film, film review

રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

તાળીઓ, તાળીઓ, તાળીઓ! રાજકુમાર હિરાણી માટે હાથ ન તૂટી જાય ત્યાં સુધી તાળીઓ!

ખરેખર માનવું પડે ભાઈ, શું સ્ટૉરી ટેલિંગની આવડત છે! શું રોવડાવવાની કુશળતા છે! શું સંવાદો લખવાની નિપુણતા છે! સંજય દત્તનાં કાળાં કૃત્યોને શું સફાઈપૂર્વક સફેદ કરી બતાવ્યાં!

પહેલી સ્પષ્ટતા કરી દઉં કે સંજય દત્તની ફિલ્મો વિરુદ્ધ આ લેખ નથી. સંજય દત્તની ‘રોકી’થી લઈને ‘ઑલ ધ બેસ્ટ’ સહિત ઘણી ફિલ્મો મને ગમે છે. સુનીલ દત્ત નખશીખ સજ્જન અને લોકકલ્યાણનાં કામો કરનારા તેમજ નરગીસ હિન્દી ફિલ્મોનાં શ્રેષ્ઠ અભિનેત્રી પૈકીનાં એક હતાં તે સ્વીકાર્યું, પણ તેના કારણે સંજય દત્તની નિર્દોષતા પ્રમાણિત નથી થઈ જતી. એ પણ સ્વીકાર્યું કે સંજય દત્તે કેટલાંક સારાં કામો પણ કર્યાં જ હશે, તેના કારણે તેનાં પાપો ધોવાઈ ન જાય. આ લેખ કલ્ચરલ માર્ક્સિસ્ટો દ્વારા કઈ રીતે કલાનો ઉપયોગ કરીને સારાને ખરાબ અને ખરાબને સારા દેખાડવાની પ્રવૃત્તિ થાય છે તેના પર છે. કલ્ચરલ માર્ક્સિસ્ટ સમીક્ષકો પણ ગયા અઠવાડિયે લખ્યું હતું તેમ ‘પ્રેમ રતન ધન પાયો’, ‘ઈન્દુ સરકાર’ કે ‘પરમાણુ’માં ખામીઓ શોધી કાઢી પણ ‘સંજુ’ની પ્રશંસા કરતા થાકતા નથી. જોકે રણબીર કપૂર, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, વિકી કૌશલ બધાના અભિનયની પ્રશંસા થવી જ જોઈએ.

‘સંજુ’ ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી…એકેક દૃશ્યમાં રાજુ હિરાણી અને અભિજાત જોશીની ‘મહેનત’ લેખે લાગે છે. પહેલાં જ દૃશ્યમાં સંજય દત્તની કોઈ ગીતકાર ડી. એન. ત્રિપાઠીએ લખેલી આત્મકથાનું પહેલું પ્રકરણ વાંચતાં મહાત્મા ગાંધી સાથે તેની સરખામણી કરાયેલી છે. આ રીતે મજાકમાં પણ દર્શકોના મગજમાં એક છૂપો સંદેશ (subtle message) જાય છે કે વાત તો સાચી છે.

સંજય દત્તને સજાના સમાચાર આવે છે ત્યારે તેનાં બાળકોને દેખાડવામાં આવે છે. બાળકોને ત્રાસવાદી પિતાનાં બાળકો કહેવામાં આવશે તેવા ભયથી સંજય દત્ત આપઘાત કરવા જાય છે અને પછી પત્ની દ્વારા રોનાધોના! આ ન્યાયે તો કોઈ પણ ત્રાસવાદીને, હાફીઝ સઈદ, અજમલ કસાબ, કે પછી દિલ્લીની ગેંગ રેપના બળાત્કારીઓ સહિતના ગુનેગારો પ્રત્યે પણ તેમનાં બાળકોની આડશે સહાનુભૂતિ ઊભી કરી શકાય.

વેશ્યાઓ સહિત ૩૦૮ સ્ત્રીઓ સાથે સહશયન કરનાર સંજય દત્તને કેવી સિફતપૂર્વક સારો માણસ બતાવી શકાય તે કળા રાજકુમાર હિરાણી પાસેથી શીખવા જેવી છે. માતા કેન્સરની જીવલેણ બીમારી સાથે ન્યૂ યૉર્કની હૉસ્પિટલમાં દાખલ છે અને તેવા વખતે પોતે પોતાના પહેલી વાર જ મળેલા મિત્ર સાથે ટૉપલેસ ડાન્સરની ક્લબમાં ઉપડી જાય અને ત્યાં ડ્રગ લઈ ડાન્સર સાથે રાત વિતાવવા ઈચ્છા વ્યક્ત કરે તેમ છતાં સંજય દત્ત મહાન! પોતાના મિત્રની પ્રેમિકા સાથે સહશયન કરે તેમ છતાં સંજય દત્ત મહાન! વાહ રાજુભાઈ!

રાજુ હિરાણીની ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘પીકે’ હોય કે પછી ‘સંજુ’, દરેકમાં નાયિકાના પિતાને ખલનાયક ચિતરવામાં આવ્યા છે. રાજુભાઈ વિશે પ્રાપ્ય માહિતી મુજબ, રાજુ હિરાણીને દીકરી નથી. પરંતુ જો હોત તો તેમને પ્રશ્ન કરવાનું મન થાત કે શું તેઓ તેમની દીકરીને સંજય દત્ત જેવા ડ્રગ વ્યસની, દારૂડિયા, રાત્રે ઘરમાં એક વાગે ઘૂસી આવતા કે દસ રૂપિયા (જેનું મૂલ્ય એ સમયે ખૂબ મોટું હતું)ની નૉટ ફાડતા વ્યક્તિને પરણાવત? કે પછી પાકિસ્તાનીને (પીકે ફિલ્મ) પરણાવત?

ડ્રગ્ઝ લેવાથી કેવું સારું લાગે તે પણ કેવું સુંદર રીતે બતાવ્યું છે રાજુ હિરાણીએ. આસપાસ ફૂલોનો બગીચો આવી જાય તે જોઈને અંતઃસ્ત્રાવોની અસરમાં ઉન્માદ અને ઉત્સાહ ઊછાળા મારતા હોય તેવા યુવાનો સરળતાથી આ તરફ વળે. અને ડ્રગ્ઝ માટે બહાનાં પણ સરસ આપ્યાં. પિતા ખખડાવે એટલે ડ્રગ્ઝ લેવાના, માતા મરણપથારીએ હોય એટલે ડ્રગ્ઝ લેવાના, અને પ્રેમિકા છોડીને જાય એટલે ડ્રગ્ઝ લેવાના! વાહ રાજુભાઈ! હકીકતને કેવી તોડીમરોડી છે. રૂબીનું પાત્ર જેના પરથી પ્રેરિત હોવાનું લાગે છે તે ટીના અંબાણીને પૂછજો. સંજય દત્તને ટીના મુનીમે ડ્રગ્ઝ અને દારૂની લતમાંથી છોડાવવા બહુ પ્રયાસ કરી જોયા હતા, પરંતુ જ્યારે તે ન જ સુધર્યો ત્યારે તેણે તેને છોડી દીધો હતો.

સંજય દત્ત જેમ તેની માતાને કેન્સર માટે દાખલ કરેલા ત્યારે રંગરેલિયા મનાવવા ઉપડી ગયેલો તેમ તેની પહેલી પત્ની રિચા શર્માને કેન્સરમાં મરવા છોડી દીધી હતી અને કહેવાય છે કે માધુરી દીક્ષિત સાથે લફરું કરેલું. રિચા સાથે તેણે છૂટાછેડા પણ લઈ લીધા હતા, પરંતુ જેવા સાથે તેવાની જેમ માધુરીએ ટાડામાં સંજયનું નામ આવતા તેને છોડી દીધો તેમ તે વખતે ચર્ચા હતી. રિચા ઉપરાંત તેની દીકરી ત્રિશલાની પણ કોઈ વાત ફિલ્મમાં નથી જેણે સંજય દત્તને ત્રીજા લગ્ન ન કરવા સલાહ આપી હતી અને તોય સંજયે કર્યાં. સંજયની બીજી પત્ની રિયા પિલ્લઈની પણ કોઈ વાત નથી જેણે ટાડા વખતે સહારો આપ્યો હતો. ફિલ્મમાં જેલ જવાની સ્થિતિમાં પણ લડવાની હિંમત આપતી સંજયની ત્રીજી પત્ની માન્યતા (જેનું સાચું નામ દિલનવાઝ શૈખ છે)ને જ બતાવાઈ છે.

રાજુ હિરાણી જેવા લોકો માટે પાકિસ્તાન ગમે તેટલો ત્રાસવાદ ફેલાવે, પાકિસ્તાનીઓ સારા હોય, ખરાબ હોય તો માત્ર હિન્દુઓ. લિબરલો-સેક્યુલરો-કલ્ચરલ માર્ક્સિસ્ટો જ્યારે ૨૦૦૨માં ગુજરાતનાં રમખાણોની વાત કરશે ત્યારે તેનાં કારણોની ચર્ચા નહીં કરે, પરંતુ મુંબઈમાં રમખાણો થયાં ત્યારે તે માટે રામજન્મભૂમિ પર નકામા-વણવપરાયેલા ઢાંચાના ધ્વંસ (તેને બાબરી મસ્જિદ કહેવી હળાહળ ખોટું છે, તેને વિવાદિત ઢાંચો કહેવો પણ ખોટું છે)નું કારણ આપવાનું રાજુ હિરાણી ‘સંજુ’માં ચૂકતા નથી.

સુનીલ દત્ત રમખાણોમાં મુસ્લિમોને મદદ કરે તે માટે તેમને હિન્દુઓના ધમકીના ફૉન આવે તે ભલે કદાચ સંજય દત્ત અને તેના પરિવાર તરફથી આખા કેસને પોતાના સમર્થનમાં લાવવા કહેવાયેલી કે સાચી વાત હોય તો પણ તેના કારણે પિતાની સુરક્ષા માટે એકે ૫૬ રાઇફલ દાઉદની ત્રાસવાદી ટોળી તરફથી લેવી તે વાત ગળે ઉતરતી નથી. સૉરી રાજુભાઈ! યૉર જૉબ ઇઝ નૉટ ડન!

