media, sanjog news, vichar valonun

આઠ કૉલમ અને બાઇટની દુનિયામાં ખોવાયો છે પત્રકાર

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૨/૭/૧૮)

પત્રકારત્વ જગત માટે તાજેતરમાં ત્રણ આઘાતજનક સમાચાર આવ્યા. એક તો ‘ભાસ્કર’ સમૂહના નેશનલ એડિટર કલ્પેશ યાજ્ઞિકની આત્મહત્યાના. ‘અસંભવની વિરુદ્ધ’ એવી કૉલમ લખતા તંત્રી આત્મહત્યા કરે તેવું માનવામાં જ ન આવે. શરૂઆતમાં તો તેમનું અવસાન હૃદયરોગના હુમલાથી થયાના સમાચાર ‘ફેલાયા’. પછી પોલીસ ચિત્રમાં આવી અને ‘આત્મહત્યા’ કર્યાની પુષ્ટિ થઈ. આ આત્મહત્યા પાછળ અનેક કારણોની ચર્ચા/ગોસિપો ચાલી રહી છે. એક પત્રકાર-કૉલમિસ્ટના અવસાન પાછળનું રહસ્ય ક્યારેય બહાર આવશે? કદાચ નહીં. સંજય ગાંધી હોય કે સુનંદા પુષ્કર, આવા મોટા લોકોના રહસ્યમય મૃત્યુ વિશે રહસ્ય અને તેમના વિશે થતી વાતો ક્યારેય અટકતી નથી.

બીજા સમાચાર એટલે એક ગુજરાતી સમાચાર ચેનલમાં વરસાદનું થોડું પાણી ભરાયું તેને ચાર-પાંચ ફૂટ તરીકે રિપૉર્ટર દ્વારા વર્ણવાયું. ત્રીજા સમાચારમાં એક જગ્યાએ વરસાદનું એટલું પાણી નહોતું ભરાયું તો લીંબડી પાસે રણોલ ગામમાં લોકોને પાણીમાં બેસી જવા કહ્યું અને કેમેરા ટ્રિકથી તેઓ પાણીમાં ગળાડૂબ હોય તેમ દેખાડાયું.

પત્રકારને કેવું સ્ટ્રેસ? પત્રકાર તો મજાની જિંદગી જીવે. રોકટોક વિના ગમે ત્યાં જઈ શકે. પૉલિટિશિયન, પોલીસ અને પ્રૉસિક્યૂટર (વકીલો) સહિતના ત્રણેય ‘પી’ (અંગ્રેજી મૂળાક્ષર) ચોથા ‘પી’ એટલે કે પ્રેસ (પત્રકારો)ને હંમેશાં નમસ્કાર કરતા ફરે. તેમની ઓળખાણો નરેન્દ્ર મોદીથી માંડીને મેયર સુધી, રતન તાતાથી માંડીને કરશનભાઈ પટેલ સુધી, અમિતાભ બચ્ચનથી માંડીને નરેશ કનોડિયા સુધી, વિરાટ કોહલીથી લઈને પાર્થિવ પટેલ સુધી હોય. ચપટી વગાડતાં તેમનાં કામ થઈ જાય. તેમની અવગણના કરવાનું કોઈને પોસાય નહીં. તેમને અમેરિકામાં ડૉનાલ્ડ ટ્રમ્પ શું કરે છે તેનાથી માંડીને આગામી લોકસભાની ચૂંટણીમાં કોનેકોને ટિકિટ મળવાની છે ત્યાં સુધી બધી જ જાણકારી હોય.

ટીવીની સમાચાર ચેનલોમાં કામ કરતાં એન્કરો (આમ તો કામ કરતી એન્કરો, કારણકે ટીવી પત્રકારત્વમાં મહિલા ચહેરા વધુ દેખાય છે)ને તો કેટલા જલસા! સુંદર કપડાં, સરસ મજાનો મેક-અપ કરીને ચિલ્ડ એસીવાળા સ્ટુડિયોમાં મોટા-મોટા લોકો સાથે ડિબેટ કરવાની. સમાચાર વાંચવાના. ગમે તેવા રાજકારણી હોય કે પોલીસ, લાઇવ ટેલિકાસ્ટમાં ‘કામ કેમ નથી કરતા’ તેમ પૂછવાની સત્તા!

ઉપર કહ્યા તેવા મતો પત્રકારો વિશે જનતામાં સામાન્ય રીતે હોય છે. આ વાતો સાચી, પરંતુ શું પત્રકાર પણ એક સામાન્ય માણસ નથી? ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, માર્કેટિંગ, મેનેજમેન્ટ, આઈ.ટી. એન્જિનિયર જેવા ક્ષેત્રના લોકોને જેવો સ્ટ્રેસ હોય છે તેવો જ સ્ટ્રેસ પત્રકારોને પણ હોય જ છે. ચીફ એડિટરથી માંડીને રિપૉર્ટર સુધી બધા આ અનુભવ કરે જ છે. દરેક પર ટીઆરપી સારા લાવવા કે સમાચારપત્રનું વેચાણ વધારવાનું દબાણ હોય છે. સાચો પત્રકાર ચોવીસે કલાક પત્રકાર તરીકે જ જીવતો હોય છે. તેને દરેક બાબતમાં કોઈક સ્ટૉરીની આશા હોય છે. કોઈ સમાચાર બને તો તેનું રસાળ શૈલીમાં નાનકડું પણ ધ્યાનાકર્ષક મથાળું શું બની શકે તે વિચારો તેના મગજમાં તરત ચાલુ થઈ જાય છે. તેના મગજમાં કોઈ વિચાર ઝબુકે એટલે તે અડધી રાત્રે કે મોડી રાત સુધી પણ પેનથી ડાયરીમાં કે હવે મોબાઇલના જમાનામાં કલરનૉટમાં ટપકાવવા લાગે છે.

પરંતુ આ બધી મહેનત પર ક્યારેક ‘ઉપરવાળા’ (શ્લેષ અભિપ્રેત છે) પાણી ફેરવી દે અને આવું વારંવાર બને ત્યારે તેના મનમાં સ્વાભાવિક જ નિરાશા જન્મે છે. કામ માટે સમય ન જોનારો પત્રકાર જ્યારે તેના કામની કદર તો ઘરે ગઈ, પરંતુ તેના વિચારો, તેની સ્ટૉરી, તેના હેડિંગ, તેના એન્કરિંગને પાણીમાં પધરાવવામાં આવે, કોઈ ‘પૉલિટિક્સ’ ખેલાઈ જાય, તેની જાણ બહાર તેની સ્ટૉરીનું એડિટિંગ કોઈ બીજાને અપાઈ જાય, તેણે આખી સ્ટૉરી કે પૂર્તિ માટે મહેનત કરી હોય, પરંતુ છેલ્લી ઘડીએ બૉસના માનીતા કોઈ પત્રકારનું નામ ક્રેડિટ લાઇનમાં ઘૂસી જાય ત્યારે આવો સાચો પત્રકાર પડી ભાંગતો હોય છે.

