sanjog news, society, vichar valonun

MeToo: પુરુષે ફરજિયાત શ્રી રામના આદર્શોનું પાલન કરવું પડશે!

(વિચારવલોણું કૉલમ, સંજોગ ન્યૂઝ, દિ.૧૪/૧૦/૧૮)

તનુશ્રી દત્તાના અમેરિકાથી ભારતમાં આગમન સાથે #MeTooની મોસમ ફરી શરૂ થઈ ગઈ છે. તનુશ્રીએ દસ વર્ષ પહેલાંનો કેસ ઉખેળી નાના પાટેકર પર એક ગીતના ફિલ્માંકન દરમિયાન તેને ન પસંદ પડે તે રીતે સ્પર્શવાનો આક્ષેપ લગાવ્યો છે. નિર્દેશક વિકાસ બહલ સામે ‘બૉમ્બે વેલ્વેટ’ ફિલ્મની એક મહિલા સભ્યએ જાતીય સતામણીનો આક્ષેપ કર્યો. વિકાસ બહલની સામેના આક્ષેપો અનુરાગ કશ્યપને પણ દઝાડી ગયા કારણકે સભ્યએ કહ્યું કે તેમને પણ જાણ હતી. અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને બીજા બે જણા ‘ફેન્ટમ ફિલ્મ્સ’ નામની પ્રૉડક્શન કંપનીમાં ભાગીદાર હતા. આખી કંપની વિસર્જિત કરી દેવી પડી!

કંગના રનૌતે પણ વિકાસ બહલે તેની સાથે અભદ્ર ચેષ્ટા કરી હોવાનું કહ્યું.

હવે જરા ૧૯૯૩માં જઈએ. તે સમયની બહુ આધુનિક ‘તારા’ સિરિયલમાં નાયિકાને પુરુષ જેવા ટૂંકા વાળ સાથે અને સિગરેટ પીતી બતાવાઈ હતી. આજે પણ હિન્દી સિરિયલોમાં આવું બતાવવાનું કોઈ વિચારી શકતું નથી. તારા (નવનીત નિશાન) પરિણિત પુરષ (આલોકનાથ)ના પ્રેમમાં પડે છે અને આ પુરુષની તરુણ દીકરી (ગૃશા કપૂર) તેની નવી માતાને સ્વીકારી શકતી નથી. ગૃશા કપૂરને સિરિયલમાં બીયર પીતી દેખાડાઈ હતી. સિરિયલમાં નવનીત નિશાન અને દીપક શેઠ વચ્ચે ચુંબનનું દૃશ્ય પણ દેખાડાયું હતું જેનો તે સમયે બહુ જ વિરોધ થયો હતો. તારા કુંવારી માતા બને છે તેવી પણ વાર્તા તેમાં હતી.

સિરિયલની કથા માંડીને એટલા કહી કારણકે આવી સિરિયલની લેખિકા-નિર્દેશિકા વિનિતા (આમ તો તે તેઓ તેમના નામનો સ્પેલિંગ કરે છે તે પ્રમાણે વિન્તા) નંદાએ ૧૯ વર્ષ જૂનો કેસ ઉખેળી કહ્યું કે તે સમયે આલોકનાથે તેમના પર બળાત્કાર કર્યો હતો.

વિનિતાની લાંબી પૉસ્ટ વાંચવા જેવી છે. તેમણે લખ્યું તેનો સાર એ છે કે …તે (આલોકનાથ) સેટ પર દારૂ પીને ખરાબ વર્તન કરતો…તેથી અમે તેને ના પાડવાના હતા…ચેનલના સીઇઓએ અમને ‘તારા’માં મુખ્ય અભિનેત્રીને કાઢી નવી પેઢીને લાવવા કહ્યું. (આ ટ્રૅન્ડ પછી સ્ટાર પ્લસ અને એકતા કપૂરે બહુ વાપર્યો.) અમે તેમ કર્યું તો પણ એક દિવસ અમારો શૉ જ બંધ કરી દેવા કહ્યું કારણકે ટીઆરપી નહોતી આવતી. અમારા બીજા કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા. હું સફળ મહિલા હતી. હું સિગરેટ- દારૂ પીતી. હું લિબરેટેડ (એટલે કે મુક્ત મનની) વ્યક્તિ હતી. એક દિવસ મને આ પુરુષ (આલોકનાથ)ના ઘરે પાર્ટી માટે આમંત્રણ મળ્યું. તેની પત્ની, જે મારી ગાઢ બહેનપણી હતી, તે ઘરમાં નહોતી. રાત જેમજેમ આગળ વધતી ગઈ તેમ મારા પીણાંમાં કંઈક ભેળવાયું. મને કંઈક વિચિત્ર લાગ્યું.

રાતના બે વાગે હું ત્યાંથી નીકળી ગઈ. મને કોઈ મારા ઘરે મૂકવા પણ ન આવ્યું. મેં ચાલવાનું શરૂ કર્યું. ત્યાં આ માણસ (આલોકનાથ) મારી પાછળપાછળ પોતાની કારમાં આવ્યો. મને ઘરે ઉતારી જવા કહ્યું. મેં તેના પર વિશ્વાસ કર્યો અને કારમાં બેસી ગઈ. તે પછી મને બહુ યાદ નથી. મને એટલું જરૂર યાદ છે કે મારા મોઢામાં દારૂ રેડાતો હતો અને મારા પર અંતહીન હિંસા થતી હતી. મારા પર માત્ર બળાત્કાર જ નહોતો થયો પરંતુ મારી સાથે ક્રૂર વ્યવહાર થયો હતો.

તે પછી બધા લોકોએ મને આ ભૂલી જવા કહ્યું. મારી કંપની બંધ થઈ ગઈ. પરંતુ મને એક ચેનલ માટે લેખન-નિર્દેશનનું કામ મળી ગયું. પણ તેણે (આલોકનાથે) એવું વાતાવરણ બનાવી દીધું જેનાથી મને ભય લાગવા લાગ્યો અને મેં મારા નિર્માતાને કહ્યું કે હું હવે નિર્દેશન નહીં કરું. મેં શૉ લખવાનું ચાલુ રાખ્યું. પછી હું નવી શ્રેણી લખી રહી હતી તે વખતે તેણે (આલોકનાથે) મને ફરી તેના ઘરે બોલાવી અને હું ત્યાં ગઈ. મેં મારા પર હિંસા થવા દીધી. (વિનિતા નંદા અંગ્રેજીમાં લખાયેલી પૉસ્ટમાં રૅપ શબ્દના બદલે વાયૉલેટ શબ્દ વાપરે છે.) મારે નોકરીની જરૂર હતી અને મારે તે છોડવી નહોતી કારણકે મારે નાણાંની જરૂર હતી. આ પછી જોકે મેં છોડી દીધું.

