hindu, media, religion, sanjog news, vichar valonun

આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮)

બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે?

પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો ઘોંઘાટ પ્રદૂષણ અને માનસિક ત્રાસ ફેલાવે છે? અનેક મસ્જિદો પર એક સાથે દિવસમાં પાંચ વાર બેસૂરા અવાજમાં પોકારાતી બાંગથી પ્રદૂષણ અને માનસિક ત્રાસ નથી ફેલાતો? શું માત્ર ફટાકડાથી જ પ્રદૂષણ થાય છે? શું માત્ર દિવાળીએ જ આ આદેશનો ચુસ્તીથી અમલ થશે? નાતાલ અને ૩૧મી ડિસેમ્બરે રાત્રે આટલી ચુસ્તીથી અમલ થશે? દિવાળીએ તો લોકો સંયમિત રીતે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ નાતાલ અને ૩૧મીએ છાકટા થઈને પૂરા મદમસ્ત થઈને ફટાકડા ફોડશે ત્યારે? બે વર્ષ પહેલાં ૩૧મી ડિસેમ્બરે બેંગ્લુરુમાં રાત્રે છોકરીઓની અને મહિલાઓની ભયંકર છેડતી થઈ હતી…પોલીસની ભરપૂર હાજરી હોવા છતાં. તો પછી ફટાકડા તો શું ચીજ છે?

જો ફટાકડા ફોડવાનું કોઈ હિન્દુ શાસ્ત્રોમાં નથી લખ્યું તો, ૩૧મી ડિસેમ્બરે છાકટા થવાનું, ફાર્મ હાઉસમાં દેશી-વિદેશી કૉલ ગર્લ બોલાવવાનું કે સૉફિસ્ટિકેટેડ હૉટલમાં બૅલે ડાન્સર બોલાવવાનું, દારૂ-માંસની જ્યાફત ઉડાવવાનું બાઇબલમાં લખ્યું છે? બકરી ઈદ પર બકરીને તડપાવી તડપાવીને મારવી કે પછી એક ઝાટકે મારવી તેવું કુર્આનની કઈ આયાત કહે છે? (કુર્આનની આયાત ૨૨:૩૭ તો કહે છે કે “તેનું માંસ અલ્લાહ સુધી નહીં પહોંચે અને ન તો તેનું લોહી, પરંતુ જે તેમની પાસે પહોંચશે તે છે તારી ભક્તિ.”)

રામમંદિરના કેસની સુનાવણી કરવા માટે સમય નથી પરંતુ ફટાકડાના કેસ, સબરીમાલાના કેસમાં ઝડપથી સુનાવણી થઈને ચુકાદા આવી જાય છે. આવું કેમ? બળાત્કારના આરોપી આસારામને જામીન નથી મળતા પરંતુ કેરળના બિશપ ફ્રાન્કો મુલક્કલને જામીન મળી જાય છે. આવું કેમ? (બંને કેસમાં ટૅક્નિકલ કારણો હશે જ જેના કારણે જ કૉર્ટે જામીન નહીં આપ્યા અથવા આપ્યા હશે, પરંતુ સામાન્ય લોકોને આ પ્રશ્ન થઈ રહ્યો છે.) આ બિશપને જામીન મળી ગયા પછી તેનું કેરળમાં ભવ્ય સ્વાગત થાય છે. આસારામના સમાચારોથી પાનાં ને પાનાં ભરી દેનારા અખબારો બિશપના સમાચાર કાં તો છાપતા જ નથી અથવા અંદરના પાને ખૂણામાં બે કૉલમમાં છાપી દે છે. આસારામ કેસમાં અમૃત પ્રજાપતિની હત્યા વખતે જેટલો હોબાળો મચ્યો હતો તેટલો હોબાળો બિશપ વિરુદ્ધ જુબાની આપનાર ફાધર કુરિયાકૉઝ મૃત મળી આવે છે તે સમાચાર પર નથી મચતો. ટીવી પર સાધુ કે શૈતાન જેવા અપર બૅન્ડ સાથે સામાન્ય લોકોના અચેતન મગજમાં સતત હિન્દુ સંતો બળાત્કારી, લંપટ અને વ્યભિચારી હોય છે તેવું ઠસાવતી ચેનલોએ બિશપના સમાચાર વિશે કેટલો સમય ફાળવ્યો? જેની ‘દયાની દેવી’ની છબી ઉપસાવી દેવાઈ તેવાં મધર ટેરેસાના ટ્રસ્ટની ખ્રિસ્તી નનો બાળકો વેચતાં પકડાઈ તેના વિશે મિડિયાએ કેટલી જગ્યા અથવા પ્રાઇમ ટાઇમનો સ્લૉટ ફાળવ્યો?

જૈન નમ્ર મુનિ પર બળાત્કારનો ખોટો આક્ષેપ થાય કે કોઈ જૈન મુનિ સંસારમાં પાછા ફરે ત્યારે સમાચાર ચેનલો અને અખબારોમાં તે સમાચારને જેટલું સ્થાન મળે છે તેટલું સ્થાન કોઈ મૌલવી બળાત્કારનો દોષિત ઠરે ત્યારે પણ મળે છે? (આરોપ લાગે ત્યારે તો નથી જ મળતું.) કોઈ સ્વામીનારાયણના સાધુનું કથિત દુષ્કૃત્યમાં નામ આવે ત્યારે જે રીતે અખબારો અને ટીવી ચેનલો મંડી પડે છે તે ચર્ચોમાં પાદરીઓના સજાતીય સંબંધો કે નનોના શારીરિક શોષણ અંગેના સમાચાર બતાવે છે? રોમન કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ વડા પૉપ ફ્રાન્સિસે ગત જાન્યુઆરી ૨૦૧૮માં નાના છોકરાઓના શારીરિક શોષણ કરી રહેલા પાદરીની સાથે ‘સાક્ષી’ રહેલા ચીલી દેશના બિશપનો બચાવ કરેલો તે સમાચાર તમારી પાસે પહોંચ્યા ખરા?

સુપ્રીમ કૉર્ટ પર પાછા ફરીએ. તાજેતરમાં સજાતીય સંબંધોની કલમ હટાવી દેવાઈ. વ્યભિચાર પરની કલમ ૪૯૭ હટાવી દેવાઈ. સજાતીય સંબંધ કે વ્યભિચાર ગુનો નથી તેવું કહેવાયું. બીજી તરફ, દિવાળીના દિવસે રાત્રે માત્ર આઠથી દસ વચ્ચે જ ફટાકડા ફોડવા તેવું કહ્યું. તે પછીના સમયમાં ફટાકડા ફોડાશે તો શું સજા થશે? સબરીમાલા મંદિરમાં માસિક ધર્મમાં હોય તે ઉંમરની સ્ત્રીઓના દર્શન પર પ્રતિબંધ સર્વોચ્ચ ન્યાયાલયે દૂર કરાવ્યો. પરંતુ જે સ્ત્રીઓએ અરજી કરી છે તેને હિન્દુ ધર્મ સાથે લેવાદેવા છે ખરી? ઇન્ડિયન યંગ લૉયર્સના વડા નૌશાદ અહેમદ ખાન છે જેણે અરજી કરી છે. જોકે સિફતપૂર્વક અરજીકર્તાઓનાં નામો ચાર હિન્દુ સ્ત્રીઓનાં જ જણાય છે.

ટીવી પર સબરીમાલાની ડિબેટ ચાલતી હોય ત્યારે પેનલમાં બિનહિન્દુ સ્ત્રીઓને બેસાડી દેવાય છે. તેઓ હિન્દુ સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય તો પણ મંદિરમાં જઈ શકે તેવી દલીલ કરતી હોય છે. પરંતુ એ અલગ વાત છે કે તેમના પોતાના પંથમાં સ્ત્રીઓને ઉપાસના સ્થાનમાં જવાની છૂટ નથી હોતી. ટીવી સમાચાર ચેનલો આવી બિનહિન્દુ સ્ત્રીઓને ઈરાદાપૂર્વક બોલાવે છે?

લવ જિહાદની માન્યતાને સમર્થન આપનારા અનેક કિસ્સા મળી રહે છે, પરંતુ આનાથી વિપરીત વલણ જેવા કિસ્સામાં, હિન્દુ યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેનારી મુસ્લિમ રેહાના ફાતિમા સબરીમાલામાં ધરાર જવા માગે છે. તે પોતાનાં ઉપાસના સ્થળોમાં સ્ત્રીઓને પ્રવેશ માટે ચળવળ નથી ચલાવતી, પરંતુ તેને હિન્દુ ધર્મસ્થાનમાં પરંપરાને અને શ્રદ્ધાને તોડવી છે. હિન્દુ સ્ત્રીઓમાં શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ એવા ભાગલા પડાવવા છે. રેહાના મંદિરમાં સેનિટરી પેડ લઈને જવા માગે છે. તેને અટકાવવામાં આવે છે. આ રીતે તે હિન્દુ મહિલાઓને, જેમને તેમના પરિવારમાં તાર્કિક રીતે શિક્ષણ નથી મળતું કે તેઓ અપવિત્ર નથી, પરંતુ સ્વચ્છતાના નિયમના કારણે સબરીમાલા જેવા કેટલાંક મંદિરમાં જ દર્શન માટે નથી જઈ શકતી, તેમને ઉશ્કેરે છે. રેહાના ફાતિમા સામે હોબાળો કરવાના બદલે માધ્યમો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની ટીપ્પણીને ટ્વિસ્ટ કરીને હોબાળો કરે છે. સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું હતું કે તમે કોઈ બહેનપણીના ઘરે જાવ ત્યારે સેનિટરી પેડ લઈને જાવ છો? પરંતુ માધ્યમો ઈરાદાપૂર્વક એવા સમાચાર ફેલાવે છે કે સ્મૃતિ ઈરાનીએ મહિલાઓને માસિક ધર્મમાં હોય ત્યારે ઘરમાં જ બેસી રહેવા સલાહ આપી.

આ રેહાના ફાતિમા એ જ છે જેણે ‘કિસ ઑફ લવ’ના નામે જાહેરમાં અભદ્રતા (તેને પ્રેમ બિલકુલ ન જ કહેવાય)ની ઝુંબેશ ચલાવેલી. આ રેહાના ફાતિમા એ જ છે જેણે એક પ્રૉફેસરે અંગ પ્રદર્શન ન થાય તેવાં કપડાં પહેરવા કૉલેજની વિદ્યાર્થિનીઓને (કૉલેજ એ મૉડેલિંગ કરવાનું રૅમ્પ નથી. કેટલાક લોકો દલીલ કરશે કે સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં તે બીજાં કેવી રીતે નક્કી કરી શકે? જોકે આવી હાઇફાઇ સૉસાયટીવાળા પાછા પેજ થ્રી પાર્ટી રાખશે ત્યારે ચોક્કસ પ્રકારના કપડાં પહેરીને જ આવવું તેવા ડ્રેસ કૉડ રાખશે.) સલાહ આપી તો રેહાનાએ તરબૂચ સાથે ટૉપલેસ ફોટા પડાવ્યા. રેહાના ફિલ્મમાં ન્યૂડ સીન પણ આપી ચૂકી છે. મજાની વાત એ છે કે સેક્યુલર મિડિયામાં રેહાનાને ભક્ત (ડિવોટી) અને એક્ટિવિસ્ટ તરીકેનાં વિશેષણોથી સંબોધાય છે.

મોદી સરકારમાં કેરળના એક ખ્રિસ્તી પ્રધાન કે. જે. આલ્ફૉન્ઝે સબરીમાલા અંગે કહ્યું છે, “જે ખ્રિસ્તી છોકરી ચર્ચમાં પણ નથી જતી, જે મુસ્લિમ છોકરી મસ્જિદમાં માનતી નથી, તેઓ સબરીમાલામાં જવા માગે છે.” અચાનક મુસ્લિમ અને ખ્રિસ્તી યુવતીને ભગવાન અયપ્પામાં કેમ શ્રદ્ધા જાગી ગઈ?

‘બિગ બૉસ’માં દર વર્ષે પૉર્ન સ્ટાર કે ગૅ જેવા લોકોને કેમ લવાય છે? તે પ્રશ્ન પણ જાગે છે. અનુપ જલોટા અને જસલીન મથારુના કથિત પ્રેમના કિસ્સા અને તેને તમામ ભજનગાયકો સાથે જોડી દેવામાં આવે છે. જે રમૂજો સર્જાય છે તેમાં એવો અર્થ નીકળે છે કે ભજનગાયકો કરતાં પૉપ સિંગરો સારા. એ જ અનુપ જલોટા ‘બિગ બૉસ’માંથી હકાલપટ્ટી પામ્યા પછી ઘટસ્ફોટ કરે છે, “જસલીને મને કહ્યું હતું કે બિગ બૉસ તરફથી ફરજિયાત કહેવાયું હતું કે તે એક વિચિત્ર જોડી તરીકે જ જઈ શકે છે. (મતલબ કે જસલીને કોઈ એવી જોડી બનાવવી પડે કે જેનાથી દેશભરમાં ચકચાર મચે. આ જોડી લેસ્બિયનની હોઈ શકતી હતી, યા તો તેના કોઈ ગે પુરુષ સાથીની હોઈ શકતી હતી કે પછી અનુપ જલોટા જેવા ઘરડા વ્યક્તિની હોઈ શકતી હતી.) તમે મારા મેન્ટર છો. તમે ચાલો ને. તો મેં તેની અને તેના પિતાની વાત માની લીધી.”

‘બિગ બૉસ’માં જે પ્રેમાલાપો થાય છે તે મોટા ભાગે પબ્લિસિટી સ્ટંટ જ હોય છે? અનુપમા ચોપરા-આર્યન વૈદ્ય, પાયલ રોહતગી-રાહુલ મહાજન, વીણા મલિક-અસ્મિત પટેલ, ગૌહર ખાન-કુશાલ ટંડન, તનીષા મુખર્જી-અરમાન કોહલી, સારા ખાન-અલી મર્ચન્ટ, ગૌતમ ગુલાટી-ડાયાન્ડ્રા સોઅર્સ જેવાં દરેક સીઝનમાં મુખ્ય રૂપે ચર્ચિત યુગલો સીઝન પૂરી થયાં પછી છૂટાં પડી ગયા છે તેથી આવો પ્રશ્ન થાય છે.

