humor, patriotism

‘બેબી-2: ઈસ્લામાબાદમાં ભગવો!

આપણને બધાને અત્યારે યુદ્ધની ખંજવાળ ઉપડી છે. અક્ષયકુમાર તેની ‘હોલિ ડે’ અને ‘બેબી’માં હાફિઝ સઈદ જેવા ત્રાસવાદીઓને સાઉદી અરબ જેવા દેશમાં જઈ જીવતા પકડી સહીસલામત ભારત પાછા ફરી જાય છે. સન્ની દેઓલ પાકિસ્તાન જઈ અમીષા પટેલને અને તેના દીકરાને ભારત પાછા લાવી શકે છે. આવું ફિલ્મોમાં જ જોઈને આપણે રાજી થઈએ છીએ.
તો વર્તમાન સંજોગો પરથી ફિલ્મ ‘બેબી-2’ બને તો? કથા કેવી હોય? મુખ્ય પાત્રો ‘બેબી’વાળા અક્ષયકુમાર, અનુપમ ખેર, રાણા દગ્ગુબાટી અને ડેની છે. બાકીનાં પાત્રો તમે સમજી જશો.
સીન 1
ઉડીમાં 18 જવાનો શહીદ થયા છે. દેશભરમાં આક્રોશ છે. વડા પ્રધાન લોઢીના જૂના ભાષણોની ક્લિપ સોશિયલ મિડિયામાં ફરી રહી છે. એક જવાન બસમાં કશ્મીર તો હોગા લેકિન પાકિસ્તાન નહીં હોગાની કવિતા બોલે છે તે વિડિયો પણ બહુ ફરે છે. રોટલીની લોઢીની જેમ વડા પ્રધાન લોઢી પણ હંમેશાં તપેલા રહે છે. તેઓ તાત્કાલિક બેઠક બોલાવે છે. તેમાં બધા યુદ્ધની સલાહ આપે છે. સેનાના વડા ડેની પણ આ જ સલાહ આપે છે. પણ લોઢી કહે છે કે આપણે યુદ્ધ ગરીબી, બેરોજગારી ને નિરક્ષરતા સામે લડવાનું છે. ડેની સમસમી જાય છે. બેઠક પૂરી થાય છે. બધા છૂટા પડી જાય છે. બીજા દિવસે તમિલનાડુમાં પક્ષની બેઠક છે.વરસાદ પ્રૂફ જર્મન ટેક્નૉલૉજીવાળો ડૉમ બાંધવાનો છે. ફૂલપ્રૂફ સુરક્ષા કરવાની છે. સેનાના જવાનોને હૈદરાબાદ પૂરરાહત કામગીરીમાં મોકલવાના છે.
સીન 2
ડેની ફોન કરે છે. વડા પ્રધાનના સચિવ ઉપાડે છે પણ એપોઇન્ટમેન્ટ મળતી નથી. તેઓ કહે છે કે તમે આસામના હેમંત શર્મા કે અરુણાચલના ખાંડુ જેવા કૉંગ્રેસી બળવાખોર હો તો કે રતન તાતાની જેમ નેનો લાવવા માગતા તો તમને પંદર મિનિટમાં એપોઇન્ટમેન્ટ અપાવી દઉં. હમણાં જ ઉત્તર પ્રદેશના બસપના બળવાખોરને અપાવી.
છેવટે ડેની અક્ષયકુમાર સાથે વડા પ્રધાનની ઑફિસે પહોંચે છે. એવું કહીને સચિવને એક લાફો મારે છે કે દેશ પર સંકટ છે ને તને ચૂંટણી યાદ આવે છે? એપોઇન્ટમેન્ટ મળી જાય છે.
સીન 3
વડા પ્રધાનની સામે ડેની બેઠો છે. અક્ષયકુમાર બહાર ઊભો છે. “બોલો,તમારી શું યોજના છે?
“સાહેબ, સીધી મિસાઇલ દાગી દઈએ.”
“બિલકુલ નહીં. અમેરિકાનું દબાણ છે.”
“સાહેબ, તમે જ બાપ કી અદાલતમાં કહેલું કે સવાસો કરોડનો દેશ દબાણ કરી શકે.”
“ભૂલ જાવ. એ વખતે હું મુખ્યપ્રધાન હતો. અને મને ઓબામાએ નોબેલની ગેરંટી આપી છે.”
“એ તો અનિલજીને પણ આપેલી…”
“હું એવો કાચો નથી. લેખિત બાંયધરી લઈ લીધી છે.”
“પણ સાહેબ, મારી યોજના તો સાંભળો.”
“બોલો. તમારી પાસે રોકડી બે મિનિટ છે.”
ડેની યોજના કહે છે. લોઢીજી ખુશ થઈ જાય છે. પણ પછી પૂછે છે, “પણ આમાં ઊંધુ પડ્યું તો?”
“તો આપણે કહીશું કે એને ઓળખતા જ નથી.”
ડેની અક્ષયને અંદર બોલાવી પરિચય કરાવે છે. લોઢીજી હાથ મેળવે છે. શાબાશી આપે છે અને ડેનીને કહે છે, “તો એક કામ કરજો. સેના ઇસ્લામાબાદ કબજે કરે ત્યારે ત્યાં ભગવો ધ્વજ ફરકાવડાવજો. અમારાવાળાઓને બહુ ગમશે.”
ડેની મનમાં જ એકાદ #@ બોલી નાખે છે.
પણ હા આ ત્રાસવાદીઓ શું કામ?
“કંઈ ઊંધુચત્તુ થાય અને આંતરરાષ્ટ્રીય દબાણ આવે તો તમારે કહેવાનું કે આ ત્રાસવાદીઓ મૂળ કાશ્મીરના જ હતા અને તેમના આકાઓથી ત્રાસીને પાકિસ્તાનનો વિનાશ કરવા માગતા હતા.”
સીન 4
અક્ષય, રાણા ને અનુપમ પાકિસ્તાનના ત્રાસવાદીઓ જેવો વેશપલટો કરે છે. વિદ્યાર્થીઓએ શંકાસ્પદ લોકોને હથિયાર સાથે જોયા હોય તેવી વાત પ્રસરે છે પણ પોલીસ પકડી શકતી નથી કારણકે તે મરાઠા આંદોલનને ડામવામાં વ્યસ્ત છે. અક્ષય, રાણા, અનુપમ મિસાઇલ કેન્દ્ર જાય છે. ત્યાં સિક્યોરિટીવાળા સૂતા છે. કેન્દ્રના જે ચાર અધિકારી છે તેમને જિયો કાર્ડ મફત મળ્યા છે. એક બુરખા દત્તને જિયો કાર્ડના કારણે વિડિયો કૉલિંગ દ્વારા લાઇવ ઇન્ટરવ્યૂ આપે છે. બધી સિસ્ટમ બતાવે છે. બુરખાની ચેનલ યેડીટીવી (મરાઠીમાં યેડા = પાગલ) પાકિસ્તાનવાળા ત્રાસવાદીઓમાં લોકપ્રિય છે. બીજો અધિકારી પોર્ન મૂવી જોઈ રહ્યો છે. ત્રીજો પ્રેમિકા સાથે લાઇવ વિડિયો ચેટ કરી રહ્યો છે. ચોથો યૂ ટ્યૂબ પર પાકિસ્તાનની સેનાની ક્ષમતાનો વિડિયો જુએ છે. આવા એક વ્યક્તિના કારણે જ આપણો દેશ સમોસૂતરો ચાલે છે. આ ચોથા અધિકારીનું ધ્યાન ત્રાસવાદીઓના વેશમાં આવેલા અક્ષય, રાણા ને અનુપમ પર પડે છે. તે તેમની સાથે લડે છે. અનિચ્છા છતાં અક્ષય તેને બેભાન કરે છે ને નિ:સાસા સાથે કહે છે, “હમારે દેશ મેં માર ઇમાનદાર ઔર સચ્ચે દેશભક્ત હી ખાતેં હૈં.”
અનુપમ મોબાઇલ નેટવર્ક જામ કરી દે છે. રાના લાઇટ ગૂલ કરી દે છે. અક્ષય સરળતાથી પેલા ત્રણેયને બેભાન કરી દે છે. તે પછી રાના લાઇટ ઑન કરે છે. અનુપમ મિસાઇલો લૉડ કરે છે. ટાર્ગેટ સેટ કરે છે. એક મિસાઇલ ઈસ્લામાબાદમાં વડા પ્રધાન નવાઝ શરીફના ઘર પર પડે છે. બીજી રાવલપિંડીમાં સેનાધ્યક્ષ રાહલ શરીફના ઘરને ઉડાડે છે. ત્રીજી હાફિઝ સઈદના ઠેકાણા પર પડે છે. તે રંગરેલિયા કરતો હોય છે (ફિલ્મમાં આવું બતાવવું પડે તેવું આજકાલ મનાય છે.) ને તે દોજખવાસી થઈ જાય છે. અડધી રાતે ઘસઘસાટ સૂતા પાકિસ્તાનવાસીઓમાં ધડાકાના અવાજથી દોડધામ મચી જાય છે. આ તરફ સેનાની ત્રણેય પાંખ એલઓસી વટાવીને ઈસ્લામાબાદ કબજે કરે છે. ભગવો લહેરાવાય છે. નંબરિયા પડે છે.
લોકો થિયેટરમાં ભારત માતા કી જય બોલાવીને પોપકૉર્ન ખાઈ કૉકાકોલા પી ઘરે જઈ ટીવી જુએ છે તો એમાં લોઢીજી તમિલનાડુમાં પક્ષની રેલીમાં હાર પહેરી ભાષણ કરી રહ્યા છે, “હિન્દુસ્તાન અને પાકિસ્તાનના લોકો ગરીબી, બેરોજગારી અને નિરક્ષરતા સામે લડે.” લોકો મનમાં બે #$ ચોપડાવી સૂઈ જાય છે.