તમે કદાચ સંજય દત્તે ટાડા ન્યાયાલયને આપેલી જુબાની (તમે ફિલ્મવાળાઓ શું કહો તેને? ઈકબાલિયા બયાન) નહીં વાંચી હોય (અથવા ઈરાદાપૂર્વક અવગણી હશે) જેમાં સંજય દત્તે સ્વીકાર્યું છે કે તેની પાસે ત્રણ ફાયર આર્મ હતાં જ અને તે તેના પિતાની સુરક્ષા માટે નહોતાં! તેના શિકારના શોખ માટે હતાં. અને માનો કે તેને તેના પિતાની સુરક્ષાની ચિંતા હતી જ, તો પણ તેની પાસે તો બે રાઇફલ અને એક ગન હતી જ. એકે-૫૬ લેવાની શું જરૂર પડી? શું બે રાઇફલ અને ગન ધરાવતો સંજય દત્ત નાનો કીકલો હતો કે તેને એકે-૫૬ વિશે કોઈ ગતાગમ જ ન હોય? આ પ્રશ્ન સંજય દત્તને નહીં, પરંતુ રાજુ હિરાણી તમને અને અભિજાત જોશી, તમને છે. કારણકે આ આખો કેસ ટાડા કૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ચાલીને સંજય દત્તને સજા થઈ છે. તે સજા પૂરી કરીને આવ્યો તેના લીધે આ કેસને ખોટી રીતે રજૂ કરવાનો તમને કોઈ હક નથી, પછી ભલે સંજય દત્તે પેલી આત્મકથા લેખિકા વિની ડાયઝને જેમ પૈસા આપી આત્મકથા લખાવી તેમ તમને પણ કદાચ આપ્યા હોય.

ફિલ્મમાં તમે સરકાર અને જેલને તો ખરાબ ચિતરી દીધી છે! તે વખતે કૉંગ્રેસની સરકાર કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં હતી! કોઈ રાજકારણીઓ-પ્રધાનોએ સુનીલ દત્તને મદદ ન કરી તે માટે તમે તેમને ખરાબ ચિતર્યા છે. શું આવા કેસમાં કૉંગ્રેસના પ્રધાનોએ સંજય દત્તને મદદ કરવી જોઈતી હતી? કૉંગ્રેસના નેતાઓ ક્યાં છે? તમારી સરકારોને રાજુ હિરાણી ખરાબ દર્શાવે છે અને તમે ચલાવી લો છો? શું માત્ર ઈન્દિરા-સંજય-રાજીવ પર ફિલ્મો બને તેનો જ વિરોધ કરવાનો?

ફિલ્મમાં બહુ સલુકાઈથી સંજય દત્તનો અંધારી આલમમાં કોઈ દોસ્ત જ નથી તેમ દર્શાવાયું છે. સુનીલ દત્ત (પરેશ રાવલ) સંજય દત્ત (રણબીર)ને કહે છે, “અંડર વર્લ્ડ સે દોસ્તી કરોગે તો પ્રેસવાલે પીછે પડેંગે હી ના?” ત્યારે સંજય દત્ત એકદમ નિર્દોષતાથી કહે છે, “મેરા કૌન સા દોસ્ત હૈ અંડર વર્લ્ડ મેં ડેડ?” અને પછી જે નામ આવે છે તે મુંડુ દાદા (વાસ્તવિક જીવનમાં અરુણ ગવળી)નું છે અને અંધારી આલમ સાથે દોસ્તીનું કારણ તેમના તરફથી જીવનું જોખમ હોવાનું કહેવાય છે. જો સંજય દત્તે ખરેખર પોતાનો જીવ બચાવવા નામ માત્રના સંબંધ અંધારી આલમ સાથે હોત કે માત્ર ખંડણી આપી હોત તો વાત જુદી જ હતી, પરંતુ તેવું નથી.

ફિલ્મમાં સંજય દત્ત કહે છે કે તે દુબઈ ગયો હતો પણ ડરના લીધે. પરંતુ તેને તેના પિતાના સમજાવવાથી મુંડુદાદાનો ડર નથી લાગતો. તે કેસરી ખેસ સાથેના ગુંડાઓના સરદાર મુંડુદાદા (અરુણ ગવળી)ને કહે છે કે તેણે તેને ગોળી મારવી હોય તો મારી દે પણ તે ગણપતિ વિસર્જનમાં તો નહીં જ આવે. આવી હિંમત દુબઈના ડોન દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ અને અબુ સાલેમની આગળ કેમ ન દેખાડી શક્યો?

ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમનો નામ સાથે કે નામ વગર નક્કર કોઈ ઉલ્લેખ નથી તેનાથી આ ફિલ્મને પડદા પાછળ કોનું સમર્થન હોઈ શકે કે ખ્યાલ આવી જાય. ૨૦૦૦ના વર્ષમાં છોટા શકીલ સાથે સંજય દત્ત, નિર્દેશક-અભિનેતા મહેશ માંજરેકર અને નિર્માતા-નિર્દેશક સંજય ગુપ્તા આ ત્રિપુટીની વાતચીતની ટેપ જ યૂટ્યૂબ પર છે. તેનો કોઈ ઉલ્લેખ નથી. આ ટેપ ટાડા હેઠળ સજા થોડા સમય માટે ભોગવી આવ્યા પછીની છે, અર્થાત્ તે પછી પણ સંજય દત્ત સુધર્યો નહોતો અને અંધારી આલમ સાથે તેણે સંબંધ ચાલુ રાખ્યા હતા. તેમાં ઋત્વિક રોશનને મારવાની વાત ચર્ચાઈ હતી, ગોવિંદાની લૅટ લતીફી વિશે વાત થઈ હતી અને મહેશ માંજરેકરે છોટા શકીલ પર ફિલ્મ બનાવવાની વાત કરી હતી.

સંજય દત્ત ત્રાસવાદી નથી, માત્ર તેને ગેરકાયદે શસ્ત્રો રાખવાના ગુનામાં જ સજા થઈ છે તેમ તમે આ ફિલ્મ દ્વારા કહેવડાવવા અને ગળે ઉતારવા માગો છો. રાજુભાઈ, પણ સંજય દત્તને શસ્ત્રો પહોંચાડનારા તમામને ટાડા હેઠળ સજા થઈ છે પરંતુ સંજય દત્તને (કૉંગ્રેસ સિવાય) તમામ પક્ષોનો ટેકો છે તેનાથી તે બચી ગયો છે. શિવસેના-ભાજપની મહારાષ્ટ્રમાં સરકાર હતી ત્યારે સુનીલ દત્ત-સંજય દત્ત બાળાસાહેબને મળી આવ્યા અને સંજય દત્તને જામીન મળી ગયા હતા! ૨૦૧૩માં કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપી સરકારમાં સંજયને જેલ થઈ ત્યારે તેને જેલમાં વારંવાર પૅરૉલ મળી છે જે બીજા કેદીઓને મળતી નથી. મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે પણ આ અંગે મહારાષ્ટ્ર સરકારને પ્રશ્ન ગત જાન્યુઆરીમાં પૂછ્યો છે કે શું બધા કેદીઓને આવી ‘સુવિધા’ મળે છે? એટલું જ નહીં, સંજય દત્ત આઠ મહિના વહેલો જેલમાંથી છૂટ્યો છે. જેલમાંથી છૂટ્યા પછી ભાજપ દ્વારા મહારાષ્ટ્ર દિનની ઉજવણીમાં મંચ પર પણ તે જોવા મળ્યો છે. તે સમાજવાદી પક્ષનો નેતા પણ રહી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તો ‘સંપર્ક ફૉર સમર્થન’ કાર્યક્રમ હેઠળ સંજય દત્તનું લોકસભા ૨૦૧૯ની ચૂંટણી માટે સમર્થન પણ માગી ચૂક્યા છે!

સૉરી, રાજુભાઈ! તમારી ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ જોઈને મને તમારામાં ઋષિકેશ મુખર્જીની છાંટ દેખાઈ હતી. કોઈ પ્રકારની અશ્લીલતા વગર, સ્થૂળ કૉમેડી વગર અને એક સંદેશ સાથે તમે એ ફિલ્મ બનાવી હતી, પણ  ‘પીકે’ પછી આ ફિલ્મ દ્વારા પણ તમે મને નિરાશ કર્યો છે. ‘લગે રહો મુન્નાભાઈ’માં પણ તમે ગાંધીગીરીનો સંદેશ લઈને આવ્યા હતા. જોકે તેમાં તમે જ્યોતિષીઓની મજાક જરૂર ઉડાવી હતી. ‘થ્રી ઇડિયટ્સ’એ ફરી તમારા માટે આશા જગાડી કારણકે શિક્ષણ પ્રણાલિ પર હળવી શૈલીમાં ચોટદાર રજૂઆત કરતી એ ફિલ્મ હતી જેનો શ્રેય ચેતન ભગતને પણ મળે જ. પરંતુ ‘પીકે’ દ્વારા તમે હિન્દુ ધર્મની મજાક, તેમાં અંધશ્રદ્ધા ઉત્પન્ન કરવાનું કામ કરેલું. તેના પર તે વખતે જ સ્વતંત્ર લેખ લખેલો તેથી તેનું પુનરાવર્તન નથી કરતો. એક ટૅક્નિકલ ભૂલ પણ કાઢી લઈએ. ગુજરાતી (કમલેશ કપાસી) બાથરૂમ-વિથરૂમ ન બોલે. એવું મરાઠીઓ બોલે. ગુજરાતીઓ બાથરૂમ-વાથરૂમ બોલે. પંજાબીઓ બાથરૂમ-શાથરૂમ બોલે. મરાઠી ઈ લગાડીને બોલે.

રાજુભાઈ, આગામી પ્રૉજેક્ટ કયો હાથ ધરો છો? હાફીઝ સઈદનો કે તંદુરી કાંડવાળા સુશીલ શર્માનો?

Advertisements
film, gujarat guardian, politics

સેન્સર બૉર્ડ અને સરકાર : લીલા હૈ ન્યારી…

 

નાચ ન આવૈ, આંગન ટેઢા. સેન્સર બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન જે ટૂંકમાં સેન્સર બૉર્ડના નામે ઓળખાય છે તેનાં અધ્યક્ષા લીલા સેમસને રાજીનામું આપી દીધું. સેમસને એવું કારણ આગળ ધર્યું કે ‘મેસેન્જર ઑફ ગોડ’ નામની બાબા રામ રહીમની ફિલ્મને તેમણે લીલી ઝંડી ન આપી તો આ ફિલ્મના સર્જકો ફિલ્મ સર્ટિફિકેશન અપીલેટ ટ્રિબ્યુનલ આગળથી પ્રમાણપત્ર લઈ આવ્યા. તેમણે સેન્સર બૉર્ડમાં ભ્રષ્ટાચાર તેમજ માહિતી-પ્રસારણ મંત્રાલયની દખલગીરીનું કારણ પણ આગળ ધર્યું. સેમસનના સમર્થનમાં બીજા બાર સભ્યોએ રાજીનામાં આપી દીધાં.

