gujarat, literature, satire, society

ચાલો સમાજ સમાજ રમીએ

બેએક મહિનાથી ગુજરાતમાં પટેલોના અનામત આંદોલન, ખાસ કરીને હાર્દિક પટેલના વલણથી જે પરિસ્થિતિ ઉદ્ભવી છે તેના પર મારી એક રચના.

poem on patel anamat andolan-reservation agitation-page-001

 

Advertisements
satire

ખુર્શીદ અમેરિકાના શિકારે

એક વાર એક મહાન વ્યક્તિ સિંહના શિકારે જતા હતા. એમને ડાહ્યા માણસોએ વાર્યા, ‘રહેવા દો, તમારું કામ નહીં.’ પણ તેમણે તો મૂછ મરડીને પ્રતિજ્ઞા લીધી, ‘જ્યાં સુધી સિંહને મારી, તેને ખભે નાખી ન લાવું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું.’ એ મહાન આત્મા જંગલમાં ગયો. પણ સામે સિંહ મળ્યો ત્યાં હાંજા ગગડી ગયા. ચોરણી ભીની થઈ ગઈ. પણ હવે જંગલમાંથી પાછા જવું કેમ? એટલે તેઓશ્રી સિંહને હાથ જોડી વિનંતી કરવા માંડ્યા…
આવી જ કંઈક સ્થિતિ સલમાન ખુર્શીદની થઈ છે. મોટા ઉપાડે સંસદમાં એલાન કરી દીધું કે જ્યાં સુધી દેવયાની ખોબરાગડેનું સન્માન પરત નહીં અપાવું, ગૃહમાં પગ નહીં મૂકું. હવે અમેરિકાએ કહી દીધું છે કે અમે માફીય નહીં માગીએ અને કેસ પણ પાછો નહીં ખેંચીએ. થાય તે કરી લો…ખુર્શીદભાઈની હાલત પેલા મહાન વ્યક્તિ જેવી થઈ છે અને તેઓ બેકડોર ડિપ્લોમસી કરવા માંડ્યા છે.

ahmedabad, satire, society

આઠ દિવસમાં ૮૦,૦૦૦ ઉડાવી શકો?

