abhiyaan, sangh parivar, vhp

વિહિપની ઓળખ રામમંદિર સિવાય પણ છે

(અભિયાન, તા.૨૮/૪/૧૮નો અંક)

મધ્ય પ્રદેશમાં ભારતીય જન સંઘ (એટલે કે ભાજપનો પૂર્વ અવતાર)એ ખ્રિસ્તી મિશનરીઓની સામે વિરોધ અભિયાન શરૂ કર્યું. તેથી તત્કાલીન કૉંગ્રેસની સરકારે એક કમિશન રચ્યું હતું જેનું નામ હતું નિયોગી કમિશન. નિયોગી કમિશને મધ્ય પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓનું અધ્યયન કરીને અને ૧૧,૩૬૦ લોકોને મળીને ૧૯૫૭માં એક અહેવાલ સોંપ્યો હતો. તેમણે ૧૪ જિલ્લામાં હૉસ્પિટલો, શાળાઓ, ચર્ચો અને અન્ય સંસ્થાઓની મુલાકાત કરીને આ અહેવાલ આપ્યો હતો. આ અહેવાલથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. અહેવાલથી એ સ્પષ્ટ થયું હતું કે વિદેશોથી ભારતમાં ખ્રિસ્તી મિશનરીઓને મળતા ધનથી બનેલી શાળાઓ, હૉસ્પિટલો અને અનાથાશ્રમોનો દુરુપયોગ છળકપટ દ્વારા ગરીબ લોકોને, ખાસ કરીને વનવાસીઓને ખ્રિસ્તી બનાવવામાં થાય છે. આ પંથાતરણથી ભારતના વિભાજનનો ખતરો રહેતો હતો જે ૧૯૪૭માં ભારતે જોયું હતું.

આથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ સદાશિવરાવ ગોલવલકર જે આદરથી ગુરુજીના નામે જાણીતા હતા તેમને વિચાર આવ્યો કે હિન્દુ સમાજને એક રાખવો જરૂરી છે. અસ્પૃશ્યતા જેવાં દૂષણો દૂર કરવા જરૂરી છે. સાધુ-સંતોમાં પણ એકતા જરૂરી છે. અને વિશ્વ ભરના હિન્દુઓ વચ્ચે સંબંધ ટકેલો રહેવો જોઈએ. ખાસ કરીને વિદેશમાં વસતા હિન્દુઓ તેમના ધર્મ અને જીવનદર્શન સાથે જોડાયેલા રહેવા જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાનો નિર્ણય ૨૯ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ જન્માષ્ટમીના દિવસે મુંબઈ સ્થિત સ્વામી ચિન્મયાનંદના સાન્દીપની આશ્રમમાં ધર્માચાર્યોની બેઠકમાં કરવામાં આવ્યો હતો. ત્યારે સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવરાવ ગોલવલકર અને સ્વામી ચિન્મયાનંદ, દલાઈ લામા સહિતના સાધુસંતો હાજર હતા. તેનો હેતુ હિન્દુ સમાજને એક અને મજબૂત કરવા, તેની સેવા કરવી અને હિન્દુ ધર્મની રક્ષા કરવી‌ તેવો હતો. હિન્દુ સમાજમાં વ્યાપેલી આંતરિક કુરીતિઓ અને બાહ્ય પડકારોના સંદર્ભમાં ધર્મશાસ્ત્રોની પુનઃ યોગ્ય રીતે વ્યાખ્યા અને પ્રથાઓનું નિરીક્ષણ કરીને ઉચિત રીતે યુગાનુકૂલ રૂપમાં પ્રસ્તુત કરવાની આવશ્યકતા હતી. આ કાર્ય માટે વિભિન્ન સંપ્રદાયો અને મઠના ધર્માચાર્યોની એક મંચ પર લાવીને તેમના માધ્યમથી ધર્મને સંસ્કૃતિના ક્ષેત્રમાં માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવું આવશ્યક હતું. આ અત્યંત કઠિન કાર્યને સફળ બનાવવામાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા સંઘના દ્વિતીય સરસંઘચાલક ગુરુજીની રહી.

જયારે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થઈ ત્યારે ગુજરાતી લેખક, નહેરુ મંત્રીમંડળમાં મંત્રી અને ભારતીય વિદ્યાભવનના સંસ્થાપક એવા કનૈયાલાલ મુનશી, ગુજરાતી વિદ્વાન કે.કા.શાસ્ત્રી, શીખ નેતા માસ્ટર તારાસિંહ, નામધારી શીખ નેતા સદગુરુ જગજીત સિંહ અને બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ સી.પી રામસ્વામી ઐયર જેવા ખ્યાતનામ હાજર હતા.