સેમસને ‘મેસેન્જર ઑફ ગોડ’ ફિલ્મનું કારણ જણાવ્યું છે, પરંતુ આ ફિલ્મ પર ભાજપ જે સરકારમાં ભાગીદાર છે તે પંજાબમાં જ પ્રતિબંધ મૂકાયો છે અને તે પણ કેન્દ્ર સરકારની સંસ્થાઓની સલાહ પર, કેમ  કે તેનાથી લોકોની ભાવનાને ઠેસ પહોંચી શકે છે. હવે જો કેન્દ્ર સરકાર દખલ દેતી હોય તો પછી તે શા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપે? ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ કરેલા ટ્વીટ મુજબ, “લીલા સેમસન પોતે કહે છે કે તેમણે મેસેન્જ ઑફ ગોડ જોઈ નથી, અને છતાં તેઓ ઈચ્છે છે કે તેના પર પ્રતિબંધ મૂકાય !’ જાણીતા લેખક પ્રીતિશ નાંદીએ પણ લીલા સેમસન સાથે અસંમતિ વ્યક્ત કરતા કહ્યું છે કે “મેસેન્જર ઑફ ગોડ ગમે તેવી બેકાર ફિલ્મ કેમ ન હોય, મને આનંદ છે કે અપીલેટ ટ્રિબ્યુનલે તેને મંજૂરી આપી છે. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વધુ અગત્યનું છે.” જોકે આવું પહેલી વાર નથી થયું કે સેન્સર બૉર્ડ પ્રમાણપત્ર આપવાની ના પાડે તો કોઈ ફિલ્મ સર્જક તેનાથી ઉપરની સત્તા એટલે અપીલેટ ટ્રિબ્યુનલમાં ગયો હોય…

મોહસીન અલી ખાન સહિત ત્રણ નિર્માતાઓએ નિર્માણ કરેલી ‘યા રબ’ ફિલ્મમાં મુસ્લિમોના બે ચહેરા રજૂ કરાયા હતા- એક શાંત ચહેરો અને બીજો ત્રાસવાદને પ્રોત્સાહન આપતો ચહેરો. આ ફિલ્મને લીલા સેમસનના નેતૃત્વવાળા સેન્સર બૉર્ડે ફિલ્મને જોવાની પણ તસદી લીધા વગર પ્રમાણપત્ર આપવા ઈનકાર કરી દીધો. (યાદ રાખો, આ જ લીલા સેમસનનું સેન્સર બૉર્ડ ‘પીકે’ને મંજૂરી તો આપે જ છે, પરંતુ તેની સામે વિરોધ થયા બાદ તેનાં દૃશ્યોમાં કાપ મૂકવાનો પુનર્વિચાર કરવાની પણ ના પાડે છે!) આ ફિલ્મના વિતરક મહેશ ભટ્ટ અને નિર્દેશક હસનૈન હૈદરાબાદવાલા (જેમણે ‘ધ કિલર’, ‘ધ ટ્રેન’ જેવી ફિલ્મો બનાવેલી) ફિલ્મ ટ્રિબન્યુલમાં ગયા અને તેને ત્યાં લીલી ઝંડી મળી. તે વખતે લીલા સેમસને કેમ રાજીનામું ન આપ્યું? આ જ રીતે ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’  નામની દસ્તાવેજી ફિલ્મને સેન્સર બૉર્ડે પ્રમાણપત્ર ન આપ્યું તો તેના સર્જક પંકજ બુટાલિયા સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. એ અલગ વાત છે કે વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ની જેમ ‘ધ ટૅક્સ્ચર ઑફ લોસ’માં પણ કાશ્મીરમાં હિંસાના ભોગ બનેલા લોકોને દેખાડ્યા હતા અને તે માટે સર્વોચ્ચે પંકજ બુટાલિયાનો ઉધડો લીધો હતો કે ફિલ્મોમાં એક જ તરફની વાત રજૂ કરવી તે ફેશન થઈ ગઈ છે કે શું? આ ઘટના પણ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૫ની જ છે. લીલા સેમસનને પંકજ બુટાલિયા સુપ્રીમમાં જાય તેની સામે વાંધો નથી.

હકીકત તો એ છે કે લીલા સેમસન સહિતના સભ્યોની મુદ્દત માર્ચ, ૨૦૧૪ના રોજ જ પૂરી થઈ જતી હતી, પરંતુ મોદી સરકારે તેમને જ્યાં  સુધી નવા લોકોની નિમણૂક ન થાય ત્યાં સુધી ચાલુ રહેવા કહી તેમની મુદ્દત વધારી આપી હતી! એટલે આમ નહીં તો આમ તેમને જવાનું હતું જ પરંતુ લીલા સેમસને જતાં જતાં વિવાદ જગાવી પોતાની નિમણૂક જેણે કરી હતી તે કૉંગ્રેસને ફાયદો કરતાં જવાનું પસંદ કર્યું, બાકી, લીલા સેમસનને તો કલાક્ષેત્ર નામની સરકારી નૃત્ય સંસ્થામાંથી પણ ક્યાં જવું હતું….તેમની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ હોવા છતાં તેઓ તેના ડિરેક્ટર પદને વળગી રહ્યાં હતાં!

લીલા સેમસને ૩૦ એપ્રિલ, ૨૦૧૨ના રોજ કલાક્ષેત્રના ડિરેક્ટર તરીકે અંતિમ દિવસ વિતાવ્યો. આ સંસ્થામાંથી તેમને કેમ રાજીનામું આપવું પડ્યું હતું તે જાણવા જેવું છે. રૂક્મિણી દેવી અરુંડલે નામનાં મહાન કલાકાર દ્વારા ૧૯૩૬માં સ્થાપિત આ સંસ્થા ચેન્નાઈ સ્થિત એકેડેમી છે. તે મુખ્યત્વે ભરતનાટ્યમના પ્રોત્સાહન રૂપે ચાલે છે. ૨૦૧૧માં આ સંસ્થાના શિક્ષક સી.એસ. થોમસે અદાલતમાં રિટ પિટિશન કરી. તેમાં તેમણે આક્ષેપ કર્યો કે લીલા સેમસનની ઉંમર ૬૦ વર્ષ થઈ ગઈ છે છતાં તેઓ તેમના પદ પર ચાલુ છે. આ સરકારી સંસ્થા હોવાથી લીલાએ નિવૃત્ત થઈ જવું જોઈએ. મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીની અધ્યક્ષતામાં કલાક્ષેત્રના બૉર્ડની બેઠક થઈ અને તેમાં આ પ્રશ્ન ઉઠ્યો. તે પછી લીલા સેમસને રાજીનામું આપ્યું.

જ્યુઇશ પિતા અને વાઇસ એડ્મિરલ તરીકે સેવા આપી ચૂકેલા બેન્જામીન અબ્રાહમ સેમસન અને અમદાવાદી કેથોલિક ખ્રિસ્તી લૈલા સેમસનનાં પુત્રી લીલા સેમસનની જ્યારે સેન્સર બૉર્ડના અધ્યક્ષા તરીકે નિમણૂક થઈ હતી ત્યારે જ વિવાદ થયો હતો. તેમની આ નિમણૂક માટે તેમની એક માત્ર લાયકાત તે વખતે યુપીએ સરકારના પડદા પાછળના (ડી ફેક્ટો) વડાં સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકાના તેઓ નૃત્ય શિક્ષિકા હતા તે જ હતી. બાકી, ફિલ્મ સાથે તેમનો કોઈ ગાઢ સંબંધ નહતો. હકીકતે નિમણૂક પછી તેમણે કહી દીધું હતું કે ભાગ્યે જ તેઓ કોઈ ફિલ્મ જુએ છે! તાજેતરમાં એનડીટીવી ચેનલ પર એક ચર્ચાના કાર્યક્રમમાં તેમણે એ સ્પષ્ટતા ફરી કરી દીધી હતી કે “બધી ફિલ્મો હું કંઈ જોતી નથી. એ તો બૉર્ડના સભ્યો જુએ અને તેઓ જ મંજૂરી આપે.” માહિતી રાજ્ય પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે તો દાવો કર્યો કે સેન્સર બૉર્ડના અધિકારીઓએ તેમને માહિતી આપી હતી કે સેમસન ભાગ્યે જ સેન્સર બૉર્ડની ઑફિસે આવે છે. રાઠોડના આ દાવાને યુવા કૉંગ્રેસના પૂર્વ મહા મંત્રી અને સેન્સર બૉર્ડના સભ્ય અસીમ કાયસ્થનો પણ ટેકો છે. તેઓ કહે છે, “લીલા સેમસનની સેન્સર બૉર્ડના અધ્યક્ષ તરીકે અવધિ વધારાઈ પછી તેઓ એક પણ દિવસ ઑફિસ આવ્યાં નથી. નવ મહિનાથી બૉર્ડની કોઈ મીટિંગ પણ યોજાઈ નથી.’  સેમસન જ્યારે સીબીએફસીનાં અધ્યક્ષા નિમાયાં ત્યારે તેઓ તે ઉપરાંત સંગીત નાટક અકાદમીનાં વડાં હતાં. પર્ફોર્મિંગ આર્ટ્સની આ સર્વોચ્ચ સંસ્થા મનાય છે. આ ઉપરાંત કલાક્ષેત્રનાં ડિરેક્ટર તો હતાં જ. એટલે એક વ્યક્તિ એક પદના નિયમનો પણ ભંગ થતો હતો. સેમસનની તરફેણમાં ભલે સેન્સર બૉર્ડના સભ્યોએ રાજીનામાં આપ્યાં, પરંતુ એક વાર લેખિતમાં તેમણે બૉર્ડના સભ્યોને નિરક્ષર કહ્યા હતા!

