computer, internet, trend

વેબસાઇટ પરની જાહેરખબરો : અતિથિ તુમ કબ જાઓગે?

જાહેરખબરો કોઈ પણ માધ્યમ માટે જરૂરી છે. એમ કહેવાય કે જાહેરખબરો આવે તો કર્મચારીઓના પગાર નીકળે. એક વખતે દૂરદર્શન પર જાહેરખબરો એટલી આવતી કે તેનાથી ત્રાસી જવાતું. ખાસ તો રવિવારે. રવિવારે ૭.૩૦ વાગ્યે ફિલ્મ આવતી. વીસેક મિનિટ સુધી જાહેરખબરો આવે તે પછી જ ફિલ્મ ચાલુ થતી. પણ ફિલ્મ ક્યારે ચાલુ થઈ જાય ને શરૂઆત ચુકી ન જવાય (કારણકે તે વખતે મનોરંજનના, અત્યારે છે તેટલાં અઢળક માધ્યમો નહોતાં) એટલે લોકો આપેલા સમયે ટીવી ચાલુ કરી દેતાં અને જાહેરખબરો પરાણે જોવી પડતી. જોકે કેટલીક જાહેરખબરો જોવી ગમતી પણ ખરી.

એ પછી વચ્ચે જાહેરખબરો આવવાનું શરૂ થયું. ’૯૫ પછી તો દૂરદર્શન પર એટલી જાહેરખબરો (શુક્રવારે) ફિલ્મની વચ્ચે આવતી કે એમ કહેવાતું કે જાહેરખબરોની વચ્ચે ફિલ્મ આવે છે. ખાનગી ચેનલો આવી ત્યારે શરૂઆતમાં આવું નહોતું, પણ ધીરે ધીરે આ દૂષણ એમાંય આવ્યું. અદ્દલ છાપાની જેવું!

કોઈ પણ છાપું કે સામયિક નવું નીકળે એટલે શરૂઆતમાં જાહેરખબરોના ફાંફા હોય. પરિણામે વાંચનસામગ્રીથી ભરપૂર છાપું કે સામયિક લાગે. પછી જેમ જેમ તે જામતું જાય એટલે ઘણી વાર જાહેરખબરોની વચ્ચે વાંચનસામગ્રી આવે. આમાં વાચકદ્રોહ થતો હોય છે. પણ હવે લગભગ બધાએ સ્વીકારી લીધું છે કે છાપા, સામયિક કે માધ્યમમાં જાહેરખબરોને પહેલું પ્રાધાન્ય આપવું જ જોઈએ. છાપામાં કે સામયિકમાં જાહેરખબરોને સમાચારની જેમ લેવામાં આવવા લાગ્યા છે અને આ જ ચાલ (ટ્રેન્ડ) ટીવીની ન્યૂઝ ચેનલો પર પણ છે. સમાચારની વચ્ચો વચ્ચ જાહેરખબરોને મૂકી દેવાનો પણ ચાલ છે. તો બીજી તરફ, જાહેરખબર આપે તેનો ઇન્ટરવ્યૂ કે સમાચાર લેવાનો પણ ચાલ થતો જાય છે, જેનો અંગત રીતે હું વિરોધી છું.

ખેર, આપણે વાત કરતા હતા, જાહેરખબરોની નડતરની. જાહેરખબરો એવા સમયે ટીવી પર આવે કે આપણને સિરિયલ કે ફિલ્મમાં રસભંગ થાય. હવે વેબસાઇટો પર પણ આવું જ થવા લાગ્યું છે, તેમાં જોકે મને તો વધુ દોષ વેબસાઇટની ડિઝાઇન કરનારાનો લાગે છે.

પહેલાં શું થાય છે તે સમજીએ. ઘણી વેબસાઇટ ખોલો કે ટપ્પ દઈને તમારી સ્ક્રીન પર જાહેરખબરનું, જેમ હોરર ફિલ્મમાં કોઈ પાત્ર કે ચીજ અચાનક ટપકી પડે તેમ ઉપરથી કે નીચેથી, જમણેથી કે ડાબેથી ટપકી પડે. અલબત્ત, દરેક જાહેરખબરમાં (x) નિશાની સાથે ક્લોઝ લખેલું હોય છે. પણ બદમાશી એવી કરે કે એ ક્લોઝ સફેદ અક્ષરમાં હોય એટલે તમને દેખાય જ નહીં! ઘણી જાહેરખબરો એવી ચોટડૂંક હોય કે તમે ક્લોઝ પર ક્લિક કરો તોય બંધ થવાનું નામ ન લે. અચ્છા માન્યું કે એ જાહેરખબરનો હેતુ એ છે કે તમે તેના પર એક વાર ક્લિક કરો અને એ બીજી વિન્ડો કે ટેબમાં ખુલે અને તમે તેની મુલાકાત લો એટલે તે પછી જે મુખ્ય વેબસાઇટ પર તમે જોતા હો ત્યાં બંધ થઈ જવી જોઈએ. પણ ના. આને તો પૂછવું પડે, ‘અતિથિ તુમ કબ જાઓગે?’ ઘણી વાર તો એ ડાબી બાજુ કે ઉપર પટ્ટામાં પથરાયેલી હોય અને વાંચન સામગ્રીના ભાગ પર આવરાયેલી હોય છે. પરિણામે વાંચનસામગ્રી પૂરેપૂરી તમે વાચી શકતા નથી.