બ્લોગ પોસ્ટનું મથાળું વાંચીને જ પહેલાં તો ઘણા સોજ્જા અને મોંઘવારીથી ફિકરમંદ વાચકોનું હૃદય એક ધબકારું ચૂકી ગયું હશે. પરંતુ આ મથાળું સહેતુક મૂક્યું છે. હકીકતે, તાજેતરમાં છાપામાં એક સમાચાર હતા કે એક ભાગેડુ યુવક અને યુવતીએ આઠ સપ્તાહમાં ૮૦,૦૦૦ વાપરી નાખ્યા!
વાત એમ હતી કે, ૨૧ વર્ષની યુવતી પંદર વર્ષના એક યુવકને ભગાડી લઈ ગઈ હતી. એક મિનિટ! આ વાક્ય ફરીથી વાંચી જાવ. જી હા, યુવતી યુવકને ભગાડીને નાસી હતી અને તે પણ પોતાનાથી નાની ઉંમરના!
હં….હવે સમજાયું. ખરેખર! નારી હવે સાચે જ પુરુષ સમોવડી થઈ ગઈ છે. જુઓ ને. સિગારેટ પીતી થઈ ગઈ. દારૂ પીતી થઈ ગઈ. અને હવે ઓછું હતું તે યુવકને ભગાડીને જતી થઈ ગઈ. અત્યાર સુધી થતું હતું એવું કે યુવક યુવતીને ભગાડીને લઈ જતો ત્યારે યુવતી ઘરેથી દાગીના- પૈસા- કપડાં વગેરે લઈને ભાગતી. અહીં બિલકુલ ઉલટું છે. યુવક ૮૦,૦૦૦ રૂપિયા લઈને ઘરેથી ભાગી ગયો હતો. બંને જણા ઓળખ ન આપવી પડે એટલે પેઇંગ ગેસ્ટ તરીકે રહ્યાં. હોટલમાં રહેવું હોય તો ઓળખ પત્ર આપવા પડે છે.
આ બંનેની લવ સ્ટોરીની જાહેર થયેલી વિગતો પણ રસપ્રદ છે. (નહીં જાહેર થયેલી વિગતો તો કેટલી રસપ્રદ હશે?)
અમદાવાદના થલતેજ (પ્રમાણમાં પોશ વિસ્તાર)માં  રહેતો અને સ્થાનિક વિસ્તારની શાળામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતો આ તરુણ રોજ રાત્રે એસજી હાઇવે પર મિત્રો સાથે બેસતો હતો (કોઈ ‘પંછી’ની રાહમાં? દારૂમંડળી? કે પછી મોબાઇલ ક્લિપ દર્શનાર્થે?) ત્યાં ‘પંછી’ એટલે કે ૨૧ વર્ષની યુવતી જે અમદાવાદના હાલ પોશ બની ગયેલા પણ ટાઉનશિપની રીતે જુઓ તો એકદમ નિમ્ન મધ્યમ વર્ગની વસતિ ગણાય તેવા આનંદનગરમાં રહેતી હતી, તે પણ તેના જ ગ્રૂપમાં બેસવા આવતી હતી. એક પખવાડિયામાં તરુણ અને યુવતીની મિત્રતા થઈ ગઈ! (સુપર સોનિક યુગના યુવાનો ખરા ને!)
બંને જણા ભાગ્યાં તેની આગલી રાત્રે તરુણ તેના મિત્રો સાથે એસજી હાઇવે પર બેસવા ગયો હતો. તે રાત્રે વરસાદ પડ્યો. વરસાદમાં તો શરીર સાથે મન પણ પલળે ને! યુવતીને ઘરે જવાની તકલીફ પડે જ. એટલે તરુણ યુવતીને પોતાના ઘરે લઈ ગયો (કહેવું પડે, બાકી. સાહસ અદમ્ય ગણાય). (અગાઉના જમાનામાં કોઈ આવું સાહસ નહોતા કરી શકતા).  યુવતીએ ઘરે ફોન પણ કરી દીધો કે રાત્રે તે ઘરે નહીં આવે. સમાચારમાં લખાયું છે કે યુવતી તરુણની માતા સાથે સૂઈ ગઈ હતી. (ખરેખર? કે પછી ‘રૂપ તેરા મસ્તાના, પ્યાર મેરા દીવાના’નો સીન ભજવાયો હશે?)
બીજા દિવસે સવારે દસ વાગ્યે તરુણ યુવતીને ઘરે મૂકવા એક્ટિવા પર નીકળ્યો. પણ બપોર સુધી તે પાછો ન આવ્યો. એટલે તરુણની માતાએ તેને ફોન કર્યો પણ તરુણનો ફોન બંધ હતો.