નાના અને આલોકનાથ-બંનેએ આક્ષેપો નકારી કાઢ્યા છે.

એઆઈબી નામનો વાહિયાત શૉ છે. વિદેશી ગ્રૂપ સ્ટાર જે કલ્ચરલ માર્ક્સિઝમ અંતર્ગત ભારતીય પરિવારો તૂટે તેવી સિરિયલો જ મોટા ભાગે પ્રસારિત કરે છે તેની ઍપ હૉટ સ્ટાર પર આ શૉ દર્શાવાય છે. એઆઈબીમાં કરણ જોહર, રણવીરસિંહ, અર્જુન કપૂરે તેમનાં સગાંની હાજરીમાં જે અભદ્ર જૉક અને ચેષ્ટાઓ કરેલી તેની તે સમયે બહુ ટીકા થઈ હતી. આ પછી તન્મય ભટ્ટે સચીન તેંડુલકર અને લતા મંગેશકરની વાહિયાત અને ગંદી મજાક ઉડાવી હતી.

આ એઆઈબીના ઉત્સવ ચક્રવર્તી સામે સૉશિયલ મિડિયા પર મહિલાઓને અભદ્ર તસવીરો મોકલવાનો આરોપ લાગ્યો છે. તો એક અજાણી સ્ત્રીએ આ ગ્રૂપના સહસ્થાપકો તન્મય ભટ્ટ અને ગુરસિમરન ખાંબા પર માનસિક સતામણીનો આક્ષેપ કર્યો છે. આક્ષેપો પછી એઆઈબીએ તેમને રજા પર મોકલી દીધા છે. (એટલે કે આક્ષેપો પુરવાર ન થાય તો તેમને પાછા લઈ લેવામાં આવશે.)

આ બધા MeToo આક્ષેપોમાં ફિલ્મ ઉદ્યોગ વહેંચાઈ ગયો છે. કંગના રનૌતે વિકાસ બહલ સામે આક્ષેપ કર્યા તો સોનમ કપૂરે કહ્યું કે (કંગનાના) આક્ષેપો માનવામાં નથી આવતા. તનુશ્રી દત્તાનું પ્રકરણ થયું ત્યારે તેની જગ્યાએ રાખી સાવંતને લેવામાં આવી હતી. રાખી સાવંત તો બોલવામાં બેફામ છે. તેણે આક્ષેપ કર્યો કે તે વખતે તનુશ્રી દત્તા ડ્રગ્સ લઈને વાનમાં બંધ રહેતી હતી અને કામ નહોતી કરતી એટલે કૉરિયોગ્રાફર ગણેશ આચાર્યએ મને બોલાવી અને મારે તેમના અને નાના પાટેકરના માન ખાતર ગીત કરવું પડ્યું.

આ બધામાં માત્ર વિન્તા નંદાએ બળાત્કારનો આક્ષેપ કર્યો છે, તેમના લખાણમાંથી પણ ઘણા પ્રશ્નો તો ઉઠે જ છે. બાકીના કેસોમાં બળાત્કારનો આક્ષેપ નથી. તનુશ્રી દત્તાના કેસમાં અઘટિત રીતે સ્પર્શ કરવાનો આક્ષેપ છે, કંગનાએ વિકાસ બહલ તેના વાળ સૂંઘતો હોવાનું, પોતાનું માથું તેના ગળામાં નાખી દેતો હોવાનો અને બાથમાં કડકાઈથી જકડી લેતો હોવાનો આક્ષેપ કર્યો છે. વિકાસ પર ક્રૂ મેમ્બર મહિલાએ કરેલા આક્ષેપમાં વિકાસે ખૂબ જ અભદ્ર ચેષ્ટા કરી હોવાની વાત છે. એઆઈબીના કેસમાં પણ અભદ્ર ચેષ્ટાઓની વાત છે. બંનેમાં બીજી એક વાત એ પણ સરખી છે કે અનુરાગ કશ્યપને વિકાસ બહલના ગંદા પ્રકરણની ખબર હતી. તે જ રીતે તન્મય ભટને પણ ઉત્સવની ગંદી ટેવોની ખબર હતી.

ફિલ્મ ઉદ્યોગમાં માત્ર પડદા પર જ નહીં, પરંતુ શૂટિંગના પ્રમૉશનમાં, એવૉર્ડ કાર્યક્રમોમાં ભેટવું, ચુંબન કરવું એ તો જાણે સામાન્ય વાત છે. આ બધા કાર્યક્રમોમાં સ્ત્રી કલાકારો દ્વારા અંગ પ્રદર્શન થાય તેવાં કપડાં પહેરવાં તે પણ સામાન્ય વાત હતી. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી વાત બહુ આગળ વધી ગઈ હતી. પુરુષ અને સ્ત્રી કલાકારો અંગ્રેજી પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવામાં પણ બહુ બિન્દાસ બન્યા હતા.

સ્ત્રી કલાકારો દ્વારા પુરુષોની ચેષ્ટાને બહુ હળવાશથી લેવામાં આવતી હતી. બાકી, ‘શાહજહાં’, ‘દિલ્લગી’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘દુલારી’ જેવી ફિલ્મોના નિર્માતા-નિર્દેશક એ.આર. કારદાર દ્વારા ઑડિશન માટે સાડીમાં આવેલી યુવતીઓ પાસે કપડાં ઉતારાયાંની તસવીરો પ્રચલિત છે, એટલે ફિલ્મમાં કામ માટે પુરુષો દ્વારા સ્ત્રીનું શોષણ બહુ વખતથી ચાલ્યું આવે છે. વર્ષો પહેલાં પરવીન બાબીને પૂછાયું હતું કે શું તે અક્ષત યોનિ એટલે કે વર્જિન છે? ત્યારે તેણે જવાબ આપેલો, “ફિલ્મ ઉદ્યોગમાં કોઈ અક્ષત યોનિ નથી. જો તમે માનતા હો તો પણ તમને પુરુષો સ્ત્રીઓની ભૂમિકા કરતા જોવા મળશે.” પીઢ અભિનેત્રી નાદિરાજીએ તો કહેલું કે આ ઉદ્યોગ શબ્દ તો ફિલ્મવાળાઓને એક ગરીમા બક્ષે છે જેના માટે તે લાયક નથી. આ તો એક મોટું કૌભાંડ જ છે. ફિલ્મ ઉદ્યોગમાં ‘ગે’ નિર્માતા-નિર્દેશકોના કારણે, હવે સ્ત્રીઓ જ નહીં, પુરુષ કલાકારો પણ કાસ્ટિંગ કાઉચના ભોગ બનતા હોવાનું બહાર આવ્યું છે.

વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન એમ. જે. અકબર (જે પહેલાં તંત્રી-પત્રકાર હતા) સામે ત્રણ મહિલા પત્રકારોએ પણ જૂના કેસ ઉખાળી જાતીય સતામણીની ફરિયાદ કરી છે. આ અગાઉ ‘તહલકા’ના પૂર્વ સંપાદક તરુણ તેજપાલ સામે એક મહિલા પત્રકારે ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન લિફ્ટમાં ગંદી ચેષ્ટા કરી હોવાનો આરોપ લગાવતાં તરુણ જેલમાં છે.

૧૮મી-૧૯મી તારીખે દશેરા છે. પુરુષોએ હવે ચારિત્ર્યમાં શ્રી રામ જેવા ફરજિયાત બનવું જ પડશે. અત્યાર સુધી ભારતમાં કેટલાક પુરુષો સીતા જેવી પત્નીની આશા રાખતા હતા અને બહાર છિનાળાં કરતા હતા. પરંતુ હવે તેવું નહીં ચાલે. હવે કાયદા અને સામાજિક-મિડિયા-કૉર્ટનું વલણ બહુ બદલાઈ ગયાં છે. સ્ત્રી આક્ષેપ કરે તેના પરથી વાત સાચી માની લેવામાં આવે છે. ‘રામાયણ’ કાળમાં ધોબીના ખોટા આક્ષેપ પર સીતાનો ત્યાગ થયો હતો, હવે પુરુષે અગ્નિપરીક્ષા દેવાનો સમય આવ્યો છે! (અહીં કહેવાનો અર્થ એ નથી કે ઉપરોક્ત સ્ત્રીઓના ખોટા આક્ષેપો છે અને આરોપી પુરુષો પવિત્ર છે.) સર્વોચ્ચે ૪૯૭ કલમ રદ્દ કરી વ્યભિચારને માન્યતા આપી કે ન આપી તેના વિવાદમાં ન પડીએ પરંતુ જે રીતે બળાત્કાર અને MeToo અંતર્ગત જાતીય સતામણીના આક્ષેપો થવા લાગ્યા છે તે જોતાં, લાગે છે કે હવે પુરુષોએ સ્ત્રીઓથી દસ ફૂટનું અંતર રાખવું પડશે. ગળે મળવું, ભેટવું, ચુંબનની આપલે કરવી, વાળમાં હાથ પસારવા, હાથ પર હાથ મૂકવોથી માંડીને જૉકની કે સંદેશાઓની આપલે સુધી…કોઈ પણ વર્તન જે સ્ત્રીને ન ગમે તે જાતીય સતામણીમાં ખપી શકે છે.

ભાવનગરમાં સનાતન ધર્મ હાઇ સ્કૂલ માત્ર કિશોરો માટે જ છે અને માજીરાજ-મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલય જેવી શાળા માત્ર કન્યાઓ માટે છે. એસએનડીટી માત્ર મહિલાઓની કૉલેજ છે. પરંતુ હવે જમાનો બહુ બદલાઈ ગયો છે. સહશિક્ષણથી હવે વાત સહનોકરી સુધી પહોંચી ગઈ છે. પુરુષ-સ્ત્રી માત્ર દોસ્ત હોઈ શકે છે તેવું પણ ઘણા કહે છે. પુરુષોમાં ઘણા ભ્રમરવૃત્તિના હોય છે તેથી સીતા જેવી મર્યાદાશીલ સ્ત્રી તરફ પણ વાસનાની દૃષ્ટિથી જોતા હોય તો પછી ફેમિનિઝમના વાવાઝોડામાં સ્ત્રીઓનાં કપડાં, તેમની બેસવા-ઉઠવાની મર્યાદા, વાતચીત, વગેરેમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સ્ત્રી પણ હવે નૉનવેજ જૉક આપલે કરતી થઈ છે. દારૂ-સિગરેટની મોટાં મહાનગરોમાં નવાઈ નથી રહી. આવા સમયે નિકટતા આવે, મિત્રતા બને, ક્યારેક પુરુષ આવેગમાં તણાઈ જાય, ક્યારેક સ્ત્રી પુરુષને પોતાની તરફ આકર્ષે, તેવા સમયે હવે પુરુષે બહુ સાવધાન રહેવું પડશે, કારણકે પુરુષનું વર્તન કે સ્ત્રીનો એક સાચો-ખોટો આક્ષેપ પુરુષની કારકિર્દી બરબાદ કરી શકે છે. જિંદગી ધૂળધાણી કરી શકે છે. કેટલીક સ્ત્રીઓ શૂર્પણખાની જેમ સિડ્યૂસ કરનારી હોય તો પણ તેને સિફતપૂર્વક રવાના કરવી જરૂરી છે (નાકકાન તો શબ્દથી પણ ન કપાય, નહીં તો ખોટો આક્ષેપ પણ થઈ શકે). એટલું જ નહીં, પરંતુ અનુરાગ કશ્યપ, તન્મય ભટ્ટની જેમ જે પુરુષો પોતાના દોસ્ત કે પોતાની કંપનીના પુરુષો ખોટું કરતા હોય તે જાણતા હોય તેમને પણ તેમણે અટકાવવા પડશે, નહીં તો જાણ હોવાની કારકિર્દી પર ખરાબ અસર પડી શકે છે.

Advertisements
film, media, politics

સંસ્કાર બાદ ભક્તિને ગાળમાં ખપાવવાનો કારસો

વચ્ચે રીતસર આયોજનપૂર્વક ટ્વિટર પર ઝુંબેશ ચાલી સંસ્કારના નામે મજાક ઉડાવવાની. ફિલ્મોદ્યોગમાં શરૂઆતમાં જેવી ભૂમિકા મળે પછી એવી જ ભૂમિકાઓ મળ્યે રાખે છે એ જાણીતી વાત છે. અભિનેતા આલોકનાથ સાથે આવું જ થયું. ‘બોલ રાધા બોલ’ને બાદ કરતાં એમણે મોટા ભાગે પિતાની ભૂમિકાઓ કરી. એટલે પહેલો શિકાર બનાવ્યા આલોકનાથને.

એ પછી બીજો શિકાર પહલાજ નિહલાની બન્યા જેમ્સ બૉન્ડ માટે. પહલાજ નિહલાનીનો પક્ષ માત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા ને તેના ગુજરાતી નવગુજરાત સમયમાં છપાયાનું યાદ છે. શિકારીઓની રજૂઆત એવી હતી કે પહલાજ નિહલાનીએ જેમ્સ બૉન્ડમાં પ્રણય પ્રચુરતાનાં દૃશ્યો પર કાતર ફેરવડાવી. પણ ઉપરોક્ત સમાચારપત્રમાં છપાયેલા પહલાજ નિહલાનીના પક્ષ મુજબ, જેમ્સ બૉન્ડના ફિલ્મકારે ‘એ’ના બદલે ‘યુએ’ સર્ટિ. માગેલું તેથી તેમને કટ કરવા પડ્યા.

