national, politics, sanjog news, vichar valonun

સંવૈધાનિક સંસ્થાઓને નબળી કોણે પાડી?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ,તા.૨૯/૪/૧૮)
અચાનક ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા છે? કે પછી અસહિષ્ણુતા અને એવૉર્ડ વાપસી પછી કૉંગ્રેસ અને ડાબેરીઓનું આ બીજું એક અભિયાન મોદી સરકાર સામે છે? ચાર ન્યાયમૂર્તિઓએ જાહેરમાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર સામે બળવો પોકારીને દીવાસળી ચાંપવાનું કામ કર્યું હતું ત્યારે તેમાં સામ્યવાદી ડી. રાજાની બળવાખોર ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર સાથેની મુલાકાતના કારણે સામ્યવાદીઓ આ અભિયાન પાછળ હોવાની શંકા ગયા વગર નથી રહેતી. તે પછી કૉંગ્રેસ અને વિપક્ષોએ મહાભિયોગની દરખાસ્ત માટે નૉટિસ આપી પરંતુ તેની ગુણવત્તાના આધારે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેને ફગાવી દીધી.
આ મહાભિયોગની દરખાસ્ત પર પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ, પી. ચિદમ્બરમ્, પૂર્વ કાયદા પ્રધાન અશ્વિની કુમાર, પૂર્વ પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલી અને પૂર્વ માહિતી-પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ આ દરખાસ્ત પર સહી કરવાની ના પાડી દીધી! અલબત્ત, સમાચાર માધ્યમોએ યશવંતસિંહાના સમાચાર જેટલા ચગાવ્યા તેટલા આ સમાચારને મહત્ત્વ ન આપ્યું. પરંતુ રિમૉટ કંટ્રૉલ ગણાતા મનમોહને પણ તેના પર સહી કરવાની ના પાડી! એ તો ઠીક, વિપક્ષોમાં પણ તૃણમૂલ, ડીએમકેએ કૉંગ્રેસના આક્ષેપોના પુરાવા માગ્યા.
પરંતુ કૉંગ્રેસના નેતા અને પૂર્વ માનવ સંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબલ તો એટલી હદે ગયા કે તેમણે મુખ્ય ન્યાયમૂર્તિની કૉર્ટનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી! કેમ? કદાચ એટલા માટે કારણકે રામમંદિર, પી. ચિદમ્બરમ્ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ નો કેસ, અમિત શાહના પુત્ર જય શાહનો માનહાનિનો કેસ સામા પક્ષ વતી, કપિલ સિબલ લડે છે. અને આ બધા કેસ મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર પાસે છે. કપિલ સિબલે રામમંદિરનો કેસ ૧૫ જુલાઈ ૨૦૧૯ સુધી મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો. કદાચ તેમને અથવા કૉંગ્રેસને ડર છે કે આ કેસનો ચુકાદો હિન્દુઓ તરફી આવ્યો તો તેનો સીધો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં થશે.
દીપક મિશ્રના નામે ત્રાસવાદી યાકૂબ મેમણને ફાંસી, દિલ્લીની પેરા મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર કેસમાં કડક ચુકાદો, ૨૦૦૮ના બળાત્કારના કેસમાં કડક ચુકાદો, સિનેમા હૉલમાં રાષ્ટ્રગીત વગાડવાનો ચુકાદો બોલે છે. આના કારણે એક દલીલ એવી પણ થાય છે કે કૉંગ્રેસ અને સાથી પક્ષોની મતબૅંક પર અસર પડતી હોવાથી તેઓ આટલી હદે ઉકળી ઉઠ્યા છે.
આ કપિલ સિબલે ન્યાયમૂર્તિ રામાસ્વામીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો માટે મહાભિયોગ વખતે તેમનો જોરદાર બચાવ કર્યો હતો. ન્યાયમૂર્તિ સૌમિત્ર સેનના મહાભિયોગ વખતે તેઓ ૨૦૧૦માં એમ કહેતા હતા કે રાજકારણીઓએ ન્યાયાધીશોના મહાભિયોગમાં પડવું જ ન જોઈએ!
ન્યાયમૂર્તિ લોયાના મૃત્યુ કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે કે ૨૦૦૨ના નરોડા પાટિયા કેસમાં ઈચ્છિત ચુકાદો ન આવે એટલે ન્યાયતંત્રના કાળા દિવસો આવી ગયા તેવી બૂમરાણ મચાવવી કેટલી હદે વાજબી? અને એમ જોવા જાવ તો ખરેખર ન્યાયતંત્ર, સંસદ કે સરકારી સંસ્થાઓની સ્વાયત્તતા સૌથી વધુ ક્યારે ખતરામાં હતી? અને કોના થકી?
પ્રથમ વડા પ્રધાન નહેરુ ઘણી વાર ફરિયાદ કરતા કે ન્યાયાધીશો તેમના ‘આઇવરી ટાવર’માં રહે છે અને તેથી તેઓ બહુ રૂઢિચુસ્ત છે. ૨૭ ફેબ્રુઆરી ૧૯૬૭ના રોજ પહેલી વાર સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે સંઘર્ષ થયો. ગોલકનાથ કેસ તરીકે જાણીતા કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ કે. સુબ્બા રાવે છ વિરુદ્ધ પાંચની બહુમતીથી સરકારને મૂળભૂત અધિકારોમાં ચેડા કરતા અટકાવી દીધી હતી.
