politics

ભાજપના સ્થાપના દિને જમા-ઉધાર

એક સમય હતો જ્યારે ભાજપ ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પક્ષ (ભાજપ) તરીકે ઓળખાતો, હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) તરીકે ઓળખાય છે! આજે જ્યારે તે તેનો સ્થાપના દિન ઉજવી રહ્યો છે ત્યારે તેનાં કેટલાંક અપેક્ષાપૂર્ણ અને અપેક્ષાબાકી પાસાં જોઈએ.

👉 અપેક્ષાપૂર્ણ બાજુઓ
+એકલા હાથે બહુમતી મેળવી.
+વિપક્ષોને વિકાસ અને હિન્દુત્વની (ઓછામાં ઓછું) ભાષા બોલતા તો કર્યા. રાહુલ ગાંધીથી માંડી મમતા બેનર્જી સુધી રાજકારણીઓ હવે મંદિર અને મઠની દોટ લગાવી રહ્યા છે.
+ આજે ૨૨થી વધુ રાજ્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શાસન છે.
+સરકાર બન્યા પછી હિન્દુત્વને વેગ મળ્યો છે.
+ ભારત પ્રત્યે વિદેશમાં અને વિદેશીઓમાં જોવાની દૃષ્ટિ બદલાઈ છે. પહેલાં વિદેશી વડા તાજમહલની જ મુલાકાત લેતા, હવે વારાણસી ઘાટ કે અક્ષરધામની મુલાકાત લે છે.
+ અટલજી અને મોદીજીના ટીમ લીડર તરીકેના પ્રયત્નોથી પાકિસ્તાન પ્રત્યે જોવાની વિદેશીઓની દૃષ્ટિ બદલાઈ છે.
+હિન્દુ ધર્મની જ નીપજ એવા યોગને વિશ્વભરમાં સ્વીકૃતિ.
+વિશ્વનો સૌથી મોટો પક્ષ બન્યો. ચૂંટણી પ્રબંધન જડબેસલાક બન્યું.
+સરકાર અને સંગઠન વચ્ચે સુંદર તાલમેળ. કેન્દ્રીય કક્ષાએ જૂથબંધી નહિવત્.
+ એકતરફી મિડિયાની પોલ ભાજપ આઈટી સેલ અને સમર્થકો દ્વારા ખુલ્લી પાડી પણ હવે બધા જ પક્ષો મિડિયા પર આક્ષેપો કરતા થઈ ગયા છે.

👉 અપેક્ષાબાકી બાજુઓ
-રામમંદિર, ધારા ૩૭૦ અને સમાન સિવિલ કૉડ બાકી. (રાજ્યસભામાં બહુમતીનું બહાનું ન ચાલે, ઓછામાં ઓછુું, સંસદમાં ખરડો લાવવો જોઈએ. છાતી ઠોકીને વાત કરવી જોઈએ અને તે પણ દ્વિતીય હરોળના નેતાઓ દ્વારા નહીં, પ્રથમ હરોળના નેતાઓ દ્વારા અને તે પણ ચૂંટણી આવે એટલે નહીં, તે સિવાય).
– દેશ ભારતીય હોય તેવી છાપ ઉપસે તે માટે દેશનું નામ ભારત, અમદાવાદનું નામ કર્ણાવતી કરવું રહ્યું.
-શિક્ષણ પદ્ધતિ અને અભ્યાસક્રમ સંપૂર્ણપણે ભારતીય પદ્ધતિ અનુસાર હોવા ઘટે.
– ફિલ્મોથી માંડી ટીવી સિરિયલ બધે જ સાંસ્કૃતિક રીતે ચાંપતી નજર રાખવી ઘટે. ‘પદ્માવતી’ કે ‘સીયા કે રામ’ જેવા ધાર્મિક કે ઐતિહાસિક ચેડા ન ચલાવી લેવાય. ગુજરાતને બદનામ કરતી ‘પરઝાનિયા’ ફિલ્મ સ્ટારની સ્ટાર ગોલ્ડ સિલેક્ટ ચેનલ પર બતાવાય અને તે સંદર્ભે પગલાં ન લેવાય તે યોગ્ય નથી.
-હજ સબસિડી બંધ કરી પણ નાગાલેન્ડમાં ખ્રિસ્તીઓને રોમની નિશુલ્ક યાત્રાના વચન દ્વારા કૉંગ્રેસની લઘુમતી તુષ્ટિકરણની રાહ પકડી. તો મધ્યપ્રદેશમાં પાંચ કહેવાતા સંતોને તેઓ મંત્રી તરીકે કામ ન કરે તો પણ મંત્રીનો દરજ્જો આપી હિન્દુ સંતોની તુષ્ટિકરણનો જોખમી ચીલો પાડ્યો.
– દેશને કૉંગ્રેસ મુક્ત કરવા જતાં ભાજપ કૉંગ્રેસના નેતાઓયુક્ત બન્યો.
-ભાજપના નેતાઓ તથા કાર્યકર્તાઓને વંદે માતરમ્ ગાવાનું ટીવી પર લાઇવ ડિબેટમાં કહેવામાં આવે ને ન આવડે તે શરમજનક. આચાર્ય રઘુવીરથી લઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના પુસ્તકોનો અભ્યાસ ભાજપના કેટલા નેતાઓમાં?
-ફાઇવ સ્ટાર કલ્ચર વધ્યું. ભપકા વધ્યા.
– સરકારના તમામ માળખામાં સામ્યવાદીઓ ઘૂસેલા છે, તેમના સ્થાને હિન્દુત્વવાદીઓને મૂકવામાં હજુ ઢીલાશ છે. અંગત રીતે ચમચાગીરી પણ જાહેરમાં સેક્યુલર રાગ આલાપનારાઓ, વિદેશથી પ્રભાવિત લોકોથી હજુ ભાજપના નેતાઓ પણ પ્રભાવિત છે, જે અંતે દેશ અને પક્ષ બંનેનું નુકસાન કરવાના છે.
-એકતરફી મિડિયાને ખુલ્લું પાડ્યું પણ હજુ ય કૉંગ્રેસ અને સામ્યવાદીઓ મિડિયામાં ક્ષુલ્લક મુદ્દાઓને ચગાવી ભાજપની છબી બગાડવામાં સફળ થાય છે પણ કેરળ, બંગાળ, કર્ણાટક જેવાં વિપક્ષ શાસિત રાજ્યોમા આનાં કરતાંય મોટા મુદ્દા હોય છે જેને અસરકારક રીતે ઉઠાવવામાં ભાજપ નિષ્ફળ જાય છે. દા.ત. ભાજપ શાસિત રાજ્યોમાં ખેડૂત આંદોલનની સામે કેરળમાં ખેડૂતોનું આંદોલન, ભાજપ શાસિત રાજ્યોમાં દલિતો પર અત્યાચારની સામે કેરળમાં દલિતો પર અત્યાચાર. ભાજપ શાસિત રાજ્ય ન હોય ત્યાં પણ અખલાક જેવા મુસ્લિમ કે ગૌરી લંંકેશ જેવા પત્રરકારની હત્યા માટે સંઘ-ભાજપ પર ખોટું દોષારોપણ જ્યારે પશ્ચિમ બંગાળ કે કેરળમાં હિન્દુઓ સામે હિંસા માટે કોઈ અવાજ રાષ્ટ્રીય સ્તરે મજબૂત રીતે સંભળાતો નથી. ભાજપનો ભ્રષ્ટાચાર ખોટો જ છે પણ કેેેેજરીવાલના નવાસવા ‘આઆપ’ જે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની પેદાશ છે તેનાં કૌભાંડોના સમાચાર દિલ્લી બહાર પહોંચતા નથી. નર્મદા મુદ્દે ગુજરાત કૉંગ્રેસના નવા પ્રભારી રાજીવ સાતમના નર્મદા વિરોધી મેધા પાટકરને સમર્થન અને તેને ગુજરાત વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા સમર્થનના મુદ્દે સમાચાર બહાર આવ્યાના ચાર-છ કલાક પછી પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનાં ટ્વિટર હેન્ડલ મૂંગા રહે છે.

Advertisements
gujarat, politics, sanjog news, Uncategorized, vichar valonun

ગુજરાત ચૂંટણીની ફળશ્રુતિ : વિકાસ જ જીત્યો અને વિકાસ જ હાર્યો!

