film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)

Advertisements
celebrity, society

‘ઈમરાન હાશ્મી…’ પાર્ટ ટૂ : સોસાયટીમાં કે પડોશમાં આવતા કોઈને રોકી શકાય?

ઈમરાન હાશમીના કિસ્સામાં એવું નથી કે તે મુસ્લિમ છે એટલે તેને ફ્લેટ વેચવાનો ઈનકાર કરવામાં આવ્યો.  પણ… એક બહુ કડવું સત્ય લખવા જઈ રહ્યો છું કે તે મુસ્લિમ હોય તે જ કારણે માનો કે ફ્લેટ વેચવા ખરેખર ઈનકાર કરવામાં આવ્યો  હોય તો તેના કારણો શું હોઈ શકે?

ગુજરાતની વાત જ કરીએ કે ગુજરાતીઓની મુંબઈમાં સોસાયટી હોય તો સામાન્ય રીતે ગુજરાતીઓ મુસ્લિમોને કે ફોર ધેટ મેટર, પરપ્રાંતીયોને બાજુમાં રાખવાનું પસંદ કેમ નથી કરતા? એક મોટું કારણ શાકાહાર છે. માંસાહાર રંધાતો હોય તે (દલીલ કરનારાઓ એવી દલીલ કરી શકે કે ગુજરાતીઓ પણ મોટા પાયે માંસાહાર કરવા લાગ્યા છે- પણ તે હજુ ઈંડાની લારી પૂરતું છે, ઘરમાં એ દૂષણ હજુ નથી પ્રવેશ્યું) સહન નથી થઈ શકતું. એટલે તો ગુજરાતમાં એવી રેસ્ટોરન્ટ નથી. જૈનો સહિત ઘણા ગુજરાતીઓ માંસાહારવાળી રેસ્ટોરન્ટમાં જમવાનું પસંદ નથી કરતા.  ઘણાને તો પરપ્રાંતીયો સરસિયા તેલમાં રાંધે તે તેલની વાસ પણ સહન નથી થતી હોતી! આ જાણેલો અનુભવ છે.

બીજું કારણ જે મુસ્લિમોના કેસમાં જ નહીં ઘણી હિન્દુ જાતિઓના કિસ્સામાં પણ લાગુ પડતું હોય છે. અમુક ધર્મ કે જાતિઓના લોકોને  સોસાયટીમાં મકાન વેચવા કે ભાડે આપવાની વણલિખિત મનાઈ હોય છે તે છે દાદાગીરી, બહેન-દીકરીઓની સલામતી. (અહીં  યાદ રહે  કે બધા મુસ્લિમો એવા નથી હોતા પણ એક છાપ જે બંધાઈ ગઈ છે તેની વાત છે, જેમ કે મહારાષ્ટ્રમાં ભૈયાઓ પ્રત્યે છાપ બંધાઈ ગઈ છે)

અમારા ભાવનગરની જ વાત કરું તો, આજથી દસ બાર વર્ષ પહેલાં અલંગમાં કમાયેલા સુખી સંપન્ન મુસ્લિમોએ શિશુવિહાર વિસ્તારની આજુબાજુ મકાનો લેવાનું શરૂ કર્યું ત્યાર પછી હિન્દુઓ ધીમેધીમે ત્યાંથી ખસતા ગયા. ભાવનગરની ભૂગોળથી પરિચિત લોકો જાણી શકે કે આજે શિશુવિહારથી આગળ વધીને મુસ્લિમો છેક માણેકવાડી સુધી આવી ગયા છે. અને સાંભળેલી વાત મુજબ, માણેકવાડીમાં જે હિન્દુ પરિવારો રહેતા હતા તેમને વિસ્તાર ખાલી કરવાની ધમકીઓ પણ અપાઈ હતી. અને કેટલાક  કિસ્સામાં કારણ તરીકે અસભ્યતા, મેનરિઝમનો અભાવ, અસ્વચ્છતા અને બહેન-દીકરીઓની સલામતી ગણાવાય છે. એમ જોવા જાવ તો ગુજરાતમાં પણ સિંધીઓની અલગ સોસાયટી નથી હોતી? કેમ? વચ્ચે એક ગુજરાતી અખબારમાં એક જાહેરાત એવી પણ જોઈ હતી કે મકાન માત્ર મુસ્લિમોને જ વેચવાનું છે. અમદાવાદાના જુહાપૂરામાં કોઈ હિન્દુ રહે છે? અરે, તેને માત્ર અંદર જવું હોય તો પણ ફફડતા જવું પડે તેવી સ્થિતિ છે તે સહુ કોઈ જાણે છે.