એ સમયે દાદાસાહેબ આપ્ટેએ કહ્યું હતું કે આ વિશ્વ ખ્રિસ્તીઓ, મુસલમાનો અને સામ્યવાદીઓ વચ્ચે વહેંચાયેલું છે તે બધા જ હિંદુ સમાજને ખૂબ જ સારો ખોરાક માને છે જેના પર તેઓ મિજબાની ઉડાવવા માગે છે. આ યુગમાં એ જરૂરી છે કે હિન્દુ સમાજને આ ત્રણેયના દૂષણથી બચાવી શકાય. એનું સૂત્ર છે ધર્મો રક્ષતિ રક્ષિત:. વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા કેનેડા યુ.કે, ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ કાર્યરત છે.

વિશ્વ હિન્દુ પરિષદનું પ્રથમ વિશ્વ હિન્દુ સંમેલન કુંભ મેળાની સાથે સાથે ૧૯૬૬માં પ્રયાગમાં થયું હતું. આ સંમેલનને તત્કાલીન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને શુભકામના પાઠવતા સંદેશમાં લખ્યું હતું, “બધા જ કાળમાં આત્મ નવીનીકરણની પરંપરા પર વિભિન્ન પ્રકારથી બળ આપવામાં આવે છે. આજે તે જ પરંપરા પ્રસ્તુત કરવામાં આવી રહી છે, હિન્દુ ધર્મમાં આંતરિક સંશોધન થઈ રહ્યું છે. તેનો અર્થ એ નથી કે આપણે આપણા મૂળભૂત સિદ્ધાંતોનો ત્યાગ કરી દેવો…” ૭ નવેમ્બર ૧૯૬૬ના રોજ દિલ્લીમાં સંસદ ભવનની સામે ગોરક્ષા અને ગોહત્યા બંધી કાયદો બનાવવા માટે પ્રદર્શનનો નિર્ણય આ જ સંમેલનમાં થયો હતો.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર આવી તે પછી વિશ્વ હિન્દુ પરિષદના ઘર વાપસી કાર્યક્રમનો બહુ હોબાળો થયો, પરંતુ આ કાર્યક્રમ કંઈ સરકાર આવી તે પછીથી શરૂ નથી થયો. ભૂતકાળમાં ઘણા હિન્દુઓ ભય કે લાલચનો શિકાર બનીને અથવા હિન્દુ ધર્મમાં પ્રવર્તમાન દૂષણોના કારણે મુસ્લિમ કે ખ્રિસ્તી બની ગયા હતા. આવા લોકોને પુનઃ હિન્દુ સમાજમાં સ્વીકૃત બનાવવા માટે ઘર વાપસીનો વિચાર કરાયો હતો. ૧૯૬૬ના સંમેલનમાં પૂજ્ય સ્વામી વિશ્વેશતીર્થ મહારાજે ‘ન હિન્દુ પતિતો ભવેત્’નો ઉદ્ઘોષ કર્યો હતો. ઉડુપીમાં ૧૯૬૯માં થયેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રથમ ક્ષેત્રીય સંમેલનમાં હજારો દલિતોએ પણ ભાગ લીધો હતો. તે સમયે પૂજ્ય પેજાવર સ્વામીએ ‘હિન્દવઃ સોદરાઃ સર્વે’ (બધા હિન્દુ ભાઈઓ છે)ની ઘોષણા કરી હતી. હાજર ધર્માચાર્યો અને જગતગુરુઓએ તેને વધાવી લીધી હતી. આ ઉપરાંત ‘મમ દીક્ષા હિન્દૂ રક્ષા, મમ મન્ત્રઃ સમાનતા’ એટલે હિન્દુની રક્ષા એ જ મારી દીક્ષા છે અને સમાનતાનો મંત્ર જ જપવાનું સૂચન કરાયું.

૧૯૭૦માં મહારાષ્ટ્રના પંઢરપુરમાં હિન્દુ સંમેલનમાં દાદાસાહેબ આપ્ટેએ કહ્યું હતું કે દ્વારકા, શ્રૃંગેરીના જગદગુરુ શંકરાચાર્યો તેમજ મધ્વ અને વલ્લભ સંપ્રદાયોના જગદગુરુ આચાર્યોએ પણ સ્પષ્ટ રીતે અસ્પૃશ્યતાનો નિષેધ કર્યો છે.

પહેલા હિન્દુ સંમેલનમાં જ વિશ્વ ભરમાંથી હિન્દુઓ આવ્યા હતા. દાદાસાહેબ આપ્ટેએ વિદેશોના પ્રમુખ હિન્દુઓ કે હિન્દુ સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર શરૂ કરી દીધો હતો. અમેરિકામાં ૧૯૭૦માં વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય શરૂ થઈ ગયું હતું. દાદાસાહેબ આપ્ટેએ ૧૯૭૧માં પરિષદની કાર્યવૃદ્ધિ માટે નવ મહિના સુધી વિદેશોમાં ભ્રમણ કર્યું, ૩૦ દેશોના ૧૧૭ શહેરોમાં ૧૪૦ સભાઓને સંબોધી હતી. તેમણે ઘોષણા કરી હતી કે “વિશ્વ હિન્દુ પરિષદ નવી આચારસંહિતાનું નિર્માણ કરશે અને જે વ્યવસ્થા કાળપ્રવાહમાં અપ્રાસંગિક થઈ ગઈ છે તેને નિરસ્ત કરશે.” ૧૨ જૂન ૧૯૭૭ના રોજ દાદાસાહેબે પોતાનો મહામંત્રી તરીકેનો કાર્યભાર સંસ્કૃતના વિદ્વાન રાજાભાઉ ડિગ્વેકરને સોંપી દીધો અને પોતે પૂણે રહેવા ચાલ્યા ગયા.