પોતે સારું કામ કરતો હોય પરંતુ નવા તંત્રી આવે એટલે ઊંચા પગારે લાવેલા પોતાના માનીતા પત્રકારને જ્યારે એ જ ‘બીટ’ સોંપી દઈ પોતાને કોઈ બીજી નકામી (જેમ આઈએએસ અધિકારીને સાવ નકામા વિભાગમાં ફેંકી દેવામાં આવે કે ધારાસભ્ય/સાંસદને નકામું ગણાતું ખાતું આપવામાં આવે તેમ) ‘બીટ’ સોંપવામાં આવે ત્યારે આ પત્રકારનું હૈયું રડી ઊઠતું હોય છે. પોતે જે સ્ટોરીનો આઇડિયા આપ્યો હોય તે જ સ્ટોરી એડિટરે બીજા કોઈને સોંપી દીધી હોય તે જાણીને પત્રકારને આઘાત લાગવો સ્વાભાવિક છે. પોતે ઘણી મહેનત કરીને, દોડધામ કરીને, કોઈ ઑફિસમાં અજાણી વ્યક્તિ તરીકે ઘૂસ મારીને ઉદ્યોગપતિ-મંત્રી-પોલીસનું કૌભાંડ શોધી લાવ્યો હોય અને તે સ્ટોરી આવા વ્યક્તિ સાથે ‘સેટિંગ’ થઈ જવાથી ‘કિલ’ થઈ જાય ત્યારે પત્રકારની મનોદશા કલ્પના કોઈ ન કરી શકે.

સમાચાર કોને કહેવાય? સામાન્યતઃ વ્યાખ્યા આવી છે- કૂતરું માણસને કરડે તે સમાચાર ન કહેવાય, હા, માણસ કૂતરાને કરડે તો સમાચાર કહેવાય. ચીલાચાલુ સ્ટૉરી નહીં, મસાલેદાર, ધમાકેદાર સ્ટૉરી અખબાર વેચવા કે ન્યૂઝ ચૅનલ ચલાવવા જોઈએ. અખબારમાં હવે તસવીરોનું મહત્ત્વ યથાર્થ જ છે. તસવીરો માટે પણ ફૉટોગ્રાફરોની દોડધામની કલ્પના પત્રકારત્વ જગતની બહારના લોકો ન કરી શકે. સારા સમાચાર કે સારી તસવીર આવે તેની કદર મેનેજમેન્ટ તરફથી મોટા ભાગે નથી થતી, પરંતુ કોઈ સમાચાર ચૂક્યા કે ફૉટોગ્રાફર સારી તસવીર ન લાવી શક્યો તો આવી બન્યું! શહેરોમાં કેટલી બધી ઇવેન્ટ થતી હોય, તે બધી ઇવેન્ટ એક અખબારના જૂજ ફૉટોગ્રાફરોએ કવર કરવાની હોય. એટલે બાઇક કે કારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની મારામારી, વળી, સમયસર એ ફૉટો મોકલવાની મગજમારી…આ બધી પડદા પાછળની કવાયત છે. જનતા તો બીજા દિવસે સારો ફૉટો જોઈને રાજી થાય. કેટલા લોકો એ ફૉટો જોઈને તેના તસવીરકારનું નામ વાંચતા અને યાદ રાખતા હશે?

ઘણા વાચકોની યાદશક્તિ અદ્ભુત હોય છે. સ્વ. હાસ્ય લેખક વિનોદ ભટ્ટનો રમૂજી કિસ્સો છે. “ઝરમર વરસાદ પડતો હતો. માંડ એક રિક્ષા મળી. હું તેમાં બેસવા જતો હતો, ત્યાં બે યુવાનો મારી પાસે આવ્યા. બેમાંના એકે કુતૂહલથી મને પૂછ્યું : “તમે જ વિનોદ ભટ્ટ છો?” મને એમ કે જો હું હા પાડીશ તો કદાચ તે વધુ પૂછશે અથવા મારો ઑટૉગ્રાફ માગશે. આમાં ને આમાં માંડ મળેલી આ રિક્ષા હાથમાંથી છટકી જશે. તેથી મેં નમ્રતાથી જણાવ્યું કે “ના, હું વિનોદ ભટ્ટ નથી”, ને રિક્ષામાં ગોઠવાઈ ગયો, એટલે બીજા યુવકે પહેલા યુવકને કહ્યું કે હું નહોતો કહેતો કે વિનોદ ભટ્ટ આવો ન હોય?”

આજે તો ‘સંજોગ ન્યૂઝ’ સહિત સમાચારપત્રોમાં લેખકોનાં નામ ઉપરાંત ફોટોગ્રાફ પણ પ્રસિદ્ધ થાય છે, ઇ-મેઇલ આઈડી પણ હોય છે, પરંતુ કેટલા વાચકો કૉલમિસ્ટોને ઓળખી શકે? એ તો જવા દો, પણ કેટલા વાચકો પોતે લેખનસામગ્રી માણી તે બદલ સમાચારપત્રોને ઇ-મેઇલ કે વૉટ્સએપ કરે છે? કૉલમિસ્ટોને માટે કદાચ સૌથી મોટું સન્માન કોઈ વાચક તેને પત્ર લખી કે રૂબરૂ મળે ત્યારે ઓળખીને તેનું લખાણ સાચા અર્થમાં (ખુશામત માટે નહીં) કેમ ગમ્યું તે કહે તે હોય છે.

ટીવીના રિપૉર્ટર અને કેમેરામેનનું કામ વધુ કપરું છે. તેમને વિઝ્યુલી સમાચાર બતાવવાના છે. અને એટલે જ દૃશ્યો સારાં હોવા જોઈએ. જેની સ્ટૉરી હોય તે વિઝ્યુઅલી સારી રીતે પ્રૅઝન્ટ થઈ શકે તેવી હોવી જોઈએ. સમાચારના કેન્દ્રમાં રહેલી વ્યક્તિ પાસે નાનકડું નિવેદન (બાઇટ) લાવવું ફરજિયાત છે. જો તેમ ન હોય તો સ્ટૉરી ચાલે નહીં અને સ્ટ્રિંગરના કિસ્સામાં તો તેને પૈસા ન મળે. કદાચ ઉપરોક્ત કિસ્સા જેમાં રિપૉર્ટરે ચાલાકી કરી પાણીમાં બેસાડી કેમેરા ટ્રિકથી વધુ પાણી બતાવ્યું તેનું કારણ આ હોઈ શકે.

પત્રકાર માટે ઉનાળો, ચોમાસું કે શિયાળો, ત્રણેય ઋતુ સરખી. ૪૦થી ૪૫ ડિગ્રીમાં પણ સ્ટૉરી માટે કોઈએ સમય આપ્યો હોય તો દોડીને જવું પડે. વરસતા વરસાદમાં પણ ક્યાં ખાડો પડ્યો છે તેની જાણકારી લાવવી પડે. ટીવી પત્રકારને તો બિચારાને પલળતાંપલળતાં પણ સમાચાર આપવા પડે. અને આ બધામાં જે લોકો ઑફિસમાં કે સ્ટુડિયોમાં બેસીને કામ કરતા હોય છે તેમનો સ્ટ્રેસ ઓછો નથી હોતો. છેલ્લી ઘડીએ આવતી સ્ટૉરી વાંચી-મઠારી તેને આકર્ષક હેડિંગ આપીને જેટલી જગ્યા હોય તેમાં ફિટ બેસાડવાની છે. તેમાં જો જાહેરખબર આવી તો એડિટ કરવાની છે. આમ કરવા જતાં તેને સ્ટૉરી આપનાર પત્રકારના મનદુઃખનો સામનો પણ કરવાનો છે. સ્ટૉરીમાં કંઈ ચુકાય જાય તો પહેલો ઠપકો રિપૉર્ટરને નહીં, ડેસ્ક પરના કૉપી એડિટરને પડે છે. સ્ટુડિયોમાં બેસીને ઇનપુટનું કામ સંભાળતી વ્યક્તિને સાંભળવું પડે છે.