(આ કટાક્ષ કથા કાલ્પનિક છે. બંધબેસતી પાઘડી પહેરવી નહીં.)

Advertisements
gujarat guardian, science

જોન નેશ: અટપટા કોયડા ઉકેલનારા ગણિતજ્ઞ

સામાન્ય રીતે આપણા અખબારોમાં વિદેશના સમાચાર માટે ખાસ જગ્યા ફાળવાય છે, પણ તે કેવા? આઈએસઆઈએસે નિર્દોષ નાગરિકોનાં માથાં ધડથી અલગ કર્યાં, મિલી સાયરસે અભદ્ર હરકત કરી, એક યુવતીએ પોતાનું કૌમાર્ય વેચવા કાઢ્યું, એક ધનવાને પોતાના વારસદાર તરીકે પોતાના કૂતરાનું નામ રાખ્યું…વગેરે. વિદેશના મહત્ત્વના સમાચાર આપવામાં આપણા ગુજરાતી કે અન્ય ભાષાનાં અખબારો તેમજ ચેનલો પણ ચૂકી જાય છે. આવા એક સમાચાર હતા, અમેરિકાના ગણિતશાસ્ત્રી જોન ફોર્બ્સ નેશ જુનિયર અને તેમની પત્નીના કાર અકસ્માતમાં મૃત્યુના.

ગણિતશાસ્ત્રીનું મૃત્યુ થાય એટલે જેટલા ટૂંકા સમાચાર આવ્યા હોય તે વાંચીને તંત્રીઓ તેને અસ્વીકારી દે, પરંતુ જો તેનું પૂરું જીવનચરિત્ર વાંચો તો ખ્યાલ આવે કે એક મજેદાર પુસ્તક બને અને એક સુંદર ફિલ્મ બને તેટલો મસાલો તેમાં છે. અને ખરેખર તેના પરથી આત્મકથા લખાઈ છે અને હોલિવૂડમાં ફિલ્મ ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’ (ઈ. સ. ૨૦૦૧) બની છે જેણે ચાર ઓસ્કાર જીત્યા!

જોન નેશ એટલે ટોચ અને તળેટી એમ બંને અંત્યબિંદુઓ પર પહોંચનાર વ્યક્તિ. જોન નેશ એટલે અદ્ભુત મગજ શક્તિ ધરાવતી વ્યક્તિ. રસાયણ અને ગણિત બંનેમાં ચાંચ જ નહીં પણ પૂરેપૂરું માથું ડુબાડનાર, ખુંપાવનાર વ્યક્તિ. પોતાની માનસિક રોગ સામેની લડાઈ જીતનાર વ્યક્તિ. અને એ જ વ્યક્તિ નર્સને ગર્ભવતી બનાવીને છોડી પણ દે!

જોન નેશ જુનિયર નોર્વેના રાજા પાસેથી એબલ ઈનામ મેળવવા ઓસ્લો ગયા હતા. પાંચ લાખ પાઉન્ડનું ઈનામ તેમને લુઇસ નિરેનબર્ગ સાથે મળ્યું હતું. આ ઈનામને નોબેલની ગણિત આવૃત્તિ ગણાય છે (નોબેલમાં ગણિત માટે કોઈ ઈનામ નથી!).

નોબેલમાં ભલે ગણિત માટે ઈનામ ન હોય, પણ જોન નેશને નોબેલ મળ્યું જરૂર હતું! તેમને અર્થશાસ્ત્ર માટે નોબેલ મળ્યું હતું. આમ, આ બંને ઈનામ જીતનાર તેઓ એક જ વ્યક્તિ છે. (નોંધી રાખજો, કેબીસીમાં પૂછાઈ શકે!)

આગામી મહિનાની ૧૩તારીખે જેને ૮૭ વર્ષ પૂરાં થવાનાં હતાં તે જોન નેશ અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના બ્લુફિલ્ડમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ પણ જોન ફોર્બ્સ નેશ જ હતું, આથી તેમને જોન નેશ જુનિયર કહેતા હતા. તેમના પિતા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા અને માતા માર્ગારેટ વર્જિનિયા પરણ્યાં પહેલાં શિક્ષિકા હતાં. તેમને એક નાની બહેન માર્થા હતી.

બાળપણમાં જ માતાપિતાએ કોમ્પ્ટનનો સચિત્ર એન્સાયક્લોપિડિયા નેશને આપ્યો હતો. નેશ તે વાંચીને બાળવયમાં ઘણું શીખ્યા. વળી, તેમના પોતાના ઘરે અથવા દાદાના ઘરે પણ શિક્ષણને લગતાં ઘણાં પુસ્તકો હતાં.

એ શ્રેય નેશનાં માતાપિતાને જ જવો જોઈએ કે તેમણ નેશમાં ગણિત પ્રત્યે રસ જગાડ્યો. નેશ માધ્યમિક શાળામાં હતા ત્યારે તેમણે નેશને સ્થાનિક કમ્યૂનિટી કૉલેજમાં ગણિતનો એડવાન્સ કૉર્સ કરાવ્યો. આ વયે નેશે ‘મેન ઑફ મેથેમેટિક્સ’ નામનું ગણિતશાસ્ત્રીઓ પરનું ઇ. ટી. બેલનું પુસ્તક વાંચી નાખ્યું. નેશે કાર્નેગી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીમાં કેમિકલ એન્જિનિયરિંગમાં એક સેમેસ્ટર કર્યું. ત્યાં તેમને ક્વોન્ટિટેટિવ એનાલિસીસમાં સમસ્યા નડી. તેમને પ્રયોગ કરવામાં મુશ્કેલી પડતી હતી. પિપેટ વડે કામ કેવી રીતે કરવું અને પૃથક્કરણ (ટાઇટ્રેશન) કેવી રીતે કરવું તે સમજાતું નહોતું.  ઉપરાંત ગણિતના શિક્ષકો પણ નેશને ગણિત લેવા માટે સમજાવી રહ્યા હતા. આથી તેઓ ગણિત તરફ વળ્યા. ત્યાં તેમને જ્યોર્જ વેસ્ટિંગહાઉસ સ્કોલરશિપ મળી હતી. ગણિતમાં તેમણે એટલી પ્રગતિ કરી કે જ્યારે તેઓ ગ્રેજ્યુએટ થયા ત્યારે તેમને બી. એસ. (આપણે ત્યાંનું બી.એસસી.) સાથે એમ. એસ. (એમ. એસસી.)ની ડિગ્રી પણ આપી દીધી! કાર્નેગીમાં હતા ત્યારે નેશે એક ‘ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ’ કોર્સ પણ કર્યો હતો જે બાદમાં તેમને ગેમ થિયરી (ગેમ થિયરી ગણિતીય અર્થશાસ્ત્રની એક શાખા છે જેનો ઉપયોગ અવકાશીય વિજ્ઞાન, એન્જિનિયરિંગ, શેરબજાર, હરાજી, કોર્પોરેટ ગૃહોનું વિલીનીકરણ થવાનું હોય, કોઈ કંપનીને હસ્તગત કરવાની હોય કે યુદ્ધ તેમજ શાંતિ સમયની રણનીતિ ઘડવાની હોય તેમાં થાય છે)માં રસ જગાડવાનો હતો અને તેમને તેમાં કામ લાગવાનો હતો. અને તેઓ ‘ધ બાર્ગેનિંગ પ્રોબ્લેમ’ પર એક પત્ર ‘ઇકોનોમેટ્રિકલ’માં પ્રસિદ્ધ કરવાના હતા.

ઘણી શિક્ષણ સંસ્થા હોશિયાર વિદ્યાર્થીને પોતાને ત્યાંથી જવા દેતી નથી અને તેને વધુ સારું શિક્ષણ મળે તેની તક પૂરી પાડે છે. તો ઘણી શિક્ષણ સંસ્થા પોતાને ત્યાં હોશિયાર વિદ્યાર્થીને ખેંચી લાવે છે. ઘણી વાર ઉત્સાહી શિક્ષકો પણ હોશિયાર વિદ્યાર્થીને ખેંચી લાવે છે. આવું જ નેશ સાથે થયું હતું. નેશ જવાના હતા હાર્વર્ડ યુનિવર્સિટીમાં, પણ પ્રિન્સટન યુનિવર્સિટીના ગણિત વિભાગના અધ્યક્ષ સોલોમોન લેફસ્કેત્ઝે જોન નેશને જોન એસ. કેનેડી ફેલોશિપ આપવાની દરખાસ્ત કરી. વળી આ કૉલેજ તેમના ઘરથી નજીક પણ હતી. આથી તેઓ પ્રિન્સટનમાં ગયા.

