hindu, religion

દારૂ, સેક્સ, કપડાં: સભ્યતાનાં બંધનો ખ્રિસ્તી પંથમાં પણ છે જ

(ભાગ-૨)

ગઈ કાલે ૩૧ ડિસેમ્બર ધામધૂમથી ઉજવાઈ! આપણે ગઈ કાલના ક્રિસમસ, સાંતા ક્લૉઝ, ૩૧ ડિસેમ્બર, ખ્રિસ્તી પંથ અને મોજમજા: ભ્રમ અને સચ્ચાઈ લેખમાં જોયું કે હિન્દુ તહેવારોમાં બંધન વધુ છે તેવી માન્યતા ખોટી છે. ૨૫ ડિસેમ્બર એ ઈસુનો જન્મદિન છે તેમ છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. સાંતા ક્લૉઝની પરિકલ્પના પણ નરી કલ્પના જ છે જે માર્કેટિંગના વિચારમાંથી જ ઉદ્ભવેલી છે. આ જ રીતે ૩૧ ડિસેમ્બર એ વર્ષનો અંત છે તેમ પણ વ્યાપક રીતે ન કહી શકાય. આજે આપણે એ સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કરીએ કે શું ખરેખર ખ્રિસ્તી પંથમાં ક્રિસમસ અંગે, દારૂ અંગે, ટૂંકાં કપડાં અંગે કે સેક્સ અંગે કોઈ બંધનો જ નથી? આપણે ત્યાં નવરાત્રિ જે રીતે પૈસા કમાવવાનું નિમિત્ત બની ગઈ છે અને તેની ધર્મ પ્રમાણે ઉજવણી નથી થતી તેમ ક્રિસમસનું પણ નથી થયું ને.

જો ક્રિસમસને સાચા અર્થમાં ઉજવવી હોય તો તેમાં ક્રિસમસ પહેલાં સાચા અર્થમાં ખ્રિસ્તી પંથ પાળતા લોકોએ ઉપવાસ એટલે કે ‘ફાસ્ટ’ રાખવાના હોય છે. કેટલાક ૧ ડિસેમ્બરથી ૨૪ ડિસેમ્બરની મધ્ય રાત્રિ સુધી ઉપવાસ કરે છે તો કેટલાક ૧૫ નવેમ્બરથી ૨૪ ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી. આ ઉપવાસના દિવસોમાં વચ્ચે વચ્ચે તમે જમી શકો (કેટલેક અંશે જૈનોમાં આવતા ઉપવાસની જેમ) અને તે દિવસે માછલી, દારૂ, રેડ મીટ, પૉલ્ટ્રી, મીટ પ્રૉડક્ટ, એગ, ડેરી પ્રૉડક્ટ, તેલ લઈ શકાય. આનો અર્થ શું થયો? માંસમચ્છી ઉપવાસના દિવસે નહીં ખાવાનાં. તેલ પણ નહીં ખાવાનું. હિન્દુઓમાં શાકાહારના જે ગુણગાન છે અથવા તો માંસાહારને તામસી ખોરાક માનીને નિષેધ કરાયો છે તેનો નિષેધ ખ્રિસ્તી પંથમાં પણ ઉપવાસના દિવસો પૂરતો છે. બીજી એક માન્યતા એ છે કે હિન્દુ ધર્મમાં કેટલા બધા સંપ્રદાયો અને કેટલા બધા પેટા સંપ્રદાયો છે જ્યારે મુસ્લિમોમાં કે ખ્રિસ્તીઓમાં નથી. આ લિબરલો-સેક્યુલરોએ ફેલાવેલો ભ્રમ છે! એક અંદાજ પ્રમાણે ખ્રિસ્તી પંથમાં ૩૩,૦૦૦થી વધુ પેટા સંપ્રદાયો છે! આમાંનો એક ઇસ્ટર્ન ઑર્થૉડૉક્સ ક્રિસમસ પૂર્વેના ઉપવાસમાં દર શનિ-રવિ ફીસ્ટ (એટલે કે ઉપવાસ નહીં રાખવાની) છૂટ આપે છે. એટલે તે દિવસે માછલી, દારૂ અને તેલ લઈ શકાય. જ્યારે દર મંગળ અને ગુરુએ તેલ અને દારૂની છૂટ!

દારૂ અંગે બાઇબલ શું કહે છે? કેનાના લગ્નમાં જ્યારે દારૂ ખાલી થઈ જાય છે ત્યારે માતા મેરીના કહેવાથી જિસસ પાણીને દારૂમાં ફેરવી દઈ ચમત્કાર કરે છે અને તેમનો આ પહેલો ચમત્કાર છે તેવું ગૉસ્પેલ ઑફ જૉન (જૉન વિષયક ક્રાઇસ્ટની કથા)માં આવે છે. દારૂના વિરોધીઓ આનો બચાવ એ રીતે કરે છે કે જિસસે પાણીને જેમાં પરિવર્તિત કર્યું તે હકીકતે દ્રાક્ષનો રસ (જ્યુસ) હતો. અર્થાત દારૂ નહોતો. દારૂ ત્યારે કહેવાય જ્યારે દ્રાક્ષના રસમાં ફર્મેન્ટેશન (આથો) આવે, પરંતુ કેટલાક કહે છે કે ના, ના, એ દારૂ જ હતો. તે વખતે અનફર્મેન્ટેડ અને ફર્મેન્ટેડ વચ્ચેનો ભેદ બધા જાણતા હતા. આ જ રીતે જિસસ લાસ્ટ સપરમાં ઉલ્લેખ છે કે તેમણે વાઇનનો કપ લીધો અને તેમના અનુયાયીઓને પીવા આપ્યો.

પરંતુ ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં એરોન અને તેના દીકરાઓ, પ્રિએસ્ટ (પૂજારી)ને તેઓ જ્યારે લૉર્ડ (ભગવાન) સમક્ષ સેવા કરવા જાય ત્યારે દારૂ કે બીજું કોઈ કડક પીણું પીવાની ના પાડવામાં આવી છે. (લેવિટિકસ ૧૦:૯) આ જ રીતે નાઝરાઇટ લોકોને (જેઓ ગૉડની સેવા કરવા સમર્પતિ થયા હોય) તેઓ પ્રતિજ્ઞા હેઠળ હોય ત્યારે વાઇન પીવા પર પ્રતિબંધ મૂકાયો છે. બાઇબલ બુક ઑફ પ્રૉવર્બમાં વાઇન અને સ્ટ્રૉંગ ડ્રિન્ક પીવા સામે ભરપૂર ચેતવણીઓ છે. “જેઓ વાઇન પીવે છે તેની વાઇન મજાક ઉડાવે છે” (પ્રૉવર્બ્સ ૨૦:૧) “અને તેમને બદલામાં સંતાપ, દુઃખ, પીડા અને ઈજા આપે છે અને તે પણ કોઈ કારણ વગર.” (પ્રૉવર્બ્સ ૨૩:૨૯, ૩૦) “અંતે તે (વાઇન) નાગની જેમ દંશ દે છે અને ઝેરીલા સાપની જેમ ઝેર આપે છે.” (શ્લોક ૩૨, એનઆઈવી)

જિસસ અને તેમના અનુયાયીઓ દારૂ પીતા હતા, પરંતુ આ શ્રીકૃષ્ણની સોળ હજાર રાણી જેવી વાત છે. દારૂ પીવા સામે વાંધો નથી, પરંતુ તેના અતિરેક સામે જરૂર છે. અને તકલીફ અતિરેકથી જ થાય છે. જો આપણે મન પર કંટ્રોલ રાખી શકતા હોત તો તો ઝેર પણ એક મર્યાદામાં અમૃત સમાન જ છે ને. શિવજીને ક્યાં ઝેરની અસર થાય છે? પરંતુ એમ નથી કરી શકતા તેથી તે નુકસાનકારક છે. વળી, ભોજન એ જરૂરિયાત છે, દારૂ એ જરૂરિયાત નથી. દારૂથી બિનજરૂરી ખર્ચ થાય છે, અકસ્માતની સંભાવના રહે છે, તેના નશામાં ઝઘડા, બિનજરૂરી વિવાદો, બળાત્કાર જેવા અપરાધો થવાની સંભાવના રહે છે અને શરીરને તો નુકસાન થાય જ છે. એટલે જ એફિશિયન્સ (૫:૧૮, એનએલટી)માં કહેવાયું છે, “દારૂનો નશો ન કરો કારણકે તે તમારી જિંદગી બરબાદ કરી નાખશે.” એટલે પ્રૉટેસ્ટન્ટ (ખ્રિસ્તી પંથનો એક સંપ્રદાય જે અમેરિકામાં વધુ રહે છે)ના પેટા સંપ્રદાય એવન્જેલિકલના લોકો દારૂ પીતા નથી.

આ જ રીતે પાર્ટી કરવા વિશે પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. “વાઇલ્ડ પાર્ટીઓમાં ભાગ ન લો અને નશો ન કરો, વ્યભિચાર ન કરો અને અનૈતિક જીવન ન જીવો અથવા લડાઈ કે ઈર્ષા ન કરો.” (રોમન્સ ૧૩:૧૩ એનએલટી) ખ્રિસ્તીઓને આદેશ અપાયો છે કે એવી કોઈ પણ ચીજ જે તેમના દેહનો કબજો લઈ લે અથવા તેના તમે ગુલામ બની જાવ (માસ્ટર્ડ) તે ન લેવી. (૧ કૉરિન્થિયન્સ ૬:૧૨; ૨ પીટર ૨:૧૯)

પશ્ચિમના ચશ્માથી જ બધું નિહાળતા-પશ્ચિમને, ખાસ કરીને અમેરિકાને તમામ બાબતોમાં આદર્શ માનતા ભારતની ખોટી ટીકા કરતા બુદ્ધુજીવીઓને ખબર નથી કે અમેરિકામાં પણ એક સમયે દારૂબંધી લદાઈ હતી! ત્યાં પણ ખ્રિસ્તીઓ, ખાસ કરીને તેનો પેટા સંપ્રદાય પ્રૉટેસ્ટન્ટ દારૂબંધીની તરફેણમાં છે. ઈ.સ. ૧૬૫૭માં મેસેચ્યુસેટ્સની જનરલ કૉર્ટે સ્ટ્રૉંગ દારૂ ચાહે તે રમ હોય કે વ્હિસ્કી, વાઇન હોય કે બ્રાન્ડી, તેને “ઇન્ડિયન્સ”ને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. (અહીં કૉર્ટ એટલે અદાલત નહીં, પરંતુ વિધાનસભા અર્થ લેવો. અને ઇન્ડિયન્સ એટલે ત્યાંના મૂળ વતનીઓ જે આમ તો સેંકડો વર્ષો પૂર્વે ભારતમાંથી જ ગયા હતા.) ઈ.સ. ૧૮૨૬માં જ્યૉર્જિયામાં સંગઠિત રીતે ટેમ્પરન્સ (દારૂ પીવાથી દૂર રહેવું) ચળવળ શરૂ થઈ હતી. તેને ડ્રાય ક્રુસેડ એટલે કે દારૂ સામેની જેહાદ એવું નામ પણ આપવામાં આવેલું. જાણીને નવાઈ લાગશે પરંતુ સચ્ચાઈ છે કે ઈ.સ. ૧૮૬૯માં અમેરિકામાં નેશનલ પ્રૉહિબિશન પાર્ટી સ્થપાયેલી જે હજુ પણ અસ્તિત્વમાં હોય તેવો (ડેમોક્રેટિક અને રિપબ્લિકન પછી) સૌથી જૂનો ત્રીજો પક્ષ છે! સામાન્ય રીતે લિબરલો મહિલાઓ પ્રત્યે ઉદાર હોય તેવી માન્યતા છે પરંતુ અમેરિકામાં છેક ૧૯૨૦માં મહિલાઓને મતાધિકાર મળેલો તેની સામે આ પ્રૉહિબિશન પાર્ટીએ તેની સ્થાપનાથી જ મહિલાઓને પક્ષની સભ્ય તરીકે સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. ૧૮૭૩માં વીમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન સ્થપાયેલું. દારૂડિયા પતિઓના અત્યાચારોથી બચવા શિક્ષણ મારફતે દારૂથી લોકોને બચાવવા તેનું અભિયાન હતું. પ્રૉટેસ્ટન્ટ પંથીઓ ખાસ કરીને એવન્જેલિકલ પ્રૉટેસ્ટન્ટ દારૂ પીવાને નુકસાનકારક અને પાપકારક માને છે. દારૂથી કુટુંબ અને પ્રતિષ્ઠા બરબાદ થાય છે, ગરીબી, અવ્યવસ્થા અને અપરાધ વધે છે તેમ માને છે. પહેલાં લોકોને દારૂ છોડવાની અપીલો થઈ અને પછી દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવા કાયદો બદલવા માટે પગલાં લેવાયાં. ૧૮૮૧માં કેન્સાસ મદ્ય પીણાંઓ પર પ્રતિબંધ મૂકનારું પ્રથમ રાજ્ય બનેલું. જ્યૉર્જિયામાં ઈ. સ. ૧૯૦૮થી ૧૯૩૫ સુધી દારૂ પર પ્રતિબંધ રહ્યો.