પત્રકાર તો ચોવીસ કલાક પત્રકાર હોય જ છે પરંતુ આજે બદલાયેલી કામ કરવાની પદ્ધતિમાં તેને ઑફિસ કે ઑફિસની બહાર દસ-બાર કલાક કામ કરવું પડે છે. વીકલી ઑફ જતા કરવા પડે છે. આ બધામાં પરિવાર-સામાજિક કામોને તે સમય ફાળવી શકતો નથી. ઘરમાં પત્ની કે પતિ માંદાં હોય તો ડૉક્ટર પાસે જવા માટે રજા કેટલાક કિસ્સામાં નથી પણ મળતી. બાળકોને પરીક્ષા હોય ત્યારે સરકારી કર્મચારી ફટાક દઈને રજા લઈ શકે છે, પરંતુ આવી સાહ્યબી પત્રકાર માટે નથી. પોતાનાં લગ્ન માટે પણ માંડ અઠવાડિયાની રજા મળતી હોય છે. અને તેની આગલા દિવસોમાં ઍડવાન્સમાં કામ પૂરું તો કરીને જવાનું જ. દિવાળી, બેસતું વર્ષ, નવરાત્રિ, ૩૧ જાન્યુઆરી લગભગ ઑફિસમાં જ વિતે છે.

રાતે ઉજાગરા, ખાવાપીવાના કોઈ ધડા નહીં, સતત સ્ટ્રેસ અને ટેન્શન.. પરિણામે સમાજ અને દેશનું આરોગ્ય સારું રહે તે માટે ઝઝૂમતા પત્રકારનું પોતાનું આરોગ્ય ક્યારે કથળી જાય છે, ક્યારે નાની ઉંમરે ધોળા વાળ થઈ જાય છે તે ખબર નથી પડતી. અને હવે વધુ ને વધુ પ્રૉફેશનલ અને ‘પ્રાઇવસી’ચાહક બનતા જતા સમાજમાં પત્રકારને સાજે-માંદે ખબર કાઢવાવાળું કોઈ ન આવે ત્યારે દુનિયાના રંગો સમજાઈ જાય છે. સ્ટૉરી માટે રોજ મળતા મિત્ર જેવા પત્રકારો ખરેખર મિત્રો હોય છે ખરા? કેટલા પત્રકારોના પરિવારો એકબીજાને ઓળખતા હશે? આવવાજવાનો સંબંધ હશે? કોઈ પત્રકારને શારીરિક-માનસિક કે આર્થિક તકલીફ પડે ત્યારે કેટલા પત્રકારો તેમને બીજી કોઈ મદદ તો ઘેર ગઈ, સધિયારો આપવા-હૂંફ આપવા પણ જાય છે?

એટલે જ હવે જ્યારે માહિતી અને મનોરંજનથી સભર ‘સંજોગ ન્યૂઝ’ વાંચો, કોઈ ચૅનલ જુઓ ત્યારે તેના આઠ કૉલમના આકર્ષક સમાચાર-લેખો પાછળનો પત્રકારોનો આ અકથ્ય સંઘર્ષ-પીડા-વેદના-મહેનત અચૂક યાદ કરજો.

Advertisements
gujarat, Jaywant nee je bbat, media

છબરડાઓ પાછળના સંજોગો ને માનસિકતા

જયવંતની જે બ્બાત

ગુજરાતમાં ધો.૧૨ ના અંગ્રેજી માધ્યમના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો વળ્યો છે. સીતાજીનું અપહરણ રાવણે નહીં પરંતુ શ્રી રામે કર્યું હતું તેવો જનમાનસમાં સંદેશો પહોંચ્યો છે, પણ આવી વાત નથી. બન્યું એવું કે સીતાજીના પરિત્યાગ વેળા સીતાજી લક્ષ્મણને પ્રભુ શ્રી રામ માટે સંદેશો આપે છે. કવિ કાલીદાસના રઘુવંશની વાત કરતી વખતે પાઠ્યપુસ્તકમાં લખાયું છે, “There is (a) very heart-touching description of the message conveyed by Laxman to Ram when Sita was abducted by Rama,”. અહીં હોવું જોઈતું હતું abandoned અર્થાત્ પ્રભુ શ્રી રામ દ્વારા ત્યજાયેલાં. પણ મુદ્રારાક્ષસ કે પ્રૂફ રીડર+ કૉપી એડિટર + એડિટરની ભૂલથી શબ્દ છપાયો – abducted અર્થાત્ અપહૃત-અપહરણ કરાયેલાં.

માત્ર સરકારની જ વાત નથી, મિડિયામાં પણ આ પ્રકારના છબરડા જોવા મળે છે, અન્ય ક્ષેત્રોમાં અલગ પ્રકારના છબરડા થાય છે. માણસ માત્ર ભૂલને પાત્ર તેમ ગણીને ઘણી વાર જતું કરાય છે પણ જ્યારે તેનું પ્રમાણ વધી જાય ત્યારે કડક પગલાં અને તકેદારી અનિવાર્ય બને છે. બધાં ક્ષેત્રોમાં મિડિયોકર માણસો પસંદ કરાય છે, જે ચાપલુસી કરી શકે, ‘વહીવટ’ કરી શકે. ગુણવત્તાની કોઈને કદર નથી. સારા, અનુભવી અનુવાદકો, કૉપી રાઇટર, સારા સંપાદકો છે જ, પણ સરકાર/મિડિયામાં અધિકારીઓ/તંત્રીઓ ઓછી ગુણવત્તાના લોકોને નોકરી માટે પસંદ કરશે, પગાર મબલક અપાવશે, પછી ભલેને રોજેરોજ છબરડા જતા. શરત એ કે તેમના કેમ્પના હિસ્સા હોવા જોઈએ. તેમની ચાપલુસી કરતા હોવા જોઈએ. અનુવાદકો ગૂગલ ટ્રાન્સલેશનની મદદ લઈ અનુવાદ કરતા હોય છે જેથી આ પ્રકારના ગંભીર છબરડા જવાની પૂરેપૂરી સંભાવના હોય છે.

કૉસ્ટ કટિંગના નામે પ્રૂફ રીડરની તો પૉસ્ટ હવે મોટા છાપાંઓમાં છે જ નહીં. ટીવીમાં પણ આવું જ છે. ડેસ્ક પર એડિટિંગનું કામ કરતા લોકોને જ પ્રૂફ રીડિંગ કરવાનું આવે છે. તેમને આ માટે ભાષા શાસ્ત્રીઓ પાસે કોઈ પ્રશિક્ષણ (૯૯ ટકા) અપાતું નથી. પરિણામે ખોટો શબ્દ નથી જતો ને તેની જ કાળજી લેવાય છે (અને ઘણી વાર એ પણ જતો રહે છે). હૃસ્વ, દીર્ઘ. અનુસ્વાર, ધ અને ઘ – ઢ અને ઠ વચ્ચેનું અંતર આ બધી લપ્પનછપ્પનમાં કોણ પડે? દૃષ્ટિના બદલે દ્રષ્ટિ, દૃશ્યના બદલે દ્રશ્ય, હૃદયના બદલે હ્યદય, માના બદલે માં, સાપના બદલે સાંપ… આ અને બીજા ઘણા શબ્દો ગઈ કાલે જે ચેનલોએ છબરડાના મુદ્દે ડિબેટ કરી તેમાં અને જે છાપાંઓએ સમાચાર છાપ્યા તેમાં મોટા ભાગે ખોટા જાય છે. છાપાં-ચેનલો દલીલ કરશે કે ઉતાવળમાં આવું થાય. પણ ઉતાવળ તો બધે જ હોય છે.