ગ્રેજ્યુએટ વિદ્યાર્થી તરીકે તેમણે એક એવો વિચાર વિકસાવ્યો જે નોન કૉઑપરેટિવ ગેમ્સ તરફ દોરી ગયો. (ગેમ થિયરી મુજબ નોન કૉ   ઑપરેટિવ ગેમ્સમાં ખેલાડીઓ સ્વતંત્ર રીતે નિર્ણય કરે છે.) પ્રિન્સટનમાં તેમણે ‘ઇક્વિલિબ્રિયમ’ થિયરી પર પણ કામ કર્યું જે બાદમાં ‘નેશ ઇક્વિલિબ્રિયમ’ તરીકે ઓળખાઈ. ટૂંકમાં કહેવું હોય તો નેશ ઇક્વિલિબ્રિયમ એટલે બે કે તેથી વધુ ખેલાડીવાળી નોન કૉઑપરેટિવ ગેમ્સમાં દરેક ખેલાડીને બીજા ખેલાડીની રણનીતિ ખબર હોય તેવું માની લેવામાં આવે છે અને કોઈ ખેલાડીને પોતાની રણનીતિ બદલવાથી કોઈ ફાયદો થતો નથી.

નેશે પ્રિન્સટનમાં નોન કૉઑપરેટિવ ગેમ્સમાં ૨૮ પાનાનું ડિઝર્ટેશન કરીને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. આ થિસીસ તેમણે આલ્બર્ટ ડબ્લ્યુ. ટકરના માર્ગદર્શન હેઠળ લખ્યો હતો. તેના માટે જ ૧૯૯૪માં તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબલ મળ્યું. નેશે રિયલ અલ્જેબ્રિક જોમેટ્રીમાં પણ ઘણું કામ કર્યું. તેમણે બે વ્યક્તિની કૉઑપરેટિવ ગેમ્સ પર પણ સંશોધન પત્ર રજૂ કર્યું હતું.

બે મહાન વ્યક્તિનાં મગજ ઘણી વાર એક સરખી રીતે કામ કરતાં હોય છે. આનો દાખલો નેશના જીવનમાં જોવા મળે છે. નેશ હિલ્બર્ટ્સ નાઇનટીન્થ પ્રોબ્લેમ પર કામ કરી રહ્યા હતા. તેમણે તેનો ઉકેલ મેળવી લીધો તેના નવ મહિના પહેલાં એન્નિયો ડી. જ્યોર્જી નામના ગણિતશાસ્ત્રીએ તે ઉકેલ પ્રસિદ્ધ કરી દીધો હતો. બંનેએ અલગ-અલગ રીતે ઉકેલ મેળવ્યા હતા તે સાબિત કરે છે કે જ્યોર્જીએ કોઈ ઉઠાંતરી કરી નહોતી. પરંતુ આનાથી નેશને ઘણી નિરાશા મળી. જો આ ઉકેલ પહેલાં તેમણે મેળવી લીધો હોત તો ગણિતમાં સૌથી પ્રસિદ્ધ ઈનામ ફિલ્ડ્સ મેડલ તેમને મળી ગયું હોત.  જોકે ગણિતમાં આ ઉકેલને કોઈ એકનું નામ આપવામાં નથી આવ્યું, ઉકેલને નેશ-જ્યોર્જી થિયરમ તરીકે ઓળખવામાં આવે છે.

ઈ. સ. ૧૯૫૧માં નેશ માસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી (એમઆઈટી)માં ઇન્સ્ટ્રક્ટર તરીકે જોડાયા. ત્યાં તેમને ‘આઇસોમેટ્રિક એમ્બેડિંગ’માં રસ જાગ્યો. આ વિષય એવો છે કે વ્યાખ્યાયિત ભૂમિતિને વાસ્તવિક દુનિયાની ભૂમિતિ સાથે જોડી શકાય છે કે કેમ તે જોવામાં આવે છે. નેશના બે એમ્બેડિંગ થિયરમને ક્લાસિક ગણવામાં આવે છે. તેમાં ઊંડો ગાણિતીય દૃષ્ટિકોણ જોવા મળે છે.

૧૯૫૦ના દાયકામાં નેશ વૈશ્વિક નીતિ પરની બુદ્ધિજીવી સંસ્થા રેન્ડ કૉર્પોરેશન સાથે પણ સંકળાયા હતા. આ નાગરિક સંસ્થાને યુએસ સેના દ્વારા ફંડ પૂરું પડાય છે. અહીં ગેમ થિયરી પર તેમણે કામ કર્યું જે અમેરિકાની સેનાને અને રાજદ્વારી રણનીતિ ઘડવામાં ઉપયોગી થયું.

એમઆઈટીમાં જોડાયાના એક વર્ષ પછી તેમનો સંબંધ એક નર્સ એલીયાનોર સ્ટિયર સાથે થયો. આ નર્સે નેશની દર્દી તરીકે કાળજી રાખી હતી. ‘ખામોશી’ (સંજય લીલા ભણશાળીવાળી નહીં, પરંતુ આસીત સેનવાળી) ફિલ્મની જેમ નર્સ તો નેશના પ્રેમમાં પડી ગઈ અને તેને જોન ડેવિડ સ્ટિયર નામનો દીકરો પણ થયો પરંતુ નેશે તેને છોડી દીધી! તેનું કારણ એવું હતું કે તે નર્સને પોતાના કરતાં ઉતરતી કક્ષાની ગણતા હતા! જોકે નેશના જીવન પરથી બનેલી ‘બ્યુટિફૂલ માઇન્ડ’માં આ હિસ્સો કાપી નાખવામાં આવ્યો છે જેના કારણે ફિલ્મની ટીકા પણ થઈ.

નેશ સેન્ટા મોનિકામાં હોમોસેક્સ્યુઅલ સાથે પણ ઝડપાયા હતા. તેના કારણે તેમને રેન્ડ કૉર્પોરેશનમાંથી દરવાજો બતાવી દેવામાં આવ્યો હતો. તેમને દેશની જે ગુપ્ત બાતમી મળતી હતી – ટોપ સિક્રેટ સિક્યોરિટી ક્લીયરન્સ મળેલું તે પણ છિનવી લેવામાં આવ્યું.

નેશ સ્ટિયર નામની નર્સથી છૂટા પડ્યા પછી થોડા જ સમયમાં તેમની મુલાકાત એમઆઈટીમાં ભણેલી એલિશિયા લોપેઝ-હેરિસન ડી લાર્ડે સાથે થઈ. તે ફિઝિક્સ ભણી હતી. બંને જણાં ફેબ્રુઆરી ૧૯૫૭માં પરણી ગયાં.

ઈ. સ. ૧૯૫૯માં નેશને માનસિક બીમારી વળગી. તેમને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા થયો. દરમિયાનમાં નેશ-એલિશિયાને જોન ચાર્લ્સ માર્ટીન નેશ નામનો એક દીકરો થયો હતો. નેશની પત્ની એલિશિયાનો પ્રેમ કેવો અદ્ભુત હતો! તેણે તેના દીકરાનું નામ એક વર્ષ સુધી નહોતું પાડ્યું. તે નેશની સહમતિથી નામ પાડવા માગતી હતી, અને નેશ તો હૉસ્પિટલમાં હતા. જોકે નેશની બીમારીના કારણે એલિશિયા લાંબો સમય સહનશક્તિ ન રાખી શકી. નેશના જીવન પરથી બનેલી ફિલ્મ ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’ મુજબ, નેશને કેટલાક માણસો દેખાતા હતા જે તેમનો ભ્રમ જ હતો. નેશને પેન્ટાગોન (ફિલ્મમાં રેન્ડ કૉર્પોરેશનના બદલે પેન્ટાગોન બતાવાયું છે) તરફથી સોવિયેત સંઘ (આજનું રશિયા, એ વખતે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે કોણ ચડિયાતું તે સાબિત કરવા શીત યુદ્ધ ચાલતું હતું)ના એક ષડયંત્રને નિષ્ફળ બનાવવાનું કામ સોંપાયું હતું. આના કારણે નેશને લાગવા માંડ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે. અને આવા જ એક પ્રસંગમાં તેઓ તેમના નાનકડા દીકરા અને પત્નીને જમીન પર પછાડી દે છે. અને તે પછી તેમની પત્ની તેમને છોડીને ચાલી જાય છે.

નેશે પોતે કહ્યું છે તેમ, તેમને લાગતું હતું કે તેમને આ બધા ભ્રમ એટલે થતા હતા કે તેઓ ખુશ નહોતા, તેઓ પોતાને મહત્ત્વ અપાય અને ઓળખ મળે તેમ ઈચ્છતા હતા અને તેમને લાગતું હતું કે જો તેઓ બીજા બધાની જેમ સામાન્ય રીતે વિચારશે તો તેમને સારા વૈજ્ઞાનિક વિચારો નહીં આવે.