ડાબેરી કમ લિબરલ ગેંગનો ત્રીજો શિકાર સૂરજ બડજાત્યા બન્યા. સૂરજ અને તેમના બાપદાદાની ફિલ્મોની વિશેષતા એ રહી છે કે તેઓ સારો સંદેશ આપતી, ઘણી હદે સ્વચ્છ, પારિવારિક અને સુમધૂર સંગીતમય ફિલ્મો આપે છે. આ ફિલ્મોમાં હિન્દુત્વ ઝળકતું હોય છે. જેનાથી આ ગેંગ સૂરજને ઝપટમાં લેવા માગે છે. ‘ગે’ સહિત અનેક વિકૃતિ ફેલાવતા શાહરુખ ખાનની ચમચી ફરાહ ખાને શાહરુખ નિર્મિત ‘ઓમ્ શાંતિ ઓમ્’માં સૂરજની મજાક ઉડાડેલી. તે પછી સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’ આવી એટલે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ની ચિબાવલી સમીક્ષકે લખ્યું સંસ્કારી ઑર્ગેઝમ! બીજા સમીક્ષકોએ પણ ફિલ્મને ઉતારી પાડી. (આ સમીક્ષકો યશરાજ, કરણ જોહર, વિધુ વિનોદ ચોપરા/રાજકુમાર હિરાણી, અનુરાગ કશ્યપ, વિશાલ ભારદ્વાજ, શાહરુખ ખાન, આમીર ખાન જેવા મિડિયાના ફેવરિટ લોકોની સમીક્ષામાં સમરકંદ બુખારા ઓવારી જાય છે પણ અક્ષયકુમાર, ૠત્વિક રોશન, ટાઇગર શ્રોફ જેવાની ફિલ્મોને ઉતારી પાડે છે. તાજેતરમાં આ લોકો શાહરુખની ‘ફેન’ પર આફરિન થઈ ગયા હતા જ્યારે ટાઇગરની ‘બાગી’ ને ઉતારી પાડેલી. આ જ રીતે ‘ઉડતા પંજાબ’ વિશે પણ થયું. એક સમીક્ષકે તો હેડિંગમાં લખ્યું: સોલિડ કિક! બીજી તરફ અક્ષયકુમારની ‘હાઉસફૂલ-3’ને ઉતારી પાડી. પણ દર્શકોએ ‘બાગી’ અને ‘હાઉસફૂલ-3’ બંનેને હિટ બનાવી દઈ આ બબુચકોને મોઢે તમાચો માર્યો.)

એકતા કપૂરની વાહિયાત ‘ક્યા કૂલ હૈ હમ-૩’માં પણ સૂરજ બડજાત્યા અને સંસ્કારીપણાની મજાક ઉડાવાઈ.
સૂરજ પોતે શરમાળ છે. તે પોતાની ફિલ્મનો પણ ખાસ પ્રચાર નથી કરતા તો આવા લોકોને જવાબ ક્યાંથી આપે? એટલે આ લિબરલ ગેંગની વાયડાટી ચાલે છે. આ લિબરલ ગેંગનો ચોથો શિકાર બન્યાં સચીન તેંડુલકર અને લતા મંગેશકર. તન્મય ભટ્ટ ને એના બીજા મિત્રો જેમાં એક મહેશ ભટ્ટનો થનારો કે થઈ ચૂકેલો જમાઈ રોહન જોશી પણ છે એ ભેગા થઈને ‘એઆઈબી’માં મહાન હસ્તીઓની અત્યંત બેહૂદી મજાક ઉડાવે છે. આમાંથી તન્મયે સ્વતંત્ર રીતે સચીન ને લતાજીની કનિષ્ઠતમ મજાક ઉડાવી પબ્લિસિટી મેળવી લીધી.

આ ગેંગનો ૨૦૧૪થી નિરંતર એક પ્રયાસ છે અને તે એ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરે તેને મોદીભક્ત ગણાવી દેવા. મિડિયાની હલકાઈ જુઓ સાહેબ! તે મનમોહનસિંહ આગળ ડૉ. લખવાનું ચૂકતું નથી. મનમોહન વ્યવસાયિક ડૉ. નથી. તેમ છતાં પૂર્વ વડાપ્રધાન છે અને દસ વર્ષ રાજકીય સ્થિરતા આપી દેશ ચલાવ્યો એ સિદ્ધિ બદલ એમની આગળ ડૉ. લખાય તેમાં કોઈ વાંધો ન હોઈ શકે પણ જેણે કાશ્મીરનું ઇસ્લામીકરણ ને પાકિસ્તાનીકરણ કર્યું કે થવા દીધું તે ફારુક અબ્દુલ્લાના નામ આગળ પણ લિબરલ તંત્રી- પત્રકાર ડૉ. લખવાનું ભૂલતા નથી. એ લોકો નહેરુ આગળ પં. એટલે કે પંડિત લખવાનું ચૂકતા નથી. ઇન્દિરાનો ઉલ્લેખ કરે ત્યારે એમની કલમ આપોઆપ પાછળ જી લગાવી દે છે. સોનિયા પાછળ પણ તેઓ જી અચૂક લગાવે જ પણ મોદી વડાપ્રધાન બન્યા પછી પણ તેઓ મોદીના નામની આગળ વડા પ્રધાન તો જવા દો, પાછળ જી પણ લગાવતા નથી. સ્મૃતિ ઇરાની ભૂતકાળમાં નિપુણ અભિનેત્રી હતાં. પણ હવે તેઓ ફૂલટાઇમ પોલિટિશિયન છે અને માનવ સંસાધન વિકાસ જેવા મહત્ત્વના ખાતાના પ્રધાન પણ છે પરંતુ આ મિડિયા તેમના નામ આગળ એક્ટ્રેસ ટર્ન્ડ પોલિટિશિયન લખીને સ્મૃતિને ઉતારી પાડવાનો મોકો ચૂકતા નથી. ‘ટેલિગ્રાફ’એ તો તેમને ‘આંટી નેશનલ’નું બિરુદ આપી દીધું. પણ લિબરલ ગેંગનું સાચું નિશાન મોદી નથી, મોદી સમર્થકો છે. એ લોકો એક વાત સારી રીતે જાણે છે કે મોદીજી તેમના તમામ પ્રપંચોને નિષ્ફળ બનાવી દેશે પણ સમર્થકો નહીં હોય તો મોદીજી શું કરવાના? આજે કદાચ સંઘ કે બીજી કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ કરતાં મોદીજી સૌથી લોકપ્રિય છે. લિબરલ ગેંગને એ ખબર નથી કે સંઘના સ્વયંસેવકો કરતાં બહારના લોકો વધુ મોદીસમર્થક છે. સંઘના સ્વયંસેવકો તો વ્યક્તિપૂજામાં માનતા નથી. એટલે એમને માટે ભગવાધ્વજ સિવાય કોઈ મોટું નથી. મોદી પણ નહીં.