ખાનગી કે સરકારી કામોમાં, ઘણી વાર રિપૉર્ટર તરફથી કે લેખકો તરફથી લેખો કે મેટર મોડી મળે, તેમાંય ભાષાશુદ્ધિ હોય તો ઓછી ચિંતા પણ જો ન હોય તો ખૂબ જ તકલીફ. વળી આજે કમ્પ્યૂટર સહિત ટાઇપિંગની સારી સગવડ છતાં કેટલાક પોતે શીખે નહીં, ટાઇપ બહાર કરાવવાની તસદી લે નહીં. અક્ષર પણ ગાંધીજીના અક્ષર જેવા હોય. માથે ડેડલાઇન ઝળુંબતી હોય. વળી પ્રૂફ રીડર કે કોપી એડિટર પણ ભૂલો ચિતરીચિતરી થાકી જાય, અને કમ્પૉઝિટર/પેજમેકરના માથે કાં તો કામ ખૂબ જ હોય, કાં તો સહકર્મી/તંત્રી સાથે ગપ્પા મારી, ફૉન પર પ્રાઇવેટ કામો માટે ક્લાયન્ટ સાથે વાત કરી પછી સુધારા કરવા બેસે. ભાષાના જાણકાર કમ્પૉઝિટર/પેજમેકર તો ચકલીની જેમ વિલુપ્ત થતી પ્રજાતિ છે. એ ચિતરડાંમાંથી કંટાળાના ભાવ સાથે સુધારા કરવામાં આવે. તેમ કરવા જતાં પોતે પાછી નવી ભૂલો ઊભી કરે. કેટલાક દૈનિકોમાં તો આઠ પાના (૬૪ કૉલમની મેટર) સુધારવાનું કામ કરનાર એક જ જણ હોય! અને ડેડલાઇન માથે ઝળુંબતી હોય. એટલે જે રહી ગયું તે રહી ગયુંની ભાવના સાથે બધું હઈશોહઈશો ચાલે છે. તંત્રી પણ અપવાદોને બાદ કરતા પોતાનાં ‘કામો’માં અટવાયા હોય છે. એટલે ફાઇનલ કૉપી પર નજર નાખી, ન નાખી, ભૂલ પકડાય તો ઠીક, નહીંતર હરિ ૐ તત્સત. વળી, ઘણી વાર અંગત હરીફાઈ કે સારા સંબંધ ન હોય તો કમ્પૉઝિટર/પેજમેકર, પ્રૂફ રીડર કે કૉપી એડિટર જાણી જોઈને ભૂલ જવા દે તેવું પણ બને જેથી બીજા દિવસે પેલાને ઠપકો મળે.

એક કિસ્સો રસપ્રદ છે. બુધવારે સામાન્ય રીતે ગુજરાત મંત્રીમંડળની બેઠક હોય છે પણ બેઠકનો સમય સાવ નિશ્ચિત હોતો નથી. ગાંધીનગર રિપૉર્ટિંગ કરતા પત્રકાર સાથે ફૉન પર વાત ન થઈ. એક ચેનલમાં સમાચાર બનાવાયા કે મંત્રીમંડળની બેઠક મળી, તેમાં ફલાણો નિર્ણય (જેની સંભાવના હતી) લેવાયો. ડેસ્ક પરના તંત્રીને નીચેના પત્રકારે સમજાવ્યા કે આવું લોલંલોલ ન જવા દેવાય. ડેસ્ક પરના તંત્રીને મુખ્ય તંત્રી તરફથી દબાણ કે આ સમાચાર જવા જ જોઈએ પણ તેમાં અઘોષિત રાઇડર તો હોય જ ને કે જો બેઠક ખરેખર મળે તો જ સમાચાર લેવા. ડેસ્કવાળાનો આગ્રહ કે બેઠક તો મળે જ ને. એટલે સમાચાર જવા દઈશું તો ખોટા નહીં પડીએ. નીચેના પત્રકારે અપ્રિય થવાના જોખમ છતાં ઘણી રકઝક કરી, છેવટે ડેસ્ક એડિટરને ગળે વાત ઉતરી ને ડર પણ લાગ્યો કે જો બેઠક નહીં મળે તો ભોંઠા પડાશે ને ઠપકો મળશે તે અલગ.

એક જાણીતા સમાચારપત્રએ તો વર્ષો પહેલાં કોઈ મોટી અવકાશી ઘટનાના ખોટા સમાચાર છાપેલાં તે પણ પહેલે મેઇન/લીડ સ્ટૉરી તરીકે. એમાં એવું હતું કે એ ઘટના રાત્રે બાર કે તે પછી બનવાની હતી, ને પ્રિન્ટની ડેડલાઇન આવી ગઈ, એટલે ‘બહાદૂર’ મુખ્ય તંત્રીએ નિર્ણય લીધો કે આ ઘટના તો બનશે જ ને, એટલે બની ગઈ છે તેમ લખી વર્ણન કરી અૉલ એડિશન છાપી દીધી. પણ બીજા દિવસે ખબર પડી કે એ ઘટના બની જ નહોતી! અથવા જે રીતે છપાયું હતું તે પ્રમાણમાં નોંધ લેવી પડે તેમ નહોતી બની.

આ પ્રકારની માનસિકતા, ચાહે તે સરકાર હોય કે મિડિયા, શિક્ષણ હોય કે બેન્ક, દરેક ક્ષેત્રે પ્રવર્તે છે. ગુણવત્તાનો આગ્રહ અથવા લોક ભાષામાં ચીકાશ રાખનારનું સર્વોચ્ચ સ્થાન અને પગાર હોવો જોઈએ પણ કળિયુગમાં તે વેદિયામાં ખપે છે.

media

પ્રિન્ટ મિડિયા સમયબાહ્ય બને તે પહેલાં…

ઇલેક્ટ્રોનિક મિડિયામાં ભાષા અશુદ્ધિ વિશે મેં કેટલીક વાર લખ્યું છે અને તે એક શુભાશયથી. પણ તેના ઘણાં જમાં પાસાં છે તેનો સ્વીકાર કરવો પડે. પ્રિન્ટ મિડિયા વિશ્લેષણની રીતે અગાઉ અને હજુ પણ ઉણું ઉતરતું રહ્યું છે. મોટા ભાગે સમાચાર ચૂકી ન જવાય તેની જ મથામણ હોય છે કારણકે બીજા દિવસે આપણા છાપામાં આ સમાચાર નથી તેમ કહી ચોંટિયા ભરનારા અને ચાગલી કરનારા આપણા સાથીઓ જ હોય છે. આમ છતાં હું ચાર વર્ષ ગુજરાત સમાચાર અને સંદેશમાં ન્યૂઝ એડિટર (નેશનલ-ઇન્ટરનેશનલ-સ્પૉર્ટ્સ) રહ્યો ત્યારે વિશ્લેષણ અને વિશેષ વાંચન (દા.ત હિગ્ઝ બૉઝોન જેવા પ્રમાણમાં શુષ્ક ગણાય તેવા વિજ્ઞાનના વિષય પર પણ માત્ર એકાદ કલાકના સમયમાં આખું પાનું વિશેષ માહિતી સાથે કરેલું) આપવા હંમેશાં પ્રયાસ કરેલો. વન મિનિટ જેવી સમય કરતાં આગળ (૧૦૦ સમાચાર ટીવી પર પછી આવ્યા) અને ઉઘડતા સપ્તાહે જેવી ન ભૂતો ન વર્તમાન જેવી કૉલમ છાપાની મુખ્ય આવૃત્તિમાં શરૂ કરેલી. ‘ઉઘડતા સપ્તાહે’ કૉલમમાં દર સોમવારે આખા અઠવાડિયામાં બનનારી ઘટનાઓનો ચિતાર રસાળ શૈલીમાં આપતો. આ બંને કૉલમો શ્રી શ્રેયાંશભાઈ શાહને ખૂબ જ પસંદ હતી.