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, 24-12-17)
અંતે ગુજરાત વિધાનસભાનું પરિણામ આવી ગયું અને અપેક્ષા પ્રમાણે જ આવ્યું. જી હા, અપેક્ષા પ્રમાણે. (ગયા રવિવારે વિચારવલોણું કૉલમનો લેખ ફરી વાંચી લો.) ભાજપને જે ફટકો પડવો જોઈતો હતો તે પણ પડ્યો અને કૉંગ્રેસને હજુ પણ સત્તા માટે લાયક નથી તે લોકોએ સમજાવી દીધું. આ ચૂંટણીનાં પરિણામોનું ભરપૂર વિશ્લેષણ આવ્યું છે, પરંતુ એક વાત રહી ગઈ. તે એ છે કે આ ચૂંટણીમાં વિકાસ જીત્યો છે અને વિકાસ હાર્યો છે.
વાંચીને આશ્ચર્ય થયું હશે, પરંતુ આ વાત સત્ય છે. ચૂંટણી પહેલાં દરેક મિડિયામાં એક જ ચર્ચા હતી કે પાટીદાર, ઓબીસી અને દલિત આંદોલન ભાજપને હરાવશે અને કૉંગ્રેસને જીતાડશે. પરંતુ મારી ટીવી ડિબેટોમાં હું અચૂક કહેતો કે ૨૧ ઑક્ટોબરથી કૉંગ્રેસ માટે ચિત્ર બદલાવાનું શરૂ થઈ ગયું હતું.
૨૧મીએ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ ત્રણેય આંદોલનકારી નેતાઓ કૉંગ્રેસની પડખે છે. ગયા રવિવારે લખેલા લેખમાં આ આંદોલનો કૉંગ્રેસ તરફે ગયા તેથી તેનો હેતુ માર્યો ગયો તે હું લખી ચૂક્યો છું તેથી પુનરાવર્તિત નથી કરતો, પરંતુ જો આ ત્રણેયને કૉંગ્રેસે પોતાની તરફે ન લીધા હોત તો ભાજપ પાસે કૉંગ્રેસ પર પ્રહાર કરવા માટે જાતિવાદનો મુદ્દો ન હોત. તો વિકાસ પર જ ચૂંટણી લડાઈ હોત. અને તો ભાજપને કાઠું પડી ગયું હોત કેમ કે ઑગસ્ટમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે ‘વિકાસ ગાંડો થયો છે’ના સંદેશાઓ વાઇરલ થઈ રહ્યા હતા. ગામડાંઓમાં પણ આ બાબતે લોકોનો અસંતોષ હતો કે ગામડાં સુધી વિકાસ પહોંચ્યો નથી, પરંતુ કૉંગ્રેસ એક તરફ જાતિવાદનું રાજકારણ ખેલવા ગઈ અને બીજી તરફ હિન્દુત્વનું નાટક કરવા ગઈ. રાહુલ ગાંધી અંદાજે ૨૭ મંદિર ગયા. રાહુલ ચૂંટણી સમયે જ મંદિર નથી જતા તે કૉંગ્રેસની દલીલ અસરકારક ન નીવડી. કારણકે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ જ કહેલું કે મંદિરે જનારા તો છેડતી કરતા હોય છે. શું રાહુલ ગાંધી મંદિરે છેડતી કરવા ગયા હતા? બિલકુલ નહીં. સોમનાથમાં બિનહિન્દુ તરીકેના રજિસ્ટરમાં સાઇન કરી અને પછી કૉંગ્રેસ તરફથી કહેવાયું કે તેઓ જનોઈધારી હિન્દુ છે! આમ, નાહકનો વિવાદ છેડાઈ ગયો.
કૉંગ્રેસની તકલીફ એ છે કે તે પ્રતીકાત્મક રીતે તુષ્ટીકરણ કરવામાં માને છે, નક્કર કાર્યો કરીને ધર્મ, પંથ અને સમાજોને ખુશ કરી શકાય છે તે વાત તેણે હવે સ્વીકારી લેવી જોઈએ. અગાઉ કૉંગ્રેસના લોકો મુસ્લિમ ટોપી પહેરીને અને ખભે જે મુસ્લિમો કપડું નાખતા હોય છે તે નાખીને ઈફ્તાર પાર્ટી આપીને કે પછી સલમાન રશ્દીનાં પુસ્તક ‘સેતાનીક વર્સીસ’ને પ્રતિબંધિત કરીને કે પછી સર્વોચ્ચ ન્યાયાલયમાં વૃદ્ધા શાહબાનોની તરફેણમાં છૂટાછેડા બાદ ભરણપોષણના ચુકાદાને બહુમતીના જોરે ફેરવી તોળીને મુસ્લિમ તુષ્ટીકરણ કરતા હતા. ખરેખર તે મુસ્લિમ તુષ્ટીકરણ નહોતું પરંતુ કટ્ટરવાદી મુસ્લિમોનું તુષ્ટીકરણ હતું. આજે હવે જે રીતે ઘણા ઉદાર મુસ્લિમો આગળ આવી રહ્યા છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કટ્ટરવાદીઓ એટલે આખા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ તેવું કૉંગ્રેસનું સમીકરણ ખોટું હતું અને છે. સોહરાબુદ્દીન શેખ જેવો ગુંડો મરે ત્યારે નરેન્દ્ર મોદીને સોનિયા ગાંધી ‘મૌત કા સૌદાગર’ કહે કે પછી બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં ત્રાસવાદીઓ માર્યા જાય ત્યારે કૉંગ્રેસ એમ કહે કે તે દિવસે સોનિયા ગાંધી રડ્યાં હતાં તે વાત કટ્ટરવાદી મુસ્લિમોને પસંદ પડતી હશે પરંતુ તમામ મુસ્લિમોને નહીં. સામાન્ય મુસ્લિમ તો શિક્ષણ, રોજગાર, શાંતિ અને સલામતી ઈચ્છે છે.
આ જ રીતે શાહબાનો કેસમાં ચુકાદો ફેરવી તોળ્યા પછી રોષિત હિન્દુઓને મનાવવા રાજીવ ગાંધીએ રામમંદિરના તાળાં ખોલાવીને કટ્ટર હિન્દુવાદને હવા આપી. અને હવે રાહુલ ગાંધી મંદિરે મંદિરે દર્શન કરવા જાય છે. મંદિર એ ચોક્કસ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને નેતાઓ ચૂંટણી ટાણે મંદિરે જતા હોય છે, પરંતુ ભૂતકાળમાં ખાસ મંદિરે ન ગયા હો અને અચાનક મંદિરે જવા લાગો તેનાથી હિન્દુવાદી ન બની જવાય. હિન્દુવાદ તો તમારા આચારવિચાર અને સંસ્કારમાંથી ઝળકવો જોઈએ. રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા તે વખતે તેમણે જો માતા સોનિયા ગાંધીનું કપાળ ચૂમવાના બદલે ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હોત તો તેમને હિન્દુવાદી હોવાનો દેખાવ કરવાની જરૂર ન પડે કારણકે શુભ પ્રસંગોએ, જન્મદિવસે, પ્રમોશન મળે ત્યારે કે કોઈ સારી ઘટના જીવનમાં બનતી હોય ત્યારે માતાપિતા કે વડીલ ભાઈ-બહેનના આશીર્વાદ લેવા એ સહજ વાત હિન્દુ માટે હોય છે, જેમ કે નરેન્દ્ર મોદી મતદાન કરવા આવ્યા ત્યારે તેમણે મોટા ભાઈના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા.
આમ, હવે કૉંગ્રેસે તુષ્ટીકરણ અને જ્ઞાતિવાદની નીતિ બંધ કરવી જોઈએ. આ જ કારણ હતું કે પાટીદારોના સંપૂર્ણ મત કૉંગ્રેસ તરફે ન ગયા કે ન તો ઓબીસીના મત સંપૂર્ણપણે કૉંગ્રેસ તરફે ગયા, કારણકે જે ઓબીસીના મત લેવા અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસમાં લેવા માટે સ્વાગત કાર્યક્રમ થયો તે જ કાર્યક્રમમાં મોહનસિંહ રાઠવાએ ભાજપનો દારૂ પી કૉંગ્રેસને મત આપવા રાહુલ ગાંધીની હાજરીમાં વાત કરી. જોકે ત્યારે મૌન રહેલા અલ્પેશ ઠાકોર ચૂંટણી જીત્યા પછી ફરીથી દારૂબંધીનો કડક અમલ કરાવવાની વાત કરે છે તે સારી વાત છે.
તો પછી ભાજપને કયો મુદ્દો નડી ગયો અને કયો મુદ્દે તેની તરફેણમાં ગયો? જવાબ એક જ છે- વિકાસ. અર્થાત્ ભાજપે મહાનગરોમાં વિકાસ કર્યો, સારા રસ્તા (જોકે તે પણ વિસ્તારોની અંદરના નહીં, મુખ્ય માર્ગો), ફ્લાય ઑવર, પાણીની સારી સુવિધા, વીજળી આ બધું આપ્યું તેના કારણે તેની લાજ મહાનગરોએ બચાવી. સુરતમાં હાર્દિક પટેલની સભામાં ભીડ ઉમટતી હોવા છતાં પણ સુરત ભાજપની પડખે ઊભું રહ્યું! કૉંગ્રેસના અઘોષિત પ્રવક્તા બની ગયેલા હાર્દિક પટેલ મતગણતરીમાં ભાજપની જીત સ્પષ્ટ થઈ ગયા બાદ પણ બપોરે ત્રણ વાગે ઇવીએમ પર કારણ જવાબદાર ગણતા હતા તે વાત સાવ બાલીશ લાગતી હતી. હાર્દિકે હવે પરિપક્વ બનવાની જરૂર છે અને ખરેખર અનામત આંદોલન કરવું જ હોય તો તે જ મુદ્દે આગળ વધવાની જરૂર છે અને તેમાં કોઈ એક પક્ષનો વિરોધ ન ચાલે. હાર્દિકના આંદોલનની એ ફળશ્રુતિ તો ગણવી જ રહી કે તેના કારણે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને બિન અનામત સવર્ણ આયોગ આવ્યું છે. અને દલિતો-ઓબીસીમાં પણ ક્રીમીલેયરની વાત સર્વોચ્ચ ન્યાયાલયે કરી છે. એટલે ગરીબ દલિતો-ઓબીસીને પણ અનામતના લાભ મળવા જોઈએ તે મળતા નથી. એટલે અનામત નીતિ સમીક્ષા તો માગી લે છે અને આખા ભારતમાં જો પ્રચંડ તીવ્રતાથી આંદોલન થાય તો જ તેની સમીક્ષા થાય તેમ છે.
ભાજપે જ્યાં વિકાસનાં ફળ પહોંચાડ્યાં નથી ત્યાં ભાજપને હાર મળી છે. અમરેલી, મોરબી, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રમાં ભાજપને ભારે ફટકો પડ્યો છે. ભાવનગરની બુદ્ધિશીલ પ્રજા અન્યાય સહન કરીને પણ ભાજપ પડખે ઊભી રહે છે પરંતુ એને ટેકન ફૉર ગ્રાન્ટેડ લેવાની જરૂર નથી. સૌરાષ્ટ્ર, આદિવાસી પટ્ટા સહિત અનેક જગ્યાએ હવે રસ્તાથી માંડીને ગટર સુધીના, ખેડૂતોના પ્રશ્નો હલ કરવાની જરૂર છે. ખેડૂતોને ખેતી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ સમજાવવાની જરૂર છે. ભાજપે સંઘ પરિવારની સંસ્થાઓની મદદ લેવાનું- તેની ચિંતાઓ ધ્યાનમાં લેવાનું ઉચિત સમજ્યું નથી, નહીંતર કિસાન સંઘે ફરિયાદો કરી જ હતી. શિક્ષણ ફી મર્યાદિત રાખવાનો કાયદો લાવ્યા ખરા, પરંતુ તેનો જોઈએ તેવો પ્રચાર ન થયો, પરંતુ સામે પક્ષે સેમેસ્ટર પદ્ધતિ રાખવી-કાઢી નાખવી-કાઢી નાખતી વખતે પણ પરીક્ષાઓમાં અનિશ્ચિતતા, નીટ ગુજરાતીમાં લેવી, વગેરે ભાવિ નાગરિકોના ભવિષ્ય સાથે ચેડા થાય તે વાલીઓ કેવી રીતે સાંખી લે? ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળેલું હોવાનો મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની હતાં ત્યારે જ અહેવાલ હતો. આરોગ્ય સાથે પણ ચેડાના સમાચાર ચૂંટણી પહેલાં જ બહાર આવેલા. જૂનાગઢનો થેલેસેમિયા કાંડ પછી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બાળકોનાં મૃત્યુ અને તે પહેલાં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બાળકોનાં મૃત્યુ…ગોરખપુરમાં તો સમાજવાદી પક્ષ તરફી ડૉક્ટરનું ષડયંત્ર હોવાની થિયરી બહાર આવી, તો પણ સરકારે આ ષડયંત્રો સામે પણ સાવધ રહેવું જ પડશે.
નૉટાનો વિકલ્પ આ વખતે સાડા પાંચ લોકોએ વાપર્યો છે. એક ગણતરી પ્રમાણે, ૧૬ બેઠકોમાં કૉંગ્રેસના જીતેલા ઉમેદવાર અને ભાજપના હારેલા ઉમેદવાર વચ્ચે મતોનો તફાવત કરતાં નૉટાને મળેલા મતો વધુ હતા! અમદાવાદના વેજલપુરમાં ભાજપ, કૉંગ્રેસ પછી સૌથી વધુ મતો નૉટાને મળ્યા! અર્થાત્ નૉટાનો વિકલ્પ પસંદ કરનારા લોકો ભાજપને મત આપવા નહોતા ઈચ્છતા કારણકે વિકાસમાં કચાશ હતી અથવા જીએસટીથી દુઃખી હતા પરંતુ સાથેસાથે તેઓ કૉંગ્રેસને પણ સારો વિકલ્પ નહોતા માનતા. નૉટાનો વિકલ્પ પ્રયોગ કરવા માટે લોકોને પ્રેરવા પાછળ મિડિયાના એક વર્ગનો પણ હાથ રહ્યો, સતત એવો પ્રચાર થયો કે ભાજપ-કૉંગ્રેસ કોઈ સારું નથી. ડિબેટમાં આ વખતે ત્રીજો કોઈ પક્ષ ન હોવાથી અને ભાજપ-કૉંગ્રેસના લોકો પણ ડિબેટમાં સતત એકબીજાને બોલવા ન દઈ, ‘અમે સારા, તમે ખરાબ’નાં ગાણાં ગાતા રહ્યા, પરિણામે કેટલાક લોકોમાં નિરસતા આવી ગઈ. તેમને થયું કે કોઈએ કંઈ કર્યું જ નથી.
આ માનવ માનસશાસ્ત્રનો વિષય છે. સામાન્ય રીતે જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય ત્યારે પણ “તું ક્યારેય સારી રસોઈ બનાવતી જ નથી”, કે “તમે ક્યારેય મારા માટે ગિફ્ટ લાવતા જ નથી.” તેવા ઉદ્ગારો થતા હોય છે. ક્યારેક બનતી ઘટનાને ક્યારેય સાથે જોડી દેવાની માનસિકતા હોય છે. તે જ માનસિકતા મિડિયા અને કૉલમિસ્ટો તટસ્થ દેખાડવા માટે દર્શાવતા હોય છે. મિડિયાએ તટસ્થ રહેવું જરૂરી છે, પરંતુ આ તટસ્થતા બંનેને ખરાબ દર્શાવવા કરતાં જેનું જે સારું હોય તેના વખાણ અને જેનું જે ખરાબ હોય તેની ટીકાના રૂપમાં હોય તે ઈચ્છનીય છે. કૉંગ્રેસ કે ભાજપે કંઈ કર્યું જ ન હોત તો ગામે ગામ વીજળીના થાંભલા પહોંચ્યા ન હોત. નર્મદાનાં પાણી ખાવડા સુધી ન પહોંચ્યાં હોત. હા, જે કામો સમયસર અને પ્રમાણિકતાથી થવા જોઈએ તે ન થયાં તેથી પ્રશ્નો ઊભા થયા. તેથી ૧૯૮૯થી કૉંગ્રેસે હારવાનું શરૂ કર્યું અને ભાજપને ચૂંટણીમાં ઉત્તરોત્તર બેઠકોમાં ઘટાડો થયો છે.