દ્વિઅર્થી સંવાદો અને ચેષ્ટાઓવાળી કોમેડી ફિલ્મ ‘ગ્રાન્ડ મસ્તી’ની વિરુદ્ધ મુંબઈના એક જૂથે સેન્સર બૉર્ડને ફરિયાદ કરી ત્યારે તેના જવાબમાં લીલા સેમસને લખ્યું:  “એમાં કોઈ શંકા નથી કે, દરેક પ્રદેશમાં (બૉર્ડના સભ્યો પૈકી) કેટલાક શિક્ષિત છે, પરંતુ તેમાંના ૯૦ ટકા અશિક્ષિત છે અને અમારા માટે શરમજનક છે. તેઓ લખી શકતા નથી, ફોર્મ પર સહી પણ કરી શકતા નથી, જે ફિલ્મ તેઓ જુએ છે તેની સ્ક્રિપ્ટ પણ એકલા વાંચી શકતા નથી અને પેનલના સભ્ય તરીકે તેમની જવાબદારી શું છે તે સમજતા નથી.” આની સામે અસીમ કાયસ્થે વાંધો ઉઠાવ્યો તો લીલાએ માફી માગી લીધી!

લીલા સેમસનને અત્યારની સરકાર સામે જ (ખોટો) વાંધો છે તેવું નથી. તેમને જે સરકારે નિમ્યાં તે યુપીએ સરકારના માહિતી પ્રસારણ પ્રધાન મનીષ તિવારી સાથે પણ ખટકી હતી. મનીષ તિવારી સેન્સર બૉર્ડનું પુન:ગઠન કરવા માગતા હતા પરંતુ લીલા સેમસને તેમ થવા ન દીધું. એટલે જ કદાચ સેમસનના રાજીનામા અંગે બહુ બોલકા એવા મનીષ તિવારી કોઈ પ્રત્યાઘાત આપવાથી વેગળા રહ્યા છે.

લીલા સેમસનના બેવડા માપદંડ જુઓ: તેમણે રાજીનામું આપ્યું તેના થોડા દિવસ પહેલાં જ તેમણે ‘ઇન દિનો મુઝફ્ફરનગર’ નામની ફિલ્મને મંજૂરી આપી. આ ફિલ્મ ૨૦૧૩ના વર્ષમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનાં ચર્ચિત રમખાણો પર આધારિત છે. તેમાં ભાજપ અને આરએસએસની ટીકા કરવામાં આવી છે. ફિલ્મને સેન્સર બૉર્ડના કોલકાતા ખાતેના પ્રાદેશિક કેન્દ્રએ મંજૂરી આપવાની ના પાડી. તે પછી આ ફિલ્મનાં સર્જક જે કોલકાતા સ્થિત છે, મીરા ચૌધરી ફિલ્મ અપીલેટ ટ્રિબ્યુનલ આગળ ગયાં. ટ્રિબ્યુનલે પણ ફિલ્મને મંજૂરી આપવા ના પાડી. સેમસને પોતાના અધિકારનો ઉપયોગ કરી ફિલ્મની મંજૂરી માટે મુંબઈ ખાતે અરજી કરાવડાવી. (ઘણી ફિલ્મો આ રીતે બીજા કેન્દ્રમાં જઈ મંજૂરી મેળવી આવતી હોય છે.) અને આ રીતે ફિલ્મને લીલી ઝંડી આપી દીધી.

‘પીકે’માં આટલાં બધાં દૃશ્યો સામે હિન્દુઓનો વિરોધ હોવા છતાં તેમાં કાપ મૂકવા ઈનકાર કરનાર લીલા સેમસને અક્ષયકુમારની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘એન્ટરટેઇનમેન્ટ’ સામે એવો વાંધો ઉઠાવ્યો હતો કે તેમાં જોની લિવરના પાત્ર અબ્દુલ્લાના નામ પરથી તેની મજાક ઉડાવાય છે. તેના નિર્દેશક મુસ્લિમ સાજિદ-ફરહાદ હતા. તેમણે આ વાત ધ્યાનમાં રાખી જ હશે, પરંતુ લીલા સેમસને તેમને આ નામ બદલવા ફરજ પાડતાં જોની લિવરનું નામ હબીબુલ્લા રાખવામાં આવ્યું.  લીલા સેમસનના કાર્યકાળ દરમિયાન ફિલ્મોમાં ગાળો અને અશ્લીલ દૃશ્યોની પણ ભરમાર વધી ગઈ. પ્રકાશ ઝાની ‘ચક્રવ્યૂહ’માં ‘ટાટા, બિરલા, અંબાણી ઔર બાટા, સબ ને દેશ કો કાટા’ ગીતને કાપવાની સેન્સર બૉર્ડે ફરજ પાડી હતી. ‘કમાલ ધમાલ માલામાલ’ સામે કેથોલિક ખ્રિસ્તીઓએ વાંધો ઉઠાવ્યો તો દૃશ્યો કપાયાં અને કેથોલિક ખ્રિસ્તીઓએ લીલી ઝંડી આપી તે પછી જ ફિલ્મ રજૂ થઈ શકી. આ જ રીતે લીલા સેમસનના નેતૃત્વમાં સેન્સર બૉર્ડે મલયાલમ ફિલ્મ ‘પિતાવિનમ્ પુત્રનુમ્’ ફિલ્મની રિલીઝ રોકી હતી કારણકે તે ખ્રિસ્તીઓની લાગણી દુભાવી શકે તેવી હતી.

લીલા સેમસન હિન્દુ વિરોધી હોવાનું પણ કહેવાય છે. તેમના વિરોધીઓ ‘પીકે’ના કિસ્સા ઉપરાંત તેઓ કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારના દાખલા આપે છે. તેમનો આક્ષેપ છે કે લીલા સેમસને કલાક્ષેત્રના લોગોમાંથી ગણેશજીનું ચિત્ર પડતું મૂકાવ્યું હતું. ઉપરાંત નૃત્ય પહેલાં ગણેશ પૂજા થતી હોય છે, તે પણ તેમણે બંધ કરાવી હતી.

લીલા સેમસને રાજીનામા માટે સેન્સર બૉર્ડમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારનું પણ કારણ આપ્યું છે. પરંતુ લાગે છે કે તેમને મોડે મોડે ‘સદ્બુદ્ધિ’ આવી છે કેમ કે તેમના જ કાર્યકાળમાં તેમના સહિત ત્રણ સભ્યોએ જે રાકેશકુમારની નિમણૂક સેન્સર બૉર્ડના સીઇઓ તરીકે કરી હતી તે રાકેશકુમાર એક પ્રાદેશિક ભાષાની ફિલ્મને પ્રમાણપત્ર આપવા માટે કથિત રીતે રૂ.૭૦,૦૦૦ની લાંચ લેતા પકડાયા હતા. અસીમ કાયસ્થે પ્રશ્ન ઉઠાવ્યો છે કે લીલા સેમસને ત્યારે કેમ રાજીનામું ન આપ્યું? વળી લીલા સેમસન જ્યારે કલાક્ષેત્રનાં ડિરેક્ટર હતાં ત્યારે તેમના સમયમાં કૌભાંડ આચરાયાનું પણ કેગના રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

તમિલનાડુ અને પુડુચેરીના કેગની ઑફિસે એક રિપોર્ટ આપ્યો હતો જે મુજબ, બાંધકામનાં કામો આપવામાં તેમજ ડાન્સ ડ્રામાના વિડિયો દસ્તાવેજીકરણમાં લગભગ રૂ. ૩ કરોડનો ગોટાળો થયો હતો. સુપ્રીમ કૉર્ટના પૂર્વ ન્યાયાધીશ અને કલાક્ષેત્રના તત્કાલીન અધ્યક્ષ એવા ન્યાયમૂર્તિ એસ. મોહને જ આ આક્ષેપ કર્યો હતો. તત્કાલીન સાંસ્કૃતિક સચિવ અભિજીત સેનગુપ્તાને ઉદ્દેશીને લખેલા પત્રમાં ન્યાયમૂર્તિ એસ. મોહને આખું વિગતવાર વર્ણન આપ્યું હતું કે કાયદાઓ અને નિયમો કઈ રીતે તોડવામાં આવ્યા હતા. મોહને અંબિકા સોનીને પણ પત્ર લખ્યો હતો પરંતુ સોનિયાની નિકટતા રહેલાં લીલા સેમસન સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.

પરંતુ સરકાર આવે એટલે બીજા બધા પદો પર પોતાના માનીતા કે વફાદાર લોકોને મૂકે તે પ્રથાનું ઉદાહરણ એક લીલા સેમસન જ નથી. એનડીએ સરકાર વખતે સેન્સર બૉર્ડનાં અધ્યક્ષા આશા પારેખ હતાં. તેમના પછી દેવ આનંદના ભાઈ અને દિગ્દર્શક સ્વ. વિજય આનંદને અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેમણે એક્સ રેટેડ ફિલ્મોને ભારતમાં બતાવવા ખુલ્લી છૂટ મળવી જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરી વિવાદ સર્જ્યો હતો. સરકારે પ્રસ્તાવ નકારી દેતાં તેમણે સ્વેચ્છાએ જ આ પદ છોડી દીધું. ત્યાર બાદ ગુજરાતના અભિનેતા અરવિંદ ત્રિવેદીને આ પદ મળ્યું. તેમના પછી અનુપમ ખેરને સેન્સર બૉર્ડના અધ્યક્ષ બનાવાયા. અનુપમ ખેર સંબંધિત એક વિવાદ એવો હતો કે ૨૦૦૨નાં ગુજરાત રમખાણો આધારિત એક દસ્તાવેજી ફિલ્મ ‘ફાઇનલ સોલ્યુશન’ને તેમણે મંજૂરી આપી નહોતી.

મોદી સરકારે તો લીલા સેમસનના પદની અવધિ વધારી આપી જ્યારે ૨૦૦૪માં આવેલી યુપીએ સરકારે અનુપમ ખેરને સ્પષ્ટ રીતે પદ છોડી દેવા કહેલું. ત્યારે પણ વિવાદ થયો હતો કેમ કે અનુપમ ખેરે પદ છોડવા સ્પષ્ટ મનાઈ કરી દીધી. આથી તેમને હટાવવામાં આવ્યા અને અભિનેત્રી શર્મિલા ટાગોરને વડાં બનાવવામાં આવ્યાં. શર્મિલાના કાર્યકાળ દરમિયાન પણ વિવાદોએ પીછો છોડ્યો નહોતો.

