humor, media, self

દુનિયામાં શાંતિ થઈ જાય તો કોણ દુઃખી થાય?

સામાન્ય રીતે ઉપરઉપરથી નેતાઓથી માંડીને પત્રકારો બધા જ તેમનાં કાર્યો દ્વારા આ જગતમાં શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ દેખાય છે. નેતા, ડૉક્ટરો, વકીલો..સોરી, વકીલોનું નામ તો બહુ બદનામ થઈ જ ગયું છે. એમ કહેવાય કે, ઝઘડો ચાલુ રહે તે વકીલોને બહુ જ ગમે. ‘દામિની’માં સન્ની દેઓલ જેવો વકીલ છે તેવું બનવાનું કોઈને ગમે ખરું? સાંભળ્યું છે કે એટલે જ વકીલોએ ‘દામિની’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે કોર્ટમાં આ ફિલ્મ વિરુદ્ધ એફિડેવિટ કરી હતી કે મુજકર સન્ની વકીલોને બગાડવાની કોશિશ કરી રહ્યો છે અને વકીલોની છાપ તેનાથી ખરડાઈ છે. યોર ઑનર! આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકાવો.

એમ તો ‘મુન્નાભાઈ એમબીબીએસ’ જોઈ ત્યારે તબીબોને પણ નિદ્રાની ટીકડીઓ લેવી પડી હતી (અલબત્ત, ફાર્માસ્યુટિકલ કંપનીઓએ મફતમાંં આવેલી સ્તો) કેમ કે, તેમની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ડૉક્ટરો જો બધા મુન્નાભાઈ જેવા, દર્દીઓ પ્રત્યે લાગણીશીલ થઈ જશે તો તેમનું ઘર ચાલશે કેમ? અખબારોમાં વિજ્ઞાપનો કેવી રીતે આપી શકાશે કે ફલાણા ડૉક્ટર વિદેશ યાત્રાએ ગયેલા હોવાથી મળી શકશે નહીં.

પરંતુ પત્રકારોને મોટા ભાગે ફિલ્મોમાં સારા જ ચિતરવામાં આવતા હોવાથી તેમણે કોઈ ફિલ્મ વિરુદ્ધ અખબારમાં લખવું પડ્યું નથી. હા, ગિફ્ટનું પેકેટ મળ્યું ન હોય તો લખ્યું હોય તે જુદી વાત છે. (આમ પણ બિચારા પત્રકારો મામૂલી ડાયરી જેવી ગિફ્ટથી પણ ખુશ થઈ જતા હોય છે, ગુજરાતમાં તો એક પેગ પણ ચાલે!)
તો જો જગતમાં બધા જ વર્ગના (વર્ગ કહું છું ત્યારે મારી મતલબ ‘બૌદ્ધિક’ વર્ગ  અવતરણ ચિહ્નમાં કોઈ શબ્દ મૂકાય ત્યારે તેનો બીજો અર્થ થતો હોય છે તે તો ‘બૌદ્ધિક’ વાચકો જાણતા જ હશેની છે) લોકો જો જગતમાં શાંતિ સ્થપાય જાય (અને ભારતના લોકો સાથે સંબંધ છે ત્યારે તેમનું જગત ભારતપાકિસ્તાન અને બહુ બહુ તો અમેરિકા સુધી સીમિત છે) તો તેમની ખુશીનો પાર રહે ખરો?
પણ કદાચ, એક વર્ગ એવો છે જેને ભલે આત્મિક ખુશી (જોકે એ પણ સવાલ તો છે જ) થાય, વ્યાવસાયિક રીતે ખૂબ જ દુઃખી થાય, કંટાળાજનક લાગે.

દાખલા તરીકે, દેશ અને વિદેશના સમાચારોના વિભાગ, જેને અમે ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં ‘પી.ટી.આઈ.’ તરીકે ઓળખતા તેમાં રવિવાર અમારા બધા માટે ભયંકર કંટાળાજનક દિવસ. રવિવારે દેશભરના લગભગ (છાપાં સિવાયના) ધંધાપાણી બંધ રહેતા હોવાથી કોઈ સમાચાર જ ન હોય. અને સમાચાર ત્યારે જ સમાચાર બને જ્યારે કોઈ રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે સામસામે આક્ષેપો થયા હોય, કોઈ મોટું કૌભાંડ બહાર આવ્યું હોય, વડા પ્રધાને પાકિસ્તાન સામે આરપારની લડાઈ લડી લેવાની હાકલ કરી હોય (યસ, અખબારોના સદ્ભાગ્યે ૨૦૦૧માં પણ, જ્યારે આ બંદો ભાવનગરના ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં પી.ટી.આઈ ૅ પૂર્તિ વિભાગ એમ બે વિભાગમાં હતો કહો કે, ‘બે’જવાબદાર હતો ત્યારેય સંસદ પર ત્રાસવાદીઓ હુમલો કરી ગયા હતા અને ત્યારે વડા પ્રધાન રોજે રોજ નિવેદનો આપી પાકિસ્તાન સામે લડી લેવાની વાત કરતા હતા. કોણ કહે છે કે, સમય બદલાયો છે? શાસકો બદલાયા છે? સમય એનો એ જ છે, શાસકો ભલે બદલાયા હોય, ભાષા એની એ જ છે.), કોઈ બેંક લૂંટાઈ હોય એવું કશું રવિવારે બને નહીં. નિવેદનિયા નેતાઓ પણ રવિવારે રજા રાખતા હોઈ, પ્રેસ નોટ મોકલે નહીં. એટલે રવિવારે જગ્યા ભરવાની બહુ જ માથાકૂટ રહે.

