economy, sadhana

માલ અને સેવા વેરો: ઐતિહાસિક, અભૂતપૂર્વ, એકસૂત્રતા

(સાધના સાપ્તાહિક દિ. ૮/૭/૧૭ની કવરસ્ટોરી)

 મધરાત્રે જ શું કામ?

હિન્દુ પંચાંગમાં અષાઢ મહિનો શુભ છે. અષાઢી બીજે વરસાદ શુભસંકેત ગણાય છે. અષાઢ પૂર્ણિમા ગુરુપૂર્ણિમાના તહેવાર તરીકે ભારતવર્ષમાં ઉજવાય છે. વિ.સં. ૨૦૧૭૩ના અષાઢ મહિનાની શુક્લ અષ્ટમીના રોજ ભારતવર્ષમાં એક નવો યુગ મંડાયો.

આંગ્લ પંચાંગની રીતે તેને ૩૦ જૂન અને ૧ જુલાઈની વચ્ચેનો સમય કહી શકાય. ૩૦ જૂનની રાત્રે બાર વાગે ૧ જુલાઈની તારીખ બેસે એ જ સમયે સંસદના સેન્ટ્રલ હૉલમાં રાષ્ટ્રપતિએ મા.સે.વે. (જીએસટી)ની શરૂઆત કરી. સિત્તેર વર્ષ પહેલાં મધરાત્રે સ્વતંત્રતા સમયે જેવો ઉમંગ-ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ હતું અને સાથે જ મુસ્લિમ-હિન્દુઓનાં રમખાણો, મારકાપ, બળાત્કાર, લૂટફાટ, સ્થળાંતર, જે ભૂમિ પર વર્ષોથી રહેતા હતા તે રાતોરાત અલગ દેશ બની જતી હતી તેના કારણે અને ખાસ તો વિષૈલા વાતાવરણના કારણે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું હતું એટલે જે મળ્યું તે અને જે કપડાં પહેર્યાં હતાં તેમાં રાતોરાત ભારત આવી ગયા, ભારતના કેટલાક લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા તે રીતે ભય-ચિંતાનું વાતાવરણ પણ હતું.

તો મા.સે.વે. વખતે પણ આ પ્રકારનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંતર માત્ર એટલું છે કે આ વખતે બહુમતી સંખ્યા આ વેરાથી ખુશ છે પરંતુ વેપારીઓના એક નોંધપાત્ર વર્ગમાં ભય-ચિંતાનું વાતાવરણ આ વેરા અંગે પ્રવર્તતી શંકા-કુશંકાના કારણે દેખાય છે. ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજોથી સ્વતંત્રતા મળેલી તો અષાઢ શુક્લ આઠમ, વિ.સં. ૨૦૭૩ અને ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ મધરાત્રે ૧૮ વેરાઓના બોજામાંથી સ્વતંત્રતા મળી અને તે બધાના સ્થાને એક મા.સે.વે. આવ્યો. (જુઓ બૉક્સ) મધરાત્રે દેશભરમાં તેની ઉજવણી થઈ.

અલબત્ત, જ્યારે એનડીએ સરકાર અનેક બાબતમાં ભારતીયતા લાવી રહી હોય ત્યારે આ કાર્યક્રમ પણ મોડી રાતના બદલે વહેલી સવારે રાખીને એક નવો ચીલો પાડી શકાયો હોત તો સોનામાં સુગંધ ભળત!

વિરોધીઓને સાથે લઈ ચાલ્યા

જ્યારે આવું મોટું કામ થવા જઈ રહ્યું હોય ત્યારે એક સાચા આગેવાનનું કર્તૃત્વ છે કે યશની વહેંચણી કરવી. સેન્ટ્રલ હૉલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઐતિહાસિક વેરાના યશના ભાગીદારો તમામ રાજકીય પક્ષો છે.

વર્ષ ૨૦૦૦માં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકારે મા.સે.વે. માટે પાયાનો પથ્થર મૂકવાનું કામ કર્યું અને ઉદારતા જુઓ! વિચારસરણીથી ઘોર વિરોધી એવા સામ્યવાદીઓની પશ્ચિમ બંગાળ સરકારના નાણા પ્રધાન અસીમ દાસગુપ્તાને સમિતિના અધ્યક્ષ બનાવ્યા! આ માટે અટલજીએ પોતે પ.બંગાળના મુખ્યપ્રધાન જ્યોતિ બસુને વિનંતી કરેલી કે અસીમ દાસગુપ્તાને આ કામ માટે ફાળવવામાં આવે. દાસગુપ્તાને આ દેશના ટોચના અર્થશાસ્ત્રીઓમાં ગણવામાં આવે છે. એટલે અટલજી પછી આવેલી કૉંગ્રેસ સરકારે પણ તેમને આ કામ માટે ચાલુ રાખ્યા. પરંતુ વર્ષ ૨૦૧૧માં કેરળની કૉંગ્રેસના નાણા પ્રધાન કે. એમ. મણિએ અસીમ દાસગુપ્તાનું સ્થાન લીધું. મણિનું નામ કૌભાંડમાં આવતા વર્ષ ૨૦૧૫માં તેમની વિદાય થઈ.

મોદી સરકારે પણ અગાઉની સરકારોની પરંપરા ચાલુ રાખી અને મણિના સ્થાને પોતાના મોરચાના નહીં પરંતુ ઘોર વિરોધી એવા તૃણમૂલના નેતા તેમજ પ. બંગાળના નાણા પ્રધાન અમિત મિત્રાને મૂક્યા.

કૉંગ્રેસે દસ વર્ષમાં ન કર્યું, તે ત્રણ વર્ષમાં કેવી રીતે થયું?

યુપીએ સરકારમાં નાણા પ્રધાન ચિદમ્બરમે વર્ષ ૨૦૦૬માં જાહેરાત કરેલી કે વર્ષ ૨૦૧૦થી મા.સે.વે. લાગુ થશે. પરંતુ વર્ષ ૨૦૧૪ સુધી આ શક્ય ન બન્યું. તો પછી મોદી સરકારે ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં આ કામ કેવી રીતે કરી બતાવ્યું? કૉંગ્રેસની દલીલ છે કે નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે વિરોધ કરતા હતા (જેના કાંટછાંટ કરીને અત્યારે વિડિયો પ્રચલિત થઈ રહ્યા છે) એટલે આ ન થયું અને મોદી સરકાર વખતે કૉંગ્રેસે સમર્થન આપ્યું એટલે તો આ વેરો આવી શક્યો.

એવું નથી. મોદી જ નહીં તે વખતે કૉંગ્રેસની રાજ્ય સરકારો પણ મા.સે.વે.ના વિરોધમાં હતી. તેમની ચિંતા એ હતી કે રાજ્યોને થનારી આવક ગુમાવવી પડે તેમ હતી. તેની સામે વળતરનું કોઈ પ્રાવધાન નહોતું. ૧૩ જુલાઈ ૨૦૧૨ના ‘ધ હિન્દુ’ના અહેવાલ પ્રમાણે, કેન્દ્રની કૉંગ્રેસ સરકાર સામે સૌથી મોટો અવરોધ જો કોઈ હોય તો તે (મોદી નહીં) પરંતુ મહારાષ્ટ્રની કૉંગ્રેસ-એનસીપી મિશ્ર સરકાર હતી! આ ઉપરાંત તમિલનાડુ અને ઓડિશા સરકારો પણ વિરોધમાં હતી. તો ૨૧ ડિસેમ્બર ૨૦૧૩ના ‘ઇન્ડિયન ઍક્સ્પ્રેસ’ના અહેવાલ મુજબ, કેરળના નાણા પ્રધાન કે. એમ. મણિ (એ જ મણિ જે મા.સે. વે. સમિતિના અધ્યક્ષ બનેલા) એ તત્સમયે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને પત્ર લખી મા.સે.વે. અંગે તેમની રાજ્ય સરકારની ચિંતા વ્યક્ત કરેલી. મણિએ સેવા વેરા તેમજ સપ્લાય નિયમો અંગે કેન્દ્રની કૉંગ્રેસ સરકાર માહિતી નહોતી આપી રહી તેની આ પત્ર દ્વારા જાહેરમાં ટીકા કરી હતી.

રાજ્યોને મુખ્યત્વે વાંધો આ બાબતો પર હતો: ૧. પેટ્રોલિયમ ઉત્પાદનો-દારૂને મા.સે.વે.માંથી બાકાત રાખવામાં આવે, જેથી રાજ્યોને સારી આવક મળી રહે. આ અંગે પણ મોદી વિરોધીઓનો અપપ્રચાર છે કે મોદી સરકાર પેટ્રોલિયમ પદાર્થોને મા.સે.વે.માં એટલા માટે નથી લાવતી કે પછી પેટ્રોલ-ડીઝલ સસ્તું થઈ જશે. હકીકતે રાજ્યોનો જ વિરોધ છે. ૨. આબકારી વિભાગને પણ બાકાત રાખવામાં આવે. ૩. એન્ટ્રી ટૅક્સને પણ મુક્ત રાખવામાં આવે અને ૪. આવકની ખોટ થાય તો કેન્દ્ર સરકાર તેનું વળતર ભરપાઈ કરે.

