national, politics, sanjog news, vichar valonun

મમતા જેવું બધાં રાજ્યો કરે તો દેશના ટુકડા થતાં વાર ન લાગે!

 

સબ હેડિંગ: મમતા બેનર્જીએ પત્રકારોના સચિવાલયમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો, પાર્ક સ્ટ્રીટ રેપ પર બનેલી ફિલ્મ ‘તીન કન્યા’ પર પણ પ્રતિબંધ મૂક્યો. મમતા બેનર્જી અને તત્કાલીન કૉંગ્રેસી રાજ્યપાલ એમ. કે. નારાયણનની હાજરીમાં પોલીસ પત્રકારોની પીટાઈ કરતી હતી ત્યારે આ બંને મહાનુભાવો ચૂપચાપ જોતાં હતાં. ડાબેરી યુનિયનોએ હડતાળ પાડી તે વખતે નોકરી પર ન આવનાર પંચાયતના એક કર્મચારીનો કાન તૃણમૂળના ગુંડાઓએ કાપી નાખ્યો હતો!

 

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૭/૦૨/૧૯)

(નોંધઃ ૧૪ ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા પિશાચી હુમલાના સંદર્ભે કદાચ અત્યારે મમતા વિશે વાંચવું ન ગમે, પરંતુ ૧૩મીએ લખાયેલો આ લેખ ધ્યાનપૂર્વક આ વાંચો કેમ કે આ દેશમાં કેટલાક રાજકારણીઓ, પત્રકારો, પ્રાધ્યાપકો, વકીલો, ફિલ્મ કલાકારો આવા ત્રાસવાદી-નક્સલવાદીઓ માટે આડશનું કામ કરતા હોય છે. અંદર રહીને આ ઉધઈ દેશને ફોલી ખાવાનું કામ કરતી હોય છે. ત્યારે બહારના વાતાવરણ પર દોષ દેવો ખોટો છે. બહારથી ઘરનું સમારકામ કરાવવાની સાથે ઘરની ઉધઈને પણ સાફ કરવી એટલી જ જરૂરી છે.)

ગયા અંકે મમતા બેનર્જીના પક્ષના શારદા કૌભાંડની વાત કરી. તેના તાર નક્સલવાદ અને ત્રાસવાદ સાથે કેવી રીતે જોડાયેલા છે અને પહેલી વાર ભારત પર બાંગ્લાદેશે ત્રાસવાદ ફેલાવવાનો આક્ષેપ મમતાના કારણે મૂક્યો તેની વાત તમારા સુધી સેક્યુલર મિડિયાએ પહોંચાડી નથી તેની વાત કરી. ગયા અંકનો લેખ ન વાંચ્યો હોય તો વાંચી લેજો. આ વખતે મમતા બેનર્જીના ગુંડારાજ અને જાણે અલગ દેશ ચલાવતા હોય તેવું તેમનું શાસન પર વાંચો.

મમતા બેનર્જી લડાકુ સ્વભાવનાં, તેજતર્રાર નેત્રી (નેતાનું સ્ત્રીલિંગ) છે, તેમણે સામ્યવાદીઓના ગઢને જે રીતે ધરાશાયી કર્યો તે પ્રશંસનીય છે પરંતુ ગયાં આઠ વર્ષોમાં તેમણે સામ્યવાદીઓને પણ સારા કહેવડાવે તેવું અત્યાચારી શાસન કર્યું છે. રાજકીય પક્ષો, સેક્યુલર મિડિયાના પત્રકારો અને બુદ્ધુજીવીઓ જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં કે દિલ્લી ખાતે હિટલરશાહી શાસન કહે ત્યારે તેઓ આપણી સમક્ષ હકીકતો મૂક્યા વગર અથવા તો તેનાથી વિરુદ્ધ માત્ર મોદી વિરોધી વાતો કરીને જ પોતાની દલીલો કરતા હોય છે.

ગયા અઠવાડિયે ગુજરાતમાં એક ઇનચાર્જ પ્રિન્સિપાલે ભારત તેરે ટુકડે ગેંગના કનૈયાકુમારના સમર્થક અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કૉલેજના વાર્ષિકોત્સવમાં આમંત્રણ આપ્યું જેની પાછળ તે કાર્યક્રમ રદ્દ થશે તેવી ગણતરી હતી જ. કાર્યક્રમ રદ્દ પણ થયો. નિવૃત્તિના આરે આવેલા આ પ્રિન્સિપાલે પછી દેકારો મચાવ્યો. લિબરલ ઇકો સિસ્ટમના કારણે સમગ્ર દેશમાં આ મુદ્દો ચગ્યો. મોદીના અને ભાજપના ગુજરાતમાં વિરોધી અવાજને દબાવવાની કોશિશ…અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ…

આ ઇનચાર્જ પ્રિન્સિપાલ અગાઉ પણ પોતાના અનેક કાર્યક્રમો અને ટીવી ડિબેટમાં મોદીનો વિરોધ કરતા રહ્યા છે અને તેમાં કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ આ જ ઇનચાર્જ પ્રિન્સિપાલ પશ્ચિમ બંગાળમાં હોત તો તેમને ખબર પડત કે ત્યાં શું હાલ થાય છે. પ.બંગાળમાં પ્રાધ્યાપક અમ્બિકેશ મહાપાત્રની ધરપકડ કરવામાં આવી હતી. કારણ? તેમણે મમતા વિરોધી કાર્ટૂનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. મમતાએ દાવો કર્યો કે આ ગુનો છે અને આવાં કાવતરાંઓને સાંખી લેવામાં નહીં આવે.

મમતાએ રાજ્ય સરકાર સંચાલિત શાળાઓ અને કૉલેજોના શિક્ષકો-પ્રાધ્યાપકોને મિડિયા સાથે સીધી વાત કરવા પર પણ પ્રતિબંધ મૂકવા પ્રસ્તાવ કર્યો છે જેના લીધે શિક્ષકો અને પ્રાધ્યાપકોમાં રોષ વ્યાપ્યો છે. આમ છતાં, તૃણમૂળ સાથે જોડાયેલા પ્રાધ્યાપકોના સંગઠને સ્વમાન ગિરવે મૂકીને ગત પંચાયતની ચૂંટણી પહેલાં તૃણમૂળ માટે પ્રચાર કર્યો હતો!

મમતા બેનર્જીએ સત્તામાં આવ્યાનાં ત્રણ વર્ષની અંદર જ પહેલાં મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં પત્રકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો અને તે પછી બીજો આદેશ બહાર પાડ્યો કે ૧૪ માળના સચિવાલયમાં પત્રકારો માત્ર પહેલે માળે જ જઈ શકશે. જો તેનાથી ઉપરના માળે જવું હોય તો અન્ય મુલાકાતીઓની જેમ જ પત્રકારોએ મુલાકાતી પત્ર લઈ જવો પડશે. અગાઉ સામ્યવાદીઓનું શાસન મિડિયાને જુદી રીતે પ્રતિબંધિત કરતું હતું પરંતુ તેમાં ઓછામાં ઓછું, એક્રેડિટેડ પત્રકારોને સચિવાલયમાં ગમે ત્યાં જવાની છૂટ તો હતી.

અને જ્યારે કૉંગ્રેસના એમ. કે. નારાયણન, જે એક સમયે યુપીએ સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેવા ઉચ્ચ પદે હતા, તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બન્યા ત્યારે તેમના અને મમતા બેનર્જીનાં નાક નીચે પોલીસે પત્રકારોને માર્યા હતા. નાક નીચે એટલે રીતસર નાક નીચે. બંને હાજર હતાં ત્યારે આ ઘટના બની હતી. પત્રકારોનો વાંક શું હતો? મમતા બેનર્જી અને એમ. કે. નારાયણની સાથે સચિવાલય જઈ રહ્યાં હતાં ત્યારે મમતા બેનર્જી તસવીર ખેંચાવવા ઊભાં રહ્યાં. તસવીરકારો નજીક જવા લાગ્યા એટલે પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો. જ્યારે આ આખો બનાવ બની રહ્યો હતો, પત્રકારો અને તસવીરકારો પીટાઈ રહ્યા હતા ત્યારે હાવડા પોલીસ કમિશનર અજય રાનડે મૂક તમાશો જોઈ રહ્યાં હતાં. તેઓ કરે પણ શું? જ્યારે સ્વયં મુખ્યપ્રધાન અને તેમનાથી પણ ઉપર એવા રાજ્યપાલ મૂક તમાશો જોઈ રહ્યા હોય. બાંગ્લાદેશી સમાચારપત્ર ‘પ્રથમ આલો’ના ભાસ્કર મુખર્જીને તો માથામાં ઈજા થઈ. બંગાળી દૈનિક ‘બાર્તામાન’ના રાજુ ચક્રવર્તીને ઢસડીને લઈ જવામાં આવ્યો અને ઢોરમાર પડ્યો તે તો અલગ.

આવા પત્રકારોને માર પડવાના તો કેટલાય બનાવો છે. બે વર્ષ પહેલાં ૨૧ મેએ પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ (એમ)ની રેલી હતી. તે વખતે પણ પોલીસનાં ભાઠાં પત્રકારોએ ખાવાં પડ્યાં હતાં. આડકતરો સંદેશ? અમારા વિરોધીઓની રેલી પણ પત્રકારોએ કવર કરવી નહીં.

વર્ષ ૨૦૧૫માં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી હતી. તેમાં બિધાનનગર મહાનગરપાલિકા નિગમના વિસ્તારમાં પત્રકારોને માર મરાયો, ગાળો દેવાઈ અને ધક્કા મારીને બૂથમાંથી બહાર કઢાયા હતા. એક હુમલાખોરે બંગાળીમાં કહેલું, “એખોન છોબી ટૂલ્ટે એશેચીશ? છૌત્રીસ બોચોર ઢોરે દેખતે પશ્ની? (અર્થાત્ તમે હવે તસવીરો ખેંચી રહ્યા છો. છેલ્લાં ૩૪ વર્ષમાં શું થઈ રહ્યું હતું તે તમને દેખાતું નહોતું?)

જે ‘ટેલિગ્રાફ’ છાપું સ્મૃતિ ઈરાની માટે ‘આંટી નેશનલ’ કે વચગાળાના બજેટને લાંચ ગણાવતું હેડિંગ ‘ઇન્ટરિમ = ડેલાઇટ બ્રાઇબરી’ (અર્થાત્ ધોળા દિવસની લાંચ) આપે અને સેક્યુલર મિડિયાના શિખાઉ પત્રકારો તેની ક્રિએટિવિટી માટે અહોભાવ ધરાવે તે ‘ટેલિગ્રાફ ઇન્ડિયા’ના સંજય ચેટર્જીને પણ વૉર્ડ નંબર ૩૩માં માર મરાયો હતો, પરંતુ ટેલિગ્રાફના માલિકોને એની સામે કોઈ વાંધો નહીં હોય. આ ચૂંટણીઓમાં કુલ વીસ પત્રકારોને માર મરાયો હતો. પરંતુ ‘આજતક’ કે ‘એબીપી’માંથી કોઈ એક તરફી એજન્ડા ચલાવતું હોય કે જેના શૉની ટીઆરપી ન આવતી હોય તેને નોકરીમાંથી જવું પડે તે માટે નરેન્દ્ર મોદીને કે રામદેવ બાબાને જવાબદાર ગણાવે તો તેના પક્ષમાં ઊભા રહેનારા પત્રકારોએ ક્યારેય પશ્ચિમ બંગાળના પોતાના બંધુઓની વેદના જાણી છે ખરી? રાજકીય પક્ષો તો પોતાનું હિત સાધવાના, પણ પત્રકારો કેમ કોઈ પક્ષના હાથા બની જાય છે? અને આવી પશ્ચિમ બંગાળની અસંખ્ય ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે?

મમતાએ સરકાર સંચાલિત કે સહાયવાળાં પુસ્તકાલયોમાં તમામ અંગ્રેજી અને મોટું સર્ક્યુલેશન ધરાવતા બંગાળી દૈનિકો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અખબારોમાં ‘ટેલિગ્રાફ’નો સ્વાભાવિક જ સમાવેશ થતો નહોતો! જોકે વિરોધ થતાં તેમણે ફેરવી તોળ્યું હતું. સેક્યુલરોની ચેમ્પિયન પત્રકાર સાગરિકા ઘોષ સંચાલિત એક ટીવી શૉમાં એક વિદ્યાર્થિનીએ મમતાને જરા ખૂંચે તેવો સવાલ પૂછ્યો ત્યારે મમતાએ તેને સીપીએમની કેડર ગણાવી જવાબ આપવા ઈનકાર કરી દીધો હતો. મમતા આ સવાલથી એટલાં ગુસ્સે થઈ ગયાં કે તેમણે માઇક કાઢી ચાલુ શૉએ ચાલતી પકડી હતી. મમતા બેનર્જીના રાજ્યમાં પાર્ક સ્ટ્રીટ નામે જાણીતો બળાત્કારનો અપરાધ બને ત્યારે તેના પરથી બનેલી બંગાળી ફિલ્મ ‘તીન કન્યા’ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. પરંતુ આ સમાચારો તમારા સુધી ‘અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના હિમાયતી’ લિબરલો-સેક્યુલરો પહોંચાડતા નથી અને તેમની તેના પર ટીવી ડિબેટો કરવાની વાત તો ઘરે જ ગઈ.

‘પોરિબર્તન’ના સૂત્ર સાથે ચૂંટણીમાં ઝંપલાવનારાં મમતાએ ખરેખર તો ડાબેરી પક્ષોના ગુંડારાજનું તેનાથીય ભૂંડું ‘પુનરાવર્તન’ કર્યું છે. વર્ષ ૨૦૧૮ની જ વાત લો. પંચાયતની ચૂંટણીમાં મમતાના પક્ષના ૩૪ ટકા ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા. આનું કારણ એ હતું કે તૃણમૂળના કાર્યકર્તા કમ ગુંડાઓ હિંસા આચરીને વિરોધી પક્ષોના ઉમેદવારોને નામાંકનપત્રો ભરવા નહોતા દેતા. આથી પ્રથમ વાર પશ્ચિમ બંગાળના ઉચ્ચ ન્યાયાલયે આદેશ આપવો પડ્યો કે નવ ઉમેદવારોના નામાંકનપત્રો વૉટ્સએપથી સ્વીકારવા. વિરોધી પક્ષોના કાર્યકરોની હત્યા મોટા પાયે થાય છે, જે ખરેખર તો સામ્યવાદી શાસન, ચાહે તે બંગાળ હોય કે કેરળ કે ત્રિપુરાની ખાસિયત હતી, પરંતુ મમતાએ તેને સુપેરે અપનાવી લીધું છે. પરંતુ હત્યાથી આગળ વધીને ગત ૩ જાન્યુઆરીના રોજ એક અપરાધ નોંધાયો જેમાં ભાજપના કાર્યકરની પત્ની પર ચાર જણાએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો!

પરંતુ મમતાના પક્ષના ગુંડાઓ સરકારી કર્મચારીઓને પણ છોડતા નથી! વર્ષ ૨૦૧૩માં ડાબેરી સંઘોએ (ટ્રેડ યુનિયન) હડતાળ પાડી હતી. તે વખતે નોકરી પર ન આવનાર પંચાયતના એક કર્મચારીનો કાન તૃણમૂલના ગુંડાઓએ કાપી નાખ્યો હતો! તૃણમૂલના નેતા અને પૂર્વ અભિનેતા તાપસ પોલ તો કેમેરા સામે તૃણમૂલના કાર્યકરોને એવું કહેતા પકડાયા હતા કે વિપક્ષોના લોકોની હત્યા કરો અને તેમના પરિવારની સ્ત્રીઓ પર બળાત્કાર કરો! શું આ વાત તમારા સુધી સેક્યુલર મિડિયાએ પહોંચાડી?