આમ, ઈ. સ. ૧૯૬૩માં નેશ-એલિશિયાના છૂટાછેડા થઈ ગયા. પરંતુ વાર્તા અહીં જ પૂરી નથી થતી. નેશ શોક થેરેપી સહિત અનેક સારવારમાંથી પસાર થયા. તેઓ યુરોપ પણ ગયા અને ત્યાં શરણાર્થી તરીકે રહ્યા. પરંતુ અમેરિકા પરત ફર્યા. નેશે ધીમે ધીમે હૉસ્પિટલમાં જવાનું બંધ કરી દીધું અને દવાઓ લેવાની પણ બંધ કરી દીધી. જોકે ‘અ બ્યુટીફૂલ માઇન્ડ’માં એવું બતાવાયું છે કે નેશ નવી દવાઓ લઈ રહ્યા છે. ફિલ્મકારોને લાગ્યું હતું કે જો નેશ દવાઓ નથી લેતા તેમ બતાવીશું તો સ્કિઝોફ્રેનિયાના દર્દીઓ દવા લેવાનું બંધ કરી દેશે. નેશ એવું પણ કહેતા હતા કે સાઇક્રોટ્રોપિક ડ્રગ્ઝને વધુ પડતાં સારાં બતાવવામાં આવે છે (પણ તેમ છે નહીં). તેમની આડ અસરોને ધ્યાનમાં લેવાતી નથી. બંનેના છૂટાછેડા થઈ ગયા હતા તેમ છતાં, નેશને સાજા કરવામાં એલિશિયાનો પણ ફાળો  હતો. એલિશિયાના કારણે નેશ પ્રિન્સટનના ગણિત જૂથમાં જવા લાગ્યા. નેશના પાગલપણા છતાં ત્યાં તેને સ્વીકારવામાં આવ્યા. એલિશિયાએ પોતાના નિવાસસ્થાનમાં બહારની બાજુએ (જેમ કોઈ ભાડુઆતને રાખવામાં આવે તેમ) નેશને રાખ્યા. એલિશિયા પોતે કમ્પ્યૂટર પ્રોગ્રામર તરીકે કામ કરવા લાગી. કેટલાક પૂર્વ સાથીઓએ તેમને સંશોધન પ્રોજેક્ટ પણ અપાવ્યા, પરંતુ નેશે તે સ્વીકાર્યા નહીં. યુ.સી. એલ. એ. (કેલિફોર્નિયા યુનિવર્સિટી)ના પ્રોફેસર શેપ્લીએ તેમને ગણિતનું રોકડ ઈનામ અપાવડાવ્યું. નેશને યુનિવર્સિટીનાં કમ્પ્યૂટરોનો ઉપયોગ કરવાની છૂટ પણ મળી. સેમિનારમાં પણ તેમને આમંત્રણો અપાતાં. આ બધાના કારણે ધીમે ધીમે નેશમાં સુધારો થવા લાગ્યો. તે પછી તેઓ ફરી ગણિતનું કામ કરવા લાગ્યા. તેઓ સાજા થઈ ગયા તેનો તે મોટો સંકેત હતો. પ્રિન્સટનમાં પણ જવા લાગ્યા.

નોબેલ પારિતોષિક આપવા માટે નોબેલ સમિતિ ૧૯૮૫થી વિચારી રહી હતી. તેમના પ્રદાન અને તેમના માનસિક સંતુલન બંને ચકાસી રહી હતી. છેવટે ૧૯૯૪માં તેમને નોબેલ મળ્યું. ૨૦૦૧માં નેશ અને એલિશિયાએ ફરી લગ્ન કર્યાં. બંનેનો પ્રેમ તો જુઓ. બંનેનું મૃત્યુ પણ આ કાર અકસ્માતમાં સાથે જ થયું!

(ગુજરાત ગાર્ડિયનની શનિવારની સાયન્સ પૂર્તિમાં આ લેખ તા. ૨૯/૫/૧૫ના રોજ છપાયો).

national

કૈલાસ સત્યાર્થીએ પરંપરાગત શેતરંજીઉદ્યોગની પથારી કઈ રીતે ફેરવી?

નોબેલના શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી વિશે મેં અગાઉ બે પોસ્ટ લખી :

(૧) કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ

(૨) કૈલાસ સત્યાર્થી વિશે ફોર્બ્સની પત્રકારનો ચોંકાવનારો ભાંડાફોડ

અને હવે આ ત્રીજો લેખ છે. કૈલાસ સત્યાર્થી વિશે દિલ્હી, બિહાર અને ઉત્તર પ્રદેશથી નીકળતા અખબાર ‘ચૌથી દુનિયા’ અખબારમાં જે લેખ છપાયો છે તે ‘ફોર્બ્સ’માં મેઘા બહરીએ કરેલા રહસ્યસ્ફોટ (ઘણા ગુજરાતી પત્રકારો હિન્દીનું જોઈ, આ શબ્દના બદલે ખુલાસો શબ્દ વાપરે છે, જે ખોટું છે. ગુજરાતીમાં ખુલાસો એટલે ચોખવટ, સ્પષ્ટતા.) કરતાંય ચોંકાવનારો છે. શું કહે છે ‘ચૌથી દુનિયા’?

એ.યુ. આસિફ નામના પત્રકારે લખેલો અહેવાલ વાંચો : કોઈ પણ દેશ અને સમાજની કરોડરજ્જુ તેની આર્થિક સ્થિત હોય છે. ૧૯૯૧માં કોંગ્રેસ સરકારના નાણા પ્રધાન ડૉ. મનમોહનસિંહ દ્વારા બજાર આધારિત નવી આર્થિક નીતિની ભારતમાં શરૂઆત થઈ. તે પછી ૧૯૯૬થી ૧૯૯૮ સુધી યુનાઇટેડ ફ્રન્ટ સરકાર તેમજ ૧૯૯૮થી ૨૦૦૪ સુધી એનડીએ સરકાર (ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પણ કહી શકાય)  આ નીતિ પર ચાલતી રહી અને ફરીથી ડૉ.મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં તો આ નીતિને વધુ જોર મળ્યું. પ્રશ્ન એ છે કે બજાર આધારિત આ આર્થિક નીતિની ગત ૨૩ વર્ષોમાં રાષ્ટ્ર અને મુસ્લિમો સહિત નબળા વર્ગો પર શું અસર પડી? કડવું સત્ય એ છે કે આ ૨૩ વર્ષમાં રાષ્ટ્રની આર્થિક સ્થિતિ સાવ કથળી ગઈ છે. ધનિક વધુ ધનિક થયો અને ગરીબ વધુ ગરીબ. તેની સાથે સાથે પછાત વર્ગના લોકોમાં પછાતપણું ઓર વધ્યું છે. સ્વાભાવિક છે કે રાષ્ટ્રની કુલ વસતિના ૧૩.૪ ટકા હિસ્સો ધરાવતી મુસ્લિમ વસતિ આ નબળા વર્ગમાં આવે છે. એ વાસ્તવિકતાને કોઈ નકારી ન શકે કે દેશના વિભાજન પછી મુસ્લિમોની કરોડરજ્જૂ તૂટી છે તેનું કારણ બજાર આધારિત આ નવી આર્થિક નીતિ છે. આ સમાજ તેના વિભિન્ન પારંપરિક ઉદ્યોગો પર વૈશ્વીકરણના ફટકાના કારણે સતત નબળો પડતો ગયો.

આવો જોઈએ કે આ પારંપરિક ઉદ્યોગ કયા હતા અને ક્યાં આગળ ફૂલેલા હતા? આ પારંપરિક ઉદ્યોગ ખરેખર તો હુન્નર પર આધારિત હતા જે પેઢી દર પેઢી એક બીજા પાસે આવતા હતા અને આગળ વધતા હતા . તે રાષ્ટ્રના વિભિન્ન ભાગોમા ફેલાયેલા હતા. ગાંધીજીએ ૨૦મી સદીના પ્રારંભમાં સ્વદેશી આંદોલનનું બ્યુગલ વગાડ્યું હતું. ગાંધીજી રાષ્ટ્રના પારંપરિક ઉદ્યોગને રાષ્ટ્રનું ગૌરવ માનતા હતા. તેમનું કહેવું હતું કે તેઓ એક તરફ રાષ્ટ્રની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે, તો બીજી તરફ આત્મનિર્ભરતા વધારે છે. આ જ કારણ હતું કે પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ મઉનાથ ભજનને હેન્ડલૂમ અને અન્ય ઉદ્યોગોના કારણે ભારતનું માન્ચેસ્ટર કહેતા હતા. આ ઉદ્યોગોમાં ભદોઈ, મિર્ઝાપુર અને અન્ય ક્ષેત્રોની શેતરંજી (કાલીન), દરી, મઉનાથ ભંજનની હેન્ડલૂમ સાડી સાથે સાથે ઈજાને મટાડનારા કુદરતી તેલ, નૂરાની તેલ, મુરાદાબાદી વાસણો, બનારસી સાડી, ફિરોઝાબાદની બંગડી, અલીગઢનાં તાળાં, આગરા અને કાનપુરના પગરખા, કોલ્હાપુરના ચપ્પલો, સૂરતમાં હીરા ઘસવાનું કામ, બેલગામમાં ગ્રેનાઇડને સુધારવાનું અને ચમકાવવાનું કામ અને ચેન્નાઈમાં ચામડાની ટેનરી નોંધપાત્ર છે.