મોદી સરકારને પણ આ ખરડાને કાયદો બનાવતી વખતે કૉંગ્રેસ સહિતના વિપક્ષોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યસભામાં બહુમતી ન હોવાથી કૉંગ્રેસની માગણી પર આ ખરડો સિલેક્ટ કમિટીને આપવો પડ્યો હતો. પરંતુ વડા પ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા પછી પહેલેથી આ કામને ટોચની પ્રાથમિકતા આપી હતી, તેથી વર્ષ ૨૦૧૫માં તેઓ, નાણા પ્રધાન અરુણ જેટલી અને વેંકૈયા નાયડુ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ અને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મળ્યાં હતાં અને મા.સે.વે. પર સહકાર આપવા અનુરોધ કર્યો હતો. જેટલીએ ફેબ્રુઆરી ૨૦૧૫માં ૧ એપ્રિલ ૨૦૧૬થી મા.સે.વે.નો અમલ કરવા જાહેરાત કરી હતી. નિયમ પ્રમાણે, ઓછામાં ઓછાં ૧૫ રાજ્યોએ પણ વિધાનસભામાં મા.સે. વે. ખરડો પસાર કરવો જરૂરી હતો. ઑગસ્ટ ૨૦૧૫માં રાજ્યસભામાં વિપક્ષોના વિરોધના કારણે મા.સે.વે. ખરડો પસાર ન થઈ શક્યો. આથી ૨૦૧૬ની ડેડલાઇન ચૂકી જવાઈ. છેવટે ૩ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ રાજ્યસભામાં મા.સે.વે. ખરડો પસાર થયો અને ૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ૧૬ રાજ્યોએ મા.સે.વે. ખરડો પસાર કરી દીધો, તેથી માર્ગ મોકળો થયો.

આમ, મા. સે. વે. અમલી થવાની સિદ્ધિ મેળવીને મોદીજીએ એવા ખોટા અપપ્રચારની પોલ ખોલી નાખી છે કે તેઓ સરમુખત્યારની જેમ વર્તે છે, પક્ષના કોઈને સાથે લઈને ચાલતા નથી કે વિપક્ષો-રાજ્યોને ગણકારતા નથી.

તોફાન વચ્ચે શ્રીનગરમાં મા.સે.વે.ની બેઠકથી રાજકીય સંદેશ!

ચીલાથી હટીને નવી કેડી કંડારવા માટે જાણીતા નરેન્દ્ર મોદીએ મા.સે.વે.ને અમલી બનાવવાના રસ્તામાં એક બીજો રાજકીય સંદેશ પણ આપ્યો છે. બહુ ઓછાનું ધ્યાન ગયું હશે કારણકે સમાચારપત્રોમાં મોદી વિરોધમાં ઘણા સમાચારો પર કાતર ચલાવી દેવાય છે.

મોદી સરકાર આવી તે પહેલાં બધી જ બેઠકો દિલ્લીમાં મળતી હતી. પરંતુ મોદીજીએ દિલ્લી બહાર બેઠકો કરવા લાગી. તદનુસાર, મા.સે.વે. પરિષદની બેઠક શ્રીનગરમાં પણ મળી હતી! અને તે પણ એવા સમયે જ્યારે પથ્થરબાજી અને આતંકવાદીઓના હુમલા ચાલુ હતા ત્યારે! આ માત્ર જમ્મુ-કાશ્મીરના પાકિસ્તાન પ્રેમી ઉપદ્રવી તત્ત્વોને જ સંદેશો નહોતો, પરંતુ ભારતની અંદર અને શેષ વિશ્વને પણ એક મજબૂત સંદેશો હતો કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.

રાજકીય વિરોધ હજુ ચાલુ જ છે!

આટલી મોટી ઐતિહાસિક ઘટના છતાં પણ દેશને નુકસાન કરનારી રાજનીતિ તો ચાલુ જ છે. કૉંગ્રેસે અને તેનું જ સંતાન એવી તૃણમૂલ કૉંગ્રેસે ઐતિહાસિક સંસદીય સત્રનો બહિષ્કાર કરીને રાજકીય અપરિપક્વતા દાખવી છે. તૃણમૂલના અમિત મિત્રા મા.સે. વે.ના એક ઘડવૈયા હોવા છતાં પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યમાં હજુ આ ખરડો પસાર કર્યો નથી. તેમણે આ વેરાનો અમલ મોકૂફ રાખવા પણ અનુરોધ કરેલો પરંતુ નાણા પ્રધાન અરુણ જેટલીના કહેવા પ્રમાણે, સપ્ટેમ્બરથી જે વેરાઓનું સ્થાન મા.સે. વે. લેવાનો છે તે વેરાઓ નિષ્ક્રિય થઈ જતા હતા, તેથી જો કોઈ વેરો ન હોય તો કેન્દ્ર અને રાજ્યોના અર્થતંત્રને એટલે સરવાળે દેશના અર્થતંત્રને મોટું નુકસાન જવાની સંભાવના હતી તેથી અમલ મોકૂફી શક્ય નહોતી. જમ્મુ-કાશ્મીરમાં પણ હજુ આ મા.સે.વે.ના અમલ માટે રાજ્યનો પોતાનો કાયદો પસાર થયો નથી.

વેપારીઓમાં ભય-શંકા અને કુશંકા- કેટલી સાચી, કેટલી ખોટી?

પહેલાં મજાકમાં એમ કહેવાતું હતું કે સ્ત્રીને સમજવી મુશ્કેલ જ નહીં, અશક્ય છે. પરંતુ હવે કહેવાય છે કે મા.સે.વે.ને સમજવો અશક્ય છે. દરેક તબક્કે વેરો કપાય છે, પરંતુ જેને વેરો ચૂકવાય છે તે દર વખતે સરકાર નથી હોતી. પી.એફ.નું ઉદાહરણ લઈએ તો જલદી સમજાશે. ખાનગી કંપનીઓ પી.એફ. પેટે કર્મચારીના પગારમાંથી પૈસા કાપે (અને પોતાના તરફથી ઉમેરવાના હિસ્સાના પણ) પરંતુ તે પૈસા જમા જ ન કરાવે તો? આવી મોટી કંપનીઓ સામે લડવાની કર્મચારીઓની ત્રેવડ હોતી નથી આથી પીએફમાં નુકસાન જતું હોય તેવાં ઉદાહરણો છે. આ જ રીતે ખરીદનાર વેચનારને મા.સે.વે. ચૂકવે પરંતુ વેચનાર તે સરકારમાં ભરે નહીં તો ખરીદનારને તેની ક્રેડિટ મળશે નહીં. આમ, આવા સંજોગોમાં વેચનાર ગેરલાભ મેળવી જશે.

પેઢીનાં ગોદામો બીજાં રાજ્યોમાં હોય તો તે તેનાં ઉત્પાદનોને એકમાંથી બીજા રાજ્યમાં ખસેડે તો તેણે વેરો ચૂકવવો પડશે પરંતુ જ્યાં સુધી માલ વેચાશે નહીં ત્યાં સુધી તેને ક્રેડિટ મળશે નહીં. આમ, લાંબો સમય પૈસા સલવાયેલા રહેશે.

પહેલાં નિકાસકારને વિદેશમાંથી કાચી સામગ્રી (ઇનપૂટ)ની આયાત પર વેરામુક્તિ હતી પરંતુ હવે તેણે મા.સે.વે. ચૂકવવો પડશે. અને તેની નિકાસ થાય તે પછી તેની ક્રેડિટ તે મેળવી શકશે. આમ, વેરો ભરવામાં અને રિફંડ વચ્ચે લાંબો અવકાશ પડી જવાની સંભાવના છે. મા.સે.વે.ના ઊંચા દરોથી પણ કાપડના વેપારીઓ સહિત ઘણાને પોતાનો ધંધો ઠપ થવાની ભીતિ છે જેના લીધે ઘણા કર્મચારીઓને બેરોજગાર થવાનો વારો આવી શકે છે. વાત એક જ વેરાની, એક જ દરની હતી પરંતુ મા.સે.વે.ના ત્રણ પ્રકાર છે- સીજીએસટી (કેન્દ્રનો વેરો), એસજીએસટી (રાજ્યનો વેરો), આઈજીએસટી (કેન્દ્ર-રાજ્યનો સંકલિત વેરો). દરના માળખા પણ ૫%, ૧૨%, ૧૮%, અને ૨૮% એમ અલગ-અલગ છે. અને આ તો હજુ શરૂઆત છે. આગળ જતાં આ દરો ઘટવાના બદલે વધવાની પૂરી શક્યતા છે!

જો કોઈ વ્યક્તિ એક રાજ્યમાં નોંધાયેલો હોય અને બીજા રાજ્યમાં વેપારાર્થે થોડા સમય માટે, માનો કે કોઈ પ્રદર્શનમાં જાય તો તે રાજ્યમાં પણ તેણે નોંધણી કરાવવી પડશે. મા.સે.વે.ની પૂરતી તૈયારી નથી અને તેને લાદી દેવાયો છે. આવા ઘણા મુદ્દાઓ છે.

બીજા કોઈ નહીં, પરંતુ વિરોધીઓને યમરાજા સમાન લાગતા સુબ્રમણિયન સ્વામીએ પણ પોતે અર્થશાસ્ત્રી હોવાના સંબંધે ભીતિ વ્યક્ત કરી છે કે મા.સે.વે. નરેન્દ્ર મોદી સરકાર માટે વૉટરલૂ (જ્યાં નેપોલિયન ૧૮ જૂન ૧૮૧૫ના રોજ હાર્યો હતો.) સાબિત થશે.

કેટલાકને ભીતિ છે કે આ વેરાથી ફરીથી ઇન્સ્પેક્ટર રાજ (જે ઈન્દિરા-રાજીવના સમયમાં હતું) પાછું ફરશે. અધિકારીઓને દરોડા-ધરપકડની છૂટ મળી જશે.

ઘણાને ડર છે કે વર્ષનાં ૩૭ રિટર્ન ભરવા પડશે. આથી આ કામ વધી પડશે. ઉપરાંત અત્યાર સુધી ચોપડે કામ ચાલતું હતું, હવે કમ્પ્યૂટરથી કામ કરવું પડશે.