અને ભાજપની રથયાત્રા હોય કે ભાજપના નેતાઓ અમિત શાહ, યોગી આદિત્યનાથના હેલિકૉપ્ટરને ઉતરવા મંજૂરી ન આપવી તે શું બતાવે છે? સામાન્ય રીતે રાજકીય મોટા પક્ષોના નેતાઓ સાથે આવું કોઈ કરતું નથી. ક્યારેય તમે વાંચ્યું કે સાંભળ્યું કે સોનિયાની રેલી માટે તેમના હેલિકૉપ્ટરને ઉતરવા મંજૂરી ન અપાઈ હોય કે પછી નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરને કૉંગ્રેસે ઉતરવા ન દીધું હોય? આ જ મમતા પાછાં અખિલેશ યાદવને પ્રયાગરાજની યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં જતા રોકવામાં આવ્યા ત્યારે ભાજપ સરકારની કયા મોઢે ટીકા કરતાં હશે?

આ તો રાજકીય પક્ષોની તકલીફની વાત થઈ અને તેમાં સામાન્ય જનતાને કોઈ લેવાદેવા હોતી નથી કારણકે બધા એક યા બીજી રીતે વિરોધી પક્ષોને દબાવવાનો પ્રયત્ન કરતા જ હોય છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં સામાન્ય જનતાને કેટલી હેરાનગતિ છે તેનું સ્ટિંગ ઑપરેશન આવ્યું ત્યારે ખબર પડી પરંતુ સેક્યુલર મિડિયાએ તેને ખાસ મહત્ત્વ આપ્યું જ નહીં. આ ઑપરેશન મુજબ, તૃણમૂળના નેતાઓ, સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની સિન્ડિકેટ ચાલે છે. આ સિન્ડિકેટ જ જમીનના ખરીદવેચાણ, બાંધકામની સામગ્રી વગેરે પર અંકુશ ધરાવે છે, એટલું જ નહીં વેપારીઓને ફરજ પાડે છે કે તેઓ તેમના કાર્યકરોને નોકરીએ રાખે. આ સિન્ડિકેટ રિયલ એસ્ટેટથી લઈને દુર્ગા પૂજા સુધી ફેલાયેલી છે. અને હા, પ. બંગાળનાં કેટલાંક સ્થાનો પર તો મુસ્લિમોના વિરોધના કારણે દુર્ગા પૂજા થવા નથી દેતી. મમતાએ મોહર્રમ પર દુર્ગા માતાની મૂર્તિના વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો ત્યારે પશ્ચિમ બંગાળની હાઇ કૉર્ટે આ પ્રતિબંધ ઉઠાવતો આદેશ આપેલો, મમતાએ કૉર્ટના આદેશને પણ ઘોળીને પી જતાં કહેલું કહેલું કે ‘મારું ગળું કાપી નાખો, પણ કોઈ મને કહી ન શકે કે મારે શું કરવું છે?’ આ તો એવી જ વાત થઈ કે રાફેલ પર સુપ્રીમ કૉર્ટે ચુકાદો આપ્યો છતાં રાહુલ ગાંધી તેને માનવા ઈનકાર કરે; તાજેતરમાં એક સ્ટિંગ ઑપરેશનમાં રામજન્મભૂમિના કેસમાં મુસ્લિમ પક્ષકારોએ અને હિન્દુ પક્ષકારોએ પણ જો ચુકાદો તેમની વિરુદ્ધ આવે તો કૉર્ટનો ચુકાદો માનવા ઈનકાર કરે.

આ તો ઠીક, પરંતુ પશ્ચિમ બંગાળ એક અલગ દેશ હોય તેમ, જ્યારે બાંગ્લાદેશે પશ્ચિમ બંગાળના સાંસદ અને સિમીના સ્થાપક અહેમદ હસન ઈમરાન દ્વારા શારદાના પૈસા બાંગ્લાદેશના ત્રાસવાદી કટ્ટર સંગઠન જમાત-એ-ઇસ્લામીને પહોંચાડ્યા જેણે બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિતના લોકો પર ત્રાસવાદ ફેલાવ્યો, અને તેનો વિરોધ બાંગ્લાદેશે એનએસએ અજિત દોવાલ સમક્ષ કર્યો ત્યારે મમતાએ બાંગ્લાદેશના અહીંના ઉપ ઉચ્ચાયુક્તને બોલાવીને ખખડાવ્યા હતા!

રાજ્ય સરકાર કેન્દ્રમાં વિરોધી પક્ષની સરકાર હોય ત્યારે વિરોધ કરે તે સ્વાભાવિક છે, પરંતુ મમતાએ તો અલગ દેશની જેમ પશ્ચિમ બંગાળમાં આર્થિક પછાત વર્ગને ૧૦ ટકા અનામત હોય કે આયુષમાન ભારતની યોજના, તેના અમલ કરવાની ના પાડી દીધી છે! તમારી રાજનીતિમાં ગરીબોને આ યોજનાનો લાભ લેતા શા માટે રોકો છો? સીબીઆઈનો ઉપયોગ-દુરુપયોગ દરેક સત્તાધારી પક્ષ કરે છે, પરંતુ મમતાએ અને ચંદ્રાબાબુ નાયડુ તેમજ છત્તીસગઢમાં આવેલી નવી કૉંગ્રેસ સરકારે પોતાનાં રાજ્યોમાં સીબીઆઈના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં ગઈ ત્યારે તેના અધિકારીઓની ધરપકડ કરીને જાણે ગુનેગારોને લઈ જતા હોય તેમ ત્યાંની પોલીસ લઈ ગઈ હતી તે સમગ્ર દેશે ટીવી પર લાઇવ જોયું છે. આ તો ઠીક, મમતાએ બીએસએફ, સીઆરપીએફ સહિતના સશસ્ત્ર દળોને પશ્ચિમ બંગાળમાં મોદી સરકારના આદેશો ન માનવા જોઈએ તેમ અપીલ કરી એક રીતે દેશ સામે સશસ્ત્ર બળવાને ઉત્તેજન આપ્યું હતું.

ન કરે નારાયણ, પરંતુ જો મમતાની જેમ બધા વિપક્ષી રાજ્યો આવું કરવા લાગે તો દેશના ટુકડા થતાં વાર લાગે?

Advertisements
national, sanjog news, vichar valonun

શારદા કૌભાંડ સાથે નક્સલ અને ત્રાસવાદના તંતુ પણ જોડાયેલા છે!

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૧૦/૨/૧૯)

આજકાલ મમતા બેનર્જી સેક્યુલર મિડિયા માટે હિરોઇન થઈ ગયાં છે! વર્ષ ૨૦૧૪માં કૉંગ્રેસ તેનાં કૌભાંડોના કારણે લગભગ હારી ચૂકી હતી. સેક્યુલર મિડિયા પણ આ વાત જાણતું હતું. મુખ્ય લડાઈ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની હતી. પરંતુ સેક્યુલર મિડિયાને ખબર હતી કે રાહુલ ગાંધી (તે વખતે)માં દમ નથી. અચાનક અરવિંદ કેજરીવાલને આ સેક્યુલર મિડિયાએ એટલી હાઇપ આપી અને કેજરીવાલને પણ તેમના આશુતોષ, આશીષ ખૈતાન સહિતના પત્રકાર દોસ્તોએ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવવા ચગાવ્યા, તેથી કેજરીવાલ સોનિયા-રાહુલના બદલે મોદી પાછળ પડી ગયા. મિડિયાએ કૉંગ્રેસનાં પાપોને ભૂલાવવા રાતોરાત ચિત્ર બદલી નાખ્યું! નરેન્દ્ર મોદી વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની હરીફાઈ બતાવી દીધી કારણકે અરવિંદ કેજરીવાલ પ્રમાણિક છબી (તે સમયે) ધરાવતા હતા.

વર્ષ ૨૦૧૯માં પણ આવી જ સ્થિતિ થઈ. મિડિયાને નાછુટકે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ બતાવવી પડી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને કર્ણાટકમાં કૉંગ્રેસને પછડાટ છતાં આ સેક્યુલર મિડિયાએ રાહુલ ગાંધીની નૈતિક જીત ગણાવી! પરંતુ રાહુલનો જાદુ નહીં ચાલે તેમ લાગતા (અને રાહુલજીને પણ આ વાતની ખબર પડતાં) પ્રિયંકા ગાંધી વાડ્રાને મેદાનમાં ઉતારાયાં. મિડિયા માટે પ્રિયંકા હિરોઇન બની ગયાં! તમામ સમાચારપત્રો અને સામયિકોએ પાનાંનાં પાનાં ભરીને છાપ્યું. પ્રિયંકાનું નાક દાદી ઈન્દિરા ગાંધી સાથે મળે છે ને સ્મિત મળે છે. આ બધી ક્ષુલ્લક વાતોની મહાન (!) ગાથા છાપી. હવે સેક્યુલર મિડિયા મોદી વિરુદ્ધ પ્રિયંકાનું ચિત્ર ઉપસાવવાની તૈયારીમાં જ હતું ત્યાં તેમાં મમતા બેનર્જીએ ફાચર મારી. અને ફાચર મારી તે એવી મારી કે રાતોરાત સેક્યુલર મિડિયાને તેઓ વડાં પ્રધાનની ખુરશીએ બિરાજેલા દેખાવા લાગ્યાં.

મમતા બેનર્જીએ જે કર્યું તેને મમતા વિરુદ્ધ મોદી અને સીબીઆઈ વિરુદ્ધ પોલીસની લડાઈ બતાવી. હદ તો ત્યારે થઈ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્દેશ આવ્યો ત્યારે પણ આ બદમાશ સેક્યુલર મિડિયાએ તેનું અર્થઘટન નરો વા કુંજરો વા જેવું કર્યું. સુપ્રીમે જો એમ કહ્યું હોત કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તેમ મોદી સરકારની વાત સાચી છે તો પણ સેક્યુલર મિડિયા દર્શાવત કે સુપ્રીમે સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેમ કહી નરો વા કુંજરો વા કર્યું છે. આમેય આ સેક્યુલર મિડિયા તમને ક્યારેય ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરે રાજ્યો સિવાયનાં રાજ્યોની વાત કરતું નથી. કેરળ, પશ્ચિમ બંગાળ, આસામ, પંજાબમાં શું બને છે તેના સમાચારો તમારા સુધી પહોંચાડતું નથી. પંજાબમાં ડ્રગ્ઝના વિરોધમાં ચૂંટાઈ આવેલી કૉંગ્રેસ સરકારમાં ૩૦ દિવસમાં ૪૨ મૃત્યુ થાય કે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ શાસનને હજુ એક વર્ષ પણ નથી થયું ત્યાં તેમના શાસનમાં ૩૭૭ ખેડૂતોનાં મૃત્યુ થયાં છે કે કર્ણાટકના મુખ્ય પ્રધાન કુમારસ્વામી ફૉન પર આદેશ કરે કે તેમના પક્ષના કાર્યકરની હત્યા જેણે કરી છે તેનું એન્કાઉન્ટર થઈ જવું જોઈએ તે તમારા સુધી પહોંચતું નથી.

મમતા બેનર્જીએ સીબીઆઈની તપાસમાં જે કર્યું તે રીતસર સશસ્ત્ર બળવાને ઉશ્કેરવાનું કામ જ હતું. શારદા ગ્રૂપનું કૌભાંડ જેના આધારે તૃણમૂલ પક્ષનું મોટા ભાગનું ફંડિંગ થતું હતું તેનો ચૅરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુદીપ્તો સેન, જેને સુદીપ્તા સેન પણ કહે છે, પ.બંગાળની નક્સલ ચળવળનો હિસ્સો હતો. મમતા બેનર્જી ભલે સીપીઆઈ કે સીપીઆઈ (એમ) પક્ષમાં ન હોય, પરંતુ બંગાળમાં રહીને ડાબેરીઓ સામે લડતાંલડતાં તેમણે પણ સામ્યવાદી વિચારધારા જ અપનાવી લીધી છે. આ કેસમાં તૃણમૂળના સાંસદો કુણાલ ઘોષ અને શ્રીંજય બૉઝ તથા મમતા સરકારના રમત અને પરિવહન પ્રધાન મદન મિત્રાની ધરપકડ થઈ છે.

શારદા ગ્રૂપના સુદીપ્તો સેને તમામ જગ્યાએ તૃણમૂળને જ આગળ વધારવાનું કામ કર્યું હતું. તેણે જે પૈસા આવ્યા તેમાંથી બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં રોકાણ કર્યું અને તૃણમૂળનાં સાંસદ તેમજ અભિનેત્રી શતાબ્દિ રોયને પોતાનાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં. હિન્દી ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી જે તૃણમૂળના રાજ્યસભામાં સાંસદ છે તેમને પણ મિડિયા પ્લેટફૉર્મના સાંસદ બનાવ્યા. (મિથુન પ્રત્યે, તેમના અભિનય-વ્યક્તિત્વ પ્રત્યે પૂરતું માન છતાં તેઓ પણ નક્સલ ચળવળમાં પહેલાં સામેલ હતાં તે ન ભૂલવું જોઈએ). આ ગ્રૂપે મિડિયામાં સૌથી મોટું રોકાણ કર્યું. પાંચ ભાષાઓમાં આઠ સમાચારપત્રોની માલિકી તેની પાસે હતી. ૧,૫૦૦ પત્રકારોને તે કમાણી આપતું હતું. બે બંગાળી સમાચાર ચેનલ અને બે બંગાળી મનોરંજન ચેનલ, એક પંજાબી ચેનલ, એક એફ.એમ. રેડિયો સ્ટેશન સહિત જંગી મિડિયા તેણે બનાવી લીધું હતું. શું આ યોજના-કવાયત મમતા બેનર્જીને વડાં પ્રધાન પદના ઉમેદવાર બનાવવા તરફની હતી? પ્રશ્ન તો ઊઠે છે.

બીજો આકરો પ્રશ્ન જે કદાચ સેક્યુલર મિડિયાએ વાતને મોદી વિરુદ્ધ મમતા શીર્ષક હેઠળ આડા પાટે ફંટાવી દીધી તેમાં છૂટી ગયો તે એ છે કે સપ્ટેમ્બર ૨૦૧૪માં આનંદબજાર પત્રિકા (જે હવે એબીપી તરીકે મોટું મિડિયા છે) તેણે શ્રેણીબદ્ધ લેખો છાપી જણાવ્યું હતું કે તૃણમૂળનો સાંસદ અહેમદ હસન ઈમરાન જે આતંકવાદ માટે પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયાના સ્થાપક પણ છે (!) તેમણે બીજા એક આતંકવાદી સંગઠન- બાંગ્લાદેશના જમાત-એ-ઇસ્લામી મારફતે પૈસા ભારત બહાર મોકલી દીધા છે. જમાત-એ-ઇસ્લામીને આ કામ માટે જે દલાલી મળી તેનો ઉપયોગ તેણે બાંગ્લાદેશમાં ત્રાસવાદી પ્રવૃત્તિ કરવા માટે કર્યો છે (જેમાં ત્યાંના લઘુમતી હિન્દુઓની પણ હત્યા-બળાત્કાર સહિતની પ્રવૃત્તિ આવી ગઈ). આમ, જોવામાં આવે તો શારદા કૌભાંડ કે મમતા-તૃણમૂળ માત્ર આર્થિક કૌભાંડ પૂરતા સીમિત નથી, નક્સલ અને ત્રાસવાદના તાર પણ તેમની સાથે જોડાય છે. શું આ વાત ક્યારેય સેક્યુલર મિડિયાએ તમારી સુધી પહોંચાડી કે સિમીનો સ્થાપક તૃણમૂળના સાંસદ છે? કે પછી મમતાના સાંસદના કારણે ભારત પર ત્રાસવાદના આક્ષેપ લાગ્યા?