આ બધું ‘કલ્ચરલ માર્ક્સિઝમ’ અથવા કહો કે ‘કલ્ચરલ ટેરરિઝમ’ના વિકૃત સિદ્ધાંત પર ચાલીને હિન્દુ સમાજને જ લક્ષિત કરાતું હોવાની છાપ પ્રથમ દૃષ્ટિએ ઉપસે છે.

ગુજરાત સહિત દેશભરમાં અનેક મહત્ત્વનાં મંદિરોનો વહીવટ સરકારોના હાથમાં છે, પરંતુ અન્ય પંથોનાં દેવસ્થાનો વિશે આવું નથી. આવું કેમ? અને કેરળમાં તો સામ્યવાદી સરકારે મંદિરોનો વહીવટ કરતા દેવસ્વોમ બૉર્ડમાં બિનહિન્દુને બૉર્ડના અધ્યક્ષ (કમિશનર) તરીકે મૂકવાની હિલચાલ કરેલી પરંતુ ભાજપના રાજ્ય પ્રમુખ પી. એસ. શ્રીધરને કેરળ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરતાં હાઇ કૉર્ટે કહ્યું કે માત્ર હિન્દુ જ બૉર્ડના અધ્યક્ષ બની શકે. ડાબેરી સરકારની આ બદમાશીને કેટલાં મિડિયાએ ઉજાગર કરી?

કેરળમાં હાઇ કૉર્ટે બીજો એક મહત્ત્વનો આદેશ આપ્યો. તેણે સબરીમાલા અંગે પોલીસને ચેતવણી આપી કે લોકોની (હિન્દુ શ્રદ્ધાળુઓ વાંચો)ની ભાવના સાથે ચેડા ન કરો. હિંસામાં સીધા સંડોવાયેલા હોય તેમની જ ધરપકડ કરો. ભીમા કોરેગાંવ કેસમાં સર્વોચ્ચના ન્યાયમૂર્તિ કહે કે સરકાર સામે અસંતોષ એ તો લોકશાહી માટે સૅફ્ટી વાલ્વ છે તો તેને અત્યંત મહત્ત્વ આપનારા મિડિયાએ કેરળ હાઇ કૉર્ટના ઉપરોક્ત બંને ચુકાદાને કેટલું મહત્ત્વ આપ્યું? પૂણેની કૉર્ટે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવનારા ઉપરોક્ત એક્ટિવિસ્ટોની જામીન અરજી ફગાવી દીધી અને કહ્યું કે પોલીસે એકઠા કરેલા પુરાવા આ એક્ટિવિસ્ટોના માઓવાદીઓ સાથેના સંબંધો દર્શાવે છે, તે સમાચારને મિડિયાએ કેટલું પ્રાધાન્ય આપ્યું?

પંજાબમાં ગત જૂન મહિનામાં ૨૩ મૃત્યુ ડ્રગ્ઝના લીધે થયા. ગુજરાતમાં સ્વાઇન ફ્લુના લીધે થતાં મૃત્યુના સમાચાર યથાર્થ રીતે બતાવાય છે પરંતુ શું ડ્રગ્ઝના લીધે આટલાં મૃત્યુ થયાં તે સમાચાર નોંધ લેવાને પણ લાયક નહોતા? પંજાબમાં અમૃતસર પાસે ટ્રેન અકસ્માતમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોત કૌરનાં જૂઠાણાં વિડિયોમાં પકડાઈ ગયા. આયોજક નવજોત કૌરની ચમચાગીરી કરતાં કહે છે કે “પાંચસો ટ્રેન ચાલી જશે તો પણ પાંચ હજારથી વધુ લોકો તમારી રાહ જોતાં ટ્રેક પર ઊભા હશે.” અને સિદ્ધુ આ અકસ્માતને ભગવાનનો પ્રકોપ ગણાવે તેવા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના ઘા પર નમક ભભરાવતા નિવેદનનું ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવનાં નિવેદનોને મળતા મહત્ત્વ જેટલું મહત્ત્વ પણ નહીં?

હમણાં સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના ખર્ચની સામે પ્રશ્નો ઉઠાવાયા પરંતુ કોઈએ કર્ણાટકમાં બી. ઝેડ. ઝમીર અહેમદ ખાન નામના કૉંગ્રેસી પ્રધાને એક રૅસ્ટૉરન્ટમાં ટિપ તરીકે રૂ. ૨૫,૦૦૦ આપ્યા તે સમાચાર ‘કોના બાપની દિવાળી’ કે ‘કોના બાપની ઈદ’ના હેડિંગને લાયક ન ગણાય? આ કર્ણાટકમાં જ કૉંગ્રેસી પ્રધાન ડી. કે. શિવકુમારે (જેમના રિસૉર્ટમાં ગુજરાતના કૉંગ્રેસી ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી વખતે ‘એન્જૉય’ કરવા ગયા હતા) પોતાના જ પક્ષની જૂની સરકારના લિંગાયતોને લઘુમતીનો દરજ્જો દેવાના નિર્ણયને ‘મોટી ભૂલ’ ગણાવ્યો અને માફી માગી જેના લીધે ત્યાં હોબાળો થઈ ગયો. આ સમાચાર તમારા સુધી પહોંચ્યા ખરા?

આ દિવાળીના તહેવારોમાં ઉપરોક્ત પ્રશ્નોરૂપી ફટાકડાઓ હિન્દુઓના મનમાં ધડાધડ ફૂટી રહ્યા છે. સરકાર, મિડિયા, કૉર્ટ- આ ત્રણેય-લોકશાહીના આધારસ્તંભો જો ફટાકડાઓને ઓલવી નહીં નાખે તો આ ફટાકડાઓ મોટો વિસ્ફોટ કરી શકે છે.

Advertisements
international, sanjog news, society, vichar valonun

મૂડીવાદ, મિડિયા અને મનોરંજન આપણને ક્યાં લઈ જશે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૪/૨/૧૮)

એક અદ્ભુત વિડિયો વૉટ્સએપમાં મળ્યો. આ વિડિયો મગજને ખળભળાવી મૂકે તેવો છે. અલબત્ત, કેટલાક ખળભળાવી મૂકનારા વિચારો તો ઘણા સમયથી મારા મગજમાં દોડતા હતા અને તેને આ વિડિયોએ વાચા આપી છે. પરંતુ આ વિડિયો અનેક પ્રશ્નોની શ્રૃખંલા છે. આ વિડિયો એક વિદેશી જેમ્સ સ્કૉટમૉર નામના ભાઈનો છે, પરંતુ તમને થશે કે આ વિડિયો મારો છે અને તમારો પણ છે.

આ ભાઈ કોણ છે? એ પ્રશ્ન અસ્થાને હોવો જોઈએ, પરંતુ અત્યારે ફૅક ન્યૂઝની દુનિયામાં ઘણું બધું ફૅક ચાલતું હોય ત્યાં જિજ્ઞાસાવૃત્તિ કહે છે કે પહેલાં આ ભાઈ કોણ છે તેની તપાસ કરવી જોઈએ. તપાસ કરતાં તેનું નામ જેમ્સ સ્કૉટમોર નીકળ્યું. યૂટ્યૂબ પર તેનો વિડિયો ‘બ્રૉકન સોસાયટી’ના નામે છે. આ વિડિયો પર અપલૉડર તરીકે જેમ્સનું નામ જ છે. તેની પ્રૉફાઇલ ખોલતાં તેમાં ફેસબુકની લિંક છે, પરંતુ આ લિંક કોઈક રીતે બંધ છે. યૂટ્યૂબમાં ગૂગલ પ્લસની પ્રૉફાઇલ લિંક પણ છે, જેમાં તેના પરિચયમાં તેણે લખેલું છે કે તે ૨૫ વર્ષનો લેખક અને સમાજસેવક (જેને આજકાલ કર્મશીલ કે એક્ટિવિસ્ટ પણ કહે છે) છે.

જો ખરેખર તે ૨૫ વર્ષનો હોય તો તેની ઉંમરના પ્રમાણમાં તેના વિચારો ઘણા પરિપક્વ અને દુનિયા આખીના તાર ઝણઝણાવી મૂકે તેવા છે. તેણે સમગ્ર વિશ્વની પ્રણાલિ અને સમાજ સામે કેટલાક પ્રશ્નો મૂક્યા છે. આ વિડિયોમાં તે જે કૉમેન્ટ્રી બોલે છે તેની સાથે દૃશ્યો પણ તમારા મનને બેચેન બનાવી દે તેવાં છે. એ વિડિયો અનેક વાર સાંભળ્યા પછી, (જી હા, જોવા કરતાં સાંભળવો વધુ અગત્યનો છે.) મેં તેના કેટલાક વાક્યો ટપકાવ્યા છે. અહીં હું તેના વાક્યો ‘જે.સ્કૉ..:’ પછી મૂકીશ અને પછી ‘જ.પં.:’ તરીકે મારી ટીપ્પણી કરી તેને ભારતના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ કરીશ.

જે.સ્કૉ..: હું એક તૂટેલા સમાજ (બ્રૉકન સૉસાયટી)માં ફસાયેલો એક માણસ છું. તૂટેલા સમાજથી મારો મતલબ છે, મારી આસપાસ જાળીદાર સમાજ છે જ્યાં નસીબથી અધિકારો મળે છે અને એક ટકા સંપત્તિ અન્યોની ગુણવત્તા પર આધાર રાખે છે.

જ.પં.: જેમ્સ સ્કૉટમોર કહેવા માગે છે કે અહીં તમે ક્યાં જન્મો છો, કેવા રૂપરંગમાં જન્મો છો, તેનાથી તમારા અધિકારો નક્કી થાય છે. માનો કે, તમે મૂકેશ અંબાણી કે કુમારમંગલમ્ બિરલાના ઘરે જન્મ્યા તો તમારો બેડો પાર. તે એમ પણ કહે છે કે એક ટકા સંપત્તિ અન્યોની ગુણવત્તા પર આધાર રાખે છે. ધનવાનોને ત્યાં કામ કરતાં લોકો પ્રતિભાવાન હોય છે. આને ધનવાનો પૂરતું સીમિત ન રાખીએ અને કોઈ પણ કંપનીના બૉસ સુધી પણ લઈ જઈ શકાય. ઘણા બૉસ તેમની નીચેના કર્મચારીઓની પ્રતિભાથી ઉજળા હોય છે. મહેનત અને બુદ્ધિ આ કર્મચારીઓની કામ કરતી હોય છે, બૉસ માત્ર પદ અને પદના લીધે મળેલી સત્તાના રૂઆબથી કર્મચારીઓ પાસે કામ કરાવી જાય છે અને કર્મચારીઓની મહેનત અને પ્રતિભાથી જશ પ્રાપ્ત કરી લે છે.

જે.સ્કૉ.: આ યુગ મૂડીવાદ, સ્પર્ધા અને ઔદ્યોગિક ક્રાંતિનો છે. અહીં ભ્રષ્ટાચાર, નફા અને ઉત્પાદનની બોલબાલા છે. ત્યાગ અને નિષ્ઠાની અહીં અવગણના થાય છે. આપણે પર્યાવરણનો વિનાશ કરીએ છીએ. સાચી બુદ્ધિના બદલે સામાન્ય બુદ્ધિવાળાઓનું મહિમામંડન થાય છે. ૨૧મી સદીમાં સ્વાગત છે. સદી જે ઇન્સ્ટાગ્રામ, ફેકબુક-ફેસબુકની છે. આ સદીમાં જો તમે નૈતિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા હો તો તમારી અવગણના થશે. પરંતુ તમારો દેખાવ સારો હશે તો તમારી પૂજા થશે, કારણકે અહીં સ્વાર્થી વૃત્તિને તાકાત તરીકે ચિતરવામાં આવે છે અને દયાભાવ-ઉદારતાને નબળાઈ ગણી લેવામાં આવે છે.

જ.પં.: એકદમ સીધી અને સટ વાત છે જેમ્સની. આ ઔદ્યોગિક ક્રાંતિનો, મૂડીવાદનો અને સ્પર્ધાનો જમાનો છે. ઉલટું સ્પર્ધાના બદલે ગળાકાપ સ્પર્ધા કહેવી જોઈએ. અને ગળાકાપ સ્પર્ધા હોય એટલે તેમાં નફાની બોલબાલા હોય. નફા માટે ઉત્પાદન અને ભ્રષ્ટાચાર જન્મ લે. આ બધામાં સ્વાભાવિક છે કે તમારા ત્યાગ અને નિષ્ઠાની અવગણના થવાની. તમે કંપની માટે કે દેશ માટે ત્યાગ કરો તો તમને કોઈ પૂછવા નહીં આવે. કારણકે અહીં ઘણી બધી જગ્યાએ ટોચ પર મિડિયોકર લોકો બેઠા છે. અહીં આવા મિડિયોકર લોકોની બોલબાલા છે અને સાચી બુદ્ધિવાળા લોકોની ઉપેક્ષા છે. આ બધામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આવા મિડિયોકર લોકોને વધુ આગળ ધકેલે છે, કારણકે ફેસબુક ક્યારેક ક્યારેક જૂઠાણાં ફેલાવવાનું નિમિત્ત પણ બને છે. આવી દુનિયામાં જો તમે નૈતિક મૂલ્યોમાં વિશ્વાસ ધરાવતા હો તો તમારી અવગણના થશે.

તમે જો સંસ્કાર, પ્રમાણિકતા, કુટુંબપ્રેમ, ભાષાની શુદ્ધતા,રાષ્ટ્રપ્રેમની વાત કરશો તો તમારી ગણના વેદિયા-વેવલામાં થશે. પરંતુ જો તમે દેખાવડા હશો તો તમારી પૂજા થશે. સ્વાર્થીપણાને તાકાત માની લેવામાં આવી છે. દરેક ઘરમાં માબાપ બાળકને શીખવે છે પહેલાં પોતાનું વિચારવાનું, પછી બીજાનું. દરેક ચીજ અને કાર્ય પાછળ ‘મારું શું અને મને શું’ એ જ હેતુ બની ગયો છે. નિ:સ્વાર્થવૃત્તિથી સંબંધો રખાતા નથી. જ્યાં સુધી પોતાના માટે કોઈ વ્યક્તિ કામની હોય ત્યાં સુધી તેની આગળ-પાછળ આંટા મારવા, તેની ચાંપલૂસી કરવી, તેને ઘરે જમવા બોલાવવા, તેના ઘરે જવું, પરંતુ જ્યારે તે વ્યક્તિ કામની ન રહે એટલે તેના ફૉન પણ ન ઉપાડવા સુધીની હદે આજે માણસો જઈ શકે છે. આજે દયાભાવને નબળાઈ માની લેવામાં આવી છે. હિન્દુઓની આ દયાભાવ-ઉદારતા જ તેમના માટે હેરાનગતિનું કારણ બનતી રહી છે. આવો અનુભવ દરેક દયાળુ માણસને ક્યારેક ને ક્યારેક થયો જ હશે.