શર્મિલા અને એનિમલ વેલ્ફેર બૉર્ડ ઑફ ઇન્ડિયાના સભ્ય મેનકા ગાંધી ફિલ્મ ‘રંગ દે બસંતી’ના મુદ્દે સામસામે આવી ગયા હતા. ‘રંગ દે બસંતી’ જેમાં શર્મિલાની પુત્રી સોહા અલી ખાન પણ હતી, તેને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ અંગે ઝઘડો થયો હતો. મેનકાનું કહેવું હતું કે શર્મિલા તેની દીકરીના કારણે ફિલ્મની તરફેણ કરે છે જ્યારે શર્મિલાનો આક્ષેપ હતો કે મેનકા આપખુદ રીતે વર્તે છે. તેના જવાબમાં મેનકાનું કહેવું હતું કે “હું આપખુદ કઈ રીતે હોઈ શકું? હું સરકારમાં નથી, શર્મિલા છે.” હકીકતે બોમ્બે હાઇ કોર્ટના આદેશ અનુસાર ‘એનિમલ વેલ્ફેર બૉર્ડની મંજૂરી વગર ફિલ્મમાં પશુ-પક્ષીનો ઉપયોગ કરી શકાય નહીં.’  ફિલ્મનું શૂટિંગ શરૂ થયા પહેલાં એનઓસી માગવું જોઈએ જ્યારે ‘રંગ દે બસંતી’ માટે ફિલ્મ પૂરી થયા પછી એનઓસી મગાયું હતું. મેનકા મુજબ, સેન્સર બૉર્ડે જોવું જોઈએ કે ફિલ્મ માટે એનિમલ વેલ્ફેર બૉર્ડનું સર્ટિફિકેટ લેવામાં આવે. જ્યારે શર્મિલાએ વળતો એવો જવાબ આપેલો કે તેમનું કામ માત્ર પ્રમાણપત્ર આપવાનું જ છે.

શર્મિલા સેન્સર બૉર્ડનાં ચેરપર્સન હતાં તે વખતે સૈફ અલી ખાનની ‘હમ તુમ’ ઠીકઠાક ફિલ્મ હોવા છતાં તેના માટે સૈફને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં માત્ર હિન્દી ફિલ્મોને જ ધ્યાનમાં નથી લેવાતી. આથી શર્મિલાની વગ સૈફને એવોર્ડ મળવા પાછળ કામ કરી ગઈ તેવી શંકા પણ સર્જાઈ હતી. છેક તાજેતરમાં શાહરુખ ખાને પણ વસવસો વ્યક્ત કર્યો હતો કે તે વર્ષે ‘સ્વદેશ’ માટે તેને આ એવોર્ડ મળવો જોઈતો હતો. જોકે, સૈફને માત્ર રાષ્ટ્રીય પુરસ્કાર જ નહીં, પરંતુ પદ્મશ્રી પણ મળી ગયો હતો. પોતે સરકાર દ્વારા નિમાયેલાં હોવા છતાં અને આટલા લાભ દેખીતી રીતે તેના પુત્રને મળ્યા છતાં શર્મિલા ટાગોરે ૨૦૦૬ની સાલમાં એવો બળાપો કાઢ્યો હતો કે સેન્સર બૉર્ડમાં રાજકીય નિમણૂકો થાય છે. તેમણે એવી તરફેણ પણ કરી હતી કે બૉર્ડમાં નિમણૂકો પર સરકારનો અંકુશ છે અને તે હટાવી સભ્યોની નિમણૂક માટે અગ્રણી વ્યક્તિઓની સ્વતંત્ર સમિતિ નિમાવી જોઈએ.

સેન્સર બૉર્ડ પર રાજકીય અંકુશ તો છે જ. અને તેમ છતાં બંને વચ્ચે ટકરાવ (એ જ સરકારે નિમેલા હોવા છતાં) થતો રહ્યો છે તે શર્મિલાના ઉદાહરણ પરથી દેખાય આવે છે. જોકે, ૨૦૧૩ના વર્ષમાં યુપીએ સરકારે હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ મુકુલ મુદ્ગલના અધ્યક્ષપદ હેઠળ આઠ સભ્યોની એક સમિતિ નિમી હતી જે સેન્સર બૉર્ડની સત્તાની સમીક્ષા કરશે. આ સમિતિની રચના કરવા પાછળની ભૂમિકા એવી છે કે કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને સેન્સર બૉર્ડની મંજૂરી મળી ગઈ અને તમિલનાડુની તત્કાલીન જયલલિતા સરકાર અને સેન્સર બૉર્ડ સામસામે આવી ગયાં હતાં.

લીલા સેમસનના વિવાદ પછી એવું લાગે છે કે મોદી સરકાર યુપીએ સરકારના આ નિર્ણયને આગળ ધપાવશે. અને મુદ્ગલ સમિતિનો રિપોર્ટ આવી ન જાય ત્યાં સુધી સેન્સર બૉર્ડમાં મનગમતી વ્યક્તિ નિમાશે. જોવાનું એ છે કે જૂના ને જાણીતા અનુપમ ખેરનો નંબર લાગે છે કે પછી બીજા કોઈ કલાકાર પર પસંદગીનો કળશ ઢોળાય છે.

(આ લેખ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકની વિશેષ કૉલમમાં તા.૨૧/૧/૧૫ના રોજ છપાયો)

cartoon, gujarat guardian, religion, terrorism

અભિવ્યક્તિ અને વિરોધ: બંનેમાં સંયમ જરૂરી

પેરિસમાં ‘શાર્લી હેબ્દો’ સામયિકમાં વિવાદાસ્પદ કાર્ટૂન છપાયાં અને તેના પગલે મુસ્લિમ આતંકવાદીઓએ ૧૨ માણસોને ઠાર માર્યા. એટલું જ નહીં, તેના બીજા દિવસે પણ મહિલાને બંધક બનાવી. આ ખૂબ જ અંતિમ (એક્સ્ટ્રીમ) પગલું હતું. અગાઉ ડેન્માર્કમાં પણ કાર્ટૂનનો વિવાદ થયો હતો અને કેટલાક મુસ્લિમોએ હુમલો કર્યો હતો. ડેન્માર્કનાં કાર્ટૂનોનો પડઘો ભારત સહિતના અનેક દેશોમાં પડ્યો હતો. હિંસક વિરોધો થયા હતા અને કેટલાક દેશોમાં રમખાણો પણ ફાટી નીકળ્યાં હતાં.

પ્રશ્ન એ છે કે પેરિસમાં, એ દેશમાં જ્યાં સેક્યુલર શબ્દ ઉદ્ભવ્યો ત્યાં આવું કેમ બન્યું? આનાં બે પાસાં છે. એક તો, પંથ-ઉપાસના એ અતિશય નાજુક વસ્તુ છે. તેના નામે માણસોને ખૂબ જ ભડકાવી શકાય છે. અને દર વખતે જે તે પંથ-ઉપાસનાના વડાઓને લાગે છે કે તેમનો પંથ-ઉપાસના ખતરામાં છે. વિચિત્રતા એ છે કે પંથ-ઉપાસનામાં માણસને સહનશીલ થવાનું શીખવાય છે. એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવાની વાત છે, પરંતુ મુસ્લિમોની બાબતમાં વાત જરા જુદી છે. તેઓ બને ત્યાં સુધી સંયમિત વિરોધ કરે છે, પરંતુ જો વાત વધી જાય તો હિંસા કરતા ખચકાતા નથી. પરંતુ પેરિસમાં જે કંઈ બન્યું તે કદાચ અત્યાર સુધીનો સૌથી અંતિમ (એક્સ્ટ્રીમ) વિરોધ હતો.

બીજી તરફ, એક એવી જમાત પણ છે જે ‘ફ્રીડમ ઑફ ઍક્સ્પ્રેશન’ના નામે ગમે તે કરે છે. તેમને મન નગ્નતા એ કળાત્મકતા છે. આથી, તેઓ કોઈ પણ પંથના સ્થાપક- અગ્રણીની મજાક ઉડાવે છે – તેને બેહુદારૂપમાં પ્રસ્તુત કરે છે. તેઓ જેમને બેહુદા ચિતરે છે તેમાં માત્ર મોહમ્મદ પયગંબર જ સામેલ નથી, પરંતુ ઈશુ ખ્રિસ્તનો પણ સમાવેશ થઈ જાય છે. આપણે ત્યાં રાજનેતાઓમાં જેઓ સહનશીલ છે, પોતાના પર હસી જાણે છે (જેમ કે, લાલુપ્રસાદ યાદવ) તેમની મજાક ઉડાવાય છે. (ટીવી ચેનલના એક કાર્યક્રમમાં તો રાજુ શ્રીવાસ્તવે લાલુપ્રસાદ યાદવ સામે જ તેમની મિમિક્રી કરીને તેમની મજાક ઉડાવી હતી), પરંતુ આ સિવાય બીજા નેતાઓની ખાસ મજાક જાહેરરૂપે ઉડાવાતી નથી. (મોદી-કેજરીવાલ-રાહુલ ગાંધીની મજાકો મોટાભાગે વૉટ્સએપ પર ખાનગી રીતે ફરે છે અથવા ફેસબુક પર નકલી એકાઉન્ટમાંથી મૂકવામાં આવે છે.) જ્યારે વિદેશમાં તો અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશની પણ ફિલ્મો-સિરિયલો અને અન્ય કાર્યક્રમોમાં મજાક ઉડાવાય તેવું બનેલુ છે.

ભારતમાં થોડા વર્ષો પહેલાં આવું નહોતું. બધા સહનશીલ હતા, પરંતુ કૉંગ્રેસ અને અન્ય દળો દ્વારા મુસ્લિમોના તુષ્ટીકરણના ખોટા (તેમના કલ્યાણ માટે ખરેખર વિચાર્યું હોત તો જુદી વાત હતી) પ્રયાસોથી હિન્દુઓ થોડા અસહિષ્ણુ બની રહ્યા છે. કળાના નામે એમ.એફ. હુસૈન મા સરસ્વતી અને અન્ય દેવીદેવતાનાં ચિત્રો દોરે તો તેનો વિરોધ સ્વાભાવિક છે. ‘ફાયર’માં સજાતીય સંબંધો ધરાવતી નાયિકાઓનાં નામ ઈરાદાપૂર્વક સીતા અને રાધા રખાય તો તેની સામે સૂર ઉઠવાના. એવામાં છેલ્લે છેલ્લે એવી બાબતો બની રહી છે કે હિન્દુઓ જરા વધુ ઉકળી ઉઠ્યા છે, ખાસ કરીને ‘પીકે’ સામે.