મા.સે.વે.ના ફાયદા અનેક છે

અત્યાર સુધી મોટો વર્ગ વેરાજાળની બહાર હોવાથી મોટા ભાગે નોકરિયાત વર્ગ જ વેરો ભરતો હતો. ઘણા વેપારીઓ ચીઠ્ઠિ પર વ્યવહાર કરી, ચોપડે ખોટ બતાવી વેરો ભરવામાંથી છટકી જતા હતા. બિલ આપતા નહોતા. આવકવેરાના અધિકારીઓનું કહેવું હતું કે વ્યવસાયિકો, હૉલસેલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ વગેરે રિટર્ન ભરતા હતા પરંતુ ટૅક્સ નહિવત ભરતા હતા. વેરામાંથી મળતી આવક કરતાં તેમના રિટર્નની ફાઇલની જાળવણીનો ખર્ચ વધી જતો હતો. આ બધું હવે મોટા પાયે અટકે તેવી શક્યતા છે. આના કારણે કાળાં નાણાંનું સર્જન થતું હતું.

નાણા પ્રધાન અરુણ જેટલીના કહેવા અનુસાર, “સતત ઓછી કર આવકના કારણે અર્થતંત્રને ભારે નુકસાન જતું હતું. સરકાર દેવું કરે રાખતી હતી. આથી કરના દરો વધારીને કર ભરનારા પ્રમાણિક લોકોને દંડવા કરતાં આ કરજાળમાં વધુ લોકો આવે તે જોવું જરૂરી હતું.” જોકે સાથે સાથે શાસકોએ અને સાંસદો-ધારાસભ્યોએ પણ વૈભવી ઠાઠમાઠ-ઊંચા પગાર-ભથ્થાં-સંસદના કિંમતી સમયનો વેડફાટ-ઘટાડી સાદગી અપનાવવી જોઈએ તો પણ અર્થતંત્રનું ઘણું ભારણ ઘટે. ઉપરાંત હજુ અસંગઠિત ક્ષેત્રના લોકો તેમજ મોટા મોટા ખેડૂતો આ કરજાળમાંથી બાકાત છે તેમને પણ મતબૅંકનો મોહ ત્યજી કરજાળમાં લાવવા પડશે કારણકે આ લોકોની સંખ્યા અંદાજે ૫૦ ટકાથી વધુ છે.

મા.સે.વેરાથી વેરામાળખું સરળ બનશે. અનેક વેરાના બદલે એક જ વેરો ભરવો પડશે. નાણા સચિવ હસમુખ અઢિયાના કહેવા પ્રમાણે, “વેપારીઓએ મહિને એક જ રિટર્ન ભરવું પડશે. બાકીનાં બે રિટર્ન કમ્પ્યૂટર જાતે ભરી લેશે. કમ્પૉઝિટ ડીલરોએ તો ત્રણ મહિને એક રિટર્ન ભરવું પડશે અને તે પણ ખાલી ટર્નઑવરની વિગતો.”

વળી, જે દરોડા કે ધરપકડની જે જોગવાઈઓ છે તે વાજબી છે. અગાઉ આપેલાં ઉદાહરણ પ્રમાણે, ખરીદનાર વેચનારને વેરો ચૂકવી દે પરંતુ વેચનાર સરકારને તે વેરો ન ભરે તો સરકાર તે વેચનારને પકડશે. તેની સામે કાર્યવાહી કરશે. વેરો ઘટાડવામાં આવે પરંતુ તેનો લાભ જો વેપારી ગ્રાહકને ન આપે તો પણ સરકાર તેની સામે કાર્યવાહી કરશે.

આમ, માલ અને સેવા વેરાથી છેવટે ગ્રાહકને જે લાભ મળવો જોઈએ તે ન મળે તેવા સંજોગોમાં ધરપકડ અને દરોડાની કાર્યવાહી થવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ જૂને રાત્રે સંસદમાં કહ્યું કે આ વેરાથી આખો દેશ આર્થિક રીતે એકસૂત્રે બંધાઈ રહ્યો છે. અને આ વાત સાચી છે.

વળી, આ વેરાથી કાળું નાણું અને ભ્રષ્ટાચાર પણ અટકશે તેમ નીતિન ગડકરીનું કહેવું છે. રહી વાત પૂરતી તૈયારીની તો, મલયેશિયામાં મા.સે.વે.ની તૈયારી દોઢ વર્ષ જેટલો લાંબો સમય અપાયા છતાં તેના ખરેખર અમલ પછી તીવ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.

સરકાર તરફથી આ ધ્યાન રખાવું જરૂરી

બિલ્ડરૉએ વેરાના અમલ પહેલાં જ મોટી લૂટ મચાવી હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગ પર ચાર ટકાનો વેરો લાગતો હતો પરંતુ મા.સે.વે. પછી ૧૨ ટકા લાગવાનો છે. ત્યારે તૈયાર થઈ ગયેલાં મકાનો પર કેટલાક બિલ્ડરોએ ૧૨ ટકા વેરો માગ્યાનું બહાર આવ્યું છે. જે રીતે નોટબંધીના કડક કાયદા છતાં કાળાં કામો કરનારાએ પોતાનાં ખોટાં કામો માટે રસ્તા શોધી લીધા હતા તેમ મા.સે.વે બાબતે ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. મા.સે.વે. સાથે સંકળાયેલા અધિકારીઓ વેપારીઓને ખોટી રીતે ન રંજાડે તે જોવું પડશે. સિંગાપોરમાં આ વેરાના અમલ પછી મોંઘવારી ફાટીને ધૂમાડે ગઈ હતી તેવું ઓલરેડી મોંઘવારીથી પીડિત ભારતમાં ન બને તેનું સરકારે ધ્યાન રાખવું પડશે.

તો સાથે સાથે ગ્રાહકને લાભ ન મળતો હોય તેવા સંજોગોમાં આ અધિકારીઓ મોટા ઉદ્યોગપતિઓ-વેપારીઓ સાથે સાંઠગાંઠ ન કરી લે તે જોવું જોઈએ. સૌથી મોટી ચિંતા આ વેરાના ડિજિટલાઇઝેશનના પાસા અંગે છે. ૧૫૦ દેશોમાં ‘વૉન્નાક્રાય’ નામના રેન્સમવૅરના હુમલા અને તેના કારણે અર્થંતંત્રને નુકસાન પછી આ ચિંતા સ્વાભાવિક છે. મેન્યુઅલી કામ (ચોપડાં)માં હૅકિંગ શક્ય નથી. પણ આ ચિંતા ન હોય તો પણ વેબસાઇટ ક્રેશ થાય, ધીમી ચાલે, ફૉર્મ ભરાઈ ગયું હોય ત્યાં એરર આવી જાય, અને નવેસરથી વિધિ કરવી પડે તેવું સ્કૂલ, કૉલેજ, બીએસએનએલ વગેરે સરકારી વેબસાઇટોમાં અનુભવો છે ત્યારે આ વેબસાઇટોની સાથે મા.સે.વે.ની વેબસાઇટ પણ વડા પ્રધાન જેવી જ વાઇબ્રન્ટ બનાવવી પડશે.

બૉક્સ-૧

આ ૧૮ વેરાનું સ્થાન મા.સે.વે.એ લીધું

૧. વૅટ/વેચાણ વેરો, ૨. મનોરંજન કર, ૩. લક્ઝરી કર, ૪. લૉટરી, સટ્ટા અને જુગાર પરનો કર, ૫. રાજ્યના ઉપકર (સેસ) અને સરચાર્જ, ૬. એન્ટ્રી ટૅક્સ, ૭. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ૮. કેન્દ્રીય આબકારી જકાત (એક્સાઇઝ), ૯. સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઑફ કસ્ટમ, ૧૦. એડિશનલ કસ્ટમ ડ્યુટી, ૧૧. એડિશનલ ઍક્સાઇઝ ડ્યુટી, ૧૨. મેડિકલ ઍન્ડ ટોઇલેટરિઝ પ્રીપરેશન ઍક્ટ હેઠળ એક્સાઇઝ ડ્યુટી, ૧૩. સેવા કર (સર્વિસ ટૅક્સ), ૧૪. કાઉન્ટરવેઇલિંગ ડ્યુટી, ૧૫. સ્પેશિયલ એડિશનલ ડ્યુટી ઑફ કસ્ટ્મ, ૧૬. શિક્ષણ ઉપકર, ૧૭. પ્રેસ/ટીવી/રેડિયો સિવાય જાહેરખબરો પરનો વેરો, ૧૮. લૉટરી, સટ્ટા અને જુગાર પર કેન્દ્રીય વેરો,

 

બૉક્સ-૨

આ વેરાઓ હજુ મા.સે.વે.માં નથી સમાવાયા

૧. બેઝિક કસ્ટમ ડ્યુટી, ૨. સ્ટેમ્પ ડ્યુટી, ૩. વાહન વેરો, ૪. મિલકત વેરો, ૫. દારૂ પરની એક્સાઇઝ, ૬. વીજળીના વેચાણ/વપરાશ પરનો વેરો, ૭. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, ૮. અન્ય એન્ટ્રી ટૅક્સ અને ઑક્ટ્રોય, ૯. મનોરંજન કર (જે સ્થાનિક સંસ્થાઓ દ્વારા લગાવાય છે), ૧૦. ભારતમાં આયાત થતી ચીજો પર બેઝિક કસ્ટમ ડ્યુટી અને સૅફગાર્ડ ડ્યુટી

Advertisements
film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

gujarat guardian, national

અમિત કટારિયા: સ્ટાઇલ મેં નહીં રહેને કા

સામાન્ય રીતે નક્સલી હુમલાના કારણે સમાચારમાં રહેતા બસ્તર આજકાલ બીજાં કારણોસર ચર્ચામાં છે. તેના કલેક્ટર અમિત કટારિયાને છત્તીસગઢની સરકારે ચેતવણીની નોટિસ આપી છે. થોડા વખત પહેલાં નરેન્દ્ર મોદી દંતેવાડા આવ્યા હતા ત્યારે આ કલેક્ટરે મોદીના સ્વાગતમાં ભડકાઉ શર્ટ અને કાળા ચશ્મા પહેર્યા હતા. વળી, તેણે આ મુલાકાત દરમિયાન બે વાર શર્ટ બદલ્યાં હતાં.

