hindu, religion, sanjog news, vichar valonun

કુંભ, યુવા કુંભ અને લખનઉની એ યાત્રાનાં સંસ્મરણો

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૦૬/૦૧/૧૮)

કુંભ એટલે સમગ્ર ભારત અને વિદેશમાંથી એક જ જગ્યાએ આધ્યાત્મિક દિવ્ય ચેતનાનું એકત્ર થવું! હજારો વર્ષોથી કોઈ સરકાર કે સંસ્થા દ્વારા આયોજન થયા વગર આપમેળે દેશ-વિદેશથી લોકોનું દર બાર વર્ષે જ્યારે ગુરુ રાશિ બદલે ત્યારે કુંભ મેળો આયોજિત થવો એ કઈ રીતે થતો હશે? ત્યારે તો કોઈ કહેવાતું પશ્ચિમી વિજ્ઞાન વિકસિત થયું નહોતું? આવો કોઈને પ્રશ્ન થયો? કેમ કુંભ મેળાને ‘રામ ઔર શ્યામ’ કે ‘સીતા ઔર ગીતા’ હિન્દી ફિલ્મોમાં સામ્યવાદી અસર હેઠળ માત્ર નકારાત્મક રીતે બાળકો ખોવાઈ જાય તે રીતે બતાવાયો તે પ્રશ્ન થયો? (બંને ફિલ્મો મારી માનીતી છે, માત્ર મનોરંજન છે તેમ માનું છું પણ આમાં આ રીતે જે અંડરકરન્ટ મેસેજ બતાવાય તે અસર ન થાય?)

કુંભ મેળો રાશિઓ અને ગ્રહો સાથે જોડાયેલો છે. એટલે જે બુદ્ધુજીવીઓ ‘નાસા’ની પીપૂડી જ વગાડવગાડ કરે અને તુલસીદાસ જેવા સંતની પૃથ્વીથી સૂર્ય વચ્ચેના અંતરને જણાવતી આધ્યાત્મિક ચેતનાને વખોડે તેમને કુંભ મેળો એ જવાબ છે કે હજારો વર્ષો પહેલાંથી જેને આજના આ લિબરલો-સેક્યુલરો-ફિલ્મોમાં રહેલા અર્બન નક્સલો માત્ર ભગવાધારી વસ્ત્રોને કારણે વ્યભિચારી, સાધુ ઔર શૈતાન એવી માત્ર એક તરફી વ્યાખ્યામાં ચિત્રિત કરી દે છે, જે પોતડીધારી, ટીલાંધારી, પાઘડીધારી, શિખાધારી પંડિતો હતા, જે કદાચ રહેતા હોય એક જ ઓરડીમાં પણ જો પૂછવામાં આવે કે પંદર વર્ષ પહેલાં ચંદ્રગ્રહણ ક્યારે હતું તો ફટ દઈ એકાદ ચોપડો કાઢે, આંગળીના વેઢે કેટલીક ગણતરી માંડે અને ફટ દઈને કહી દે કે આ વાર અને મહિનામાં! નાસા અત્યારે જે ટૅક્નિક વાપરે છે તે તો ૧૯મી સદીમાં શોધાઈ, એવા આ સંતો ને પંડિતો પાસે જે વિદ્યા હતી તેને બુદ્ધુજીવીઓએ ધર્મમાં ખપાવી હાંસીને પાત્ર કરી દીધી. કેટલાક લોકો હજુ પણ એ વિદ્યા જાળવીને બેઠા છે તે રાહતની વાત છે. બાકી, આવી ઘણી વિદ્યા છે મુખ કો દેખ કે મન કી પુસ્તક વાંચવાની.

બાળક સવારે ઊઠતું ન હોય તો માતા કે દાદી પ્રભાતિયાં ગાતી હોય, આજે એવી ભાગદોડવાળી જિંદગી હોય કે માતાઓને સવારસવારમાં મરશિયાં ગાવાં પડે! (વૉટ ઇઝ પ્રભાતિયાં?) રાત્રે સૂતી વખતે દાદાદાદી નવીનવી વાર્તા કહે પણ આજે પઝેસિવ માતાને બાળકને પોતાનાં સાસુસસરા પાસે મૂકવું જ નથી ગમતું. તો કેટલીક જગ્યાએ આવું નાનાનાની માટે પણ થતું હોય. આ બાળક રાત્રે સૂવા જાય ત્યારે દાદા કે નાના મોંપાટ બોલાવે અને સવા-દોઢિયા વગેરે ઘડિયા યાદ કરાવે, ગુજરાતી-અંગ્રેજી ભાષાના સ્પેલિંગ યાદ કરાવે. નવાઈ નથી કે આ જ પેઢીનાં બાળકો મોટા થઈને નાસા કે ગૂગલમાં કે ફેસબુકમાં, ગણિતની સૌથી વધુ જ્યાં જરૂર પડે ત્યાં ટોચના પદે બેઠાં છે. ઓબામા રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે કહેવું પડેલું કે ભારતથી આવતા કે ભારતીય મૂળના વિદ્યાર્થીઓથી ચેતજો, બહુ દૂરની વાત નથી. પાંચ વર્ષ પહેલાંની વાત જ છે. ઓબામાએ કહેલું કે ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓ અમેરિકનોને ગણિત અને ટૅક્નૉલૉજીમાં હંફાવે છે.

કહેવાનો અર્થ એ છે કે આ બધું મોબાઇલના જમાનામાં ભારતમાં જળવાવું જોઈએ. હવે મોબાઇલ, ગૂગલ, એલેક્સા, ગૂગલ આસિસ્ટન્ટ, કીબૉર્ડ પ્રિડિક્શન તમારા મગજનો દોરીસંચાર કરી રહ્યા છે. તમારી યાદશક્તિને ક્ષીણ કરી રહ્યા છે. પહેલાં તમે કેટલા ફૉન કે કાર નંબર યાદ રાખી શકતા? આજે બાળકોને જો તેમનો મોબાઇલ ખોવાય જાય, તેમના ઘરના લોકોના મોબાઇલ નંબર મોઢે બીજા પાસે ડાયલ કરાવી શકે છે? એવું નથી કે નવી પેઢીને વગોવવી છે. માત્ર કેટલીક માબાપની જનરેશન જેમના પર બાળકોને ઘડવાની જવાબદારી છે તેમને ચેતવવા છે કે તમારાં બાળકોને માત્ર મોબાઇલ, વિડિયો ગેમ, યૂટ્યૂબના ભરોસે ન છોડો. નાનપણમાં તમને તે શાંતિ અપાવશે અને મોટા થશે ત્યારે તમને જ તે સિરદર્દ થશે.

ફરી કુંભની વાત પર આવીએ. ભારતમાં રાષ્ટ્રવાદની વાત થાય એટલે કેટલાક યુવાન લિબરલોને મરચાં લાગે છે. ઉડી સ્ટ્રાઇક જેવી સેનાના પરાક્રમની ગાથા કહેતી ફિલ્મથી પણ. આ લોકો એવા જૂના લિબરલોના પ્રચારનો ભોગ બન્યા હોય છે કે ભારત તો એક રાષ્ટ્ર જ નહોતું. પરંતુ કુંભ બતાવે છે કે આખા ભારતમાંથી અને વિદેશથી લોકો આ મેળામાં શા માટે આવતા હતા? (જોકે આ લિબરલ બદમાશો, જેઓ હિન્દુ સંસ્કૃતિની માત્ર નકારાત્મક બાજુ જોવા જ ટેવાયેલા છે તેઓ કહેશે, ગાંજાચરસનો નશો કરવા.) કઈ રીતે કોઈ વૉટ્સએપ, કોઈ ટીવી ચૅનલ કે રેડિયો વગર લોકોને સંદેશો મળી જતો હશે કે કુંભ મેળો ક્યારથી ક્યાં સુધીમાં યોજાવાનો છે? કઈ રીતે ત્યાં રહેવાની, ખાવા-પીવાની, ટાઢ-તડકા ને વરસાદથી બચવાની વ્યવસ્થા થતી હશે? કેટલી સંખ્યા ઉમટી પડશે તેની ગણતરી કેમ માંડતા હશે? આટલા બધા લોકોની સાગમટે વ્યવસ્થા કરવી કેટલી અઘરી છે તે દરેક જણ જાણતું જ હોય કારણકે તેમને ત્યાં જનોઈ, લગ્ન વગેરે પ્રસંગો આવતા હોય છે. પરંતુ કુંભ મેળો કોઈ ઈશ્વરીય ચમત્કાર હોય તેમ હજારો વર્ષોથી વિના અવરોધ યોજાતો રહ્યો છે. (કોઈ લિબરલ વળી ટપકશે કે ઈસ્લામિક આક્રમણો અને શાસનમાં તેને બંધ કેમ ન કરવામાં આવ્યો તો જવાબ એ છે કે સામે હિન્દુઓની ટક્કરને નજર અંદાજ કરવા જેવી નથી, ભલે રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર અભ્યાસમાં અકબરને ફરીથી મહાન બનાવવાની વાત કરવા લાગે.)

થોડાં સમયથી હવે કુંભના પૂર્વ કાર્યક્રમોના ભાગરૂપે વૈચારિક કુંભોનું આયોજન થવા લાગ્યું છે. આ વખતે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કુલ પાંચ વૈચારિક કુંભોનું આયોજન કરાયું હતું- વૃંદાવનમાં માતાઓનો માતૃશક્તિ કુંભ, વારાણસીમાં સર્વ સમાવેશી ભારતીય ચિંતન, પ્રયાગમાં પર્યાવરણ, અયોધ્યામાં સમરસતા અને લખનઉમાં યુવા કુંભનું આયોજન કરાયું હતું. આ પ્રકારના કુંભ એટલે વૈચારિક ગોષ્ઠિઓ!

યુવા કુંભમાં દેશભરમાંથી રજિસ્ટ્રેશન દ્વારા અંદાજે અઢી હજાર જેટલા અલગ-અલગ ક્ષેત્રનાં યુવાન-યુવતીઓ ઉમટી પડેલા. જેઓ માત્ર રાજકીય ચશ્માથી જ જુએ છે અને ટેબલ પર બેસીને કમ્પ્યૂટર પર ગૂગલ કરીને લખવાની જેમને ટેવ પડી છે તેઓ ભલે જે કહે તે, પરંતુ આ યુવા કુંભે બતાવ્યું કે યુવાનો ખૂબ જ મેધાવી, પ્રતિભાશાળી અને ઊર્જાથી ભરપૂર છે. આ લેખક આ વાત એટલા માટે કહી શકે કારણકે એક પત્રકાર તરીકે ગુજરાતમાંથી આ લેખકે ત્યાં જઈને તેનો સ્વાનુભાવ મેળવેલો છે. પરંતુ યુવા કુંભની વાત કરીએ તે પહેલાં લખનઉ જતાં ટ્રેનમાં બીએસએફની દાંતીવાડા ચોકી પર ફરજ બજાવતા અધિકારી એ. કે. સિંહનો ભેટો થઈ ગયો તેમની ગુજરાતની જનતા વિશેની વાત કરવી જોઈએ.

તેઓ કહે છે, “ગુજરાતની જનતા સુરક્ષા અધિકારીઓને જેટલો પ્રેમ આપે છે તેટલો અમને પંજાબ કે જમ્મુ-કાશ્મીર વગેરે કોઈ જગ્યાએ પ્રેમ મળતો નથી. કોઈ ને કોઈ સંસ્થા આવે, કૂલર આપે કે બીજી કોઈ સુવિધા આપે, અમારું સન્માન કરે, અમારા પરિવારજનોને માન આપે તો અમારી છાતી કેવી ફૂલે!” એ. કે. સિંહ નરસિંહરાવ વડા પ્રધાન હતા ત્યારે તેમની સુરક્ષામાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ કહે છે કે “મારે તો નિવૃત્તિ પછી ગુજરાતમાં જ સ્થાયી થવું છે. અહીં કેટલી શાંતિ, સુરક્ષા અને ભાઈચારો છે!” એ. કે. સિંહ મૂળ લખનઉના છે. તેમનું કહેવું છે કે લખનઉમાં બે પ્રકારના લોકો વસે છે એક જે સંસ્કૃતિવાળા અને એક જે દાદાગીરીવાળા. ટ્રેન ગુજરાત છોડે પછી તમારું આરક્ષણ હોય તો પણ તમારી બેઠક પર તમને ઉઠાડીને કબજો કરી લે અને કહે, “ટ્રેન તુમ્હારે બાપ કી થોડે હી હૈ?”