સદ્નસીબે યુવતીનો નંબર પણ તરુણના પરિવારજનો પાસે હતો, પણ તેય બંધ જ હોય ને. ઘરમાં કોઈ ચીઠ્ઠી મૂકી છે કે કેમ તે તપાસ કરી તો ખબર પડી કે લાટસાહેબ ઘરમાંથી ૮૦,૦૦૦ લઈને ફરાર થઈ ગયા છે. આથી પરિવારે ફરિયાદ લખાવી કે યુવતી તરુણનું અપહરણ કરી ગઈ છે.! (કહેવું પડે, બાકી! જેના ઘરમાં ૮૦,૦૦૦ રોકડા પડ્યા રહેતા હોય અને તે પણ છોકરાઓના હાથમાં આવે એમ, એ ઘર કેવું ‘માલદાર’ હશે?!) સામે પક્ષે એ વાત પણ સ્વીકારવી જોઈએ કે આ ઘટના ૪ જુલાઈ, ગુરુવારની છે. હવે વરસાદ તો ૩ જુલાઈથી જ અમદાવાદમાં સતત પડી રહ્યો હતો. આવામાં ૪ જુલાઈની રાત્રે યુવતીના માબાપે તેમની દીકરીને એસજી હાઇવે પર બેસવા મોકલી તે પણ આનંદની વાત કહેવાય! તો તરુણને પણ આવા પાણી ભરાયા હોય ત્યારે રાત્રે બેસવા જવા દીધો તે પણ અભિનંદનને પાત્ર તો ગણાય જ ને! તરુણ અને યુવતી બંનેનાં ચારેય માબાપોને વિશ્વનાં શ્રેષ્ઠ માબાપોનો એવોર્ડ જો અપાતો હોય તો આપવો જોઈએ!
તરુણના પરિવારજનોનું કહેવું હતું કે ૨૧ વર્ષની યુવતી દસમા ધોરણ સુધી જ ભણી છે. અને વર્ષોથી મિત્રો સાથે ફરતી હતી અને અગાઉ પણ તે ભાગી ગઈ હતી. શાબાશ! પરિવારજનો. તમારો લાટસાહેબ આવી (પરિવારજનોએ ‘રખડેલ’ શબ્દ વાપરવાનો જ બાકી રાખ્યો હતો) યુવતીને તમારા ઘરે લઈ આવે તેનો વાંધો નથી, તરુણની માતા પણ યુવતી સાથે સૂઈ શકે છે તેનો વાંધો નથી, પણ તમારા ઘરમાંથી ૮૦,૦૦૦ લઈને ભાગી જાય પછી એ યુવતીનું ચરિત્ર યાદ આવે છે. જો એવું જ હોય તો આવા માલદાર પરિવારે યુવતીને કારમાં જ તેના ઘરે તે રાત્રે જ મૂકી આવવી જોઈતી હતી.
એ પછી બંને જણા કેવી રીતે પાછા આવ્યાં તેની પણ વાત રસપ્રદ છે. બંને જણાએ ૮૦,૦૦૦ ઉડાવી દીધા પછી બંનેને પરિવારજનો (પૈસાના અભાવે) સાંભર્યા. આથી બંનેએ ઘરે ફોન કર્યો કે પૈસા ખૂટી ગયા છે. હવે અમને આવીને લઈ જાવ.
સમાચારમાં લખાયેલી એક સાહિત્યિક વાત તો એ છે કે “બંને જણા અઠવાડિયા સુધી સામાજિક મર્યાદા જાળવી મુક્ત અભિવ્યક્તિનો અહેસાસ કર્યા બાદ પરિવારજનો કેટલા ચિંતિત હતા તે જાણી તરુણ અને યુવતીને સ્વજનોની લાગણીનો અહેસાસ થયો છે.”
કહેવું પડે ને, બાકી! ગોવામાં એક અઠવાડિયામાં ૮૦,૦૦૦ રૂપિયા કેવી રીતે ખર્ચી નાખ્યા હશે અને તે પણ સામાજિક મર્યાદા જાળવીને?
– પ્લેનમાં ગયા હોય તો એક વ્યક્તિ દીઠ ૫,૦૦૦ ગણો તો, બે જણના ૧૦,૦૦૦ થાય. વળતી વખતે તો એમને એમનાં માબાપ પોલીસ સાથે લઈ આવ્યા હતા.
– ગોવામાં પેઇંગ ગેસ્ટના ભાડા અંદાજે એક દિવસના રૂ. ૮૦૦ (એસી ડબલ રૂમ) ગણો તો તેના હિસાબે અઠવાડિયા ૬,૪૦૦ રૂપિયા થયા હોય.
– પાંચેક હજારના કપડાં, ચશ્મા, હેટ વગેરે ખરીદ્યાં હોય.
– ૬,૪૦૦ રૂપિયા જમવામાં ગયા હોય.
– ત્રણેક હજાર ઠંડાં પીણાં, કેફી પીણાં વગેરે ‘પીવા’માં ગયા હોય.
– રોજની એક ફિલ્મ લેખે અઠવાડિયામાં આઠ ફિલ્મ જોઈ હોય તો તેના ૧૬૦૦ રૂપિયા થાય.
-પાંચેક હજાર સાઇટ સીઇંગમાં ગયા હોય.
-રૂપિયા પાંચેક હજાર વોટર ગેમમાં નાખ્યા હોય.
-પાંચેક હજાર કેસિનોમાં નાખ્યા હોય તેમ પણ માની લઈએ.
આમ પચાસ હજારથી વધુ ખર્ચો ન થયો હોય. તો સવાલ એ છે કે બાકીના ત્રીસેક હજાર કેવી રીતે ખર્ચ્યા હશે? વાચકો અનુમાન લગાવે! અને એ પણ અનુમાન લગાવે કે ખરેખર યુવતી તરુણને ભગાડી ગઈ હતી? ખરેખર તરુણની માતા યુવતી સાથે એ મેઘલી રાતે સૂતી હશે? આ સમાચારની પાછળનું ખરું સત્ય શું હોઈ શકે? પણ મૂળ વાત તો એ છે કે બંને જણાએ એક અઠવાડિયામાં રૂ.૮૦,૦૦૦ કેવી રીતે ઉડાવી દીધા!