૧૯૬૯માં અજિતનાથ રે (એ.એન.રે)ને ઈન્દિરા ગાંધી સરકારે ત્રણ સિનિયર જજોને બાકાત રાખીને તેમનાથી જુનિયર હોવા છતાં મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા હતા. એ. એન. રે વિશે એવું કહેવાય છે કે તેઓ ઈન્દિરા ગાંધી કે તેમના સલાહકારોને ટેલિફૉન કરી કરીને નાનાનાના કેસોમાં પણ તેમનો અભિપ્રાય માગી તે મુજબ ચાલતા.
જે ન્યાયમૂર્તિઓ એ. એન. રે કરતાં સિનિયર હતા તેમાં એક હતા ન્યાયમૂર્તિ જયંતિ મણિલાલ શેલત. તેમની નિવૃત્તિને આડે એક મહિનો જ બાકી હતો તેથી કદાચ એમ બહાનું કાઢી શકાય કે તેમની નિમણૂક એક મહિના માટે જ શા માટે કરવી? પરંતુ ન્યાયમૂર્તિ કાવદૂર સદાનંદ હેગડેની નિવૃત્તિમાં હજુ બે વર્ષ બાકી હતાં. ઈન્દિરાની ચૂંટણીને પડકારતી એક અરજી તેમની કૉર્ટમાં અનિર્ણિત હતી. તેમને જણાયું હતું કે ઈન્દિરા ગાંધીએ જે સોગંદનામું કર્યું છે તે ખોટું છે. આથી તેમણે તો ઉલટું ઈન્દિરાને મદદ કરવા પ્રયાસ કર્યો, પરંતુ ઈન્દિરાના ચમચાઓને લાગ્યું કે તેઓ ઈન્દિરાની વિરુદ્ધ છે. આથી તેમને મુખ્ય ન્યાયમૂર્તિ ન બનાવાયા. અમરનાથ ગ્રોવરે પોતાની સિનિયૉરિટી છતાં એ. એન. રેને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા તેના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું!
જે ન્યાયાધીશોને પાછળ રાખીને એ. એન. રે મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા, તેમણે કહ્યું હતું કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકે. એ. એન. રે આ ન્યાયાધીશો સાથે અસંમત અને સરકાર સાથે સંમત હતા. આ ચુકાદાના કારણે ઈન્દિરા ગાંધીને બંધારણમાં ફેરફાર (ખરેખર તો ચેડા) કરવાની છૂટ મળી ગઈ. આ ફેરફાર ૪૨મો સુધારો ગણાય છે જેમાં આમુખથી માંડીને ઘણી કલમોમાં ફેરફાર કરી નખાયા. ચૂંટણીના વિવાદો કૉર્ટના અધિકારક્ષેત્રથી બહાર રખાયા. રાજ્ય સરકારો સામે કેન્દ્ર સરકારની સત્તા વધી ગઈ. ન્યાયતંત્ર સામે સંસદની સત્તા વધી ગઈ. બંધારણના આમુખમાં સેક્યુલર અને સૉશિયલિસ્ટ શબ્દો ઉમેરાયા. તેમ છતાં ઈન્દિરા ગાંધી પછીની કોઈ પણ સરકારે આ ફેરફારો પાછા ખેંચ્યા નથી.
કટોકટી કાળમાં વિરોધીઓને ઈન્દિરા ગાંધીના આદેશથી પોલીસ પકડી પકડીને જેલમાં પૂરી દેતી હતી. તેથી પોતાના લોકોની ભાળ મેળવવા માટે થયેલા હેબિયસ કૉર્પસ કેસમાં સરકાર વિરુદ્ધ વલણ લેનાર હંસરાજ (એચ. આર.) ખન્ના સૌથી સિનિયર હોવા છતાં ઈન્દિરા ગાંધી સરકારે તેમને મુખ્ય ન્યાયમૂર્તિ બનાવ્યા નહોતા.
કૉંગ્રેસે ઈન્દિરા ગાંધીના કટોકટી કાળમાં રાજ્યો કરતાં વધુ સત્તા કેન્દ્ર સરકારને આપી દીધી લોકતંત્રને નબળું પાડ્યું. તેણે રાષ્ટ્રપતિ શાસન લાદ્યાં, રાજ્યપાલોની મદદથી સરકારો ઉથલાવી, પક્ષપલ્ટાને પ્રોત્સાહન આપી લોકતંત્રને નબળું પાડવા કોશિશ કરી તેટલી કોઈ પક્ષે કરી નથી. ગુજરાતમાં માત્ર વિધાનસભામાં કૉંગ્રસના સભ્યોએ તોફાન કર્યું તેના પર રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ નબળી પડી ગઈ હોવાનો રિપૉર્ટ કર્યો હતો અને વિધાનસભાને સુષુપ્ત અવસ્થામાં મૂકાવી દીધી હતી! કૉંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરી સાથે વાત કરી આ જ રાજ્યપાલે ૧૯૯૭માં શંકરસિંહ વાઘેલાને બહુમતી પૂરવાર કરવા સાત દિવસનો સારો એવો સમયગાળો સામેથી આપ્યો હતો જેથી તેમને ધારાસભ્યોની ખરીદી-વેચાણ માટે સમય મળી રહે!
૧૯૮૯ની ચૂંટણીમાં હારી ગયા પછી લોકસભાના વિસર્જનની પ્રક્રિયામાં રાજીવ ગાંધી વિલંબ કરી રહ્યા હતા. તે વખતે એવી અફવા પ્રસરી કે અજિતસિંહ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ખેડૂતોનો મોરચો કાઢી દિલ્લી આવી રહ્યા છે જેથી રાજીવ પર લોકસભાના વિસર્જન માટે દબાણ કરી શકાય. તે વખતે દિલ્લીના ઉપરાજ્યપાલ રોમેશ ભંડારીએ સેના બોલાવી હતી! જોકે તેઓ તેમના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા હતા. આ વાત ભંડારીએ તેમની આત્મકથામાં નોંધી છે.