આથી સરકારે રાજ્યપાલના નામે નોટિસ આપી કે તા.૯ મે, ૨૦૧૫ના રોજ જગદલપુરમાં માનનીય વડા પ્રધાનનું આગમન થયું. નિયમ મુજબ જિલ્લા કલેક્ટર તરીકે તમે તેમનું સ્વાગત કર્યું. પરંતુ શાસનના ધ્યાનમાં એ તથ્ય આવ્યું છે કે વડા પ્રધાનના સ્વાગતમાં તમે પ્રસંગને અનુરૂપ પોશાક પહેર્યો નહોતો. તેમજ તમે તડકાના ચશ્મા (ગોગલ્સ) પણ પહેર્યા હતા. તમારું આ કૃત્ય ઓલ ઇન્ડિયા સર્વિસ (કન્ડક્ટ) રૂલ્સ, ૧૯૬૮ના નિયમ ૩(૧)થી વિપરીત છે. આ પ્રકારનું કોઈ કૃત્ય ભવિષ્યમાં નહીં કરતા.

દંતેવાડાના કલેક્ટર કે.સી. દેવસેનાપતિને પણ આ જ પ્રકારની નોટિસ આપવામાં આવી છે. અલબત્ત, દેવસેનાપતિ વિશે જરા પણ ચર્ચા નથી. દેવસેનાપતિ કાળા પેન્ટ અને સફેદ શર્ટમાં મોદીને મળ્યા હતા. દેવસેનાપતિને મોકલવામાં આવેલા પત્રમાં માત્ર એટલું જ કહેવાયું કે તેમણે ઔપચારિક વસ્ત્રો પહેર્યાં નહોતા.

અમિત કટારિયાએ સીધો કોઈ બચાવ નથી કર્યો. તેમણે કેટલાક અધિકારીઓ સમક્ષ વૉટ્સએપ પર પોતાનો પક્ષ રાખતો સંદેશો મોકલ્યો હતો. તેમાં તેમણે કહ્યું કે બસ્તારમાં મે મહિનામાં બહુ જ ગરમી પડે છે. બધી વ્યવસ્થાઓ જોતા હોવાના કારણે તેમના માટે બંધ ગળું રાખવું શક્ય નહોતું. તેમણે સંપૂર્ણ પણે ઔપચારિક પોશાક જ પહેર્યો હતો. બ્લુ શર્ટ, બ્લેક પેન્ટ, બ્લેક લેધર શૂઝ.

કટારિયાએ એવું પણ કહ્યું કે “…હું ધોમધખતા તડકામાં વડા પ્રધાન અને અન્યો માટે વ્યવસ્થા કરી રહ્યો હતો અને પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો. મારી આંખો પણ બળી રહી હતી. આથી મેં મારી કારમાં મૂકેલો કોટ પહેરવાનું પસંદ ન કર્યું. મેં અગિયાર વર્ષ આ સેવામાં આપ્યાં છે. તેમ છતાં પણ હજુ જો હું ભોળો અને મૂર્ખ હોઉં તો તે માટે યુપીએસસી અને એકેડેમી જવાબદાર છે.”

વિવિધ આઈએએસ ઓફિસર એસોસિએશનમાં પણ આ મુદ્દે ભાગલા છે. એક એસોસિએશને કહ્યું છે કે આવી નોટિસ સાવ મૂર્ખામીભરી છે. વડા પ્રધાનને મળવાનું હોય ત્યારે જ ડ્રેસ કોડ લાગુ પડે છે, એ સિવાય નહીં. ઉપરાંત ૪૦-૪૫ ડિગ્રી તાપમાન હોય ત્યારે ઔપચારિક કપડાં પહેરવા મુશ્કેલ હોય છે. ઉપરાંત અમિત કટારિયાએ પોતાની આંખોને બચાવવા ગોગલ્સ પહેરી રાખ્યા હતા.

ટ્વિટર પર લોકો પણ અમિત કટારિયાના બચાવમાં આગળ આવી ગયા. એક જણાએ લખ્યું કે ગોગલ્સ પહેરવાનો અધિકાર માત્ર નરેન્દ્ર મોદીને જ છે. બીજાએ લખ્યું કે ચીનના વડા પ્રધાન સાથે સેલ્ફી પડાવવી એ પ્રોટોકોલનો ભંગ નથી? ઓબામાની મુલાકાત વખતે પણ આપણા વડા પ્રધાને પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. તો એક જણાએ એવી ગંભીર ટીકા કરી કે વડા પ્રધાને આવી ક્ષુલ્લક બાબતોને ધ્યાનમાં રાખવાના બદલે છત્તીસગઢમાં નક્સલવાદની સમસ્યા કેવી રીતે હલ થાય તેના પર ધ્યાન આપવું જોઈએ. એકે વળી લખ્યું કે નરેન્દ્ર મોદી માત્ર કપડાં વગેરે બાબતોની જ ચિંતા કરે છે, અધિકારીની ક્ષમતાની નહીં.

પૂર્વ કેબિનેટ સચિવ ટી.એસ.આર. સુબ્રમણિયમે કહ્યું છે કે બંધારણની કલમ ૩૧૮ હેઠળ નિયમોમાં ઉચિત કપડાં પહેરવાનો ઉલ્લેખ છે, જોકે ગોગલ્સ પહેરવાનો ઉલ્લેખ નથી.

આ ઘટના બાદ અમિત કટારિયા સોશિયલ મિડિયા પર દુર્ગા નાગપાલની જેમ જ લોકપ્રિય થઈ રહ્યા છે. તેમના વિશે બહાર આવી રહેલી માહિતીના કારણે લોકોને તેમના પર માન થઈ રહ્યું છે. ફેસબુક પર અમિત કટારિયા ફેન્સ ક્લબ પણ ખુલી ગઈ છે જેમાં ૨૦૦૦ લાઇક મળી છે.

ગુડગાંવના નિવાસી, દિલ્હીમાં આર. કે. પુરમ સ્કૂલમાં ભણેલા અને ઈ.સ. ૨૦૦૧માં આઈઆઈટી સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી. ટૅક. થનાર અમિત કટારિયા પછી આઈએએસ બન્યા. અમિતનો પરિવાર રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે. દિલ્હી તથા આસપાસમાં તેમના પરિવારના શોપિંગ મોલ અને કૉમ્પ્લેક્સ પણ છે. તેમનાં પત્ની પ્રોફેશનલ પાઇલોટ છે. તેમણે છત્તીસગઢમાં ખૂબ જ સારું કામ કર્યું હોવાનું ચર્ચાય છે. એક વિડિયો મુજબ, અમિત કટારિયા રાયગઢના કલેક્ટર હતા ત્યારે રોડ બનાવવા માટે દબાણ હટાવવાના મુદ્દે તેમને ભાજપના ધારાસભ્ય રોશનલાલ સાથે રકઝક થઈ હતી. રોશનલાલે પોતે બે અખબાર ચલાવતા હોવાની ધોંસ પણ આપી હતી. તેમ છતાં અમિત કટારિયા મચક આપતા નથી. ઉલટું, તેઓ ગુસ્સે થઈ રોશનલાલને ચાલ્યા જવાનું કહી દે છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે થોડા સમય પછી આ જ રોશનલાલ રાયગઢના વિકાસ માટે અમિત કટારિયાની પ્રશંસા કરે છે.

રાયગઢના લોકોના દાવા મુજબ, અમિત કટારિયાના કાર્યકાળમાં લગભગ ૪ કરોડ ગરીબોનો મફત ઈલાજ થયો હતો. હૉસ્પિટલના સિવિલ સર્જન પણ કહે છે કે હૉસ્પિટલને તેમનો હંમેશાં સાથ મળ્યો.

રાયગઢ પહેલાં ૨૦૦૯માં તેઓ રાયપુરમાં નગર નિગમના કમિશનર તેમજ બાદમાં રાયપુર ડેવલપમેન્ટ ઑથોરિટી તરીકે હતા. ત્યાં પણ તેમણે દબાણોને હટાવી રોડોને વિકસાવ્યા. સામાન્ય રીતે દબાણ હટાવવાનું કામ ઘણું કપરું છે અને તેની સામે અદાલતોમાંથી મનાઈ હુકમો પણ મળી જતા હોય છે. આ માટે અમિત કટારિયા એવું કરતા કે દબાણ મોટા ભાગે શુક્રવાર કે શનિવારે જ હટાવતા જેથી અદાલતમાંથી મનાઈ હુકમ આવે ત્યાં સુધીમાં દબાણ હટાવી દેવાયું હોય. અમિત કટારિયાની નીચેના કર્મચારી તેમના વખાણ પણ કરે છે કારણકે તેમણે આરડીએના કર્મચારીઓના ૧૫ વર્ષથી અટકેલી બઢતી ફરી શરૂ કરાવી હતી. એટલું જ નહીં, તેમને સારાં કપડાં પહેરવા અને સારી રીતે રહેવા શિખવાડ્યું. એમ પણ કહેવાય છે કે અમિત આઈએએસ નોકરીની શરૂઆતમાં માસિક માત્ર ૧ રૂપિયો પગાર લેતા હતા. બસ્તરનો ઔદ્યોગિક વિકાસ કરવા માટે અમિતની ત્યાં બદલી કરાઈ હોવાનું કહેવાય છે. સોશિયલ મિડિયા પર એક તસવીરમાં આ અમિત ચોકડીમાં નળ કે પાઇપમાંથી પાણી પીતા બતાવાયા છે. તે બતાવે છે કે તે તેમનો પરિવાર ભલે સંપત્તિવાન હોય પોતે કેટલા સાદા છે. અમિતની આ કાર્યશૈલીના કારણે જ હવે તેનું નામ દબંગ અધિકારી પડી ગયું છે.

