tourism

એ હાલો…લોણાવળ……સાપુતારાના પ્રવાસે

અમે તાજેતરમાં લોણાવળ*, લવાસા, ગોવા, શિરડી, શનિ સિંગળાપુર અને સાપુતારાના પ્રવાસે જઈ આવ્યા. તેનાં કેટલાંક તારણો-કારણો અને અવલોકનો અત્રે તમારી સાથે વહેંચવા માગું છું, આશા છે તે તમને પસંદ પડશે.

 • જો ઝાઝા જણ અને યુવાન હો તો કાર ભાડે કરીને જવામાં મજા છે. ઘરમાં જ કાર હોય અથવા મિત્ર તેની કાર આપે તેમ હોય તો તો મજા જ મજા! અમે  મહિન્દ્રા ઝાયલોમાં ગયા હતા. તેમાં સીટો* વચ્ચે પૂરતી મોકળાશ હોય છે.  તેનો ફાયદો એ છે કે જે સ્થળની અંદર મુલાકાત લેવી હોય ત્યાં તમારે બીજું કોઈ વાહન ભાડે કરવું પડતું નથી. વળી, તમારી મરજી અનુસાર તેને વચ્ચે-વચ્ચે ઊભું રાખી શકાય છે.
 • લોણાવળ ગયા હો તો સુનીલ કંડલૂર (બરાબર ઉચ્ચાર ખબર નથી કેમ કે તેનું નામ ત્યાં પણ અંગ્રેજીમાં જ લખાયું હતું)ના વૅક્સ મ્યૂઝિયમની મુલાકાત અચૂક લેવી. તે લંડનના મેડમ તુસાદને ટક્કર આપે તેવું છે. ખાસ કરીને કપિલ દેવ, નેલ્સન મંડેલા, અટલ બિહારી વાજપેયી વગેરેનાં પૂતળાં ખૂબ જ સરસ છે.
 • લોણાવળમાં ટાઇગર હિલ છે. ત્યાં જાવ તો ડુંગળી, બટેટાં, પાલક, વગેરેનાં ભજિયાં અવશ્ય ખાજો! તેમાંય સવારમાં ગયા હો તો ચા અને આ ભજિયાં ખાવાનો મજો પડી જશે! ભજિયાં કરકરા હોવાથી સરસ લાગે છે.
 • લવાસાના વિકાસમાં ભ્રષ્ટાચાર થયો હશે, પરંતુ બનાવ્યું છે અફલાતૂન. જોકે, બધી ચીજો મોંઘી પણ એટલી જ છે. અહીં ફ્રેન્કી ખાવાની મજા પડી.*
 • ગોવા આમ તો ત્રીજી વાર ગયો. પહેલી વાર ફરવા, બીજી વાર નસીરુદ્દીન શાહ, સચીન જોશી તેમજ સન્ની લિયોનની જેક પોટના શૂટિંગના કવરેજ માટે અને આ ત્રીજી વખત ફરવા માટે ગયો. પહેલી વખત ગયા ત્યારે ડોના સાલ્વિયા નામના બીચ રિઝોર્ટમાં ઉતરેલાં. અહીં બીચ પ્રાઇવેટ જેવો હોવાથી શાંતિ બહુ રહે છે. આ વખતે કોન્ડોલિમ પાસે સિલ્વર સેન્ડ હાઇડ અવે નામની હોટલમાં ઉતર્યા. આ હોટલ પણ સારી હતી. કોન્ડોલિમ બીચ ખૂબ જ નજીક હતો.
 • મને ચક્કરની સમસ્યા હોવા છતાં હિંમત કરીને (અને ખાસ તો એટલે જ) પેરા સિલિંગ અને સ્પીડ બોટ રાઇડિંગ કર્યું.  આનંદ આનંદ થઈ ગયો. હોટલમાં સ્વિમિંગ કરવામાં પણ ઘણી મજા આવી.
 • મારું ચાલે તો દર વર્ષે હું ગોવા જઉં. ના, બીજા કેટલાક ગુજરાતીઓ જેવા શોખ મને નથી એટલે તેવું ન વિચારતા. ત્યાં બીચ પાસેની કોઈ સારી હોટલમાં ઉતરવાનું, હોટલની અંદરના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવાનું અને પછી બીચ પર મજા કરવાની. ગોવાની જે છબી ફિલ્મો કે અન્ય કારણોસર બની છે તેવું બિલકુલ નથી. ત્યાં ઘણી જ શાંતિ છે. કોઈ ખોટા હૉર્ન વગાડતું નથી. શિસ્ત પ્રમાણમાં ઘણી જ છે. ટ્રાફિક સેન્સ પણ ખરી.
 • આમ તો આ સૌથી પહેલી સૂચના હોવી જોઈતી હતી પરંતુ હવે યાદ આવ્યું તો લખી નાખું. પહેલાં બહારગામ કે ક્યાંક બહાર જાવ તો દીવો કરીને અને મોટાને પગે લાગીને જવાની પ્રથા હતી (હું આજે પણ એ પ્રથા પાળું છું.) તેમ એક બીજી પ્રથા પણ કરવા જેવી છે. મોબાઇલ ચાર્જ રાખવો અને ખાલી રાખવો, જેથી ફોટા-વિડિયો ઉતારી શકાય અને સ્ટોર કરી શકાય.
 • ઇન્ટરનેટની સ્પીડ બધે જ ઇ* (સ્પીડમાં બે નિશાની આવે છે, એચ અને ઇ. એચ એટલે સારી સ્પીડ અને ઇ એટલે ધીમી સ્પીડ) સ્પીડ મળી. એટલે વૉટ્સ ઍપના મેસેજો (મેસેજિસ નહીં)  જોવા કે મોકલવામાં અને અન્ય રીતે ઇન્ટરનેટના ઉપયોગોમાં તકલીફ પડી.
 • જોકે, આધુનિક ટૅક્નૉલૉજીનો ફાયદો પણ ખૂબ મળ્યો. અમે અલગ-અલગ રસ્તા શોધવા નેવિગેશનનો જ ઉપયોગ કર્યો.
 • શનિ શિંગળાપુર રાત્રે ૧૧ વાગે પહોંચ્યા અને ખૂબ જ સરસ રીતે કોઈ જાતની ભીડ વગર દર્શન થયા. આથી નક્કી કર્યું કે હવે પછી જવું ત્યારે રાત્રે  જ જવું. રાત્રે ગિર્દી ઓછી હોય છે. અને શિરડીમાં સાંઈબાબાના દર્શન માટે વહેલી સવારે જવું. જો દસ વાગ્યા આસપાસ તમારો દર્શનનો વારો આવશે અને આરતી શરૂ થઈ જશે તો એક-દોઢ કલાક તેમાં જશે. જોકે જેમને આરતી કરવી હોય તેમના માટે વાંધો નથી. આ જ વાત ઉજ્જૈનના મહાકાલના દર્શનને પણ લાગુ પડે છે.
 • સાપુતારાને ૨૦૦૭માં જોયું તે પછી ૨૦૧૪માં  જોયું, મતલબ સાત વર્ષ વિતી ગયા. આ સાત વર્ષમાં તેનો વિકાસ સારો કરવામાં આવ્યો છે. સાપુતારાની લીલી ચા સાથેની ચા પીવાની મજા જ ઓર છે. બસ અત્યારે આટલું જ.  બીજી કોઈ વાત યાદ આવશે તો અહીં જ અપડેટ કરી નાખીશ.