અત્યારે આવા કેટલાક યુવાનો જોવા મળે છે, તેનું કારણ એ છે કે સિરિયલોમાં, ફિલ્મોમાં, સ્ટેન્ડ અપ કૉમેડીમાં એવું બતાવાય છે જેના લીધે માતાપિતા પ્રત્યે સન્માન ન રાખવા તરફ યુવાનો પ્રેરાય. ગાળાગાળીમાં અશ્લીલતા ઉમેરો અને હિંસાનો ભરપૂર વઘાર કરો એટલે જે કથા મળે તે કરતાં તો ૮૦ના દાયકાની ફિલ્મોમાં, હવે સ્વ. કાદરખાન, શક્તિ કપૂર, અસરાની અને અરુણા ઈરાની દ્વારા કરાતી કૉમેડી કેટલીય સારી લાગે (ત્યારે આ કલાકારોની કેવી ટીકા થતી તે તે સમયના અખબારો જેમણે વાંચ્યા હોય તેમને ખબર હશે). પરંતુ યુવા કુંભમાં સહભાગી યુવાનોને જુઓ તો આ છાપ દૂર થઈ જાય.

મધ્ય પ્રદેશના ઈન્દોરના કુનાલ ભંવર માત્ર ઓગણીસ-વીસ વર્ષની આસપાસના જ છે. પરંતુ તેઓ એક વાર વીર રસથી ધગધગતી કવિતા ગાવા કે કહેવા બેસે તો તમારા રૂંવાડા ઊભા થઈ જાય. તેઓ કાર્યક્રમોમાં એન્કરિંગ કરે છે. આ જ ઉંમર આસપાસની શિખા શર્મા પણ ઈન્દોરની જ છે, અને જીવંત માણસના ચહેરાની આબેહૂબ રંગોળી બનાવી જાણે છે અને તોય પ્રસિદ્ધિની એટલી ભૂખી ન જણાય. અહીં તો આનંદીબહેન પટેલ માટે એવું વાતાવરણ ‘બનાવી દેવાયેલું’  જેથી કેટલાક યુવાનો તેમને નફરત કરતા થઈ ગયેલા, પણ શિખા શર્માએ મધ્ય પ્રદેશનાં રાજ્યપાલ તરીકે તેમની રંગોળી અદ્ભુત બનાવી છે. આ જ રીતે ગત ચૂંટણીમાં પોતાના નાનીની રંગોળી બનાવીને મતદાનની અપીલ કરેલી. તેની રંગોળીમાં મહિલાઓ અને ખેડૂતોનું દર્દ પણ ઝળકે છે.

દીક્ષા ચૌહાણ આ જ શહેરની એવી પ્રતિભાવાન કન્યા છે જે તમારી સાથે અસ્ખલિત રીતે સંસ્કૃત, શુદ્ધ (શુદ્ધ એટલે, જેને અંગ્રેજીમાં સંસ્કૃતાઇઝ્ડ હિન્દીનો થપ્પો લિબરલોએ મારી દીધો તે, ખરેખર તો આજે સમાચારના બદલે ‘ખબરિયા’ ગણાવતી ચેનલોમાં હુજૂમ, ઝહન, ફેહરિશ્ત વગેરે ઉર્દૂનો છૂટથી મારો થાય છે તે જોતાં ઉર્દૂઆઈઝ્ડ હિન્દી કહેવું જોઈએ) હિન્દી, અને જી હા, ઉર્દૂમાં કલાકો સુધી બોલી શકે છે. અને પોતે નાની ઉંમરથી કવિતાઓ, શાયરીઓ લખે પણ છે.

જો આ ટ્રેલર હતું તો યુવા કુંભમાં નવ વર્ષથી બધિર બની ગયેલા રાજસ્થાનના અલવર પાસેના એક ગામડાના મણિરામ શર્મા અને પંતનગરનાં શ્વેતા ગુપ્ત (ખરેખર તો મિશ્રા નથી પણ મિશ્ર છે, ગુપ્તા નથી પણ ગુપ્ત છે, પરંતુ રામનું રામા, યોગનું યોગા જેવું અટકનું પણ થયું છે.) જેવી વીસ પ્રતિભાઓ કેવી હશે જેમનું ત્યાં સન્માન કરાયું! મણિરામ શર્માની વાત આપણી કેટલીક નેગેટિવ મિડિયા ઇન્ડસ્ટ્રી કદાચ નહીં કહે, પરંતુ મણિરામજીના પિતા ખેતમજૂર. મણિરામ પોતાના દૃઢ મનોબળ પર આગળ વધ્યા, યુવા ઉંમરે કાનનું ઑપરેશન કરાવી શ્રવણશક્તિ મેળવી, પંદર વર્ષથી સતત આઈએએસની પરીક્ષા આપી અને છેવટે આઈએએસ અધિકારી થઈને રહ્યા. શ્વેતા ગુપ્તે માત્ર ઓગણીસ વર્ષની ઉંમરમાં યુવાનો માટે ત્રણ પુસ્તકો લખ્યાં! વિવેકાનંદ સ્વાધ્યાય મંડળ સાથે મળીને યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે…

આવી યુવા પ્રતિભાઓમાં ઓર વધારો થતો રહેવો જોઈએ! ભારત તેરે ટુકડે હોંગે કહીને લોકોના ટૅક્સ પર પીએચ.ડી. કરીને કાશ્મીરની સેનાને બળાત્કારી કહેનારાઓ, પથ્થરબાજોનો બચાવ કરનારાઓ બુઢા યુવાનો અને  મિડિયામાં રહીને તેમને કવર ફાયરિંગ આપતા લોકોને પૉઝિવિટલી જવાબ તો આપવો પડશે ને.

Advertisements
hindu, media, religion, sanjog news, vichar valonun

આ દિવાળીએ ફૂટી રહ્યા છે કેટલાક પ્રશ્નોરૂપી ફટાકડા!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૪/૧૧/૧૮)

બે દિવસ પછી દિવાળી છે. આ દિવાળીએ શું ફટાકડા ઓછા ફૂટશે? ફટાકડા ફૂટશે તો સરકારી સમયની અંદર જ ફૂટશે? કેરળમાં સબરીમાલા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની સામે આંદોલન કરી રહેલા ભાજપની સરકાર ગુજરાતમાં ફટાકડા પર સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાનો અમલ ચુસ્ત રીતે કરાવશે?

પ્રશ્નો અનેક છે. શું માત્ર નવરાત્રિ પર જ લાઉડસ્પીકરનો ઘોંઘાટ પ્રદૂષણ અને માનસિક ત્રાસ ફેલાવે છે? અનેક મસ્જિદો પર એક સાથે દિવસમાં પાંચ વાર બેસૂરા અવાજમાં પોકારાતી બાંગથી પ્રદૂષણ અને માનસિક ત્રાસ નથી ફેલાતો? શું માત્ર ફટાકડાથી જ પ્રદૂષણ થાય છે? શું માત્ર દિવાળીએ જ આ આદેશનો ચુસ્તીથી અમલ થશે? નાતાલ અને ૩૧મી ડિસેમ્બરે રાત્રે આટલી ચુસ્તીથી અમલ થશે? દિવાળીએ તો લોકો સંયમિત રીતે ફટાકડા ફોડતા હોય છે. પરંતુ નાતાલ અને ૩૧મીએ છાકટા થઈને પૂરા મદમસ્ત થઈને ફટાકડા ફોડશે ત્યારે? બે વર્ષ પહેલાં ૩૧મી ડિસેમ્બરે બેંગ્લુરુમાં રાત્રે છોકરીઓની અને મહિલાઓની ભયંકર છેડતી થઈ હતી…પોલીસની ભરપૂર હાજરી હોવા છતાં. તો પછી ફટાકડા તો શું ચીજ છે?

જો ફટાકડા ફોડવાનું કોઈ હિન્દુ શાસ્ત્રોમાં નથી લખ્યું તો, ૩૧મી ડિસેમ્બરે છાકટા થવાનું, ફાર્મ હાઉસમાં દેશી-વિદેશી કૉલ ગર્લ બોલાવવાનું કે સૉફિસ્ટિકેટેડ હૉટલમાં બૅલે ડાન્સર બોલાવવાનું, દારૂ-માંસની જ્યાફત ઉડાવવાનું બાઇબલમાં લખ્યું છે? બકરી ઈદ પર બકરીને તડપાવી તડપાવીને મારવી કે પછી એક ઝાટકે મારવી તેવું કુર્આનની કઈ આયાત કહે છે? (કુર્આનની આયાત ૨૨:૩૭ તો કહે છે કે “તેનું માંસ અલ્લાહ સુધી નહીં પહોંચે અને ન તો તેનું લોહી, પરંતુ જે તેમની પાસે પહોંચશે તે છે તારી ભક્તિ.”)

રામમંદિરના કેસની સુનાવણી કરવા માટે સમય નથી પરંતુ ફટાકડાના કેસ, સબરીમાલાના કેસમાં ઝડપથી સુનાવણી થઈને ચુકાદા આવી જાય છે. આવું કેમ? બળાત્કારના આરોપી આસારામને જામીન નથી મળતા પરંતુ કેરળના બિશપ ફ્રાન્કો મુલક્કલને જામીન મળી જાય છે. આવું કેમ? (બંને કેસમાં ટૅક્નિકલ કારણો હશે જ જેના કારણે જ કૉર્ટે જામીન નહીં આપ્યા અથવા આપ્યા હશે, પરંતુ સામાન્ય લોકોને આ પ્રશ્ન થઈ રહ્યો છે.) આ બિશપને જામીન મળી ગયા પછી તેનું કેરળમાં ભવ્ય સ્વાગત થાય છે. આસારામના સમાચારોથી પાનાં ને પાનાં ભરી દેનારા અખબારો બિશપના સમાચાર કાં તો છાપતા જ નથી અથવા અંદરના પાને ખૂણામાં બે કૉલમમાં છાપી દે છે. આસારામ કેસમાં અમૃત પ્રજાપતિની હત્યા વખતે જેટલો હોબાળો મચ્યો હતો તેટલો હોબાળો બિશપ વિરુદ્ધ જુબાની આપનાર ફાધર કુરિયાકૉઝ મૃત મળી આવે છે તે સમાચાર પર નથી મચતો. ટીવી પર સાધુ કે શૈતાન જેવા અપર બૅન્ડ સાથે સામાન્ય લોકોના અચેતન મગજમાં સતત હિન્દુ સંતો બળાત્કારી, લંપટ અને વ્યભિચારી હોય છે તેવું ઠસાવતી ચેનલોએ બિશપના સમાચાર વિશે કેટલો સમય ફાળવ્યો? જેની ‘દયાની દેવી’ની છબી ઉપસાવી દેવાઈ તેવાં મધર ટેરેસાના ટ્રસ્ટની ખ્રિસ્તી નનો બાળકો વેચતાં પકડાઈ તેના વિશે મિડિયાએ કેટલી જગ્યા અથવા પ્રાઇમ ટાઇમનો સ્લૉટ ફાળવ્યો?

જૈન નમ્ર મુનિ પર બળાત્કારનો ખોટો આક્ષેપ થાય કે કોઈ જૈન મુનિ સંસારમાં પાછા ફરે ત્યારે સમાચાર ચેનલો અને અખબારોમાં તે સમાચારને જેટલું સ્થાન મળે છે તેટલું સ્થાન કોઈ મૌલવી બળાત્કારનો દોષિત ઠરે ત્યારે પણ મળે છે? (આરોપ લાગે ત્યારે તો નથી જ મળતું.) કોઈ સ્વામીનારાયણના સાધુનું કથિત દુષ્કૃત્યમાં નામ આવે ત્યારે જે રીતે અખબારો અને ટીવી ચેનલો મંડી પડે છે તે ચર્ચોમાં પાદરીઓના સજાતીય સંબંધો કે નનોના શારીરિક શોષણ અંગેના સમાચાર બતાવે છે? રોમન કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ વડા પૉપ ફ્રાન્સિસે ગત જાન્યુઆરી ૨૦૧૮માં નાના છોકરાઓના શારીરિક શોષણ કરી રહેલા પાદરીની સાથે ‘સાક્ષી’ રહેલા ચીલી દેશના બિશપનો બચાવ કરેલો તે સમાચાર તમારી પાસે પહોંચ્યા ખરા?

