media, society

અતિશયોક્તિ માનવના સ્વભાવમાં છે?

જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી જશવંત રાવલની ફેસબુક પૉસ્ટના સંદર્ભમાં (જશવંતભાઈની પૉસ્ટ આ લેખની નીચે આપી છે.) આ પૉસ્ટ

જેમ ફેક ન્યૂઝ હોય તેમ આને ફેક એક્ઝાગરેશન (fake exaggeration) કહેવાય કે રીયલ એક્ઝાગરેશન? અતિશયોક્તિ માનવના સ્વભાવમાં છે? એક સત્ય હોય છે અને એક હકીકત. કોઈ પતિ તેની પત્નીને કહે કે તે વિશ્વમાં સૌથી સુંદર છે તો તે વાત તે પતિ માટે સત્ય હોઈ શકે કારણ તે તેનો મત છે, અથવા તે તેની પત્નીને રાજી રાખવા કહેતો હોઈ શકે, પરંતુ આ માટે તે કંઈ જગતની તમામ સ્ત્રીઓના સૌંદર્યને મૂલવવા ગયો હોય અને પછી તારણ પર આવ્યો હોય તેવું નથી. આમ, આ વાત તેના માટે સત્ય હોઈ શકે પરંતુ તથ્ય (fact) નથી. બાળકના ગપ્પાના જોક તો ઘણા વાંચ્યા હશે પણ કેટલાક મોટા માણસ પણ આવા એક્ઝાગરેશન કરતા હોય છે-આજ જેટલું માથું મને ક્યારેય નથી દુખ્યું, આવું તે જ્યારે માથું દુખે ત્યારે દર વખતે કરતો હોય છે. આવું જ આનંદનું છે. રિયાલિટી શૉમાં પણ નિર્ણાયકો આવું એક્ઝાગરેશન કરતા હોય છે-ઇસસે બઢિયા પર્ફોર્મન્સ કભી નહીં દેખા. નવલકથા કે ફિલ્મની કથાના લેખકો પણ અતિશયોક્તિની કળા ઘણી વાર ઉપયોગ કરતા હોય છે. સંજય લીલા ભણશાળીની આ કળાનું તો શું કહેવું? તે તો શ્રીકૃષ્ણ પર ફિલ્મ બનાવે તો અલગ-અલગ સમયમાં થયેલાં રાધા અને મીરાબાઈનું ઘુમ્મર સાથે બતાવે!

ઘણી વાર ઉપમા દ્વારા અતિશયોક્તિ કરીને વાત સમજાવાતી હોય છે. તેમાં કંઈ ખોટું નથી. માબાપને આ કળા રિસાયેલા કે તોફાને ચડેલા બાળકને મનાવવામાં ભારે કામ લાગતી હોય છે-તારા જેવું ડાહ્યું કોઈ નહીં. તું તો બહુ હોંશિયાર. બાળક વિશે આગંતુક સામે માબાપ વખાણ કરે કે મારા બાબાને મોબાઇલમાં બધું જ આવડે ત્યારે લાગે કે સ્ટીવ જૉબ્સે આ ભાઈ કે બહેનના બાબા તરીકે પુનર્જન્મ લીધો હશે. કોઈ ઉપમા વાપરે કે તારા દાંત તો દાડમની કળી શા છે. એટલે કંઈ એ દાંતને કળી માનીને તોડી શકાય નહીં. એમ જ નરેન્દ્ર મોદીએ ઉપમા આપેલી, તે પણ ૨૦૧૪ની જાહેર સભામાં કે જો વિદેશમાં રહેલું કાળુ નાણું લાવવામાં આવે તો તે રકમ એટલી છે કે તેને એકએક ભારતીય નાગરિક વચ્ચે વહેંચવામાં આવે તો દરેકને રૂ. ૧૫ લાખ મળે પણ તેનું વતેસર કરી દેવામાં આવ્યું કે મોદીએ વિદેશથી કાળું નાણું લાવી એકએક ભારતીયના ખાતામાં ૧૫ લાખ જમા કરાવવા વચન આપ્યું હોય. પરંતુ નરેન્દ્ર મોદીએ અતિશયોક્તિ નહોતી કરી તેવું નથી, ‘અચ્છે દિન આયેંગે’ એ સૂત્રથી ભારતના કરોડો નાગરિકોને આશા બંધાયેલી પરંતુ તેમાંના કેટલાક માટે તે ઠગારી સાબિત થઈ છે. આમ, રાજકારણી માટે વાતનું વતેસર યોગ્ય નથી. આ જ રીતે, કંપનીઓની જાહેરખબરમાં પણ અતિશયોક્તિ કરાય છે. ફલાણું ક્રીમ લગાડવાથી રાતોરાત ગોરા બની જવાશે, કે ડીયોડ્રન્ટ છાંટવાથી છોકરીઓ આકર્ષાઈ જશે.