પહેલાં (૨૦મી સદી એટલે કે ૨૦૦૧ પહેલા) તો એટલાં પાનાં પણ નહોતાં અને એટલે જગ્યા પણ નહોતી. ઇન્ટરનેટ જેવો માહિતીનો અખૂટ અને ઇસી સેકન્ડે હાથવગો સૉર્સ પણ નહોતો. જે સૉર્સ હતાં તે હતાં દેશવિદેશના અંગ્રેજી-હિન્દી છાપાં, સામયિકો અને પુસ્તકો. દેશવિદેશનાં અંગ્રેજી અને હિન્દી સામયિકો માત્ર સમાચારપત્રોની ઑફિસો અને કેટલાક સંપન્ન લોકોનાં ઘર શોભાવતાં. મારા જેવા વાચન રસિકો ભાવનગરની બાર્ટન કે ડ્રિસ્ટ્રિક્ટ કે ગાધીસ્મૃતિનાં પુસ્તકાલયો જઈ વાંચનક્ષુધા તૃપ્ત કરતા. એટલે પૂર્તિની કોલમોમાં મોટા ભાગે સામાન્યજનોને દુલભ એવા મેગેઝિનોના ઉતારા જોવા મળતા. પરિણામે જે જાણકારી (માહિતી) મળવી જોઈએ એ નહોતી મળતી. વિકિપીડિયા પણ નહોતું. તાત્કાલિક ફેરફારો કરવા હોય તો પણ કમ્પ્યૂટરની ઝડપ, ગેલી સિસ્ટમના કારણે, પ્રિન્ટિંગ પ્રેસની છાપવાની (અત્યાર કરતાં) ઓછી ક્ષમતાના કારણે ઝડપી ફેરફારો પણ શક્ય નહોતા.

આજે બધું છે અને પાનાઓની સંખ્યા પણ સારી વધી છે તો પણ પૂર્તિ હોય કે મુખ્ય આવૃત્તિ, તેમાં વિશ્લેષણ અને ઇતિહાસનો અભાવ જોવા મળે છે. પરંતુ આ બધી ખોટ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા સારી રીતે પૂરી રહ્યાં છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય, રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે થાય, કોઈ ચર્ચાસ્પદ રાજકીય/સામાજિક/આર્થિક/અપરાધિક ઘટના હોય, તે આ બધું ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયાના આધારે લોકો સમક્ષ આવી રહ્યું છે. દિવ્ય ભાસ્કર આવ્યું ત્યારે અયાઝ દારૂવાલા જેવા ગ્રાફિક્સ ડિઝાઇનર અને સતપાલસિંહ છાબડા જેવા ચિત્રકારોના લીધે સારી રજૂઆત થતી. અત્યારે ગુજરાતી છાપાઓમાં ગ્રાફિક્સ અને સારા ચિત્રકાર બંનેની જબર ખોટ છે. અત્યારે જે રસ્સાકસી રાજ્યસભાની ચૂંટણીમાં જોવા મળી છે તેવી ૧૯૯૪માં પણ જોવા મળી હતી પણ મને સ્મરણમાં નથી આવતું કે એ વખતે રાજ્યસભાની ચૂંટણી કઈ રીતે થાય, કેટલા મત જરૂરી છે, કોણે કેમ પલ્ટી મારી વગેરે છપાયું હોય. ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મિડિયા આ બધી ખણખોદમાં પડે છે. રોજેરોજ ડિબેટ અને ટૉક શૉ દ્વારા બધી તરફનાં મંતવ્યો મૂકવાં પ્રયાસ થાય છે. મારા સહિત અનેક નિષ્ણાતોને બોલાવી વિશ્લેષણ પણ કરવામાં આવે છે. જોકે તેમાં ઘણીવાર કૉંગ્રેસ-ભાજપની ચડસાચડસી અને એક બોલે ત્યારે બીજો સતત બોલબોલ કરે તેવી ચર્ચામાં અમારા જેવાને બોલવા ઓછો સમય પણ મળે તોય ઇલેક્ટ્રોનિક મિડિયા અને ડિજિટલ મિડિયા સતત આગળ વધે છે તેનાં અનેક કારણોમાં આ પણ છે. પ્રિન્ટમાં દિવ્ય ભાસ્કર આવ્યા પછી એક માન્યતા ઘર કરી ગઈ કે ટૂંકું જ વંચાય. આ વાત સાથે અંશતઃ સંમત પણ એ ટૂંકું સચોટ હોવું જોઈએ અને આવી પૂર્તિઓ મેં પણ કરી છે અને ફિલ્મ રિવ્યૂ કરતો ત્યારે ‘શોલે’ રિ-રિલીઝ થઈ ત્યારે તેની સમીક્ષા માત્ર ૨૦૦ શબ્દો કે કદાચ તેથી પણ ઓછા,માં મેં લખી છે. પણ અત્યારે ટૂંકું કરવામાં વાક્યરચનાનાં ઠેકાણાં ન હોય અથવા કામ પૂરું કરવા ‘છે’, ‘હતું’ આવે ત્યાં ડિલીટની સ્વિચ દબાવી દેવી, તેના કારણે માહિતી અધૂરી રહી જાય છે. કૉપી એડિટરનો મોટો રોલ છે પણ છાપામાં તેનું મહત્ત્વ છે જ નહિ. કૉપી એડિટરોને સૌથી ઓછું મહત્ત્વ મળે છે. ડિઝાઇનરનું વર્ચસ્વ ખોટી રીતે વધુ રહે છે. લખાણ કરતાં ફોટાની મગજમારી વધુ હોય છે. વિઝ્યુઅલ પણ અગત્યનું છે જ પણ કન્ટેન્ટના ભોગે નહિ. આના લીધે જે માહિતી અને વિશ્લેષણ આવવું જોઈએ તે પ્રિન્ટ થકી મળતું નથી. ‘ઇન્ડિયન એક્સ્પ્રેસ’ એક મુદ્દાને પકડી ‘એક્સ્પ્લેઇન્ડ’ આપે છે તેવું ગુજરાતી સમાચારપત્રો કેમ ન આપી શકે? હિન્દી ફિલ્મો પર ત્રણ-ત્રણ પાનાં કે કૉલેજની પાર્ટીઓના ફોટા ટૂંકાવી (તે પણ અગત્યનું છે-નવી પેઢીને આકર્ષવા અને ગુજરાતી વાંચતા રાખવા) એક પાનું વિશુદ્ધ માહિતી અને વિશ્લેષણનું કેમ ન હોય? કૉલમોમાં પણ પૈસા ઓછા આપવા પડે એટલે છાપાની અંદર કામ કરતા તેમજ બોસ પર પ્રભાવ ધરાવતા પત્રકારો, મફતિયા પ્રોફેસરો કે નામાંકિત ચાલુ કે પૂર્વ આઈએએસ અધિકારીઓ, સાધુઓ, ડૉક્ટરો જેમને પૈસા ન મળે તો ચાલે પણ છાપા થકી તેમની દુકાન ચાલે તેમાં રસ હોય છે, તેમના બદલે જે ખરેખર અભ્યાસુ છે, જે ખરેખર સારું લખે છે તેવાને તક કેમ ન મળે? કેટલાક લેખકોએ તો વર્ષોથી લખવાનો રેકોર્ડ બનાવ્યો છે જે સારી વાત છે પણ તેમાંના કેટલાક રવિ શાસ્ત્રી જેવું લખે છે. શાસ્ત્રી વર્ષમાં એક વાર સદી મારી દેતો તેમ આ કેટલાક લેખકો વર્ષમાં એકાદ વાર ચમકારા મારતું લખી નાખે. તો કેટલાક વર્ષો જૂના લેખોનું રિસાઇકલિંગ કર્યા કરે. પણ નવાને તક ન મળે. આની સામે સતત પ્રયોગો પણ ઠીક નથી. બંને વચ્ચે સંતુલન જરૂરી છે. આ બધાના કારણે પ્રિન્ટ મિડિયા, ઇલેક્ટ્રોનિક મિડિયાની ભાષામાં કહીએ તો, ક્યાંક ને ક્યાંક પાછું પડી રહ્યું છે. બાકી, વાંચવાની સૌથી વધુ સુવિધા અને મછા તો આજે પણ પ્રિન્ટ મિડિયામાં જ છે.