સંવૈધાનિક સંસ્થાઓની સ્વાયત્તતા પર પણ સૌથી વધુ તરાપ કૉંગ્રેસે જ મારી હતી. આકાશવાણી અને દૂરદર્શન માત્ર નહેરુ, ઈન્દિરા અને રાજીવ દર્શન બનીને રહી ગયાં. મોરારજી દેસાઈની જનસંઘ અને અન્ય વિપક્ષો સાથેની સરકાર વખતે સંચાર માધ્યમોની સ્વાયત્તતા માટે એક સમિતિ જ્યૉર્જ વર્ગીઝના નેતૃત્વમાં બનાવાઈ હતી. ‘જનસત્તા’ હિન્દીના પૂર્વ તંત્રી સ્વ. પ્રભાષ જોશીએ પોતાના ‘જબ તોપ મુકાબિલ હો’ પુસ્તકમાં લખ્યું છે કે “આ સમિતિએ અધ્યયન કર્યું, સૂચનો પણ કર્યાં, પરંતુ દૂરદર્શન અને આકાશવાણી જેવાં માધ્યમ સ્વાયત્ત અને સ્વતંત્ર થઈ જાય તેવું કૉંગ્રેસ ક્યારેય ઈચ્છતી નહોતી. અઢી વર્ષમાં જનતા સરકારનું પતન થઈ ગયું અને ઈન્દિરા ગાંધી સત્તામાં પાછાં ફર્યાં. તેમની હત્યા પછી પાંચ વર્ષ સુધી (રાજીવ ગાંધીના નેતૃત્વમાં) કૉંગ્રેસની સરકાર રહી. દૂરદર્શન પર સતત અને વારંવાર ઈન્દિરા ગાંધીનું શબ દેખાડી દેખાડીને અને તેમની શહીદીને તેમના દીકરા રાજીવ ગાંધી માટે સહાનુભૂતિ તેમજ મતોમાં પરિવર્તિત કરવામાં દૂરદર્શન અને આકાશવાણીની મોટી ભૂમિકા રહી.
૧૯૯૦માં જ્યારે વી. પી. સિંહના જનતા દળની સરકાર બની ત્યારે પ્રસાર ભારતીનો ખરડો પસાર થયો. પરંતુ તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થાય અને સરકારી અધિસૂચનાથી તે અમલમાં આવે તે પહેલાં તે સરકાર પણ જતી રહી. કેટલાક સમય સુધી ચંદ્રશેખરની કૉંગ્રેસના ટેકા સાથેની સરકાર રહી. તે પછી નરસિંહરાવની કૉંગ્રેસ સરકારે પણ આ ખરડાને કાયદો બનાવવાની કોશિશ ન કરી. દેવેગોવડા અને ગુજરાલ સરકારમાં માહિતી-પ્રસારણ પ્રધાન જયપાલ રેડ્ડી અને ગુજરાલે પોતે પ્રસાર ભારતીને પુનર્જીવિત કરવામાં રૂચિ લીધી. ત્યારે પણ રાજ્યસભામાં કૉંગ્રેસની બહુમતી હતી અને તે સ્વાયત્તતા વિરુદ્ધ હતી. આથી નવો ખરડો સંસદમાં પસાર થઈ શકે તેમ નહોતો. આથી ગુજરાલ સરકારે જૂના ખરડામાં કેટલાક સુધારા કર્યા અને વટહુકમ બહાર પડ્યો. આ રીતે પ્રસાર ભારતી બૉર્ડની રચના થઈ.
પ્રભાષ જોશી લખે છે કે આ બૉર્ડમાં ગુજરાલના મિત્રો અને વામપંથીઓની બોલબાલા હતી. આમ છતાં પહેલી વાર ચૂંટણીમાં દૂરદર્શન અને આકાશવાણીએ પ્રમાણમાં સ્વાયત્તતા દાખવી અને સ્વતંત્ર રીતે કામ કર્યું.
૨૦૦૬માં યુપીએ સરકાર વખતે વિદેશ સચિવની નિમણૂક વખતે મનમોહનસિંહના માનીતા શિવશંકર મેનનની પસંદગી ૧૨ વરિષ્ઠ અધિકારીઓને અવગણીને કરાઈ હતી. કે. કે. પૉલ પછી કિરણ બેદી દિલ્લી પોલીસ કમિશનર બને તેમ હતાં, પરંતુ કિરણ બેદીને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનનાં વડાં તરીકે સાઇડલાઇન કરી દેવાયાં. તેમના બદલે તેમનાથી બે બૅચ જુનિયર વાય. એસ. દડવાલની પસંદગી કરાઈ હતી. ૨૦૧૩માં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે યશોવર્ધન આઝાદથી એક બૅચ જુનિયર એવા સૈયદ આસીફ ઇબ્રાહિમની પસંદગી કરાઈ હતી.
વર્ષ ૨૦૧૩માં કૉલસા કૌભાંડની સુનાવણી સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહી હતી. અને તે વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર ચાલી રહી હતી. સુપ્રીમના ન્યાયમૂર્તિ આર. એમ. લોઢાએ તે વખતે સીબીઆઈને પાંજરામાં પૂરાયેલો પોપટ અને ‘માસ્ટર્સ વૉઇસ’ કહી હતી. સીબીઆઈની તપાસ સરકારની સૂચના મુજબ થતી હોવાના આક્ષેપો ઘણા સમયથી વિપક્ષો કહી રહ્યા હતા, તેને આ અનુમોદન હતું. ૧૯ માર્ચ ૨૦૧૩ના રોજ ડીએમકેએ કેન્દ્રમાં કૉગ્રેસના ગઠબંધનવાળી સરકારને ટેકો પાછો ખેંચ્યો અને તેના બે દિવસમાં જ ડીએમકેના વડા કરુણાનીધિના વડા એમ. કે. સ્ટાલિનના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા!
ભારતના વડા પ્રધાન મનમોહનસિંહ અમેરિકા હતા ત્યારે સરકારમાં કોઈ જવાબદારી પણ ન ધરાવતા રાહુલ ગાંધીએ સરકારે લાવેલો એક ખરડો પત્રકાર પરિષદમાં ફાડીને ફેંકી દીધો હતો.તે ગેરબંધારણીય પગલું હતુ઼ જ પણ સાથે પોતાના પક્ષના જ વડા પ્રધાનની કૉંગ્રેસને અને દેશને પોતાની જાગીર માનતા ગાંધી પરિવારને મન કેટલી કિંમત છે તે સાબિત થયું હતું.
હવે મા-દીકરા સોનિયા અને રાહુલ ગાંધી સંવિધાન બચાવો કે લોકતંત્ર બચાવો રેલી યોજે ત્યારે કેટલું હાસ્યાસ્પદ લાગે!