આ પત્રકાર (આસિફ) આ નવી આર્થિક નીતિ લાગુ થવાના પ્રારંભિક સમય એટલે કે ૧૯૯૫માં ઉત્તર પ્રદેશના બનારસ, મઉનાથ ભંજન, ભદોઈ, મિર્ઝાપુર અને કોપાગજ ગયો હતો ત્યારે તેણે વિભિન્ન ઉદ્યોગોની જાળ બિછાયેલી જોઈ હતી. તે સમય હતો જ્યારે નવી આર્થિક નીતિનો પ્રભાવ આ ઉદ્યોગો પર પડવાનો શરૂ થઈ ગયો હતો.  તેમાં ભારે અજંપો હતો. જેમ કે ભદોઈ, મિર્ઝાપુર અને કોપાગજમાં કાલીન ઉદ્યોગ, જે મોટા ભાગે મુસ્લિમોના હાથમાં હતો, પર સ્વામી અગ્નિવેશ અને તેમના શિષ્ય કૈલાસ સત્યાર્થી તેમજ ત્યાર પછી સ્વામીથી જુદા પડ્યા પછી કૈલાસ સત્યાર્થીએ આક્ષેપ કરવાનું શરૂ કરી દીધું કે શેતરંજી અને દરી બનાવવાના કામમાં બાળકોને રોકાય છે. આથી તેમાં બાળકોનું લોહી જોડાયેલું છે. કહેવા માટે તો આ બાળ મજૂરી વિરુદ્ધનું આંદોલન હતું, પરંતુ તેનું નિશાન હકીકતે તો વંશપરંપરાથી ચાલ્યા આવતા આ પારંપરિક ઉદ્યોગ હતા, જે લોકો બાળપણથી જ શીખતા હતા. આ પત્રકારે દિલ્લી, તેમજ નોઈડાના અનેક ફ્લેટોમાં કૈલાસ સત્યાર્થી દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ અને શિબિરોનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં અનેક બાળકોને ભદોઈ, મિર્ઝાપુર અને કોપાગજથી લાવીને કેદ રખાતા હતા. આ બાળકોએ ડરતા ડરતા જણાવ્યું હતું કે તેમને તેમની ઈચ્છા વિરુદ્ધ પકડવામાં આવ્યા છે અને બળજબરીથી તેમને પરેશાન કરીને તેમનાં નિવેદનો અખબારોને અપાય છે. તે સમયે તપાસ પછી સાબિત થયું કે જર્મની, જે અન્ય વિદેશી રાષ્ટ્રો સાથે મશીન દ્વારા શેતરંજી બનાવે છે, તે જર્મનીને ભારતના હાથે બનાવેલી સુંદર અને આકર્ષક શેતરંજીઓના બજાર સાથે સ્પર્ધા કરવી પડતી હતી અને માર્કેટિંગમાં તકલીફો પડતી હતી. આથી અગ્નિવેશ અને કૈલાસ સત્યાર્થીને બાળ મજૂરીના બહાને ઉશ્કેરવામાં આવ્યા. પરંતુ જ્યારે સ્વામી અગ્નિવેશની પોલ ખુલ્લી પડી ગઈ (સ્વામી અગ્નિવેશનું કેન્દ્ર સરકાર સાથે મેળાપીપણું અણ્ણા હઝારેના આંદોલનમાં પણ ખુલ્લું પડ્યું હતું. તેઓ કહેવા પૂરતા જ સાધુ છે. નક્સલવાદીઓ સાથેનું તેમનું મેળાપીપણું પણ છાનું નથી.) ત્યારે તેઓ આમાંથી નીકળી ગયા. પછી કૈલાસ સત્યાર્થીએ એકલા હાથે મોરચો સંભાળ્યો અને જર્મનીએ થોપેલા એગમાર્ક આ ભારતની શેતરંજીઓ પર લગાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી. એગમાર્ક એ  વાતનું પ્રમાણ હતું કે આ શેતરંજીના વણાટમાં બાળકો જોડાયેલા નથી. આ રીતે બાળકોને શેતરંજીના વણાટમાંથી અલગ કરતાં જ હાથે વણેલી શેતરંજીના ઉદ્યોગ પર ખૂબ જ ખરાબ અસર પડવા લાગી અને હવે તો મોટા ભાગે ઠપ થઈ ગયો છે. આ સમગ્ર કાવતરું એટલા માટે કરવામાં આવ્યું જેથી ભારતીય શેતરંજી વણવાનું કામ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો પૂરવઠો ઓછો થઈ જાય અને પછી જર્મની તેમજ અન્ય રાષ્ટ્રોની મશીનો દ્વારા વણાયેલી શેતરંજી વેચી શકાય. બનારસી સાડીઓના ઉદ્યોગ માટે પણ આ કાવતરું રચવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે બનારસી સાડી આજે પણ જ્યાં બને છે તે માત્ર નામની જ બનારસી સાડી હોય છે. તેમાં કળા કારીગરીનું નામોનિશાન હોતું નથી. આ જ કારણ છે કે આ સાડીઓનું હવે પહેલાં જેટલું આકર્ષણ રહ્યું નથી અને તેનું બજાર ઘટી ગયું છે. આ કારણથી દેશમાં વિદેશી મુદ્રાની આવક ઓછી થઈ ગઈ છે. (પછી તો ડોલર સામે રૂપિયો ગગડે જ ને!) આ પરિણામ છે ૧૯૯૧માં શરૂ કરાયેલી આર્થિક નીતિનું, જેના કારણે આ ઉદ્યોગો સાથે જોડાયેલી વસ્તુઓ હવે વિદેશોતી દેશમાં અંદર આવવા લાગી અને છવાવા લાગી. આ રીતે દેશમાં મોટા ભાગના મુસ્લિમોના હાથમાં પાંગરતા ઉક્ત ઉદ્યોગ દમ તોડવા લાગ્યા અને તેની સીધી અસર સામાન્ય મુસ્લિમો પર પડી તેમજ ગાંધીજીનું દેશની આત્મનિર્ભરતાનું સપનું ચકનાચૂર થઈ ગયું. એટલું જ નહીં, આ ઉદ્યોગોમાં બનેલી અને ગાંધીજી દ્વારા વપરાયેલી વસ્તુઓની, ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં થયેલી લીલામી દરમ્યાન જે દુર્ગતિ થઈ, તે કોઈનાથી અજાણ્યું નથી. એ તો પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કમલ મોરારકા તેમાંથી કેટલીક વસ્તુઓ ખરીદીને ભારત પાછા લાવ્યા.

આશ્ચર્યની વાત એ છે કે મુસ્લિમોની કમર તોડનારી આ નવી આર્થિક નીતિની સામે ગત ૨૩ વર્ષોમાં ક્યાંય કોઈ વિરોધ કે નારાજગીનો સૂર સંભળાયો નથી. મુસ્લિમ સંગઠન અને તેના નેતાઓ એ રીતે ભારે મૌન સાધીને બેઠા છે, જાણે તેમને કંઈ ખબર જ ન હોય. જ્યારે ‘ચૌથી દુનિયા’એ કેટલાક મુસ્લિમ વિશેષજ્ઞો, વિદ્વાનો અને સંગઠનોને પૂછ્યું તો એવું લાગ્યું કે તેની ગંભીરતાનો તેમને કોઈ અંદાજ જ નથી અને તેઓ બચાવનો પક્ષ લે છે. અર્થશાસ્ત્રી અને થિંક ટેંક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑબ્જેક્ટિવ સ્ટડીઝના અધ્યક્ષ ડૉ. મંજૂર આલમ તો ઉલટું પારંપરિક ઉદ્યોગોને જવાબદાર ગણાવતા કહે છે કે તેમને આધુનિકીકરણનો ભય છે, આથી તેઓ વર્તમાન સમયમાં સ્પર્ધા કરી શકતા નથી. આલમ સરકારી યોજનાઓ લાગુ ન થવાને પણ જવાબદાર માનતા સાંસદો અને ધારાસભ્યો સાથે સરકારી અધિકારીઓ પર આક્ષેપ કરે છે. જ્યારે ઑલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસ મુશાવરતના અધ્યક્ષ ડૉ. જફરુલ ઇસ્લામ ખાં આ પારંપરિક ઉદ્યોગનું આધુનિકીકરણ ન થવાની સાથે-સાથે નવી આર્થિક નીતિને પણ પૂરી રીતે તો નહીં, પણ કંઈક અંશે જવાબદાર માને છે. તેમનું કહેવું છે કે ઉદ્યોગપતિઓને ખુલ્લી છૂટ આપી દેવાઈ છે, જે દેશના બદલે બહાર મૂડીરોકાણ કરે છે. જરૂરી એ છે કે સમાજવાદી અને મૂડીવાદી એ બંને આર્થિક વિશેષતાઓને જોડીને સંયુક્ત આર્થિક નીતિ બનાવવામાં આવે. તેમને આશા છે કે આગામી સરકાર તેના પર ધ્યાન આપશે. ઑક્સફર્ડ યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટીમાં જઈને અર્થશાસ્ત્રમાં પીએચ.ડી. કરનાર અર્થશાસ્ત્રી ડૉ. અબુજર કમાલુદ્દીન સ્પષઅટ રીતે નવી આર્થિક નીતિને પૂરી રીતે જવાબદાર ઠરાવતા કહે છે કે આ આર્થિક નીતિથી મુસ્લિમોને કોઈ ફાયદો ન થયો અને વ્યવસ્થાની નિષ્ફળતાનું તમામ નુકસાન મુસ્લિમોને આજે પણ ઉઠાવવું પડે છે. મુસ્લિમ નેતૃત્વએ પણ આર્થિક બાબતો પર ક્યારેય ધ્યાન ન આપ્યું. તેઓ કહે છે કે કોંગ્રેસ નવી આર્થિક નીતિઓને લઈને આવી અને અન્ય પક્ષોએ તેને અહીં આગળ વધવામાં સહયોગ આપ્યો. ડૉ. અબુજરને ભય છે કે જો નરેન્દ્ર મોદી સત્તારૂઢ થાય છે તો નવી આર્થિક નીતિનો વધુ આક્રમક રીતે અમલ થશે, જેમાં મોટા ઔદ્યોગિક જૂથોને છૂટ અપાશે અને આમ આદમીને લોલીપોપ પર જ નિર્ભર થવું પડશે. મુસ્લિમોએ વર્તમાન પડકારનો સામનો કરવા કોઈ તૈયારી નહોતી કરી, તેથી તેમની આર્થિક સ્થિતિ હજુ વધુ બગડશે.