ખતરનાક વતેસર એ પણ છે જે સમાચારમાં કરવામાં આવે, સમાચારને કે તેના હેડિંગને ટ્વિસ્ટ કરવામાં આવે અથવા આંકડો વધારીને લખવામાં આવે. ખેડૂતોની રેલીમાં આંકડો મોટો લખાયો તેની પાછળ કોઈને રાજકીય ઈરાદાની ગંધ આવે પણ બે કે ત્રણ વર્ષ પહેલાં વડોદરામાં ત્રણ કે ચાર કલાકમાં પડેલા ભારે વરસાદના આંકડા દરેક છાપામાં અલગ-અલગ અને પાછા ભારે તફાવતવાળા હતા. આવું કેમ બને? આજકાલ વેબસાઇટિયા જર્નાલિઝમમાં હેડિંગો આવાં જ હોય છે-મલાઇકા અરોરાએ તેના પૂર્વ પતિ સામે કર્યો આ ‘ઈશારો’. એમાંય હવે અવતરણ ચિહ્ન ક્યાં અને ક્યારે મૂકવું તેની પણ ગતાગમ રહી નથી. કેજરીવાલે મોદી સામે કર્યો આ ચોંકાવનારો આક્ષેપ-મોટા ભાગના આવા સમાચારમાં ચોંકાવનારું પરિબળ હોતું નથી. એ તો ઠીક, પણ સામાજિક સમાચારોના વેબસાઇટિયાં હેડિંગ ઘણી વાર વિકૃતિજનક પણ હોય છે-પત્નીએ પતિ સામે કરી આ ‘હરકત’. હેડિંગથી કુતૂહલ ઊભું કરવું જુદી વાત છે અને વિકૃતિ ઊભી કરવી કે તેને પોષવી અલગ અને અસ્વીકાર્ય વાત છે. આવા સમાચારમાં પાછું કોથળામાંથી બિલાડું નીકળે તેમ પત્નીએ પતિ સામે રિમૉટ કે વેલણ ફેંક્યું હોવાના સમાચાર જ હોય છે પરંતુ છાપાથી વિપરીત વેબમાં એકએક સમાચારના પેજ સુધી વાચકને ખેંચી લાવવા પડે કારણ વ્યૂ કે હિટ પર જ સમાચાર લેખક કે એડિટરની નોકરી ટકેલી હોય છે. એના માટે બીજા સારા અને રસપ્રદ રસ્તા હોય જ શકે જેનાથી વાચક લાંબા ગાળા સુધી તમારી વેબસાઇટ સાથે જોડાઈ શકે છે, જ્યારે ઉપર દાખલા આપ્યા તેમાં તો વાચક છેતરાઈ ગયાની લાગણી વારંવાર અનુભવશે તો ‘વાઘ આવ્યો’ વાર્તાની જેમ પછી વેબસાઇટ જોશે જ નહીં.