માનો કે, અમિત કે તેના પરિવારે પોતાના બચાવમાં કરેલી આ પી. આર. કવાયત હોય તો પણ તેમને અપાયેલી નોટિસમાં જે નિયમ ૩ (૧) ટાંકવામાં આવ્યો છે તેમાં એમ કહેવાયું છે કે સેવાના દરેક સભ્યએ તમામ સમયે સંપૂર્ણ અખંડિતતા જાળવવી પડશે અને ફરજ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ દાખવવું પડશે અને એવું કંઈ ન કરવું જેનાથી તે (સનદી) સેવાનો સભ્ય ન રહે. હવે આ નિયમને કપડાં કે ચશ્મા સાથે કંઈ લાગતું  વળગતું નથી. આઈએએસ અધિકારીઓએ નામ આપ્યા વગર એવું કહ્યું છે કે તેમના માટે કોઈ ડ્રેસ કોડ છે જ નહીં.

અમિત કટારિયાની તરફેણમાં, એક અંગ્રેજી અખબારના જૂના સંદર્ભ સાથેના અહેવાલ મુજબ, ઈ.સ. ૧૯૫૮માં કેન્દ્રીય ગૃહ પ્રધાન ગોવિંદ વલ્લભ પંત ઊટી ગયા હતા ત્યારે તેમની પાસે ઉભેલા રાજ્ય પ્રધાન સી. સુબ્રમણિયમ ગોગલ્સ પહેરેલા હતા તો જિલ્લાના કલેક્ટર કે. જે. સોમસુંદરમ ટોપો પહેરેલા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે તમે સિનિયરને મળો કે કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે માનમાં ટોપો ઉતારવાનો રિવાજ છે. પરંતુ આ કલેક્ટરે તેમ કર્યું નહોતું.

જોકે ફેસબુક પર એક આઈએએસ ગ્રૂપની પોસ્ટ મુજબ, જો પ્રસંગની માગ હોય તો સોબર રંગના કપડાં તેણે પહેરવા જોઈએ. ખાસ ડ્રેસની આવશ્યક્તા હોય તો તે પહેરવો જોઈએ, ભલે તે આરામદાયક ન હોય. તમામ પોલીસ અધિકારીઓને કંઈ તેમનો ગણવેશ આરામદાયક લાગતો નથી, છતાં તેઓ પહેરે જ છે ને. આઈપીએસ જેવું જ આઈએએસ માટે પણ છે. મહાન લાગવું સારું છે, પણ એ વિધિવત્ પ્રસંગ હોય ત્યારે નહીં.

એક ડિફેન્સ અધિકારીએ એવું પણ કહ્યું કે તમે સિનિયરની સામે સનગ્લાસ પહેરી શકો નહીં. આ શિસ્તની બાબત ગણાય છે. અધિકારીએ તો એવો દાવો કર્યો કે જ્યારે અરવિંદ કેજરીવાલ રેવન્યૂ અધિકારી હતા ત્યારે તેમની નીચેના એક સેક્શન ઑફિસર સત્તાવાર બેઠકમાં જીન્સ પહેરીને આવ્યા અને તે સેક્શન ઑફિસરને ચેતવણીનો પત્ર અપાયો હતો. કેટલાક લોકો એવું પણ માને છે કે અમિત કટારિયાને નોટિસ દેવા પાછળ માત્ર કપડાં કે ચશ્મા જ નહીં, તેમનું વર્તન પણ જવાબદાર હશે.

અમિત કટારિયાએ સારાં કામો કર્યાં હશે, પરંતુ એક આઈએએસ અધિકારી તરીકે તેમણે શિસ્ત અને સદવ્યવહારનું પાલન કરવું જ જોઈએ. તેમણે પ્રસંગને અનુરૂપ કપડાં પહેરવા જ જોઈએ. તડકાથી બચવા ગોગલ્સ પહેરવામાં કંઈ ખોટું નથી, પણ કોઈની સાથે વાત કરતી વખતે ગોગલ્સ કાઢી નાખવા જોઈએ. આંખથી આંખ મળવી જરૂરી છે. વળી, અમિત કટારિયાએ પહેર્યા હતા તેવા ગોગલ્સના કાચ પરથી પ્રકાશ પરિવર્તિત થઈને સામે વડા પ્રધાનની આંખમાં આવતો હોય અને આંખ અંજાઈ જતી હોય તેવું પણ બની શકે. માન્યું કે એ સમયે તડકો ખૂબ હતો અને તેથી ગોગલ્સ પહેરવા જરૂરી પણ હતા, પરંતુ વડા પ્રધાનને મળતા સમયે થોડી મિનિટો પૂરતું ગોગલ્સ કાઢી શકાયા હોત. વળી, અમિતે વડા પ્રધાન સાથની મુલાકાત દરમિયાન બે વાર અલગ-અલગ શર્ટ પહેર્યા તે પણ ઔચિત્યભંગ કર્યો કહેવાય. આ દેશમાં પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટીલ ત્રાસવાદી હુમલા વખતે એક જ દિવસમાં કપડાં બદલ્યે રાખતા હતા તો તેમને રાજીનામું આપવું પડ્યું હતું. અભિનેતા-અભિનેત્રી કે ખેલાડીઓ ગોગલ્સ પહેરે તે ફિલ્મ કે મેદાન પૂરતું ચાલે, પણ આઈએએસ કે આઈપીએસ અધિકારી માટે ઠીક નથી.

આપણે ત્યાં સામાજિક પ્રસંગોએ પહેરવા માટે પણ ડ્રેસ કોડ હોય છે. લગ્ન જેવા શુભપ્રસંગે લાલ, પીળા, લીલા, ભડક રંગનાં કપડાં પહેરી શકાય પરંતુ મરણમાં સફેદ, ભૂરા કે કાળા જેવા સૌમ્ય રંગના કપડાં પહેરવામાં આવે છે. મરણમાં જતી વખતે શર્ટ પેન્ટમાં ખોસ્યું હોય તો પણ કાઢી નાખવામાં આવે છે. મંદિરની જેમ બેસણામાં પણ બેસતાં પહેલાં ચપલ, બૂટ કાઢીને બેસવામાં આવે છે. મોટેથી હસાતું નથી. મોટા અવાજે વાતચીત પણ કરાતી નથી. જેમને ત્યાં મરણ થઈ ગયું હોય તે લોકો લગ્નમાં જતા નથી. સ્કૂલમાં પણ યુનિફોર્મ હોય છે. તેનું કારણ છે કે સ્કૂલમાં ગરીબ અને અમીર બંને ભણતા હોય. હવે જો અમીર સારાં સારાં કપડાં પહેરીને આવે તો ગરીબને લઘુતાગ્રંથિ જાગે જેનાથી તેના અભ્યાસ પર અસર પડવાની શક્યતા રહે. બંને વચ્ચે ઝઘડા થવાની શક્યતા પણ રહે. આથી એક સમાન ગણવેશ રાખવામાં આવે છે. ખાનગી કંપનીઓમાં પણ ડ્રેસ કૉડ હોય જ છે. તેની મીટિંગોમાં તમે કેઝ્યુઅલ વેર પહેરીને જઈ શકતા નથી.

જોકે જે સરકાર આઈએએસ અધિકારીના કપડાં કે ચશ્મા સામે વાંધો ઉઠાવે છે તે સરકાર અથવા અન્ય સરકારોમાં પણ હવે કપડાં અંગે ફેરફાર થતાં જાય છે. પહેલાં રાજકારણીઓ મોટા ભાગે ભારતમાં હોય ત્યારે, સંસદમાં કે સંસદની બહાર ધોતી, ઝભ્ભો પહેરતા. દેવેગોવડા, ચિદમ્બરમ જેવા દક્ષિણ ભારતીય સંસદમાં પણ લુંગી પહેરીને આવતા હતા. વિદેશ યાત્રાએ ગયા હોય ત્યારે સૂટ પહેરતા. તે પછી ઝભ્ભો અને પાયજામો અથવા લેંઘો આવ્યા. હવે અરુણ જેટલી, મનોહર પારીકર જેવા લોકો શર્ટ-પેન્ટ પહેરવા લાગ્યા છે. શશી થરૂર, નરેન્દ્ર મોદી જેવા રાજકારણી સ્ટાઇલિશ રહેવામાં માને છે. અમેરિકા પ્રમુખ ઓબામા સાથેની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ પહેરેલા સૂટની આજે પણ ટીકા થાય છે. મોદી ચીનમાં ટેરાકોટા વોરિયર્સ મ્યૂઝિયમની મુલાકાતે ગયા ત્યારે તેમણે ડાર્ક રંગના જ ગોગલ્સ પહેર્યા હતા. જોકે, એમાં કોઈ પ્રોટોકોલ નડતો ન હોવાથી તે ચાલે.

‘સ્ટાઇલ’ ફિલ્મનું ગીત છે ને કે સ્ટાઇલ મેં રહેને કા, તે મુજબ, રાજકારણી હોય, આઈએએસ કે સામાન્ય માનવી, આજકાલ કપડાં અને સ્ટાઇલને વધુ પડતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. સારું કે ખરાબ, તે પોતપોતાનો નજરિયો છે. બાકી ભારતમાં એક સમય એવો હતો કે કપડાં કરતાં સદ્ગુણોને વધુ મહત્ત્વ અપાતું હતું.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૦/૫/૧૫ના રોજ આ લેખ છપાયો)

economy

ડોલર સામે રૂપિયાનું ધોવાણ ચિંતાજનક

આમ તો છેલ્લા કેટલાક સમયથી રૂપિયાનું સતત ધોવાણ થતું આવ્યું છે, પરંતુ ૪ જુલાઈએ તો હદ જ થઈ ગઈ. રૂપિયાનું મૂલ્ય અમેરિકાના ડોલર સામે ૧.૭૭ ટકા તૂટ્યું અને ૬૦.૭૨ પર બંધ થયો. આનો અર્થ એ થયો કે એક ડોલર સામે રૂપિયા ૬૦.૭૨ ચુકવવા પડે. રૂપિયાને તૂટતો બચાવવા તે રિઝર્વ બેન્કે ૫૯.૯૮ના સ્તર પર ડોલર વેચ્યા પરંતુ તેનું આ પગલું પણ અર્થહીન નિવડ્યું. રૂપિયામાં આ ધોવાણ માત્ર અર્થશાસ્ત્રીઓ માટે જ ચિંતાનો વિષય નથી, પરંતુ સૌથી વધુ તો સામાન્ય માણસ માટે છે.  કેવી રીતે આવો સમજીએ.