હકીકતે માણસ તેનો પડોશી પસંદ નથી કરી શકતો તેવી ઉક્તિ છે, પણ એ ભૌગોલિક કિસ્સામાં. (ભારત તેના પડોશીઓને બદલી શકે?). પણ માનો કે, ભારત કોઈ દેશ નહીં, પણ વ્યક્તિ છે અને તેને અગાઉથી ખબર છે કે પાકિસ્તાન લખણે કેવું છે તો શું તેને બાજુમાં રહેવા આવવા દેશે?

અને ગુજરાત પૂરતી જ વાત રાખીને કહીએ તો જૈનો મોટા ભાગે દહેરાસરની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે અને આવા ફ્લેટમાં જૈનો મોટા ભાગે વસતા હોય છે. એ વાત અલગ છે કે જૈનો તથા હિન્દુઓની અમુક જાતિ વચ્ચે મોટા પાયે સામ્યતાવાળી સંસ્કૃતિ હોવાથી તેઓને સાથે રહેવામાં કોઈ મુશ્કેલી નથી નડતી.

મૂળ તો, સમાન વિચારવાળા, સમાન સંસ્કૃતિ, રીતરિવાજો ધરાવનારાઓને સાથે રહેવામાં વધુ મજા આવે અને આ ક્રમ આજકાલનો નથી, આદિકાળનો છે. અને તેના માટે ફોર્સ ન પાડી શકાય. અરે, માનવની વાત છોડો, પ્રાણીઓ કે પક્ષીઓ પણ એક સાથે જોવા મળે છે કેમ? દરેકને પોતાની સુરક્ષા વહાલી હોય છે. લગ્ન બાબતમાં પણ એક જ વિસ્તારના, એક જ પેટાજ્ઞાતિમાં યોગ્ય સાથી શોધવામાં આવતા હોય છે તેનું કારણ પણ એ જ છે કે ભાષા સરખી હોય, રીતરિવાજો સરખા હોય, રહેણીકરણી સરખી હોય એટલે છોકરીને બહુ વાંધો ન આવે. બીજું, ધર્મની વાત જવા દો. આપણી આજુબાજુ સોસાયટીઓ તરફ નજર દોડાવીને કિસ્સા શોધીશું તો ખબર પડશે કે ઘણી સોસાયટીઓના લોકોને તેમનામાં કોઈ બગડેલી કેરી જેવું એટલે કે ખરાબ ચાલચલગત ધરાવતું માલૂમ પડે તેમને ફ્લેટ વેચવા દેવાતો નથી કે વેચ્યો  હોય તો ખાલી કરાવાય છે.  કુંવારા વ્યક્તિને એકલાને મકાન ભાડે કે વેચાતું મેળવવામાં તકલીફ પડે જ છે.  તો કુંવારો છોકરો કે છોકરી કોની આગળ ફરિયાદ કરવા જાય? (માનનીય વડા પ્રધાનશ્રી, કુંવારાઓની સમસ્યા સાંભળવા એક કુંવારા પંચની રચના કરવામાં આવે તેવી અમારી કુંવારાઓ વતી હાર્દિક અપીલ છે! :)-  )