સુપ્રીમ કૉર્ટ પર પાછા ફરીએ. તાજેતરમાં સજાતીય સંબંધોની કલમ હટાવી દેવાઈ. વ્યભિચાર પરની કલમ ૪૯૭ હટાવી દેવાઈ. સજાતીય સંબંધ કે વ્યભિચાર ગુનો નથી તેવું કહેવાયું. બીજી તરફ, દિવાળીના દિવસે રાત્રે માત્ર આઠથી દસ વચ્ચે જ ફટાકડા ફોડવા તેવું કહ્યું. તે પછીના સમયમાં ફટાકડા ફોડાશે તો શું સજા થશે? સબરીમાલા મંદિરમાં માસિક ધર્મમાં હોય તે ઉંમરની સ્ત્રીઓના દર્શન પર પ્રતિબંધ સર્વોચ્ચ ન્યાયાલયે દૂર કરાવ્યો. પરંતુ જે સ્ત્રીઓએ અરજી કરી છે તેને હિન્દુ ધર્મ સાથે લેવાદેવા છે ખરી? ઇન્ડિયન યંગ લૉયર્સના વડા નૌશાદ અહેમદ ખાન છે જેણે અરજી કરી છે. જોકે સિફતપૂર્વક અરજીકર્તાઓનાં નામો ચાર હિન્દુ સ્ત્રીઓનાં જ જણાય છે.

ટીવી પર સબરીમાલાની ડિબેટ ચાલતી હોય ત્યારે પેનલમાં બિનહિન્દુ સ્ત્રીઓને બેસાડી દેવાય છે. તેઓ હિન્દુ સ્ત્રીઓને માસિક ધર્મમાં હોય તો પણ મંદિરમાં જઈ શકે તેવી દલીલ કરતી હોય છે. પરંતુ એ અલગ વાત છે કે તેમના પોતાના પંથમાં સ્ત્રીઓને ઉપાસના સ્થાનમાં જવાની છૂટ નથી હોતી. ટીવી સમાચાર ચેનલો આવી બિનહિન્દુ સ્ત્રીઓને ઈરાદાપૂર્વક બોલાવે છે?

લવ જિહાદની માન્યતાને સમર્થન આપનારા અનેક કિસ્સા મળી રહે છે, પરંતુ આનાથી વિપરીત વલણ જેવા કિસ્સામાં, હિન્દુ યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેનારી મુસ્લિમ રેહાના ફાતિમા સબરીમાલામાં ધરાર જવા માગે છે. તે પોતાનાં ઉપાસના સ્થળોમાં સ્ત્રીઓને પ્રવેશ માટે ચળવળ નથી ચલાવતી, પરંતુ તેને હિન્દુ ધર્મસ્થાનમાં પરંપરાને અને શ્રદ્ધાને તોડવી છે. હિન્દુ સ્ત્રીઓમાં શ્રદ્ધાળુ અને અશ્રદ્ધાળુ એવા ભાગલા પડાવવા છે. રેહાના મંદિરમાં સેનિટરી પેડ લઈને જવા માગે છે. તેને અટકાવવામાં આવે છે. આ રીતે તે હિન્દુ મહિલાઓને, જેમને તેમના પરિવારમાં તાર્કિક રીતે શિક્ષણ નથી મળતું કે તેઓ અપવિત્ર નથી, પરંતુ સ્વચ્છતાના નિયમના કારણે સબરીમાલા જેવા કેટલાંક મંદિરમાં જ દર્શન માટે નથી જઈ શકતી, તેમને ઉશ્કેરે છે. રેહાના ફાતિમા સામે હોબાળો કરવાના બદલે માધ્યમો કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીની ટીપ્પણીને ટ્વિસ્ટ કરીને હોબાળો કરે છે. સ્મૃતિ ઈરાનીએ એવું કહ્યું હતું કે તમે કોઈ બહેનપણીના ઘરે જાવ ત્યારે સેનિટરી પેડ લઈને જાવ છો? પરંતુ માધ્યમો ઈરાદાપૂર્વક એવા સમાચાર ફેલાવે છે કે સ્મૃતિ ઈરાનીએ મહિલાઓને માસિક ધર્મમાં હોય ત્યારે ઘરમાં જ બેસી રહેવા સલાહ આપી.

આ રેહાના ફાતિમા એ જ છે જેણે ‘કિસ ઑફ લવ’ના નામે જાહેરમાં અભદ્રતા (તેને પ્રેમ બિલકુલ ન જ કહેવાય)ની ઝુંબેશ ચલાવેલી. આ રેહાના ફાતિમા એ જ છે જેણે એક પ્રૉફેસરે અંગ પ્રદર્શન ન થાય તેવાં કપડાં પહેરવા કૉલેજની વિદ્યાર્થિનીઓને (કૉલેજ એ મૉડેલિંગ કરવાનું રૅમ્પ નથી. કેટલાક લોકો દલીલ કરશે કે સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં તે બીજાં કેવી રીતે નક્કી કરી શકે? જોકે આવી હાઇફાઇ સૉસાયટીવાળા પાછા પેજ થ્રી પાર્ટી રાખશે ત્યારે ચોક્કસ પ્રકારના કપડાં પહેરીને જ આવવું તેવા ડ્રેસ કૉડ રાખશે.) સલાહ આપી તો રેહાનાએ તરબૂચ સાથે ટૉપલેસ ફોટા પડાવ્યા. રેહાના ફિલ્મમાં ન્યૂડ સીન પણ આપી ચૂકી છે. મજાની વાત એ છે કે સેક્યુલર મિડિયામાં રેહાનાને ભક્ત (ડિવોટી) અને એક્ટિવિસ્ટ તરીકેનાં વિશેષણોથી સંબોધાય છે.

મોદી સરકારમાં કેરળના એક ખ્રિસ્તી પ્રધાન કે. જે. આલ્ફૉન્ઝે સબરીમાલા અંગે કહ્યું છે, “જે ખ્રિસ્તી છોકરી ચર્ચમાં પણ નથી જતી, જે મુસ્લિમ છોકરી મસ્જિદમાં માનતી નથી, તેઓ સબરીમાલામાં જવા માગે છે.” અચાનક મુસ્લિમ અને ખ્રિસ્તી યુવતીને ભગવાન અયપ્પામાં કેમ શ્રદ્ધા જાગી ગઈ?

‘બિગ બૉસ’માં દર વર્ષે પૉર્ન સ્ટાર કે ગૅ જેવા લોકોને કેમ લવાય છે? તે પ્રશ્ન પણ જાગે છે. અનુપ જલોટા અને જસલીન મથારુના કથિત પ્રેમના કિસ્સા અને તેને તમામ ભજનગાયકો સાથે જોડી દેવામાં આવે છે. જે રમૂજો સર્જાય છે તેમાં એવો અર્થ નીકળે છે કે ભજનગાયકો કરતાં પૉપ સિંગરો સારા. એ જ અનુપ જલોટા ‘બિગ બૉસ’માંથી હકાલપટ્ટી પામ્યા પછી ઘટસ્ફોટ કરે છે, “જસલીને મને કહ્યું હતું કે બિગ બૉસ તરફથી ફરજિયાત કહેવાયું હતું કે તે એક વિચિત્ર જોડી તરીકે જ જઈ શકે છે. (મતલબ કે જસલીને કોઈ એવી જોડી બનાવવી પડે કે જેનાથી દેશભરમાં ચકચાર મચે. આ જોડી લેસ્બિયનની હોઈ શકતી હતી, યા તો તેના કોઈ ગે પુરુષ સાથીની હોઈ શકતી હતી કે પછી અનુપ જલોટા જેવા ઘરડા વ્યક્તિની હોઈ શકતી હતી.) તમે મારા મેન્ટર છો. તમે ચાલો ને. તો મેં તેની અને તેના પિતાની વાત માની લીધી.”

‘બિગ બૉસ’માં જે પ્રેમાલાપો થાય છે તે મોટા ભાગે પબ્લિસિટી સ્ટંટ જ હોય છે? અનુપમા ચોપરા-આર્યન વૈદ્ય, પાયલ રોહતગી-રાહુલ મહાજન, વીણા મલિક-અસ્મિત પટેલ, ગૌહર ખાન-કુશાલ ટંડન, તનીષા મુખર્જી-અરમાન કોહલી, સારા ખાન-અલી મર્ચન્ટ, ગૌતમ ગુલાટી-ડાયાન્ડ્રા સોઅર્સ જેવાં દરેક સીઝનમાં મુખ્ય રૂપે ચર્ચિત યુગલો સીઝન પૂરી થયાં પછી છૂટાં પડી ગયા છે તેથી આવો પ્રશ્ન થાય છે.

આ બધું ‘કલ્ચરલ માર્ક્સિઝમ’ અથવા કહો કે ‘કલ્ચરલ ટેરરિઝમ’ના વિકૃત સિદ્ધાંત પર ચાલીને હિન્દુ સમાજને જ લક્ષિત કરાતું હોવાની છાપ પ્રથમ દૃષ્ટિએ ઉપસે છે.

ગુજરાત સહિત દેશભરમાં અનેક મહત્ત્વનાં મંદિરોનો વહીવટ સરકારોના હાથમાં છે, પરંતુ અન્ય પંથોનાં દેવસ્થાનો વિશે આવું નથી. આવું કેમ? અને કેરળમાં તો સામ્યવાદી સરકારે મંદિરોનો વહીવટ કરતા દેવસ્વોમ બૉર્ડમાં બિનહિન્દુને બૉર્ડના અધ્યક્ષ (કમિશનર) તરીકે મૂકવાની હિલચાલ કરેલી પરંતુ ભાજપના રાજ્ય પ્રમુખ પી. એસ. શ્રીધરને કેરળ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી કરતાં હાઇ કૉર્ટે કહ્યું કે માત્ર હિન્દુ જ બૉર્ડના અધ્યક્ષ બની શકે. ડાબેરી સરકારની આ બદમાશીને કેટલાં મિડિયાએ ઉજાગર કરી?

કેરળમાં હાઇ કૉર્ટે બીજો એક મહત્ત્વનો આદેશ આપ્યો. તેણે સબરીમાલા અંગે પોલીસને ચેતવણી આપી કે લોકોની (હિન્દુ શ્રદ્ધાળુઓ વાંચો)ની ભાવના સાથે ચેડા ન કરો. હિંસામાં સીધા સંડોવાયેલા હોય તેમની જ ધરપકડ કરો. ભીમા કોરેગાંવ કેસમાં સર્વોચ્ચના ન્યાયમૂર્તિ કહે કે સરકાર સામે અસંતોષ એ તો લોકશાહી માટે સૅફ્ટી વાલ્વ છે તો તેને અત્યંત મહત્ત્વ આપનારા મિડિયાએ કેરળ હાઇ કૉર્ટના ઉપરોક્ત બંને ચુકાદાને કેટલું મહત્ત્વ આપ્યું? પૂણેની કૉર્ટે માઓવાદીઓ સાથે સંબંધ ધરાવનારા ઉપરોક્ત એક્ટિવિસ્ટોની જામીન અરજી ફગાવી દીધી અને કહ્યું કે પોલીસે એકઠા કરેલા પુરાવા આ એક્ટિવિસ્ટોના માઓવાદીઓ સાથેના સંબંધો દર્શાવે છે, તે સમાચારને મિડિયાએ કેટલું પ્રાધાન્ય આપ્યું?

પંજાબમાં ગત જૂન મહિનામાં ૨૩ મૃત્યુ ડ્રગ્ઝના લીધે થયા. ગુજરાતમાં સ્વાઇન ફ્લુના લીધે થતાં મૃત્યુના સમાચાર યથાર્થ રીતે બતાવાય છે પરંતુ શું ડ્રગ્ઝના લીધે આટલાં મૃત્યુ થયાં તે સમાચાર નોંધ લેવાને પણ લાયક નહોતા? પંજાબમાં અમૃતસર પાસે ટ્રેન અકસ્માતમાં નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોત કૌરનાં જૂઠાણાં વિડિયોમાં પકડાઈ ગયા. આયોજક નવજોત કૌરની ચમચાગીરી કરતાં કહે છે કે “પાંચસો ટ્રેન ચાલી જશે તો પણ પાંચ હજારથી વધુ લોકો તમારી રાહ જોતાં ટ્રેક પર ઊભા હશે.” અને સિદ્ધુ આ અકસ્માતને ભગવાનનો પ્રકોપ ગણાવે તેવા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના ઘા પર નમક ભભરાવતા નિવેદનનું ત્રિપુરાના મુખ્યપ્રધાન વિપ્લવ દેવનાં નિવેદનોને મળતા મહત્ત્વ જેટલું મહત્ત્વ પણ નહીં?