satire

એક નકલી એન્કાઉન્ટરની વ્યંગ કથા

એક ભાઈ એમના ઘરમાં પરિવાર સાથે બહુ શાંતિથી રહેતા હતા અને રહેવા માગતા હતા. એવામાં એમના ઘરે પોલીસનો દરોડો પડ્યો. એમને ત્યાંથી મૃતદેહો મળ્યા. ઘરમાં જ પુરાવા મળતાં ભાઈની ધરપકડ થઈ. જેલમાં પૂરી દેવાયા. પણ પડોશીઓએ ગોકીરો મચાવ્યો. કહ્યું કે આ ભાઈ બહુ હિંસક છે. તેમને અહીંની જેલમાં નહીં, બીજા ગામની જેલમાં લઈ જાવ.
ભાઈને બીજા ગામની જેલમાં લઈ જવામાં આવ્યા. પણ તેમ છતાં પડોશીઓ શાંત ન બેઠા. તેમણે ફરિયાદ કરી કે તપાસ પંચ નીમો. ખાસ ‘સિટ’ની રચના કરવામાં આવી. ‘સિટ’ની તપાસમાંય કંઈ ન નીકળ્યું. એટલે એ ભાઈ સામે સીડીઆઈની તપાસ બેઠી. સીડીઆઈવાળાએ એ ભાઈ સામે આરોપનામું મૂક્યું. ભાઈએ દલીલ કરી કે મેં તો બેત્રણની જ હત્યા કરી, પરંતુ જેણે આખી જાતિની હત્યા કરી તે અમારા ‘ગાંધી’ની દુકાન ચલાવતા રાજીવભાઈ સામે કોઈ પગલાં તમે નથી લેતા.
તો સીડીઆઈવાળા ભાઈ કહે, એ ગાંધીની દુકાનેથી રાજીવભાઈના ઘરવાળાં અમને બહુ સાચવે છે અને અમને નિયમિત હપ્તા આપે છે. અમારી રોજીરોટી એમના કારણે જ ચાલે છે. એ અમારા અન્નદાતા છે, તેમની સામે કોઈ પગલાં ન લેવાય. અને એમણે તો વાંદાની હત્યા એટલે કરી હતી કે એમની બા ઇન્દુબહેનને વાંદાઓ સામે ચીડ હતી. એમનાથી બહુ ડરતાં હતાં. પણ તમે તો….તમે કોની હત્યા કરી છે, ખબર છે?
મચ્છરની!
પણ પેલા ભાઈ કહે, મચ્છરથી રોગચાળો ફેલાય. અમને કરડીને પછી અમને મેલેરિયા કે ડેન્ગ્યુ થઈ જાય તેનું શું? એનું કંઈ નહીં. તમે તો એ માટે ડીડીટી છંટકાવતા નથી. ગંદકી દૂર કરતા નથી. અને અમે બે ત્રણ મચ્છર માર્યા એમાં આટલો ગોકીરો મચાવ્યો.
સીડીઆઈવાળા કહે, એ તો એવું જ છે. વાંદા મારો તો ચાલે, મચ્છર મારો તો નહીં!

satire

….અને સાહેબને ભણાવ્યા વગર જ નીકળી જવું પડ્યું!