જે.સ્કૉ.: અને મિડિયા આપણને જે અગત્યનું છે તેની ઉપેક્ષા કરવાનું અને તેના બદલે જે લોકપ્રિય છે તેને અનુસરવાનું શીખવે છે. સફળ થવા માટે આપણે સંપત્તિવાન હોવું જરૂરી છે. સન્માન જેવા સાચા સદ્ગુણો હવે અપ્રાસંગિક બની ગયા છે. લોકો તેમની આર્થિક સમૃદ્ધિના કારણે વધુ માન પામે છે. પરંતુ બધી શ્રેષ્ઠ ચીજો આપણી પાસે હોય તેનાથી આપણે શું શ્રેષ્ઠ બની જઈએ છીએ? જો આપણે એક દિવસ પણ સ્માર્ટ ફૉન વગર ન વિતાવી શકીએ તો આપણી સ્વતંત્રતા ખરી સ્વતંત્રતા કહેવાય નહીં. શું શાળાઓ આપણને કઈ રીતે વિચારવું તે શીખવે છે? શું વિદ્યાર્થીઓને ખરેખર શિક્ષણની જ પડી હોય છે કે પછી તેઓ ખાલી ડિગ્રી પાછળ જ ભાગે છે? કદાચ તેઓ (શાળાઓ) આપણને સત્તા સામે કઈ રીતે ઝૂકેલા રહેવાનું શીખવે છે અને આ તૂટેલી પ્રણાલિ માટે આપણને તૈયાર કરે છે. શું સંપ્રદાયો અને રાષ્ટ્રીયતા સાચી છે? શું તેમને ગંભીરતાથી લેવાં જોઈએ? આપણે શા માટે તેમના મુદ્દે લડીએ છીએ? લોકો માનવતા શા માટે ભૂલી જાય છે? છેવટે આપણે બધા માનવો છીએ. લોકોની ગુણવત્તા તેની ચામડીના રંગ કે વંશના આધારે નક્કી ન થવી જોઈએ. આ ચીજો આપણા હાથની નથી. આથી તેમની પાસે કોઈ વ્યક્તિની સ્વતંત્રતા કે તક છિનવવાની સત્તા ન હોવી જોઈએ.

જ.પં.: સાચી વાત કહી જેમ્સે. આર્થિક સમૃદ્ધિ જ આજે સન્માનનો માપદંડ છે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. શિક્ષણ પ્રણાલિ વિશે પણ જેમ્સે ચોટદાર પ્રશ્નો ઉપાડ્યા છે. આજે શિક્ષણ પ્રણાલિ એ કોઈ સરકારી કે ખાનગી કંપનીમાં સફેદ કોલરના મજૂરો કે ફૅક્ટરીના મજૂરો તૈયાર કરવાનું કારખાનું બનીને રહી ગઈ છે. વિદ્યાર્થીઓને પણ સાચું શીખવામાં રસ નથી. આ જાત અનુભવ છે. જો શિક્ષકે ખોટું શીખવાડ્યું હોય તો વિદ્યાર્થીને મારા જેવા કોઈ સગા કે આત્મીય વ્યક્તિ સાચું શીખવાડે તો તે ના પાડશે. અમારા શિક્ષક કહે તે જ સાચું. અને વળી, માર્ક આપવાની સત્તા પાછી શિક્ષક પાસે જ હોય. આજે ભારત સહિતના દેશોમાં ત્વચાના રંગના આધારે વ્યક્તિ પ્રત્યે માનની લાગણી ઊભી થાય કે મરી જાય છે. અમેરિકા-બ્રિટન જેવા દેશોમાં વંશના આધારે થતા ભેદભાવો સદીઓ જૂના છે.

જે.સ્કૉ.: શા માટે પોતાની આસપાસ એક દડાને કિક મારનારની પૂજા થાય છે જ્યારે ભૂખે મરતા બાળક તરફ લોકોનું બહુ ઓછું ધ્યાન જાય છે? શા માટે હવામાનમાં ફેરફાર (ક્લાઇમેટ ચૅન્જ, યૂ નો) કરતાં ફૉન, કાર, ઘરેણાં જેવી ચીજોનું મહત્ત્વ અનહદ વધુ છે? શા માટે પૉપ કલ્ચર અને મનોરંજનને આપણે ન્યાય અને ભૂખમરા કરતાં વધુ પ્રાધાન્ય આપીએ છીએ? શા માટે જે સેલિબ્રિટી અનૈતિકતાસભર સંદેશાઓ ફેલાવે છે તેમને રોલ મૉડલ તરીકે માનવામાં આવે છે? શા માટે આપણે મૂર્ખ લોકોને તેમની અભદ્રતા માટે જાણીતા બનાવી દઈએ છીએ? આપણને શેની હરહંમેશ પરવા હોય છે? સ્ટેટસ, આપણી ઇમેજ, આપણને મળતા ખિતાબની?

જ.પં.: તાજેતરમાં જ આઈપીએલમાં કરોડો રૂપિયામાં ક્રિકેટરો ખરીદાયા ત્યારે જેમ્સ સ્કૉટમોરનો આ પ્રશ્ન જલદી સમજી શકાશે. જેમ્સ પોતાને યુ.કે.નો ગણાવે છે અને ભારત સિવાય દુનિયાભરમાં ફૂટબૉલ વધુ લોકપ્રિય છે તેથી તે ફૂટબૉલનું ઉદાહરણ આપે છે. તે કહે છે કે આપણે આઈપીએલ, ક્રિકેટ મેચો, ડાન્સ, બિગ બૉસ, સંગીત એ બધામાં એટલા ખોવાઈ જઈએ છીએ કે ભૂખે મરતા બાળક જેવા સાચા પ્રશ્નો આપણને દેખાતા જ નથી. આપણને ફૉન, કાર વગેરે ભૌતિક ચીજોનું વળગણ અનહદ થઈ ગયું છે. મિડિયા પણ આવી જ બાબતો ચગાવે છે. કોઈ પણ મિડિયાના પ્રિન્ટ, ટીવી કે વેબસાઇટ પર જોશો તો સેલિબ્રિટીને છિંક આવી હશે તો પણ મોટા સમાચાર હશે. આજે મોટા ભાગના હિન્દી કલાકારોની વાતો નૈતિકતાસભર નથી હોતી. આદર્શો, કુટુંબપ્રેમ સાથે ચાલનારા અમિતાભ બચ્ચન જેવા ઓછા છે. અનૈતિક વાતો કરનારા કલાકારો કે ક્રિકેટરો રૉલ મોડલ મનાય છે. રાખી સાવંત, પૂનમ પાંડે, અરશી ખાન, સન્ની લિયોન જેવા સ્ટુપિડ (એટલે સાવ બુદ્ધિ વગરના નહીં પરંતુ જેમનો એક માત્ર ધર્મ વલ્ગારિટી ફેલાવવાનો છે) લોકોને મિડિયા અહોભાવથી દર્શાવે છે અને હવે તો સમાજ પણ તેમને ઉદ્ઘાટનો કરવા બોલાવે છે, પોતાનાં સંતાનો તેમની પાસે ઊંચકાવે છે.

જે.સ્કૉ.: આપણે શા માટે ફૂડ ચેઇન માટે પ્રાણીઓને મારી નાખીએ છીએ? આપણે કેટલાંક પ્રાણીઓને જોકે સારી રીતે પણ રાખીએ છીએ પરંતુ તેમાં એક શરત છુપાયેલી હોય છે અને તે એ કે તેઓ આપણને અંગત લાભ કરાવતા હોય છે. આપણે ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધતા જ જઈએ છીએ અને ચીમનીઓમાંથી ધૂમાડા નીકળતા જ રહે છે. આનાથી ભવિષ્યમાં સભ્યતા (સિવિલાઇઝેશન) ખતમ થઈ જશે. તેનું પતન થઈ જશે. જો તેના તરફ તમારું ધ્યાન ન ગયું હોય તો આ જાગવાનો સમય છે. આપણે શા માટે એવી પ્રણાલિ માટે કામ કરવું જોઈએ જે સ્વાર્થીને ધનવાન અને નિ:સ્વાર્થને ગરીબ બનાવે છે? વિશ્વની માત્ર એક ટકા વસતિ પાસે વિશ્વની ૩૫ ટકા સંપત્તિ છે. આ ન્યાયી અને આવકાર્ય કહેવાય? સફળતા તમે કોને ઓળખો છો તેના પર આધાર રાખે છે, નહીં કે તમે શું જાણો છો? આ આજના યુગની વાસ્તવિકતા છે. આપણે આ યુગનો- પ્રણાલિનો ભાગ છીએ. તેમાં કેટલાક લોકો જીતે છે, પરંતુ મોટા ભાગના હારે છે, કારણકે આ પ્રણાલિ માત્ર થોડાક લોકોને જ લાભ આપે છે. અહીં ગરીબોનું શોષણ કરવાનો કેટલાક વિશેષાધિકાર માને છે. આ નિષ્ફળ પ્રણાલિનાં લક્ષણો છે. આ તૂટેલી સદીને જોડવાની જરૂર છે. ક્રાંતિનો સમય આવી ગયો છે. વિચારજો.

જ.પં.: આ છેલ્લા પેરેગ્રાફ અંગે કોઈ કોમેન્ટ કરવાની જરૂર લાગતી નથી, પણ હા એટલું જરૂર કહેવું છે કે કોઈ અભિનેત્રીનું સ્કર્ટ ઊંચું થાય કે કોઈ અભિનેતા વિવાદાસ્પદ બોલે તો તે વિડિયો થોડા જ કલાકોમાં લાખો લોકો જોઈ લે છે, ત્યારે યૂ ટ્યૂબ પર આ વિડિયો હજુ સુધી ૨૨ હજારથી વધુ કેટલાક લોકોએ જ જોયો છે. તે બતાવે છે કે જેમ્સના મુદ્દા સાચા છે.

gujarat guardian, television

સુમિત અને કપિલ: ચેનલના મેનેજમેન્ટને નારાજ કર્યા તો…

જે લોકો ‘સુમિત સબ સંભાલ લેગા’ને પસંદ કરતા હશે તેમને ૯ જાન્યુઆરીથી એક અઠવાડિયા માટે આ સિરિયલ નહીં પ્રસારિત થવાથી આંચકો લાગ્યો હશે. પણ હોતા હૈ, ચલતા હૈ. ગ્રાહકોને જ્યાં મોટા મોટા ઝટકા મળતા હોય ત્યાં આવા નાના આંચકાઓની નવાઈ શી! સ્ટાર પ્લસ જેવી પે ચેનલ, જેને જોવા માટે દર્શકોએ (પહેલા કેબલવાળા મારફત અને હવે ડીટીએચ મારફત) અલગથી પૈસા ચુકવવાના થતા હોય તે શું એટલી પણ નિસબત ન રાખી શકે કે દર્શકોને જણાવી શકે કે આ સિરિયલ કેમ પ્રસારિત નથી થઈ રહી? (મારા ધ્યાનમાં તો આવી નોંધ નથી જ આવી.)

ઉલટું, એ અઠવાડિયામાં બધી સિરિયલોના ટાઇમિંગ મોડા મોડા ચાલતા હતા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ તો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ એક કલાક ચાલી. ‘યે રિશ્તા…’નો સમય ૯.૩૦થી ૧૦.૦૦નો છે. પરંતુ તેને ૧૦.૩૦ સુધી ચલાવાઈ. આની પાછળ કારણ શું છે? કોઈ ભારતીય ચેનલ તરફથી આવું થતું હોત તો સમજ્યા, પણ આ તો રૂપર્ટ મુર્ડોકની વિદેશી ચેનલ! જેના પ્રોફેશનલિઝમનાં ઉદાહરણો અપાતાં હોય છે. સમાચારપત્રો અને મેગેઝિનોમાંય લોકપ્રિય કૉલમ જો ન છપાય તો તેની નાની સરખી નોંધ મૂકાતી હોય છે. પરંતુ સ્ટાર પ્લસે આવું કંઈ કર્યું નહીં. અને હવે પહેલાંની જેમ સમાચારપત્રોમાં પણ ટીવીના શેડ્યુલ છપાતા નથી.

બાકી પહેલાં એક સમય હતો કે એક માત્ર દૂરદર્શન હતું તો સાપ્તાહિકીમાંથી સમય નોંધી લેવાતો. અને દૂરદર્શનના કાર્યક્રમોનું સમયપત્રક સમાચારપત્રોમાં નિયમિત રીતે છપાતું. એક સમાચારપત્રમાં જે ભાઈ આ સમયપત્રક તૈયાર કરતા તે ખૂબ જ કાળજી લેતાનું મને યાદ આવે છે અને તેમને પાછા બીજા પત્રકારો પણ પોતાને કોઈ જાણકારી હોય તો તે આપે, એટલી ચીવટ રખાતી સમયપત્રક તૈયાર કરવામાં અને રાખવી જ પડે કેમ કે જો વિગતદોષ હોય તો સમાચારપત્રની કચેરીએ લેન્ડલાઇનની ઘંટડીઓ સતત રણકતી રહેતી. હવે તો ઇન્ટરનેટ પર વેબસાઇટની સુવિધા છે. તેના પર પણ સમયપત્રક ચોકસાઈભર્યાં મૂકાતાં નથી.

આમ, એક અઠવાડિયા સુધી સ્ટાર પ્લસનું ૯.૩૦થી ૧૦.૩૦નું સમયપત્રક ખોરવાયેલું જ રહ્યું હતું. સમાચાર પણ મળ્યા કે ‘સુમિત સબ સંભાલ લેગા’ બંધ થશે! (સુમિત દર્શકોને સંભાળી શક્યો નથી લાગતો.) અને નવી સિરિયલ ‘તમન્ના’ની જાહેરાત પણ થઈ ગઈ.

