Posted in bjp, international, national, politics, rss, sangh parivar, vhp

માત્ર ડાબેરી જ નહીં, હવે કોઈ વિચારધારા બચી નથી

તાજેતરમાં પ. બંગાળ અને કેરળમાં ડાબેરીઓના પરાજય સાથે સામ્યવાદના અંતની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે એક વાત તરફ બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે અને તે એ કે માત્ર સામ્યવાદની જ નહીં, બધી જ વિચારધારાઓ ખતમ થઈ રહી છે અને માત્ર મૂડીવાદ અથવા તો કહો કે પોતાના સ્વાર્થને યેનકેન પ્રકારેણ પૂરો કરવાની વૃત્તિ – વિચારધારાએ આજના માનવી પર કબજો જમાવ્યો છે.

એક સમયે ભલે અલગ – અલગ પ્રકારની વિચારધારા હતી, તેમની વચ્ચે સંઘર્ષ હતો, પરંતુ એમાંય અમુક બાબતો સામાન્ય હતી અને તે હતાં મૂલ્યો. નૈતિકતા. ડાબેરીઓ હોય તો થેલો અને સાવ સાદા કપડાંમાં ગરીબોના બેલી થવાની અને તેમના માટે લડવાની, વિદ્યાર્થીઓને થતા અન્યાય સામે લડત આપવાની દૃઢેચ્છા હતી. કોંગ્રેસીઓ પાસે સર્વોદયવાદી વિચારસરણી – ગાંધીજીની વિચારધારા હતી. સામ્યવાદી વિચારસરણીનાં મૂળિયાં વિદેશમાં હતાં, પણ ગાંધીજીની વિચારધારાનાં મૂળ આ દેશની માટીના હતા, પરિણામે એમાં સ્વદેશીપણું ભારોભાર છલકતું હતું. પહેરવેશ, બોલી, લેખન અને આંદોલનની રીતે.

એક વિચાર રામમનોહર લોહિયાનો હતો – સમાજવાદનો. અને એક વિચારધારા રાષ્ટ્રીય સ્વયંસેવક કહેતા આર.એસ.એસ.ની હતી. હિન્દુઓ સંગઠિત થશે તો આ દેશનું હિત સધાશે તેમ સંઘના સ્વયંસેવકો માનતા હતા. તેમના માટે બધાથી સર્વોપરી આ દેશ હતો. તેમણે પણ ગાંધીજીની જેમ સ્વદેશી અપનાવેલું. સ્વદેશી જાગરણ મંચ તેમાંથી જ જન્મેલો. આર.એસ.એસ. સાથે સંકળાયેલા લોકો પણ સાદગીમાં માનનારા હતા. દેશ સામે વિપદા આવી હોય ત્યારે પક્ષકારણ ભૂલીને કોંગ્રેસને મદદ કરનારા હતા. આર.એસ.એસ. અને તેને સંલગ્ન સંસ્થાઓ પણ ભારતીય ભાષાઓ, ભારતીય પહેરવેશ, ભારતીય સંગીતને ઉત્તેજન આપનારી અને તેમાં દૃઢતાથી માનનારા હતા.

