doordarshan, television

અબે, ઇબેની જાહેરખબર મેં યે કૌન?

દૂરદર્શનકાળ! ૨૦૦૯માં દૂરદર્શનનાં ૫૦ વર્ષને ઘણાએ યાદ કર્યા, ઘણાએ નહીં. એ વખતની સ્મૃતિઓ જ્યારે તાજી થઈ જાય છે ત્યારે હૃદયના ઘણા તાર ઝણઝણી ઉઠે છે.

આઈયેં હાથ ઉઠાયેં હમ લોગ : કહાં ગયે વો લોગ?

એ વખતે દૂરદર્શન પર દેખાતા ઘણા કલાકારો હજુ ક્યાંક ને ક્યાંક, નાના કે મોટા પડદે જોવા મળે છે. ‘હમ લોગ’માં એ વખતની સામાન્ય ગૃહિણીઓ જેવી ગૃહિણી ભાગ્યવંતી (જયશ્રી અરોરા) ‘યહાં મૈં ઘર ઘર ખેલી’ સિરિયલમાં જોવા મળે છે. લલ્લુ બનતા રાજેશ પુરી સબ ટીવી પર ‘ગનવાલે દુલ્હનિયાં લે જાયેંગે’માં દેખાતા હતા. આ સિરિયલનું તેમણે નિર્દેશન પણ કરેલું. અત્યારે સબ ટીવી પર ‘સોનુ સ્વીટી’માં સોનુ (વરુણ બડોલા)ના બોસ તરીકે દેખાય છે. નન્હેં (અભિનવ ચતુર્વેદી)ને છેલ્લે ‘સૌદાગર’માં જોયાનું યાદ છે. બસેશરરામ ( વિનોદ નાગપાલ)ને છેલ્લે ‘કર્મા’ ફિલ્મમાં જોયા હતા. બડકી (સીમા ભાર્ગવ ) ને વચ્ચે કોઈક સિરિયલમાં જોયાં હતાં, પણ સિરિયલનું નામ યાદ નથી (અથવા નામ યાદ રાખવા જેવી સિરિયલ નહીં હોય.) ઉષા રાની બનતા રેણુકા ઇસરાની છેલ્લે ‘મહાભારત’માં ગાંધારી તરીકે દેખાયાં હતાં. દાદીમા સુષ્મા શેઠ હવે લગભગ નિવૃત્ત જેવાં છે, બાકી તેઓ ‘દીવાના’ અને ‘બોલ રાધા બોલ’માં ઋષિ (અંગ્રેજી સ્પેલિંગના કારણે રિશી ખોટું લખાય છે) કપૂરનાં માતા તરીકે દેખાયાં હતાં. સિરિયલમાં પ્રિન્સ અજય સિંહ બનેલા આસિફ શેખ ‘રામા ઓ રામા’માં હીરોથી લઈને ‘૯૦ના દાયકામાં બનેલી ડેવિડ ધવનની ફિલ્મો જેવી કે ‘કુંવારા’, રાકેશ રોશનની ફિલ્મો  જેવી કે ‘કરણ અર્જુન’માં નિયમિત રીતે દેખાતા, એટલું જ નહીં, નાના પડદાની જ વાત કરીએ તો, ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ની સાથે લાંબા સમય સુધી ચાલેલી સિરિયલ ‘યસ બોસ’માં બોસ વિનોદ વર્મા તરીકે એકધારા દેખાયેલા છે. હવે તેઓ  ‘યે ચંદા કાનૂન હૈ’માં વકીલ વિભૂતી નારાયણના પાત્રમાં જોવા મળે છે.

આ ઉપરાંત અર્ચના જોગલેકર (કિસ્સા શાંતિ કા સિરિયલ અને ‘સંસાર’ ફિલ્મ ફેમ) ક્યાંય દેખાતી નથી. હા, જયંત કૃપલાણી સાથે ‘મિ. એન્ડ મિસીસ’થી જોયેલાં અર્ચના આજે પણ ‘કોમેડી સર્કસ’માં અર્ચનાહાસ્ય (અટ્ટહાસ્ય કરતાંય ચડી જાય તેને શું કહેવું?!) કરતી અને ‘દે ધના ધન’માં અક્ષયને ધના ધન લાત મારતી જોવા મળે છે.  જયંત કૃપલાણી લગભગ અદૃશ્ય છે. એવું જ ગિરીશ કર્નાર્ડનું છે. (આ બધી વાતો હિન્દી સિરિયલ કે ફિલ્મોના સંદર્ભમાં થઈ રહી છે.)  ‘કરમચંદ’ પંકજ કપૂર ફિલ્મોમાં અને હમણાં ‘ઓફિસ ઓફિસ’ સુધી સિરિયલોમાં પણ સક્રિય હતા. હમણાંથી ખાસ દેખાયા નથી. ‘કરમચંદ’ની કિટી સુષ્મિતા મુખર્જી દૂરદર્શન પર ‘કભી સાસ કભી બહુ’માં સાસુ તરીકે તેની સાસુ અને પુત્રવધૂ વચ્ચે પીસાતી (અલબત્ત, રમૂજી સિરિયલમાં) જોવા મળે છે.  દૂરદર્શનકાળની સિરિયલોના કલાકારો  નામો યાદ કરવા બેસીએ તો ઘણી લાંબી યાદી થાય.

પણ સાથે સમાચારવાચકોનાં બેચાર નામો યાદ કરવાનો મોહ છૂટતો નથી. શમ્મી નારંગ, જેબી રમન, વેદ ચતુર્વેદી, રિની સાયમન, મંજરી જોશી, અવિનાશ સરીન, સરલા મહેશ્વરી…આ બધાં ક્યાં છે? કહાં ગયે વો લોગ?

ક્રિકેટની કોમેન્ટરી જેમના વિના અધૂરી ગણાતી : ડૉ. નરોત્તમ પુરી

જોકે હમણાં એક સુખદ આશ્ચર્ય થયું, ઇબે (અબે નહીં) નામની ઓક્શન વેબસાઇટની જાહેરખબરમાં દૂરદર્શનકાળના હમણાં સુધી સાવ ગૂમનામ થઈ ગયેલાં સિતારાને જોઈને. આ બે સિતારા એટલે ક્રિકેટની અંગ્રેજી કોમેન્ટરીમાં હર્ષ (હર્ષા ખોટું છે) ભોગલેની જેમ એ દિવસોમાં અનિવાર્ય મનાતા ડૉ. નરોત્તમ પુરી અને અંગ્રેજી સમાચાર વાચક કોમલ જીબી સિંહ. ડૉ. પુરી તો હજુ એવા ને એવા જ છે. નાની પાતળી મૂછો. પણ કોમલ શરીરે ઘણા ભરાવદાર થઈ ગયાં છે અને ચહેરા પર ઉંમર ચાડી ખાય છે.

સાધના શ્રીવાસ્તવ : દૂરદર્શનના સુવર્ણકાળની સોનેરી સ્મૃતિ

અને હા, ઉદ્ઘોષક તરીકે આવતાં સાધના શ્રીવાસ્તવ! તેમની તસવીર નેટ પર મળી ગઈ. તે જોઈને દૂરદર્શનકાળના, લગભગ મંગળવારે આવતા  ‘આપ ઔર હમ’ કાર્યક્રમની યાદ તાજી થઈ ગઈ, જેમાં દર્શકોના પત્રો વંચાતા.

રાજેન્દ્રકુમારનું  પેલું ગીત યાદ આવે છે ને, યાદ ન જાયે બીતે દિનોં કી!

(To read it in English, click : http://jaywantpandyasblog.blogspot.com/)

Advertisements