સવાલ એ થાય કે ‘પીકે’ સામે આટલો બધો વિરોધ કેમ થયો? અક્ષયકુમારની ‘ઓહ માય ગોડ’માં પણ હિન્દુ રીતરિવાજો સામે પ્રશ્નો ઉઠ્યા જ હતા. દલીલ કરનારા એવી દલીલ કરે છે કે ‘પીકે’માં આમીર ખાન હોવાથી, ખાસ કરીને તે મુસ્લિમ હોવાથી વિરોધ થઈ રહ્યો છે. જ્યારે ‘ઓહ માય ગોડ’ના નાયક પરેશ રાવલ તો હિન્દુ છે અને ભાજપ સાંસદ છે. તેથી તેમનો વિરોધ ન થયો.  આ દલીલ ખોટી છે. ‘ઓહ માય ગોડ’માં પ્રશ્નો ઉઠાવાયા હતા પરંતુ તે ગંભીર રૂપે હતા, ‘પીકે’ની જેમ મજાક રૂપે નહોતા. વળી, જ્યારે ‘ઓહ માય ગોડ’ રજૂ થઈ ત્યારે પરેશ રાવલ ભાજપના સાંસદ નહોતા બન્યા.

હકીકતે હિન્દુઓ ઉદાર છે. સામાજિક સુધારાઓની રીતે કદાચ સૌથી વધુ સુધારા હિન્દુઓએ જ સ્વીકાર્યા હશે. હિન્દુઓમાં મંદિરે જાય તેનું પણ સ્વાગત છે, ન જાય તેનું પણ. અહીં અનેક પંથો છે. દરેકના ભગવાન અલગ, પરંતુ કોઈની વચ્ચે ઝઘડા નથી. સતી પ્રથાથી,બાળકીને દૂધપીતી કરવી, દહેજના પ્રશ્નો સહિત અનેક મુદ્દે સામાજિક ક્રાંતિ ચોક્કસ થઈ છે તે સ્વીકારવું જ રહ્યું. (હજુ પણ આવી કુરીતિઓ કેટલાક અંશે હશે, પરંતુ મહદંશે સુધારો છે). ફિલ્મ, ટીવી  હોય કે નાટક…તેમાં જો હિન્દુઓના ભગવાન-માતાજીને વિકૃત રીતે રજૂ કરવામાં ન આવે તો તેનો વિરોધ નથી. યાદ કરો, ‘ઓહ માય ગોડ’ પહેલાં નાટક ‘કાનજીભાઈ વર્સિસ કાનજીભાઈ’ આવી ગયું હતું અને ખૂબ જ હિટ રહ્યું હતું. ગાંધીજી, રાજા રામચંદ્ર મોહનરોય, મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂળે અનેકોએ સુધારા કરવા પ્રયત્ન કર્યો. ગાંધીજીએ તો અસ્પૃશ્યતા જેવો જ્વલનશીલ મુદ્દો ઉપાડ્યો હતો, તેમ છતાં તેઓ જનનાયક બન્યા હતા.

છેલ્લા થોડા સમયથી બને છે એવું કે જ્યારે હિન્દુ તહેવારો હોય ત્યારે ગરીબોને મદદ કરવાનું કહેતા મેસેજ ફરવા લાગે છે. શ્રાવણ મહિનો આવે ત્યારે શિવલિંગ પર દૂધ ન ચડાવવા અને દૂધ ગરીબ બાળકોને આપવા મેસેજ આવે. દિવાળી આવે એટલે મીઠાઈઓમાં ભેળસેળના મેસેજ આવી ચડે. બાળકોને ફટાકડા ન ફોડવાનું કહેવામાં આવે. તેનાથી પ્રદૂષણ થાય છે તેવી દલીલ થાય. ઉત્તરાયણ પર પતંગ ન ચગાવવાનું કહેવામાં આવે. (એ વાત સાચી કે જલદ દોરીથી પક્ષીઓ મરે છે અને માણસોને પણ ગળામાં જીવલેણ વાગે છે, પરંતુ તેવી દોરી ન વાપરવાની સલાહના બદલે આ તો પતંગ જ ન ચગાવવા તેવું કહેવાય છે). જેમને દૂધ ચડાવવામાં શ્રદ્ધા છે તેમની દલીલ છે કે શિવલિંગ પર દૂધ ચડાવવું વૈજ્ઞાનિક છે. અને અમે ગરીબોને મદદ કરીએ જ છીએ. તેમની દલીલ એવી પણ છે કે કેમ કોઈ ઈદ વખતે બકરી ન કાપવી કે ૩૧મી ડિસેમ્બર વખતે કરોડો રૂપિયાનો દારૂ ઢીંચવાના બદલે ગરીબોને મદદ કરવાનો કે પછી ફટાકડા ન ફોડવાનો મેસેજ નથી આપતું? વળી, પાકિસ્તાન ભારત સરહદે ગોળીબાર કરી ભારતીય જવાનો અને નાગરિકોને મારી નાખતું હોય, પેશાવરમાં તાલિબાની હુમલા પછી પણ તેમાંથી બોધપાઠ લેવાના બદલે ‘સારા’ ત્રાસવાદી લખવીને જામીન અપાતા હોય…આ બધી પરિસ્થિતિમાં રજૂ થાય છે ‘પીકે’.

‘પીકે’માં પાકિસ્તાની યુવકને સારો બતાવ્યો છે. તેથી પણ ‘પીકે’નો વિરોધ છે. વળી, આમીર ખાન ‘સત્યમેવ જયતે’માં સૂફિયાણી સલાહો આપે છે તેથી અનેક વ્યવસાયના લોકો તેનાથી નારાજ છે. જેમ કે, ડૉક્ટરો તરફી એક વૉટ્સએપ મેસેજમાં કહેવાય છે કે આમીર પોતે ‘સત્યમેવ જયતે’ અને ‘પીકે’માં કામ કરવાના કરોડો રૂપિયા લે છે પરંતુ ડૉક્ટરોને મફતમાં કામ કરવાની સલાહ આપે છે. વળી, ‘પીકે’માં વાત ગંભીર રીતે કહેવાના બદલે મજાક ઉડાવાઈ છે. જેમ કે ભગવાનની મૂર્તિ બનાવનારને એમ ઉદ્દેશાય છે કે તેમણે ભગવાનને બનાવ્યા. હકીકત એ છે કે કોઈ મૂર્તિ પણ ત્યાં સુધી મૂર્તિ નથી બનતી જ્યાં સુધી તેની પ્રાણપ્રતિષ્ઠા (શાસ્ત્રોક્ત રીતે કરાતા મંત્રજાપ-પૂજા પાઠ) ન થાય. ભગવાન છે જ નહીં, તેવો મેસેજ અંત સુધી આવ્યા રાખે અને જેમ કોઈ મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમાં અંતે બહુ ઝડપથી ડિસ્ક્લેઇમર બોલી જવાય તેમ છેક છેલ્લે ભગવાન તો છે, પણ પાખંડીઓએ બનાવેલા ભગવાન ખોટા છે તેવું કહેવાય. આની સામે ‘ઓહ માય ગોડ’માં આપણો ધર્મગ્રંથ ગીતા એ દરેક પ્રશ્નનો હલ છે તેમ કહેવાયું હતું જ્યારે ‘પીકે’માં તો આમીર પ્રશ્ન કરે છે: ‘મારે કયો ધર્મગ્રંથ વાંચવો? ગીતા, કુર્આન કે બાઈબલ?’ તેનો જવાબ એ ‘પીકે’ના વિરોધીઓ દ્વારા એ અપાય છે કે કોઈ પણ ધર્મગંર્થ  વાંચો તેનો સાર તો એક જ છે. આ બધાં પરિબળોનો સરવાળો થયો એટલે ‘પીકે’ સામે વિરોધ થયો, પણ યાદ રાખો, તેના વિરોધમાં માત્ર થિયેટરોમાં તોડફોડ કરાઈ છે. અને તે પણ એક ચોક્કસ સંગઠન દ્વારા.

જ્યારે કમલ હાસનની ‘વિશ્વરૂપમ’ આવી ત્યારે મુસ્લિમોના વિરોધના કારણે તમિલનાડુમાં તેના પર બાન મૂકી દેવાયો હતો. ‘સેતાનિક વર્સીસ’ પર પ્રતિબંધ મૂકાયો હતો અને તેના લેખક આજથી ત્રણ-ચાર વર્ષ પહેલાં આ વિરોધના કારણે જ જયપુરના સાહિત્યિક ફેસ્ટિવલમાં આવી શક્યા નહોતા. પુસ્તક અને ફિલ્મ ‘ધ વિન્ચી કોડ’ સામે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના વિરોધના કારણે તે ભારતનાં અનેક રાજ્યોમાં રજૂ થઈ શકી નહોતી. પ્રિયદર્શનની ફિલ્મ ‘કમાલ ધમાલ માલામાલ’ સામે કેથોલિક ખ્રિસ્તીઓના વિરોધના કારણે તેમાંથી દૃશ્યો કાપવાં પડ્યાં હતાં. ‘પીકે’ સામે આવો વિરોધ નથી અને જે કંઈ મામૂલી વિરોધ છે તેના કારણે દૃશ્યો કાપવાની કે થિયેટરમાંથી ઉતારી લેવાની નોબત આવી નથી.

૨૦૧૫નો જાન્યુઆરી શરૂ થયો ત્યારથી સબ ટીવી પર એક સિરિયલ ચાલુ થઈ છે, ‘યમ હૈ હમ’. તેમાં યમરાજા અને ચિત્રગુપ્ત ધરતી પર આવે છે અને લોકોને સારા સંદેશા આપે છે તેવું દર્શાવાયું છે. તેમાં ઘણી વાર યમરાજા-ચિત્રગુપ્તની મજાક ઉડાવાય છે, પરંતુ સરવાળે સારો સંદેશ અપાય છે તેથી ‘પીકે’ની જેમ તેનો વિરોધ કરાતો નથી. જો આમીર ખાન મુસ્લિમ હોય તેના કારણે તેનો વિરોધ થતો હોત તો તો ‘તકદીરવાલા’ નામની ફિલ્મ, જે આજથી ૨૦ વર્ષ પહેલાં, ૧૯૯૫માં આવી હતી જેમાં એક મુસ્લિમ અભિનેતા કાદરખાન યમરાજા બન્યા હતા. તેની સામે વિરોધ નહોતો થયો.