નોંધ:

*ભારતના પ્રદેશોમા અલગ-અલગ ભાષા છે અને તેમની વચ્ચે સેતુ તરીકે  હિન્દી જેવી કોઈ ભારતીય ભાષા નહીં પરંતુ અંગ્રેજી કાર્ય કરે છે. હિન્દી વગેરે ભારતીય ભાષામાં જેમ બોલાય છે તેમ જ લખાય છે, જ્યારે અંગ્રેજીના સ્પેલિંગના અનેક ઉચ્ચાર થઈ શકે. તેના કારણે ઘણા ભારતીય વ્યક્તિઓ, પ્રદેશો, ગામો, વગેરેનાં નામોના ઉચ્ચારણમાં, તેને અન્ય ભારતીય ભાષામાં લખવામાં આપણે ગરબડ કરીએ છીએ. આમ, સાચો શબ્દ લોણાવળ છે. જેને હિન્દીમાં કે મરાઠી (હિન્દી, મરાઠી, સંસ્કૃત ત્રણેય દેવનાગરી લિપિમાં જ લખાતી હોવાથી ત્રણમાંથી એક પણ ભાંગીતૂટી આવડતી હોય તો તેને વાંચવામાં કોઈ તકલીફ પડે નહીં.) लोणावळ તરીકે લખાય છે. પરંતુ અંગ્રેજીમાં સ્પેલિંગ Lonavala થાય છે તેથી આપણે તેનો ઉચ્ચાર લોનાવાલા કરી નાખ્યો.

* મારો દૃઢ મત છે કે અંગ્રેજી શબ્દને ગુજરાતી ભાષામાં લખો ત્યારે તેનું બહુવચન ગુજરાતી ભાષાના નિયમ મુજબ જ થાય. ઉદાહરણ તરીકે સાડી શબ્દ અંગ્રેજીમાં ગયો તો તેનું Saree થઈ ગયું. તેનું બહુવચન ભારતીય ભાષાના નિયમ મુજબ થાય? તેનું તો અંગ્રેજીના નિયમ મુજબ જ બહુવચન થાય છે. એટલે Sarees! પણ ગુજરાતીના વેવલા કટારલેખકો, નવલકથા લેખકો ને તંત્રીઓએ ખોટો ભ્રમ પાળ્યો છે ને તેમની નીચે કામ કરતા પત્રકારોમાં પણ એ ભ્રમનો અમલ કરાવ્યો છે. વળી, કેટલાક પોતે અંગ્રેજી કેટલું જાણે છે તે માટે પણ આવા શબ્દો બહુવચનમાં અંગ્રેજીના નિયમ મુજબ લખશે, જેમ કે બિસ્કિટ્સ, બુક્સ. અને મારી જેમ જે વ્યક્તિ ગુજરાતી ભાષાના નિયમ મુજબ બહુવચન કરશે તેને ગમાર કે ગામડિયામાં ખપાવશે.

* બિનજરૂરી લંબાણ ટાળવા મુખ્ય મુદ્દા જ લખ્યા છે, એટલે કોઈ એવી કોમેન્ટ પ્લીઝ ન કરતા કે લવાસામાં બસ ફ્રેન્કી જ ખાધી? 🙂

* એચ એટલે એચએસડીપીએ- હાઇ સ્પીડ ડાઉનલોડ પેકેટ એક્સેસ અને ઇ એટલે એજ.

Advertisements