પણ આવું સ્ટાર પ્લસ પર અને ‘સુમિત સબ સંભાલ લેગા’ સાથે જ નથી બનતું. જે શોએ કલર્સ ચેનલની લોકપ્રિયતામાં મોટો ફાળો આપ્યો તે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ શર્મા’ સાથે પણ ચેનલવાળાએ આવું જ કર્યું.

હકીકતે વાત એમ હતી કે કપિલ શર્માના કોમેડી નાઇટ્સનો ૧૭ જાન્યુઆરીએ અંતિમ એપિસોડ આવવાનો હતો જેમાં અક્ષયકુમાર પોતાની ૨૨ જાન્યુઆરીએ રજૂ થનારી ‘ઍરલિફ્ટ’ના પ્રમોશન માટે આવ્યો હતો. આ અંતિમ એપિસોડ હોઈ તેમાં બધા ભાવુક થઈ ગયા હતા. ખાસ કરીને ગુત્થીનું પાત્ર ભજવતો સુનીલ ગ્રોવર. તે તો રોઈ પડ્યો હતો. આ અંતિમ એપિસોડની વિડિયો ક્લિપ પણ સોશિયલ મિડિયામાં વહેતી થઈ હતી.

કપિલ શર્માને કંઈક ગંધ આવી ગઈ હોય તેમ રવિવારે સવારે જ તેણે ટ્વિટર પર લખ્યું હતું કે આ શો રજૂ થાય તેવી તેને આશા છે. દર્શકોનો આભાર માનવાની આ અમારી રીત છે. અને કપિલ શર્માની શંકા સાચી પડતી હોય તેમ રવિવારે શો દેખાડાયો જ નહીં. તેની જગ્યાએ દર્શાવાયો ‘કોમેડી નાઇટ્સ બચાઓ’!

કોઈ જાતની સૂચના નહીં અથવા જાહેરાત નહીં કે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ કેમ બતાવાતો નથી. વચ્ચે બ્રેકમાં પણ અંતિમ એપિસોડની જાહેરાત ન મૂકાઈ. લગભગ છેક છેલ્લા બ્રેકમાં જાહેરાત દેખાડાઈ કે અંતિમ એપિસોડ ૨૪ તારીખે દર્શાવાશે.

‘સુમિત સંભાલ લેગા’ની બાબતમાં હજુ એવું કોઈ કારણ બહાર નથી આવ્યું કે એવી કોઈ ચર્ચા પણ નથી કે તે સિરિયલ નિર્માતાને ચેનલના મેનેજમેન્ટ સાથે કોઈ ઝઘડો હોય, પણ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ની બાબતમાં તો હવે એ જગજાહેર છે. ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ શો ચાલુ થયો તે અંગે કપિલને ચેનલવાળાઓ સાથે વાંધો પડ્યો હતો. બંને શોના નામના છેલ્લા બે શબ્દો બાદ કરો તો નામ પણ લગભગ એક સરખાં. કોમેડી નાઇટ્સ બંનેમાં કોમન. બંનેમાં સેલિબ્રિટીઓ પોતાની ફિલ્મ પ્રમોટ કરવા આવે. કોમેડીનું ફોર્મેટ. કપિલના શોમાં એ વધારાનું તત્ત્વ હતું કે દર્શકોમાં નમૂના જેવા લોકોને લઈ અવાય અને તેમની ફિરકી ઉતારાય. સામે પક્ષે કોમેડી નાઇટ્સની દરેક આઇટમની અદ્ભુત ક્રિએટિવિટી. અદ્ભુત મિમિક્રી કલાકાર મુબીન સૌદાગરનું કોઈ ફિલ્મના દૃશ્યનું કોમેડી ડબિંગ હોય કે કૃષ્ણ અભિષેક-સુદેશ લહેરીની જોડીની જમાવટ.

એ જાણીતું છે કે કપિલનો શો શનિ-રવિ આવતો હતો પણ કૃષ્ણના ‘કોમેડી નાઇટ્સ વિથ બચાઓ’ને કપિલના શોની જગ્યાએ શનિવારે ગોઠવાયો અને કપિલનો શો માત્ર રવિવાર પૂરતો સીમિત કરી દેવાયો. કપિલને બીજો વાંધો એ હતો કે તેના શોના બદલે ‘કોમેડી નાઇટ્સ બચાવો’ને વધુ મહત્ત્વ અપાય છે. આ અંગે તેણે ચેનલવાળાઓને ફરિયાદ કરી હોવાનું મનાય છે. ચેનલવાળાઓ નહીં માન્યા હોય એટલે કપિલે શો જ બંધ કરી દેવાની ધમકી આપી. પણ ચેનલવાળાનો અહંકાર ઘવાયો. એટલે તેમણે કહ્યું કે તો શો કપિલ વગર પણ ચાલુ રહેશે.

હવે જો કપિલ વગર પણ શો ચાલુ રહેવાનો હોય તો કપિલ કઈ રીતે એવો એપિસોડ બનાવી શકે જેમાં કહેવાતું હોય કે આ અમારો અંતિમ એપિસોડ છે? કદાચ આવા જ કારણથી ચેનલના મેનેજમેન્ટે કપિલનો અંતિમ એપિસોડ ૧૭મીએ પ્રસારિત ન કર્યો હોય તેવું બની શકે. વળી ચેનલવાળાઓએ તે આગામી કઈ તારીખે પ્રસારિત કરાશે તેની જાહેરાત પણ છેક છેલ્લા બ્રેકમાં કરી. હવે બ્રેકમાં જે લોકો જાહેરખબરના બદલે બીજો શો કે સમાચાર જોઈ લેવા માગતા હોય તે લોકો તે ચૂકી જાય તેમ પણ બની શકે.

અંતિમ એપિસોડ ૧૭મીએ નહીં દેખાડવાનું સત્તાવાર કારણ બંનેમાંથી કોઈ પક્ષ તરફથી આ લખાય છે ત્યાં સુધી જાહેર થયું નથી. કદાચ બની શકે કે કપિલ અને તેની ટીમ રવિવાર ૨૪મીએ એ એપિસોડ દેખાડાય જાય તેની રાહ જોઈને બેઠી હોય અને પછી ધૂમધડાકા કરે.

જોકે કલર્સ ટોચની ચેનલો પૈકીની એક હોવાથી કપિલ શર્મા સંબંધ ન બગાડવાનું પણ વિચારી શકે. એટલે પરમ દિવસે શો આવી જાય પછી શું થાય છે તેની રાહ જોવી પડે. અને કપિલ તેની ટીમ સાથે પોતાનો શો કઈ ચેનલ પર શરૂ કરે છે તે જોવું પણ રસપ્રદ રહેશે. સામે પક્ષે કપિલ વગર જે શો પ્રસારિત કરાશે તેનું નામ ‘કોમેડી નાઇટ્સ’ વિચારાયું છે. તેનું સંચાલન કપિલની જગ્યાએ કૃષ્ણ અભિષેક કરશે. તેની સાથે ટીમમાં બીજા કયા કલાકાર રહેશે અને તેનું ફોર્મેટ કપિલના શો જેવું જ રહેશે કે કેમ તે જોવાનું રહેશે.

‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો અંતિમ એપિસોડ ૨૪મીએ દેખાડાશે ત્યારે પણ તેને ‘કોમેડી નાઇટ્સ બચાઓ’નું ગ્રહણ બીજી રીતે લાગવાનું જ છે, કેમ કે એ દિવસે ‘બિગ બોસ’ની ફાઇનલ છે અને તેમાં ‘કોમેડી નાઇટ્સ બચાઓ’ની ભારતીસિંહ સહિતની ટીમ હસાવવા માટે આવશે. આ ફાઇનલમાં સલમાન ખાન સાથે તેની પૂર્વ પ્રેમિકા કેટરીના કૈફ પણ જોવા મળશે. કેટરીના પોતાની ફિલ્મ ‘ફિતૂર’ના પ્રચાર માટે આવશે. આ બંને પૂર્વ પ્રેમીઓ હમણાં બીજી રીતે પણ ચર્ચામાં છે. રણબીર કપૂર સાથે કેટરીના કૈફના સંબંધોનો વિચ્છેદ થયો છે. તે પછી કહે છે કે કેટરીનાએ સલમાન ખાન સાથે બે કલાક પરામર્શ કર્યો હતો. ‘બિગ બોસ’ની ફાઇનલમાં કલર્સ ચેનલની લોકપ્રિય સિરિયલો ‘નાગીન’, ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’ અને ‘થપકી પ્યાર કી’ના કલાકારો પણ આવશે. એટલે પૂરી સંભાવના છે કે ‘બિગ બોસ ૯’ની ફાઇનલની ચમકદમકમાં ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’નો અંતિમ એપિસોડ દબાઈ જાય.

ટૂંકમાં ‘સુમિત સંભાલ લેગા’ કે ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ની હાલત જોયા પછી એવું કહી શકાય કે ચેનલના મેનેજમેન્ટ સાથે બથોડા લેવા નહીં. તેઓ તમારા શોને ફંગોળી શકે છે, પછી ભલે ને તમારો શો લોકપ્રિય કેમ ન હોય.

gujarat guardian, television

૨૦૧૫: ધર્મકથા, ઐતિહાસિક અને અશ્લીલતાની ભરમાર

(ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા.૨૫/૧૨/૧૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે આવતા શુક્રવારે નવું વર્ષ ચાલુ થશે. સદી પ્રમાણે અત્યારે ૨૧મી સદી ચાલી રહી છે. પરંતુ ટીવીમાં હજુ ક્યાંક ભૂતપ્રેતના શો ચાલે છે તો ક્યાંક અશ્લીલતાની સીમા પાર કરી દેવાઈ છે. ક્રિએટિવિટીના નામે ગણિતની ભાષામાં કહીએ તો ટેન્ડ્સ ટૂ ઝીરો છે. પૌરાણિક સિરિયલો તો ચાલે છે, પરંતુ હવે એમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. ધાર્મિક સિરિયલોમાં હવે મન ફાવે તેમ રંગો ભરવાના. ઐતિહાસિક સિરિયલોમાં ઇતિહાસ સાથે ચેડા કરવાનાં. ફ્રીડમ ઑફ એક્સ્પ્રેશન અને ક્રિએટિવ લિબર્ટીના નામે દર વર્ષે અશ્લીલતાની નવી ને નવી હદ પાર કરતા જવાની.

આ વર્ષે બિપાશા બસુનો ‘ડર સબ કો લગતા હૈ’ શરૂ થયો જેમાં ભૂતપ્રેતની વાર્તા જ હોય છે. બિપાશાનું ગ્લેમર અને હોરર. આ બંનેનું મિશ્રણ જોવા મળ્યું. શોની ફોટોગ્રાફી વગેરે ગુણવત્તા સારી રહી, પરંતુ દર વખતે હૉન્ટેડ હાઉસ અને સુપરનેચરલ ચીજો કેટલાને ગમે? દર વખતે કેટલું નવું આપી શકાય? તો રિયાલિટી શોની ભરમાર અને તેના વિવાદો પણ ચાલુ રહ્યા. ‘બિગ બોસ ૯’માં જે મોડલો કે અભિનેત્રીઓ બિન્દાસ્ત (બૉલ્ડ) હતી તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા લાવીને તેની ટીઆરપી ઉંચકાવા પ્રયાસો થયા, પરંતુ તે ફ્લોપ જ રહ્યો. આ અંગે ગયા અઠવાડિયે જ લખી ગયા છીએ એટલે પુનરાવર્તન કરતા નથી. શોમાં સલમાન-શાહરુખ ખાન ફરી એક વાર ‘બ્રોમાન્સ’નો ઢોંગ કરતા જોવા મળ્યા. સલમાનને સજા ન થઈ તે ‘બિગ બોસ’ના નિર્માતાઓ માટે સારું થયું નહીંતર તેમને નવો હોસ્ટ શોધવો પડત.

હિન્દી ફિલ્મના કલાકારોને નાના પડદાની લાલચ આ વર્ષે પણ સિરિયલો-શોમાં લાવતી રહી. એક સમયની હોટ એક્ટ્રેસ ગણાતી શિલ્પા શિરોડકર ‘એક મુઠ્ઠી આસમાન’ (ઝી) પછી ફરી એક વાર નવી સિરિયલ ‘સિલસિલા પ્યાર કા’માં આવી રહી છે. જોકે જાહેરખબર ભલે વર્ષાંતે શરૂ થઈ હોય, શો ૪ જાન્યુઆરીથી સ્ટાર પ્લસ પર રાત્રે ૮.૩૦ વાગે શરૂ થશે. અનુપમ ખેરના શો ‘કુછ ભી હો સકતા હૈ’ની બીજી શ્રેણી આવી. તેમાં ઋષિ કપૂરનો ઇન્ટરવ્યૂ છેલ્લી ઘડીએ રદ્દ થતાં તેણે ટ્વિટર પર હંગામો કર્યો.

વિરોધના હંગામા છતાં ચાલુ રહેલી એકતા કપૂરની ભૂતપૂર્વ (ભૂતપૂર્વ એટલા માટે કારણકે એકતા કપૂર તેમાંથી નીકળી ગઈ હતી) ‘જોધા અકબર’ સિરિયલ અંતે ૭ ઑગસ્ટના રોજ શાંત થઈ. આ સિરિયલમાં ઇતિહાસ સાથે ચેડા થયા હોવાનો કેટલાક રાજપૂતોનો દાવો હતો. રાજપૂતોએ આ જ રીતે સોની ટીવી પરની ‘ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ’નો પણ વિરોધ કરેલો. જોકે મહદંશે આવા વિરોધ વાંઝણા પુરવાર થાય છે. આ સિરિયલ ગત ૧૦ ડિસેમ્બરે સમાપ્ત થઈ ગઈ છે.