સમાચાર જો સાવ ઠીકઠાક હોય પણ તંત્રીને બહુ ‘પસંદ’ હોય તો તે કહેશે-આ તો જોરદાર સમાચાર છે, પરંતુ ગમે તેવા મોટા સમાચાર પણ જો તેને ન લેવા હોય તો તે કહી શકે-ઠીક છે! સબ એડિટર સમજી જાય કે તે સમાચારનું શું કરવાનું છે, તેને કેવી ટ્રીટમેન્ટ આપવાની છે. આમ, આ તંત્રીનું એક્ઝાગરેશન છે. આજકાલ આમેય સમાચારમાં કોઈ ચાર w અને hનું ધ્યાન રાખતું નથી. દા.ત. થોડા દિવસ પહેલાં એક ફ્લેટમાં આગથી અચલ શાહ નામના ભાઈ અને પત્ની મરણને શરણ થયા તે સમાચાર હતા. આગ વખતે ઘરમાં બે દીકરી અને અચલભાઈનાં માતા હાજર હતા. એક દીકરી તો તેને મળેલી ટ્રેનિંગના લીધે બચી ગઈ પણ એક જાણીતા છાપામાં માતા અને બીજી દીકરી કઈ રીતે બચી ગઈ તેનો ઉલ્લેખ નહોતો. ઘટના વહેલી સવારે બની હતી, તેથી સ્ટોરી છપાય ત્યાં સુધીની પ્રક્રિયામાં સંકળાયેલ દરેક જણ-રિપૉર્ટર, કૉપી એડિટર, પ્રૂફ રીડર, પેજમેકર, પેજ એડિટર, સિટી એડિટર બધા પાસે પૂરતો સમય હતો. પરંતુ તેમ છતાં આવો પ્રશ્ન વણઉત્તર જ છપાયો. આવી જ બધી બાબતો મિડિયાની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થચિહ્ન ઊભા કરતી હોય છે.

*************

જશવંત રાવલની ફેસબુક પૉસ્ટ

ન્યુઝ કે છાપાનો યુઝ ?
============
દિલ્હીમાં રામલીલા મેદાન પર સરકારી નીતિઓનો વિરોધ કરવા ખરેખર કેટલા ખેડૂત ભેગા થયા ?
Bbc ન્યુઝ કહે છે 13 હજાર,સંદેશ,નવગુજરાત સમય,દિવ્ય ભાસ્કર કહે છે એક લાખ જેટલા અને ગુજરાત સમાચાર તો. કહે છે લાખ્ખો..કોને સાચું માનવું?એ થોડી અવઢવ થાય પણ સાવ જૂઠ્ઠું કોને માનવું એ સ્પષ્ટ છે ગુજરાત સમાચાર.
લાખ સુધી તો સમજ્યા પણ લાખો તો…પત્રકારત્વને કેટલું અધમ બનાવશે આ છાપું?
શું ગુજરાત સમાચાર, પત્રકારત્વને કોઠે બેસાડાયેલી લાચાર સ્ત્રી સમજે છે ,કે પોતાને પંથભ્રષ્ટ ?

 

Advertisements
economy, gujarat guardian

બજેટ: મધ્યમ વર્ગ તો હિન્દુત્વ-વિકાસના નામે મત આપી દેશે

કોથળામાંથી બિલાડું નીકળ્યું. અરુણ જેટલીનું અંદાજપત્ર આવ્યું ત્યારે સહુ કોઈના મોઢામાંથી આવા ઉદ્ગાર નીકળ્યા હશે…ખાસ કરીને મધ્યમ વર્ગીય ભાજપી મતદારોના મોઢામાંથી. એ વાત તો હવે જાણીતી જ છે કે ભાજપનો સૌથી મોટો મતદાર વર્ગ હોય તો તે મધ્યમ વર્ગીય છે અને અંદાજપત્ર પહેલાં તેને સ્વાભાવિક જ આશા હોય કે તેમને કોઈ લાભ મળશે. ગયા વખતે તો વોટ ઓન એકાઉન્ટ જેવું બજેટ હતું પણ આ વખતે તો ફૂલ ફ્લેજ્ડ બજેટ હતું. ત્યારે મધ્યમ વર્ગ આશા રાખે તેમાં કંઈ ખોટું પણ નહોતું. પરંતુ એવું કંઈ થયું નહીં.

અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં આવકવેરા મર્યાદા વધારીને મધ્યમ વર્ગને રાહત આપવાની વાત તો દૂર રહી, ઉલટું સેવા વેરો ૧૨ ટકા હતો તે વધારીને ૧૪ ટકા કરી દેવાયો. ઉપરથી સ્વચ્છ ભારતના નામે ૨ ટકા સરચાર્જ કે સેસ નાખી દીધી. આ સ્વચ્છ ભારતની સેસ ક્યારથી અને કેટલી સેવાઓ પર લાગુ થશે તે હજુ મોઘમ રાખ્યું છે. પણ પ્રશ્ન એ થાય કે સ્વચ્છ ભારતનો સેસ લાગુ કરવાની જરૂર જ ક્યાં હતી? સ્વચ્છતા તો વ્યક્તિગત બાબત છે.