(આવી વેબસાઇટો તમારા ધ્યાનમાં આવે તો તેની લિંક કોમેન્ટમાં આપી શકો છો.)

Advertisements
media, trend

૨૦૧૧માં સારો પગારવધારો થશે?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે કે ઇસુના આવતા વર્ષમાં ૨૦ ટકા પગાર વધારો થવાની સંભાવના છે.

સારા સમાચાર છે, પણ હકીકત એ છે કે

-મોંઘવારી સતત વધતી ચાલી છે. પેટ્રોલ, દૂધ, શાકભાજી વગેરે જીવનજરૂરી ચીજોમાં ભાવો વધતા જ ચાલ્યા છે. હમણાં જ પેટ્રોલમાં એક ધડાકે રૂ. ૩ વધી ગયા!

– આપણે વ્હાઇટ કોલર જોબવાળા પગારવધારો કરાવી શકતા નથી, પણ કામવાળાથી લઈને કડિયા-કારીગરોએ તો ઘણો વધારો કરી જ નાખ્યો છે. ઇવન, હમણાં તો અમે ઓફિસ (જજીસ બંગલાની સામે) પાસે ચા પીવા જઈએ છીએ તેણે પણ ચાના ભાવ વધારી દીધા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં સરખામણી કરીએ તો લગભગ ચાના ભાવ બમણાં થઈ ગયા છે!

– આની સામે,  છેલ્લા ત્રણ વર્ષથી મંદીનું જ વાતાવરણ પ્રવર્તી રહ્યું છે. માર્કેટિંગ અને આઈટી જેવા કેટલાક અપવાદ ફિલ્ડને બાદ કરો તો, પગાર વધારો રોકી દેવાયો છે અથવા જે થયો છે તે સાવ નામ માત્રનો છે.

માનો કે, આવતા વર્ષે આ સમાચાર કહે છે તેમ, પગારવધારો થશે તો તે માત્ર આ મોંઘવારી સામે બેલેન્સ જ થશે.

મને લાગે છે કે મારા કરતાં કોઈ સારા અર્થશાસ્ત્રી આ હકીકતને વધુ સારી રીતે સમજાવી શકે. (છે કોઈ?)

society, trend

નાનું છે, મજાનું છે?

‘બોસ, આજે મારે તમને મળવું છે. બધા પ્રોબ્લેમ ડિસ્કસ કરવા છે.’
‘ઓકે. આવી જાવ. પણ લાંબી વાત ન કરતા. મારી પાસે ટાઇમ નથી. ટૂંકમાં પતાવજો.’

***

‘મહારાજ, લગ્નની વિધિ તો તમારે જ કરવાની છે, પણ ટૂંકમાં પતાવજો. જાનને આવતાં મોડું થશે અને પછી પાછા નીકળી જવાનું છે એટલે ટૂંકમાં પતાવવાનું છે.’

***

‘અમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યાં છે. કંઈક નાનું પણ મજાનું નામ હોય તેવું સૂચવો ને.’

***

‘આ આશુતોષ ગોવારિકર લાંબી લાંબી ફિલ્મો જ બનાવે છે. એટલા ત્રણ કલાક ફિલ્મ કોણ જુએ?’

***

‘મને તો જમવામાં ફૂલ ડિશ ન ફાવે. એકાદ બે આઇટમ હોય પણ સરસ હોય તો મજા આવી જાય.’

***

‘જુઓ  રિપોર્ટરજી, આપણે સમાચારને સરસ રીતે લખવાના છે પણ બહુ લાંબા નહીં. ટૂંકમાં જ, પણ બધી વિગતો આવી જાય તેવી રીતે લખજો.’