આ જ રીતે કલર્સ પરની  ‘ચક્રવર્તી સમ્રાટ અશોક’માં પણ ક્રિએટિવ લિબર્ટીના નામે ચેડા કરાયા છે. બિંદુસારના સમયમાં ઈસ્લામ પંથનો ઉદ્ભવ જ નહોતો થયો તો ‘મીર’ અને તેની દીકરી ‘નૂર’ એવાં ઇસ્લામિક નામ ધરાવતા પાત્રો, જેમની રહેણીકરણી, બોલચાલ બધી રીતે ઇસ્લામિક છે, તેઓ ક્યાંથી આવે? આવા તો બીજા ઘણા ફેરફારો ફિક્શનના નામે કરાયા છે. આવું જ ‘સિયા કે રામ’માં કરાયું છે. એ માન્યું કે રામાયણના અનેક સંસ્કરણો છે અને હિન્દુ સિવાય જૈન મતાવલંબીઓ અને અન્ય મતાવલંબીઓએ પોતાની માન્યતાઓ પ્રમાણે રામાયણની કથા રચી છે. પરંતુ જે આધારભૂત રામાયણ મનાય છે તે વાલ્મીકિ રામાયણ અને લોકપ્રિય રામાયણ તુલસી રચિત રામાયણ છે. જે લોકો કાર્ટૂન કે સિરિયલ/ફિલ્મના નામના વિરોધમાં કોઈને મારી નાખતા નથી કે ત્રાસવાદી હુમલા નથી કરતા તેમની લાગણી સાથે શા માટે આ ક્રિએટિવ કમ્યૂનિટી સતત રમતી આવે છે તે સમજાતું નથી.

પૌરાણિક ધર્મકથાઓ પર આધારિત ‘સૂર્ય પુત્ર કર્ણ’ અને ‘જય સંતોષી મા’ પણ આ વર્ષે આવી. તો બીજી તરફ ઈચ્છાધારી નાગણ બદલો લે તેવી ફિલ્મી વાર્તાને સિરિયલમાં બદલી એકતા કપૂરે ફરી એક વાર સાબિત કર્યું કે તેનું સોપ ક્વીન તરીકે સામ્રાજ્ય યથાવત્ છે. ૨૧મી સદીમાં પણ ‘નાગિન’ના ટીઆરપી સૌથી વધુ જોવા મળે છે તે નવાઈની વાત છે.

આ વર્ષે સિરિયલોની સાથે રિયાલિટી શો પણ ચાલુ જ રહ્યા. હિમેશ રેશમિયા, મિકા સિંહ, સુનીધિ ચૌહાણ અને શાનને નિર્ણાયક તરીકે દર્શાવાતા ‘વોઇસ ઑફ ઇન્ડિયા’માં એક સારું પરિવર્તન એ કરાયું હતું કે તેમાં જ્યારે સ્પર્ધક પોતાની ગાયન કળા રજૂ કરતો હોય ત્યારે નિર્ણાયકો ઊંધા ફરી જતા હતા. જેથી સ્પર્ધકોના દેખાવની તેમના નિર્ણય પર અસર ન પડે. આ જ રીતે બાળકોના ‘ઇન્ડિયન આઈડોલ જુનિયર ૨૦૧૫’ પણ લોકોને ઘણો પસંદ પડ્યો. જોકે તેમાં અભિનેત્રી સોનાક્ષી સિંહા જે આલિયા ભટ્ટની જેમ ઠીક-ઠીક પણ ગાઈ શકતી હોય તેવું જાણમાં નથી, તેને નિર્ણાયક તરીકે લેવામાં આવી તે ટીકાપાત્ર રહ્યું. ‘રોડિઝ’માં નિષ્ફળ અભિનેત્રી એશા દેઓલને નિર્ણાયક તરીકે લેવાનો નિર્ણય પણ ટીકાપાત્ર ઠર્યો. આ જ રીતે લેખક ચેતન ભગતને એકતા કપૂરના શો ‘નચ બલિયે-૭’માં નિર્ણાયક તરીકે કેમ પસંદ કરાયા તે સવાલ પણ મૂંઝવી ગયો. ‘નચ બલિયે-૭  ‘માં તેનું માળખું બદલી નાખ્યું. માત્ર ડાન્સ પર આધારિત શો રાખવાના બદલે તેનું ફોર્મેટ ‘બિગ બોસ’  જેવું કરી નખાયું. આ ફોર્મેટ અંતર્ગત કલાકારોના ડાન્સ શનિ-રવિ જ દર્શાવાતા હતા જ્યારે સપ્તાહના બાકીના દિવસોમાં  ‘બિગ બોસ’ની જેમ કલાકારોની દિનચર્યા દર્શાવાની. આ ઉપરાંત ખતરોં કે ખિલાડી, માસ્ટર શેફ વગેરે રિયાલિટી શો પણ ચાલુ રહ્યા.

અશ્લીલતા ને ઉદ્દંડતાની નવી ને નવી હદ ફિલ્મોની સાથે ટીવીમાં પણ પાર કરાતી જાય છે. અગાઉ સોની ટીવી પર ‘કોમેડી સર્કસ’ આવતું હતું તેમાં અર્ચના પૂરણસિંહ, રોહિત શેટ્ટી, શેખર સુમન ને સોહેલ ખાનની હળવી મજાક કરાતી હતી, પરંતુ ઇન્ટરનેટ પર ‘એઆઈબી- રોસ્ટ’નો સાવ અપમાનજનક અને અશ્લીલતાપૂર્ણ કાર્યક્રમ આવ્યો તેને જોઈને બંધ પડેલા ‘કોમેડી સર્કસ’ના વિપુલ ડી. શાહે આ જ પ્રકારનો શો બનાવ્યો.

’કોમેડી નાઇટ્સ બચાવો’. પરંતુ ‘કોમેડી સર્કસ’માં જે વૈવિધ્ય અને ક્રિએટિવિટી જોવા મળતી હતી તેનો અહીં અભાવ છે. અહીં તો જે મહેમાનોને બોલાવાય છે તેનું ભયંકર અપમાન થાય તેવી મજાક કરાય છે. અને તેમાં ભારતીની વાહિયાત હરકતો અશ્લીલતાની હદને દિવસે ને દિવસે પાર કરતી જાય છે. ‘કોમેડી નાઇટ બચાવો’ જેના પરથી પ્રેરિત છે તે ઇન્ટરનેટના ‘એઆઈબી’વાળાઓ-ગુરસિમરન ખાંબા અને તન્મય ભટ્ટે સ્ટાર પ્લસ પર રવિવારે રાતે દસ વાગે ‘ઓન એર-એઆઈબી’ શરૂ કર્યું છે. તેમાં પણ નેતાઓથી લઈને અભિનેતાઓની ભદ્દી મજાક ઉડાડાય છે. જેમ કે ઈઝરાયેલના વડા પ્રધાન નેતનયાહુએ કહ્યું કે જર્મનીનો તત્કાલીન વડો હિટલર જ્યુને તગેડી મૂકવા માગતો હતો. તેમનો નરસંહાર કરવા માગતો નહોતો. પરંતુ તેને જેરુસલેમના ગ્રાન્ડ મુફ્તિએ સલાહ આપી તેથી તેણે આમ કર્યું. હવે જે યહૂદીઓ પર અત્યાચાર કરાયો હોય તે યહૂદીઓના વડા આમ કહેતા હશે તો કંઈક તથ્ય જ હશે ને. પરંતુ ‘ઓન એર-એઆઈબી’માં આ નિવેદનને પોઇન્ટ કરીને એટલી મજાક ઉડાવી કે વાત ન પૂછો. એ મજાકના શબ્દો તો ચોક્કસ યાદ નથી પણ કંઈક આવી હતી કે જો નેતન્યાહુ કહે છે કે હિટલર યહુદીઓને મારવા નહોતો માગતો તો સન્ની લિયોન પણ પોર્ન ફિલ્મો કરવા નહોતી માગતી….આ પ્રકારની મજાક.

બિગ મેજિક ચેનલ પર ‘બોયઝ’ સિરિયલમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે અને અહીં વિદ્યાર્થીને શિક્ષિકા પર લાઇન મારતા બતાવાય છે. એમટીવી પર ‘બિગ એફ’ સિરિયલમાં લેસ્બિયન અને તેમની કિસનાં દૃશ્યો સુધી વાત પહોંચી ગઈ.

અમિતાભ બચ્ચનનું ટીવી પર પુનરાગમન એ રીતે થયું કે તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે નહીં, પણ એક નવા શો ‘આજ કી રાત હૈ ઝિંદગી’ સાથે રજૂ થયા, પરંતુ વર્ષ ૨૦૦૧માં કે અત્યારે પણ ‘કૌન બનેગા કરોડપતિ’માં જે જાદુ તેઓ જગાડી શકે છે તેવો જાદુ જગાડી શક્યા નહીં. શોની જાહેરાત પ્રમાણે તે મ્યૂઝિકલ શો હોવાનું અનુમાન હતું. જ્યારે તેમાં સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિઓની વાત કરાય છે. દરેક વાતમાં અમિતાભની નકલ કરતા શાહરુખ ખાનનું પણ નાના પડદે પુનરાગમન નિષ્ફળ નિવડ્યું. તેનો શો ‘ઇન્ડિયા પૂછેગા સબ સે શાણા કૌન’ ભયંકર નિષ્ફળ નિવડ્યો. ફરહાન અખ્તરનો શો ‘આઈ કેન ડૂ’ પણ ચાલ્યો નહીં.

સિરિયલ ફિક્કી પડે ત્યારે વાર્તામાં કોઈ પાત્રને મારી નાખવું, પેઢીઓ બદલી નવા કલાકારો લઈ આવવા આ વલણ આ વર્ષે પણ ચાલુ રહ્યું. ‘કુબૂલ હૈ’, ‘દિયા ઔર બાતી’, ‘સાથ નિભાના સાથિયા’, ‘દિયા ઔર બાતી’, ‘બંધન’ અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં આ બંને ટ્રેન્ડ જોવા મળ્યા.

કોમેડી સિરિયલ સારી રીતે આપો તો લોકપ્રિય થાય છે તેવું ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ અને ‘ભાભીજી ઘર પે હૈ’માં કહી શકાય. ‘સુમિત સબ સંભાલ લેગા’ પણ ઠીક-ઠીક લોકપ્રિય થઈ છે. સોની ટીવી અને સ્ટાર પ્લસે તેના ડિજિટલ પ્લેટફોર્મ પર જ ખાસ કાર્યક્રમ શરૂ કરવાનો ટ્રેન્ડ પણ શરૂ કર્યો છે. સોનીએ ‘લવબાઇટ્સ’ નામની શ્રેણી તેના માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ રજૂ કરી તો સ્ટાર પ્લસે તેના કાર્યક્રમો પહેલા એપિસોડથી માણી શકાય તે માટે હોટસ્ટાર એપ લાવી.

આ વર્ષે ટીવી કલાકારોમાં લગ્ન અને ભંગાણના કિસ્સાઓ પણ જોવા મળ્યા. ભંગાણના કિસ્સાની વાત કરીએ તો સારા ખાન-પારસ છિબરાની, પલ્લવી સુભાષ-અનિકેત વિશ્વાસરાવ, શ્વેતા મુનશી-રતિકાંત બહેરા, દલજીત કૌર-શાલીન ભનૌત, દિવ્યંકા ત્રિપાઠી-શરદ મલ્હોત્રા, આ બધાં છૂટાં પડ્યાં છે. તો  ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની વર્ષા ઉર્ફે પૂજા જોશી, ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની દયા ઉર્ફે દિશા વાકાણી, પ્રનીત ભટ્ટ, વ્રજેશ હીરજી, નિગાર ખાન, નિકિતન ધીર, કરણ પટેલ, ચંદન પ્રભાકર, દૃષ્ટિ ધામી વગેરે અનેક કલાકારોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.

gujarat guardian, television

મોહન ભંડારીએ અભિનય માટે બૅન્કની નોકરી છોડી દીધી હતી!

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘ટેલિટૉક’ કૉલમમાં તા.૨/૧૦/૧૫ના રોજ આ લેખ છપાયો.)

માનો કે તમે ઋષિ કપૂરના અતિશય ચાહક છો. તમને રણબીર કપૂર પણ ગમે છે, પરંતુ થોડાં વખત પછી તમને ખબર પડે છે કે રણબીર કપૂર ઋષિ કપૂરનો દીકરો છે. તો તમારું આશ્ચર્ય આનંદમાં પરિણામે કે નહીં? તમે કહેશો કે એ તો બધાને ખબર જ હોય ને. પણ ટીવી જગતની રીતે વાત કરીએ તો તેની કેટલીક માહિતી તમને એટલી જલદી મળતી નથી. અથવા તો બીજી રીતે કહીએ તો ટીવી જગત એટલું મોટું થઈ ગયું છે કે એની દરેકે દરેક માહિતીનો દાવો ક્વિઝ માસ્ટર જેવા ગણ્યાગાંઠ્યા લોકો જ કરી શકે. એટલે જ જ્યારે અભિનેતા મોહન ભંડારીના નિધનના સમાચાર આવ્યા ત્યારે એ સમાચારના દુઃખ સાથે એક આનંદ પણ થયો કે વાહ! ‘તેરે શહેર મેં’માં મોન્ટુ બનતો ધ્રૂવ ભંડારી એ મોહન ભંડારીનો દીકરો છે! એટલે મોહન ભંડારી પોતાની પાછળ એક અડીખમ વારસો મૂકતા ગયા. અને તે પછી તમને એકેક નિશાનીઓ મળવા લાગે. ખાસ કરીને ધ્રૂવની ગુચ્છેદાર હેરસ્ટાઇલ, ભલે તે પાથી જમણી બાજુ પાડતો હોય. એ જ મોઢું. હા, મોહન ભંડારીમાં જે પૌરુષત્વ દેખાય તે ધ્રૂવમાં હજુ ઓછું દેખાય. પણ અમાયા સાથેના તેના રોમેન્ટિક ટ્રેક, ઉમા સાથેના તેના ઝઘડા આ બધું લોકોને ગમી જ ગયું છે.

એ ધ્રૂવે જ સમાચાર અગાઉ આપેલા કે તેના પિતા બીમાર છે, પરંતુ ટીવીને લગતા જે સમાચારો છવાયા રહે છે તે આવા છે- ‘બિગ બોસ’માં મિયા ખલીફા નામની પોર્ન સ્ટાર આવશે (જોકે હવે તેણે ઈનકાર કરી દીધો છે અને એક રીતે ભારતના મોઢા પર થૂક્યું છે કે તે ક્યારેય ભારતમાં પગ નહીં મૂકે), એક ટીવી કલાકાર બળાત્કારના આક્ષેપમાં પકડાયો- ડોલી બિન્દ્રાએ રાધે મા સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા વગેરે વગેરે. આવા બધા સમાચારોમાં મોહન ભંડારીના સમાચાર ઢંકાય જાય તે સ્વાભાવિક છે. એમ તો મોહન ભંડારીના નિધનના સમાચારને પણ સમાચારપત્રોએ ક્યાં એટલું અગત્ય આપ્યું?! સમાચારપત્રોમાં પેઢી બદલાઈ ગઈ છે અને નવી પેઢી મોહન ભંડારીને ઓળખતી ન હોય તે બને, પણ જૂની પેઢીય મોહન ભંડારીને ભૂલી ગઈ? કેટલાક સમાચારપત્રોમાં મોહન ભંડારીના નિધનના સમાચાર પણ ન છપાયા!

