film, film review, politics

એપીએમ: મનમોહન દ્વારા ગાંધી પરિવાર સામે લેવાયેલો બદલો?

આગામી થોડા મહિનાઓ, ફિલ્મોની દૃષ્ટિએ, મારા માટે સુધરી જશે તેમ લાગે છે. સામાન્ય રીતે જાન્યુઆરીના પહેલા-બીજા સપ્તાહમાં ફિલ્મો રિલીઝ કરવી તે જોખમનું કામ પરંતુ તે ભ્રમણા બે ફિલ્મોએ ભાંગી-‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘ઉડી-સર્જિકલ સ્ટ્રાઇક’એ. તે પછી હવે ‘મણિકર્ણિકા’, ‘ઠાકરે’, ‘તાનાજી’, ‘પાણીપત’ સહિત અનેક ફિલ્મો એવી આવી રહી છે જેની ઉત્સુકતા અત્યારથી થઈ રહી છે.

‘એપીએમ’ અને ‘ઉડી’ ફિલ્મ ત્રણ દિવસના ગાળામાં થિયેટરમાં જોયેલી બે ફિલ્મો હતી. થિયેટરમાં મોંઘી ટિકિટ ખર્ચીને જોવાનું મન થાય એવી ફિલ્મો ઘણા વખતે મારા માટે આવી. એવું નથી કે ફિલ્મો પરનો મારો મોહ સાવ ઉતરી ગયો છે. હકીકતે ‘દિવ્ય ભાસ્કર’માં દર શનિવારે મારી ફિલ્મ રિવ્યૂની કૉલમ આવતી પરંતુ એ વખતે બધી બકવાસ તમામ ફિલ્મો ફરજિયાત જોવી પડતી, તે પછી ૨૦૦૯માં ટીવી નાઇન ગુજરાતી ચેનલ નવી આવેલી ત્યારે શનિવારે ‘રણ’ ફિલ્મનો ટીવી પર રિવ્યૂ કરેલો, પરંતુ તે પછી ફિલ્મો થિયેટરમાં જોવી જ એવું મન દરેક ફિલ્મ માટે નહોતું થતું. ‘પોખરણ’, ‘વીરા દી વેડિંગ’, ‘ટોઇલેટ એક પ્રેમ કથા’, ‘પેડમેન’, ‘સિમ્બા’  વગેરે ફિલ્મો મેં જોઈ જ છે, પરંતુ થિયેટરમાં નહીં.

‘એપીએમ’ અને ‘ઉડી’ જોવાનું વિશેષ આકર્ષણ હતું. તેનાં કારણો: ૧. તે સત્ય ઘટના પર આધારિત અને તેમાંય નજીકના ભૂતકાળની કથા હતી. ૨. આ ફિલ્મો રિલીઝ થાય તે પહેલાં જ લિબરલોએ ‘ઉડી’ને ‘ટૉક્સિક હાઇપર નેશનાલિઝમ’ની ફિલ્મ ગણાવી ઉતારી પાડેલી, તો ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પુસ્તક વાંચ્યા વગર, તેનું ટ્રેલર જોઈને તેને ભાજપની ફિલ્મ ગણાવી દેવાઈ. તેના બનાવનારાઓના ઇતિહાસ શોધી કઢાયા. અત્યાર સુધી અને હજુ પણ દાઉદના પૈસે તેને ગ્લોરિફાય કરતી કે સેક્સ-હિંસાને ઉત્તેજન આપતી ફિલ્મો બને જ છે તે સિફતપૂર્વક ભૂલી જવાયું અને બીજા પણ જે લોકો બનાવે છે તે પણ જાણે દૂધના ધોયેલા ન હોય. ૩. અનુપમ ખેર અભિનિત આ ફિલ્મ વિશે લખતી વખતે અનુપમ ખેરનો ઉલ્લેખ ભાજપના સમર્થક તરીકે કરવો (પરંતુ કેન્દ્રમાં કોલસા કૌભાંડમાં આરોપી સ્વ. દાસારી નારાયણ રાવથી માંડીને રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ચિરંજીવી, વગેરેનો ઉલ્લેખ આ રીતે તેમની ફિલ્મોના સંદર્ભમાં ન કરવો) ૪. આ ફિલ્મો રિલીઝ થયાના પહેલા જ દિવસે લખાયેલા પરંતુ બીજા દિવસે પ્રગટ થયેલા કેટલાક સેક્યુલર અખબારી અહેવાલોમાં તે બંનેને ધબડકો ગણાવી દેવાયેલી.

‘એપીએમ’ કે ‘ઉડી’ બંનેના શૉ હાઉસફૂલ ગયેલા છે. કોઈ ધબડકો નથી અને ફિલ્મ જોયા પછી લોકો નિરાશ નથી થતા. એ બતાવે છે કે ગાંધી પરિવારની સાચી કથા કે પછી સેનાના પરાક્રમને વર્ણવતી આ બંને ફિલ્મોથી સેક્યુલરોના પેટમાં કેટલું દુઃખ્યું છે!

હવે વાત આ બંનેના રિવ્યૂની.

પહેલાં ‘એપીએમ’ની વાત કરીએ.

ફિલ્મ રિલીઝ પહેલાં જ કૉંગ્રેસીઓ અમથેઅમથા વિરોધ કરવા મંડી પડેલા અને  ફિલ્મ રિલીઝ થયા પછી કોલકાતામાં એવા સમયે તેમણે અસહિષ્ણુતા બતાવી તોડફોડ કરી જ્યારે તેમના અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઈમાં ભાજપની અસહિષ્ણુતા બાબતે ભાષણ આપી રહ્યા હતા! હકીકતે ‘એપીએમ’માં એવું કંઈ નથી.

ફિલ્મ જોરદાર છે પરંતુ ટ્રેલરમાં બતાવાઈ છે તેવી જોરદાર નથી. કૉંગ્રેસીઓના દબાણમાં આવીને ફિલ્મમાંથી કેટલીક વાતો કાઢી નખાઈ હોય કે સંવાદો મ્યૂટ કરી દેવાયા હોય તેમ લાગે છે.

ફિલ્મ સંપૂર્ણપણે એક ડ્રામા અથવા સ્ટેજ પર ભજવાતું નાટક હોય તેવું લાગે છે. અનુપમ ખેરે એવૉર્ડ મળે જ તે પ્રકારનું મનમોહનસિંહનું પાત્ર ભજવ્યું છે. આવા જીવંત પાવરફૂલ વ્યક્તિનું પાત્ર ભજવવું એ ખરેખર સાહસનું કામ ગણાય. આવું જ સોનિયા ગાંધીનું અને અહેમદ પટેલનું પાત્ર છે. કહેવાતા સમીક્ષાકારોએ અનુપમ ખેરને મિમિક્રી કે કેરિકેચર આર્ટિસ્ટ ગણાવી દેવાની ફિલ્મ રિલીઝ પહેલાં જ ટ્રેલર જોઈને ભૂલ કરી. આખી ફિલ્મમાં ક્યાંય અનુપમ ખેર એવું નથી જણાવા દેતા કે અનુપમ ખેર છે. મનમોહનસિંહ જ દેખાય.

