science

હવામાન ખાતાની આગાહી ખોટી પડવાનું કારણ શું?

હસવું અને હસાવવું એ સારી વાત છે. પરંતુ કેટલીક બાબતો પર જૉક થાય ત્યારે તેમાં જો માહિતીના અભાવવાળી જૉક હોય તો આવા જૉક બનાવનારા પર હસવું આવે છે. ‘ઉડતા પંજાબ’ પર સેન્સર બૉર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાની પર રમૂજ માન્ય છે પણ જેમ્સ બૉન્ડની ‘સ્પેક્ટ્રે’એ ‘એ’ સર્ટિફિકેટ નહીં, યુએ સર્ટિફિકેટ માગેલું તેથી તેમાં કિસિંગ સહિતનાં સીન પર કાતર ફેરવવી પડેલી તેવો નિહલાનીનો પક્ષ જાણ્યા વગર રમૂજ થાય તે નિહલાની સાથે અન્યાય છે. પત્રકારત્વ હવે ટીવી કેન્દ્રિત થતું જાય છે અને હઈશો-હઈશોમાં બધા જ તૂટી પડે છે. આરુષિ હત્યાકાંડ હોય, શીના બોરા હત્યા કેસ, કે પછી તાજેતરમાં સલમાન ખાને અત્યંત થાક માટે આપેલી ઉપમા હોય, બે-ચાર ટીવી ચૅનલ પર ચાલે એટલે પછી એ જ ગાજ્યા રાખે. કોઈ આમાં સિક્કાની બીજી બાજુ જોવાનો પ્રયાસ કરતું નથી. હવામાન ખાતું પણ આવા જ એક તરફી પ્રચારનો શિકાર બન્યું છે.

હવામાન ખાતા વિશે જૉક કહેવાય છે કે  જો વેધશાળા વિભાગે આગામી ૨૪ કે ૪૮ કલાકમાં ઝાપટા કે ભારે વરસાદની આગાહી કરી હોય તો આજે બિન્ધાસ્ત છત્રી કે રેઇનકોટ લીધા વિના નીકળજો, કારણ કે આજે જોરદાર વરસાદનો વરતારો છે એવું આપસમાં કહેવામાં આવે અને વેધશાળા વિભાગની હાંસી ઉડાડવામાં આવે. બીજી તરફ જો ૨૪ કે ૪૮ કલાક દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને વરસાદ નહીં પડે એવી આગાહી કરવામાં આવી હોય તો ભાઇસાબ રેઇનકોટ, છત્રી લઇને નીકળજો, કારણ કે વરસાદ નહીં પડવાની આગાહી છે એવી મજાક પણ કરવામાં આવે. જોણું તો ત્યારે થાય જ્યારે આગાહી સચોટ સાબિત થાય અને લોકો ઉંઘતા ઝડપાય, પણ ત્યારેય ‘ક્યારેક તો વેધશાળા તો સાચી પડે ને’ એવી દલીલ કરવામાં આવે. ટૂંકમાં વેધશાળા વિભાગ એક ઠેકડી ઉડાડવા માટેનો વિભાગ બની રહે.

હમણા હવામાન ખાતાએ મુંબઈમાં ૨૬મીએ ભારે વરસાદની આગાહી કરી, પણ રવિવારે મુંબઈ કોરુંધાકડ જ રહ્યું અને ફરી એક વાર હવામાન ખાતું લોકોની ઝપટે ચડી ગયું. જોકે હવામાન ખાતું માત્ર લોકોની રમૂજનો શિકાર જ નથી બન્યું, ન્યાયાલયમાં તેની સામે ફરિયાદ પણ થઈ હતી.

ગયા વર્ષે મુંબઈ હાઇ કોર્ટે આઇએમડી (ઇન્ડિયન મીટિયોરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ – હવામાન ખાતું)ને સવાલ કર્યો હતો કે તેમની હવામાનની આગાહી કેમ ખોટી પડે છે? ગયા વર્ષે આવેલા પૂરના સંદર્ભમાં અટલ દુબે નામના વકીલે જાહેર હિતની અરજી કરતા ડિવિઝન બેન્ચ દ્વારા આ સવાલ કરવામાં આવ્યો હતો. આ બાબત માટે જવાબદાર વ્યક્તિઓની ઝીણવટભરી પૂછપરછ માટે દુબેએ મુંબઇ મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. આ બાબત અત્યંત ગંભીર સ્વરૂપની છે અને તેઓ ૨૦૦૫ના મહા પૂરમાંથી પાઠ નથી ભણ્યા એવી દલીલ સુદ્ધાં દુબેએ કરી હતી.

જાગૃત નાગરિક તરીકે અટલ દુબેને બિરદાવવા પડે. તેમણે ન્યાયાલયમાં જઈને હવામાન ખાતાને જવાબદારી તળે લાવવા પ્રયાસ કર્યા. પણ પ્રશ્ન એ છે કે મિડિયા જેનું કામ જાગૃતિ લાવવાનું હોવું જોઈએ તેણે ક્યારેય પ્રયાસ કર્યા કે સિક્કાની બીજી બાજુ પણ રજૂ થાય? ન તો હવામાન ખાતાએ ક્યારેય આ બાબતે લોકજાગૃતિ લાવવા પ્રયાસ કર્યા. એ બાબતે ‘મુંબઈ સમાચાર’ને અભિનંદન આપવા ઘટે કે તે પ્રશ્નના મૂળમાં જવા માટે આવા પ્રયાસ કરે છે.

આપણું મિડિયા મોટા ભાગે ભારત પ્રત્યેની-સરકાર પ્રત્યેની-પોલીસ પ્રત્યેની કે અન્ય વિભાગોની નેગિટિવ બાબતો જ રજૂ કરવા ટેવાયેલું છે એટલે આપણને થાય છે કે ભારતમાં જ બધું આવું છે. હકીકત એ છે કે માત્ર ભારતનું જ નહીં, દુનિયાભરના હવામાન ખાતાં આગાહી કરવામાં ખોટા પડતા રહે છે. વર્ષ ૨૦૦૯માં બ્રિટનના હવામાન ખાતાએ આગાહી કરી હતી કે “આ વર્ષે ભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહેજો.” ઓછા સૂર્યપ્રકાશવાળો દેશ હોઈ બ્રિટિશરો તો બિચ પર રજા માણવા નીકળી પડેલા. પરંતુ થયું એવું કે મૂશળાધાર વરસાદ પડ્યો. તંબુઓ તણાઈ ગયા. લોકોને ભારે હાલાકી પડી.

આપણા દેશમાં બીબીસી એટલે સમાચાર માટે વિશ્વસનીયનો પર્યાય મનાય છે, પણ બીબીસીએ વર્ષ ૨૦૧૨માં ખોટી હવામાન આગાહી માટે માફી માગી હતી. બીબીસીએ આગાહી કરી હતી કે ૧૯ ઑગસ્ટનો રવિવાર સૂકો અને ગરમ દિવસ રહેશે. તેના બદલે તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પહેલાંના લોકો બ્રિટિશરોથી અંજાયેલા હતા. અત્યારના કેટલાક બુદ્ધુજીવીઓ અમેરિકાથી અંજાયેલા છે. તેમના માટે અમેરિકા કરે અને કહે તે સત્ય, પણ અમેરિકાના હવામાન ખાતાએ પણ ગત વર્ષના જાન્યુઆરીમાં ભયંકર હિમપ્રપાત થવાનો છે તેવી આગાહી કરી અને પછી થયું કંઈ નહીં, તેથી તેમણે ટ્વિટર પર માફી માગી હતી.

પ્રશ્ન એ થાય કે હવામાન માટે આટલા સેટેલાઇટ છોડાતા હોય તો પણ કેમ સાચી આગાહી થઈ શકતી નથી? હવામાન આગાહી કેવી રીતે કરાય છે તે જાણવા જેવું છે. હવામાનની આગાહી કરવા માટે વાતાવરણની વર્તમાન સ્થિતિ અત્યારે કેવી છે તે માટે મળે તેટલા તમામ આંકડાઓ- ખાસ કરીને તાપમાન, ભેજ અને પવન સંબંધિત આંકડાઓ- એકઠા કરવામાં આવે છે. તેમાં પવનની ઝડપ, દિશા, હવાનું દબાણ વગેરે ધ્યાનમાં લેવાય છે. વિમાનો, વેપારી જહાજો, વેધર બલૂન (રેડિયોસૉન્ડ), ઉપગ્રહો વગેરેથી આંકડા ગ્રાઉન્ડ સ્ટેશનને મળે છે. ગ્રાઉન્ડ સ્ટેશન આ માહિતીને વૉશિંગ્ટનમાં આવેલા નેશનલ સેન્ટર્સ ફૉર એન્વાયરમેન્ટલ પ્રીડિક્શન (એનસીઇપી)ને મોકલે છે. ત્યાંથી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, જર્મની, ઑસ્ટ્રેલિયા અને અન્ય દેશોના હવામાન આગાહી કેન્દ્રોમાં આ ડેટા મોકલવામાં આવે છે. આ કેન્દ્રોમાં ખૂબ જ ઝડપી સુપરકમ્પ્યૂટરો હોય છે. તેમાં પ્રૉગ્રામ નખાયા હોય છે જે સમીકરણ બનાવે છે. પ્રૉગ્રામને ‘ન્યૂમરિકલ વેધર ફૉરકાસ્ટ મોડલ’ કહે છે. આ સમીકરણો થ્રીડી ગ્રિડમાં વર્ણવે છે કે અમુક બિંદુઓ પર વાતાવરણ કઈ રીતે બદલાઈ રહ્યું છે. તેના પરથી તે બિંદુઓ પર તાપમાન, પવન, વરાળ, વરસાદ વગેરે કેવા રહેશે તેની ગણતરી માંડવામાં આવે છે.

સુપરકમ્પ્યૂટર હવામાન નકશાઓ તૈયાર કરે છે. તેને ભૂતકાળમાં નોંધાયેલી હવામાન પેટર્ન સાથે મેળવવામાં આવે છે. હવામાન શાસ્ત્રીઓ કમ્પ્યૂટર દ્વારા થયેલી આગાહીને આંકડાઓ પર ગાણિતિક સૂત્રો (ફૉર્મ્યૂલા) લાગુ કરીને થતી આગાહીઓ સાથે સરખાવે છે. અને પછી અંતિમ આગાહી તૈયાર કરવામાં આવે છે. હજુ હમણાં સુધી જે કંઈ મોડલ હતાં તે ગમે તેવી આધુનિક ટૅક્નૉલૉજી છતાં સચોટ આગાહી કરી શકતા નહોતા (હજુ પણ નથી કરી શકતા) કારણકે તેઓ પૃથ્વીની સપાટી પર ખરેખર શું થઈ રહ્યું છે તેની જટિલતાને સમજીને આગાહીમાં પરિવર્તિત કરી શકતા નહોતા.

આવું કેમ થતું હતું? સામાન્ય રીતે એકથી માંડીને ૧૦ દિવસ સુધીની હવામાન આગાહીઓ કરાતી હોય છે. પરંતુ તેમની એક મર્યાદા છે અને આ મર્યાદાને વર્ષ ૧૯૬૧માં એડ લૉરેન્ઝે આકસ્મિક રીતે શોધી હતી. લૉરેન્ઝને ‘ચાઓસ થિયરી’ (આ થિયરીને અમલી બનાવવા માટે અરવિંદ કેજરીવાલને યશ આપવો ઘટે! :-))નો એક જનક માનવામાં આવે છે. તે કમ્પ્યૂટર વેધર ફૉરકાસ્ટ મોડલ પર પ્રયોગ કરી રહ્યા હતા. તેમણે જોયું કે જો મોડલને અટકાવ્યા વગર કામ કરવામાં દેવામાં આવે તો તે જે આગાહી કરે છે તે આગાહી મોડલને અધવચ્ચે અટકાવી દેવામાં આવે અને પછી ફરી શરૂ કરવામાં આવે તો ત્યારે કરાતી આગાહી કરતાં તે જુદી હોય છે. આંકડાઓમાં એકદમ સૂક્ષ્મ તફાવત આવી જાય તો પણ આગાહી બદલાઈ જવાનો સંભવ રહે છે!

વિજ્ઞાન ક્યારેય એવો દાવો નથી કરતું (અને ગુજરાતી છાપાઓથી વિરુદ્ધ અંગ્રેજી અને વિદેશી છાપાઓ તો હંમેશાં ‘કેન’ના બદલે ‘મે’નો જ ઉપયોગ કરે છે, આંકડાઓમાં પણ ક્યારેય ‘ફૂલ ફિગર’ નથી બનાવી દેવાતા.) કે તે હંમેશાં સાચું જ છે. વિજ્ઞાનમાં જે-તે સમયે જે થિયરી સાચી ઠરેલી હોય તે બાદમાં ખોટી ઠરી શકે છે. વિજ્ઞાનમાં હંમેશાં પ્રયોગો થતા રહે છે. અને તેના લીધે સુધારા પણ થતા રહે છે. જોકે એ નવાઈની વાત ગણાય જ કે વિજ્ઞાને આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં હજુ સચોટ હવામાન આગાહી કરવાનું મોડલ કેમ વિકસાવી શકાયું નથી.

પરંતુ વિજ્ઞાન સામે ઘણી વાર દેશી વિજ્ઞાન અકસીર પૂરવાર થતું હોય છે. નક્ષત્રો, હોળીની ઝાળની દિશાથી માંડીને ટીટોડીનાં ઈંડાં સુધીનાં અનેક નિરીક્ષણો સચોટ પૂરવાર થયાં છે.

ભારતમાં વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે. ઈસરો ૨૦ ઉપગ્રહો એક સામટા છોડી બતાવે છે. મંગળયાનની સફળતા છે ત્યારે હવામાન ખાતું પાછળ કેવી રીતે હોઈ શકે? એમાંય ગત વર્ષે પૃથ્વી વિજ્ઞાન ખાતાએ હવામાન આગાહી સુધારવા માટે રૂ. ૪.૫ અબજ ખર્ચીને નવ ડૉપ્લર રડાર, ૨૦ મિની રડાર અને ૨૩૦ ઑટોમેટિક વેધર સ્ટેશન નાખવાની જાહેરાત કરી છે. અત્યારે હવામાન ખાતા પાસે ઓલરેડી ૭૦૦ ઑટોમેટિક વેધર સ્ટેશન છે જ. રાજકોટમાં તો અશોક પટેલ જેવા ઉત્સાહી ભાઈએ પ્રાઇવેટ વેધર સ્ટેશન ઘરે બનાવ્યું છે. તેની વેબસાઇટ પણ બનાવી છે.