આ જ વાત સામયિકોને લાગુ પડે છે. પૂર્તિની જેમ સામયિકોની પાસે સમય પૂરતો હોવા છતાં, પ્રતિનિધિને ઘટનાસ્થળે મોકલી જાતે જોયેલો અહેવાલ મેળવવામાં કચાશ રહે છે. ઇલે. મિડિયામાં તો ટીવી પર સીધું દેખાય અને જો પ્રતિનિધિ (સઈદ અન્સારીની સ્ટાઇલમાં, સમ્વ્વાદદાતા) જો બરાબર ન બતાવે તો ચાલુ પ્રસારણે જ સૂચના મળે, સીધી પ્રશ્નોત્તરીના લીધે સંવાદદાતાએ જવાબની તૈયારી રાખવી પડે પણ સામયિકોમાં કેટલાક પોતાના કાર્યસ્થળેથી ઘટનાસ્થળનો ‘પ્રવાસ’ કરે છે ખરા પણ પછી કામમાં વેઠ ઉતારી આવે. અહેવાલ ઉપલકિયો લખી નાખે. વળી એક્સક્લુઝિવ અને રહસ્યસ્ફોટ કરનારા અહેવાલો કેટલા જેની નોંધ સમાચારપત્રોમાં લેવી પડે કે જેના વિધાનસભામાં પડઘા પડે? બાકી તો મુખ્યપ્રધાન હોય કે શાહરુખ જેવો અભિનેતા, તેના ઇન્ટરવ્યૂ બધી ચેનલો અને સામયિકોમાં એક સરખો હોય અને કોઈ આંટાળો-કાંટાળો પ્રશ્ન ન હોય, છતાં બધી ચેનલો-સામયિકો પાછા તેના પર એક્સક્લુઝિવનો થપ્પો લગાવે!

આ ઉપર લખ્યાં તે બધાં માધ્યમો વત્તા રેડિયો અને ન્યૂઝબજાર જેવી પહેલી એક્સક્લુઝિવ મોબાઇલ ન્યૂઝ એપમાં મેં કામ કર્યું છે અને કરી રહ્યો છું. એટલે આ પ્રશ્નો વખતોવખત સહસંવેદી મિત્રો સાથે ચર્ચતો રહ્યો છું. પહેલી વાર એમ લાગ્યું કે પ્રિન્ટ મિડિયા પાસે સુધરવા હજુ અવકાશ છે. તેથી લખ્યું. બાકી સમયબાહ્ય બનતાં વાર નહિ લાગે. સમય બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે.

gujarat guardian, society

લાખો ડોલરની નોકરી છોડી લોકો કેમ નિવૃત્તિ લઈ રહ્યા છે?

વિચાર કરો કે સર્ચ એન્જિન ગૂગલમાં છ વર્ષથી નોકરી કરતા હોય, ચીફ ફાઇનાન્શિયલ ઑફિસર જેવો હોદ્દો હોય, જ્યારે જોડાયા ત્યારે વાર્ષિક ૪.૫ લાખ ડોલરનો બેઝિક સેલેરી હોય અને ૩૦ વર્ષનો અનુભવ હોય તેવી કોઈ વ્યક્તિ નોકરી છોડે ખરી?

જવાબ નામાં જ આવે. કમ સે કમ ભારતમાં તો ખરો જ, કારણકે ભારતમાં છેલ્લાં પંદરેક વર્ષથી લોકોની ભૌતિકતા પાછળ આંધળી દોટ લાગેલી છે, સ્માર્ટ ફોન, સારી કાર, ડબલ ડોર ફ્રીઝ, ઓવન, વોશિંગ મશીન, સારું ઘર, દરેકના પર્સનલ વાહન, મોટું એલઇડી ટીવી…આ બધું જ અને આ ઉપરાંત જેટલાં સાધન આવતા જાય તે બધા જ લોકોને જોઈએ. અને તે માટે દિવસરાત નોકરી (ઘણી વાર તો બે નોકરી) કરવા તૈયાર છે. લગભગ બધાં ક્ષેત્રો અને કંપનીમાં નવ કલાકની નોકરી સામાન્ય છે. ઘણી વાર બાર કલાક પણ થઈ જાય. સામાન્ય રીતે માણસની ક્ષમતા છ કલાક કામ કરવાની જ છે. છથી વધુ કલાક કામ કરે તો તે વેઠ જ ઉતારે. આ ઉપરાંત તેને અઠવાડિયામાં એક રજા જરૂરી હોય છે, પરંતુ ઘણી કંપનીઓ હવે રજાના દિવસે પણ કામ કરવાની ફરજ પાડે છે. કંપનીઓ એવું માને છે કે તેમને ત્યાં નોકરી કરનારા તેમના ગુલામ જ છે. તેથી ઑફિસ અવર્સ દરમિયાન તો તેમની પાસે કામ કઢાવે જ છે, પરંતુ ઘરે હોય ત્યારે પણ વોટ્સએપ વગેરે દ્વારા તેમને સતત કામમાં રાખે છે.

પરિણામે નોકરી કરતો માણસ સતત સ્ટ્રેસમાં રહે છે. માંદગી, લગ્ન-મરણ, સંતાનની શાળામાં વાલી મીટિંગ જેવા બધા પ્રસંગે જઈ શકતો નથી. પત્ની પણ નોકરી કરતી હોય તો આ સ્ટ્રેસ બેવડાય છે (અને હવે ઘણા ખરા દંપતીમાં બંને નોકરી કરતા હોય છે.) ઝઘડા થાય છે. સંતાન નાનું હોય તો તેને આયાના ભરોસે અથવા પ્લે ગ્રૂપમાં મૂકી આવવામાં આવે. આથી સંતાનને માબાપની હૂંફ મળવી જોઈએ તે મળતી નથી. યુવાની હોય તો તો ઠીક, પરંતુ મોટી ઉંમરે પણ આપણે ત્યાં કોઈ નોકરી છોડવા તૈયાર થતું નથી. સારા પગાર મળતા હોય તો કોણ છોડે?તેવી દલીલ તૈયાર જ હોય.

જોકે લેખની શરૂઆતમાં કહ્યું તેમ ગૂગલના સીએફઓ પેટ્રિક પિશેટ્ટે લાખો ડોલરના વાર્ષિક પગારને જતો કરી, પોતાની આકર્ષક કારકિર્દી છોડી દીધી. કોના માટે?