હમણાં સરદાર સરોવર ડેમ પાસે સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના ખર્ચની સામે પ્રશ્નો ઉઠાવાયા પરંતુ કોઈએ કર્ણાટકમાં બી. ઝેડ. ઝમીર અહેમદ ખાન નામના કૉંગ્રેસી પ્રધાને એક રૅસ્ટૉરન્ટમાં ટિપ તરીકે રૂ. ૨૫,૦૦૦ આપ્યા તે સમાચાર ‘કોના બાપની દિવાળી’ કે ‘કોના બાપની ઈદ’ના હેડિંગને લાયક ન ગણાય? આ કર્ણાટકમાં જ કૉંગ્રેસી પ્રધાન ડી. કે. શિવકુમારે (જેમના રિસૉર્ટમાં ગુજરાતના કૉંગ્રેસી ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણી વખતે ‘એન્જૉય’ કરવા ગયા હતા) પોતાના જ પક્ષની જૂની સરકારના લિંગાયતોને લઘુમતીનો દરજ્જો દેવાના નિર્ણયને ‘મોટી ભૂલ’ ગણાવ્યો અને માફી માગી જેના લીધે ત્યાં હોબાળો થઈ ગયો. આ સમાચાર તમારા સુધી પહોંચ્યા ખરા?

આ દિવાળીના તહેવારોમાં ઉપરોક્ત પ્રશ્નોરૂપી ફટાકડાઓ હિન્દુઓના મનમાં ધડાધડ ફૂટી રહ્યા છે. સરકાર, મિડિયા, કૉર્ટ- આ ત્રણેય-લોકશાહીના આધારસ્તંભો જો ફટાકડાઓને ઓલવી નહીં નાખે તો આ ફટાકડાઓ મોટો વિસ્ફોટ કરી શકે છે.

hindu, religion

ગાંધીજીનું ‘હરિજન’, ૧૯૩૩: “અસ્પૃશ્યતા આજની પેદાશ”

મહાત્મા ગાંધીજીના ‘હરિજન સામયિક’નો ૧૯૩૩નો અંક https://www.gandhiheritageportal.org/journals-by-gandhiji/harijan-bandhu પર જોવા મળ્યો. તેની તસવીર તેના સૌજન્યથી અત્રે મૂકું છું. તેમાં બંગાળી ભાષામાં છપાતાં ‘હરિજન’માંથી અનુવાદ કરીને નાનકડો લેખ છપાયો હતો જેના લેખક પ્રફુલ્લચંદ્ર રાય છે. તેઓ ‘સૈકા પહેલાં’ નામના લેખમાં શું લખે છે, વાંચો:

“બંગાળમાં અસ્પૃશ્યતા આજે જે ભીષણરૂપે દેખાય છે તે સો વર્ષ પૂર્વે નહોતી. આના માટે આપણી પાસે સ્પષ્ટ પ્રમાણ છે. ઈ.સ. ૧૮૩૫માં તે વખતના વાઇસરૉય વિલિયમ બૅન્ટિકે બંગાળમાં પાઠશાળાઓની તપાસ કરવાને માટે ઍડમ નામના એક મિશનરીને નિમ્યો હતો. તપાસના પરિણામે એને જણાયું હતું કે પાઠશાળાઓમાં દરેક નાતજાતનાં બાળકો એકસાથે ભણતાં હતાં. હરિજનોને વિષે જો તે કાળે ઘૃણા હોત તો કહેવાતા ઉચ્ચ વર્ણનાં બાળકોની સાથે હરિજનોનાં બાળકો જોડાજોડ બેસીને આટલી મોટી સંખ્યામાં ભણતાં ન હોત. ઍડમસાહેબે તે વખતની બધી જાતિઓના વિદ્યાર્થીઓની સંખ્યાનું એક પત્રક તૈયાર કર્યું હતું. એવડું મોટું પત્રક અહીંયાં ઉતારવાનું કોઈ કારણ નથી. એ પત્રકમાંથી અહીં માત્ર કેટલીક જાતોના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સંખ્યા નીચે આપીએ છીએ:

 

જાત શિક્ષકની સંખ્યા વિદ્યાર્થીની સંખ્યા
બ્રાહ્મણ ૧૦૭ ૩,૪૨૯
કાયસ્થ ૩૨૯ ૧,૮૪૬
સદ્ગોપ ૫૦ ૧,૨૫૪
ક્વર્ત ૨૩૪
ચંડાળ ૬૧
બાગદી ૧૩૮
ધોબી ૨૪
જાલિયા ૯૪
માળી ૨૮
મોચી ૨૬
હાડી ૧૬
સૂડી ૧૮૮
ક્લૂ ૨૦૭

 

આમાંની ઘણી જાતો તો આજે અસ્પૃશ્ય કહેવાય છે, છતાં ઉપરના કોઠા પરથી જણાશે કે એ જાતિનાં બાળકો શીખતાં હતાં, એટલું જ નહીં, ઉચ્ચ વર્ણનાં બાળકોની સાથે જોડાજોડ બેસીને શીખતાં હતાં, એટલું જ નહીં, પણ ‘અસ્પૃશ્ય’ જાતિના શિક્ષકો પણ તે કાળે હતા. એટલે સમાજમાં આજે જે પ્રકારની અસ્પૃશ્યતા વ્યાપી રહી છે તે આજની પેદાશ છે એ વિષે જરાયે શંકા નથી. અસ્પૃશ્યતા એ એક પ્રકારની સનાતન વ્યવસ્થા છે એવા વહેમને લીધે અસ્પૃશ્યતાની જડ બહુ મજબૂત થયેલી છે, એટલે જો આપણે સમજીએ કે પ્રાચીન નથી પણ અર્વાચીન છે, તો એને દૂર કરવાનું સુગમ થઈ પડે. એટલા હેતુથી જ પેલા કોઠામાંથી આ આંકડા મેં ઉતાર્યા છે.”

(બંગાળી ‘હરિજન’માંથી)                                        પ્રફુલ્લચંદ્ર રાય

પરંતુ તે પછી આજે સતત આપણા મનમાં એ ઠસાવવામાં આવી રહ્યું છે કે બ્રાહ્મણવાદ અને મનુવાદના કારણે હિન્દુ ધર્મમાં તો હજારો વર્ષથી અસ્પૃશ્યતા છે અને વર્ણભેદ છે. પરંતુ સાચો ઇતિહાસ આપણને જણાવાતો નથી. કેટલીક દલિત તરફી મનાતી સંસ્થાઓ હકીકતે આવા ઇતિહાસથી તેમને દૂર રાખીને દલિતોનું, હિન્દુઓનું અને છેવટે ભારતનું અહિત કરી રહી છે. આવો, આ અસ્પૃશ્યતાને સનાતન પરંપરા ન માનતાં તેને એક થોડાં સૈકાઓથી ઉદ્ભવેલા દૂષણ માનીને તેને નાબૂદ કરવાનો સંકલ્પ લઈએ.

hindu, Jaywant nee je bbat

શીતળા, બ્રાહ્મણવાદ અને રસીની ભારતમાં શોધ

જયવંતની જે બ્બાત

શું શીતળા સાતમ કે ટાઢી સાતમ અંધશ્રદ્ધા છે?

આજે શીતળા સાતમ છે. ગુજરાતમાં શ્રાવણ કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે શીતળા સાતમ મનાવાય છે પરંતુ ઉત્તર ભારતથી લઈને રાજસ્થાન સુધી તે ચૈત્ર કૃષ્ણ પક્ષ (વદ)ની સાતમે મનાવાય છે. ઉત્તર ભારતીયો એવો તર્ક આપે છે કે ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ ચાલુ થતી હોઈ હવે ટાઢું ખાવાનું નથી. સંક્રામક (ચેપી) રોગની સામે બચવા માટે આ શીતળા સાતમ ઉજવાય છે.

ગુજરાતમાં, બની શકે, જોકે તેના કોઈ ઐતિહાસિક આધાર-પુરાવા મારા ધ્યાનમાં નથી, કે શ્રી કૃષ્ણ દ્વારકામાં સ્થાયી થયા હોવાથી જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમની ઉજવણી દિવાળી કે બીજા કોઈ પણ તહેવાર કરતાં વધુ મોટા પાયે થાય છે. વળી, હજુ હમણાં સુધી મનોરંજનનાં સાધનો અને માધ્યમો સીમિત હતા. હવે તો ચકડોળથી લઈને ચકરડી સુધીના મેળાનાં સાધનો બારમાસી જેવાં થઈ ગયાં છે. પરંતુ પહેલાં માત્ર સાતમ-આઠમની આસપાસ મેળા લાગતા. બાળકોને ફરવા લઈ જવાનો આ મોકો રહેતો. આ સમયે પણ સ્ત્રીને રસોડામાં પૂરાઈ રહેવું પડે તો સ્ત્રીને આનંદ ન મળી શકે. અને આજે પણ સ્ત્રીને ક્યારેય ગરમાગરમ રસોઈ જમવા નથી મળતી. આ દુઃખની વાત છે. એટલે રાંધણ છઠ્ઠના દિવસે એકસામટું રાંધી લઈ શીતળા સાતમના દિવસે સ્ત્રીને રસોડામાંથી સંપૂર્ણ મુક્તિ મળે છે. સાતમના દિવસે ટાઢું ખાધું હોઈ જન્માષ્ટમીના દિવસે સાચા અર્થમાં ફળાહાર સાથેનો અથવા માત્ર પાણી સાથેનો ઉપવાસ કરવાનો હોય છે અને ભગવાનની ભક્તિમાં લીન થવાનું હોય છે.

જોકે હવે આધુનિક સમયમાં શીતળા સાતમના દિવસે લોકો રેસ્ટોરન્ટ-હોટલમાં ઉમટી પડે છે. જન્માષ્ટમીના દિવસે ફળાહારના બદલે રાજગરાની પુરી, સૂકી ભાજી, સામો, મોરૈયો, તળેલાં મરચાં, બટેટાંની પતરી, તળેલી સિંગ, વગેરે સહિત અનેક વાનગીઓ ઝાપટતા હોય છે. અને ભગવાનની ભક્તિમાં લીન થવાના બદલે જુગાર રમવામાં ઔચિત્ય માને છે.

પરંતુ આજના દિવસે એક વૉટ્સએપ સંદેશો બહુ ફરે છે. શીતળા રોગની સામે શીતળા સાતમ મનાવાય છે. હકીકતે તો એડવર્ડ જેનરને યાદ કરવો જોઈએ જેણે શીતળા રોગની એટલે કે ઓરી-ઓછબડાની રસી શોધી હતી. આવું માનતા હોય તેમની માન્યતાનો સ્વીકાર પરંતુ સત્યના મૂળ સુધી પહોંચવાની તસદી કોઈ લેતું નથી.

રવિશંકર નામના પત્રકારે ‘ભારત મેં યુરોપીય યાત્રી’ નામનું પુસ્તક લખ્યું છે. રવિશંકર ‘ભારતીય ધરોહર’ મેગેઝિનના કાર્યકારી સંપાદક અને નવી દિલ્લીના સભ્યતા અધ્યયન કેન્દ્ર (રિસર્ચ સ્ટડી સેન્ટર)ના સંશોધન નિર્દેશક છે. રાજનીતિ અને સમાજશાસ્ત્ર ઉપરાંત વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ, દર્શન, યોગ અને અધ્યાત્મમાં તેમને સારી રૂચિ અને પકડ છે. તેમણે ‘પાંચજન્ય’, ‘હિન્દુસ્થાન સમાચાર’, ‘ભારતીય પક્ષ’, ‘એકતા ચક્ર’, ‘ધ કમ્પ્લીટ વિઝન’, ‘ઉદય ઇન્ડિયા’, ‘ડાયલૉગ ઇન્ડિયા’ જેવા અનેક સમાચારપત્રો અને સામયિકોમાં કામ કર્યું છે.

રવિશંકર લખે છે,

“ચેચક એટલે કે શીતળા/ઓરી/અછબડાથી બચવાના બે ઉપાય હતા- એક તો સાફસફાઈ. પરંતુ બંગાળ, બિહાર વગેરે જ્યાં અંગ્રેજોએ પહેલાં સત્તા મેળવી અને સૌથી વધુ લૂટ્યા ત્યાં દુષ્કાળ પડવાના શરૂ થયા. અંગ્રેજો પહેલાં અનાવૃષ્ટિ થતી હતી તો ખેડૂતો પાસે અનાજ સુરક્ષિત રહેતું હતું પરંતુ યુરોપીય લોકોએ ખેડૂતોની તે બચતને લૂટી લીધી. કરોડોની સંખ્યામાં લોકોના ભૂખમરાના કારણે મૃત્યુ થવા લાગ્યા. સ્વાભાવિક જ સાફસફાઈ રાખવું કઠિન હતું. આવામાં શીતળા રોગ ફેલાય જ. માલાબાર અને ટ્રાંક્વીબાર એટલે કે કેરળ અને તમિલનાડુના ચિકિત્સા સંબંધી યુરોપીય વિવરણો (યુરોપીય લોકોએ લખેલા પુસ્તકો)માં ક્યાંય શીતળાનું વર્ણન નથી મળતું કારણકે તે વિસ્તારોમાં આવી લૂટ અને તેના પરિણામે ભૂખમરો ફેલાયો નહોતો.