***

‘હવેના જમાનામાં ત્રીજી પેઢીના સંબંધો કોને પોસાય? જેટલા સંબંધો ટૂંકા એટલું સારું.’
***

‘અમે તો હવે કાગળ લખતા જ નથી. એસએમએસ કરી નાખીએ. તેમાંય ટૂંકી ભાષા હોય. ઓછા શબ્દોમાં ઝાઝી વાત આવી જાય.’

***

ઉપરનાં વિધાનો કાલ્પનિક છે પણ વાસ્તવિકતાથી વેગળાં નથી. હવે જમાનો ટૂંકાનો છે. ‘શોર્ટ ઇઝ સ્વીટ’માં માનનારાનો! આ ફાસ્ટ જમાનામાં કોઈની પાસે સમય નથી અને તેમ છતાં બધાને બધું માણી લેવું છે. એટલે બધું ટૂંકું જોઈએ. આઠ કલાક ચાલતી ક્રિકેટની મેચ હવે દોઢ કલાકમાં પતી જાય છે થેંક્સ ટૂ ટ્વેન્ટી ટ્વેન્ટી. સંબંધો હવે બહુ લાંબા રહ્યા નથી. કાકાદાદાના અને મામામાસીના સંબંધોય ઘણી જગ્યાએ જળવાતા નથી. વસ્ત્રોમાં ટૂંકાં કપડાંની ફેશન છે. ઘર નાનાં થઈ ગયાં છે. લગ્નો પહેલાં ત્રણ દિવસ ચાલતાં, પરંતુ હવે ધનાઢ્ય પરિવાર સિવાય લગ્ન એક કે બે દિવસનો મામલો થઈ ગયો છે. કોઈ પણ પૂજાવિધિમાં પણ જેમ બને તેમ ઝડપથી પતાવાય છે. ફિલ્મો તો નાની થઈ જ ગઈ છે. ટૂંકમાં, છોટા હૈ તો બહેતર હૈવાળો મામલો છે.

કપડાં : વધુ પૈસામાં ટૂંકો ડ્રેસ

અગાઉનો ટ્રેન્ડ :

પહેલાં સ્ત્રીઓના પોશાકમાં સાડી ફરજિયાત રહેતી. પુરુષો પણ ધોતીઝભ્ભો કે પેન્ટશર્ટ પહેરતા.

મોડર્ન ટ્રેન્ડ :

નાઉ ઇટ્સ ફેશન ઓફ શોર્ટ ડ્રેસીસ! હવે તો સ્કર્ટ અને સ્લીવલેસ તેમજ બેકલેસ ડ્રેસની ફેશન છે. જિન્સ કરતાં કેપ્રી વધુ પસંદ કરાય છે. પુરુષો પણ બરમુડાને પસંદ કરવા લાગ્યા છે. પુરુષોમાંય સ્લીવલેસ ટીશર્ટ લોકપ્રિય છે.

નામ નાનું, કામ મોટું

અગાઉનો ટ્રેન્ડ :

ગૌરીશંકર, લાભશંકર, રાજેશકુમાર, હિંમતલાલ, દયાગૌરી, જ્યોતિબાળા, મીરાંકુમારી, નંદકુંવર, રાજેન્દ્રપ્રસાદ, લાલુપ્રસાદ, રાબડીદેવી…અગાઉ આવાં નામો જોવા મળતાં હતાં. મોટાંમોટાં નામો રાખવી એ ફેશન કહો તો ફેશન અને પ્રણાલિકા કહો તો તે હતી. ઓળીઝોળી પીપળ પાન કરીને ફઈબા ઠસ્સાદાર લાગે તેવાં મોટાં નામો પાડતાં. દક્ષિણમાં તો ઘણાં મોટાં નામો હોય. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું જ નામ લો ને! કેટલું મોટું નામ છે એ.પી.જે. અબ્દુલ કલામ! આખું નામ અવુલ પકિર જૈનુલબ્દીન અબ્દુલ કલામ! આપણે ત્યાં ગુજરાતમાં ક્ષત્રિય પરિવારોમાં પુરુષનાં નામો હોય તો પાછળ સિંહ લાગે અને સ્ત્રી હોય તો પાછળ બા કે કુંવર લાગે. એ સિવાયના પરિવારોમાંય પાછળ કુમાર, લાલ, પ્રસાદ, કુંવર, દેવી વગેરે લગાડવાનું ચલણ હતું. આજે મોટી ઉંમરનાં પુરુષો કે સ્ત્રીઓનાં નામો તપાસશો તો આવાં કેટલાંય નામો મળી રહેશે.