એક શાળાનો વર્ગખંડ હતો. તેમાં નવો તાસ (પિરિયડ, યૂ નો!) ચાલુ થવાનો હતો. છોકરાઓ તોફાન કરી રહ્યા હતા. છોકરીઓ શાંત હોવાની અપેક્ષા હોય છે, પણ તેય તોફાન કરી રહી હતી. ત્યાં શિક્ષક આવ્યા. શિક્ષકે કહ્યું : બાળકો, ચાલો આપણે ઇતિહાસ વિશે ભણીશું. ત્યાં એક નટખટ છોકરો ઊભો થયો. તેણે ટચલી આંગળી ઊંચી કરી. એટલે સાહેબે તેને પરવાનગી આપી કે જા જલદી જઈ આવ. સાહેબે થોડું ભણાવ્યું ત્યાં બીજા એક છોકરાએ અંગૂઠાનો ઈશારો મોં આગળ કર્યો. સાહેબ કહે જા, જલદી પાણી પી આવ. વળી, સાહેબ થોડું આગળ ભણાવે ત્યાં ત્રણ છોકરા ઊભા થયા. તેમણે બે આંગળી એક સાથે બતાવી. સાહેબ કહે, જાઓ જાઓ, જલદી જાવ, નહીં તો અહીં જ બગડશે. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે, સાહેબ, આ જુઓને, પેલો મનુડો મારો ચોટલો ખેંચે છે. સાહેબે મનુને ડારો આપ્યો. મનુ કહે, પણ એ છોકરી મને ચીટલો ભરે છે. સાહેબ કહે, કેમ’લી? તો કહે,સાહેબ એણે મારો ચોટલો પહેલાં ખેંચ્યો એટલે મેં એને ચીટલો ભર્યો. મનુડો કહે, ના એવું નથી, એણે મને પહેલાં ચીટલો ભર્યો. એટલે મેં એનો ચોટલો ખેંચ્યો. બેય પોતાની વાત સાબિત કરવા એકબીજાની સાથે બોલવા લાગ્યા. એટલામાં બે છોકરા ચૂપચાપ વર્ગમાંથી નીકળી ગયા. ત્યાં વળી, એક જણે ઊભા થઈને કહ્યું : સાહેબ, આ રમલાએ મારી પેન્સિલ લઈ લીધી. રમેશ કહે : સાહેબ, કિશોર્યો ખોટો છે. આ પેન્સિલ તો મારી જ હતી. મેં એને આપી હતી, પણ એ પાછી જ આપતો નહોતો. એટલે મેં બળજબરીથી લઈ લીધી. એટલામાં એક છોકરી ઊભી થઈ અને કહે : સાહેબ, આ ચંપાડીએ મારી નોટમાં લીટા કર્યા. ચંપા કહે : આ રમાડી ખોટી ફરિયાદ કરે છે. તેણે પહેલાં મારી નોટમાં તારા અને ચાંદો ચિતરી દીધા હતા. સાહેબ મૂંઝાઈ ગયા. કોને કહેવું અને કોને ન કહેવું? તેમણે કહ્યું : બધા શાંત થઈને બેસી જાવ.

એટલામાં તાસ પૂરો થવાનો ઘંટ વાગી ગયો. સાહેબ ભણ્યા વિના નીકળી ગયા. છોકરાઓ અને છોકરીઓએ તાળી પાડી કે સાહેબને કેવા ભણાવ્યા વગર જ ભણાવી દીધા!

(નોંધ : લોકસભા અને રાજ્યસભા કે ગુજરાત-ઉત્તરપ્રદેશ જેવી રાજ્ય વિધાનસભામાં થતી કાર્યવાહીને આ વાર્તા સાથે બિલકુલ સંબંધ છે.)