આ વિષમ અવસ્થામાં ભારતીય વૈદ્યોએ ઉપાય શોધ્યો હતો- જેના વિશે યુરોપીય લોકોને જાણકારી નહોતી. ભારતીય વૈદ્યોએ શીતળાની રસી મૂકવાની શરૂ કરી. આ વાત એ સમયની છે જ્યારે યુરોપમાં શીતળાના કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમને આ રસીની ખબર જ નહોતી. ભારતીયોને ખબર હતી કે શીતળાનો ઈલાજ કરી શકાતો નથી, અને આથી તેને એક દેવી સાથે જોડીને બીમારી દરમિયાન રોગીને પૂર્ણ સુરક્ષા પ્રદાન કરવાની વ્યવસ્થા કરી હતી પરંતુ તેને યુરોપીય મિશનરીઓ સમજી ન શકી કે પછી તેને ઈરાદાપૂર્વક અંધવિશ્વાસ દેવાનો તેમણે પ્રયત્ન કર્યો. ‘કૉલૉનાઇઝિંગ બૉડી’ પુસ્તક (જયવંતની નોંધ: આ પુસ્તક બ્રિટિશ આધિપત્યવાળા ભારતમાં દવાઓ અને રોગનું વિશ્લેષણ કરતું પુસ્તક છે.)માં ડેવિડ આર્નૉલ્ડ લખે છે, “પશ્ચિમમાં સિંધ અને ગુજરાતથી લઈને ઉત્તર અને મધ્ય ભારતથી લઈને બંગાળ, આસામ અને ઉડીસા સુધીમાં ચેચકને શીતળાના નામથી વિખ્યાત એક દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે માતાના નામથી ઓળખવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં રોગ અને દેવી, બંનેને જ શીતળાના નામથી ઓળખવામાં આવે છે. બંગાળમાં તેને ઘણી વાર બસંત ચંડીના નામથી જ ઓળખવામાં આવે છે અને રોગને બસંત રોગ કહેવામાં આવે છે, જે (વસંત) ઋતુ પછી તેનો સર્વાધિક પ્રકોપ થાય છે અને જ્યારે આ દેવીની સર્વાધિક પૂજા કરવામાં આવે છે. વર્ષ ૧૮૯૦માં વિલિયમ ક્રુકે તેને હિન્દુત્વની ઉતરતી કક્ષાની અને ગામડાની દેવીઓમાં સામેલ કરી. આવું કરીને ક્રુક એ પૂર્વવર્તી મિશનરી કૉલૉનાઇઝિંગ (સામ્રાજ્યવાદ)ના ભાવને પ્રદર્શિત કરી રહ્યો હતો, જેમાં શીતળતા અને અન્યાન્ય રોગોની દેવીઓને શેતાન અને દાનવના રૂપમાં ચિત્રિત કરવામાં આવતા હતા…

…આર્નૉલ્ડે એ નોંધ્યું છે કે શીતળા માતાના પૂજારી બ્રાહ્મણ નહીં પરંતુ માલાકાર નામના એક અબ્રાહ્મણ જાતિના લોકો રહેતા હતા. જેને આજની પરિભાષામાં નિમ્ન જાતિના ગણવામાં આવે છે. દિલ્લી, હરિયાણા, રાજસ્થાન, બંગાળ વગેરે વિસ્તારોમાં શીતળા માતાનાં મંદિરો આજે પણ મળી આવે છે. ખરેખર તો આ મંદિર શીતળાનાં રસીકરણનાં કેન્દ્રો હતાં. આર્નૉલ્ડ લખે છે, “જ્યાં સુધી શીતળાના પૂજારીની વાત છે, તેઓ ન તો બ્રાહ્મણ હતા, અને ન તો સ્ત્રીઓ, પરંતુ નીચી પરંતુ સ્વચ્છ શુદ્ર જાતિના લોકો રહેતા હતા. મલ્લ એ ઉત્તર ભારતની બાગાયત અને ખેતી કરનારી જાતિ છે જેને બંગાળમાં મલ્લ અથવા માલાકાર નામથી ઓળખવામાં આવે છે. તે સામાન્યતઃ માળી કે માળા બનાવનારાઓ હોય છે. તેઓ જ શીતળા માતાની પૂજા સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે આ પૂજા ચૈત્ર મહિનામાં થતી હતી, પરંતુ (ગુજરાત જેવાં) કેટલાક સ્થાનો પર સાવન (શ્રાવણનું અપભ્રંશ)માં પણ ચેચક થવાની આશંકા રહેતી હશે.” (જયવંતની નોંધ: આમ, પૂજા કરવાનો માત્ર જન્મથી બ્રાહ્મણોનો જ ઠેકો હતો તેવું કેટલાક ખ્રિસ્તી કે ડાબેરી વિચારસરણીના આધારે દલિત તરફી સંગઠનો દલિતોને હિન્દુઓથી અલગ પાડવા પ્રયાસ કરે છે તે થિયરીનો અહીં છેદ ઉડી જાય છે.)

રવિશંકરજીની વાતને અહીં અટકાવીએ. અહીં સુધી વાંચો તો એવું લાગે કે આમાં રસીકરણની વાત ક્યાંથી આવી. પરંતુ તેઓ આનો જવાબ પણ આપે છે. તેઓ લખે છે,

“શીતળા માતાનાં મંદિરો અને ચેચકના રસીકરણના સંબંધનું વર્ણન કરતા આર્નૉલ્ડ લખે છે, “ચેચક થતા રોકવા અને તેના પ્રભાવને ન્યૂનતમ કરવાનો એક જ ઉપાય હતો- વેરિયોલેશન (Variolation- અર્થાત ઓરી/અછબડા સામે વ્યક્તિને રક્ષવાની સૌથી પહેલી પદ્ધતિ.) (જયવંતની નોંધ: વિકિપિડિયામાં વેરિયોલેશનનો લેખ છે. તે જોશો તો પણ ધ્યાનમાં આવશે કે પહેલાં ચીનમાંથી તે ઇંગ્લેન્ડમાં ગયું છે, સ્વાભાવિક છે કે ભારત અને ચીન સહિત એશિયાના દેશોનાં ઘણાં સંશોધનો કે તેની વૈજ્ઞાનિક વાતોને અમેરિકા-યુરોપના મિડિયા-પ્રકાશનો અને વૈજ્ઞાનિકોએ દબાવી પોતાના નામે કરી લીધી છે. આના પર હું ફરી ક્યારેક વિગતવાર લખીશ.) પૂર્વ અને ઉત્તર ભારતમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં વેરિયોલેશનનાં અનેક વિવરણ યુરોપીય ડૉક્ટરો અને સર્જનો દ્વારા નોંધવામાં આવ્યાં છે….વર્ષ ૧૮૦૦ પહેલાં તેમનાં મૂલ્યાંકનમાં ઘણી પ્રશંસા છે પરંતુ યુરોપમાં વેક્સિનેશન આવી ગયા પછી પરોક્ષ અને પ્રત્યક્ષ નિંદા કરાવા લાગી.

વેરિયોલેશન પદ્ધતિની વિસ્તૃત જાણકારી ઈ. સ. ૧૭૬૭માં લંડન કૉલેજ ઑફ ફિઝિશિયનમાં ડૉ. જે. ઝેડ હૉલવેલે આપી હતી, જે તેમણે પોતાના ભારતપ્રવાસના દિવસોમાં જાતે ભ્રમણ કરીકરીને જોઈ હતી. તેમના વિવરણ અનુસાર, કાશીના ગુરુકુળોમાંથી ગુરુઓના આશીર્વાદ લઈને શિષ્યો નીકળતા હતા અને પોતપોતાને સોંપવામાં આવેલાં ગામોમાં તે પૂજાવિધાન માટે જતા હતા. ચાર-પાંચ શિષ્યોની ટોળી બનાવીને તેમને ત્રીસ-ચાલીસ ગામો અપાતા હતા. ગુરુના આશીર્વાદની સાથોસાથ તેઓ કેટલીક વસ્તુઓ પણ લઈ જતા હતા- ચાંદી કે લોહીની ધારદાર બ્લેડ અને સોઈ તેમજ રૂમાં લપેટાયેલી કોઈ વસ્તુ. તેઓ ત્રણથી પંદર વર્ષની ઉંમરનાં બાળકો-બાળકીઓને એકઠા કરતા હતા. તેમના હાથમાં બ્લેડથી ધીમેધીમે ખોતરીને લોહીનું એકાદ ટીપું કાઢવા જેટલો જખમ કરતા હતા. પછી રૂ ખોલીને તેમાં લપેટાયેલી વસ્તુને જખમ પર ઘસતા હતા. થોડા જ સમયમાં દર્દ પૂરું થઈ જાય એટલે બાળક ફરી રમવા ઉપડી જતું. પછી એ બાળક પર નજર રખાતી. તેમનાં માતાપિતાને અલગથી સમજાવાતાં હતાં કે બાળકના શરીરમાં શીતળા માતા આવવાનાં છે. તેમના સત્કાર માટે શું ખવડાવવું જોઈએ. તે હકીકતમાં પથ્ય (આયુર્વેદમાં પથ્ય એટલે ડાયેટ) વિચારના આધાર પર નક્કી કરાતું હતું.

એકબે દિવસમાં બાળકોને ચેચકના દાણા નીકળતા હતા અને થોડો તાવ પણ ચડતો હતો. તે સમયે બાળકને પ્રેમથી રાખવામાં આવતો અને ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હતી. બ્રાહ્મણ શિષ્યોની જવાબદારી હતી કે તેઓ પૂજાપાઠ કરતા રહે જેથી જે દેવી આશીર્વાદના રૂપમાં પધાર્યાં છે, તે પ્રકોપમાં ન બદલાઈ જાય. દાણા મોટા થઈને પાકતા હતા અને પછી સૂકાઈ જતા હતા. આ આખું ચક્ર આઠ-દસ દિવસમાં પૂરું થતું હતું. પછી દરેક બાળકને લીમડાનાં પાંદડાંમાં નવડાવીને તેની પૂજા કરવામાં આવતી હતી અને તેને મિષ્ટાન્ન આપવામાં આવતું. આર્નૉલ્ડે વિભિન્ન ઉદાહરણો દ્વારા બતાવ્યું છે કે વેરિયોલેશનના આ કામમાં બ્રાહ્મણ સિવાયની જાતિઓ પણ જોડાતી હતી.

એ એક ઇતિહાસ છે કે અંગ્રેજોએ તેના પર પ્રતિબંધ લગાવીને આ દેશી રસીકરણની પ્રક્રિયાને બંધ કરાવી….ખ્રિસ્તી બનાવવા માટે અહીંના જ્ઞાનને અંધવિશ્વાસ અને અજ્ઞાન સાબિત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો.”

એટલે હવે કોઈ પણ હિન્દુ પરંપરા કે બાબતને અંધશ્રદ્ધા-અવિશ્વાસમાં ખપાવવાનો પ્રયાસ થાય તો તેને આંધળી રીતે માની લેતા પહેલાં દસ વાર વિચાર કરજો.

sanjog news, society, vichar valonun

દલિતોને અન્યાય બાબતે ભાગવતજીનું સૂચક નિવેદન

(વિચારવલોણું, સંજોગ ન્યૂઝ, તા.૧૫/૪/૧૮)

આ લેખ છપાશે ત્યારે ૧૫ એપ્રિલ હશે. ૧૪ એપ્રિલે બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ કઈ રીતે ઉજવાયો હશે તે અત્યારે, ૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ થયેલી હિંસાને જોતાં કલ્પના કરી શકાતી નથી કારણ કે દલિતોનાં નામ પર ૨૦૧૯ લોકસભાની ચૂંટણી અને ૨૦૧૮ની કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે રાજ્યોની ચૂંટણીમાં જીત મેળવવાનું સ્વપ્ન દરેક રાજકીય પક્ષ જોઈ રહ્યો છે.

આ લખાય છે ત્યારે ૧૪ એપ્રિલે ભાજપના નેતાઓને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર સાથે શ્રદ્ધાસુમન અર્પવા ન દેવા દલિતોના મસીહા થવા થનગનતા ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હિન્દીમાં અખિલ ભારતીય સ્તરે અપીલ કરી છે. જોકે સાંત્વનાની વાત એ છે કે દલિત સમાજના વિદ્વાન અને એક પ્રખર આંબેડકરવાદીની ઓળખ ધરાવતા ડૉ. પી. જી. જ્યોતિકરના પુત્ર ડૉ. અમિત જ્યોતિકરે લાલ ઝંડાધારી જિજ્ઞેશ મેવાણી સામે કેટલાક તીખા સવાલો ઉઠાવ્યા છે જે યથાતથ અહીં પ્રસ્તુત છે.