એક જુદા ઉદાહરણથી આ સમજીએ. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ  સરકાર હતી તેણે મેટ્રો શહેરોમાં સેટ ટોપ બૉક્સ ફરજિયાત કરી નાખ્યું. તેના વગર સેટેલાઇટ ચેનલો નહીં જોઈ શકાય તેવો કાયદો લવાયો. આ રીતે અમદાવાદ સહિત દેશ ભરના મેટ્રો શહેરમાં આ નિયમ લાગુ પણ પડી ગયો. દલીલ એવી કરાઈ કે કેબલ ઓપરેટરો વેરો ભરતા નથી. તેઓ નોંધાય તે માટે આ નિયમ છે. આવા કોઈ પણ કાયદાના ફાયદા બતાવાતા હોય છે. તેમાં એવું કહેવાયું કે આ કાયદો તો તમારા લાભમાં છે. તમને સ્વચ્છ, ડિજિટલ અને વધુ સારી ગુણવત્તાનું મનોરંજન મળશે. અરે પણ અમારે સેટ ટોપ બૉક્સ લેવું કે નહીં તેનો નિર્ણય અમને કરવા દો ને. અમને ફરજ શા માટે પાડો છો. એક દલીલ એવી પણ હતી કે તમારે જેટલી ચેનલ જોવી હોય તેટલા જ તમારે પૈસા આપવા પડશે. પરંતુ થયું શું? પહેલાં કેબલ ઓપરેટર હતા તે ઘરની નજીક રહેતા હોય, ઓળખીતા હોય તો ઓછા પૈસા લેતા હતા. વળી, તેમાં હિન્દી ફિલ્મની એક, અંગ્રેજી ફિલ્મની એક, સંગીતની એક અને સમાચારની એક, એમ ચાર ચેનલ કેબલ ઓપરેટર તરફથી આવતી હતી. વળી, નવી હિન્દી ફિલ્મો પણ બતાવાતી હતી. હવે તો ટાટા, રિલાયન્સ, એરટેલ, વિડિયોકોન વગેરેના સેટ ટોપ બૉક્સમાં તો ઊંધું થયું. અહીં તો તમારે ફિલ્મ જોવી હોય તો તેની ડિમાન્ડ કરવી પડે અને તેના અલગ પૈસા ભરવા પડે! વળી, વરસાદના બેત્રણ છાંટા પડે એટલે પ્રસારણ બંધ થઈ જાય. એક ચેનલ પરથી બીજી ચેનલમાં જવામાં વાર લાગે. બે રિમોટ રાખવા પડે. તેના પેકેજ પણ પાંચસોથી ચાલુ થતા હોય અને તમારે જે ચેનલ જોવી હોય એના જ પૈસા ભરવાના તેમ નહીં, પણ તે લોકોએ જેતે પેકેજમાં જે ચેનલ રાખી હોય તે જ તમે જોઈ શકો. આ નિર્ણય તો એવો હતો કે કાલે ઊઠીને સરકાર કહે કે તમારે એસીવાળા, હાઇ ફાઇ સલૂનમાં જ વાળ કપાવવાના. તમારે ફૂટપાથ પર સસ્તામાં વાળ નહીં કપાવવાના. તેઓ હાઇજેનિક નથી હોતા. તેનાથી તમને એઇડ્સનો ખતરો છે.

આ જ રીતે સ્વચ્છતા પણ વ્યક્તિગત નિર્ણય છે. તેમાં તમે સેસ લઈ ન શકો. તેના માટે જાગૃતિ અભિયાન જ ચલાવવું પડે. લોકો જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી સ્વચ્છતા ક્યાંથી જળવાશે? આ જે સેસ લેવાશે તેનો સ્વચ્છતા માટે કઈ રીતે ઉપયોગ થશે તે સ્પષ્ટ નથી.