Advertisements
gujarat guardian, society

નાગાલેન્ડની ઘટના: લોકો કાયદો કેમ હાથમાં લે છે?

તાજેતરમાં નાગાલેન્ડના દીમપુરમાં એક મોટાં ટોળાંએ જેલમાં જઈને આરોપીને મારી નાખ્યાના સમાચાર બહુ ચર્ચામાં છે. એક તરફ જ્યારે દિલ્હીમાં અતિ ચર્ચિત પેરા મેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારના લીધે, ભારતદ્વેષી વિદેશી ચેનલ બીબીસીની એક પત્રકાર જેલમાં બેઠેલા નરાધમનો ઇન્ટરવ્યૂ લઈ આવે છે, તેને ચેનલ પર ધરાર દર્શાવાય છે ત્યારે ઘણા લોકોના મોઢામાંથી નિ:સાસો સરી પડે છે અને કેટલીક એવી ટીપ્પણી પણ સાંભળવા મળે છે કે એ બળાત્કારીઓના હાલ પણ નાગાલેન્ડના બળાત્કારી જેવા થવા જોઈતા હતા. સવાલ એ છે કે લોકો કેમ ઉશ્કેરાઈ જાય છે? કેમ કાયદો પોતાના હાથમાં લે છે? પહેલાં કેટલાક સમાચારો પર નજર નાખીએ. તેના પરથી આપણા પ્રશ્નના ઉત્તર મેળવવા સહેલા બનશે.

સમાચાર ૧: સુરતમાં વહેલી સવારે ટ્યૂશનમાં જતી કિશોરી પર સામૂહિક બળાત્કાર થયો. ૨૦૦૯ની આ દુર્ઘટના બાદ જ્યારે આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હૉસ્પિટલ લવાયા ત્યારે તેમના પર સુરતીઓ તૂટી પડ્યા હતા અને બરાબરનો માર માર્યો હતો. પોલીસ પણ જાણે ઈચ્છતી હતી કે ભલે તેમને માર પડે. જોકે, બાદમાં કોઈ એકની હત્યા થઈ જવાની બીક લાગતાં પોલીસને રિવોલ્વર કાઢીને લોકોને ડરાવવાની ફરજ પડી હતી.

સમાચાર ૨: આઠ માર્ચના જ સમાચાર છે. અમદાવાદમાં છ વર્ષની બાળકી પર દિલ્હીનો પેરામેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારની ગોઝારી યાદ તાજી કરાવે તેવો અત્યાચાર થતાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. સોલા વિસ્તારમાં છ વર્ષની બાળકીના ગુપ્તાંગમાં લોખંડના સળિયા ભોંકનારા આરોપી પર લોકોનું ટોળું મિરઝાપુર કોર્ટ પરિસરમાં જ તૂટી પડ્યું હતું અને એને બરાબરનો ઠમઠોર્યો હતો. જો પોલીસે આરોપીને કવર કર્યો ન હોત તો લોકોનો રોષ જોતાં એવું લાગી રહ્યું હતું કે અમદાવાદમાં પણ ‘નાગાલેન્ડવાળી’ જ થઈ હોત.

સમાચાર ૩: ૨૦ માર્ચ, ૨૦૧૩ના સમાચાર છે. નખાત્રાણામાં પૂરઝડપે પસાર થતી સીતારામ ટ્રાવેલ્સની બસે બાઇક પર જઇ રહેલાં દંપતીને ઉડાવી દેતાં પતિ-પત્ની બન્નેનાં કમકમાટીભર્યાં મોતની ઘટનાએ ભારે અરેરાટી જગાવી હતી. આ દુર્ઘટનાથી ગામલોકો ભારે રોષમાં આવી ગયા હતા. અકસ્માત નીપજાવનારી ખાનગી બસમાં તોડફોડ કરવામાં આવી હતી અને આક્રોશ પરાકાષ્ઠાએ પહોંચતાં બસને આગ પણ ચાંપવામાં આવી હતી.

સમાચાર ૪: પાવીજેતપુર તાલુકાના હિરપરી ગામની મહિલા ૨૮ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ ખેતરમાં ઘાસ કાપવા ગઇ હતી ત્યારે પાવી ગામના કિશન નામના શખ્સે આ મહિલાને અટકાવી આબરૂ લેવાની કોશિશ કરી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં માણસો દોડી આવ્યા ને કિશન નાસી ગયો હતો. ત્યારબાદ કિશન તથા તેના સાથીઓએ ભેગા મળી હિરપરીની મહિલા તથા ત્યાં ઉપસ્થિત મહિલાઓને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ ન થતાં ૪૦થી વધુ મહિલાઓ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં આવી હલ્લાબોલ કર્યું હતું. અંતે ફરિયાદ લેતાં મામલો થાળે પડયો હતો.

સમાચાર ૫: ભાવનગર પાસે અધેવાડામાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ અને તે કરતાંય દારૂ પીને ધમાલ મચાવતા અસમાજિક તત્ત્વોના ત્રાસના કારણે મહિલાઓ ગુસ્સે થઈને દારૂના પીપ સળગાવી દીધા હતા. આ સમાચાર ૩ માર્ચ, ૨૦૧૫ના જ છે.

અધેવાડા પાસે બન્યું તેવું તો છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કંડવા ગામે, કચ્છના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં બની ચુક્યું છે. સુરત બાજુ પણ મહિલાઓ દારૂ સામે રણે ચડી હોવાના બનાવો નોંધાયા છે.