અમેરિકામાં ઈ. સ. ૧૯૨૦માં આખા દેશમાં દારૂબંધી લદાઈ હતી, માનવામાં આવશે? બીજા વિશ્વ યુદ્ધ પછી આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દારૂબંધી ઉઠાવી લેવાઈ. જોકે અમેરિકામાં કેન્સાસ, મિસિસિપી અને ટેનેસી એ ત્રણ રાજ્યો દારૂબંધીવાળા રાજ્યો આજની તારીખે પણ છે! કેટલાંક પરગણાંઓ (કાઉન્ટી) પણ દારૂબંધી ધરાવે છે જેમ કે ટૅક્સાસનાં ૨૫૪ કાઉન્ટી પૈકી ૭૪ સંપૂર્ણપણે દારૂબંધી ધરાવે છે! એલબામા, અર્કન્સાસ, વર્જિનિયામાં પણ ઘણાં બધાં કાઉન્ટી દારૂબંધીવાળા છે. એટલે અમેરિકામાં દારૂ ખરીદીને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં બહુ ધ્યાન રાખવું પડે! ભારતમાં મણિપુર જેવા ખ્રિસ્તીઓના પ્રભુત્વવાળા રાજ્યમાં ખ્રિસ્તીઓ આદિવાસી વિસ્તારમાં દારૂબંધી ઉઠાવવાનો વિરોધ કરે છે. ખ્રિસ્તીઓના બહુમતીવાળા ઝેક રિપબ્લિકનમાં દારૂના કારણે મોતના લીધે વર્ષ ૨૦૧૨માં દારૂબંધી કરી દેવાઈ છે! ડેન્માર્ક સિવાયના નૉર્ડિક દેશો (ફિનલેન્ડ, આઈસલેન્ડ નૉર્વે અને સ્વીડન)માં દારૂના વેચાણ અંગે કડક કાયદા છે અને તેના પર આકરો વેરો પણ લદાયેલો છે. ઑસ્ટ્રેલિયામાં પણ કેટલાક વિસ્તારો ડ્રાય ઝૉન તરીકે જાહેર થયા છે. કારણ જાણવું છે? દારૂના નશાના કારણે ડ્રાઇવિંગ અકસ્માત, હિંસા અને અસભ્ય વર્તન. ન્યૂઝીલન્ડમાં પણ ૧૮૮૦માં દારૂ સામે ઝુંબેશ શરૂ થયેલી. ઘણા દેશોમાં ચૂંટણી પહેલાં અને પછી દારૂબંધી લદાય છે.

ભારતમાં મહાત્મા ગાંધીજી દારૂને સામાજિક દૂષણ માનતા અને તેના પર પ્રતિબંધ હોવો જોઈએ તેમ માનતા હતા. તેમણે કહેલું કે “જો હું ભારતનો સરમુખત્યાર બનું તો દારૂની દુકાનોને કોઈ વળતર આપ્યા વગર જ બંધ કરી દઉઁ.” તેથી જ તો ગુજરાતમાં દારૂબંધી આવી અને ગત વર્ષે બિહારમાં પણ લદાઈ.

લિબરલો-સેક્યુલરો હિન્દુ ગ્રંથોનો આધાર લઈ દાવો કરતા હોય છે કે દેવતાઓ પણ સોમરસનું પાન કરતા હતા અને સોમરસ એટલે દારૂ. આ લોકો ખોટા છે. સોમ એટલે ચંદ્ર. સૌમ્ય એટલે નાજુક. ચંદ્ર સાથે સંકળાયેલું. અને શતપથ બ્રાહ્મણમાં  સોમરસ અને સુરા આ બંને વચ્ચે સ્પષ્ટ ભેદ સમજાવેલો છે. સોમ અમૃત છે અને સુરા વિષ છે. નિરુક્ત શાસ્ત્ર મુજબ, સોમનો અર્થ એક ઔષધિ પણ થાય છે.

ખ્રિસ્તીઓને બંધનમાં ડ્રેસની વાત પણ આવે. સામાન્ય રીતે ખ્રિસ્તી બહુલતા પશ્ચિમી દેશોમાં જોવામાં આવે છે. આથી એક ભ્રમ એ પણ ફેલાયેલો છે કે પશ્ચિમી સંસ્કૃતિ એટલે ખ્રિસ્તી સંસ્કૃતિ! એટલે ડ્રેસ હોય કે મુક્તપણે શારીરિક સંબંધો બાંધવાની વાત હોય, ખ્રિસ્તી પંથમાં આ બધામાં છૂટછાટો ખૂબ જ છે તેમ આપણે માની લઈએ છીએ. પરંતુ આવું નથી. ખ્રિસ્તી પંથની સ્ટાન્ડર્ડ બુક બાઇબલ મુજબ, ભલે તેમાં સ્ત્રીઓ કે પુરુષો માટે કેવાં કપડાં પહેરવા તેના કોઈ ચોક્કસ નીતિ-નિયમો આલેખાયા નથી, પરંતુ બાઇબલે એક ગાઇડલાઇન અથવા નીતિવિષયક સિદ્ધાંતો ચોક્કસ આપ્યા છે. આદમ અને ઇવે ગાર્ડન ઑફ ઇડનમાં ફળ ખાવાનું પાપ કર્યું તે પછી ગૉડે તેમની નગ્નતા ઢાંકવામાં મદદ કરી હતી. (જિનેસિસ ૩:૨૧)

અર્થાત્ નગ્નતા એ સભ્યતા નથી. એ ખ્રિસ્તી પંથ મુજબ પણ અનપેક્ષિત બાબત છે. જો કપડાં તમારા દેહને નગ્ન બનાવતાં હોય તો એ બાઇબલ મુજબ ખોટું જ છે અને ખોટું એટલે પાપ. ‘પ્રૅક્ટિસિંગ પ્રૉટેસ્ટન્ટ્સ: હિસ્ટૉરિયન્સ ઑફ ક્રિશ્ચિયન લાઇફ ઇન અમેરિકા, ૧૬૩૦-૧૯૬૫’ પુસ્તકમાં લેખકો લૉરી એફ. મેફલી, લેઇ ઇ. શિમ્ડ્ટ અને માર્ક વલેરીએ લખ્યું છે, “શરીરને રજૂ કરવાની બાબતમાં ડ્રેસ મહત્ત્વનો છે. કૉજિક (ચર્ચ ઑફ ગૉડ ઇન ક્રાઇસ્ટ)ના મહિલાઓના વિભાગનાં નેતા લિઝી રૉબિન્સને મહિલાઓને સૂચના આપી હતી કે “dress as Becometh Holiness.” પવિત્રતા માટે પોશાકનો અર્થ થાય છે કે શરીર ઢંકાયેલું રહેશે, ગરમ વાતાવરણમાં પણ.” અહીં પ્રૉટેસ્ટન્ટ અને ખાસ કરીને અમેરિકા વિશેના પુસ્તકની વાત એટલે કરી કે કેટલાક ગુજરાતી કૉલમિસ્ટોની બુદ્ધિ અમેરિકા અને ફ્રાન્સમાં જઈને અટકી જાય છે અને ત્યાંનું ખોટું ચિત્રણ આપણી સમક્ષ કરે છે.

ન્યૂ ટેસ્ટામેન્ટમાં પણ કહેવાયું છે કે

I also want women to dress modestly, with decency and propriety, not with braided hair or gold or pearls or expensive clothes, but with good deeds, appropriate for women who profess to worship God. (NIV, 1 Timothy 2:9-10)

અને આ જુઓ.

Your beauty should not come from outward adornment, such as braided hair and the wearing of gold jewelry and fine clothes. Instead, it should be that of your inner self, the unfading beauty of a gentle and quiet spirit, which is of great worth in God’s sight. For this is the way the holy women of the past who put their hope in God used to make themselves beautiful. (NIV, 1 Peter 3:2-5)

અર્થાત્ આંતરિક સૌંદર્યને ખ્રિસ્તી પંથ પણ મહત્ત્વ આપે છે! આત્માની સુંદરતાનું અગત્ય છે. મોંઘા ખર્ચાળ કપડાંનું નહીં. ઘરેણાં-આભૂષણો કામનાં નથી.

એટલું જ નહીં, ખ્રિસ્તી પંથમાં તો મહિલાઓ માટે વધુ બંધન છે! તેમણે પ્રે (પ્રાર્થના) કરતી વખતે માથું ઢાંકવું ફરજિયાત છે. પુરુષોએ નહીં! ખ્રિસ્તી લેખક અને મેગાચર્ચ પેસ્ટર માર્ક ડ્રિસ્કૉલ તો કહે છે કે જે સ્ત્રી દર્દ, ચિંતા કે પછી બીજા કોઈ કારણસર સેક્સની ના પાડે તે સ્વાર્થી છે અને તે ઈશ્વરની વિરુદ્ધ છે.

સેક્સ અંગે પણ ખ્રિસ્તી પંથમાં સ્પષ્ટ આદેશ છે. જિનેસિસ ૨:૨૪ મુજબ, ગૉડ કહે છે, “તેથી પુરુષ તેના પિતા અને માતાને છોડશે અને પત્ની સાથે જોડાશે, અને તેઓ એક (વન ફ્લૅશ) બનશે.” ૧ કૉરિનથિયન્સ ૬:૧૬ મુજબ, ‘વન ફ્લૅશ’નો અર્થ ઇન્ટરકૉર્સ (સંભોગ) થાય છે. અને તે પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે તે પછી કરવાનો છે. ૧ કૉરિનથિયન્સ ૬:૧૮ મુજબ, આપણે (ખ્રિસ્તીઓએ) સેક્સ્યુઅલ ઇમ્મૉરાલિટીથી ભાગવાનું છે અથવા તેને ટાળવાની છે. આ બધા પછી, હિબ્રુસ ૧૩:૪માં ગૉડ કહે છે, સેક્સ ઇઝ ગુડ. પરંતુ ખ્રિસ્તી ધર્મગુરુઓ જેમ કે સૈન્ટ ઑગસ્ટાઇન તો સેક્સને પાપ માનતા હતા, તો સૈન્ટ પૉલ સેક્સની ઈચ્છાને ઈશ્વર સામે બળવો માનતા હતા અને બ્રહ્મચર્યને મહત્ત્વ આપતા હતા! મધ્ય યુગમાં તો સજાતીય સંબંધો માટે દેહાંતદંડની સજા મળતી હતી! બાળકો પેદા કરવા માટે જ પતિ-પત્ની વચ્ચે સેક્સ માન્ય હતું અને આથી કેટલાંક ‘આસનો’ (જેમ કે સ્ટેન્ડિંગ અપ, વૂમન ઑન ટોપ, ડૉગી સ્ટાઇલ, ઑરલ, એનલ અથવા માસ્ચરબેશન) પર પ્રતિબંધ હતો!  ખ્રિસ્તી પંથમાં છૂટાછેડાને પણ અનૈતિક મનાયા છે.

આમ, ક્રિસમસ અને ૩૧ ડિસેમ્બરને ઘણા ભારતીયોએ મોજમજાના તહેવાર માની લીધા છે પરંતુ ખ્રિસ્તી પંથમાં કપડાંથી લઈ, ખાવાપીવા, ઉપવાસ કરવા, સેક્સ અંગેના સ્પષ્ટ બંધનો છે જ. તો પછી પ્રશ્ન થાય કે આપણી સમક્ષ આવું ચિત્ર કેમ ઊભું થયું? ખ્રિસ્તી પ્રભુત્વવાળા દેશોમાં ઇટ, ડ્રિન્ક અને બી મેરીના બદલે ઇટ, ડ્રિન્ક અને **ની સંસ્કૃતિ કેમ આવી? તેનો જવાબ આગામી લેખમાં મેળવવા પ્રયાસ કરીશું.

(ક્રમશ:)

Advertisements
international, politics, sikka nee beejee baaju

ટ્રમ્પ, મોદી, બાબા રામદેવ, દેવ આનંદ ને કપિલ દેવ…બુદ્ધુજીવીઓને ન ગમતા લોકો

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૧૩/૧૧/૧૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો.)

અમેરિકામાં ભારતવાળી થઈ રહી છે. ભારતમાં થોડું મોડે થયું. દિલ્લી અને બિહારની ચૂંટણી ટાણે થયું. અમેરિકામાં તરત થયું. વાત ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખપદે વિજયની છે. ચૂંટણી સમયે ઘણી કડવાશ બંને પક્ષે હતી. પરંતુ પ્રમુખપદે ચૂંટાયા કે તરત મોદીનું ચૂંટણી સૂત્ર ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ અપનાવનાર ડોનાલ્ડ ટ્રમ્પે અદ્દલ મોદીની જેમ પોતાના પ્રવચનમાં કહ્યું કે તેઓ સમગ્ર અમેરિકાના પ્રમુખ છે. તેમણે બધા રાજકીય પક્ષોને એક સંપ થઈને કામ કરવા અપીલ કરી. જેમણે ભૂતકાળમાં તેમને સમર્થન નહોતું આપ્યું તેમનું માર્ગદર્શન લેવા વાત કરી. ટ્રમ્પ સામે બહાર તો વિરોધ હતો જ અને રિપબ્લિકન પક્ષમાં પણ વિરોધ હતો તેમ છતાં તેમની નિખાલસતા, સંકોચ વગર ભૂંડાને ભૂંડા કહેવાની નીતિએ તેમને વિજય અપાવ્યો. તેમના વિજય પ્રવચન પછી તેમની સામેની કડવાશ સમી જવી જોઈતી હતી પરંતુ નથી શમી. ઉલટું તેમની સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. વિરોધકારો તેમને પોતાના પ્રમુખ માનવા તૈયાર નથી.