કુટુંબ માટે!

પિશેટ્ટને ધક્કો મારીને કાઢવાના હતા એટલે તેમણે રાજીનામું નથી આપ્યું. તેઓ ગૂગલમાં ઘણા લોકપ્રિય હતા. મળતાવડા હતા. પિશેટ્ટે કંપનીમાં ઘણી આર્થિક શિસ્ત લાવી દીધી હતી.

પિશેટ્ટે ગૂગલ પ્લસ પર પોસ્ટ લખી નોકરી છોડવાનું કારણ આપ્યું કે બસ, કુટુંબથી બહુ દૂર રહ્યો. હવે સાથે રહેવું છે, ખાસ કરીને પત્ની તમર સાથે, કારણ હવે બે બાળકો કોલેજમાં જાય છે. તેણે લખ્યું તે શબ્દશ: આમ છે:-

“સીએફઓ તરીકે લગભગ સાત વર્ષ કામ કર્યા પછી હું મારા કુટુંબ સાથે વધુ રહી શકાય તે માટે ગૂગલમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું…. આપણે નોકરીમાં ઘણું આપીએ છીએ. મેં પણ આપ્યું છે. મારે કોઈ સહાનુભૂતિ જોઈતી નથી. હું માત્ર મારા વિચારો તમારી સમક્ષ વર્ણવું છું કારણકે ઘણા લોકો કામ અને અંગત જિંદગી વચ્ચે સંતુલન કેળવવા સંઘર્ષ કરે છે.  ગયા સપ્ટેમ્બરની વાત છે. આફ્રિકાના માઉન્ટ કિલિમાંજારોમાં તમર (પત્ની) અને હું ઉનાળાની મજા માણી રહ્યાં હતાં. પણ એક દિવસે અમને ખૂબ દૂર સેરેન્ગેટીમાં મેદાન દેખાયું.

અને તમરે કહ્યું, “ચાલો, આપણે આફ્રિકા જોઈએ. પછી ભારત જઈએ. આપણે ફર્યા જ કરીએ. પછી બાલી જઈએ. ગ્રેટ બેરિયર રીફ…એન્ટાર્ક્ટિકા… ”

મને યાદ છે, મેં તમરને સીએફઓ પ્રકારના ડહાપણથી જવાબ આપ્યો હતો – મને આ રીતે ફરવાનું ગમશે જ. પરંતુ આપણે પાછા ફરવાનું છે. હજુ એ સમય નથી આવ્યો. હજુ તો ગૂગલમાં ઘણું બધું કરવાનું છે. મારી કારકિર્દી…ઘણા લોકો મારા પર આધાર રાખીને બેઠા છે.

તે પછી તેણીએ વેધક સવાલ પૂચ્યો: “પરંતુ ક્યારે એ સમય આવશે? આપણો સમય? મારો સમય?” કેટલાંક સપ્તાહો પછી, હું કામ પર પાછો ચડ્યો, પરંતુ એ પ્રશ્ન હજુ મારા મનમાં પડઘાયા જ કરતો હતો… હું કેટલાંક સત્યો પર આવ્યો:

પહેલું. સંતાનો હવે કૉલેજમાં છે. બંને પર અમને ગર્વ છે. તેનો યશ સ્વાભાવિક જ તમરને મળવો જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે તમર અને મારા માટે હવે કોઈ રાહ જોનારું રહ્યું નથી. અમારી હવે કોઈને જરૂર નથી.

બીજું, આ ઉનાળામાં હું અવિરત કામના ૨૫-૩૦ વર્ષ પૂરાં કરીશ. અત્યાર સુધી મારો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો છે. મેં હંમેશાં કામ કર્યું છે – મારે જ્યારે નહોતું કરવું જોઈતું ત્યારે પણ. (એટલે કે રજાના દિવસોમાં, બીમારી વખતે કૌટુંબિક પ્રસંગે..વગેરે.) તેનો મને અપરાધભાવ પણ અનુભવાય છે. મેં મારા કામને, કામ પર મારા સાથીઓને, મારા મિત્રોને, નેતૃત્વ કરવાની અને વિશ્વને બદલવાની તકને ચાહ્યાં છે.

ત્રીજું, તમર અને હું અમારી ૨૫મી લગ્નજયંતિ ઉજવીશું. જ્યારે અમારાં સંતાનોને તેમના મિત્રો અમારા લાંબા લગ્નજીવનની સફળતાનું રહસ્ય પૂછશે તો તેઓ હસતા કહેશે કે અમે- મેં અને તમરે બહુ ઓછો સમય સાથે ગુજાર્યો છે જેના લીધે એ કહેવું વહેલું થશે કે અમારું લગ્નજીવન ખરેખર સફળ છે કે કેમ…”

બાવન વર્ષના પિશેટ્ટે ધાર્યું હોત તો હજુ આઠ વર્ષ આરામથી નોકરી કરી શકત અને તે પછી પણ રતન તાતા કે નારાયણ મૂર્તિની જેમ ચાલુ રહી શકત. તાતા કે મૂર્તિની ટીકા નથી. અમે ફિલ્મોદ્યોગ કે રાજકારણની એવી વાતમાં પણ નથી માનતા કે ૬૦ કે ૮૦ના થયા એટલે હવે નિવૃત્ત થઈ જવું જ જોઈએ. જો તમે સંપૂર્ણ તંદુરસ્ત હો, વિચારશીલ હો, નવું અપનાવવા તૈયાર હો તો સક્રિય રહેવામાં વાંધો નથી, પણ કામના ભોગે કુટુંબને તરોછોડાય તે ઠીક નથી.

પિશેટ્ટ જેવાં અનેક ઉદાહરણો પશ્ચિમી જગતમાં મળી આવશે. આપણા મનમાં પશ્ચિમી જગત એટલે ભૌતિકવાદ પાછળ આંધળી દોટ એવી છાપ છે જે ઘણા અંશે સાચી છે, પરંતુ ત્યાં સ્થિતિ હવે બદલાઈ રહી છે અને અહીં ભારતમાં આપણે અધ્યાત્મભર્યા જીવન કે પરિવાર સાથે સુખી જીવનના બદલે ભૌતિકવાદ તરફ ભાગી રહ્યા છીએ.

સપ્ટેમ્બર, ૨૦૧૪માં ઇન્ટરનેટ ડેટાબેઝ કંપની મોન્ગોડીબી ઇન્કના સીઇઓ મેક્સ શિરેસને સીઈઓ તરીકે રાજીનામું આપ્યું. તેનું કારણ પણ એ જ હતું કુટુંબ સાથે રહેવા માટે. મેક્સ શિરેસન ત્રણ સંતાનોના પિતા છે.

મેક્સના રાજીનામાથી કોર્પોરેટમાં ઉચ્ચ સ્તરે ચર્ચા જાગી જેનો વિષય હતો- પિતા સમક્ષના પડકારો. એવું નથી કે વર્કિંગ વૂમન જ મુશ્કેલીઓ અનુભવે છે. વર્કિંગ ફાધર પણ ઘણી મુશ્કેલીઓ અનુભવતા હોય છે. મેક્સ શિરેસને વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો પડઘો છે. તે કહે છે, “સીઈઓ તરીકે મારે સનફ્રાન્સિસ્કોથી ન્યૂ યોર્ક વારંવાર આવવું-જવું પડતું હતું. મને લાગ્યું કે હું આ લાંબો સમય નહીં કરી શકું. કેટલાક સમયથી મારી કારકિર્દીને ધીમી પાડી દેવાનું મારા મનમાં રમ્યા રાખતું હતું. પરંતુ હવે મને લાગ્યું કે યોગ્ય સમય આવી ગયો છે. મોન્ગોડીબી એવા તબક્કે છે કે નવા નેતૃત્વમાં પરિવર્તન આરામથી થઈ શકશે.. જ્યારે માત્ર ૨૦ કર્મચારીઓ જ હતા ત્યારથી લઈને ૪૦૦એ પહોંચ્યા ત્યાં સુધી મેં નેતૃત્વ કર્યું.