હા, અક્ષય ખન્ના સંજય બારુ જેવો દેખાતો નથી. પરંતુ તેનો અભિનય ચાર ચાસણી ચડે તેવો ડ્રામેટિક છે. યે ગિનેચુને લોગ દેશ કી કહાની લિખતે હૈં ઔર મૈં ઉન કી. આવા સંવાદોને ધારદાર રજૂઆત કરી પિતાના વારસાને તેણે સુપેરે જાળવ્યો છે. ‘તાલ’થી લઈને ’૩૬ ચાઇના ટાઉન’ સુધી અનેક ફિલ્મોમાં તેણે સારો અભિનય કર્યો જ છે.

કોઈ ફિલ્મમાં પહેલી વાર પીએમ ઑફિસ અને તેની અંદર કઈ રીતે કામ થાય છે તે આટલી ડિટેઇલમાં બતાવાયું છે. મનમોહન જ્યારે વડા પ્રધાન તરીકે પહેલી વાર ઑફિસમાં આવે છે ત્યારે તેમને આરબીઆઈના ગર્વનર મનમોહન, નરસિંહરાવ સરકારમાં નાણાં પ્રધાન મનમોહન મળે છે તે દૃશ્ય સુંદર છે. નિર્દેશકની કમાલ છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કપિલ સિબલ, અટલજી, અડવાણી, એપીજે અબ્દુલ કલામનાં પાત્રોમાં વિવિધ કલાકારોએ ભૂમિકા સારી ભજવી છે. અહેમદ પટેલ અને રાહુલ ગાંધીનું પાત્ર એટલું આબેહુબ નથી લાગતું.

ફિલ્મમાં ઘણી બાબતો ટર્મિનોલૉજિકલ રીતે મોઘમ કહેવાઈ છે જે રાજકારણને એકદમ બારીકાઈથી જોતા હોય તેમને જ ખબર પડે. દા.ત. લેફ્ટ. લેફ્ટ શબ્દથી સમજી જવાનું રહે કે વાત ડાબેરી પક્ષોની થઈ રહી છે. રાજીવ ગાંધીના અવસાન પછી કૉંગ્રેસની સરકાર પાંચ વર્ષ ચલાવનાર અને જેમના કાળમાં થયેલા ઉદારીકરણના નિર્ણયો માટે અત્યારે કૉંગ્રેસ ગૌરવ લે છે તે પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવનું જ્યારે અવસાન થયું ત્યારે તેમની સાથે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ કરેલું વર્તન કે તેમની અંતિમ વિધિ દિલ્લીમાં નહોતી થવા દીધી, તે પણ જેને ઇતિહાસ ખબર હોય તેને જ સમજાય તેવી રીતે બતાવાયું છે.

મિડિયામાં સરકારની વાતો કઈ રીતે લીક થાય છે તે સારી રીતે બતાવાયું છે. સોનિયાએ મનમોહનને લખેલો પત્ર લીક થયો અને તેના જવાબમાં મનમોહને સોનિયાને લખેલો પત્ર લીક કરાયો. મનમોહનની ઈચ્છા નાણાં ખાતું પોતાની પાસે રાખવાની ઈચ્છા હોવી પરંતુ ડિનર પાર્ટીમાં ચિદમ્બરમ્ દ્વારા પોતાને જ નાણાં ખાતું મળશે તેવો મક્કમ વિશ્વાસ અને તે જ પાર્ટીમાં મનમોહનને આ બાબતે નિરાશ કરવા, કઈ રીતે પીએમ ઑફિસમાં સોનિયાના વિશ્વાસુ પુલોક ચેટર્જીને મૂકાયા, કઈ રીતે મનમોહનની પાંખ કાપવા સોનિયાના નેતૃત્વમાં ડાબેરીઓના પ્રભુત્વવાળી એનએસીની રચના કરાઈ, કાશ્મીર અને પાકિસ્તાનનો મુદ્દો ઉકેલવાની મનમોહનની તત્પરતા પરંતુ પક્ષ દ્વારા તેમાં અડચણો ઊભી કરવી, ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં મનમોહનની પ્રમાણિકતા, ન્યૂક્લિયર સમજૂતી મુદ્દે તેમણે દાખવેલા મકક્મ વલણના લીધે કૉંગ્રેસ સત્તામાં પાછી ફરી પરંતુ તેનો જશ મનમોહનના બદલે રાહુલ ગાંધીને આપવો, અહેમદ પટેલની સરકારમાં દખલ, મનરેગાનો વિચાર મૂળ મનમોહનનો હોવો પરંતુ ગાંધી પરિવાર તેના માટે રાહુલ ગાંધીને યશ આપવા માગતો હતો, હિન્દુસ્તાન ટાઇમ્સ સમિટ વખતે ન્યુક્લિયર ડીલ મુદ્દે સોનિયા ગાંધી દ્વારા ડાબેરીઓની તરફેણ, પરંતુ તે જ સમિટમાં મનમોહનની ન્યુક્લિયર ડીલ મુદ્દે ડાબેરીઓ સામે મક્કમતા, ડાબેરીઓને સિક્રેટ ફાઇલો બતાવવા મનમોહનનો ઇનકાર, રાહુલ ગાંધી દ્વારા અપરાધી સાંસદોને ચૂંટણી લડતા રોકવાનો ખરડો સંસદમાં પસાર થવા દેવો પરંતુ પછી મનમોહન વિદેશ યાત્રાએ હોય ત્યારે તેને પત્રકાર પરિષદમાં ફાડી નાખવો, આ બધું ખૂબ જ સુંદર રીતે બતાવાયું છે.

જે અહેમદ પટેલનું નામ ‘ઑગસ્ટા વેસ્ટલેન્ડ’ની કાર્યવાહીમાં એ. પી. તરીકે શંકાસ્પદ લાભાર્થી તરીકે આવ્યું હોય, પરંતુ મિડિયામાં એ. પી.નો અર્થ આનંદીબહેન પટેલ (તે વખતે કૉંગ્રેસની સત્તા હતી અને કૉંગ્રેસમાં સોદા પાર પડાવી શકે તેવી હેસિયત-શક્તિ આનંદીબહેનની તો ન જ હોય તે બાળકને પણ સમજાય તો પણ) પણ કરાય તેવી સ્થિતિમાં આ ફિલ્મમાં, ફિલ્મ જેમ આગળ વધે છે તેમ મુખ્ય લડાઈ અહેમદ પટેલ અને સંજય બારુની થઈ જાય છે.