લિબરલ ગેંગ મોદીસમર્થકોને મોદીભક્ત કહી હવે ભક્તિ શબ્દને ગાળમાં ખપાવવા જોરશોરથી પ્રયત્નશીલ છે. કોઈ વ્યક્તિ મોદીની કોઈ વાતનું સમર્થન કરે એટલે એને મોદીભક્તમાં ખપાવી તેને ઉતારી પાડવાનો જેથી એ બીજી વાર મોદીજીનું સમર્થન ન કરે.

કોઈ વ્યક્તિ સતત સારું કરે તો તેની પ્રશંસા થવાની જ. પછી તે અમિતાભ બચ્ચન હોય કે માધુરી દીક્ષિત, સચીન તેંડુલકર હોય કે લતા મંગેશકર. લાખો-કરોડો લોકો રોજ અમિતાભ-માધુરી-સચીન કે લતાના ફોટા કે તેમની વિગતો મૂકે છે. તો શું એ એમના ભક્ત થઈ ગયા? આમાંના ઘણા એવા પણ હશે જે ઉપરોક્ત હસ્તીઓની સાથે રાજેશ ખન્ના, શ્રીદેવી, સૌરવ ગાંગુલી કે આશા ભોસલેના ચાહક હશે. આ જ રીતે મોદીનું સમર્થન કરનારા મનમોહન, જયલલિતાનું સમર્થન કરનારા પણ હોઈ શકે.

જે તંત્રી-પત્રકાર સોનિયા કે પ્રિયંકાને જોઈને મોઢેથી લાળ ને નીચેથી શી***ન કરી બેસે છે કે અહેમદ પટેલના ચમચા છે તેઓ કે તેમની શેહમાં આવીને અન્યો સોનિયાના બારગર્લવાળા ભૂતકાળ વિશે  છાપવાની હિંમત ધરાવતા નથી.  સોનિયાને કઈ રહસ્યમય બીમારી છે એ જાણવા એ લોકો ઇન્વેસ્ટિગેશન કરાવી શકતા નથી. સુબ્રમણિયન સ્વામી એ બહાર પાડ્યું તો પણ નેશનલ હેરાલ્ડ કૌભાંડના સમાચાર કરતાં અન્ય સમાચારને પ્રાથમિકતા આપવી એ તેમનો ચમચાધર્મ છે. અને સમાચાર છાપશે તો મોદીજી જાણે ખોટી રીતે સોનિયાને ફસાવતા હોય એ રીતે છાપશે. કેજરીવાલે કાયદો તોડીને ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવપદની લહાણી કરી દીધી. એ સમાચાર હોય કે કેજરીવાલના મુખ્ય સચિવના કૌભાંડના કારણે સીબીઆઈના દરોડાના સમાચાર, આ ચમચાઓ કેજરીવાલ સામે મોદીજી વેરવૃત્તિથી કાર્યવાહી કરતા હોય એવાં મથાળાં બાંધશે. આ ચમચાઓ અનુગોધરા રમખાણો પછી ‘સિટ’ તપાસ, ઈશરત કેસ વગરેમાં આવાં મથાળાં બાંધતા નહોતાં.

લિબરલ ગેંગને કોઈએ પ્રશ્ન ખરેખર તો એ પૂછવા જોઈએ કે
૧. મોદીજીમાં એવા તે શું હીરામોતી ટાંગ્યાં છે કે લોકો વધુ ને વધુ મોદીસમર્થક બની રહ્યા છે?
૨. શું મોદીજી એવા હેન્ડસમ છે અથવા અમિતાભ જેવાં હાઇટ-બૉડી ધરાવે છે?
૩. શું મોદીજી સોનિયા જેવા ગોરા છે?
૪. શું મોદીજી ચિદમ્બરમ્ જેવું અંગ્રેજી કે અટલજી જેવું હિન્દી બોલી શકે છે?
૫. શું મોદીજી સંપત્તિમાંથી બધાના એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવે છે?
૬. મોદીજી ગરીબ દેખાતા નથી. એ કેજરીવાલ કે મમતા બેનર્જીની જેમ સાદાં કપડાં નથી પહેરતા, આ લિબરલ ગેંગ લખે છે તેમ હવામાં સતત ઉડતા રહે છે, તો પછી સામાન્ય માનવી કેમ મોદીસમર્થક છે? જેને અમેરિકાએ નવ નવ વર્ષ વિઝાનો ઇન્કાર કર્યો તે મોદીને જ્યારે અમેરિકા બોલાવે ત્યારે સામાન્ય ભારતીય કેમ વિજય મળ્યો હોય એમ ખુશ થાય છે?
૭. લિબરલ ગેંગ જ એવું લખે છે કે મોદી યુઝ એન્ડ થ્રો કરે છે ને અરુણ શૌરી આવું બોલે છે ત્યારે એને સમાચાર તરીકે ચગાવે છે પણ પ્રશ્ન એ છે કે મોદીજી આવું કરતા હોય તો એમના સમર્થકોની સંખ્યા તો એકદમ ઘટી જવી જોઈએ? એવું કેમ નથી થતું?
૮. માન્યું કે મોદીજી પાસે આઇટી પ્રોફેશનલની સારી ટીમ છે પણ મોદીજીને જિતાડનાર (મોદીજીને યશ ન દેવો પડે એટલે સોનિયાચમચા આવાં ગતકડાં શોધી કાઢે છે) પ્રશાંત કિશોર તો હવે આ તંત્રી-પત્રકારોના માનીતા સોનિયા-રાહુલને સેવા આપે છે. કેમ એ મોદીની જેવી હવા રાહુલની તરફેણમાં ઊભી નથી કરી શકતા?
૯. લિબરલો શોધે છે કે કૉંગ્રેસ નહીં તો કોણ? એટલે નીતીશ-કેજરી-વગેરે જે મોદીવિરોધી છે તેમની પછેડી પકડી લે છે. કેજરીવાલ પાસે પણ યુવાનોની આઇટી ટીમ છે. એ કેમ કેજરીની તરફેણમાં મોજું છોડો, લહેરખી પણ સર્જી નથી શકતા?
૧૦. એવું શું કારણ છે કે આજતક, એનડીટીવી સહિતની ચેનલો ને અનેક છાપાં મોદીવિરોધી છે, રોજેરોજ તેઓ મોદીવિરોધી સમાચાર ચગાવે છે ને મોદીતરફી સમાચાર દબાવી દે છે, આ જ રીતે મોદીવિરોધીઓના સારા સમાચાર ચગાવે છે ને મોદીવિરોધીઓના ખરાબ સમાચારને દબાવી દે છે તો પણ મોદીના સમર્થકોની સંખ્યા ઘટતી કેમ નથી?
૧૧. જ્યારે જ્યારે ચીન, અમેરિકા કે પાકિસ્તાન ભારતવિરોધી કૃત્યો કરે છે ત્યારે આ લિબરલ ગેંગ દેશની દુશ્મન હોય તેમ ખુશ થઈ ‘હાથતાળી’ કેમ આપે છે? ભારતની પીછેહટ તેમને ‘મોદીના ગાલ પર તમાચો’ કેમ લાગે છે? શું તેઓ મોદીવિરોધમાં આંધળા થઈને અજાણતા મોદી = ભારત આવું સમીકરણ તો નથી બેસાડી રહ્યાને?
૧૨. ક્યાંક આ લિબરલ ગેંગના રોજેરોજ આંધળા વિરોધના કારણે જ મોદીની લોકચાહના આટલી વધી નથી રહી ને? કારણકે હંમેશાં મક્કમ મજબૂત વ્યક્તિની પાછળ દુનિયા પડે ત્યારે લોકો તેના સમર્થક બની જતા હોય છે. આથી જ ભારતમાં લોકો માટે મહારાણા પ્રતાપ હારવા છતાં અકબરથી વધુ મહાન છે. સિકંદર કરતાં પોરસ વધુ લોકપ્રિય છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે આજે પણ કહેવાય છે કે ખૂબ લડી મર્દાની, વો ઝાંસીવાલી રાની થી.
૧૩. દુર્યોધનો કે શિશુપાલો સત્તાના મદમાં શ્રી કૃષ્ણની ઊંચાઈ સમજી શક્યા નહોતા. (સાવધાન! આ નઠારા ક્યાંક એવું ન કહી દે કે મેં મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવ્યા.વાતને આડે પાટે ચડાવવામાં આ લોકો હોશિયાર હોય છે.) લિબરલ ગેંગ સાથે આવું તો નથી ને?