બીજું સંમેલન ૧૯૭૯માં પ્રયાગરાજમાં થયું. તે વખતે ઉદ્યોગપતિ વિષ્ણુ હરિ ડાલમિયા સંમેલનના સ્વાગત અધ્યક્ષ બન્યા હતા. તેઓ બાદમાં વિહિપના અધ્યક્ષ બન્યા. તે સમયે સંમેલનનું ઉદ્ઘાટન કરવા દલાઈ લામાને બોલાવાયા હતા. એક સમયે કાશીમાં મહાત્મા બુદ્ધને પ્રવેશ નહોતો કરવા દેવાયો. પરંતુ વિહિપના માધ્યમથી આ ભૂલ સુધારી દેવામાં આવી. તે સમયે ધર્મ ગંગાના નામથી એક પ્રદર્શની રાખવામાં આવી હતી જેમાં હિન્દુઓ માટે લઘુતમ ધર્માચરણ કરવા અનુરોધ કરાયો જેમાં (૧) સૂર્યને રોજ પ્રણામ કરવા. (૨) બધા હિન્દુઓએ ૐને ગળામાં ધારણ કરવો. (૩) પ્રત્યેક હિન્દુ પરિવારમાં ગીતા જરૂર રાખે. (૪) પ્રત્યેક હિન્દુ ઘરમાં ઈષ્ટદેવનું ચિત્ર જરૂર રાખે અને યથાસંભવ રોજ પ્રાર્થના કરે. (૫) પ્રત્યેક પરિવારમાં તુલસીનો છોડ જરૂર હોય. (૬) પોતપોતાના શ્રદ્ધા કેન્દ્ર (મંદિર, ગુરુદ્વારા, દહેરાસર)માં પ્રતિ દિન દર્શન, પ્રાર્થના કરવા જરૂર જાય.

જુલાઈ ૧૯૮૨માં અશોક સિંહલ વિહિપના સંયુક્ત મહામંત્રી બન્યા. ૧૯૮૩માં આચાર્ય ગિરિરાજ કિશોર પણ વિહિપના કાર્યમાં જોડાયા. વિહિપના પહેલા અધ્યક્ષ હતા મૈસૂરના મહારાજા જયચામરાજ વાડિયાર. ૧૯૮૫થી ૧૯૯૨ ન્યાયમૂર્તિ શિવનાથ કાટજૂ, ૧૯૯૨થી ૨૦૦૫ સુધી વિષ્ણુ હરિ ડાલમિયા અને ૨૦૦૫થી ૨૦૧૧ સુધી અશોક સિંહલ વિહિપના અધ્યક્ષ રહ્યા. હરિમોહન લાલના દેહાવસાન પછી ૧૯૮૬માં અશોક સિંહલ, ૧૯૯૫થી ૧૯૯૮ સુધી આચાર્ય ગિરિરાજ કિશોર, ૧૯૯૮થી ૨૦૧૧ સુધી ડૉ. પ્રવીણ તોગડિયા મહામંત્રી રહ્યા.

૧૯૬૪માં ધર્મસંસદે અયોધ્યા, કાશી અને મથુરાના મંદિરોને મુક્ત કરાવવા ઠરાવ કરેલો. તે પછી ૧૯૮૪માં શ્રીરામ જાનકી રથ યાત્રા સીતામઢી (બિહાર)થી દિલ્લી સુધી કાઢવામાં આવી. ૧૯૮૬માં સર્વોચ્ચ ન્યાયાલયે શાહબાનો કેસમાં શાહબાનોના પૂર્વ પતિને ભરણપોષણ આપવાનો ચુકાદો આપ્યો. મુસ્લિમ મતબૅંકને ખુશ કરવા તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ સંસદમાં બહુમતીના સહારે આ ચુકાદાને ફેરવી તોળ્યો. ૧૯૮૬માં જિલ્લા મેજિસ્ટ્રેટે અયોધ્યામાં રામ જન્મભૂમિનાં તાળાં ખોલવાનો આદેશ આપ્યો. તે પછી ઘરેઘરેથી શિલા અને દાન ઉઘરાવવાનું અભિયાન હાથ ધરાયું. ૧૯૯૦માં અયોધ્યામાં કારસેવા કરવામાં આવી જેમાં મુખ્યપ્રધાન મુલાયમસિંહે નિર્દોષ કારસેવકો પર પોલીસ દ્વારા ગોળીબાર કરાવ્યો. તેમાં કોઠારી બંધુઓ સહિત અનેક કારસેવકોનાં મૃત્યુ થયાં. ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કારસેવા દરમિયાન વિવાદિત ઢાંચાનો ધ્વંસ થયો.