ભારત તરફી અને ઉદારવાદી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શૈખ હસીનાએ આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા તો મમતા બેનર્જી જાણે અલગ દેશ ચલાવતા હોય તેમ, તેમણે બાંગ્લાદેશના ઉપ ઉચ્ચાયુક્તને બોલાવી ‘મિડિયામાં ચોક્કસ બાબતો લીક કરવા માટે’ શિષ્ટાચારના ભંગ બદલ વિરોધ નોંધાવ્યો. સ્વાભાવિક જ, જો આપણે પાકિસ્તાન તરફથી ત્રાસવાદની પ્રવૃત્તિ થતી હોય તો પાકિસ્તાનના પ્રધાનને ફરિયાદ કરીએ તો પછી આ ઘટનામાં બાંગ્લાદેશ પીડિત હતું. તેના વિદેશ પ્રધાન અબુલ હસન મહેમૂદ અલીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવાલ સમક્ષ ફરિયાદ કરી કે ત્રાસવાદ માટેના નાણાં ભારત તરફથી મોકલાય છે! બાંગ્લાદેશના માનવ અધિકાર કાર્યકર શહરીયાર કબીરે પણ શારદા ગ્રૂપનાં નાણાં એક ત્રાસવાદી સંગઠન દ્વારા અલ કાયદાને મોકલાતા હોવા બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

શારદા ગ્રૂપે પોતાના સીએસઆર (સામાજિક જવાબદારી) કાર્યક્રમના ભાગરૂપે કોલકાતા પોલીસને પોતે ખરીદેલી ગ્લૉબલ ઑટોમોબાઇલ કંપનીમાંથી મોટરસાઇકલો આપી. (આવા કૌભાંડને ઉઘાડું પાડવા સીબીઆઈ જાય તો પોલીસ પણ કોને સાથ આપે? સીબીઆઈને કે મમતાને?)

હવે આ કેસમાં ભાજપની સરકાર તરીકે સંડોવણી કેટલી છે તે જુઓ. સુદીપ્તોની ધરપકડ થઈ ૨૪ એપ્રિલ ૨૦૧૩એ. ત્યારે કૉંગ્રેસના નેતૃત્વમાં યુપીએનું શાસન હતું. પરંતુ ૨૦૧૨માં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા, ગેસ સિલિન્ડરની સંખ્યા મર્યાદિત કરવી, રિટેલમાં એફડીઆઈને છૂટ વગેરે મુદ્દે કૉંગ્રેસ સાથે ફારગત કરી લીધી હતી. કૉંગ્રેસ સરકારની તો તે વખતે સુપ્રીમ કૉર્ટે સીબીઆઈને પાંજરાનો પોપટ કહી સીબીઆઈના દુરુપયોગ કરવાની આકરી ઝાટકણી કાઢી હતી. ડીએમકેએ ફારગત લીધી તે પછી કરુણાનિધિના પુત્ર સ્ટાલિનને ત્યાં થોડા જ દિવસમાં સીબીઆઈના દરોડા કૉંગ્રેસ (યુપીએ) શાસનમાં પડ્યા જ હતા. ટૂંકમાં, શારદા કૌભાંડ વખતે મમતા યુપીએના હિસ્સા નહોતાં, તેથી આ કાર્યવાહી થઈ. તો તે વખતે સુદીપ્તો સેને સીબીઆઈને પત્ર લખેલો કે તૃણમૂળના સાંસદ કુણાલ ઘોષે જ તેમને ખોટ ખાતાં મિડિયા સાહસોમાં ઝંપલાવવા ફરજ પાડી હતી. ૨૫ એપ્રિલ ૨૦૧૩ના રોજ એક જાહેર હિતની અરજીના જવાબમાં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થવી જોઈએ કહેલું. પરંતુ મમતા બેનર્જી સરકારે સુપ્રીમમાં કહેલું કે ના, ના, અમારી વિશેષ તપાસ ટુકડી (સિટ) તો બરાબર જ તપાસ કરી રહી છે, સીબીઆઈની કોઈ જરૂર નથી.

પરંતુ આ કેસ માત્ર પશ્ચિમ બંગાળ પૂરતો સીમિત નહોતો, તેના તાર ઝારખંડ, ઓડિશા અને ત્રિપુરા સાથે પણ જોડાયેલા હતા. અને તે સમયે ઝારખંડમાં યુપીએના હિસ્સેદાર પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાનું શાસન હતું. ઓડિશામાં બીજુ જનતા દળ જે કૉંગ્રેસ અને ભાજપ કોઈનો ટેકેદાર નથી, તેની સરકાર હતી. ત્રિપુરામાં તો ડાબેરીઓનું જ શાસન હતું. તેમણે સીબીઆઈ તપાસની માગણી કરેલી. ૯ મે ૨૦૧૪એ જ્યારે હજુ પણ કૉંગ્રેસના યુપીએનું શાસન હતું ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયે શારદા કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી.

આ બધું કહેવાનો અર્થ એ કે અત્યારે સીબીઆઈ શારદા ચીટ ફંડ કેસમાં તેનું કામ કરે છે ત્યારે આ આખા ઘટનાક્રમને મોદી વિરુદ્ધ મમતાનો બનાવી દેવા પાછળ સેક્યુલર મિડિયાની બદમાશી તમને સમજાય.

ભાજપવાળા હંમેશાં લઘુતાગ્રંથિમાં રાચતા હોય છે. અલબત્ત, ઘણી વાર તેઓ તર્કવિહોણી દલીલ અહંકારવાળા ટૉન સાથે જરૂર કરે. અને એટલે જ જ્યારે સીબીઆઈ પર દબાણની વાત આવે ત્યારે ‘ના, ના, સીબીઆઈ પર કોઈ દબાણ નથી’ તેમ કહે. પરંતુ તેમણે છાતી ઠોકીને કહેવાની જરૂર છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ જે મોટાં મોટાં ભાષણો કર્યાં હતાં તેમાં રોબર્ટ વાડ્રા, લાલુપ્રસાદ યાદવ સહિતના ભ્રષ્ટાચારીઓ સામે જંગ છેડવાની વાત કરી હતી. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ કે ન થવી જોઈએ તેવો જનતાને સવાલ પૂછ્યો હતો અને પોતે સત્તામાં આવશે તો આ બધા જેલ પાછળ હશે તેવા મેસેજ તેમના સમર્થકો મોકલતા હતા ત્યારે હવે જો સીબીઆઈ આ કૌભાંડોમાં કાર્યવાહી ન કરે તો મોદી અને કેજરીવાલ વચ્ચે ફરક શું જેઓ શીલા દીક્ષિત સામે કાર્યવાહીના બણગાં મારીને સત્તામાં બેસી તો ગયા પરંતુ કોઈ કાર્યવાહી કરી નહીં. ઉલટાનું હવે કૉંગ્રેસ સાથે (ચૂંટણી પહેલાં નહીં થાય તો ચૂંટણી પછી) ગઠબંધન કરવાની વેતરણમાં છે.

જોકે અહીં પ્રશ્ન એ પણ છે કે તૃણમૂળમાંથી ભાજપમાં આવી ગયેલા મુકુલ રોય જેમની સામે પણ શારદા કેસમાં આરોપો છે તેમની સામે પણ કેટલી કાર્યવાહી થશે?

મમતા બેનર્જી જો વડાં પ્રધાન બનશે તો તેમના પક્ષના કાર્યકર્તાઓ ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીને સારી કહેવડાવે તેવી કાર્યવાહી કરી શકે. માનો કે વિપક્ષવાળા હડતાલ પાડે અને સરકારી કર્મચારી ન આવે તો તેનો કાન કાપી દઈ શકે! તમને થતું હશે કે આવું હોય? પણ આવું આવું તો પશ્ચિમ બંગાળમાં ઘણું બન્યું છે જેની વાત આવતા અંકે.

(ક્રમશઃ)

politics, sanjog news, vichar valonun

જ્યૉર્જ ફર્નાન્ડિઝ: સાચા અર્થમાં સેક્યુલર રાષ્ટ્રવાદી નેતા

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, દિ.૩/૨/૧૯)

પ્રિયંકા ગાંધી વાડ્રાને માત્ર ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગનો કાર્યભાર સોંપાયો તે માટે જેટલો સમય કે સમાચારપત્રની જગ્યા ફાળવી તેનાથી દસમા ભાગની જગ્યા મોટા કદના નેતા જ્યૉર્જ ફર્નાન્ડિઝના અવસાન સમયે તેમને મળી હશે! આજીવન કૉંગ્રેસ વિરોધી રહેવાનું કદાચ એ પરિણામ હશે? લિબરલ ઇકૉ સિસ્ટમ જાણે.

જી હા, કૉંગ્રેસના નહેરુ-ગાંધી પરિવારના સરમુખત્યાર પ્રકારના શાસન-ભ્રષ્ટાચારના વિરોધમાં નીકળ્યા હતા તો ઘણા નેતાઓ અથવા પક્ષો, ચાહે તે પ્રણવ મુખર્જી હોય, એન.ડી. તિવારી હોય, ચાહે તે સામ્યવાદીઓ હોય, લાલુપ્રસાદ યાદવ હોય, શરદ પવાર હોય, ચંદ્રાબાબુ નાયડુ હોય, મમતા બેનર્જી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે સ્વયં જ્યૉર્જના શિષ્ય નીતીશકુમાર, આ બધાએ એક સમયે સત્તા માટે થઈને કૉંગ્રેસ સાથે હાથ મિલાવી લીધો અથવા હવે હાથ મિલાવવા તલપાપડ છે, પરંતુ ભાજપને બાદ કરો તો જ્યૉર્જ ફર્નાન્ડિઝ અને ઓડિશા પર પંદર વર્ષથી શાસન કરતા મુખ્ય પ્રધાન નવીન પટનાયક બે નેતાઓ અત્યારે યાદ આવે છે જેમણે ક્યારેય કૉંગ્રેસ સાથે જવાનું પસંદ નથી કર્યું!

જ્યોર્જના ખાસ મિત્ર અને ‘જનસત્તા’ના તંત્રી રામબહાદુર રાય લખે છે, “તેઓ નહેરુ-ગાંધી પરિવારના કટ્ટર વિરોધી હતા. તેઓ માનતા કે નહેરુ-ગાંધી પરિવારે રાષ્ટ્રને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને તે પરિવારની સામે તેઓ કોઈની પણ સાથે હાથ મેળવવા તૈયાર હતા.” જોકે આ ‘કોઈની સાથે’માં પણ શરત હતી. રામબહાદુર રાય લખે છે, “તેમને બે અંતિમો વચ્ચે પસંદ કરવાનું હતું. તેઓ સામ્યવાદીઓ સાથે જવા તૈયાર નહોતા. ન તો તેઓ કૉંગ્રેસમાં જવા તૈયાર. આથી તેમણે ભાજપનો સાથ પસંદ કર્યો.”

એ ભાજપ એટલે ભારતીય જનસંઘનો ઉત્તરાર્ધ અવતાર. બાકી પહેલાં તો તેઓ ભારતીય જનસંઘના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કટ્ટર વિરોધી હતા. એટલે સુધી કે પહેલી જે મોરારજી દેસાઈની બિનકૉંગ્રેસી સરકાર બની તેમાં તેમણે વિશ્વાસ મત વખતે જિદ પકડી કે અટલ-અડવાણીએ સંઘના સ્વયંસેવક તરીકે રાજીનામું આપવું જ પડે. પરંતુ અટલ-અડવાણી પણ એટલા વિચારના મક્કમ કે તેમણે સત્તાના ભોગે સ્વયંસેવકત્વ છોડવાનું પસંદ ન કર્યું. સરકાર પડી. અને ફરી કૉંગ્રેસે પડદા પાછળથી ચરણસિંહને ટેકો આપીને સરકાર બનાવી. અંતે ફરી દસ વર્ષ કૉંગ્રેસ સત્તામાં રહી.

કદાચ, જ્યૉર્જને પોતાની ભૂલ સમજાઈ હોય તેમ ૧૯૯૪ની આસપાસ તેમણે ભાજપના પહેલા સાથીદાર તરીકે પોતાના સમતા પક્ષનો ટેકો જાહેર કર્યો. આનું કારણ રાષ્ટ્રીય સ્તરે બિનકૉંગ્રેસી સરકાર બનાવવાનું તો હતું જ પરંતુ સાથેસાથે, એ લાલુપ્રસાદ યાદવની સામ્યવાદીઓના ટેકાથી ચાલી રહેલી ગુંડારાજવાળી સરકારને ઉખાડી ફેંકવાનું કારણ પણ હતું, આ એ જ લાલુપ્રસાદ યાદવ હતા જે ૧૯૮૭ની આસપાસના અરસામાં જ્યારે પણ જ્યૉર્જ પટના વિમાનમથકે આવતા ત્યારે ત્યાં ચાની કીટલી અને કપ સાથે સ્વાગત માટે હાજર રહેતા. તે સમયે જ્યૉર્જ સાથે તમે જોડાવ તો રાજકારણ, સમાજ કે પછી તમારા અંગત વર્તુળમાં તમને માનભેર જોવામાં આવે તેમ મનાતું.

૧૯૯૬માં અટલજીની ૧૩ દિવસ ચાલેલી સરકારમાં સમતા પક્ષ પણ સામેલ હતો અને અટલજીએ રાજીનામું આપ્યું એટલે ૨૦૦૪ની આસપાસ રામવિલાસ પાસવાને અને ચંદ્રાબાબુ નાયડુએ પવન પ્રમાણે સઢ બદલ્યું તેમ જ્યૉર્જે કર્યું નહીં. બે વર્ષ ધીરજ ધરી અને ૧૯૯૮માં જ્યારે અટલજીના નેતૃત્વમાં બીજી બિનકૉંગ્રેસી સરકાર રચાઈ તેમાં સંરક્ષણ પ્રધાન બન્યા. હજુ તો માર્ચ ૧૯૯૮માં અટલ સરકારે શપથ લીધા અને ૧૧મેથી ૧૩ મે ૧૯૯૮ એમ માત્ર બે જ મહિનામાં પોખરણમાં પરમાણુ પરીક્ષણો કર્યાં અને તે પણ અમેરિકાની જાસૂસી સંસ્થા સી.આઈ.એ.ને ગંધ આવ્યા વગર! આ બાબત ‘પરમાણુ: ધ સ્ટૉરી ઑફ પોખરણ’ ફિલ્મ જોઈ હોય તે વધુ સારી રીતે સમજી શકશે. કૉંગ્રેસીઓ જેમને માન નથી આપતા (પરંતુ નાણા પ્રધાન મનમોહનસિંહના ઉદારીકરણ માટે જશ જરૂર ખાટે છે) તેવા દિવંગત વડા પ્રધાન નરસિંહરાવે પણ પરમાણુ પરીક્ષણો કરવા તૈયાર કરેલી પરંતુ સીઆઈએને ગંધ આવી જતાં તેને મોકૂફ રાખવા પડેલાં. અટલ સરકારમાં માત્ર ગણ્યાગાંઠ્યા લોકોને જ આ પરીક્ષણોની જાણ હતી, તેમાંના એક હતા…જ્યૉર્જ.