અને ઈમરાન જો ગુજરાતમાં કોઈ સોસાયટીમાં મકાન લેવા આવે તો તેને એ નાતે તો મકાન ન પણ મળે કે તે સિરિયલ કિસર તરીકેની ઈમેજ ધરાવે છે. (અહીં ફરી એક વાત. અભિનેતા પ્રાણને પણ સમાજ સારી નજરે નહોતો જોતો, કોઈ છોકરાનું નામ પ્રાણ પરથી નહોતું પડાતું.) અને ફિલ્મસ્ટારોની ચાલચલગત તો જવા દો, પણ લાઇફસ્ટાઈલ પણ સભ્ય સમાજને કદાચ ન અનુકૂળ પડે. કેમ? અભિનેત્રી પ્રીતિ  ઝિંટાની સામે આજુબાજુના રહીશોએ,  તેને ત્યાં મોડી રાત્રે પાર્ટી ચાલતી હતી અને મોટા મોટા અવાજે સંગીત ચાલી રહ્યું હતું ત્યારે ફરિયાદ કરી હતી તેનો  કિસ્સો જાણીતો છે જ ને?

એટલે કોંગ્રેસ સરકાર તો  આવા કિસ્સામાં કોઈ અનામત જેવો કાયદો લાવી શકે છે. સરકાર આવો કાયદો લાવે  કે પ્રતિકૂળ પડોશી સાથે રહેવાની ફરજ પડે તો? તો સહઅસ્તિત્વના – એકબીજાની સંસ્કૃતિ, રીતરિવાજો, સભ્યતાનો સમાદર કરીને રહેવું જોઈએ. જો એમાંથી કોઈ એક પક્ષ બીજા પક્ષ પર હાવિ થવા જાય તો સંઘર્ષ નિશ્ચિત છે અને પછી તો ડાર્વિનવાદ પ્રમાણે, સશક્ત જ પ્રભાવી રહેવાનો.

celebrity, film, society

ઈમરાન હાશમી જૂઠો છે અને તેનો પબ્લિસિટી સ્ટંટ છે

‘ધ ટ્રેન’ ‘કિલર’, ‘જન્નત’ જેવી ઘણી ફિલ્મો ન ચાલતી હોવાના કારણે નવરા બેઠેલા ઈમરાન હાશમીએ નવું ઉંબાડિયું મૂકીને મુસ્લિમ-હિન્દુ સમાજનું ધ્રૂવીકરણ મજબૂત કર્યું છે. પાલિ હિલ જેવા પોશકૉસ્મોપોલિટન વિસ્તારમાં અભિનેતા અનિલ ધવન જે સોસાયટીની મેનેજમેન્ટ કમિટીમાં છે તે નિબાના હાઉસિંગ સોસાયટીમાં પોતાને પ્રવેશવા ન દીધો અને તેને ફ્લૅટ વેચવામાં નથી આવતો કારણકે તે મુસ્લિમ છે એવું ઈમરાનભાઈ તેમના મામા મહેશ ભટ્ટ (બીજું કોણ હોય?)ની સાથે રહીને કહે છે.

સદ્નસીબે (અને હંમેશની જેમ) ગુજરાતી અખબારોએ તો આ વિવાદ બહુ ચગાવ્યો નથી, પણ કમનસીબે (અને હંમેશની જેમ) હિન્દીઅંગ્રેજી ચૅનલોએ તેને ભરપૂર ઉછાળ્યો છે. શનિવારે (તા.૧ ઓગસ્ટ)ના રોજ એક ચેનલ પર આ મુદ્દે ચર્ચા હતી જેમાં ‘માનવંતા’ મહેમાનો હતા રાષ્ટ્રીય લઘુમતી પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ તરલોચનસિંહ, બહુજન સમાજ પક્ષમાંથી કાઁગ્રેસમાં જોડાયેલા રાશિદ અલવી, સમાજશાસ્ત્રી મધુ કિશ્વર અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં ‘રાઇટ વ્યૂ’ નામની કૉલમ લખતા તરુણ વિજય.