abhiyaan, economy

નોટબંધી: લોકોને મુશ્કેલી પડી પણ…

(અભિયાનના તા.૧૧/૧૧/૧૭ના અંકમાં પ્રકાશિત થયેલો લેખ.)

આઠ નવેમ્બર ૨૦૧૬. આ તારીખ, મહિનો અને વર્ષ લોકોને વર્ષોવર્ષ યાદ રહી જવાનો છે. સારી કે ખરાબ રીતે તે જુદી વાત છે. રાત્રે કરાયેલી જાહેરાત અને તે જ દિવસ રાતથી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બંધ થઈ ગઈ. દિવાળીના તહેવારોની મજા બધી ઉતરી ગઈ.

આઠ તારીખ નજીક આવી રહી છે ત્યારે લોકો સંદેશાઓ ફરતા કરી રહ્યા છે. સાવધાન…આઠ તારીખ આવી રહી છે.

મિડિયા અને ખાસ તો રાહુલ ગાંધી ફરી ફરીને યાદ અપાવી રહ્યા છે કે ભાજપે નોટબંધી અને જીએસટીના નામે લોકોને હેરાન કરી નાખ્યા.

પરંતુ હું જેને નૉટિકલ સ્ટ્રાઇક કહું છું તે નોટબંધી જેવા આકરા નિર્ણયને લેવા માટે ખરેખર છપ્પનની છાતીવાળો નેતા જોઈએ. અને આવા નિર્ણયો અત્યારની સ્થિતિમાં નરેન્દ્ર મોદી જ લઈ શકે. (અને હજુ અમદાવાદનું કર્ણાવતી, કલમ ૩૭૦, રામમંદિર વગેરે મુદ્દે  તેમની પાસેથી આકરા નિર્ણયોની અપેક્ષા છે.) વિચાર કરો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર જેવા પાંચ રાજ્યોની ચૂંટણી માથે ઝળુંબતી હોય તેવા સમયે જ નોટબંધીનો નિર્ણય લીધો અને લોકોને કેટકેટલી મુશ્કેલીઓ પડી! કોઈને લગ્નના લીધે તકલીફ પડી તો કોઈને બીમારીના લીધે. કોઈને પ્રવાસમાં તકલીફ પડી તો કોઈને કોઈ ફી ભરવામાં. પરંતુ સરેરાશ દરેક વ્યક્તિએ આ નિર્ણયને હસતાં હસતાં સ્વીકારી લીધો. ટીવી ચેનલોએ લાઇને લાઇને ફરી ફરીને મોઢામાં આંગળા નાખીનાખીને બોલાવવાની કોશિશ કરી પરંતુ જે નેતાએ પોતાની છબી રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિની બનાવી દીધી હોય અને બે વર્ષમાં સારાં કામો કરી બતાવ્યાં હોય તેને જનતા પણ સમર્થન કરે જ છે. વર્ષોથી એવી નેગેટિવ માનસિકતા મિડિયાના મોટા ભાગના વર્ગોએ બનાવી દીધી છે કે પત્રકાર કે ટીવી કેમેરો જુએ એટલે લોકો રોદણાં જ રોતાં હોય, પરંતુ આ નિર્ણયમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હોવા છતાં લોકો કહી રહ્યા છે કે મોદીજીએ દેશના ભલા માટે, આપણા ભલા માટે નિર્ણય લીધો છે ને? અમે મુશ્કેલી સહન કરી લઈશું.

બિહારના કટિહાર જિલ્લાના મનસાહી પ્રખંડમાં એક યુગલ સરસ્વતી સાહની અને રાજાકુમારના મહેમાનોને માત્ર ચા-પાણી અને લાડુ આપી પંડિત વગર અગ્નિની સાક્ષીએ માત્ર રૂ. ૧,૧૦૦માં લગ્ન કર્યા. સુરતની દક્ષા પરમારે તો કમ્પ્યૂટર એન્જિનિયર એવા ભરત મારુ સાથે માત્ર ચા પીવડાવીને લગ્ન કર્યાં. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના માંડાઈ ગામના ઉમાશંકરનાં લગ્ન તો સાધના પાટીલ સાથે શાસ્ત્રોક્ત વિધિથી પરંતુ નિ:શુલ્ક જ થયા. ઉલટાનું મંદિરના વહીવટકર્તાઓએ હાજર લોકોને જમાડ્યા. (‘પીકે’ જેવી ફિલ્મો મંદિરનો વિરોધ કરે છે, પરંતુ મંદિર સમાજસેવાનાં કામો કરે જ છે.)