આટલું બધું હિંમતપૂર્વક બતાવવું તે માટે નિર્માતા-નિર્દેશક સહિત સમગ્ર ટીમ ધન્યવાદને પાત્ર છે. પરંતુ હજુ કેટલીક બાબતો ઢાંકી દેવાઈ તેમ લાગે છે, જેમ કે ૨૦૦૮માં ન્યુક્લીયર ડીલ વખતે ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લીધો ત્યારે વિશ્વાસ મત વખતે મુલાયમ અને અમરસિંહ પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામના સમજાવવાથી માની ગયા તેવું ફિલ્મમાં દર્શાવાયું છે. હકીકત શું હતી તે બધા જ જાણે છે. કેશ ફૉર વૉટ કૌભાંડ થયું જેને ભાજપે ઉઘાડું પાડ્યું, જેની સ્ટિંગ ઑપરેશનની સામગ્રી રાજદીપ સરદેસાઈને તેમની સીએનએન ચેનલ પર દર્શાવવા આપી, પરંતુ તેને ચેનલ પર પ્રસારિત ન કરવી તે બધું બતાવાયું નહીં. ૨૦૦૮ના મુંબઈ પરના હુમલા વખતે મનમોહનની નિષ્ક્રિયતા પણ છુપાવી દેવાઈ. કોલસા કૌભાંડ મુદ્દે મૌનનો જવાબ આપતા મનમોહને માત્ર એટલું જ કહેલું કે ‘હઝારો જવાબોં સે અચ્છી હૈ મેરી ખામોશી’ કે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા વખતે ‘પૈસે ક્યા પૈડ પર ઉગતે હૈ?’ કહીને વિવાદ જગાવેલો તે ફિલ્મમાં ગુપચાવી દેવાયું છે. પૈસે…વાળો સંવાદ તેઓ ઓડિશા માટે વિશેષ દરજ્જો માગવા આવેલા નવીન પટનાયક માટે કહેતા હોય તેવું દર્શાવાયું છે. એટલી સિનેમેટિક લિબર્ટી ચાલે કારણકે બધું જ બતાવવું સવા બે કલાકની ફિલ્મમાં બતાવવું શક્ય પણ ન હોય.

ફિલ્મ માત્ર મનમોહન અને સંજય બારુને મહાન બતાવે છે. ઇન્ટરવલ પહેલાંના હિસ્સામાં ગાંધી પરિવારને પ્રત્યક્ષ રીતે એટલો ખરાબ નથી બતાવાયો. ઉલટું, જ્યારે ન્યુક્લીયર ડીલ વખતે મનમોહન રાજીનામું આપે છે ત્યારે સોનિયા રાજીનામું સ્વીકારવાની ના પાડે છે. પરંતુ જ્યારે મનમોહન ૨૦૦૯માં બાયપાસ સર્જરી કરાવે છે ત્યારે તેઓ આવી નાજુક સ્થિતિમાં હોય ત્યારે પણ સોનિયા ગાંધી દ્વારા તેમને બહુ કાતિલ ઠંડકથી કહેવું કે ‘રાહુલ આ ચૂંટણી અભિયાનનું નેતૃત્વ કરશે’ કે પછી ટુજી-કોલસા કૌભાંડ વખતે રાજીનામું આપવા ગયેલા મનમોહનને સોનિયા દ્વારા એ જ ઠંડકથી ના પાડવી કે ‘આ સંજોગોમાં રાહુલ કેવી રીતે ટેક ઑવર કરી શકે?’ તે જરૂર સોનિયાને ખરાબ રીતે બતાવે છે, પરંતુ આ તો જાણીતો ઇતિહાસ છે. સોનિયા ગાંધી ઠંડા કલેજાવાળા શાતિર રાજકારણી છે તે સહુ કોઈ જાણે છે.

ફિલ્મમાં કેટલીક હળવી પળો પણ છે. કે. નટવરસિંહ વિદેશ પ્રધાન હતા અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ જ્યૉર્જ બુશ સાથે મનમોહનની બેઠક હતી ત્યારે તેમની સાથે અંદર જવા માગતા હતા ત્યારે કઈ રીતે તેમને અંદર જતા અટકાવાયા તે રમૂજ સર્જે છે.

ફિલ્મમાં બતાવાયું છે કે સંજય બારુએ મનમોહનને કહીને આ પુસ્તક લખ્યું હતું. આ અંગે સંજય બારુના ઇન્ટરવ્યૂમાં કોઈ વિગત હજુ સુધી મને મળી નથી, પરંતુ જો તેમ હોય તો કહેવું પડશે, કે આ પુસ્તક અને ફિલ્મ, બંને ખરેખર તો મનમોહન દ્વારા છૂપી રીતે સંજય બારુ મારફતે ગાંધી પરિવાર અને કૉંગ્રેસ પક્ષ દ્વારા તેમના સતત અપમાનનો લેવાયેલો બદલો છે! પરંતુ સાથે જ આ ફિલ્મે એક નવો ચીલો ચિતર્યો છે અથવા તો કહો કે મધપુડાને છંછેડી દેવાયો છે. આગામી સમયમાં કૉંગ્રેસ પોષિત લોકો દ્વારા નરેન્દ્ર મોદી કે ભાજપ સામે ફિલ્મ માટે તૈયાર રહેવું પડશે.

હજુ ‘ઉડી’ વિશેની વાત તો બાકી જ છે….

(ક્રમશઃ)

 