કુટુંબની વાત કરીએ તો, મારી પત્ની મને હંમેશાં ટેકારૂપ રહી છે. તે મારી ભોગ માગી લેતી કારકિર્દી વિશે સમજતી હતી. પરંતુ તેનાથી તેના પર બોજો આવી ગયો અને હું મારાં સંતાનોને જેટલો જોઈએ તેટલો સમય આપી શકતો નહોતો. મારો દીકરો હવે માધ્યમિક શાળામાં આવ્યો છે. ઘણા સમયથી કુટુંબને વધુ સમય આપવાની ઈચ્છા હતી. ઘણા પિતા તેમના કુટુંબ માટે કારકિર્દીને અપનાવતા હોય છે, ત્યજતા હોય છે. મેં જે કંઈ કર્યું તે નવું નથી, સામાન્ય જ છે. જોકે આ નિર્ણય લેવો ઘણો અઘરો હતો. તમે કારકિર્દીમાં આગળ વધતા જાવ ત્યારે તમને વધુ આગળ ને આગળ જવાની ભૂખ ઉઘડે છે. પરંતુ ક્યારેક એક પદ નીચે રહેવું તે શ્રેષ્ઠ નિર્ણય છે જો તમે ત્યાં રહો તો તમારું કુટુંબજીવન બચે છે. હવે હું પિતા તરીકે મારાં સંતાનોને ગૃહકાર્ય કરવામાં, વંચાવવામાં મદદ કરીશ, રાત્રે હું તેમની પાસે હોઈશ. સ્કૂલે જઈશ. માતાપિતાનું સુખ કંઈ આનંદના સમયમાં જ કે ખાસ પ્રસંગોમાં જ નથી. નાનીનાની ક્ષણોમાં પણ તમે તમારાં પત્ની અને બાળકો સાથે રહી શકો.”

ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની ‘પિમકો’ના સીઇઓ મોહમ્મદ અલ બ્રાયને પણ આ જ કારણસર નોકરી છોડી હતી. એકવાર તેની દસ વર્ષની દીકરીએ તેમને ૨૨ મુદ્દાની યાદી પકડાવી હતી. તેમાં તેણે એ અગત્યના પ્રસંગો લખ્યા હતા જે મોહમ્મદે કામના કારણે ગુમાવી દીધા હતા! અને મોહમ્મદે નોકરી છોડી દીધી!

માર્ક અને લોરેન ગ્રેઉટમેન દંપતી પર એક સમયે ૪૦,૦૦૦ ડોલરનું દેવું હતું અને દર મહિને ૧,૦૦૦ ડોલરની ખાધ હતી. તેઓ દેવામાંથી તો બહાર આવ્યા જ, સાથે બીજાને પણ તેમની વેબસાઇટ MarkandLaurenG.com. દ્વારા દેવામાંથી કઈ રીતે બહાર આવવું અને આર્થિક ખર્ચ કેવી રીતે કાબૂમાં રાખવા તે શીખવવા લાગ્યાં. માર્કને એક વાર તેના ૯ વર્ષના દીકરા એન્ડ્રુએ પૂછ્યું હતું કે “ડેડ, તમને ખબર છે મારો મનગમતો દિવસ કયો હતો?” માર્કને એમ કે તે તેના જન્મદિવસ, નાતાલ કે વેકેશનના કોઈ દિવસની વાત કરશે. પરંતુ એન્ડ્રુએ તો કહ્યું કે તેનો સ્પેશિયલ દિવસ એ હતો જ્યારે બાપદીકરાએ ઘરની પછવાડે પાવડાથી માટી ભરી હતી. માર્કે એન્ડ્રુ અને અન્ય સંતાનો સાથે આવી ઘણી યાદગાર ક્ષણો ગુમાવી દીધી હતી.

૨૦ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ માર્કે નોકરી છોડી દીધી અને તે ઘરેથી કામ કરતો પિતા બન્યો. તેનાથી તેમને ઘણી સારી ક્ષણો જીવવા મળી. લોરેન કહે છે, “માર્કે નોકરી છોડી ત્યારે તેના મિત્રોની પ્રતિક્રિયા ભયજનક હતી. મને તો તેનો નિર્ણય સાચો લાગ્યો હતો” માર્ક કહે છે, “પુરુષ નોકરી છોડે છે ત્યારે ઘણું અઘરું હોય છે. મારા નિર્ણયથી ઘણાને આશ્ચર્ય અને આઘાત લાગ્યો હતો. પણ જ્યારે સ્ત્રી નોકરી છોડે છે ત્યારે આવી પ્રતિક્રિયા મળતી નથી.” લોરેન કહે છે, “પરંપરાગત રીતે સવારના નવથી પાંચ નોકરી કરવા સિવાય કમાવાના ઘણા રસ્તા છે.” માર્ક કહે છે, “જો કુટુંબ માટે કોઈ કારકિર્દીનો ભોગ આપે તો તેને આવકારવો જોઈએ.”

બ્રિટનના દૈનિક સમાચારપત્ર ‘ઓબ્ઝર્વર’ની પોલિટિકલ એડિટર ગેબી હિન્સ્લફે બે વર્ષના દીકરા માટે થઈને તેની નોકરી છોડી દીધી હતી. તે એક વાર રજા માણવા દૂર વેલ્શ પેનિન્સ્યુલા ગઈ હતી ત્યાર આખો દિવસ મજા કરી પરંતુ રાત્રે કોઈએ હવામાન જોવા ટેલિવિઝન ચાલુ કર્યું અને સમાચાર આવ્યા કે જેમ્સ પર્નેલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. પત્રકાર માટે આવું બને એટલે રજા પૂરી થઈ જાય. તેણે ઑફિસે ફોન કર્યો અને બિસ્તરાં પોટલાં બાંધવાનાં ચાલુ કર્યાં. તેના દીકરાએ કહ્યું, “મમ્મી, ન જા.” ત્યાર પછી ગેબીને લાગ્યું કે તેના કુટુંબ સાથે વધુ વાર અન્યાય તે નહીં કરી શકે. તેણે રાજીનામું આપી દીધું.

ભારતીય ક્રિકેટની દીવાલ ગણાતા રાહુલ દ્રવિડે ૨૦૧૨માં નિવૃત્તિનો જાહેર કર્યો ત્યારે તેણે પણ કહેલું કે તે તેના દીકરાને સ્કૂલે મૂકવા જવા, કરિયાણું લેવા જેવાં કામો કરવા માગે છે.

અત્યારે આપણે ત્યાં રાહુલ દ્રવિડ જેવા લોકો ઓછા છે. રાજકારણ હોય કે નોકરી, કોઈને છોડવું ગમતું નથી, આપણી સંસ્કૃતિમાં ભલે કહેવાયું હોય – સંતોષી નર સદા સુખી અને તેન ત્યક્તેન ભૂંજિતા. આ બધાં સુવાક્યો બધાં બોલશે ખરા, પણ પાળે છે કેટલા?

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૧૮/૩/૧૫ના રોજ આ લેખ છપાયો)