તો હવે સમજાયું કે ટોળું કેમ કાયદો હાથમાં લે છે? ન સમજાયું હોય તો આ રહ્યાં કારણો. બળાત્કાર જેવી ઘટનામાં તો જાણે સ્ત્રી જ આરોપી હોય તેમ પોલીસથી માંડીને કોર્ટમાં વકીલ એવા એવા સવાલ પૂછે (જે આપણે ‘દામિની’ ફિલ્મમાં જોયું છે) કે કાચી પોચી કે સંસ્કારી સ્ત્રી એવા સવાલોના જાહેરમાં જવાબ જ ન આપી શકે. વળી, એવી મહિલાને ચારિત્ર્યહીન ચિતરવાના પ્રયાસ શરૂ થઈ જાય. લોકો એવી વાતો ફેલાવવા લાગે કે પૈસાનું ‘સેટિંગ’ નહીં થયું હોય એટલે પેલાને બદનામ કરે છે. સ્ત્રીને ઓળખતા હોય અને જે લોકો તેને માણવાના નિષ્ફળ પ્રયત્ન કરી ચુક્યા હોય તેઓ પણ કહેશે કે એ તો મારી સાથે પણ સેક્સ માટે તૈયાર થઈ ગઈ હતી. વળી, આવી સ્ત્રી જો કુંવારી હોય તો તો તેની ઓર માઠી બેસે. તેના પોતાના ઘરના લોકો પણ તેને ભારની જેમ જુએ. તેની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર ન થાય. ઉપરાંત કોર્ટમાં તો કાયદાની આંટીઘૂંટીનો લાભ લઈને કે અન્ય રીતે રજા પાડીને મુદ્દત પડ્યા જ રાખે. (આવું પણ આપણે ‘દામિની’ ફિલ્મમાં જોયું છે ને ‘પ્રેમગ્રંથ’ ફિલ્મમાં પણ જોયું છે.) પેલો આરોપી તો જલસા જ કરતો હોય.

સામાન્ય રીતે બળાત્કાર હોય કે અન્ય કોઈ ગુનાનો કિસ્સો, તેમાં જો આરોપી મામૂલી હોય તો તો તેને સજા થતી જ હોય છે પરંતુ જ્યારે આરોપી કોઈ રાજકીય વ્યક્તિ સાથે સંબંધ ધરાવતો હોય, ઉદ્યોગપતિનો દીકરો/દીકરી કે અભિનેતા-અભિનેત્રી હોય ત્યારે ઘણાં બધાં સેટિંગ થતા હોય છે. એક જાણીતા ઉદ્યોગપતિના દીકરાએ કાર એક્સિડેન્ટ કર્યો હોવાની વાત વહેતી થઈ હતી, પરંતુ પોલીસે આ બાબતે ભારે ચૂપકીદી સાધી લીધી હતી અને તેમાં ભીનું સંકેલી લેવાયું હતું.

દિલ્હીના પેરા મેડિકલ વિદ્યાર્થિની કેસમાં જ લોકો કેમ મીણબત્તી લઈને માર્ચ કાઢવા લાગ્યા? અગાઉ દિલ્હીમાં બળાત્કારના ઘણા બધા બનાવો બન્યા હતા. લગભગ રોજ આવા સમાચાર આવવા લાગ્યા હતા. ચાલતી કારે બળાત્કાર પણ સામાન્ય થઈ ગયા હતા. ધીમે ધીમે લોકોનો તાપમાનનો પારો ઉકળવા લાગ્યો. છેવટે આ પેરામેડિકલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર તો થયો, પરંતુ સાથે તેને એટલી ગંભીર મારવામાં આવી કે તેનું મોત થઈ ગયું. આ બધું જોતાં લોકોની સહનશીલતા હદ વટાવી ગઈ. અને એટલે દિલ્હીમાં યુવાનો-યુવતીઓ કોઈ પણ જાતના નેતૃત્વ વગર એકઠા થયા હતા. એ સમય દરમિયાન અણ્ણા, રામદેવ વગેરેના આંદોલનના કારણે કેન્દ્ર સરકાર સામે આમેય દેશમાં વાતાવરણ ઉગ્ર હતું. એમાં દિલ્હીનાં તત્કાલીન મુખ્યમંત્રી શીલા દીક્ષિત કે કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે કોઈ આંદોલનકારીઓને શાંત પાડવા પણ ન આવ્યાં. એ તો સદ્ભાગ્ય કે બળાત્કાર વિરોધી આંદોલને હિંસક રૂપ ન લીધું.

દારૂના કિસ્સામાં પણ લોકો ભડકી ઉઠતા હોય છે. આવા કિસ્સા આપણે ઉપર સમાચારમાં જોયા તેમ ગામોમાં વધુ બનતા હોય છે. શહેરના લોકોને પોતાની એટલી સમસ્યાઓ હોય છે કે તેઓ કોઈ વાતની ‘અતિ’ ન થઈ જાય ત્યાં સુધી કાયદો હાથમાં લેવાનું પસંદ કરતા નથી. જોકે, મુંબઈમાં ગત જાન્યુઆરીમાં જ ‘ટૅક્નિકલ ક્ષતિ’ના કારણે ટ્રેન સેવા ખોરવાતા લોકો ઉગ્ર બન્યા હતા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા. તેના પરિણામે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પરંતુ મુંબઈની વાત અલગ છે. ત્યાં અંદાજે ૧.૧ કરોડની વસતિ છે. અને એમાંથી ૮૦ ટકા લોકો ટ્રેન પર નિર્ભર છે. ટ્રેનમાં જો પાંચ મિનિટ પણ મોડું થાય તો સરવાળે ગંતવ્ય સ્થાને પહોંચવામાં કલાકનું મોડું થઈ જતું હોય છે અને મુંબઈની હાડમારીભરી જિંદગીમાં તે પરવડે નહીં. આથી જ લોકો ઉગ્ર બની જતા હોય છે.