રૂપિયાનું મૂલ્ય ડોલર સામે ઘટે એટલે તમામ આયાત મોંઘી બને. હવે સૌથી વધુ આયાત અત્યારે સોનાની અને પેટ્રોલ-ડીઝલની થાય છે. આપણે ત્યાં ભારતમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈના ઘેર પારણું બંધાય, કે કોઈના ઘરે વાસ્તુ હોય કે પછી કોઈની નવી ઓફિસનું ઉદ્ઘાટન, એ વખતે આપણે સોના-ચાંદીની વસ્તુ દેતા હોઈએ છીએ. આ સિવાય પણ સ્ત્રીઓને સોનાનું હંમેશાં આકર્ષણ રહ્યું છે. એટલે પતિદેવોએ પત્નીઓને રાજી રાખવા પણ દર વર્ષે સોનાની વસ્તુ લઈ દેવી જ પડે. આ ઉપરાંત જાહેરખબરો અને સમાચારો પણ માનસિક અસર ઊભી કરતાં હોય છે. દર વર્ષે અક્ષયતૃતીયા (અખાત્રીજ) આવે કે ધનતેરસ કે દિવાળી કે પછી ગુરુપુષ્ય નક્ષત્ર, આગલા દિવસે અખબારોમાં સમાચાર આવે કે આવતીકાલે માર્કેટમાં આટલા કરોડનું સોનું વેચાશે. આ ઉપરાંત જાહેરખબરોનો મારો તો હોય જ. તે સિવાય, ડિસ્કાઉન્ટની લાલચ પણ કામ કરે છે. આટલું સોનું લો તો મજૂરી માફ. તે ઉપરાંત દેખાદેખી પણ કામ કરી જાય છે. પડોશણે સોનાનો ચેઇન કરાવ્યો તો પત્ની પણ તેના પતિ પાસે સોનાનો ચેઇન કરાવવાની જીદ કરશે. લગ્ન પ્રસંગે દીકરીને અમુક પ્રમાણમાં સોનું તો આપવું જ પડે, તેવી માન્યતા કે ઘરના અન્ય સ્વજનોના આગ્રહના કારણે પિતાએ ફરજિયાત સોનું ખરીદવું પડે છે. વળી, આજકાલ તો સોનું તેના મૂળ રૂપમાં ન ખરીદતા, માત્ર કાગળ  પર લઈને પછી તેના ભાવ વધે એટલે વેચવાનું ચાલ્યું છે. આને ઇ-ટ્રેડિંગ કહે છે. શેરબજારની જેમ તેમાં સોદા થાય છે. આના કારણે પણ સોનાના ભાવ વધે છે. પરંતુ સોનાની આયાતની માગ તો ઊભી જ રહે છે. એટલે જેટલી વધુ આયાત થાય એટલા ડોલરના વધુ રૂપિયા ચુકવવા પડે. માનો કે ૪૦૦ ડોલરનું સોનું લીધું તો સીધા ૨૫,૦૦૦ રૂપિયા ચુકવવા પડે.

બીજી પેટ્રોલ-ડીઝલની માગ છે. આજકાલ આપણાં નગરો અને શહેરોમાં વાહનોની ધૂમ ખરીદી અને વેચાણ થાય છે. અને હવે તો એવું થવા લાગ્યું છે કે એક જ ઘરમાં બે-ત્રણ વાહનો હોય. એક પતિ લઈ જાય, બીજું પત્ની વાપરે, ત્રીજું સંતાનને શાળા-ટ્યૂશનમાં જવા માટે હોય. પરિણામે વાહન પેટ્રોલ- ડીઝલ તો માગે જ. આવા દ્વિચક્રી વાહન તો ખરા, પરંતુ કારની પણ એટલી જ ખરીદી થવા લાગી છે! નેનો કાર આવ્યા પછી કાર લેવી એ કંઈ ઉચ્ચ કે ધનિક વર્ગનો જ ઈજારો નથી રહ્યો. વળી, આજકાલ દરેક વસ્તુ લોન પર સરળતાથી મળી જાય છે, જેમાં ઘણી જગ્યાએ તો ડાઉનપેમેન્ટ હોતું જ નથી! વળી વ્યાજ પણ નથી લેવાતું. આવામાં, કાર જેવું એક જ વાહન હોય તો તેમાં એક સાથે પતિ, પત્ની, સંતાન અને પતિનાં કે પત્નીનાં માબાપ એમ પાંચ-છ જણાં એક સાથે જઈ શકે. અલગ-અલગ વાહનો લેવાની ઝંઝટ નહીં. વળી, બહારગામ જવાનું હોય તો પણ સરળ પડે. બસના સમયે જવું ન પડે. આપણે જ્યારે નીકળવું હોય ત્યારે નીકળી જઈ શકીએ. વળી, આજકાલ તો શહેરની અંદર દોડતી બસો અને બે શહેર વચ્ચે દોડતી બસોમાં ભાડાં એટલાં બધાં વધુ હોય છે કે લોકોને પોતાના અંગત દ્વિચક્રી (સ્કૂટી, બાઇક, એક્ટિવા વગેરે) કે ચતુષ્ચક્રી વાહનો (કાર) જ ફાયદારૂપ લાગે છે. વળી, બસનાં ઘણીવાર ઠેકાણાં નથી હોતા. ભરચક હોય તો ન પણ ઊભી રહે. ટ્રેનનાં ભાડાં પ્રમાણમાં હજુ સસ્તા છે, પરંતુ અમદાવાદ જેવામાં તો રેલવે સ્ટેશન સુધી પરિવાર અને તેની સાથે સામાન લઈને રિક્ષામાં જાય તો રિક્ષા ભાડાં જ બીજા શહેર જવા જેટલાં થઈ જાય! વળી, ટ્રેન સમય પણ ઘણો વધુ લે. સરવાળે, લોકો પોતાનાં વાહનો વધુ વસાવવા લાગ્યા છે. વધુ વાહનો એટલે વધુ ટ્રાફિક અને તેના કારણે ટ્રાફિક જામની મુશ્કેલી. એમાં પાછું ક્યાંક ને ક્યાંક રસ્તામાં ખોદકામ, સમારકામ ચાલતું હોવાનું. વળી, ચાર રસ્તે સિગ્નલની ઝંઝટ. આના કારણે એટલું વધુ – પેટ્રોલ-ડીઝલ બળવાનું. આપણા લોકોમાં હજુ ચાર રસ્તે વાહન બંધ કરી દઈ સિગ્નલ ખુલવાની શાંતિથી રાહ જોવાની ધીરજ નથી આવી. એટલે વાહન સતત ચાલુ રહે. આમ, પેટ્રોલ-ડીઝલની વધુ ખપત થાય. વળી, સમયે સમયે વાહનની સર્વિસ કરાવતા ન હોય એટલે પણ પેટ્રોલ-ડીઝલ વધુ વપરાય. આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી એટલે વિદેશથી મગાવવા પડે. આમ, તેની આયાત વધુ કરવી પડે અને એટલે વધુ રૂપિયા જાય.

આપણે ત્યાં વિદેશયાત્રાઓ પણ ઘણી થાય છે. આ કારણે પણ ડોલરની ખરીદી વધુ થાય. ટેક્નોલોજીનો વપરાશ વધતાં ફોન, ટીવી ઇત્યાદિ સામાનની આયાત વધે જેમ આયાત વધે તેમ ડોલરની કિંમત વધવાની અને રૂપિયાની કિંમત ઘટવાની.

રૂપિયો નબળો પડે એટલે જે જે લોકો ચીજો આયાત કરતા હોય તેમણે વધુ રૂપિયા ખિસ્સામાંથી ચુકવવા પડે. માનો કે એક ટીવીની કિંમત ૩૦૦ ડોલર છે. હવે રૂપિયો જો મજબૂત હોય અને એક ડોલર બરાબર ૫૦ રૂપિયા કિંમત હોય તો ટીવી આયાત કરવા માગતા વેપારીએ ૧૫,૦૦૦ રૂપિયા ચુકવવા પડશે. પરંતુ જો રૂપિયો નબળો હશે અને એક ડોલર બરાબર તેની કિંમત ૬૦ રૂપિયા થઈ જાય તો તે વેપારીએ સીધા ૧૮,૦૦૦ રૂપિયા ચુકવવા પડે. આમ, સીધો ત્રણ હજાર રૂપિયાનો ફેર પડી ગયો!

સ્વાભાવિક છે કે એ વેપારી પોતે તો ખોટ ન જ કરે. એટલે માનો કે રૂપિયાની ડોલર સામે કિંમત ૫૦ રૂપિયા હોય તો વેપારી ૧૭,૦૦૦ રૂપિયામાં ટીવી વેચતો હોય તો એ જ વેપારી જ્યારે રૂપિયાની ડોલર સામે કિંમત ૬૦ થશે ત્યારે તે જ ટીવી તે ૨૦,૦૦૦ રૂપિયામાં વેચશે. એટલે કે ચીજ મોંઘી થઈ.