ભારતના કાશ્મીરમાં જેમ પાકિસ્તાનના ઝંડા ફરકાવાય છે અને ભારતનો ધ્વજ બાળવામાં આવે છે તેવું અમેરિકામાં પણ બની રહ્યું છે. વિરોધકારો અમેરિકાના ધ્વજ બાળી રહ્યા છે અને મેક્સિકોના ધ્વજ લહેરાવી રહ્યા છે. ઉપરાંત સામ્યવાદીઓના નિશાનીરૂપ લાલ ઝંડા પણ ફરકાવાય છે. આનો સંકેત સ્પષ્ટ છે. ભારતની જેમ ડાબેરી જમાતને અમેરિકામાં રાષ્ટ્રવાદી (ટ્રમ્પનો રાષ્ટ્રવાદ સાચો છે કે ખોટો તે તો સમય જ કહેશે) ટ્રમ્પ ચૂંટાઈ આવે તે પસંદ નથી પડ્યું.

આ ડાબેરી, સેક્યુલર, બુદ્ધુજીવી જમાતનાં બેવડાં ધોરણો હોય છે. કટ્ટર મુસ્લિમો દ્વારા આતંક મચાવાય છતાં મુસ્લિમોના ખોટા થાબડભાણા કરે તેવી વ્યક્તિઓ આ જમાતને પસંદ હોય છે. દેશની લઘુમતીની આળપંપાળ તેમને પસંદ હોય છે. તેમને કોઈ હિરોઇન અશ્લીલ તસવીરો ખેંચાવે તેની ટીકા થાય કે કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન મહેશ શર્મા માર્ગદર્શિકા (એટલે સલાહ, આદેશ નહીં)રૂપે વિદેશી મહિલા પર્યટકોને તેમની સુરક્ષા માટે સ્કર્ટ પહેરવાની ના પાડે તો પેટમાં દુખવા લાગે છે પરંતુ મૌલવીઓ સાનિયા મિર્ઝાને સ્કર્ટ પહેરવા સામે ફતવો બહાર પાડે કે પછી ત્રણ વાર તલાક બોલવાથી મુસ્લિમ મહિલાઓને અન્યાય થાય ત્યારે આ જમાત કોઈક ખૂણામાં સંતાઈ જાય છે. હિરોઇનની અશ્લીલ તસવીરનો તેઓ બચાવ કરશે પરંતુ ટ્રમ્પની પત્નીએ (અને એ પણ ભૂતકાળમાં) પડાવેલી નગ્ન તસવીરને તેઓ વખોડશે. કહેવાનો અર્થ એ કે આ જમાત અત્ર, તત્ર, સર્વત્ર છે અને એકસરખી છે.

અમેરિકામાં આ જમાતના વિરોધ સામે પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. આ જમાતને હિલેરી ક્લિન્ટન અને ઓબામાનું મૂંગું સમર્થન છે. આ જમાતમાં ભારતની જેમ જ કેટલીક-૫૦૦ અને ૧૦૦૦ની બંધ થયેલી નોટો જેવી- સેલિબ્રિટીઓ છે. કેઆરકે ખાન નામના શબ્દ ઉપદ્રવી વ્યક્તિએ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો દેશ છોડી જવા ધમકી આપેલી. કાશ્મીરને પાકિસ્તાનની નજરે જોતી ફિલ્મ ‘હૈદર’ બનાવનાર વિશાલ ભારદ્વાજ, જાવેદ અખ્તરની દીકરી ઝોયા અખ્તર, નંદિતા દાસ વગેરે કલાકારોએ ચૂંટણી ટાણે નરેન્દ્ર મોદી સિવાય કોઈ પણ સેક્યુલર પક્ષને મત આપવાની અપીલ કરીને સેક્યુલર હોવાનો ફાંકો મારતા ફિલ્મઉદ્યોગમાં ઊભા બે ફાડિયાં કરી નાખેલા. આ જ રીતે અમેરિકામાં પણ અશ્લીલતાની કોઈ સીમા ન રાખનાર ભૂંડી ભખ મિલી સાયરસ, ચેલ્સીયા હેન્ડલર, અમી શૂમરે ટ્રમ્પનો વિરોધ જ નહોતો કર્યો પરંતુ જો ટ્રમ્પ ચૂંટાઈ જાય તો અમેરિકા છોડી કેનેડા જતા રહેવા ધમકી આપેલી. પણ આવી સેલિબ્રિટીઓની દાળ ગળી નહીં. ટ્રમ્પ જીત્યા પછી તેમણે બિસ્તરા-પોટલાં બાંધી દેશ છોડી દીધો? ના. મિલી સાયરસ તો નાટકવેડા કરવા જાણીતી છે. તેણે રોતાં રોતાં કહ્યું કે તે ટ્રમ્પને પોતાના પ્રમુખ તરીકે સ્વીકારે છે.

અગાઉ કહ્યું તેમ ડાબેરીઓની આ જમાતને ઓબામા સામે કોઈ વાંધો નથી હોતો, ભલે તેઓ ચૂંટણી પહેલાં ખિસ્સામાં હનુમાનજીનો ફોટો લઈને ફરતા હતા. ભલે તેમના સમયમાં અમેરિકાની ભારે આર્થિક અને વૈશ્વિક સ્તરે દબદબાની રીતે પીછેહટ થઈ. મિડિયામાં આ જમાતનું ઘણું વર્ચસ્વ છે તેથી ભારતના મિડિયામાં પણ આપણી સમક્ષ ટ્રમ્પનાં વિવાદાસ્પદ નિવેદનો, તેમની સામે ચૂંટણી ટાણે જ સેક્સ્યુઅલ હેરાનગતિની ફરિયાદ કરવા ફૂટી નીકળેલી સ્ત્રીઓની વાતો આવી. આપણી સમક્ષ હિલેરી ક્લિન્ટન સામેના આક્ષેપો ક્યારેય રજૂ કરાયા? ઇ-ઇ-મેઇલનું કૌભાંડ, સાઉદી અરેબિયાનું ફંડ તેમના પક્ષને મળતું હતું, જે રીતે સોનિયા ગાંધીની કઠપૂતળી કૉંગ્રેસ સરકાર સીબીઆઈનું દમનચક્ર મુલાયમ- માયાવતી- કરુણાનિધિ- નરેન્દ્ર મોદી સામે ચલાવતી હતી તેમ ક્લિન્ટન દ્વારા વિરોધીઓ સામે ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસનું દમનચક્ર, બિલ ક્લિન્ટન દ્વારા જુઆનિતા બ્રૉડ્રિક નામની મહિલા પર કથિત બળાત્કાર, જેનિફર ફ્લાવર, કેથલીન વિલી અને પૌલા જૉન્સનું શારીરિક શોષણ કરવું અને બિલ ક્લિન્ટનનાં આ કુકર્મો બહાર ન પડે તે માટે હિલેરી દ્વારા ધમકી અપાવી, સતામણી કરવી, બિલ ક્લિન્ટનને પ્રમુખ તરીકે મળેલા વાઇટ હાઉસમાંથી હિલેરી દ્વારા ફર્નિચરની ચોરીનો પ્રયાસ, રાજકીય દુશ્મનોની એફબીઆઈમાં રહેલી ફાઇલો મેળવવી…આક્ષેપોની યાદી મોટી છે. પણ આપણી સામે આ બધું ક્યારેય રજૂ જ ન કરાયું. તો અમેરિકાના મિડિયામાં પણ મોટા ભાગે આ જ સ્થિતિ રહી.

ગૂગલ પર સર્ચ કરાતા, ભારતના વડા પ્રધાન બન્યા પછી પણ નરેન્દ્ર મોદીનું નામ ક્રિમિનલોની યાદીમાં આવે રાખ્યું તેમ ટ્રમ્પના ફોટાની શોધ કરો તો ટ્રમ્પના જોકર જેવા, વિચિત્ર, ગુસ્સો કરતા હોય તેવા ફોટાનું બહુલ પ્રમાણ જોવા મળે. (પ્રમુખ બન્યા પછી ગૂગલ સર્ચમાં કેટલો સુધારો થયો છે તે ખબર નથી કારણ કે મોદી તો ભારતમાં છે પણ ગૂગલનું વડું મથક અમેરિકામાં છે.) અને એટલે જ વિરોધો ફાટી નીકળતાં ટ્રમ્પે પણ આ વિરોધો ભડકાવવા માટે (ત્યાંના) મિડિયાને દોષી ઠરાવતું ટ્વીટ કર્યું.

અગાઉ કહ્યું તેમ લેફ્ટિસ્ટ મિડિયા, સેલિબ્રિટીઓ, સાહિત્યકારો, લેખકોને એવા લોકો પસંદ જ નથી પડતા જે પરંપરામાં માનતા હોય (ચાહે તે હિન્દુ હોય કે ખ્રિસ્તી), જે દેશના હિતની વાત કરતા હોય, જેમનાં મોઢાં, પહેરવેશ અને વાત કરવાની ઢબ તેમને ગમે તેવી નથી હોતી. જે પોલિટિકલી કરેક્ટનેસ (એટલે કે મગનું નામ મરી ન પાડવું)  દાખવતા ન હોય. એટલે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો તેવાં ગાણાં ગાતાં ન હોય. જે નૈતિકતામાં માનતા હોય. મોદી ઉપરાંત બાલ ઠાકરે, રાજ ઠાકરે જેવી માત્ર રાજકીય વ્યક્તિઓ જ નહીં, અન્યાન્ય ક્ષેત્રની વ્યક્તિઓ પણ આ જમાતને પસંદ નથી પડી. ઉદાહરણ જોઈએ છે? બાબા રામદેવ, અમિતાભ બચ્ચન, દેવ આનંદ, ધર્મેન્દ્ર, સલમાન ખાન કપિલ દેવ, વીરેન્દ્ર સહેવાગ, આનંદ બક્ષી, ગીતકાર સમીર, શકીલ બદાયુની, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, કલ્યાણજી-આણંદજી, મનમોહન દેસાઈ, સૂરજ બડજાત્યા…વગેરે વગેરે. આ જમાતે મિર્ઝા ગાલિબ અને ગુલઝાર જ મહાન શાયર-ગીતકાર હોય તેવી રજૂઆતો કર્યે રાખી. તેમને મન સુનીલ ગાવસ્કર, શાહરુખ ખાન, ઈરફાન ખાન, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, સાહિર લુધિયાનવી, ગુરુદત્ત, બલરાજ સહાની, મીનાકુમારી વગેરે મહાન ગણાય.

સારો દેખાવ અને અસ્ખલિત અંગ્રેજી બોલે (અને તેમાંય અગાઉ શેડ્યૂલ શીખવ્યું હોય પણ આ લોકો પછી સ્કેડ્યૂલ કરી નાખે તો તમારે સ્કેડ્યૂલ બોલવાનું, એજ્યુકેશન શીખવ્યું હોય તો હવે તેઓ બોલે છે એટલે એડ્યુકેશન બોલવાનું, ઇન્ડિયન ટીમ બોલતા હો તો તેઓ બોલે છે એટલે ટીમ ઇન્ડિયા બોલવાનું) તેવા લોકો તેમને ગમે. કંઈક વાત કરે તો “ન કરે નારાયણ”ના બદલે ‘ટચવૂડ’ બોલવું જોઈએ. છિંક આવે તો ‘ખમ્મા’ નહીં પણ ‘ગૉડ બ્લેસ યૂ’ બોલવાનું. છુંદણા સામે વાંધો પણ ટેટૂ સામે નહીં. જીભથી માંડીને ….(સમજી ગયા) વગેરે જગ્યાએ પિયર્સિંગ કરાવો તો એ કળાત્મક કહેવાય પણ કપાળે તિલક? અલ્લાહ તૌબા તૌબા!

આ જમાત દર વખતે અનૈતિકતા-અવળચંડાઈ કરવામાં એક ડગલું આગળ હશે. તેમના બંગાળ-કેરળના શાસનમાં ગુંડાગીરી થાય, હત્યાઓ થાય તો વાંધો નહીં. પણ એક અખલાકનું મૃત્યુ થશે એટલે તેઓ એવી કાગારોળ મચાવશે કે જાણે મોટા પાયે નરસંહાર થઈ ગયો હોય! ગુડગાંવનું નામ ગુરુગ્રામ થાય કે અત્યંત ક્રૂર ધર્માંધ ઔરંગઝેબ રોડનું નામ બદલીને વૈજ્ઞાનિક, ઋષિ, પૂર્વ રાષ્ટ્રપતિના નામ પરથી એપીજે અબ્દુલ કલામ રોડ થાય તો તેમનો ગરાસ લૂંટાય જાય પરંતુ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરે તો વાંધો નહીં! તેમની કાગારોળ મચાવવાની, વિરોધ કરવાની રીત પણ દર વખતે નવી-નવી. ક્યારેક અસહિષ્ણુતાના નામે એવોર્ડ પાછા આપે તો ક્યારેક મોદીને અમેરિકા વિઝા ન આપે તેની પિટિશન કરે. તો ક્યારેક ટીવી પર માઇમ કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અત્યંત ભૂંડી મજાક ઉડાવે.

આ લોકો અમેરિકામાં પણ આવા જ ગતકડાં કરી રહ્યા છે. ટ્રમ્પની અમેરિકા તરફી ટ્રેડ પૉલિસીને ન્યૂ બેલેન્સ નામની સ્નીકર કંપનીએ સમર્થન આપ્યું તેમાં અમેરિકામાં ટ્રમ્પ વિરોધીઓ ન્યૂ બેલેન્સ કંપનીનાં સ્નીકર બાળવા લાગ્યા!