જે માણસે એસબીઆઈ જેવી આકર્ષક નોકરીને જતી કરી તેનો અભિનય પ્રેમ કેવો કહેવો? સમાચારપત્રોની ભાષામાં જ કહીએ તો, મળતી માહિતી મુજબ, ૩૧ જુલાઈએ (તેમનું જન્મ વર્ષ નથી મળતું.) જન્મેલા મોહન ભંડારી મૂળ તો ઉત્તરાખંડના અલ્મોડાના મવડા ગામના નિવાસી હતા. તેમના પિતા હંસદત્ત ભંડારી કુમાઉ રેજિમેન્ટ કેન્દ્રની ચાર કુમાઉમાં મેજર હતા. એટલે જ તો મોહન ભંડારી પણ કોઈ મેજર જેવા જ દેખાતા. મોઢા પર કરડાઈ, આંખો પાણીદાર, નાની પણ ધ્યાનાકર્ષક મૂછો, ગુચ્છેદાર હેરસ્ટાઇલ, કોટપેન્ટ, ભરાવદાર પહાડી અવાજ. મોહનના પિતા દ્વિતીય વિશ્વયુદ્ધમાં લાપતા થઈ ગયા હતા.

મોહનના પિતરાઈ ભાઈ પણ લેફ્ટ. જનરલ હતા. તેમનું નામ મોહનચંદ્ર ભંડારી. બંને મોહન સાથે રમતા. અભિનેતા મોહનના પિતા સેનામાં હોવાના કારણે તેમની બદલી થતી રહેતી હતી. મોહન હલ્દવાની અને પૂણેમાં ભણ્યા.

કહે છે કે તેમણે મરાઠી થિયેટરમાંથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ‘સીઆઈડી’માં એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવતા શિવાજી સાટમે મોહન ભંડારીને યાદ કરતા લખ્યું કે તેમણે બંનેએ એક નાટકમાં સાથે કામ કર્યું હતું. ભારતમાં ટીવી જગતના આરંભકાળની સિરિયલો જોનારાને યાદ હશે, બુધવારે ‘ખાનદાન’ સિરિયલ આવતી હતી, જેમાં ડૉ. શ્રીરામ લાગુ, નીના ગુપ્તા, મોહન ભંડારી, જયંત કૃપલાણી, વિવેક વાસવાણી, શેહનાઝ પટેલ વગેરે કલાકારો હતાં. તે ઉપરાંત કૉલેજના વિદ્યાર્થીઓના જીવન પર આધારિત સિરિયલ ‘ચુનૌતી’ને પણ લોકો નહીં ભૂલ્યા હોય. ભૂલાતું ન હોય તો તેમાં મોહન ભંડારી પ્રાધ્યાપક બન્યા હતા. તે પછી તો તેમણે ‘કર્ઝ’, ‘પરંપરા’, નીના ગુપ્તાની ‘પલછિન’, ‘જીવન મૃત્યુ’, ‘પતઝડ’, ‘અભિમાન’, ‘ગુમરાહ’, ‘મિલે સૂર મેરા તુમ્હારા’ જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું. ઝી ટીવી પર આવેલી ‘કિટી પાર્ટી’માં પણ તેમણે કામ કર્યું હતું.

વચ્ચે થોડા સમય અમેરિકા ચાલ્યા જવાના કારણએ ટીવી પડદેથી દૂર રહ્યા પછી તેમણે ‘સાત ફેરે’માં સલૌનીના પિતા નર્પતસિંહની ભૂમિકા ભજવી હતી. જોકે તે ભૂમિકા મોહનની સામાન્યતઃ જેવી ભૂમિકાઓ રહેતી તેવી નહોતી. નર્પતસિંહ એક લાચાર અને મજબૂર પિતા હતો. મોહન ભંડારીએ એક મુલાકાતમાં કહ્યું હતું, “આ ભૂમિકાથી મને બે પ્રકારની પ્રતિક્રિયાઓ મળી. લોકોને આશ્ચર્ય થયું કે મોહન આવી લાચાર પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકો કહેતા, “ઐસા ભી કર લેતે હો, ઇતના મજબૂર કેરેક્ટર?” તો કેટલાક આનંદ વ્યક્ત કરતા કે મજબૂત પાત્રોની ભૂમિકાઓ બહુ ભજવી, હવે લાચાર પિતાની ભૂમિકા પણ સારી કરી રહ્યા છો.”

તેમને એ વાતનો રંજ હતો કે તેમને પોતાનું માર્કેટિંગ કરતા નથી આવડતું. તેઓ કહેતા કે અગાઉ એક-એક પાત્ર સારી રીતે ઘડવામાં આવતું. અત્યારે તો ટીઆરપી જ ભગવાન છે. ‘આધે પકાયે, કુત્તે ખાયે’.

તેઓ કેટલા આશાવાદી હતા કે તેઓ જ્યારે નવી કાર ખરીદતા ત્યારે પોતાની જાતને કહેતા કે આ મારી છેલ્લી કાર નથી!

ગોવિંદ નિહલાણીની ‘પાર્ટી’, સુજાતા મહેતાના કારણે વધુ જાણીતી ‘પ્રતિઘાત’માં ઇન્સ્પેક્ટર અજય શ્રીવાસ્તવ, ‘યલગાર’માં દીપ્તિ નવલના પતિ અને ઇન્સ્પેક્ટર દીપક જે ફિરોઝ ખાનનો દોસ્ત હોય છે, જેની ડ્રગ્સના ગુંડા દ્વારા હત્યા થઈ જાય છે, ‘બેટા હો તો ઐસા’માં એડ્વોકેટ ચંદર, ‘બવંડર’, શાહરુખ ખાનની ‘પહેલી’માં ઠાકુરની ભૂમિકા, હેમા માલિની દિગ્દર્શિત ‘ટેલ મી ઓ ખુદા’માં દીવાનજીની ભૂમિકા તેમણે ભજવી હતી.

મોહન ભંડારીની માતા તેમના પતિ (મોહન ભંડારીના પિતા) ગૂમ થઈ ગયા બાદ તેમના ગામ મવડાના ગ્વેલ દેવતા મંદિરમાં જતાં. અઢી વર્ષ પછી તેમના સકુશળ હોવાની ખબર મળ્યા પછી તેમની આસ્થા વધી ગઈ. મોહન ભંડારીને પણ આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ પાંચ વર્ષ પહેલાં સુધી આ મંદિરે આવતા. બજારોમાં સામાન્ય માણસની જેમ ફરતા અને કુમાઉમાં જ બધા સાથે વાત કરતા.

મોહન ભંડારી યુએસમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ૧૯૯૬માં પહેલો એટેક આવેલો. તેમની સાથે કામ કરનાર ટીવી પ્રોડ્યૂસર મનીષ ગોસ્વામી કહે છે, “તે વખતે અમે પરંપરા અને કર્ઝ નામની બે સિરિયલ કરી રહ્યા હતા. મોહન ભંડારીની અસ્વસ્થતાના કારણે અમારે કથા બદલવી પડેલી.” તેમના પર ૧૮ વર્ષ પહેલાં બ્રેઇન ટ્યુમર માટે સર્જરી કરવામાં આવી હતી. અગાઉ કહ્યું તેમ તેમાંથી બેઠા થયા બાદ તેમણે ‘સાત ફેરે’ સિરિયલ કરી. તે ઉપરાંત ‘બા બહુ ઔર બેબી’માં લીલાના પિતા પ્રિયવર્ધન રાયચુરાની ભૂમિકા કરી હતી. વર્ષ ૨૦૦૯માં એનડીટીવી ઇમેજિન પર આવેલી સિરિયલ ‘દહલીઝ’માં તેમણે ધનિક ઉદ્યોગપતિ મિ. બક્ષીની ભૂમિકા ભજવી હતી. ૨૦૧૦માં તેમણે એક થ્રિલર શો ‘રક્તસંબંધ’ કર્યો હતો. જેમાં તેમના દીકરા ધ્રૂવે પણ કામ કર્યું હતું. તેઓ તેમના દીકરા ધ્રૂવની પ્રગતિથી ખુશ હતા. તેઓ તેને અભિનય અંગે સૂચનો કરતા. મોહન ભંડારીએ શીલા પોહાની સાથે લગ્ન કર્યા હતા. ધ્રૂવ સિવાય તેમને મનુજ નામનો દીકરો પણ છે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે!

gujarat guardian, television

રિયાલિટી શો માટેના ભારતીય આઇડિયા

(આ લેખ ગુજરાત ગાર્ડિયનની ફિલ્મ પૂર્તિમાં ‘ટેલિ ટોક’ કૉલમમાં તા. ૨૮ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયો.)

‘કૌન બનેગા કરોડપતિ’ હોય કે ‘બિગ બોસ’, ‘સચ કા સામના’, ‘ઇન્ડિયા હેઝ ગોટ ટેલન્ટ’, ‘ઇન્ડિયન આઇડોલ’, ‘ઇસ જંગલ સે મુઝે બચાઓ’, ‘કમઝૌર કડી કૌન’, ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?’, ‘ફીયર ફેક્ટર ખતરોં કે ખિલાડી’ હોય કે ‘ઝલક દિખલા જા’, આપણા હિન્દી રિયાલિટી શોમાંના મોટા ભાગના વિદેશી રિયાલિટી શોની બેઠી કોપી હોય છે. વિદેશના હોવાથી ત્યાંની સંસ્કૃતિ (અથવા કહો કે વિકૃતિ) મુજબ તેને ઢાળવામાં આવ્યા હોય છે. તેને અહીંના રીતરિવાજો, પસંદગી, પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવા જોઈએ, પરંતુ ‘કૌન બનેગા કરોડપતિ’ જેવા અપવાદ (અને તે પણ અમિતાભને કારણે, શાહરુખવાળી સિઝન તો નબળી હતી)ને બાદ કરો તો બહુમતી શોને જેમના તેમ અપનાવવામાં આવ્યા. વિવાદ સર્જવામાં આવ્યા. લફરાં બતાવવામાં આવ્યાં. ઓછાં (અથવા ટૂંકા) કપડાંમાં સેલિબ્રિટીઓને બતાવવામાં આવી.

શું આપણે ત્યાં મૌલિક વિચારવાળા લોકોની કમી છે? શા માટે મસમોટી રકમ દઈને વિદેશી શોના કોપીરાઇટ ખરીદવામાં આવે છે? આવું ગાંડપણ કેમ ટીવી ચેનલો અને નિર્માતાઓને ઉપડ્યું છે? જેમ કેટલીક સિરિયલો મૌલિક વાર્તા (અહીં મૌલિક એટલે જે વિદેશી સિરિયલની કોપી નથી) પરથી બનાવાય છે, તેમ શું રિયાલિટી શો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ન બનાવી શકાય? જો નિર્માતાઓ પાસે આઇડિયાની કમી હોય તો આ રહ્યા કેટલાક આઇડિયા:

૧. બોડી વિથ બ્રેઇન: સજ્જ વિદ્યાર્થીઓ

વર્ષો પહેલાં દૂરદર્શન પર એક શો આવતો. નામ તો વિસરાઈ ગયું છે. તેમાં વિદ્યાર્થીઓ ભાગ લેતા. તેમણે સૈનિકોની તાલીમ હોય તેવી આકરી કસોટીઓ આપવી પડતી, જેમ કે પૂલ પર લટકાતા પસાર થવાનું, કોણી પર સૂતાસૂતાં આગળ વધવાનું, કૂદકા મારતા આગળ જવાનું અને તેમાંય કયો વિદ્યાર્થી સહુથી પહેલાં આ બધી કસોટી પાર કરે છે તે જોવાતું. પછી માઇન્ડ ગેમના રાઉન્ડમાં ઓબ્ઝર્વેશન સહિતનો માઇન્ડ ટેસ્ટ કરાતો. જેમ કે કોઈ ફિલ્મનું દૃશ્ય બતાવી તે અંગે સવાલો પૂછે કે એ દૃશ્યમાં રૂમમાં કેટલી બારી હતી? આવો શો ફરી બને તો જરૂર હિટ રહે અને જોનારાને પણ બોડી માટે જુસ્સો ચડે અને તેમનો ઓબ્ઝર્વેશન પાવર પણ વધે.

૨. તાથૈયા થૈયા: ક્લાસિકલ ડાન્સ પર શો

આપણે ત્યાં અનેક મહાન ક્લાસિકલ ડાન્સ છે. અને પ્રદેશે-પ્રદેશે આવા ડાન્સ જોવા મળે છે. પહેલાં દૂરદર્શનનો જમાનો હતો ત્યારે રાતે ૧૦.૩૦ કે ૧૧ વાગ્યે ક્લાસિકલ ડાન્સના પ્રોગ્રામ આવતા અને તે જોવાની મજા પડતી. તે નૃત્યનાટિકામાં વાર્તા પણ જાણવા મળતી. ડાન્સરનો પરિચય આપતી વખતે એનાઉન્સર બોલતી, “આપ લખનઉ સે હૈ, આપને પં. બિરજુ મહારાજ સે કથ્થક કા પ્રશિક્ષણ લીયા હૈ…”. આપણે ત્યાં કેટલા બધા ક્લાસિકલ ડાન્સ છે: કથ્થક, ભરતનાટ્યમ્, કથકલી, કુચીપુડી, મણિપુરી, મોહિનીયટ્ટમ, ઓડિસી. શું આ બધા ડાન્સનો રિયાલિટી શો ન બની શકે? અત્યારે જે કોઈ ડાન્સ આવે છે તે મોટા ભાગના વિદેશી (તેમાંય મોટા ભાગે પાશ્ચાત્ય) ડાન્સ હિપ હોપ, સાલસા, રોક એન રોલ હોય છે. તેમાં વધુ તો રિધમ અને મૂવમેન્ટ જ હોય છે. ચહેરાના હાવભાવનું મહત્ત્વ નહીંવત્ હોય છે. જ્યારે ભારતીય નૃત્યોમાં ભાવઅંગિમાનું મહત્ત્વ હોય છે. ખરેખર તો ક્લાસિકલ ડાન્સમાં પણ અનેક ફાંટા અને ઘરાના છે. તો, એક નૃત્યને પણ લઈને પણ જો રિયાલિટી શો બનાવવામાં આવે તો પણ શો સારો બની શકે.