આવા સમયે લોકો સાથેના વ્યક્તિગત સંબંધો અને મોબાઇલ બંને કામ આવ્યાં. કરિયાણા-દૂધ-છાપા-ટેલિવિઝન ચેનલ વગેરેએ ઉધાર પર માલ-સેવા આપ્યાં. મોબાઇલથી પેમેન્ટ થયા. એટીએમ કાર્ડથી ખરીદી થઈ. નવી પેઢી જે નાણાંનું મહત્ત્વ ઓછું સમજે છે તેમને ખ્યાલ આવ્યો કે કરકસરથી, સાદગીથી પણ ચાલી શકે. એક-એક રૂપિયાનું મહત્ત્વ સમજાયું. મહિલાઓની વર્ષોની બચતની ટેવ સારી હતી પરંતુ તેમને આ નાણાં જમા કરાવવાં પડ્યાં, પરંતુ મહિલાઓએ હસતા મોઢે આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી.

બીજી તરફ, આ સમયે લોકોમાં માનવતા પણ બહાર આવી. યાદ રહે કે ભારતના લોકોની પોઝિટિવ વાતો મિડિયાના ઘણા વર્ગમાં નથી આવતી. અમેરિકાના ટેક્સાસમાં પૂર આવ્યું ત્યારે લૂટફાટ થઈ હતી જ્યારે મુંબઈમાં ટ્વિટર પર લોકો પોતાના વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે આવવા આમંત્રણ આપતા હતા. આ જ રીતે નોટબંધીના સમયે પણ લોકોએ, સંસ્થાઓ અને બૅન્કોએ માનવતા દાખવ્યાનાં અનેક ઉદાહરણો છે.

મુંબઈની મેજિક દિલ નામની ડૉક્ટરોની સંસ્થાએ કટોકટીની આ ક્ષણોમાં એક મિસ્ડ કૉલ પર ઘરે આવીને ઉધારી પર દર્દીના ઈલાજ કર્યા. રાંચીમાં વિનાયક હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરે ૧૦થી ૧૩ નવેમ્બર દર્દીઓને નિ:શુલ્ક ટ્રીટમેન્ટ આપી. મેંગ્લુરુ જેવા દક્ષિણ ભારતના શહેરમાં શીખ ભાઈ બલવિન્દરસિંહ વીરડીએ રેલવે મથકે અંદાજે ૨,૦૦૦ લોકોને નિ:શુલ્ક ભોજન આપ્યું. પંજાબમાં પણ શીખ બંધુઓએ બૅન્ક ગ્રાહકોને લંગર (નિ:શુલ્ક ભોજન) અને પાણી પૂરી માનવતા દર્શાવી. કેરળના એર્નાકુલમના કક્કાનાદમાં એક ચર્ચે રવિવારે પ્રાર્થનામાં આવેલા ખ્રિસ્તી બંધુઓ માટે દાનપેટી ખુલ્લી મૂકી દીધી.

મુંબઈની એક જગ્યાએ એચડીએફસી બૅન્કની આગળ ખુરશીઓ મૂકાઈ લોકોને બેસીને પોતાના વારાની રાહ જોવાની સુવિધા પૂરી પડાઈ. મુંબઈની એક પત્રકાર પૂજા મહેતાએ પોતાની માતા પંજાબ નેશનલ બૅન્કમાં કર્મચારી છે તો તે ત્યાં પત્રકારના નાતે ગઈ પરંતુ પરિસ્થિતિ જોઈ તે પણ ત્યાં કામ કરવા બેસી ગઈ! બૅન્કો પાસે રૂ. ૧૦૦ની ઓછી નોટો હતી. સ્ટાફને કમને રૂ. ૨,૦૦૦ની નોટો આપવી પડતી હતી. સ્વાભાવિક જ લોકો ગુસ્સામાં અથવા હતાશ હતા. સુરક્ષા કર્મચારીઓને લોકોને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આવામાં એક ગ્રાહકે આગળ આવીને લોકોને નિયંત્રિત કરવામાં મદદ કરી.  ગુવાહાતીમેંક  પૂર્વ બૅન્ક કર્મચારી નમિતા લહકર જ્યારે પૈસા જમા કરાવવા ગયાં ત્યારે લોકોનો ખૂબ ધસારો જઈ તેઓ ગ્રાહકના બદલે બૅન્કના પોતાના પૂર્વ સાથીઓને મદદ કરવામાં જોડાઈ ગયા. ભૂજમાં પોલીસ કર્મચારીઓએ બૅન્ક લાઇનમાં ઊભા રહેલા લોકોને પીવાનું પાણી આપ્યું. ઉત્તર પ્રદેશમાં પણ મહિલા પોલીસે બૅન્ક ગ્રાહકોને પીવાનું પાણી આપ્યું. ચેન્નાઈમાં એસબીઆઈની બૅન્કોમાં સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં લોકોને એક્સચેન્જ ફોર્મ ભરવા, પાણી આપવા સહિતની મદદ કરી. એક બૅન્ક કર્મચારીએ મોટી સંખ્યા જોઈ જમવાનું જતું કર્યું.

ઉત્તર પ્રદેશના સહારનપુરનના પિંજોરા ગામના શિવકુમાર પાઠક નાના ખેડૂત છે. તેમણે રૂ. ૩,૦૦૦ની કિંમતની રૂ. ૧૦૦ અને રૂ. ૫૦ની નોટો જમા કરાવી જેથી છુટ્ટાની મારામારીના સમયમાં બૅન્ક ગ્રાહકોને તે આપી શકાય. આ પૈસા તેમની બચતના હતા.

ગરીબ ગણાતા ઑડિશાના ભુવનેશ્વરમાં પાણીપુરી જેને ત્યાં ગુપચુપ કહે છે તે વેચનારા શિવશંકર પાત્રા જેવા અનેક લોકો હવે ડિજિટલ રીતે પૈસા સ્વીકારતા થઈ ગયા છે.

આ નોટબંધીથી સૌથી મોટો ફટકો ત્રાસવાદીઓને પડ્યો. પાકિસ્તાન તરફથી નકલી નોટો ઘૂસાડીને ત્રાસવાદ, ડ્રગ્ઝ વગેરે અનૈતિક કાર્યો દ્વારા ભારતને અંદરથી જ ખોખલું કરવાનું ષડયંત્ર ચાલતું હતું તેને જબરો ઘા વાગ્યો. કાશ્મીરમાં પથ્થરબાજી બંધ થઈ ગઈ છે. જોકે આનાથી એમ માનવું યોગ્ય નથી કે ભવિષ્યમાં ત્રાસવાદી ઘટના નહીં જ બને. બળાત્કાર વિરોધી કાયદો હોવા છતાં બળાત્કાર થાય જ છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેના લીધે આ કાયદો કાઢી નાખવો.

કાળાં નાણાંને પણ મોટો ફટકો આનાથી પડ્યો છે. કેટલાક વિરોધીઓ નહીં માને, પરંતુ આ હકીકત છે. તેમની દલીલ છે કે બેન્કમાં ૯૦ કે ૯૫ ટકા રકમ આવી ગઈ તો આમાં કાળાં નાણાંને ફટકો કેવી રીતે પડ્યો? પરંતુ ખરું કામ હવે શરૂ થશે. બૅન્કમાં આવેલા નાણાંના આધારે આવકવેરા વિભાગ અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોતાની કાર્યવાહી કરશે.

શંકાસ્પદ એવાં ૧૮ લાખ ખાતાંની ચકાસણી અત્યારે ચાલુ છે. રૂ. ૨.૮૯ લાખ કરોડની કેશ ડિપોઝિટની તપાસ કરાઈ રહી છે. એડવાન્સ ડેટા એનાલિટિક્સમાં ૫.૫૬ લાખ નવા શંકાસ્પદ કેસો મળી આવ્યા છે. રૂ. ૨૯,૨૧૩ કરોડની અઘોષિત આવક પકડાઈ અને લોકો દ્વારા સ્વીકારાઈ. રૂ. ૧૬,૦૦૦ કરોડનું કાળું નાણું નોટબંધી પછી પાછું ફર્યું નથી.

સાથે આડ અસર તરીકે એ પણ ફાયદો થયો કે ૫૬ લાખ નવા કરદાતાઓ ઉમેરાયા.નોટબંધીમાં રૂ. ૫૦૦ની નોટ વટાવવા લોકોએ એડવાન્સ ટૅક્સ ભર્યો. નગરપાલિકા, મ્યુનિસિપલ કૉર્પોરેશન વગેરેની આવકમાં ખૂબ જ વધારો થયો.

કેટલાક અમીરોને પોતાના ડ્રાઇવર, કામવાળા, માળી કે ધોબીનો સહારો લઈ તેમની પાસે તેમના ખાતામાં નાણાં જમા કરાવવાં પડ્યા. આ એક જાતની મોટી ક્રાંતિ હતી. ગરીબોને પોતાનું મહત્ત્વ સ્થાપિત થતાં આનંદ થયો. આ પણ એક કારણ હતું કે જ્યાં ગરીબો મોટી સંખ્યામાં છે તેવા ઉત્તર પ્રદેશમાં ભાજપને નોટબંધી છતાં પ્રચંડ વિજય મળ્યો.

આ નિર્ણયના બે વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે ગરીબોના જન ધન ખાતા ખોલાવી દીધા હતા. એટલે નોટબંધીથી ગરીબોને અપેક્ષા કરતાં ઓછી તકલીફ પડી. અગાઉ આ જ ભાજપે નોટબંધી કરવાની યુપીએ સરકારની વિચારણા હતી ત્યારે વિરોધ કર્યો હતો તેનું કારણ આ જ હતું કે પહેલાં પૂરતી તૈયારી કરવી પડે.