એટલે શહેરના લોકો અપવાદ સિવાય બને ત્યાં સુધી કાયદો ઓછો હાથમાં લેતા હોય છે. પરંતુ અગાઉ કહ્યું તેમ ગામડામાં દારૂના કારણે ખૂબ ત્રાસ પડતો હોય છે. તેનાથી પૈસા અને માણસની તબિયત એમ બે રીતે ખુવારી થતી હોય છે. ઉપરાંત મહિલાઓનું જીવન પણ દુભર બની જતું હોય છે. વળી, જો લઠ્ઠો ઝેરી બની ગયો હોય તો ઘરના સભ્યનું મોત પણ થાય છે. પોલીસને આ બધી ખબર નથી હોતી તેવું નથી. પોલીસને દરેક ગુના ક્યાં થાય છે તેની બાતમી હોય છે. પરંતુ ગુજરાતમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડામાંથી અઢળક કમાણી થતી હોય છે અને તેના હપ્તા ઉપર સરકાર સુધી જતા હોય છે. એટલે જ તો તે બેરોકટોક ચાલતા હોય છે. જ્યારે લઠ્ઠાકાંડ બને છે ત્યારે દેખાવ પૂરતા દરોડા પાડીને તત્કાળ પૂરતા અડ્ડાઓ બંધ કરાવી દેવામાં આવે છે, પરંતુ એ બધું ભૂલાઈ જાય એટલે ફરી પાછા એ અડ્ડા ધમધમવા લાગે છે. આવા દારૂડિયાઓ પોતે કંઈ કામ કરતા નથી હોતા. તેઓ તેમની પત્ની કે દીકરીની આવક પર જીવતા હોય છે. એટલે જ ક્યારેય એવા સમાચાર નથી આવતા કે પુરુષોએ દારૂના અડ્ડા બંધ કરાવ્યા, પણ મહિલાઓએ જ ચંડી બનીને આવાં કામ કરવા પડે છે.

અકસ્માત થાય છે ત્યારે પણ લોકોનો ગુસ્સો હદ વટાવી જાય છે. સામાન્ય રીતે લોકો જોતા જ હોય છે કે બસ કે ખટારાવાળા કેવા બેફામ ચલાવે છે. કારવાળા પણ આડેધડ રીતે લેનના નિયમો ન પાળીને ચલાવતા હોય છે. બીજી તરફ, ક્યાંક અંદરખાને પોતાની ગરીબાઈ માટે આવા પૈસાદારોને પણ જવાબદાર માનતા હોય છે. વળી, જ્યારે ધનવાનનો નબીરો અકસ્માત કરે ત્યારે કાયદો તેનું કંઈ બગાડી શકતો નથી, તે પણ લોકો જોતા હોય છે. સલમાન ખાનનો ‘હિટ એન્ડ રન’નો કેસ ૧૨ વર્ષથી ચાલે જ છે ને. અમદાવાદમાં વિસ્મય શાહનો કેસ પણ ઘણા વખતથી ચાલે છે. જો સિટી બસ કે એસટી બસના ડ્રાઇવર અકસ્માત કરે તો પણ લોકો ગુસ્સામાં આવી જાય છે કેમ કે તેઓ જાણે છે કે ડ્રાઇવરને સસ્પેન્ડ કરાશે, બહુ બહુ તો જેલમાં પુરાશે પણ કોઈકની જિંદગી ગઈ તેનું શું?

આમ, સરવાળે એવો નિષ્કર્ષ કાઢી શકાય કે જ્યાં સુધી કાયદાને વધુ કડક નહીં બનાવવામાં આવે, કાયદાનું ચુસ્ત પાલન નહીં કરવામાં આવે અને કોર્ટમાં વકીલો કાયદાની છટકબારીનો લાભ લઈ ગુનેગારોને બચાવવાનાં અનૈતિક કામો કરતા રહેશે તો લોકો, ઉપરોક્ત ઉદાહરણો આપ્યાં તેમ કાયદો હાથમાં લેતા રહેશે.

 

society

કિસ ઑફ લવ કે ઇનડિસન્સી ઑફ લવ?

બહુ જ સંવેદનશીલ વિષય છે આ. અને અન્ય લેખકો, જેઓ યુવાનોને ગલગલિયા કરાવીને લોકપ્રિય થવા માગે છે, તેના કરતાં વિરુદ્ધ હું આ મુદ્દે કંઈક એવું કહેવા માગું છું, જે કદાચ યુવાનોને ન પણ ગમે, અથવા આ વાંચીને એમ પણ થાય કે ના યાર, વાત તો આ સાચી છે.

હમણાં વાયરો ચાલ્યો છે ‘કિસ ઑફ લવ’નો. કોચીથી વાયા કોલકાતા થઈને તે દિલ્લી પહોંચ્યો. કેમ આવું પ્રદર્શન શરૂ થયું? મૂળ તો કેરળના કોચીમાં ડાઉનટાઉન નામની એક કોફી શોપ છે. તેમાં યુવકો-યુવતીઓ કોફી પીવા કરતાં યુવાનીના અનેક રંગો પૈકીનો એક રંગ માણવા વધુ આવતા હતા. આ અંગે એક રિપોર્ટ જયહિંદ નામની ટેલિવિઝન ચેનલ પર પ્રસારિત થયો. ભાજપના યુવા મોરચાના કાર્યકરોએ આ શોપ પર હલ્લો કર્યો. તેનાથી યુવાનો વધુ ભડક્યા. અને ફેસબુક પર એક પેજ બન્યું. તેનાથી અન્ય શહેરોના યુવાનોમાં પણ વિરોધની લાગણી ભડકી. આ વિરોધને દર્શાવવા માટે તેમણે જાહેરમાં- જનતાની વચ્ચે એકબીજાને ચુંબન કરવાનું નક્કી કર્યું. જોકે આ વિરોધ દિલ્લી પહોંચે ત્યાં સુધીમાં ઉભરો ઘણો ઠરી ગયો હતો કેમ કે દિલ્લીના વિરોધ પ્રદર્શનમાં ‘જોનારા’ વધુ હતા, ભાગ લેનારા ઓછા હતા. કેટલાક લોકો મફત મનોરંજન અને તે પણ પ્રત્યક્ષ મળતું હોય તે કેમ છોડે?