અને તાકડે, રવિવારે જ, વિજ્ઞાપનદાતાઓ પણ વિજ્ઞાપન ન આપે, કારણ એ છપાય તો સોમવારના છાપામાં. એટલે સમાચારો માટે જગ્યા બહુ જ મળે. એકબાજુ, સમાચારો (જેને છાપાવાળા ખરેખર સમાચાર માને, બાકી હકારાત્મક સમાચારો તો ઘણા હોય પણ તે વાચકોને મજા પડે તેવા ન હોય, ચટાકેદાર ન હોય એટલે સમાચાર ન બને) ન હોય અને બીજી બાજુ જગ્યા ભરવાની હોય. વળી, અખબારમાં પણ ઘણા વિભાગ (જેમ કે મારો અડધિયો વિભાગ પૂર્તિ) રવિવારે રજા રાખતા હોઈ અખબારના કાર્યાલયમાં પણ સૂનું સૂનું લાગે.

અને ‘સમાચારો’ બને ત્યારે? સાલું એ પણ મોટી રામાયણ! સમાચાર બને ત્યારે એકસાથે અનેક સમાચારો બન્યા હોય. ઉ.ત. એકબાજુ ગુજરાતમાં ભૂકંપ આવ્યો હોય અને બીજી બાજુ અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો થયો હોય (એ બંને ઘટનાઓ અલગઅલગ સમયે જ બની હતી તેવી ટીપ્પણી લખવાની જરૂર નથી, એ લખનારને ખબર જ છે, ઉદાહરણરૂપે વાત મૂકી છે). એટલે બંનેના સમાચારો એકપછી એક પી.ટી.આઈ.ના મશિન પર ઉતરતા જ જતા હોય. અને તાકડે પાછું એવું બને કે એ દિવસે વિજ્ઞાપનો થોકબંધ હોય. એટલે ‘સિટી’વાળા (સિટીવાળા એટલે શહેરના સમાચારો છાપતો વિભાગ)ઓને જગ્યા માટે ભીખ માગવાની. દે દે બાબા! થોડી સી જગા દે દે!  એનો મળવાનો કે ન મળવાનો આધાર પણ ચીફ રિપોર્ટરસાહેબને તેમની પત્નીએ કેવું ખવડાવ્યું છે તેના પર રહે. એટલે વૈકુંઠ નાનું અને ભગતડા ઝાઝા! સમાચાર ઘણા લખવા પડે ને પછી જગ્યા પ્રમાણે ઘણા નીકળતા જાય! પણ એ સાહેબ (મારા સાહેબ હતા શ્રી જિતુભાઈ દવે. તેમની ૬૦ વર્ષથી ઉપરની ઉંમર, પણ તેમ છતાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ અને ઉત્સાહ તેમનો હતો. આજે પણ ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં તેઓ ફરજ એ જ ઉત્સાહ અને નિષ્ઠાથી બજાવે છે) ની નિષ્ઠા જુઓ કે બધા મહત્ત્વના સમાચાર છૂટી ન જાય તે માટે લખવાના તો ખરા જ. દવેસાહેબ પાછા જગ્યા માટે લડે પણ ખરા. ‘સૌરાષ્ટ્ર સમાચાર’ની હોમ એડ. હોય (મોટા ભાગે એ પૂર્તિની જ રહેતી) તો પહેલાં તો તે કાઢવા માટે માથાકૂટ અને ન કાઢી શકાય તેમ હોય તો પછી તેની સાઇઝ નાની કરવા માટે મથામણ!

અખબારોની દુનિયામાં, જમ્મુકાશ્મીરમાં એકબે જણાં ત્રાસવાદીઓના હાથે કે પછી તેનાથી ઉલટું, મરાયા હોય તો સમાચાર જ ન બને! અકસ્માતમાં એકાદ જણું રામપ્યારું થયું હોય તો એક ફકરો જ તેનો બને.

પણ આ બધી રામાયણ છતાં છેવટે, સારું કર્યાનો સંતોષ થાય. પણ મોટી વાત એ છે કે વ્યાવસિયક રીતે કોઈ સમાચાર ન હોય તો દુઃખ પત્રકારને થાય. સમાચારનો અર્થ અહીં ભગવદ્ ગોમંડળમાં આપ્યા પ્રમાણે હકીકત, વર્તમાન કે સારો આચાર નથી થતો, પણ સારો આચાર (હિન્દીમાં આચાર = અથાણંુ) એટલે કે ચટપટા સમાચાર થાય છે. હવે તો જોકે ઘણા માધ્યમો (એટલે કે અખબારો અને સમાચાર ચૅનલો) એવા થઈ ગયા છે કે સમાચાર ન હોય તો સમાચાર પેદા કરવાના. વિવાદ ન હોય તો વિવાદ જન્માવાનો; જેમ કે રાખી સાવંતે તેના બોયફ્રૅન્ડ અભિષેકને લાફો માર્યો. એટલે હવે જો ચટપટા સમાચાર ન હોય તો વ્યાવસાયિક રીતે જ નહીં, આત્મિક રીતે પણ પત્રકારો દુઃખી થતા હોય છે.

કહેવાય છે કે બીજું વિશ્વયુદ્ધ પત્રકારોના કારણે જ થયું હતું!

Advertisements