બીજી તરફ, સર્વિસ ટૅક્સ કે કોઈ પણ વેરાથી તમારા જીવનની ગુણવત્તા સુધરશે, સારી સવલતો મળશે, સારા રોડ મળશે તેવી દલીલો પણ થાય છે (ભૂમિ સંપાદન ખરડા પાછળ પણ આવી જ દલીલો કરાય છે) પરંતુ તેના માટે તો તમે વેરા પાછા અલગ રીતે લો જ છો. દા.ત. મ્યુનિસિપાલિટી પાણી વેરો લે છે. વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ લેવાય છે. તે ઉપરાંત હવે જે રસ્તાઓ બને છે તે પીપીપી મોડલના આધારે બનતા હોય છે. અને તેમાં તમે ઠેકઠેકાણે ટોલ ટૅક્સ બૂથ તો ઊભા કરી જ દીધા અને તેમાંય સતત વધારો જ થતો રહે છે. પહેલાં જેના રૂ.૩૦ લેવાતા હતા તેની જગ્યાએ આજે રૂ. ૭૦ લેવાય છે! વળી, પેટ્રોલ, ડીઝલ પર જ કેટલા આડકતરા વેરા છે! તેમાંય જ્યારે આ બંનેના ભાવ ઘટતા હતા ત્યારે તમે (એટલે કે સરકારે) આબકારી જકાત અથવા એક્સાઇઝ ડ્યુટી વધારી જ દીધી છે! એ વખતે ભાવમાં વધારો ન થયો એટલે જનતાને ખબર ન પડી. પણ જે દિવસે બજેટ આવ્યું તે જ દિવસે પેટ્રોલ-ડીઝલમાં રૂ. ૩ આસપાસ વધારો થઈ ગયો!

ખરેખર તો આવકવેરો જ નાબૂદ કરવાની જરૂર છે. ઘણા વેપારીઓ બિલ નહીં આપીને વેચાણ વેરામાં ચોરી કરે છે છે. ઘણી કૉર્પોરેટ કંપનીઓ પણ કાગળમાં આંકડાઓની માયાજાળ સર્જી શકે છે. પરંતુ પગારદાર વર્ગ છે તેની તો આવક ચોખ્ખી જ છે અને તેના પૈસા ફરજિયાત કપાય જ જાય છે. પરંતુ તેની સામે એક કડવું સત્ય એ પણ હોય છે કે જેટલી મોંઘવારી વધે છે તેટલા પગાર વધતા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા તો તેની સામે મોંઘવારી ઘટી નથી. શાક, દૂધ, કઠોળ મોંઘા જ રહ્યા છે. સરકાર દૂધ કંપનીઓને કેમ ફરજ નથી પાડતી કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો દૂધના ભાવ પણ ઘટાડવા જોઈએ?શાકભાજીના ભાવ ઘટાડવા પણ સરકારે અસરકારક પગલાં લીધાં નથી! અગાઉના રેલવે બજેટમાં ઉતારુ ભાડામાં પણ મોદી સરકારે વધારો કર્યો અને આ બજેટમાં નૂર દર વધાર્યા. તેની પણ મોંઘવારી પર અસર તો થવાની. ‘બધો ભાર કન્યાની કેડ પર’ ઉક્તિની જેમ બધો જ બોજો મધ્યમ વર્ગ અથવા પગારદાર વર્ગ પર આવે છે. ગરીબને તો વેરા ભરવાના નથી. અમીરને કોઈ વાંધો નથી. (અમીરનો તો વેલ્થ ટૅક્સ નાબૂદ કર્યો છે અને સામે, સુપર રિચ ટૅક્સમાં બે ટકાનો મામૂલી વધારો કર્યો છે!) મધ્યમ વર્ગને તો લગ્ન-મરણના વ્યવહાર હોય કે સંતાનને ભણાવવાના હોય, બીજો કોઈ છૂટકો જ નથી, તમાચો મારીને પણ મોઢું લાલ રાખવાનું છે.