આમ છતાં, મોદી સરકાર પર પૂરતી તૈયારી વગર નોટબંધીના નિર્ણયનો આક્ષેપ થયો. પરંતુ આ નિર્ણય મોદી સરકારના મંત્રીઓને પણ જાણ કર્યા વગર કરાયો હતો. જો આ માહિતી બહાર પડે કે અગાઉ વહેલાસરથી નિર્ણયની જાણ થઈ જાય તો કાળાં નાણાં ધરાવતા લોકો પોતાના નાણાં સગેવગે ન કરી નાખે. તો પણ સ્કૂટર વગેરે વાહનોનાં વેચાણમાં ઊછાળો તો આવ્યો જ. એક્સિસ સહિત કેટલીક બૅન્કોના અધિકારીઓએ કાળાં નાણાંને ધોળાં કરવામાં મદદ પણ કરી.

પૂરતી તૈયારી સાથે લીધેલા નિર્ણય પછી પણ કેટલાક ફેરફાર સમય-સ્થિતિ મુજબ, લોકોની માગણીઓ મુજબ તેમાં સુધારાવધારા કરવા જરૂરી હોય છે. નોટબંધીના નિર્ણય પછી જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને લોકોનો પ્રતિસાદ સામે આવતો ગયો તેમ સરકારે અક્કડ રહેવાના બદલે નિર્ણયો બદલ્યા.

યુકે જે એક સમયે ભારતનો શાસક દેશ હતો તેમાં પણ ગત ૧૫ ઑક્ટોરે એક પાઉન્ડના સિક્કાને બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ ત્યાં કોઈ નેટેગિટિવિટી નથી ફેલાવાઈ.

નરેન્દ્ર મોદી અને ભાજપ લોકોમાં નોટબંધીનો નિર્ણય દેશના હિતમાં હોવાનું લોકોને સમજાવવામાં સફળ રહ્યા. આથી નોટબંધી પછી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં, મહારાષ્ટ્ર-ઓડિશા-ચંડીગઢ-ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વિજય થયો.

અમુક અમુક સમયે નોટબંધી જરૂરી હોય છે. ભવિષ્યમાં પણ આવું બની શકે છે. રોકડ વ્યવહારો કાળાં નાણાંના સર્જનમાં મદદરૂપ થતાં હોય છે. આની સામે ડિજિટિલ પેમેન્ટને પ્રોત્સાહન આપતી સરકારે પણ ડિજિટલ પેમેન્ટ સરળ બને, તે માટેની સુવિધા સરળ બને અને ખાસ તો બૅન્કો દ્વારા કાર્ડ દ્વારા પૈસા ઉપાડવા-ચૂકવવા પર બેફામ ચાર્જ લેવાય છે તે બધું બંધ થાય એ પણ જરૂરી છે. સાથે જ કાળાં નાણાં અટકે-પકડાય, નવા કરદાતાઓ વધ્યા- નગરપાલિકા-મહાનગરપાલિકાની આવક વધે તો વિકાસ પણ દેખાવો જોઈએ. નહીંતર જો સત્તાધીશો દ્વારા સત્તાનો અને જનતાનાં નાણાંનો ઉપયોગ જ લોકોને દેખાશે તો આગામી નોટબંધી કે આવા કોઈ નિર્ણય વખતે જનસમર્થન નહીં મળે.

Uncategorized

શિરોદર્દ બનેલી કાશ્મીર સમસ્યાનો હલ શું છે?

કાશ્મીર ફરી એક વાર સળગી રહ્યું છે. અલગતાવાદી મસરત આલમને છોડી દેવામાં આવ્યા પછી એમ મનાતું હતું કે અલગતાવાદીઓને થશે કે તેમની તરફેણ કરનારી સરકાર જમ્મુ-કાશ્મીરમાં છે, પરંતુ આ અલગાવવાદીઓને કોઈ વાતે સંતોષ જ નથી. યાસીન મલિક હોય કે સૈયદ અલી શાહ ગિલાની કે મસરત, અલગાવવાદીઓ કાશ્મીરની પ્રજાને ભારત વિરુદ્ધ અને પાકિસ્તાનની તરફેણમાં ભડકાવતા રહે છે. મસરતે છૂટ્યા પછી આવું જ કર્યું.

તેણે છૂટ્યા પછી પહેલું કામ કર્યું ગિલાની દિલ્હીથી કાશ્મીર આવ્યા તેના સ્વાગતમાં શ્રીનગરમાં એક મોટી સભા યોજવાનું. આ સ્વાગતમાં ઉમટેલા લોકો જેને આ મસરત હુર્રિયત (પ્રજા) કહે છે તેના હાથમાં પાકિસ્તાનના ઝંડાઓ હોય તેનું ધ્યાન રખાયું.  કયા પ્રકારના સૂત્રોચ્ચારો કરવાના છે તે શીખવાડી દેવાયું હતું. એટલે મસરતે સૂત્રોચ્ચાર શરૂ કરાવ્યો, ‘મેરી જાન મેરી જાન’ સામે ઊભેલા લોકોએ એક સાથે કહ્યું, ‘પાકિસ્તાન પાકિસ્તાન’. ‘ગિલાની સાહેબ કા નયા ફરમાન’, લોકોએ જવાબ આપ્યો, ‘કશ્મીર બનેગા નયા પાકિસ્તાન’. ‘હાફિઝ સઈદ કા નયા પૈગામ’, લોકોએ જવાબ આપ્યો, ‘કશ્મીર બનેગા પાકિસ્તાન’.

આ સૂત્રોચ્ચાર પરથી સ્પષ્ટ છે કે અલગતાવાદી નેતાઓને પાકિસ્તાનની ધરતી પર ભારત સામે સતત ઝેર ઓકતા ત્રાસવાદી હાફિઝ સઈદનું સમર્થન છે. વળી, પાકિસ્તાનમાંથી હાફિઝ સઈદે પોતે પણ કહી દીધું છે કે જો પાકિસ્તાન સેના કાશ્મીર પર હુમલો કરશે તો અમે તેને સમર્થન કરીશું. આનો અર્થ સ્પષ્ટ છે કે પાકિસ્તાન પણ સઈદને સહાય કરે છે. ભારત પાસે પુરાવાઓનો ઢગલો થઈ ગયો છે તો પછી પ્રશ્ન એ થાય કે ભારત કેમ પાકિસ્તાન સામે કાર્યવાહી  કરતું નથી? જે નરેન્દ્ર મોદી વિપક્ષમાં હતા અને ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા હતા ત્યારે બે જવાનોનાં પાકિસ્તાન સેનાએ માથાં વાઢ્યાં ત્યારે સિંહગર્જના કરતા હતા તે સત્તામાં આવ્યા પછી કેમ મિયાંની મીંદડી જેવા નરમ દેખાય છે? કાશ્મીર સરહદે પાકિસ્તાન  વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરી ગોળીબારો કરે છે.

જોકે ભાજપવાળા એમ કહે છે કે અમે બીએસએફ વગેરે સશસ્ત્ર દળોને પૂરતી છૂટ આપી છે અને તેઓ વળતો જોરદાર જવાબ આપે છે. આવું તો કૉંગ્રેસ પણ કહી શકે. ભારત કેમ પ્રતિક્રિયાવાદી (રિએક્ટિવ) નીતિ છોડી સક્રિય (એક્ટિવ) નીતિ નથી અપનાવતું?

આનાં કારણો જોવા પડે. એક તો એ કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે. કાશ્મીર પંડિતોને ષડયંત્રપૂર્વક ત્યાંથી ખસેડી દીધા પછી ત્યાં ભારે પ્રમાણમાં સરહદપારથી લોકો આવીને વસ્યા હોય તેની શક્યતા નકારી ન શકાય. બીજું કે અલગાવવાદીઓને સરહદ પારથી માત્ર શસ્ત્રો જ નથી મળતા, પરંતુ મોટા  પાયે પૈસા પણ મળે છે. એક રીતે એમ કહી શકાય કે આ અલગાવવાદીઓનો ભારત વિરોધ એ એક લાગણીશીલ વિરોધ નથી, પરંતુ તે તેમનો ધંધો છે. તેમને ભારત વિરોધ કરવા માટે નાણાં મળે છે. ત્રીજું કારણ એ છે કે હિન્દુ, ખ્રિસ્તી, પારસી જેવા સમુદાયોની સાપેક્ષ મુસ્લિમ પ્રજા ભારે સંવેદનશીલ છે, ઉશ્કેરાઈ જલદી જાય છે. આથી જો કાશ્મીરમાં કોઈ કાર્યવાહી થાય તો બાકીના દેશની મુસ્લિમ પ્રજાનો એક વર્ગ તોફાન કરવા લાગે તેવી શક્યતા રહેલી છે. જેમ કે, ડેનમાર્કમાં મુસ્લિમ વિરોધી કાર્ટૂન બને તો તેની સામે ભારતમાં વિરોધ થાય છે. અયોધ્યામાં વિવાદિત ઢાંચો ધ્વંસ થાય તો તેનાં પગલે રમખાણો ફાટી નીકળે છે. આના લીધે દેશનો વિકાસ અટકી જાય છે.

નરેન્દ્ર મોદીની નજર અત્યારે વિકાસ પર વધુ રહેલી દેખાય છે. તેઓ ઈચ્છે છે કે દેશના અર્થતંત્રની જે ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી તેને પાછી દોડતી કરવી. અને દેશના મુસ્લિમ સહિત તમામ વર્ગના લોકો જો પૈસે-ટકે સુખી હશે તો પછી ઝઘડા ભૂલી જશે. તેમનો વિચાર કાશ્મીર બાબતે પણ આવો જણાય છે. એટલે જ તેમણે પક્ષના સમર્થકો અને વિરોધીઓના વિરોધની પરવા કર્યા વગર કાશ્મીરમાં અલગાવવાદી પ્રત્યે કૂણી નીતિ અપનાવનાર મુફ્તિ મોહમ્મદ સઈદના પીડીપી પક્ષ સાથે યુતિ સરકાર રચી. સઈદે આવતાવેંત પાકિસ્તાન, અલગાવવાદીઓ અને ત્રાસવાદીઓનો આભાર માન્યો તોય તે સહન કરી લીધું. પરંતુ સઈદે મસરત આલમને છોડી મૂક્યો અને તેનો વિરોધ થયો ત્યારે મોદીએ સંસદમાં રૌદ્ર રૂપ દેખાડ્યું. પરંતુ પાછું મૌન સાધી લીધું. મસરત આલમે શ્રીનગરમાં સભા કરી અને તેમાં પાકિસ્તાનના ઝંડા દેખાયા અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચારો થયા ત્યારે દેશમાં ભારે ગુસ્સો વ્યાપી ગયો. જોકે ભાજપવાળા એવી બોદી દલીલ કરે છે કે આવો પથ્થરમારો, સૂત્રોચ્ચાર, ઝંડા ફરકાવવા કંઈ પહેલી વાર થોડું થયું છે? એ વાત સાચી કે કાશ્મીરમાં વર્ષોથી આવું થતું આવ્યું છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અગાઉની કૉંગ્રેસની સરકારોની જેમ તમારેય મૂંગા મોઢે જોતા રહેવું.