પણ આ બધી વિચારધારાઓમાં માનનારા લોકો જ્યારથી સત્તા પર આવવા લાગ્યા ત્યારથી વિચારધારાનું નિકંદન નીકળવા લાગ્યું. એવું નથી કે આ બધી વિચારધારામાં માનનારા કોઈ છે જ નહીં, પણ જે છે તેમને હાંસિયામાં ધકેલવાની પ્રવૃત્તિ, જે- જે લોકો સત્તામાં આવ્યા તેમણે શરૂ કરી. ડાબેરીઓ સત્તામાં આવ્યા તો તેમણે સોમનાથ જેવા ચુસ્ત ડાબેરીઓને – જ્યોતિ બસુને હાંસિયામાં ધકેલ્યા. કોંગ્રેસ સત્તામાં આવ્યો તો ધીમેધીમે સર્વોદયવાદી – ગાંધીવાદી વિચારસરણી અને તેમાં માનનારા લોકો કોરાણે ધકેલાવા લાગ્યા. આર.એસ.એસ.નો સમર્થક ભાજપ સત્તામાં આવ્યો તો તેમાંય પક્ષના ચુસ્ત વિચારધારાવાળા મુરલી  મનોહર જોશી, ગોવિંદાચાર્ય જેવા લોકો હાંસિયામાં ધકેલાવા લાગ્યા. માત્ર આ રાજકીય પક્ષોની વાત જ નથી, આ પક્ષોની ભગિની સંસ્થાઓના પણ આવા જ હાલ છે. સેવાદળ ક્યાં જોવા મળે છે તે કહેશો? એન.એસ.યુ.આઈ. શું કરે છે? ડાબેરીઓની સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા શિક્ષણને સોંઘુ કરવા અને બદીઓથી બચાવવા શું કરી રહ્યું છે? શ્રમજીવીઓના અને મજૂરોના અનેક પ્રશ્નો છે. આજે કોઈને કાયમી રીતે નોકરીએ લેવાતા જ નથી. કોન્ટ્રાક્ટ પર જ લેવાય છે. કામના કોઈ નિર્ધારિત કલાકો જ નથી. બળદની જેમ કામ લેવાય છે – ઢસરડા કરાવાય છે. ગમે ત્યારે નોકરીમાંથી પાણીચું આપી દેવામાં આવે છે. તેના માટે ડાબેરીઓના મજૂર સંઘો શું કરે છે? આર.એસ.એસ.ની શાખાઓમાં સંખ્યા ઘટી રહી છે. તેનાં અન્ય સંગઠનો – વિહિપ, અભાવિપ, સ્વદેશી જાગરણ મંચ, વિદ્યા ભારતી, સંસ્કાર ભારતીના પણ મોટા ભાગે આવા જ હાલ છે. વિદ્યાર્થીઓ માટે અભાવિપએ છેલ્લે કયું સફળ આંદોલન કર્યું યાદ આવે છે? સ્વદેશી ચીજોની વાતો તો ભૂલાઈ જ ગઈ છે. સંઘ સાથે જોડાયેલા ભારતીય મઝદૂર સંઘ અને ભારતીય કિસાન સંઘ કેમ ક્યાંય ચિત્રમાં દેખાતો નથી?

કારણ કે હવે લગભગ બધા જ એકસરખી વિચારસરણીના થઈ ગયા છે – ચાહે તે કોંગ્રેસી હોય, ભાજપી હોય કે ડાબેરી કે પછી સમાજવાદી. આ બધાનો વાદ હવે મૂડીવાદ જ છે. મૂડી ભેગી કરવાનો. એટલે તો જે નેતા સ્કૂટર પર ફરતો હોય તે ચૂંટાયાના પાંચ જ વર્ષમાં મોંઘી દાટ કાર લઈને ફરતો થઈ જાય છે. એટલે તો આટઆટલી મોંઘવારી વધવા છતાં, આટઆટલા કૌભાંડો છતાં વિપક્ષો કંઈ અસરકારક આંદોલન નથી, જે કરે છે તે દંભી દેખાવ જ કરે છે. શાસક પક્ષ અને વિપક્ષની મોટા ભાગે હવે મિલીભગત જ હોય છે. આ બધા પક્ષો કેડરબેઝ્ડ (કાર્યકરો આધારિત) હતા, તેના બદલે નેતાઓ જ જોવા મળે છે. કોંગ્રેસીને પૂછશો તો તેને ગાંધીજીના જીવન વિશે ખાસ ખબર નહીં હોય. તેમની વિચારસરણી વિશેની તો વાત જ નથી. ભાજપીને પૂછશો તો શ્યામાપ્રસાદ મુખર્જી, દિનદયાળ ઉપાધ્યાય, દત્તોપંત ઠેંગડી, નાનાજી દેશમુખ, અટલ બિહારી વાજપેયી વગેરે વિશે ખાસ ખબર નહીં હોય, ડો. કેશવ બલિરામ હેડગેવાર અને મા.સ. ગોળવળકર વિશેની તો વાત જ જવા દો. ડાબેરીઓમાં પણ માર્ક્સના સિદ્ધાંતો વિશે ફૂલ્લી પાસ થવાય તેટલા માર્ક્સ મળે તેટલું પણ કદાચ જ્ઞાન નહીં હોય.