જ્યૉર્જ આમ તો સમાજવાદી હતા અને એટલે પરમાણુ શસ્ત્રોના વિરોધી હતા પરંતુ ૧૯૯૮માં તેમણે પૂરા અંતઃકરણથી પરમાણુ પરીક્ષણોનું સમર્થન કરેલું. પરમાણુ પરીક્ષણોની સફળ રહ્યાની જાહેરાત થઈ તે વખતની તસવીરમાં કેવો સુયોગ છે! અટલજી હિન્દુ, એ. પી. જે. અબ્દુલ કલામ મુસ્લિમ અને જ્યૉર્જ ખ્રિસ્તી!

જી હા, જ્યૉર્જ ફર્નાન્ડિઝનો જન્મ ૩ જૂન ૧૯૩૦ના રોજ ચુસ્ત કેથોલિક ખ્રિસ્તી પરિવારમાં મેંગ્લુરુ (અગાઉનું મેંગ્લોર)માં થયો હતો. છ ભાંડરડાંમાં સૌથી મોટા જ્યૉર્જ. માતાએ તો નામ બ્રિટનના રાજા જ્યૉર્જ પંચમ પરથી રાખેલું પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પુત્રનું નામ ભલે જ્યૉર્જ પરથી હોય તે થશે પૂરા સ્વદેશી! મેટ્રિક પછી તેમણે અભ્યાસ પડતો મૂકી દીધો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે વાત કરી તે મુજબ, તેમના પિતા જૉન જૉસેફ તો તેમને વકીલ બનાવવા માગતા હતા, પરંતુ તેમને વકીલ બનવું નહોતું. તે પછી તેમને બેંગ્લુરુ (અગાઉનું બેંગ્લોર)માં ખ્રિસ્તી મિશનરીમાં પાદરી બનવા મોકલવામાં આવ્યા, પરંતુ ત્યાં તેમણે જોયું કે સમાનતાની વાત કરતા ચર્ચમાં રેક્ટરને ખૂબ જ સારું ભોજન મળતું હતું અને તાલીમાર્થીઓને ખરાબ. વળી, રેક્ટર ઊંચા ટેબલ પર બેસતાં અને તાલીમાર્થીઓને નીચે બેસવાનું થતું. આમ, સમાજવાદથી પ્રભાવિત થતા પહેલાં જ જ્યૉર્જમાં જન્મજાત જ કદાચ સમાજવાદનો સમાનતાનો સિદ્ધાંત ઇન બિલ્ટ આવ્યો હતો! તેના લીધે તેઓ કોઈ પંથ કે સંપ્રદાયમાં માનવાના બદલે તર્કવાદમાં માનતા થઈ ગયા હતા.

નોકરીની શોધમાં જ્યૉર્જ મુંબઈ આવ્યા. તે વખતે જેમ ઘણા અભિનેતાઓને પણ સંઘર્ષ કરવો પડ્યો તેમ જ્યૉર્જને પણ શેરીઓ પર સૂવું પડ્યું પરંતુ તેમને એક સમાચારપત્રમાં પ્રૂફરીડર તરીકે કામ મળી ગયું. પરંતુ આ તેમનું ગંતવ્યસ્થાન નહોતું. તેઓ પ્લેસિડ ડીમેલો અને રામમનોહર લોહિયા જેવા સમાજવાદી ધૂરંધર નેતાના સંપર્કમાં આવ્યા અને તે પછી તેમણે સમાજવાદી યુનિયન ટ્રેડ મૂવમેન્ટ શરૂ કરી શ્રમિકોના હકો માટે લડ્યા. તે વખતે તેમની લડાઈ કંપનીઓ સામે હતી. તેમને અનેક વખત જેલમાં જવું પડ્યું. તે પછી મુંબઈ મહાનગર પાલિકામાં પણ તેઓ સાત વર્ષ સુધી નગરસેવક રહ્યા. ત્યાંથી સીધી છલાંગ મારી લોકસભા ચૂંટણીમાં.

૧૯૬૭નું એ વર્ષ. કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને તપે. તેમાંય બે દાયકાના અનુભવી, ત્રણ વાર મેયર, ત્રણ વાર સાંસદ અને નહેરુ, શાસ્ત્રી અને ઈન્દિરા પ્રધાનમંડળમાં પ્રધાન રહેલા એસ. કે. પાટીલ મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા, પરંતુ જ્યૉર્જે તેમને હરાવી ‘જાયન્ટ કિલર’નું બિરુદ પ્રાપ્ત કરેલું.

અત્યાર સુધી કંપનીઓને નડતા રહેલા જ્યૉર્જ ૧૯૭૪ની રેલવે હડતાળથી હવે ઈન્દિરા સરકારને પણ નડવા લાગ્યા. ઈન્દિરાએ કટોકટી લાદી તો વડોદરા આવીને પત્રકારો કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ સાથે મળીને શું કરવું તેની વિચારણા કરતા. અને તેવામાં ડાયનેમાઇટ હાથ લાગ્યો, પરંતુ આ વિસ્ફોટ વારાણસીમાં ઈન્દિરા ગાંધીની જાહેરસભા શરૂ થાય તે પહેલાં કે મોડી રાત્રે કરવાનો હતો જેથી કોઈને ઈજા ન થાય. આ વિસ્ફોટ માત્ર ઈન્દિરા સરકારને ધ્રૂજાવવા માટે જ હતો. તેમની ધરપકડ કોલકાતામાં હતા ત્યારે થઈ. તેમને જેલ ભેગા કરાયા, પરંતુ એ સરમુખત્યાર શાસને પછી ચૂંટણી આપી તો તેમાં જેલમાં બેઠાબેઠાં તેઓ બિહારના મુઝફ્ફરપુરમાં ત્રણ લાખ મતોથી વિજયી બન્યા! મોરારજી દેસાઈમાં ઉદ્યોગ પ્રધાન બન્યા.

એક વાર તેઓ પોતાના મતવિસ્તારની મુલાકાતે હતા. ત્યાં પાણીની તંગી અને તેમને કૉકાકોલા આપવામાં આવી. તે પછી તેમણે કૉકાકોલા અને આઈબીએમને દેશમાંથી તગેડી દીધી. સ્વદેશીની વાતો કરનારા સંઘપરિવારના અટલજી કે નરેન્દ્ર મોદીની સરકારમાં આવું થયું નહીં, ઉલટાનું વિદેશી કંપનીઓની બોલબાલા વધી. જોકે આઈબીએમ કમ્પ્યૂટર કંપની હતી અને તે રહી હોત તો કદાચ ટૅક્નૉલૉજીની રીતે ફેર પડ્યો હોત.

એ પછી માત્ર ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યાની સહાનુભૂતિ લહેરમાં તેઓ હાર્યા. તે પછી ક્યારેય હાર્યા નહીં. વી. પી. સિંહ વખતે તેઓ જનતા દળમાં જોડાયા અને રેલવે પ્રધાન બન્યા. કૉંકણ રેલવે પ્રૉજેકટ તેમની દૂરંદેશીનું પરિણામ ગણાય છે. જોકે જનતા દળ તૂટ્યું તે પછી તેમણે સમતા પક્ષ બનાવ્યો. જનતા દળમાં વધુ ભાગલા પડ્યા. જનતા દળ યુનાઇટેડ બન્યું તો તેમાં પોતાનો પક્ષ ભેળવી શરદ યાદવના જૂથ સાથે હાથ મેળવી અને બીજી તરફ ભાજપનો સહયોગ લઈ બિહારમાં લાલુના શાસનને અને કેન્દ્રમાં કૉંગ્રેસ સમર્થિત ત્રીજા મોરચાની સરકારને ઉથલાવી દીધી.

અત્યારે નરેન્દ્ર મોદી દર બેસતા વર્ષે જવાનો વચ્ચે જાય છે કે નિર્મલા સીતારમણ તિબેટ સરહદે જાય છે પરંતુ જ્યૉર્જ ફર્નાન્ડિઝ સિયાચીન સરહદે ગયેલા. તેમણે ચીન ભારતનું પ્રથમ ક્રમાંકનું શત્રુ હોવાનું નિવેદન કરી ખળભળાટ મચાવી દીધેલો. જોકે બાદમાં તે બદલ ખેદ પણ પ્રગટ કર્યો. તેમની સામે કૉફીન કૌભાંડના આક્ષેપો થયા પરંતુ ૨૦૦૯માં કૉંગ્રેસ શાસનમાં તેમને ક્લીન ચિટ મળી ગયેલી.

સત્તામાં આવ્યા પહેલાં બીજા ઘણા નેતાઓ ચોળેલા ઝભ્ભા પહેરતા હોય પરંતુ સત્તામાં આવ્યા પછી ઈસ્ત્રી ટાઇટ અને મોંઘા કુર્તા પહેરવા લાગે. પરંતુ જ્યૉર્જ ફર્નાન્ડિઝ સાદગીને વરેલા રહ્યા. ૧૯૯૫ સુધી તેમનાં કપડાં જાતે જ ધોતા, પરંતુ તે પછી એક વાર બાથરૂમમાં પડી ગયા ને માથામાં ઈજા થઈ તે પછી તે કામ બંધ કર્યું.

ગુરુ અને શિષ્ય વચ્ચે સમય જતાં સંઘર્ષ થાય છે તેમ જ્યૉર્જ અને નીતીશ વચ્ચે પણ થયું. બન્યું એવું કે નીતીશ મુખ્ય પ્રધાન હતા તેથી પક્ષના પ્રમુખ વિરોધી જૂથના શરદ યાદવને ન બનાવે તો તેઓ બળવો કરે. તેથી જ્યૉર્જને પ્રમુખ ન બનાવાયા. તે પછી તેમને ૨૦૦૯માં ચૂંટણીની ટિકિટ પણ ન અપાઈ. કાબે અર્જુન લૂટિયોની જેમ તેઓ અપક્ષ ઊભા રહ્યા પરંતુ હારી ગયા. જોકે તે પછી તેમણે રાજ્યસભા માટે દાવેદારી કરી તો નીતીશ અને શરદે સન્માનપૂર્વક તેમને ચૂંટાવા દીધા.

આવા જ્યૉર્જની અંતિમ વિધિ, આ લખાય છે ત્યારે એવી માહિતી છે કે હિન્દુ રિવાજ પ્રમાણે દાહસંસ્કાર કરાશે અને પછી ખ્રિસ્તી રિવાજ પ્રમાણે તેમના અસ્થિ અને રાખને દફનાવાશે. સાચા અર્થમાં સેક્યુલર નેતા જ્યૉર્જને વંદન!

politics, sanjog news, vichar valonun

લિબરલ ઇકૉ સિસ્ટમ: ઇસસે કૈસે બચોગે?

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૬/૦૧/૧૯)

૮૦ અને ૯૦ના દાયકાની બે સામાજિક ફિલ્મો ખાસ યાદ રહી ગઈ છે. એક તો ૧૯૮૮માં આવેલી ‘ઘર ઘર કી કહાની’ અને બીજી ૧૯૯૦માં આવેલી ‘ઘર હો તો ઐસા’. ‘ઘર ઘર કી કહાની’ની વાર્તા કંઈક આવી હતી. કાદર ખાન અને શશીકલા પતિ-પત્ની છે. ઘરમાં કાદર ખાનનું કંઈ ચાલતું નથી. શશીકલા જ સર્વેસર્વા છે. ત્રણ દીકરા, એક દીકરી છે. સૌથી મોટો દીકરો મૃત્યુ પામ્યો છે. તેની વિધવા પદ્મા ખન્ના ઘરમાં સાસુની સેવા કરે છે, પરંતુ સાસુ તરફથી તેને ત્રાસ સિવાય કંઈ મળતું નથી. વચલો દીકરો ઋષિ કપૂર જયા પ્રદાને પરણેલો છે. નાનો દીકરો ગોવિંદા ફરહાના પ્રેમમાં છે. પરંતુ શશીકલા ઈચ્છે છે કે તે અમીર પિતાની પુત્રીને પરણે જેથી ઘરમાં દહેજ સારું એવું લાવી શકાય. શશીકલાની દીકરી અરુણા ઈરાની અશોક શરાફને પરણી છે, પરંતુ તે સાસરે રહેવાના બદલે પિયરમાં રહી તેની માતાના કાન ભંભેરતી રહે છે. એક દૃશ્યમાં શશીકલા તેના મૃત મોટા દીકરાનાં બાળકોને ચોકલેટ ક્યાંથી મળી તેમ કહી મારે છે ત્યારે વિધવા પુત્રવધૂ કહે છે, “ઈસ ઘર મેં ક્યા ચોકલેટ ખાના પાપ હૈ?” ત્યારે શશીકલા કહે છે, “ઈસ ઘર મેં મુઝસે પૂછે બિના પાની પીના ભી પાપ હૈ.”

બહેન અરુણા ઈરાનીનાં કરતૂતોના કારણે ઋષિ કપૂરને શંકા જાય છે કે તેની પત્ની જયા પ્રદાનું લફરું તેના નાના ભાઈ ગોવિંદા સાથે છે. તે પ્રેયસી અનિતા રાજ પાસે ચાલ્યો જાય છે. દરમિયાનમાં ગોવિંદા અને ફરહા શશીકલાના અન્યાયી રાજ સામે વિદ્રોહ પોકારે છે, પરંતુ જ્યારે તેઓ વિદ્રોહ પોકારે છે ત્યારે સિદ્ધાંતની પૂતળી અને અન્યાય સહન કરતી જયા પ્રદા તેને વારે છે….આખી કથાના અંતે ગોવિંદા તેના પિતા કાદર ખાનમાં રહેલા પુરુષને જગાડી તેને મજબૂત બનાવે છે. એક તબક્કે શશીકલા તેના પતિને પણ તેની હાલત ખરાબ કરવાની ધમકી આપે છે અને તેના મોટા દીકરાની વિધવાને તેમનાં બાળકો સહિત કાઢી મૂકવા માગતી હોય છે ત્યારે કાદર ખાન પોતાની ટેકણ લાકડીનો ઉપયોગ કરીને પહેલી વાર શશીકલાને મારે છે. શશીકલાની સાન ઠેકાણે આવી જાય છે. દરમિયાનમાં ઋષિ કપૂર જયા પ્રદાને છૂટાછેડા આપવા માગતો હોય છે ત્યારે કાદર ખાન તેની વહુની તરફેણ કરે છે તો ઋષિ કપૂર ઘરમાં અને કંપનીમાં ભાગ માગી બેસે છે. ઋષિ કપૂરને તેની વિધવા ભાભી, માતા શશી કલા, પ્રેયસી અનિતા રાજ, નાનો ભાઈ ગોવિંદા જેટલા લોકો સમજાવે છે તેને તે ઉલટું જ લાગે છે. તે બધા સાથે સંબંધ તોડી બેસે છે. અંતે અશોક શરાફની દમદાટીથી અરુણા ઈરાની ઋષિ કપૂર સમક્ષ પોતાનાં પાપ કબૂલે છે ત્યારે ઋષિ કપૂરની આંખ ઉઘડે છે અને તે પત્નીને સ્વીકારે છે. અંતે ઘરમાં બધાં સારાં વાનાં થાય છે…

આવી જ કથા ‘ઘર હો તો ઐસા’ની હતી. કદાચ કારણ એ હતું કે બંનેના નિર્દેશક કલ્પતરુ હતા. ફરક એટલો હતો કે ઘરના મોભી સઈદ જાફરી છે, જે તેમની ત્રાસદાયક અને દહેજની લાલચુ પત્ની બિન્દુના દરેક ગુનામાં સાથ આપે છે. મોટો દીકરો રાજકિરણ છે, જે તેનાં માતાપિતા અને બહેનની સાથે તેની પત્ની દીપ્તિ નવલ પર અત્યાચાર કરે છે. નાનો દીકરો અનિલ કપૂર બળવાખોર છે અને તેની પત્ની હોવાનું નાટક કરતી મીનાક્ષી શેષાદ્રી છે. દીકરી રીટા ભાદુરી ઘરમાં પડી રહે છે અને ભાભીઓ વિરુદ્ધ માતાને ચડાવ્યા કરે છે. તેનો વર કાદર ખાન કામધંધા વગરનો ઘરજમાઈ છે, તેથી પત્નીથી અને સાસુ-સસરાથી દબાયેલો છે.