(૧) શું તમારા આરાધ્ય દેવને કોઈ ફૂલ ચડાવવા કે પગે લાગવા આવે તો તેમાં કોઈ રાજનીતિ હોય?

(૨) શું ડૉ. બાબાસાહેબ આંબેડકરને લાલ ઝંડાધારી શ્રી મેવાણી જેવા પોતાની જાગીર સમજે તે યોગ્ય છે?

(૩) ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતાની વસિયતમાં લાલ ઝંડાધારી શ્રી મેવાણીને લખી આપ્યું છે કે મારા નિર્વાણ બાદ મારી મૂર્તિ પર કોણછ હાર ચઢાવે અને કોણ ન ચઢાવે?

આમ સ્પષ્ટ છે કે, દલિત સમાજમાં પણ બે ભાગ જોવા મળી રહ્યા છે. રાજનીતિ હંમેશાં ભાગલા પાડતી હોય છે અને સમાજનીતિ હંમેશાં જોડવાનું કામ કરતી હોય છે. દુઃખની વાત એ છે કે લોકો સમાજનીતિમાં પણ રાજનીતિને લઈ આવે છે. કોઈ પણ જ્ઞાતિની કોઈ પણ સંસ્થા જોઈ લો. મોટા ભાગે તેમાં રહેલા પદાધિકારીઓ દ્વારા રાજનીતિ થતી હોવાના આક્ષેપો હંમેશાં તેમના વિરોધીઓ દ્વારા થતા જ હશે. બહુ એવી ઓછી સંસ્થા બચી જશે જેમાં રાજકારણ નહીં થતું હોય. રાજકીય પક્ષો તો ખરા જ પરંતુ ક્રિકેટની સંસ્થા બીસીસીઆઈ હોય કે પછી સાહિત્ય પરિષદ હોય કે પછી બીજી કોઈ જ્ઞાતિની સંસ્થા હોય તેમાં વહાલા-દવલાની નીતિ આવે અને પછી આવે અહંકાર. પોતાનું જ ધાર્યું થવું જોઈએ તેવું તેના આગેવાનો માનવા લાગે અને તે માટે પોતાના કહ્યાગરા લોકો પદાધિકારી બને તે માટે દાવપેચ ખેલે એટલે સરવાળે એમાં જે-તે આગેવાનોનો જ અહમ સંતોષાતો હોય છે અને જ્ઞાતિનું ભલું છેવટે પાછળ રહી જતું હોય છે.

આપણે વાત કરતા હતા દલિતોના મુદ્દાની. અત્યારે દલિત સમાજમાં સૉશિયલ મિડિયા અને બાકી અનેક રીતે કથિત સવર્ણો વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓકવામાં આવે છે. આની પ્રતિક્રિયારૂપે દલિત સમાજ દ્વારા પણ સવર્ણો વિરુદ્ધ સૉશિયલ મિડિયામાં બેફામ લખવામાં આવે છે જેમાં ઘણી વાર તથ્યનો અભાવ હોય છે. સરવાળે થાય છે એવું કે બંને વચ્ચે વેરઝેર ઘટવાના બદલે ઊલટાના વધે જ છે. આ સંદર્ભમાં તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું નિવેદન ચિંતનાત્મક છે.

સંઘ અને ભાજપ વિશે તેઓ દલિત વિરોધી હોવાની છાપ ઉપસાવાઈ છે પરંતુ જો તથ્યો જોવામાં આવે તો આ છાપ ખોટી હોવાનું સાબિત થાય છે.  વર્તમાનમાં સંસદમાં સૌથી વધુ દલિત સાંસદો ભાજપના છે. બીજી તરફ સંઘ પાસે ગાંધીજી અને ડૉ.બાબાસાહેબ આંબેડકરની મુલાકાતનાં સંસ્મરણો ટાંકવા માટે છે. મહાત્મા ગાંધીજી ૧૯૩૪માં વર્ધામાં મહાદેવ દેસાઈ અને મીરાબહેન સાથે સંઘ શિબિરની મુલાકાત લીધી ત્યારે તેઓ સંઘની શિસ્ત અને સ્વયંસેવકોમાં અસ્પૃશ્યતાના અભાવથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. સંઘના કોઈ અધિકારીએ વાતશ્રકહી હોય અને ગાંધીજીએ માની લીધી હોય તેવું નહોતું પરંતુ તેમણે સ્વયંસેવકોને જાતે પૂછી અને તેની ખાતરી કરી હતી. તો બીજી તરફ ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ ૧૯૩૯ માં પૂણેમાં યોજાયેલા સંઘ શિબિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જોયું કે સ્વયંસેવકો ભાઈચારા અને સમાનતાથી એકબીજા સાથે રહે છે. સ્વયંસેવકોને સંબોધતા તેમણે કહ્યું હતું કે “હું પહેલીવાર સંઘ સ્વયંસેવકોના શિબિરની મુલાકાત લઇ રહ્યો છું. મને એ વાતની ખુશી છે કે સવર્ણો અને હરિજનો વચ્ચે કોઈ ભેદભાવ નથી.”

સંઘ વડા ભાગવતજીનું તાજેતરનું નિવેદન હિન્દુ સમાજમાં સમરસતા પ્રસરાવવા માટે સંઘની પ્રતિબદ્ધતાનું વધુ એક ઉદાહરણ જણાય છે. ભાગવતજીએ કહ્યું કે “જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે ત્યાં સુધી અનામત રહેશે.” અને આ અનામત જશે તોપણ ક્યારે જશે તે વિશે ભાગવતજી સ્પષ્ટ કહે છે કે “જે લોકો સામાજિક ભેદભાવનો શિકાર બન્યા છે તે લોકો કહેશે કે હવે અમારે અનામત નથી જોઈતી ત્યારે જ અનામત દૂર થશે.” ભાગવતજીએ સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને ટાંકીને કહ્યું કે “સંઘ વર્ષોથી સામાજીક ભેદભાવનોનો વિરોધી રહ્યો છે. હજુ પણ ભેદભાવ ગયા નથી. હજુ પણ (ભેદભાવનાં) ઉદાહરણ આવે છે. મંદિરમાં પ્રવેશ નથી મળતો. પાણી કાઢ્યું એટલે માર પડ્યો. પહેલાં આ ભેદભાવ સહન કરવામાં આવતા હતા, હવે સહન નથી કરવામાં આવતા. પ્રતિકાર કરવામાં આવે છે. એટલે કે ભેદભાવ મનમાં છે. મનમાંથી જ આ ભેદભાવ દૂર થવા જોઈએ. ભેદભાવની વાત હિન્દુ શાસ્ત્ર કે વ્યવસ્થામાં નથી. વ્યવસ્થા (સિસ્ટમ) વિષમતાનું સ્થાન એટલા માટે બને છે કે તે મનમાં હોય છે. સારી વ્યવસ્થાઓ પણ વિષમતાઓથી ગ્રસ્ત એટલા માટે બની જાય છે કે જાતે ચલાવનારાઓના મનમાં પોતાના અને પારકાનો ભેદ આવી જાય છે.”

સંઘે વર્ષ ૨૦૧૫માં ઠરાવ કર્યો હતો કે  ગામડાંઓમાં એક મંદિર, એક કૂવો અને એક સ્મશાન હોવું જોઈએ. ભાગવતજી કહે છે, “આ માટે અમે કામ શરૂ કરી દીધું છે. બધાં મંદિરોમાં બધા હિન્દુઓ ને પ્રવેશ હોય, બધાં પાણીનાં સ્થાનો પર બધા હિન્દુઓને હક હોય ને બધાં સ્મશાન બધા હિન્દુઓ માટે હોય.”

તેઓ આગળ કહે છે, “જ્યારે અનામતની વાત આવે છે ત્યારે સમાજમાં બે ભાગ જોવા મળે છે- એક અનામત તરફી અને અનામત વિરોધી. અનામતના કારણે જેમની તક ઓછી હોય છે તેમના મનમાં રોષ હોય તે સ્વાભાવિક છે પરંતુ જો આપણે એક સમાજ હોઈએ તો આપણે શું વિચાર ન કરી શકીએ કે આજ સુધી એટલે કે બે હજાર વર્ષથી જેમણે સહન કર્યું, સહન જ કરતા આવ્યા છે, બીજું શું? આટલું બધું સહન કરવા છતાં હિન્દુ સમાજનાં અંગ બનીને રહ્યા. થોડો-ઘણો પ્રતિકાર થયો, વિદ્રોહની ભાષા આવી તો તે છેલ્લાં સો વર્ષમાં.

આટલું સહન કરીને બધા પ્રસંગોમાં હિન્દુ સમાજ સાથે ઊભા રહ્યા દેશ માટે લડ્યા, તે માટે વિરોધીઓના અત્યાચાર પણ સહન કર્યા. હજાર વર્ષ તેમણે સહન કર્યું, આપણે શું સો વર્ષ પણ સહન ન કરી શકીએ?” તે પછી તેઓ દૃઢ ભાવથી આદેશાત્મક સ્વરમાં કહે છે કે “કરવું જોઈએ.”

આના સમર્થનમાં એક ઉદાહરણ આપતા તેઓ કહે છે કે “નાનાજી દેશમુખ અને દીનદયાલજી સંઘમાં કામ કરતા હતા તે વખતની વાત છે. તેઓ ક્યાંક પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક ખાડામાં દીનદયાલજી પડી ગયા. તો તેમના ઉપર આવવાની રાહ, ઉપર ઊભેલા નાનાજી દેશમુખ અને સ્વયંસેવકો જોઈ રહ્યા હતા. દીનદયાલજીએ ઉપર ઊભેલા સ્વયંસેવકોને કહ્યું કે હાથ લંબાવો. બહાર નીકળ્યા પછી દીનદયાલજીએ કહ્યું કે “બહાર નીકળવા હું મારા પગના પંજા પર ઊંચો થયો, હાથ લંબાવ્યો. તમે પણ ઝૂકયા અને મારો હાથ પકડીને મને ખેંચીને બહાર કાઢ્યો. આ બેય વાત જ્યારે સાથે બને છે- ઉપરવાળો ઝૂકે છે અને નીચે વાળો ઊઠે છે ત્યારે સમાજની ઉન્નતિ થાય છે.” જો નીચેવાળા જો હાથ ઉપર કરે  અને ઉપર આવવાની ચાહ રાખતા હોય તો એક સમાજના ભાગ તરીકે ઉપરવાળાનું કર્તવ્ય છે કે તેમણે ઝૂકવું જોઇએ. આ જ સમજદારી છે. આ વાત આત્મીયતાની છે. આ જ માનવતા છે. આને જ ધર્મ કહે છે. ધર્મનાં મૂલ્યો આ જ છે.”

ભાગવતજીની વાત સાચી છે પરંતુ દલિત સમાજમાં જે અતિશયોક્તિ કપીને, ઘણી વાર કાગનો વાઘ કરીને કડવાશ અને ડર ફેલાવાઈ રહ્યાં છે તે પણ દૂર કરવાં પડશે કેમકે તેનાથી બંને તરફ વૈમનસ્યમાં વધારો જ થાય છે. એ વાતનો ઇન્કાર કોઈ કરી શકે તેમ નથી કે દલિતો માટે અનેક સવર્ણો લડ્યા છે. તેનાં ઉદાહરણોમાં આદ્ય કવિ નરસિંહ મહેતાથી માંડી અને મહાત્મા ગાંધીજી સુધીના કથિત સવર્ણો છે. ડૉ. બાબાસાહેબનું મૂળ નામ તો ભીમરાવ રામજી સકપાલ હતું. તેમના પ્રેમાળ બ્રાહ્મણ શિક્ષકે તેમને પોતાની અટક આંબેડકર આપેલી. બાબા સાહેબને હિન્દુ ધર્મમાં પ્રવર્તમાન ભેદભાવ સામે વાંધો હતો, નહીં કે કથિત સવર્ણો સામે. આથી જ તેમણે આંબેડકર અટક ક્યારેય ફગાવી નહીં. તેમનાં બીજી પત્ની સવિતા પણ એક બ્રાહ્મણ જ હતાં. તેમને શિષ્યવૃત્તિ આપીને પરદેશ ભણવા મોકલ્યા તે વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડ મરાઠા હતા. આવા તો બીજા ઘણાં ઉદાહરણ આપી શકાય કે જે કથિત સવર્ણો હતા/છે અને દલિત સમુદાયના અધિકારો માટે, એમના ઉત્થાન માટે લડ્યા છે અને લડી રહ્યા છે. બાકી તો દલિતોની અંદર પણ ઊંચનીચના ભેદભાવ કયાં નથી? તેમની વચ્ચે પણ રોટી-બેટીના વ્યવહાર થતા નથી એ કડવી વાસ્તવિકતા છે. અને એટલે જ જાતિગત વૈમનસ્ય કે વેરઝેર રાખવાના બદલે બન્ને સમાજ જો એક થઈને અસ્પૃશ્યતાની સામે લડશે તો જ આ બધી દૂર થઇ શકશે.

gujarat, politics

શું કૉંગ્રેસ ગુજરાતમાં ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ ટક્કર આપશે?