પરંતુ કાશ્મીરનો પ્રશ્ન સંવેદનશીલ છે. તેમાં અલગાવવાદીઓ કંઈ પણ કરે તો વાંધો નહીં, પરંતુ ભારતીય સૈન્ય કાર્યવાહી કરે એટલે તેનો વિરોધ આંતરરાષ્ટ્રીય મંચ પર શરૂ થઈ જાય છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે કાશ્મીરમાં સારું કામ થયું હતું. તેને મુફ્તિની દીકરી મહેબૂબાએ પણ વખાણ્યું હતું. એ સરકાર વખતે કાશ્મીરમાં ઘૂસણખોરોનો મોટા પાયે ખાત્મો થયો હતો તો સાથે કાશ્મીરના વિકાસ માટે પેકેજ પણ અપાયું હતું.

કાશ્મીરનો ઉકેલ શોધવા માટે તેના પ્રશ્નને સમજવો જરૂરી છે. કાશ્મીરનો ઇતિહાસ તો આપણે ગયા અઠવાડિયાના લેખમાં જોયો. પરંતુ ૧૯૮૪ પછી ઝિયા ઉલ હક અને તે પછીની પાકિસ્તાન સરકારોએ કાશ્મીરમાં ઘૂસણખોરી, અલગાવવાદને સતત પ્રોત્સાહન આપ્યા કર્યું. કાશ્મીરમાં બોમ્બ ધડાકા કરાવ્યે રાખ્યા. આમ, એક રીતે કાશ્મીરમાં પર્યટનનો મોટો વ્યવસાય પડી ભાંગ્યો. બીજી તરફ, ભારત વિરોધ કરવાનાં નાણાં મળતા હોય તો તે માટે અલગાવવાદી થવા બેરોજગાર યુવાનો તૈયાર થવા લાગ્યા. ત્રીજી તરફ, ભારતીય સૈન્ય કે કાશ્મીરની પોલીસની કાર્યવાહીને સતત આંતરરાષ્ટ્રીય મોરચા પર પાકિસ્તાન ઉછાળતું રહ્યું. આ થઈ પાકિસ્તાનની ભૂમિકા.

બીજી ભૂમિકા આવે છે ત્યાંની સરકારની. કમનસીબે ત્યાં જે સરકારો મોટા ભાગે રહી તે શેખ અબ્દુલ્લા, તેના દીકરા ફારુક અબ્દુલ્લા અને તેના દીકરા ઓમર અબ્દુલ્લાની રહી. આ ત્રણેયમાં પહેલા બે બાપદીકરાની ભૂમિકા તો પાકિસ્તાન તરફી વધુ રહી. ઓમર પ્રમાણમાં ઓછા પાકિસ્તાન તરફી રહ્યા. વળી, ફારુક અબ્દુલ્લા વિશે તો એવું કહેવાય કે તેઓ મોટા ભાગે લંડનમાં જ રહે. ૧૯૯૦ના જાન્યુઆરીમાં જ્યારે કાશ્મીરી પંડિતો (એટલે કે કાશ્મીરી હિન્દુઓ અને શીખો) પર ષડયંત્ર હેઠળ દમન થતું હતું, તેમને ખદેડવામાં આવતા  હતા, તેઓ ભાગી રહ્યા હતા ત્યારે ફારુક અબ્દુલ્લાની સરકાર લાચાર હતી. તેણે રાજીનામું આપી દીધું હતું.

તે પછી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકારો આવતી રહી અને જાતી રહી પરંતુ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન ન થયું. આથી કાશ્મીરમાં પાકિસ્તાન તરફી વાતાવરણ સર્જાતું-ટકતું રહ્યું. વચ્ચે થોડો સમય શાંતિ આવી, પર્યટન પાછું ચાલુ થયું, હિન્દી ફિલ્મોનાં શૂટિંગ પણ થવા લાગ્યા, પણ અલગાવવાદીઓ કંઈ ને કંઈ પૂળો મૂકતા રહ્યા. કેન્દ્ર તરફથી પેકેજો અપાતા રહ્યા, પરંતુ તે લાભાર્થી સુધી પહોંચ્યા નહીં અથવા પૂરા ન પહોંચ્યા.

ત્રીજી ભૂમિકા કેન્દ્ર સરકારની આવે છે. ૧૯૮૯થી દેશમાં અસ્થિરતાનો દોર શરૂ થયો. હવે કેન્દ્રમાં જે પક્ષ શાસનમાં આવે તે સરકાર બચાવવાનું વિચારે કે કાશ્મીર? ૧૯૮૯માં વી. પી. સિંહની સરકાર આવી ત્યારે કેન્દ્રમાં ગૃહ પ્રધાન તરીકે મુફ્તિ મોહમ્મદ સઈદ જ હતા. એ પછી થોડો સમય ચંદ્રશેખરની સરકાર આવી. તે પછી પી. વી. નરસિંહરાવની સરકાર આવી. નરસિંહરાવની સરકાર પણ લઘુમતી સરકાર હતી. તેને  બાદમાં યેનકેન પ્રકારેણ બહુમતી મેળવી લીધી. આ સમય દરમિયાન કાશ્મીરમાં અશાંતિ ચાલુ જ હતી. ૧૯૯૬માં દેવેગોવડા સરકાર આવી તો તેય બહુ ન ટકી અને એકાદ વર્ષમાં જ ઈન્દ્રકુમાર ગુજરાલની સરકાર આવી જે પાકિસ્તાન સાથે ભાઈચારાના સિદ્ધાંતમાં માનનારા હતા.

૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી. પરંતુ એક વર્ષમાં તેય પતન પામી. જોકે ૧૯૯૯માં કારગીલ યુદ્ધ થયું અને તે પછી ચૂંટણીમાં આ સરકાર પાછી આવી અને તેણે અનેક મોરચે કામ શરૂ કર્યું. એક તો પાકિસ્તાનના ત્રાસવાદી કરતૂતોને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટા પાયે ખુલ્લા પાડ્યા. બીજી તરફ, કાશ્મીરમાં પણ પ્રોએક્ટિવ (સક્રિય) નીતિ અપનાવી. ઘૂસણખોરોનો સફાયો કર્યો. એ વખતે ઘૂસણખોર વિરોધી જૂથો બન્યાં જે પોતે જ ઘૂસણખોરોનો વિરોધ કરતા હતા. જોકે ૨૦૦૪માં સરકાર બદલાઈ અને યુપીએ સરકાર આવી. આ સરકારના સમયમાં ૨૦ વર્ષ પછી કાશ્મીરમાં પંચાયતોની ચૂંટણી થઈ. સરપંચો ચૂંટાયા. જોકે તેમને ત્રાસવાદીઓની ધમકી અને તેમના દ્વારા હત્યાનો સામનો તો કરવો જ પડતો હતો. મનમોહનસિંહની સરકારનાં દસ વર્ષના શાસનમાં પણ કાશ્મીર પ્રત્યે રિએક્ટિવ એટલે કે પ્રતિક્રિયાવાદી નીતિ જ રહી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની પૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર આવી. તેમણે પહેલા જ દિવસથી કાશ્મીર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતના દિવસોમાં જ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવાની વાત ઉખેળી વિવાદ સર્જ્યો અને વિવાદ થયા પછી પાછીપાની કરી. દરમિયાનમાં કાશ્મીરમાં પૂર આવ્યું ને મોદીએ પૂરી તાકાતથી બહુ પ્રશંસનીય કામગીરી કરી. દિવાળી પણ કાશ્મીરમાં ઉજવી. કાશ્મીરમાં ચૂંટણી થઈ. ચૂંટણી પહેલા સજ્જાદ લોન સાથે મુલાકાત કરી, તેમની સાથે ગઠબંધન કર્યું. જમ્મુ સાથે કાશ્મીરમાં પણ પૂરી તાકાત સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું. જોકે કાશ્મીર ઘાટીમાં એકેય બેઠક ન મળી. તે પછી મુફ્તિ મોહમ્મદ સઈદ સાથે ચર્ચાના અનેક રાઉન્ડ પછી સરકાર યોજી.