film, sikka nee beejee baaju

એઆઈબી અને ફિલ્મ કલાકારો : હદ કર દી આપને

ધારણા પ્રમાણે જ ‘એઆઈબી’ શો સામે એફઆઈઆર થઈ અને સત્તાવાર રીતે વિડિયો હટાવી લેવાયો. સત્તાવાર એટલે કે યૂટ્યૂબની અન્ય ચેનલો પર આ વિડિયો છે જ. તેના પક્ષમાં અને વિપક્ષમાં ઘણી દલીલ-ટ્વીટ થયા છે. આવું કંઈક બને એટલે મોરલ પોલિસિંગની ટીકા કરનારા વધી જાય છે. અને દલીલ કરાય છે કે બળાત્કાર, કાળા નાણા, સંસદમાં ગાળાગાળી થાય તેનો વાંધો નહીં, પરંતુ આવી ક્રિએટિવ બાબતો સામે વાંધો નહીં.

એમાં ના નહીં કે વરલીમાં યોજાયેલા આ શોમાં ક્રિએટિવિટી હતી અને અમુક શાલીન જોક પણ હતી, પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. નવાઈની વાત એ હતી કે તેમાં કરણ જોહરે તેનાં માતા હીરુ જોહર હાજર હતાં અને અત્યંત છિછરી હરકતો કરી, છિછરા જોક કહ્યા. કરણ જોહરે દુર્યોધનને પણ પાછળ રાખી દીધો. (કરણ જોહર એક સારો નિર્માતા, નિર્દેશક અને રિયાલિટી શોનો સારો એન્કર છે, સારો ડાન્સર છે, એ રીતે તેના પ્રત્યે ભરપૂર માન છે પરંતુ તેણે જે રીતે સજાતીયતાને અને આ શોને ઉત્તેજન આડકતરી રીતે પણ આપ્યું છે તે ટીકાપાત્ર છે જ). મહાભારતના યુદ્ધ પહેલાં પુત્રને શક્તિશાળી બનાવવા દુર્યોધનને ગાંધારીએ કહેલું કે તું મારી સામે નગ્ન થઈને આવજે. હું ત્યારે મારી પટ્ટી આંખ પરથી ઉતારીશ. આંધળા પતિ માટે થઈને દેખતા હોવા છતાં ગાંધારીએ આંખ પર પટ્ટી બાંધી દીધી હતી. તેથી તેમની આંખોમાં તેજ હતું. પરંતુ શ્રી કૃષ્ણએ દુર્યોધનને સમજાવ્યું કે તું તારી માતા સમક્ષ નગ્ન જઈશ? અને દુર્યોધન સમજી ગયો. જાંઘ પર વસ્ત્ર પહેરીને ગયો. આથી દુર્યોધનના બીજા બધા ભાગો વજ્ર જેવા થઈ ગયા. પરંતુ જાંઘ બાકી રહી ગઈ. કરણ જોહરે તો તેની માતા સમક્ષ જ આ બધું બોલ્યું – કર્યું.

શોમાં અર્જુન કપૂરે પણ તેના વડીલ કાકા સંજય કપૂરની હાજરીમાં અણછાજતી ચેષ્ટાઓ કરી. આલિયા ભટ્ટની પટ્ટી તેની માતા સોની રાઝદાનની હાજરીમાં અને બહેન શાહીન ભટ્ટની હાજરીમાં ઉતરી. તો આલિયાની મોટી બહેન શાહીન ભટ્ટની હાજરીમાં તેના પ્રેમી રોહન જોશી, જે એઆઈબીનો સભ્ય છે, તેની ફિલમ ઉતારાઈ.

