલેન્ડ જવું હોય તો પણ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય ત્યારે દેશહિતમાં વડા પ્રધાન મોદી તેમની સાથે અધિકારીઓ અને મંત્રીઓને લઈને વિદેશ જાય ત્યારે સ્વાભાવિક એ એક પ્રવાસનો ખર્ચ કરોડોમાં હોય જ. પરંતુ તફાવત એ છે કે મોદીના બધા જ વિદેશ પ્રવાસો પારદર્શક છે. ટ્વિટથી માંડીને યૂટ્યૂબ પર તેમણે પોતાના વિદેશ પ્રવાસ અંગે માહિતી આપી છે. એક સાથે ત્રણ દિવસનો પ્રવાસ રાખી, પ્લેનમાં જ સૂવાનું પસંદ કરી હોટલનો ખર્ચ બચાવવાનો પ્રયાસ કરતા મોદીની વિદેશ નીતિ અને વિદેશમાં બિનનિવાસી ભારતીયો સાથેના કાર્યક્રમોએ વિદેશમાં ભારતની છાપ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે જે ઘણા અંશે સફળ પણ રહ્યો છે.