આ વિરોધ અને તાજેતરમાં સુરત વિમાનમથકે વિમાન ભેંસ સાથે અથડાયું તે બંનેને કારણે ભારતની છબી ધૂમિલ થઈ છે.  ક્યાં હમણાં જ ભારતે મંગળ પર યાન મોકલ્યું તેનો ગર્વ અને ક્યાં આ બંને ઘટનાઓ જેના લીધે માથું શરમથી ઝૂકી જાય? વિદેશી વર્તમાન પત્રો કે ટીવી ચેનલોમાં આ બંને સમાચારથી ભારતની છાપ કેટલી બગડી હશે તેનો વિચાર આવે છે? વિદેશના લોકો શું છાપ લઈને ભારતમાં આવે છે અને આવા સમાચારથી શું વિચારે? ભારત પણ પશ્ચિમના રવાડે છે? કે પછી પશ્ચિમને પણ સારું કહેવડાવે તેવું બની રહ્યું છે? કે કદાચ આ ભારત નથી? આ ઇન્ડિયા છે? અહીં બીભત્સતા અને હલકાપણાને સ્ટેટસનો દરજ્જો મનાય છે. અને તે માત્ર મેટ્રો શહેરોમાં જ થાય છે અને તે પણ એક વર્ગ પૂરતું. પરંતુ માધ્યમોમાં તેની તરફેણ થાય, કોલમલેખકો તેના વખાણ કરે એટલે ધીરે ધીરે સુષુપ્ત માનસમાં તે ઘર કરતું થાય. માધ્યમો જેમ તેમની ફરજ ચુકી રહ્યા છે તેમ કોલમલેખકો પણ સસ્તી લોકપ્રયિતા માટે તેમનો ધર્મ ચુકી રહ્યા છે.

લોકપ્રિય તો નરેન્દ્ર મોદી પણ છે, પરંતુ તેઓ સસ્તી લોકપ્રિયતા માટે ગમે તેમ મનોરંજક- પશ્ચિમી સંસ્કૃતિ (કે વિકૃતિ)થી પ્રેરિત કોઈ નિવેદન કે કૃત્ય કરતા નથી. સર્વપ્રિય તો અમિતાભ બચ્ચનેય છે પરંતુ તેમને ‘કૌન બનેગા કરોડપતિ’ ચલાવવા માટે કે તેની ટીઆરપી જાળવી રાખવા માટે શાહરુખ ખાનની જેમ દરેક સ્પર્ધક, ખાસ કરીને મહિલા, ને ભેટવું પડતું નથી. તેમનાં ભારતીય સંસ્કૃતિને છાજે તેવાં વાક્યો, ટૂચકાઓ, સંવાદો જ તેમને સર્વપ્રિય બનાવે છે. અમિતાભ અને શાહરુખ વચ્ચે આ જ ભેદ છે. અમિતાભ સર્વપ્રિય છે, શાહરુખ લોકપ્રિય છે.

ફિ્લ્મ બનાવનારાઓ, ખાસ કરીને મહેશ ભટ્ટ જેવી આઇટમો પોતાની ફિલ્મોમાં કારણ વગર, ચુંબનો કે શારીરિક સંબંધનાં જે દૃશ્યો નાખીને એડલ્ટ ફિલ્મો બનાવ્યા રાખે છે તેમના માટે હાથવગું બહાનું હોય છે- હવે તો ટીવી ચેનલોમાં પણ આવી જાહેરખબરો આવે છે. જાહેરખબરો બનાવનારાઓને પૂછશો તો કહેશે, બિગ બોસ જેવા શો કે બડે અચ્છે લગતે હૈ જેવી સિરિયલોમાં પણ આવાં દૃશ્યો આવે છે. બિગ બોસ કે સિરિયલોવાળાને પૂછશું તો તેઓ એમટીવી જેવી ચેનલોનું બહાનું આપશે. સરવાળે, વિષચક્ર ચાલતું જ રહે છે. સ્વચ્છ અને સ્વસ્થ મનોરંજન તો જાણે રહ્યું જ નથી.

અને આ બધાના કારણે યુવાનોમાં, જેઓ કંઈક કરી છુટવાનો ધખારો રાખતા હોય છે, પરંતુ સાચી દિશા ન મળવાના કારણે, અને આજુ બાજુ વર્તમાનપત્રોથી માંડીને ચેનલોમાં પીરસાતી સામગ્રીના કારણે વાસનાને પ્રેમ માનવા તરફ ભટકી જાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે શહેરમાં પ્રેમી પંખીડાં ક્યાં બેસે? અરે ભાઈ, એ બધું લગ્ન પછી હોય. અને સાચો પ્રેમ વાસનાને આધીન નથી હોતો. હા, શારીરિક તૃપ્તિ આનંદદાયક અને જરૂરી છે પણ તેના માટે લગ્ન એ ઉત્તમ વ્યવસ્થા છે. કારણકે લગ્ન વગરની વ્યવસ્થા, ચાહે તે લિવ ઇન રિલેશનશિપ હોય કે પછી એમ ને એમ શરીરસુખ ભોગવવું, તેના લીધે અનેક તણાવો, દબાણો અને જટિલતા ઊભી થતી હોય છે.