આ બંને ફિલ્મો યાદ આવવાનું કારણ દેશની પરિસ્થિતિ છે. આ દેશમાં શશીકલા અને બિન્દુ જેવાં લોકોએ અરુણા ઈરાની અને રીટા ભાદુરી જેવા લોકોની મદદથી એવી ઇકો સિસ્ટમ બનાવી છે કે દેશમાં તેમનું જ ધાર્યું થાય. તેઓ સત્તામાં હોય કે વિપક્ષમાં, તેમને પૂછ્યા વગર કોઈ પાણી પીવે તો પણ તકલીફ થઈ જાય. અખલાકની હત્યા થાય તો દેકારો થઈ જાય પરંતુ કાશ્મીર, ઉત્તર પ્રદેશના કૈરાના કે ગુજરાતના પાટણના વારાહીમાં હિન્દુઓને મુસ્લિમો દ્વારા હેરાનગતિ થાય તો આ ઇકો સિસ્ટમ તેને દબાવી દે. એક તરફ શશી કલા-બિન્દુ અને અરુણા-રીટા જેવાં પાત્રો છે તો બીજી તરફ, જેમને અન્યાય થાય છે તેમાં કેટલાક જયા પ્રદા અને દીપ્તિ નવલ જેવાં છે. ચૂપચાપ અન્યાય સહન કરી લે છે. તેમને સિદ્ધાંતના પૂંછડાને વળગી રહી પોતાની સારી ઇમેજ રાખવી છે. તેઓ આટઆટલા અન્યાય છતાં શશી કલા-બિન્દુ કે અરુણા-રીટા જેવા લોકો સામે કંઈ બોલવા નથી માગતા. આવાં પાત્રોમાં માત્ર વ્યક્તિઓ જ નહીં, કેટલાંક કાગળ પરના વાઘ લાગતાં હિન્દુ સંગઠનો પણ આવી જાય.

આ દેશમાં ઋષિ કપૂર અને રાજકિરણ જેવા લોકો પણ છે જેઓ પોતાના વફાદારો સામે જ લડે છે. તેમને પોતાના લોકો પર જ શંકા જાય છે. તેઓ બીજી પ્રેયસી તરફ ભાગે છે. અને રાજકિરણને તો ‘ઘર હો તો ઐસા’માં જે પ્રેયસી (સોનિકા ગિલ) મળે છે તે પોતાનાં જૂતાં તથા મોજાં પણ રાજકિરણના હાથે અપશબ્દો કહીને ઉતારાવે છે. રાજકિરણની હાજરીમાં જ તેના પ્રેમી સાથે પ્રણયના ફાગ ખેલવા જતી રહે છે. આ ઋષિ કપૂર અને રાજકિરણ પ્રકારના લોકોને આંખ-કાન ઉઘાડીને પરિસ્થિતિ જોવી નથી. ઇકો સિસ્ટમ ઋષિ કપૂર જેવા લોકોના એ હાલ કરી નાખે છે કે તેઓ બધા સાથે સંબંધ તોડવા તૈયાર થઈ જાય છે. અત્યારે આપણે દેશમાં જોઈ શકીએ છીએ કે દલિતોનો એક મોટો સમૂહ મૂળ નિવાસીઓના નામે, આદિવાસીઓનો મોટો સમૂહ ભીલીસ્તાનના નામે અને હવે પાટીદારોનો એક સમૂહ અલગતાવાદના પંથે છે. તેઓ બધા સાથે સંબંધ તોડવા તૈયાર છે. આ અગાઉ શીખના એક સમૂહમાં આવું ગાંડપણ ખાલિસ્તાનના નામે ઉપડેલું. અલબત્ત, હજુ પણ આ ગાંડપણ શમ્યું તો નથી જ. અરુણા ઈરાની અને રીટા ભાદુરી જે પોતાના સાસરે જવાના બદલે પિયરમાં રહી ભાભીઓની મહેનત પર બેઠાબેઠાં રોટલા તોડવા માગતા હોય છે તેઓ પોતાની ચક્કી ચાલુ રહે તે માટે આવી અંદરોઅંદર ઝઘડાવવાની પ્રવૃત્તિ ચાલુ રાખે છે.

તમે માર્ક કર્યું હોય તો અત્યારે કનૈયાકુમાર અને ઉમર ખાલિદ સામે આખરે આરોપપત્ર દાખલ થયો છે. આ લોકો ખુલીને અફઝલ ગુરુ જેવા ખૂંખાર ત્રાસવાદીનું સમર્થન કરતા હતા. તેમના લોકોના હાથમાં અફઝલ ગુરુનાં પૉસ્ટર હતાં. તેઓ અફઝલ ગુરુના મૃત્યુને હત્યામાં ખપાવતા હતા. અફઝલ ગુરુના મૃત્યુને હત્યા કેવી રીતે ગણાવી શકાય? તેને કૉંગ્રેસના શાસનમાં ફાંસી આપવામાં આવી હતી તો પણ કનૈયા આણિ મંડળીનું સમર્થન કરવા કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચી જાય છે. કૉંગ્રેસના નેતા શશી થરૂર તો કનૈયાકુમારની સરખામણી ભગતસિંહ સાથે કરે છે!

ઉડીમાં ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક વખતે તેને ખોટી ગણાવવાની અને ખૂન કી દલાલી ગણાવવાની ચેષ્ટા કોણે કરી હતી? શું આ મહાત્મા ગાંધીજી અને નહેરુ-સરદાર પટેલ-ઈન્દિરા ગાંધી-રાજીવ ગાંધીની જ કૉંગ્રેસ છે? એ લોકો પણ કદાચ વિપક્ષમાં હોત તો કદાચ આ હદે તો ન જ ગયાં હોત. અરવિંદ કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા.

આ ઇકો સિસ્ટમ એ હદે ઘાંઘી થઈ છે કે તેમાં સામેલ લોકો હવે બંધારણીય કટોકટી સર્જવા તરફ આગળ વધી રહ્યા છે. મમતા બેનર્જી અને ચંદ્રાબાબુ નાયડુએ પોતાનાં રાજ્યમાં સીબીઆઈના પ્રવેશ માટે મનાઈ ફરમાવી છે. આવું કઈ રીતે થઈ શકે? માન્યું કે કૉંગ્રેસ-ભાજપ સહિત તમામ શાસકો સીબીઆઈનો ઉપયોગ-દુરુપયોગ કરે છે પરંતુ તેના રાજકીય-અદાલત વગેરે રસ્તા છે જ. પરંતુ તેનો અર્થ સીબીઆઈને રાજ્યમાં જ ન આવવા દેવી? આ ઇકો સિસ્ટમ તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્ર જે રામમંદિર, ૩૭૦ કલમ સહિત એક પછી એક મહત્ત્વના ચુકાદા આપવાના હતા ત્યારે તેમની સામે ચાર જજોની બળવાખોરી દ્વારા દબાણ લાવ્યા હતા. કૉંગ્રેસે મહાભિયોગની ધમકી આપી દબાણ વધાર્યું. તે પછી દીપક મિશ્રના કેવા ચુકાદા આવ્યા તે જોઈ શકાય છે. અત્યારે રામમંદિર કેસમાં આ જ થઈ રહ્યું છે. એક પછી એક તારીખો પડી રહી છે. કૉર્ટને યાકૂબ મેમણ માટે અડધી રાત્રે ખુલવાની ઉતાવળ છે, કર્ણાટકમાં ભાજપ સરકાર બનાવી લેશે તેમ લાગતા કૉંગ્રેસની અરજી પર અડધી રાત્રે ખુલીને ભાજપ સરકારને વિશ્વાસ મત માટે માત્ર ચોવીસ કલાકનો સમય આપે છે, પરંતુ એ જ ઇકો સિસ્ટમ કૉંગ્રેસ નિયુક્ત રાજ્યપાલ કૃષ્ણપાલસિંહ દ્વારા ગુજરાતમાં ભાજપના બળવાખોર શંકરસિંહ વાઘેલાને ૧૯૯૭માં સાત દિવસનો સમય અપાય છે ત્યારે મૌન રહે છે. આ જ ઇકો સિસ્ટમ અંતર્ગત કૉંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ્ નાં પત્ની નલિની ચિદમ્બરમ્ ને રજાના દિવસે ૧૨ જાન્યુઆરીએ શનિવારે મદ્રાસ હાઇ કૉર્ટ ધરપકડ સામે વચગાળાની સુરક્ષા આપે છે!

આ ઇકો સિસ્ટમ રામ મંદિર કેસમાં ન્યાયમૂર્તિ યુ. યુ. લલિત સામે કલ્યાણસિંહનો કેસ ભૂતકાળમાં લડ્યા હોવાથી તેમની હાજરી વિશે પ્રશ્ન ઉઠાવી શકે છે, પરંતુ સામે પક્ષે એવો કોઈ અવાજ નથી જે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ તો બળવાખોર ચાર જજો પૈકીના એક હતા અને કૉંગ્રેસના આસામના મુખ્ય પ્રધાન કેસબ ચંદ્ર ગોગોઈના દીકરા છે એમ રજૂઆત પણ કરી શકે. કોલકાતાની હાઇ કૉર્ટ પશ્ચિમ બંગાળમાં ભાજપને રથયાત્રા કાઢવા અંગે મમતા સરકારના નિર્ણયને ફગાવી દે છે પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયમાં રંજન ગોગોઈની બૅન્ચ આ રથયાત્રાને અનુમતિ આપવાનો ઈનકાર કરે છે!

હવે જો આ ઇકો સિસ્ટમને કોઈ પડકારનાર આવે, કોઈ ‘ઘર ઘર કી કહાની’ના કાદર ખાનની જેમ છડી હાથમાં લે તો આ શશીકલાઓ-બિન્દુઓ-અરુણા ઈરાનીઓ-રીટા ભાદુરીઓને તકલીફ પડવાની જ છે. તેઓ પોતે તો વિદ્રોહ કરશે સાથે મોટા દીકરાને પણ તે વિદ્રોહ કરી સંબંધ તોડી નાખે તેવું કરાવશે. ૨૦૧૫માં દિલ્લી-બિહારની ચૂંટણી ટાણે આ ઇકો સિસ્ટમ દ્વારા પૂર્વે પોષિત સાહિત્યકારો-ફિલ્મ કલાકારો મારફતે અસહિષ્ણુતાનો રાગ આલાપી એવૉર્ડ વાપસીનું નાટક ખેલાયેલું. આજે ફરી લોકસભાની ચૂંટણી ટાણે નસીરુદ્દીન શાહ આ જ રાગ આલાપી રહ્યા છે. સીબીઆઈના, હવે પૂર્વ નિયામક, આલોક વર્મા લાલુપ્રસાદ યાદવનાં સ્થાનો પર એટલા માટે દરોડા પાડવાની ના પાડે કે તેમને ભીતિ હતી કે તેનાથી રાજકીય પરિણામો આવશે. રાજકીય પરિણામોની ચિંતા સીબીઆઈના નિયામકે કરવાની હોય? આ આલોક વર્મા પર દુબઈમાં ભારતીય જાસૂસી એજન્સી ‘રૉ’ના અધિકારીઓને ખુલ્લા પાડવાનો આરોપ છે. એટલું જ નહીં, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ સહિતના લોકોના ફૉન પણ ટેપ કરાવ્યા હોવાનો આરોપ છે.

આની સામેનો જે વર્ગ છે તે ઇકો સિસ્ટમ ઊભી કરવામાં માનતો જ નથી. તે લઘુતાગ્રંથિથી પીડિત થઈને વિરોધીઓને પોતાના બનાવવા મથે છે. આરએસએસ પ્રણવ મુખર્જીથી માંડીને વિરોધીઓના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતો. નીતિન ગડકરી નહેરુ, ઈન્દિરા અને રાહુલના વખાણ કરી પોતાનો ઉદાર ચહેરો બનાવવા મથે છે. અટલજી પણ આવા જ ઉદારવાદી છબીના હતાં. થોડા મહિના પહેલાં ભાજપના એક નેતા આર. કે. સિંહાની ‘હિન્દુસ્થાન સમાચાર’ સંસ્થામાં ઊંચા પદ પર કોણ જોડાયું? વિજય ત્રિવેદી! એ જ એનડીટીવીના પત્રકાર જેમણે નરેન્દ્ર મોદીનો વિમાનમાં ઇન્ટરવ્યૂ લીધેલો અને ૨૦૦૨નાં રમખાણો અંગે તેમની પિન ચોંટી ગયેલી. પરંતુ લિબરલ ઇકો સિસ્ટમ આવી નથી. તે વિરોધીઓને રિઝવવા દોડતી નથી. તે તો શુદ્ધ વૉર થ્રિલર ફિલ્મ, જેમાં ‘ગદ્દર’ જેવી ન તો રાડારાડી છે, ન તો દેશભક્તિની ઝાઝી વાત, તેવી ‘ઉડી’ રજૂ થાય તે પહેલાં જ તેને ‘ટૉક્સિક હાઇપર નેશનાલિઝમ’ ગણાવી દે છે, ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પુસ્તક વાંચ્યા વગર માત્ર ટ્રેલર જોઈને તેને ભાજપની ફિલ્મ ગણાવી દે છે. આ ઇકો સિસ્ટમ સામે લડવું હિંમતનું, બુદ્ધિનું અને ચાણક્યનીતિનું કામ છે અને અત્યારે તો આ ઇકો સિસ્ટમ સામે ભલભલા નિષ્ફળ લાગી રહ્યા છે.