કૉંગ્રેસ એક તરફ ખેડૂત અને દલિતનાં નામે રાજકારણ ખેલી અને ગામડામાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે તો બીજી તરફ શહેરોમાં પણ તેણે પોતાની નબળી બાજુ ને મજબૂત કરવા માટેના પ્રયાસો આદર્યા છે. કમ સે કમ ગુજરાતમાં તો આવું દેખાય રહ્યું છે. યાદ હોય તો ગત વિધાનસભાની ચૂંટણીમાં શહેરોમાં કૉંગ્રેસને જબરો ફટકો પડયો હતો અને તેના કારણે જ ભાજપ સત્તા પર ફરીથી આરૂઢ થઇ શક્યો હતો. ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી કૉંગ્રેસે બોધપાઠ લીધો હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે.

ગઈકાલે કૉંગ્રેસની ચિંતન શિબિર મળી ગઈ જેમાં તેના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમ જ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના લોકો હાજર રહ્યા હતા. આ શિબિરમાં શહેરોમાં કૉંગ્રેસને મજબૂત કરવા માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી હતી. આ શિબિરમાં કૉંગ્રેસ હવે પછી શહેરીજનોને લગતા પ્રશ્નો જેવા કે ટ્રાફિક, પ્રદૂષણ, પાણી વગેરે મુદ્દે પણ સરકારને ઘેરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરમાં કૉંગ્રેસના બે શહેર પ્રમુખ હશે. શહેરના બંને પ્રમુખને કૉંગ્રેસ અલગ-અલગ કામગીરી સોંપશે. કૉંગ્રેસ મહાનગરમાં પોતાને મજબૂત બનાવવા માટે આંદોલનાત્મક, સંગઠાત્મક કામગીરી કરશે.

ગુજરાત કૉંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારની વિચારણા છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી, જે અંતર્ગત હવે કૉંગ્રેસ મોવડી મંડળે ગુજરાતનાં ચાર મહાનગરોમાં કૉંગ્રેસને મજબૂત બનાવવા આ નવો ઉપાય શોધ્યો છે.

કૉંગ્રેસ મોવડી મંડળે કરેલા નિર્ણય મુજબ, રાજ્યનાં ચાર મહાનગરોમાં કૉંગ્રેસને મજબૂત બનાવવા હવે શહેરને બે ઝોનમાં વહેંચવામાં આવશે. ચાર મહાનગરોમાં હવે એક નહીં પરંતુ બે શહેર પ્રમુખ રહેશે. જે પોતાના ઝોનમાં સંગઠનેન મજબૂત કરવાની કામગીરી કરશે. એક ઝોનમાં એક પ્રમુખ એમ શહેરમાં કુલ બે કૉંગ્રેસ શહેર પ્રમુખ હશે.

જો કે ખાટલે મોટી ખોડ એ છે કે કૉંગ્રેસમાં માત્ર નેતાઓ છે, કાર્યકર્તાઓ નહીં. ૯ એપ્રિલે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સંસદને ચાલવા દેવા સહિતના મુદ્દે ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દિવસે અમદાવાદ સહિતના શહેરોમાં માત્ર બે કલાકમાં ઉપવાસનું નાટક કરવામાં આવ્યું હતું દિલ્લીમાં તો તેના નેતાઓ છોલે ભટુરે ખાઈને ઉપવાસ કરતા નજરે પડ્યા હતા આ બેવકૂફ નેતાઓ પાછા પોતાની તસવીર પણ હસતાંહસતાં પડાવતા હતા અને અરવિંદર લવલીએ તો એવું પણ કીધું કે આઠ વાગ્યે અમે નાસ્તો કર્યો હતો જ્યારે ઉપવાસ ૧૦ વાગ્યાથી હતો. આ લોકોને હિન્દુ શાસ્ત્રો જરા પણ જ્ઞાન દેખાતું નથી. ઉપવાસ સૂર્યોદયથી શરૂ થઈ જતો હોય છે અને બીજા દિવસે સૂર્યોદયે પૂરો થતો હોય છે. આમાં કરવા ચોથ જેવા અપવાદ હોય છે જેમાં સવારના સૂર્યોદયથી ઉપવાસ શરૂ થાય છે અને રાત્રે ચંદ્રોદયે પૂરો થતો હોય છે પરંતુ આ રીતનો ઉપવાસ પણ કૉંગ્રેસના આ નાટકમાં દેખાયો નહીં. એક રીત એકટાણાની પણ હોય છે જેમાં એક સમયે જમવાનું હોય છે અને બીજા સમયે ફળાહાર અથવા ફરાળ કરવાનું હોય છે. પરંતુ એકટાણાંનો પણ અભાવ કૉંગ્રેસના આ નાટકમાં દેખાયો. શું કૉંગ્રેસમાં કોઈ હિન્દુવાદી નેતાઓ બચ્યા જ નથી જે રાહુલ ગાંધીને ઉપવાસ-એકટાણાનું સાચું શાસ્ત્ર સમજાવી શકે? આ પહેલાં રાહુલ ગાંધી આરતી લેતી વખતે દક્ષિણા થાળીની નીચે દબાવતા એક વિડિયોમાં દેખાયા હતા. આરતી લેવાની અને દક્ષિણા આપવાની સાચી રીત કોઇ રાહુલ ગાંધીને ન સમજાવી શકે? નરેન્દ્ર મોદી માટે પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેનું હૉમ વર્ક સારી રીતે કરી લે છે. રાહુલ ગાંધીએ પણ પૂરું હૉમ વર્ક કર્યા પછી હિન્દુત્વ તરફ અથવા તેના નાટક તરફ વળવું જોઈએ.

ફરી કૉંગ્રેસની શહેર તરફની દૃષ્ટિની વાત કરીએ. નરેન્દ્ર મોદીના દિલ્હી ગયા પછી ભાજપના ગુજરાત સંગઠનમાં પણ સુસ્તી જોવા મળી રહી છે નહિતર કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવેં મેધા પાટકરને સમર્થન કર્યું અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીવ સાધય આ ટ્વીટને સમર્થન કરતા gadh નર્મદાબંધની યોજનાની સફળતા મેધા પાટકરને આભારી હોવાનું કહ્યું તે મુદ્દે ભાજપ પાસે કોંગ્રેસને ઘેરવાની સારી તક હતી પરંતુ ભાજપ પ્રતિકાત્મક કાર્યક્રમ આપીને સંતોષ માની લીધો. તે દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના ટ્વિટર પર પણ આ સમાચાર આવ્યાના છ-છ કલાક સુધી કોઈ ટ્વીટ ન હતાં.

તાજેતરમાં એટ્રોસિટી અંગે સુપ્રીમ કોર્ટે જે દિશાનિર્દેશ આપ્યા તે મુદ્દે એક એવી છાપ ભાજપ વિરોધીઓએ ઉપસાવી કે ભાજપ દલિત વિરોધી છે પરંતુ ભાજપના નેતાઓ કે પ્રવક્તાઓ એ વાત ન રજૂ કરી શક્યા કે ૨૬ જાન્યુઆરી ૨૦૧૬થી એટ્રોસિટી એક્ટને વધુ કડક બનાવનાર નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જ હતી. આ કાયદાને વધુ કડક બનાવવા માટે અને દલિતોને ઝડપી ન્યાય મળે તે માટે ખાસ વિશેષ અદાલતો રચવાની સત્તા આપવામાં આવી હતી. ઉપરાંત આ વિશેષ અદાલતોને આ પ્રકારના ગુનાની સીધી નોંધ લેવાની સત્તા પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત એટ્રોસિટીમાં મૂછ કાપી નાખવી, દલિત સમુદાયના સભ્યને ચપ્પલનો હાર પહેરાવવો, જેવા ગુના પણ ઉમેરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બળાત્કાર હત્યા કે તેજાબના હુમલાના પીડિત એવા દલિત માટે વળતરની રકમ રૂ. ૮.૫ લાખ સુધી વધારવામાં આવી હતી.

જો કૉંગ્રેસ ગુજરાતના શહેરીજનોને આકર્ષવાના તેના આ અધકચરા પ્રયાસમાં પણ સફળ રહી તો કમ સે કમ ગુજરાતમાં કૉંગ્રેસ ભાજપને ગામડાં ઉપરાંત શહેરોમાં પણ ભારે પડી શકે છે અને તો ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૬માંથી ૨૬ બેઠક મળી હતી તેવું કદાચ આ વખતે ન પણ બને.

hindu, sanjog news, vichar valonun

સીતા રામ ચરિત અતિ પાવન

(વિચાર વલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, તા.૨૫ માર્ચ ૨૦૧૮)

આજે રામનવમી છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ ભલે ૨૫ માર્ચ હોય, પણ ચૈત્ર સુદ નવમી એટલે આખું વિશ્વ તેને રામનવમી તરીકે ઉજવે. બુદ્ધુજીવીઓ ચેકમાં તિથિ લખી શકાતી નથી કે હિન્દુઓને તિથિ ખબર નથી હોતી તેમ કહીને ભલે હિન્દુઓનો ઉપહાસ ઉડાવે પરંતુ એ ભૂલી જાય છે કે તેમના આદર્શ મહાન પૉપના પ્રેરણામૂર્તિ ઈશુના પાંચ હજાર એકસો ચૌદ વર્ષ પહેલાં જન્મી ગયા હતા અને આ દુનિયા પર એવું જીવન જીવી ગયા કે કરોડો-અબજોની પ્રેરણામૂર્તિ બની ગયા. તેમના કારણે શ્રી મોરારીબાપુ આજે વિશ્વભરમાં ખ્યાત છે અને તે મોરારીબાપુની રામ કથામાં અનેક લેખકો-પત્રકારો વિશ્વ પ્રવાસે પણ જઈ શકે છે તે પ્રભુ શ્રી રામનો જ પ્રતાપ. રામનામનો પ્રતાપ.

એક સામાન્ય મોહનદાસ કરમચંદ ગાંધી જેમને બીડી પીવાનો શોખ થયો હતો, દોકડા ચોરવાની ટેવ કરનાર વિષયાંધ મહાત્મા ગાંધી બની ગયા તે પ્રભુ શ્રી રામ અને તેમના જીવનની કથા ‘રામાયણ’નો જ પ્રતાપ. મહાત્મા ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં લખ્યું છે:

‘જે હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઈ પાસેથી મળ્યું. તે કુટુંબની જૂની નોકર હતી. તેનો પ્રેમ મને આજે પણ યાદ છે. હું આગળ જણાવી ગયો છું કે હું ભૂતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે તેમ રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી. તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટક્યો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારું અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું.

આ જ અરસામાં મારા એક કાકાના દીકરા જે રામાયણના ભક્ત હતા તેમણે અમ બે ભાઈઓને સારુ રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો. અમે તો મોઢે કરીને પ્રાતઃકાળમાં સ્નાન પછી હંમેશાં પઢી જવાનો નિયમ કર્યો. પોરબંદરમાં રહ્યા ત્યાં લગી તો આ નભ્યું. રાજકોટના વાતાવરણમાં તે ભૂંસાઈ ગયું. આ ક્રિયા વિશે પણ ખાસ શ્રદ્ધા નહોતી. પેલા વડીલ ભાઈના પ્રત્યે માન હતું તેથી અને કંઈક રામરક્ષા શુદ્ધ ઉચ્ચારથી પઢી જવાય છે એ અભિમાનથી તેનો પાઠ થતો.