૩. યે બોડી મસ્ત હૈ: બોડી બિલ્ડિંગની સ્પર્ધા

કંઈ એવું જ નથી કે જિમમાં જઈએ તો જ બોડી બને. પહેલાંના સમયમાં ક્યાં જિમ હતા? લોકો અખાડામાં જઈને બાવડાં બનાવતાં જ હતા ને. આવા શોના એક સેક્શનમાં સૂર્યનમસ્કારની સ્પર્ધા રાખી શકાય. કોણ વધુ સૂર્યનમસ્કાર કરી શકે છે? બીજા શોમાં કોણ વધુ દંડ બેઠક કરી શકે છે તેવું રખાય. તો ત્રીજા સેક્શનમાં વેઇટ લિફ્ટિંગ જેવું કંઈક રાખી શકાય. આ તો પ્રાથમિક વિચાર છે. તેને વધુ ડેવલપ કરાય તો શો જરૂર હિટ બને અને યુવાનો પણ મોંઘા જિમ પાછળ પૈસા બગાડવાના બદલે આ રીતે ઘરે બેઠા શરીર કસવા પ્રેરાઈ શકે.

૪. ૧૨. વાર્તાકથન

સારી રીતે વાર્તા કહેવી એ એક કળા છે અને આગળ જતાં તે માર્કેટિંગ કે સેલ્સ જેવા વ્યવસાય માટે ઉપયોગી સાબિત થઈ શકે. સ્વાભાવિક છે કે આવા શોમાં બાળકો હોવાનાં. પણ જો ફલક વિસ્તારવું હોય તો યુવાનો કે તેથી મોટા લોકો તેમણે વાંચેલી સારી વાર્તા દા. ત. રવીન્દ્રનાથ ટાગોર કે ટોલ્સટોય વગેરેની ટૂંકમાં કહી શકે. શોના એક રાઉન્ડમાં શીઘ્ર કવિતા કે શીઘ્ર વાર્તા લખવાની સ્પર્ધા પણ રાખી શકાય. 

૫. હમ સાથ સાથ: બીજા પરિવારમાં રહેવા જવું

આપણે ત્યાં મિલનસાર સ્વભાવ ઘટતો જાય છે. એકલતા અને વ્યક્તિવાદ આવતો જાય છે. પહેલાં તો પ્રવાસમાં પણ કોઈ બાજુમાં બેઠું હોય તો તેની સાથે પરિચય કેળવાઈ જતો (‘જબ વી મેટ’ની જેમ). આપણે જમતા કે નાસ્તો કરતા હોય તો તેને ઓફર કરતા. પરંતુ હવે આવું નથી રહ્યું. પરિવારમાંય એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમ છે. નાની નાની વાતે અહંકાર ટકરાય છે. રોડ પર કોઈ સાઇડ ન આપે તોય આપણે તેના પ્રત્યે ઉકળી ઊઠીએ છીએ. તો એવો કોન્સેપ્ટ વિચારી શકાય જેમાં સ્પર્ધકે એક પરિવારમાં રહેવાનું હોય? અને તે જેટલો વધુ એડજસ્ટ થઈને રહે તેટલા તેને વધુ માર્ક મળે. આમાં તેના ઝઘડા નહીં બતાવવાના. તો તો પાછો આજના રિયાલિટી શો જેવો જ બની જાય.

૬. કિચન કિંગ મહિલાઓ

ફૂડ ચેનલો પર અને બાકી જનરલ એન્ટરટેઇનમેન્ટ ચેનલો પર પણ રસોઈના રિયાલિટી શો આવે જ છે, પરંતુ આ શોમાં પરંપરાગત વાનગીઓ બનાવવાનું જે જાણતા હોય તેને વધુ માર્ક મળે. આનાથી લુપ્ત થતી જતી પ્રાદેશિક પરંપરાગત વાનગીઓને તો ઉત્તેજન મળશે જ, સાથે આવાં જે હોટલ કે રેસ્ટોરન્ટ હોય તેની જાહેરખબરો પણ મળી શકે.

૭. પધારો મ્હારે દેશઃ લોકગીતોનો શો

પ્રાદેશિક ચેનલો પર આવા શો આવે છે જેમ કે ઈ ટીવી ગુજરાતી (હવે કલર્સ ગુજરાતી) પર કીર્તિદાન ગઢવી દ્વારા સંચાલિત ‘લોકગાયક ગુજરાતી’ શો આવતો હતો. પરંતુ આવા શોના લીધે લોકગીતો જે-તે પ્રદેશ પૂરતા જ સીમિત રહે. એક વિકલ્પ એ ખરો કે તમે બીજી ભાષાની પ્રાદેશિક ચેનલ પર આવા શો આવતા હોય તો તે જોઈ શકો, પરંતુ શા માટે આ જનરલ એન્ટરટેઇનમેન્ટની શ્રેણીમાં આવતી ચેનલ પર પ્રાદેશિક ગીતો આધારિત શો ન આવે? વર્ષો પહેલાં ગજેન્દ્રસિંહના સોનુ નિગમ સંચાલિત ‘સારેગમપ’માં એક વિભાગમાં સ્પર્ધકે લોકગીત ગાવું પડતું હતું, પણ એ એક વિભાગ પૂરતું જ મર્યાદિત હતું. જો આવો કોઈ શો થાય તો પ્રદેશે-પ્રદેશનું સંગીત અને તેના શબ્દો માણવાની મજા પડી જાય, પછી ભલે એ શબ્દોના અર્થ ન સમજાય. અને હા, જો તેની સાથે તેના ભાષાંતરની રીતે હિન્દીમાં કે અંગ્રેજીમાં સબટાઇટલ મૂકાય તો તો ઓર મજો પડી જાય.

૮. પરંપરાગત બાબતોની સ્પર્ધા

પરંપરાગત કેટલીક બાબતો વિસરાઈ રહી છે. દા. ત. સાડી પહેરતાં ઘણી યુવતીઓને નહીં આવડતું હોય. તો સ્પર્ધામાં એવું રાખી શકાય કે કોણ ઝડપથી સાડી પહેરી શકે છે.  કે પછી કયો યુવાન ઝડપથી ધોતિયું પહેરી શકે છે. લગ્નના રિવાજો કયા કયા છે, તે અંગે કોણ વધુ જાણે છે?  ઘરમાં મંદિર કયા ખૂણામાં હોવું જોઈએ, શિવના મંદિરમાં નંદી ગર્ભગૃહની અંદર હોય કે બહાર આવા પ્રશ્નો પૂછી શકાય. આવા બીજા રિવાજો વિશે પણ સ્પર્ધા રાખી શકાય.

૯. ભારતીય ગ્રંથો પર ક્વિઝ શો

આ લેખક જ્યારે આઠમા ધોરણમાં હતો ત્યારે તેણે નાનાભાઈ ભટ્ટના પુસ્તક ‘મહાભારતનાં પાત્રો’ પર આધારિત ભાવનગરના આંતર શાળા ક્વિઝ શોમાં ભાગ લીધો હતો. આનો ફાયદો એ થયો કે મહાભારત લગભગ મોઢે થઈ ગયું. ભારતીય ગ્રંથો પર આવો કોઈ ક્વિઝ શો શા માટે ન રાખી શકાય? તેમાં રામાયણ, મહાભારત, ગીતા, શિક્ષાપત્રી, ગુરુગ્રંથ સાહિબ, કુરાન, બાઇબલ જેવા ગ્રંથોનો સમાવેશ કરી શકાય. હિન્દુ સ્પર્ધકોને હિન્દુ ગ્રંથો વિશે પૂછવાનું, હિન્દુ ઇતર સ્પર્ધકોને તેમના પંથ-સંપ્રદાયનાં પુસ્તકોને લગતા સવાલો પૂછી શકાય.

૧૦. લોકકળા પર આધારિત શો

ભારતમાં પ્રદેશે-પ્રદેશે લોકકળાનું વૈવિધ્ય વિપુલ પ્રમાણમાં છે. આદિવાસીઓની કળા, કચ્છની ભરતગૂંથણની કળા, કેરળની માર્શલ આર્ટ કલરિપયટ્ટુ, ગુજરાતના ગરબા, બેડા નૃત્ય, આ બધા પર આધારિત એક શો ન બનાવી શકાય? ઇન્ડિયા હેઝ ગોટ ટેલન્ટમાં ભારતીય કળાના ચમકારા જોવા મળી જાય છે, પરંતુ તેમાં બીજા દેશોની કળાની ઘૂસણખોરી પણ થઈ જાય છે.

૧૧. શાસ્ત્રીય સંગીતનો શો

કમનસીબે આપણે ત્યાં સારી વસ્તુ છે તેની મજાક બનાવી દેવામાં આવે છે. કોઈ યુવાને શિખા (ચોટલી) રાખી હશે તો તેની મજાક ઉડાવાશે. કોઈ શુદ્ધ હિન્દી બોલશે તો તેની મજાક ઉડાવાશે. પણ જે ધર્મ-સંપ્રદાયો ઉગ્ર છે તેમની મજાક ઉડાવવાની હિંમત કોઈ નહીં કરે. આવું જ શાસ્ત્રીય સંગીત બાબતે થઈ ગયું છે.  શાસ્ત્રીય સંગીત એટલે માત્ર ‘આ…આ…આ..’ એવું નથી. શાસ્ત્રીય સંગીત એટલે શાંતિ-શાતા આપનારું સંગીત. એમાંય સેંકડો રાગ-રાગિણીઓ. તેનો શો જરૂર હિટ રહે. તેમાં જજ જે રાગ કહે તે રાગનું ગીત ગાવાનું. કોઈ રાગનું ગીત સંભળાવે તો તે રાગ ઓળખવાનો. કોઈ ગીત હોય તેની સરગમ કહી બતાવવાની. આવું તો ઘણું બધું આ શો માટે વિચારી શકાય. દૂરદર્શન પર તાજેતરમાં ‘નાદભેદ’ નામનો એક આવો જ શો આવ્યો હતો. પરંતુ હવે એક પ્રશ્ન એ છે કે દૂરદર્શન તેના શોનું માર્કેટિંગ કરતું નથી. તેથી આવા શોની જાણ થતી નથી. આ જ રીતે શાસ્ત્રીય સંગીતના વાદનનો શો પણ રાખી શકાય.

૧૨. દેશી રમતોનો શો

આપણે ત્યાં કબડ્ડીનો શો ચાલુ થયો છે તે આનંદની વાત છે. પણ આ સિવાય ઘણી રમતો છે. તે એક-એક રમતોને લઈને પણ એક-એક શો બનાવી શકાય અથવા તેમાંની કેટલીક રમતોને એક જ શોમાં વણી લઈ શકાય. એક જ શોમાં વણવી હોય તો પહેલા રાઉન્ડમાં અમુક રમત, બીજા રાઉન્ડમાં બીજી રમત એમ રાખવાની. દા. ત. સંગીત ખુરશી, ખો, નારગેલ, આંધળોપાટો, લંગડી,  હોડી રેસ, બળદ દોડ, આંબલીપીપળી…વિચારવા બેસો તો આવી ઘણી રમતો યાદ આવશે. પ્રદેશે-પ્રદેશે પણ પરંપરાગત રમતોનું વૈવિધ્ય છે જ.

film, gujarat guardian

એવલીન શર્મા: સેક્સી રોલમાં ફિટ અભિનેત્રી

evelyn sharma in sareeકેટરીના કૈફ, જેક્વેલીન ફર્નાન્ડિઝ, નરગીસ ફખ્રી, સન્ની લિયોન અને એવલીન શર્મા વચ્ચે શું સામ્યતાઓ છે?

એક તો, બધી સુંદર અભિનેત્રીઓ છે અને બીજી બધી એનઆરઆઈ છે. એવલીન શર્માએ બહુ ઓછા સમયમાં પોતાના રૂપનાં કામણથી હિન્દી ફિલ્મોના ચાહકોનાં દિલ જીતી લીધા છે. પાતળી કાયા સાથેનું પર્ફેક્ટ ફિગર. અને તેમાંય સુંદર અંગોના પ્રદર્શનનો કોઈ છોછ નહીં. એવલીનમાં રૂપ ઠાંસી ઠાંસીને ભર્યું હોય તો તેનું કારણ તેના જીન્સ પંજાબી છે. તેના પિતા પંજાબી અને માતા જર્મન છે. તેનો જન્મ ૧૨  જુલાઈ ૧૯૮૬ના રોજ જર્મનીના ફ્રેન્કફર્ટમાં થયો હતો. કેટલાંક સૂત્રો પ્રમાણે, તેના પિતાનું નામ રાલ્ફ શર્મા અને માતાનું નામ માધવી (‘એક દૂજે કે લિયે’, ‘અગ્નિપથ’ ફેમ અભિનેત્રી) છે. તેને બે બહેનો ટિફની અને પ્રિસ્કિલ્લા શર્મા છે. જોકે આ માહિતીની પુષ્ટિ થઈ શકતી નથી. એવલીન તેના નામને એવલીન લક્ષ્મી શર્મા એ રીતે લખે છે. તેમાં લક્ષ્મીનું તાત્પર્ય કોની સાથે છે તે પણ જાણવા મળતું નથી. કદાચ, અભિનેત્રી માધવીની દીકરી ન ગણી લેવામાં આવે તે માટે પોતાના નામમાં લક્ષ્મી જોડ્યું હોય તેવું બની શકે.

બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર અને રિયલ એસ્ટેટ વિશે ઉપરછલ્લું જ્ઞાન મેળવનાર એવલીને હાઇ સ્કૂલમાં ડ્રામા અને થિયેટરનો અભ્યાસ કર્યો હતો. તે જર્મન ભાષામાં ડબ થયેલી હિન્દી ફિલ્મો જોતી. આના કારણે અન્ય યુવતીઓની જેમ તેને પણ માયાનગરી મુંબઈની માયા લાગી. તેના જ શબ્દોમાં, “અહીં કામ, દામ અને નામ ત્રણેય મળે છે.” પણ કેટલી ઝડપથી એવલીનને આ ત્રણેય મળવાં લાગ્યાં?