ટ્રમ્પ પ્રત્યે આપણને કોઈ સહાનુભૂતિ કે લાગણી નથી. ટ્રમ્પ ભારતને અનુકૂળ નીતિ અપનાવશે અને ઇસ્લામિક આતંકવાદ નાબૂદ કરવામાં ભારતને મદદ કરશે તો તેની પ્રશંસા જરૂર કરીશું. આ જ રીતે બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા અમુક અંશે ભારત તરફી રહ્યા છે.  પરંતુ ઉપરોક્ત બધી વાત એટલે કરી કે ભારતમાં જેમ ૬૦થી વધુ વર્ષ શાસન કરનાર કૉંગ્રેસીઓ અને (પડદા પાછળ) ડાબેરીઓ ભાજપ સરકાર આવી તે સાંખી શકતા નથી તેમ બિલ ક્લિન્ટન બે મુદ્દત સુધી અમેરિકાના પ્રમુખ રહ્યા અને તે પછી તેમના કઠપૂતળી જેવા બરાક ઓબામા પણ બે મુદ્દત સુધી પ્રમુખ રહ્યા. આમ કુલ સોળ વર્ષ ક્લિન્ટન પરિવારે શાસન કર્યું. હવે તેને ટ્રમ્પ આવ્યા તે ગોઠતું નથી. જોઈએ હવે ટ્રમ્પ કઈ રીતે પરિસ્થિતિને સંભાળે છે.

international, sikka nee beejee baaju

બ્રિટન-અમેરિકાના દાખલા પરથી ભારત-પાકિસ્તાન ન શીખી શકે?

(મુંબઈ સમાચારની રવિવારની પૂર્તિમાં ‘સિક્કાની બીજી બાજુ’ કૉલમમાં તા.૨૫/૦૯/૧૬ના રોજ આ લેખ છપાયો.)

(ભાગ-૧ વાંચવા અહીં ક્લિક કરો: પાકિસ્તાન-રશિયાની નવી ધરી, કાશ્મીર ને આપણું બોદું તંત્ર)

(ગતાંકથી ચાલુ)

ગયા અંકે આપણે પાકિસ્તાન- રશિયાની નવી ધરીનું વિશ્લેષણ કરેલું તેના બેત્રણ દિવસમાં જ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કાશ્મીરના ઉડીમાં (સાચું નામ ઉડી છે, પણ અંગ્રેજો ‘ડ’નું ‘ર’ કરી નાખે છે. જેમ કે ‘સાડી’નું ‘સારી

’. તેમ ઉડીનું ઉરી થઈ ગયું છે.) ત્રાસવાદીઓના હુમલામાં ૧૮ જવાનો શહીદ થઈ ગયા! ભારતના કહેવાથી રશિયાએ પાકિસ્તાન સાથે સૈન્ય અભ્યાસ માંડી વાળ્યો. યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. આ સ્થિતિમાં આપણે ગયા લેખના અંતમાં અધૂરી છોડેલી વાત વધુ પ્રાસંગિક બની છે.

કાશ્મીર પ્રશ્ન (અને એટલે પાકિસ્તાન સાથેની કાયમી સમસ્યા) ઉકેલવાની ચાવી આંતરરાષ્ટ્રીય સંબંધોના એક પેચીદા કેસ સ્ટડીમાં રહેલી છે તેવું લેખાંતે લખેલું. આ કેસ સ્ટડી છે બ્રિટન અને અમેરિકાના સંબંધનો.

અમેરિકામાં યુરોપના વિવિધ દેશોના લોકો આવીને વસ્યા અને તેમણે તેમનાં સંસ્થાનો બનાવ્યા. ઈ.સ. ૧૭૬૪-૬૫માં બ્રિટિશરોએ અમેરિકામાં સ્થાયી થયેલા તેમના જ મૂળ વતનીઓને લૂટવા માટે કરન્સી ઍક્ટ, સ્યુગર ઍક્ટ, સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટ લાદ્યા. આનાથી અમેરિકામાં વસેલા બ્રિટિશરો અને બ્રિટનના બ્રિટિશરો વચ્ચે સંઘર્ષ જન્મ્યો જે યુદ્ધમાં પરિણમ્યો. બાદમાં ફ્રાન્સ પણ તેમાં જોડાયું જે બ્રિટનના હાથે અગાઉ હાર પામી ચૂકેલું હતું. બંને પક્ષે ભારે ખુવારી થઈ. છેવટે ૧૭૮૨માં પેરિસમાં સંધિ માટે વાટાઘાટ શરૂ થઈ. આ વાટાઘાટમાં સ્પેન અને ફ્રાન્સ પણ સહભાગી હતા. પરંતુ અમેરિકામાં વસેલા બ્રિટિશરોને લાગ્યું કે તેમને સ્પેન અને ફ્રાન્સની મધ્યસ્થીથી ઝાઝું મળે તેમ નથી તેથી તેમણે બ્રિટન સાથે સીધી અને ગુપ્ત વાટાઘાટ આદરી.

તે વખતે બ્રિટનના વડા પ્રધાન વિલિયમ પેટ્ટીને લાગ્યું કે અમેરિકાને ફ્રાન્સ અને સ્પેનથી વિખૂટું કરી શકાય તેમ છે. આથી તેમણે ભૂતકાળ ભૂલી જઈને અમેરિકા સાથે સંબંધો મધુર કરવામાં હિત જોયું. તેમને લાગ્યું કે અમેરિકા તેનું નવું આર્થિક ભાગીદાર બની શકે તેમ છે. આમ, અમેરિકા સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.

અહીં એક આડ વાત. કેટલાક વિદ્વાનો એમ માને છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામથી ભારત સ્વતંત્ર ન થયું હોત. જો થયું હોત તો કદાચ અરાજકતાવાળું હોત. આ લોકો ક્રાંતિકારીઓની ભૂમિકા પણ ઓછી આંકે છે. તેમના મતે, મહાત્મા ગાંધીજીના લીધે જ આપણને સ્વતંત્રતા મળી. આપણી પાસે તે પહેલાં બ્લુ પ્રિન્ટ જ નહોતી. તેમણે અમેરિકાનો આ દાખલો લઈને સમજવાની જરૂર છે. અમેરિકાનાં વિવિધ રાજ્યો (કૉલોનીઓ) બ્રિટિશરો સામે લડ્યાં અને સ્વતંત્ર થયા. અમેરિકા સુપર પાવર પણ બન્યું.

બ્રિટિશરોએ પોતાનો સુપર પાવર તરીકેનો ભૂતકાળ ભૂલીને અમેરિકાને સ્વતંત્ર થવા દીધું અને શાણપણ દાખવી તેની સાથે સંબંધો સુધારી લીધા. એટલું જ નહીં, તેને મોટા ભાઈ તરીકેય સ્વીકારી લીધું. જ્યારે બ્રિટિશરોએ ભારતમાં મુસ્લિમ-હિન્દુ ઝઘડાનાં બીજ રોપી કાયમ માટે આ બંનેને દુશ્મન બનાવી દીધા.

અને માત્ર બ્રિટન અને અમેરિકા જ શું કામ? બ્રિટન અને ફ્રાન્સ એક સમયે દુશ્મન હતા. આજે સાથી છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાન, અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ વિરુદ્ધ લડેલા. બીજા વિશ્વયુદ્ધમાં પરાજિત જર્મનીને અમેરિકા અને સોવિયેત સંઘે વહેંચી લીધું હતું. જર્મનીને શસ્ત્રવિહોણું બનાવી દેવામાં આવ્યું. જર્મની પાસેથી યુદ્ધનો ખર્ચો વસૂલવામાં આવ્યો. અનેક જર્મનોને મજૂર તરીકે લઈ જવામાં આવ્યા અને રસ્તામાં જ ભૂખમરાના કારણે અનેકોનાં મોત થયાં. અનેક જર્મન સ્ત્રીઓ પર બળાત્કાર થયા. (અમેરિકા-બ્રિટન વિજેતા હોવાથી અને મિડિયા પર પ્રભુત્વ હોવાથી જર્મનીમાં નાઝીઓ દ્વારા થયેલા અત્યાચારના કિસ્સા જ ચગાવવામાં આવે છે, બ્રિટિશરો અને અમેરિકનોએ કેટલા અત્યાચાર કર્યા તે વાત ઓછી નોંધાય છે.) તેમ છતાં આજે જર્મની અમેરિકાનું સાથી છે. જાપાનમાં પણ અમેરિકાએ અણુ બૉમ્બ ફેંકીને અમીટ વિનાશ વેર્યો. જાપાનને પણ નિ:શસ્ત્ર કરી નાખ્યું. આજે જાપાન અમેરિકાનું સાથી છે. આ કોઈ દેશ જૂના અત્યાચારોને યાદ કરીને કાયમ માટે દુશ્મનાવટ નથી રાખતા. બ્રિટન-અમેરિકાએ તો અમેરિકાની ક્રાંતિ દરમિયાન એકબીજા પર કરેલા અત્યાચારોને રેકોર્ડ પરથી મિટાવી દીધા છે. આ દાખલા ભારત-પાકિસ્તાનના સંદર્ભમાં કઈ રીતે જોઈ શકાય?

ભારત પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા. તેમાં મુસ્લિમો પણ મોટા પાયે હતા. પરંતુ મોગલ સામ્રાજ્ય વખતે હિન્દુ-મુસ્લિમ એકતા નોંધપાત્ર પ્રમાણમાં હતી. બીજું કે ભારત મુસ્લિમ શાસકોનું ગુલામ બન્યું તેમાં ભારતના રાજાઓનો પણ વાંક હતો જ. મોહમ્મદ ગઝની ભારત પર ૧૭ વાર ચડી આવ્યો પરંતુ પહેલી જ વારના આક્રમણ પછી ભારતના કોઈ રાજાને કે રાજાઓના સમૂહને તેનો પીછો કરીને તેને ત્યાં જ પતાવી દેવાનું કેમ સૂજ્યું નહીં? (અત્યારેય આ નીતિ ચાલુ જ છે.) પૃથ્વીરાજ ચૌહાણે પણ અનેક વાર મોહમ્મદ ઘોરીને હરાવ્યા પછી માફ કરી દઈ જવા દીધો. આવી દયાભાવના શું કામ? અને બીજી વાત એ પણ માનવી રહી કે ભારતમાં મતાંતરણ કરીને મુસ્લિમો બનનારા બધા જ માત્ર તલવારના જોરે જ મુસ્લિમ નથી બન્યા. હિન્દુઓમાં ક્યાંક અહંકાર અને દૂરંદેશીનો અભાવ કંટક બન્યો તો ક્યાંક જાતિપ્રથા નડી ગઈ. મતાંતરણ કરનારાઓની ઘરવાપસી કરાવવાનું સૂજ્યું જ નહીં. જેને સૂજ્યું તેમને પંડિતોએ ના પાડી કે હિન્દુ પદ્ધતિમાં આવો નિયમ જ નથી. જે હોય તે, પણ એક વાત તો નિશ્ચિત છે કે ભારતીય ઉપખંડના હિન્દુ હોય કે મુસ્લિમ, શીખ હોય કે ખ્રિસ્તી-બધાના પૂર્વજો એક જ છે.

પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા (તેમનું નામેય અંગ્રેજી ખોટા સ્પેલિંગના લીધે ગુજરાતી લેખકોય ખોટું લખે છે.) ગુજરાતી હતા. તેમના દાદા પ્રેમજી ઠક્કર (ગોંડલ) હિન્દુ હતા. તેઓ વેરાવળમાં મચ્છીનો વ્યવસાય કરતા હતા. તેથી શાકાહારી લોહાણા સમાજે તેમને બહિષ્કૃત કર્યા. આ અપમાનથી તેમના દીકરા પૂંજાલાલ મુસ્લિમ બની ગયા. તેમના દીકરા ઝીણા પણ રાષ્ટ્રવાદી હતા, પરંતુ ગાંધીજીએ તુર્કીના ખલીફાને પદભ્રષ્ટ કરવાની ઘટના માટે અહીં ભારતમાં ખિલાફત આંદોલનને ટેકો આપીને મુસ્લિમોને ભારત બહાર જોતા કરી દીધા. એટલું જ નહીં, ગાંધીજીએ સત્યાગ્રહના આંદોલનની જાહેરાત કરી ત્યારે ઝીણાએ તેનો વિરોધ કર્યો અને ૧૯૨૦ના કૉંગ્રેસના અધિવેશનમાં તેઓ બોલવા ઊભા થયા ત્યારે કૉંગ્રેસના પ્રતિનિધિઓએ તેમને બોલવા જ ન દીધા! (ભાજપમાં શંકરસિંહ વાઘેલા-આત્મારામ પટેલ સાથે થયું તેવું જ.) ત્યાર પછી ઝીણાએ કૉંગ્રેસ છોડી. ઝીણાએ અગાઉ કૉંગ્રેસમાં ગાંધીજી અને નહેરુ સાથે એક જ મંચ પરથી વંદેમાતરમ્ ગાયું પણ હતું, હવે તેઓ વંદેમાતરમ્ નો વિરોધ કરવા લાગ્યા.

કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન-ભારત અને મુસ્લિમ-હિન્દુનો ઝઘડો ભાઈ-ભાઈનો ઝઘડો છે. ભારતમાં લોકો લાગણીશીલ વધુ છે અને સમજદાર ઓછા. ભારતના વિભાજનથી લઈને ૨૦૧૩ના મુઝફ્ફરનગરનાં રમખાણો સુધી, મુસ્લિમ-હિન્દુઓ ઝઘડતા આવ્યા છે. જે જે વાત હિન્દુઓને પ્રિય કે પવિત્ર છે તે બધી ભારતના કટ્ટર મુસ્લિમોને નથી પસંદ. ચાહે તે વંદેમાતરમ્ હોય, ગોરક્ષા હોય કે યોગ. સ્વતંત્રતા પછી જેમ જેમ મુસ્લિમ તુષ્ટીકરણ વધતું ગયું તેમ તેમ હિન્દુઓમાં પણ કટ્ટરતા આવતી ગઈ.

પાકિસ્તાન-ભારતે સ્વતંત્રતા પછી જ સમાધાન કરીને અમેરિકા-બ્રિટન જેવા સંબંધો કરી લીધા હોત તો બંને દેશો દુશ્મનાવટના કારણે હેરાન ન થયા કરતા હોત. પરંતુ સ્વતંત્રતા પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. અત્યારે યુદ્ધના પડકારા થઈ રહ્યા છે ત્યારે હવે જે વાત લખવાનો છું તે ઘણાને પસંદ નહીં પડે. જે રીતે પ્રજામતના આધારે ભારતે હૈદરાબાદ અને જૂનાગઢ કબજે કર્યું તે જોતાં પાકિસ્તાન કાશ્મીર માટે (જમ્મુ કે લદ્દાખની વાત નથી) પ્રયાસ કરે તેમાં આપણને ખોટું ન લાગવું જોઈએ. અને કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી કેવી રીતે થઈ તે પણ વિચારવું રહ્યું. જો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને જાપાન એક થઈને આખા વિશ્વ પર રાજ કરી શકે તો ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન કેમ એક ન થઈ શકે? અલબત્ત, સ્વતંત્રતા પછી નહેરુજીએ શેખ અબ્દુલ્લાને પાકિસ્તાન મોકલીને ભારત-પાકિસ્તાનનો સંઘ (જેમ યુરોપીય સંઘ છે તેમ) રચવા દરખાસ્ત કરેલી પરંતુ પાકિસ્તાનના પ્રમુખ અયુબ ખાને આ દરખાસ્ત ફગાવી દીધી હતી. આરએસએસ પણ ૧૪ ઑગસ્ટે અખંડ ભારત સંકલ્પ દિન ઉજવી સ્વતંત્રતા પહેલાના અખંડ ભારતનો સંકલ્પ કરે છે. મુલાયમસિંહ યાદવના વૈચારિક ગુરુ ડૉ. રામમનોહર લોહિયાએ આ વિચારને ૧૯૬૦ના દશકમાં સમર્થન આપ્યું હતું. ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ વર્ષ ૨૦૦૪માં ભારત-પાકિસ્તાનના કૉન્ફિડરેશનનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ થયો એક વિકલ્પ. બીજો વિકલ્પ અમેરિકાએ જર્મની અને જાપાન સાથે જે કર્યું તે કરવાનો છે. દુશ્મનમાં ફરીથી ઊભા થવાની ત્રેવડ જ ન રાખવી. ભારત પાકિસ્તાન સામે બે યુદ્ધમાં જીત્યું પરંતુ તે પછી ભારતે પાકિસ્તાનને નિ:શસ્ત્ર ન કર્યું. ન તેણે પચાવેલું કાશ્મીર પાછું લીધું. લાલબહાદુર શાસ્ત્રી હોય કે ઈન્દિરા ગાંધી, મંત્રણાના મેજ પર ભારત હારતું રહ્યું.

કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવા માટે ચીનનો દાખલો પણ લઈ શકાય. ચીને તિબેટ કબજે કરીને તેનું ચીનીકરણ (શિનિકિઝેશન-sinicization-) કર્યું. ચીનના લોકોને ત્યાં વસાવ્યા. તિબેટિયન સંસ્કૃતિને બદલી. શિનજિયાંગ પ્રાંતમાં ચીને મુસ્લિમોના અલગતાવાદને ડામવા અને પ્રાંતને સ્વતંત્ર બનતો અટકાવવા રમઝાનમાં રોજા રાખવા સહિતના પ્રતિબંધો મૂકી દીધા. ચીન વિરોધી પુસ્તકો પર પણ પ્રતિબંધ છે.

કાશ્મીરમાં તો અલગતાવાદીઓને બધી સરકાર તેમની સુવિધાઓ ચાલુ રખાવે છે. ત્યાં બીજાં રાજ્યોની મુસ્લિમ ઇત્તર પ્રજા તો છોડો, પ્રતાડિત કરીને કાઢી મૂકાયેલા મૂળ કાશ્મીરી પંડિતોને પણ પાછા વસાવતા નથી. ત્રાસવાદ ફેલાવતા વહાબી પંથ દ્વારા જમીન પ્રાપ્ત કરીને મસ્જિદો બનાવાય છે તેને અટકાવવાની હિંમત નથી. ઈન્દિરા ગાંધીના સુવર્ણ મંદિરમાં સેના મોકલવાના દાખલા પછી કોઈ રાજકારણી ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી પ્રવૃત્તિને અટકાવવાનું સપનેય વિચારી શકે તેમ નથી. ભારતમાં આસારામ અને સ્વામી અસીમાનંદની ધરપકડ થઈ શકે પણ શાહી ઈમામની નહીં. જે દિવસે કોઈ ખરેખર છપ્પનની છાતી ધરાવતો નેતા આવશે જે આ ઉપાસના પદ્ધતિના નામે જાહેરમાં દેખાડા બંધ કરાવી શકશે, વૉટ બૅંકનું રાજકારણ બંધ કરાવી શકશે, ઉપાસના સ્થાનોમાં દેશવિરોધી કે પછી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરાવી શકશે તે દિવસે પાકિસ્તાન-કાશ્મીર-મુસ્લિમ-હિન્દુ ઝઘડા- એ બધા જ પ્રશ્નોનો ઉકેલ આવશે અને દેશનો સાચો વિકાસ થશે.

(સમાપ્ત)

humor

(હાસ્યલેખ): મોદીની જૂન ૨૦૧૬ની અમેરિકી મુલાકાત પછી (ભારત જેવું) અમેરિકી મિડિયા

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા ને આ વખતે પણ છવાઈ ગયા. અમેરિકામાં મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું, સંસદમાં ઉદબોધન થયું અને તેને સાંસદોએ ઉમળકાભેર વધાવી લીધું. કલ્પના કરો કે અમેરિકાનું મિડિયા ભારતના મિડિયા જેવું હોત તો ત્યાંનાં છાપાંઓમાં કેવી પ્રતિક્રિયા છપાઈ હોત?
કેટલાક સમાચારોનાં મથાળાં:
– ભારતના વડા પ્રધાન માટે લાલ જાજમ બિછાવી સ્વાગત. મોદી માટે રસ્તા બંધ કરાતા લાખો લોકો અટવાયા.
– લોકસભા (ત્યાંની કૉંગ્રેસ)નો અમૂલ્ય સમય અને નાણાં વેડફાયાં.
– ઓબામા- મોદીએ ખાધું પીધું ને વખાણ કર્યા (આ તો ઑલરેડી આવી ગયું)
– મોદીનું અંગ્રેજી હાસ્યાસ્પદ. (તન્મય બટ્ટ જેવા ગેગ બનાવી નાખે)
– હરખપદુડા સાંસદોએ નવ વાર ઊભા થઈને માન આપ્યું. ઑટોગ્રાફ લેવા પડાપડી.
– અમેરિકા પર ચૂંટણીનો જંગી ખર્ચ ઊભો છે ત્યારે આવા તાયફા કરવાની શી જરૂર?
– મોદીએ સંભવિત પ્રમુખોની અવગણના કરી. ટ્રમ્પ-હિલેરીને મળ્યા નહીં.
– મોદીએ સેનેટરોની મજાક ઉડાવતાં રિપબ્લિકન પક્ષે તીવ્ર ઝાટકણી કાઢી. (આ નિવેદન એમ ને એમ છાપાંએ જ લખી નાખ્યું છે) રિપબ્લિકન પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે કંઈ ભારતની કૉંગ્રેસના રાહુલ ગાંધી જેવા નથી કે મોદી અમારી મજાક ઉડાવી જાય. હવે નવા પ્રમુખ અમારા પક્ષના ટ્રમ્પ જ બનવાના છે ત્યારે મોદીને અમારી ઉપેક્ષા ભારે પડશે.
– મોદી જેવા મુસ્લિમોના હત્યારા જે દેશના વડા પ્રધાન છે ત્યારે અમેરિકાએ એમટીસીઆરમાં ભારતને પ્રવેશ આપીને પગ પર કુહાડી મારી છે.
– મોદીનો ટ્રમ્પના ગાલ પર તમાચો (ગુ.સ. સ્ટાઇલ): અમેરિકામાં, અમેરિકાની સંસદમાં રિપબ્લિકનોની મજાક ઉડાડી.
– ઓબામાનાં બેવડાં ધોરણ: એક બાજુ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો વિરોધ અને બીજી બાજુ ભારતના મોદીને અછોવાના
– (આ બૉક્સ આઇટમ છે જે ટેબલ પર તંત્રીની મનની ઈચ્છા મુજબ લખાય છે) મોદીએ ડેમોક્રેટિક પક્ષને વિશાળ ચૂંટણી ભંડોળ આપ્યું? ડેમોક્રેટિક સાંસદોને ખરીદી લીધા?
– વર્ષમાં બીજી વાર મોદીને બોલાવી શાકાહારી ભોજન જમાડી પ્રજાના પૈસાનું પાણી કર્યું…કોના બાપની દિવાળી? (આ કોના લેખનું હેડિંગ છે તે કહેવાની જરૂર નથી. માફી પછી માગી લેવાશે.   )

તંત્રી દેખ (લેખના બદલે દેખ એટલા માટે કે ચોક્કસ ‘દૃષ્ટિકોણ’થી લખાતા આ લેખ છાપાના તંત્રી જ જોતા હોય. ઘણી વાર તો એ પણ નહીં. લખનાર પણ વાચતા નથી. માત્ર પ્રૂફ રીડર હૃસ્વ ને દીર્ઘ ઇ-ઉ જોતા હોય છે.)