તે પછી રામજન્મભૂમિ ખાતે ભવ્ય રામમંદિર બાંધવાની માગણી બુલંદ થઈ. ભાજપની સરકારો ૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બની ત્યારે વિહિપ પોતાની આ માગણીને વ્યક્ત કરતી રહી. ૨૦૦૨માં અયોધ્યામાં કારસેવા કરીને પાછા ફરતા નિર્દોષ કારસેવકોને સાબરમતી ઍક્સ્પ્રેસમાં ષડયંત્રપૂર્વક નૃશંસ રીતે આગ લગાડીને મારી નાખવામાં આવ્યા હતા. આજે રામમંદિર નિર્માણ માટે મોટા ભાગે અનુકૂળ સ્થિતિ છે. સુન્ની સિવાય લગભગ બધા જ રામમંદિર માટે સંમત છે.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આરોગ્ય તપાસ શિબિરનું સંચાલન કરવામાં આવે છે. વ્યાવસાયિક પ્રશિક્ષણ શિબિરોનું સંચાલન, ખેતી બગીચાની ટૅક્નિક, મધમાખીનું પાલન પશુપાલન, સીવણએ વગેરે શીખવવામાં આવે છે. શિક્ષણ માટે અંતરિયાળ દૂરસ્થ ક્ષેત્રોમાં શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. સામાજિક કલ્યાણ અંતર્ગત ગ્રામીણ વિકાસ ધાર્મિક તીર્થસ્થળોમાં સેવાઓ, મહિલા છાત્રાવાસ અનાથોની સહાય, વિવાહ સંમેલન, વગેરે કરવામાં આવે છે. વિશ્વ પરિષદ પોતાના કાર્યકર્તાઓની ગુણવત્તા કૌશલ્ય અને હિંદુત્વ પ્રત્યે સ્વાભિમાન જગાડવા અનેક પ્રકારની શિબિરનું આયોજન કરે છે. તેની યુવા પાંખનું નામ છે બજરંગ દળ. વિશ્વ હિન્દુ પરિષદની મહિલા પાંખનું નામ છે દુર્ગાવાહિની. તેની સ્થાપના ૧૯૯૧માં સાધ્વી ઋતંભરાએ કરી હતી. તેનો ઉદ્દેશ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યો માટે મહિલાઓને પ્રેરવી અને મહિલાઓને શારીરિક અને માનસિક રીતે પ્રબળ બનાવવી તેવો છે. તે મહિલાઓને માટે પણ આત્મરક્ષા પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરે છે.

દુર્ગાવાહિનીને સંગઠનની કઈ શ્રેણીમાં મૂકવું જોઈએ, દુર્ગાવાહિની ભારતની મહિલાઓને કેવી રીતે પ્રશિક્ષિત કરે છે અને તેનું લક્ષ્ય શું છે તે પ્રશ્નો પર દસ્તાવેજી ફિલ્મકાર નિશા પાહુજાએ એક ફિલ્મ ‘ધ વર્લ્ડ બિફૉર હર’ બનાવી હતી જેને શ્રેષ્ઠ કેનેડિયન ફીચરનો એવૉર્ડ મળ્યો હતો. સ્વાભાવિક છે કે આ એવૉર્ડ મળે કારણકે નિશા પાહુજાએ એ દૃષ્ટિકોણથી જ ફિલ્મ બનાવી હતી. તેના કહેવા પ્રમાણે, દુર્ગાવાહિનીમાં સ્ત્રીઓનું બ્રેઇન વૉશિંગ થાય છે અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર શીખવાડવામાં આવે છે.