ટૂંકમાં, હવામાન ખાતું ખોટું નથી હોતું, હા, મોડલ હજુ પર્ફેક્ટ નથી, તેમ જરૂર કહી શકાય.

Advertisements
gujarat, Mumbai Samachar, science

ત્રણ શહેર, ત્રણ પુરુષ, એક શોધ

INTERVAL-16-03-2016-Page-1-page-001

(મુંબઈ સમાચારની ‘ઇન્ટરવલ’ પૂર્તિની કવરસ્ટોરી તરીકે આ લેખ તા.૧૬/૦૩/૧૬ના રોજ પ્રસિદ્ધ થયો.)

પહેલાં આ નગરની ઓળખ એ રીતે હતી કે ત્યાં ટ્રેન બદલવી પડતી. તે પછી બે યુવાન ચહેરાઓએ આંદોલન જગાડી આ નગરને નવી ઓળખ આપી. હવે આ નગરની ઓળખ સાપ થકી બદલાઈ છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ વિરમગામની. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર થકી ઓળખાતા વિરમગામને પાયથોન ફ્રી પણ કહેવાય છે. અહીંના લોકો પહેલાં અજગરને જોતાં તો લાકડી લઈને મારવા દોડતા. પણ હવે જો કોઈ અજગરને મારવા જાય તો તેમની સામે લાકડી લઈને અહીંના લોકો ઊભા રહી જાય છે. આ જાગૃતિ લાવી છે જયદીપ મહેતાએ.

ગુજરાત સરકારના ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટરના પ્રૉજેક્ટમાં કામ કરતા જયદીપ મહેતાએ વિરમગામને એક બીજી ઓળખ પણ આપી છે. સાપની નવી પ્રજાતિ વિરમગામથી મળી આવી છે અને આ સાપ શોધ્યો જયદીપે. સાપની નવી પ્રજાતિ વેલેસૉફિસ ગુજરાત અને મુંબઈની ટીમે સાથે મળીને શોધી એ સમાચાર તો વાંચ્યા જ હશે, પણ કઈ રીતે આ ટીમ ભેગી થઈ?

ધો. ૧૨થી વાઇલ્ડલાઇફનો શોખ પોષતા અને સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાતના સરિસૃપ-ઉભયજીવી પ્રાણીઓ પર પીએચ.ડી કરતા હર્ષિલ પટેલ કહે છે, “અમે સમાન શોખ ધરાવતા લોકો એકબીજાના સંપર્કમાં રહીએ છીએ. હું બેંગલુરુના નેશનલ સેન્ટર ફૉર બાયોલોજિકલ સાયન્સીસ (એનસીબીએસ)ના ઝીશાન મિર્ઝાના સંપર્કમાં ઘણાં વર્ષોથી હતો અને વડોદરામાં મગરના સંરક્ષણનું કામ કરતા રાજુભાઈ વ્યાસના પણ સંપર્કમાં ઘણા સમયથી હતો. રાજુભાઈને ભાવનગરથી આવા એક સાપનો ફોટો આવ્યો હતો. પરંતુ ફોટા પરથી ઓળખી ન શકાય. તોય તેમણે તે વખતે પોતાના લેખમાં તે ફોટો છાપ્યો હતો. આ ફોટો ઝેનિશ મિર્ઝાએ પણ જોયો હતો. પરંતુ તે વખતે તેના પરથી કોઈ અનુમાન કરી શકાયય તેમ નહોતું.”

રાજુભાઈ વ્યાસ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટમાં કામ કરે છે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી સરિસૃપ જીવો પર અભ્યાસ કરે છે. તેમણે ટીમની રચના વિશે સરળ ભાષામાં કહ્યું કે એક ક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવી જ જતા હોય છે તેમ અમે પણ સંપર્કમાં રહીએ છીએ. હર્ષિલ કહે છે, “અમારી આ ટીમ કાયમી નથી. હું સુરત છું, રાજુભાઈ વડોદરા છે, જયદીપ વીરમગામ આસપાસ કામ કરે છે. અમારું કામ પણ અલગ-અલગ છે. અમે માત્ર આ કામ માટે એકત્ર આવ્યા. જોકે એનો અર્થ એવો પણ નથી કે ભવિષ્યમાં સાથે નહીં આવીએ.”

અત્યારનો સમય એવો છે કે મોટા ભાગની વ્યક્તિઓ પોતે એકલા જ કામનો જશ ખાટવા પ્રયાસ કરે. બધું પોતે જ કર્યું છે તેવું સાબિત કરવા પ્રયાસ કરે. પરંતુ ગુજરાતના આ ત્રણ ‘પુરુષો’ની ટીમમાં આવું નથી. હર્ષિલ કહે છે, “આ કામ એકલદોકલથી થાય તેવું નથી. જયદીપને સાપ મળ્યો. મને તેની ખબર પડી. રાજુભાઈએ છેલ્લાં ઘણા સમયથી તેના વિશે ડેટા એકત્ર કરીને રાખ્યો હતો. મને મૉર્ફોલૉજી વગેરે બાબતોની ખબર પડે. રાજુભાઈ ફિઝિયૉલૉજિકલ એટલે કે વર્તન ઉપરથી માહિતી આપી શકે. તો ડીએનએ એનાલિસિસ વગેરે ઝીશાનને ફાવે છે.”

આ પ્રકારના સાપ તો હતા જ તો અત્યાર સુધી ઓળખાયા કેમ નહીં? જયદીપ કહે છે, “અત્યાર સુધી તેને બીજા સાપ ગણી લેવાતા હતા એટલે કે તેની ખોટી ઓળખ થતી હતી.” જયદીપ અજગરની વસતિ પર અભ્યાસ કરે છે. તેને પહેલી વાર આ પ્રકારનો સાપ વર્ષ ૨૦૧૧માં મળ્યો હતો. ત્યારે તેને કલરટૉન વગેરે પરથી શંકા લાગી. તેણે હર્ષિલને વાત કરી.

તો પછી ૨૦૧૧થી ૨૦૧૬- આટલાં વર્ષો કેમ લાગ્યાં? જયદીપ કહે છે, “એક સાપ પરથી નક્કી ન થઈ જાય તે તેની પ્રજાતિ નવી છે. તેના માટે ઓછામાં ઓછા બીજા બેત્રણ સાપ આવા શોધવા પડે. એના કારણે આટલો સમય ગયો. બાકી અમારું ખરું કામ તો વર્ષ ૨૦૧૪થી ચાલુ થયું હતું.”

આ લોકોને ખરેખર ખંતીલા અને અભ્યાસુ લોકો કહી શકાય કારણકે તેમણે અને ઝીશાન મિર્ઝાએ ગાંઠનું ગોપીચંદન કરીને બેંગલુરુના એનસીબીસીમાં તેનું ડીએનએ એનાલિસિસ વગેરે પ્રક્રિયા કરાવી. આ કામમાં સરકારની તેમને કોઈ મદદ મળી નથી. જયદીપ તો રાજ્ય સરકારની હેઠળ પ્રૉજેક્ટમાં કામ કરે છે. રાજુભાઈ પણ રાજ્ય સરકારના પ્રૉજેક્ટમાં કામ કરે છે. તો આવું કેમ? હર્ષિલ એક સૂરમાં કહે છે, “ગ્રાન્ટ મળે તે માટે પ્રપોઝલ આપવી પડે. પુરાવા આપવા પડે. વળી આ ફિલ્ડમાં પણ સ્પર્ધા છે. તેથી સંશોધન બહાર ન પડી જાય તે ધ્યાન રાખવું પડે.” પરંતુ હા, અમારા આ સંશોધન પર ભવિષ્યમાં અમને સરકારની મદદ મળવાની પૂરી શક્યતા છે.

આ સાપની પ્રજાતિનું નામ આ લોકોએ ધાર્યું હોત તો પોતાનાં નામ પરથી પાડી શક્યા હોત, પરંતુ તેમણે રસેલ વૉલેસના નામ પરથી આ પ્રજાતિના સમૂહનું નામ વેલેસૉફિસ પાડ્યું. રસેલ વૉલેસે ચાર્લ્સ ડાર્વિન સાથે સંયુક્ત રીતે ઉત્ક્રાંતિનો વાદ પ્રકાશિત કર્યો હતો. પરંતુ ડાર્વિને વધુ પ્રસિદ્ધિ મળી. આ વાદને ડાર્વિનનો વાદ તરીકે જ ઓળખવામાં આવે છે. રસેલ વૉલેસનું નામ બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે પ્રજાતિનું નામ ગુજરાતેન્સિસ પાડવામાં આવ્યું. આ પ્રકારના સાપ ક્યાં મળી આવે છે? હર્ષિલ કહે છે, “મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર જેવા સૂકા પ્રદેશોમાંથી.” આ પ્રકારની નવી પ્રજાતિ મળે એટલે તેને આંતરરાષ્ટ્રીય જર્નલ ‘પ્લોસ વન’માં પ્રકાશિત કરાય છે. તેની ઝૂ બૅંકમાં નોંધણી કરાય છે જેમાં પ્રજાતિની સામે સંશોધકોનાં નામ અને વર્ષ લખાયેલા હોય છે. www.zoobank.orgમાં જશો અને તેમાં સર્ચ કરશો તો વેલેસૉફિસ સામે આ બધાનાં નામો વાંચવા મળશે.

હર્ષિલને પૂછવામાં આવે કે આવા કારકિર્દીની રીતે સૂકા વિષયને શા માટે પસંદ કર્યો? તો તે નિખાલસતાથી કહે છે, “હું એવો કોઈ તેજસ્વી વિદ્યાર્થી નહોતો કે હું મેડિકલમાં જઈ શકું કે નહોતું મારાં માતાપિતાનું દબાણ. મને આ જ વિષયમાં રસ હતો. જે થશે તે જોયું જશે એમ વિચારીને ઝંપલાવ્યું. મજા પડે છે એ મુખ્ય વાત છે.”

મજાની વાત એ પણ છે કે જયદીપ અને અત્યારે રાજદ્રોહના કેસમાં જેલમાં અંદર હાર્દિક પટેલ બંને સાથે ભણતા અને ક્રિકેટ પણ સાથે રમતા. જોકે તેનાથી વિશેષ જયદીપનું તેના વિશે કંઈ કહેવું નથી. હાર્દિક રાજકીય વિચારધારા ધરાવે છે જ્યારે જયદીપને તો અજગર અને સાપમાં જ રસ છે.

આ સંશોધન પછી કોઈ ઑફર મળી? શું મોટિવેશન મળ્યું? રાજુભાઈ વ્યાસ કહે છે, “લોકો અભિનંદન આપે એ જ અમારું મોટિવેશન.” હર્ષિલ કહે છે, “પહેલાં તો લોકોને આ પ્રકારના સમાચારમાં જ ઓછો રસ હોય છે. મારા વિષય ઝૂલોજીમાં ભણનારા જ કેટલા? સામાન્ય માણસોને આમાં રૂચિ નથી.” જોકે જયદીપ પોતાના અનુભવ પરથી કહે છે કે લોકોની રૂચિ બદલી શકાય છે. “વિરમગામમાં અજગરથી ડરતા લોકોને મેં તેમની ભાષામાં સમજાવ્યા તો આજે સ્થિતિ જુદી છે.” મજાની વાત એ છે કે જયદીપે બી.એ. કરેલું છે પરંતુ શોખના કારણે તે આ વ્યવસાયમાં છે!

જયદીપ કહે છે, “ગીર અને સિંહોની પાછળ ગુજરાતમાં ઘણું કામ થાય છે. પરંતુ હર્પિટોલોજીની બાબતમાં અન્ય રાજ્યોની સરખામણીએ આપણું રાજ્ય ઘણું પાછળ છે. આ અંગે ગુજરાતીમાં સાહિત્ય પણ ઘણું ઓછું છે. આ ક્ષેત્રે કામ કરનારા લોકોને મુશ્કેલી પડે. તેમના વિશે લોકોમાં એવો મત હોય કે આ લોકોના અવળા ધંધા છે. વળી આર્થિક હેરાનગતિ પણ થાય.” જોકે તે આશાવાદી છે. “પહેલાં દેશી સ્ટાઇલથી કામ થતું. સાપ પકડાતો અને તેને છોડી મૂકાતો. અત્યારે યુવા પેઢી વૈજ્ઞાનિક અભિગમથી કામ કરે છે.”

આવા સંશોધનોથી સમાજને લાભ શું? હર્ષિલ કહે છે, “જ્યારે એરિયા કન્ઝર્વેશન કરવું હોય ત્યારે આવી જાણકારી કામમાં લાગે છે. ગીર સિંહના કારણે તો જાણીતું છે, પણ ઘણા ઓછાને ખબર હશે કે ગુજરાતમાં વર્ષ ૨૦૦૯માં ગરોળીની એક જાત શોધાઈ જે માત્ર ગીરમાં જ જોવા મળે છે.”

રાજુભાઈ વ્યાસ કંઈક આવા શબ્દોમાં આ વાત મૂકે છે, “જુઓ, આવા પ્રાણીઓ માનવજાતને સીધી રીતે મદદરૂપ નથી. પરંતુ જીવવૈવિધ્ય (બાયોડાઇવર્સિટી) જરૂરી છે. ડોલ્ફિન અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે છે જે આપણને સોનોગ્રાફી શોધવામાં મદદરૂપ થાય છે. ડોલ્ફિન પરથી પ્રેરણા મેળવી આપણે નવી રડાર પ્રણાલિ વિકસાવી. આમ, આ બધા પ્રાણીઓનું અસ્તિત્વ આપણા માટે સીધી કે આડકતરી રીતે જરૂરી છે.”