આ બધા ચિત્રમાં અત્યારે અણ્ણા હઝારે અને બાબા રામદેવમાં આશાનું કિરણ દેખાય છે, પણ અણ્ણાની આસપાસ સ્વામી અગ્નિવેશ જેવાં તત્ત્વો છે જે એમ કહે છે કે અમરનાથ યાત્રા તો પાખંડ છે (તો પછી મક્કાની યાત્રાને શું કહેશો?) સ્વામી અગ્નિવેશનો નક્સલવાદીઓ પ્રત્યે કૂણું વલણ જગજાહેર છે. અગ્નિવેશ કપડાં તો ભગવાં ધારણ કરે છે, પણ વિચારોની રીતે તે દંભી બિનસાંપ્રદાયિક જ લાગે છે. બાબા રામદેવ આ દેશની સંસ્કૃતિ પ્રમાણે શાસન લાવવાની, કાળું નાણું પાછળ લાવવાની વાતો કરે છે, પરંતુ અગાઉના પક્ષોના અનુભવો જોતાં, તેમની વાતો કેટલી માનવી? વળી તેઓ પણ ભગવા વસ્ત્રો પહેરીને મુસ્લિમોને ખુશ કરવા તેમની ટોપી પહેરેલા દેખાયા હતા (આવું કદાચ મુસ્લિમો પણ નહીં ઈચ્છતા હોય).

કોઈ સાચા અર્થમાં આ દેશની પ્રજાનો હિતચિંતક નથી, જે મધ્યમ વર્ગની ચિંતા કરે. જે ગરીબોની ચિંતા કરે. જે તટસ્થ રીતે વિચારી શકે. જે સાચા અર્થમાં પંથનિરપેક્ષ હોય. કોઈ પણ પંથની તરફેણ ન કરતો હોય. તુષ્ટિકરણ તો બિલકુલ નહીં. જે ઉદ્યોગગૃહોને વેચાઈ ન ગયા હોય. જે આ દેશના હિતને સર્વોપરી ગણતો હોય. આવા લોકોના નેતૃત્વના અભાવે દેશમાં ચોતરફ અરાજકતા જેવું છે. રસ્તા તો બને છે, પરંતુ વારંવાર ખાડા પડી જાય છે. પરિણામે કોન્ટ્રાક્ટરોના અને નેતાઓના ઘર ભરાય છે. બધું જ ખાનગી ખાનગી (બધી રીતે  – ખાનગીકરણની રીતે ય તે અને દેશની પ્રજાને કે ચૂંટાયેલા વિપક્ષને વિશ્વાસમાં લીધા વગર ઘરમેળે) થઈ રહ્યું છે. સંસદમાં થોડા દિવસ સત્ર મળે છે અને તેમાંય હાજરી પૂરવાના હેતુથી જ સાંસદો આવે છે. કોઈ મુદ્દે તોફાન મચાવે એટલે બેઠક મોકૂફ રાખવામાં આવે. એટલે પત્યું. કોઈ શાળાના વર્ગમાં તોફાની તોફાન કરે એટલે શિક્ષક વર્ગ છોડી જતા રહે અને વિદ્યાર્થીઓ ઘરે જતાં રહે તેના જેવું. વિધાનસભાઓમાં પણ આવું જ હોય છે. દેશ આખો ભ્રષ્ટાચારથી લિપ્ત હોય તેવું ચિત્ર આભાસે છે, જે મહદંશે સાચું પણ છે. હવે તો ન્યાયાલયો પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી.