એ હવે કોઈ છૂપી વાત નથી રહી કે ભારતમાં લવ જિહાદ મોટા પાયે ચાલે છે. દુર્ગાવાહિનીની મહિલાઓને જુડો-કરાટે અને હથિયારોની તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવાની સાથોસાથ લવ જિહાદ સામે લડવા પણ શીખવવામાં આવે છે. ગત ૨૩ જાન્યુઆરીએ કર્ણાટકમાં લવ જિહાદ સામે બજરંગ દળ અને દુર્ગાવાહિનીએ અભિયાન પણ શરૂ કર્યું છે. બજરંગ દળમાં ત્રિશૂળ દીક્ષા આપીને ધર્મ યૌદ્ધા તૈયાર કરવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ માને છે કે ત્રિશૂળ એ આત્મવિશ્વાસનું પ્રતીક અને ભગવાન શંકરની શક્તિ છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ સમાચાર હતા કે ઉત્તર પ્રદેશમાં બજરંગ દળના બે લાખ કાર્યકરોને ત્રિશૂળ દીક્ષા અપાઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાંથી હિન્દુઓને ષડયંત્રપૂર્વક ખદેડી દેવામાં આવ્યા તે રીતે ઉત્તર પ્રદેશના કૈરાનામાંથી પણ હિન્દુઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદે ઠરાવ પસાર કરી સ્વતંત્ર ભારતમાં હિન્દુઓને ખદેડવાની ચાલતી પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઠરાવ મુજબ, કાશ્મીરથી લઈને કેરળ સુધી, દરેક જગ્યાએ હિન્દુઓને ખદેડવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. હજારો ગામો અને શહેરોમાંથી હિન્દુઓને બીજે જતા રહેવાની ફરજ પડી રહી છે. આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ ‘પલાયન નહીં, પરાક્રમ’ સૂત્ર પણ આપ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, ઉત્તર પ્રદેશનાં ૨૦૦ સ્થળોએથી હિન્દુઓએ પલાયન કરવું પડ્યું હતું.

પરંતુ એવું નથી કે વિશ્વ હિન્દુ પરિષદ માત્ર વિધર્મીઓ સામે જ લડે છે. હિન્દુ ધર્મની અંદર પ્રવર્તમાન દૂષણો જેવાં કે અસ્પૃશ્યતા સામે પણ તે ઝુંબેશ ચલાવે છે. સમયેસમયે વિહિપે ધર્માચાર્યો અને સાધુસંતોની મદદથી આ દૂષણને વખોડી કાઢ્યું છે. હજુ ગત નવેમ્બરમાં ઉડુપીમાં ધર્મસંસદમાં તમામ જ્ઞાતિના સાધુસંતોએ એક સ્વરે કહ્યું હતું કે અસ્પૃશ્યતા હિન્દુ શાસ્ત્રમાં નથી. હિન્દુ સમાજમાં બધા લોકો એક સમાન જ છે અને બધાની સાથે સમાન વ્યવહાર જ કરવો જોઈએ. આ બેઠકમાં ૩૫થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. માત્ર ઠરાવ કરીને બેસી રહેવાના બદલે વિહિપે એવી યોજના ઘડી હતી કે કથિત સવર્ણ કુટુંબ કથિત દલિત કુટુંબને મિત્ર બનાવશે. વિહિપ સમાજમાં સમરસતા લાવવા માટે બાબાસાહેબ આંબેડકર, મહર્ષિ વાલ્મીકિ, સંત કબીર, નારાયણ ગુરુ, રવિદાસ સહિતના મહાપુરુષોની જન્મજયંતિ પણ ઉજવે છે.

વર્ષ ૨૦૧૫માં વિશ્વ હિન્દુ પરિષદે સૂત્ર આપ્યું હતું: એક કૂવા, મંદિર ઔર સ્મશાન, હિન્દુઓ કી યહી પહચાન. વિહિપ બૌદ્ધ જૈન શીખ અને આદિવાસી પંથને હિંદુ ધર્મનો ભાગ જ માને છે.

વિહિપ વનવાસી વિસ્તારમાં પણ આદિવાસીઓ માટે શાળો ચલાવે છે. આદિવાસીઓ અને દલિતો માટે ૩૯,૦૦૦ કરતાં વધુ પ્રૉજેક્ટ ચાલે છે. વિવિધ કુદરતી આપત્તિઓમાં પણ વિહિપના કાર્યકરો સંઘના સ્વયંસેવકોની જેમ જ ખડેપગે હાજર રહી કામ કરતા હોય છે. ૨૦૧૦માં પ્રવીણભાઈ તોગડિયા દ્વારા હિન્દુ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી જેનો ઉદ્દેશ કોઈ મુશ્કેલીમાં મૂકાયેલા હિન્દુની મદદ કરવાનો છે.

આમ, વિહિપ દ્વારા જે કાર્યો કરાય છે તેનો લાભ સ્વાભાવિક જ ભાજપને મળતો રહ્યો છે. હવે સ્થિતિ અલગ બની છે. પ્રવીણભાઈનું વિહિપમાંથી નીકળી જવું એ સંઘ અને સંલગ્ન સંસ્થાઓના કરોડો લોકો માટે પીડા સમાન બની રહેશે.

Advertisements
gujarat guardian, hindu, religion, sangh parivar

હિન્દુ દંપતીએ દસ બાળકો પેદાં કરવાં જોઈએ?