જે યુવાનોએ કિસ ઑફ લવનો વિરોધ કર્યો તે તો માત્ર કુણી રીતે વિરોધ કરનારા  જમણેરીઓ સામે જ.  શું તેમનામાં હિંમત છે કે તેઓ બિકિની સામે તથાકથિત ફતવો બહાર પાડનાર શાહી ઈમામ સામે બિકિનીમાં પ્રદર્શન કરે? શું આ યુવાનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં યુવતીઓના પ્રવેશ સામે પ્રતિબંધની વિરુદ્ધ કંઈ કરશે? પ્રતિબંધ તોડીને ત્યાં જવાની જાહેરમાં ચુંબન કરનારી આ યુવતીઓમાં હિંમત છે?

અને જો તમારે પ્રદર્શન કરવું જ હતું તો તેના અનેક રસ્તા છે. ધરણા પર બેસો, લોકોને ફૂલ આપો, ફેસબુક પર લખો, પણ આ રીતે? જાહેરમાં ચુંબન કરીને?

અરે ભાઈ ડિસન્સી જેવું તો કંઈ હોય કે નહીં? ભારતીય કાયદામાં પણ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૯૪ હેઠળ બીભત્સ વર્તન જેનાથી અન્યોને ચીડ ચડે, ગુસ્સો આવે, અણગમો થાય તેવું કરવાથી ત્રણ મહિનાની કેદ અથવા દંડ અથવા બંનેની સજાની જોગવાઈ છે. કાયદો ઘડનારાઓ મૂર્ખા તો નહીં હોય ને? વિદેશોમાં પણ જાહેરમાં બીભત્સતા સામે કાયદાઓ છે. હા, એટલું ખરું કે બીભત્સતાની વ્યાખ્યાઓ અલગ-અલગ છે. આપણએ ત્યાંય આદિવાસીઓમાં નગ્નતા સામાન્ય છે. અથવા ધાર્મિક સ્થળોએ માત્ર સાડીમાં નહાવાનું હોય છે, પરંતુ તે કોઈ રીતે સુરૂચિનું ભંગ કરનારું નથી હોતું કે તેવી રીતે કોઈ જોતું  પણ નથી હોતું. યુરોપમાં નગ્નતા પ્રત્યે મોટા ભાગના કોઈ દેશો છોછ ધરાવતા નથી. મલેશિયામાં જાહેર બગીચામાં એકબીજાને ચુમતા અને ભેટતા યુગલની સામે અભદ્ર વ્યવહારનો ગુનો નોંધી શકાય છે. ચીનમાં એક સમયે યુગલ વચ્ચે ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર રાખવું જરૂરી હતું! ત્યાં અનેક બાળકોએ તેમનાં માતાપિતાને હાથ પકડેલા કે ચુંબન કરતા જોયા નથી. અરે! જાહેરમાં સ્ત્રી પુરુષ સાથે સાથે નાચી પણ શકતા નથી.  ઇન્ડોનેશિયામાં વાસનામય રીતે જનૂનપૂર્વક ચુમવાથી પાંચ વર્ષની જેલ અથવા ૨૯,૦૦૦ ડોલરનો દંડ થઈ શકે છે. જાપાનમાં પણ એકબીજાની સામે ઝૂકીને અભિવાદનની પ્રથા છે.  જાપાન હોય કે ચીન હોય કે પછી ઇન્ડોનેશિયા કે ભારત, પૂર્વના દેશોમાં શરમ અને ઉર્દૂમાં કહેવાય છે તેમ હયા, મોટી બાબત છે. તેનો ભંગ કરનારા માટે માન નથી રહેતું અને તેને સાંખી પણ લેવાતા નથી.

આ જ પશ્ચિમી સભ્યતામાં માનનારાઓને શું તેમની સામે કોઈ મોઢું ખોલીને, બધું બહાર નીકળે તેમ ખાતા હોય તો તે જોવું ગમશે? દરેક સ્થળની એક મર્યાદા હોય છે. જેમ કે, લાઇબ્રેરીમાં શાંતિ રાખવી અનિવાર્ય છે. તેમ જાહેર સ્થળે ચુમ્મા ચાટી વગેરે અશ્લીલ વર્તન ન હોય (હા અશ્લીલ એટલા માટે કે દરેક વર્તન તેની જગ્યાએ શોભે છે.). દરેક તેને મનફાવે તેમ વર્તે તો કોઈ વ્યવસ્થા જ ન રહે. કોઈ કહે કે મારે આંખ બંધ કરીને જ ચાલવું છે અને તેમ કરવા જતાં તે સામેથી આવતી યુવતીને ભટકાય તો તે યુવતીને તે ગમશે?  પિંક ચડ્ડી અને કિસ ઑફ લવ જેવાં અભિયાનો  કોઈક રીતે ને ક્યાંક ને ક્યાંક બળાત્કાર જેવા કુકર્મો કરવામાં પણ કારણરૂપ બને છે, તે દીવા જેવી ચોખ્ખી વાત છે, જેને સમજાય તેને સમજાય. અને જ્યારે દિલ્લીના ૨૩ વર્ષીય પેરા મેડિકલ વિદ્યાર્થિની પર બળાત્કાર અને બાદમાં મરણ જેવા કાંડ સર્જાય છે ત્યારે આવા અભિયાનના લોકો ઘરના દરવાજા બંધ કરીને બેસી જાય છે.

અને બે શબ્દ ભાજપીયાઓ માટે પણ. કેરળમાં તોડફોડ કરતા ભાજપીયાઓ, અહીં તમારા રાજ્ય ગુજરાતમાં પણ કપલ રૂમ ચાલે છે, બગીચાઓમાં પ્રેમના નામે શું ચાલે છે તે જુઓ. તેની સામે પણ કંઈક કાર્યવાહી કરો, અને તે પણ આ રીતે તોડફોડની રીતે નહીં, કાનૂની રીતે. તોડફોડ વગેરે કરવાથી યુવાનો વધુ ભડકે છે. હવે તો તમારા હાથમાં ઠેર-ઠેર સત્તા છે. કોણ રોકે છે? આવી કોફી શોપનું લાઇસન્સ રદ્દ થાય, તેના પાટિયાં પડી જાય તેવો સખત કાનૂન બનાવો .