smart phone, technology

સ્માર્ટ ફોનમાં ગુજરાતી ફોન્ટ નથી વંચાતા?

ઘણા સ્માર્ટ ફોનમાં ગુજરાતી સંદેશાઓ મોકલીએ એટલે જવાબ આવે કે આ શું ચોરસ ચોરસ મોકલ્યું છે? આવા ફોન ધરાવનારાઓ માટે એક એપ ઉપયોગી થઈ શકે- વ્યૂ ઇન ગુજરાતી. તો આ એપ ડાઉનલોડ કરો ને વોટ્સ એપથી માંડીને ઇ-મેઇલ ગુજરાતી ફોન્ટમાં કરો.

Advertisements
smart phone, technology

વોટ્સ એપ, વી ચેટ અને લાઇન

સ્માર્ટ ફોન હોય અને વોટ્સ એપ, વી ચેટ અને લાઇન જેવી આધુનિક ચેટિંગ એપ્લિકેશન ન હોય તેવું ન બને. જેમને કમ્પ્યૂટર ફાવે છે તેમને આ બધામાં બહુ ઝાઝો વાંધો આવતો નથી, પરંતુ મોટી ઉંમરના લોકો માટે વોટ્સ એપ્પ જેવી એપ્લિકેશન અઘરી પડે.જોકે મારા વર્તુળમાં ઘણા મોટી ઉંમરના લોકો પણ છે જે મોટી ઉંમરે પણ યુવાનની જેમ બધું શીખી રહ્યા છે. તેઓ વોટ્સ એપ્પનો છૂટથી ઉપયોગ કરે છે. વિડિયો અને લખાણના સંદેશાઓ મોકલે છે.

ચીને તૈયાર કરેલી એપ્લિકેશન વી ચેટ જે પરિણીતી ચોપરાની ‘અચ્છા તો હમ ચલતે હૈં’ જાહેરખબરની જેમ પહેલી નજરે આકર્ષક લાગે છે. તેમાં તમે તમારા અવાજમાં સંદેશો મોકલી શકો છો. એના માટે તમારે અલગથી અવાજ રેકર્ડ કરવાનો નથી રહેતો, પરંતુ માત્ર ‘હોલ્ડ ટૂ ટોક’ બટન દબાવી રાખીને બોલવાનું. તમારો ધ્વનિ સંદેશ (ઓડિયો મેસેજ, યૂ નો) સામે વાળાને મળી જશે. આ ઉપરાંત તેમાં સોશિયલ વિભાગમાં ‘લુક એરાઉન્ડ’માં તમારી આજુબાજુ છ એક કિમીની અંદર જેટલા લોકો હશે તે બતાવશે. આ સિવાય એક અનોખી સુવિધા ‘શેક’ની છે. તમારે ‘શેક’ પર ક્લિક કરી પછી મોબાઇલને હલાવવાનો (શેક). એટલે તમારી સાથે જે લોકો ‘શેક’ કરતા હશે તે તેમાં બતાવશે. તેની સાથે તમે ચેટ કરી શકશો. એટલે વી ચેટ મુખ્યત્વે યુવાન લોકો, જેમને ચેટ કરવાનું પસંદ છે, પોતાના અવાજમાં સંદેશ મોકલવાની અનુકૂળતા છે (કેમ કે કેટલાક માટે કેટલાક સંદેશા એવા હોય શકે જે કોઈ જોઈ ન શકે તેમ ટાઇપ તો કરી શકાય, પણ બોલી ન શકાય! અથવા આજુબાજુ લોકો હોય તો બોલીને સંદેશો મોકલવો શક્ય ન હોય), જેમને ટાઇપ કરવામાં આંગળા દુઃખે છે કે આળસ આવે છે,  તેમના માટે સારું છે. સામે પક્ષે જેમને તમે ધ્વનિ સંદેશ મોકલો છો તેમને પણ તમારો સંદેશ સાંભળવાની અનુકૂળતા કે એકાંત હોવો જોઈએ. એના માટે જોકે હેન્ડ્સ ફ્રી (કાનમાં ઇયર ફોન )લગાવીને સાંભળી શકાય છે, પણ નોકરી કરતા હો તો એ અનુકૂળતા નથી હોતી કે પછી એ નોકરીમાં શોભતું નથી, સિવાય કે તમે એકદમ તરોતાજા યુવાન હો અને તમારા બોસ સારા હોય! વીચેટમાં ઇમોકોન્સ (લાગણી દર્શાવતાં ચિત્રો)  પણ  સારાં છે.

બીજી તરફ, વોટ્સ એપ્પમાં પણ મોઢું મચકોડતું િઇમોકોનથી માંડીને વિમાન, હૃદય જેવાં ઇમોકોન્સ છે. તેમાં વિડિયો ઝડપથી મોકલી શકાય છે. વીચેટમાં વિડિયો મોકલવામાં વાર લાગે છે, તેવો અનુભવ છે. જેમને ટાઇપ કરવામાં કંટાળો નથી આવતો તેમના માટે વોટ્સએપ્પ મજાનું છે. ખાસ તો તેમાં ઝડપ સારી છે. વળી, તમારા મોબાઇલમાં જે કોઈના ફોનનંબર નોંધાયેલા હોય અને તેમણે પણ વોટ્સ એપ્પ ડાઉનલોડ કરેલું હોય તો તે લોકો આપોઆપ તમને તમારા વોટ્સ એપ્પમાં દેખાય છે. વીચેટની જેમ તેમાં ઉમેરવા નથી પડતા.

લાઇન મોટા ભાગે વીચેટને મળતું આવે છે. (તેમાં પણ ‘શેક’  જેવી સુવિધા છે.) આમ તો લાઇન એ વીચેટના જોડિયા ભાઈ જેવું એટલે પણ લાગે કારણ કે વીચેટ ચીનમાં બનેલી એપ્લિકેશન છે તો લાઇન જાપાનમાં બનેલી છે. ચીના અને જાપાની લોકો દેખાવમાં સરખા હોય તો તેમની એપ્લિકેશન પણ સરખી હોવાની ને. 🙂

સેમસંગના  સ્માર્ટ ફોનમાં તેની પોતાની ચેટઓન એપ્લિકેશન પણ આવે છે. પરંતુ તે ખાસ આકર્ષક નથી લાગતી. એનો ઉપયોગ લોકો કરતા હોવાનું ધ્યાનમાં બહુ આવ્યું નથી. તમારા ધ્યાનમાં આવ્યું હોય તો તમે કહી શકો છો.  બાય ધ વે, તમને ઉપરોક્ત પૈકી કઈ એપ્લિકેશન પસંદ છે તેનો મત આપવાનું ન ભૂલતા.