સમજવાનું બંને પક્ષોએ છે. કળાથી રોજીરોટી કમાતા લોકોએ માત્ર ચર્ચા-વિવાદમાં આવવા ખાતર કે કળાની સ્વતંત્રતાના નામે બેહૂદગીથી દૂર રહેવું જોઈએ તો, પોતાના પંથ-ઉપાસનાની રક્ષા કરતા લોકોએ પણ વિરોધ કરવો હોય તો અહિંસક રીતે કરવો જોઈએ. જ્યારે બેમાંથી એક પક્ષ (અથવા બંને પક્ષ) પોતાની મર્યાદા ઓળંગશે ત્યારે પેરિસ જેવી ઘટના જરૂર બનશે.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં તા.૧૪/૧/૧૫ના રોજ ઉપરોક્ત લેખ છપાયો)

 

film, hindu, sikka nee beejee baaju

‘પીકે’ સામે જ કેમ વિરોધ? ‘ઓહ માય ગોડ’ સામે કેમ નહીં?

કોઈ ધર્મના મૂળ અર્થને સમજ્યા વગર જ ફિલ્મ બનાવે તો કેવી ફિલ્મ બને?

જવાબ છે: ‘પીકે’ જેવી.

‘પીકે’ વિશે ઘણું બધું લખાયું છે અને લખાશે, પણ આપણે તેના વિશે નહીં, તેમાં ઉઠાવાયેલા પ્રશ્નો અને શા માટે માત્ર આ ફિલ્મનો જ વિરોધ થયો, ‘ઓહ માય ગોડ’ ફિલ્મ આના પૂર્વાવતાર જેવી હતી તો તેનો વિરોધ કેમ આટલો જલદ ન થયો, શા માટે આમીર ખાનનો જ વિરોધ થયો, અક્ષયકુમારનો કેમ નહીં આ સવાલના જવાબ મેળવવા પ્રયાસ કરીશું.

પ્રથમ વિરોધની વાત કરીએ. ‘ઓહ માય ગોડ’માં જે પ્રશ્નો ઉઠાવાયા હતા તે થોડા ગંભીર રૂપે હતા જ્યારે ‘પીકે’માં આ જ વાત મજાકરૂપે કરાઈ છે. બીજું, ‘ઓહ માય ગોડ’માં એ સમજાવાયું હતું કે એ વાત સાચી કે કેટલાક હિન્દુઓમાં પાખંડ પ્રવર્તે છે પરંતુ તમામ પ્રશ્નોનો જવાબ ‘ગીતા’ નામના ધર્મગ્રંથમાં છે. જ્યારે ‘પીકે’માં તો એલિયન આમીર ખાનના મોઢે સવાલ પૂછાયો છે કે મારે શું વાંચવું? ગીતા, કુર્આન કે બાઈબલ? અરે ભાઈ. ગમે તે ધર્મગ્રંથ વાંચ. બધા એક જ વસ્તુ કહે છે. એક જ ઉપદેશ આપે છે. એક દલીલ એવી પણ છે કે ‘ઓહ માય ગોડ’માં પ્રશ્નો ઉઠાવનાર પરેશ રાવલ ભાજપના સાંસદ છે અને હિન્દુ છે તેથી તેમની સામે વિરોધ નહોતો થયો. જ્યારે આમીર ખાન મુસ્લિમ છે તેથી તેની સામે વિરોધ થયો. આવું નથી. પરેશ રાવલ ૨૦૧૨માં ભાજપના સાંસદ ક્યાં હતા? અને આમીર ખાનનો વિરોધ તે મુસ્લિમ છે તેથી નથી થયો. તેના પાખંડ સામે થયો છે. વળી, અધૂરામાં પૂરું, રોજે રોજ અખબારોમાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતી સાથે હિન્દુ બનીને લગ્ન અને પછી છેતરપિંડી કરીને છોડી દેવાના કિસ્સા, અથવા, હિન્દુવાદીઓની ભાષામાં કહો તો, લવ જિહાદના કિસ્સા આવતા હોય (જે મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીને લગ્ન કરીને વફાદારીથી તેને સારી રીતે રાખે છે તેમની સામે વિરોધ છે જ નહીં, અને હોય તો તે અસ્થાને છે), વળી, પાકિસ્તાન દ્વારા સરહદ પર રોજ અટકચાળાં થતાં હોય એટલું જ નહીં, તેમાં આપણા લોકો, આપણા સૈનિકો મરતા હોય, પાકિસ્તાનમાં પેશાવરમાં ત્રાસવાદી ત્રાટકીને બાળકોને મારી નાખે તેમ છતાં તેમાંથી બોધપાઠ લેવાના બદલે પાકિસ્તાન તેની ભાષામાં સારા ત્રાસવાદી ‘લખવી’ને જામીન આપે, હાફીઝ સઈદને ભારત વિરોધી ઝેર ઓકતી રેલી કરવા દે, તેવા પાકિસ્તાનના યુવકને ‘પીકે’માં સારા પ્રેમી તરીકે બતાવાય તો સ્વાભાવિક છે કે લોકોનું લોહી ઉકળી જ ઉઠે ને?

આમીર ખાન ‘સત્યમેવ જયતે’ નામનો શો દૂરદર્શન પર અને સ્ટાર પ્લસ ચેનલો પર કરે છે. આવું બહુ ઓછું બનતું હોય છે કે એક જ શો સરકારી અને ખાનગી ચેનલ પર સમાંતર રજૂ થાય. અને ઊંચી લાગવગ બંને ચેનલોમાં હોય તો જ આવું બને. આ શોમાં બધા ધંધાઓને ઉઘાડા પડાય છે. બધી કુરીતિઓને ઉઘાડી પડાય છે. તેથી આમીર ખાન પોતે અળખામણો બની ગયો છે. કારણકે જેમ તે શોને હિટ કરવાની ક્રેડિટ પોતે લઈ જાય છે, વળી પ્રોડક્શન પણ તેનું છે, તેમ તેમાં આપતા ઉપદેશના કારણે લોકો તેના વિશે પણ પ્રશ્નો ઉઠાવવાના; જેમ કે, ડૉક્ટરો તરફી એક સંદેશ સોશિયલ મિડિયામાં ફરે છે કે એક તરફ આમીર ડૉક્ટરોને મફતમાં સેવા કરવાનો ઉપદેશ આપે છે અને બીજી તરફ તે પોતે ફિલ્મ અને સત્યમેવ જયતેમાં કામ કરવાના કરોડો રૂપિયા મેળવે છે. પેલી સાધુની વાર્તાની જેમ સાધુ પોતે ત્યારે જ બાળકને ગોળ ન ખાવાની શિખામણ આપી શકે જો પોતે ગોળ ન ખાતા હોય, તેમ આમીર ખાન એવું જીવન જીવતો હોય અને ‘સત્યમેવ જયતે’ જેવા શોમાં બીજાને સલાહ આપે તો સમજાય, પરંતુ આવું ન હોય ત્યારે સ્વાભાવિક છે કે તેના શો, તેની ફિલ્મોનો એક યા બીજા સ્વરૂપે વિરોધ જાગી નીકળે.

‘પીકે’નો એક વિરોધ હિન્દુઓની ઘવાયેલી લાગણીઓના કારણે પણ છે. દરેક હિન્દુ તહેવાર વખતે જ તે તહેવાર ન ઉજવવાની અપીલ કરતાં મેસેજ ક્યાંકથી ઉગી નીકળે છે અને ફેલાવા લાગે છે. એમાં વર્તમાનપત્ર કે ચેનલ પણ ઝુંબેશ આદરીને જોડાય છે. પણ ઈસ્લામ કે ખ્રિસ્તીઓના તહેવાર વખતે આવા સંદેશા આવતા નથી. (જેમ કે, શ્રાવણમાં શિવલિંગ પર દૂધ ચડાવવાના બદલે ગરીબ બાળકોને દૂધ પહોંચાડવાના સંદેશા આવ્યા, પરંતુ ઇદ પર બકરી ન કાપવાના કે ૩૧ ડિસેમ્બરે કરોડો રૂપિયાનો દારૂ ન પીવાના મેસેજ આવ્યા?) વળી, તહેવાર ન હોય ત્યારે પણ એવા સંદેશા આવતા હોય છે જેના કારણે આવો વિરોધ પ્રબળ બને છે; જેમ કે આ મેસેજ: ભગવાન માટે કરાતા ઉપવાસથી જો ભગવાન ખુશ થતા હોત તો ભીખારીઓ ક્યારનાય સુખી થઈ ગયા હોત. આવા મેસેજ કે ‘પીકે’ જેવી ફિલ્મ ખરેખર ‘ઉપવાસ’નો અર્થ સમજ્યા વગર દે-ઠોક સંદેશાઓ પાઠવે છે. હકીકતે ‘ઉપવાસ’નો અર્થ માત્ર ભૂખ્યા રહેવું તેવો નથી, પરંતુ ભૂખ્યા રહીને કે સંયમિત સાત્વિક ભોજન કરીને ભગવાનનું ભજન કરવું તેવો અર્થ છે. અને ભીખારીઓ સુખી નથી હોતા તેવું કોણે કહ્યું? બલકે, અખબારોમાં આપણે એવા કિસ્સા વાંચ્યા જ છે કે કેટલાક ભીખારી મરે છે ત્યારે કરોડપતિ નીકળે છે. બીજી તરફ, હિન્દુઓનો આક્રોશ એટલે પણ છે કે સરકાર, સેન્સર બૉર્ડ અને કોર્ટ આ ત્રણેયની એકને ગોળ અને બીજાને ખોળ જેવી નીતિ.