મોદી સરકાર આવ્યા પછી કાશ્મીરમાં ત્રાસવાદીઓના હુમલામાં અનેક જવાનો શહીદ થયા છે. એમાં હવે આ મસરત આલમનો મુદ્દો ચગેલો છે. મોદી સરકાર શું કરી શકે? રાજકીય નિષ્ણાતો મુજબ, સરકાર આ પ્રકારનાં પગલાં લઈ શકે: (૧) પૂરગ્રસ્ત લોકો માટે જે કામગીરી કરી તેવી રીતે કાશ્મીરના લોકોનો વિકાસ કરે, (૨) અલગાવવાદીઓને પાકિસ્તાન તરફથી હવાલા, સરહદે વિનિમય પદ્ધતિ (બાર્ટર) કે અન્ય રીતે મળતાં નાણાં બંધ કરાવે. (૩) કાશ્મીરમાં કાયદાની પરિસ્થિતિ વણસેલી છે ત્યારે કલમ ૩૫૬નો ઉપયોગ કરી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે અને પછી ત્યાંથી અલગાવવાદીને  વીણી વીણીને જેલ ભેગા કે પાકિસ્તાન ભેગા કરે. ઘૂસણખોરોને ઠાર કરે. (૪) જે રીતે ચીને તિબેટ કે મુસ્લિમ અસંતોષવાળા પ્રદેશમાં પોતાના તરફી લોકોને વસાવ્યા તેમ કાશ્મીરમાં પણ પંડિતોનું પુનર્વસન કરાવી શકે. (૫) જે રીતે અમેરિકા પાકિસ્તાનની અંદર આવીને લાદેનને મારી ગયું તે રીતે ભારત પાકિસ્તાનની અંદર જઈને હાફીઝ સઈદને પકડી આવે કે મારી આવે. (૬) ભારત સરહદેથી પાકિસ્તાનમાં ઉછરી રહેલી ત્રાસવાદી શિબિરોનો ખાત્મો કરે. (૭) છેલ્લા ઉપાય તરીકે પાકિસ્તાન પર જડબેસલાક હુમલો કરે.

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૨/૪/૧૫ના રોજ આ લેખ છપાયો.)

economy, gujarat guardian

બજેટ: મધ્યમ વર્ગ તો હિન્દુત્વ-વિકાસના નામે મત આપી દેશે

કોથળામાંથી બિલાડું નીકળ્યું. અરુણ જેટલીનું અંદાજપત્ર આવ્યું ત્યારે સહુ કોઈના મોઢામાંથી આવા ઉદ્ગાર નીકળ્યા હશે…ખાસ કરીને મધ્યમ વર્ગીય ભાજપી મતદારોના મોઢામાંથી. એ વાત તો હવે જાણીતી જ છે કે ભાજપનો સૌથી મોટો મતદાર વર્ગ હોય તો તે મધ્યમ વર્ગીય છે અને અંદાજપત્ર પહેલાં તેને સ્વાભાવિક જ આશા હોય કે તેમને કોઈ લાભ મળશે. ગયા વખતે તો વોટ ઓન એકાઉન્ટ જેવું બજેટ હતું પણ આ વખતે તો ફૂલ ફ્લેજ્ડ બજેટ હતું. ત્યારે મધ્યમ વર્ગ આશા રાખે તેમાં કંઈ ખોટું પણ નહોતું. પરંતુ એવું કંઈ થયું નહીં.

અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટમાં આવકવેરા મર્યાદા વધારીને મધ્યમ વર્ગને રાહત આપવાની વાત તો દૂર રહી, ઉલટું સેવા વેરો ૧૨ ટકા હતો તે વધારીને ૧૪ ટકા કરી દેવાયો. ઉપરથી સ્વચ્છ ભારતના નામે ૨ ટકા સરચાર્જ કે સેસ નાખી દીધી. આ સ્વચ્છ ભારતની સેસ ક્યારથી અને કેટલી સેવાઓ પર લાગુ થશે તે હજુ મોઘમ રાખ્યું છે. પણ પ્રશ્ન એ થાય કે સ્વચ્છ ભારતનો સેસ લાગુ કરવાની જરૂર જ ક્યાં હતી? સ્વચ્છતા તો વ્યક્તિગત બાબત છે.

એક જુદા ઉદાહરણથી આ સમજીએ. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ  સરકાર હતી તેણે મેટ્રો શહેરોમાં સેટ ટોપ બૉક્સ ફરજિયાત કરી નાખ્યું. તેના વગર સેટેલાઇટ ચેનલો નહીં જોઈ શકાય તેવો કાયદો લવાયો. આ રીતે અમદાવાદ સહિત દેશ ભરના મેટ્રો શહેરમાં આ નિયમ લાગુ પણ પડી ગયો. દલીલ એવી કરાઈ કે કેબલ ઓપરેટરો વેરો ભરતા નથી. તેઓ નોંધાય તે માટે આ નિયમ છે. આવા કોઈ પણ કાયદાના ફાયદા બતાવાતા હોય છે. તેમાં એવું કહેવાયું કે આ કાયદો તો તમારા લાભમાં છે. તમને સ્વચ્છ, ડિજિટલ અને વધુ સારી ગુણવત્તાનું મનોરંજન મળશે. અરે પણ અમારે સેટ ટોપ બૉક્સ લેવું કે નહીં તેનો નિર્ણય અમને કરવા દો ને. અમને ફરજ શા માટે પાડો છો. એક દલીલ એવી પણ હતી કે તમારે જેટલી ચેનલ જોવી હોય તેટલા જ તમારે પૈસા આપવા પડશે. પરંતુ થયું શું? પહેલાં કેબલ ઓપરેટર હતા તે ઘરની નજીક રહેતા હોય, ઓળખીતા હોય તો ઓછા પૈસા લેતા હતા. વળી, તેમાં હિન્દી ફિલ્મની એક, અંગ્રેજી ફિલ્મની એક, સંગીતની એક અને સમાચારની એક, એમ ચાર ચેનલ કેબલ ઓપરેટર તરફથી આવતી હતી. વળી, નવી હિન્દી ફિલ્મો પણ બતાવાતી હતી. હવે તો ટાટા, રિલાયન્સ, એરટેલ, વિડિયોકોન વગેરેના સેટ ટોપ બૉક્સમાં તો ઊંધું થયું. અહીં તો તમારે ફિલ્મ જોવી હોય તો તેની ડિમાન્ડ કરવી પડે અને તેના અલગ પૈસા ભરવા પડે! વળી, વરસાદના બેત્રણ છાંટા પડે એટલે પ્રસારણ બંધ થઈ જાય. એક ચેનલ પરથી બીજી ચેનલમાં જવામાં વાર લાગે. બે રિમોટ રાખવા પડે. તેના પેકેજ પણ પાંચસોથી ચાલુ થતા હોય અને તમારે જે ચેનલ જોવી હોય એના જ પૈસા ભરવાના તેમ નહીં, પણ તે લોકોએ જેતે પેકેજમાં જે ચેનલ રાખી હોય તે જ તમે જોઈ શકો. આ નિર્ણય તો એવો હતો કે કાલે ઊઠીને સરકાર કહે કે તમારે એસીવાળા, હાઇ ફાઇ સલૂનમાં જ વાળ કપાવવાના. તમારે ફૂટપાથ પર સસ્તામાં વાળ નહીં કપાવવાના. તેઓ હાઇજેનિક નથી હોતા. તેનાથી તમને એઇડ્સનો ખતરો છે.

આ જ રીતે સ્વચ્છતા પણ વ્યક્તિગત નિર્ણય છે. તેમાં તમે સેસ લઈ ન શકો. તેના માટે જાગૃતિ અભિયાન જ ચલાવવું પડે. લોકો જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી સ્વચ્છતા ક્યાંથી જળવાશે? આ જે સેસ લેવાશે તેનો સ્વચ્છતા માટે કઈ રીતે ઉપયોગ થશે તે સ્પષ્ટ નથી.

બીજી તરફ, સર્વિસ ટૅક્સ કે કોઈ પણ વેરાથી તમારા જીવનની ગુણવત્તા સુધરશે, સારી સવલતો મળશે, સારા રોડ મળશે તેવી દલીલો પણ થાય છે (ભૂમિ સંપાદન ખરડા પાછળ પણ આવી જ દલીલો કરાય છે) પરંતુ તેના માટે તો તમે વેરા પાછા અલગ રીતે લો જ છો. દા.ત. મ્યુનિસિપાલિટી પાણી વેરો લે છે. વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ લેવાય છે. તે ઉપરાંત હવે જે રસ્તાઓ બને છે તે પીપીપી મોડલના આધારે બનતા હોય છે. અને તેમાં તમે ઠેકઠેકાણે ટોલ ટૅક્સ બૂથ તો ઊભા કરી જ દીધા અને તેમાંય સતત વધારો જ થતો રહે છે. પહેલાં જેના રૂ.૩૦ લેવાતા હતા તેની જગ્યાએ આજે રૂ. ૭૦ લેવાય છે! વળી, પેટ્રોલ, ડીઝલ પર જ કેટલા આડકતરા વેરા છે! તેમાંય જ્યારે આ બંનેના ભાવ ઘટતા હતા ત્યારે તમે (એટલે કે સરકારે) આબકારી જકાત અથવા એક્સાઇઝ ડ્યુટી વધારી જ દીધી છે! એ વખતે ભાવમાં વધારો ન થયો એટલે જનતાને ખબર ન પડી. પણ જે દિવસે બજેટ આવ્યું તે જ દિવસે પેટ્રોલ-ડીઝલમાં રૂ. ૩ આસપાસ વધારો થઈ ગયો!

ખરેખર તો આવકવેરો જ નાબૂદ કરવાની જરૂર છે. ઘણા વેપારીઓ બિલ નહીં આપીને વેચાણ વેરામાં ચોરી કરે છે છે. ઘણી કૉર્પોરેટ કંપનીઓ પણ કાગળમાં આંકડાઓની માયાજાળ સર્જી શકે છે. પરંતુ પગારદાર વર્ગ છે તેની તો આવક ચોખ્ખી જ છે અને તેના પૈસા ફરજિયાત કપાય જ જાય છે. પરંતુ તેની સામે એક કડવું સત્ય એ પણ હોય છે કે જેટલી મોંઘવારી વધે છે તેટલા પગાર વધતા નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા તો તેની સામે મોંઘવારી ઘટી નથી. શાક, દૂધ, કઠોળ મોંઘા જ રહ્યા છે. સરકાર દૂધ કંપનીઓને કેમ ફરજ નથી પાડતી કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે તો દૂધના ભાવ પણ ઘટાડવા જોઈએ?શાકભાજીના ભાવ ઘટાડવા પણ સરકારે અસરકારક પગલાં લીધાં નથી! અગાઉના રેલવે બજેટમાં ઉતારુ ભાડામાં પણ મોદી સરકારે વધારો કર્યો અને આ બજેટમાં નૂર દર વધાર્યા. તેની પણ મોંઘવારી પર અસર તો થવાની. ‘બધો ભાર કન્યાની કેડ પર’ ઉક્તિની જેમ બધો જ બોજો મધ્યમ વર્ગ અથવા પગારદાર વર્ગ પર આવે છે. ગરીબને તો વેરા ભરવાના નથી. અમીરને કોઈ વાંધો નથી. (અમીરનો તો વેલ્થ ટૅક્સ નાબૂદ કર્યો છે અને સામે, સુપર રિચ ટૅક્સમાં બે ટકાનો મામૂલી વધારો કર્યો છે!) મધ્યમ વર્ગને તો લગ્ન-મરણના વ્યવહાર હોય કે સંતાનને ભણાવવાના હોય, બીજો કોઈ છૂટકો જ નથી, તમાચો મારીને પણ મોઢું લાલ રાખવાનું છે.