ચર્ચામાં સ્વાભાવિક જ એન્કરને પોતાની વાત જ સિદ્ધ કરવી હતી અને જ્યારથી ખાનગી સમાચાર ચૅનલો ચાલુ થઈ છે ત્યારથી જોવા મળ્યું છે તેમ, ઍન્કર તરુણ વિજય કે મધુ કિશ્વરને બોલવા જ નહોતો દેતો. એન્કરની વાત તોય સિદ્ધ થઈ શકી નહીં કેમ કે સદ્ભાગ્યે રાશિદ અલવી એવા મતના હતા કે આ બાબતને મુદ્દો બનવા જ ન દેવી જોઈએ. સરદાર તરલોચનસિંહનું પણ કહેવું હતું કે દિલ્લીમાં ૧૯૮૪માં રમખાણો થયા તે પછી શીખોને પણ મકાન મેળવવામાં તકલીફ પડતી હતી. આટલા હોબાળા પછી આ ટીવી ચર્ચામાં મહેશ ભટ્ટે એટલી પીછેહટ કરી કે અમારી ફરિયાદ આખા સમાજ સામે નથી પણ એક નિવાસી સોસાયટી (નિબાના) સામે છે. શબાનાએ જોકે મુસ્લિમોને ઘર મેળવવામાં તકલીફ પડતી હોવાનું કહ્યું. (તો પછી મુંબઈમાં તેઓ ત્રિશંકુની જેમ આકાશમાં રહે છે?) મધુ કિશ્વરે કહ્યું કે કાશ્મીરમાં અમારા ઘરને સળગાવી દેવાયું, મારા કાકાની હત્યા થઈ તો પણ અમે મુદ્દો બનાવ્યો નથી. તરુણ વિજયે પણ કહ્યું કે શબાનાબહેન કાશ્મીરના પંડિતો મુદ્દે ક્યારેય બોલ્યા છે ખરા? તો ચર્ચાના એન્કરે મધુની આખી વાતને મચકોડતા કહ્યું કે તમે એમ કહેવા માગો છો કે એનાથી ઈમરાન કે શબાનાને ઘર નથી મળતું તે વાત વાજબી છે?

હકીકતે તો ઈમરાન જુઠો છે. તરુણ વિજયે સાચું જ કહ્યું કે જેમ રાખી સાવંત (સારું થયું કે તેમણે હિન્દુનું નામ લીધું, નહીં તો એક ઓર મુદ્દો થાત) વિવાદો ઊભા કરી પબ્લિસિટી મેળવે છે અને તેના લીધે કાર્યક્રમો કે ફિલ્મો મેળવે છે તેવો જ આ ઈમરાનનો પબ્લિસિટી સ્ટંટ છે.

આ વાત સાચી લાગે છે કેમ કે અનિલ ધવને અને સોસાયટીના સેક્રેટરી મુજબ, ઈમરાન હળાહળ જૂઠું ચલાવે છે. પહેલા તો સોસાયટીમાં પ્રવેશની વાત. અનિલ ધવન (યાદ રહે, તે પોતે પણ અભિનેતા છે અને તેમના ભાઈ ડેવિડ ધવન જાણીતા નિર્દેશક છે જેમની ફિલ્મોમાં ચર્ચની વાત ઘણી વાર આવે છે) કહે છે કે અમારી મિટિંગ ચાલતી હતી ત્યારે ઈમરાન તેના પરિવાર સાથે ધસી આવ્યો હતો. સેલિબ્રિટી હોવાથી તેને ગમે ત્યાં આવી રીતે ધસી આવવાનો હક નથી મળી જતો. સોસાયટીના સેક્રેટરી જે. બી. ચેત્રીનું પણ આ જ કહેવું છે. જે.બી. ચેત્રી તો કહે છે કે તેમણે પોતે ૩૦ વર્ષ પહેલાં એક મુસ્લિમ પાસેથી જ ફ્લેટ લીધો છે તો પછી કેવી રીતે તેઓ મુસ્લિમ હોવાના આધાર પર ઈમરાનને ફ્લેટ વેચવા ઈનકાર કરે? (http://www.mid-day.com/news/2009/aug/010809-J-B-Chetry-Nibbana-society-Pali-Hill-denying-apartment-Emraan-Hashmi-muslim.htm) મિડ ડેમાં જ આવેલા અહેવાલ મુજબ, ખાર, સાંતાક્રુઝ, બાંદ્રા અને જુહૂના દલાલો આ વાતથી ચોંકી ગયા છે. તેમના કહેવા મુજબ, પાલિ હિલ તો પંચરંગી વિસ્તાર છે અને તમામ ધર્મના લોકો અહીં રહે છે. (મિડ ડેના માલિક મુસ્લિમ છે એ નોંધવું જોઈએ.)