અમેરિકાએ અમેરિકાનાં હિતોને ગિરવે મૂકી ભારતના વડા પ્રધાન સમક્ષ નાકલીટી તાણી!
જ્યારે અમેરિકાના માથે પ્રથમથી જ ચૂંટણીનો જંગી બોઝો છે, ત્યારે જગત જમાદારીનો ફાંકો ધરાવતા ઓબામાએ પહેલી વાર સ્ટેટ ગેસ્ટ તરીકે મૌનમોહન અને છેલ્લી વાર અત્યંત બોલકા એવા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બોલાવીને અમેરિકાનો રથ ધરતી પર એક વેંત નીચે ઉતારી દીધો છે. અમેરિકાના રાજકારણીઓ જાણે કે મોદીથી વશીભૂત થઈ ગયા છે. વિપક્ષ રિપબ્લિકનોને પણ એવો સવાલ પૂછવાનું મન નથી થયું (જો અમને ભારતના પ્રશાંત કિશોરની જેમ હાયર કર્યા હોત તો અમે તેમને આ સવાલ જરૂર આપત) કે અમેરિકામાં અગ્નિ અમેરિકાથી લઈને ઈશાન અમેરિકામાં ભારે બરફ વર્ષા થઈ છે અને આ બરફને કાઢવા લાખો ડૉલર વપરાવાના છે ત્યારે એ કામ પર ધ્યાન આપવાના બદલે ઓબામા મોદીની આગતાસ્વાગતા કરી રહ્યા છે. અને તેના માટે પ્રજાના પૈસાનું પાણી કરી રહ્યા છે. આમ કરીને ઓબામાએ અમેરિકા માટે નીચાજોણું કર્યું છે.
જ્યારે અમેરિકાની માનવ અધિકાર સંસ્થાઓ (અમેરિકામાં થતા હિન્દુઓ ને શીખો સામેના હેટ ક્રાઇમ ભૂલીને) ભારતમાં લઘુમતી પર થતા અત્યાચારો અંગે આવો જલદ રિપોર્ટ આપતી હોય ત્યારે અમેરિકાની લઘુમતી (એટલે કે અલ્પમતિવાળા એવા અમે- આ તંત્રી દેખ લખનાર)ના મનમાં મોદીના ભાષણ વખતે એ પ્રશ્ન સતત ડોકિયાં કરી રહ્યાં હતાં કે અમે જેમને અમારા (લઘુમતીના) માનીને પ્રમુખ તરીકે ચૂંટ્યા તેમણે અમારા ભારતના ભાઈઓના પ્રશ્નો કેમ ઉઠાવ્યા નહીં. વળી ફૉર્ડ ને ગ્રીન પીસ સહિત અનેક એનજીઓ પર મોદીએ પ્રતિબંધ મૂકી લોકશાહીનું ખૂન કર્યું છે  (અમારી એનજીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. એટલે તો અમને પેટમાં દુઃખે છે.) ત્યારે ઓબામાએ અમેરિકાનાં હિતોની પરવા ન કરીને આ પ્રશ્નો પણ ઉઠાવ્યા નહીં. એવું જણાય છે કે હજુ નવા પ્રમુખની ચૂંટણી પણ નથી થઈ ત્યાં અત્યારથી જ ઓબામાએ પ્રમુખ તરીકે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે.
ભારતના જે વડા પ્રધાન મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ત્યાંના ‘આપ કી અદાલત’ કાર્યક્રમમાં ‘ઓ-બા-મા’ એવું કહીને ઓબામાની મજાક ઉડાવતા હતા તેમણે એવો તો શું જાદુ કરી દીધો કે ઓબામા ચીન, સિરિયા ને યમનના અગત્યના પ્રશ્નો પર ધ્યાન દેવાના બદલે તેમની સાથે વર્ષમાં તણ-તણ-ચચ્ચાર વાર મીટિંગો કરે છે? શું ઓબામા ભૂલી ગયા છે કે મોદી પર તેમના જ મુસ્લિમ બંધુઓની હત્યાનો આરોપ છે? ક્યાંક ઓબામાએ દેશની તિજોરી મોદી માટે ખુલ્લી તો નથી મૂકી દીધી ને? શું ઓબામા ભૂલી ગયા કે અમારી (પ્રૂફરિડર આ ડિલિટ કરી નાખવું. ભૂલથી સાચું લખાઈ ગયું) રિપબ્લિકન સરકારે મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો જેને ઓબામાની ડેમોક્રેટિક સરકારે પણ વર્ષ ૨૦૧૪ સુધી ચાલુ રાખ્યો હતો? તેમને અમેરિકા આટલી બધી વાર આવવા દેવાયા એ અમેરિકાનું અપમાન નથી? ક્યાંક ઓબામાએ અમેરિકાનાં હિતોના ભોગે મોદી સાથેની અંગત દોસ્તીને પ્રાધાન્ય નથી આપ્યું ને?
ઓબામાને કદાચ વાંધો નહીં હોય કે આપણા પૂર્વજો (બ્રિટિશરો)ના દાસ અને અત્યારેય મદારી-સાપો (જો અમારી વાત ખોટી હોય તો કલર્સ ચેનલ પર ટોપ વ્યૂઅરશિપવાળી નાગિન સિરિયલ ને સસુરાલ સિમરન કા જોઈ લેવી)ના પિદ્દી જેવા દેશ ભારતના વડા પ્રધાન તેમને બરાક કહીને બોલાવે છે. આ તેમનું અપમાન નથી પણ અમેરિકાનું ચોક્કસ છે. અમેરિકાના કોઈ પ્રમુખ કોઈ દેશના પ્રમુખ સામે આ હદે ઝૂકી નહોતા ગયા. ઓબામાના કાર્યકાળ દરમિયાન અમેરિકાની પડતીની આ સર્વોચ્ચ નિશાની છે. વળી ઓબામા ને ડેમોક્રેટિક પક્ષની બહુમતીવાળી કૉંગ્રેસના સાંસદો એ પણ ભૂલી ગયા કે ભૂતકાળમાં ને હમણાં સુધી ભારત રશિયાના ખોળે બેઠેલું હતું. કુદનકુલમ પ્રૉજેક્ટ એનો નમૂનો છે. તેના માટે થઈને ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે અમેરિકાના ઈશારે એનજીઓ ભારતના વિકાસમાં રોડા નાખે છે અને મોદીએ અમેરિકાની એનજીઓ પર પ્રતિબંધો મૂકી દીધા. ને મોદી તો આવતાં વેંત ચીનના ખોળે બેસી ગયેલા. શું મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગની પોતાની માતૃભૂમિરાજ્ય ગુજરાતના અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે હિંચકા પર હિંચકાની સાથે ખમણ-ઢોકળાં ખાતાં ખાતાં જે આગતાસ્વાગતા કરી તેવી ક્યારેય ઓબામાની કરી? તો પછી મોદીની આટલી આવભગત કેમ? શું મોદી ઓબામાનું કોઈ સિક્રેટ જાણે છે? તેમના હાથમાં ઓબામાની કોઈ દુઃખતી નસ છે? ઓબામા તો નિવૃત્ત થઈ જશે પણ આવનારી ચૂંટણીમાં હિલેરી પાસે પ્રજા આનો જવાબ જરૂર માગશે.

gujarat guardian, international, sports

ફૂટબોલ જગત: તેરા ક્યા હોગા, બ્લેટ્ટર?

ફૂટબોલ જગત અત્યારે સૌથી મોટા કૌભાંડથી હચમચી ગયું છે. ૨૭મેએ સવારે ઝ્યુરિચમાં સ્વિસ પોલીસ એક ફાઇવ સ્ટાર હોટલ પર ત્રાટકી. આ હોટલમાં ફૂટબોલની સંસ્થા ફિફાની વાર્ષિક બેઠક ચાલી રહી હતી. પોલીસે પાંચ અધિકારીઓની ધરપકડ કરી. આના કલાકો પછી ન્યૂ યોર્કમાં ન્યાય વિભાગે ૧૪ લોકો સામે ૪૭ આરોપો મૂક્યા. આ ૧૪માં ફિફાનાં મોટાં માથાં, સ્પોર્ટ્સ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ, અને બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનના માલિકનો સમાવેશ થતો હતો. તેમની સામેના આરોપમાં કૌભાંડ, વાયર ફ્રોડ અને કાળાં નાણાંને ધોળાં કરવા (મની લૉન્ડરિંગ)નો સમાવેશ થતો હતો.

ન્યાય વિભાગના આરોપો ફિફા અને સ્પોર્ટ્સ માર્કેટિંગ ગ્રૂપ તેમજ બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશનો વચ્ચે વિશ્વ કપ અને અન્ય સોસર ટુર્નામેન્ટોના ટેલિવિઝન પ્રસારણ હકો અંગે હતા. આરોપીઓ ખાસ (એક્ઝક્લુઝિવ) ટેલિવિઝન કૉન્ટ્રાક્ટ દેવા માટે માર્કેટિંગ પેઢીઓ પાસેથી લાંચ મેળવતા હતા. અને કુલ લાંચનો સરવાળો ૧૫ કરોડ ડોલરથી વધુ થવા જાય છે. આમાં માત્ર આજની વાત નથી. ૧૯૯૧થી આ બધું ચાલ્યું આવે છે. એમ સમજોને કે બે પેઢીના અધિકારીઓએ આ બધો ભ્રષ્ટાચાર કર્યો છે. ન્યૂ યોર્કમાં થયેલો આ કેસ તો માત્ર ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં થયેલા ભ્રષ્ટાચારને લગતો છે. એમ તો, વર્ષ ૨૦૧૦માં પણ ફિફાએ ૨૦૨૨નો વિશ્વકપ કતારને આપ્યો હતો ત્યારે મત ખરીદવાના અહેવાલો બહાર આવ્યા જ હતા. પરંતુ ન્યૂ યોર્કમાં થયેલા કેસમાં તેની તપાસ થવાની નથી.

જેમ મોટા ભાગના કિસ્સાઓમાં થાય છે તેમ ફિફાએ પણ પ્રશ્નના મૂળમાં જવાના બદલે કેટલાકને બલિના બકરા બનાવીને તેમને સસ્પેન્ડ કરી દીધા. જેમના પર આરોપો છે તેમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં સોસર ચલાવતી સંસ્થાઓ કોન્કાકાફ (સીઓએનસીએસીએએફ) અને કોન્મેબોલ (સીઓએનએમઇબીઓએલ) છે. ઝ્યુરિચમાં જેમની ધરપકડ કરાઈ તેમાં કેમેન ટાપુઓ, ત્રિનિદાદ અને ટોબેગો, નિકારગુઆ, કોસ્ટા રિકા, ઉરુગ્વે અને વેનેઝુએલાના લોકોનો સમાવેશ થાય છે.

ન્યૂ યોર્ક ન્યાય વિભાગને કરેલી ગિલ્ટ પ્લીયા (અપરાધ સ્વીકારતી અરજી)માં અન્ય ચાર લોકો અને બે કૉર્પોરેટે સ્વીકારી લીધું છે કે પોતે આરોપી છે. તેમાં ફિફાના પૂર્વ અધિકારી ચાર્લ્સ બ્લેઝર તેમજ બ્રાઝિલિયન સ્પોર્ટ્સ માર્કેટિંગ કૉંગ્લોમેરેટના માલિક અને સ્થાપક જોસ હવિલ્લાનો સમાવેશ થાય છે. હવિલ્લા તો તેની અરજીના ભાગ રૂપે ૧૫ કરોડ ડોલર જતા કરવા તૈયાર છે. એ બતાવે છે કે આ લોકો જેલ જવા માગતા નથી.

આ કેસમાં ફિફાના મોટાં માથાંના નામ ભલે હોય, પણ એક મોટી માછલી તેમ છતાં જાળમાંથી છટકી ગઈ છે અને તેનું નામ છે, સેપ્પ બ્લેટ્ટર, ફિફાના પ્રમુખ!

અને નવાઈની વાત તો એ છે કે આ બ્લેટર ૨૯મી મેએ ફરી ફિફાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે! જોસેફ સેપ બ્લેટ્ટર ૧૯૯૮થી ફિફાના પ્રમુખનું પદ બથાવીને બેઠા છે. એમાં ના નહીં કે તેમના નેતૃત્વમાં ફૂટબોલની વિશ્વભરમાં લોકપ્રિયતા વધી છે. કલ્પના કરતાં પણ વધુ આર્થિક સફળતા પણ મેળવી છે. તેઓ પ્રમુખ તરીકે કેવી રીતે ચૂંટાયા તે સવાલ છે પણ તેનો જવાબ સમજવો અઘરો નથી. હકીકતે તો બ્લેટ્ટરે અમેરિકા, બ્રિટન જેવી મહાસત્તાઓની સામે પડીને આ જીત મેળવી છે. તેમણે વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશોનો ટેકો મેળવીને ફરી સત્તા પ્રાપ્ત કરી છે.

ફિફામાં ૨૦૯ દેશો (ઓહ! એટલા બધા દેશો છે. આપણે તો દસથી વીસ દેશો વિશેના સમાચારો જ વાંચતા-સાંભળતા આવ્યા છીએ! સત્તાવાર રીતે તો કુલ ૧૯૫ દેશો છે, પરંતુ ઓલિમ્પિક્સ અને ફિફામાં એવા દેશોને પણ સમાવાયા છે જેમને જરૂરી નથી કે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ તરીકે માન્યતાપ્રાપ્ત હોય, જેમ કે, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ અલગ-અલગ ટીમ તરીકે ભાગ લે છે, પરંતુ તેઓ છે તો એક જ દેશ યુકેના ભાગો.) સભ્યો છે અને દરેક દેશને એક મત પ્રમુખને અને કારોબારી સમિતિને ચૂંટવા માટે મળે છે. બ્લેટ્ટરે આ જ ગણિતને સમજીને તેનો ફાયદો ઉઠાવ્યો છે અને બીજાં ચાર વર્ષ માટે પ્રમુખનું પદ મેળવી લીધું છે. તેમના જ નાક નીચે નવ અધિકારીઓ જેમાં બે તો તેમના સીધા સબઓર્ડિનેટ છે, તેમણે આટલું મોટું કૌભાંડ કર્યું તેનાથી તેમને કોઈ ફરક પડ્યો નથી. (શ્રીનિવાસન યાદ આવે છે ને? સુપ્રીમ કોર્ટે કેટલી બધી વાર ફટકાર લગાવી તો પણ બીસીસીઆઈના પ્રમુખનું પદ છોડતા જ નહોતા) આ ધરપકડ પછી યુરોપ અને ઉત્તર અમેરિકા બ્લેટ્ટરને પ્રમુખપદેથી હાંકી કાઢવા માગતા હતા, પણ કાબા બ્લેટ્ટરે આ મહાસત્તાઓને પણ ભૂ પીવડાવી દીધું.

શુક્રવારે ફિફાની સભામાં સ્ટેજ પર મોટામોટા પડદાઓ લાગેલા હતા. નિયમિત સમયગાળે તેમાં બ્લેટ્ટરના સારાં કાર્યોના વિડિયો દેખાડાતા હતા. તેમાંના એક વિડિયોમાં આફ્રિકાના ખેલાડીઓ દરિયાકાંઠે ફૂટબોલ રમતા હોય છે. વિડિયોમાં અવાજ કહેતો હતો, “અમે સોસરને સર્વત્ર ઉત્તેજન આપીએ છીએ.”

અમાજુ પિનિક જેવા અનેક લોકો બ્લેટ્ટરના પક્ષે હતા. અમાજુ પિનિક એટલે નાઇજીરિયાના સોસર ફેડરેશનના વડા. તેઓ ૧૯૯૯થી બ્લેટ્ટરના મિત્ર છે. ૧૯૯૯માં બ્લેટ્ટર નાઇજીરિયાની મુલાકાત લીધી હતી. તે વખતે તેમણે પિનિકને પણ સાથે રાખ્યા હતા. બ્લેટ્ટરે તેમને ગાજર લટકાવ્યું હતું કે તેઓ આફ્રિકા માટે ઘણું કરવા માગે છે. ફિફામાં નાના દેશોનું પણ ઘણું મહત્ત્વ છે. બ્લેટ્ટરની આ વાતથી પિનિક અને તેમના જેવા અનેક દેશોના લોકો પ્રભાવિત થઈ ગયા છે.