મૂળ તો પ્રજા પણ શાસકો અને વિપક્ષો જેવી જ છે. પ્રજાનો મોટો વર્ગ પણ ભ્રષ્ટાચાર કરે જ છે. તેમને પણ આ ફાવી ગયું છે. પ્રજા વહેંચાયેલી છે, સ્ત્રી – પુરુષોમાં. હિન્દુ – મુસ્લિમોમાં. મરાઠી – બિહારીઓમાં. તમિલ – કન્નડમાં. દલિત – સવર્ણોમાં. ખેડૂતોમાં. ગુરુઓમાં. પરિણામે સ્ત્રી પર અત્યાચાર થાય તો સ્ત્રીઓને લગતો વર્ગ જ અવાજ ઉઠાવે છે. ખેડૂતોના પ્રશ્નો હોય તો ખેડૂતોના સંગઠનો જ લડત આપે છે. રામજન્મભૂમિ હોય તો હિન્દુ સંસ્થાઓ ખોંખારા ખાતી આગળ આવી જશે. મરાઠીઓને બિહારી નથી જોઈતા. તમિલોને કન્નડ. દલિતોને હજુ અનામતથી સંતોષ નથી અને સવર્ણો હજુ ય સામંતશાહી અને જામીનદારી મિજાજમાં જ જીવે છે. નિરાશારામને કંઈ થાય તો તેના સાધકો મેદાને આવી જશે. પણ એક સર્વસામાન્ય અવાજ ક્યાં છે? કેમ ખેડૂતોના પ્રશ્નો હોય તો દલિતો તેને ટેકો ન આપે? કેમ સ્ત્રીઓના સાચા પ્રશ્નો હોય કે ભ્રષ્ટાચાર કે કોઈ કૌભાંડની વાત હોય તો હિન્દુ કે મુસ્લિમ સંસ્થાઓના આદેશ કે ફતવા નથી છૂટતા?

બીજી તરફ, પ્રજાને વિકલ્પ પણ મળતો નથી. (બાકી વિકલ્પ મળે તો શાસકોને ય જવું જ પડે છે તે આપણે પ. બંગાળ અને તમિલનાડુની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જોયું જ છે. ) પ્રશ્ન એક જ છે – જાયે તો જાયે કહાં? અને આ ચિત્ર પાછું રાષ્ટ્રીય સ્તરે જ નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે જ છે. પહેલાં યુ.એસ.એસ.આર. હતું ત્યારે યુ.એસ.એ.ની દાદાગીરી આટલી ચાલતી નહોતી. હવે તો વિશ્વસ્તરે પણ એક જ વાદ ચાલે છે – મૂડીવાદ.

Advertisements
Posted in bjp, politics, rss, sangh parivar, vhp

લાલકૃષ્ણ આડવાણી, જશવંતસિંહ, સંઘ અને કંધાર પ્રકરણ : ભૂલ કોની હતી?

સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!
સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે જશવંત : જશના માથે જૂતાં!

સૌથી પહેલા તો જશવંતસિંહની વાત. જશવંતસિંહે ઝીણા પર પુસ્તક લખ્યું ને કથિત રીતે ઝીણા કરતાં નહેરુ-સરદારને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા એમાં તેમની હકાલપટ્ટી થઈ. તેમને કોઈ પણ ઔપચારિકતા વિના રુક્ષતાથી કાઢી મૂકવામાં આવ્યા.

યે તો સરાસર નાઇન્સાફી હૈ! અરે ભાઈ, જે સ્થાપનાકાળથી સંકળાયેલા હોય તેમની સાથે આવો વ્યવહાર. સંઘ પણ લોકોને જોડવાની વાત કરે છે-લોકોને સાથે લઈને ચાલવાની વાત કરે છે. એકાએક જશવંતસિંહ એટલા બધા ખરાબ થઈ ગયા? માન્યું કે તેમની ઘણી ભૂલો હતી. તેઓ ગત ચૂંટણીમાં નોટ વહેંચતા પકડાયા હતા. ચૂંટણી પછી જાહેરમાં તેમણે પક્ષ સામે અવાજ ઉઠાવ્યો હતો. (પણ પક્ષમાં તેમનો અવાજ નહીં સંભળાયો હોય ત્યારે ને?)

બીજું તો ઠીક, પણ તેમણે વિદેશ મંત્રી તરીકે જે ભૂમિકા ભજવી હતી તેની નોંધ ઇતિહાસમાં લેવી પડી હોત, પણ આ બધાય દેકારા (ભાજપના ઉધામા)ના કારણે જ આ ન બન્યું. પોખરણ -૨ પછી અમેરિકાએ ભારત પર પ્રતિબંધો મૂક્યા હતા તે પછી અમેરિકાના વિદેશ પ્રધાન સ્ટ્રોબ તાલબોટ્ટ સાથે તેમણે મંત્રણાઓનો દોર ચલાવ્યો હતો અને અમેરિકાને ભારતની તાકાત માનવી પડી હતી. એ સિવાય ફ્રાન્સ, જર્મની સહિતના યુરોપીય દેશો અને તુર્ક જેવા આરબ દેશો સાથે પણ સંબંધો સુધારવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તે પછી યશવંતસિંહાને વિદેશ મંત્રી બનાવાયેલા પણ તેઓ કોઈ ઉલ્લેખનીય કામગીરી (જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી) કરી શક્યા નહોતા.