ડોલર મજબૂત થાય અને રૂપિયો નબળો પડે એટલે આયાતકારોની મુશ્કેલી વધે પરંતુ જે લોકો નિકાસ કરે છે, કાપડ, વસ્ત્રો, હસ્તકળાની ચીજો, ખાણીપીણીની ચીજો કે અન્ય ચીજો તેવા લોકોને રૂપિયો મજબૂત થાય ત્યારે મજા પડી જાય છે. કેમ કે તેમને સામે વધુ ભાવ મળવાના. જોકે જે લોકો નિકાસ કરતાં હોય પરંતુ તેમનાં ઉત્પાદનો માટે કાચા માલની આયાત કરવી પડતી હોય તેમને મુશ્કેલી જરૂર પડે. તેમણે નિકાસ માટે ભાવ વધારી દેવા પડે. હવે થાય એવું કે ખરીદનારા વિદેશમાં હોય એટલે તેમને ખબર પડે કે ડોલર સામે રૂપિયાનો ભાવ તો વધી ગયો છે એટલે તેઓ ભાવ ઘટાડવાનું દબાણ કરે. એટલે નિકાસકારોને પણ થોડો ફટકો તો પડે જ.

પણ ડોલર મજબૂત થવાનું કારણ એક માત્ર એ નથી કે આપણે સોનાની – પેટ્રોલ કે ડીઝલની વધુ આયાત કરીએ છીએ. સામે પક્ષે અમેરિકાનું અર્થતંત્ર પણ જોવાય છે. થોડા વર્ષ પહેલાં અમેરિકામાં બેરોજગારી વધી ગઈ ત્યારે ડોલર સાર્વત્રિક નબળો પડ્યો હતો. એટલે ત્યારે રૂપિયો મજબૂત થયો હતો. પરંતુ હમણાં હમણાં અમેરિકાનું અર્થતંત્ર સુધારા પર છે. આ પણ એક કારણ છે કે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે.

બસ. આ જ વાત છે. રૂપિયો નબળો પડે એટલે ચીજો મોંઘી થાય છે. મોંઘવારી વધે છે. એમાંય રૂપિયો નબળો પડે એટલે પેટ્રોલ-ડીઝલની કિંમત ફટાક દઈને તેલ કંપનીઓ વધારી દે છે. (પરંતુ રૂપિયો મજબૂત થાય ત્યારે ઘટાડતા નથી.) હકીકતે, સરકારે પેટ્રોલને નિયંત્રણ મુક્ત કર્યું છે. એટલે પહેલાં પેટ્રોલના ભાવ સરકાર નક્કી કરતી હતી પરંતુ હવે તેલ કંપનીઓ દર પંદર દિવસે ભાવની સમીક્ષા કરી તેમાં વધારો ઘટાડો (મોટા ભાગે વધારો જ) કરે છે. તેલ કંપનીઓ પાસે રૂપિયો નબળો પડવાનું બહાનું ન હોય તો તે ક્રુડ ઓઇલ મોંઘું થયાનું બહાનુ કાઢીને ભાવવધારો કરે છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારામાં પાછું રાજકીય ગણિત પણ હોય છે. જો ચૂંટણી નજીક હશે તો પાછું તેલ કંપનીઓને સરકાર કિંમત વધારવા નહીં દે. સંસદ ચાલુ હશે તો પણ તેલ કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારતા રોકશે.

પેટ્રોલ-ડીઝલ મોંઘા થાય એટલે શાકભાજીથી લઈને બધી જ ચીજો મોંઘી થાય, કેમ કે શાકભાજી એક ગામથી શહેર કે અન્ય શહેર પહોંચાડવામાં ડીઝલ બાળવું પડે. વળી જે લોકો સ્વરોજગારી મેળવે છે તેઓ તો ફટાક દઈને પોતાનું મહેનતાણું, મજૂરી વધારી દેવાના, કેમ કે તેમને પેટ્રોલ હવે મોંઘું પડે છે. પ્લમ્બર, કડિયા, કારીગર, સુથાર વગેરે ભાવ વધારી દે. ચાવાળો ચાના ભાવ વધારી દે. સરવાળે, બધું જ મોંઘું થાય. હવે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો તેની સાથે પાછી જે જે ચીજો મોંઘી થઈ છે તે કંઈ સસ્તી થતી નથી! માનો કે પ્લમ્બરે તેના ભાવ વધારી દીધા તો તે પેટ્રોલ સસ્તુ થશે તો પ્લમ્બર તેના ભાવ ઘટાડશે નહીં કે ચાવાળો ચા સસ્તી નહીં કરે. વિદેશમાં ભણવાનું મોઘું થાય. જે લોકો પોતાનાં બાળકોને જૂન-જુલાઈથી વિદેશ ભણવા મોકલવાના હતાં તેમણે વિચાર માંડી વાળ્યો છે, પરંતુ જે માતાપિતાનાં બાળકો અગાઉથી જ ત્યાં પ્રવેશ મેળવીને ભણી રહ્યા છે તેમની ચિંતાનો પાર નથી. કમ્પ્યૂટર, ટેબલેટ, મોબાઇલ, લેપટોપ અને ટીવી જેવાં ઉપકરણો પણ ખરીદવા મોંઘા થઈ ગયા છે. કેટલીક કંપનીઓએ ૧ જુલાઈથી કિંમતમાં ૮થી ૧૦ ટકાનો વધારો કરી નાખ્યો છે. પરિણામે મોંઘવારીનું આ વિષચક્ર ચાલતુ જ રહે છે અને તેના મૂળમાં ક્યાંક રહેલું છે રૂપિયાનું ધોવાણ.

અને આ ધોવાણ છેલ્લા કેટલાય સમયથી સતત ચાલુ જ છે. જૂનમાં રૂપિયો સાત ટકા તૂટ્યો, તો મે મહિનામાં તે ૧૨ ટકા તૂટ્યો.

ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે તો ચેતવણી આપી દીધી કે જો રૂપિયાનું પતન ચાલુ રહેશે તો ભારતના સાર્વભૌમ રેટિંગ પર અસર પડશે. જો મૂડીઝ ભારતના સોવરેઇન (સાર્વભૌમ) રેટિંગને ઘટાડે (ડાઉનગ્રેડ કરે) તો ભારતની શાખ ઘટે, પરિણામે ભારતમાં વિદેશના લોકો ઓછું મૂડીરોકાણ કરે.

નાણા પ્રધાન પી. ચિદમ્બરમે ડોલરની સરખામણીમાં રૂપિયામાં વિક્રમી પતન થયા પછી તેમના ખાતાના મંત્રીઓ સાથે અને રિઝર્વ બેન્કના વડા સુબ્બારાવ સાથે બેઠક કરી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.  રૂપિયાના સતત ધોવાણે વિપક્ષોને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની વધુ એક તક આપી દીધી છે. એવી મજાક થવા લાગી છે કે રૂપિયો પહેલાં રાહુલ ગાંધીની (૪૫ વર્ષ) ઉંમરનો હતો, હવે સોનિયા ગાંધીની (૬૦ વર્ષ)ની ઉંમરનો થયો અને પછી મનમોહનસિંહની (૮૦ વર્ષ) ઉંમરનો થઈ જશે. કેન્દ્ર સરકાર આર્થિક મોરચે સાવ વિફળ ગઈ છે અને તેના કારણે મોંઘવારી પણ બેફામ વધી છે. સરકાર પણ માથું પકડીને બેઠી છે કેમ કે કોઈ હિસાબે રૂપિયો કાબૂમાં જ નથી આવતો પણ એવું નથી કે સરકાર ચૂપચાપ બેઠી છે. રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા સહિતના પગલાંની જાહેરાત કરી છે. આરબીઆઈએ બેન્ક દર ૨ ટકા વધારી ૧૦.૨૫ ટકા કરી નાખ્યો છે. તેણે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના સરકારી બોન્ડ વેચવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારે સોનાની આયાત ઘટે તે માટે પણ પગલાં લીધા છે.

આમાં, બીજા ઉપાયોની સાથોસાથ ભારતે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા કેળવવાની તાતી જરૂરિયાત છે. ગાંધીજીએ જે સ્વદેશીનો સિદ્ધાંત અને આત્મનિર્ભરતાની વાત કરી હતી તે અપનાવવા જેવી છે, પરંતુ કમનસીબે આપણે ત્યાં આત્મનિર્ભર બનવાના કોઈ પ્રયાસો જ નથી થતા. છૂટક વેપાર (રિટેઇલ-કરિયાણા)માં પણ વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવે તો તેમાં પણ અવલંબન આવી જાય છે. પેટ્રોલ-ડીઝલ ક્ષેત્રે પણ ભારત સ્વાવલંબી બની શકે, પરંતુ કમનસીબે સરકારના અધિકારીઓથી માંડીને એક નાનકડો પણ મજબૂત વર્ગ એવો છે જે નથી ઈચ્છતો કે આપણાં તેલક્ષેત્રોમાં શારકામ થાય ને તેલ નીકળે ને એનો ઉપયોગ આપણે પેટ્રોલ-ડીઝલ તરીકે કરીએ. આ વાત બીજા કોઈએ નહીં, પરંતુ પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઈલીએ જ થોડા સમય પહેલાં કરી હતી. તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ મંત્રીઓને સ્વનિર્ભરતા કેળવવા સામે ધમકી પણ આ ઓઇલ લોબી આપે છે. (જોકે તેમના સિવાય અન્ય પેટ્રોલિયમ મંત્રીઓએ આ વાત નકારી દીધી હતી). હવે આવી સ્થિતિ હોય ત્યાં સ્વનિર્ભરતા ક્યાંથી આવે?