પણ જે વસ્તુએ મારા મન પર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી. પિતાશ્રીની માંદગીનો કેટલોક સમય પોરબંદરમાં ગયેલો. અહીં તેઓ રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા. સંભળાવનાર રામચંદ્રજીના એક પરમ ભક્ત. બીલેશ્વરના લાધા મહારાજ કરીને હતા. તેમના વિશે એક કહેવાતું કે, તેમને કોઢ નીકળ્યો હતો. તેની દવા કરવાના બદલે તેમણે બીલેશ્વરના બીલીપત્ર જે મહાદેવ ઉપરથી ઉતરતા તે કોઢિયેલ ભાગ ઉપર બાંધ્યા ને કેવળ રામનામનો જાપ આદર્યો. અંતે તેમનો કોઢ જડમૂળથી નાશ પામ્યો. આ વાત ખરી હો કે ન હો, અમે સાંભળનારાઓએ ખરી માની. એટલું પણ ખરું કે લાધા મહારાજે જ્યારે કથા આરંભી ત્યારે તેમનું શરીર તદ્દન નિરોગી હતું. લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહાચોપાઈ ગાતા ને અર્થ સમજાવતા. પોતે તેના રસમાં લીન થઈ જતા અને શ્રોતાજનને લીન કરી મૂકતા. મારી ઉંમર આ સમયે તેર વર્ષની હશે, પણ મને તેમના વાચનમાં ખૂબ રસ આવતો એ યાદ છે. આ રામાયણ-શ્રવણ મારા રામાયણ પરના અત્યંત પ્રેમનો પાયો છે. આજે હું તુલસીદાસના રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણું છું…’

ગાંધીજી આગળ લખે છે, ‘ખ્રિસ્તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્યે કંઈક અભાવ થયો. તે કાળે હાઇસ્કૂલને કોઈ ખૂણે કોઈ ખ્રિસ્તી વ્યાખ્યાન આપતા. તે હિન્દુ દેવતાઓની ને હિન્દુ ધર્મીઓની બદબોઈ કરતા. આ મને અસહ્ય લાગ્યું….જે ધર્મ અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય?’

યુવાનો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણામૂર્તિ સ્વામી વિવેકાનંદ પણ પ્રભુ શ્રી રામથી ખૂબ જ પ્રભાવિત હતા. એક વાર તો પ્રભુ શ્રી રામે પોતે સ્વામી વિવેકાનંદને ભોજન કરાવેલું. ઘટના કંઈક આવી હતી. એક વખત સ્વામી વિવેકાનંદ પ્રવાસ કરી રહ્યા હતા પરંતુ તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. તેમના ખિસ્સામાં એક પૈસો પણ નહોતો. ભૂખ્યા પેટે તેઓ તારી ઘાટના રેલવે સ્ટેશન પર બેઠા હતા. આવામાં એક વ્યક્તિ સ્વામીજીની બાજુમાં આવ્યો, બેઠો અને પોતાનો ડબ્બો ખોલી ખાવા લાગ્યો. તેને સન્યાસીની કોઈ કદર નહોતી. તેણે સ્વામીજીને કહ્યું, “જો, મારી પાસે જમવા માટે સ્વાદિષ્ટ ભોજન છે. તારે સૂકા ગળે અને ખાલી પેટે જ ગુજારો કરવો પડે છે.” સ્વામી તો સન્યાસી! કોઈ પ્રતિક્રિયા ન આપી. શાંત ભાવથી બેઠા રહ્યા. ભગવાનનું નામ લેતા રહ્યા.

એટલામાં અચાનક એક અજાણ્યો માણસ ભોજન અને પાણી લઈને વિવેકાનંદજી પાસે આવ્યો અને સ્વાજીને ભોજન ગ્રહણ કરવા પ્રાર્થના કરવા લાગ્યો. પરંતુ સ્વામીજી તો સન્યાસી. એમ કેવી રીતે ભોજન લે? પેલા આગંતુકે કહ્યું, “ગત રાત્રે મારા સ્વપ્નમાં પ્રભુ શ્રી રામ આવ્યા હતા અને તેમણે જ મને આદેશ આપ્યો છે કે તાર ઘાટ સ્ટેશન પર બેઠેલા સન્યાસીને ભોજન કરાવ.”

આ વાત સાંભળતા જ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાના ભાવથી સ્વામીજીની આંખો ભરાઈ આવી અને તેમણે બહુ જ પ્રેમપૂર્વક તે ભોજનનો સ્વીકાર કર્યો.

સ્વામી વિવેકાનંદજી પ્રભુ શ્રી રામ વિશે કહેતા, “પ્રભુ શ્રી રામનો પ્રેમ ચાંડાળને પણ તેમની તરફ આકર્ષે છે. તેમણે હંમેશાં સારું કરવા પ્રયત્ન કર્યો. પ્રભુ શ્રી રામ યુગો યુગોથી સમસ્ત માનવ જાતના આદર્શ રહ્યા છે. તેઓ સત્ય અને નૈતિકતાની મૂર્તિ હતા. તેઓ આદર્શ પુત્ર, આદર્શ પતિ, આદર્શ પિતા અને એ બધાથી ઉપર આદર્શ રાજા હતા. આવા રામને આપણી સમક્ષ મહાન સંત વાલ્મીકિએ રજૂ કર્યા છે. પ્રભુ શ્રી રામ અને માતા સીતા આપણા દેશના નર-નારીના આદર્શ છે.

જાણીતા અમેરિકી લેખક અને હાસ્યકાર માર્ક ટ્વૈને લખ્યું છે, “ભારત એ માનવ જાતિનું પારણું છે, માનવ વાણીનું જન્મસ્થાન છે, ઇતિહાસની જનની છે, દંતકથાની દાદી છે, અને પરંપરાની પરદાદી છે. આપણા માનવ ઇતિહાસની સૌથી કિંમતી અને સૌથી સૂચનાત્મક સામગ્રીનો ખજાનો માત્ર ભારતમાં જ રહેલો છે. (સંદર્ભ પુસ્તક: ફૉલોઇંગ ધ ઇક્વેટર)

માર્ક ટ્વૈન આ પુસ્તકમાં લખે છે, “ઘરે (મારા દેશમાં), લોકોને આશ્ચર્ય થાય છે કે ખ્રિસ્તી પંથ ભારતમાં ઝડપથી ફેલાતો કેમ નથી? તેમને સાંભળવામાં આવે છે કે ભારતીયો કોઈ પણ વાત સરળતાથી માની લે છે. તેમને ચમત્કારોમાં તો કુદરતી જ વિશ્વાસ છે…પછી તેઓ (અમેરિકાના લોકો) દલીલ કરે છે કે ભારતના લોકો સામે ખ્રિસ્તી પંથ મૂકો તો તેઓ બાઇબલમાં આપેલા ચમત્કારોમાં માનવા લાગવાના. આમ છતાં ભારતમાં ખ્રિસ્તી પંથનો ફેલાવો કેમ નથી થતો?…

સત્ય એ છે કે આપણે એટલા સુસજ્જ નથી. આ કામ એટલું સરળ નથી…મેં પ્રવચન શરૂ કર્યું તો લોકોને ઉત્સુકતા હતી, પરંતુ જેમજેમ હું આગળ બોલતો ગયો તેમ લોકોને રસ ઉડતો ગયો…એક હિન્દુ સદગૃહસ્થે મને કહ્યું કે મારી ભૂલ ક્યાં હતી. તેણે કહ્યું, “અમે હિન્દુઓ ઈશ્વરને તેમના કાર્યોથી ઓળખીએ છીએ. (અર્થાત્ તેમના ગુણોને માનીએ છીએ). તે માટે કોઈ પુરાવાની જરૂર નથી…આ વિશ્વમાં અનેક દેશો છે અને દરેક દેશને તેના પોતાના ઈશ્વર છે. આથી તેઓ બીજા કોઈ ઈશ્વરને માનશે જ નહીં, કારણકે દરેક જૂથ માને છે કે તેના ઈશ્વર સૌથી મજબૂત છે…તમારે સેમસનને જેમ અમાનવીય દિવ્ય શક્તિઓ હતી, તેમ બહુ બહુ વર્ષો પહેલાં જ્યારે અમારા પ્રભુ શ્રી રામ શ્રીલંકાના રાવણ સામે યુદ્ધ લડતા હતા ત્યારે પ્રભુ શ્રી હનુમાન હિમાલયમાંથી આખો પર્વત ઊંચકીને શ્રીલંકા લઈ આવેલા. શ્રી હનુમાન પાસે જો ઈશ્વરની તાકાત ન હોય તો તેઓ આ કામ કરી જ ન શક્યા હોત.”

કૉંગ્રેસના શાસનમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં કહેવાયું હતું કે રામ સેતુ માત્ર કલ્પના જ છે. સુપ્રીમ કૉર્ટમાં કૉંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે રામ સેતુ નરી કલ્પના જ છે. પરંતુ હવે તો નાસાની સેટેલાઇટ તસવીરો અને અન્ય પ્રમાણો સાથે ભૂગર્ભ વિશેષજ્ઞ એલન લેસ્ટરે કહ્યું છે કે હિન્દુ પૌરાણિક કથા પ્રમાણે ભગવાન શ્રી રામે ભારત અને શ્રીલંકાને જોડવા માટે એક પૂલ બનાવ્યો હતો. આ પ્રકારનો પૂલ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. આ પ્રૉગ્રામ ડિસ્કવરી સાયન્સ ચેનલે બતાવ્યો હતો.

જાણીતા લેખક સ્ટીફન નેપ પણ શ્રી રામ માત્ર કાલ્પનિક પાત્ર નહીં, ઇતિહાસમાં બની ગયેલી ઘટના હોવાનું પૂરવાર કરે છે. તેઓ ગયા વર્ષે વિશ્વ રામાયણ પરિષદમાં ભાગ લેવા આવેલા. વર્ષ ૨૦૧૬ના ડિસેમ્બરમાં જબલપુરમાં વિશ્વ રામાયણ પરિષદ યોજાઈ ગઈ પરંતુ બ્રાઝિલના રિયો ડી જાનેરો ઉત્સવની અર્ધનગ્ન છોકરીઓના ફોટા છાપતા અને બતાવતા આપણા મિડિયામાં આ પરિષદની નોંધ જોઈએ તેવી લેવાઈ નહીં. આ પરિષદમાં વિશ્વભરમાંથી ૨૫૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. થાઈલેન્ડના બેંગ્કોકની થમ્મસત યુનિવર્સિટીના ભારત અધ્યયન કેન્દ્ર અને અન્ય અનેક વિભાગોના નિર્દેશક નોંગલુક્સાન થેપ્સાવસ્દીએ કહ્યું હતું, “થાઇલેન્ડમાં અમે રામાયણને રામકિન કહીએ છીએ. ત્યાં રામાયણને સાંસ્કૃતિક સાહિત્ય મનાય છે જે સમાજને દિશા આપે છે. દરેક ઉંમરના લોકો રામલીલા જુએ છે.”

અમેરિકાના આઈઓવાના માઇકલ સ્ટર્નફીલ્ડે કહ્યું હતું, “જ્યારે આપણે પ્રભુ શ્રી રામના જીવનનું શ્રવણ કરીને જીવન જીવવા પ્રયાસ કરીએ છીએ તો આપણો દૃષ્ટિકોણ ધર્મની સર્વગ્રાહ્યતા અને વ્યાપકતાને આત્મસાત કરીને દરેક ચરણ સાથે વ્યાપક થતો જાય છે.” દશકોથી ક્વૉન્ટમ ફીલ્ડ સિદ્ધાંત અને ભૌતિક વિજ્ઞાનના બીજાં પરિમાણો પર કાર્યરત્ વૈજ્ઞાનિક ડૉ. ડેવિડ શાર્ફે કહ્યું હતું, “રામાયણની કથાને આંતરિક જગતના મૂળ દર્શનને જણાવનાર પણ મનાય છે. જેને આપણે વાસ્તવિક જગત સમજીએ છીએ, તે હકીકતે અત્યંત સીમિત અને અધૂરી સમજનું પરિણામ છે. આપણને આવશ્યકતા છે વધુ ઊંડી અને વ્યાપક સમજની.”

સ્ટીફન નેપે આ પરિષદમાં કહ્યું હતું, “રામાયણ આપણને જણાવે છે કે નેતૃત્વ કેવું હોવું જોઈએ. પ્રભુ શ્રી રામ અને રાક્ષસરાજ રાવણ બંનેનું ઉદાહરણ આપણી સામે છે જે બતાવે છે કે નેતૃત્વ ધારે તો વિશ્વને કલ્યાણ તરફ લઈ જાય અને ધારે તો વિનાશ તરફ.”

આમ, પ્રભુ શ્રી રામની ગાથા તો સમગ્ર વિશ્વ ગાય છે, કેટલાક બુદ્ધુજીવીઓ ન ગાઈ શકે તો તેમનાં દુર્ભાગ્ય!