માટે જશવંતસિંહ સાથે જે વર્તન થયું તે યોગ્ય નથી. ભાજપની સરકાર ફરી (જો) બનત તો તેમની વિદેશ પ્રધાન તરીકે સેવાનો સારો ઉપયોગ કરી શકાયો હોત.

****************

હવે બીજી વાત.

અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!
અડવાણી : કિસ કે સુનાઉં હાલ દિલ-એ-બેકરાર કા!

અત્યારે લાલકૃષ્ણ આડવાણીને પણ હટાવવાની વાત ચાલી રહી છે, જાણે કે તેમણે પક્ષમાં કંઈ કર્યું જ નથી, તેઓ સત્તાલાલસુ છે, પદને વળગી રહ્યા છે વગેરે વાતો ચાલી રહી છે. ઝીણા વિવાદ પછી માધ્યમો સહિત પક્ષની અંદર પણ કોઈ મહત્ત્વ નથી મળી રહ્યું. પક્ષમાં આજકાલ છવાયેલા નેતાઓ પોતાને તેમના કરતાં મોટા સમજવા લાગ્યા છે. આ ભારતીય સંસ્કૃતિ નથી. આડવાણીએ પક્ષના માટે આપેલો ભોગ-બલિદાન વિસરવું યોગ્ય નથી અને કંધાર (તે મુદ્દે આ જ લેખમાં આગળ છણાવટ વાંચો) મુદ્દે જે કંઈ હોય તે, પણ તેમની ટીકા કરવી યોગ્ય નથી.

આડવાણી, અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોષી, ગોવિંદાચાર્ય, કુશાભાઉ ઠાકરે, સુંદરસિંહ ભંડારી, પ્રમોદ મહાજન (અલબત્ત, સરકારમાં આવ્યા પછીની તેમની ભૂમિકાની વાત નથી), ઉમા ભારતી જેવા અનેક કાર્યકર્તા – જે બાદમાં નેતા બની ગયાની મદદથી ભાજપ અત્યારે જે છે તે છે. પણ તેમાં આડવાણી, વાજપેયી અને જોષીની ભૂમિકા દેખાય તેવી હતી. આડવાણીની રથયાત્રાના કારણે ભાજપ સત્તામાં આવે તેવી ભૂમિકા રચાઈ ગઈ હતી. (રાજીવ ગાંધીની હત્યા ન થઈ હોત તો શું ખબર પક્ષ સત્તામાં હોત પણ ખરો?)

હવાલાકાંડ થયો ત્યારે પદની સહેજ પણ લાલચ રાખ્યા વગર-જરા પણ વિલંબ વગર આડવાણીએ રાજીનામું આપી દીધું હતું અને તે પછી વાજપેયીને જ સતત આગળ કર્યા હતા. વાજપેયી સક્રિય હતા ત્યાં સુધી આડવાણી પાછળ જ રહ્યા. અને વાજપેયી નિષ્ક્રિય થયા પછી આડવાણી જ સ્વાભાવિક રીતે તેમના ઉત્તરાધિકારી બનવાને લાયક હતા અને અત્યારે પણ છે જ.

****************

સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી
સંઘના વરિષ્ઠ અધિકારીઓ - સુદર્શનજી અને ભાગવતજી

અત્યારે ખોટી રીતે એક નવો કન્સેપ્ટ ઉભરી રહ્યો છે. ઉંમરમાં વૃદ્ધો ન ચાલે. કમનસીબે રા.સ્વ.સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ ભાજપમાં યુવાન નેતાની વાત કહી. કોંગ્રેસમાં પણ યુવાન નેતાની વાત ચાલી રહી છે. મિડિયામાં તો યુવાનોની વાત ઘણા સમયથી ચાલે જ છે, અને મિડિયાની વાત રાજકીય પક્ષો પૂરતી મર્યાદિત નથી. હિન્દી ફિલ્મોમાં ૪૦થી મોટી ઉંમરના અભિનેતા તેમનાથી નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે ભૂમિકા ભજવે કે કોલેજિયન બને ત્યારે તે ટીકા કરવા લાગે છે.