પરંતુ હમણાં હમણાંથી હાથી, દીપડા, અજગર વગેરે શહેરોમાં ઘૂસી જવાના કિસ્સા વધી રહ્યા છે, તેનું શું? રાજુભાઈ વેધક શબ્દોમાં કહે છે, “આ પ્રાણીઓનું કોઈ નેટવર્ક નથી. તેમને કોઈ ભાષા નથી. તેમના કુદરતી નિવાસ્થાનો, જંગલ આપણે માનવજાતે પચાવી પાડ્યાં. તેઓ ક્યાં જાય? આપણે ત્યાં કહેવાય છે- જીવો જીવસ્ય ભોજનમ્ . ઉલટું તેમની ફરિયાદ છે, આપણે તેમનાં રહેઠાણો પચાવી પાડ્યાં. પરંતુ તે કોને કહે? તેઓ તો મૂંગા છે.”

gujarat guardian, science

સપનું કહેશે, ભવિષ્યમાં માણસ ક્યાં જશે?

સપનાં જોવાં એ માણસનો જન્મસિદ્ધ હક છે કે નહીં તે ખબર નથી, પરંતુ સપનાં આવવા પર કોઈ ટૅક્સ નથી એટલે માણસ ઢગલાબંધ સપનાં જોતો હોય છે. સપનાં જોવાનું સુખ પણ હોઈ શકે ને દુઃખ પણ. ગરીબ માણસ સપનામાં કરોડપતિ બનવાનું સુખ માણી શકે. કર્મચારી સપનામાં પોતે માલિક બને અને માલિકને પોતાનો કર્મચારી બનાવીને તેના પર બોસગીરી કરી શકે. પતિ સપનામાં નોન સ્ટોપ પત્ની સાથે વાતો કરી શકે અને પત્ની મૂંગીમૂંગી સાંભળી રહે! રમૂજ છોડો, સપનાં ઘણી વાર દુઃખની બાબત પણ બની જાય છે.  માણસને સપનામાં પણ પોતાનો બોસ સતાવતો હોય તેવું બની શકે. ઘણાને એવાં સપનાં આવતા હોય છે કે પોતે કંઈ વાંચ્યું નથી, પરીક્ષા છે અને પરીક્ષામાં પોતે મોડો પહોંચે છે. કેટલાક માને છે કે સપનાં સાચા હોઈ શકે. ખાસ કરીને એવી માન્યતા છે કે વહેલી સવારે આવેલું સપનું સાચું પડી શકે છે. સ્વપ્નનું જ્યોતિષની દૃષ્ટિએ એક આખું શાસ્ત્ર છે જેને સ્વપ્નશાસ્ત્ર કહે છે. સપનામાં સાપ જુઓ તો શું થાય, સપનામાં કોઈને મરેલા જુઓ તો તેનું આયુષ્ય વધે છે તેમ કહે છે. આવી તો અનેક બાબતો આપેલી છે, પરંતુ વિજ્ઞાન સપનાં વિશે શું કહે છે? સપના અંગે વૈજ્ઞાનિકોએ કરેલાં પ્રાચીનથી લઈને તાજેતરના સંશોધનની વાત કરીશું.

વર્ષો પહેલાં માત્ર હિન્દુ સભ્યતા જ નહીં, પરંતુ વિદેશી અનેક સભ્યતાઓ પણ માનતી કે સપનાં એ આપણા ભૂલોક અને ઈશ્વર વચ્ચેનું માધ્યમ છે. ગ્રીક અને રોમન દૃઢ પણે વિશ્વાસ ધરાવતા હતા કે સપનાં એ ઈશ્વરીય સંકેત છે. ૧૯મી સદી સુધી આવું બધું ચાલતું રહ્યું. ૧૯મી સદીમાં એક ઑસ્ટ્રિયન ન્યૂરોલોજિસ્ટ સિગમંડ ફ્રોઇડ અને ફ્રોઇડના શિષ્ય તથા સ્વિસ સાઇકિયાટ્રિસ્ટ કાર્લ જંગે સપનાં અંગે આધુનિક થિયરીઓ રજૂ કરી. ફ્રોઇડની થિયરી દબાયેલી, છુપાયેલી લાગણીઓ અંગે હતી. સપનાંમાં આપણે અવ્યક્ત, અતૃપ્ત વાસનાઓ (ઈચ્છાઓ) પૂરી કરીએ છીએ. કાર્લ જંગ મુજબ, સપનાનું મનોચિકિત્સાની રીતે મહત્ત્વ છે. તેણે સપનાંના અર્થ અંગે અલગ-અલગ થિયરી રજૂ કરી.

સમય જતાં જતાં આગળ ઉપર અનેક થિયરીઓ આવતી ગઈ. એમાંની એક ન્યૂરોબાયોલોજિકલ થિયરી છે ‘એક્ટિવેશન સિન્થેસિસ હાઇપોથિસિસ’. આ થિયરી તો સાફ કહી દે છે કે તમે જે સપનું જુઓ છો તેનો કોઈ અર્થ નથી. ઇલેક્ટ્રિકલ બ્રેઇન આવેગો હોય છે જે મનમાં પડેલા વિચારો અને સ્મૃતિઓને યાદેચ્છિક રીતે (રેન્ડમલી) ઉપાડે છે. આપણે તે સપના રૂપે જોઈએ છીએ. તમે જાગો ત્યારથી તમારા સપનાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે જેની તમને જાણ હોતી નથી. જોકે માનસશાસ્ત્રીઓ માને છે કે સપનાં જરૂર અર્થપૂર્ણ હોય છે. તેમની એક થિયરી છે, ‘થ્રેટ સિમ્યુલેશન થિયરી’. ઘણાં સપનાં આપણને ભય પમાડે તેવા હોય છે. સપનાં બીજું કંઈ નથી પણ એક જૈવિક બચાવની પ્રણાલિ છે. એટલે તે ભય પમાડનારા પ્રસંગોની આગમચેતી આપી દે છે.

જર્નલ ઑફ ન્યૂરોસાયન્સમાં વર્ષ ૨૦૧૧માં પ્રકાશિત એક સંશોધન મુજબ, આપણાં સપનાં અને આપણી યાદશક્તિને ગાઢ સંબંધ છે. રોમ યુનિવર્સિટીમાં ક્રિસ્ટિના માર્ઝાનો અને તેના સાથીઓએ એ સમજાવ્યું કે માણસો કઈ રીતે સપનાં યાદ રાખી શકે છે. આ માટે તેમણે મગજના તરંગોનો સહારો લીધો. તેમણે ૬૫ વિદ્યાર્થીઓ પર પ્રયોગ કર્યા હતા. આ વિદ્યાર્થીઓને સતત બે રાત્રિ તેમની સંશોધન પ્રયોગશાળામાં સૂવડાવ્યા. પહેલી રાત્રે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમને સાઉન્ડ પ્રૂફ અને તાપમાન કંટ્રોલ થઈ શકે તેવા રૂમમાં અનુકૂળ થવા દીધા. તેઓ તેને એડ્જસ્ટ થઈ ગયા પછી બીજી રાત્રે તેમણે વિદ્યાર્થીઓ સૂતા ત્યારે તેમના મગજના તરંગો માપ્યા. આપણા મગજના તરંગો ચાર પ્રકારના હોય છે: ડેલ્ટા, થીટા, આલ્ફા અને બીટા. દરેક તરંગ ઇલેક્ટ્રિકલ વૉલ્ટેજની કંપનની ગતિ દર્શાવે છે. અને સાથે મળીને તેઓ ઇલેક્ટ્રોએન્સીફેલોગ્રાફી (ઇઇજી) બનાવે છે.

હવે એક વાત સમજી લઈએ. આપણા સૂવાના અલગ-અલગ તબક્કા હોય છે. પહેલો તબક્કો કાચી ઊંઘનો છે. તેમાં તમને સહેલાઈથી જગાડી શકાય છે. બીજો તબક્કો હળવી નિંદરનો હોય છે. તે વખતે તમારા હૃદયના ધબકારા ધીમા પડે છે અને શરીરનું તાપમાન ઘટી જાય છે. તમારું શરીર ગાઢ નિદ્રા માટે તૈયાર થાય છે. ત્રીજો તબક્કો ગાઢ નિદ્રાનો હોય છે. આ તબક્કામાં વ્યક્તિને જગાડવી અઘરી હોય છે. જો કોઈ તમને આ ઊંઘમાંથી જગાડે તો તમને સુસ્તી રહે છે. કેટલાક લોકો માને છે કે આ તબક્કામાં જો તમને ઊંઘ આવી જાય તો એટલી ઊંઘ પણ પૂરતી છે. આ ત્રણેય તબક્કા એનઆરઈએમ તબક્કાના છે. દરેક તબક્કા ૫થી ૧૫ મિનિટના હોય છે. ચોથો તબક્કો આરઇએમ છે. આરઇએમ એટલે રેપિડ આય મૂવમેન્ટ. જ્યારે એનઆરઇએમ એટલે તેનાથી વિરોધી. આરઇએમ તબક્કો તમે સૂવો તે પછી ૯૦ મિનિટે આવે છે. તેનો પહેલો ગાળો દસ મિનિટનો હોય છે. તે પછીના ગાળા ક્રમશઃ વધતા જાય છે. અંતિમ ગાળો એક કલાકનો હોઈ શકે છે. બાળકો સામાન્યતઃ તેમની પચાસ ટકા ઊંઘ આરઇએમ તબક્કામાં લે છે. જ્યારે પુખ્ત વયના લોકો માત્ર ૨૦ ટકા ઊંઘ આરઇએમ ગાળામાં લે છે. આરઇએમ ગાળા પછી ફરી નોનઆરઇએમ ગાળો શરૂ થાય છે અને આ રીતે આખું ચક્ર ચાલે છે.

આ અલગ-અલગ તબક્કાઓમાં તરંગોમાં શું ફેરફાર થાય છે તે આ સંશોધકોએ માપ્યું તો જણાયું કે આરઇએમ તબક્કામાં આપણને મોટા ભાગનાં સપનાં આવે છે. આ પ્રયોગ દરમિયાન વિદ્યાર્થીઓને વારંવાર ઉઠાડાતા અને તેમને લખવાનું કહેવામાં આવતું કે તેમને સપનું આવ્યું છે કે કેમ અને જો આવ્યું છે તો યાદ છે કે કેમ. આ પહેલાં જે અભ્યાસ થયા હતા તેમાં એ પૂરવાર થઈ ચુક્યું હતું કે આરઇએમ તબક્કા પછી જો આપણે તરત જ જાગી જઈએ તો આપણને આપણું સપનું યાદ રહે છે. પરંતુ ક્રિસ્ટિના માર્ઝાનો અને તેમની ટીમે કરેલા સંશોધનમાં આનું કારણ અપાયું છે. મગજના આગળના ભાગમાં જેને થીટા તરંગની ઓછી આવૃત્તિ હતી તેઓ સપનાંને યાદ રાખી શકતા હતા.

આપણે જ્યારે જાગતા હોઈએ છીએ ત્યારે આપણા જીવનમાં જે જે કંઈ બન્યું હોય છે તેની સ્મૃતિઓનું સાંકેતિકરણ (એનકોડિંગ) થઈ જાય છે અને તે વખતે આ થીટા તરંગોની પ્રવૃત્તિ વધુ હોય છે. આ જ સંશોધકોએ બીજું એક સંશોધન કર્યું અને સપનાં તેમજ મગજના માળખા વચ્ચેનો સંબંધ શોધી કાઢ્યો. દા.ત. માણસને સામાન્ય રીતે જે યાદ રહે તેવાં હોય તે સ્પષ્ટ, વિચિત્ર અને લાગણીસભર તીવ્ર સપનાં એમીગ્ડાલા અને હિપ્પોકેમ્પસ નામના મગજના ભાગ સાથે જોડાયેલાં છે. આ હિપ્પોકેમ્પસ કમ્પ્યૂટરની રેમ પ્રકારનું કામ કરે છે. તે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાની યાદોમાંથી માહિતી ભેગી કરે છે.

અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીના મેથ્યુ વોકર અને તેના સાથીઓએ એક અભ્યાસમાં જણાવ્યું છે કે જો તમે આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લો તો તમે રોજિંદા જીવનની જટિલ લાગણીઓ વધુ સારી રીતે સમજી શકશો. આરઇએમ તબક્કામાં ઓછી ઊંઘ લેવી અર્થાત્ ઓછાં સપનાં જોવાં.  આમ વર્ષો વર્ષથી વિદ્વાનો પ્રયાસ કરી રહ્યા છે કે માણસોને આવતાં સપનાં પાછળનું રહસ્ય તેઓ ઉકેલી શકે.

આવો એક સૌથી તાજો પ્રયાસ લંડનના ન્યૂરોસાયન્ટિસ્ટ હ્યુગો સ્પિયર્સે અને તેમના સાથીઓએ કર્યો છે. ‘ઇ-લાઇફ’માં પ્રકાશિત તેમના અભ્યાસ મુજબ, ઉંદર તેના સપનામાં એ સ્થળ જુએ છે જ્યાં તે જાગતા જવા માગતો હોય છે અને આ અભ્યાસ દ્વારા આપણા મગજમાં સ્થળોનું જે મેપિંગ (નકશાંકન) થાય છે તેનો ખ્યાલ આવે છે. અભ્યાસમાં ઉંદરોને ત્રણ પ્રકારની પરિસ્થિતિઓમાં મૂકવામાં આવ્યા. પહેલી, તેમણે ખોરાક જોયો પણ ત્યાં સુધી તેઓ પહોંચી શક્યા નહીં. બીજી, તે પછી તેમને અલગ ચેમ્બરમાં આરામ કરવા દેવામાં આવ્યો. ત્રીજી, તેમને ખોરાક સુધી પહોંચવા દેવામાં આવ્યા. જ્યારે ઉંદર આરામ કરતા હતા ત્યારે તેમના મગજમાં પ્રવાસ સાથે સંકળાયેલા કોષો પ્રવૃત્ત બન્યા. તે દર્શાવતું હતું કે તેઓ સપનામાં ખોરાક સુધી પહોંચ્યા હશે અને ત્યાંથી પાછા વળ્યા હશે. જે ખોરાક તેમને જાગતા નહોતો મળ્યો.