કૉંગ્રેસની સરકારે સર્વિસ ટૅક્સનો દાયરો એટલો બધો વધારી દીધો છે કે લગભગ બધી જ સેવાઓ તેમાં આવી જાય છે. મોબાઇલના બિલ,વાહનની સર્વિસ, વીમો, ટીવી ચેનલ, કુરિયર, ઇન્ટરનેટ, મંડપ સહિત અનેક સેવાઓ મોંઘી બનશે. અને સામે પક્ષે આવકવેરા મર્યાદામાં કોઈ છૂટ નહીં. ખાલી એટલી રાહત આપી કે આરોગ્ય વીમાની રોકાણ મર્યાદા રૂ.૧૫,૦૦૦થી વધારીને રૂ. ૨૫,૦૦૦ કરાઈ છે. પણ આ આરોગ્ય  વીમાની પણ અલગ મોકાણ છે. લોકો પોતાની માંદગી માટે  અને આવકવેરામાં છૂટ માટે મેડિક્લેઇમ લે છે તો ખરા પણ થાય છે એવું કે જ્યારે એ લેવાનો વારો આવે ત્યારે કેટલા ધક્કા ખાવા પડે તે સામું કોઈ જોતું નથી. હૉસ્પિટલોને પણ કેશલેસ ન હોય તો બિલ આપવા માટે પેટમાં ચૂંક આવે છે. અને આ મેડિક્લેઇમના કારણે કેટલું મોટું કૌભાંડ ચાલે છે તે ખબર છે સરકારને? જો તમારે મેડિક્લેઇમ ન હોય તો જે સારવાર રૂ. ૧૦,૦૦૦માં પતે એ જ સારવાર જો મેડિક્લેઇમ હોય તો ૪૦-૫૦,૦૦૦માં પડે. આવું કઈ રીતે બને છે તેમાં સરકાર કોઈ રસ લેતી નથી.

આ બજેટથી એક વાત ફરી સાબિત થઈ કે કૉંગ્રેસ અને ભાજપ ભલે ઉત્તર-દક્ષિણ ધ્રૂવ જેવા લાગતા હોય પરંતુ આર્થિક બાબતે તેઓ બંને સરખા જ છે. જ્યારે અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર હતી ત્યારે પણ તેણે દીનદયાળ ઉપાધ્યાય,દત્તોપંત ઠેંગડી, ગોવિંદાચાર્યની આર્થિક વિચારધારાના બદલે મનમોહનસિંહની પાશ્ચાત્ય મોડલવાળી આર્થિક નીતિને આગળ ધપાવી હતી. મોદી સરકારે પણ લોકસભાની ચૂંટણી પહેલાં વાતો મોટી મોટી કરી અને ‘બહોત હુઈ મહંગાઈ પર માર, અબ કી બાર મોદી સરકાર’ જેવાં લલચામણાં સ્લોગન આપ્યાં પણ તેણે મોંઘવારીને કાબૂમાં લાવવા કોઈ પ્રયાસ કર્યા જણાતા નથી. ઉલટું, કૉંગ્રેસની આર્થિક નીતિઓ જ તેણે ચાલુ રાખી છે. દા.ત. આધાર કાર્ડનો પહેલાં મોદી અને ભાજપ વિરોધ કરતા હતા અને સુપ્રીમ કોર્ટે પણ તેને બિનજરૂરી ગણાવ્યું છે, પરંતુ એલપીજી સબસિડી માટે આધાર કાર્ડ એક રીતે ફરજિયાત છે. કૉંગ્રેસ પણ અમેરિકા વગેરે દેશો સામે નીચું નમીને એફડીઆઈ વધુ આવે તે માટે કુરનિશ બજાવતી હતી, તો ઓબામા આવ્યા ત્યારે મોદીએ પણ તેવું જ કર્યું. મેક ઇન ઇન્ડિયાના નામે વધુ એફડીઆઈ આવે તે માટે પ્રયાસો ચાલુ છે.

હકીકતે, આપણે વિદેશના નાણાં પર આટલો બધો મદાર રાખીએ છીએ એ જ ખોટું છે કારણકે તેઓ સ્વાર્થનાં સગાં છે. વળી, આપણું મિત્ર કોઈ નથી. એટલે ધારે ત્યારે નાણાં પાછાં ખેંચી શકે તેમ છે. શેરબજાર આનું મોટું ઉદાહરણ છે. શેરબજારમાં ઘણી વાર સેન્સેક્સમાં થતા ઊછાળા ને કડાકા પાછળ એફઆઈઆઈ એટલે વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા મોટા પાયે લે-વેચ જવાબદાર હોય છે. એનો અર્થ એ કે આ વિદેશીઓ તમને ક્યારેય પણ રાતા પાણીએ રોવડાવી શકે છે. જો શેરબજારમાં આવું થઈ શકે તો મેક ઇન ઇન્ડિયામાં આવું કેમ ન થાય? આપણું જે અર્થતંત્ર હોય તે ચીન અથવા ગાંધીજી કે પછી ભાજપના મૂળ આર્થિક નીતિના ઘડવૈયાઓ – દીનદયાળ ઉપાધ્યાય, દત્તોપંત ઠેંગડી, ગુરુમૂર્તિ વગેરેના સ્વદેશી મોડલવાળું હોવું જોઈએ. વિદેશથી કંપનીઓ આવે ત્યારે તેઓ ટૅક્સ ન ભરે તો આપણે કાંઈ કરી શકતા નથી તે વોડા ફોનના ટૅક્સ કેસમાં આપણે જોયું જ છે ને. તેણે ૨.૫ અબજ ડોલરનો ટૅક્સ ન ભર્યો તે ન જ ભર્યો. એસ્સાર લિક કૌભાંડ અને અગાઉ ટુ-જી સ્પેક્ટ્રમ કેસમાં રાજકારણીઓ-કૉર્પોરેટ-મિડિયાની સાંઠગાંઠ બહાર આવ્યા પછી હવે એ સમજવું અઘરું નથી કે આવા વેરા ન ભરવા પડે તે માટે રાજકારણીઓને ‘મનાવવાની’ કળા કૉર્પોરેટને આવડતી જ હોય છે.

ખરેખર તો મધ્યમ વર્ગની કોઈને પડી નથી, કારણકે તે કોઈ પણ પક્ષ માટે ગેરંટેડ વોટર નથી. કૉંગ્રેસની સરકાર માટે તો ગરીબ, દલિત અને લઘુમતી કમિટેડ વોટર હતા. પણ ભાજપ માટે વર્ષોથી મધ્યમ વર્ગ પ્રતિબદ્ધ મતદાર રહ્યો હતો. ચૂંટણી પહેલાં રામદેવ બાબાએ પોતાની આર્થિક માગણીઓની જાહેરાત કરતાં કહ્યું હતું કે જે તેને સમર્થન આપશે તેને અમે ચૂંટણીમાં ટેકો આપીશું. આમાં એક માગણી હતી કે આવકવેરો જ નાબૂદ કરવો. રામદેવ બાબાના સંમેલનમાં નરેન્દ્ર મોદી આવ્યા હતા પણ તેમણે આવી કોઈ પ્રતિબદ્ધતા નહોતી આપી. જોકે તેમણે કાળાં નાણાં આવશે એટલે દરેક નાગરિકના ખાતામાં રૂ.૧૫ લાખ આવશે તેવું દીવાસ્વપ્ન જરૂર બતાવ્યું હતું જે હવે ભાજપ પ્રમુખ અમિત શાહે ‘કહેવત’માં ખપાવી દીધું છે (અને કદાચ એટલે જ દિલ્હીમાં હાર મળી).

ટૂંકમાં બે વાત સ્પષ્ટ છે. પહેલી કે બહુમતીથી ચૂંટાયા હોવાથી પાંચ વર્ષ સુધી હવે ભાજપને મધ્યમ વર્ગ તરફ જોવાની જરૂર નથી. બીજું, હવે મોદી એ કળા સિદ્ધ કરી ચુક્યા છે કે આ મધ્યમ વર્ગના મત હિન્દુત્વ-વિકાસના નામે મેળવી લેવાય છે એટલે તેમને ‘દેશના વિકાસ’ના બહાને બજેટમાં છૂટ આપીશું નહીં તોય ચાલશે. એટલે જ તો અરુણ જેટલીએ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ રીતે કહી દીધું કે મધ્યમ વર્ગે તેની કાળજી પોતે રાખવો પડશે.

એટલે ૨૦૧૯ સુધી મધ્યમ વર્ગને બજેટના સંદર્ભમાં રાહતની કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. હા, ૨૦૧૯ના એપ્રિલ-મેમાં ચૂંટણી આવશે એટલે એ પહેલાંના બજેટમાં કંઈક જાહેરાત જરૂર થશે.

(ગુજરાત ગાર્ડિયનની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૪/૩/૧૫ના રોજ આ લેખ છપાયો).