૧૮ વર્ષની ઉંમરથી કેમેરાનો સામનો કરતી આવેલી ઇવલીને યુકેમાં પણ જાહેરખબરો કરી હતી અને ૨૦૦૬માં બ્રિટિશ ફિલ્મ ‘ટર્ન લેફ્ટ’માં મામૂલી ભૂમિકા ભજવી હતી, પરંતુ વર્ષ ૨૦૧૧માં મુંબઈમાં જાહેરખબર દુનિયામાં પગ મૂક્યો. પેરેશ્યૂટ તેલની એડ તેમજ યુફોરિયા નામના બેન્ડ (પલાશ સેનવાળા)ના એક મ્યૂઝિક વિડિયો ‘સી યૂ લેટર’માં તે દેખાઈ. (એક આડ વાત: યુફોરિયાના વિડિયોમાં દેખાયેલી વિદ્યા બાલન, નેહા ધૂપિયા તેમજ રીમી સેન વગેરે પણ હિટ રહી છે.) એક વર્ષમાં એક પણ ફિલ્મમાં નહીં ચમકવા છતાં એવલીન પાસે અનેક ફિલ્મો પહેલેથી જ આવી ગઈ. તેની પાસે ‘ફ્રોમ સિડની વિથ લવ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘યારિયાં’ જેવી ફિલ્મો હતી.

લવ ઇન ટોક્યો’ ફેમ દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તીના પૌત્ર પ્રતીક ચક્રવર્તીની ‘ફ્રોમ સિડની વિથ લવ’ એવલીનની પહેલી રિલીઝ થયેલી ફિલ્મ ગણાય. તેમાં તેણે લુબૈના સ્નિડર નામનું એનઆરઆઈ યુવતીનું પાત્ર ભજવ્યું હતું. પોતે પણ એક એનઆરઆઈ હોવાથી સ્વાભાવિક છે કે આ પાત્ર ભજવવું તેના માટે ડાબા હાથનો ખેલ હતો. જોકે એવલીન તેમાં મુખ્ય હિરોઇન નહોતી. તેણે મેઘા બેનરજી (બિદિતા બેગ)ની સિડનીની બહેનપણીની ભૂમિકા ભજવી હતી. એ વખતે તેને ભાંગી તૂટી હિન્દી આવડતી હતી પરંતુ તેના માટે આનંદની વાત એ હતી કે તેના સંવાદો તેના અવાજમાં જ ડબ કરાયા હતા. તેનું પાત્ર એનઆરઆઈનું  હોવાથી નિર્દેશક માટે એ અનુકૂળ પણ હતું. જોકે બાદમાં તેણે અનુપમ ખેરની પ્રેરણાથી હિન્દી શીખવા માટે પ્રયાસ શરૂ કર્યા. અનુપમે તો તેનું હિન્દી ઘણું સુધાર્યું જ પરંતુ તેણે પોતે પણ હિન્દી શિક્ષક રાખ્યા છે. તેની પાસે તે હિન્દી શીખે છે અને સેટ પર તો હિન્દી શિક્ષક તેમજ ઉર્દૂ શિક્ષકને લઈ જાય છે જે તેને સંવાદનો અર્થ સમજાવે છે, એટલું જ નહીં, તેને સાચા ઉચ્ચાર પણ શીખવે છે.

એવલીને બીજી ફિલ્મ કરી ‘નૌટંકી સાલા’. આમાં પણ તે મુખ્ય ભૂમિકામાં નહોતી. આયુષ્યમાન ખુરાનાની સીતા નામની ગર્લફ્રેન્ડનું પાત્ર તેણે ભજવ્યું હતું. ત્રીજી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’માં સેક્સી પરંતુ મૂર્ખ લારાનું પાત્ર ભજવીને એવલીનને ખરા અર્થમાં પ્રસિદ્ધિ મળી. પોતાને સેક્સી દર્શાવવામાં સફળ થવા માટે એવલીન શર્મા નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક અયાન મુખરજીનો આભાર માને છે. આ ફિલ્મના કારણે જાણીતા દિગ્દર્શક  ડેવિડ ધવને તેને ‘મૈં તેરા હીરો’ માટે સાઇન કરી. અલબત્ત, ‘તૂ મેરા હીરો’ પહેલાં તેની બીજી બે ફિલ્મ રિલીઝ થઈ ‘ઇસક’ અને ‘યારિયાં’. દિગ્દર્શક મનીષ તિવારીની ‘ઇસક’ હિંસક પ્રેમ કથા હતી. તેમાં એવલીને રોઝાનું પાત્ર ભજવ્યું, જે હીરો રાહુલ મિશ્રા (પ્રતીક બબ્બર)ની ગર્લફ્રેન્ડ હોય છે. તે વિદેશથી વારાણસીની મુલાકાતે આવી હોય છે અને રાહુલ મિશ્રા તેને ટાઇમ પાસ ગણે છે. ટી સીરિઝના ભૂષણ કુમારની અભિનેત્રી પત્ની દિવ્યા ખોસલા કુમારની દિગ્દર્શિકા તરીકેની પહેલી ફિલ્મ ‘યારિયાં’માં એવલીને બિકિનીમાં દૃશ્યો આપીને ઘણાને ઘાયલ કરી દીધા. હનીસિંહના ગરમાગરમ ગીત ‘આજ બ્લુ હૈ પાની પાની’ અને એવલીન શર્માના હોટ લુકે ઠંડા પાણીનાં દૃશ્યોમાં પણ આગ લગાડી દીધી.

એવલીને ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવ દ્વારા આયોજિત સૈફઈ મહોત્સવમાં આ ગીત પર નાચ કર્યો તે વિવાદને પાત્ર બન્યો હતો. આમ તો આ ઉત્સવ જ ટીકાને પાત્ર હતો કેમ કે મુઝફ્ફરનગરનાં રમખાણો  પછી આ ઉત્સવ આયોજિત કરાયો હતો એટલે એ ટીકામાં એવલીનનું પર્ફોર્મન્સ જવાબદાર નહોતું.

ડેવિડ ધવન જેવા મોટા નિર્દેશકે ‘મૈં તેરા હીરો’માં વેરોનિકાના પાત્ર માટે એવલિનને સાઇન તો ‘યે જવાની હૈ દીવાની’ વખતે કરી હતી પણ ‘મૈં તેરા હીરો’ ‘ઇસક’ અને ‘યારિયાં’ પછી આવી. ‘મૈં તેરા હીરો’માં એલીના ડી ક્રૂઝ અને નરગીસ ફખ્રી મુખ્ય હિરોઇનો હતી. તેમાં પણ રાબેતા મુજબ એવલીનનું પાત્ર માત્ર શોભાની પૂતળી જેવું જ હતું.

તે પછી આવેલી કોમેડી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’માં તેને સ્પર્ધા આપવા માટે તેને પણ અંગ પ્રદર્શનમાં ચડે એવી સન્ની લિયોન હતી. ફિલ્મમાં તેણે રોકસ્ટાર બનવા માગતી નૈનાનું પાત્ર ભજવ્યું હતું, જે મુખ્ય હીરો પ્રવીણ પટેલ (રામ કપૂર)ના દીકરા જિગરની પડોશી અને પ્રેમિકા હોય છે. પ્રવીણની પત્ની નૈનાને તે વધુ પડતી મોડર્ન હોવાથી પુત્રવધૂના રૂપમાં સ્વીકારવા તૈયાર નથી હોતી. તેને ગુજરાતી પુત્રવધૂ જ જોઈતી હોય છે. જેમણે સિદ્ધાર્થ રાંદેરિયાનું ‘લગે રહો ગુજ્જુભાઈ’ નાટક જોયું હોય તેમને ખબર પડી જાય કે આ ફિલ્મ તેના પર આધારિત છે.

આ વર્ષે એવલીન માટે ખુશખબરી એ હતી કે ‘ઈશ્કદારિયાં’ તેની એકલ હિરોઇન તરીકે પહેલી ફિલ્મ હતી. તેમાં તે મિથુનના ચક્રવર્તીના હજુ સુધી નહીં ચાલેલા પુત્ર મહાક્ષય ચક્રવર્તીની હિરોઇન બની હતી. ‘જબ વી મેટ’ પ્રકારની આ ફિલ્મમાં તેણે શિક્ષિકા લવલીનનું પાત્ર ભજવ્યું જે તેના દાદાની શાળા માટે દાન ઉઘરાવવા માગે છે. તેમાં તે હિમાચલ પ્રદેશની યુવતી બની હતી અને તેણે અત્યાર સુધીની ફિલ્મો કરતાં સૌથી ઓછું અંગપ્રદર્શન કર્યું હતું. તેમાં તેણે સલવાર-કમીઝ પહેર્યાં હતાં!

તેની આ વર્ષે ‘ગદ્દાર: ધ ટ્રેઇટર’ નામની પંજાબી ફિલ્મ પણ આવી, હવે પછી તે સન્ની દેઓલ સાથે ‘ભૈય્યાજી સુપરહિટ’ ફિલ્મમાં આવશે. આમાં મુખ્ય હિરોઇન તો જોકે પ્રીતિ ઝિન્ટા જ છે. એવલીન બીજા હિરો અર્શદ વારસીની સામે હશે. તેમાં તેણે પરંપરાગત છતાં સેક્સી હિરોઇનનું  પાત્ર ભજવવાનું છે, જે અત્યાર સુધીના પાત્રો કરતાં થોડું મુશ્કેલ છે.

એવલીનને કોમેડી ફિલ્મો કરવી વધુ પસંદ છે. આઇટમ ગીતો કરવા પણ પસંદ છે. તેની રણનીતિ એવી છે કે નાની ફિલ્મોમાં હિરોઇન તરીકે કામ કરવાના બદલે, પહેલાં નાના-નાના રોલ કરી મોટા બેનરની ફિલ્મો મેળવવી અને પછી સોલો લિડ એટલે કે જેમાં પોતે એકલી જ હિરોઇન હોય તેવી ફિલ્મો મેળવવી. અત્યારે આ રણનીતિ કામ કરતી લાગે છે. જોકે જ્યાં સુધી તે સારું હિન્દી બોલતા નહીં શીખે અને સારો અભિનય કરતાં નહીં શીખે ત્યાં સુધી તેને ધારી સફળતા નહીં મળે.

એવલીનને ભલે હિન્દી ફિલ્મોમાં કામ લાગે તેવું નથી, પરંતુ તેનું જમા પાસું એ છે કે ભાંગી તૂટી હિન્દી ઉપરાંત તેને જર્મન, અંગ્રેજી, ફ્રેન્ચ, ડચ, સ્પેનિશ, થાઈ, (ફિલિપાઇન્સની) ટગાલોગ અને રશિયન ભાષા આવડે છે (તેવો તેનો દાવો છે). તેણે ‘ફ્રોમ સિડની વિથ લવ’ ફિલ્મના ગાયક અને હિપ હોપ ગાયક બ્રૂકલિન શાંતિ (સાચું નામ નાથન નવીન લશ્કર! નામ સાંભળીને વિદેશી લાગે ને? મૂળ તો આ ભાઈ બંગાળના છે, પરંતુ જન્મ્યા છે અમેરિકામાં એટલે ડચ શબ્દ બ્રૂકલીન જેનો અર્થ થાય છે તૂટેલી જમીન તેવું નામ રાખી લીધું) સાથે, જેને તે પોતે આંતરરાષ્ટ્રીય ગીત (કેટલાક કલાકારોના દાવા ઊંચા ઊંચા હોય!) ગણાવે છે તે ‘સમથિંગ બ્યૂટીફૂલ’ ગાયું છે. એવલીન શર્માનો પોતાનો બ્લોગ (http://evearounddaworld.blogspot.in/) છે જેમાં તે પોતાની પ્રવૃત્તિઓ અને ફિલ્મના શૂટિંગના અનુભવો લખતી હોય છે. આ બ્લોગ તે ઈ. સ. ૨૦૦૯થી ચલાવે છે. એક ફિલ્મમાં એક્શન દૃશ્યો કરવા માટે એવલીન ઈઝરાયેલી માર્શલ આર્ટ ક્રાવ મગાની તાલીમ લઈ રહી છે.

એવલીનની જે પ્રકારની છબિ છે તે જોતાં ટીવીના સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો પૈકીના એક ‘બિગ બોસ’માં તેને ન બોલાવવામાં આવી હોત તો જ નવાઈ હતી! પરંતુ ગ્લેમર વર્લ્ડમાં ચર્ચા પ્રમાણે એવલીને ‘બિગ બોસ-૮’માં આવવાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. જોકે એવલીન નાના પડદે પણ પદાર્પણ કરી ચુકી છે. તેણે ફોક્સ લાઇફ નામની ચેનલ પર ‘લાઇફ મેં એક બાર’ નામનો ટ્રાવેલ શો કર્યો છે જેમાં તે, રોશેલ રાવ, પિયા ત્રિવેદી અને મહક છલ થાઇલેન્ડ ગયાં હતાં.

એક ફિલ્મમાં સાથે હોય તે હીરો અને હિરોઇન વચ્ચે પ્રણયની અફવા ઉડવી એ ઘણી વાર ફિલ્મના પ્રચારકોની યુક્તિ હોય છે. તદ્નુસાર એવલીનનું નામ તેના સહઅભિનેતા પ્રતીક બબ્બર અને નવદીપ છાબરા સાથે જોડાઈ ચુક્યું છે, પરંતુ એક ગોસિપ જેને સાચી માનવાનું મન થાય, તે એવી છે કે ઓલિમ્પિકમાં મેડલ વિજેતા વિજેન્દરસિંહ બેનીવાલ જે હિન્દી ફિલ્મમાં પણ આવી ચુક્યો છે તેની સાથે એવલીન શર્મા પ્રેમમાં છે. બંને એક મોડેલિંગ કાર્યક્રમમાં સાથે હતા. અને ગોસિપ પ્રમાણે, બંનેને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો.

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની શુક્રવારની પૂર્તિમાં ‘બર્થ ડે બેશ’ કૉલમમાં તા.૧૦/૭/૧૫ના રોજ પ્રસિદ્ધ લેખ.)