સંશોધકોનું કહેવું છે કે આના લીધે આપણને હિપ્પોકેમ્પસને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે. અભ્યાસમાં પ્રયોજાયેલા ઉંદરો હિપ્પોકેમ્પસનો ઉપયોગ માત્ર તેમણે જોયેલા ખોરાકને યાદ રાખવામાં જ નહોતા કરતા પરંતુ ત્યાં પહોંચવા માટેનો નકશો બનાવવામાં પણ કરતા હતા. જ્યારે માણસ પણ ક્યાંય જાય છે ત્યારે તેના મગજના હિપ્પોકેમ્પસમાં નકશો બની જાય છે. માણસ જ્યારે ઊંઘે છે ત્યારે આ હિપ્પોકેમ્પસમાં સંઘરાયેલો નકશો બહાર આવે છે અને માણસ જેતે સ્થળે ગયો હોય તેમ લાગે છે. એટલે માનો કે તમે અત્યારે જે ઘરમાં રહો છો તેના બદલે સપનામાં તમને તમારું ભૂતકાળનું ઘર યાદ આવે તો તેને માટે આ હિપ્પોકેમ્પસને જવાબદાર માનવું.

આ હિપ્પોકેમ્પસમાં ખાસ કોષો હોય છે જેને વૈજ્ઞાનિકોએ ‘પ્લેસ સેલ્સ’ એવું નામ આપ્યું છે. જ્યારે તમે કોઈ સ્થળે જાવ ત્યારે હિપ્પોકેમ્પસના પ્લેસ સેલ્સનાં ન્યૂરોન  ઉત્તેજિત થાય છે અને તે સ્થળને નોંધી લે છે. બીજા સ્થળે જાવ ત્યારે બીજા પ્લેસ સેલ્સનાં ન્યૂરોન તેને નોંધી લે છે. આમ, મગજમાં એક નકશો બની જાય છે. સ્પિયર્સ આ અભ્યાસમાં એ પણ જોવા માગતા હતા કે મગજની પ્રવૃત્તિના કારણે એ આગાહી કરી શકાય કે ઉંદર જાગતા હશે ત્યારે ભવિષ્યમાં ક્યાં જશે? આ માટે મગજમાં ઇલેક્ટ્રોડ મૂકવા પડે. આવું નૈતિક કારણોસર માણસ પર કરવું શક્ય નથી. એટલે ઉંદરો પર આ પ્રયોગ કરાયો. તેમને ટી જંક્શનવાળા એક ટ્રેક પર મૂકવામાં આવ્યા. તેમાં એક શાખામાં કંઈ નહોતું. જ્યારે બીજી શાખામાં ખોરાક હતો. હવે આમાં વચ્ચે એક આડશ જેવું મૂકાયું હતું. આથી જે ઉંદરો ટી જંક્શનની ખોરાકવાળી શાખા તરફ ગયા હતા તેમના પ્લેસ સેલ્સમાં પ્રવૃત્તિ જણાઈ જે કદાચ તેમને ખોરાક તરફ જવાનો નકશો આપવાનો હતો. પરંતુ જે ઉંદરોને ટી જંક્શનની ખાલી બાજુ તરફ મોકલાયા હતા તેમના મગજમાં આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ નહીં. આમ, આ વાતનો સૂચિતાર્થ એ પણ ખરો કે જો મગજમાં ભાવિ નકશો આકાર લઈ શકે તો ભાવિ ઘટનાઓ કેમ નહીં. ન્યૂરોબાયોલોજિકલ થિયરી કહે છે કે સપનાનો કોઈ અર્થ નથી. જ્યારે આ સંશોધન સંકેત આપે છે કે માણસનું મગજ ભાવિ ઘટનાઓ સપના રૂપે જણાવી શકે.

(ગુજરાત ગાર્ડિયનની સાયન્સ પૂર્તિમાં તા. ૧૮/૭/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, science

પૃથ્વી પર જીવનનું મરણ નજીક આવી રહ્યું છે?

હમણાં અખબારોમાં એક સમાચાર ઝળક્યા: પૃથ્વી વિનાશના છઠ્ઠા તબક્કામાં. પૃથ્વીના વિનાશની વાતો સમયાંતરે આવતી રહે છે. ૨૦૧૨માં પણ પૃથ્વીનો નાશ થવાનો છે તેવી વાતો બહુ ચગેલી, પરંતુ તે પછી ત્રણ વર્ષ વિતી ગયાં. કંઈ થયું નહીં, તમે કહેવાના.

કંઈ થયું નહીં? ખરેખર?

તો પછી આ નેપાળમાં ભૂકંપમાં હજારો લોકો મરી ગયા, સિંધમાં ગરમીના મોજાંએ સેંકડો લોકોનો ભોગ લીધો, કાશ્મીરમાં પૂરના કારણે અનેકોનાં મોત થયાં, મલેશિયામાં પૂર આવ્યાં. અમેરિકાના લુઇઝિયાનામાં પૂર આવ્યા. કોલમ્બિયામાં ભૂસ્ખલનો થયાં. આ બધું ક્રમશ: વિનાશ નથી તો શું છે?

આ બધાનું કારણ આપણી જીવનશૈલી, આપણા વ્યવહારો અને પર્યાવરણની સાથે આપણે કરી રહેલાં ચેડાં છે અને આ બધું કંઈ અધ્યાત્મની રીતે કે ગપ્પાબાજીની રીતે નથી, પરંતુ વૈજ્ઞાનિકો આવું કહે છે. તેમણે આગાહી કરી છે કે જો આપણે બદલાઈશું નહીં તો આગામી ૩૦ વર્ષમાં વૈશ્વિક પ્રલયની સ્થિતિ સર્જાશે. તેનાં કારણો આપણે એક પછી એક જોતા જઈએ.

પહેલું કારણ. વસતિમાં કૂદકે ને ભૂસકે વધારો. સરકાર ગમે તેટલો પ્રચાર કરે પરંતુ બાળકો બે બસનો નિયમ પળાતો નથી. શિક્ષિતોમાંથી પણ ઘણા આ નિયમ પાળતા નથી, તો પછી અભણની શું વાત કરવી? ભારતની વાત નથી, અમેરિકા જેવા મહાસત્તામાં ઘણા સેલિબ્રિટી બેથી વધુ બાળકો કરી રહ્યાં છે.  ભારતમાં તો હવે ધર્મવાળા જ કહેવા લાગ્યા છે કે બચ્ચે ચાર હી અચ્છે. પરિણામે વસતિ સતત વધી રહી છે. વસતિ વધે એટલે સ્વાભાવિક જ વધુ અનાજ જોઈએ. જરૂરિયાતો વધુ જોઈએ. સ્પર્ધા પણ વધે. રહેવા માટે જગ્યા પણ વધુ જોઈએ.

પરિણામે મેદાનો ઓછાં થતાં જવાનાં. વૃક્ષો ઓછાં થતાં જવાનાં. ખેતરો પણ ઓછાં થતાં જવાનાં. (ખેતરની જમીન વેચીને કરોડો રૂપિયા એકસામટા મળી જતા હોઈ ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ થવામાં જ મજા જુએ છે અને ખેતરની જમીન વેચી રહ્યા છે.) ઔદ્યોગિકરણના લીધે પણ ખેડૂતો જમીન વેચી રહ્યા છે. આનું સીધું પરિણામ એ આવે છે કે ખેતી ઓછી થઈ રહી છે. વળી, અનાજ કરતાં રોકડિયા પાકમાં ખેડૂતોને વધુ રસ પડી રહ્યો છે. પરિણામે અનાજની તંગી થઈ રહી છે.

એક અંદાજ પ્રમાણે, ઈ. સ. ૨૦૫૦માં વિશ્વની વસતિ નવ અબજે પહોંચી જશે. અત્યારે સાત અબજે આ સ્થિતિ છે તો નવ અબજે શું થશે? એ તો ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિક પણ કહી ગયા છે કે અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડે છે. તો પછી આટલી વસતિ થશે એટલે રહેણાંક, શિક્ષણથી લઈને નોકરી સુધી બધામાં સંઘર્ષ વધવાનો જ, તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.

બીજું કારણ. અનાજની તંગી. વીમા કંપની લોઇડ્સ ઑફ લંડને બ્રિટનની ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી પાસે એક અભ્યાસ કરાવ્યો. તે મુજબ, ગરમીનું મોજું,  પાકને થતા રોગ અને અલ નીનો (ટૂંકમાં સમજીએ તો, પ્રશાંત મહાસાગર પર થતી વાતાવરણમાં બદલાવની) અસર –  આ ત્રણ પરિબળોના કારણે વિશ્વભરમાં ખાવાનાં સાંસા પડવાની સંભાવના છે.

ઈ. સ. ૨૦૫૦ની વસતિને જોતાં ૨૦૦૯માં જેટલું અન્ન ઉત્પાદન હતું તેને બમણું કરવું પડે. ઘઉં, મકાઈ, સોયાબીન, અને ડાંગરના ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે તેમ વૈજ્ઞાનિકોને લાગે છે. સ્વાભાવિક છે કે અછત હંમેશાં ભાવ વધારે. ડાંગરની વાત કરીએ તો તેના ભાવ ૫૦૦ ટકા વધશે તેમ મનાય છે. ભાવ વધે એટલે શું થાય? આંદોલનો થાય. ઝઘડા થાય. રોટી રમખાણો થાય. માણસનું મન અશાંત રહ્યા કરતું હોય ત્યારે આવું બધું થવું સ્વાભાવિક છે. આ બધું ક્યારે ન થાય? નૈતિકતા વધુ હોય તો. નૈતિકતા હોય તો ભાવ વધારવાના બદલે, એક સમયે દુકાળ વખતે ઘણા ઉદાર શેઠ મફત અનાજ વહેંચતા, તેવું કરે, ભલે મફત ન વહેંચે, પણ એટલિસ્ટ, ભાવ તો પ્રમાણસર જ રાખે. પરંતુ અત્યારે વિશ્વભરમાં અર્થ અને કામ તરફ જ દોટ હોય ત્યાં ધર્મ અને મોક્ષ એક તરફ જ રહી જવાના.

ત્રીજું કારણ. પર્યાવરણને પહોંચાડાતું નુકસાન. અત્યારે કેટલી બધી સજીવ પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. અમેરિકાની સ્ટેનફોર્ડ, પ્રિન્સટન અને બર્કલી યુનિવર્સિટીએ કરેલા અભ્યાસ પ્રમાણે, પૃથ્વી સામૂહિક વિનાશના છઠ્ઠા તબક્કામાં પ્રવેશી રહી છે. કરોડવાળા પ્રાણીઓ (વર્ટીબ્રેટ) સામાન્ય કરતાં ૧૧૪ ગણી ઝડપે લુપ્ત થઈ રહ્યાં છે. આવો તબક્કો ૬.૫ કરોડ વર્ષ પહેલાં આવ્યો હતો, જ્યારે ડાયનાસોર લુપ્ત થઈ ગયાં હતાં. તેના અગ્રણી અભ્યાસકાર જીરાર્દો સિબાલોસ કહે છે કે આપણી પ્રજાતિ પણ લુપ્ત થઈ જશે અને જો આ ચાલુ રહેશે તો કરોડો વર્ષ પછી પાછું જીવન શરૂ થશે.

વૈજ્ઞાનિકોએ કરોડવાળાં પ્રાણીઓના લુપ્ત થવાના ઇતિહાસનો દર તપાસ્યો. આમાં તેમને જણાયું કે વર્ષ ૧૯૦૦થી ૪૦૦થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ છે. સાયન્સીસ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં આ લુપ્ત થવાનું કારણ ક્લાઇમેટ ચેન્જ, પ્રદૂષણ અને જંગલોનો નાશ ગણાવાયું છે.

વળી, ઍંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી તો એવું ભવિષ્ય ભાખે છે કે પૂર, દુકાળ, વનમાં આગ, ખેતીમાં જીવાતો અને રોગો આ બધું વધતું જ જવાનું છે. ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ભયંકર દુકાળ પડશે. આના કારણે અનાજની ખૂબ જ તંગી થવાની છે. ઑસ્ટ્રિલયામાં દુકાળના કારણે ઘઉંનું ઉત્પાદન ૫૦ ટકા ઘટી ગયું છે. પાણીની તંગી પણ ચિંતાનો વિષય છે. પાણીનો ધંધો કરતા માફિયાઓ આ તંગીને ઓર વણસાવવાના છે. સ્થિતિ તો એવી આવવાની છે કે, ઉપરોક્ત યુનિવર્સિટી મુજબ, ૨૦૨૫માં વિશ્વની બે તૃત્તીયાંશ વસ્તી પાણીની તંગી ભોગવતી હશે. આ બધું થાય એટલે સ્વાભાવિક જ વિરોધ પક્ષો સત્તાધારી પક્ષ સામે લોકોનો રોષ ભડકાવવાની પૂરી સ્થિતિમાં હોય અને એટલે રાજકીય અસ્થિરતાનું પ્રમાણ પણ વધવાની શક્યતા જોવાય છે.

થોડું વિજ્ઞાનની બહાર જઈએ અને આર્થિક રીતે વિચારીએ, તો ભોગવાદી જીવનશૈલી અને ઘટતી જતી બચતના લીધે અમેરિકા-યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ગ્રીસ તો ઘણા સમયથી આર્થિક કટોકટી અનુભવી રહ્યું છે. ભારત જેવો આધ્યાત્મિક દેશ વધુ ને વધુ ભોગવાદી બનતો જઈ રહ્યો છે. કંપનીઓ માર્કેટિંગ અને જાહેરખબરો પાછળ તોતિંગ ખર્ચા કરી રહી છે અને તેના કારણે ઉત્પાદનોના ભાવ પણ આસમાને હોય છે. લોન અને ક્રેડિટ કાર્ડ પર જીવન વધી રહ્યું છે. સામાજિક રીતે એકલતા આવી રહી છે. સ્માર્ટ ફોન અને સોશિયલ મિડિયાએ સામાજીકરણ કરવાના બદલે વધુ એકલા બનાવી દીધા છે. આ પરિસ્થિતિ લોકોના તણાવમાં ઓર વધારો કરનારી છે. પરિણામે કુટુંબના સભ્યો વચ્ચે, રસ્તા પર મુસાફરી કરતી વખતે, એક જ ઑફિસમાં કામ કરનારા લોકો વચ્ચે સંઘર્ષ અને તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે.