કૉંગ્રેસની સરકારે સર્વિસ ટૅક્સનો દાયરો એટલો બધો વધારી દીધો છે કે લગભગ બધી જ સેવાઓ તેમાં આવી જાય છે. મોબાઇલના બિલ,વાહનની સર્વિસ, વીમો, ટીવી ચેનલ, કુરિયર, ઇન્ટરનેટ, મંડપ સહિત અનેક સેવાઓ મોંઘી બનશે. અને સામે પક્ષે આવકવેરા મર્યાદામાં કોઈ છૂટ નહીં. ખાલી એટલી રાહત આપી કે આરોગ્ય વીમાની રોકાણ મર્યાદા રૂ.૧૫,૦૦૦થી વધારીને રૂ. ૨૫,૦૦૦ કરાઈ છે. પણ આ આરોગ્ય  વીમાની પણ અલગ મોકાણ છે. લોકો પોતાની માંદગી માટે  અને આવકવેરામાં છૂટ માટે મેડિક્લેઇમ લે છે તો ખરા પણ થાય છે એવું કે જ્યારે એ લેવાનો વારો આવે ત્યારે કેટલા ધક્કા ખાવા પડે તે સામું કોઈ જોતું નથી. હૉસ્પિટલોને પણ કેશલેસ ન હોય તો બિલ આપવા માટે પેટમાં ચૂંક આવે છે. અને આ મેડિક્લેઇમના કારણે કેટલું મોટું કૌભાંડ ચાલે છે તે ખબર છે સરકારને? જો તમારે મેડિક્લેઇમ ન હોય તો જે સારવાર રૂ. ૧૦,૦૦૦માં પતે એ જ સારવાર જો મેડિક્લેઇમ હોય તો ૪૦-૫૦,૦૦૦માં પડે. આવું કઈ રીતે બને છે તેમાં સરકાર કોઈ રસ લેતી નથી.

આ બજેટથી એક વાત ફરી સાબિત થઈ કે કૉંગ્રેસ અને ભાજપ ભલે ઉત્તર-દક્ષિણ ધ્રૂવ જેવા લાગતા હોય પરંતુ આર્થિક બાબતે તેઓ બંને સરખા જ છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર હતી ત્યારે પણ તેણે દીનદયાળ ઉપાધ્યાય,દત્તોપંત ઠેંગડી, ગોવિંદાચાર્યની આર્થિક વિચારધારાના બદલે મનમોહનસિંહની પાશ્ચાત્ય મોડલવાળી આર્થિક નીતિને આગળ ધપાવી હતી. મોદી સરકારે પણ લોકસભાની ચૂંટણી પહેલાં વાતો મોટી મોટી કરી અને ‘બહોત હુઈ મહંગાઈ પર માર, અબ કી બાર મોદી સરકાર’ જેવાં લલચામણાં સ્લોગન આપ્યાં પણ તેણે મોંઘવારીને કાબૂમાં લાવવા કોઈ પ્રયાસ કર્યા જણાતા નથી. ઉલટું, કૉંગ્રેસની આર્થિક નીતિઓ જ તેણે ચાલુ રાખી છે. દા.ત. આધાર કાર્ડનો પહેલાં મોદી અને ભાજપ વિરોધ કરતા હતા અને સુપ્રીમ કોર્ટે પણ તેને બિનજરૂરી ગણાવ્યું છે, પરંતુ એલપીજી સબસિડી માટે આધાર કાર્ડ એક રીતે ફરજિયાત છે. કૉંગ્રેસ પણ અમેરિકા વગેરે દેશો સામે નીચું નમીને એફડીઆઈ વધુ આવે તે માટે કુરનિશ બજાવતી હતી, તો ઓબામા આવ્યા ત્યારે મોદીએ પણ તેવું જ કર્યું. મેક ઇન ઇન્ડિયાના નામે વધુ એફડીઆઈ આવે તે માટે પ્રયાસો ચાલુ છે.