Advertisements
film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

humor, patriotism

‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની ‘હોલિ ડે’ અને ‘બેબી’માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ.
તો વર્તમાન સંજોગો પરથી ફિલ્મ ‘બેબી-2’ બને તો? કથા કેવી હોય? મુખ્ય પાત્રો ‘બેબી’વાળા અક્ષયકુમાર, અનુપમ ખેર, રાણા દગ્ગુબાટી અને ડેની છે. બાકીનાં પાત્રો તમે સમજી જશો.
સીન 1
ઉડીમાં 18 જવાનો શહીદ થયા છે. દેશભરમાં આક્રોશ છે. વડા પ્રધાન લોઢીના જૂના ભાષણોની ક્લિપ સોશિયલ મિડિયામાં ફરી રહી છે. એક જવાન બસમાં કશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગાની કવિતા બોલે છે તે વિડિયો પણ બહુ ફરે છે. રોટલીની લોઢીની જેમ વડા પ્રધાન લોઢી પણ હંમેશાં તપેલા રહે છે. તેઓ તાત્કાલિક બેઠક બોલાવે છે. તેમાં બધા યુદ્ધની સલાહ આપે છે. સેનાના વડા ડેની પણ આ જ સલાહ આપે છે. પણ લોઢી કહે છે કે આપણે યુદ્ધ ગરીબી, બેરોજગારી ને નિરક્ષરતા સામે લડવાનું છે. ડેની સમસમી જાય છે. બેઠક પૂરી થાય છે. બધા છૂટા પડી જાય છે. બીજા દિવસે તમિલનાડુમાં પક્ષની બેઠક છે.વરસાદ પ્રૂફ જર્મન ટેક્નૉલૉજીવાળો ડૉમ બાંધવાનો છે. ફૂલપ્રૂફ સુરક્ષા કરવાની છે. સેનાના જવાનોને હૈદરાબાદ પૂરરાહત કામગીરીમાં મોકલવાના છે.
સીન 2
ડેની ફોન કરે છે. વડા પ્રધાનના સચિવ ઉપાડે છે પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. તેઓ કહે છે કે તમે આસામના હેમંત શર્મા કે અરુણાચલના ખાંડુ જેવા કૉંગ્રેસી બળવાખોર હો તો કે રતન તાતાની જેમ નેનો લાવવા માગતા તો તમને પંદર મિનિટમાં એપોઇન્ટમેન્ટ અપાવી દઉં. હમણાં જ ઉત્તર પ્રદેશના બસપના બળવાખોરને અપાવી.
છેવટે ડેની અક્ષયકુમાર સાથે વડા પ્રધાનની ઑફિસે પહોંચે છે. એવું કહીને સચિવને એક લાફો મારે છે કે દેશ પર સંકટ છે ને તને ચૂંટણી યાદ આવે છે? એપોઇન્ટમેન્ટ મળી જાય છે.
સીન 3
વડા પ્રધાનની સામે ડેની બેઠો છે. અક્ષયકુમાર બહાર ઊભો છે. “બોલો,તમારી શું યોજના છે?
“સાહેબ, સીધી મિસાઇલ દાગી દઈએ.”
“બિલકુલ નહીં. અમેરિકાનું દબાણ છે.”
“સાહેબ, તમે જ બાપ કી અદાલતમાં કહેલું કે સવાસો કરોડનો દેશ દબાણ કરી શકે.”
“ભૂલ જાવ. એ વખતે હું મુખ્યપ્રધાન હતો. અને મને ઓબામાએ નોબેલની ગેરંટી આપી છે.”
“એ તો અનિલજીને પણ આપેલી…”
“હું એવો કાચો નથી. લેખિત બાંયધરી લઈ લીધી છે.”
“પણ સાહેબ, મારી યોજના તો સાંભળો.”
“બોલો. તમારી પાસે રોકડી બે મિનિટ છે.”
ડેની યોજના કહે છે. લોઢીજી ખુશ થઈ જાય છે. પણ પછી પૂછે છે, “પણ આમાં ઊંધુ પડ્યું તો?”
“તો આપણે કહીશું કે એને ઓળખતા જ નથી.”
ડેની અક્ષયને અંદર બોલાવી પરિચય કરાવે છે. લોઢીજી હાથ મેળવે છે. શાબાશી આપે છે અને ડેનીને કહે છે, “તો એક કામ કરજો. સેના ઇસ્લામાબાદ કબજે કરે ત્યારે ત્યાં ભગવો ધ્વજ ફરકાવડાવજો. અમારાવાળાઓને બહુ ગમશે.”
ડેની મનમાં જ એકાદ #@ બોલી નાખે છે.
પણ હા આ ત્રાસવાદીઓ શું કામ?
“કંઈ ઊંધુચત્તુ થાય અને આંતરરાષ્ટ્રીય દબાણ આવે તો તમારે કહેવાનું કે આ ત્રાસવાદીઓ મૂળ કાશ્મીરના જ હતા અને તેમના આકાઓથી ત્રાસીને પાકિસ્તાનનો વિનાશ કરવા માગતા હતા.”
સીન 4
અક્ષય, રાણા ને અનુપમ પાકિસ્તાનના ત્રાસવાદીઓ જેવો વેશપલટો કરે છે. વિદ્યાર્થીઓએ શંકાસ્પદ લોકોને હથિયાર સાથે જોયા હોય તેવી વાત પ્રસરે છે પણ પોલીસ પકડી શકતી નથી કારણકે તે મરાઠા આંદોલનને ડામવામાં વ્યસ્ત છે. અક્ષય, રાણા, અનુપમ મિસાઇલ કેન્દ્ર જાય છે. ત્યાં સિક્યોરિટીવાળા સૂતા છે. કેન્દ્રના જે ચાર અધિકારી છે તેમને જિયો કાર્ડ મફત મળ્યા છે. એક બુરખા દત્તને જિયો કાર્ડના કારણે વિડિયો કૉલિંગ દ્વારા લાઇવ ઇન્ટરવ્યૂ આપે છે. બધી સિસ્ટમ બતાવે છે. બુરખાની ચેનલ યેડીટીવી (મરાઠીમાં યેડા = પાગલ) પાકિસ્તાનવાળા ત્રાસવાદીઓમાં લોકપ્રિય છે. બીજો અધિકારી પોર્ન મૂવી જોઈ રહ્યો છે. ત્રીજો પ્રેમિકા સાથે લાઇવ વિડિયો ચેટ કરી રહ્યો છે. ચોથો યૂ ટ્યૂબ પર પાકિસ્તાનની સેનાની ક્ષમતાનો વિડિયો જુએ છે. આવા એક વ્યક્તિના કારણે જ આપણો દેશ સમોસૂતરો ચાલે છે. આ ચોથા અધિકારીનું ધ્યાન ત્રાસવાદીઓના વેશમાં આવેલા અક્ષય, રાણા ને અનુપમ પર પડે છે. તે તેમની સાથે લડે છે. અનિચ્છા છતાં અક્ષય તેને બેભાન કરે છે ને નિ:સાસા સાથે કહે છે, “હમારે દેશ મેં માર ઇમાનદાર ઔર સચ્ચે દેશભક્ત હી ખાતેં હૈં.”
અનુપમ મોબાઇલ નેટવર્ક જામ કરી દે છે. રાના લાઇટ ગૂલ કરી દે છે. અક્ષય સરળતાથી પેલા ત્રણેયને બેભાન કરી દે છે. તે પછી રાના લાઇટ ઑન કરે છે. અનુપમ મિસાઇલો લૉડ કરે છે. ટાર્ગેટ સેટ કરે છે. એક મિસાઇલ ઈસ્લામાબાદમાં વડા પ્રધાન નવાઝ શરીફના ઘર પર પડે છે. બીજી રાવલપિંડીમાં સેનાધ્યક્ષ રાહલ શરીફના ઘરને ઉડાડે છે. ત્રીજી હાફિઝ સઈદના ઠેકાણા પર પડે છે. તે રંગરેલિયા કરતો હોય છે (ફિલ્મમાં આવું બતાવવું પડે તેવું આજકાલ મનાય છે.) ને તે દોજખવાસી થઈ જાય છે. અડધી રાતે ઘસઘસાટ સૂતા પાકિસ્તાનવાસીઓમાં ધડાકાના અવાજથી દોડધામ મચી જાય છે. આ તરફ સેનાની ત્રણેય પાંખ એલઓસી વટાવીને ઈસ્લામાબાદ કબજે કરે છે. ભગવો લહેરાવાય છે. નંબરિયા પડે છે.
લોકો થિયેટરમાં ભારત માતા કી જય બોલાવીને પોપકૉર્ન ખાઈ કૉકાકોલા પી ઘરે જઈ ટીવી જુએ છે તો એમાં લોઢીજી તમિલનાડુમાં પક્ષની રેલીમાં હાર પહેરી ભાષણ કરી રહ્યા છે, “હિન્દુસ્તાન અને પાકિસ્તાનના લોકો ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા સામે લડે.” લોકો મનમાં બે #$ ચોપડાવી સૂઈ જાય છે.