ધર્મના નામે લોકોનું નેતૃત્વ કરવા હાલી નીકળેલા કેટલાક લોકો સામાન્ય જનને શાંતિ આપવાના બદલે ભડકાવી રહ્યા છે અને સતત ભય દેખાડી રહ્યા છે. પરિણામે, સીરિયા હોય કે યમન, ઈરાક હોય કે સુદાન કે નાઈજીરિયા કે પછી પાકિસ્તાન, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, ચીન બધે જ સાંપ્રદાયિક હિંસા વધી રહી છે. યમન, સીરિયા, ઈરાક જેવા દેશમાં તો મુસ્લિમો જ સામસામે ઝઘડી રહ્યા છે. આમ, એક જ ધર્મના લોકો વચ્ચે પણ મોટા પાયે હિંસાચાર ચાલી રહ્યો છે.

નાઈજીરિયામાં હિંસાનું એક કારણ ખાદ્ય પૂરવઠાનો અભાવ પણ મનાય છે. સોમાલિયાના લોકો ચાંચિયા બનીને વિદેશોનાં જહાજોનું અપહરણ કેમ કરે છે? સોમાલિયામાં એક તો ગૃહયુદ્ધ ચાલે છે. અતિ ગરીબ દેશ પણ છે. વળી તેના દરિયા કાંઠે વિદેશી જહાજો ઝેરી કચરો નાખી જાય છે. તેના કારણે ત્યાંના માછીમારોની રોજી પડી ભાંગી છે, જેથી તેમણે સશસ્ત્ર જૂથો બનાવ્યાં છે જે જહાજોનું અપહરણ કરે છે. પાકિસ્તાન તો ભારત માટે કાયમનું શિરોદર્દ બની ગયું છે. પાકિસ્તાનમાં રાજકારણીઓ ભ્રષ્ટાચારી હોય છે, ચાહે તે લોકશાહી રીતે આવેલા હોય કે લશ્કરી રીતે. તેઓ જનતાનું ધ્યાન ભટકાવવા ભારત સામે ઝેર ઓકતા રહે છે અને ત્રાસવાદીઓને પોષતા રહે છે. હવે દેશો વચ્ચે યુદ્ધો ઘટી ગયાં છે, એટલે અમેરિકા જેવા શસ્ત્રનો ધંધો ચલાવતા દેશોને શસ્ત્રો વેચવા માટે ત્રાસવાદીઓને ઊભા કરવા પડે છે, પોષવા પડે છે, અને પછી તેઓ જ તેમનો ખાત્મો કરે છે.

આના વિકલ્પો શું? પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હોય અથવા કહો કે માનવોને ટકાવી રાખવા હોય તો શું થઈ શકે? આ કૉલમ વિજ્ઞાનની છે અને આપણે બધી વાત વિજ્ઞાનના આધારે જ કરવાના છીએ એટલે આ વિકલ્પો પણ વૈજ્ઞાનિક રીતે આપવાના છીએ. એક તો, પૃથ્વી પર જીવન ટકાવી રાખવું હશે તો પર્યાવરણ બચાવવું પડશે, ખેતીને ટકાવી રાખવી પડશે, અનાજ ઉત્પાદનને રોકડિયા પાકની જેમ વધુ વળતર આપતા પાક બનાવવા પડશે. પ્રદૂષણ ઘટાડવા માટે સખ્ત ઉપાયો અજમાવવા પડશે. નહીં તો એ સમય પણ દૂર નથી કે જેમ પાણી ગલી ગલીએ પડીકે વેચાય છે તેમ ઑક્સિજન પણ ગલી ગલીએ બોટલમાં વેચાતો લેવો પડે.

એક સુદૂરનો ઉપાય છે અને તે એ કે ચંદ્ર કે મંગળ જેવા ગ્રહ પર જીવન શક્ય બને. આ અંગેની સંભાવનાઓ તો સમયે-સમયે બહાર આવતી જ રહી છે, પરંતુ ખોંખારીને હજુ કહી શકાય એવું નથી. પણ હા, અત્યારથી ચંદ્ર, મંગળ અને શુક્ર પરનાં પ્લોટ વેચાવા લાગ્યા છે! કેટલાક લેભાગુ લોકો આ કામ કરી રહ્યા છે અને આ અંગે સંયુક્ત રાષ્ટ્રોએ સમજૂતી કરી છે કે બહારના ગ્રહ પર કોઈ રાષ્ટ્રનો અધિકાર નથી એટલે આ તત્ત્વોને છૂટો દોર મળી ગયો છે. પરંતુ માનો કે, બહારના ગ્રહ પર રહેવું શક્ય છે તેમ ખબર પડશે પછી ત્યાં જવા માટે પણ એ જ સ્પર્ધા થવાની જે અહીં પૃથ્વી પર થાય છે, કેમ કે ત્યાં જનારા તો પૃથ્વીના જ લોકો હોવાના ને. પરંતુ ત્યાં રહી શકાય છે કે નહીં, રહી શકાય તો કેટલા લોકો રહી શકે, કેટલો સમય રહી શકે આ બધું હજુ ભવિષ્યના ગર્ભમાં છે. એટલે આપણી પાસે બે જ વાતો હાથમાં છે – પર્યાવરણ અને ખેતીને બચાવો. સૌરાષ્ટ્રમાં જેમ સાચવીને પાણીને વપરાય છે તેમ વાપરો.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૨૭/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

gujarat guardian, science

ભવિષ્યમાં કાર પાણી/હાઇડ્રોજનથી ચાલશે!

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોથી સિસકારા ન ભરો! એટલિસ્ટ કારવાળાએ તો ન જ ભરવા જોઈએ. અમેરિકાના ન્યૂ યોર્કમાં કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ તાજેતરમાં એવી શોધ કરી છે કે જેથી તમારા મગજની કાર ફટાફટ દોડવા માંડશે. તમારી કલ્પનાનું વિશ્વ ખુલી જશે. તમને થશે કે લે આવું થાય તો કેવું સારું! ઘણી ખરી શોધ પહેલાં નાના પાયે જ થઈ હોય છે, પરંતુ એ શોધ અથવા એ વિચારના પાયા પરથી મોટી શોધો થતી હોય છે. કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોની શોધ આવી જ લાગે છે. તેમણ એવી નાની કાર બનાવી છે જે પાણીની વરાળથી ચાલે છે. ખુલ ગયા ના મુંહ!

પાણીની વરાળથી ચાલે તો તો મજા પડી જાય ને. પેટ્રોલ કે ડિઝલ કરતાં પાણી કેટલું સસ્તું. વાત સાચી છે, પણ અત્યારે આ શોધ નાની રમકડાની કાર પૂરતી જ છે અને તેમાં શું કીમિયો અજમાવાયો છે તે જોવા જેવું છે. પાણીનો સ્વભાવ હોય છે બાષ્પ બનવાનો. બાષ્પીભવનનો. હજુ ખાસ વરસાદ પડ્યો નથી, એટલે ગરમી ચાલુ જ છે અને ગરમી દૂર કરવા તમે આંગણામાં, ચોકડીમાં કે અગાશી પર પાણી છાંટતા હશો તો ખબર જ હશે કે થોડી વારમાં તો એ પાણી ગાયબ થઈ જાય છે. ઓઝગર સાહીનના નેતૃત્વમાં સંશોધકોએ આ વાતને પકડીને સંશોધન કરવાનું વિચાર્યું.

હવે આ સાહીને ગયા વર્ષે એવું સંશોધન કર્યું હતું કે માટીમાં જે બૅક્ટેરિયા રહેલા હોય છે તે બૅક્ટેરિયાના સ્પોર (એક જાતના કોષ જે ઉત્પાદન અથવા પ્રજનન માટે જવાબદાર હોય છે) ભેજવાળા વાતાવરણમાંથી ભેજ શોષી લે છે અને તેના કારણે તે ફૂલી જાય છે. પછી તેઓ હવા છોડે છે જેથી તેમનું સંકોચન થાય છે. આમ, સ્પોરના કદમાં થતા ફેરફાર પરથી ચીજોને ખેંચી કે ધકેલી શકાય ખરી. શાહીને અને તેમના સાથીઓએ એક પાતળી પ્લાસ્ટિક ટેપની બંને બાજુએ સ્પોરની લાઇન કરી. જ્યારે આ ટેપને સૂકી હવામાં ખુલ્લી રાખવામાં આવી ત્યારે સ્પોર સંકોચન પામ્યા અને તેનાથી ટેપ સ્પ્રિંગની જેમ પાછી ફરી. ભેજવાળી હવામાં ટેપનું વિસ્તરણ થયું. એક રીતે આ કૃત્રિમ સ્નાયુ જેવું થયું. વૈજ્ઞાનિકોએ તેને નામ આપ્યું કૃત્રિમ સ્નાયુ અથવા હાઇડ્રા.

આવા બારેક હાઇડ્રાનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ પ્રાથમિક પિસ્ટન એન્જિન બનાવ્યું. હાઇડ્રાને એક પ્લાસ્ટિક કેસની અંદર મૂકવામાં આવ્યા જેના પર નાનકડાં શટર હતાં. જ્યારે પાણીમાં મૂકવામાં આવતા ત્યારે ભેજના કારણે હાઇડ્રા ફૂલતા અને તેના ઉપરનાં શટર ખુલી જતાં. આના કારણે ભેજ છૂટતો અને હાઇડ્રા સંકોચાતા જેના કારણે શટર બંધ થઈ જતાં. આ ચક્ર આમને આમ ફર્યા રાખતું.

આ પદ્ધતિથી મોઇશ્ચર મિલ બનાવાઈ. મશીનમાં એક પ્લાસ્ટિકનું વ્હીલ હોય છે જે પ્લાસ્ટિકની ટેપથી આવરાયેલું હોય છે. પ્લાસ્ટિક ટેપ પર અગાઉ કહ્યું તેમ એક બાજુએ સ્પોર રાખી દેવામાં આવે છે. અડધું પૈડું સૂકી હવામાં રાખવામાં આવે છે. તેના કારણે પટ્ટી વળે છે. બીજો અડધો ભાગ ભેજવાળી હવામાં હોય છે. તેના કારણે પટ્ટી ફૂલે છે. પરિણામે પૈડું ગોળ ગોળ ફરે છે. તેનાથી એટલી શક્તિ તો મળે છે કે તે એક નાનકડી રમકડાની કારને ચલાવી શકે.

આ પદ્ધતિથી એટલી વીજળી પણ ઉત્પન્ન થઈ કે એક એલઇડી બલ્બ પ્રકાશિત થઈ શકે. આ મશીનનો ઉપયોગ નાની તરતી લાઇટને વીજળી આપવા માટે, દરિયાના તળિયે સેન્સર ચલાવવા માટે થઈ શકે છે.

આમ, આ પદ્ધતિએ ફરી વૈકલ્પિક ઈંધણનો મુદ્દો ફરી ચર્ચામાં લાવી દીધો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ તેમજ તેના પર થોડાક દેશોના કબજાના કારણે વાહનો વૈકલ્પિક ઈંધણથી ચાલે તેવા પ્રયાસો થતા આવ્યા છે. તાજેતરમાં જ એવા અહેવાલો આવ્યા હતા કે કાર તાજી હવા પર ચાલી શકે છે. તમે પર્યાવરણવાદી હો કે ન હો, ખુશ થવા જેવી બાબત આ સમાચારમાં એ પણ હતી કે આ રીતે ચાલતી કારમાં જે ઉત્સર્જન થાય છે તે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ જેવા પ્રદૂષણ કરતા વાયુનું નથી થતું પરંતુ પાણીનું થાય છે!

જાપાનની એક અગ્રણી કંપનીએ આ પ્રકારની કાર બનાવી પણ નાખી છે. તેમાં પેટ્રોલ કે ડિઝલ નાખવું પડતું નથી પરંતુ બ્રહ્માંડમાં સૌથી સામાન્ય એવું તત્ત્વ હાઇડ્રોજનથી તે ચાલે છે. કારની ટાંકીમાં ગેસ નાખી દો. પછી હવામાં રહેલા ઑક્સિજન સાથે હાઇડ્રોજનની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, જેનાથી કાર ચાલે છે. પરિણામે તેમાંથી જે પાણી ઉત્પન્ન થાય છે તે કારમાંથી બહાર છૂટે છે. એમ તો બીજી અનેક ઇલેક્ટ્રિક કાર છે પરંતુ તે થોડાક કિમી જ ચાલી શકે છે. તેની ઝડપ પણ ૬૪ કિમી પ્રતિ કલાકથી વધુ હોતી નથી. પરંતુ જાપાનની આ કારની ગતિ ૧૭૮ કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. એક વાર ટાંકી ભરાવી દો એટલે તે ૪૮૨ કિમી આરામથી ચાલી શકે છે.

એવો સવાલ થઈ શકે કે આ કાર સળગી તો નહીં ઉઠે ને? ૧૯૩૭માં જર્મનીથી અમેરિકાના લેકહર્સ્ટ આવી રહેલું વિમાન હિડનબર્ગ સળગી ઉઠ્યું તેની પાછળનાં જે કારણો ચર્ચાયાં તેમાં એક કારણ એ પણ મનાતું હતું કે ટેન્કમાંથી હાઇડ્રોજન લિક થયો તેના કારણે દુર્ઘટના થઈ. ૨૦૧૩માં તપાસકારો અંતિમ તારણ પર આવ્યા કે દુર્ઘટના માટે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જવાબદાર હતી. હાઇડ્રોજન લિક થયો અને વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાના સંપર્કમાં વિમાન આવ્યું. જ્યારે મેદાન પરના ક્રુ સભ્યો લેન્ડિંગ રોપ્સ લેવા દોડ્યા ત્યારે અર્થિંગ થઈ ગયું અને તેના પરિણામે તણખા થયા.