હકીકતે, આપણે વિદેશના નાણાં પર આટલો બધો મદાર રાખીએ છીએ એ જ ખોટું છે કારણકે તેઓ સ્વાર્થનાં સગાં છે. વળી, આપણું મિત્ર કોઈ નથી. એટલે ધારે ત્યારે નાણાં પાછાં ખેંચી શકે તેમ છે. શેરબજાર આનું મોટું ઉદાહરણ છે. શેરબજારમાં ઘણી વાર સેન્સેક્સમાં થતા ઊછાળા ને કડાકા પાછળ એફઆઈઆઈ એટલે વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટા પાયે લે-વેચ જવાબદાર હોય છે. એનો અર્થ એ કે આ વિદેશીઓ તમને ક્યારેય પણ રાતા પાણીએ રોવડાવી શકે છે. જો શેરબજારમાં આવું થઈ શકે તો મેક ઇન ઇન્ડિયામાં આવું કેમ ન થાય? આપણું જે અર્થતંત્ર હોય તે ચીન અથવા ગાંધીજી કે પછી ભાજપના મૂળ આર્થિક નીતિના ઘડવૈયાઓ – દીનદયાળ ઉપાધ્યાય, દત્તોપંત ઠેંગડી, ગુરુમૂર્તિ વગેરેના સ્વદેશી મોડલવાળું હોવું જોઈએ. વિદેશથી કંપનીઓ આવે ત્યારે તેઓ ટૅક્સ ન ભરે તો આપણે કાંઈ કરી શકતા નથી તે વોડા ફોનના ટૅક્સ કેસમાં આપણે જોયું જ છે ને. તેણે ૨.૫ અબજ ડોલરનો ટૅક્સ ન ભર્યો તે ન જ ભર્યો. એસ્સાર લિક કૌભાંડ અને અગાઉ ટુ-જી સ્પેક્ટ્રમ કેસમાં રાજકારણીઓ-કૉર્પોરેટ-મિડિયાની સાંઠગાંઠ બહાર આવ્યા પછી હવે એ સમજવું અઘરું નથી કે આવા વેરા ન ભરવા પડે તે માટે રાજકારણીઓને ‘મનાવવાની’ કળા કૉર્પોરેટને આવડતી જ હોય છે.

ખરેખર તો મધ્યમ વર્ગની કોઈને પડી નથી, કારણકે તે કોઈ પણ પક્ષ માટે ગેરંટેડ વોટર નથી. કૉંગ્રેસની સરકાર માટે તો ગરીબ, દલિત અને લઘુમતી કમિટેડ વોટર હતા. પણ ભાજપ માટે વર્ષોથી મધ્યમ વર્ગ પ્રતિબદ્ધ મતદાર રહ્યો હતો. ચૂંટણી પહેલાં રામદેવ બાબાએ પોતાની આર્થિક માગણીઓની જાહેરાત કરતાં કહ્યું હતું કે જે તેને સમર્થન આપશે તેને અમે ચૂંટણીમાં ટેકો આપીશું. આમાં એક માગણી હતી કે આવકવેરો જ નાબૂદ કરવો. રામદેવ બાબાના સંમેલનમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા પણ તેમણે આવી કોઈ પ્રતિબદ્ધતા નહોતી આપી. જોકે તેમણે કાળાં નાણાં આવશે એટલે દરેક નાગરિકના ખાતામાં રૂ.૧૫ લાખ આવશે તેવું દીવાસ્વપ્ન જરૂર બતાવ્યું હતું જે હવે ભાજપ પ્રમુખ અમિત શાહે ‘કહેવત’માં ખપાવી દીધું છે (અને કદાચ એટલે જ દિલ્હીમાં હાર મળી).

ટૂંકમાં બે વાત સ્પષ્ટ છે. પહેલી કે બહુમતીથી ચૂંટાયા હોવાથી પાંચ વર્ષ સુધી હવે ભાજપને મધ્યમ વર્ગ તરફ જોવાની જરૂર નથી. બીજું, હવે મોદી એ કળા સિદ્ધ કરી ચુક્યા છે કે આ મધ્યમ વર્ગના મત હિન્દુત્વ-વિકાસના નામે મેળવી લેવાય છે એટલે તેમને ‘દેશના વિકાસ’ના બહાને બજેટમાં છૂટ આપીશું નહીં તોય ચાલશે. એટલે જ તો અરુણ જેટલીએ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ રીતે કહી દીધું કે મધ્યમ વર્ગે તેની કાળજી પોતે રાખવો પડશે.

એટલે ૨૦૧૯ સુધી મધ્યમ વર્ગને બજેટના સંદર્ભમાં રાહતની કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. હા, ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવશે એટલે એ પહેલાંના બજેટમાં કંઈક જાહેરાત જરૂર થશે.

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૪/૩/૧૫ના રોજ આ લેખ છપાયો).