આ શોમાં જનનાંગો, વિકૃત વાતો એટલી હદે થઈ કે ખરેખર શરમજનક કહેવાય. જોકે ફિલ્મ ઉદ્યોગમાં વિકૃતિની હવે નવાઈ નથી રહી. શાહરુખ ખાન અને સૈફ અલી ખાને એવોર્ડ સમારંભોમાં આવી વિકૃતિઓ હાસ્યની રીતે રજૂ કરી જ છે. વિદ્યા બાલનની ‘ડર્ટી પિક્ચર’ આવી એ સાલે એવોર્ડ સમારંભોમાં શાહરુખ ખાને હદ વટાવી દેતી રજૂઆત કરી હતી. ફિલ્મોદ્યોગમાં છેલ્લા દાયકાથી ફિલ્મો જે રીતની બની રહી છે તેમાં મોટાભાગની ફિલ્મોને ક્યાં તો યુએ અથવા એ સર્ટિફિકેટ મળેલું હોય છે. પણ તેના ટ્રેલર અથવા પ્રોમોને સર્ટિફિકેટ અપાતા હશે કે કેમ તે ખબર નથી, પરંતુ તેની જાહેરખબરો ટીવી પર આવે છે. અને બાળકો પણ તેને જોતા હોય છે. શું હવે ફિલ્મોદ્યોગમાં મોટા ભાગના ફિલ્મ સર્જકો પાસે આવી વિકૃતિ બતાવવા સિવાય કંઈ રહ્યું જ નથી? કોણે કેટલાં ચુંબનો આપ્યા અને કોના કેટલાં, કેટલી હદ સુધીનાં ઉત્તેજક અંતરંગ દૃશ્યો છે તેના પર જ ફિલ્મનું વેચાણ થશે? દરેક ઉદ્યોગની એક સામાજિક જવાબદારી હોય છે તેને કૉર્પોરેટ ભાષામાં કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) કહે છે અને ગયા વર્ષે યુપીએ સરકારે કંપની કાયદામાં સુધારો કરીને સીએસઆર ફરજિયાત બનાવી દીધી છે. હવે જ્યારે ફિલ્મોદ્યોગનું કૉર્પોરેટાઇઝેશન થયું છે ત્યારે શું તેની કોઈ સીએસઆર નથી? વ્હી. શાંતારામ, ગુરુ દત્ત, બી. આર. ચોપરા, રાજશ્રી જેવા અનેક ફિલ્મ સર્જકો થઈ ગયા જેમણે સામાજિક રીતે ચેતના જાગે તેવી ફિલ્મો બનાવી. સમાજ પ્રત્યેના પોતાના કર્તવ્યને બરાબર સમજ્યું. સૂરજ બડજાત્યા પણ (‘મૈં પ્રેમ કી દીવાની હૂં’ને બાદ કરતા) આ જ માર્ગે ચાલે છે. પરંતુ આજના ઘણા ફિલ્મ સર્જકો માત્ર સેક્સ અને હિંસા પર જ ફિલ્મ બનાવે છે. અરે! પૌરાણિક વિષય કથાની ફિલ્મોમાંય અંતરંગ પળોનાં દૃશ્યો ઘૂસાડાય છે. ફિલ્મોમાં બેફામ ગાળો બોલાય છે.

આ વિષય પર જ્યારે ચર્ચા નીકળે ત્યારે ‘તે આમ કરે છે તો અમે કેમ ન કરીએ’ જેવી બાલિશ દલીલો થાય છે. ઇન્ટરનેટ પર બધું જ પ્રાપ્ય છે. તે બાળકો નહીં જોતા હોય તેવી દલીલ કરે છે. ઇન્ટરનેટવાળા ટીવી પર દોષારોપણ કરે છે કે ટીવી પર એમ ટીવી-વી ટીવી અને ફેશન ટીવી જેવી ચેનલો છે જ ને. તો ટીવીવાળા ફિલ્મોદ્યોગ પર દોષનો ટોપલો ઢોળે છે. આમ, આખું વિષચક્ર ચાલતું રહે છે. આ તો એના જેવું થયું કે એલોપથીવાળાં નશાના સિરપ કે અન્ય પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે ને આયુર્વેદ પર દોષનો ટોપલો ઢોળે અને આયુર્વેદવાળા યુનાનીનો હવાલો આપે. ભાજપવાળા એમ કહે કે કૉંગ્રેસમાં આ બધું થાય જ છે ને અને કૉંગ્રેસવાળા અન્ય પક્ષોની વાત કરે. ઇન્ટરનેટની અમુક વેબસાઇટોને માતાપિતા પ્રતિબંધિત કરી શકે છે, એ જ રીતે ટીવી પર ચાઇલ્ડ લોક આવે જ છે, પરંતુ ફિલ્મોના ટ્રેલર તો ન્યૂઝ ચેનલો પર પણ આવે ને સિરિયલોમાં પણ પોતાની ફિલ્મના પ્રમોશન માટે કલાકારો ટપકી પડે. જોકે આપણે વાત એઆઈબીની કરી રહ્યા છીએ.

એઆઈબીએ યૂટ્યૂબનો ફાયદો ઉઠાવ્યો. પોતાની ક્રિએટિવિટીને વ્યક્ત કરવા સોશિયલ મિડિયા સારું માધ્યમ છે. એમાંય યૂટ્યૂબ વગેરેને ભારતના કાયદા લાગુ પડતા નથી, એટલે એમાં જે ધારો તે મૂકી શકાય. જોકે સરકાર ધારે તો તેના અમુક વિડિયોને પ્રતિબંધિત કરી શકે પરંતુ આપણી સરકારો ઉદાર છે. એઆઈબીએ અત્યાર સુધી બાવનેક વિડિયો મૂક્યા અને તેમાં વપરાતી ભાષા ઘણી ગંદી હતી, પરંતુ ક્રિએટિવિટી સારી હતી. ગયા વર્ષે તેનો કેજરીવાલ પરનો વિડિયો ઘણો લોકપ્રિય થયો હતો. તો એક અંગ્રેજી અખબારનો દીપિકા પદુકોણેના ક્લિવેજ સંબંધી વિવાદ થયો તે સંદર્ભમાં તે અંગ્રેજી અખબારની બરાબર પટ્ટી ઉતારાઈ હતી કે છાપામાં કેટલા ફોટા ક્લિવેજના મૂકાય છે, તેની વેબસાઇટને કેટલી સોફ્ટ પોર્ન જેવી બનાવી દેવાઈ છે. અને અમને પત્રકારોને રસ પડે તેવી વાત એ હતી કે તેમાં બહુ સારી રીતે બતાવાયું કે આજે માર્કેટિંગ એડિટિંગ વિભાગ પર કેટલું હાવી થઈ ગયું છે.

એઆઈબીની ક્રિએટિવિટીને પ્રણામ, અને સાથે એ પણ સ્વીકાર્યું કે નવા યુવાનો અત્યંત ક્રિએટિવ છે, પરંતુ ક્રિએટિવિટી સાચી અને સારી રીતે નીકળે તો સારું રહે. તે જો વિકૃત રીતે નીકળે તો તે ખતરનાક બની જાય. એઆઈબીના બધા વિડિયો તો નથી જોયા પણ જેટલા જોયા તેમાં આ ડિસેમ્બરવાળો રણવીરસિંહ, અર્જુન કપૂર અને કરણ જોહરવાળો વિડિયો સૌથી વલ્ગર હતો. સોનાક્ષી સિંહા, જેણે હજુ ખાસ અંગ પ્રદર્શન નથી કર્યું અને તેના પિતા શત્રુઘ્નસિંહાનો ડર પણ છે, તે આ શોમાં હાજર રહી અને પોતાના અર્જુન કપૂર સાથેના જોક તેણે માણ્યા તે જોઈને નવાઈ લાગી. અત્યારની અભિનેત્રીઓમાં સોનાક્ષી સુંદર છે, તેની ફિલ્મો જોવી ગમે છે, તેના ડાન્સ સારા હોય છે, પણ તે આ શોમાં હાજર રહી?! આઘાત તો ચોક્કસ લાગે. વળી, આ જ સોનાક્ષી સિંહાએ વાયડી અને નોનસેન્સ આઇટમ કમાલ આર ખાનની ટ્વીટ બાબતે મહિલાઓના સન્માનની વાત કરી હતી! કમાલ આર ખાને જાતે ટ્વિટર સૌથી સેક્સી અભિનેત્રીઓ અંગે લોકોના અભિપ્રાય પૂછ્યા હતા, તેમાં તેણે નિતંબની વાત કરી હતી અને સોનાક્ષી સિંહા બાબતે પણ લોકોનો મત પૂછ્યો હતો. જોકે બાદમાં તેણે સોનાક્ષીનું નામ કાઢી નાખેલું, તેમ છતાં સોનાક્ષી સિંહાએ ટ્વીટ કરીને જ કેઆરકેને મહિલાઓના સન્માનની વાત યાદ અપાવી હતી.