આમ, હાઇડ્રોજનથી ચાલતી કારમાં પણ આવું કંઈ તો નહીં થાય તેવો સવાલ સ્વાભાવિક છે. આ કારમાં જોકે આવું થવાની ઓછી શક્યતા છે કારણકે તેમાં ફ્યુએલ ટેંક બુલેટપ્રૂફ હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ટાંકીમાં પેટ્રોલ હોય તો કાર ફૂંકાઈ જવાની તકો વધુ છે.

બધી રીતે અનુકૂળ લાગતી આ કારની કિંમત તેનું સૌથી મોટું નબળું પાસું છે. ૬૩,૧૦૪ પાઉન્ડ (અંદાજે રૂ. ૬૩,૫૫, ૭૭૬)માં આ કાર પડે! વળી, હાઇડ્રોજન ભરવાનાં સ્ટેશન પણ હોવા જોઈએ ને. હજુ વિશ્વમાં જ ૩૦૦થી ઓછાં સ્ટેશનો છે. જાપાનમાં અત્યારે ૧૭ સ્ટેશન છે. ૨૦૧૫ સુધીમાં નવાં ૧૯ સ્ટેશન ખુલવાની ધારણા છે. જર્મનીમાં ૧૫, અમેરિકામાં અંદાજે પાંચ, દક્ષિણ કોરિયામાં ૧૧, ડેનમાર્કમાં બે, યુકેમાં ૧૨ છે. ભારતમાં ત્રણ સ્ટેશન છે. જોકે જાપાનમાં સરકાર બહુ જાગૃત છે અને તે આવી કાર ખરીદવા માટે સબસિડી આપે છે જેના કારણે આ કાર ત્યાંના લોકોને ૧૭ હજાર પાઉન્ડમાં (અંદાજે રૂ. ૧૭ લાખ) જ પડે છે.

ભારતની સરકારે પણ પ્રદૂષણ ઘટાડવા માટે ખરેખર ચિંતિત હોય તો આ પ્રકારનાં વાહનોને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમ હેઠળ ભારતની કાર કંપનીઓ બનાવે અને તે ગ્રાહકોને પરવડે તેવા ભાવમાં મળે તે જોવું જોઈએ.

વૈકલ્પિક ઈંધણની વાત નીકળી છે તો ૧૯૯૬નો એક કિસ્સો પણ યાદ આવે છે. એ વખતે આ કિસ્સો બહુ ચગેલો. તમિલનાડુના ૩૦ વર્ષીય રામર પિલ્લાઈ નામના ભાઈ, જે શાળામાંથી ભણતા ઉઠી ગયેલા તેમણે પાણીને ઈંધણમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો હતો. એ વખતે તેમણે વૈજ્ઞાનિકો સમક્ષ પ્રયોગ કરીને આ સાબિત કર્યું હતું અને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા હતા. તેમણે જોયું કે રામરે ઝાડનાં પાંદડાં અને છાલને પાણીમાં નાખ્યાં. તેને ૩૦ મિનિટ સુધી ઉકળવા દીધાં. તેમાં મીઠું, સાઇટ્રિક એસિડ અને અન્ય રસાયણો નાખ્યાં. તેના કારણે ટોચ પર કેરોસીન જેવું એક સ્તર ઉપસી આવ્યું. તે વખતના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી મંત્રાલયના સચિવ વાલાંગિમણ રામમૂર્તિ પણ પ્રભાવિત થઈ ગયા હતા. પિલ્લાઈના ગામવાળા તો પિલ્લાઈની દેશી પ્રયોગશાળામાં બનેલા આ ઈંધણથી જ મોટરબાઇક ચલાવતા હોવાનો દાવો થયો હતો. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ તેમની વાત સ્વીકારી નહોતી અને તે હર્બલ ફ્યુઅલના નામે ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનિક કેમિકલ્સ વેચતો હોવાના આરોપસર સીબીઆઈએ વર્ષ ૨૦૦૦માં તેની ધરપકડ પણ કરી હતી.

જોકે જે રીતે તત્કાળ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ નિવેદન આપ્યું હતું કે દરેક પેટ્રોલિયમ પ્રધાને ઇમ્પોર્ટ લોબી તરફથી ખતરો હોય છે, તે જોતાં એવું પણ અશક્ય નથી કે રામરની શોધને સમર્થન ન અપાયું હોય અને તેને ખોટો સાબિત કરી દેવાયો હોય.

હાઇડ્રોજનથી ચાલતા વાહનની વાત પર પાછા ફરીએ તો ભારતે સાવ નિરાશ થવા જેવું નથી. ટાટા મોટર્સ અને ઇસરોએ અનેક વર્ષોનાં સંશોધન પછી હાઇડ્રોજનથી ચાલતી ભારતની પહેલી બસ બનાવી છે. આના છેડા પણ  પિલ્લાઈની જેમ તમિલનાડુ અડે છે કેમ કે આ બસનું પહેલું નિદર્શન તમિલનાડુના મહેન્દ્રગીરીમાં ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ થયું હતું. આ જ વર્ષમાં રિનોલ્ટ-નિસાન તેમજ ડેમલરે જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં તેઓ પોસાય તેવા અને મોટી સંખ્યામાં ફ્યુએલ સેલ વિહીકલ બનાવશે. બીએમડબ્લ્યુ અને ટોયોટાએ પણ સંયુક્ત રીતે આવાં વાહનો બનાવવા જાહેરાત કરી છે.

ભારતમાં પણ ગયા મે મહિનામાં કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઈઆઈએસઇઆર) અને પૂણે સ્થિત સીએસઆઈઆરએ પણ ફોટોવોલ્ટેઇક સેલ્સમાં સૂર્યશક્તિ સંગ્રહિત કરી, કાર ચલાવી શકાય છે તેવું સંશોધન કર્યું હતું.

વૈજ્ઞાનિકોનું કામ તો હોય છે સંશોધન કરવાનું, પરંતુ તેને સફળ રીતે લોકો સુધી લાવવામાં સરકારે રસ લેવો જોઈએ જેવો જાપાનની સરકાર લઈ રહી છે. સરકાર રસ લે કે ન લે, કંપનીઓની ઉપરોક્ત જાહેરાતો જોતાં, ભારતમાં પણ એક બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલના બદલે હાઇડ્રોજન પર કાર દોડતી હોય તો નવાઈ નહીં.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની સાયન્સ પૂર્તિમાં તા.૨૦/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

gujarat guardian, science

તમારાં બાળકને એમએસજીના ઝેરથી બચાવો

‘ટેસ્ટ ભી હેલ્થ ભી’ એવા સૂત્ર સાથે જેની જાહેરખબર દર્શાવાતી હતી અને માત્ર બે મિનિટમાં તૈયાર થઈ જવાની લાલચ અપાતી હતી તે મેગી લોકોને ખૂબ પસંદ પડી ગઈ હતી. ખાસ કરીને મમ્મીઓ માટે. બે મિનિટમાં તૈયાર થઈ જાય અને બાળકોને સ્વાદમાં ભાવે એ અલગ. આથી ઘરમાં નાસ્તામાં મેગી બનવા લાગી. ધીમેધીમે જનરેશન બદલાઈ. અને નવી મમ્મીઓ કાં તો નોકરીના કારણે અથવા રસોઈ કરવાની આળસના કારણે તેનાં બાળકોને હવે જમવામાં મેગી આપવા લાગી. ઘણી જગ્યાએ ઊંધું પણ થતું. રોટલી-શાક બનાવ્યાં હોય તે ખાવાની બાળકો ના પાડે અને તેમને પૂછવામાં આવે ત્યારે તેઓ મેગી બનાવવાનું કહે.

આપણા માટે જે શ્રેય હોય છે તે આપણને ગમતું નથી. આપણને પ્રેય ગમે છે. જેમ કે બાળક હોય તો તેને રમવું ગમશે, ભણવું નહીં. આવું જ ખાવાની બાબતમાં પણ છે. ઉનાળાની ગરમીમાં આપણને ફ્રિઝનું ઠંડું પાણી ગટગટાવવાની તીવ્રતમ ઈચ્છા થાય પરંતુ તેના કરતાં માટલાનું પાણી સારું. આપણને જે ભાવતું હોય તે આપણા માટે મોટા ભાગે નુકસાનકારક હોય છે. ડાયાબિટીસના ઘણા દર્દીઓ ગળ્યું ખાવાના શોખીન હોય છે. એસિડિટીની ફરિયાદ એવા લોકો વધુ કરતા હોય જેઓ તીખું તમતમતું ખાવાના શોખીન હોય. હા, જે ખૂબ મજૂરી કરતા હોય તેમને, લોકભાષામાં કહીએ તો, પથરા પણ પચી જાય. આપણે ત્યાં નાસ્તા અને ભોજનની એટલી બધી વિવિધતા છે, તેમ છતાં, ગુજરાતમાં હવે તો ગુજરાતી સિવાય બધી જ પ્રકારની વાનગીઓ માતાઓ-વહુઓ બનાવવા લાગી છે.  પંજાબી, દક્ષિણ ભારતીય, કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ. આપણે ત્યાં ઝડપથી તૈયાર થતો નાસ્તો પણ છે જેમ કે સેવમમરા. સિંગદાળિયા, ચણા. ખાખરા. ચવાણુ. પરંતુ આજકાલ પેકેજ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. કોઈને કંઈ ઝંઝટ કરવી નથી. અને મેગીનો ફાયદો (!) એ ખરો કે થોડા મોટાં બાળકો હોય- દસ બાર વર્ષના તો જાતે પણ મેગી બનાવી શકે.

હવે આપણને ખબર પડી છે કે વર્ષોથી જે મેગી આપણામાંના કેટલાક ખાતા હતા તે તો સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ઘણી વાર આપણને કોઈ અધિકૃત સંસ્થા ન કહે ત્યાં સુધી અને જ્યાં સુધી તેની સામે ઝાઝો હોબાળો ન મચે ત્યાં સુધી આપણે એ બાબત માનતા નથી. બાકી, મેગી વિશે આરોગ્ય નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં મેંદો આવતો હોવાથી તે બહુ ખાવી સારી નથી. મેગી ઉપરાંત અન્ય ચાઇનીઝ વાનગીઓમાં પણ વપરાતા આજીનોમોટો વિશે પણ ઘણા સમયથી આ નિષ્ણાતો કહેતા જ હતા કે તેમાં સ્વાદ જ મળે છે, પરંતુ પોષણ નથી મળતું. હવે બધું વૈજ્ઞાનિક અને આરોગ્યની રીતે બહાર આવી રહ્યું છે ત્યારે આપણને ખબર પડી કે આ આજીનોમોટો કેટલો નુકસાનકારક છે.

આજીનોમોટો છે શું? નામ પરથી તે ગુજરાતી હોવાની ભૂલ ન કરવી. તે જાપાનીઝ શબ્દ છે. હકીકતે એક જાપાનીઝ કંપનીનું નામ છે. ઘણી વાર કોઈ ચપલ બનાવતી કંપનીનું નામ ચપલ સાથે જોડાઈ જાય તેમ એક પદાર્થ સાથે આજીનોમોટોનું નામ જોડાઈ ગયું છે. આ પદાર્થ એટલે મોનો સોડિયમ ગ્લુટામેટ જેને ટૂંકમાં એમએસજી તરીકે ઓળખવામાં આવે છે. આ પદાર્થ ઉમામીની સુનામી સર્જે છે. ઉમામી પણ એક જાપાનીઝ શબ્દ છે. તેનો અર્થ થાય છે ચટપટો, મજા પડી જાય, ટેસડો પડી જાય તેવો સ્વાદ. આ સ્વાદને આમ તો સ્વાદની એકેય શ્રેણીમાં ફિટ બેસાડી ન શકાય. ન તે ખાટો હોય, ન તે ખારો, ન મીઠો હોય ન કડવો. તેનું રાસાયણિક સૂત્ર છે – C5H8NO4Na. જાપાનના બાયોકેમિસ્ટ કિકુનાએ ઈકેદાએ પહેલી વાર તેને તૈયાર કર્યું હતું. જાપાનમાં ઘણાં સૂપોમાં કોમ્બુ નાખવામાં આવે છે. કિકુનાભાઈ આ કોમ્બુ જેવો પદાર્થ બનાવવા મથતા હતા અને તેમાં તેઓ સફળ રહ્યા.

આ એમએસજી ટમેટાં, બટેટાં, મશરૂમ, ચીઝ, અન્ય ફળો અને શાકભાજીઓમાં કુદરતી રીતે મળી આવે છે. સૌથી પહેલાં તો એ જાણી લો કે આ એમએસજી એ એક્સાઇટોટોક્સિન છે. તમને થશે કે આ એક્સાઇટોટોક્સિન વળી કઈ બલાનું નામ છે? માનો કે એમએસજી દાઉદ ઈબ્રાહિમ જેવી વ્યક્તિ છે તો એક્સાઇટોટોક્સિન એ ગુંડા છે. હવે તમને ખબર પડી ગઈ હશે કે એક્સાઇટોટોક્સિન એ એક શ્રેણી છે અને તે એવાં રસાયણોની શ્રેણી છે જે સામાન્ય રીતે એમિનો એસિડ હોય છે. તેઓ ન્યૂરોન રિસેપ્ટરને ઉત્તેજે છે. (એક્સાઇટોટોક્સિન નામમાં જ સ્પષ્ટ છે કે ઉત્તેજતાં ઝેરી તત્ત્વો) આ ન્યૂરોન રિસેપ્ટર મગજના કોષોને એકબીજા સાથે સંદેશો પહોંચાડવા દે છે. મતલબ કે જો તમારા પગ પર મચ્છર બેઠું હશે તો તમારું મગજ હાથને આદેશ આપશે કે પગ પરથી મચ્છર ઉડાડ.

એક્સાઇટોટોક્સિન ન્યૂરોન રિસેપ્ટરના સંપર્કમાં આવે છે ત્યારે આવેગમાં એક તીવ્ર ઉછાળો આવે છે. પરંતુ તે પછી તેઓ થાકી જાય છે. કેટલાક કલાકો પછી આ ન્યૂરોન મરી જાય છે. આ અસર મગજના એવા ભાગમાં થાય છે જે આપણા વર્તન, લાગણીઓ, યૌવન, ઊંઘનું ચક્ર અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરે છે.