જ્યારે તમિલનાડુમાં મુસ્લિમોએ ‘વિશ્વરૂપમ્’ ફિલ્મનો વિરોધ કર્યો ત્યારે જિલ્લા કલેક્ટરોએ આ ફિલ્મ ન દેખાડવા પ્રતિબંધ મૂકી દીધો હતો. મુસ્લિમોને પસંદ ન પડતા પુસ્તક ‘સેતાનિક વર્સીસ’ પર ભારતમાં પ્રતિબંધ મૂકી દેવાયો હતો. એટલું જ નહીં, તેના લેખક સલમાન રશ્દી બેએક વર્ષ પૂર્વે જયપુરમાં આયોજિત સાહિત્ય ઉત્સવમાં આવવાના હતા ત્યારે તેમને જયપુર આવવા દેવાયા નહોતા, કેમ તે વખતની કેન્દ્રની યુપીએ સરકારે કે રાજ્યની કૉંગ્રેસ સરકારે તેને સુરક્ષા પૂરી ન પાડી? ‘ધ વિન્ચી કોડ’ પુસ્તક અને ફિલ્મ સામે ખ્રિસ્તીઓ અને મુસ્લિમોના વિરોધના કારણે પંજાબ, નાગાલેન્ડ, ગોવા, મેઘાલય, મહારાષ્ટ્ર, જ્યાં મોટા ભાગે કૉંગ્રેસ કે તેના મોરચાની સરકાર હતી, ત્યાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પ્રિયદર્શનની કોમેડી ફિલ્મ ‘કમાલ ધમાલ માલામાલ’નાં કેટલાંક દૃશ્યોના કારણે કેથોલિક ખ્રિસ્તીઓની લાગણી દુભાઈ હતી. તેમણે તે વખતની યુપીએ સરકારના માહિતી-પ્રસારણ મંત્રી અંબિકા સોનીને ફરિયાદ કરી. સોનીના હસ્તક્ષેપના કારણે ખ્રિસ્તીઓની લાગણી દુભાય તેવાં દૃશ્યો કાપી નખાયાં. આની સામે ‘પીકે’ રજૂ થઈ ત્યારે હિન્દુઓને લાગ્યું કે માત્ર તેમની જ લાગણીઓની કોઈ દરકાર કરતું નથી (તે કેન્દ્રમાં ભાજપ, અને ગુજરાત-મહારાષ્ટ્ર સહિતનાં અનેક રાજ્યોમાં ભાજપના રાજમાં રજૂ થઈ છે એટલે ભાજપના શાસકો પણ ધાર્યું હોત તો ફિલ્મને અટકાવી શકત, કેમ? આ જ આમીર ખાનની ‘ફના’ ફિલ્મને ગુજરાતમાં રજૂ નહોતી જ થવા દેવાઈ ને?). જ્યારે બીજા પંથના લોકોની લાગણીઓને હંમેશાં ન્યાય મળે છે. આથી ‘પીકે’ સામે આટલો જલદ વિરોધ થયો.

હવે વાત તેમાં અને ‘ઓહ માય ગોડ’માં ઉઠાવાયેલા કેટલાક પ્રશ્નોની. ઉપવાસના પ્રશ્નનો જવાબ તો ઉપર આપી જ દીધો. તે ઉપરાંત એલિયન આટલી પૂજા કરે છે, આળોટતો મંદિરમાં જાય છે તેમ છતાં ભગવાન કેમ એલિયનનાં કામ કરતા નથી? આ પ્રશ્નનો જવાબ ફિલ્મમાં જ આપી દેવાયો છે! ફિલ્મમાં બતાવાયું છે કે જ્યારે તે ભૂખ્યો હોય છે ને મંદિરે ભીખારીઓ સાથે બેઠો હોય છે ત્યારે તેને કોઈક રોટી આપી જાય છે. પરંતુ ફિલ્મના અંત સુધીમાં તેને તેનું રિમોટ તો મળી જ જાય છે ને. એક વિડિયો જે ‘પીકે’ સામે સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે તેમાં સરસ ઉદાહરણ અપાયું છે કે કોઈ લાયકાત વગર રિલાયન્સ, વોડાફોન, ટાટા વગેરે કંપનીમાં જઈ કામ કર્યા વગર પગાર માગે તો શું કંપનીવાળા આપી દે? ના. તેના માટે એક મહિનો કંપની કહે તે શરતે અને તેટલા કલાક કામ કરવું પડે. અને બોનસ તો વર્ષમાં એક જ વાર મળે! કોઈ પણ કામનું તાત્કાલિક ફળ ન મળે. તેના માટે કર્મના હિસાબ ભોગવવા પડે.

મંદિરમાં ચપ્પલ ખોવાઈ જતા હશે પરંતુ કેટલાના? પ્રમાણ કાઢીએ તો ઓછું નીકળશે. ભગવાન જૂઠા છે, છેતરનારા છે તેવી વાત ફિલ્મમાં છેક સુધી ચલાવાય છે અને છેક છેલ્લે, જેમ મ્યુચ્યુઅલ ફંડમાં ડિસ્ક્લેઇમર ફટાફટ બોલી જવાય, તેમ આવે છે કે સાચા ભગવાન તો છે જ. પાખંડીઓના ભગવાન ખોટા છે, પરંતુ ત્યાં સુધી ૯૫ ટકા ફિલ્મમાં એવો જ સંદેશો દૃઢ થાય છે કે ભગવાન છે જ નહીં અને રોંગ નંબર લાગે છે. તો શું રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વર વગેરે ખોટા?

શું કોઈ પૂજારીને તમે પર્સમાંથી ફરજિયાત પૈસાનું દાનપેટીમાં દાન કરાવતા જોયા છે? માન્યું કે તપસ્વી મહારાજ પાખંડી હતા, પરંતુ તેના કારણે ભગવાન સાથે વાર્તાલાપ કરવાનું ખોટું સાબિત નથી થતું. જ્યારે વાયરલેસ ફોન નહોતા કે ટીવી નહોતા ત્યારે વાયર વગર વાત કરવી તે મહા જોક લાગતી- દૂર રમાતી મેચનું પ્રસારણ જોવું કલ્પના લાગતી, પરંતુ આજે મોબાઇલ અને ટીવી હકીકત છે. મંત્રજાપને પણ ‘પીકે’માં ખોટો ઠરાવાયો છે. ‘પીકે’ના બનાવનારા દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ ‘થ્રી ઇડિયટ્સ’માં ‘ઓલ ઇઝ વેલ’ મંત્રના ગુણગાન નહોતા ગાયા? ‘ઓલ ઇઝ વેલ’થી જ જો બાળક પેટમાં લાત મારવાનું શરૂ કરી દે કે તેની પ્રસૂતિ સફળ રીતે થઈ જાય તો પછી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આપેલા મંત્રો તો વૈજ્ઞાનિક જેવા ઋષિમુનિઓએ સિદ્ધ કરેલા છે. કાશ, હિરાણી અને અભિજાત જોશીએ ફિલ્મની સ્ક્રિપ્ટ અને અન્ય બાબતો પાછળ પાંચ વર્ષ ગાળ્યાં તેના બદલે હિન્દુ ધર્મને સાચી રીતે સમજવા પાંચ વર્ષ આપ્યાં હોત!

જે હિરાણી ફિલ્મમાં મંદિરમાં દાન ન કરવાનો સંદેશ આપે છે (પરંતુ તેને ખબર નહીં હોય કે મંદિરો દ્વારા સદાવ્રતથી માંડીને અનેક સેવાપ્રવૃત્તિઓ પણ થતી હોય છે અને તેને ત્યાં આવતા લોકોનાં કામ થાય તે તો ખરું જ, જો તેમ ન હોય તો મહારાષ્ટ્રમાં લાલ બાગચા રાજા સહિત ગણેશપૂજા મોટા પાયે કેમ થાય છે? લોકો શિરડી સાઇબાબા મંદિરમાં કેમ અધધ દાન ઠાલવે છે? અને માનો કે કામ નથી થતાં, પરંતુ તેમનામાં, ફિલ્મમાં આમીર જ કહે છે તેમ, એક આશા તો જાગેલી રહે છે ને. તે આત્મહત્યા કે ચોરી-લૂટફાટના કે અન્ય અપરાધોના માર્ગે તો નથી વળતા ને?) પાછા એ જ હિરાણીએ જે મંદિર અને ચર્ચમાં ફિલ્મનાં દૃશ્યો ફિલ્માવાયાં હતાં તે નાશિકના કલારામ મંદિર ટ્રસ્ટને રૂ.૨૫,૦૦૦નું અને જયપુરના ચર્ચને પણ રૂ.૨૫,૦૦૦નું દાન આપ્યું. મંદિરમાં દૃશ્યો ફિલ્માવા દેવામાં આવ્યાં જ્યારે ચર્ચમાં ક્રુસિફિક્સ આગળ નાળિયેર ફોડવાના દૃશ્યમાં બદલાવ કરાયો અને નાળિયર ફોડે  તે પહેલાં જ તેને બહાર કાઢવામાં આવે છે તેવું રખાયું. (ઇન્ડિયન એક્સપ્રેસ વેબસાઇટ, તા.૨/૧/૧૫, આતીખ રશીદની સ્ટોરી) અને એનડીટીવીની વેબસાઇટ મુજબ, ‘પીકે’ની ટીમ, જેમાં રાજુ હિરાણી અને આમીર ખાનનો સમાવેશ થાય છે તેમણે ‘ઓહ માય ગોડ’ ફિલ્મ ન બનાવવા તેને કથિત રીતે રૂ. ૮ કરોડ જેવી મોટી રકમની ઓફર કરી હતી. આમ, ફિલ્મમાં કંઈક સંદેશો દેવો અને તેનું પાલન ન કરવું તે અલગ વાત છે. જોકે ફિલ્મવાળા એવો દાવો કરી શકે કે અમે તો મનોરંજન માટે ફિલ્મ બનાવેલી. પરંતુ તે માટે કોઈની લાગણી ન દુભાવાય.

‘પીકે’થી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી એટલે એમાં સેક્યુલર રાજકારણીઓ કૂદી પડ્યા. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવે અને બિહારમાં નીતીશકુમારના પ્રોક્સી માંઝીની સરકારે તેને કરમુક્તિ આપી દીધી. આ બનાવે હિન્દુઓના આક્રોશરૂપી અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. હિન્દુઓએ તોય સહિષ્ણુ રીતે વિરોધ કર્યો (કહેવાતા હિન્દુવાદીઓએ પણ માત્ર અમુક સિનેમામાં તોડફોડ કરી એટલું જ) પરંતુ પેરિસમાં તો પયગંબરનાં કાર્ટૂનો દોરાયા તેમાં ૧૨ જણાની હત્યા કરી દેવાઈ. વૉટ્સ એપ પર આવેલા એક સંદેશામાં કહેવાયું:

ભગવાનની મજાક ઉડાવો તો ટૅક્સ ફ્રી, અલ્લાહની મજાક ઉડાવો તો ડેથ ફ્રી!

આ બહુ ગંભીર વાત છે. આ દેશમાં હિન્દુઓને તાલિબાનો જેવા કટ્ટર થતા અટકાવવા હશે તો તેમની લાગણીઓને વારંવાર ઠેસ પહોંચાડવાનું બંધ કરવું પડશે. તેમને એવું ન લાગવું જોઈએ કે તેઓ તેમના જ દેશમાં સેકન્ડ ક્લાસ સિટિઝન થઈને રહી ગયા છે ને તેમનું સાંભળનાર કોઈ નથી.

(પ્રસ્તુત લેખ મુંબઈ સમાચાર દૈનિકની રવિ પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજી’ કૉલમમાં તા.૧૧/૧/૧૫ના રોજ છપાયો)