તાજેતરમાં ધર્મ આધારિત વસતિગણતરીના આંકડા જાહેર થયા. તદ્નુસાર મુસ્લિમોની વસતિમાં ગત દાયકામાં ૨૪ ટકાનો વધારો થયો છે. આ વાતથી હિન્દુઓના કહેવાતા નેતાઓની એ વાતને અનુમોદન મળી ગયું કે જોયું અમે નહોતા કહેતા કે ભવિષ્યમાં મુસ્લિમો બહુમતીમાં આવી જશે અને બહુમતીના જોરે આ દેશ પર ફરી શાસન કરશે. જોકે મુસ્લિમોની વસતિમાં નોંધપાત્ર કરતાં વધુ વધારો થઈ રહ્યો છે એ વાત ખોટી નથી. અમેરિકન થિંક ટેંક પ્યૂ રિસર્ચ સેન્ટર્સના રિલિજિયન એન્ડ પબ્લિક લાઇફ ફોરમના આંકડા એવું કહે છે કે વર્ષ ૨૦૩૦માં મુસ્લિમોની વસતિ ૨.૨ અબજ થઈ જશે. આમ, ૨૦૧૦થી ૨૦૩૦ સુધીમાં વિશ્વના મુસ્લિમોની વસતિમાં ૨૦ ટકાનો વધારો થશે.

એમ કહેવાય છે કે ઇસ્લામ અને ખ્રિસ્તી પંથમાં ગર્ભનિરોધકો વાપરવાની મનાઈ છે. હિન્દુ નેતાઓ વારંવાર આ વાતના આધારે કહે છે કે ભારતમાં મુસ્લિમોનું આક્રમણ ત્રણ રીતે થઈ રહ્યું છે: ૧. કુદરતી વસતિવધારાની રીતે. ૨. ઘૂસણખોરી દ્વારા. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જે ઘૂસણખોરી થઈ રહી છે તેના દ્વારા અને ૩. લવજિહાદની રીતે. આ ત્રણેય વાત સાવ નાખી દેવા જેવી નથી. મુસ્લિમોની વસતિ વધી રહી છે તે આંકડા જ કહે છે. તે કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. વળી, રોજબરોજ અનેક રીતે આપણા દેશમાં પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરી રહ્યા છે તે પણ પુરવાર થયેલું છે અને સર્વોચ્ચ ન્યાયાલયે પણ તેની નોંધ લીધેલી છે. આ જ રીતે લવ જિહાદના મામલા પણ કોર્ટમાં પહોંચેલા છે. આ વાતોના આધારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ વગેરે હિન્દુ દંપતીઓને બેથી વધુ બાળકો કરવાની સલાહ આપે છે. બદરીકાશ્રમના શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીએ તો ત્યાં સુધી કહી દીધું કે હિન્દુ દંપતીએ ૧૦ બાળકો પેદા કરવા જોઈએ.

પત્રકારોએ આવા મત ધરાવનારાને પ્રશ્ન કર્યા કે આટલાં બાળકોનો ઉછેર કઈ રીતે કરવો? તો (મોટા ભાગે) સાક્ષી મહારાજે એવું કહ્યું કે એક બાળકને સંન્યાસી બનાવો, એક બાળકને સરહદ પર લડવા મોકલો, એક બાળકને વૈજ્ઞાનિક બનાવો. એક તમારા વેપારને સંભાળશે. આની સામે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સીસે કહ્યું કે એ વાત સાચી કે કૃત્રિમ ગર્ભનિરોધકો ન વાપરવા જોઈએ, પરંતુ સસલાની જેમ બાળકો પેદાં કરવા ન જોઈએ.

ચાલો, આ કહેવાતા હિન્દુ નેતાઓની વાત માની લઈને હિન્દુ દંપતીઓ બેથી વધુ બાળકો પેદા કરે છે. હવે આ બેથી વધુ બાળકો પેદા કરવાનું કેમ આ સમયમાં શક્ય નથી તે સમજીએ. સૌ પ્રથમ તો મોંઘવારી અત્યંત નડે છે. બાળકના જન્મનો જ ખર્ચ કેટલો બધો છે! બીજું, તે પછી તેના ઉછેરનો, તેના ભરણપોષણ અને તેના શિક્ષણનો કેટલો ખર્ચ થાય. લગ્નનો ખર્ચો તો લાખોમાં ચાલ્યો જાય. વળી સુપાતર હોય તો વાંધો નહીં પણ કપાતર (કુપાત્ર) હોય તો લગ્ન પછી પણ નિભાવવો પડે. (આપણે ત્યાં ઘણા એવા આરામપસંદ છોકરાઓ હોય જ છે.) આ હિન્દુ નેતા પ્રસૂતિની કેટલી વેદના થાય છે તે જાણતા હશે કે કેમ. દર પ્રસૂતિમાં અકલ્પનીય વેદના થાય. સુવાવડી માતાના જન્મનો દર પણ ઓછો નથી. આ ઉપરાંત હવે હિન્દુ છોકરા અને છોકરી બંનેનાં લગ્ન મોટી ઉંમરે થવા લાગ્યા છે. તંદુરસ્ત બાળકોને જન્મ આપવાની ઉંમર ૨૦થી ૩૫ની હોય છે. અત્યારે તો સંતાનવિહોણા દંપતીઓની સંખ્યા પણ ઘણી વધવા લાગી છે, કારણકે ફળદ્રુપ શુક્રાણુઓની સંખ્યા હવે પુરુષોમાં ઘટવા લાગી છે.