મોડર્ન ટ્રેન્ડ :

એ જમાનો ગયો જ્યારે બાળકોનાં નામો મોટાં પડાતાં હતાં. રેડિયો એફ.એમ. કે પછી ન્યૂઝ ચેનલો હોય કે પછી ડી. જે.નો વ્યવસાય અપનાવનારા હોય અથવા તો પછી જ્ઞાતિપ્રથાનો વિરોધ કરનારા સમાજસેવકો હોય, હવે અટક પણ ફગાવીને માત્ર પોતાના નામે જ ઓળખાવાનું લોકો પસંદ કરે છે. આર. જે. વિશાલ, આર. જે. કૃપા, સુમીત, અર્ચના…એવાં નામો હવે કાને વારંવાર પડે છે અને આંખોથી વાંચવા મળે છે. ત્યારે નામો તો હવે ગૌરીશંકર, કૃપાશંકર જેવાં કોણ પસંદ કરે? હવે તો બિપાશાનું બિપ્સ, માધવનનું મેડી, પૂજાનું પૂ થઈ જતું હોય ત્યાં પાંચ અક્ષરનાં મોટાં નામો? ફરગેટ ઇટ! અત્યારે ફેશન છે ત્રણ અક્ષરી નામોની. તેમાંય જો દ્વિઅક્ષરી નામો મળે તો બેસ્ટ! અનુ, આભા, મીતા, રીટા, ગીતા, લોપા, દિતિ, ઓમ્ જેવાં દ્વિઅક્ષરી નામો પાડવાની ફેશન છે. ભવિષ્યમાં એકાક્ષરી નામ પણ સાંભળવા મળે તો નવાઈ નહીં. લોકો કદાચ માને છે કે નામો મોટાં પાડવાથી જ મોટાં થવાતું નથી. મોટા તો કામથી થવાય છે.

સંબંધો : ઓછા એટલા સારા

અગાઉનો ટ્રેન્ડ :

અગાઉ એક જ પરિવારમાં દાદાદાદી, પાંચેક દીકરા પાંચેક વહુઓ તેમનાં ઓછામાં ઓછાં પંદરેક સંતાનો બધાં સાથે એક જ ઘરમાં રહેતાં. અમને ખબર છે કે તમે કહેશો કે એ જમાનો તો ક્યારનોય ગયો, પણ તે પછી દાદાદાદી, બે દીકરા બે વહુઓ તેમનાં ચારેક સંતાનો સાથે રહેતાં. લગ્નપ્રસંગે સગાં ફઈફુઆકાકામામામાસી તો હોય જ પણ પિતરાઈ કે મામામાસીના થતા હોય તે ફઈ-ફુઆ-કાકા-મામા-માસી પણ હોય. ત્રણચાર પેઢીએ સંબંધમાં થતા હોય તેમને આમંત્રણ જાય. આમંત્રણ ન ગયું હોય તો ખોટું લાગી જાય. બીજા લોકો પણ પ્રસંગનો બહિષ્કાર કરે. સમાજમાં નીચું લાગવાની બીક લાગે. હોળી દિવાળી ઉત્તરાયણ જેવા તહેવારોએ તો ઘર ભર્યુંભાદર્યું લાગે. વેકેશનમાંય ધમાલમસ્તી થઈ જાય.
આ જ રીતે સ્નેહીસંબંધીઓનું વર્તુળ પણ ઘણું મોટું હોય. પડોશીઓ સાથે તો સંબંધ એવા કે વાટકીવ્યવહાર તો હોય જ, પણ ઘર ખટખટાવ્યા વગર રસોડા સુધી પહોંચી જવાનો સંબંધ હોય. એકબીજાનાં સંતાનોની ચિંતા પડોશીઓ કરે.

મોડર્ન ટ્રેન્ડ :

હવે તો પતિ પત્ની કે પ્રેમી પ્રેમિકાના સંબંધો જ લાંબા ટકતા નથી ત્યારે આવા સગપણના લાંબા સંબંધો કોને પોસાય? ‘એટલે બધે કોણ લાંબું થાય?’ આ વાક્ય લગભગ બધાના મોઢે સાંભળવા મળે છે. હવે પરિવાર સંકોચાઈને માબાપદીકરો વહુ અને એકાદ સંતાન પૂરતો સીમિત થઈ ગયો છે. તેમાંય એવી શરૂઆત થઈ ગઈ છે કે એક યા બીજા કારણસર દીકરો અને વહુ જુદાં રહેતાં હોય અને માબાપ અલગ. મુંબઈ જેવાં શહેરોમાં ક્યાંક ક્યાંક ‘ડબલ ઇન્કમ, નો કિડ્સ’ ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. જોકે તેણે હજુ વેગ નથી પકડ્યો. મતલબ કે પતિપત્ની (જો હોય તો, નહીં તો લિવ ઇન રિલેશનશિપ પણ હોઈ શકે) બંને કમાતાં હોય અને તેમને સંતાન જોઈતું ન હોય. એક જ સૂત્ર જલસા કરો!