satire

દિગ્વિજયના ઘરે રાષ્ટ્રીય શોક

આજે ગુરુવાર હોઈ દિગ્વિજયસિંહના ઘરે ઓસામા બિન લાદેનનું બેસણું રાખ્યું છે. ત્યાં કોંગ્રેસીઓ લાદેનના ફેક એન્કાઉન્ટરના કેસની તપાસ સીબીઆઈના પોતાના કઠપૂતળિયા અધિકારીઓ પાસે કરાવવા અપીલ કરવાના છે. (સાથે જૂના કેસો – બાટલા હાઉસ અને એના જેવા બીજા ફેક એન્કાઉર કેસો) દિગ્વિજયના ઘરે ઓબામાના નામના છાજિયા પણ લેવાવાના છે.  દિગ્વિજય સિંહના ઘરે ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક રાખેલો છે, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજીનો નહીં, લાદેનનો.  દિગ્વિજયે ખાવાનું બંધ કરી દીધુ છે, અરે બાબા, પૈસા નહીં, મીઠાઈ વગેરે ખાદ્ય ચીજો ! તમે પણ શું યાર? ભળતી કલ્પના કરી લો છો?!

satire

શ્રી રામના દરબારમાં લક્ષ્મણ બોલ્યા : ‘હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

ભગવાન શ્રી રામનો વૈકુંઠમાં દરબાર ભરાયો છે. દરબારમાં તેમની સાથે માતા સીતા, પરમ ભક્ત હનુમાન, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સુગ્રીવ અને અંગદ વગેરે હાજર છે. શ્રી રામના મોઢા પર ચિરપરિચિત હાસ્ય છે.

સુગ્રીવ તેમને કહે છે : ‘પ્રભુ! તમને તો પૃથ્વીની કંઈ ચિંતા જ નથી.’ શ્રી રામ કહે છે : ‘પૃથ્વી પર તો રામરાજ્ય છે ને?’ સુગ્રીવ કહે છે : ‘રામરાજ્ય કેવું? મનમોહન રાજ્ય છે.’ શ્રી રામ કહે છે : ‘પણ મનમોહન એટલે તો કૃષ્ણ ને. તેઓ તો મારું જ બીજું રૂપ છે.’ સુગ્રીવ ઉવાચ : ‘પ્રભુ! આ મનમોહન તેમના નામ પ્રમાણ બિલકુલ ગુણ ધરાવતા નથી. તેઓ તો તેમના દેશમાં કંઈક કહે છે ને વિદેશમાં કંઈક. કૃષ્ણએ એટલે કે આપે તો કેટલા રાક્ષસોનો સંહાર કર્યો હતો. મહાભારતના યુદ્ધમાં સત્યની પડખે ઊભા હતા. પણ આ મનમોહનને તો તેમની મતબેંક જ દેખાય છે. આ મનમોહન તો કૌરવોની સંખ્યા જ જુએ છે અને કહે છે કે હસ્તિનાપુર પર તો માત્ર કૌરવોનો પહેલો હક છે. તમે તો મનમોહન તરીકે વિષ્ટિકારની સારી ભૂમિકા ભજવી હતી. જ્યારે આ મનમોહન તો વિષ્ટિકાર તરીકે જ નહીં, પોતાના દેશના વડા તરીકે કાચા છે. ભારતના પડોશી દેશ પાકિસ્તાનને પાઠ ભણાવવાના બદલે તેમની સાથે વાટાઘાટ કરવા તૈયાર થઈ ગયા છે. કાશ્મીરનો પ્રશ્ન હજુ લટકતો છે ત્યાં બલુચિસ્તાનનો પ્રશ્ન પાકિસ્તાને ભારતને ગળામાં લટકાવી દીધો છે. હવે ભારત જ્યારે પાકિસ્તાનને કહેશે કે તમે અમારા દેશમાં આતંકવાદ ફેલાવો છો ત્યારે પાકિસ્તાન સામે આરોપ મૂકશે કે તમે બલુચિસ્તાનમાં આ જ કરો છો.’ સુગ્રીવ એકશ્વાસે બોલી રહ્યા.