કેટલાં બાળકોને જન્મ આપવો એ દંપતીનો અંગત નિર્ણય છે. તેમાં પતિનાં માતાપિતા પણ માથું ન મારી શકે, હા, સલાહસૂચન કરી શકે, પણ ઈચ્છા ન લાદી શકે. વળી, આજકાલ વિભક્ત કુટુંબોની સંખ્યા વધી રહી છે. એકનો એક દીકરો હોય તોય પરણ્યા પછી માતાપિતાથી અલગ રહેતો હોવાના કિસ્સા વધી રહ્યા છે. આવામાં એક કે મહત્ત્મ બે સંતાનોનો ઉછેર માતાપિતા સારી રીતે કરી શકે છે. અને દાદા-દાદી વગર એક કે બે સંતાનોના ઉછેરમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે. બીમારી વખતે કે પોતાની માગણીસર છોકરું સતત રોતું હોય તો તેને છાનું રાખવામાં દમ આવી જાય છે. એમાંય જો પત્ની પણ નોકરી કરતી હોય તો તો બાળકને રમકડાં ઘર કે પ્લેગ્રૂપમાં મૂકવાના જ વારા આવે છે. શું હિન્દુ નેતાઓને પસંદ છે કે હિન્દુ સંતાનો આવી રીતે રમકડાં ઘરમાં ઉછરે?

ખરેખર તો પહેલાં હિન્દુ નેતાઓએ એવી જાહેરાત કરવી જોઈએ કે જાવ, તમે પાંચ શું, દસ બાળકો પેદા કરો, અમે બેઠા છીએ. તેમના જન્મથી લઈને તેમના નોકરીધંધા સુધીની આર્થિક જવાબદારી અમે ઉપાડીશું અથવા અમે મદદ કરીશું. મંદિરોમાં આટલી કમાણી થાય છે. હિન્દુ સંગઠનો પણ સારી એવી દક્ષિણા-ફંડ ભેગાં કરે છે. શું તેઓ આર્થિક સહાય આપવા તૈયાર છે?અરે! હુલ્લડોમાં લડવા માટે હિન્દુઓને ઉશ્કેરતા આ હિન્દુ નેતાઓ કેટલીવાર જેલમાં બંધ લોકોને મળવા ગયા? તેમના પરિવારોને આર્થિક મદદ કરી?

એના કરતાં આ હિન્દુ નેતાઓએ સારી ગુણવત્તાવાળાં બાળકો જન્મે અને તેમનામાં સારા સંસ્કાર આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. જન્મતાં વેંત મરી જનારાં બાળકોનો દર પણ ઓછો નથી. એક ગુજરાતી દોહો છે:

જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર

હિન્દુ નેતાઓને મહાભારતની યાદ અપાવવી જરૂરી છે. મહાભારતના યુદ્ધમાં એક તરફ માત્ર પાંચ પાંડવ હતા જ્યારે સામે પક્ષે સો કૌરવો અને તેની પડખે શ્રી કૃષ્ણની અક્ષૌહિણી સેના હતી. તેમ છતાં પાંચ પાંડવોનો વિજય થયો કારણકે તેઓ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. તેમની પડખે ઈશ્વર પોતે હતા.

એક ધાર્મિક કથા આવી જ વાત કરે છે:

મહર્ષિ કશ્યપ, જેમના નામ પરથી કાશ્મીર નામ પડ્યું હોવાનું મનાય છે તેમની બે પત્નીઓ હતી. કદ્રુ અને વિનતા. તેમણે તેમને પોતપોતાના વારસદારો માટે વર માગવા કહ્યું. કદ્રુએ એક હજાર શક્તિશાળી પુત્રો માગ્યા. તેનો વિચાર હતો કે વધારે શક્તિશાળી પુત્રો તેને વિનતા કરતાં વધુ સન્માન અને યશ અપાવી શકશે. વિનતાએ તેજસ્વી અને સુસંસ્કારી એવા બે જ પુત્ર માગ્યા.

કદ્રુને એક હજાર નાગ થયા. થોડા સમય માટે તેનું વર્ચસ્વ પણ રહ્યું. પરંતુ જ્યારે વિનતાના અરુણ અને ગરુડ પ્રગટ થયા તો સંખ્યા પર શ્રેષ્ઠતાનું મહત્ત્વ સ્પષ્ટ થઈ ગયું. અરુણ સૂર્ય ભગવાનના સારથિ બન્યા અને ગરુડ વિષ્ણુ ભગવાનના વાહન બન્યા. તેમણે ચંદ્રલોકમાંથી અમૃતકળશ લાવીને કદ્રુના બંધનોમાંથી માતા વિનતાને મુક્ત કરાવી. નાગ તેમના ભયથી થરથર કાંપતા રહ્યા.