જો સંતાનમાં એક દીકરી હોય તો તેનાં લગ્ન પછી માબાપ એકલાં થઈ જવાના સ્વાભાવિક છે. પ્રસંગો આવે ત્યારે પણ આમંત્રણ ભલે બધે જતાં હોય, વ્યવહાર, સંબંધ અને હાજરી મોટા ભાગે સગાં ફઈફુઆકાકામામામાસી પૂરતું સીમિત થઈ ગયું છે. તહેવારોએ તો બહારગામ જ ઊપડી જતાં હોય ત્યાં ઘર ભર્યુંભાદર્યું લાગવાનો સવાલ જ ક્યાંથી આવવાનો? વેકેશનમાંય મોટા ભાગે એવું જ હોય છે. બધાને ભીડથી બચવું છે, છતાંય જોવા જેવી વાત એ છે કે ભીડ તો વધતી જ જાય છે! સોશિયલ વેબસાઇટના કારણે કે ગમે તેમ, મિત્રવર્તુળ મોટું ભલે લાગતું હોય, પણ જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે ખડે પગે હાજર રહેતા મિત્રોની સંખ્યા બહુ ઓછી થઈ ગઈ છે. આ બધાં કારણસર તો કેટરિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય જન્મ્યો છે. સંબંધો ઓછા એટલા સારા તેવું માનનારો મોટો વર્ગ છે.

ઘર : નાનું છે પણ પોતાનું છે

અગાઉનો ટ્રેન્ડ :

મકાન કે ઘરના સંદર્ભમાં અગાઉ મોટામોટા બંગલા જોવા મળતા. પરિવારો પણ મોટા હતા ને! ઘર મોટાં હતાં એટલે તેમાં બગીચાની પણ સુવિધા રહેતી. તે મુજબના છોડઝાડ તેમાં જોવા મળતાં.

મોડર્ન ટ્રેન્ડ :

આજે પણ મોટા બંગલા છે, પણ તે અપવાદરૂપ લોકો પાસે. બાકી તો ભાવથી લઈને મેન્ટેનન્સના સવાલોના કારણે તેમજ પરિવાર પણ નાનો થયો હોઈ ઘર નાનાં વધુ પસંદ કરાય છે. વળી, વસતિ પણ વધી રહી છે. મુંબઈ જેવા શહેરમાં તો ચાલીમાં હોય કે ફ્લેટમાં એક રૂમમાં રહેનારાની સંખ્યા બહુ મોટી છે.

હવે ફ્લેટમાં તો ક્યાંથી બગીચો લાવવો? એટલે બોન્સાઈ ઝાડનો કન્સેપ્ટ આવ્યો.

વિધિ : ટૂંકી વિધિ અને મોટો લાભ

અગાઉનો ટ્રેન્ડ :

સામાન્ય રીતે કોઈ પણ પૂજાવિધિ હોય તો ચારેક કલાક ઓછામાં ઓછા જાય જ. શાસ્ત્રોક્ત વિધિ તેને કહેવાય. લગ્નની વિધિ તો અગાઉ પાંચેક કલાક ચાલતી તેવું વડીલો કહે છે. ભાગવતકથા, રામાયણપારાયણ કે અન્ય કથા આખો દિવસ ચાલતી.

મોડર્ન ટ્રેન્ડ : બધા પાસે સમય જ ક્યાં છે? હા, જો તૈયાર થવાનું હોય, નાચવાગાવાનું હોય તો સમય છે, પણ શાસ્ત્રોક્ત વિધિ કરવાની હોય તો સમય નથી. લગ્નમાં જાન નિર્ધારિત સમય કરતાં મોડી ન પહોંચી હોય તેવું ભાગ્યે જ બનતું હશે. એટલે થાય એવું કે હસ્તમેળાપનું મુહૂર્ત સાચવવા વિધિ ઝડપથી પતાવવાનું કહી દેવામાં આવે. મૂળ સુરેન્દ્રનગરના અને અમદાવાદમાં વિધિવિધાન કરાવતા બ્રાહ્મણ દુષ્યંતભાઈ રાવલ આનો તાજો દાખલો આપતાં કહે છે, ‘હમણાં જ અમદાવાદમાં એક લગ્ન હતાં. જાન આવવાનો સમય પાંચ વાગ્યાનો હતો, પણ જાન આવી જ સાત વાગ્યે. તેમાંય બેન્ડવાજાં સાથે નાચવાનું ચાલ્યું એટલે મંડપે પહોંચતાં પહોંચતાં ૮ વાગી ગયા. પાછું હસ્તમેળાપનો સમય તો સાચવવાનો જ. એટલે પછી વિધિ ઝડપથી આટોપવા કહી દીધું. આમ, અમારે બેથી અઢી કલાકની વિધિ દોઢ કલાકમાં પૂરી કરવી પડી.’