યુવાનોમાં જોશ હોય છે, પણ કામ માટે જે હોશ જોઈએ તે અનુભવી વ્યક્તિ જ આપી શકે અને અનુભવ તો ઠરેલ-વધુ ઉંમરવાળા પાસે હોય ને. (અપવાદ બંને તરફે હોઈ શકે છે. યુવાન પણ ઠરેલ હોઈ શકે અને વૃદ્ધો પણ સાઠે બુદ્ધિ નાઠી જેવું વર્તન કરી શકે). આડવાણી ઉંમરની રીતે વૃદ્ધ હોઈ શકે પણ કામની રીતે – શારીરિક રીતે વૃદ્ધ થયા લાગતા નથી. જો આ બખેડો ન થયો હોત તો તેઓ ભાજપમાં નવું જોમ પૂરવા રથયાત્રા કાઢવાના હતા. આખા ભારતમાં ભાજપના કાર્યકર્તાઓને મળવાના હતા. ગૃહ મંત્રી તરીકે પણ તેમની કામગીરી ઘણી સારી રહી. કાશ્મીરમાં તેમના સમયમાં ઘણા ત્રાસવાદીઓનો સફાયો થયો હતો. રોજે રોજ એકબે-એકબે કરતાં ઘણા ત્રાસવાદી સાફ થતા હતા. તેમણે મોદીને બચાવવામાં ભૂમિકા ભજવી હોય તો તે પણ યોગ્ય જ હતી. વાજપેયી દિલથી વિચારનારા માણસ. પણ આવા કિસ્સામાં સંતુલિત બુદ્ધિથી વિચારવું જરૂરી હતું.

ખેર. હવે તો વાત વટે ચડી ગઈ છે. જશવંત ગયા છે અને આડવાણી પણ જશે. તે બંને અત્યારે જે રીતે ચિતરાઈ રહ્યા છે તેવું નથી. તેઓ ખરાબ નથી, તેમનો સમય ખરાબ છે.

****************

ભાજપ અને તેમના સાથી સંગઠનો- સંઘ, વિહિપ વગેરે ઘણી વાર તેમની અને ઘણી વાર મિડિયાની માયાજાળમાં ફસાઈ જતા હોય છે. તેનો મોટો દાખલો એટલે ઝીણા મુદ્દે આડવાણીનો વિવાદ. ત્યારે સંઘ અને વિહિપ જો કટાસરાજ મંદિરના પુનઃ ઉદ્ઘાટનના મુદ્દે બોલ્યા હોત-પ્રચાર કર્યો હોત તો સારું રહેત. પણ વિહિપના બડબોલિયા નેતાઓ ચૂપ ન રહી શક્યા. મિડિયાએ તો ખોટું (અથવા જાતે કરીને) અર્થઘટન કર્યું જ હતું. તેમની માયાજાળમાં આખો પરિવાર આવી ગયો. (ડૉ. હેડગેવારે અમસ્તું જ કંઈ સંઘને પ્રસિદ્ધિ પરાંગમુખ નહોતો રાખ્યો. અત્યારે ફરી સંઘે તેના છ અધિકારીઓને મિડિયા માટે નિયુક્ત કર્યા છે. ફરી એ જ થવાનું. જશવંતસિંહના ઝીણા વિવાદ પછી જે રીતે કુ.સી.સુદર્શનજી બોલ્યા તેનો વિવાદ થયો જ, ભલે સુદર્શનજી જરા પણ ખોટું નથી બોલ્યા. અને તેનો સવાલ ભાગવતજીને પણ શુક્રવાર તા. ૨૮ની પત્રકાર પરિષદમાં પૂછાયો જ હતો. એટલે મિડિયા ગમે તેમ સંઘને ભેરવવાનું છે, ખાસ કરીને જ્યારે તેમાં મોટા ભાગના સામ્યવાદી, સ્યુડો સેક્યુલર અને માત્ર સનસનાટી ઈચ્છતા પત્રકારો છે.