સારી વાત એ છે કે શાહરુખ ખાન અને સલમાન ખાન બંનેએ કહ્યું છે કે તેમને ધર્મના આધારે ક્યારેય ભેદભાવનો સામનો નથી કરવો પડ્યો. સલમાન ખાને તો સ્પષ્ટ કહ્યું કે એવું હોત તો સલમાન સલમાન ન હોત, આમિર આમિર ન હોત અને શાહરુખ શાહરુખ ન હોત.

ઈમરાન જેવી મુસ્લિમ સેલિબ્રિટી આવો વિવાદ ઊભો કરે ત્યારે બહુ કરુણા ઉપજે છે કારણકે આવું હોત તો પાલિ હિલમાં દિલીપકુમારનો બંગલો ન હોત. આમિરનું ઘર ન હોત.

અગાઉ નદીમ-શ્રવણ પૈકીના નદીમે ગુલશનકુમાર હત્યા કેસમાં લંડનથી ભારત ન આવવા માટેનું કારણ આપતા કહ્યું હતું કે તેને લાગે છે કે તે મુસ્લિમ હોવાથી તેને ભારતમાં ન્યાય નહીં મળે! મેચ ફિક્સિંગ કૌભાંડમાં પકડાયેલા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને પણ કહ્યું હતું કે તે મુસ્લિમ હોવાથી તેને ફસાવવામાં આવી રહ્યો છે. જ્યારે નદીમની ધૂનો પસંદ કરાતી હતી, દર વર્ષે ઍવોર્ડ મળતા હતા, ક્રિકેટ ટીમ મેચો જીતતી હતી અને અઝહરની વાહ વાહ થતી હતી ત્યારે આ લોકો ભૂલી ગયા હતા કે તેઓ મુસ્લિમ છે છતાં દેશની બહુમતી પ્રજા તેમને માથે ઊંચકીને ફરે છે.

ઈમરાનને કદાચ તેના આ નિવેદનની ગંભીરતાનો ખ્યાલ નહીં હોય પણ તેના નિવેદન અને લઘુમતી પંચ સમક્ષ મામલાને લઈ જવાના કારણે મુસ્લિમ-હિન્દુ ધ્રૂવીકરણ ઓર મજબૂત થયું છે અને કમનસીબે દેશની સુરક્ષા માટે આ સારું નથી, ખાસ કરીને જ્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ચીનપાકિસ્તાનને જોડતા કારાકોરમ નેશનલ હાઇવે પર તાજેતરમાં જ ૧૬ હવાઈ મથકોનું નિર્માણ થયું હોય અને પાકિસ્તાન સરહદ પર ધડાધડ બંકરો બનાવી રહ્યું હોય ત્યારે અને જ્યારે ઑસ્ટ્રેલિયામાં આપણા પર વંશીય હુમલાઓ થઈ રહ્યા હોય ત્યારે.