politics

૯૦ના દાયકાના હીરો અને વિલનો વગરની ૨૦૧૯ની ચૂંટણી

સૌજન્ય: ઇન્ટરનેટ

બહુ જ ઊંધુંચત્તું થઈ રહ્યું છે. કૉંગ્રેસના સી. પી. જોશીજી રામમંદિર તો કૉંગ્રેસના વડા પ્રધાન જ બનાવશે તેમ કહી રહ્યા છે. સંઘના સરસંઘચાલક મોહનજી મુસ્લિમો વગર હિન્દુત્વ અધૂરું છે તેમ કહે છે. જમ્મુકાશ્મીરમાં પીડીપી, એનસી, કૉંગ્રેસ જેવા કટ્ટર દુશ્મનોની છાપ ધરાવતા પક્ષો સત્તા માટે એક થઈ રહ્યા છે. ભાજપ કાશ્મીરી પંડિતોને ભૂલી ગયો છે અને સંઘ અમદાવાદનું કર્ણાવતી કરવા જોઈએ તેટલો સક્રિય નથી. અટલજી સ્વર્ગે સિધાવી ગયા છે. ‘બા’ને ફરજિયાત રિટાયર કરાય તે પહેલાં જ ‘જાવ, નથી રમતાં’ કરીને સુષમા સ્વરાજે દાવ ડિક્લેર કર્યો છે. લાલકૃષ્ણ અડવાણી હજુ પણ રમવાના મૂડમાં છે. મુરલી મનોહર જોશી? ખબર નહીં. વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ છે…વિદેશોના પ્રવાસો કરતા રહે છે…અરુણ જેટલી કિડનીથી વધુ પરેશાન છે કે આરબીઆઈથી? કળવું મુશ્કેલ છે. પીયૂષ ગોયલે તેમનું સ્થાન લઈ લીધું છે. શિવરાજસિંહ ચૌહાણ અને રમણસિંહ માટે તેમના પ્રાંતો બચે તો ભયોભયો, પણ રાજસ્થાનમાં ભાજપ જીતે કે હારે, વસુંધરારાજે સિંધિયા પર તલવાર ગમે ત્યારે ચાલી શકે છે. રાજનાથસિંહ ગૃહ ખાતાથી ખુશ છે. મનોહર પાર્રીકરની તબિયત અત્યંત ખરાબ છે. સ્મૃતિ ઈરાની પર મંત્રાલયો બદલી લગામ મૂકી દેવામાં તો આવી છે પણ તેઓ લાંબી રેસનાં ઘોડી છે. સુબ્રમણિયમ સ્વામી હજુ પૂરેપૂરા અડીખમ છે પણ તેમનો ઉપયોગ કૉર્ટ અને દુશ્મનોને ઘેરવા માટેનો જ છે. નીતિન ગડકરી વિપક્ષો ખુશ થાય તેવાં નિવેદનો આપી ભાજપને આગામી ચૂંટણીમાં ૨૦૦ આસપાસ બેઠક મળે તેમ કરી વડા પ્રધાન બનવા પોતાનો દાવો મજબૂત કરી રહ્યા છે…અમિત શાહ ભાજપને જિતાડવા તનતોડ, પક્ષતોડ અને ધનતોડ મહેનત કરી રહ્યા છે…મોદી પછી સર્વાધિક લોકપ્રિય હિન્દુ ચહેરો યોગી આદિત્યનાથનો છે અને ૨૦૧૯માં તેમનો ભરપૂર રસકસ કઢાશે.

૯૦ના દાયકાના ભારતના રાજકારણના નાયકો અને ખલનાયકો કાં તો ભગવાનને શરણ (મૃત્યુના અર્થમાં) થયા છે અથવા કારકિર્દી ટકાવવા ભગવાનને શરણે જઈ રહ્યા છે. ચંદ્રાબાબુ વિપક્ષોને એક કરવા મથી રહ્યા છે પણ તેમનો ગજ વાગતો નથી, મમતા બેનર્જીને અમિત શાહે પ.બંગાળમાં જ ઘેરી રાખ્યા છે, માયાવતીની માયા કોના તરફ ઢળશે તેની આગાહી સ્વયં માયાવતી પણ કરી શકે તેમ નથી, તો અરવિંદ કેજરીવાલ ચૂપચાપ દુબઈ જઈ આવ્યા પછી લાફાલાફી જેવું શરૂ થઈ ગયું છે. લાલુપ્રસાદ જેલમાં છે, તેમના ઘરમાં તેજસ્વી અને તેજપ્રતાપ બંને યાદવાસ્થળી કરી રહ્યા છે. જેલમાં ગયેલા ઓમપ્રકાશ ચૌટાલા પણ આવી જ યાદવાસ્થળી જોઈ રહ્યા છે. જયલલિતા અને કરુણાનિધિ હયાત નથી. શશીકલા જેલમાં છે. આથી જયલલિતાનો અન્નાદ્રમુક મોદીઆશ્રિત છે. કરુણાનિધિના પુત્રો અઝાગીરી અને સ્ટાલીન વચ્ચે પણ યાદવાસ્થળી ચાલી રહી છે. રજનીકાંતે હજુ પક્ષ રચ્યો નથી પણ છે મોદીતરફી. કમલ હાસનનો નવો પક્ષ કેટલું કાઠું કાઢશે? ‘આઆપ’એ ૨૦૧૩માં વિધાનસભામાં કાઢ્યું તેટલું?નીતીશકુમાર અને શરદ યાદવ નોખા પડી ગયા છે અને ૨૦૧૪માં મોદીના વિજયનું એક પૉઝિટિવ ફેક્ટર પ્રશાંત કિશોર નીતીશની પડખે છે. સત્તાને સૂંઘી તે બાજુ મોઢું ફેરવી લેતા રામવિલાસ પાસવાન હજુ સુધી ભાજપ સાથે જ છે. નવીન પટનાયક ઓડિશા ભાજપના હાથમાં ન જતું રહે તેની ચિંતામાં છે. દેવેગોવડા દીકરા કુમારસ્વામીને સુકાન સોંપી લગભગ નિવૃત્ત જ છે. મુલાયમે સોનીકજિયો કરી દીકરા અખિલેશને સત્તાની ધૂરા સોંપી પણ કાકા શિવપાલે જુદો ચોકો માંડ્યો છે ને ભૂતકાળમાં સંઘ-ભાજપને જોખીજોખીને ભાંડનારા ફિલ્મી શાયર જેવા અમરસિંહ ભાજપના સમર્થક બની ગયા છે. જોકે ચૌધરી અજિતસિંહ કડેધડે છે પણ ભાજપે ગઈ લોકસભા અને વિધાનસભામાં તેમના કિલ્લાને ધરાશાયી કરી દીધો છે. શરદ પવાર રાફેલ મુદ્દે મોદી સરકારની તરફેણ કરી દૂધ-દહીં બંનેમાં પગ રાખી રહ્યા છે. બાલ ઠાકરે તો હવે છે નહીં. નહોર વગરના વાઘ જેવા ઉદ્ધવ ઠાકરેની શિવસેના કૉંગ્રેસ સાથે જઈ શકે છે તો રાજ ઠાકરે વાઘના બદલે મીંદડી જેવા બની ગયા છે. કૉમરેડ તરીકે કાઢી મૂકાયેલા સોમનાથ ચેટર્જી હવે રહ્યા નથી ને પ્રકાશ કરાત તથા સીતારામ યેચૂરી વચ્ચે ગંભીર મતભેદો છે. ડાબેરીઓ પક્ષની માન્યતા રદ્દ ન થાય તેની ચિંતામાં છે. રહ્યાસહ્યા ગઢ કેરળમાં પણ શબરીમાલાના મુદ્દે સુપ્રીમના ચુકાદાએ ભાજપને ફાયદો કરાવી આપ્યો છે. ફારુક અબ્દુલ્લા કડેધડે છે પણ તેમના દીકરા ઓમર અબ્દુલ્લાને જાની દુશ્મન મહેબૂબા મુફ્તી સાથે હાથ મિલાવવા મજબૂર થવું પડ્યું છે. પંજાબમાં ડ્રગ્સ અને પરિવારવાદના કારણે સત્તા ગુમાવ્યા પછી બાદલ અને અકાલી દળ લોકસભા સુધી ખાસ ઉકાળી શકે તેમ નથી. ટીઆરએસવાળા કે. ચંદ્રશેખર રાવ અઘોષિત ભાજપ સમર્થક છે કારણકે તેલંગણાંમાં તેમનો મુખ્ય હરીફ ટીડીપી અને કૉંગ્રેસ છે. અસાઉદ્દીન ઓવૈસીનાં નિવેદનોના કારણે ભાજપ હિન્દુવાદીઓને પોતાની તરફ રાખી શકે છે. કમલનાથના વિડિયો કૉંગ્રેસનો જ કોઈ જાણભેદુ ઉતારીને મધ્યપ્રદેશમાં કૉંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે. વિવાદમાસ્ટર દિગ્વિજયસિંહની જવાબદારી હવે શશી થરૂર અને મણિશંકર અય્યરે સંભાળી લીધી છે. ચિદમ્બરમ્ પોતાને અને દીકરા કાર્તિને બચાવવામાં પડ્યા છે. મનમોહન હજુય ‘મૌન’મોહનસિંહ જ છે. સોનિયા ગાંધીને ડર છે કે ચૂંટણી સમયે જ અૉગસ્ટા વેસ્ટલેન્ડ અને નેશનલ હેરાલ્ડનું ભૂત ન ધૂણે. અહમદ પટેલ કૉંગ્રેસમાં હવે રાજકીય સલાહકાર નથી, ખજાનચી છે અને તેમણે ખાલી થઈ ગયેલી કૉંગ્રેસની તિજોરી ભરવાનું કપરું કામ કરવાનું છે.

રાહુલ ગાંધી મહેનત ઘણી કરી રહ્યા છે પણ તેમની રમૂજો કપિલ શર્માને પણ આંટી મારે તેવી આવતી રહે છે. અત્યારે  પિછત્તીસ રમૂજ પેદા કરી રહ્યું છે, તેમણે પોતે સ્વીકાર્યું છે કે પક્ષમાં શિસ્ત નથી અને કૉંગ્રેસીયાઓ ચૂંટાય તો પણ કામનું નથી કારણકે તેઓ પક્ષને નહીં, ધનને વફાદાર હોય છે…તેઓ ભાજપમાં જવાની લાલચ રોકી શકતા નથી… પણ ટ્વિટર, કેમ્બ્રિજ એનાલિટિકા, ફેસબુક, ગૂગલ, સેક્યુલર પત્રકારો અને મિડિયા તેમની પડખે અેક્ટિવિસ્ટ તરીકે છે…નરેન્દ્ર મોદીનું અૉવર એક્સ્પૉઝર તેમની છબી માટે નુકસાનદાયક છે. તેઓ ‘મિત્રો’ અને ‘ભાઈઓ-બહેનો’ સહિત શું-શું બોલશે, કેવા ટૉનમાં બોલશે, કેમ હાથ પછાડશે ને કયા મુદ્દે તાળી મારશે તે હવે બાળક પણ ભાખી શકે છે. યશવંતસિંહા, શત્રુઘ્નસિંહા અને નવજોતસિંહ સિદ્ધુ ડૂબતી નાવને તરતી રાખવા હવાતિયા મારી રહ્યા છે પણ તેમને પોતાના પક્ષવાળા જ ગણકારતા નથી. ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની દિલ્લી દોડ ચાલુ છે અને સ્ટેચ્યૂ અૉફ યુનિટીમાં લિફ્ટ ખોટકાય છે. શંકરસિંહ વાઘેલા નિવેદનો કરી હાજરી પુરાવતા રહે છે. હિન્દુઓની લાગણી દુભાય તેવા ચુકાદા આપ્યા પછી આલોક વર્માના કેસમાં રિપૉર્ટ લીક થતાં માનનીય જજસાહેબોની લાગણી દુભાઈ ગઈ છે અને ગુજરાતમાં ‘વિનય’ની ‘વિપુલ’ શોધ ચાલુ છે. બ્રિટિશ કૉર્ટ વિજય માલ્યાને ભારત પાછો મોકલી શકે તેમ છે. જોકે દાઉદ ઇબ્રાહિમ હજુ પાકિસ્તાનમાં જ છે અને રાજ્યસભામાં ભાજપને બહુમતી મળશે પછી પોતે જરૂર અહીં દફન થવા આવશે તેમ મરણપથારીએ રહેલા કહેવાતા દાઉદે ભાજપને વચન આપ્યું છે! 😃

ગુજરાત કૉંગ્રેસના નવા સંગઠનમાં ૪૦૦ નેતાઓ સાથે હવે બધા જ નેતાઓ છે પણ તેથી વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વચ્ચે બધું સમુંસૂતરું થઈ જશે તે શંકાનો ઉત્તર શોધાઈ રહ્યો છે. ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલને લગભગ રિટાયર કરી દેવાયા છે. શક્તિસિંહ ગોહિલ બિહાર જઈ બીજા અહમદ પટેલ બનવા પ્રયાસરત લાગી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ચૂંટણી સમયની રાહ જોતાં માખી મારવામાં સમય પસાર કરી રહ્યા છે. રેશમા પટેલ, વરુણ પટેલ, ગીતા પટેલ, દિનેશ બાંભણિયા પાટીદારનો પ્રશ્ન ઉખળે તો આનંદ અનુભવે છે કારણકે તેમને ત્યારે જ મહત્ત્વ મળે છે. દરમિયાનમાં વિહિપ શ્રી રામમંદિરના ઠરી ગયેલા ચૂલામાં આગ પેટાવવા ફરીથી પ્રયાસ કરી રહી છે પણ તેને અોલવવા પ્રવીણ તોગડિયા તૈયાર બેઠા છે. ઈસુનું ૨૦૧૮ ભલે પૂરું થવા આવ્યું હોય, હજુ તો ૨૦૧૯ની ચૂંટણીને વાર છે. શ્રી રામ પાકિસ્તાન અને હાફીઝ સઈદ કોની મદદ કરશે? ભાજપની કે કૉંગ્રેસની? પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…

education, film, international, media, sanjog news, vichar valonun

અમેરિકામાં લિબરલોની અસહિષ્ણુતા અને દાદાગીરી!

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા. ૮/૭/૧૮)
ભારતમાં તમે જો અક્ષયકુમાર, નાના પાટેકર, અનુપમ ખેર, મધુર ભાંડારકર, અભિજિતની જેમ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હો તો તમારી કારકિર્દી પર પ્રશ્નાર્થ લાગી શકે અથવા તે માટેના પ્રયાસો થઈ શકે. ફિલ્મોમાં તમે ગમે તેટલું સારું કામ કર્યું હોય, પણ કહેવાતા રાષ્ટ્રવાદીઓ સત્તામાં હોય તો પણ તેઓ તેમના સમર્થકોની પડખે ઊભા નથી રહેતા જેટલા લિબરલ વિચારવાળા લોકો સત્તામાં હોય ત્યારે ઊભા રહે છે. હૉલિવૂડમાં પણ આવું જ છે. સ્ટેસી ડેશ નામની હૉલિવૂડની પ્રસિદ્ધ અભિનેત્રીએ ૨૦૧૨માં ત્યાંના રાષ્ટ્રવાદી ગણાતા રિપબ્લિકન પક્ષના રાષ્ટ્રપ્રમુખના ઉમેદવાર મીટ રૉમ્નીને ટેકો જાહેર કર્યો તો તે બ્લેકલિસ્ટ થઈ ગઈ! (આ સ્ટેસીએ ૨૦૦૮માં બરાક ઓબામાને મત આપ્યો હતો પરંતુ ઓબામાનું ચાર વર્ષનું શાસન તેને પસંદ ન પડ્યું એટલે તેણે પોતાનો અભિપ્રાય બદલ્યો અને તે જનતાને જણાવ્યો એનું તેણે ભોગવવું પડ્યું.)