(નોંધ: ‘નરેન્દ્ર મોદી સત્તામાં આવશે તો…’ આ વાક્યાંશ બતાવે છે કે ‘ચૌથી દુનિયા’નો આ લેખ કૈલાસ સત્યાર્થીને નોબેલ જાહેર થયાના ઘણા સમય પહેલાં લખાયેલો છે, એટલે એમ માનવાને કારણ નથી કે કૈલાસને નોબેલ મળવાથી દ્વેષયુક્ત લેખ લખાયો છે.)

‘ચૌથી દુનિયા’નો મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો:

नई आर्थिक नीति का विरोध क्यों नहीं?

 

national

કૈલાસ સત્યાર્થી વિશે ફોર્બ્સની પત્રકારનો ચોંકાવનારો ભાંડાફોડ

અગાઉની પોસ્ટમાં મેં લખ્યું હતું કે નોબેલ પુરસ્કાર પાછળના ઈરાદા ‘નોબલ’ (ઉદ્દાત) નથી હોતા. તેની પાછળ જે-તે દેશને ખરાબ ચિતરવાનો ઈરાદો હોય છે. કૈલાસ સત્યાર્થીને નોબેલ આપવા પાછળનો ઈરાદો એવો હોઈ શકે કે હમણાં હમણાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત મહાસત્તા બનવા ભણી હોવાની વાતો ઉત્સાહથી કહેવાય છે અને ખાસ તો મોદીએ અમેરિકાના મેડિસન સ્ક્વેરમાં જે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું તેનાથી અમેરિકા ચોંકી ગયું હશે. માનો કે, મોદીની એ લોકોને પરવા પણ નથી (કમળાના કેટલાક રોગીઓ આવું કહેશે) તો પણ મંગળ પર પહેલા જ પ્રયાસે આપણે યાન મોકલ્યું તે વાત પણ પચી ન હોઈ શકે. ટૂંકમાં, કૈલાસ સત્યાર્થીને નોબેલ આપવા પાછળ શુભ ઈરાદો તો લાગતો જ નથી.

અને કોઈ વાર કોઈનું પરાણે સ્વાગત કરવું જ પડે તેમ હોય ત્યારે ઘરના લોકો તેમના છોકરાને મહેમાનની ટીખળ કરવા ચોંટિયો ભરે અને પછી કહે કે છોકરાનું ખોટું ન લગાડશો. તેમ કૈલાસ સત્યાર્થીને પુરસ્કાર તો અપાઈ ગયો હવે તેમની પોલ ખુલ્લી પાડતો એક લેખ ફોર્બ્સ સામયિકમાં એક ભારતીય પત્રકાર, નામે મેઘા બહરીએ લખ્યો છે. આ પત્રકારે ફોર્બ્સમાં પોતાનો જાત અનુભવ વર્ણવતા લખ્યું છે કે કૈલાસ સત્યાર્થીની સંસ્થા ભારતમાં બાળ મજૂરીના મોટા મોટા (અને ખોટા પણ) દાવા કરે છે જેથી તેને વિદેશમાંથી મોટું ભંડોળ મળે. (ભારતમાં કામ કરતી મોટા ભાગની એનજીઓ આ જ મોડસ ઓપરેન્ડીથી કામ કરતી હોય છે.)

ફોર્બ્સ મેગેઝિન જે મૂળ તો અમેરિકન મેગેઝિન છે તેણે કૈલાસ સત્યાર્થીને નીચું દેખાડવા પ્રયાસ કર્યો હોઈ શકે અથવા તો મેઘા બહરીની વાત સાચી હોય તો નોબેલ પુરસ્કારની વિશ્વસનીયતા પર સવાલ ઊભો થાય છે.

મેઘા બહરીનો લેખ વાંચો:

“વાત ૨૦૦૮ની છે. હું ફોર્બ્સ મેગેઝિન માટે ભારતમાં પશ્ચિમી કંપનીઓ દ્વારા બાળ શ્રમના ઉપયોગ અંગે એક લેખ તૈયાર કરી રહી હતી. મેં આંધ્રપ્રદેશના મોન્સાન્ટોના મોન-૦.૯% કપાસના ખેતરથી રાજસ્થાન અને દિલ્હીની ઝૂંપડીઓ સુધી મુસાફરી કરી હતી અને તે પછી ઉત્તર પ્રદેશમાં સાદડીના પટ્ટામાં ગઈ હતી. દરેક ઠેકાણે મેં બાળકોને કરુણ અને જોખમી સ્થિતિમાં આકરી મહેનત કરતા, ઉત્પાદનો બનાવતા જોયાં જે અમેરિકા અને વિશ્વના અન્ય ભાગોના ગ્રાહકો ખરીદે તે માટે બનાવાતાં હતાં. અને બદલામાં તેમને થોડાક પૈસા મળતા હતા.
ભારતમાં બાળ શ્રમ ગંભીર સમસ્યા છે અને એમ જોવા જાવ તો આ અનેક વિકાસશીલ દેશોમાં ગંભીર સમસ્યા છે. નોબેલ સમિતિએ આજે કૈલાસ સત્યાર્થી કે જે, તેમની સ્વૈચ્છિક સંસ્થા બચપન બચાવો આંદોલન દ્વારા બાળ અધિકારો અને બાળકોના વેપાર અંગે ઝુંબેશ ચલાવી આ વૈશ્વિક સમસ્યા (આ શબ્દો ખાસ ધ્યાન રાખો, આ એકલા ભારતની સમસ્યા નથી, વૈશ્વિક સમસ્યા છે) તરફ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે, તેમને નોબેલનો શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. (મેઘા એ ચોખવટ કરવાનું ચૂકતી નથી કે નોબેલ શાંતિ પુરસ્કાર સત્યાર્થીને એકલાને નથી મળ્યો, પણ પાકિસ્તાનની મલાલા યુસૂફઝાઈની સાથે સંયુક્ત રીતે મળ્યો છે અને પાછું મલાલાનું મહત્ત્વગાન પણ કરતા કહે છે કે મલાલા એક તરુણી છે જેને ૨૦૧૨માં તાલિબાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો કારણકે તે પાકિસ્તાનની સ્વાત ખીણમાં કન્યા કેળવણી માટે ઝુંબેશ ચલાવતી હતી).
પરંતુ સત્યાર્થી અને તેની બીબીએ (બચપન બચાવો આંદોલનનું ટૂંકું નામ) એક એવા હીરો અથવા નાયક છે જેમનામાં ઉણપો છે અને મેં તેનો જાત અનુભવ કર્યો છે.
ફોર્બ્સ માટે લેખ તૈયાર કરતી વખતે હું બીબીએના પ્રતિનિધિઓને (સત્યાર્થીને નહીં, તેમની નીચેના) મળી હતી. બીબીએની એમ તો વિશ્વસનીયતા છે. તેણે થોડાક મહિનાઓ પહેલાં જ ગેપ ઇન્ક.ના પેટા ઠેકેદાર દ્વારા બાળ શ્રમનો ઉપયોગ ઉઘાડો પાડ્યો હતો. બીબીએના પ્રતિનિધિએ મને જણાવ્યું કે ગારમેન્ટ ક્ષેત્ર સિવાય બીજું એક ક્ષેત્ર છે- ઉત્તર પ્રદેશનો સાદડી પટ્ટો જ્યાં બાળ શ્રમ એ ખૂબ જ વકરેલી સમસ્યા છે. મને એ ભાઈના શબ્દો આજની તારીખે પણ યાદ છે : દરેક ઘર, દરેક ગામમાં બાળકો નિકાસ માટે સાદડીઓ બનાવે છે.
મેં કહ્યું, મને બતાવો.
અમે દિલ્હીથી રવાના થયા અને કેટલાંક ગામ આસપાસ ફર્યા, પરંતુ મેં માત્ર મોટી (પુખ્ત) ઉંમરના લોકોને જ સાદડી વણતા જોયા. મારી શંકાનો ખ્યાલ આવી જાય તેમ હતો અને મારા સવાલો વધુ પ્રસંગોચિત હતા, તેથી તે ભાઈ મને છેવટે એક ઘરમાં લઈ ગયો અને મને કહ્યું કે તે (ભાઈ) પહેલાં જઈ આવે છે, ત્યાં સુધી મારે કારમાં બેસવું. મારી નજરે મને અહીં જ કંઈક દાળમાં કાળું લાગ્યું. આથી હું તરત જ તેની પાછળ ગઈ. ઘરના ફળિયામાં મેં બે છોકરાઓને જોયા, લગભગ છએક વર્ષની આસપાસની ઉંમર હશે. તેઓ એક લૂમ પાસે બેઠા હતા. જ્યારે મેં તેમને વણાટકામની તેમની આવડત બતાવવા પૂછ્યું ત્યારે તેમને કંઈ ખબર જ ન પડી. વધુ અગત્યનું એ છે કે તેઓ ભૂખરા રંગની ચડ્ડી અને શર્ટ પહેરેલા હતા જે ભારતમાં ઘણી શાળાનો ગણવેશ હોય છે.
સમસ્યા એ છે કે તમે જેટલાં વધુ બાળકોને (બાળ શ્રમમાંથી) “ઉગારેલા” બતાવો, તેટલું વધુ ભંડોળ તમને વિદેશમાંથી મળે. એનો અર્થ એ નથી કે ભારતમાં બાળ શ્રમ એ ગંભીર સમસ્યા નથી. તે છે જ. અને હકીકત એ છે કે દર વખતે જ્યારે તમે આયાત કરેલી હાથ વણાટની સાદડી, ભરતકામવાળા જીન્સ, મોતીવાળા પર્સ, શણગારેલા ખોખા કે ફૂટબોલ લો છો ત્યારે પૂરી સંભાવના છે કે તમે તે બાળકે બનાવેલી વસ્તુ લઈ રહ્યા હો છો.
અને હા, સાદડી ઉદ્યોગમાં પણ બાળ શ્રમ છે જ (દુઃખની વાત એ છે કે તે હજુ પણ છે અને વધી રહી છે). બીબીએના માણસો સાથે વાત કરીને, હું મારી રીતે ફરી અને મેં ૧૪ વર્ષના રકીલ મોમીનને મિર્ઝાપુરમાં લૂમ પર કામ કરતો જોયો. તે ચોથી ચોપડી ભણીને ઉઠી ગયો હતો. તેનાં માતાપિતા પશ્ચિમ બંગાળમાં હતા અને તે એક વર્ષથી વણાટકામમાં કામ કરતો હતો. તે સવારના છ વાગ્યાથી રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરતો અને મહિને ૨૫ ડોલર કમાતો. તે ક્રિકેટ ફેન હતો અને તેને દુઃખ હતું કે તે તેના ગામના તેના મિત્રો સાથે ક્રિકેટ રમી શકતો નહોતો.
આ બધું કહેવાનો અર્થ એ નથી કે બીબીએ સારું કામ કરતી નથી. તે કરે છે, પણ તે ઉણપવાળી છે અને આપણે તેનાથી સચેત થવાની જરૂર છે.”

અંગ્રેજીમાં વાંચો :

My Experience With Kailash Satyarthi’s Bachpan Bachao Andolan Was Anything But Nobel-Worthy

national

કૈલાસ સત્યાર્થી માટે હરખાવા જેવું નથી : નોબેલ પાછળના છળકપટ

આપણે ભારતીયો, અંગ્રેજોની માનસિક ગુલામીમાં એટલા બંધાઈ ગયા છીએ કે તેમની અંગ્રેજી ભાષા, તેમની સંસ્કૃતિ (અથવા કહો કે વિકૃતિ), તેમના ધોળા રંગ, વગેરે બાબતોથી અંજાઈ જઈએ છીએ. આપણને અમેરિકા જ સારું લાગે છે. કેટલાક ગુજરાતી ‘કટારઘસુ’ તો પોતાના મોટા ભાગના લેખમાં પોતે અમેરિકા જઈને શું-શું કરી આવ્યા એ લખે અને પોતાને અમેરિકાની સરકાર કે ફલાણી મોટી સંસ્થા (જેનું નામ પણ ભૂજિયો અમેેરિકનભાઈ પણ કદાચ જાણતો ન હોય)એ આમંત્રણ આપ્યું તો આપણે ગયા (પછી ભલેને પોતાના કાવડિયે ગયા હોય) એવું ઘસડી નાખે. અમેેરિકામાં ‘બધી’ વાતે છૂટો દોર છે એ એમને ગમતું હોય છે. તો ભાઈ, એક કામ કરોને, તમે કાયમ માટે અમેરિકા જ સ્થાયી થઈ જાવ ને? અહીં ગુજરાતમાં શું કામ પડ્યા પાથર્યા રહો છો? કારણ એ જ હોય કે તેઓ જે માને છે કે તેમને બહુ બધા લોકો વાંચે છે તે પછી એમને અમેેરિકામાં વાંચે કોણ?

ચાલો, આપણે વાત અંગ્રેજોની માનસિક ગુલામીની કરવી છે. અને અત્યારે આ માનસિકતાના કારણે જ દેશમાં કૈલાસ સત્યાર્થીને નોબલ મળ્યું તેનો જયજયકાર થાય છે. રાતોરાત કૈલાસ સત્યાર્થીના ભાવ ઊંચકાઈ ગયા છે. અત્યાર સુધી કોઈ મિડિયા એની છિંકણીય લેતું નહોતું, ને હવે એના ઇન્ટરવ્યૂ લેવાય છે અને એણે કયું મહાન કામ કર્યું તે બતાવાય છે.

કૈલાસ સત્યાર્થીનું કામ મહાન હશે, તેમણે બાળકો માટે ઘણું કર્યું છે એની ના નહીં, પરંતુ વાત નોબલ પુરસ્કાર પાછળના ઈરાદાઓની છે. નોબલ અને ઓસ્કાર જેવા એવોર્ડ એ પાશ્ચાત્ય જગત એટલે કે અમેરિકા, બ્રિટન વગેરે મૂળ અંગ્રેજોના વર્ચસ્વવાળા છે. એ લોકોએ આ એવોર્ડનું મહત્ત્વ એટલું બધું પ્રસ્થાપિત કરી દીધું છે (અને એનું કારણ મોટા ભાગનાં પ્રસાર માધ્યમો તેમના હાથમાં છે) કે એ એવોર્ડ મળે એટલે જંગ જીત્યાનો અહેસાસ થાય. પરંતુ હકીકત એ છે કે આ એવોર્ડ પાછળ અમેરિકા વગેરે દેશોના ચોક્કસ (બદ) ઈરાદા હોય છે.  તેઓ ભારત-પાકિસ્તાન જેવા ત્રીજા વિશ્વના ગણાતા દેશોમાંથી કોઈને આવા એવોર્ડ આપે કે મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ બનાવે તે પાછળ કાં તો એ દેશને કે તેના શાસકને નીચા દેખાડવાનો હેતુ હોય ક્યાં તો એ દેશમાં બજાર ઊભું કરવાનો ઈરાદો હોય.

જેમ કે ૯૦ના દાયકામાં ઉપરાઉપરી ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, લારા દત્તા, પ્રિયંકા ચોપરા, દિયા મિર્ઝા વગેરેને મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ, મિસ એશિયા પેસિફિક, મિસ અર્થ વગેરે ખિતાબોની છૂટા હાથે લહાણી કરાઈ. ત્યાં સુધીમાં ભારતમાં સૌંદર્ય પ્રસાધનોનું ખાસ બજાર નહોતું. લોકો વાળ પણ શિકાકાઈ સાબુથી ધોતા હતા. કંડિશનર તો શું શેમ્પૂય નહોતા લેતા. અને નહાવાના સાબુનો ઉપયોગ ખાસ નહોતો. દાંત ઉજળા કરવા દાતણ ઘણા ઘરમાં વપરાતાં. અેનાથી ઘણા નાના નાના લોકોની રોજગારી પણ ચાલતી. પણ હવે તો ટૂથપેસ્ટેય અલગ-અલગ  હેતુ માટે અલગ-અલગ આવે છે. હવે તો આગળ વધીને પર્ફ્યૂમનું માર્કેટ ઊભું કરી નાખ્યું છે. અને આવા બધાં પ્રસાધનોની જે જાહેરખબર બતાવાય છે તે એવી હોય છે કે તેની જાણેઅજાણે આપણા લોકોના મન પર અસર થતી હોય છે, પરિણામે રહેનસહેન, ખાણીપીણી, વિચાર-આચાર બધું છેલ્લા દાયકામાં જેટલું બદલાયું છે તેટલું બદલાતા અગાઉ વર્ષોના વર્ષો નીકળી ગયાં હતાં.