(આ કટાક્ષ કથા કાલ્પનિક છે. બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

film, gujarat guardian, politics

સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…

 

નાચ ન આવૈ, આંગન ટેઢા. સેન્સર બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન જે ટૂંકમાં સેન્સર બૉર્ડના નામે ઓળખાય છે તેનાં અધ્યક્ષા લીલા સેમસને રાજીનામું આપી દીધું. સેમસને એવું કારણ આગળ ધર્યું કે ‘મેસેન્જર ઑફ ગોડ’ નામની બાબા રામ રહીમની ફિલ્મને તેમણે લીલી ઝંડી ન આપી તો આ ફિલ્મના સર્જકો ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલ આગળથી પ્રમાણપત્ર લઈ આવ્યા. તેમણે સેન્સર બૉર્ડમાં ભ્રષ્ટાચાર તેમજ માહિતી-પ્રસારણ મંત્રાલયની દખલગીરીનું કારણ પણ આગળ ધર્યું. સેમસનના સમર્થનમાં બીજા બાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં.

સેમસને ‘મેસેન્જર ઑફ ગોડ’ ફિલ્મનું કારણ જણાવ્યું છે, પરંતુ આ ફિલ્મ પર ભાજપ જે સરકારમાં ભાગીદાર છે તે પંજાબમાં જ પ્રતિબંધ મૂકાયો છે અને તે પણ કેન્દ્ર સરકારની સંસ્થાઓની સલાહ પર, કેમ  કે તેનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. હવે જો કેન્દ્ર સરકાર દખલ દેતી હોય તો પછી તે શા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપે? ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કરેલા ટ્વીટ મુજબ, “લીલા સેમસન પોતે કહે છે કે તેમણે મેસેન્જ ઑફ ગોડ જોઈ નથી, અને છતાં તેઓ ઈચ્છે છે કે તેના પર પ્રતિબંધ મૂકાય !’ જાણીતા લેખક પ્રીતિશ નાંદીએ પણ લીલા સેમસન સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યું છે કે “મેસેન્જર ઑફ ગોડ ગમે તેવી બેકાર ફિલ્મ કેમ ન હોય, મને આનંદ છે કે અપીલેટ ટ્રિબ્યુનલે તેને મંજૂરી આપી છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વધુ અગત્યનું છે.” જોકે આવું પહેલી વાર નથી થયું કે સેન્સર બૉર્ડ પ્રમાણપત્ર આપવાની ના પાડે તો કોઈ ફિલ્મ સર્જક તેનાથી ઉપરની સત્તા એટલે અપીલેટ ટ્રિબ્યુનલમાં ગયો હોય…

મોહસીન અલી ખાન સહિત ત્રણ નિર્માતાઓએ નિર્માણ કરેલી ‘યા રબ’ ફિલ્મમાં મુસ્લિમોના બે ચહેરા રજૂ કરાયા હતા- એક શાંત ચહેરો અને બીજો ત્રાસવાદને પ્રોત્સાહન આપતો ચહેરો. આ ફિલ્મને લીલા સેમસનના નેતૃત્વવાળા સેન્સર બૉર્ડે ફિલ્મને જોવાની પણ તસદી લીધા વગર પ્રમાણપત્ર આપવા ઈનકાર કરી દીધો. (યાદ રાખો, આ જ લીલા સેમસનનું સેન્સર બૉર્ડ ‘પીકે’ને મંજૂરી તો આપે જ છે, પરંતુ તેની સામે વિરોધ થયા બાદ તેનાં દૃશ્યોમાં કાપ મૂકવાનો પુનર્વિચાર કરવાની પણ ના પાડે છે!) આ ફિલ્મના વિતરક મહેશ ભટ્ટ અને નિર્દેશક હસનૈન હૈદરાબાદવાલા (જેમણે ‘ધ કિલર’, ‘ધ ટ્રેન’ જેવી ફિલ્મો બનાવેલી) ફિલ્મ ટ્રિબન્યુલમાં ગયા અને તેને ત્યાં લીલી ઝંડી મળી. તે વખતે લીલા સેમસને કેમ રાજીનામું ન આપ્યું? આ જ રીતે ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’  નામની દસ્તાવેજી ફિલ્મને સેન્સર બૉર્ડે પ્રમાણપત્ર ન આપ્યું તો તેના સર્જક પંકજ બુટાલિયા સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. એ અલગ વાત છે કે વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ની જેમ ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’માં પણ કાશ્મીરમાં હિંસાના ભોગ બનેલા લોકોને દેખાડ્યા હતા અને તે માટે સર્વોચ્ચે પંકજ બુટાલિયાનો ઉધડો લીધો હતો કે ફિલ્મોમાં એક જ તરફની વાત રજૂ કરવી તે ફેશન થઈ ગઈ છે કે શું? આ ઘટના પણ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫ની જ છે. લીલા સેમસનને પંકજ બુટાલિયા સુપ્રીમમાં જાય તેની સામે વાંધો નથી.

હકીકત તો એ છે કે લીલા સેમસન સહિતના સભ્યોની મુદ્દત માર્ચ, ૨૦૧૪ના રોજ જ પૂરી થઈ જતી હતી, પરંતુ મોદી સરકારે તેમને જ્યાં  સુધી નવા લોકોની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાલુ રહેવા કહી તેમની મુદ્દત વધારી આપી હતી! એટલે આમ નહીં તો આમ તેમને જવાનું હતું જ પરંતુ લીલા સેમસને જતાં જતાં વિવાદ જગાવી પોતાની નિમણૂક જેણે કરી હતી તે કૉંગ્રેસને ફાયદો કરતાં જવાનું પસંદ કર્યું, બાકી, લીલા સેમસનને તો કલાક્ષેત્ર નામની સરકારી નૃત્ય સંસ્થામાંથી પણ ક્યાં જવું હતું….તેમની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ હોવા છતાં તેઓ તેના ડિરેક્ટર પદને વળગી રહ્યાં હતાં!