અમેરિકાના ન્યૂરોસર્જન અને લેખક ડૉ. રસેલ બ્લેલોકે ‘એક્સાઇટોટોક્સિન: ધ ટેસ્ટ ધેટ કિલ્સ’ પુસ્તકમાં સમજાવ્યું છે કે મોનોસોડિયમ ગુલ્ટામેટ એક એક્સાઇટોટોક્સિન છે જે તમારા કોષને ઓવરએક્સાઇટ એટલે કે વધુ પડતા ઉત્તેજે છે. એટલી હદ સુધી કે તેનાથી તેને નુકસાન પહોંચી શકે અથવા તેનું મૃત્યુ થઈ શકે. આમ મગજને નુકસાન કરે છે.

આ એક્સાઇટોટોક્સિન માત્ર ન્યૂરોન સાથે જ રમત નથી રમતાં, પરંતુ જીભ સાથેય રમત રમે છે. તેમાં રહેલાં રસાયણો જીભમાં રહેલાં સ્વાદ કોષોને ઉત્તેજિત કરે છે. આથી આપણે જે ખાઈએ છીએ તેનો સ્વાદ આપણને બહુ સારો લાગે છે. આથી જ તો સૂપ, નાસ્તા, સોસ, ગ્રેવી અને બીજા અનેક ફૂડમાં આ એમએસજી (એમએસજી) અથવા એક્સાઇટોટોક્સિન નાખવામાં આવે છે.

એક્સાઇટોટોક્સિન માત્ર ચાઈનીઝ પ્રકારનાં વ્યંજનોમાં જ હોય છે એવું નથી, કેમ્પબેલના સૂપથી લઈને વેઇટ વોચર્સ અને મેકડોનાલ્ડના અમેરિકન પ્રોસેસ્ડ ફૂડમાં પણ એમએસજી તેમજ એસ્પર્ટેમ નામના એક્સાઇટોટોક્સિન હોય છે. એટલે તમે કોઈ માર્ટ, ફ્રેશ કે મોલમાં કરિયાણું લેવા જાવ અને ત્યાં પેકેજ્ડ ફૂડ, સૂપ, ચિપ્સ, વેફરના પડીકાં ખરીદો તો તેમાં, ફ્રિજમાં રાખેલા ખાદ્ય પદાર્થોમાં એક્સાઇટોટોક્સિન હોવાની પૂરી સંભાવના છે. સ્વાદમાં તો ‘કુરકુરા’ લાગે પણ પછી તેની અસરો વર્તાય.

અને આ એક્સાઇટોટોક્સિનથી કેવી અસરો થવા સંભવ છે? અગાઉ કહ્યું તેમ મગજના ન્યૂરોન સેલને તો તે મારી નાખે જ છે. ‘ધ હેલ્થ સાઇટ’ના કહેવા મુજબ, આ એમએસજી જેવા એક્સાઇટોટોક્સિનથી તમારી યાદશક્તિ અને તમારી શીખવાની પ્રક્રિયા પર અસર થાય છે (એનો અર્થ એ કે બાળકોએ આવા ખાદ્ય પદાર્થો બિલકુલ ખાવા ન જોઈએ). ડૉ. રસેલ બ્લેલોકના કહેવા પ્રમાણે, આ એમએસજીથી લર્નિંગ ડિસએબિલિટી, અલ્ઝાઇમર, પાર્કિન્સન્સ, લોઉ ગેહરિગ રોગ (જેમાં મગજ અને કરોડરજ્જુના કોષોને નુકસાન થાય છે), હંટિગ્ટન્સ ડિસીઝ થઈ શકે. પ્રયોગશાળામાં પ્રાણીઓ પર ગ્લુટામેટનાં ઇંજેક્શન આપવાથી તેમના મગજના નર્વ કોષોને નુકસાન પહોંચ્યું હતું. તેનાથી તમને આંચકીઓ, ચક્કર આવી શકે. બાળકોનાં વર્તન તો બદલાય જ સાથે મોટી ઉંમરની વ્યક્તિને પણ હાઇપરએક્ટિવિટીને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે. જેમને એમએસજીની એલર્જી હોય તેનું તો મોત પણ થઈ શકે.

ડૉ. રસેલ બ્લેલોક મુજબ, જ્યારે વધુ પડતું એમએસજી લેવામાં આવે ત્યારે કાર્ડિઆક અર્હાઇથમિયા (હૃદયના ધબકારા અનિયમિત થવા)ની સ્થિતિ થાય છે. એમાંય જ્યારે મેગ્નેશિયમનો સંગ્રહ ઓછો હોય ત્યારે (જેમ કે એથ્લેટમાં) ત્યારે ઓછા પ્રમાણમાં એમએસજી લો તો પણ કાર્ડિયાક અર્હાઇથમિયા ઉત્પન્ન થાય અને મોત પણ નિપજી શકે. આ સિવાય, એમએસજી લેનારને, ભૂખ ન લાગવી, પાચનની ક્રિયામાં ગરબડ થવી, સ્થૂળતામાં વધારો, આંખને નુકસાન, માથાનો દુખાવો, વધુ પડતો થાક, વિસ્મૃતિ, નિરાશા જેવી આરોગ્ય સંબંધી હેરાનગતિઓ થઈ શકે છે.

કેટલાક લોકો એમ કહે છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ તો એમએસજીને ખાવા માટે સલામત ગણ્યું છે પણ આવા લોકો સિફતપૂર્વક ભૂલી જાય છે કે એફડીએ પણ જો અને તોની રીતે તેને સલામત ગણે છે. ઉપરાંત તે એમ તો કહે જ છે કે તેનાથી ટૂંકા ગાળાનાં રિએક્શન આવી શકે જેમ કે હાથ-પગમાં ખાલી ચડી જવી, પેટમાં બળતરા થવી, ઝણઝણાટી થવી, મોઢું તણાવું, છાતીમાં દુખાવો થવો, માથું દુખવું, ઉલટી થવી, હૃદયના ધબકારા  વધી જવા, તંદ્રા, નબળાઈ, ખૂબ પરસેવો થવો.

તો કેવી રીતે ખબર પડે કે તમે જે બહારથી પેકેજ્ડ ફૂડ લાવ્યા તેમાં એમએસજી છે કે નહીં. આવાં ખાદ્ય પદાર્થો બનાવનારા હોંશિયાર હોય છે. તેઓ એમએસજી લખવાથી બચે છે. વળી, ફૂડ બનાવતી વખતે કે તે બન્યું હોય ત્યારથી તમે ખરીદો કે ઘરે લાવીને ફ્રિજ વગેરેમાં મૂકો ત્યાં સુધીમાં તેમાં એમએસજી બની ગયું  હોવાની શક્યતા છે. એટલે પ્રોસેસ્ડ ફૂડ ખરીદો તો તેમાં સામાન્ય રીતે એમએસજી છે જ તેવું માની લેવું. તાજો ખોરાક લેવો. ઘરમાં બનેલો ખોરાક લેવો. (મમ્મીઓએ ખાસ યાદ રાખવું. થોડી મહેનત થશે પરંતુ ઘરમાં બનેલો ખોરાક બાળકોને આપશો તો તેનું આરોગ્ય અને ભવિષ્ય સુધરશે.) રેસ્ટોરન્ટમાં બને ત્યાં સુધી ખોરાક લેવાનું ટાળવું. જવું જ પડે તેમ હોય તો ત્યાં પૂછી શકાય કે એમએસજી વગરની કઈ ચીજો છે. હવે તમને ખબર પડી જ ગઈ છે કે ચાઈનીઝ અને અમેરિકન પ્રકારના, સ્ટોર કરેલા, પ્રોસેસ કરેલા, પેકેટમાં આવતા ખાદ્ય પદાર્થોમાં એમએસજી હોવાની શક્યતા છે. (અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનીઝ ફૂડનો ચસકો લાગી ગયો હતો, તેથી તેઓ પણ એમએસજી પાછળ ગાંડા થઈ ગયા, પરંતુ ધીમે ધીમે સત્ય સમજાઈ રહ્યું છે.)

એક પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે જો એમએસજી આટલું ખરાબ હોય તો ચીન અને જાપાનના લોકો તો ભરપૂર તેને ખાય છે. તેમને કેમ કંઈ થતું નથી? (નેસ્લેનું પીઆર કેમ્પેઇન ચાલશે તો આવા અનેક સવાલો કેટલાક અખબારોમાં અને ન્યૂઝ ચેનલોમાં આવવા લાગવાના) એનો જવાબ એ છે કે દરેકની સંસ્કૃતિ જેમ અલગ હોય છે તેમ પચાવવાની તાસીર અલગ હોય છે. ચીનાઓ તો વાંદા-ગરોળી-ઉંદર ખાય છે. તમે તે ખાઈ શકવાના? ખાશો તો પચાવી શકવાના? અગાઉ કહ્યું તેમ મજૂર સૂકો રોટલો- ડુંગળી ને મરચા ખાય તો તેને કંઈ ન થાય કારણ કે તે એટલી મહેનત કરે છે કે તેને તે પચી જાય છે. આપણું ખાણું ઘણા વિદેશીઓને બહુ મસાલેદાર- તીખું- સ્પાઇસી લાગે છે. તેમને તે માફક આવતું નથી. એમ, આ એમએસજીવાળા ખાદ્ય પદાર્થો ટેસ્ટી લાગે, પરંતુ અંતે તે હિતકર નથી હોતા. એમએસજીવાળા જ શું કામ, ઉપર કહ્યું તેમ પેકેજ્ડ, પ્રોસેસ્ડ અને સ્ટોર્ડ ફૂડ, જંક ફૂડ આ બધા હિતકર નથી જ.

(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા.૧૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો.)

gujarat guardian, science

ગૂગલ સિવાય પણ ઘણાં સર્ચ એન્જિન છે!

કેટલાંક નામો તેમનાં કામોનો પર્યાય બની જાય છે. આવું કંપનીની બાબતમાં બનતું હોય છે. લોકો ટૂથપેસ્ટ જોઈએ છે તેમ કહેવાના બદલે કોલગેટ કહેતા. ફોટોકોપી કાઢવા માટે ઝેરોક્સ શબ્દ વાપરે છે. અગાઉ સ્ટવના બદલે પ્રાઇમસ જ કહેતા. આવું એક નામ છે ગૂગલ. અંગ્રેજીમાં તો ઇન્ટરનેટ પર શોધ કરવા માટે શબ્દ જ વપરાવા લાગ્યો છે, ‘ગૂગલ ઇટ’. મતલબ કે ગૂગલમાં શોધી લો. ગૂગલ સર્ચ એન્જિનનો પર્યાય બની ગયું છે.

ગૂગલે એટલી બધી સુવિધા આપી દીધી છે કે લોકો કંઈ પણ માહિતી જોઈતી હોય તો ગૂગલની વેબસાઇટ જ ખોલે છે. તમને અંગ્રેજી ન આવડતું હોય તો વાંધો નહીં. કાચો પાકો સ્પેલિંગ લખી નાખો તો ગૂગલ સૂચવે, ‘ડુ યુ મીન …’ મતલબ કે તમે શોધવા માટેના સ્પેલિંગમાં અમિતાભ બચપન લખી નાખ્યું હોય તો તમને સૂચવશે, ‘ડુ યુ મીન અમિતાભ બચ્ચન?’.  એ તો ઠીક, પરંતુ આખો સ્પેલિંગ પણ લખવાની જરૂર નહીં. તમે ગૂગલમાં અમિતાભનો એ, એમ, આઈ ટાઇપ  કરો એટલે પાંચેક વિકલ્પો બતાવે તેમાં તમારો વિકલ્પ હોય તો તેને પસંદ કરીને તેના પર શોધી શકો છો. કોઈ પણ મોટી વ્યક્તિની જન્મતારીખ કે મરણ તારીખ શોધવી હોય તો ગૂગલમાં લખો એટલે પહેલા જ પરિણામમાં તે આપી દીધી હોય. તેના માટે સંબંધિત વેબસાઇટ ખોલવાની જરૂર નહીં.

ગૂગલમાં શોધ પણ બહુ જ ઝડપી છે. કોઈ પણ બાબત શોધવી હોય તો ગણતરીની પળોમાં લાખો પરિણામ તમારી સમક્ષ રજૂ કરી દે. તમારું નામ ફેસબુક કે લિન્ક્ડ ઇન જેવી વેબસાઇટમાં સભ્ય તરીકે જ હોય અને ભલે તમે એવી કોઈ મોટી હસ્તી ન હો તો પણ તમે તમારું નામ ગૂગલમાં શોધ કરશો તો તમારાં નામ જેટલી જગ્યાએ હશે તે બધી વેબસાઇટ બતાવશે. દરેક વ્યક્તિ કંઈ અંગ્રેજી ભાષાની જાણકાર હોતી નથી. વળી, હવે તો ઇન્ટરનેટ પર માત્ર અંગ્રેજી ભાષામાં જ સામગ્રી હોતી નથી. આથી ગૂગલે વિશ્વની મોટી મોટી તમામ ભાષાઓમાં શોધ કરવાની સુવિધા પૂરી પાડી છે. તમને યુનિકોડમાં ગુજરાતી ટાઇપ કરવાનું ફાવતું હોય તો તમે ગુજરાતીમાં પણ શોધ કરી શકો છો.  જોકે હજુ ગુજરાતીમાં શોધ અંગે ગૂગલે એટલું વિકસાવ્યું નથી જેટલું અંગ્રેજી અને હિન્દી બાબતે છે. જેમ કે અંગ્રેજીમાં અગાઉ કહ્યું તેમ ખોટો સ્પેલિંગ લખો તો પણ ગૂગલ શોધ પરિણામ આપે છે, પરંતુ ગુજરાતીમાં, દા. ત. સીતાના બદલે સિતા લખો તો તમને સૂચન પણ નહીં કરે કે તમે સીતા વિશે શોધવા માગો છો? કે તમને સીતા વિશે પરિણામ પણ નહીં આપે. અને જેવું અંગ્રેજી બાબતે છે તેવું ગુજરાતી બાબતે પણ છે. બધાને બધા શબ્દોની જોડણી આવડતી ન હોય. બીજું, ઇન્ટરનેટ પર જે ગુજરાતી લખાણો છે તેમાં પણ જોડણી સાચી હોય તેવું જરૂરી નથી.