સિએરા લિઓનના સોસર ફેડરેશનના વડાં ઈશા જોનસેને સભામાં ઊભાં થઈને બ્લેટ્ટરનો આભાર માન્યો. કારણ? જ્યારે સિએરા લિઓનમાં ઇબોલા વાઇરસનો આતંક ફાટી નીકળ્યો હતો ત્યારે બ્લેટ્ટરે મદદના પ્રતીક રૂપે ૫૦,૦૦૦ ડોલરની મદદ કરી હતી અને ઇબોલા સામેની લડતમાં સિએરા લિઓનને મળેલું આ સર્વપ્રથમ આંતરરાષ્ટ્રીય દાન હતું.

બ્લેટ્ટરે પણ આ ગરીબ દેશોના સોસર ફેડરેશનોનાં દિલ જીતવા નાના વિકાસ પ્રૉજેક્ટોનો ઉપયોગ કર્યો. તેઓ ફિફાની તિજોરીમાં પણ વધારો કરતા રહ્યા. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૪ વચ્ચે ફિફાની કુલ આવક ૫.૭ અબજ ડોલર થઈ ગઈ. તેમણે વિકાસશીળ દેશોમાં સ્ટેડિયમો બંધાવવામાં સહયોગ આપ્યો અને ત્યાંની લિગોને મદદ કરી. તેમના નેતૃત્વમાં પહેલી વાર ફૂટબોલ વિશ્વ કપ ઇ. સ. ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકામાં રમાયો.

ફિફાના ૨૦૯ સભ્ય દેશોમાં ત્રીજા ભાગના દેશો વિકસિત દુનિયાના છે. તેમના તરફથી બ્લેટ્ટરની કોઈ આવી પ્રશંસા સાંભળવા મળી નહોતી. શુક્રવારે (૨૯ મે) સાંજે જ્યારે મતદાન પૂરું થયું ત્યારે કેમેરા સામે સભામાંથી નીકળતા પશ્ચિમી દેશોના પ્રતિનિધિઓનાં મોઢાં પર નિરાશા સ્પષ્ટ ઝળકતી હતી. તેમાંના અનેકે તો ટિપ્પણી કરવા પણ ઈનકાર કરી દીધો. ડેનમાર્કના જેસ્પર મોલર ક્રિસ્ટેન્સેન જેવા કેટલાકે વાત કરવાની તૈયારી દર્શાવી. ક્રિસ્ટેન્સેને બ્લેટ્ટરની જીતથી નિરાશા વ્યક્ત કરી. સાથે એ પણ કહ્યું કે આ અંત નથી. જો પુરાવા મળશે તો અમે શિસ્તકારી પગલાં લઈ શકીએ છીએ.

સાઇપ્રસના સોસર ફેડરેશનના હતાશ પ્રમુખ કોસ્ટાસ કૌત્સોકૌમ્નીસ કહે છે કે અત્યાર સુધી તો બ્લેટ્ટર સામે કોઈ પુરાવા મળ્યા નથી. ઇએસપીએન મેગેઝિનના વરિષ્ઠ લેખક-પત્રકાર બ્રેટ ફોરેસ્ટ સોસરની દુનિયામાં ભ્રષ્ટાચારની તપાસ વર્ષોથી કરતા રહ્યા છે. તેમને બ્લેટ્ટરની જીતથી આશ્ચર્ય લાગ્યું નથી. અનેક પત્રકારો દાયકાઓથી બ્લેટ્ટરની કાળી બાજુ શોધવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈને કંઈ મળ્યું નથી. એનો અર્થ એ થયો કે બ્લેટ્ટર મોટા ઉસ્તાદ છે.

જોકે ફોરેસ્ટ સ્વીકારે છે કે બ્લેટ્ટરના નેતૃત્વમાં ઘણું સારું કામ થયું છે. હા, આ પ્રોજેક્ટ માટેના નાણાં પૈકી થોડોક જ ભાગ સાચા ઠેકાણે જાય છે તે પણ સ્વીકારવું રહ્યું. બાકીનાં નાણાં આ દેશોના ભ્રષ્ટ અધિકારીઓને મળી જાય છે અને તેથી તેઓ ફિફાના પ્રમુખને વફાદાર રહે છે.

ફિફાનું માળખું સમજીઓ તો એક રીતે આ સુંદર અને શુદ્ધ લોકશાહી છે. ટોગો જેવા નાનકડા દેશને પણ મત આપવાની એ જ સત્તા છે જે જર્મનીને મળેલી છે. પરંતુ આ તેની નબળાઈ પણ બની ગઈ છે. આના કારણે ફિફાના આગેવાનો નાના-નાના ફેડરેશનોની તરફેણ કરતા રહે છે કારણકે તેઓ જાણે છે કે આ ફેડરેશનો તેમના ટેકામાં ઊભા રહેશે. અને પોતાનું પદ ટકી રહેશે.

શુક્રવારની સભામાં અંતિમ ટીપ્પણીમાં બ્લેટ્ટરે સંકેત આપી દીધો કે આવું ચાલતું રહેવાનું! તેમણે આટલા મોટા ભ્રષ્ટાચાર કૌભાંડનો સીધો ઉલ્લેખ જ ન કર્યો! અને તેને માત્ર તોફાન તરીકે ગણાવ્યું! આ તોફાન કુદરતી અને અસ્થાયી છે તેમ કહ્યું. તેમણે ઓશિયનિયાના પ્રતિનિધિઓને ફિફાની શાસક સમિતિઓમાં વધુ બેઠકો આપવાનું વચન આપી દીધું. આ ઓશિયનિયા એટલે ફિજી જેવા પ્રશાંત મહાસાગરના ટાપુઓ.

અને જ્યાં સુધી બ્લેટ્ટર વિકાસશીલ દેશોને તેમની પાછળ ટેકામાં રાખવા માટે તેમની તરફેણ કર્યા કરે છે ત્યાં સુધી સમૃદ્ધ રાષ્ટ્રો તેમના નેતૃત્વને પછાડવા ભૂજ્યો પાપડ પણ ભાંગી શકે તેમ નથી. ૭૯ વર્ષના બ્લેટ્ટર આપણા ખંધા રાજકારણી જેવા જ છે. તેમને હજુ સત્તાનો મોહ છૂટતો નથી. તેઓ પોતાની વાત પર વિશ્વસ્ત છે. તેમણે શેખી મારતા હોય તેમ પોતાના પ્રવચનમાં કહ્યું: “સમય શું છે? સમય તો અનંત છે. આપણે તેને કાપીએ છીએ. જેમ જેમ કોઈ ઘરડો થાય છે તેમ તેમ સમય વધુ ઝડપથી જાય છે. સમય ટૂંકો થતો જાય છે. આમ, હું તમારી સાથે છું અને હું તમારી સાથે જ રહેવાનો છું.” તેમની વાત પર મોટા ભાગના શ્રોતાઓએ તાળી પાડી તે બતાવે છે કે તેમને કેટલો બધો ટેકો છે.

તો યુરોપીયન સોસર ફેડરેશનો પાસે હવે કયા રસ્તા બચ્યા છે? એક રસ્તો તો એ છે કે તેઓ ફિફામાંથી અલગ થઈ જાય. તેનો બહિષ્કાર કરે. ડેન્માર્કના ક્રિસ્ટેન્સેન કહે છે કે તેવું તાત્કાલિક તો નહીં થાય. ૫૪ દેશો બહિષ્કાર કરવા ક્યારેય સંમત નહીં થાય. આ ૫૪ દેશોનું એક સંગઠન છે- યુરોપીયન ફૂટબોલ એસોસિએશન- જે યુઇએફએ તરીકે જાણીતું છે. તેની બેઠક બર્લિનમાં મળી રહી છે. તેમાં બ્લેટ્ટર સામેના વિકલ્પો તપાસાશે.

તેમની પાસે બીજો રસ્તો એ પણ છે કે તેઓ રાહ જુએ કે ફિફાના ધરપકડ કરાયેલા અધિકારીઓ બ્લેટ્ટર સામે નિવેદન આપે.  જો આમ થાય તો બ્લેટ્ટર સામે શિસ્તકારી પગલાં લઈ શકાય. અમેરિકાના ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લાના કાર્યકારી એટર્નીએ વચન આપ્યું છે કે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ આરોપો લાગશે. આમ, જે તપાસ ચાલી રહી છે તેમાંથી જે આરોપો બહાર આવશે તેની સામે આવનારા મહિનાઓમાં ફિફા અને તેના પ્રમુખે ઝીંક ઝીલવાની છે. અમેરિકાની સાથે કામ કરતાં સ્વિસ અધિકારીઓએ એક અલગ તપાસ આદરી છે કે ફિફાએ કઈ રીતે રશિયા અન કતારને આગામી બે વિશ્વ કપ સ્પર્ધાના અધિકારો આપી દીધા.

હવે જોવાનું એ છે કે અમેરિકા કે સ્વિત્ઝર્લેન્ડ પોતાની તપાસમાં બ્લેટ્ટર સામે કોઈ પુરાવા લાવીને તેમના પર સીધી કાર્યવાહી કરી શકે છે કે પછી તેમને બદનામ કરીને તેમની પાસે રાજીનામું અપાવી શકે છે કે કેમ. આમ, બ્લેટ્ટર ભલે શુક્રવારે ફિફાનું પ્રમુખપદ ટકાવવામાં સફળ રહ્યા હોય, તેઓ ચાર વર્ષની મુદ્દત પૂરી કરશે કે કેમ તેમાં શંકા છે. પશ્ચિમી દેશો એક વાર કોઈની પાછળ પડી જાય પછી તેને છોડતા નથી.

(નોંધ: આ લખ્યા પછી બ્લેટ્ટરે રાજીનામું આપી દીધું હતું.)

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં ‘વર્લ્ડ વ્યૂ’ કૉલમમાં તા. ૩/૬/૧૫ના રોજ આ લેખ છપાયો)

gujarat guardian, international

ધાર્મિક સહિષ્ણુતા : અમેરિકાએ આયનો જોવાની જરૂર છે

તાજેતરમાં અમેરિકા પ્રમુખ બરાક ઓબામાએ ભારતની મુલાકાત વખતે ધાર્મિક સહિષ્ણુતાના પાઠ ભણાવ્યા. અમેરિકા પરત જઈને પણ નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ વખતે તેમણે ભારતમાં ધાર્મિક હિંસામાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરી. જોકે, હંમેશ મુજબ, આપણા મોટા ભાગના સેક્યુલર મિડિયાએ તેને સમગ્ર પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાના બદલે તેનો એક અંશ જ રજૂ કર્યો. ઓબામાએ એમ કહ્યું કે માત્ર મુસ્લિમો જ ધર્મના નામે હિંસા કરે છે તેવું નથી. ખ્રિસ્તીઓ પણ તેમાંથી બાકાત નથી. ઓબામા જ્યારે ભારતની પંચાત કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર નહીં હોય કે થોડા જ દિવસોમાં એવું બનશે કે અમેરિકા ખુલ્લું પડી જશે…

આમ તો, અમેરિકા રચાયું ત્યારથી જ અશ્વેતોની દશા શ્વેત લોકોએ ખરાબ રાખી છે. અને કાયદો બન્યા છતાં એમાં કોઈ ધરખમ સુધારો નથી આવ્યો. તાજેતરમાં ફર્ગ્યુસનમાં જે બન્યું તેની આપણને ખબર જ છે. શ્વેત પોલીસ કર્મચારીએ એક અશ્વેતને મારી નાખ્યો. અમેરિકાનું ન્યાયતંત્ર પણ શ્વેત તરફી છે જે આ કેસથી ખબર પડી ગઈ કેમ કે શ્વેત પોલીસ કર્મી નિર્દોષ છૂટી ગયો.

આ વાત ઉખેળવાનું કારણ હમણાં નડિયાદના પિંજના વતની સુરેશભાઈ પટેલ સાથે અમેરિકાની શ્વેત પોલીસે કરેલો અતિ ખરાબ વ્યવહાર જેના કારણે સુરેશભાઈને ગંભીર ઈજા પહોંચી અને લગભગ લકવા જેવી સ્થિતિ સર્જાઈ. સુરેશભાઈનો વાંક શું હતો?

સુરેશભાઈ અમેરિકાના અલબામા શહેરમાં તેમના એન્જિનિયર પુત્ર ચિરાગ, પુત્રવધૂ અને તેમના દોઢ વર્ષના બાળક પાસે રહેવા ગયા હતા. તેમને ગુજરાતીમાં રૂઢ થઈ ગયેલા અંગ્રેજી શબ્દો જ બોલતા આવડતા હતા. તેમને રહેવા ગયાને બે સપ્તાહ જ થયા હતા. ૬ ફેબ્રુઆરીની વાત છે. તેઓ ફૂટપાથ પર ચાલી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ધક્કો માર્યો, મેદાન પર પાડી દીધા અને હાથકડી પહેરાવી દીધી. અમેરિકા પોલીસની આ સામાન્ય રીતરસમ છે. પોલીસે જોકે આમ કરતાં પહેલાં તેમની પૂછપરછ કરી પરંતુ અંગ્રેજી ન આવડતું હોવાથી સુરેશભાઈએ માત્ર એટલું કહ્યું, “નો ઇંગ્લિશ. ઇન્ડિયન. વોકિંગ.” હકીકતે કોઈએ પોલીસને ફરિયાદ કરી હતી કે કોઈક શંકાસ્પદ વ્યક્તિ ગેરેજને જોતા જોતા જઈ રહી છે. આપણે ત્યાં પોલીસને આવી ફરિયાદ કરી હોય તો આવતા વાર થાય એટલી નિષ્ક્રિય છે જ્યારે અમેરિકામાં પોલીસ વધુ પડતી સક્રિય અને શંકાશીલ છે. તેણે સુરેશભાઈની વાતને સમજ્યા વગર તેમની સાથે એટલું ખરાબ વર્તન કર્યું કે જાણે તેઓ કોઈ રીઢા ગુનેગાર હોય.