હવે ભાગવતકથા હોય કે રામાયણની કથા, તે પણ આખો દિવસ નથી રખાતી. વક્તા પોતે જ એક સમય કથા રાખવાનો આગ્રહ રાખે છે. આયોજકને પણ બાકીનો દિવસ આયોજનમાં સરળતા રહે છે, પરંતુ થાય છે એવું કે એક સમય કથા રાખવાના કારણે હવે પૂરેપૂરી કથા કહેવાય તેવું ભાગ્યે જ બને છે. કથાકારો શોર્ટ ઇઝ સ્વીટ માનીને ટૂંકમાં પતાવી દે છે.

સંદેશાવ્યવહાર : અંતર્દેશીય નહીં, ટૂંકા એસએમએસ

અગાઉનો ટ્રેન્ડ :

પહેલાં ટપાલીઓ ઘરઘરના જાણીતા હતા. આ આજથી પાંચદસ વર્ષ પહેલાંની જ વાત છે, બહુ જૂના જમાનાની વાત નથી. ઘરમાં પોસ્ટકાર્ડ અંતર્દેશીય તો પડ્યાં જ હોય. ફુલસ્કેપ ચોપડાઓનાં પાનાં પણ કાગળ લખવાના કામમાં આવતાં. ટપાલખાતાની સાથે કુરિયરસેવાનો પણ લાભ લેવાતો. ભલે મહિને લખાતો હોય પણ કાગળમાં ઘરના હાલહવાલ લખાતા. પ. પૂ., અ. સૌ., ગં. સ્વ., આદરણીય, વડીલ કે ચિ. ના સંબોધનથી શરૂ થતા કાગળ લિખિતંગ ….ના પ્રણામ, વંદન, આશીર્વાદ કે યાદ સાથે પૂરો થતો. અમે મજામાં છીએ, તમે પણ ક્ષેમકુશળ હશો. દીકરી હવે બા અને દાદા બોલતાં શીખી ગઈ છે. મોટો તો હવે નિશાળે જવા લાગ્યો છે. તમારે ત્યાં અથાણું કર્યું હોય તો આવતાંજતાં કોઈની સાથે એસ. ટી. માં અહીં મોકલાવજો. આવાં આત્મીય લાગતાં વાક્યોથી કાગળ મોંઘી જણસ સમો લાગતો અને કાગળની યાદગીરી સાચવીને રખાતી. કાગળમાં ઝઘડાય થતા. હવે તો તમે જુદાપણું રાખવા લાગ્યા છો. બહુ કાગળ લખતા નથી. પૈસા કમાવામાં પડી ગયા છો. અહીં આવતાય નથી. મારી તબિયત બહુ સારી રહેતી નથી. હું આંખ મીચી જાઉં તે પહેલાં એક વાર તમારું મોઢું જોવાઈ જાય તો બહુ સારું. લેન્ડલાઇન ફોન સુલભ થતાં અને ૯૫ નંબર લગાડીને રાજ્યભરમાં ગમે ત્યાં વાતચીત થઈ શકતા કાગળ ધીમેધીમે અદ્રશ્ય થવા લાગ્યા.

મોડર્ન ટ્રેન્ડ:

આ તો મોબાઇલનો જમાનો. દીકરી ચાલતાં શીખી ગઈ છે તે જણાવવાની મજા કાગળમાં લખીને આવે તે કરતાં તેનો વીડિયો ઈમેઇલ કે એમએમએસથી જ મોકલી દેવાય છે. ઈમેઇલમાં જવાબ ઝડપથી મળી જાય છે. તે કરતાંય એસએમએસ તો બહુ જ ઝડપી. તેમાં પણ સાવ ટૂંકમાં લખવાનું. અંગ્રેજી ભાષામાં લખતા હોય તો Youના બદલે માત્ર u લખો, Forના બદલે 4 લખી નાખો એટલે વાર્તા પૂરી! ભાષા જો ગુજરાતી હોય તો તેમાંય છે લખવા chhe ટાઇપ કરવાના બદલે 6e ટાઇપ કરી નખાય અને સામેની વ્યક્તિ પણ સમજી જાય.