આ જ રીતે અંગ્રેજી અખબારના વિવાદ વખતે દીપિકા પદુકોણેએ પણ મહિલાની ગરીમાની દુહાઈ આપી હતી, અને તે આ શોમાં તેના અને રણવીરસિંહના ભદ્દા જોક માણી રહી હતી. સૌથી હદ તો એ વાતની થઈ કે એઆઈબીના એક સભ્ય આશીષ શક્યાના કાળા હોવા વિશે એકથી વધુ લોકોએ અને એકથી વધુ મજાક કરી. યાદ છે ને ૨૦૧૪માં દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે મધરાતે પાડેલા દરોડામાં સોમનાથ ભારતીના એક સમર્થકે યુગાન્ડાની મહિલાઓએ ‘એન’ શબ્દ વાપર્યો તો હોહા થઈ ગઈ હતી. અમેરિકા જેવો દેશ હોય અને એઆઈબી સામે ફરિયાદ થાય તો શક્યાની મજાક ઉડાવનારા નિશ્ચિત રીતે જેલભેગા થઈ ગયા હોત!

આ શોમાં હાજર નહીં રહેલાઓને પણ બક્ષવામાં આવ્યા નહોતા. પરિણીતી ચોપરાએ પહેલાં તેમાં હાજર રહેવા હા પાડી હતી પરંતુ તે ન આવી એટલે તેની પણ ભદ્દી મજાક ઉડાવાઈ હતી. આ ઉપરાંત નિર્માતા-દિગ્દર્શક આદિત્ય ચોપરા, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, આયેશા ટકિયા,નરેન્દ્ર મોદી આ બધા હાજર નહોતા પરંતુ તેમને ખૂબ જ ખરાબ રીતે મજાકને પાત્ર બનાવાયાં. ફરીદા જલાલની તો એટલી ખરાબ મજાક કરાઈ કે ફરીદા તેનાથી ભારે ગુસ્સે થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે કોઈ કાનૂની માર્ગ અપનાવ્યો નથી. બીજું તો ઠીક, પણ ધર્મોને પણ બક્ષવામાં નથી આવ્યા. ભગવાન ગણેશની ઉપમા આપીને એક સભ્યની મજાક કરાઈ (જોકે ગણેશજીનું ચોખ્ખું નામ લેવાયું નહોતું, પણ વિસર્જનની વાત એ પ્રત્યે ઈશારો જ હતો, કેમ કે બધા જાણે છે કે મુંબઈમાં ગણેશજીનું વિસર્જન ધામધૂમથી થાય છે) કેથોલિક સંપ્રદાય અને જીસસને પણ બક્ષવામાં આવ્યા નહોતા.

આ માત્ર તોછડાઈ નહોતી પરંતુ હદ બહારની અશ્લીલતા હતી. મનસે અને એનસીપી હવે આ શોનો વિરોધ કરી રહ્યા છે. એનસીપીના કથિત વિરોધના કારણે આ શોની સભ્ય અદિતિ મિત્તલનો એક રેસ્ટોરન્ટે શો રદ્દ પણ કર્યો. એઆઈબીનો જ કેમ વિરોધ થયો? સોની ટીવી પર કોમેડી સર્કસ આવતું તેનો વિરોધ પણ થવો જોઈતો હતો. તેમાં દ્વિઅર્થી જોક આવતી. જોકે તેની સામે કદાચ વિરોધ એટલે નહીં થયો કેમ કે તેનું કન્ટેન્ટ એઆઈબી જેટલું અશ્લીલ નહોતું. વળી, કોમેડી સર્કસની ક્રિએટિવિટી પણ જબરદસ્ત હતી. વર્ષો અગાઉ નીના ગુપ્તાએ ‘કૌન બનેગા કરોડપતિ’ની સામે ‘કમઝોર કડી કૌન’ શો કર્યો હતો જેમાં નીના ગુપ્તા સ્પર્ધકોનું ભયંકર અપમાન કરતી હતી. તે વખતે પણ તે શો પચ્યો નહોતો અને ટૂંક સમયમાં જ સંકેલી લેવો પડ્યો હતો. તેની સામે ‘કૌન બનેગા કરોડપતિ’ શો લાંબો ચાલ્યો. કેબીસીમાંય એક સિઝનમાં શાહરુખ ખાન આવી ગયો, પણ તે તમામ સ્પર્ધકોને ભેટવાનો આગ્રહ રાખતો હતો. પણ એક પ્રાધ્યાપિકાએ તેને તેમ કરવાનો ઇનકાર કરી તેનું સજ્જડ અપમાન કર્યું હતું. તરત જ તે પછીની સિઝનમાં અમિતાભનું પુનરાગમન થઈ ગયું હતું.

આ જ રીતે વચ્ચેના સમયમાં એવી શૃંખલા ચાલી કે મ્યૂઝિક અને ડાન્સના ટીવી શોમાં અનુ મલિક, હિમેશ રેશમિયા, ઇસ્માઇલ દરબાર જેવા જજ સ્પર્ધકો સાથે બહુ જ તોછડાઈ અને કઠોરતાથી વર્તતા હતા. તેનો પણ વિરોધ ભરપૂર થયો. હવે ફરીથી બધા જ જજો સારી રીતે વર્તતા થઈ ગયા છે. ભારતીય સમાજમાં આ બધું ન ચાલે.

એઆઈબીનો વિરોધ વાજબી જ છે. કારણકે જો તેને અહીં રોકવામાં નહીં આવે તો દિગ્દર્શક અશોક પંડિતે ટ્વીટ કર્યું તેમ આ વિકૃતિ કેટલી આગળ વધશે તેની કલ્પના મુશ્કેલ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ગમે તે ન ચલાવી શકાય.

(‘મુંબઈ સમાચાર’ની રવિવારની પૂર્તિ ઉત્સવમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૮/૨/૧૫ના રોજ આ લેખ છપાયો.)