સ્ટેસી ડેશે પોતાના પુસ્તક ‘ધૅર ગૉઝ માય સૉશિયલ લાઇફ: ફ્રૉમ ક્લુલેસ ટૂ કન્ઝર્વેટિવ’માં લખ્યું છે, “મેં ટ્વીટ કર્યું કે રૉમ્નીને મત આપો. અને બીજા દિવસથી મારી જિંદગી બદલાઈ ગઈ! મને લોકો કહેવા લાગ્યા કે હું અશ્વેત લોકોને પસંદ નથી કરતી.” સ્ટેશીએ સીએનએસન્યૂઝ ડૉટ કૉમને આપેલા ઇન્ટરવ્યૂમાં બેધડક કહ્યું કે “મારી રાજકીય માન્યતાઓના કારણે મને કામ મળતું બંધ થઈ ગયું. મને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. મારા ઍજન્ટોએ મને પડતી મૂકી દીધી.”

આવું જ ટીમ એલન સામે થયું. લિબરલો ગમે તેની, ગમે તેવી નીચલી કક્ષાની મજાક ઉડાવી શકે (તન્મય ભટ્ટ વગેરેની એઆઈબી તેનું મોટું ઉદાહરણ છે) પરંતુ જો રૂઢિચુસ્તો તેમ કરે તો કલાજગતમાંથી ફેંકાઈ જાય. ટીમ એલન અમેરિકાની એબીસી ચેનલ માટે ‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ નામનો કૉમેડી શૉ કરતા હતા. તેમાં રિપબ્લિકનોની અને રૂઢિચુસ્તોના હીરો જેમ કે રૉનાલ્ડ રૅગન, બેરી ગૉલ્ડવૉટરની પ્રશંસા થતી હતી. ડેમોક્રેટ પર જૉક થતા હતા.

એક જૉકનું ઉદાહરણ જોઈએ. અંગ્રેજીમાં જ તેની મજા આવશે.

Hillary Clinton’s therapist
Kyle (Christoph Sanders): So, you’re upset because you feel like you lost?
Ryan (Jordan Masterson): Yeah, losing sucks.
Kyle: We lose all the time, but we still enjoy ourselves. You have to learn to look at losing as a win.
Ryan: You sound like Hillary Clinton’s therapist.

વારંવાર હારવા છતાં હિલેરી ક્લિન્ટન કે રાહુલ ગાંધીની જેમ આનંદ કરતા રહેવાનું. બીજી જૉક ઓબામા પર હતી.

Mike: “If you’re a young person who’s not exactly sure where life is taking you, that’s okay. You know, we can’t all be Barack Obama and have our first job be president.”

માઇક કહે છે, “જો તમે યુવાન હો જેને ખબર નથી પડતી કે તેણે શું કરવાનું છે તો તેમાં કંઈ ખોટું નથી. આપણે બધા બરાક ઓબામા ન હોઈ શકીએ અને આપણી પહેલી નોકરી રાષ્ટ્રપ્રમુખ તરીકે ન હોઈ શકે.”

આ જૉક પણ રાહુલ ગાંધી પ્રકારનો જ કહી શકાય કે કોઈ મહેનત વગર સીધા ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બની ગયા.

જોકે ટ્રમ્પ ચૂંટણી જીત્યા પછી આ શૉને અકારણ, અચાનક બંધ કરી દેવાયો!

આવાં તો કેટલાંય ઉદાહરણો છે. જ્યારે ઓબામાનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે મેલ ફ્લિન નામના હૉલિવૂડ કૉંગ્રેસ ઑફ રિપબ્લિકન્સના પ્રમુખે કહેલું કે “હૉલિવૂડમાં રિપબ્લિકનો પ્રત્યે ખૂબ જ ભેદભાવ થાય છે. હું એવા ઘણા લોકોને જાણું છું જેમણે પોતાનો રાજકીય વિચાર (મતલબ કે ડેમોક્રેટિકથી વિરોધી વિચાર) જાહેર કર્યો અને તેમને કામ ગુમાવવું પડ્યું હોય.” આવું જો અત્યારે ટ્રમ્પ કે મોદીના કાળમાં થાય તો તો હોહા મચી ગઈ હોય.

‘એલ્મર ગાન્ટ્રી’ નામની ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કાર જીતી ચૂકેલી અભિનેત્રી શર્લી જૉન્સે વર્ષ ૨૦૧૩માં શું કહેલું? “અહીં (એટલે કે હૉલિવૂડમાં) ખૂબ જ ખરાબ (સ્થિતિ) છે કારણકે તેઓ બધા જ ડેમોક્રેટ છે.” ડેમોક્રેટના લીધે તેમની કારકિર્દીને ખૂબ જ ફટકો પડ્યો છે.

જો તમે બોલકા હો (ડેમોક્રેટિક પાર્ટી વિરુદ્ધ) તો તમારી કારકિર્દીનું ભવિષ્ય ધૂંધળું છે આવું નિર્માતા ગ્રે માઇકલ વૉલ્ટર્સે કહ્યું હતું! કારણકે મનોરંજનનું જગત લિબરલોના વર્ચસ્વવાળું છે.

કેલ્સી ગ્રામર અભિનેતા, કૉમેડિયન, નિર્માતા, નિર્દેશક, લેખક અને ગાયક એમ બહિર્મુખી પ્રતિભા છે. તેમને ‘બૉસ’ નામની સિરિઝમાં પર્ફૉર્મન્સ માટે ગૉલ્ડન ગ્લૉબ મળ્યો હતો પરંતુ તે એવૉર્ડ પછી પાર્ટીમાં તેમણે પોતે રિપબ્લિકન હોવાનું જાહેર કર્યું અને તે પછી તેમને એમ્મી એવોર્ડમાં નામાંકન પણ ન મળ્યું! જય લીનો નામના પ્રસિદ્ધ ટેલિવિઝન હૉસ્ટને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે “શું એ શક્ય છે કે એમ્મીનો કોઈ પણ સભ્ય કહેશે કે હા, તમારું પર્ફૉર્મન્સ તો સારું છે પણ તમારા વિચારોને હું ધિક્કારું છું (તેથી તમને એવૉર્ડ નહીં આપી શકાય)?”

ઓબામા પહેલી વાર અમેરિકા પ્રમુખ બન્યા તે પછી થોડા જ સમયમાં ‘બેવૉચ’ ફેમ અભિનેત્રી એન્જી હાર્મને ઓબામાની ટીકા કરી એમાં તો તેને રેસિસ્ટ ગણાવી દેવાઈ! આપણે ત્યાં કેટલાક વ્યક્તિની ટીકા કરવામાં આવા ટીકાકારને તેમની ટીકાના મુદ્દાને ધ્યાનમાં લીધા વગર જાતિ વિરોધી કે મઝહબવિરોધી ગણાવી દેવાય છે તેવું જ એન્જી હાર્મન સાથે થયું! એન્જી હાર્મનને ઓબામા જે રીતે સરકાર ચલાવતા હતા તે પસંદ ન પડ્યું અને તેમની ટીકા કરી તેમાં તેના પર આ રીતનાં માછલાં ધોવાયાં!

એન્જી મેયર ઑશેવ્સ્કી રાજકારણીઓ તેમજ મનોરંજન જગતના લોકો માટે પબ્લિક રિલેશન (પી.આર.)નું કામ કરે છે, તેમણે જે કહ્યું છે તે લિબરલોએ કાન ખોલીને સાંભળવા જેવું છે. તેમણે કહ્યું છે કે “હૉલિવૂડના જે લોકો સ્વીકૃતિની (એટલે કે સહિષ્ણુતાની-ઉદાર વિચારોની) વાતો કરે છે તેઓ રૂઢિચુસ્તો (કન્ઝર્વેટિવ) લોકો માટે દરવાજો બંધ કરનારા પહેલા હોય છે.” આમ, પોતાની જાતને સહિષ્ણુ અને ઉદાર ગણાવતા લિબરલો વિરોધી વિચારધારા પ્રત્યે જરાય સહિષ્ણુ કે ઉદાર હોતા નથી!

જોકે તેઓ માને છે કે રિપબ્લિકનો માટે સ્થિતિ એટલી બધી ખરાબ નથી. તેઓ તેમનો રસ્તો કાઢી જ લે છે. એ તો રહેવાનું જ. હિન્દી ફિલ્મોમાં સંજય દત્ત, શાહરુખ ખાન વગેરેએ ઋત્વિક રોશન, રાકેશ રોશનને પાડી દેવા કેટલી કોશિશ કરી! અક્ષયકુમાર-અજય દેવગનની સામે કેટલા પ્રપંચો કર્યા! અજય દેવગને તો આક્ષેપ કર્યા હતા કે ‘સન ઑફ સરદાર’ને શાહરુખ ખાન-યશરાજ ફિલ્મ્સે તેમની ‘જબ તક હૈ જાન’ વધુ સફળ રહે તે માટે પોતાનો રૂઆબ વાપરીને ઓછા થિયટેર મળે તેવો પ્રપંચ કર્યો છે અને આ માટે અજય દેવગન કમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયામાં પણ ગયો હતો. આવાં પ્રપંચો છતાં આ કલાકારો પોતાની મહેનતથી ટકી ગયા છે.

ભારતમાં શિક્ષણ ક્ષેત્રે જેમ ડાબેરીઓ-સેક્યુલરો-લિબરલો પગદંડો જમાવી બેસી ગયા છે અને પોતાના વિચારો યુવાનોમાં થોપી કન્હૈયાકુમારો, શેહલા રશીદ જેવાં ભારત તેરે ટુકડે હોંગે ગેંગના સમર્થકો તૈયાર કરે છે તેવું અમેરિકામાં પણ છે!

પશ્ચિમાંધ લોકો અમેરિકાની બજારવાદ, મૂડીવાદ, ફ્રી સેક્સ, ફિલ્મોમાં અશ્લીલતા વગેરેનો બચાવ કરતી વાતો જ કરશે પરંતુ તેનો સાચો ચિતાર ક્યારેય નહીં આપે. ભારત જેવું જ અમેરિકામાં છે. ત્યાં ગયા વર્ષે શિક્ષણ પ્રધાન બેટ્સી ડેવૉસે કન્ઝર્વેટિવ પૉલિટિકલ ઍક્શન કૉન્ફરન્સમાં ફૅકલ્ટી મેમ્બરોની તીખી ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેઓ તેમના વિચારો વિદ્યાર્થીઓમાં થોપે છે.

તેમણે કૉલેજના વિદ્યાર્થીઓને કહ્યું, “શિક્ષણનાં સ્થાપિત હિતો સામેની લડાઈ તમારે પણ લડવાની છે. પ્રૉફેસરોથી માંડીને ડીન સુધીના લોકો તમને કહે છે કે તમારે શું કરવું, શું કહેવું અને ચિંતાની વાત તો એ છે કે તેઓ શું વિચારવું તે પણ કહે છે.” ૬ ઑક્ટોબર ૨૦૧૬ના ‘વૉશિંગ્ટન ટાઇમ્સ’માં એક સમાચાર છપાયા હતા તેના પર ધ્યાન દેવા જેવું છે. સમાચાર કહે છે કે ‘ઇકૉન જર્નલ વૉચ’માં અભ્યાસ મુજબ, અમેરિકાની ૪૦ અગ્રણી યુનિવર્સિટીઓમાં ૭૨૪૩ પ્રૉફેસરોમાંથી ૩,૬૨૩ ડેમોક્રેટ છે! માત્ર ૩૧૪ જ રિપબ્લિકન છે!

આવું જ (ભારતની જેમ) અમેરિકી મિડિયામાં પણ છે. અમેરિકાનું પ્યૂ રિસર્ચ સેન્ટર વિવિધ વિષયો પર સર્વેક્ષણ કરવા માટે સમગ્ર દુનિયામાં જાણીતું છે. ૨૦૦૪માં પ્યૂ રિસર્ચ સેન્ટરે રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ કર્યો હતો. તે મુજબ નેશનલ પ્રૅસના ૩૪ ટકાએ પોતાની જાતને લિબરલ ગણાવ્યા હતા. માત્ર સાત ટકાએ જ પોતાને કન્ઝર્વેટિવ ગણાવ્યા હતા. ૨૦૧૪માં ઇન્ડિયાના યુનિવર્સિટીના પ્રૉફેસરો લાર્સ વિલ્નટ અને ડેવિડ એચ. વીવરે કરેલા સર્વેક્ષણમાં ૧,૦૮૦ અમેરિકી પત્રકારો પૈકી ૨૮ ટકાએ પોતાને ડેમોક્રેટ ગણાવ્યા હતા. માત્ર સાત ટકાએ જ પોતાને રિપબ્લિકન ગણાવ્યા હતા! ૧૯૭૧માં ૩૫ ટકા ડેમોક્રેટ હતા. ૧૯૮૨માં ૩૮.૫ ટકા અને ૧૯૯૨માં ૪૪.૧ ટકા ડેમોક્રેટ હતા. તે પછી ઘટાડાનો ટ્રેન્ડ ચાલ્યો. ૨૦૦૨માં ૩૫.૯ ટકા થયો.

જોકે કેટલાકનું એમ પણ માનવું છે કે ડેમોક્રેટની સંખ્યા વધુ હશે કારણકે તેમણે પોતાની ઓળખ છુપાવવા પોતાને અપક્ષ ગણાવ્યા હોઈ શકે. આમ, ડાબેરી-સેક્યુલર-લિબરલ એવા પત્રકારોની બદમાશી અમેરિકામાં પણ છે. તમે માર્ક કર્યું હોય તો જ્યૉર્જ બુશ, ડૉનાલ્ડ ટ્રમ્પ વગેરે વિશે હંમેશાં તેમના ચિત્રવિચિત્ર ફોટા સાથે અમેરિકાના મિડિયા (અને આપણું મિડિયા પણ) ટીકાત્મક અહેવાલો જ વધુ છાપશે. આથી ત્યાં પણ મિડિયા પરથી કન્ઝર્વેટિવોનો ભરોસો ઉઠી ગયો છે. ટ્રમ્પને પ્રાઇમરીમાં મળેલા મતોથી હવા કઈ બાજુની છે તે માપી જઈ સીએનએને ટ્રમ્પ તરફી પત્રકારોને રાખ્યા હતા પરંતુ સીએનએનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ જેફ ઝુકરે કહ્યું કે “મને ખબર છે કે (અમારી ચેનલના ઘણા પત્રકારોને) કૉરી લેવાન્ડોવસકી કે બીજા ટ્રમ્પ તરફી પત્રકારોથી વાંધો છે. તેનું કારણ એ છે કે તેમને ટ્રમ્પે ચૂંટણીમાં ઝૂકાવ્યું તે ગમ્યું નથી. અને આથી તેમને અણગમો છે કે ‘આવા’ લોકો સેટ પર કઈ રીતે હોઈ શકે?”

‘ન્યૂઝ બસ્ટર’ નામની વેબસાઇટ લિબરલોના મિડિયા બાયસ સામે લડે છે. તેના એક્ઝિક્યુટિવ એડિટર ટિમ ગ્રેહામે કહ્યું કે ઘણા યુવાન કન્ઝર્વેટિવ પત્રકારો મિડિયામાં કામ કરવા માગે છે, પરંતુ તેમને નોકરીએ લેવા તો જોઈએ ને!

બસ, આ જ સ્થિતિ ભારતમાં મિડિયા, હિન્દી ફિલ્મો અને શિક્ષણ ક્ષેત્રે છે.

film, international, media, sanjog news, vichar valonun

હૉલિવૂડ પર અસહિષ્ણુ લિબરલોનો કબજો કેમ?