ભગવાન શ્રી રામ બોલ્યા : ‘પણ આ આતંકવાદ કઈ બલા છે?’ અંગદે જવાબ આપ્યો : ‘પોતાના મઝહબને દુનિયાભરમાં સ્થાપિત કરવા કેટલાક ગાંડાલોકો દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યા છે. તેઓ ખુલ્લેઆમ લડાઈ લડતા નથી. પણ ચોરી છૂપીથી લડે છે. તેનું નામ આતંકવાદ-ત્રાસવાદ. કેટલાક તેને તાલિબાનીપણું પણ કહે છે.’

mangloreસુગ્રીવે વધુ માહિતી આપી, ‘પણ હવે તો આ શબ્દ કેટલાક અન્ય ધર્મીઓ માટે પણ વપરાય છે.’ અંગદે રોષપૂર્વક કહ્યું : ‘ખોટી રીતે વપરાય છે. થોડા સમય પહેલાં હું કિષ્કિન્ધા બાજુ ગયો હતો. મેં જોયું કે ત્યાં કોઈ સ્થળે યુવતીઓ મદિરાપાન કરી રહી હતી. લાજમર્યાદા નેવે મૂકનારાં વસ્ત્રો પહેર્યાં હતાં અને અભદ્ર ચેષ્ટાઓ કરી રહી હતી. કેટલાક યુવાનો તેમને સમજાવવા આવ્યા તો ન માન્યા. તેમની ઠેકડી ઉડાવી. યુવાનો રોષે ભરાયા ને તેમને પરાણે ત્યાંથી લઈ જવા લાગ્યા તો છબીકારો તેની છબી ખેંચવા લાગ્યા અને સમાચાર માધ્યમોમાં તેમને તાલિબાની કહેવા લાગ્યા. જો તેમનાં માબાપોએ આ યુવતીઓને બેચાર તમાચા માર્યા હોત તો આટલી બગડી ન જાત. મને પણ ત્યારે મન થઈ ગયું તે યુવતીઓને બેચાર તમાચા મારવાનું, પણ મેં મારી જાત પર મહાપરાણે સંયમ રાખ્યો. ’ સુગ્રીવ કહે : ‘રે! રે! અંગદ! જોજે ભાઈ, તું આવું કંઈ ન કરતો, નહીં તો તને ય લોકો તાલિબાની કહી દેશે અને શ્રી રામનું નામ પણ વગોવશે.’

અંગદ કહે : ‘હું કાનપુર ગયો ત્યાં એક મહાવિદ્યાલય (કોલેજ)માં અંગપ્રદર્શન થાય તેવાં વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી તો સમાચાર માધ્યમોએ તેને પણ તાલિબાની ફતવો ગણાવી દીધો.’

rakhi sawantનળ બોલ્યો : ‘લાજમર્યાદા જેવું કંઈ રહ્યું જ નથી. એક અત્યંત લજ્જાવિહીન નારી છે રાખી સાવંત. તે તો માતા સીતાનું નામ વટાવી ખાય છે. તે કહે છે, સીતાજી સ્વયંવર યોજી શકે તો પોતે કેમ નહીં?’ સીતાજી બોલ્યા : ‘મેં અગ્નિપરીક્ષા પણ આપી હતી. જીવનભર પતિવ્રતા બનીને રહી હતી. એ બાળામાં એવી હિંમત છે?’

અંગદ કહે : ‘માતા! વાત જવા દો. એ બાળા તો લજ્જાવિહીન છે પણ હવે તેનો ખુલ્લેઆમ બચાવ કરનારા કોલમિસ્ટો-ચેનલોવાળા પણ છે. પૈસા માટે ધરતી પર કંઈ પણ થઈ શકે છે. થોડા સમય પહેલાં એક નટ નામે અક્ષયકુમારે તેની પત્ની પાસે પોતાની ધોતી (પેન્ટ)નું બટન જાહેરમાં ખોલાવડાવ્યું તેનો પણ મોટા પાયે બચાવ કરાઈ રહ્યો છે.’

Shahrukh-Khan8ત્યાં ‘નારાયણ નારાયણ’નો અવાજ સંભળાય છે. નારદજી પ્રણામ કરીને સમાચાર આપે છે : ‘પ્રભુ! હવે તો ધરતી પર નાની વાતનો પહાડ બનાવી દેવાય છે. એક અભિનેતા છેલ્લા કેટલાક સમયથી કામવિહીન અને કીર્તિવિહીન હતો. તે પરદેશ ગયો ને ત્યાં તેની સુરક્ષાતપાસ થઈ તો તેણે વિરોધનો વાવંટોળ સર્જી દીધો. વળી આ જ વિષય પર તેનું એક ચિત્રપટ, કંઈક ‘માય નેમ ઇઝ ખાન’ આવી રહ્યું છે.’