ભાવનગરના નિવૃત્ત બેંક મેનેજર હસમુખરાય ત્રિવેદી પહેલાં વ્યવસ્થિત લંબાણપૂર્વકનો કાગળ લખીને સંદેશાવ્યવહાર કરતા અને હવે નિવૃત્ત થયા પછી ટેક્નોલોજી શીખી નવા જમાના સાથે ચાલીને ઈમેઇલ કરે છે. વિવિધ સોશિયલ વેબસાઇટ દ્વારા સોશિયલ નેટવર્કંિગનો પણ લાભ ઉઠાવે છે અને જુદાજુદા બ્લોગ પર ટિપ્પણી મૂકે છે. આમ બંને જમાનાને જોઈ ચૂકેલા હસમુખભાઈ બંનેનાં જમાઉધાર પાસાં વર્ણવતા કહે છે, ‘પહેલાં કાગળ લખવા માટે નિરાંત કાઢીને બેસતા. લંબાણપૂર્વક બધી વાતો તેમાં લખતા. કાગળ આવે તેની રાહ રહેતી. હવે તેનું સ્થાન ઈમેઇલે લીધું છે. બહુ સરળ વ્યવહાર થઈ ગયો છે. ઈમેઇલ દ્વારા બહુ ઝડપથી સંદેશો પહોંચે છે.’ આ ઝડપથી સંદેશો પહોંચવાનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે, ‘હમણાં એક પૂનામાં સંબંધી સાથે ફોન પર વાત થઈ. તેમને પેન્શન સંબંધી કેટલીક વિગતો તાત્કાલિક જોઈતી હતી. ફોન મૂક્યા પછી અડધા કલાકમાં જ મેં ઈમેઇલ દ્વારા મોકલાવેલી વિગતો તેમને મળી ગઈ. ઈમેઇલના કારણે કાગળની બચત થતાં પર્યાવરણની પણ રક્ષા થઈ.’

મુસાફરી : લાંબું અંતર ઓછા સમયમાં

અગાઉનો ટ્રેન્ડ : અમદાવાદ વડોદરા વચ્ચે પહેલાં બેથી અઢી કલાકનો સમય લાગતો. ભાવનગરથી અમદાવાદનું અંતર કાપવામાં પણ પાંચેક કલાક લાગી જતા. ટ્રેન એસ. ટી. બસ વગેરેના કારણે મુસાફરી લાંબી બનતી. મુસાફરી દરમિયાન ઓળખાણો થતી જે સંબંધોમાં પરિણમતી.

મોડર્ન ટ્રેન્ડ : હવે નવા શોધાયેલ રસ્તા (જેમ કે, ભાવનગર અમદાવાદ વચ્ચે) કે પછી પહોળા બનેલા રસ્તા (જેમ કે, મહેસાણા કે એક્સપ્રેસ હાઈવે)ના કારણે લાંબા અંતરની મુસાફરી ઓછા સમયમાં કપાતી થઈ છે. વળી હવે હવાઈ મુસાફરીમાં પણ સરકારી એરલાઇન્સ સિવાય ખાનગી એરલાઇન્સનો વિકલ્પ ઉપલબ્ધ બનતાં અને પ્રમાણમાં હવાઈ મુસાફરી ઘણી સસ્તી બનતાં મુસાફરીનો સમય ઘણો ઘટી ગયો છે. જોકે ઓછા સમયની મુસાફરીમાં ઝાઝો પરિચય કેળવાતો નથી અને એટલે સંબંધમાં પરિણમવાનો સવાલ જ ઉદ્ભવતો નથી.

ગેઝેટ : સ્મોલ ઇઝ બેટર

અગાઉનો ટ્રેન્ડ : એવા અનેક લોકો હશે જેમણે મોટા વાલ્વવાળા રેડિયો જોયા હશે. અંધારામાં વીજળીની ગરજ સારતી મોટી બેટરી જોઈ હશે. પડદો ભલે નાનો હોય પણ સમગ્રતયા તેનું કદ મોટું હોય તેવું ટીવી જોયું હશે. ભારે કદવાળા ટેલિફોનનાં ડબલાં જોયાં હશે. અરે! મોટાં કદનાં કમ્પ્યૂટરો પણ જોયાં હશે. સિત્તેર એમ. એમ. નો પડદો તો થિયેટરમાં હજુ સુધી બધાય જુએ છે. મોટાં થિયેટરો પણ જોયાં હશે, જેમાં ત્રણ શ્રેણી રહેતી.