ગૂગલે તેની શોધનું ફલક વ્યાપક બનાવી દીધું હોવાથી પણ તે લોકપ્રિય છે. તમે કોઈ સમાચાર વિશે શોધવા માગતા હો તો સમાચારનો વિભાગ છે. પુસ્તક વિશે શોધવા માગતા હો તો તમારે ગૂગલમાં પુસ્તક વિભાગમાં જઈને શોધવાનું. તમે કોઈ તસવીર શોધવા માગતા હો તો તસવીર (ઇમેજ) વિભાગમાં જઈને શોધવાનું. તમે કોઈ વિડિયો શોધવા માગતા હો તો વિડિયો વિભાગ છે. ગૂગલમાં શોધમાં તમને બે વિકલ્પો પણ આપે છે. ગૂગલ સર્ચ અને આઈ એમ ફીલિંગ લકી. જો તમે આઈ એમ ફીલિંગ લકી પર ક્લિક કરો તો તમને તમારી શોધના પહેલા પરિણામની વેબસાઇટ પર લઈ જશે જેનાથી તમારો સમય ઓર બચી શકે છે. વળી, માનો કે તમારે કોઈ શબ્દનો સમાવેશ કરતી જ શોધ કરવી છે તો તમારી પાસે ‘કેશ્ડ વર્ઝન’ જોવાનો પણ વિકલ્પ છે. તેમાં તમને તમારા શબ્દને હાઇલાઇટ કરીને (પીળા રંગથી કે એ રીતે) રજૂ કરાય છે તેથી તમારો શબ્દ તે વેબસાઇટમાં જ્યાં જ્યાં આવતો હશે ત્યાં જોવા મળશે. એટલે માનો કે કોઈ વેબસાઇટે ૨૦૦૦ની સાલમાં જે માહિતી મૂકી હોય તે હવે સાચવી ન હોય અથવા તે વેબસાઇટ અત્યારે બંધ થઈ ગઈ હોય તો પણ તમે કેશ્ડ વર્ઝનમાં તેને જોઈ શકો છો, કારણ કે ગૂગલ દરેક વેબસાઇટના ફોટા પાડીને સાચવી રાખે છે.

વળી, ગૂગલમાં જો કોઈ બીજી ભાષામાં પેજ હોય તો તેનું ટ્રાન્સ્લેશન (ભલે તે મશીનનું ટ્રાન્સ્લેશન હોવાથી કાચુંપાકું હોવાનું) પણ કરી આપશે. તમારે કોઈ એકમનું બીજા એકમમાં રૂપાંતર કરવું હોય, દા. ત. ડોલરનું રૂપિયામાં અથવા કિમીનું મીટરમાં તો તમારે શોધમાં માત્ર એટલું જ લખવાનું એક કિમી = મી તરત તેનો જવાબ જ આવી જશે.

પરંતુ તાજેતરમાં ગૂગલમાં વિશ્વના ટોચના ૧૦ અપરાધીઓની શોધમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતું પરિણામ આપતાં, ગૂગલની વિશ્વસનીયતાને ભયંકર ઠેસ પહોંચી છે. જોકે અગાઉ પણ ગૂગલનાં પરિણામો ઘણી વાર ભળતા જ આવતા હોવાની ફરિયાદ તો હતી જ. પરંતુ શોધવું હોય તો ગૂગલ સિવાય કયા વિકલ્પો છે?

ઘણા! ઓછામાં ઓછા પંદર જેટલા. વિન્ડોઝ બનાવનાર માઇક્રોસૉફ્ટનું એમએસએન સર્ચ એન્જિન ગૂગલની આસપાસ જ આવેલું. તે આજે બિંગ તરીકે ઓળખાય છે. બિંગ ગૂગલને ટક્કર પૂરી પાડવા માટે તેની જેમ જ સજ્જ છે. મતલબ કે બિંગમાં પણ તમે વેબમાં, તસવીરમાં, વિડિયોમાં, સમાચારમાં, નકશામાં, એમ અલગ-અલગ ખાસ શોધ કરી શકો છો. બિંગમાં ટ્રાન્સ્લેશનની સુવિધા મુખ્ય પૃષ્ઠ પર જ મળે છે. તેમાં પણ અલગ-અલગ ભાષામાં શોધ કરી શકો છો અને ગૂગલની જેમ તે પણ તમે સ્પેલિંગ/જોડણી ટાઇપ કરતા જાવ તેમ તમને નીચે શોધ પરિણામો આપવા લાગે છે. તેમાંથી તમારે જોઈતો શબ્દ પસંદ કરીને તે શબ્દ વિશે તમે શોધ કરી શકો છો. બિંગમાં એવી સુવિધા પણ છે કે તમે માનો કે હેમામાલિનીની તસવીર શોધી. તેમાં ધર્મેન્દ્ર અને હેમામાલિનીની તસવીર નીકળી. તે તસવીરની નીચે લખ્યું હોય – ધર્મેન્દ્ર-હેમામાલિની મેરેજ. આ લખાણ પર ક્લિક કરો એટલે ધર્મેન્દ્ર-હેમામાલિનીની જેટલી તસવીરો હશે તે બધી તમને દેખાડશે.

ત્રીજું સર્ચ એન્જિન યાહૂનું છે. યાહૂ પણ ઈ. સ. ૨૦૦૩થી ઇન્ટરનેટ પર છે. ગૂગલ અને બિંગની જેમ જોકે યાહૂનું સર્ચ એન્જિન સાફસૂથરું નથી. ગૂગલ અને  બિંગ ખોલો ત્યારે માત્ર તે સર્ચ એન્જિન જ નીકળે જ્યારે યાહૂમાં સર્ચ એન્જિન ટોચ પર છે જ્યારે નીચે સમાચારોનો ઢગલો. ડાબી બાજુએ તેના વિવિધ વિભાગો છે. યાહૂમાં એક વિશેષ સુવિધા એ છે કે તમે તેમાં લોગઇન થાવ અને તેના મુખ્ય પેજ પર સર્ચ કરતા હો તો જમણી બાજુએ મેઇલમાં તમે તમારા આવેલા ઇ-મેઇલ પર ઉડતી નજર નાખી શકો છો. જો તમારે યાહૂના સર્ચમાં જ જવું હોય તો લાંબુંલચક એડ્રેસ in.search.yahoo.com કરવું પડે. યાહૂમાં પણ ગૂગલ કે બિંગની જેમ અલગ-અલગ વિભાગો નથી. તેથી તમારે માનો કે સમાચારમાં કોઈ બાબત શોધવી હોય તો તમે શોધી શકો નહીં. યાહૂમાં તમે (એડવાન્સ સર્ચમાં જઈને) એકતાળીસ ભાષામાં શોધી શકો છો.

એઓએલ (aol) નામનું એક સર્ચ એન્જિન પણ સારો વિકલ્પ છે. નેટમાર્કેટશેર ડોટ કોમ નામની વેબસાઇટ અનુસાર એઓએલ પ્રથમ દસ સર્ચ એન્જિનમાં આવે છે. યાહૂની જેમ એઓએલનું સર્ચ પેજ પણ સાફસૂથરું નથી. તેમાં આખું પેજ સમાચારોથી ભરેલું છે અને ઉપર સર્ચની જગ્યા આપેલી છે. એઓએલમાં અન્ય ભાષામાં શોધવાની સગવડતા પહેલી નજરે દેખાતી નથી.

આસ્ક (ask) પણ એક સારું સર્ચ એન્જિન છે. તેમાં જોકે તમારે પ્રમાણમાં અજાણી વ્યક્તિ (માનો કે તમારી કૉલેજની ગર્લફ્રેન્ડ કે તમારો  બોયફ્રેન્ડ) વિશે શોધવું હોય તો તે તમને નીચે સીધાં પરિણામમાં જોવા નહીં મળે. જમણી બાજુ આપેલાં પરિણામોમાં તે ફેસબુક, લિન્ક્ડ ઇન, ગૂગલ પ્લસ જેમાં પણ હશે તેની લિંક જોવા મળશે. આસ્કમાં તમે માત્ર છ ભાષામાં  શોધી શકો છો. આસ્કમાં પરિણામોમાં માત્ર વેબસાઇટની લિંક જ મળે છે સાથે તસવીરોનાં પરિણામો નથી મળતાં, જે ગૂગલ, બિંગમાં મળે છે.

વાઉ (wow) નામના સર્ચ એન્જિનમાં મુખ્ય પેજ પર નીચે કેટલીક સાઇટોની લિંક આપેલી છે. આથી તમારે જેતે વેબસાઇટમાં જવું હોય તો તમારે તેને શોધવાની માથાકૂટ નહીં. માનો કે તમારે ઇ-બેમાં જવું છે અને તમે તેનો સ્પેલિંગ જાણતા નથી તો તમે સર્ચમાં જશો, ઇબેનો સ્પેલિંગ ભળતોસળતો ટાઇપ કરશો અને પછી ગૂગલ, બિંગ કે અન્ય કોઈ સર્ચ એન્જિન જે પરિણામો આપશે તેમાંથી તમે વેબસાઇટ પસંદ કરવાના. આ કડાકૂટમાંથી વાઉ બચાવી લે છે. તેના પેજ પર નવેક ઉપયોગી વેબસાઇટની લિંક આપેલી છે. જોકે વાઉ એ ગૂગલ તરફ જ દોરી જાય છે કારણકે તેના પેજ પર લખેલું છે એમ્પાવર્ડબાય ગૂગલ. એટલે વાઉમાં તમે સર્ચ કરો તો પરિણામો ગૂગલના હોય તે જ મળવાનાં.

વેબક્રાઉલર (webcrawler) એક અનોખું સર્ચ એન્જિન છે. માનો કે તમે કોઈ વસ્તુ ગૂગલમાં શોધી, પણ તે ત્યાં ન મળી. તે પછી તમે યાહૂમાં ગયા, તો ત્યાં મળી ગઈ. તમારો કેટલો સમય બગડ્યો? વેબક્રાઉલર તમને ગૂગલ અને યાહૂનાં પરિણામો મિશ્ર કરીને એક જ જગ્યાએ આપે છે. એટલે તમારે એક સાથે બે સર્ચ એન્જિનમાં શોધ થઈ જાય! તેમાં તમે ઇમેજ, ન્યૂઝ, વિડિયો વગેરે અલગ-અલગ વિભાગોમાં શોધ કરી શકો છો.

માયવેબસર્ચ (mywebsearch) પણ વાઉની જેમ ગૂગલની શક્તિથી ચાલતું સર્ચ એન્જિન છે. વાઉ કરતાં તેમાં વધુ સુવિધા એ છે કે તેમાં ૧૩ ઉપયોગી વેબસાઇટની લિંક મુખ્ય પેજ પર જ આપેલી છે. ઇન્ફોસ્પેસ (infospace) પણ સાફસૂથરું સર્ચ એન્જિન છે, પરંતુ તેમાં અલગ-અલગ વિભાગો સીધા નથી આપેલા. તમે કોઈ બાબત શોધો અને તેનાં જે પરિણામો નીકળે તેમાં ડાબી બાજુએ વેબ, ઇમેજ, ન્યૂઝ જેવા વિભાગો આપેલા હોય એટલે તમારે અમિતાભ બચ્ચનની તસવીર શોધવી હોય તો પહેલાં અમિતાભ અંગે સર્ચ કરવાનું અને બાદમાં ઇમેજ પર ક્લિક કરવાનું. ઇન્ફો (info) તેના કરતાં સારું સર્ચ એન્જિન છે. તેના મુખ્ય પેજ પર જ વેબ, ટોપિક્સ, શોપ, જોબ્સ, ઇમેજીસ, ન્યૂઝ, વિડિયો જેવા ઓપ્શન આપેલા છે. (જોબ્સ વાળો વિભાગ ઘણાને ઉપયોગી થઈ શકે.) તેની એક વિશેષતા એ છે કે, માનો કે તમે કેટરીના કૈફની તસવીરો વિશે સર્ચ કરી તો તમને નીચે તસવીરો તો દેખાડશે જ પરંતુ સાથે જમણી બાજુએ તેના વિશે વેબસાઇટની કેટલીક લિંક પણ દેખાડશે. (એક પંથ દો કાજ!) તેમાં તમે સર્ચ પ્રેફરન્સમાં જઈને દસ ભાષામાં શોધ કરી શકો છો. ડકડકગો (duckduckgo) નામના સર્ચ એન્જિનની ટેગલાઇન છે કે તે તમારો પીછો કરતું નથી. તમારી ગોપનીયતા જાળવે છે. ગૂગલમાં ટ્રેકિંગ થાય છે. તેથી ડકડકગોએ આવી ટેગલાઇન રાખી છે. તે પણ સાફસૂથરા પેજ સાથેનું સર્ચએન્જિન છે. એપલે તેનો સમાવેશ તેના સફારી બ્રાઉઝરમાં વધારાના સર્ચ એન્જિન તરીકે કર્યો છે. યાન્ડેક્સ નામનું સર્ચ એન્જિન રશિયાનું છે. તે પણ સાફસૂથરા હોમપેજ સાથે છે, જેમાં ઇમેજીસ, વિડિયો, મેઇલ, મેપ્સ, મેટ્રિકા, યાન્ડેક્સ બ્રાઉઝર જેવા વિકલ્પો આપેલા છે.

ડોગપાઇલ (dogpile)માં તમને ગૂગલ, યાહૂ અને યાન્ડેક્સનાં પરિણામો સાથે મળી રહે છે.

બ્લેકો (blekko) નામનું સર્ચ એન્જિન હવે નથી રહ્યું. તેની વેબસાઇટ ખોલતાં સંદેશો મળે છે કે તેની ટીમ આઈબીએમ વૉટ્સમનમાં જોડાઈ ગઈ છે. કોન્ટેકો (contenko) સર્ચ એન્જિનમાં સર્ચ કરતાં કોઈ પરિણામ જ આવતાં નથી.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શનિવારની સાયન્સ પૂર્તિમાં તા. ૬/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)