નોબેલ પુરસ્કાર આમ તો, અંગ્રેજોના મળતિયા દેશો, અમેરિકા, જાપાન, કોરિયા, ફ્રાન્સ, સ્વીડન, વગેરેને જ અપાય છે, પરંતુ આ દેશોના જે કેટલાક સ્વાર્થ સાધવાના હોય તે માટે આ મંડળી સિવાયના દેશોના લોકોને પણ નોબેલના ટુકડા ફેંકવામાં આવે છે. જેમ કે, ચીનના લિઉ શિયાબાઓને ૨૦૧૦નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આની પાછળ લિઉ શિયાબાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કરી તેની (ચીનની  સરકારની નજરમાં) દેશદ્રોહી પ્રવૃત્તિને વેગ આપવાનો ઈરાદો હતો. અમેરિકાને ચીન આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલે ચીનમાં કોઈ વિદ્રોહી પ્રવૃત્તિ કરે તો તે અ્મેરિકાનું માનીતું બની જ જાય.

૨૦૦૯ની સાલમાં નોબેલ શાંતિ પુરસ્કાર અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને મળ્યો હતો. હવે ઓબામા હજુ નવેમ્બર ૨૦૦૮માં સત્તારૂઢ થયા હતા ને એમણે એવો કંઈ મોટો મીર નહોતો માર્યો, છતાં તેમને ૨૦૦૯નો નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.  આપણા ઘણા વૈજ્ઞાનિકોને લાયકાત હોવા છતાંં નોબેલ ધરાહાર નહોતો અપાયો. અરે, મહાત્મા ગાંધીને ક્યાં અપાયો હતો? પણ હા, રવીન્દ્રનાથ (બંગાળમાં વને બદલે બ બોલાય ને લખાય છે, એટલે એ રીતે, રબીન્દ્રનાથ) ટાગોરને ૧૯૧૩નો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ટાગોરને અંગ્રેજો તરફી માનવામાં આવતા હતા. આપણે જે આજે રાષ્ટ્રગીત તરીકે ગાઈએ છીએ તે ‘જન ગણ મન’ હકીકતે રવીન્દ્રનાથ ટાગોરે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને રાણી જે ભારતની મુલાકાતે આવવાના હતા, તેમની ચમચાગીરીમાં લખ્યું હતું, અને અંગ્રેજોના પીઠ્ઠુ જેવા કોંગ્રેસીઓના કારણે વંદેમાતરમ્ ની જગ્યાએ આ ગીત કમનસીબે આપણા રાષ્ટ્રગીત તરીકે રહી ગયું. (નરેન્દ્ર મોદી જો ખરેખર ભારતને ક્રાંતિકારી રીતે ધરમૂળથી બદલવા માગતા હોય તો આ રાષ્ટ્રગીત બદલવું જોઈએ.) રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યકાર તરીકે મહત્તા ઓછી આંકવાનો જરા પણ હેતુ નથી. તેમણે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમોત્તમ પ્રદાન કર્યું જ છે, પરંતુ વાત નોબેલ પાછળના બદઈરાદાની છે.

નોબેલ આપવું જ હતું તો ભારતીય વૈજ્ઞાનિકો ઘણા દાવેદાર હતા. સૌ પહેલાં તો જગદીશચંદ્ર બોઝ જ દાવેદાર હતા. તેમણે ૧૮૯૫માં વાયરલેસ સિગ્નલિંગ બતાવ્યા હતા. (આજે આપણે જે વાયરલેસ ઉપકરણો વાપરીએ છીએ તે એક રીતે તેમની જ દેન કહેવાય.) તો પણ જગદીશચંદ્ર બોઝને ઈનામ ન મળ્યું. ૧૯૭૮માં નોબેલ પુરસ્કાર જીતનાર સર નેવિલ મોટ્ટે કહેલું કે બોઝે ‘એન’ અને ‘પી’ પ્રકારના સેમી કંડક્ટરો ઘણા વહેલાં શોધી નાખ્યાં હતાં. પણ વાયરલેસ કમ્યૂનિકેશન માટે નોબેલ ૧૯૦૯માં ગુજલીમો માર્કોનીને મળ્યું!

સત્યેન્દ્રનાથ બોઝે સૌથી નાના કણ પર સંશોધન પત્ર મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનને મોકલ્યો હતો. આઇનસ્ટાઇને પણ તેને અનુમોદન આપ્યું. આ પત્ર ૧૯૨૪માં ઝિત્સ્ક્રિફ્ટ ડેર ફિઝિક નામની જર્નલમાં પ્રસિદ્ધ થયો. તેનાથી નવા બોઝ-આઇનસ્ટાઇન સ્ટેટિસ્ટિક્સનો ઉદ્ભવ થયો. અને અત્યંત પ્રાથમિક અથવા સૂક્ષ્મ કણને બોઝોન નામ મળ્યું. ત્યાર પછી જે ત્રણ નોબેલ પુરસ્કાર મળ્યા તે સત્યેન્દ્રનાથ બોઝના સંશોધનના આધારે કરેલા કામ પર મળ્યા હતા. અરે! ૨૦૧૩માં નોબેલ પુરસ્કાર હિગ્ઝ બોઝોન કણની થિયરીના જનકોને મળ્યો પણ આ બોઝોન કણમાંં પ્રદાન તો સત્યેન્દ્રનાથ બોઝનું હતું, પણ કમનસીબે ભારતની સરકારેય આ બાબતે કોઈ વિરોધ ન કર્યો.  (એ વખતના આપણા વડા પ્રધાન મનમોહનસિંહ પોતે જ બ્રિટનમાં જઈને બ્રિટિશરોના ભારત પરના શાસનના વખાણ કરી આવતા હોય તેના પરથી જ સમજી શકાય કે ભારતને મળેલા ૯૯ ટકા વડા પ્રધાનો અંગ્રેજોના માનસિક ગુલામ જ હતા, એટલે આવા વિરોધની અપેક્ષા તેમની પાસે વધુ પડતી કહેવાય.)

પંજાબમાં જન્મેેલા નરેન્દ્રસિંહ કપનીને ફાધર ઓફ ફાઇબર ઓપ્ટિક્સ કહેવાય છે. પરંતુ વીજળીના પ્રસાર માટે ફાઇબરના ઉપયોગ બદલ નોબેલ ઈનામ ચાર્લ્સ કાઓને મળ્યું. જેને બહુ માનની નજરે જોવાય છે તેવા ફોર્બ્સ મેગેઝિને પણ ૨૦મી સદીના અપ્રસિદ્ધ નાયક (Unsung heroes of 20th century) નામના લેખમાં કપનીનો ઉલ્લેખ કર્યો છે.

ઓસ્કારની વાત કરીએ તો, આપણી સારી સારી ફિલ્મોને ઓસ્કાર મળતો નથી પણ ડેની બોયલેની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ જે આપણી કોઈ ચીલાચાલુ મસાલા ફિલ્મથી ચડિયાતી નહોતી તેને ઓસ્કાર મળ્યા. અરે! તેમાં સંગીત સાવ ચીલાચાલુ કક્ષાનું હતું (અને એ.આર. રહેમાને અગાઉ અનેક ફિલ્મોમાં તેના કરતાં સારું સંગીત આપેલું )તો પણ રહેમાનને (વાંચો: (૧) રહેમાનને ઓસ્કર…કહેને કો જશ્ન એ બહારા હૈ, (૨) માન ન માન, તૂ મેરા રહેમાન) ઓસ્કાર આપવામાં આવ્યો. ગુલઝારને પણ મળ્યો. (ફિલ્મફેર એવોર્ડ અને અન્ય એવોર્ડ પણ એવા જ છે.)

અત્યારે કૈલાસ સત્યાર્થીને જે પુરસ્કાર મળ્યો તેની પાછળ પણ ક્યાંક હેતુ એવો જ છે કે ભારતમાં બાળમજૂરી કેટલી બધી છે તે દુનિયાને દેખાડવું . પાકિસ્તાનમાં પણ મલાલા યુસૂફ ઝાઈને લોકો બળવાખોર તરીકે જ જુએ છે. એટલે એ સમજી લેવું જોઈએ કે નોબેલ પાછળના ઈરાદા નોબલ નથી. અને હા, હવે નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે આવ્યા છે, જે કોઈ પણ પ્રસંગ ભવ્યાતિભવ્ય યોજી શકે તેવી ત્રેવડ ધરાવે છે, તો શા માટે ભારત જ તેના નોબલ અને ઓસ્કાર ચાલુ ન કરે?