(વિચાર વલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧/૭/૧૮)

સામાન્ય રીતે ભારતના મિડિયામાં પશ્ચિમ વિશે એક જ પ્રકારનો સૂર જોવા મળે છે. કલ્ચરલ માર્ક્સિસ્ટો (આમ તો કલ્ચરલ ટેરરિસ્ટો) એવા બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ પશ્ચિમાંધપણા અને ત્યાંની વિકૃતિથી પીડાઈને અને એ વિકૃતિનો પ્રચારપ્રસાર કરવા માટે આપણા પર પોતાના કુવિચારોનો સતત મારો ચલાવતા રહે છે. પશ્ચિમમાં તો પ્રમાણિકતા બહુ, સ્વચ્છતા બહુ, ફ્રી સેક્સ, લોકો ગમે તેવાં કપડાં પહેરે તો પણ ચાલે, જાહેરમાં ભેટાભેટી કે કિસમકિસી કરે તો પણ ચાલે, બધી વૈજ્ઞાનિક શોધો ત્યાં જ થઈ, એ લોકો વૈજ્ઞાનિક અને તર્કવાદી જ્યારે ભારતના લોકો ગમાર, ગામડિયા, અંધશ્રદ્ધાળુ, જડસુ, વાનરસેના જેવા, અપ્રમાણિક, અસ્વચ્છ, સેક્સ પ્રત્યે સૂગ ધરાવે, કપડામાં અને ખાણીપીણીમાં રૂઢિચુસ્તતતા વગેરે વગેરે.

આનું કારણ એ છે કે આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ બહુ સંશોધનમાં પડવા નથી માગતા. તેમનો વન પૉઇન્ટ એજન્ડા જ હોય છે કે ભારતને ખરાબ ચિતરવું જેથી ભારતનું ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રીમ વિદેશ જતું રહે. આના માટે તેમને વિદેશ તરફથી ડૉલર મળતા હશે કે નહીં તે તો રામ જાણે, પણ હા, તેનાથી તેમને કેટલાંક વર્તુળોમાં વાહવાહ જરૂર મળી રહે છે. આ વર્તુળમાં રાષ્ટ્રવાદી વિચારો ધરાવતા છતાં લઘુતાગ્રંથિથી પીડાતાં સંગઠનોનો પણ સમાવેશ થાય છે જે પણ પેલા બ્રાહ્મણની મનોદશામાં આવી જાય છે કે ખભે ખરેખર કૂતરું જ છે.

હકીકતે ભારતની સંસ્કૃતિ પ્રશ્નો પૂછવાની અને તર્ક કરવાની રહી છે છતાં આપણને અંધશ્રદ્ધાળુઓમાં ખપાવી દેવામાં આવે છે. ભારતમાં તર્ક કરવો અને સંવાદ કરવો તે મુખ્ય સંસ્કૃતિ રહી છે. તેથી ખુલ્લું મન રાખવું જરૂરી છે. ભારતે અને હિન્દુ ધર્મે જેટલી નવી બાબતો સ્વીકારી, કેટલીક તો નુકસાન જાય એ હદે સ્વીકારી, (હવે તો ભગવાનની જન્મજયંતીએ કેક ધરાવાય છે!) તેટલી અન્ય કોઈ પંથે સ્વીકારી નથી, તેમ છતાં આ બુદ્ધુજીવીઓ અને કલમઘસુ આ ધર્મને-આ દેશને સતત બદનામ કરવાની પ્રવૃત્તિમાં મંડી પડ્યા છે. તમે પરંપરાનો વિરોધ કરો તો તમે પ્રગતિશીલ ગણાવ તેવી માન્યતા ઠોકી બેસાડી છે. લઘુમતીને ભડકાવો, સ્ત્રીઓને પરંપરાઓ સામે બળવો કરવા ઉશ્કેરો, કપડાં ટૂંકા પહેરો, જાતીયતાનું પ્રદર્શન કરો, પબ્લિક ડિસ્પ્લે ઑફ અફૅક્શનના નામે જાહેરમાં પ્રેમચેષ્ટાઓ કરો તો તમે ઉદાર. તમે અંગ્રેજી બોલો તો તમે આધુનિક. તમે ખભા ઉલાળીને વાત કરો તો તમે વેલ બિહેવ્ડ. જાહેરમાં પ્રેમની ચેષ્ટા કરો તો તે કુદરતી આવેગની અભિવ્યક્તિ પરંતુ કુદરતી આવેગવશ અને જાહેર શૌચાલયના અભાવે દેવીલાલ (પૂર્વ નાયબ વડા પ્રધાન) સડક પર લઘુશંકા કરે તો તેનો અખબારમાં ફોટો છાપી તેમને બદનામ કરવામાં આવે! આનું કારણ ભારતીય મિડિયામાં ભારતીયતાના વિરોધી લોકો કુંડાળું મારીને બેઠા છે. રાષ્ટ્રવાદીઓ ખુલીને બહાર આવતા નથી. તેમનામાં સંપ નથી એ પણ કડવી હકીકત છે. ફિલ્મ જગત અને શિક્ષણ જગતમાં પણ આવું જ છે.

પરંતુ માત્ર ભારતમાં જ આવું નથી, પશ્ચિમના જે લોકો શિષ્ટતામાં માને છે, જે લોકો પરંપરામાં માને છે તેમની પણ આ જ વેદના છે. પશ્ચિમમાં હૉલિવૂડ, મિડિયા અને શિક્ષણમાં આ લિબરલો-કલ્ચરલ માર્ક્સિસ્ટો કઈ રીતે ચડી બેઠા? અને તેમણે એવો તે કઈ રીતે પગદંડો જમાવી દીધો કે કોઈ રૂઢિચુસ્ત (કન્ઝર્વેટિવ) હોય (રૂઢિચુસ્તનો અર્થ નેગેટિવ ન લેવો જોઈએ, સારી પરંપરા હોય તો શું તે માત્ર પરંપરા છે એ જ કારણસર ફગાવી દેવાની?) તો તેને કામધંધાની પણ મુશ્કેલી પડી જાય?

જે બુદ્ધુજીવીઓ અને કલમઘસુઓ એવી દલીલ કરે છે કે પશ્ચિમમાં તો અભિવ્યક્તિની ખૂબ જ સ્વતંત્રતા છે તેમના સુધી આ લેખ પહોંચશે અને વાંચશે તો ચોંકી જશે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર લિબરલો પૂરતી જ સીમિત છે. તમે જો લિબરલ ન હો તો તમને અભિવ્યક્તિની કોઈ સ્વતંત્રતા નથી. અને જો તમે એ સ્વતંત્રતાનો પ્રયોગ કરો તો તમારે કામધંધો ભૂલી જવાનો. તમારું જીવવાનું હરામ કરી નાખે આ લિબરલો. તેઓ ભારે અસહિષ્ણુ હોય છે, તેઓ ટોળકી જમાવીને બેસે છે. આ ટોળકીનું નેટવર્ક જબરદસ્ત હોય છે. માનો કે મિડિયાની જ વાત કરીએ તો, અલગ-અલગ ચેનલ કે અખબારમાં લિબરલો રહેલા હોય તો તેમની વચ્ચે જોરદાર સંપર્ક હોય છે. એમાં કોઈ ખોટી વાત નથી. પરંતુ તેઓ તેમના પોતાના અખબાર કે ચેનલ તો ઠીક, પરંતુ હરીફ અખબાર કે ચેનલમાં પણ કોઈ વિરોધી વિચારવાળાને ઘૂસવા નહીં દે.

અમેરિકાની જ વાત કરીએ એટલે આ દાખલા વધુ સમજાશે કારણકે આપણને પશ્ચિમનાં ઉદાહરણોની ટેવ પડી ગઈ છે. નીલ ગ્રોસ નામના સૉશિયૉલૉજીના પ્રૉફેસર છે. તેમણે સૉશિયૉલૉજી અને પૉલિટિકલ વિષયો પર અનેક પુસ્તકો લખ્યાં છે. તેમનો ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’માં લેખ છે (અને તે પણ ગત જાન્યુઆરીનો એટલે કે તાજો જ) – ‘વ્હાય હૉલિવૂડ ઇઝ સૉ લિબરલ?’. આ લેખ વાંચવા જેવો છે. જેમ ભારતના ફિલ્મી એવૉર્ડમાં અભિનેતા-અભિનેત્રીઓ, ખાસ કરીને અભિનેત્રીઓ હવે નામ પૂરતાં કપડાં પહેરે છે, હિન્દી ફિલ્મ માટેનું ભાષણ અંગ્રેજીમાં આપે છે, વિદેશમાં પ્રશંસા મેળવવા પ્રિયંકા ચોપરા રોહિંગ્યા મુસ્લિમોને મળવા જાય છે (પરંતુ કાશ્મીરી પંડિતોને મળવા નથી જતા) તેમ હૉલિવૂડના એવૉર્ડનું પણ છે. ભારતમાં અક્ષયકુમાર અને અજય દેવગન જેવા કલાકારો ગમે તેટલી હિટ ફિલ્મો આપે તેમને એવૉર્ડ નહીં મળે. પોતાની એકેય ફિલ્મમાં હજુ સુધી કિસનું દૃશ્ય ન કરનાર સલમાનને પણ એવૉર્ડ ઓછા મળશે. આમીર ખાનને નહીં જ મળે. પરંતુ એવૉર્ડના સ્ટેજ પર ગે ચેષ્ટાઓ અને તેવા જૉક ફટકારનાર, બીજાનું અપમાન કરનાર, શાહરુખ-કરણ જોહર પર એવૉર્ડની વર્ષા થશે. નીલભાઈ લખે છે કે ગૉલ્ડન ગ્લૉબ અને ક્રિટિક્સ ચૉઇસ એવૉર્ડમાં પણ અભિનેતા-અભિનેત્રી પોતે કેટલા ‘પ્રૉગ્રેસિવ’ છે તે બતાવશે. એવૉર્ડ સ્વીકારતાં ભાષણોમાં વંશીય ન્યાય, માધ્યમોનું સ્વાતંત્ર્ય, માનવ અધિકારો વગેરેની મોટીમોટી વાતો કરશે.

આનું એક કારણ તો એ છે કે ભારતમાં જેમ મોટા ભાગના કલાકારો મુંબઈમાં રહે છે તેમ અમેરિકામાં હૉલિવૂડના ૫૭ ટકા લોકો કાં તો કેલિફૉર્નિયામાં રહે છે અથવા તો ન્યૂ યૉર્કમાં. કેલિફૉર્નિયા અને ન્યૂ યૉર્ક સામાન્ય રીતે ડેમૉક્રેટિક પક્ષના મજબૂત ગઢ છે. આથી ડેમૉક્રેટ પક્ષને નાખુશ કરીને તમે હૉલિવૂડ કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ટકી ન શકો.  ફિલ્મ જગતમાં રહેવું હોય તો યૂનિયનના સભ્ય પણ રહેવું પડે. ચાહે તે સ્ક્રીન ઍક્ટર ગિલ્ડ હોય કે ઍક્ટર્સ ઇક્વિટી ઍસોસિએશન, આ યૂનિયનો મોટાભાગનાં સામ્યવાદી છે. (ડિટ્ટો ભારતીય ફિલ્મ જગત. ત્યાં પણ સામ્યવાદીઓ પહેલેથી જ ચોકો જમાવી બેસી ગયા છે.) કોઈ ગુંડો કોઈ વ્યક્તિને એક વાર માર પડે પછી તે વ્યક્તિ હંમેશાં ગુંડાથી દબાયેલી જ રહે છે, તેમ કૉંગ્રેસે કટોકટી (ઇમર્જન્સી) લાદી અને તે વખતે ફિલ્મ કલાકારોને સંજય ગાંધીના દરબારમાં ફરજિયાત કાર્યક્રમો કરવા પડેલા. તે પછી એટલી હદે ધાક પેસી ગઈ કે તમે ૮૦ના દાયકામાં આવેલા જિતેન્દ્ર, હેમા માલિની, શ્રીદેવી અભિનિત ‘જસ્ટિસચૌધરી’ ફિલ્મમાં જસ્ટિસ ચૌધરી બનેલા જિતેન્દ્રના ઘરમાં દીવાલ પર પં. નહેરુની તસવીર જોઈ શકો. અરે! ૨૦૦૮માં આવેલી આમીર ખાન નિર્મિત ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’માં પરેશ રાવલના પોલીસ મથકની દીવાલ પર ઈન્દિરા ગાંધીની તસવીર દેખાશે. નરેન્દ્ર મોદીજીના માનીતા અને ભાજપ માટે પ્રચાર પણ કરતા નિર્માતા-કલાકારોની સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ નહેરુ કે ઈન્દિરાજીની તસવીર પૉલીસ મથકમાં જોવા મળી હતી. પરંતુ જો આજે કોઈ ફિલ્મમાં દીવાલ પર અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદીની તસવીર દેખાય તો આ લિબરલો હોબાળો મચાવી દે! (આ તસવીરો પણ અચેતન મગજમાં એક સંદેશ આપતી હોય છે. જો તેમ ન હોત તો ભાજપના નેતાઓ મંચ પર નરેન્દ્ર મોદી-અમિત શાહ કે કૉંગ્રેસના નેતાઓ મંચ પર સોનિયા-રાહુલની વિશાળ તસવીરો સાથેનું બૅનર ન લગાડતા હોત)

આમ, હૉલિવૂડ કે બૉલિવૂડમાં તમારે કામ કરવું હોય તો લિબરલ ટોળકીના ભાગ રહેવું જ પડે. કલાના જગતમાં કોઈ અનામત નથી હોતી કે કોઈ એવા નિયમો નથી હોતા કે જેના વિરુદ્ધ તમે કૉર્ટમાં જઈ શકો. ઈમરાન હાશ્મીને મુંબઈમાં ઘર ન મળે તો તે બૂમરાણ મચાવી શકે છે જેને મિડિયા હાઇપ પણ આપે છે પરંતુ વિવેક ઓબેરોય ઐશ્વર્યા રાયને અતિશય હેરાનગતિ કરનારા સલમાન ખાન સામે પડે તો વિવેકની કારકિર્દીને એટલું નુકસાન થાય કે તે ક્યારેય બેઠો થઈ શકતો નથી. (આમાં અભિનયક્ષમતાની જો કોઈ બુઠ્ઠી દલીલ કરે તો તે ન ચાલે કારણકે વિવેકે ‘કંપની’ જેવી હાર્ડ હિટિંગ, ‘સાથિયા’ જેવી રોમેન્ટિક ફિલ્મ કે પછી ‘મસ્તી’ જેવી સેક્સ કૉમેડી ફિલ્મો દ્વારા પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરેલી જ છે.) એટલે હૉલિવૂડમાં પણ આવું જ છે. અહીં જો તમે લિબરલોની ટોળીના ભાગ ન હો તો તમને કામ મળવું મુશ્કેલ છે. સ્ટેશી ડેશ જેવી જાણીતી અભિનેત્રી, ટીમ એલન જેવા પ્રસિદ્ધ અભિનેતા અને કૉમેડિયન, અભિનેતા કેલસી ગ્રામર, અભિનેત્રી એન્જી હાર્મન સાથે શું કર્યું આ લિબરલોએ તે આવતા અંકે. લિબરલોની દાદાગીરી અંગે ઘણીઘણી વાતો કરવાની છે. આ કૉલમ ચૂકવાનું પોસાશે નહીં.

(ક્રમશ:)