શ્રી રામ બોલ્યા : ‘તેમાં વિરોધ શાનો કરવાનો? કાયદો તો બધાને સરખો લાગુ પડે. મને પણ લાગુ પડ્યો હતો. ધોબીએ સહેજ આક્ષેપ કર્યો ને મેં સીતાને વનમાં નહોતાં મોકલી દીધાં?’

લક્ષ્મણ રોષપૂર્વક કહે : ‘મેં તો માતા સીતાને ક્યારેય ઊંચી આંખ કરીને નથી જોયાં, પણ પ્રભુ તમારા અને સીતાના પ્રણય વિશે સમાચારપત્રોમાં બહુ લખાઈ રહ્યું છે. સીતાજીનું અભદ્ર વર્ણન કરાઈ રહ્યું છે. આપ આજ્ઞા આપો તો એ બધાને હું સીધાદોર કરી નાખું. આ હનુમાન જો પૃથ્વી પર હોત તો તેમના બ્રહ્મચર્યની પણ ઠેકડી ઉડાવાતી હોત.’

પ્રભુ એકદમ શાંતિપૂર્વક બોલ્યા : ‘રહેવા દે અનુજ! એ બધા નાદાન છે. તેમને મારી એક જ બાજુ દેખાય છે. વાલ્મિકીજીએ રામાયણમાં કંઈ આવું જ થોડું લખ્યું છે? વાત કરવી હોય તો મેં જે મર્યાદા પાળી તેની કરો ને. મેં માતાપિતાનું વચન નિભાવ્યું તેની કેમ કોઈ વાત નથી કરતું? મેં શૂર્પણખા સુંદર યુવતી તરીકે આવી ત્યારે તેની સામે કામુક કે લોલુપ દૃષ્ટિએ પણ નહોતું જોયું તે કેમ કોઈ નથી લખતું? મેં તો રાક્ષસના નાશ માટે દેશ છોડ્યો હતો. ચૌદ વર્ષ વનવાસ વેઠ્યો હતો. સાધુજીવન ગાળ્યું હતું. તે કોઈ નથી લખતું. અરે! રાવણ જેવા રાવણે પણ સીતાજીને ઊની આંચ નહોતી આવવા દીધી, આ તો બધા રાવણથીય બદતર છે.’

લક્ષ્મણ કહે : ‘પણ પ્રભુ! ક્યાં સુધી આ બધું ચલાવી લેશો?’
સુગ્રીવ વચ્ચે બોલ્યા : ‘આજકાલ પૃથ્વી પર એક નવા પ્રકારનો રોગ ફેલાયો છે. કંઈક સવાઇન ફલુ જેવું નામ છે. તે ન થાય એટલે માનવો કહે છે : એકબીજાને ભેટવું નહીં. ચુંબન ન કરવું. હાથ ન મેળવવા.’

હનુમાનજી બોલ્યા : ‘પણ આ બધું તો હિન્દુ ધર્મમાં પહેલેથી જ કહેવાયું છે. હાથ મેળવવાની નહીં, નમસ્કાર કરવાની આપણી પરંપરા છે. અને ચુંબનની તો વાત જ જવા દો. પણ આવું કોઈએ પહેલાં કહ્યું હોત તો તેને વળી કેટલાક પશ્ચિમીવાદી-ઉદારવાદી માનવો તાલિબાનીપણું કહીને ધિક્કારી કાઢત.’

નારદજી કહે છે : ‘લાગે છે પ્રભુ! હવે તમારે નવો અવતાર લેવાનો સમય પાકી ગયો છે.’ પ્રભુ કહે છે : ‘ના, આ તો કંઈ નથી. પાપની જ્યારે ચરમસીમા આવશે ત્યારે હું અવતાર લઈશ. પાપીઓના પાપનો ઘડો છલકાવા દ્યો નારદજી.’

(આ નાટિકા સંપૂર્ણ કાલ્પનિક છે. કોઈએ બંધબેસતી ટોપી પહેરવી નહીં.)