જોકે ઉપરોક્ત વાતનો અર્થ એવો નથી કે પારસીઓની જેમ સાવ વસતિ ઓછી થવા આવે, નાબૂદ થવાનો ભય ઉત્પન્ન થાય અને જેમ પારસીઓ માટે ‘જીઓ પારસી’ નામની યોજના લાગુ કરવાનો વારો આવ્યો તેવું હિન્દુઓ માટે અથવા તો કોઈ પણ પંથના લોકો માટે કરવું પડે. જોકે, આપણે બેલેન્સ અથવા વસતિસંતુલનનું વિચારીએ છીએ પણ એ આપણા હાથમાં છે જ નહીં. અંતે તો આ કામ કુદરત જ કરતી હોય છે. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ પણ જે વધુ શક્તિશાળી હોય છે તે ટકી શકે છે- જીવી શકે છે. આમ, સંતાનો શક્તિશાળી થાય તે જોવું રહ્યું. અને સાથે સંસ્કારી પણ કારણકે સંસ્કાર વગરના શક્તિશાળી તો દૈત્ય બની જતા હોય છે. આમ, હિન્દુ હિતોના કહેવાતા રક્ષકો અને સાધુઓએ ખરેખર તો સંસ્કાર સિંચનનું કામ જ ચાલુ રાખવાની વધુ જરૂર હોય તેમ લાગે છે.

હવે મુસ્લિમોની વસતિવૃદ્ધિનો એક પક્ષ પણ જોઈ લઈએ. વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧માં મુસ્લિમોની વસતિ ૨૪ ટકાના દરે વધી તે સ્વીકાર્ય છે, પરંતુ તેનો બીજો પક્ષ એ છે કે અગાઉના દાયકા કરતાં આ દર ઓછો છે. ૧૯૯૧થી ૨૦૦૧ના દાયકામાં આ દર ૨૯ ટકા હતો.

તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે વર્ષ ૨૦૦૫માં એક સમિતિ નિમી હતી સાચર સમિતિ. તેણે ભારતના મુસ્લિમોની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્થિતિ પર અહેવાલ તૈયાર કરવાનો હતો. આ સમિતિના તારણ મુજબ, મુસ્લિમોની વસતિનો દર ઘટ્યો છે અને ભવિષ્યમાં તે વધુ ઘટશે. હવે મુસ્લિમો પણ ગર્ભનિયંત્રણના ઉપાયો વિશે વિચારતા થયા છે. ૨ કરોડ મુસ્લિમો હવે આધુનિક ગર્ભનિરોધકો વાપરવા લાગ્યા છે. મુસ્લિમ વિદ્વાનો એકમતે માને છે કે ઈસ્લામ કુટુંબ નિયોજનની વિરુદ્ધ નથી. જ્યાં શિક્ષણનો દર વધુ છે તેવા કેરળ અને તમિલનાડુમાં મુસ્લિમોનો વસતિદર ઘટી રહ્યો છે. હજુ મુસ્લિમોએ હિન્દુઓની જેમ હમ દો હમારે દો (જોકે હવે તો હિન્દુઓ હમ દો હમારા એક, અથવા કેટલાક તો સિર્ફ હમ દો, હમારા કોઈ નહીંના સૂત્રને અપનાવી રહ્યા છે) સૂત્રને અપનાવ્યું નથી, પરંતુ હવે તેઓ ત્રણથી વધુ બાળકો કરતાં નથી.

ગુવાહાટીના ડિપાર્ટમેન્ટ ઑફ ઇમર્જન્સી મેડિસિન ઍન્ડ ટ્રૉમા સેન્ટરના વડા તેમજ સર્જરીના પ્રાધ્યાપક ડૉ. ઇલિયાસ અલીની વાત માનો તો, આસામના મુસ્લિમોમાં કામ કરતી વખતે તેમનો અનુભવ સાચર સમિતિના ઉપરોક્ત તારણ જેવો જ છે. વસતિવૃદ્ધિનું મૂળ કારણ તો અલ્પ શિક્ષણ તેમજ કુર્આનના ખોટા અર્થઘટનનું જ છે તેમ મુસ્લિમ વિદ્વાનો માને છે. અને હિન્દુઓમાંય ઓછું ભણેલા, ગરીબ પરિવારમાં ત્રણ કે તેથી વધુ બાળકો જોવા મળે જ છે ને.

આમ, વસતિવધારાને અટકાવવા સૌથી વધુ જરૂર સાચા શિક્ષણનાપ્રસારની છે.

(‘ગુજરાત ગાર્ડિયન’ની બુધવારની પૂર્તિમાં ‘વિશેષ’ કૉલમમાં તા.૨૮/૧/૧૫ના રોજ આ લેખ છપાયો)