લીલા સેમસને ૩૦ એપ્રિલ, ૨૦૧૨ના રોજ કલાક્ષેત્રના ડિરેક્ટર તરીકે અંતિમ દિવસ વિતાવ્યો. આ સંસ્થામાંથી તેમને કેમ રાજીનામું આપવું પડ્યું હતું તે જાણવા જેવું છે. રૂક્મિણી દેવી અરુંડલે નામનાં મહાન કલાકાર દ્વારા ૧૯૩૬માં સ્થાપિત આ સંસ્થા ચેન્નાઈ સ્થિત એકેડેમી છે. તે મુખ્યત્વે ભરતનાટ્યમના પ્રોત્સાહન રૂપે ચાલે છે. ૨૦૧૧માં આ સંસ્થાના શિક્ષક સી.એસ. થોમસે અદાલતમાં રિટ પિટિશન કરી. તેમાં તેમણે આક્ષેપ કર્યો કે લીલા સેમસનની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ છે છતાં તેઓ તેમના પદ પર ચાલુ છે. આ સરકારી સંસ્થા હોવાથી લીલાએ નિવૃત્ત થઈ જવું જોઈએ. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીની અધ્યક્ષતામાં કલાક્ષેત્રના બૉર્ડની બેઠક થઈ અને તેમાં આ પ્રશ્ન ઉઠ્યો. તે પછી લીલા સેમસને રાજીનામું આપ્યું.

જ્યુઇશ પિતા અને વાઇસ એડ્મિરલ તરીકે સેવા આપી ચૂકેલા બેન્જામીન અબ્રાહમ સેમસન અને અમદાવાદી કેથોલિક ખ્રિસ્તી લૈલા સેમસનનાં પુત્રી લીલા સેમસનની જ્યારે સેન્સર બૉર્ડના અધ્યક્ષા તરીકે નિમણૂક થઈ હતી ત્યારે જ વિવાદ થયો હતો. તેમની આ નિમણૂક માટે તેમની એક માત્ર લાયકાત તે વખતે યુપીએ સરકારના પડદા પાછળના (ડી ફેક્ટો) વડાં સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકાના તેઓ નૃત્ય શિક્ષિકા હતા તે જ હતી. બાકી, ફિલ્મ સાથે તેમનો કોઈ ગાઢ સંબંધ નહતો. હકીકતે નિમણૂક પછી તેમણે કહી દીધું હતું કે ભાગ્યે જ તેઓ કોઈ ફિલ્મ જુએ છે! તાજેતરમાં એનડીટીવી ચેનલ પર એક ચર્ચાના કાર્યક્રમમાં તેમણે એ સ્પષ્ટતા ફરી કરી દીધી હતી કે “બધી ફિલ્મો હું કંઈ જોતી નથી. એ તો બૉર્ડના સભ્યો જુએ અને તેઓ જ મંજૂરી આપે.” માહિતી રાજ્ય પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે તો દાવો કર્યો કે સેન્સર બૉર્ડના અધિકારીઓએ તેમને માહિતી આપી હતી કે સેમસન ભાગ્યે જ સેન્સર બૉર્ડની ઑફિસે આવે છે. રાઠોડના આ દાવાને યુવા કૉંગ્રેસના પૂર્વ મહા મંત્રી અને સેન્સર બૉર્ડના સભ્ય અસીમ કાયસ્થનો પણ ટેકો છે. તેઓ કહે છે, “લીલા સેમસનની સેન્સર બૉર્ડના અધ્યક્ષ તરીકે અવધિ વધારાઈ પછી તેઓ એક પણ દિવસ ઑફિસ આવ્યાં નથી. નવ મહિનાથી બૉર્ડની કોઈ મીટિંગ પણ યોજાઈ નથી.’  સેમસન જ્યારે સીબીએફસીનાં અધ્યક્ષા નિમાયાં ત્યારે તેઓ તે ઉપરાંત સંગીત નાટક અકાદમીનાં વડાં હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સની આ સર્વોચ્ચ સંસ્થા મનાય છે. આ ઉપરાંત કલાક્ષેત્રનાં ડિરેક્ટર તો હતાં જ. એટલે એક વ્યક્તિ એક પદના નિયમનો પણ ભંગ થતો હતો. સેમસનની તરફેણમાં ભલે સેન્સર બૉર્ડના સભ્યોએ રાજીનામાં આપ્યાં, પરંતુ એક વાર લેખિતમાં તેમણે બૉર્ડના સભ્યોને નિરક્ષર કહ્યા હતા!

દ્વિઅર્થી સંવાદો અને ચેષ્ટાઓવાળી કોમેડી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની વિરુદ્ધ મુંબઈના એક જૂથે સેન્સર બૉર્ડને ફરિયાદ કરી ત્યારે તેના જવાબમાં લીલા સેમસને લખ્યું:  “એમાં કોઈ શંકા નથી કે, દરેક પ્રદેશમાં (બૉર્ડના સભ્યો પૈકી) કેટલાક શિક્ષિત છે, પરંતુ તેમાંના ૯૦ ટકા અશિક્ષિત છે અને અમારા માટે શરમજનક છે. તેઓ લખી શકતા નથી, ફોર્મ પર સહી પણ કરી શકતા નથી, જે ફિલ્મ તેઓ જુએ છે તેની સ્ક્રિપ્ટ પણ એકલા વાંચી શકતા નથી અને પેનલના સભ્ય તરીકે તેમની જવાબદારી શું છે તે સમજતા નથી.” આની સામે અસીમ કાયસ્થે વાંધો ઉઠાવ્યો તો લીલાએ માફી માગી લીધી!

લીલા સેમસનને અત્યારની સરકાર સામે જ (ખોટો) વાંધો છે તેવું નથી. તેમને જે સરકારે નિમ્યાં તે યુપીએ સરકારના માહિતી પ્રસારણ પ્રધાન મનીષ તિવારી સાથે પણ ખટકી હતી. મનીષ તિવારી સેન્સર બૉર્ડનું પુન:ગઠન કરવા માગતા હતા પરંતુ લીલા સેમસને તેમ થવા ન દીધું. એટલે જ કદાચ સેમસનના રાજીનામા અંગે બહુ બોલકા એવા મનીષ તિવારી કોઈ પ્રત્યાઘાત આપવાથી વેગળા રહ્યા છે.