મોડર્ન ટ્રેન્ડ : રેડિયો તો ઘણા નાના થઈ ગયા. એફ. એમ. રેડિયો પેન જેવડી સાઇઝમાં મળે છે જેને તમે પેનની જેમ જ ખિસ્સામાં ભરાવીને સાંભળી શકો. બેટરી પણ એવી જ નાની થઈ ગઈ. ટીવી તો હવે દીવાલ પર લટકાવી શકાય તેવા એલ. સી. ડી. મળવા લાગ્યાં. ટેલિફોનનું સ્થાન હવે મોબાઇલે લીધું છે. મોબાઇલમાં પણ શરૂઆતના ભારે અને મોટા મોડલની સરખામણીએ હવે ટચૂકડા મોડલ મળવા લાગ્યા છે. ફિલ્મો હવે સિત્તેર એમ. એમ. નહીં, નાનકડા મોબાઇલમાંય જોઈ શકાય તેવી સગવડ છે અને થ્રીજી આવતાં તે ટૂંક સમયમાં શક્ય પણ બનશે. મોટાં થિયેટરોનું સ્થાન હવે નાનાં થિયેટરોએ લીધું છે. મલ્ટિપ્લેક્સ બાદ હવે મિનિપ્લેક્સ આવી ગયાં છે. કમ્પ્યૂટરો પણ કદમાં નાનાં બન્યાં છે. લેપટોપ અને નોટબુક તેનું ઉદાહરણ છે.

ક્રિકેટ : વનડે આઉટ, ટ્વેન્ટી૨૦ ઇન

અગાઉનો ટ્રેન્ડ : પહેલાં પાંચપાંચ દિવસ ચાલતી ટેસ્ટનો સમય હતો. વનડે શરૂ થતાં ટેસ્ટનો ટ્રેન્ડ ચાલુ તો રહ્યો (આજે પણ છે જ) પરંતુ વનડે લોકપ્રિય બનવા લાગી. વનડેમાંય સાઠ ઓવરની મેચ રમાતી (સુનીલ ગાવસકરે વિશ્વકપમાં સાઠ ઓવરમાં માત્ર ૩૬ રન કરેલા તે યાદ છે ને) તેનું સ્થાન પછી પચાસ ઓવરની વનડે મેચે લીધું.

મોડર્ન ટ્રેન્ડ : છેલ્લાં ત્રણચાર વર્ષથી શરૂ થયેલ વીસવીસ ઓવરની મેચ એટલે કે ટી૨૦ (જોયું એમાંય ટૂંકાણ. આખું ટ્વેન્ટી ટ્વેન્ટી નહીં લખવાનું.) પચાસ ઓવરની વનડે કરતાંય વધુ લોકપ્રિય થઈ ગઈ છે. ભવિષ્યમાં દસદસ ઓવરની મેચ આવે તોય નવાઈ નહીં. ટેસ્ટ તો લગભગ ભુલાઈ ગયા જેવું જ છે.

હિન્દી ફિલ્મો : શો તીન ઘંટે કા નહીં…

અગાઉનો ટ્રેન્ડ : યે શો હૈ તીન ઘંટે કા હૈ, મેરે ભાઈ. ‘મેરા નામ જોકર’ ફિલ્મનો આ સંવાદ રાજ કપૂર જોકે સર્કસના સંદર્ભમાં બોલે છે, પરંતુ હિન્દી ફિલ્મ ત્રણ કલાકની જ હોય તેવું ગણિત વર્ષોથી હતું. ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મો સાડા ત્રણ કલાકની પણ હોય. વચ્ચે વચ્ચે અલબત્ત, ગીતો એટલા માટે જ મૂકાતાં કે જેથી પગ છૂટો કરવા પ્રેક્ષક બહાર જઈ શકે.

મોડર્ન ટ્રેન્ડ : હવે તો આશુતોષ ગોવારિકર જેવા નિર્દેશકો જ અપવાદરૂપ ત્રણ કલાકની ફિલ્મો બનાવે છે. બાકી, અઢી કલાકથી લઈને પોણા બે કલાક સુધીની ફિલ્મો બનવા લાગી છે. લાંબી ફિલ્મોને હવે દર્શકો સહન નથી કરી શકતા.

આવી તો બીજી અનેક બાબતો છે જેમાં આ ટૂંકાપણું આવ્યું છે. હવે શોર્ટ ઇઝ સ્વીટ છે કે નહીં તે બાબતે તો એમ જ કહી શકાય કે અપના અપના નજરિયા!

(‘અભિયાન’ સામયિકના ૧૨ જૂન, ૨૦૧૦ના અંક માટે લખેલી કવર સ્ટોરી)