કંધાર વખતે એક તો, વિમાન ભારતની સરહદ બહાર ચાલ્યું ગયું હતું. (ભારતની અંદર જ ન રોકી શકાયું તે જરૂર ભૂલ ગણાય. બીજું, કારગિલ વખતે પણ સરહદ પાર નહીં કરવા (ખોટી) સૂચના સૈન્યને અપાઈ હતી તો આ વખતે સરહદપાર જઈને કમાન્ડો ઍક્શન લેવાય તેવી આશા કેમ રાખી શકાય? વળી, તે વખતે સમાચાર ચૅનલોએ હોબાળો મચાવી દીધેલો, ઉતારુઓના સગાઓના વિઝ્યુઅલ બતાવી બતાવીને. સરકારે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. સરવાળે, કોઈનો મત એવો નહોતો કે ગમે તેમ કરીને ત્રાસવાદીઓને તો ન જ છોડવા. મુફ્તિ મોહમ્મદ સઈદની દીકરીની જેમ એક જ વ્યક્તિનો અહીં કિસ્સો નહોતો. છોડવાનો નિર્ણય મજબૂરી હતી અને તેમાં વળી જશવંતને જવું પડ્યું. ગત ચૂંટણીમાં જ્યારે કૉંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ વાતનો ભાજપ જડબાતોડ જવાબ આપી શક્યું હોત, પણ એમ ન થઈ શક્યું.

****************

એમ તો રાવણ પણ મહાન શિવભક્ત હતો, પણ તેથી કંઈ તેને દેવ કે ભગવાન ન ગણી શકાય. રાવણનો પૂર્વાર્ધ ન જોવાય. કંસે પણ જો આકાશવાણી ન થઈ હોત તો બહેન-બનેવીને ન પૂર્યા હોત. તેનો પણ પૂર્વાર્ધ ન જોવાય. તેમ ઝીણા પણ એક સમયે રાષ્ટ્રભક્ત હતા. સેક્યુલર પણ હતા. પણ એ તેમનો પૂર્વાર્ધ છે. (તેઓ રાષ્ટ્રભક્તમાંથી કેમ હાડોહાડ કોમવાદી બન્યા તે માટે પાછું ગાંધીજીની ખિલાફત ચળવળ જેવા મુસ્લિમ તુષ્ટીકરણના મુદ્દા જવાબદાર છે. ) પણ તેમણે જે ‘ડાયરેક્ટ ઍક્શન’નો આદેશ આપેલો તે ભૂલી શકાય તેવો નથી, જે લોહી વહેવડાવ્યું હતું તે ભૂલી શકાય તેવું નથી. ગાંધીજી તો તેમને વડા પ્રધાન બનાવવા તૈયાર થઈ ગયા હતા. અને કદાચ એટલે જ સત્તા મેળવવા આતુર નહેરુ અથવા તો બીજો કોઈ વિકલ્પ ન લાગતા, કે પછી, ચાલો, આ રીતે હિન્દુઓ આ તરફ ને મુસ્લિમ પેલી તરફ, એમ ભાગલા થઈ જતા હોય તો ભલે થઈ જાય, પણ પછી તો શાંતિથી રહી શકાશે, એમ વિચારીને નહેરુ-સરદારે ભાગલા સ્વીકારી લીધા હોય તો તે સમયે જે થયું તે, તે સમયના સંજોગો પ્રમાણે યોગ્ય જ ગણાય.

બોધપાઠ તો ઇતિહાસમાંથી એ લેવો જોઈએ કે તે સમયે જે ભૂલો થઈ તે ફરી ન થાય. પણ અત્યારે એવો બોધપાઠ આ વિવાદોના પક્ષકારોમાંથી કોઈ લઈ રહ્યું છે? એવું લાગતું નથી. ઍડવાન્ટેજ? કૉંગ્રેસ¡! ડિસઍડવાન્ટેજ? લોકશાહી, કેમ કે લોકશાહીમાં શાસક અને વિપક્ષ બંને મજબૂત હોય તે ખૂબ જ જરૂરી છે.