લીલા સેમસનના બેવડા માપદંડ જુઓ: તેમણે રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલાં જ તેમણે ‘ઇન દિનો મુઝફ્ફરનગર’ નામની ફિલ્મને મંજૂરી આપી. આ ફિલ્મ ૨૦૧૩ના વર્ષમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનાં ચર્ચિત રમખાણો પર આધારિત છે. તેમાં ભાજપ અને આરએસએસની ટીકા કરવામાં આવી છે. ફિલ્મને સેન્સર બૉર્ડના કોલકાતા ખાતેના પ્રાદેશિક કેન્દ્રએ મંજૂરી આપવાની ના પાડી. તે પછી આ ફિલ્મનાં સર્જક જે કોલકાતા સ્થિત છે, મીરા ચૌધરી ફિલ્મ અપીલેટ ટ્રિબ્યુનલ આગળ ગયાં. ટ્રિબ્યુનલે પણ ફિલ્મને મંજૂરી આપવા ના પાડી. સેમસને પોતાના અધિકારનો ઉપયોગ કરી ફિલ્મની મંજૂરી માટે મુંબઈ ખાતે અરજી કરાવડાવી. (ઘણી ફિલ્મો આ રીતે બીજા કેન્દ્રમાં જઈ મંજૂરી મેળવી આવતી હોય છે.) અને આ રીતે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી.

‘પીકે’માં આટલાં બધાં દૃશ્યો સામે હિન્દુઓનો વિરોધ હોવા છતાં તેમાં કાપ મૂકવા ઈનકાર કરનાર લીલા સેમસને અક્ષયકુમારની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ સામે એવો વાંધો ઉઠાવ્યો હતો કે તેમાં જોની લિવરના પાત્ર અબ્દુલ્લાના નામ પરથી તેની મજાક ઉડાવાય છે. તેના નિર્દેશક મુસ્લિમ સાજિદ-ફરહાદ હતા. તેમણે આ વાત ધ્યાનમાં રાખી જ હશે, પરંતુ લીલા સેમસને તેમને આ નામ બદલવા ફરજ પાડતાં જોની લિવરનું નામ હબીબુલ્લા રાખવામાં આવ્યું.  લીલા સેમસનના કાર્યકાળ દરમિયાન ફિલ્મોમાં ગાળો અને અશ્લીલ દૃશ્યોની પણ ભરમાર વધી ગઈ. પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’માં ‘ટાટા, બિરલા, અંબાણી ઔર બાટા, સબ ને દેશ કો કાટા’ ગીતને કાપવાની સેન્સર બૉર્ડે ફરજ પાડી હતી. ‘કમાલ ધમાલ માલામાલ’ સામે કેથોલિક ખ્રિસ્તીઓએ વાંધો ઉઠાવ્યો તો દૃશ્યો કપાયાં અને કેથોલિક ખ્રિસ્તીઓએ લીલી ઝંડી આપી તે પછી જ ફિલ્મ રજૂ થઈ શકી. આ જ રીતે લીલા સેમસનના નેતૃત્વમાં સેન્સર બૉર્ડે મલયાલમ ફિલ્મ ‘પિતાવિનમ્ પુત્રનુમ્’ ફિલ્મની રિલીઝ રોકી હતી કારણકે તે ખ્રિસ્તીઓની લાગણી દુભાવી શકે તેવી હતી.

લીલા સેમસન હિન્દુ વિરોધી હોવાનું પણ કહેવાય છે. તેમના વિરોધીઓ ‘પીકે’ના કિસ્સા ઉપરાંત તેઓ કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારના દાખલા આપે છે. તેમનો આક્ષેપ છે કે લીલા સેમસને કલાક્ષેત્રના લોગોમાંથી ગણેશજીનું ચિત્ર પડતું મૂકાવ્યું હતું. ઉપરાંત નૃત્ય પહેલાં ગણેશ પૂજા થતી હોય છે, તે પણ તેમણે બંધ કરાવી હતી.

લીલા સેમસને રાજીનામા માટે સેન્સર બૉર્ડમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું પણ કારણ આપ્યું છે. પરંતુ લાગે છે કે તેમને મોડે મોડે ‘સદ્બુદ્ધિ’ આવી છે કેમ કે તેમના જ કાર્યકાળમાં તેમના સહિત ત્રણ સભ્યોએ જે રાકેશકુમારની નિમણૂક સેન્સર બૉર્ડના સીઇઓ તરીકે કરી હતી તે રાકેશકુમાર એક પ્રાદેશિક ભાષાની ફિલ્મને પ્રમાણપત્ર આપવા માટે કથિત રીતે રૂ.૭૦,૦૦૦ની લાંચ લેતા પકડાયા હતા. અસીમ કાયસ્થે પ્રશ્ન ઉઠાવ્યો છે કે લીલા સેમસને ત્યારે કેમ રાજીનામું ન આપ્યું? વળી લીલા સેમસન જ્યારે કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારે તેમના સમયમાં કૌભાંડ આચરાયાનું પણ કેગના રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

તમિલનાડુ અને પુડુચેરીના કેગની ઑફિસે એક રિપોર્ટ આપ્યો હતો જે મુજબ, બાંધકામનાં કામો આપવામાં તેમજ ડાન્સ ડ્રામાના વિડિયો દસ્તાવેજીકરણમાં લગભગ રૂ. ૩ કરોડનો ગોટાળો થયો હતો. સુપ્રીમ કૉર્ટના પૂર્વ ન્યાયાધીશ અને કલાક્ષેત્રના તત્કાલીન અધ્યક્ષ એવા ન્યાયમૂર્તિ એસ. મોહને જ આ આક્ષેપ કર્યો હતો. તત્કાલીન સાંસ્કૃતિક સચિવ અભિજીત સેનગુપ્તાને ઉદ્દેશીને લખેલા પત્રમાં ન્યાયમૂર્તિ એસ. મોહને આખું વિગતવાર વર્ણન આપ્યું હતું કે કાયદાઓ અને નિયમો કઈ રીતે તોડવામાં આવ્યા હતા. મોહને અંબિકા સોનીને પણ પત્ર લખ્યો હતો પરંતુ સોનિયાની નિકટતા રહેલાં લીલા સેમસન સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.