અમેરિકામાં સામાન્ય રીતે તો આવી ફરિયાદના કિસ્સામાં આરોપી પોલીસને કંઈ થતું નથી હોતું, પણ આ કિસ્સામાં, પોલીસ અધિકારી એરિક પાર્કરની ધરપકડ થઈ છે. પોલીસે સ્વીકાર્યું છે કે જે પોલીસ કર્મીઓએ આ વર્તન કર્યું છે તે અપેક્ષા મુજબનું નથી. ચિરાગ પટેલના વકીલોને લાગે છે કે પોલીસે બરાબર કાર્યવાહી કરી છે. જોકે પોલીસે પહેલાં તો સુરેશભાઈ પટેલને જ દોષી ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે જોવાનું એ છે કે ફર્ગ્યુસન કેસની જેમ ન્યાયતંત્રમાં એરિક સહિતના પોલીસ કર્મીઓ નિર્દોષ છૂટે છે કે પછી સુરેશભાઈને ન્યાય મળે છે.

અમેરિકામાં બિનખ્રિસ્તીઓ, અશ્વેતો કે ઘઉંવર્ણા લોકો પ્રત્યે ભારોભાર ઝેર પ્રવર્તે છે અને તેના અનેક દાખલા છે. અલબત્ત, ૨૦૦૧માં ટ્વિન ટાવર પર અલ કાયદાના હુમલા પછી આ દાખલાઓમાં વધારો થયો છે. દાઢીવાળા એટલા બધાને મુસ્લિમો માની લેવાય છે. શીખો પણ ત્યાં જેને હેટ ક્રાઇમ કહે છે તેના ભોગ બની રહ્યા છે. હજુ સુરેશભાઈના સમાચારની શાહી સૂકાઈ નહોતી ત્યાં મંગળવાર ૧૦ ફેબ્રુઆરીએ નોર્થ કેરોલિનામાં ક્રેગ સ્ટીફન હિક્સે તેના પડોશી અને ૨૩ વર્ષના યુવાન મુસ્લિમ દિહ શેડ્ડી બરાકાત, તેની પત્ની યુસૂર મોહમ્મદ અબુ સલ્હા અને તેની સાળી રઝાન મોહમ્મદ અબુ સલ્હાને ઠાર મારી દીધા. એમ કહે છે કે આ ક્રેગને વંશીયતાના આધાર પર ભારોભાર નફરત હતી. અને તે અલગ વંશીયતાવાળા વિદ્યાર્થીઓને લક્ષ્ય બનાવતો હતો. તેની પાસે ભારે માત્રામાં હથિયારો પણ મળી આવ્યા હતા.

નોંધવા જેવી વાત એ છે કે પ્રમુખ ઓબામાએ આ ત્રણ મુસ્લિમોની હત્યાને વખોડતું નિવેદન આપી દીધું પણ સુરેશભાઈના કિસ્સામાં તેમણે કંઈ કહ્યું હોય તેવું જાણમાં નથી આવ્યું.

એક અહેવાલ મુજબ, અમેરિકામાં વંશ, ધર્મ અને તેની જાતીયવૃતિ કેવા પ્રકારની છે તેના આધારે હિંસા થતી હોય છે જેને હેટ ક્રાઇમ કહેવાય છે. ૨૦૧૧માં અમેરિકામાં કુલ ૬,૨૨૨ હેટ ક્રાઇમ બન્યા હતા. તેમાંથી ૪૭ ટકા વંશીય હેતુવાળા હતા. ૨૧ ટકા જાતીય વૃત્તિના કારણે હતા. દર રોજ ઓછામાં ઓછા ૮ અશ્વેત, ૩ શ્વેત, ૩ ગે, ૩ યહૂદી અને ૧ લેટિનો વ્યક્તિ આવા નફરતના કારણે થતા ગુનાનો ભોગ બને છે. અમેરિકામાં દર કલાકે એક હેટ ક્રાઇમનો ગુનો બને છે.

અમેરિકામાં આવા ગુનાઓમાં જે ગુનેગાર હોય છે તેને મોટા ભાગે માનસિક રીતે વિકૃત (સાઇકો) ગણાવી દેવાય છે અને હેટ ક્રાઇમના ગુનાઓ પર ઢાંકપિછોડો કરાય છે જેથી અમેરિકાનો ટ્રેક રેકોર્ડ બગડે નહીં.

ડેનવેરમાં એક થિયેટરમાં બેટમેન ફિલ્મ ‘ડાર્ક નાઇટ રાઇઝિસ’નું પ્રિમિયર ચાલી રહ્યું હતું ત્યારે નકાબ પહેરીને આવેલા એક જેમ્સ હોમ્સ નામના ૨૪ વર્ષીય યુવાને કંઈ કારણ વગર આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો અને ૧૨ નિર્દોષ લોકો માર્યા ગયા. ઇ.સ.૨૦૧૨માં બનેલી આ કરુણ ઘટનામાં હોમ્સે શા માટે ગોળીબાર કર્યો તો પોલીસ કહે : તેનો હેતુ (મોટિવ) જાણી શકાયો નથી! ભલા માણસ, કોઈ કારણ વગર આમ નૃશંસ હત્યા કરે? અને જો ખરેખર અમેરિકનો માનસિક રીતે આવા વિકૃત થઈ ગયા હોય તો તેના કારણો– પછી તે ખોરાક હોય, હોલિવૂડની હિંસક ફિલ્મો હોય કે શસ્ત્રો રાખવાની પરવાનગી…જે કંઈ હોય તેને નક્કી કરીને આવું ન થાય તે જોવું જોઈએ.

આ જ વર્ષમાં વિસ્કોન્સિનમાં વેડ માઇકલ પેજ નામના માણસે શીખ ગુરુદ્વારામાં આડેધડ ગોળીબાર કરવા માંડ્યો હતો. તેના ગોળીબારમાં છ લોકો માર્યા ગયા. પોલીસ આવી પહોંચતા તેની ગોળી પેજને વાગી અને પેજે પોતાના માથામાં ગોળી મારી દીધી. આ ઘટનામાં પણ પોલીસે ગુનેગારનો હેતુ શો હતો તે કહેવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિ તો મરી ગઈ છે, હવે તેનો હેતુ કેવી રીતે ખબર પડે?!

શીખો સામેના હેટ ક્રાઇમની જો યાદી બનાવવા બેસીએ તો જગ્યા ઓછી પડે. તેમ છતાં કેટલાંક ઉદાહરણો પર અછડતી નજર. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૦૧. એટલે કે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ ત્રાસવાદી હુમલાના ચાર દિવસ બાદ એરિઝોનાના મેસામાં ૪૯ વર્ષીય બલબીરસિંહ સોઢીને તેના ગેસ સ્ટેશન બહાર મારી નખાયા. ૧૮ નવેમ્બર, ૨૦૦૧ના રોજ ન્યૂયોર્કમાં એક ગુરુદ્વારાને ત્રણ કિશોરોએ સળગાવી દીધું. ૧૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ લોસ એન્જેલસમાં સુરીન્દરસિંહ સિધીને તે ઓસામા બિન લાદેન હોવાનો આરોપ મૂકીને બે જણાએ ઢોર માર માર્યો. ૬ ઓગસ્ટ, ૨૦૦૨ના રોજ ડેલ શહેરમાં ઉપરોક્ત બલબીરસિંહ સોઢીના ભાઈ સુખપાલસિંહ ટેક્સી ચલાવતો હતો ત્યારે ઠાર મરાયો.૨૦ મે, ૨૦૦૩ના રોજ ફોએનિક્સમાં ૫૫ વર્ષના શીખ ઇમિગ્રાન્ટ અને ટ્રક ડ્રાઇવર અવતારસિંહ તેના દીકરાને લેવા ગયો હતો ત્યારે તેને ઠાર મરાયો. તેને મારનારના શબ્દો હતા: “તું જ્યાંથી આવ્યો છો ત્યાં પાછો જા.” ૫ ઓગસ્ટ, ૨૦૦૩ના રોજ ન્યૂયોર્કમાં એક શીખ પરિવારને દારૂડિયાઓએ ઢોર માર માર્યો ત્યારે પણ આ જ શબ્દો હતા, “તું જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જા.”

૧૩ માર્ચ, ૨૦૦૪ના રોરજ ફ્રેસ્નોમાં ગુરુદ્વારામાં તોડફોડ કરાઈ અને ભીંત પર લખવામાં આવ્યું : “રેગ્સ ગો હોમ” અને “ઇટ્સ નોટ યોર કંટ્રી”. ૨૪ મે, ૨૦૦૭ના રોજ ક્વીન્સમાં ૧૫ વર્ષના શીખ વિદ્યાર્થીના વાળ બળજબરીથી એક તેનાથી મોટા વિદ્યાર્થીએ કાપી દીધા. મોટા વિદ્યાર્થીએ તેને વીંટી બતાવતા કહ્યું હતું, “આ વીંટી અલ્લાહ છે. જો તું મને તારા વાળ કાપવા નહીં દે તો આ વીંટી સાથે હું તને મુક્કા મારીશ. ૧૪ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ ન્યૂયોર્કમાં ૬૩ વર્ષના બલજીતસિંહને ગુરુદ્વારાની બહાર તેની પડોશમાં રહેતા ડેવિડ વૂડ નામના એક માણસે હડપચી અને નાક તોડી નાખ્યું. વૂડે અગાઉ પણ ગુરુદ્વારામાં આવતા માણસોને પરેશાન કરવા પ્રયાસ કર્યા હતા. ફોએનિક્સમાં ઇન્દરજીતસિંહ જસ્સાલને ઠાર મારવામાં આવ્યો. આ ઘટનામાં પણ ગુનેગારનો હેતુ જાણી શકાયો નહીં.

માત્ર હિન્દુ, શીખ કે મુસ્લિમોને જ નિશાન બનાવીને હેટ ક્રાઇમ આચરાતા નથી. ૧૯૯૨માં એક જાપાનીઝ વિદ્યાર્થી જે વિનિમય પ્રોગ્રામમાં અમેરિકાના લુઇઝિયાના ગયો હતો અને બહુ થોડું અંગ્રેજી આવતું હતું તેને એક પાર્ટીમાં જવું હતું, પરંતુ ભૂલથી ખોટા ઘરની ઘંટી તેણે વગાડી દીધી. એમાં તો ઘરના માલિક રોડની પીઇર્સે તેને ઠાર મારી દીધો! ખટલો ચાલ્યો પણ રોડની નિર્દોષ છૂટી ગયો!

૨૦૦૩માં વિયેતનામથી આવેલી, ૨૫ વર્ષીય અને બે બાળકોની માતા કાઉ ટ્રાન રસોડામાં શાક સુધારી રહી હતી ત્યારે પોલીસે તેને ઠાર મારી. પોલીસનું કહેવું હતું કે ટ્રાને તેને છરી બતાવી હતી! એટલે શું રસોડામાં છરી પણ ન રાખવી?

આપણે ત્યાં અમેરિકાના વખાણ બહુ થાય છે, પણ અમેરિકાની પરિસ્થિતિ ભારતથી જુદી નથી. તેના કાયદા કડક હશે, પોલીસ ત્વરિત હશે પરંતુ ઘણી બધી રીતે ભારત જેવી જ સ્થિતિ, અમુક હદે તો ભારત કરતાં બદતર સ્થિતિ ત્યાં પ્રવર્તે છે, પરંતુ મિડિયાના પ્રચારમાં અને ગુલામી માનસિકતા હોવાના કારણે આપણને અમેરિકા સ્વર્ગ સમું ભાસે છે. અહીં કોઈ નેતા બળાત્કારના કારણ માટે સ્ત્રીના કપડા જવાબદાર ઠરાવે તો તેને ખાપ કે તાલિબાની માનસિકતાવાળા ગણાવાય છે, પણ અમેરિકામાંય હમણાં એક રિપબ્લિકન સાંસદ, નામે, ડેવિડ મૂરેએ યોગ કરવા માટે પહેરાતા પેન્ટ, જેને યોગ પેન્ટ નામે ઓળખાય છે, તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતો ખરડો રજૂ કર્યો હતો. મૂરેભાઈનું કહેવું હતું કે આવા પેન્ટથી લોકોની વૃત્તિ ભડકે છે. તેમણે નગ્ન થઈને ચલાવાતી સાઇકલ પર (એટલે સાઇકલ પર નહીં, નગ્ન ચલાવવા પર) પ્રતિબંધ મૂકવા પણ માગણી કરી હતી. જોકે, આ ખરડો પસાર થઈ શક્યો નથી.

ભારતને ધાર્મિક સહિષ્ણુતાના પાઠ ભણાવતા ઓબામાને કહેવાનું મન થાય કે પહેલાં આયનો જુઓ, પછી અમને સલાહ આપો.

(તા.ક.: આ લેખ જે દિવસે છપાયો તે દિવસના સમાચારપત્રોમાં સમાચાર હતા કે અમેરિકામાં એક મંદિર પર હુમલો થયો છે અને મંદિરની દીવાલ પર ગેટ આઉટ લખવામાં આવ્યું હતું.)

(ગુજરાત ગાર્ડિયન દૈનિકની બુધવારની પૂર્તિમાં વિશેષ કૉલમમાં તા.૧૮/૨/૧૫ના રોજ આ લેખ છપાયો).