(લખ્યા તા. ૨૨ જુલાઈ, ૨૦૧૩, ‘સર્વોત્તમ કારકિર્દી માર્ગદર્શન’ના અંક માટે)

national

બજેટ : આ સરકાર માત્ર ને માત્ર ધનિકોની જ છે

૨૦૦૪થી કોંગ્રેસની યુપીએ સરકાર આવી છે ત્યારથી મોંઘવારી સતત વધી જ રહી છે. કેટલાક લોકો સામે પક્ષે એવો ખોટો દાવો કરે છે કે સામે પક્ષે લોકોના પગારો પણ વધ્યા છે, પરંતુ ૨૦૦૮માં જે મંદી આવી તેના કારણે ઉલટું પગાર ઘટ્યા, અનેક તો નોકરીમાંથી છૂટા થયા. એટલે પગાર વધવાનો દાવો ખોટો છે. બીજી તરફ મોંઘવારી ૨૦૦ ટકા કરતાંય વધુ વધી હોય તો તેમ કહેવું ખોટું નથી. ડીઝલ- પેટ્રોલ જેટલી વાર મોંઘા કર્યા તેટલી વાર મોંઘવારી વધી છે અને તે પણ દરેક ચીજમાં. અને એક વાર ચીજોના ભાવ વધે તે પછી ઘટતા નથી. વર્ષ ૨૦૧૧ અને ૧૨માં તો વરસાદ પણ સારો પડ્યો નથી, ઉલટું માવઠાં થયા છે. પણ સરકાર તો બધા હાથે લૂંટવા જ બેઠી છે. એક કહેવત છે, જેનો રાજા વેપારી તેની પ્રજા ભીખારી. મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે. ચિદમ્બરમ પણ અર્થશાસ્ત્રી છે. મનમોહન સરકાર બધા હાથે લૂંટવા જ  બેઠી છે. ગયા વર્ષે પ્રણવ મુખર્જીએ જે બજેટ આપ્યું હતું તેમાં સેવા વેરા (સર્વિસ ટેક્સ)નો વ્યાપ એટલો વધારી દીધો હતો કે તેમાં મોત પછી અંતિમ સંસ્કારના સામાન પર પણ ટેક્સ લગાવાયો હતો. વેરાનો વ્યાપ તો ભારતમાં એટલો છે કે કઈ ચીજ પર વેરો નથી તે કહેવું મુશ્કેલ છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રેલવેનાં ભાડાં વધાર્યા નહોતા, તો આ વર્ષે રેલવે બજેટ પહેલાં જ ભાડાં વધારી દીધાં. બીજી તરફ બજેટમાં ભાડાંને ડીઝલના ભાવવધારા સાથે સાંકળી દીધાં. હવે ડીઝલનો ભાવવધારો દર પંદર દિવસે થઈ શકે તેવી જોગવાઈ છે એટલે રેલવેનાં ભાડાં દર પંદર દિવસે થઈ શકે! બીજી તરફ, ડીઝલ, કઠોળ, ખાદ્ય ચીજો વગેરેને રેલવેમાં લઈ જવાના એટલે કે તેના નૂર દરમાં પણ પ.૮ ટકાનો વધારો કરાયો. એટલે ડીઝલ પેટ્રોલ પંપ પર જે મળશે તે મોંઘું થશે. ખાદ્ય ચીજો મોંઘી થશે.

રેલવે બજેટ આકરું આવ્યું પણ નાણા બજેટ તો કમ સે કમ રાહતરૂપ રહેશે તેવું લાગતું હતું, કેમ કે ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાંનું આ અંતિમ બજેટ હતું, પરંતુ ચિદમ્બરમે એમાંય બે હાથે લૂંટી લીધા. મધ્યમ વર્ગ માટે આવકવેરા મર્યાદા વધારી નહીં. સરકારની નજર મધ્યમ વર્ગ પર જ હોય છે. કેમ કે મધ્યમ વર્ગ નોકરી કરે તો તેની આવક ફરજિયાત સરકારને ખબર જ હોય એટલે આવકવેરો ફરજિયાત ભરવો જ પડે. વેપારી હજુ પણ ઓછાં બિલ બનાવીને છેતરપિંડી કરી શકે. વળી, વેપારીએ જે કંઈ વેરો ભરવાનો હોય તે છેવટે તો ગ્રાહકોની કેડ પર જ આવે.

રૂ. ૨૦૦૦થી વધુ કિંમતના મોબાઇલ પર ટેક્સ નાખ્યો. હવે, કહો જોઈ અત્યારે ૨૦૦૦થી સસ્તા કયા બેઝિક સારા મોડલ આવે છે? ૫૦ લાખથી વધુ કિંમતનાં મકાન વેચવા પર પણ ટીડીએસ નાખ્યો. હવે કહો જોઈ ભાવનગરથી માંડીને અમદાવાદ જેવા નાના મોટા શહેરમાં ૫૦ લાખથી નાની કિંમતના માત્ર ૧૦૦ વારના બે બેડરૂમ હોલ કિચન (૨ બીએચકે) ફ્લેટ મળે છે?

સુપર રિચ એટલે કે અતિ ધનિક પર મામૂલી અને તે પણ આ વર્ષ પુરતો જ વેરો નાખ્યો. બીજી તરફ સુપર રિચ વિદેશમાં આવતા જતા હોય તો તેમના માટે પુરુષો પ૦૦૦૦ અને મહિલાઓ એક લાખનું ડ્યુટી ફ્રી સોનું વિદેશથી લાવવાની છૂટ આપી દીધી! એક રીતે આડકતરી સોનાની દાણચોરી  કરીને શ્રીમંતો વધુ શ્રીમંત બની શકશે.

રાજીવ ગાંધી ઇક્વિટી સ્કીમ માત્ર એવા લોકો માટે છે જે શેરબજારમાં રોકાણ ન કરતા હોય. હવે ગુજરાતમાં આવા કેટલા લોકો હશે?

એસી રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું બનાવ્યું. હવે કહો જોઈએ અત્યારે કઈ રેસ્ટોરન્ટ એસી નથી? સેટ ટોપ બોક્સ પર આયાત જકાતમાં વધારો કર્યો. સેટ ટોપ બોક્સને એક તો સરકારે ફરજિયાત કરી દીધું અને લાખો કેબલ ઓપરેટરોને બેકાર બનાવી દીધા. આ પણ એક કૌભાંડ છે. હકીકતે, લાખો કેબલ ઓપરેટર બીજી બધી ચેનલ ઉપરાંત પોતાની ચાર ચેનલો (એક હિન્દી ફિલ્મની, બીજી અંગ્રેજી ફિલ્મની, એક ગીતની અને એક ભક્તિની) બતાવતા હતા. સ્થાનિક સમાચારો આપતા હતા. પણ ૨૦૦૫માં સુભાષચંદ્ર ગોયલની ઝી ટીવી ડિશ ટીવી સાથે, ટાટાની ટાટા સ્કાય, એરટેલ, વિડિયોકોન, રિલાયન્સ એ પાંચ ઉદ્યોગો સેટ ટોપ બોક્સ સાથે આવ્યા, પણ તે ચાલ્યા નહીં. કારણ, એક તો કેબલ કરતાં મોંઘું, બીજું ચાર ચેનલો જે કેબલ ઓપરેટરો મફતમાં બતાવતા હતા અને તેમાં નવી ફિલ્મો મફતમાં અને તરત જોઈ શકાતી હતી તેના બદલે આ કંપનીઓ એક ફિલ્મ દીઠ ચાર રૂપિયા લેતા હતા (અત્યારે શું ભાવ છે તે ખબર નથી.)  ત્રીજું, સહેજ વરસાદનાં છાંટાં પડે એટલે દેખાતું બંધ થઈ જાય. આવા બધાં કારણોસર આ સેટ ટોપ બોક્સ ખરીદેલા લોકો પણ પાછા કેબલ તરફ વળ્યા. એટલે આ ઉદ્યોગોએ ભેગા થઈને સરકાર પાસે કાયદો કરાવ્યો. ડિજિટાઇઝેશન ફરજિયાત કરી નાખ્યું. જે લોકો સેટ ટોપ બોક્સ ન લે તેમને ચેનલો જોવા ન મળે. આમ, પહેલાં સેટ ટોપ બોક્સ ફરજિયાત કરી દીધું અને બીજી તરફ, હવે બજેટમાં તેની આયાત જકાત વધારી દીધી. આમ, ટીવી ચેનલોની દૃષ્ટિએ લોકો ફરજિયાત આ પાંચ ઉદ્યોગોના આશ્રિત અથવા તો કડવી ભાષામાં કહીએ તો ગુલામ બનાવી દીધા.

રાંધણગેસ પરની સબસિડી દૂર કરીને બાટલા તો ક્યારના મોંઘા કરી જ દીધા છે. બીજી તરફ, ડાયરેક્ટ કેશ સબસિડીની યોજના જટિલ છે તેવું ખુદ સરકારના મંત્રીઓ જ કહી ચુકયા છે. જેમના માટે આ યોજના છે તે ગરીબોના બેંકમાં કેટલાં ખાતાં હશે? તેમને બેંકની કેટલી ગતાગમ પડતી હશે? વળી, બેંકોનું કામકાજ તો મોટા ભાગે અંગ્રેજીમાં અથવા તો ન સમજાય તેવી હિન્દીમાં હોય છે. ગુજરાતની દૃષ્ટિએ જોઈએ તો ગરીબોને એમાં કેટલી સમજ પડવાની?

જોકે માત્ર કોંગ્રેસનો વાંક જ કાઢવાની જરૂર નથી. અત્યારે નરેન્દ્ર મોદીની સરકાર હોય કે અખિલેશ યાદવની કે પછી મમતા બેનર્જીની, મોટા ભાગની સરકારોને પોતાના પર કોઈ ભારણ રાખવું નથી. કોઈને કાયમી નોકરીએ રાખવા નથી. વેરા ઘટાડવા નથી. બસ, બે હાથે લૂંટી જ લેવું છે. એવું હોત તો નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલ પરના વેટ ઘટાડ્યા હોત કે રાંધણ ગેસના રાહતદરના બાટલાની જાહેરાત કરી હોત.

જાગવાની જરૂર મધ્યમવર્ગે જ છે.