પરંતુ સરકાર આવે એટલે બીજા બધા પદો પર પોતાના માનીતા કે વફાદાર લોકોને મૂકે તે પ્રથાનું ઉદાહરણ એક લીલા સેમસન જ નથી. એનડીએ સરકાર વખતે સેન્સર બૉર્ડનાં અધ્યક્ષા આશા પારેખ હતાં. તેમના પછી દેવ આનંદના ભાઈ અને દિગ્દર્શક સ્વ. વિજય આનંદને અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેમણે એક્સ રેટેડ ફિલ્મોને ભારતમાં બતાવવા ખુલ્લી છૂટ મળવી જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરી વિવાદ સર્જ્યો હતો. સરકારે પ્રસ્તાવ નકારી દેતાં તેમણે સ્વેચ્છાએ જ આ પદ છોડી દીધું. ત્યાર બાદ ગુજરાતના અભિનેતા અરવિંદ ત્રિવેદીને આ પદ મળ્યું. તેમના પછી અનુપમ ખેરને સેન્સર બૉર્ડના અધ્યક્ષ બનાવાયા. અનુપમ ખેર સંબંધિત એક વિવાદ એવો હતો કે ૨૦૦૨નાં ગુજરાત રમખાણો આધારિત એક દસ્તાવેજી ફિલ્મ ‘ફાઇનલ સોલ્યુશન’ને તેમણે મંજૂરી આપી નહોતી.

મોદી સરકારે તો લીલા સેમસનના પદની અવધિ વધારી આપી જ્યારે ૨૦૦૪માં આવેલી યુપીએ સરકારે અનુપમ ખેરને સ્પષ્ટ રીતે પદ છોડી દેવા કહેલું. ત્યારે પણ વિવાદ થયો હતો કેમ કે અનુપમ ખેરે પદ છોડવા સ્પષ્ટ મનાઈ કરી દીધી. આથી તેમને હટાવવામાં આવ્યા અને અભિનેત્રી શર્મિલા ટાગોરને વડાં બનાવવામાં આવ્યાં. શર્મિલાના કાર્યકાળ દરમિયાન પણ વિવાદોએ પીછો છોડ્યો નહોતો.

શર્મિલા અને એનિમલ વેલ્ફેર બૉર્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય મેનકા ગાંધી ફિલ્મ ‘રંગ દે બસંતી’ના મુદ્દે સામસામે આવી ગયા હતા. ‘રંગ દે બસંતી’ જેમાં શર્મિલાની પુત્રી સોહા અલી ખાન પણ હતી, તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ અંગે ઝઘડો થયો હતો. મેનકાનું કહેવું હતું કે શર્મિલા તેની દીકરીના કારણે ફિલ્મની તરફેણ કરે છે જ્યારે શર્મિલાનો આક્ષેપ હતો કે મેનકા આપખુદ રીતે વર્તે છે. તેના જવાબમાં મેનકાનું કહેવું હતું કે “હું આપખુદ કઈ રીતે હોઈ શકું? હું સરકારમાં નથી, શર્મિલા છે.” હકીકતે બોમ્બે હાઇ કોર્ટના આદેશ અનુસાર ‘એનિમલ વેલ્ફેર બૉર્ડની મંજૂરી વગર ફિલ્મમાં પશુ-પક્ષીનો ઉપયોગ કરી શકાય નહીં.’  ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલાં એનઓસી માગવું જોઈએ જ્યારે ‘રંગ દે બસંતી’ માટે ફિલ્મ પૂરી થયા પછી એનઓસી મગાયું હતું. મેનકા મુજબ, સેન્સર બૉર્ડે જોવું જોઈએ કે ફિલ્મ માટે એનિમલ વેલ્ફેર બૉર્ડનું સર્ટિફિકેટ લેવામાં આવે. જ્યારે શર્મિલાએ વળતો એવો જવાબ આપેલો કે તેમનું કામ માત્ર પ્રમાણપત્ર આપવાનું જ છે.

શર્મિલા સેન્સર બૉર્ડનાં ચેરપર્સન હતાં તે વખતે સૈફ અલી ખાનની ‘હમ તુમ’ ઠીકઠાક ફિલ્મ હોવા છતાં તેના માટે સૈફને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં માત્ર હિન્દી ફિલ્મોને જ ધ્યાનમાં નથી લેવાતી. આથી શર્મિલાની વગ સૈફને એવોર્ડ મળવા પાછળ કામ કરી ગઈ તેવી શંકા પણ સર્જાઈ હતી. છેક તાજેતરમાં શાહરુખ ખાને પણ વસવસો વ્યક્ત કર્યો હતો કે તે વર્ષે ‘સ્વદેશ’ માટે તેને આ એવોર્ડ મળવો જોઈતો હતો. જોકે, સૈફને માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર જ નહીં, પરંતુ પદ્મશ્રી પણ મળી ગયો હતો. પોતે સરકાર દ્વારા નિમાયેલાં હોવા છતાં અને આટલા લાભ દેખીતી રીતે તેના પુત્રને મળ્યા છતાં શર્મિલા ટાગોરે ૨૦૦૬ની સાલમાં એવો બળાપો કાઢ્યો હતો કે સેન્સર બૉર્ડમાં રાજકીય નિમણૂકો થાય છે. તેમણે એવી તરફેણ પણ કરી હતી કે બૉર્ડમાં નિમણૂકો પર સરકારનો અંકુશ છે અને તે હટાવી સભ્યોની નિમણૂક માટે અગ્રણી વ્યક્તિઓની સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.

સેન્સર બૉર્ડ પર રાજકીય અંકુશ તો છે જ. અને તેમ છતાં બંને વચ્ચે ટકરાવ (એ જ સરકારે નિમેલા હોવા છતાં) થતો રહ્યો છે તે શર્મિલાના ઉદાહરણ પરથી દેખાય આવે છે. જોકે, ૨૦૧૩ના વર્ષમાં યુપીએ સરકારે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુલ મુદ્ગલના અધ્યક્ષપદ હેઠળ આઠ સભ્યોની એક સમિતિ નિમી હતી જે સેન્સર બૉર્ડની સત્તાની સમીક્ષા કરશે. આ સમિતિની રચના કરવા પાછળની ભૂમિકા એવી છે કે કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને સેન્સર બૉર્ડની મંજૂરી મળી ગઈ અને તમિલનાડુની તત્કાલીન જયલલિતા સરકાર અને સેન્સર બૉર્ડ સામસામે આવી ગયાં હતાં.

લીલા સેમસનના વિવાદ પછી એવું લાગે છે કે મોદી સરકાર યુપીએ સરકારના આ નિર્ણયને આગળ ધપાવશે. અને મુદ્ગલ સમિતિનો રિપોર્ટ આવી ન જાય ત્યાં સુધી સેન્સર બૉર્ડમાં મનગમતી વ્યક્તિ નિમાશે. જોવાનું એ છે કે જૂના ને જાણીતા અનુપમ ખેરનો નંબર લાગે છે કે પછી બીજા કોઈ કલાકાર પર પસંદગીનો કળશ ઢોળાય છે.

(આ લેખ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકની વિશેષ કૉલમમાં તા.૨૧/૧/૧૫ના રોજ છપાયો)